ચૌદમાં અધ્યાયની અંદર સાત્વિક, રાજસિક અને તામસિક ત્રણ ગુણોનું વિવરણ છે, સ્પષ્ટ વ્યાખ્યા છે અને તેના ઈલાજો છે.

ભદ્રાયુ વછરાજાની                    (52)         bhadrayu2@gmail.com 

શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય ૧૪, જેનું શીર્ષક છે, ગુણત્રયવિભાગયોગ. વિનોબાજી  એમ કહે છે કે, આ ચૌદમો અધ્યાય એ પાછળના અધ્યાયની પૂર્તિ કરે છે. તેરમા અધ્યાયમાં આપણે  જોઈ ગયા કે  ગમે તે ઉપાયે દેહ અને આત્માને આપણે અલગ પાડી શકીએ તો પ્રગતિ કરવાનું બની શકે. જે પોતાની જાત પર રાજ્ય કરે છે તે વિશ્વનો સમ્રાટ બને છે. દેહની આત્મા  પરની સત્તા દૂર થવી જોઈએ. સુખ દુઃખ વિદેશી છે, તે પારકાં છે. તેમનો  આતમની સાથે જરા પણ સબંધ નથી, એવું સ્પષ્ટ અહીં કહેવામાં આવ્યું છે. દેહ તૂટીને પડી જતો  હોય તે વખતે પણ અત્યંત શાંત તેમજ આનંદમય કેવી રીતે રહી શકાય તે ભગવાન ઈશુ  બતાવે છે. પણ દેહને આત્માથી અળગો પાડવાનું કામ જેમ એકબાજુથી વિવેકનું છે, એવી જ રીતે બીજી બાજુથી નિગ્રહનું છે. તુકારામ કહેતા કે, વિવેકની સાથે વૈરાગ્યનું બળ હોવું જોઈએ. 

આ વિવેક અને વૈરાગ્ય એ બે બાબત સમજવા જેવી છે. વૈરાગ્ય એટલે જ એક રીતે નિગ્રહ છે, તિતિક્ષા છે. આ ચૌદમા અધ્યાયમાં આપણને નિગ્રહની દિશા બતાવી છે. હોડી  ચલાવવાનું કામ તો હલેસા મારનારો કરે છે, પણ દિશા નક્કી કરવાનું કામ સુકાનનું છે. હલેસા અને સુકાન બંનેની જરૂર છે, એ જ પ્રમાણે દેહના સુખ દુઃખથી આત્માને અળગો કરવાના કામમાં વિવેક અને નિગ્રહ એ બંનેની જરૂર આપણને રહે છે. મારી, તમારી, સર્વે જીવની બધાએ ચરાચરની જે પ્રકૃતિ છે તેમાં ત્રણ ચીજ છે. વિનોબાજી સરસ સરખામણી કરે છે. તેઓ કહે છે, આયુર્વેદમાં જેમ વાત પિત્ત અને કફ છે, તેમ અહીં ગીતા આપણને સત્વ, રજ અને તમ એ ત્રણ ગુણો પ્રકૃતિમાં મળેલા છે તેવું કહે છે. સર્વત્ર આ ત્રણ ચીજોનો મસાલો છે. ફેર હોય તો  એટલો કે ક્યાંક એકાદો થોડો, તો ક્યાંક એકાદ વધારે આ ત્રણથી આત્માને અળગો પાડીએ તો જ દેહથી આત્માને અળગો પડી શકાય. દેહથી આત્માને જુદો પાડવાનો રસ્તો આ ત્રણ ગુણોને તપાસી તેમને જીતી લેવાનો રસ્તો છે. નિગ્રહ વડે એક પછી એક ચીજને જીતતા જીતતા મુખ્ય વસ્તુની પાસે આપણે પહોંચવાનું છે. 

આ અધ્યાયની અંદર સાત્વિક, રાજસિક અને તામસિક એ ત્રણ ગુણોનું વિવરણ છે, સ્પષ્ટ વ્યાખ્યા છે અને તેના ઈલાજો છે. આપણને આ ત્રણ બાબતો માણવા જીવનના અનેક માર્ગો દેખાડવાનું કામ અહીં ભગવાન કરી રહ્યા છે. સ્વામી શ્રી ચિન્મયાનંદજી કહે છે કે, આ અગાઉના અધ્યાયમાં જીવનના અનુભવોની વિચિત્રતાનું કારણ આપણને સમજાવવામાં આવ્યું, પણ જરા ઉતાવળથી થયું. પુરુષ પ્રકૃતિમાં સ્થિત થઈને પ્રકૃતિજન્ય ગુણોનો ભોગ કરે છે, આ વિધાનમાં આ વિવિધતાનો વાસ્તવિક, વૈજ્ઞાનિક આધાર બતાવેલ છે, પણ એને સ્પષ્ટતા સંક્ષેપમાં છે. તેઓ ઉદાહરણ આપે છે કે ગંગાજળને જુદા આકારો અને રંગોની શીશીઓમાં રાખવામાં આવે તો એ જળ વિવિધ રંગોનું બનશે. પરંતુ આપણે જાણીએ છીએ કે આ રંગ અને આકારની વિવિધતા એ શીશીઓના કારણે છે, જળના કારણે નથી, કારણ કે ગંગાજળ તો બધા એક સરખું છે, એ જ પ્રમાણે એક જ પરમાત્મા જુદી જુદી ઉપાધિઓમાં જુદા જુદા જીવોના રૂપમાં પ્રગટ થાય છે. જો કે પ્રકૃતિના તત્વો સમાન છે, છતાં ભેદનું કારણ છે પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા ગુણો. આ જે ગુણ શબ્દ અહીં પ્રયોજવામાં આવ્યો છે, તે બહુ સાંકેતિક છે. ગુણ શબ્દનો અર્થ કોઈ એક વસ્તુની વિશિષ્ટતાઓ એવો થતો નથી. એનો અર્થ થાય છે મનોવૃત્તિ. એના પ્રભાવથી મન કાર્ય કરે છે. દરેક જીવનનું આંતરિક વ્યક્તિત્વ ત્રણ ગુણો અથવા ત્રણ ભાવોથી પ્રભાવિત છે અને આ ત્રણ ગુણ એટલે સત્વ, રજ અને તમ. પોતાના જ અંતઃકરણમાં કાર્ય કરી રહેલા આ ત્રણેય ગુણોને ઓળખવાની કળા આપણને જ્ઞાત હોવી જોઈએ. સામાન્ય રીતે રોગીમાં દેખાતા લક્ષણોને જોઈને તેના રોગનું નિદાન કરવામાં આવે છે. ચિકિત્સા શાસ્ત્રમાં લક્ષણાત્મક ઉપચારની એક માન્યતા પ્રાપ્ત વિધિ છે. આ અધ્યાયમાં ગીતાના આચાર્યએ આ ગુણોના થોડા લક્ષણોનું થોડું વર્ણન કર્યું છે. જે તે ગુણની અધિક્તાના કોઈ વ્યક્તિમાં જોવામાં આવે છે. સ્વામી શ્રી ચિન્મયાનંદજી ટકોર કરે છે કે, આ અધ્યાયનું સાવધાનીપૂર્વક અધ્યયન કરવાથી આપણને એવી ક્ષમતા પ્રાપ્ત થાય છે કે, જેના દ્વારા પોતાની તે પ્રબળ પ્રવૃતિઓ જાણી શકીએ છીએ, જે આપણા માનસિક જીવનને સાહસિક કરે છે. જે ગુણોના વશમાં થઈને મનુષ્ય વારંવાર વિભિન્ન પ્રકારના વ્યવહાર કરે છે, તેમના પ્રત્યે જો તે જાગૃત થઇ જાય તો તે પોતાની દુષ્પ્રવૃત્તિ, અનૈતિક ઈચ્છાઓ અને હીન વાસનાઓને છોડીને આત્મસંયમ, સદાચાર અને પૂરું પૂરું શુદ્ધ જીવન જીવવામાં સમર્થ બની શકે છે. 

આ અધ્યાય એક વિસ્તૃત માર્ગદર્શિકા છે, જે આપણને શરીરની કાર્યપ્રણાલીનો બોધ કરાવે છે. સાથે સાથે આપણને એવી સૂચના પણ આપે છે, જેના દ્વારા આપણે તે સમયે પોતાને સાવધાન કરી શકીએ છીએ. અત્યારે આપણી અંદરની રચના રૂંધાઈને સારી રીતે કાર્ય કરવાનું બંધ કરી દે છે. જો કોઈ વ્યક્તિ પોતાની કારના યંત્રોના કાર્યો અને ગુણદોષથી તદ્દન અજાણ હોય તો તેની યાત્રા સુખદ ન હોય. કારણ કે જયારે એન્જીન કામ કરવાનું છોડી દે ત્યારે  તો તે વ્યક્તિ એને સુધારી શકવાની નથી. જયારે ગાડીની બધી જ જાણકારી રાખનાર અનુભવી ચાલક આવી પરિસ્થિતિમાં ગાડીને રોકીને તેના યાંત્રિક દોષો દૂર કરીને ફરીથી પોતાના ગંતવ્ય તરફ આગળ વધી શકે છે. આપણને આપણા શરીર નામના વાહનની બધી યાંત્રિક સ્થિતિઓથી  વાકેફ કરવાનો ખ્યાલ આ અધ્યાયમાં જોવા મળે છે.

 ચૌદમા અધ્યયન પહેલા પાંચ શ્લોકો આ અધ્યાયનો માર્ગ નક્કી કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ બહુ સ્પષ્ટ શબ્દોમાં આપણને કહે છે કે, ઉત્પત્તિ અને સર્જનનું કારણ એકમાત્ર હું છું. તેઓ અર્જુનને અનેક નામોથી સંબોધન કરીને એ સ્પષ્ટ કહે છે કે હું તને ફરીથી સર્વ જ્ઞાનોમાં શ્રેષ્ઠ અને ઉત્તમ જે જ્ઞાન છે તે કહેવાનો છું કે એને જાણીને સર્વ મુનિઓ આ સંસારમાંથી પરમ સિદ્ધિને પામ્યા છે, એવું આ જ્ઞાન છે. હે અર્જુન, આ જ્ઞાનને આચરીને મારા સ્વરૂપને પામેલા સૃષ્ટિકાળમાં ઉત્પન્ન થતા નથી અને પ્રલયમાં વ્યથા પામતા નથી. હે ભારત, મૂળ પ્રકૃતિ મારું ગર્ભાધાન કરવાનું સ્થાન છે તેમાં હું ગર્ભને મુકું છું, તેથી સર્વભૂતોની ઉત્પત્તિ થાય છે. હે કૌંતેય, સર્વયોનીઓમાં જે શરીરે ઉત્પન્ન થાય છે તેમની પ્રકૃતિ માતા છે અને હું ગર્ભાધાન કરનારો પિતા છું. આટલી સ્પષ્ટ વાત કર્યા પછી પાંચમા શ્લોક થી આપણામાં રહેલા ત્રણ ગુણો તેની વાત આપણે અગાઉ કરી તેના તરફ અંગુલી નિર્દેશ કરવાનું શરૂ થાય છે અને ધીમે ધીમે કરતા એ ત્રણેય ગુણોના લક્ષણો અને તેના બાધ્ય અબાધ્ય સ્વરૂપો વિષે વિસ્તૃત પરિચય અને સૂચના અહીં આપવામાં આવે છે.