આદિવાસી નહીં પણ “આદિ તીર્થવાસીઓ”

આદિવાસી નહીં પણ “આદિ તીર્થવાસીઓ”

આદિવાસી નહીં પણ "આદિ તીર્થવાસીઓ"

અખંડ આનંદ: મે 2024

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

સૌના અચંબા વચ્ચે ગામ  લોકોએ ત્રણ દિવસની અંદર આખા કથા મંડપને લીંપવાનું  કામ પૂરું કર્યું !!

આપણી સાથે પણ આપણાથી ઘણા બધા દૂર દૂર એવા લોકો જીવે છે કે જેને જોઈએ તો એ લોકો આપણને વિચિત્ર લાગે, ઠીક ઠીક જુદા લાગે, બહારના દેખાવ પરથી અબુધ હોવાનો ભાસ પણ પડે. જો કે, તેઓ અબુધ હોતા નથી, ભોળા ભટ્ટ હોય છે. ઓછામાં ઓછું બોલવું અને ટગર ટગર તમને નિહાળ્યા કરવું એ તેની વિશેષતા છે. તેઓની સમજ કેટલીક બાબતોમાં આપણાથી પણ અદકેરી છે. મનુષ્યની જાતિ ઉતપન્ન થઇ હશે ત્યારે આ લોકો પહેલાં આવ્યા હશે તેવું પણ લાગે, કારણ આપણી દ્રષ્ટિમાં તેઓ ખુબ જુનવાણી છે, અંધારામાં રહેવાનું પસંદ કરે છે, અભણ તો છે પણ ખરા, અલ્પ વિકસિત છે તેઓ આપણી સરખામણીએ.. હા, આપણે તેઓને આદિ જીવો માનીએ છીએ,  જે દૂર જંગલની વચ્ચે કે ડુંગરોમાં વસે છે ને સાવ સાદું સીધું જીવન જીવે છે. શરુ શરૂમાં તો તેઓ પશુ ને પક્ષીઓને મારીને ખાતા હતા અને એકદમ નહીંવત જરૂરિયાત વચ્ચે જીવતા હતા. આવા આદિવાસીઓ વિશ્વભરમાં છે, અરે, વિકસિત દેશોમાં પણ ખૂણે ખાંચરે તેઓની મોજુદગી છે. આપણે તેને આદિવાસીઓ કહીએ છીએ. હવે જો કે આ આદિવાસીઓ પણ પોતાના વિષે અને પોતાના માનવ હોવા વિષે અને પોતાના માણસ તરીકેના કેટલાક અધિકારો વિષે સજાગ થયા છે અને તેના જૂથો હવે પક્ષીય રાજકારણનો પણ ભાગ બન્યા છે.

આ આદિવાસીઓની અલ્પસમજનો લાભ ઉઠાવી તેને ગેરમાર્ગે દોરવાની  પ્રવૃત્તિ પણ અન્ય લોકો દ્વારા થતી રહી છે અને ભારતના સ્વતંત્ર થયાના છોંતેર વર્ષો પછી પણ આ લોકોનો લાભ લઇ તેમને ધર્મ પરિવર્તન કરાવવાનું ષડયંત્ર ચાલે છે. ગુજરાતના એક આવા આદિવાસીઓ વસતા હોય તેવાં નાના ગામમાં રહેવાનું થયું. જો કે, આ ધરમપુર તાલુકાનું ગામ ખાંડા  તો પ્રમાણમાં ઘણું જાગૃત ગામ છે અને કેટલાંય પ્રવાસન સ્થળોની  પ્રાકૃતિક સંપદાથી ઘેરાયેલ છે. અહીં કથા ગાન નવ દિવસ સુધી ચાલ્યું. ઉદ્દેશ્ય ગામમાં ખૂટતી સુવિધાઓ ઉભી કરીને આ લોકોમાં આત્મવિશ્વાસ જગાવાનો હતો.  કટાહ આરંભે જ  લોકોને “આદિ તીર્થ વાસીઓ” એવું ઉપનામ આપી તેઓને નવાજવામાં આવ્યા.

કથા કેવી રીતે માણસ માણસ ને જોડે છે એની થોડી વાત આજે કરવી છે. કથા પહેલાના બે મહિનાથી જ્યારે કથા મંડપ, રસોડું, પાર્કિંગ વગેરે માટે જમીનને સમથળ કરવાનું કામ ચાલતું હતું ત્યારે આ બધાં  કામ કરવા માટે બહારથી એક પણ માણસ અહીં આવ્યો નથી. સવાર પડે અને પોતાની ભેગો નાગલીનો રોટલો બાંધીને ગામવાસીઓ આવી જાય. બે અઢી વાગે ત્યાં સુધી પસીનો પાડીને કામ કરે અને પછી એક બાજુ છાયડે બેસી  રોટલો આરોગે અને ઘર તરફ નીકળી જાય. છેલ્લા એકાદ મહિનામાં તો ત્યાં કથાના આયોજકોએ સમૂહ રસોડું ચલાવ્યું તો રસોઈ બનાવવાનું કામ પણ આ આદિ તીર્થ વાસીઓએ જ કર્યું અને એમાં સફાઈની કાળજી લેવાનું કામ પણ એમણે જ કર્યું. અન્નનું એક પણ કણ નીચે ન પડે તેની તેઓએ કાળજી રાખે છે.

કથા મંડપ માટેની વિશાળ જગ્યા નક્કી થઈ ગયા પછી ગામ લોકોએ આયોજકોને કહ્યું કે, હવે બે ત્રણ દિવસ તમે કોઈ અહીં મેદાનમાં ન આવતા,  કારણ કે અમારે કથા માટે નક્કી થયેલી  આ ભૂમિ આખીને સાફ કરવી પડશે અને એની ઉપર  ગાયનાં છાણથી લીંપણ કરવું પડશે. કથાની તૈયારીમાં વ્યસ્ત મિત્રો તો આશ્ચર્યમાં  પડી ગયા કે, અંદાજે પાંત્રીસેક હઝાર લોકો બેસે તેવી આવડી  મોટી જગ્યાને છાણ ને ગારથી લીપવી કેમ શક્ય બનશે ??  પણ ગામ લોકોએ કહ્યું, એ તમે ચિંતા ન કરો. અને સૌના અચંબા વચ્ચે ગામ  લોકોએ ત્રણ દિવસની અંદર આખા કથા મંડપને લીંપવાનું  કામ પૂરું કર્યું. તેઓ પાંચ પાંચના ગ્રુપમાં ભૂમિના કોઈપણ છેડે જતા રહે અને એટલા ભાગને સરસ મજાનો લીપી દે અને પાછા આગળ વધતા જાય. આમ કરતાં કરતાં પૂરેપૂરી જગ્યાને ગારથી લીપી ને સુંદર કરી દીધી. એમને કહેવામાં આવ્યું કે, ભાઈ, આની ઉપર તો કાર્પેટ આવશે હો, તો કહે, ‘ભલે ને કાર્પેટ આવે, પણ જ્યાં કથા કરવાની હોય એ મંડપને શુભ કરવા માટે છાણથી લીપવો તો જ પડે.’  આટલો વિશાળ મંડપ એને છાણ થી ને ગોરમટા થી સરસ મજાનો લીપવાનું કામ જ્યારે આ આદિવાસી મિત્રોએ કર્યું ત્યારે આશ્ચર્યચકિત થઈ જવાયું..પણ ત્યાંના સરપંચે સમજાવ્યું કે, ‘અમારે મન આ જમીન નથી, ભૂમિ છે. ભૂમિ અમારી માતા છે. આજુબાજુના ખડકો અમારા પિતાઓ છે. અમારે મન તો સૂર્ય, પવન અને પાણી પણ દેવતાઓ જ છે એટલે તેમનો જયારે લગીર પણ ઉપયોગ કરીએ ને ત્યારે તેનું પૂજન તો કરીએ જ.’.. સરપંચના તર્કમાં  ભારોભાર સત્યનો રણકો હતો,  તેથી માથું ઝૂકી ગયું.

આપણે આ લોકોને આદિવાસી કહીને અલગ ગણીએ તેમાં આપણી ભૂલ છે કે નહીં ?? કથાના આરંભે તેઓને કહેવાયું કે, આજથી તમે આદિવાસી નથી, પણ “આદિ તીર્થ વાસીઓ” છો, એ કેટલું યથાર્થ હતું !?!

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


‘જીવ, જગત, અને ઈશ્વર એ અનાદિ ત્રિકોણ છે.’

ઋષિ તો કદાચ એમ કહેવા માંગે છે કે, સંસારનો રાગ અને સંસારનો ત્યાગ બંને છેડાઓની વચ્ચે જે મધ્યસ્થ વૃત્તિ છે તે જ્ઞાનનિષ્ઠા છે

ભદ્રાયુ વછરાજાની                                       bhadrayu2@gmail.com 

ગહન વિષયોની સરળતાથી ચર્ચા કરતાં  વર્ષો જૂનાં  એક પુસ્તકની પહેલી આવૃત્તિ હાથમાં આવી ગઈ છે. 1959માં ડિસેમ્બર મહિનામાં એ પુસ્તકની પહેલી આવૃત્તિ બહાર પડી. આ પુસ્તક હકીકતમાં કટાર લેખક યશોધર મહેતાના લેખો ઉપરથી તૈયાર થયું, અને એટલું નહીં પણ પુસ્તકનું નામ અગમનિગમ રાખવામાં આવ્યું, તે જ અગમ-નિગમ નામનું એક મંડળ પણ અમદાવાદમાં સ્થાપવામાં આવ્યું.!! પુસ્તકની બીજી આવૃત્તિ ૧૯૬૬-૬૭માં પ્રગટ કરવાની ઈચ્છા હતી, પણ કાળક્રમે શક્ય ન બન્યું અને ૧૯૮૦માં એની બીજી આવૃત્તિ તૈયાર થઈ. બહુ ગૂઢ  કહી શકાય તેવા વિષયોને શક્ય તેટલી સરળતાથી આપણી સમક્ષ મુકવાનો પ્રયાસ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. આ પુસ્તકમાંથી એક સુંદર વિચાર પકડીને આજની વાત કરવી છે. વાત થોડી અઘરી ચોક્કસ છે પણ અગમ નિગમનો માર્ગ આરંભે તો કઠિન જ હોય ને !!

જીવ, જગત, અને ઈશ્વર અનાદિ ત્રિકોણ છે. આ વાક્ય ઉપર વિચાર કરીએ તો આપણે અનેક તરંગો ઉપર ચડી જઈએ. દેખાતી લીલા મનુષ્યની સમજણના પ્રમાણમાં હોય છે, છતાં ‘હું કહું છું તે જ સાચું’, ‘બીજાઓ કહે તે જૂઠું’ એવા વિચિત્ર આગ્રહો વધતા-ઓછા પ્રમાણમાં સૌને વળગેલા હોય છે. શાંતવૃત્તિ પામ્યા પછી આપણે વધુ તટસ્થ બનવા પ્રયત્ન કરીએ છીએ. આપણને ઝટ  સમજાઈ જાય છે કે જે અપૂર્ણતાઓ કે ખોડખાંપણો આપણને સામામાં દેખાય છે, તે આપણા પોતાના અનેક વૃત્તિ તરંગો છે. ત્યારે આપણને ચોક્કસ થાય છે કે કોઈ પૂર્ણ નથી. આ ઉદ્દગાર મનુષ્યને જ્ઞાનનો અધિકારી બનાવે છે, અંતર્મુખ બનાવે છે, નિર-અહંકારી બનાવે છે. પરંતુ સાથેસાથે એનું મગજનું ચકડોળ ફરવા લાગે છે. ‘કોઈ પૂર્ણ નથીએનો અર્થ શું? 

એક ઉપનિષદનું નામ છે ‘ઈષાવાસ્ય ઉપનિષદ’. એ ઉપનિષદ યજુર્વેદનો આખરી ભાગ છે.એટલે કે પાંચેક હજાર વર્ષ  જેટલું પ્રાચીન હશે. એની અંદરનો શાંતિપાઠ પૂર્ણ વસ્તુ શી છે એનો ધીરગંભીર મનોહર લલકાર કરતાં સમજાવી આપે છે. ઈષાવાસ્ય ઉપનિષદ કહે છે કે,  આ વિશ્વ એક અને અદ્વિતીય એવી કોઈ સવિશેષ  પૂર્ણ સત્તાના આધારે છે. એ સત્તા  પૂર્ણ છે એનો અર્થ એટલો છે કે, એને કોઈના આધારની જરૂર નથી. એટલું જ નહીં પરંતુ એનાથી સ્વતંત્ર એવી કોઈ પણ વસ્તુ નથી. ટૂંકમાં, એ અદ્વિતીય છે. એ સત્તા એવા પ્રકારની છે કે એમાંથી કશું બાદ થઈ શકતુ નથી અને કશું ઉમેરી શકાતું પણ નથી. 

આમ જોઈએ તો યોગીજનો મૌન સેવે છે. તત્વજ્ઞો દલીલ કરે છે કે જગતનો અનુભવ દ્વૈત ભાગથી ભરેલો છે. એટલે કે બહુરંગી તક્તો છે. દ્વૈતને અંત જ નથી, અને અદ્વૈત તો આપણી પકડની બહાર છે. એનું વર્ણન ઉપનિષદ આમ કરે છે. ‘તે નિશ્ચળ છે, એક છે, મનથી પણ વધારે વેગીલું છે, આ રહ્યું, આ રહ્યું, એમ લાગે છે છતાં એ ઇન્દ્રિયોને પકડી શકતું નથી, તે ચંચળ છે અને દૂર પણ છે છતાં અત્યંત નજીક છે. તે સર્વના અંતરમાં છતાં સર્વની બહાર છે.’  ઇષાવાસ્ય ઉપનિષદ સ્થૂળ જીવનનું, વિષયોપભોગનું, વિરોધી નથી. સંસારને ભલે સો વર્ષ સુધી ભોગવો એવું કહી એ ઉપનિષદ આગળ કહે છે કે મુખ્ય વસ્તુ દૃષ્ટિના પરિવર્તનની છે. દૃષ્ટિ જો આત્મમાર્ગી હોય તો ઇન્દ્રિયોની લીલા આપણા ઉપર કશું કરી શકે નહીં. શરીરની અંદર જે ગુપ્ત ચક્રો છે એ બધા એક સીડી જેવા છે. સીડીના પગથિયાં તો ઉપર ચડવા માટે કે નીચે ઉતરવા માટે હોય છે. પોતાના શરીરને જે મનુષ્ય આ રીતે ઓળખે છે તે ક્યારેય પણ મોહ પામતો નથી. 

ઇષાવાસ્યના જે દૃષ્ટા જે ઋષિ છે , તેમનું નામ છે ‘દીર્ઘતમસ’. પોતે આ નામ પોતાની મશ્કરી અર્થે ધારણ કર્યું હોય કે જન્મથી પોતે અંધ છે તેનું સૂચક હોય, તેનો ખ્યાલ આવતો નથી. પરંતુ ઇષાવાસ્યમાં તેમના ઉદ્દગારોની મસ્તીની પ્રચંડ છોળો  વાચકના હૃદયને તરબોળ કરી મૂકે છે. પડછાયો ભલે સત્ય નથી, પરંતુ અસત્ય પણ નથી. ઋષિ એમ પણ કહે છે કે, ઇન્દ્રિયો છે જ નહિ, એવી રીતે વર્તવાથી પણ પુરી માહિતી મળી શકે તેમ નથી. સંસાર, એની અંદરના વિષયો, અને તેનો પ્રવાહ સત્ય નથી, તો અસત્ય પણ નથી. ઋષિના શબ્દોનો ધ્વનિ શો છે? ઋષિ તો કદાચ એમ કહેવા માંગે છે કે, સંસારનો રાગ અને સંસારનો ત્યાગ એ બંને છેડાઓની વચ્ચે જે મધ્યસ્થ વૃત્તિ છે તે જ્ઞાનનિષ્ઠા છે. આત્મા ઇન્દ્રિયોની પકડની બહાર છે, પરંતુ ઇન્દ્રિયો પોતે આત્માની અંદર ઓતપ્રોત છે. ઇન્દ્રિયોની ઉપેક્ષા એ જ્ઞાનમાર્ગ  નથી. ઇન્દ્રિયો એ જ પોતાના ને એ જ પરમાત્મા એવું માનવું એ પણ જ્ઞાનમાર્ગ નથી. 

આરૂઢ યોગી ‘નૃસિંહાચાર્ય’ના પટ્ટશિષ્ય અને ‘યોગિની કુમારી’ ના જાણીતા લેખક છોટાલાલ જીવણલાલ માસ્તર યોગાભ્યાસી પુરુષ હતા. તેમને ઓપરેશન કરાવવાનું હતું. ઘણું કરીને પગનું ઓપરેશન હતું. તેમણે ક્લોરોફોર્મ કે એનેસ્થેટિકની ના પાડી. પ્રાણ નિરોધ કરીને વૃત્તિ નિરોધ કરેલો અને એ રીતે આખું ઓપરેશન એમણે  કરાવેલું. તેઓ કહેતા કે,  “જ્ઞાનતંતુઓને બહારથી બેહરા કરવા તેના કરતાં વૃત્તિનિરોધ કરીને મન તેમાંથી કાઢી નાખવું એ યોગાભ્યાસી  માટે વધુ બહેતર છે.”  જો કે શ્રી છોટાલાલ માસ્ટર જેવા પ્રૌઢ યોગાભ્યાસીને  મન એ વસ્તુ સહેલી હશે. પરંતુ આપણા માટે એ એટલી સહેલી નથી. આ માહિતી જે સ્થાનેથી મળી છે તે આધારભૂત હોવાથી અત્યારે આપણે એને વિશ્વાસપાત્ર માની લઈએ. 

યોગીજનો સુખનો જ અનુભવ કરે છે, દુઃખનો અનુભવ કરતા નથી. યોગી તો સંસારની સાથે સુખ પૂરતી  સગાઈ રાખે છે. પોતાના મનના સઘળા તારો હૃદયમાં મક્કમતાથી પકડી રાખે છે. મૃત્યુ અને તે પોતે નચાવે છે મૃત્યુના કહ્યા યોગી તો સંસારની સાથે સુખ પૂરતી જ સદાઈ રાખે છે. પોતાના મનનાં સઘળા તારો હૃદયમાં મક્કમતાથી પકડી રાખે છે. વૃત્તિઓને તે પોતે નચાવે છે, વૃત્તિઓના કહ્યા મુજબ  પોતે નાચતો નથી. જ્યાં સુધી આત્માનું અજ્ઞાન હોય છે, ત્યાં સુધી માણસ પોતાને સંસારમાં પડેલો માને છે.  શ્રી યશોધર  મહેતાનું એવું માનવું છે કે, શ્રદ્ધાનું બીજ માણસના હૃદયમાં કુદરત પોતે રોપે છે. કોઈના કહ્યાથી કે દેખાદેખીથી રોપાતું નથી. એ જ બીજ રોપાય છે પછી જ માણસને  યોગમાર્ગની જિજ્ઞાસા પેદા થાય છે. માત્ર કુતુહલવૃત્તિથી જીવ્યા કરવું એ જિજ્ઞાસા નથી. યોગ માર્ગ એ સાધ્ય માર્ગ છે એવું યોગીજનોના જીવન સાખ પુરે છે.  મનોવિજ્ઞાનની પદ્ધતિથી આત્માનો અનુભવ થાય છે, એટલે એમ પણ કહી શકાય કે યોગ એક મનોવિજ્ઞાન છે.

‘કભી કભી ન લડને કા કોઈ વિકલ્પ હી નહીં હોતા’

‘કભી કભી ન લડને કા કોઈ વિકલ્પ હી નહીં હોતા’

જ્યારે રેડિયો ઉપરથી ઘોષણા કરવામાં આવી કે, “ભારતે પાકિસ્તાન સામે  યુદ્ધ જાહેર કરી દીધું છે”  ત્યારે ભારતના એકોએક નાગરિકની છાતી ગર્વથી ફુલતી હતી

ભદ્રાયુ વછરાજાની                               bhadrayu2@gmail.com

કભી કભી લડને કા કોઈ વિકલ્પ હી નહીં હોતા , આ સૂત્ર છે એક ફિલ્મના અંતમાં સ્ક્રીન ઉપર હિન્દી અને ઇંગ્લીશમાં લખાયેલા એક વાક્યનું. એ ફિલ્મ છે ‘Pippa‘. 

આજની પેઢીએ 1971ની સાલ જોઈ નથી. કારણ કે, મેં પણ જ્યારે 1971ની સાલ જોઈ ત્યારે હું માત્ર ૧૬ વર્ષનો હતો. અને મારા સ્મરણમાં પાકે પાકું છે કે ત્યારે પાકિસ્તાનના બે ટુકડાઓ, વેસ્ટ પાકિસ્તાન અને ઈસ્ટ પાકિસ્તાન ભારત દેશની બે બાજુએ બરાબર નાકા દબાવીને બેઠા હતા. ત્યારે  જેને સૌ ‘ઈસ્ટ પાકિસ્તાન’ કહેતા હતા ત્યાંનું  પાકિસ્તાનનું  આખું લશ્કર ભારત દેશના  લશ્કરને શરણે આવ્યું હતું !! આ વિરલ ઘટના બહુ જ શાંતિથી નિર્માણ પામી હતી.  એ સમયની ઘટનાઓને બહુ ઊંડાણથી વાગોળીએ તો  અત્યારનો માહોલ ખિન્ન થઈ જાય એવું પણ બને અને કદાચ એના અર્થઘટનો પણ બદલાઈ જાય.!! કલ્પના તો કરો કે, એક દેશનું આખું ને આખું લશ્કર વિધિવત તમારા દેશના  સૈન્યને શરણે થતું હોય તે ઘટના  કેટલી રોમાંચક હશે, એ પળ રાષ્ટ્ર માટે કેટલી એક્સાઈટેડ હશે !!  

પણ જેણે 1971ની પળોને શ્વસી જ નથી તેને તો ઘરમાં ઘૂસીને મારવાના હાકલા પડકારા જ અભિભૂત કરે તેમાં ખાસ નવું નથી. 1971માં એ સમયના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી અને એ સમયનાં સૈન્યનાં વડાઓએ જે રીતે સ્ટ્રેટેજીક પ્લાનિંગ કરીને ઇસ્ટ પાકિસ્તાનમાં પાકિસ્તાનનાં લશ્કરને શરણે આવવા માટે મજબૂર કર્યું હતું એ અદ્વિતીય ક્ષણો હતી. ઓછું બોલીને, નક્કર કામ કરીને, પાકિસ્તાની લશ્કરનો ખાત્મો કરવાનું કામ એ સમયનાં ભારતીય લશ્કરે કર્યું હતું. 

બહુ જ આદર સાથે કહેવું પડે કે જેને અટલ બિહારી વાજપાઈએ ‘મા દુર્ગા’નું સ્વરૂપ કહ્યા હતા એ ઇન્દિરા ગાંધી એ વખતે ખરેખર રણચંડી બનીને સૈન્યનાં સૌ વડાઓને અને પોતાના સુરક્ષા સલાહકારોને કહી રહ્યા હતા કે, હવે લડાઈ કરવી આપણા માટેનો કોઈ વિકલ્પ નથી. જ્યારે રેડિયો ઉપરથી ઘોષણા કરવામાં આવી કે, “ભારતે પાકિસ્તાન સામે  યુદ્ધ જાહેર કરી દીધું છે” ત્યારે ભારતના એકો-એક નાગરિકની છાતી ગર્વથી ફુલાતી હતી. યાદ એ રાખવા જેવું છે કે, આજે જે બાંગ્લાદેશના શરણાર્થીઓનો પ્રશ્ન આપણે ઢોલ વગાડીને કહી રહ્યા છીએ તે જેમાંથી ઉભો થયો એ ક્ષણના સાક્ષી બનવાની જરૂર છે. કેવી હાલત ઢાકા યુનિવર્સીટીના યુવા વિદ્યાર્થીઓની  કરવામાં આવી અને  કત્લેઆમ પાકિસ્તાનના યાહ્યાખાને કરાવી, તે દર્શાવતી ફિલ્મ ‘Pippa’ આપણા રુંવાડા ખડા કરી શકે એમ છે.

આજના યુવાનો, આજના તરુણો, આજના વયસ્કોએ  પણ આ ફિલ્મ જોઈને રાષ્ટ્રને સલામ ઠોકવાનું મન થાય એમાં કોઈ બે મત નથી. અત્યારના આ વાત કરવી બહુ જ કસમયનું ગણાશે, પણ એટલું તો ચોક્કસ છે કે ભારતીય સૈન્ય અને એનું શાસન કરનાર રાજનેતાઓમાં કેટલી વિચક્ષણ બુદ્ધિ અને કેટલો શાર્પ ડિસિઝન મેકિંગ પાવર હોવો જોઈએ, તે જો જાણવું હોય તો 1971ના યુદ્ધમાં જવું જોઈએ. 

મને યાદ છે, કે ત્યારે હું એસ.એસ.સી.માં ભણતો હતો  ત્યારે અગિયારમું ધોરણ એટલે SSC ગણાતું હતું. પણ દસમાં-અગિયારમાંનાં વર્ષોમાં અમે લડાઈ થતી જોઈ છે. સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ જે રાજકોટના કાશીવિશ્વનાથ પ્લોટના એક ખૂણામાં આવેલી હતી, ત્યાં અંદર બૉમ્બ પડે તો કેવી રીતે ખાઈમાં ઊંડા ઉતરી જવું એની ખાઈઓ અમે ખોદી હતી અને એની અંદર ઉતરી જવાની કવાયત  પણ અમે કરી હતી. બરાબર યાદ છે કે ત્યારે જામનગર ઉપર અને આપણી હવાઈ પટ્ટીઓ ઉપર પાકિસ્તાનના વિમાનોનો બોમ્બમારો થતો હોય એટલે રાતનું અંધારું થાય ત્યારથી ઘરમાંથી કોઈ પણ પ્રકાશનો લીસોટો પણ બહાર ન પડે એની વ્યવસ્થા માટે નાગરિકો ચોકી-પહેરામાં લાગ્યા હતા. સ્વંભૂ જુવાળ હતો. એ પણ યાદ છે કે એ વખતે જાન્યુઆરી,1971માં, તાસ્કંદ ખાતે આપણા વામન છતાં વિરાટ વડાપ્રધાન ‘શ્રી લાલબહાદુર શાસ્ત્રી’એ જ્યારે પ્રાણ  આપી દીધા તે  લાલબહાદુર શાસ્ત્રીએ ‘જય જવાન અને જય કિસાન’નું સૂત્ર આપ્યું. એ વખતે નાનકડો એક રેડિયો જ પ્રચાર પ્રસારનું માધ્યમ હતો, જે ઘર-ઘર સુધી પહોંચતો હતો. શાસ્ત્રીજીએ એલાન કર્યું કે, “ભારતને, ભારતના સૈન્યને, અત્યારના ખૂબ મદદની જરૂર છે.  હું અઠવાડિયામાં એકવાર સોમવારે  ભાત ન ખાવાની  પ્રતિજ્ઞા લઉં છું.” મને યાદ છે ત્યારે ઘર-ઘરની અંદર સોમવારે ભાત રંધાતા ન હતા. અમે સૌ શાળાના વિદ્યાર્થીઓ જ્યારે ટ્રકમાં ઊભા રહીને બધા પાસે ફાળો માંગવા જતાં ત્યારે કેટલાક ઘરમાંથી ગૃહિણીઓ આવે અને પોતાના હાથમાંની સોનાની વીંટી, પોતાના ગળામાંથી સોનાની ચેઈન કે બુટ્ટી કાઢીને એ ફાળામાં આપી દે એવું પણ બનતું હતું. આ બધાનું  આજે ‘Pippa’ નામની ફિલ્મ એમેઝોન પ્રાઈમ ઉપર જોઈને મને યાદ આવ્યું એટલે મને ઈચ્છા થઈ કે આપ સૌની સાથે વહેંચુ. રોની સક્ર્યુવાલા અને સિદ્ધાર્થ બાસુ દ્વારા નિર્માણ પામેલ આ ફિલ્મ 1971 પછી જન્મેલ પ્રત્યેક ભારતવાસીએ જોવી જ રહી.

હકીકતમાં ન લડવું એ જ્યારે વિકલ્પ ન રહ્યો હોય ત્યારે લડવું હોય તો કેવી ખુલ્લી છાતીએ લડવું જોઈએ, ઓછું બોલીને જાજુ કરવું જોઈએ, તે ફિલ્મમાં તાદૃશ્ય કરવામાં આવેલ છે.  ભારત દેશ જેના ઉપર વર્ષો સુધી ગૌરવ કરશે કે, એક એક સૈનિક કરીને એક  સૈન્ય આખેઆખું  ભારતના સૈન્યની સામે શરણાગતિ સ્વીકારી હતી અને લશ્કરી વડાએ સરેન્ડરના ડ્રાફ્ટ ઉપર સહી કરી હતી.   આપણી બે બાજુએ આપણું બરાબર નાક દબાવીને બે પાકિસ્તાન બેઠા હતા, એમાંથી પશ્ચિમ બંગાળની ઉપરના પાકિસ્તાનને એક જુદો દેશ બનાવીને આપણી સાથે દોસ્તી કરવાનું કામ આ લડાઈથી થઈ શક્યું હતું, એ સંતોષપ્રદ પળોને આજે સ્મરણ કરતા મને ખૂબ ગૌરવ થાય છે.

પાકિસ્તાનથી અલગ થઈને બાંગલાદેશ બનાવવા માટે લડી રહેલા બંગલાભાષીઓને ભારતે તન, મન , ધનથી ટેકો આપ્યો અને પાકિસ્તાનને તેર દિવસમાં ઢીલુઢફ કરી નાખ્યું.  ભારતીય લશ્કરે 16, ડિસેમ્બર, 1971ના રોજ ઢાકા પર કબજો કરીને પાકિસ્તાની લશ્કરને માથે કદી ના ભુંસાયેલ એવી હારની કાળી ટીલી લગાવી દીધી. પાકિસ્તાની લશ્કરના કમાન્ડર જનરલ નિયાઝીએ ભારતના જનરલ જગજીતસિંગ અરોરા સામે 93 હઝાર સૈનિકો સાથે નાકલીટી તાણીને શરણાગતિ સ્વીકારી હતી.

પાકિસ્તાનના સરમુખત્યાર જનરલ યાહ્યાખાનની ધીરજ ખૂંટતા તેમને 1971ના ડિસેમ્બરમાં ભારત પર હુમલો કરવાની મોટી ભૂલ કરી પછી ભારતીય લશકરે પાકિસ્તાનના ભુક્કા બોલાવી દીધા. ભારતે જડબેસલાક જવાબ આપીને પાકિસ્તાનના આક્રમણને છિન્નભિન્ન કરી નાખ્યું પછી પાકિસ્તાન પાસે શરણાગતિ સિવાય કોઈ વિકલ્પ ન હતો. 93 હઝાર સૈનિકોને ભારતે બંદી બનાવ્યા. Pippa ફિલ્મ આપણી બહાદુરીનો દસ્તાવેજ છે. જેમના પરથી બનેલી ફિલ્મ સેમ બહાદુર બની છે એ સેમ માણેકશા 1971ના પાકિસ્તાન સામેના યુદ્ધના હીરો હતા. ભારતના ઇતિહાસમાં કેવળ બે જ લશ્કરી વડાને ફિલ્ડ  માર્શલ રેન્ક મળેલ છે. ભારતના પહેલા લશ્કરી વડા  જનરલ કરીઅપ્પા અને જનરલ માણેકશા.

 

 

‘સૈરન્ધ્રી’ની સર્જનયાત્રા કવિ મુખેથી…

‘સૈરન્ધ્રી’ની સર્જનયાત્રા કવિ મુખેથી…

'સૈરન્ધ્રી'ની સર્જનયાત્રા કવિ મુખેથી

કવિતા : માર્ચ -એપ્રિલ 2024 : વિશેષાંક

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

SaiRandhri.3
SaiRandhri.5
SaiRandhri.7

કવિશ્રી વિનોદ જોશી સાથે ભદ્રાયુ વછરાજાનીએ કરેલો દીર્ઘ-અંતરંગ-સંવાદ

ભદ્રાયુ : સૈરન્ધ્રીનું સર્જન થઈ ચૂકયું છે, ત્યારે વિનોદભાઈ, એક પ્રશ્ન એ થાય છે કે સૈરન્ધ્રી નામ શાસ્ત્રોમાં હતું, પણ જનસામાન્યમાં એટલું પરિચિત ન હતું, જે હવે તમારાં પ્રબંધ કાવ્ય પછી સૌનાં કાનમાં ગૂંજવા લાગ્યું છે ને દિલમાં વસવા લાગ્યું છે, ત્યારે તમને પહેલાં તો એ પૂછવાનું કે આ વિચાર કયાંથી આવ્યો કે આ બીજ તમારા મનમાં કયાંથી રોપાયું? કયારથી આવ્યું? અને કેમ તે વિકસ્યું?

વિનોદ જોશીઃ ભદ્રાયુભાઈ, સૈરન્ધ્રી કાવ્ય તો હજુ રચાયું હમણાં, એટલે કે ફેબ્રુઆરી-૨૦૧૮માં એ

સંપન્ન થયું પણ છેલ્લા દોઢ દાયકાથી એનું અનુસંધાન મારાં ચિત્તમાં સધાયું હતું. સૈરન્ધ્રી તો એક વળાંક છે, વાસ્તવમાં તો મેં લખવા ધારેલું ‘બૃહન્નલા’…મારાં નવાં કોઈ પુસ્તકમાં પણ ‘હવે પ્રકાશિત થનારાં મારાં પુસ્તકો’ની યાદીમાં પણ મેં ક્યાંક ‘બૃહન્નલા’નો ઉલ્લેખ કર્યો છે. એટલે મારું લક્ષ્ય ‘સૈરન્ધ્રી’ નહીં પણ ‘બૃહન્નલા’ હતું, તેમ તમે કહી શકો. મને એમ થયું કે મેં ‘શિખંડી’ લખ્યું છે તો વળી બીજા એક પાત્ર વિષે લખું કે જે મેઈનસ્ટ્રીમ કેરેકટર નથી. શિખંડી એ જેમ દ્વૈતમાં રાચે છે, એ સ્ત્રી-પુરુષ બંનેના વ્યક્તિત્વનો અનુભવ કરે છે, એના પૂર્વકાળમાં અને પછીના કાળમાં; એ રીતે બૃહન્નલાનું કોઈ સૂચન મને અંદરથી મળ્યું હશે ને મેં વિચાર કરેલો કે હું ‘બૃહન્નલા’ પર લખીશ. મેં લખવાનો પ્રયત્ન કર્યોને એ કાવ્ય પણ સર્ગબદ્ધ કરવું એવી મારી ઈચ્છા હતી. મેં એનો પહેલો સર્ગ શરૂ કર્યો ત્યારે વિચાર્યું કે જો હું આ પ્રકારનાં પાત્રોને લઈને જ લખવાનો છું તો પછી બધાં કાવ્યો એક સરખી ઢબનાં જ લખવાં જોઈએ કે જે ઢાંચામાં શિખંડી લખાયું –ચાર ચાર શ્લોકોમાં જે લખાયું-તો હું એવી રીતે જ આ પણ લખું..એમાં આરંભે મારે એવું પ્રસ્થાપિત કરવું હતું કે અર્જુન મૃદંગ વગાડે છે, ‘બૃહન્નલા’ બનીને અને એને મૃદંગ વગાડતો સૈરન્ધ્રી જોઈ જાય છે. હવે આનો ખ્યાલ અર્જુનને આવી ગયો કે પોતાને મૃદંગ વગાડતો સૈરન્ધ્રી જોઈ ગઈ છે, તો એ જાણ્યા પછી અર્જુન પોતાનાં વિષે શું વિચારતો હશે તે મારે આલેખવું હતું! મેં એ રીતે શરૂ કર્યું, અને એમ માનો ને કે ચાર-ચાર પંકિતના ત્રીસ-ચાલીસ શ્લોકો તો મેં લખ્યા. પણ જેમ જેમ હું લખતો ગયો તેમ તેમ હું અનુભવતો ગયો કે આ ખરી કટોકટી તો અર્જુનની નથી, પણ એ તો સૈરન્ધ્રીની છે. એટલે મેં લખવાનું પડતું મુક્યું! હું જેને વિષય બનાવવા માંગતો હતો તે તો ગૌણ બની ગયોને જે ગૌણ લાગતું હતુંતે મુખ્ય થઈ ગયું! અને એક વાત એ પણ હતી કે ‘બૃહન્નલા’ બનતા અર્જુનની સમાંતરે જ કંક બનતા યુધિષ્ઠિર કે બલ્લવ બનતા ભીમની પણ એકસરખી વેદના પણ હોય શકે ને! તો આ બધા પુરુષો છે જે યુદ્ધવીરો છે ને બાણાવળીઓ છે ને કોઈ વળી ગદાધારી છે તો કોઈ બુદ્ધિનિષ્ઠ છે એટલે એમની પાસે એમના રસ્તાઓ છે, પણ સૈરન્ધ્રી એવું પાત્ર છે કે જે નથી કોઈને કંઈ કહી શકે તેમ કે નથી એમની પાસે એવું વ્યકિતગત સામથ્ર્ય કે જે અર્જુન પાસે છે કે ભીમ પાસે છે! તો આ એક એવું પાત્ર છે કે જે પણ આ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે તો Why not to move upon them? મને સમજાયું કે ખરેખર તો સૈરન્ધ્રી મારું લક્ષ્ય છે. હું જે કહેવા માગું છું તેની વિગત તો મારે સૈરન્ધ્રીનાં સંદર્ભમાં કહેવી વધુ ઉચિત છે એટલે હું જે લખતો હતો તે મેં પડતું મુક્યું, જેની સ્ક્રીપ્ટ મારી પાસે છે, પણ હું એમાં આગળ ન વધ્યો.

સૈરન્ધ્રી તો હવે દાસી છે સુદેષણાની, એટલે મારી વાતમાં જો એક દાસી અને એક રાણીના વિરોધાભાસી સંકેતોથી શરૂ થાય તો તરત અપીલ કરે, એટલે મારે મારી વાતની શરૂઆત સુદેષણાથી કરવી જોઈએ… તો એવું કરવું કેવી રીતે? મેં નક્કી કર્યું કે હવે મારે સૈરન્ધ્રી પર કાવ્ય નથી લખવું પણ મારે તો સૈરન્ધ્રી પર નાટક લખવું છે, એટલે નાટક લખવાનો મેં પ્રારંભ કર્યો ને મેં કલ્પિત પાત્રો પણ એમાં ઉમેર્યા. સૈરન્ધ્રી અને સુદેષણા વચ્ચે થતા સંવાદો મેં લખ્યા. લગભગ ત્રણ ચાર દશ્યો મેં લખ્યાં, પણ પછી મને થયું કે જે વાત મારાં મનમાં રમી રહી છે એ તો ‘અજ્ઞાત હોવાની ને પોતાનું જે જ્ઞાત વ્યક્તિત્વ છે તેને છૂપાવવાની’ વાત હું નાટકમાં બરાબર મુકી નથી શકતો, કારણ સંવાદમાં મારે જે કહેવું છે તે વાત આવતી નથી એટલે પોત જે બંધાયું છે એ તો કવિતાનું જ છે, નાટકનું નથી. મેં નાટક પણ છોડી દીધું. એની સ્ક્રીપ્ટ પણ મારી પાસે હજુ પડી છે. તો બૃહન્નલામાંથી સૈરન્ધ્રી બની, વૃત્તબદ્ધ કાવ્ય છૂટી ગયું ને નાટક જે અંકબદ્ધ લખાતું ગયું હતું એ પણ મુકાય ગયું! પછી મને થયું કે આ વાત બંધાતી નથી. મારે જે કહેવું છે તેનો પિંડ બંધાતો નથી. તો મારે શું કરવું?

ભદ્રાયુ: ઓહો, આ ક્ષણ તો કપરી ગણાય. સર્જક ખળભળી ઊઠે તેવી !

વિનોદ જોશીઃ હા, ખરું મનમાં જે ઉથલપાથલ થતી હતી તે એ હતી કે મને બધું આવડે છે ને તે છતાં હું તે કરી શકતો નથી. કવિતા લખી શકું તેમ છું છતાં કવિતા લખી શકતો નથી, તો મારી જે ઉર્જા છે એને રોકે છે કોણ? કોઈક નિયંત્રિત પરિબળ એવું છે કે જે મારા શબ્દોને પ્રગટવા દેતું નથી તો એ છે શું? મારી સર્જકતાને દાબ આપતું હોય એવું કંઈક મારી આસપાસ મને અનુભવાયું. પછી મેં એની શોધ કરી કે એવું છે શું? તો મને લાગ્યું કે મારી મૂંઝવણ કંઈક અલગ છે. મારું મનોમંથન ચાલ્યું. આપણી આસપાસ રચાતા વ્યવહાર જીવનના રોજબરોજના બનતા બનાવો-ઘટનાઓ કે દૈનંદિની એ બધામાં આપણે જેમ ઈચ્છીએ છીએ એમ તો આપણે કંઈ કરી જ નથી શકતા. બીજા જેમ ઈચ્છે છે એમ જ આપણે તો બધું કરવું પડે છે! તમે યુનિવર્સિટીમાં હો તો પણ તમારે બીજાની ઈચ્છા પ્રમાણે કરવાનું કે તમે ઘરમાં હો તો પણ અન્યને શું ગમશે તે યાદ રાખીને વર્તવાનું કે તમે બહાર રસ્તા ઉપર કોઈને મળો તો પણ તમારે તમારું વર્તનવિજ્ઞાન અંદરથી અલગ વિકસાવવાનું અને એ રીતે વ્યવહારના આટાપાટા રચી લેવાના ! જો હું બીજાને ગમે તેમ આ બધું કરી લેતો હોઉં તો પછી હું બીજાના વતી જીવું છું, તો મારું જીવન કયારે જીવીશ? એને ગમે છે કે મારે આ રીતે જીવવું જોઈએ ને હું એમ જ જીવી રહ્યો છું તો તો હું બીજા વતી જીવી રહ્યો છું! તો મારે એ ખોજ કરવી જોઈએ કે ‘મારું જે છે તે’ કે ‘મારું નિજત્વ છે’ તે શું છે? આ કોયડો કાંઈ એટલો મોટો નહોતો એવું મને ત્યારે લાગ્યું. મન કહેતું હતું કે, ‘આતો ઠીક છે, વ્યવહાર જીવનમાં તો એકબીજાને અનુકૂળ થઈને જ જીવવાનું હોય ને આવું જ બધું હોય ને કાળયાત્રા તો આમ જ ચાલે ને ?’ એટલે કયારેક આ વાત સાવ ફુગ્ગા જેવી થઈ જાય – સાવ ચપટ થઈ જાય તો વળી કયારેક એવો ધક્કકો વાગે કે ના-ના, આ તો યોગ્ય ન કહેવાય! વિચાર આવે કે આયુષ્યનાં આટલાં વર્ષો ગયાં તે આપણે ઈન્વેસ્ટ કયાં કર્યાં? ધારો કે હું મારો એક કલાક કોઈ જગ્યાએ આપું છું તો તે મારું ઈન્વેસ્ટમેન્ટ છે, એટલે કે મેં મારા આયુષ્યમાંથી એક કલાક ઓછો કર્યો ને કોઈક જગ્યાએ રોકયો તો એ મારાં માટે વળતરરૂપ છે ખરો કે એનાથી મને કંઈ ફાયદો થયો કે મારી કોઈ ઉત્ક્રાંતિ થઈ ખરી? જ હું આવું ન કરી શકતો હોઉં તો મારો જે સમય વપરાયો તે તો એની ઈચ્છા પ્રમાણે ખર્ચાયો. એનો અર્થ એ થયો કે જીવન મને મળ્યું છે ને હું એને મારા માટે તો વાપરતો નથી! જીવનની જે ખરી ખુબી છે મારું ન્યુકિલયસ જાણવાની, તે તો હું કદિ જાણવાનો જ નથી. કારણ હું બીજાનાં ન્યુકિલયસને જાણ્યા વગર તેનાં માટે બધું કર્યા કરું છું! હું મને બધાની વચ્ચે, મને જ ઈત્તરજન કે આઉટ સાઈડર લાગવા માંડયો! મનમાં દાંતાવાળા બે ફરતાં ચક્રોનું રૂપક પણ આવ્યું કે જે એકબીજામાં ભેરવાયેલાં અને એકબીજાની ગતિને લઈને હારોહાર ગતિ કરતાં એ બન્ને ચક્રો જેવું મારું જીવન છે. બન્ને ચક્રો સ્વતંત્ર છે અને નથી પણ…આવી મારી સ્થિતિ છે એટલે હું ઓગળી નથી શકતો; મારે તો ઓગળવું હતું. હું જે સમષ્ટિનો અંશ હોઉં, હું જે વ્યકિતમત્તાનો ધબકાર હોઉં અથવા હું જે વાતાવરણમાં વિસ્તરવા માંગતો હોઉં તેને બદલે હું આમ દાંતામાં દાંતા ભરાવી માત્ર ફર્યા કરું તો એ અર્થહીન છે! મને થયું કે મારે ભળવું છે અને જો મારે ભળવું હોય તો મારે ઘણામાં ઉતરવું પડે, ઘણાને જાણવા પડે! આસપાસ જે હોય તેને જાણવામાં તો મને રસ હતો નહીં. બસ આ પળે આ બધાં પાત્રો મને વળી પાછા અંદરથી મજબુર કરવા લાગ્યાં! એમણે કહ્યું જાણે કે, ‘જુઓ અમે જુદા છીએ. અમે વ્યવહારજીવન કરતાં અલગ છીએ.’ એટલે મને સમજાયું કે આ પાત્રો મારાં કામનાં છે. મારા માટે તો કામનો હું પણ હતો, કૃષ્ણ પણ હતા, કિચક પણ હતો, દ્રૌપદી પણ હતી! ઘણાં બધાં પાત્રો મને એવાં મળ્યાં કે જે વ્યવહાર જીવનમાં જુદી રીતે જીવનારા ને છતાં પોતાનું નિજી વ્યક્તિત્વ બનાવી રાખનારાં હતાં.. તેમાં સૈરન્ધ્રીએ મને બરાબર પકડયો. મને થયું કે સૈરન્ધ્રી સ્ત્રી તો છે જ, પણ સાથોસાથ એ મહારાણી છે, એ દાસી પણ છે, એ વળી પાંચ પતિની પત્ની પણ છે અને એવી એ સ્ત્રી કે જેને પાંચ પતિ હોવા છતાં અજ્ઞાતવાસમાં એમણે પાંચેયથી દૂર રહેવું પડે તેવી નિયતિને વશ થયેલી છે. આ વ્યવહાર જીવનમાં શકય નથી. નારીત્વનો જો સૌથી તીવ્ર અનુભવ કોઈ કરે તો તે સૈરન્ધ્રી જ કરે અને આ બિંદુ મારી અંદર ચોંટી ગયું… પણ આ લખવું કેવી રીતે ? મારા આ વિચારને સુદ્રઢકો સાંપડે એટલે બધાને કહેતો રહ્યો કે, ‘હું આવું કંઈક લખી રહ્યો છું’, ‘હું સૈરન્ધ્રીને કેન્દ્રમાં રાખીને કશુંક લખવા માંગું છું’ કે ‘હું પ્રબંધ કાવ્ય રચી રહ્યો છું!’ એટલે તમારાથી માંડીને મેં મોરારિબાપુ સુધીના બધાને કહ્યું કે ‘હું આવું એક મોટું કામ કરી રહ્યો છું, હકીકતે મેં એક શબ્દ પાડયો ન હોય ! તો બધાંને એમ હતું કે હું બીજું કાંઈ લખતો નથી. હું ઘણા વર્ષોથી જે ગીતો-સોનેટ-કાવ્યો લખતો હતો તેમાં કશું ઉમેર્યું નથી. છેલ્લા દસ વર્ષોમાં કંઈ ઉમેર્યું નહીં, માત્ર બે-ચાર રચનાઓ થઈ હશે ત્યારે! બધાને એમ હતું કે હું બહુ મોટું કામ કરી રહ્યો છું એટલે બીજું લખતો નથી. પણ એ સૌની ભ્રમણા હતી. કારણ હું કાંઈ લખતો જ ન હતો! લખવાનું મન કરું-બેસું-કોરા કાગળનો સામનો કરું ને મને બહુજ નિરાશા થઈ જાય ને લખી જ ન શકું..! એમાં એક ઘટના બની. અમે દક્ષિણ ભારતનાં એક સ્થળે ફરવા ગયેલા ને એક મંદિરમાં મેં સરસ્વતીની એક મૂર્તિ જોઈ. એટલી પ્રભાવક મૂર્તિ હતી કે તેને જોઈને મને એમ થયું કે આ મારી સગી મા છે, હું એનાં ખોળામાં મારું માથું મૂકી દઉં ને મારી આંખોમાંથી વગર કહ્યું આંસુ દદડવા લાગ્યાં, એટલી તીવ્ર અનુભૂતિ થઈ મને સરસ્વતીની એ પ્રતિમા પાસે! મેં આશીર્વાદ માંગ્યા કે, ‘હું અહીંથી જતો રહેવાનો છું પણ મા,તું મારી પાસે એવું કંઈક લખાવ કે જે હું ઝંખી રહ્યો છું, આવું મેં ત્યાં અનુભવ્યું, તીવ્રતાથી અનુભવ્યું અને ‘સૈરન્ધ્રી પ્રબંધ-કાવ્ય’નાં પ્રારંભે જે મેં સરસ્વતીને પ્રાર્થના લખી છે તે એ માતાને માટે લખી…! કાવ્યશાસ્ત્રવિદ્યાથી સાવ અલગ થઈ જઈને કે ભાષાનાં ઓજારો કે ભાષાની શકિતઓથી સાવ તટસ્થ થઈ જઈને કે કવિતાની કોઈ પળોજણને વચ્ચે લાવ્યા વગર એક અબુધ બાળકની જેમ સરસ્વતીને પ્રાર્થી લીધાં ને કહ્યું કે: ‘માતા, મારી પ્રથમ પૂજાની તું લાજ રાખ’… આ એવી ભાવાત્મક સ્થિતિ હતી કે એની તીવ્રતા મારાં મન પર બહુ રહીને સાતત્યપૂર્વક રહી.

ભદ્રાયુ: હા, કાવ્યારંભે સરસ્વતી પ્રાર્થના.…

વીજળિયું વેડી લેખણ કીધી, સરસવતી માતા,

કાગળનો ખાલી ખૂણો આપજો…

પાઘડિયું પડખે મેલી દીધી, સરસવતી માતા,

વૈખરિયે વળગ્યો લૂણો કાપજો…

પરસેવા ખૂંદી કમ્મળ ચૂંયાં સરસવતી માતા,

અમરતમાં બોળી અંજળ ચાખજો….

પડતર ઓછાયે અમને લૂંટયા સરસવતી માતા,

પરથમ પૂજયાની લાજું રાખજો…

વિનોદ જોશી : હા પણ એ પછી લખવા બેસું તો કાવ્ય લખાય નહીં… એમાં બન્યું એવું કે અસ્મિતાપર્વના અંતે છેલ્લો દિવસ હોય તે હનુમાન જયંતિએ સવારે એક કલાક ચિત્રકુટધામમાં સુંદરકાંડનો પાઠ થાય. વાલ્મીકિનો સુંદરકાંડ તો મેં વાંચેલો પણ તુલસીદાસજીના સુંદરકાંડથી હું પરિચિત ન હતો. હું જોઉં કે બધા તાલબદ્ધ ગાય છે ને એનાં આંદોલનો હવામાં પ્રસરે છે. મન થયું કે હું પણ સાથે ગાઉં. મને મોઢે ન આવડે પણ બધાની સાથે વાંચીને હું ગાવા લાગ્યો. ચોપાઈ અને એમાં આવતા દોહરાનું અનુરણન એ વખતે થાય. આવું એક વર્ષ નહીં પણ વારંવાર વર્ષોવર્ષ હનુમાન જયંતિએ હું સૌ સાથે આ સમુહ પાઠ કરું. એ સમુહ ગાન કરતાં કરતાં મને અંદર કંઈક ગૂંજનનો અનુભવ થાય, शुंड युगींग अंध्र थतुं होय से जागे. Not the perfect music, but musing, ગુંજારવ, કંઈક અનુરણન! મને એનાથી મઝા આવતી. વારેવારે પ્રયત્ન કરું કે હું આવી મોટી રેન્જનું કે મોટા સ્કેલનું કાવ્ય કરું પણ થાય નહીં. એક વખત એવું બન્યું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એકેડેમિક સ્ટાફ કોલેજમાં મધ્યકાલિન કૃતિઓને કેન્દ્રમાં રાખીને મધ્યકાલિન કૃતિઓ વિષે વાત કરવા માટે જુદા જુદા વકતાઓને આમંત્રણ આપવામાં આવ્યું, જેમાં મને પણ નિમંત્રણ મળ્યું. ‘માધવાનલ કામકંડલા પ્રબંધ કાવ્ય’ કે જે ચૌદમી સદીમાં ગણપતિ નામના કવિએ લખેલું તેનાં વિષે વાત કરવાનું મને સોંપાયું મારી પાસે તો કૃતિ હતી નહીં, પણ ઝેરોક્ષ કરાવીને મને મોકલવામાં આવી. મેં એ ઊંડાણથી વાંચી ને હું એટલો બધો પ્રભાવિત થયો કે મને ઝબકારો થયો કે આ કૃતિ જેમ સરળતાથી માત્રામેળ પદછંદમાં લખાયેલ છે ને જે મોટા સ્કેલ પર લખાયેલ છે તેવું મારે પણ લખવું છે. જે મોડેલ હું શોધતો હતો તેનો સૌથી પહેલો અણસાર મને ‘માધવાનલ કામકંડલા પ્રબંધ કાવ્ય’ માં મળ્યો. માધવ અને કામકંડલા એવાં બે પાત્રો છે. માધવ બહુ સુંદર પુરુષ છે અને કામકંડલા નર્તકી છે. આમ તો ઉદયન કથાઓ કે જે વિક્રમ રાજા સાથે જોડાયેલી છે, તેની આખી વાત એમાં છે. આ કાવ્યએ મને ધક્કો માર્યો અને મારા મનમાં આવ્યું કે મારે આવું કંઈક લખવું… જો કે, આ તો બહુ લાંબું કાવ્ય હતું અને એટલું બધું લાંબું હું લખી શકું એવું મારું ગજું છે એવો આત્મવિશ્વાસ મારો હતો નહીં, પણ મને થયું કે શરૂ તો કરું. એટલે મેં એક ખંડ લખ્યો. એ લખતી વખતે હિન્દીના મોટા કવિ જયશંકર પ્રસાદનું ‘કામાયની’ મારાં વાંચવામાં આવ્યું. એનો પ્રારંભ એમ થતો હતો કે ‘હિમગિરિ કી ઉત્તુંગ શિલા પર બૈઠ…’ હિમગિરિની ઉચ્ચ શિલા પર બેઠેલો એક પુરુષ તેની ભીની આંખોથી આખા જગતને અવલોકી રહ્યો છે ! તો એક દ્રશ્ય આવ્યું મારાં મગજમાં અને એકાએક મારાથી લખાય ગયું :

વિવશ સાંજ નભ નિરાલંબ, નિસ્પંદ સમીર નિગૂઢ, એક યૌવના નતમુખ ઊભી, વ્યગ્રચિત્ત સંમૂઢ!

એમાં એક પુરુષની કલ્પના હતી તે અહીં સ્ત્રી થઈને અવતરી. જયશંકર પ્રસાદ તો બહુ મોટા કવિ ને ‘કામાયની’ તો મહાકાવ્ય કહેવાય..! બસ, તો શરૂઆત થઈ ગઈ આ રીતે ને સળંગ ચાલ્યું ને લગભગ છ શ્લોક થયા પણ પછી અટકી જવાયું. મને થયું કે મારે માધવાનલ કામકંડલા જેવું લખવું હોય ને હું અહીં જ અટકી જઉં તો કેમ સર્જન થશે? વચ્ચે વચ્ચે થોડું લખાય પણ પછી હું કાગળ બદલું-પેન બદલું-મને બધા મિત્રો-સ્નેહીઓ જન્મદિવસે આઠ-દસ પેન ભેટ આપે ને ડાયરી ભેટ આપે ને કહે કે આમાં તમે લખજો. પણ લખાય જ નહીં તેનું શું કરવું? આમ કરતાં કરતાં આખો દાયકો પસાર થઈ ગયો. અંદર બધું ઉપરતળે થયા કરે પણ કશું નક્કર નિપજે નહીં. એટલી બધી વિવશતા થયા કરે! એક તબક્કો તો એવો આવ્યો કે મને થયું કે મારી સર્જકતા ક્ષીણ થઈ ગઈ. હવે હું લખી શકું, એવી સ્થિતિમાં જ નથી. અંદર-અંદર પેલી નિજતાની શોધ અને તેનાં પર બાહ્ય આવરણોના સકંજાની ભીંસ વધવા લાગી. કોઈવાર તો એવું થાય કે હું લખી ન શકું, તો મને રડવું આવે! (આ વાતની તો કદાચ વિમલને પણ ખબર નથી) હું એકાંતમાં એકાદ ખૂણે બેસી આંસુ સારી લઉં ને કંઈ નથી લખાતું તેનો મને અત્યંત વસવસો થવા લાગે અને મને એમ થાય કે મારાં આટલાં ગીતો ગવાતાં હોય, મારી આટલી પ્રશંસા થતી હોય ને બધા મારા ફેન મારી પાસે ઓટોગ્રાફ માંગે ત્યારે મને અંદર પડઘાય કે ‘શું તું કાંઈ લખી તો શકતો નથી ને અત્યારે આ ઓટોગ્રાફ આપી રહ્યો છે?’ – આવી મારી અંદર વિડંબણાની પળ વીતવા લાગી. મને એ ભાર અસહ્ય થાય તેવી હદે અનુભવવા લાગ્યો! પછી મને થયું કે હું જો ભાષાથી સાવ છૂટી જ જઈશ તો હું કંઈ લખી જ નહીં શકું એટલે હું પછી વિવેચનો લખવા મંડયો, કાવ્યોના આસ્વાદો લખવા મંડયો ને કોલમ શરૂ કરી દીધી કે જેથી સળંગ લખવાનું ચાલુ રહે! પણ એ એકેયથી મને સંતોષ ના મળ્યો. મારી અંદર જે ક્રિએટીવીટી હતી અને એને જે કાટ ચડયો હતો તેને ઉતારવા માટે મારે કોઈ કાનસની જરૂર હતી. અને એમાં આ સુંદરકાંડનો પાઠ મારી મદદે આવ્યો હોય એવું હું માનું છું. સીધી તો મદદ મળી છે એમ નહીં કહી શકાય કારણ આ બધું સંચિત હોય છે પણ નહીં તો હું ચોપાઈમાં કશું લખત જ નહીં! પણ એ ચોપાઈમાં આવ્યું તે નક્કી..વળી થયું કે પહેલો ખંડ મેં લખ્યો હતો તેને જો હું ચોપાઈમાં બદલી નાખીશ તો મેં બાંધેલો આધાર વીંખાશે એટલે હું એને એમને એમ રહેવા દઉં ને પછીનું ચોપાઈમાં આગળ ધપાવું. એટલે આ સાત સર્ગનું કાવ્ય છે, સાતેય સર્ગમાં સાત ખંડ છે પણ પહેલા સર્ગના પહેલા ખંડને મેં જે રીતે લખાયો હતો એમ જ રહેવા દીધો! કારણ એમાંથી જો દુહો નીકળી જાય તો હું લટકી જઉં! એ પંક્તિઓ પૂરેપૂરી ચોપાઈની નથી કારણ તેમાં પાંચ માત્રાઓ ઓછી છે. છેલ્લી પાંચ માત્રા ‘લગાગા’ ઓછી છે, પણ એને મેં એમ જ રહેવા દીધી પણ પછીનો જે ખંડ આવ્યો તે ચોપાઈ સ્વરૂપે લખાવા લાગ્યો!

ભદ્રાયુ : વિનોદભાઈ, આ સમગ્ર સર્જન અહીં ગુજરાતમાં કે ભારતમાં જ થયું?

વિનોદ જોશી: નવાઈની વાત એ છે કે અટકી ગયા પછીનું કાવ્ય અહીં ભારતમાં નહીં પણ ઓસ્ટ્રેલિયામાં આગળ ચાલ્યું.

ભદ્રાયુ : વિનોદભાઈ, એનો અર્થ એ થયો કે આ પ્રબંધ કાવ્યનો વિચાર બૃહન્નલામાંથી ઉતર્યો, એનો ધ્વનિ વળી સુંદરકાંડમાંથી મળ્યો, એનું બંધારણ માધવાનલ કામકંડલા પ્રબંધ કાવ્યમાંથી પકડાયું, એનો પ્રારંભ ‘કામાયની’ માંથી સૂઝી આવ્યો ને બધાંનું સંમિલન થયું ને તમારી પેલી આઈડેન્ટીટીની ખોજ કે નિજતાની શોધ માટેની મથામણ તો વળી ખુદ સૈરન્ધ્રીમાંથી મળી આવ્યાં એવું બન્યું ને? અને એટલે જ તમારું મન કદાચ ‘સૈરન્ધ્રી’ માં ઠર્યું હોય એવું કહેવાય?

વિનોદ જોશી : હા, એ ખરું, એવું કહેવાય પણ એવું તો તમે અર્જુનમાં પણ રોપી શકો, યુધિષ્ઠિરમાં પણ રોપી શકો પણ સૈરન્ધ્રીની વ્યક્તિમત્તા પેલાઓ કરતાં જુદી છે. દ્રૌપદીનું પોતાનું અર્જુન કે ભીમ પ્રકારનું વ્યક્તિત્વ નથી. દ્રૌપદી તમને હંમેશા લાચાર સ્થિતિમાં જોવા મળશે. એને કૃષ્ણ મદદ કરવા આવે ને એને ભીમ મદદ કરવા આવે કે બીજા કોઈ મદદ કરવા આવે, એટલે કે દ્રૌપદીને મદદ કરનારો એક આખો વર્ગ છે. જયારે પેલા મદદ લેનારા નથી, મદદ કરનારા છે, તો એ રીતે સૈરન્ધ્રી વધુ ધારદાર પાત્ર છે. અને એથી સૈરન્ધ્રી પર સર્જન થયું એમ માની શકાય.

ભદ્રાયુ : એટલે વિનોદભાઈ, આપણો જે એક અજ્ઞાત ખૂણો જે સતત યાદ અપાવ્યા કરે છે કે હું અજ્ઞાત છું ને આપણે જે એક શોધ કરી રહ્યા હતા તે દ્રૌપદીનો અજ્ઞાતવાસ એ સૈરન્ધી છે, એટલે એ આપણને પોતીકો લાગ્યો હોય ને આપણું મન તેમાં ઠર્યું હોય. કદાચ એટલે જ અહીં ભારતમાં સર્જકના મનમાં જે ઠર્યું તે ઓસ્ટ્રેલિયા જઈને અવતર્યું…!

વિનોદ જોશી : મને એમાં એક યોગાનુયોગ પણ લાગે છે કે ભારતીય પરિવેશમાં દ્રૌપદીએ સૈરન્ધ્રી બનીને જ રહેવું પડે તેવી સ્થિતિ હતી, જયારે ઓસ્ટ્રેલિયામાં દ્રૌપદી ‘દ્રોપદી’ બની શકી. પોતાને સૈરન્ધ્રી રૂપે જોનારી દ્રૌપદી ત્યાં પોતાને દ્રૌપદી રૂપે પામી શકી. એટલે એ સ્થાનવિશેષનાં જે લક્ષણો છે એ હું આ સર્જનમાં જોઈ શકું. અહીં ખંડમાં હતું તે ત્યાં અખંડ થયું. નવાઈની વાત એમ છે કે માર્ચ-એપ્રિલ ૨૦૧૭માં હું ત્યાં ગયો ત્યારે મેં ત્યાં ત્રણેક સર્ગ લખ્યા પછી ભારત આવવાનું થયું. મને હતું કે હવે સારી રીતે શરૂ થયું જ છે તો ભારત જઈ સરસ રીતે આગળ ચાલશે પણ આશ્ચર્ય વચ્ચે ભારત આવ્યા પછી કશું જ આગળ ન વધ્યું અને ફરી પાછો મૂંઝારો વધ્યો. કારણ શરૂઆત થઈને ફરી પાછું અટકયું! પણ ફરી પાછું સમયપત્રકમાં ન્હોતું તો પણ જાન્યુઆરી-ફેબ્રુઆરી ૨૦૧૮માં ઓસ્ટ્રેલિયા જવાનું થયું ને ત્યાં અધુરું કાર્ય પૂરું થયું! એટલે, આ ચમત્કાર તો શું કહીએ પણ દોઢ દાયકાની અહીંની મથામણ કુલ ત્રણેક મહિનામાં ‘સૈરન્ધ્રી’ થઈને ઓસ્ટ્રેલિયામાં અવતરી!

ભદ્રાયુ : વિનોદભાઈ, સૈરન્ધ્રી પ્રબંધ કાવ્ય પૂર્ણ થયા પછી પૂછું કે તમારી આ સર્જનયાત્રા વિશિષ્ટ પડાવો સાથે આગળ ધપી. શરૂઆતમાં અટકયા, પછી શરૂ થયું. નહોતું આવતું તો મૂંઝારો થયો, ફરી અટકયા ને ફરી આગળ ધપી પૂર્ણ થયું. જયારે ન્હોતું લખાતું ત્યારનો મૂંઝારો તમે વર્ણવ્યો પણ જયારે સર્જન થવા લાગ્યું ત્યારની તમારી મન:સ્થિતિ કેવી રહી?

વિનોદ જોશી: બહુજ સુંદર પ્રશ્ન છે. મને થયું કે હવે આ અટકશે નહીં. મને ખાત્રી થઈ ગઈ કે હવે આ પ્રવાહ ચાલશે એટલે જો હું એને નિયંત્રિત નહીં કરું તો એ મને એની રીતે ફંગોળ્યા કરશે અને બનશે એવું કે હું એને વશ થઈ જઈશ. કદાચ રચના પોતે જ ઈચ્છશે તેવું મારી પાસે લખાવડાવશે, એવું મને સમજાવા લાગ્યું. એટલે મેં પછી મારો સકંજો એના પર લગાવ્યો કે મારે આ કાવ્ય એની રીતે ચાલ્યા જ કરે એટલું લાંબું નથી કરવું. મારે એટલું ટૂંકું પણ નથી કરવું કે જેથી કરીને મારે જે કહેવું છે એ અધુરું રહી જાય. એટલે મેં એનું ગણિત માંડી દીધું મારે સાત સર્ગથી વધારે આગળ નથી વધવું.

            સાત સર્ગ તો ખરા પણ દરેક સર્ગ નાના-મોટા તો હોય શકે ને? પહેલો સર્ગ નાનો હોય ને બીજો સર્ગ તેનાથી ચાર ગણો થાય તો ? તો એવું અનિયમિત પણ નથી થવું એની એક સરસ ડિઝાઈન હોવી જોઈએ. અહીં આર્ટીસ્ટની સાથે એક ક્રાફટમેન આવે છે એ આ નક્કી કરે છે કે સાત સર્ગ, સાતેય સર્ગમાં સાત ખંડ, અને સાતેય ખંડમાં નવ શ્લોક…. હવે, મારી પાસે ફ્રેમ તૈયાર થઈ ગઈ. હવે જે નવ શ્લોક છે તેમાંના પહેલા આઠ ચોપાઈના ને નવમો શ્લોક આવે તેમાં બે દોહરા…! ચાર પંકિત એટલે બે દોહરા. આવું એક મોડેલ મેં મારા મનમાં નક્કી કરી લીધું. એ પ્રમાણે મારે આગળ ચાલવાનું હતું ને આખું કાવ્ય તો મારી અંદર આવી જ ગયું હતું.. એટલે મારે એ જ નક્કી કરવાનું રહ્યું કે કયા પ્રસંગને કેટલા ખંડમાં – કેટલી ચોપાઈમાં સમાવવો, તેનું નિબંધન મેં બરાબર વિચારી લીધું. આમ એની ડિઝાઈન તૈયાર થઈ જેને મેં લખતી વખતે એક શિસ્ત તરીકે સ્વીકારી લીધી.

તમે જોશો કે આ કાવ્યમાં મત્સ્યવેધનો જે પ્રસંગ છે એમાં કર્ણ જે મત્સ્યવેધ કરે છે એ વાતને મેં એન્લાર્જ કરી છે, જયારે અર્જુન મત્સ્યવેધ કરે છે એ વાત મેં બે પંકિતમાં પૂરી કરી દીધી છે. મેં નક્કી રાખ્યું હતું કે અર્જુન નહીં, મારું લક્ષ્ય કર્ણ છે. એટલે અર્જુનની વાત મારે સંક્ષિપ્તમાં કરી દેવી છે કે તેણે મત્સયવેધ કર્યો, પણ કર્ણ મત્સ્યવેધ કરવાનો છે, એ શક્તિશાળી છે, એ માત્ર રમત હોય એવી રીતે એ કરી શકવાનો છે અને કોઈ પરાક્રમ કરવાનું બહાનું લઈને એ આવ્યો છે એવું નથી, એ સ્વયંવર માટે આવ્યો છે એવું પણ નથી એમ બતાવવા માટે મેં કર્ણને ઉપસાવ્યો. અહીં આમ કરવાનું કારણ સ્પષ્ટ છે કે મારા મનમાં અર્જુન હતો જ નહીં, પણ કર્ણ હતો. અર્જુન હોત તો તો હું ‘બૃહનલ્લા’માં જ આગળ વધી શકયો હોત. દ્રૌપદીને પોતાની શક્તિનો પરિચય આપવાનો કોઈ અવકાશ મળ્યો ન હતો કારણ આ પાંચમાંથી કોઈ બાજુમાં દોડી જ આવે ને મારે તો દ્રૌપદીની નિજતાને બહાર લાવવી હતી. હા, દ્રૌપદીને અવકાશ મળેલો પણ એ તો કોઈની ઉપેક્ષા કરવાનો, કોઈની વિડંબના કરવાનો પણ ના, એ માત્ર એમાં જ સીમિત ન હતી, એ તો અગ્નિ જન્ય સ્ત્રી છે ને યૌવનારૂપે જન્મી છે, દૌપદીને શૈશવ છે જ નહીં, તો પછી એ વખતે એમની જે અંગાંગ તરંગિત મુદ્રા હોય એ સામાન્ય સ્ત્રી જેવી ન હોય. અગ્નિકન્યાની પોતાની ઓજસભરી આભા છે. તો મને એવી દ્વૌપદી પસંદ ન હતી. મને ખબર હતી કે સૈરન્ધ્રી તરીકે રહેલી દાસી એ દ્વૌપદી પણ એ ‘દ્રૌપદી’ જ છે, એ દાસી નથી! નામ સૈરન્ધ્રી છે, પણ છે તો એ દ્વૌપદી જ. ક્ષણે ક્ષણે અનુભવે છે કે હું કોણ છું? હું દ્રુપદદુલારી છું, હું યાજ્ઞસૈની છું, હું અવતારી છું, આવું બધું જે એનાં મનમાં આવ્યા કરે ત્યારે એ મૂંઝાય છે કે અહીંયા બધા મને દાસી-દાસી કહ્યા કરે છે એ દાસત્વ શું છે ? જો દાસત્વ એક વર્ષ પુરતું જ હોય તો પછી પણ હું તો દાસ જ છું ! અને આ આખી વાત સમગ્ર માનવજાતને લાગુ પડે છે. આ રીલેવન્ટ છે આજના મનુષ્યના વીતક સાથે! આ એવું છે જે શાશ્વત છે. કવિતામાં જે સનાતન નહીં હોય એ નહીં ટકે. મારે, આજના કવિને, મહાભારતમાંથી શું કામ આ લાવવું પડે છે? હું સ્પષ્ટ છું કે મહાભારતના કવિની કટોકટી પણ આજના જેવી જ હતી એટલે એ પાત્ર અહીં મદદ કરે છે.

ભદ્રાયુ : વિનોદભાઈ, તમે સાત સર્ગ ને સાત ખંડ એવી એક ફ્રેમ બાંધી તો મને કહેશો કે તમે પ્રસંગોને પણ બાંધ્યા કે ના, એ સહજ રીતે આવ્યા?

વિનોદ જોશી: તમે સરસ વાત પૂછી. એમાં મને થોડું કહેવું ગમશે. આપણી જે અવઢવ છે This OR That અથવા Here OR There આવું જે આપણી અંદર ચાલતું હોય છે, આપણું કોઈ પ્લેસમેન્ટ નથી. આપણે એ જ વિચારીએ છીએ કે આમ જવું કે તેમ જવું? તમે કયાં છો એ તો તમે વિચારતા જ નથી! મનુષ્યની આ બહુ મોટી વિડંબના છે. તમે ક્યાં છો એ વિચાર્યા વગર કયાંથી આવ્યા ને કયાં જવાના એ જ અવઢવમાં આપણે જીવીએ છીએ. એટલે મેં ઉંબરને મારું પ્રતીક બનાવ્યું છે ત્યાંથી અંદર પણ આવી શકાય છે ને ત્યાંથી બહાર પણ જઈ શકાય છે. સવાલ એ છે કે તમારી પીઠ કઈ દિશાએ છે?……. સૈરન્ધ્રી ઘડીક અંદર જતી હોય તો ઘડીક બહાર જતી હોય!

ભદ્રાયુ: વિનોદભાઈ, તમે એક સ્થળે ટાંકયું છે તે સૂચક છે કેઃ ‘દ્વાર અંદરથી ખુલ્યાં!

વિનોદ જોશી: હા, તમે સારી રીતે નોંધ્યું છે. એ સિમ્બોલ છે ઉંબર..…. જો કે, મેં બહુ બધું એનાલિસીસ કરીને નથી લખ્યું. પ્રસંગો – ઘટનાઓ – બનાવો તો એની મેળે આવતા ગયા. પણ હા, કોઈ સર્ગ પૂરો થવામાં હોય તો હું સજાગ થઈ જઉં કે એ સર્ગમાં અંતે મારી કોઈ વાત કહી દેવી છે કે કોઈ સ્થિતિનું સર્જન કરી દેવું છે. તો હું તે મુજબ સર્ગને સમાપન માટે રચું એ જુદી વાત છે. અને એવી રીતે એને એક છેડો બહાર કાઢું ને પેલો છેડો હોય તેને વાઈન્ડ અપ કરી લઉં… રચનાકળાનો આ કીમિયો છે કે તમારો સર્ગ કે તમારો ખંડ પૂરો થતો હોય ત્યારે કોઈક એવો પંચ આપવો જોઈએ કે એમાં આગલા ખંડનો કોઈ સંકેત હોય કે હવે પછી જે થવાનું હોય તેની પણ તેમાં કોઈ વાત હોય. આપણે ત્યાં આખ્યાનોમાં જે વલણો આવે છે એ રીતે જ મેં કાળજી લીધી છે. બીજું કે દોહરા છે તે અહીં કડી રૂપે છે. દોહરાથી મોનોટોની તૂટે, કારણ એક જ છંદમાં વાત ચાલતી હોય તો જે મોનોટોની આવતી જાય તેને દોહરાથી હું બદલતો રહ્યો, આવી મેં ચીવટ રાખી.

ભદ્રાયુ: વિનોદભાઈ, સૈરન્ધ્રી કાવ્ય એ પ્રબંધ કાવ્ય શા માટે ગણાય ?

વિનોદ જોશીઃ મધ્યકાળમાં પ્રબંધ કાવ્યો રચાયાં છે, ખાસ કરીને જૈન સર્જકો દ્વારા ઘણાં પ્રબંધો આપણને મળ્યા છે. પદ્યનાભ નામનો જે કવિ થયો એમણે ‘કાન્હડદે પ્રબંધ’ નામની કૃતિ લખી છે. પ્રબંધમાં કથાનક હોય અને વિસ્તૃત રીતે તેનું આલેખન થયું હોય, વ્યાપક પટ પર એની વાત મૂકાઈ હોય એને પ્રબંધ કાવ્ય કહે છે એવી એક સમજ છે. પ્રબંધ મૂળભૂત તો કથાઓમાં રહેલા છે. આખ્યાન પ્રકાર છે એમાં જે કહેવાયું હોય એ સામગ્રી હોય જયારે કથા હોય એ કલ્પનાથી પ્રબંધાયેલી હોય એટલે કે એમાં રચવાનો ભાવ હોય..… આખ્યાયિકા ઉપલબ્ધાર્થા પ્રબંધઃ કલ્પના કથા R એટલે કે તમારે કંઈક નવું રચવું છે જે ઉપલબ્ધ થયેલું નથી પણ તમે કંઈક રચી રહ્યા છો તે કરો તેનું નામ પ્રબંધ…. મેનેજડ કે ફ્રેમ્ડ… મેં પહેલેથી આને પ્રબંધ કાવ્ય તરીકે જ રચવા ધારેલું અને મેં એમ જ તેમાં આગળ વધવાનું આયોજન કરેલું.

ભદ્રાયુ : આ અગાઉ કોઈ પ્રબંધ કાવ્યો રચાયાં છે ? નજીકનાં ભૂતકાળનાં પ્રબંધ કાવ્યો કયાં?

વિનોદ જોશી : જૈન સર્જકો દ્વારા જરૂર રચાયાં છે. બારમી-તેરમી-ચૌદમી સદીમાં જે જૈનગ્રંથો આપણને મળ્યા એમાં કામ થયું છે. અર્વાચીન ગુજરાતી કવિતાનો આરંભ જયાંથી થયો, દલપતરામ નર્મદથી થયો એમ ગણીએ તો એમાં આટલી સફાઈદાર સંરચનાવાળી કોઈ કૃતિ લખાય નથી, પણ ન્હાનાલાલે મહાકાવ્ય લખવાનો પ્રયાસ કરેલો, ‘હરિસંહિતા’ નામનું મહાકાવ્ય ન્હાનાલાલે લખ્યું, જે તેમનાં અવસાનથી અધૂરું રહ્યું. પણ એ સૈરથી માં જે એક આયોજિત રચના છે, સ્કીલ છે, મેનેજડ આઉટલાઈન છે તે નથી. અહીં સર્જક તરી રહેલ છે પણ એક સ્વીમીંગ પુલમાં એ તરી રહેલ છે, જે પોતે બનાવેલો છે, જે કયાંક ઊંડો, કયાંક છીછરો, કયાંક એનું પાણી બદલ્યા કરે છે પણ એ મેનેજડ છે, કારણ એનાં માપમાં ફેરફાર નથી થતો, પણ તમારું તરણ જાતભાતનું હોઈ શકે. એમાં તમે આ છેડેથી કે પેલે છેડેથી કે વચ્ચેથી કે ઉપરથી કે તળથી તમે તરો છો, પણ એની આજુબાજુ બંધન તો છે જ, નિશ્ચિત બંધન છે.

ભદ્રાયુ: વિનોદભાઈ, આ કાર્ય ઓસ્ટ્રેલિયામાં પૂરું થયું પછી તમે તેને રીવાઈવ કરવાનો કે રીવિઝિટ કરવાનો પ્રયાસ કર્યો? તેમાં કંઈ ફળ મળ્યાં?

વિનોદ જોશી : હા, જરૂર કર્યો, અને તેનાં ઘણાં સારા ફળ મળ્યાં. જુઓ, મેં મારું ધૈર્ય તો જાળવી રાખ્યું હતું. મારો બહુ ઉમળકો છલકયો કે ‘ચાલો એક કામ પાર પાડયું’ એવો કંઈ ભાવ ન હતો. કાવ્ય તો આવી ગયું હતું ને મારે તો ક્રાફટમેનશિપની અદાથી બાકીનું કામ કરવાનું હતું. કારણ નિંભાડો તો અંદર પાકી જ ગયો હતો, એ ખુલે એની જ રાહ હતી. અને એ ઓસ્ટ્રેલિયામાં ખુલ્યો, અહીં ખુલવાના બદલે..! એટલે હું ભાવવિભોર ન હતો. પરંતુ મને થયું કે જે ચોપાઈ અને દોહરામાં હું લખી રહ્યો છું, જે ગુજરાતીમાં હું લખી રહ્યો છું એ સંસ્કૃતથી પુરસ્કૃત છે અને ગુજરાતી ભાષામાં ચોપાઈ કે દોહરા તો છે જ નહીં; તો મારે ટેસ્ટ કરવો જોઈએ કે જે લખાયું છે તે યોગ્ય થયું છે કે કેમ અથવા મારી વાત બરાબર પહોંચે છે કે કેમ ? એવો ટેસ્ટ હું ત્યાં ઓસ્ટ્રેલિયા બેઠાં તો કેમ કરી શકું? એટલે એવું વિચાર્યુ કે જે કોઈ સામયિકમાં આ કાવ્ય છપાય અને તેના પ્રતિભાવો મને મળે તો મને ખાતરી થાય કે મેં જે લખ્યું તે બરાબર છે કે નહીં. એટલે ઓસ્ટ્રેલિયાથી મેં સંપર્ક કર્યો ‘નવનીત-સમર્પણ’ના સંપાદક દીપક દોશીનો. ઈમેઈલ કર્યો ને મોકલ્યું આખું કાવ્ય. લખ્યું કે ઘણાં વખતથી મારી અભિલાષા હતી તે કાવ્ય થયું છે તે જો યોગ્ય લાગે તો ‘નવનીત-સમર્પણ’ છાપે તેવી મારી વિનંતી છે. એનો તરત જ બીજે જ દિવસે ઈમેઈલ આવ્યો કે: હું કાવ્ય વાંચી ગયો છું ને અમારે એ છાપવું જ છે, પણ ‘નવનીત-સમર્પણ’ની પૃષ્ઠ મર્યાદા નડે છે. આટલું લાંબું કાવ્ય હું એક અંકમાં તો છાપી શકું તેમ નથી, એટલે તમે જો એનો વ્યવહારૂ રસ્તો સૂચવતા હો તો આપણે એમાં આગળ વધીએ. હું નહીં છાપું તો બીજા કોઈ તો છાપવાના જ છે, પણ મારે મારા હાથમાંથી એ જવા નથી દેવું…. એવું એમણે લખ્યું! મેં વિચાર્યું કે જો મારે આ કાવ્ય પરની પ્રતિક્રયાઓ જ જોઈએ છે તો પછી મારે આ કાવ્ય કોઈ એવાં સામયિકને નહીં આપવું જોઈએ કે જે આ કાવ્યનો વિશેષાંક કરી એક સાથે છાપે, અને તેના બસો જ વાચકો હોય. મારે એ સામયિકને જ આ કાવ્ય સોંપવું જોઈએ કે જેના સર્વસામાન્ય વાચકો હોય અને જેમાંથી મને પ્રતિક્રિયા પણ મળી શકે. તો એવું તો ‘નવનીત-સમર્પણ’ જ છે, જે પૂરેપુરું આ ઉદ્દેશ માટે બિફીટીંગ છે. પછી મેં એવો વ્યવહારુ રસ્તો કાઢ્યો કે ‘નવતીત-સમર્પણ’ની સાઈઝને અનુકૂળ લે-આઉટ કર્યો ને સર્ગ બધા છૂટા કરી દીધા, મેં એટલું કોમ્પ્રોમાઈઝ કર્યું જેથી કરીને ધારાવાહિક રીતે સાત સર્ગ સાત મહીના સુધી દરેક અંકમાં છપાય! એવું આયોજન કર્યું કે જે દીપક દોશીને અનુકૂળ આવ્યું. મેં એમ પણ કહ્યું કે જો માર્ચ-૨૦૧૮ના અંકથી તમે શરૂ કરી શકો તેમ હો તો છાપો અને એમણે એ પણ સ્વીકાર્યું. માર્ચ થી શરૂ થયું પછીતો હું બંધાય ગયો કારણ માર્ચમાં પહેલો સર્ગ છપાય એટલે મારે બીજા સર્ગ ફાઈનલ કરીને એમને મોકલવાના જ થયા..! પહેલા સર્ગના પ્રકાશિત થયા પછી મને જે પ્રતિભાવો મળવા લાગ્યા એ પરથી મને થયું કે કાવ્ય પહોંચ્યું તો છે. પછી જેમના જેમના અભિપ્રાયો મળ્યા એમાં કોઈ વિદગ્ધ હોય કે કોઈ સરેરાશ ભાવક હોય કે વયભેદવાળી વ્યકિત પણ હોય એ બધા જે કહેતા રહ્યા એ બધાં જ સૂચનો હું બહુ વિનમ્રતાથી સ્વીકારતો ગયો અને એ રીતે મને લાગ્યું કે મારે હજુ આમાં કેટલાક ફેરફારો કરવાની જરૂરત લાગે છે. કવિતાની કમનશીબી ગણો તો એ છે કે પહેલો સર્ગ પ્રસિદ્ધ થયો માર્ચ મહીનામાં એ મેં જે મૂળ લખેલો તે જ છપાયો પણ બીજો સર્ગ છપાય તે પહેલાં મને ઘણાં સૂચનો મળી ગયાં હતાં એટલે મેં શરૂઆતથી આખું કાવ્ય મોકલ્યું હોવા છતાં, મેં દીપક દોશીને કહ્યું કે હું તમને ફરી એક-એક સર્ગ આખરી સ્વરૂપ આપી મોકલતો જઉં તે તમે છાપતા જજો, મેં શરૂઆતમાં મોકલેલું આખું કાવ્ય નહીં! ભાવકના પ્રતિભાવોના આધારે ફેરફાર કરી હું પુનર્વાચન કરતો ગયો ને ચકાસતો ગયો કે આ યોગ્ય લાગે છે? કેટલીકવાર એવું લાગ્યું કે આનું પુનરાવર્તન ટાળવું જોઈએ તો ક્યારેક એવું ય લાગ્યું કે ના, આવું પુનરાવર્તન થવું જોઈએ, તો મેં એ મુજબ કર્યું, અને બીજા સર્ગથી મેં ફેરફારો કરતા રહેવાનું કાર્ય હાથ ધર્યું. ત્રીજા સર્ગનાં પ્રકાશન પછી તો મને ઘણા બધા પ્રોત્સાહક પ્રતિભાવો મળવા લાગ્યા. ‘આ તો ઘણું નવું કામ થયું છે’, ‘ચોપાઈ ને દોહરામાં તો પ્રથમવાર આમ કાવ્ય લખાયું છે’, ‘ચોપાઈ અને દોહરાનું નવું રૂપ તમે લાવ્યા છો’, ‘આવું તો અગાઉ કયારેય જોયું નથી’, વગેરે વગેરે પ્રતિક્રિયા મળવા લાગી. પરંતુ હું અહીં મૂંઝાયો. મને થયું કે આ બધા વખાણે તો છે પણ મારે આ કાવ્ય કોઈ એવી વ્યકિતને પણ મોકલવું જોઈએ કે જે મને મોઢામોઢ એમ કહે કે ના, આ બરાબર નથી. તો એવા જે દુરારાધ્ય ગણાતા હોય તેવાને હું મોકલું. એટલે મેં લાભશંકર પુરોહિત, ચંદ્રકાંત ટોપીવાળા, સુમન શાહને મોકલ્યું ને કહ્યું કે તમે આ વાંચો અને તમારો ક્રિટીકલ રીવ્યુ મને આપો.

પછી તો હું ભારત આવી ગયો એટલે હું બધાનો રૂબરૂ સંપર્ક કરી શકું એમ હતો. સુમન શાહના ઘરે થોડા મિત્રો વચ્ચે વાચન કર્યું, તો મને જ કેટલાક ફેરફારો સૂઝયા ! એક મહત્વનું સૂચન આવ્યું કે આમાં ફારસી ભાષાના શબ્દો આવે છે! ‘સૂર્યોદયની નોબત વાગી’ એવી એક પંકિત આવે છે. ‘નોબત’ તો મોગલકાલિન વાદ્ય છે અને એ મહાભારતકાલિન પૌરાણિક સંદર્ભમાં કેવી રીતે મેચ થાય ? તો આ ક્રોનોલોજિકલ કોયડો હતો કે જે ટકી ન શકે. મેં પછી ‘સૂર્યોદયની ઝાલર વાગી’ એવો ફેરફાર કર્યો. આવા મેં ઘણા શબ્દો બદલ્યા. મને સમજાયું કે મેં લખતી વખતે તો વિચાર્યું જ ન હતું કે આટલા બધા ફારસી શબ્દો આમાં આવી ગયા છે! પછી મેં ફારસી શબ્દો શોધી આપવાનું કામ કેટલાક મિત્રોને સોંપ્યું, ને વોટસએપથી એ મેળવ્યા. અને પછી તેના વૈકલ્પિક શબ્દો શોધ્યા ને પાછા એ છંદમાં બેસે એવી રીતે તેને ગોઠવ્યા.. ક્યાંક પંકિતઓ પણ બદલી, કેટલાકે મને એમ કહ્યું કે આમાં ‘મુજ-તુજ-કેરું આવું બધું જે આવે છે તે આપણી જૂની ઘરેડને લગતું લાગે છે અને એ સારું નથી લાગતું. મને લખતી વખતે આ વિચાર તો આવેલો પણ ત્યારે મેં વિચારેલું કે હું જે કવિતાનાં ટેકે આજે ઊભો છું એને પણ હું આદર આપું એટલે મેં ‘કેરું-તણું-મુજ-તુજ’ લખેલું, પણ પછી એક નહીં આવા બે-ચાર સૂચનો આવ્યાં એટલે મેં તેને નિવારવાનું નક્કી કર્યું ને તે મુજબ થઈ ગયું. આ રીતે મેં મારો બધો મેદ ઓગાળી નાખ્યો. પછી મેં છાનબિન શરૂ કરી શબ્દોની. ઉદા. તરીકે ‘મઝધાર’ શબ્દ છે એ ફારસી છે એમ કોઈએ કહ્યું તો હું એના ગોત્ર શોધવા લાગ્યો, તો મને જાણવા મળ્યું કે ‘મધ્યધારા’ પરથી ‘મઝધાર’ શબ્દ આવ્યો છે એટલે એનું મૂળ તો સંસ્કૃત છે. આવું શબ્દ સાથેનું કન્ફ્રાન્ટેશન હજુ ચાલે છે, આજે પંદર ઓગષ્ટ, ૨૦૧૮ના રોજ આ વાત કરીએ છીએ તો હજુ ત્રણ દિવસ પહેલાં મને હરિશ્વન્દ્રભાઈએ કહ્યું કે આમાં ‘અંદર’ શબ્દ કેટલી બધી વાર આવે છે અને એ તો ફારસી શબ્દ છે. મેં કીધું : ‘અરે, અંદર ક્યાં ફારસી છે?’ તો એ કહેઃ ‘આપણે ‘અંદરની’ એમ નથી બોલતા?’ તો ત્યાં ને ત્યાં સાથે જોડણીકોષ જોયો ને એ શબ્દ ફારસી નીકળ્યો! આતો બદલવો પડે, જો આપણે એક શિસ્ત સ્વીકારતા હોઈએ તો એ બધે જ લાગું કરવી રહે. હવે જુઓ, આ આખું કાવ્ય મેં કોમ્પ્યુટર પર લખ્યું છે, કાગળ પર નથી લખ્યું લેપટોપમાં ‘ફાઈન્ડ-રિપ્લેસ’ની જે સગવડ છે તેના આધારે જાણ્યું કે ‘અંદર’ શબ્દ કુલ અગિયાર જગ્યાએ મેં વાપર્યો છે. આ દરેક જગ્યા મેં ચકાસી લીધી ને ત્યાં ‘ભીતર’ શબ્દ બેસે છે કે નહીં તે તપાસીને મેં ‘ભીતર’ શબ્દ મૂકયો ને ‘અંદર’ શબ્દ દૂર કર્યો. કેટલીક જગ્યાએ તો ‘ભીતરમાં ભેદી ભણકારા’ આવી સરસ પંકિત પણ થઈ ગઈ! આમ એનું અનુરણન જળવાયું! આ આખાં કાવ્યની મજા જે છે એ એનું આંતરસંગીત છે, એના વિષે તો બહુ નિરાંતે વિગતે વાત થઈ શકે કારણ કે એના વર્ણનું જે સૌંદર્ય છે તે આમાંની એંશી ટકા પંકિતઓમાં છે, એ સમૃદ્ધ છે ને સહજ પણ છે, કયાંય કશાં દબાણ વગરનું છે. હા, એક-બે જગ્યાએ મેં તોડ-મરોડ કરેલ છે એ મને ખબર છે અને એટલી સ્વતંત્રતા તો સર્જકને હોય જ પણ એનું વર્ણન-સૌંદર્ય સચવાય એની મથામણ તો મેં બહુ કરી છે. આમ પોઝીટીવ પોસ્ટમોર્ટમનો તબક્કો પણ ઘણો કાળજીપૂર્વક આગળ ધપ્યો છે.

ભદ્રાયુ : એટલે સૈરન્ધ્રીમાં જે ફલેશબેક આવે છે ને સસ્મૃતિસંદૂક ખુલે છે તે આ પ્રબંધ કાવ્યની રચનામાં પણ થયું છે.

વિનોદ જોશીઃ  બહુ સાચું. એનું જાહેર પઠન પ્રથમવાર વિશ્વકોષ, અમદાવદમાં મેં કર્યું અને બધાએ બહુ જ પ્રભાવથી તેને આવકાર્યું. તેને સ્ટેન્ડીંગ ઓવેશન મળ્યું ને જયારે એ પૂર્ણ થઈને સૌ વિખેરાયા ત્યારે જાણે એક પ્રકારનો સન્નાટો છવાયો! કોઈ બોલે તો પણ એક પ્રકારના ભાર નીચે હોય એવું લાગ્યા કરતું હતું. એટલી કવિતા પહોંચી ગઈ હતી, પણ એ વખતે મને એમ થયું કે સૈરન્ધ્રીનો મેં જે અંત કર્યો છે તેમાં મેં મારી કવિ તરીકેની સત્તા વાપરી છે. આવી રીતે મારા ભાવકને મારે વશ કરવાનો મને કોઈ હક્ક નથી, ભાવક સ્વયં જો મારી સાથે આવતો હોય તો વાત જુદી છે પણ હું એમ કહી દઉં કે ‘સૈરન્ધ્રીનું પછી આમ થયું’ તો એ બરાબર ન કહેવાય. એટલે મને વિચાર આવ્યો કે ઓપન એન્ડેડ અંત થઈ શકે કે નહીં ? આ વાત મારે કરવી તો કોની સાથે કરવી? ચંદ્રકાંત ટોપીવાળાને મેં અગાઉ સ્ક્રીપ્ટ મોકલેલી. એટલે એમને વિનંતી કરી એમનાં ઘરે જઈ એમની સાથે બેસી લગભગ અઢી કલાક ચર્ચા-સંવાદ ઊમળકાથી કર્યા. એમણે પોતે કરેલા સુધારા વાંચ્યા ને કહ્યું કે, ‘આ સુધારા તમને યોગ્ય લાગે તો કરો, નહીં તો તમારી મરજી પણ મને તો આમ લાગ્યું છે !’ ટોપીવાળા સાહેબ જે સુધારો વાંચે તે પછી હું કહું: ઉભા રહો, એ પંકિત મેં કેમ સુધારી છે તે સાંભળો અને બનતું હતું એવું કે અમારી બન્નેની નવી પંક્તિ લગભગ લગભગ સરખી હોય! એક-બે જગ્યાએ મેં વધારે સારું કર્યું હોય ત્યાં તેમણે કહ્યું કે, ના તમે જે સુધાર્યું છે તે જ બરાબર છે. આવી રીતે ફ્રેન્ક ઈન્ટરેકશન પણ થયું. ટોપીવાળા જેવા આમ દુરારાજય કહેવાય એમના વિવેચનમાં તો કોઈ શંકા હોય જ શકે નહીં. એમની સાથે મેં કાવ્યના અંત વિષે ચર્ચા કરી. એમનું તો સ્પષ્ટ માનવું હતું કે સમાપન તો ઓપન એન્ડેડ જ હોવું જોઈએ. જગતની કોઈપણ મહાન કૃતિઓ જોશો તો તેનો અંત ઓપન એન્ડેડ જ હશે! એટલે મને ખ્યાલ આવ્યો કે હા, એવું જ છે. મહાભારત પોતે જ એમ છે. પાંડવો જીત્યા ને હિમાલયગમન કરે છે ને પાછળ જે રહ્યું તેનું શું થયું? હસ્તિનાપુરનું શું થયું? બધા પ્રશ્નો તો આપણે જ ઉકેલવાના, ઓપન એન્ડેડ જ રહે છે. એટલે મેં પણ સૈરન્ધ્રીના અંતમાં ફેરફાર કર્યો. પહેલાં અંત એવો હતો કે વિરાટ રાજા  દ્રૌપદીને ચિતા પર ચડાવી, સળગાવી દેવાની સજા કરે અને ચિતાને અગ્નિ આપવામાં આવે પણ અગ્નિ કાષ્ટને સ્પર્શે નહીં, પણ પછી સૈરન્ધ્રી પોતે જ એમ વિચારે કે હું પોતે જ અગ્નિપુત્રી છું અને આ બધા હત્યારી ગણે છે. હકિકતમાં તો હું સ્ત્રીનું વ્યક્તિત્વ પામી છું એટલે પોતે જ અગ્નિ ચાંપીને બળી જાય છે ને જે રાખ થઈ તેને બધા લોકો ભસ્મ ગણી તિલક ગણી માથે ચડાવી વિખેરાય જાય છે! આવું મેં કરેલું, પણ પછી મને જ એ એટલું બધું વિચિત્ર લાગ્યું કે આવું શા માટે કરવાનું? આ બધું ગોઠવાયેલું હોય એવું મને પછી લાગ્યું. દ્વૌપદીનું વ્યકિતત્વ જો ખરેખર આટલું પ્રભાવી હોય તો એનું મૃત્યુ જ ન થાય, એ બળી પણ ન મરે, કારણ એમાં એની શરણાગતિ છે. મેં નક્કી કર્યું કે ના, મારે તો કાવ્યને ઓપન એન્ડેડ જ છોડી દેવું છે. ચિતા સળગે નહીં ત્યાં સુધીની વાત બરાબર છે, પણ પછીની વાત ભાવક પોતે જ વિચારે કે પછી શું થયું હશે? શું કોઈ બીજો અગ્નિ લાવીને તેને સળગાવી હશે કે સૈરન્દ્રી પોતે જ ચિતા પરથી ઊતરી ગઈ હશે કે પછી રાજાને જ ખુદને પસ્તાવો થયો હશે કે પાંડવોએ ઉગ્ર બની કંઈક કર્યું હશે કે પછી કિચકનું મૃત્યુ થયાથી લોકોમાં આક્રોશ વ્યાપી ગયો હોય અને એ બધા સૈરન્ધ્રી પર તૂટી પડયા હોય, એમ કેટલું બધું ભાવક વિચારી શકે! એટલે મેં કાવ્ય ત્યાં છોડી દીધું ને લખ્યું: ‘દિશા વિસ્તરી એટલી, સૂર્ય ન પામે અસ્ત’. અહીં સૂર્ય એટલે કર્ણ પણ છે એટલે કે સૈરન્ધ્રીનાં મનમાંથી સૂર્ય/કર્ણ ગયો નથી અને તેણે પોતાનાં ચિત્તનું ફલક એટલું વિસ્તારી દીધું કે હવે એ આથમી ન શકે કારણ એ સૂર્ય જ હવે એનો છે! એની અપીલ પણ બહુ જોવા મળી.

ભદ્રાયુ : વાહ, વિનોદભાઈ, એમ લાગે છે કે તમે સર્જન પહેલાં જે મૂંઝારો અનુભવ્યો તે સર્જન પછી તમને મોકળાશ આપી ગયો. કાવ્ય રચાય ગયું પછી તમે તેને ત્રીજા પુરુષ એકવચન તરીકે એ સર્જનને ફરી નિહાળ્યું ! લખ્યું ત્યારે તમે ‘કવિ વિનોદ જોશી’ ને સર્જન પછી તમે એક ‘ભાવક વિનોદ જોશી’ તરીકે સૈરન્ધ્રીનું આકલન કર્યું. અત્યારે અમે જે અનુભવી રહ્યા છીએ એ તબક્કામાંથી પણ તમે પસાર થઈ ગયા છો, ખરું ને ?

વિનોદ જોશીઃ હા, એ સાચું. પછી હું ઓબબ્ઝર્વર બની ગયો ને મેં સાક્ષી ભાવે મારાં જ કાવ્યને અવલોકયું. ભદ્રાયુભાઈ, મને હજુ એવી મૂંઝવણ છે કે એક વખત આ પ્રબંધ કાવ્ય બુક ફોર્મમાં પ્રકાશિત થઈ જશે પછી મને કશું સૂઝશે તો હું શું કરીશ ? કારણ એકવાર બુક બની ગઈ પછી તો તમે બંધાય જાઓ છો અને તમારી નૈતિક જવાબદારી એને વળગી રહેવાની બને છે. હા, એ બંધાયેલી કૃતિ પણ કદાચ મને કોઈ ઉર્જા આપે કે આમાં જે રહી ગયેલું તને લાગે છે તે હવે તું લખ, એમ પણ બને ! ૧૮૦૦ પંક્તિઓમાં અર્ધાથી થોડા ઓછા પ્રાસની સમૃદ્ધિ આખા કાવ્યમાં છે એ રીતે સંરચનાની દ્રષ્ટિએ મારી ક્રાફટસમેનશીપનો લાભ આ કાવ્યને મળ્યો છે તેનો મને સંતોષ છે.

ભદ્રાયુ :એક ભાવક રીતે કહું તો સૈરન્ધ્રી ભલે એક નાટક છે, ને સૈરન્ધ્રી એનું મુખ્ય પાત્ર છે એ વાત ઉપરાંત એક સ્ત્રી વિશેની ફીલોસોફીકલ વાત કેટલી બધી જગ્યાએ મળે છે, આપણે જો મોટીવેશનલ પોઈન્ટની વાત કરીએ તો આમાં કેટકેટલી પંક્તિઓ મોટીવેશન પૂરું પાડતી લખાઈ છે. ત્રીજો મુદ્દો એ પણ છે કે સૈરન્ધ્રીમાં એકદમ રીચ વોકેબ્યુલરી ભરકક્ક છે. છતાં એવો કોઈ ગંભીર શબ્દ નથી કે જેની અર્થછાયા સ્પષ્ટ કરવા માટે માથું ખંજળાવવું પડે કે શબ્દકોષ ખોલવો પડે. ભલે તમારાથી તો એ સહજતાથી આવતું ગયું હશે.

વિનોદ જોશી :જો કે આ બધું સાવ સહજ રીતે થયું છે એવું નહીં કહું, મેં શિખંડી લખ્યું સંસ્કૃત વૃત્તોમાં. લગભગ સત્તર જેટલાં સંસ્કૃત વૃત્તો છે એમાં મંદાક્રાંતા, શાર્દૂલ વિક્રીડીત, શિખરિણી, અનુષ્ટુપ, ચૈતાલી, શાલિની, માલિની, સ્ત્રગ્ધરા છંદો અને કેટલાય શબ્દો કે જે વાચકને વિચારમાં મુકે તેવા છે, એટલે મારી એક એવી સમજ હતી કે મારે એટલું અઘરું સૈરન્ધ્રી નથી કરવું, કે જે ભાવકોને દૂર રાખે એટલે મેં એમાં એક શ્લોક એવો કર્યો છે જેમાં સમ્યકભાવ ધરીને સૈરન્ધ્રી ઊભી હોય એ ખરેખર સમ્યક્ભાવ મેં અમલમાં મૂક્યો છે. એટલું અઘરું નહીં કે જે સમજાય નહીં ને એટલું સહેલું નહીં કે જે કાવ્યની ગરિમાને જોખમમાં મુકી દે. આમાં તમને તળપદા શબ્દ પણ મળશે તો અત્યંત દુરાકૃષ્ટ શબ્દ પણ મળશે અને છતાં તમને ખીચડી નહીં લાગે. પણ તમે કહો છો તે મોહિની તો એ ભાષાની પણ છે, મૂળ કથાનકમાંથી થોડો બદલાવ કરીને રજૂ થયેલ છે એની પણ છે, આ બધાં પાત્રો આપણાંમાંથી પસાર થઈ રહ્યાં છે તેની પણ છે, આપણું જીવન પણ આમ જ જીવાય રહ્યું છે એ પ્રકારની સમાંતર પ્રતીતિ પણ છે અને એ બધું કાવ્ય સાથે ભાવકને જોડી રાખે છે.      

ભદ્રાયુ :વિનોદભાઈ, છેલ્લો પ્રશ્ન. ‘સૈરન્ધ્રી પ્રબંધ કાવ્ય’ની બુનિયાદી ફિલસૂફી તમારી દ્રષ્ટિએ..? એ જાણવી બહુ આવશ્યક છે, કારણ સર્જકનાં ચિત્તમાં કયું દર્શન પડયું છે કે જેણે આ સર્જન આપણને આપ્યું છે?

વિનોદ જોશી : ભદ્રાયુભાઈ, એકદમ પાયાની વાત તમે છેલ્લે સ્પર્શી કે જે મારા દષ્ટિકોણને ભાવકના મન સુધી પહોંચાડશે. આપણે આપણાં અસ્તિત્વના ત્રણ લોક ટૂંકમાં સમજી લઈએ. આ ત્રણ લોકની બહાર હું-તમે કે આપણે ક્યારેય નથી. ૧) સ્મૃતિલોક ૨) સ્વપ્નલોક ૩) કલ્પનાલોક… જે વીતી ગયું તે સ્મૃતિલોકમાં પહોંચ્યું. જે વીતે તેવી શકયતા છે અથવા નથી પણ તે સ્વપ્નલોકમાં સંચરે અને જે વીતે તેવી ઈચ્છા છે કે કલ્પના છે કે અપેક્ષા છે તે કલ્પનાલોક સર્જે! સ્મૃતિલોક અને સ્વપ્નલોક વ્યકિતના હાથમાં ન હતા, ન છે કે ન હશે. એક માત્ર કલ્પનાલોકના આધારે વ્યકિત જીવે છે. બન્યું કે બનશે નહીં, પણ ‘બનવું જોઈએ’ની કલ્પના જ આપણા જીવનને જીવંત રાખવાનો બહુ મોટો સધિયારો છે. કહો ને, એ આપણી નોળવેલ છે. સૈરન્ધી પાસે કે દ્રૌપદી પાસે તેનો કલ્પનાલોક હાથવગો છે એટલે એ કલ્પનાલોકના સહારે પોતાનો વર્તમાન જીવવાની જે મથામણ કરે છે તે મારી સૈરન્ધ્રીની ફિલસૂફી છે.. જે આ ક્ષણે છે તે પછીની ક્ષણે નહીં હોય એવું જો સ્વીકારી શકાય તો, જે આ ક્ષણે નથી તે પછીની ક્ષણે હશે એવું કેમ ન સ્વીકારી શકાય? આ મારો પાયાનો પ્રશ્ન છે. મારી નિજતાને કલ્પનાલોકમાં ચેતનવંતી રાખી શકું તો જ મારો વાસ્તવલોક સાર્થક નીવડી શકે ! વાત અઘરી છે પણ સમજાય પછી જીવનમાર્ગ બની શકે તેવી છે.

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


…દાદાનો ડંગોરો લીધો તેનો તો મેં ઘોડો કીધો..

…દાદાનો ડંગોરો લીધો તેનો તો મેં ઘોડો કીધો..

લોહિયાજી છોકરાને અને એના સ્કેચને જોઈ ખીલી ઊઠ્યા, છોકરાને જોરથી ભેટી પડ્યા. અને ભીંસ વરસો સુધી ઢીલી પડી.

ભદ્રાયુ વછરાજાની                                         bhadrayu2@gmail.com 

મકબૂલ ફિદા હુસૈન,,, ‘એમ. એફ. હુસૈન’,,, તરીકે પ્રસિદ્ધ એવા ભારતીય ચિત્રકાર હતા. હુસૈન આધુનિક ચિત્રશૈલી અને વૈશ્વિક સ્તરે ખ્યાતિ પ્રાપ્ત વ્યક્તિત્વ હતા. તેઓ સાથે ગાઢ નાતો હતો તેવા રંગકર્મી ગુજરાતના શ્રી અનિલ રેલીયાના સંપાદનમાં હુસૈનની જીવની આપણને મળી. હુસેને પોતે લખેલ પોતાની આત્મકથાનું ગુજરાતી થયું  શ્રી જગદીશ સ્માર્ત દ્વારા. આપણને આકર્ષે તેવું તેનું શીર્ષક છે: દાદાનો ડંગોરો લીધો તેનો તો મેં ઘોડો કીધો.. એમ.એફ.હુસેન વર્લ્ડ લેવલ સુધી પ્રખ્યાત થયા તેની સાથે જ ગુજરાતને તેમણે  બહુ પ્રેમ કર્યો, અહીં ઘણું પ્રદાન પણ કર્યું અને અહીંથી તેઓની સામે વિવાદો પણ ઉભા થયા…એ હુસેનના જીવનની એક સ્મરણીય ઘટના તેઓના જ શબ્દોમાં આજે માણવી છે અને જાણવું છે કે એક જન્મજાત કલાકારના દિલમાં લાગણીઓનું પૂર કેવી રીતે વહેતું  હોય છે ?? 

‘……ઓક્ટોબર મહિનો છે, માલવી ઘઉં ખેતરમાં ઊભાં છે, તડકો ગમવા લાગ્યો છે. સાંજ પડતાં દાદા છોકરાના ગળા પર ભૂરું મફલર લપેટી દેતા અને તે દોડતો ફળિયાની રામલીલા જોવા પહોંચી જતો. આ કોઈ નાટક કંપની નથી, જયાં ટિકિટ લેવી પડે.

એક પ્રાથમિક શાળાનું આંગણ. આમલીના ઝાડ નીચે માગી આણેલાં કેટલાંક ફાનસ અને ધોબણ પાસેથી લાવેલી સાડીઓનો ‘બેક ડ્રોપ’. થાળી-વેલણ વાગતાં જ ખેલ શરૂ થયો. પેલા પાનવાળા શંકરનો ભાઈ સ્કૂલના ડ્રીલ માસ્ટરની ચડ્ડી પહેરીને હનુમાન બની જતો, માત્ર મોઢા પર થોડી ધૂળ ચોળીને. હા, રાવણજી તો તે જાડો મીઠુ લાગે, જે ઘઉં દળવાની ઘંટી પર બેસે છે. કૈકેયી ક્યો છોકરો બન્યો તે ઓળખી ન શક્યો. એક તો સ્ત્રી બને ને ઉપરથી કાળા મોઢા પર રાખ ચોપડીને નખરાં કરે. કાસીમમિયાં, ઈન્દોર છાવણીના લગન-વિવાહના બેંડ માસ્ટર, પરંતુ રામલીલા માટે ઢોલ અને વાંસળીના સૂર બજવે છે.

આ રામલીલામાંથી પાછી ફરતી ભીડમાં ઘેરાયેલો છોકરો ચાલતાં ચાલતાં આ નાટકના કોઈ પણ એક પાત્રમાં પોતાની જાતને શોધે છે. ઘેર પહોંચવામાં જાણી જોઈને મોડું કરે છે, જેથી જેટલાં પાત્રો છે એની સાથે કાલ્પનિક મંચ પર થોડો થોડો અભિનય કરી લેવાય. પરંતુ આજે જયારે એ જ રામલીલા દિલ્હીના ઝગમગતા સ્ટેજ પર જુએ છે ત્યારે ઘેર પાછા ફરતી વેળાએ એને શંકર પાનવાળાનો ભાઈ, ઘંટીવાળો જાડો મીઠુ અને કાસિમ બેંડમાસ્ટર યાદ આવે છે.

ઈન્દોરની રામલીલાને જોઈ, ડોક્ટર રામમનોહર લોહિયાને મળી, આ છોકરો કેવી રીતે વાલ્મીકિ અને તુલસીદાસ સુધી પહોંચે છે! આ સમય છે, પાંચમા દસકાના અંત ભાગનો. હૈદરાબાદના ધનવાન પન્નાલાલ પિત્તીનું રાજભવનની બાજુમાં મોતીભવન. એમનો દીકરો બદરીવિશાલ, ભવનના ઉપરના માળે ગોળ તકિયા વચ્ચે વિરાજમાન. બપોરના ભોજન વખતે ડૉક્ટર રામમનોહર લોહિયાજીનું આગમન. ગોળ તકિયાની ચારે તરફ ખાદીધારીઓ બંડીઓ પર સમાજવાદી બિલ્લા લગાડી, અદબથી ઊભા છે. એ છોકરો બદરીવિશાલના કલમદાનમાંથી એક કલમ કાઢી આ દૃશ્યને રેખાંકિત કરે છે. ડોક્ટર લોહિયાનો સ્કેચ એમના અસ્તવ્યસ્ત ઊભા વાળથી શરૂ થઈને પટપટાવતી તોફાની આંખો શોધતો નસકોરાંથી બહુ જ નીચે હોઠો પર આવીને અટકે છે. લોહિયાજી છોકરાને અને એના સ્કેચને જોઈ ખીલી ઊઠ્યા, છોકરાને જોરથી ભેટી પડ્યા. અને એ ભીંસ વરસો સુધી ઢીલી ન પડી.

એક સાંજે એ છોકરો લોહિયાજીને જામા મસ્જિદ પાસેની કરીમ હોટલમાં લઈ ગયો કારણકે એમને મુગલાઈ ખાણું, શીરમાલ વગેરે ખૂબ જ ભાવતું હતું. લોહિયાજીને જવાહરલાલ નહેરુનો એક પોર્ટ્રેટ યાદ આવી ગયો જે છોકરાએ નહેરુજીને ઘેર જઈને ચીતર્યો હતો. લોહિયાજીએ કુરમાની પ્લેટમાં ચમચાને હળવે હાથે રણકાવતાં છોકરા તરફ જોયું અને કહ્યું: ‘આ તને શું સૂઝયું કે નહેરુનું પોર્ટ્રેટ બનાવવા બેસી ગયો? હા, એક પોર્ટ્રેટ જે ‘ઈલસ્ટ્રેટેડ વિક્લી’માં છપાયું છે એ થોડુંક સારું લાગે છે કારણકે એમાં નહેરુ ડૂબતા દેખાય છે, જાણે પાણી ગળા સુધી ચડી ગયું છે.

‘લોહિયાજી’, છોકરાએ સ્મિત કરતાં જવાબ દીધો ‘મોડર્ન આર્ટનું મજાનું પેચીદું પાસું એ છે કે જોવાવાળાને પોતાની મરજી અને સ્વભાવ મુજબ ચિત્રને ઢાળવાનો હક્ક આપે છે, જયારે ફોટોગ્રાફીની સ્થિરતામાં કલ્પનાની વધારે ગુંજાઈશ નથી. એક રીતે મૉડર્ન આર્ટનો મિજાજ શાહી નહીં પરંતુ ડેમોક્રેટિક છે. જેવી રીતે જોવામાં વ્યક્તિત્વ શાહી હોય પરંતુ રેખાઓનો તનાવ સ્વાભિમાનને પ્રગટ કરતો હોય. રંગોનો ઉજાસ સ્વાભિમાનથી સંપૂર્ણ હોય.

લોહિયાજીએ છોકરાની પીઠ થાબડી જાણે કે શાબાશી આપી અને વિષય બદલતાં એને પૂછ્યું: ‘આ તું બિરલા અને ટાટાના ડ્રોઈંગરૂમમાં લટક્નારાં ચિત્રોમાં ઘેરાયેલો છે એમાંથી જરા બહાર નીકળ. રામાયણને ચીતર, જે આ દેશની સદીઓ જૂની રસપ્રદ કથા છે, ગામેગામ ગુંજતું ગીત છે, સંગીત છે. અને પછી એ ચિત્રોને ગામેગામ લઈ જા. શહેરના બંધ ઓરડાઓ, જેને આર્ટ ગેલેરી કહેવામાં આવે છે, જ્યાં લોકો માત્ર પાટલૂનના ખીસામાં હાથ નાંખીને ઊભા રહે છે. ગામવાળાઓની જેમ ચિત્રોના રંગમાં મળીભળીને નાચવા ગાવા નથી લાગતા.’

લોહિયાજીની આ વાત છોકરાને તીરની જેમ વાગી ગઈ અને વરસો સુધી એનો સણકો રહ્યો. છેલ્લે, લોહિયાજીના મૃત્યુ પછી તરત એમની યાદમાં રંગો અને કલમ લઈ બદરીવિશાલના મોતીભવનને ‘રામાયણ’નાં લગભગ દોઢસો ચિત્રોથી ભરી દીધું. દસ વરસ લાગ્યાં એ ચિત્રો કરતાં. એનો એક પણ પૈસો ન લીધો, ફક્ત લોહિયાજીના શબ્દોનું માન રાખ્યું….’ હાય રે કિસ્મત, કમનશીબી એ છે કે લોહિયાજીના શબ્દોનું માન  રાખનાર આ શખ્સિયત સામે વિરોધનો વંટોળ અહીંથી શરુ થયો ત્યારે કોઈએ અહીં રજુ કરી તે વાત કદાચ વાંચવાની કે જાણવાની કોશિશ નહોતી કરી !!!!