‘ભૂદાનયાત્રા’ જેવી જ ‘શિક્ષણ ભવન યાત્રા’

જનકલ્યાણ ફેબ્રુઆરી – ૨૦૨૪

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

કેશુ ભગતે 309 શિક્ષણ ભવન બાંધવાનો સંકલ્પ કર્યો છે કે જેમાં ક્યાંય એમનું નામ નથી !!

“આમ હું સ્વભાવે તાર્કિક માણસ છું. કોઈ કહે ને માની લીધું એવો મારો સ્વભાવ નથી. કોઈનો અનાદર કરવાનો નહીં પણ ઊંડું જાણવાનો સ્વભાવ છે. એટલે જ મારા બહુ બધા માર્ગદર્શક છે, બહુ બધા પ્રેરક છે અને બહુ બધા ગુરુઓ છે. થોડા આપણે વધારે સક્ષમ થયા એટલે આદિવાસી વિસ્તારમાં જવાનું નક્કી કર્યું, કારણ કે વિનોબા ભાવેને વાંચેલા જેના હિસાબે પેલો છેવાડાના માણસનો વિચાર તો  ઘર કરી ગયેલો. આદિવાસી વિસ્તારમાં જવાનું ચાલુ કર્યું એટલે ત્યાંની અસુવિધા, ત્યાંની ગરીબાઈ બહુ બધું અસર કરી ગયું. 

એક કમળાપુર ગામ છે ત્યાં ગયા. શાળામાં  અમે લોકો બેઠા હતા ને સામે બાળકો બેઠા હતા. એમાં એક દીકરીને મેં ઉભી કરી, ઉભી થઇ ને એ રડવા માંડી, એટલે મેં બાજુમાં બેઠેલા ટીચર ને પૂછ્યું કે, આ રડે છે કેમ ? તો ટીચર એ કહ્યું કે, એના મા-બાપ કોઈ નથી ને પહેર્યે એક જોડી કપડાં જ છે, એનો ભાઈ પણ અહીંયા છે ને કોઈ એમનું છે નહીં!!!. આ ઘટના મારા હૃદયમાં ઊંડી અસર છોડી ગઈ, કેમ કે મેં મારા બાળપણમાં એટલી ગરીબી જોઈ છે. કોઈ દિવસ નવા કપડાં નથી  પહેર્યા કે દિવાળીમાં કોઈ દિવસ નવા ફટાકડા નથી ભાળ્યા, કોઈ દિવસ પેટ ભરીને સાદું કે મિષ્ટાન નથી ખાધું,. બહુ ગરીબાઈ જોયેલી એટલે અપમાન પણ એ ઉંમરમાં બહુ સહન કર્યા હતા મેં, આ બધું તાજું થયું ત્યાં.” 

“અને પછી બે’ક ગાઉ દૂર ગયા ત્યાં ધોરણ ૯ થી ૧૨ ચાલતું હતું, જે ઝીણાભાઈ દરજીએ સ્થાપેલી સંસ્થા.. અને ત્યાંથી ડિમાન્ડ આવી કે કન્યા છાત્રાલય બનાવી દયો તો સારું. તો મેં  ઘનશ્યામ ભોજાણીને  વાત કરી કે તું પાર્ટનર થા, તો ભવન બાંધવાનો સંકલ્પ લઉં. એટલે એમણે કહ્યું, કંઈ વાંધો નહીં. એટલે છાત્રાલય બનાવવાનું નક્કી કર્યું. એ માટે અમારા એક  કર્મયોગી મિત્ર એક કોન્ટ્રાકટરને લઇને આવ્યા ઓફિસે. એને પૂછ્યું તો કોન્ટ્રાક્ટર કહે, આમાં મારો ૨૦% નફો હોય છે. હવે મેં વિચાર્યું કે  એ ૨૦% કહે એટલે અમારી વેપારી ભાષા માં ૩૦% તો સામાન્ય હોય. મને થયું કે  આ કામમાં નફાવાળું ના ચાલે. મારું મિત્ર વર્તુળ સારું ને જોડે કામ કરે તેવા. એટલે  કર્મયોગી પંદર કપલને મેં ઘરે જમવા બોલાવ્યાં. અને વિચાર સમજાવ્યો. આપણને આ કઈ રીતે સસ્તું પડે ? આપણે કોના માટે આ મટિરિયલ લઈએ છીએ, એ  જો આપણે વેપારીને સમજાવવામાં સફળ રહીએ તો નફો તો આમ નીકળી જશે. પણ જો આપણે કરુણાથી વાત સમજાવીશું અને ભાવિ પેઢી માટે શિક્ષણ ભવન બાંધવું છે તે વાત ગળે ઉતરાવી શકીશું તો એ ૧૦ ટકા માઇનસમાં પણ કામ કરશે. હવે એમાં અમે લેબર કોન્ટ્રાકટરથી માંડી ને બધા મટીરીયલમાં સફળ ગયાં. તો અમારું જે ભવન બન્યું  એ બન્યું ઘણું સસ્તું બન્યું અને જે જોવે એને એમ થાય આટલા રૂપિયા માં આવડું ભવન ?

મને જુસ્સો બરાબર ચડ્યો હતો કે દૂર દરાજના બાળકોને શિક્ષણથી વંચિત નથી રાખવા. હવે  લોકાર્પણનું કોઈ આગવું આયોજન ન હતું, પણ એમાં  હું પ્રવચન કરવા ઉભો થયો. સ્વાભાવિક રીતે જ  હું  નામ આપવાથી થાકેલો માણસ હતો, એનું કારણ એ હતું કે મારા ગ્રાન્ડ-ફાધરે  આજથી લગભગ સવાસો વર્ષ પહેલાં હડિયાદમાં ત્રણ વડીલોએ થઈને મંદિર બનાવ્યું હતું, એમાં ત્રીજા વડીલ મારા ગ્રાન્ડ-ફાધર. અને હું નાનો હતો ત્યારે અમારા જેના-જેના નામ હતા એની ,  જેના ન હતા એને ઈર્ષા થતી અને હતાં એને અહમ થતો. આ મારી નાની ઉમરમાં આ બધી ચર્ચાઓ મેં વારંવાર-વારંવાર સાંભળેલી. સામાજીક કામમાં મને મારો આત્મા કોરી ખાતો હતો કે, વેપાર તો ગણિતથી કરીએ પણ દાન પણ ગણિતથી જ કરવાનું ?? એમાં  આત્મામાંથી સુર નીકળ્યો કે આપણે  ૧૧ ભવન બનાવીશું. પચાસ ટકા આર્થિક યોગદાન અમે આપીશું અને પચાસ ટકામાં સહયોગી દાતાઓ જે જોડાય તે. પરંતુ ક્યાંય પણ ભવન ઉપર સિમેન્ટથી મોટું નામ લખાય માત્ર એમનું, દાતા પરિવારની તકતી એમની, લોકાર્પણકર્તાની તકતી એમની, અમે ક્યાંય નામ નહીં રાખીએ. કેમ કે હું થાકેલો હતો. મારો આત્મા મને પીડતો હતો. એ તે દિવસે એને વાચા આપી એટલે ત્યાં ને ત્યાં ચાર પાર્ટનર મળી ગયા. ચોથાનું લોકાર્પણ હતું,  ત્યાં અગિયાર ભવન માટેના દાન જાહેર થઇ ગયા, ચાલુ ફંક્શને !! એટલે મેં બે-પાંચ મિનિટ વિચાર્યું ને છેલ્લે પૂછ્યું કે, મારો અંદર નો અવાજ શું કહે છે ? તો અંદરનો અવાજ પોઝિટીવ હતો કે આમાં આગળ વધવું જોઈએ. એટલે જાહેર કર્યું કે આપણી કોઈ બાઉન્ડરી  નથી. જો આપણને વધુ દાતાઓ મળશે તો આપણે વધુ ભવન બનાવીશું. એટલે પછી પચીસ નો સંકલ્પ કર્યો. એમાં પચીસ દાતા થઈ ગયેલા…” 

કેશુભાઈ નવા યુગના વિનોબાજી હોય તેવું લાગે છે ને ?? તેમની સાથેની ગોષ્ઠી તો ઘણી લાંબી છે પણ સૌની જાણ માટે કે કેશુભાઈએ  છેલ્લે 309 શાળા કે છાત્રાલયના ભવનો બાંધવાનો સંકલ્પ લીધો છે અને 309 માંથી 181 શિક્ષણ  ભવનોના લોકાર્પણ થઇ ચુક્યા છે. અરે, 309 માંથી 267 ભવન માટેના દાતાઓ પણ નક્કી થઇ ચુક્યા છે. અને હા, હવે કેશુભાઈની આ શિક્ષણ ભવન અર્પણની યાત્રા કેવળ ગુજરાત સુધી સીમિત નથી રહી, પરંતુ ભારતના પંદર રાજ્યો સુધી વિસ્તરી ચુકી છે. તેઓએ જબરી ટિમ બનાવી છે અને મોંઢામાં આંગળા નાખી જઈએ એવું સઘન આયોજનનું નેટવર્ક ગોઠવી લીધું છે. 

શ્રી કેશુભાઈ ગોટી  કેવળ એક નહીં એમનું આખું કુટુંબ, મિત્રો, સંબંધીઓ એમને વ્હાલથી ‘કેશુ ભગત’ કહે છે, કારણ કે તેઓ ખરા અર્થમાં શિક્ષણ અને માનવની ભક્તિમાં લિન બની ગયા છે, એટલે હોંશભેર અને જોશભેર એક મોજીલો કાફલો સાથે લઈને સાચા અર્થમાં શિક્ષણની યાત્રા કરી રહ્યા છે. કદાચ આ લેખ આપ વાંચશો ત્યાં સુધીમાં કેશુભાઈનો સંકલ્પ આગળને આગળ વધી ચુક્યો હશે. 

 

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback