શિક્ષકોના ભાઈબંધો પણ શિક્ષકો જ હોય. શિક્ષકો માટે પેપર જોવા એ થોડો કંટાળાનો વિષય ગણાય

આપણે ભગવાનને મળી રહ્યા છીએ અને તેના ભગવાનપણાની વાતો કરી રહ્યા છીએ… ભગવાન મારા-તમારા જેવા શિક્ષક હતા એટલે તેઓની કથા અહીં માંડી છે. આ કથા સત્યકથા છે અને તે વાંચીને આપણને થાય કે જીવવું હોય તો અમારા ‘જય ભગવાન’ જેવું !!!

જય ભગવાન વિરલ વ્યક્તિત્વ હતા એ અમને ધણી મોડી ખબર પડી. એમનામાં કોઈ દૈવીવાતો બેઠીહતી, એનો પણ અમને પછી ખ્યાલ આવ્યો.કારણ કે એ ક્યારેય ગંભીર અવસ્થામાં અમારી સામે આવ્યા જ નહોતા. સદા ખુલ્લા મોઢે હરાનારા અને ખડખડાટ હસતા-હસતા પોતાનીટાલ અને દાઢી ઉપર હાથ ફેરવનાર જય ભગવાન અમારી સાથે કયારેય દુ:ખદર્દવાળા જોવા મળ્યા નથી.

અમે બધા શિક્ષકો.શિક્ષકોના ભાઈબંધો પણ શિક્ષકો જ હોય. શિક્ષકો માટે પેપરજોવા એ થોડો કંટાળાનો વિષય હોય. પણ અમને ક્યારેય કંટાળો ન લાગ્યો, એનું કારણ એ કે ભગવાન પેપર જોવાના દિવસોમાં અમારી સાથે ને સાથે હોય. દિવસના સ્કૂલેથી છૂટે અને સાંજ પડે એટલે ભગવાન થેલીમાં પેપર લઈને અમારા ઘરે આવે અને સૌ મિત્રોને ભેગા કરે. અમારું શિક્ષકવૃંદ અમારા મકાનમાં નીચે ડાયરો જમાવે. બધા પોતપોતાના પેપર લઈને આવ્યા હોય પણ વાતોચીતો અને ટોળટપ્પામાં એટલો બધો સમય જાય કે કોઈ પેપર બહાર પણ ન કાઢે !! થોડીથોડીવારે ભગવાન એવું યાદ અપાવે કે, આપણે પેપર જોવાના છે હો… અને એવું કહીને પાછા કહે કે, જરાક ચા પી લઈએ પછી પેપર કાઢીએ. ચા બનાવતા બનાવતા ભગવાનને વિચાર આવે કે, ઈચ્છા હોય તો થોડા ભજીયા બનાવી નાખીએ… એટલે જે બહેનો હોય તેની સાથે ભગવાનપોતે મિક્સ ભજીયા બનાવવામાં લાગી જાય. એ બધું પૂરું થાય અને બધા ભજીયા અને ચા ની ઉજાણી પૂરી કરે એટલે ભગવાન ફરીવાર યાદ આપે કે, આપણે પેપર જોવાના છે હો ! અને અમારા જૂથમાંથી કોઈ વળી સંનિષ્ઠ હોય તો બે-ચાર પેપર જોવા લાગે.

ભગવાન ઓશોપ્રેમી એટલે સુંદર મજાની ઓડીઓ કેસેટ (એ સમયમાં હતી) માં ઓશોનું કોઈ સુંદર વકતવ્ય વગાડે અને કહે આ વાત સાંભળી લઈએ પછી પેપરજોઈએ. !! ઓશોવચન શરૂ થાય કે તરત જ ભગવાન પલાંઠી મારી આંખ બંધ કરીને બેસી જાય !!! ભગવાનની દાઢી એવી કે આપણને બાજુમાં ઓશો ખુદ બેઠા હોય એવું જ ભાસે !! ભગવાને તો આવીને પેપરવાળી થેલી એક ખીંટી ઉપર ટીંગાડી દીધી હોય. એ હજી ખીંટી ઉપરથી નીચે ન આવી હોય. ઓશોનું વકતવ્ય પૂરું થાય એટલે ભગવાન હસતા-હસતા એમ કહે કે, સુંઠ નાખેલો ગરમા ગરમશિરો ખાધો હોય તો મજા આવે અને એની વાતને બધા જ લોકો ટેકો કરે અને ફરી એકવાર એક નાનકડું જૂથ રસોડામાં પહોંચી જાય. સંગીત વાગતું રહે ને એમ કરતા કરતા લગભગ રાતનાં બે કે અઢી વાગે એટલે પછી ભગવાન એવું કહે, હવે અત્યારે પેપર ન જોવાય.વિધાર્થીઓને અન્યાય થાય. ઊંઘમાં ઓછા માર્ક અપાય જાય તો એ સારું ન કહેવાય એટલે પછી અમારો દિવસ આટોપાઈ જાય. બે કે ત્રણ દિવસ આવા જાય પછી ખીંટી ઉપરથી થેલી ઉતારીને ભગવાન પોતાના ઘરે વિદાયથાય.

આ ભગવાન આમ તો ‘મિસ્ટિક’ હતા,અજબનું રહસ્યમય વ્યક્તિત્વ હતા. એ એવું જીવન જીવતા હતા કે આપણને આશ્ચર્ય થાય.ઘરે આવે અને રાત રોકવાના હોય તો એ ડ્રોઈંગરૂમની અંદર નીચે સુઈ જાય. એને ઓશિકાની એ જરૂ નહિ, એને ચટ્ટાઈની જરૂર નહીં. અને નીચે સૂઈને પછી પગ ઉપર પગ ચડાવી દે, જેવી રીતે ભાલકાતીર્થ પાસે ભગવાનશ્રીકૃષ્ણ બેઠા છે એવી અદામાં લંબાવે અને થોડી વારમાં એને ઊંઘ પણ આવીજાય. વહેલી સવારે અમે ઉઠીએ કે ભગવાન સાથે ચા-પાણી પીએ ત્યાં તો રૂમ ખાલી હોય. જરા બહાર જઈને જુઓ તો સાઈકલ પણ ન હોય. ભગવાન પોતાની માયા સંકેલીને ફરી એકવાર પોતાના ઘરે પહોંચી ગયા હોય. બીજી વખત આવે ત્યારે વાત કરીએ કે, ‘ભગવાન, તમે કેમ સવારના પહોરમાં ભાગી ગયા હતા ?’ તો એ તરત જ કહે કે, ભાભીને વહેલા ઉઠીને પાણી ન ભરવું પડે ને ! અમારા સવારના સાડાપાંચ વાગ્યે નળમાં પાણી આવે છે એટલે એ સમયે હું પહોંચી ગયો હોઉં તો ભાભીને થોડો આરામ થઈ શકે !!!

ખબર નથી કે, અમારા ભગવાન લહેરી હતા એટલે પરણ્યા નહોતા કે પછી પરણ્યા નહોતા એટલે લહેરી હતા ??