મૃત્યુનો મંગળ તરીકે સ્વીકાર કરવાની એક બહુ મોટી શીખ  અમને ભગવાન આપતા હતા

એક અતિ વિરલ વ્યક્તિત્વ કે જેને અમે ‘જય ભગવાન’ કહીને બોલાવતા હતા તેની વાત આપણે માંડી  છે. અમારા જય ભગવાન જાણે સમાજની સેવા કરવા અથવા તો દરેક વ્યક્તિ સાથે કરુણાનો સંબંધ બાંધવા પ્રગટ્યા હોય એવું અમને લાગતું. કોઈપણ નું  દુઃખ હોય તો એ દુઃખ ના સમયે જય ભગવાન ખમ્ભે થેલો લટકાડીને હાજર હોય. એક બાબત બરાબર અમે નોંધી કે ઉત્સવના પ્રસંગે અને દુઃખના પ્રસંગે સમાન રીતે જય ભગવાન હસતો ચહેરો રાખીને હાજર હોય. 

અમે એવું પણ નોંધેલું કે ઓશોના પ્રિય શિષ્ય હોવાથી તેઓના મનને  દુઃખ બહુ ઓછી અસર કરી શકતું હતું. એનું ઉદાહરણ અમે તેમના પિતાશ્રીના દેહાવસાન વખતે અનુભવ્યું. એમણે જોયું કે પિતાશ્રી હવે થોડો સમય છે, ત્યારથી એમણે પિતાશ્રીની  બાજુમાં બેસીને ધ્યાનસ્થ થવાનો પ્રયાસ કર્યો. અને જ્યારે બે-ત્રણ કલાકો પછી તબીબે આવીને કહ્યું કે, તેઓએ પ્રાણ છોડી દીધા છે ત્યારે વજ્રાસનમાં બેસીને અમારા જય ભગવાન ખડખડાટ  હસવા માંડ્યા. એટલું બધું હસવા મંડ્યા કે  આજુબાજુના લોકોને થોડું વિચિત્ર પણ લાગ્યું !! . પણ અમારા જેવા જે નજીક હતા એમણે  જોયું કે એ ખડખડાટ હસતા હતા પરંતુ એમની  આંખમાંથી આંસુ ચાલ્યા જતા હતા. મૃત્યુનો મંગળ તરીકે સ્વીકાર કરવાની એક બહુ મોટી શીખ  અમને ભગવાન આપતા હતા. 

અરે, તમારે માત્ર એક નામનો પરિચય હોય તો પણ ભગવાન ત્યાં પહોંચી જાય અને એમના દુઃખમાં મદદ કરે. કેટલાય કુટુંબોના લગ્ન પ્રસંગો કે જેમાં દીકરીઓને પરણાવવાની હોય તો એમાં પૂરેપૂરું રસોડું સંભાળવાનું કામ જય ભગવાન કરે. એ સમય હતો કે જ્યારે કંદોઈ આવતો અને મીઠાઈ બનાવતો, બહેનો આવતા અને ફરસાણ બનાવતા, અને પછી એક-એક ડીશનો ભાવ નક્કી કરીને બહેનો રસોઈ કરવા  આવતા ત્યારે આપણા ઘરના ઘણા લોકોએ સાથે રસોડામાં રહેવું પડતું. માનો કે કંદોઈ મોહનથાળ બનાવે તો એને ચોકીની અંદર પાથરીને પછી એના ચોસલા બનાવવા, ચોસલા ઉખેડવા, સરસ મજાના ગોઠવવા, આ બધું કામ કરવું એ ભગવાનનો બહુ જ શોખનો વિષય.  આખું લગ્ન પૂરું થઈ જાય, કન્યાદાન દેવાઈ જાય, અથવા તો વર પરણી ઉતરે, તો પણ  મુખ્ય મંડપમાં કોઈ દિવસ ભગવાન જોવા ન મળે. ભગવાન ક્યાં છે? તો કે મંડપમાં રહેલા રસોડામાં છે, અને એમણે સાદો લેંઘો જેને ગોઠણ સુધી ચડાવી દીધો હોય, અને એક સાદો સદરો પહેરીને દાળના કમંડળો ભરતા કે શાકના તપેલાઓ ઉંચકતા તમે એમને બહુ સહજતાથી જોઈ શકો. આપણે એને જમવા બોલાવવા જઈએ કે ભગવાન ચાલો જમી લઈએ ત્યારે એનો જવાબ સાંભળવા જેવો હોય, એ કહે, ‘મારે જમવાની જરૂર નથી, કારણ કે, હું રસોઈ બનતી હતી ત્યારે બધું થોડું-થોડું ચાખતો જતો હતો. હવે એટલી ભૂખ રહી નથી.!!’ 

આપણને આશ્ચર્ય થાય કે, સંબંધની વાત ક્યાંય આવતી નથી, રિલેશનશિપ જેવો શબ્દ ક્યાંય આવતો નથી, છતાં પણ આપણે ત્યાં પ્રસંગ ત્રણ દિવસનો, ચાર દિવસનો, અઠવાડિયાનો હોય તો પણ ભગવાન પુરા દિવસ રસોડાની બધી વ્યવસ્થા સંભાળતા હોય. મારા માતુશ્રીને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. અને એ સમય હતો ગોધરાકાંડનો. એ સમયમાં બહુ મુશ્કેલી હતી પણ અમારે હૈયે ધરપત હતી કે, ભગવાન છે એ હોસ્પિટલ સાચવી લેશે. જેવી ખબર પડે એટલે ભગવાન થેલાની અંદર એક જોડી કપડાં લઈ અને હોસ્પિટલે પહોંચી જ ગયા હોય. કોઈનું પણ કંઈ હોય, ભગવાન હાજર હોય. અને આવતા વેંત પોતાનો થેલો લટકાડીને કહે , “તમે તારે ફ્રી, હવે હું અહીંયા છું કોઈ ચિંતા ન કરતાં.”  એક દિવસ, બે દિવસ, વચ્ચે એમને કોઈ રિલીવ  કરે, ન કરે, જમવાનું ટિફિન એનું આવે ન આવે, ભગવાનને કશી ચિંતા ના હોય. આપણને આશ્ચર્ય એ વાતનું થાય તેવી  સહજતાથી બીમારની સાથે પોતે સમય પસાર કરે, એને કશુંક વાંચી સંભળાવે, એની સાથે સતત વાતો કરતા રહે અને હસી-મજાક કરતા રહે, હોસ્પિટલનું વાતાવરણ પણ હળવું રાખે, એવા એ ભગવાન હતા. 

કોઈને ભેંટ આપવાની એમની પદ્ધતિ પણ બહુ જ વિશિષ્ટ હતી. પોતે વારંવાર ઘરે આવે અથવા કોઈને ઘરે જાય તો પોતે સીધા રસોડામાં પાણી પીવા માટે દોડી જાય, અને એવે ટાણે  પોતાના થેલામાંથી એક નાનકડી કોથળી કાઢે ને રસોડામાં રહેલા ફ્રીજને ખોલી  અંદર રાખી દે. કોઈને કશું કહે નહીં. ઘણો વખત પછી તમને સાંજે ખબર પડે કે, આ ફ્રિઝની અંદર પ્લાસ્ટિકની કોથળીમાં ગુલાબજાંબુ અથવા રસગુલ્લા કોણ મૂકી ગયું હશે?, ત્યારે સૌને યાદ આવે કે, ભગવાન આજે આપણે ત્યાં જમવા આવ્યા હતા એટલે એ પોતાનો ભાવ આ રીતે પ્રગટ કરી ગયા છે. લગ્ન પ્રસંગ હોય તો એ વખતે જે કેસેટ આવતી ઓડિયો કેસેટ, એ કેસેટ બધાને ભેંટ કરે. ઓશોના પ્રવચનો પોતે  સાંભળે, અને પછી આપણને આપે. પણ એ આપવાની રીત પણ કોઈ મંચ ઉપર જઈને, ફોટા પડાવીને કે એવી નહિ, રીત પણ બહુ સીધી અને સાદી. જેના લગ્ન હોય અથવા જેને ઘરે પ્રસંગ હોય, એની પાસે જાય, કશું જ ઊંચા  સ્વાદે બોલ્યા વગર હળવેથી કહે , ‘તમારા લગ્ન થાય છે ને, સમય મળે તો આ સાંભળજો, મજા આવશે.’  

સાચું પૂછો તો ભગવાન એવું વ્યક્તિત્વ હતા કે એમની હાજરી હોય તો  સૌને એમ લાગે વાહ ! આપણે ભર્યા-ભર્યા બની ગયા. કોઈપણ કામ કરવું એ ભગવાન માટે કોઈ નાની મોટી વાત નોહતી. ભગવાન શ્રીકૃષ્ણ માટે આપણે સાંભળેલું એણે પાતર  પણ ઉપાડેલા, એમણે  મહાભારતના યુદ્ધમાં ઘોડાઓનો ખરેરો પણ કરેલો, ઘોડાના ઘાવ પણ લૂંછેલા, બસ એવી જ રીતે અમારા  ભગવાન કોઈ પણનું કોઈ પણ કામ કરી શકે. સમારંભ પૂરો થાય અને મંડપમાંથી ખુરશીઓ ભેગા કરતા કોઈને જુઓ તો એ ભગવાન હોઈ શકે. બધી વસ્તુ આડી-અવળી હોય એને ભેગી કરવા માંડે તો એ ભગવાન કોઈ શકે. અને એટલા બધા અલગારી, મજાના, કે જાણે શું બને છે એની એને ચિંતા ના હોય. 

અમારા મત પ્રમાણે તો  ઓશો પછી ઓશોની જેમ જીવનારા અમારા  ભગવાન ધ્યાનમાં બેઠા હોય તો સહજતાથી ધ્યાનમાં હસતા જાય, રડતા જાય અને વિચિત્ર રીતે આપણને જોવા મળે એવા ભગવાનની દશા હોય. રાજકોટમાં એક માઈ  મંદિર છે, જ્યાં તેના પ્રજ્ઞાચક્ષુ માસીને નિયમિત લઈ જવાના, હાથ પકડીને લઈ આવવાનું કામ ભગવાન પ્રેમથી કરતા. આ માઈ મંદિર ની અંદર તમે જાઓ તો માસી એક બાજુ બેઠા હોય અને કોઈ એક પિલરને ટેકો દઈને, આંખ બંધ કરીને, ભગવાન ધ્યાનમાં ઉતર્યા હોય. અમારે ઘરે આવે ત્યારે અમારો દીકરો  હસી મજાક કરે કે ભગવાન, તમે તો માઈ  મંદિર માં ધ્યાન કરતા હતા પણ આમ તો તમે ઝોંકા  ખાતા હતા, હો!!  આ સાંભળીને એ  ખડખડાટ હસે અને પછી એમ કહે કે, ઝોકાં  ખાવા કે નીંદર કરવી એ પણ એક ધ્યાન જ છે. 

2001માં રાજકોટ ઉપર ભયાનક ભૂકંપ આવ્યો ત્યારે માસી સાથે ભગવાન માઈ મંદિરના એક પિલર પાસે બેઠા હતા. અને આશ્ચર્ય થશે  કે મંદિરમાંથી સૌ લોકો બહાર દોડી આવ્યા કે  ધરતીકંપ થયો, પણ અંદર પલાઠી મારીને, આંખ બંધ કરીને બેઠા હતા, અમારા ભગવાન. કેટલીએ વાર પછી કોઈએ જઈને ઉઠાડયા  કે,  ચાલો બહાર, ત્યારે એ એકદમ હસતાં હળવે પગલે આવ્યા અને કહ્યું, શું થયું, કેમ બહાર બોલાવ્યો? બધાએ કહ્યું કે તમને કાંઈ અસર ન થઈ? ધરતીકંપ થયો. તો કહે ના, મારી તો આંખ બંધ હતી એટલે ખબર ન હોય. એટલી બધી સહજતાથી બધાના ભયને ઓછો કરી નાખ્યો આ વાત કરીને કે અમને એમ થયું કે, ભૂકંપ વખતે આપણી  બાજુમાં  ભગવાન ઊભા છે અને એણે આપણને શાંત્વના આપવા માટે આ વાતાવરણ સર્જ્યું  છે. 

અમારા આ ભગવાને આ પૃથ્વી ઉપર થી વિદાય લીધી એ પણ બહુ દિવ્ય રીતે વિદાય લીધી,  તે વાત કરીને આપણે ભગવાન શ્રેણી પૂર્ણ કરીશું.(ક્રમશ:)