બળાત્કારના નાના મોટા માર્ગ  તો બાળકનું  ઘર અને તેનો ઉછેર જ ઉમેરતાં હોય છે !

ભદ્રાયુ વછરાજાની                                                                          bhadrayu2@gmail.com

ગુજરાતી ભાષાના માઈલસ્ટોન શબ્દગ્રંથ ‘ભગવદગોમંડળ’ માં ‘બળાત્કાર’ શબ્દના બે સ્પષ્ટ અર્થ આપ્યા છે : 

૧) બલાત્કાર ; બળજોરી’ મરજી વિરુદ્ધ પરાણે કામ કરાવવું; જોરજુલમ  

૨) સ્ત્રી ઉપર અત્યાચાર. સ્ત્રીની ઈચ્છા વિરુદ્ધ વિષય ભોગવવો તેને કાયદામાં ‘બળાત્કાર’ કહે છે. 

આ જ શબ્દકોશ સ્પષ્ટતા કરતા કહે છે કે : 

બળાત્કાર કરવો = (૧) જુલ્મ કરવો (૨) સ્ત્રીની મરજી વિરુદ્ધ તેનો સંગ કરવો… 

હા, ભગવદગોમંડળ માત્ર અર્થ આપી છૂટી જનારી ડિક્સનેરી માત્ર નથી, તે તો ગોંડલના જ્ઞાનપ્રેમી રાજા શ્રી ભગવતસિંહજીનું મૂલ્યવાન પ્રદાન છે અને તેથી ‘બળાત્કાર’ શબ્દના આ અર્થો સાથે એક મંગળવાક્ય પણ નોંધ્યું છે કે જે ‘ગાંધીગીતા’ માંથી લેવાયું છે : ‘અનિચ્છા કે બળાત્કારે વિકારવશ જો મન, સહાનુભૂત ના હોવું છેવટે જીત તે જ છે. ‘ગાંધીગીતા’ની  આટલી આધારભૂત ભૂમિકા વાંચ્યા પછી આજના લેખનું ટાઈટલ અને સબ ટાઈટલ બરાબર મનમાં ઉતરી જશે.

બળાત્કાર શું ક્યારેક ‘બનતી’ જ ઘટના છે ? કે પછી બળાત્કાર એ ક્યારેક જ ‘નોંધાતી’ ઘટના છે ? બળનો અતિરેક એટલે જ કોઈની મરજી વિરુદ્ધનું પરાણે કરાવાતું કામ ! હવે વિચારીએ કે આવું આપણા કુટુંબમાં કે આપણા સમાજમાં ક્યારેક જ બને છે કે લગભગ લગભગ હર પળ બને છે ? આપણા જ ઉછેરને યાદ કરીએ.  જીવન વિડીયો રિવાઇન્ડ કરીએ. શું આપણો ઉછેર બળના અતિરેક વગર થયો છે ? શું આપણી પાસે મરજી વિરુદ્ધનું પરાણે કામ નથી કરાવાયું ? નિખાલસતાથી જાતને જવાબ દઈએ. બળાત્કારના નાના મોટા માર્ગ તો બાળપણથી જ ઘરમાં અને આપણા ઉછેર દરમ્યાન નથી ઉમેરાયા શું ? અને હવે આજની એટલે કે આપણા મોટા થયા પછીની વાત વિચારીએ. આપણા દ્વારા જાણે – અજાણે આજે પણ બળજોરી કે જોરજુલમ કે મરજી વિરુદ્ધનું કામ કરાવવા માટેના દુરાગ્રહો શું સેવાતા કે પોષાતા નથી ? અને એમાં પણ જો તમે ‘સ્ત્રી’ હો  તો તો પત્યું ! આપણા સમાજમાં દીકરી તરીકે જન્મતી વખતે ચડતું વડીલોના નાકનું ટીચકું જ પહેલો બળાત્કાર છે, એ જાણવા છતાં આપણી કંઈ કરી શક્યા છીએ ?

દક્ષિણ ગુજરાતથી એક સામાન્ય સ્થિતિનું દંપતિ ગભરાટ સાથે સલાહદર્શન માટે આવ્યું. પતિ-પત્ની  બંનેને સાચો રસ્તો જડતો ન હતો. સાસુમા દીકરા વહુને દબાણ કરતા હતા કે પરણ્યાને ચાર વર્ષ થયાં છતાં સંતાન કેમ નથી થતું ? આ દંપતિ ને એકબીજા પ્રત્યે ભારોભાર પ્રેમ અને બાળક ન થાય તો કોઈ ફરિયાદ પણ નહીં. પરંતુ હવે સાસુમાએ ચેતવણી આપી કે છ મહિનામાં સારા સમાચાર નહીં મળે તો એ દીકરા માટે બીજી પત્ની લાવશે અને તેના દ્વારા બાળકને ઘરમાં રીખતું કરશે.!!! દીકરો એક જ સંતાન એટલે એ માતા અને પત્ની બંનેમાંથી કોઈને દુઃખી કરવા માંગતો ન હતો…. આ આખી ઘટનામાં કેટલીવાર કોણે  કોના પાર બળાત્કાર કર્યો તે કેમ તારવીશું ? અને આવી ઘટનાઓ તો ક્યાં નથી તે જ સવાલ છે. તો પછી બળનો અતિરેક જો બળાત્કાર હોય તો, બોલો એ બળાત્કાર ક્યાં નથી ?? 

કાયદામાં જે બળાત્કારની વ્યાખ્યા છે કે જે ભગવદગોમંડળે નોંધી છે.  તેનો વ્યાપક અર્થ કરીએ તો (૧) ‘સ્ત્રીની ઈચ્છા વિરુદ્ધ વિષય ભોગવવો તેને કાયદામાં બળાત્કાર કહે છે.’ અહીં ‘વિષય ભોગવવો’ એટલે ‘ માત્ર શરીર જ’ ? સ્ત્રીનું મન, સ્ત્રીનો આત્મા, સ્ત્રીનો રોજબરોજનો જીવનવ્યવહાર એ ‘વિષય’ માં ન ગણાય ? અને એટલે પછી સ્ત્રીના શરીર સિવાય તેની સાથે મરજી વિરુદ્ધનું પરાણે કશું કરાવો તે બળાત્કાર નથી ગણાતું !! આપણે એક ખુબ મઝાની ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ સૌએ  માણીને વખાણી.. હવે ‘હેલ્લારો ‘ ની કથામાં સ્ત્રી પર અત્યાચાર થતો આપણે સૌએ જોયો તે બળાત્કારની વ્યાખ્યામાં નથી આવતું કે નથી આવ્યું ! એ બળનો અતિરેક નથી ? ભલા માણસ, ઝીણું કાંતીએ ને તો ઘરઘરમાં બળાત્કારના કિસ્સાઓ નોંધાય ! દંપતી વચ્ચે થતા જાતીય  વ્યવહારો શું નારીની સંમતિ સાથેના જ હોય છે ?? નિરાંતે ને સ્વસ્થ ચિત્તે  વિચારીએ તો સ્વીકારવું પડશે કે બળના અતિરેક પછી ને મરજી વિરુદ્ધનું કામ કરાવ્યા પછી ઘરની સ્ત્રીને જીવંત રાખી પટાવી – સમજાવી લઈએ છીએ એટલા જ નિર્દોષ છીએ, બાકી તો અતિરેક  અત્યાચાર આપણને ગળથુથીમાં જ પાવામાં આવેલ  છે, તે નકારી શકીએ એવી આપણી સ્થિતિ જ નથી.