બાળકને તમે શીખવો તે નહીં, પણ બાળકને જે શીખવું હોય છે તે જ શીખે છે !

ભદ્રાયુ વછરાજાની                                                 bhadrayu2@gmail.com

૧૯૭૪ માં દસ + દસ નાનાં નાનાં વાક્યો ડોરોથી લૉ નોલ્ટે દ્વારા લખાયાં. 

‘જો અને તો’ થી શરૂ થતાં એ વાક્યો ‘બાળક કેમ શીખે છે’ તેની બારાક્ષરી સરીખાં છે. ‘જો બાળક…. જીવશે તો બાળક…શીખશે,’ બસ આવાં આખાં દસ વિધાનો માત્ર છે. પણ એમ કહો ને કે બાળઉછેરનું આખું ઉપનિષદ આમાં સમાય ગયું છે ! આપણે એ દસ વિધાનોને વાંચી જઈએ…

જો બાળક ‘નિંદાભર્યા વાતાવરણમાં જીવશે’ તો તે ‘વખોડવાનું’ શીખશે.

જો બાળક ‘વેર કે વિરોધ’ વચ્ચે ઉછરશે તો તે ‘લડતાં’ શીખશે.

જો બાળક ‘મશ્કરી કે મજાક’ બનીને મોટું થશે તો તે ‘તાકીને પ્રહાર’ કરતાં શીખશે.

જો બાળક ‘શરમ’ અનુભવતું ઉછેર પામશે તો તે પોતાને ‘દોષપૂર્ણ  કે દુષ્ટ’ ગણતાં શીખશે.

જો બાળક ‘સહનશક્તિ કે સહિષ્ણુતા’ વચ્ચે મોટું થશે તો તે ‘ધીરજ’ કે ‘ધૈર્ય’ નો ગુણ ગાંઠે બાંધશે.

જો બાળક ‘પ્રેરણા અને ઉત્તેજન’ મેળવતાં મેળવતાં વૃદ્ધિ પામશે તો તેનામાં આપમેળે ‘દ્રઢ વિશ્વાસ’ ઉમેરાશે.

જો બાળક ‘પ્રશંસા’ ના પુષ્પો વચ્ચે ખીલશે તો તે પણ જીવનનું ઉંચુ મૂલ્ય કરતાં શીખી જશે.

જો બાળક ‘ઔચિત્ય’ જળવાતું હોય તેવા વાતાવરણમાં મોટું થશે તો તે બાળક ‘ન્યાય અને પ્રામાણિક વ્યવહાર’ થી જીવી જવું જોઈએ તેવું આત્મસાત કરશે. 

જો બાળક ‘પ્રમાણસરની સલામતી’ વચ્ચે ઉછરશે તો તેનામાં ‘જીવન પ્રત્યેની શ્રદ્ધા’ ઊભી થશે.

જો બાળક ‘સંમતિ’ ના માહોલમાં સહજતાથી મોટું થતું જશે તો તે પોતાને અને પોતાનાં વ્યક્તિત્વને પસંદ કરશે ને જીવંતતાથી આગળ વધશે.

હકીકતમાં આ દસ પગથિયાંવાળી બાળઉછેરની સીડી દરેક માતા પિતાએ પોતાનાં હૈયામાં વસાવી લેવા જેવી છે. પેલા મોટિવેશનલ ટ્રેનરોની ભાષામાં કહું તો આ ‘જો અને તો’ ની દસપદી પ્રત્યેક મમ્મી પપ્પાએ સુંદર  રીતે કોમ્પ્યુટરમાં મોટા ટાઈપમાં કાગળ પર ઉતારી તેને પોતાના બેડરૂમમાં લગાડી રાખવી જોઈએ કે જેથી જયારે જયારે બાળક સાથે બોલે કે બાળક સાથે કશો પણ વ્યવહાર કરે ત્યારે ઘડીક થોભે ને પછી આ દસપગલાં સામે જુએ ને પછી આગળ વધે. ઉછેર જેવો થશે, બાળક  તેવું થશે.. યાદ રાખીએ : ‘બાળકને તમે શીખવો તે નહીં, પણ બાળકને જે શીખવું હોય તે જ તે શીખે છે…’ તમે ‘કહેશો’ તે  નહીં, પણ તમે જેમ ‘કરશો’ તેમ બાળક અનુસરશે. મારું તમારું એટલે કે મમ્મી પપ્પાનું કે શિક્ષકનું વર્તન એ બાળક માટે અનુકરણીય બને છે. 

સંતાન ક્યાંથી શું શીખી જશે એ આપણી સમજ બહારનો પ્રશ્ન છે. ત્રીજા ધોરણમાં પરાણે ભણતા રામ નામના બાળકે તેની મોટી માને સવારમાં ફોન કરીને પોતાનાં મમ્મી પપ્પાની ફરિયાદ આ શબ્દોમાં કરી : ‘મા, મારાં મમ્મી પપ્પા અત્યારે સવારના પહોરમાં નિષ્ઠુર થઈ મને હોમવર્ક કરાવે છે…’ હવે આ ફરિયાદમાં બહુ જ ઓછો વપરાતો ‘નિષ્ઠુર’ શબ્દ રામને કોણે શીખવ્યો હશે તે જરા વિચારીએ. આપણે પણ જે પ્રયોગ ભાગ્યે જ કરતાં હોઈએ તે બાળક ક્યાંથી કરતો થયો હશે, કહો જોઈએ !! જેમ આપણે ભાષા શ્રુતિથી શીખીએ છીએ તેમ જ આપણું સંતાન પણ આપણે જે બોલીએ અને  જેમ બોલીએ તેનું સીધું અનુકરણ કરે છે અને તે શ્રુતિથી અને હાવભાવથી જ શીખે  છે. જેમ, ઉંચી કક્ષાનો શબ્દ ‘નિષ્ઠુર’ રામ સાંભળીને શીખ્યો એમ જ કોઈ અપશબ્દ કે અપમાનજનક  શબ્દ પણ બાળક સાંભળીને જ શીખે છે તે નક્કી. એનો અર્થ એ થયો કે સંતાનના ઉછેર માટે આપણે કુટુંબના સભ્યો કે પછી બાળકના સંપર્કમાં આવતા અન્ય પાત્રો જ જવાબદાર છે. આ વાતને જરા લંબાવીએ તો આપણે ‘સંસ્કાર’ સુધી જઈ  શકીએ. 

અત્યારની પેઢીના સંતાનો સમાજ માટે વધુ ને વધુ પ્રશ્નરૂપ બની રહ્યા છે તેનું કારણ માતા પિતાની રોજબરોજની વર્તણૂંક છે અને તેને ટેકો કરતી સોશિયલ  મીડિયાની રીલ્સ છે. કદાચ કોઈને આ વિધાનમાં અતિશયોક્તિ લાગે તો તે પણ આપણી અપુખ્તતા છે અથવા તો આંખ આડા કાન  કરવાની મનોવૃત્તિ છે. ‘જે છે તે અને જે બની રહ્યું છે તેનો’ સ્વીકાર નહીં કરીએ તો તેના ઉકેલ સુધી નહીં પહોંચી શકીએ.  મહાત્મા ગાંધીએ તેના  પુત્રો અને પુત્રવધૂઓને લખેલા  પત્ર સંગ્રહનું એક વિધાન બહુ સૂચક છે : અપૂર્ણ બાપની સોડમાં હૂંફ શોધવાને બદલે બાપના બાપ પૂર્ણ પરમેશ્વરની સોડની હૂંફ શોધ એટલે તું બળવાન થશે. આ જ મારું તને શિક્ષણ છે.