કોઈપણ વ્યક્તિ જ્યાં સુધી વિચારોને સમજે, સંસ્કારે અને સંવર્ધે નહીં ત્યાં સુધી નવનિર્માણ પામતો નથી

ભદ્રાયુ વછરાજાની                                                bhadrayu2@gmail.com 

વિચારની કેળવણી શક્ય છે. આપણે એટલું  જાણ્યું છે કે મનને આપણે  જે ઇનપુટ આપ્યો એ જ આઉટપુટ તરીકે બહાર આવશે. તમે કેટલા વિસ્તરો છો તેનો આધાર ઘણી બાબતો પર છે.  તમારા ઘરમાં કોણ કોણ આવે છે, એની સાથે તમે કેમ વાત કરો છો, તમે એને જાય ત્યારે દરવાજા  સુધી ‘આવજો, ફરી વાર મળીએ’ એવું કહો છો ??? આ બધી વાત તમારું સંતાન છાનેખૂણે નોંધે છે. અને એ એમાંથી શીખી રહ્યું છે. આપણે ક્યારેક અતિથિને વળાવવા ન જઈએ અને દીકરાને કહીએ  કે, ‘જા  તો  એને આવજો કહેતો આવ’, એટલે દીકરો સમજશે કે ‘આ બહુ મહત્વનો માણસ નથી. કારણ  બાપા કોઈકને મુકવા છેક ઝાંપા સુધી જાય છે.’  આવી વાત અંદર જાય છે અને એ નવો વિચાર બને છે. 

વિચારની કેળવણી માટે પુષ્કળ લોકોને મળવું જોઈએ અને  ખૂલવું જોઈએ,  એની સાથે સહજતાથી વાત કરવી જોઈએ. કોઈ એજન્ડા વગરની વાત. એજન્ડા વગરની વાતમાંથી જે બહાર આવે એ બહુ મજાની વાત હોય. ગોઠવેલી વાતમાંથી તો  બધું  સ્ટેટિક અને ગૂગલમાં હોય એ બધું તમને મળે. ગૂગલમાં ન હોય એવું મેળવવું હોય તો એજન્ડા વગરનું પૂછો. સહજ થઈને પૂછો, તમારા વિસ્મયથી પૂછો, તમારા શબ્દોમાં જીવ રેડીને પૂછો. અનેક લોકોને મળવું, અનેક લોકોને સાંભળવા, અનેક લોકોને પૂછ્યા કરવું, અનેક જગ્યાએ ફર્યા કરવું, નેચરની વચ્ચે વધુમાં વધુ રહેવું. પૂરેપૂરું એની સાથે ઓતપ્રોત થઈને રહેવું. એમાંથી જે આપણને  મળશે એ આપણા  વિચારોને ઘડશે. આ વિચારોની કેળવણી છે.       

       વિનોબાજી  ખુબ અભ્યાસુ. એટલી બધી ભાષાઓ જાણે. એકોએક ધર્મ વિષે એમણે વાંચ્યું. ઇસ્લામ ધર્મની વાત આવી તો એણે કુરાન વાંચ્યું. વાંચીને પછી અંદરથી મુખ્ય બાબતો હતી તે  તારવી ને પછી એમણે ઈસ્લામ  ધર્મસારનું પુસ્તક બહાર પાડયું. વિનોબાજીએ જૈનોના એટલા બધા ગ્રંથો વાંચ્યા અને પછી એ મહાપ્રજ્ઞજીથી લઈને દરેક જૈન સંતને મળ્યા અને સમજાવ્યા કે તમારા ગયા પછી એક ગ્રંથ તો એવો મૂકી જાઓ કે જે ગ્રંથને બધા ફિરકાઓ એક માનીને સ્વીકારે. એમાંથી ગ્રંથ બહાર પડયો એનું નામ ‘સમણસુત્તમ’   છે અને એની પ્રસ્તાવના  ખુદ વિનોબાજીએ લખી છે. આમ જ તમે જો તમારી જાતને enrich કરશો, uplift કરશો તો તમે કોઈપણ વિષયમાં રસપૂર્વક ઊંડા ઉતરી શકશો. તમે આનંદ સાથે આગળ વધતા જશો. તમે જયારે એન્જોય કરો કે બહુ મજા આવી ત્યારે એ વસ્તુ શ્રેષ્ઠ થશે. તો ‘મજા આવી’ એ  ઇનપુટ છે. 

જેટલા લોકોને મળો, જેટલા લોકોના વિચાર જાણો એટલા તમારા વિચારો વધુને વધુ મંજાતા જાય. માંજવું એટલે જેમ આપણે પહેલાના વખતમાં વાસણમાં કલાઈ  કરતાને એમ વિચારને કલાઈ કરી ઉજળા કરવાના..સાથે રહીએ અને નિયત શીડયુલ  સિવાયની ગોષ્ઠીઓ માંડીએ. શ્રી જે. કૃષ્ણમૂર્તિ બ્રેકફાસ્ટ ટેબલ પર દોઢ બે કલાકની ગોષ્ઠિ કરતા અને એમાં તેમના ઉત્તમ વિચારો પ્રગટ થતા. મનુભાઈ પંચોલી ‘દર્શક’ સરસ વાત કરતા કે, સાથે રહેવાનો મહિમા પણ મહિમાગ્રહણ કરવાનો છે. કોઈપણ વ્યક્તિ જ્યાં સુધી વિચારોને સમજે, સંસ્કારે અને સંવર્ધે નહીં ત્યાં સુધી નવનિર્માણ પામતો નથી પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીએ સોળ  વર્ષની ઉંમરે આંખનું તેજ ગુમાવ્યું. પરંતુ સોળ  વર્ષ સુધીમાં જે જોયું અને જે વાંચ્યું તેનું ચિંતન અને મનન એટલું કરેલું કે ચર્મચક્ષુ ગુમાવ્યા પછી પહેલાંનુ સઘળું તેઓએ શબ્દશઃ લખાવ્યું અને આપણને પંડિતજીના ઉત્તમ પ્રવાસ વર્ણનો મળ્યાં. 

આ રીતે મંજાયેલ જે વિચાર બહાર આવે એ કેળવાયેલ વિચાર હોય. વિચારોનું શિક્ષણ શક્ય નથી,  પણ વિચારોની કેળવણી શક્ય છે. કોણ કેળવે ? પોતે જ કેળવે.  કોઈ આપે કે કોઈ શીખવે તે શિક્ષણ, પણ હું મને અનુભવથી કેળવું તે કેળવણી. મોટા મોટા વિચારકો કે લેખકો કે ચિંતકો પ્રત્યેક વિચારને અનેક ચાયણીમાંથી ગાળે  છે અને તેમાંથી અર્ક તારવી તેનું ચિંતન મનન કરે છે ત્યારે તેનું વક્તવ્ય કે લેખ તૈયાર થાય છે. સફળતા તો આજે ચપટી વગાડતા મળે છે,  પણ તમારા વિચારની સાર્થકતા પુરવાર કરતાં વર્ષો  વીતે છે.  મારે ઉભા થવું પડે, મારે હાથ પગ હલાવવા પડે, મારે પુસ્તકો ભેગા કરવા પડે, મારે વાંચવા માટે એકાગ્ર થવું પડે, અનેક લોકોને અનેક પ્રશ્નો પૂછવા પડે અને એ બધું નોંધવું પડે. આ બધું દિલથી મારે કરવું પડે તો મારા વિચારોની કેળવણી શક્ય છે,  અન્યથા નહીં.