આત્મજ્ઞાન કોઈ એક જગ્યાએ છુપાઈને બેઠું હોય એવું નથી..!!

ભદ્રાયુ વછરાજાની                                           bhadrayu2@gmail.com

આપણે દૈનનંદિની દરમ્યાન અન્ય માટે ઘણું જીવીએ છીએ. આપણા માટે પણ જરૂરી જીવતા હોઈએ છીએ. પણ આપણા સ્વ માટે કે આપણા આત્મન માટે જીવવાનું ચુકી જવાતું હોય છે. અન્ય ધર્મોની સરખામણીએ જૈન ધર્મમાં આત્મા અને આત્મબળ અંગે ઘણું ઊંડાણથી વિચારાયું છે.

જે દુનિયાને જીતવા નીકળ્યો છે તે જૈન છે. એનો ગુઢાર્થ એવો છે કે જે પોતાની સ્વતંત્ર હસ્તીને ઓગાળી નાખવા માટે તત્પર છે, અથવા પોતાની સ્વતંત્ર હસ્તી રાખવા માંગતો જ નથી એ જીતી શકે છે. જીતવું એટલે અન્ય ઉપર વિજય નહીં, પણ જીતવું એટલે મારા ઉપર, મારી ઇન્દ્રિયો ઉપર, મારા વ્યવહાર ઉપર વિજય અને આ કરી શકે એ ખરેખર જૈન. એટલે કે મારાં આત્મબળ ઉપર મારો વિજય થાય તો હકીકતમાં એ જીતનારો છે અને એ જૈન છે.

ધર્મની અનેક વ્યાખ્યાઓ આપણે કરી છે. કોઈ કહે કે ‘પદાર્થ કે વસ્તુનો સ્વભાવ છે’, કોઈએ વળી એવું કહ્યું કે ‘એ તો કુદરતનો એક કાનૂન છે’. એક સરસ વ્યાખ્યા એવી પણ મળી કે ‘કર્તવ્ય, આચારસંહિતા, જીવનના માર્ગદર્શક સિદ્ધાંતોની યાદી બનાવો અને એ પ્રમાણે જીવો તો તમે ધાર્મિક છો’. ઉપનિષદ આ બધાને જોડતી એક અતિ ઉત્તમ વાત કરે છે. ઉપનિષદનું વાક્ય છે एकं सद्विप्रा बहुधा वदन्ति , સત્ય તો એક જ છે. એને જોવાના આપણા બધાના દ્રષ્ટિકોણ અલગ અલગ છે. કદાચ દ્રષ્ટિ બદલાય પણ તેથી સત્ય બદલાતું નથી.

ધર્મદર્શન અને ધર્મજીવન એટેલ જૈન પરંપરા. અનેકાન્તની ઉદાર દ્રષ્ટિ એ હકીકતમાં ‘ધર્મદર્શન’ અને આંતરબાહ્ય સુધીનો દ્રઢ આગ્રહ એ ‘ધર્મજીવન’. આ આંતરબાહ્ય શુદ્ધિની વાત એ આત્મજ્ઞાનની વાત છે, આત્મબળની એક મોટામાં મોટી ફલશ્રુતિ છે. સમણ સુત્તમમાં ૭૫૬ ગાથાઓ છે, જે એક આધારભૂત જૈનગ્રંથ છે, જેની પ્રસ્તાવના ફકીર, સંત શ્રી વિનોબાજીએ લખી છે. એ સમણસુત્તમના ચાર સૂત્રોમાં ‘આત્મબળ અથવા આત્મજ્ઞાન’ સ્પષ્ટ થાય છે. એમના પહેલા ખંડમાંથી સંયમની, બીજા ખંડમાંથી તપની, ત્રીજા ખંડમાંથી સૃષ્ટિની અને ચોથા ખંડમાંથી સમન્વયની વાત લઈએ, તો આ ચારનો સરવાળો આપણને ‘આત્મજ્ઞાન’ તરફ દોરી જઈ શકે. મહાવીર માર્ગ કયો હતો ? આ જ તો માર્ગ હતો, સંયમનો, તપનો, સૃષ્ટિ સાથેના પ્રેમનો અને સર્વેના સમન્વયનો માર્ગ..ટૂંકમાં, જો હું સંયમિત હોઉં, જો હું સતત તપ એટલે એકાગ્રતા, ઉપાસના, સાધના કરતો રહું … જો હું સૃષ્ટિ સમગ્ર સાથે પ્રેમ કરતો હોઉં કે જેમાં માણસ જ આવે એવું નહીં, એમાં પશુ પક્ષી સૌ આવે..અને જો આ સમગ્ર પદાર્થ જડ, ચૈતન્ય જે કાંઈ છે એનો સમન્વય કરી શકું તો એ સર્વેનો સમન્વય મારું આત્મજ્ઞાન પ્રેરવા માટે બહુ મોટો આધાર છે.

એમ કહેવાય છે કે અસંખ્ય જન્મોના પુણ્યોનો ઉદય થાય ત્યારે જે પ્રાપ્ત કરવાનું મન થાય એને ‘આત્મજ્ઞાન’ કહેવાય છે. જે જ્ઞાન મેળવ્યા પછી આખા વિશ્વમાં કંઈપણ જાણવાનું બાકી ન રહે તેને ‘આત્મજ્ઞાન’ કહે છે. તુલસીદાસજી એ સુંદર ઉક્તિમાં કહે છે,
તુલસી પીછલે પાય સૌં,,હરિ (બ્રહ્મ) ચર્ચા ન સોહાઈ
જૈસે જ્વર કે અંશ સે,,ભૂખ બિદા હોઈ જાઈ |
આપણું શરીર જરાક તપવા માંડે ને તાવ આવે તો ભૂખ આપોઆપ મરી જાય છે. જ્યાં સુધી આપણી અંદર ને આજુબાજુની અનેક ઇન્દ્રિયોના આકર્ષણ હશે, જ્યાં સુધી આપણી અંદર અહમભાવ ભરચક્ક હશે ત્યાં સુધી બ્રહ્મને પ્રાપ્ત કરવાની આપણી અભિલાષા જાગશે નહીં. કારણ કે પેલો તાવ છે એ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવાની ભૂખને ભાંગી નાખે છે. અનેક પક્ષીવિદોએ સાબિત કર્યું છે કે વારંવાર અનેક ફળમાં ચાંચ મારનારો કાગડો જયારે આંબા ઉપર ફળ બેસે ત્યારે એમાં ચાંચ ન મારી જાય એટલા માટે કાગડાની ચાંચમાં એ સમયે ગમે ત્યાંથી કોઈ રોગ આવી જાય છે. અને એ સમયે કાગડો આંબામાં ચંચુપાત કરી શકતો નથી. આનો અર્થ એ થયો કે આપણને જયારે આંબા જેવું રસદાર ફળ મળે જેમાંથી સોમરસ જેટલો આનંદ મળે એ તમે ન પ્રાપ્ત કરી શકો એનું કારણ શું ? કારણકે આપણી ચાંચમાં હજી રોગ છે, આપણી ચાંચ એટલે આપણું જીવન. હજુ આપણે ફેલાયેલા છીએ, વિસ્તરેલા છીએ, અનેકમાં વહેંચાયેલા છીએ, સ્વ તરફ વળ્યા નથી, આપણને ભૌતિક સુવિધાઓનો આનંદ જોઈએ છીએ અને સતત સતત અહમ પોષવા જોઈએ છીએ એટલે આપણે પાકેલા આંબાને બરાબર ચાખી શકતા નથી. આત્મજ્ઞાન કોઈ એક જગ્યાએ છુપાઈને બેઠું હોય એવું નથી.