સંતોષ છે એટલે સર્વસ્વ છે!!
જેની પાસે છે એને વધુ આપવામાં આવશે, અને જેની પાસે નથી એની પાસેથી છીનવી લઈ અને એમને રિકત કરી નાખવામાં આવશે.
મારી પાસે જે છે તે મારી પાત્રતા કરતાં વધુ છે. મારી યોગ્યતા કરતાં પણ ઘણુ વધુ છે. આટલું જેને સમજાઈ ગયું છે તેને સંતોષી માણસ કહી શકાય.
મારી યોગ્યતા પણ નથી, મારી પાત્રતા પણ નથી, અને છતાં પણ પરમાત્મા સતત-સતત મારી ઉપર બધી જ વસ્તુઓનો વરસાદ કર્યા કરે છે, એવી જેને પ્રતીતિ થાય છે એ પ્રતીતિનું નામ સંતોષ છે. જેની પાસે સંતોષ છે એની પાસે સર્વસ્વ છે. ‘જબ આયે સંતોષ ધન સબ ધન ધુરી સમાન‘ સુભાષિત એમ કહે છે કે તમારી પાસે કોઈ પણ પ્રકારનું, ગમે તેટલું, ઢગલાબંધ ધન હોય, પણ જ્યારે સંતોષ નામનું ધન પ્રાપ્ત થાય ત્યારે એની પાસે બીજા બધા ધન ધૂળ બરાબર છે.
જીસસનું બહુ સરસ મજાનું ઉચ્ચારણ છે. અદ્વિતીય છે, અનોખું છે, અને તર્કાતીત છે. જીસસ કહે છે, ‘જેની પાસે છે એને વધુ આપવામાં આવશે, અને જેની પાસે નથી એની પાસેથી છીનવી લઈ અને એમને રિકત કરી નાખવામાં આવશે.’ ઝડપથી મનમાં ન બેસે એવી આ વાત છે. વિચાર થાય કે આવું તે કશું હોય? આ તે કંઈ ન્યાય કહેવાય? કે છે એને વધુ આપો અને નથી એની પાસેથી ઝુંટવી લો. આ તો ભારોભાર અન્યાય કહેવાય. પરંતુ જરા ઊંડાણથી વિચારીએ તો જીવનનો આ બહુ મોટો નિયમ છે. જેની પાસે છે એનાથી જેની ક્ષમતા વધે છે, અને એ વધુ પ્રાપ્ત કરે છે. એને બીજા દ્વાર ખુલે છે. તે આતુર બને છે. તે ઉત્સુક બને છે. તેનામાં અભિપ્સા ઉમેરાય છે. અને જેની પાસે કંઈ નથી, એ ધીમે ધીમે સંકોચાઈ જાય છે. અને સંકોચાતા શરમમાં એટલો બધો સંકોચાય જાય છે કે જે છે એ પણ એના અંદરથી નીકળી જાય છે, અથવા તો નીકળી જવા માટે આતુર બની જાય છે.
મારી પાસે સંતોષ છે તો મને રોજ નવા-નવા વરદાન મળવા લાગશે. રોજ-રોજ, ક્ષણે-ક્ષણે નવું નવું મળશે. પણ મારામાં સંતોષ નથી, કેવળ રોવું અને દુઃખની કથા બોલ્યા કરવી, એને પરિણામે હું ધીમે ને ધીમે સાંકડો થતો જઈશ, સંકુચિત બનતો જઈશ. મારી અંદર જે હશે તે પણ હું ગુમાવી બેસીશ. સ્વાભાવિક છે, એવું જ મનુષ્યનું છે. એવું જ એના મનનું છે કે જે દરેક ચીજ ઉપર અસંતુષ્ટ રહે છે. એ વિચારતો નથી કે, મને જે મળ્યું છે એનો આદર, એનો ધન્યવાદ તો એ આપનાર સુધી હજી મેં પહોંચાડ્યો નથી. તમે જેટલા વધુ દિવસ અસંતુષ્ટ રહેશો એનાથી તમને થોડો કશો લાભ મળવાનો છે? અસંતોષ વધશે. મોત આવી જશે એક દિવસ અને અસંતુષ્ટિ સાથે જ મૃત્યુને વરી જવાશે.
હવે કોઈ બીજી કલા શીખીએ. અને એ કલાને નામ આપીએ ‘સંતોષ’. હકીકતમાં સંતોષ નો અર્થ થાય છે ‘સંન્યાસ’. આ બન્ને શબ્દો પર્યાયવાચી છે. સંન્યાસનો અર્થ છે સંતોષ. જે છે એટલું ઘણું છે. આટલું પણ કેમ છે એનું મને આશ્ચર્ય છે. જે બધું મને મળ્યું છે તે મળ્યું કેવી રીતે? મેં તો અર્જીત કર્યું નથી. મારી યોગ્યતા કે પાત્રતા નથી. હે પરમ, તેં આપ્યું છે, તારી આપેલી એ ભેટ છે. હું તારો ધન્યવાદ વ્યક્ત કરું છું, હું કૃતજ્ઞ છું. ખરેખર તો આપણી પાસે જે છે અને જે મળ્યું છે અને મળતું રહ્યું છે તેનો પ્રતિક્ષણ આનંદ માણતા આપણે નાચવું જોઈએ.
કવિતામાં કહે છે,
”धरती का बिछौना नीलांबर का ओढ़ना और चाहिए ओ वैरागी मन,
सूर्यशिष पर सोना छत्रसा लगे चंद्रमा,
पिन्हा जाए चांदी के हार उषा, ज्योति,
कलश धरे अगवानी में संध्या भर जाए तारो से श्रृंगार,
सूर्य चंद्र का गहना, तारोका अंगना और चाहिए क्या ओ बढ़भागि मन”
વધુ તારે શું જોઈએ ??
મધુઋતુમાં કોયલ છે એ એના સુર, ટહુકાઓ સંભળાવી રહી છે. ગ્રીષ્મની બપોરે અભિસાર વરસી રહ્યો છે. બાજુમાં ક્યાંક બેઠાં બેઠાં મોરલાઓ બોલી રહ્યાં છે. શરદઋતુ પ્યાર વરસાવી રહી છે. ઋતુઓ ઝૂલે છે અને સમય હિંડોળાઈ રહ્યો છે, ત્યારે હે મન, તારે વધુ શું જોઈએ? જે છે એનો સંતોષ એટલે સંન્યાસ. અને એટલે આપણા વિશ્વના ક્રાંતિવીર ચિંતક ઓશો તો હંમેશા કહે છે, ‘સંતોષ જો હૈ ઉસકા ઉત્સવ મનાનેમેં હૈ‘ જે છે એનો ઉત્સવ ઉજવો. આપણા પ્રખર ભાગવતકાર શ્રી ડોંગરેજી મહારાજ પણ કહેતા કે ‘ પળે પળ ઉત્સવ ઉજવો, લાલો પડખું ભર્યું ઉત્સવ ઉજવો.’ કંઈ કારણ નથી તો બસ મારો લાલો પડખું ફર્યો છે આજે એટલે હું ઉત્સવ ઉજવી નાખું છું. આમ, ઉત્સવ ઉજવવાથી આપણને સંતોષનો ઓડકાર આવશે. આપણે ઈશ્વરના ધન્યવાદ વ્યક્ત કરી શકીશું.
બે આંખો આપી છે. જાણે બે સરસ મજાના પ્રગટેલા દીવાઓ છે. આ આંખોથી હું કેટલું બધું સૌંદર્ય જોઈ શકું છું.!! સવારે સુરજ તો રાત્રે તારાઓ દેખાય છે. પણ ક્યારેય મેં પરમાત્માને આ બાબત માટે પ્રણામ કર્યા છે કે, મને અદભુત આંખો આપી છે એ કેવો મોટો ચમત્કાર છે. કાનોથી હું સંગીત સાંભળી શકું છું. સંવેદનશીલ હૃદય આપ્યું છે એનાથી હું અનેકની લાગણીઓ અને સંવેદનાઓ જીલી શકું છું. આ બધી બાબતો માટે પરમતત્વને ક્યારેય કૃતજ્ઞતાથી માથું નમાવ્યું છે?, એની પ્રાર્થના કરી છે?, એની પૂજા કરી છે? વિચારવું પડે એવો આ પ્રશ્ન છે.
રંગબેરંગી પાંખો વાળી નાની-નાની ચકલીઓ આપણા કાનોમાં જાણે એમ કહી જાય છે કે, કશું ભેદભર્યું છે હો. પ્રિય કબીરજી એક સુંદર વાત કહે છે કે, જે મળ્યું છે તે અહંકારને લઈને દેખી શકાતું નથી. અહંકાર જતો રહે તો જે મળ્યું છે તેનો આપણને અહેસાસ થાય. શું કરવું આપણે? એક જ જવાબ, આપણામાં ભરેલા અહંકારને મરી જવા દો. કબીરની બે પંક્તિઓ, मरो हे जोगी मरो, मरो मरण हे मीठा, किस मरनी मरो जिस मरनी गोरख दिठा‘. ગોરખનાથ કહે છે, હે જોગી મરો, મરણથી જ તમારી મીઠાશ આવવાની છે. કેવી રીતે મરો? किस मरनी मरो जिस मरनी मरी गोरख दिठा. ગુરુ ગોરખનાથના આદેશ પ્રમાણે જે નથી મળ્યું તેની સામું જોવાને બદલે જે મળ્યું છે તેનો સત્કાર કરો, તેની સામે ઝુમી ઉઠો અને એવી રીતે જ મૃત્યુ પાસે જાઓ.