‘જે છે’ તેને તમે કેવી રીતે મૂલવો છો, કેવી રીતે પ્રસ્તુત કરો છો એ ‘જે છે’ તેનું અર્થઘટન છે.

ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com

આપણાં શાસ્ત્રોએ ચાર પુરુષાર્થો ગણાવ્યા છે.
ધર્મ, અર્થ, કામ, મોક્ષ.
આ કેવળ શબ્દો કે સંકલ્પનાઓ માત્ર નથી, પણ માનવ જીવનનાં ચાર પડાવો છે. આપણે માનીએ છીએ કે મોક્ષ એ તો જન્મ પછીનો કોઈ અજ્ઞાત – અલૌકિક પ્રદેશ છે. બાકી રહ્યા ત્રણ પુરુષાર્થો, ધર્મ – અર્થ – કામ. આપણે શાણા અને ચતુર પણ છીએ, એટલે આપણે ધર્મ અને કામને અર્થઘટનના ચક્કરમાં ફસાવી દીધેલ છે. આપણે અર્થ કરતાં ‘અર્થઘટન’માં વધુ અટકેલા રહીએ છીએ.

અર્થ એટલે ‘જે છે’ તે છે, અર્થઘટન એટલે ‘હું જે સમજુ છું’ તે છે.
અર્થ હકીકત’’ છે, અર્થઘટન એ perception છે.
અર્થ ‘સમજ’ છે, અર્થઘટન સમજ વિષેની ‘મારી સમજૂતી’ છે.
‘જે છે’ તેને તમે કેવી રીતે મૂલવો છો, કેવી રીતે પ્રસ્તુત કરો છો એ ‘જે છે’ તેનું અર્થઘટન છે.

બહુ મહત્વ છે અર્થઘટનનું. બાજી પલ્ટી શકે અર્થઘટન. કોઈના હિતને અહિતમાં ફેરવી શકે અર્થઘટન. રસ્તા પર દોરડું પડયું છે. તમને એ દોરડું દેખાય છે અને મને તેમાં સાપ. આપણે તેને અનુભવ્યું નથી છતાં આપણે અર્થનું અર્થઘટન કરવા લાગ્યા છીએ. અનુભૂતિ વગરની અભિવ્યક્તિ અર્થનો અનર્થ કરે છે, અર્થનું અર્થઘટન નહીં.

શ્રીમંત કુટુંબનો એક નબીરો કપડાંની ટાપટીપ બિલકુલ રાખે નહીં. લગ્નનો પ્રસંગ હોય, બહારગામ જવાનું હોય, ગામમાં ફરતો હોય એક જ સરખો પોશાક. એના મિત્રો કહે : ‘અલ્યા લગ્ન પ્રસંગે તો કાંઈ બદલ.’ આ અવધૂત કહે કે ‘અહીં બધાં મને ઓળખે છે. હું કપડાં ગમે તેવા પહેરું તેથી કંઈ મારા પ્રત્યેના લોકોના માનમાં કંઈ ફેર પડવાનો નથી..’ થોડા સમય પછી આ ભાઈ મુંબઈ જેવા શહેરમાં ગયા. મુંબઈમાં પણ તેનો પહેરવેશ તો એ જ જૂનો ને જાણીતો. ત્યાં પેલા મિત્રોનો મળ્યા. મિત્રોએ તરત ટપાર્યો : અલ્યા, ગામમાં તો તું સાદો પોશાક પહેરે તે સમજ્યા, પણ શહેરમાં જાય ત્યારે તો કાંઈક સારા કપડાં પહેર ! અવધૂત તરત બોલ્યો : ‘અહીં મને કોણ ઓળખે છે ?’ પ્રત્યેક વ્યક્તિ પોતપોતાના તાનમાં છે અને કામમાં છે. મેં શું પહેર્યું છે તે જોવા કોણ નવરું છે ?

કોઈ અર્થઘટન સમાજનાં પરિપ્રેક્ષ્યમાં કરે, તો કોઈ પોતાનાં પરિપ્રેક્ષ્યમાં. ઘટનાને તમે તેને કેમ મૂલવો છો તેના પર તેનો આધાર છે. હા, આ મૂલવણી બે બાબતો પર આધારિત છે : Pre knowledge અને Past data, તમે અગાઉ શું જાણ્યું છે અને તેની છાપ તમારા મગજમાં કેવી પડી છે ! કોઈ ઘટનામાં અગાઉ તમારું encounter થયું હતું તો તમારો ડેટા નેગેટિવ સ્ટોર થશે, કોઈ ઘટનાને અગાઉ તમે આનંદથી માણી હતી તો તમારા મગજમાં તેનો સ્ટોરેજ ઘણો જ આનંદદાયક હશે… હવે બીજી વાર તમે આવી જ ઘટનામાંથી પસાર થશો ત્યારે અગાઉનું encounter કે અગાઉનો આનંદ તમને આ ઘટના કે પ્રસંગને મૂલવવામાં મદદ કરશે… પૂર્વજ્ઞાન તમને રસ્તો ચીંધે છે… અગાઉનો અનુભવ તમને એ રસ્તે ચાલવાનું બળ આપે છે. બીજાં શબ્દોમાં કહીએ તો Pre knowledge તમને અર્થ સમજાવે છે અને past data તમને અર્થઘટન તરફ દોરી જાય છે.. જીવનનો પ્રત્યેક અનુભવ મને અને તમને એક અર્થ આપે છે. એ અર્થનું સાચું અર્થઘટન આપણને ગતિ બક્ષે છે, તો જરાક પણ ખોટું અર્થઘટન આપણને દિશાહીન બનાવી મૂકે છે.

વિનોબાજીના જીવનનો જાણીતો પ્રસંગ છે. ઘરમાં ફણસનું એક ઝાડ હતું. તેનું મોટું ફળ અને તેમાં મોટી મોટી પેશીઓ. ક્યારે ફળ પાકે ને ક્યારે રસદાર પેશી ખાવા મળે તેની પ્રતીક્ષામાં સૌ ભાંડરુઓ!!. સવારે ઉઠીને જોયું તો ફળ ગુમ. બા ફણસમાંથી પેશીઓ કાઢતી હતી. મોઢામાં પાણી આવવા લાગ્યાં. થયું હમણાં મા આપે અને હમણાં જ મોઢામાં પધરાવી દઈએ. પણ ના, મા એ તો પહેલા એક એક પેશી પાડોશીને ત્યાં આપી આવવા વિનયને કહ્યું. મા પહેલાં આડોશ પાડોશનો ભાગ પાડ્યો અને પછી પોતાના બાળકોને આપી. વિનોબાજી કહેવા માંગતા હતાં કે નાનપણમાં અણસમજમાં એક અર્થ ઉમેરાયો ‘ભોગવવું’ અને તેનું અર્થઘટન પણ કે ‘ત્યજીને ભોગવવું’, ‘ભાગ પાડીને ભોગવવું’. આ અર્થઘટને દિશા ચીંધી અને મોટા થઈને એ ભૂદાન યાત્રામાં તે પરિણમી…’ અર્થઘટન બાજી મારી પણ શકે અને બાજી પલ્ટી પણ શકે. જો કે, આ ‘બાજી મારવી’ કે ‘બાજુ પલટવી’ એ ફરી પાછા અર્થઘટનના પ્રશ્નો છે !!