આ સમજના દરિયાને આપણે ખારો કરીએ છીએ.

ભદ્રાયુ વછરાજાની                                                                            bhadrayu2@gmail.com

આપણું બાળક આપણે ધારીએ છીએ તે કરતાં વધુ સમજુ છે અને સંવેદનશીલ પણ. થોડાક ભૂતકાળની વાત છે. મારાં ઘરની સામે નંદિશ રહે. સાત- આઠ વર્ષનો. તેનાથી મોટી ચાર પાંચ વર્ષે બહેન કથિકા. નંદિશનો જન્મ થયો ત્યારે કથિકા ઉંમરે સમજુ હતી. મારી સાથે ચોવટ કરે ભાઈની, ભાઈના નખરાંની અને ઘણી બધી. એકવાર કથિકા બહુ મોટા મનોવિજ્ઞાનીની અદાથી મને કહે : ‘તમને ખબર છે અંકલ ? નંદિશ હજુ છ મહિનાનો થયો છે ને ત્યાં એનો મૂડ  બતાડવા લાગ્યો છે.’ મેં પ્રશ્ન પૂછ્યો કે એવું તે કંઈ હોય ? એને બળી મુડ બુડ થોડું હોય ? તરત મારી સામે વ્હાલથી છણકો કરી કથિકા બોલી : ‘તમે મારી મમ્મીને પૂછી જોજો. નંદિશ બેડરૂમમાં રમતો હોય ને બરાબર કલાક થાય એટલે કચકચ શરૂ કરે. પછી મમ્મી ડ્રોઈંગરૂમમાં લાવી બધાની વચ્ચે સુવડાવે એટલે હસવા લાગે અને ત્યાં પણ એક કલાક થયો નથી ને ભાઈનું છટક્યું નથી ! અંકલ, તમને નંદીશના નખરાંની શી ખબર પડે ?’ કથિકાના છેલ્લા પ્રશ્નથી હું જાગી ગયો અને મને લાગ્યું તે સાચી છે, આપણને આપણાં બાળકોની સમજનો ક્યાં અંદાજ જ છે ?

બે વર્ષની નાનકી કશ્તિ નાનાની ગાડીમાં આંટો ખાવાની શોખીન. ‘નાના ઘરે’ આવે કે તરત નાનાને ઉઠાડે ને નાનાની ગાડીમાં આગળ બેસી લાંબો આંટો મારવા નીકળી પડે. બોલતાં નથી શીખી બહુ. એટલે વિલંબિત લયમાં ‘આન્ટો..’ બોલે  એટલે એનું કામ થઈ જાય. આ કશ્તિના મમ્મી પપ્પાએ  ગાડી લીધી. પણ  કશ્તિની ડેટા બેન્કમાં ‘આ મારી કારને આ નાનાની કાર’  એવું હજી ઘુસ્યું નથી. ‘આ મારું, આ તારું’ એવું તો આપણે બાળકના મનમાં ઘૂસાડીએ છીએ. કશ્તિને તો ‘આંટા’ થી મતલબ, કારથી નહીં…

સેજલ સાડા ચાર વર્ષની,  તેનાં મમ્મી પપ્પાને ઘણાં પ્રશ્નો હતા. પ્રશ્નો ધીમે ધીમે ક્લેશ બનવા લાગ્યા અને અંતે ઘણી માથાકૂટ પછી છૂટાછેડા થયા. સેજલ તેની મમ્મી સાથે મામા મામીના ઘરે રહેવા લાગી. મામા મામી શિક્ષકો. એ બંનેએ આંતરજ્ઞાતીય લવમેરેજ કરેલાં. સેજલને સરસ કુટુંબ મળે એટલે બહેનને ભાઈ ભાભીએ સમજાવી,  ફરી પરણવા માટે. જલ્દી બધું ન ગોઠવાયું પણ ધીમે ધીમે ગૂંચો ઉકેલાતી ગઈ. આ બધી પ્રક્રિયાની મૂક સાક્ષી સેજલ. એક પ્રસ્તાવ આવ્યો. તે પણ છૂટાછેડા લીધેલ પુરુષ. સારું હતું બધી રીતે. ફોરવર્ડ ભાઈ ભાભીએ દોર સંભાળ્યો. સેજલને અને તેની મમ્મીને બધાં જ ઈનપુટ સાથે આગળ ધપાવ્યાં. હળ્યા- મળ્યા – ફરવા પણ જવા દીધાં – મોડેથી ફ્રી થાય ત્યારે પેલું નવું પાત્ર સેજલની મમ્મીને ફોન કરે.  ભાઈએ ઈચ્છયું કે આમ થશે તો જેમને જોડાવવું  છે તેમની વચ્ચે બધાં ખુલાસાઓ પહેલાં થઈ જશે. લેટ ધેમ ઈન્ટરેક્ટ. પેલી નાની સાડા ચાર વર્ષની સેજલની સમજ એડવાન્સ છે. તે બોલતી નથી, પણ સમજે બધું જ. સેજલે એક દિવસ મામીએ કહ્યું : ‘મામી, તમને ખબર છે હમણાં મને રોજ મમ્મી રાત્રે નવ વાગે કેમ સુવડાવી દે છે ?’ મામી કહે : ‘ના સેજલ, મને તો ક્યાંથી ખબર હોય ?’ સેજલ બોલી : ‘મને બધી ખબર છે. નવા પપ્પાનો ફોન આવે છે, બંન્ને ડાહી ડાહી વાતો કરે છે. હું મમ્મીને ડિસ્ટર્બ ન કરું ને એટલે મને મમ્મી હમણાં રાત્રે વહેલી સુવડાવી દે છે..’ સાડા ચાર વર્ષની સેજલ ! કેટલી મેચ્યોર ? કેટલી એની સ્પષ્ટ સમજ ! સલામ એ બાળચેતનાને… આ સમજનો દરિયો આપણે ખારો કરીએ છીએ. ટીવીની ચેનલ્સ, છાપાનાં કચરા જેવા ગલગલિયા કરતાં સમાચારો અને અબુધ વાતાવરણમાંથી ગંદવાડ ઠલવાય છે દરિયામાં…

નંદિશ  આઠ વર્ષનો,  વેકેશનમાં શેરીમાં ધમાલ કરતો બધાં બાળકો સાથે. છોકરા છોકરી ભેગા મળી ધીંગામસ્તી કરતાં … પણ અચાનક નંદીશે ટ્રેક બદલ્યો. નંદીશના દાદીએ કહ્યું : નંદિશ બહુ હળી મળી ગયો હતો, જમાવટ હતી, પણ એનાં ટીચરે કહ્યું કે : ‘ બોયઝ સાથે બોયઝ રમે ને ગર્લ્સ સાથે ગર્લ્સ. બોયઝ – ગર્લ્સ ભેગા નહીં રમવાનું..’ બસ ત્યાંથી નંદિશ ફરી સંકોચાઈ ગયો ! ગડમથલ છે નંદીશના મનમાં કે મને મજા આવે છે તે સાચું કે મારાં ટીચર કહે છે તે ?’ કથિકા – કશ્તિ – સેજલ તો ઈશ્વરદત્ત સમજથી ઘૂઘવે છે, તેમાં ખારાશ ભેળવવાનું પાપ તો આપણે કરીએ છીએ..!