સાત પગલાં અનંતમાં ભરી સાંઈ મકરંદની પરમ સમીપે પહોંચેલ  ઈશા કુન્દનિકા કહે : હે ભગવાન ! મને સુંદર લખતાં શીખવજો.’

ભદ્રાયુ વછરાજાની                                                                           bhadrayu2@gmail.com

આજે સ્મરણ વિહાર દરમ્યાન એક દિવ્યતાનો માર્ગ પકડાયો છે.

એક સફેદ પોસ્ટ કાર્ડ આવ્યું ટપાલમાં, તેમાં થોડાક જ ફૂલ જેવા શબ્દો વેરાયેલા. ભાઈ, કાંઈ જ કામ નથી, બસ તમે બહુ યાદ આવ્યા એટલે વિચાર્યું કે લાવ મળી લઉં ! – ઈશા.

નંદિગ્રામ દ્વારા બારેક વર્ષ પહેલાં ધરમપુરમાં દૂર દરાજના ગામોમાં શૌચાલય બાંધી આપવાનો પ્રકલ્પ ચાલે. તે સમયે એક સફેદ પરબીડિયું ટપાલમાં આવ્યું. : ‘ભાઈ, નંદિગ્રામના શૌચાલય પ્રકલ્પ અંગે તમે રૂડો લેખ લખ્યો તે વાંચીને તરત તે લેખના એક વાંચક ગાંધીજન બળવંતભાઈ દેસાઈએ રૂપિયા એકાવન હજારનો ચેક મોકલી આપ્યો ! મને થયું કે સાચુકલા શબ્દોમાં કેટલું પ્રેરક અજવાળું પડયું છે !- ઈશા.

ઓસ્ટ્રેલિયાથી આવેલા યુવા દંપતિને લઈને નંદિગ્રામ પહોંચ્યાં. ખબર નહીં કેમ પણ જેલમ + હાર્દિકને મળીને કુન્દનિકાબેન અતિ પ્રસન્ન થયાં. પોતાને ડાબા કાને વધુ સંભળાય એટલે જેલમને તે બાજુ બેસાડી ગીત ગાવા કહ્યું. ‘એવા રે મળેલા મનના મેળ..’ આ કરુણા કંઠે ગવાતું ગીત અચાનક જ અટક્યું,  કારણ જેલમની આખો ચોધાર આંસુએ વરસવા લાગી. ઈશા મા અને જેલમ આત્મીય પ્રવાહમાં વહેવા લાગ્યા. થોડી પળો પછી બધું સ્વસ્થ થયું ત્યારે એક નાના છોડ સાથેનું કૂંડું જેલમના હાથમાં મુકી સૌને  કહે : ‘ભાઈ, દીકરી તો આપણા ઘરનો તુલસી ક્યારો છે, એટલે આ ઋજુ હૃદયને મારી લાગણી સ્મરણરૂપે આપું છું..’ ! 

કરુણાનું ઝરણું મૌન સાધના સાથે ‘નંદીગ્રામ’માં  એવું વહ્યું છે કે તેની ભીનાશ વર્ષો સુધી ગુરુ ગોરખનાથની ચેતનાને પ્રજ્વલિત રાખશે. હા, ‘કુન્દનિકા કાપડિયા:એક સર્જક’ એટલે  ‘મા ઈશા:એક સાધક’ હવે નશ્વર દેહે અહીં નથી.  ઓથર ઈન એમ્બ્રિયોએ તો ક્યારની  વિદાય લીધી છે  !

બાળપણ આકાશ, વૃક્ષો, મેદાનો વચ્ચે વીત્યું.. ચુડામાં જન્મીને પછી ગોધરાના એક આઉટ સ્કર્ટમાં ઓછાં મકાનો ને ખુલ્લાં મેદાનોની વચ્ચે !!  એક બહેનપણી વિમલાએ  લખેલા એક  પત્રમાં નીચે લખેલું : ‘આપને હરઘડી યાદ કરનાર વિમલા..’ અરે કેટલા સરસ શબ્દો ! નાનકડી કુન્દનિકા તો રાજી પડી, દોડી ખુલ્લાં મેદાનમાં ને આકાશ સામે ખુલ્લી સુઈ ગઈ ને બે હાથ પહોળા કરી પોકારવા લાગી : હે ભગવાન ! મને સુંદર લખતાં શીખવજો.‘ સાચા દિલની બાળકીની પ્રાર્થના ભગવાને બરાબર સાંભળી અને તેને ફાળે ‘સાત પગલાં આકાશમાં’ અને ‘પરમ સમીપે’ ની લેખિકા બનવાનું આવ્યું !

સોળ વર્ષે તો શેક્સપિયર વાંચી લીધા. ર.વ.દેસાઈનું ‘ગ્રામલક્ષ્મી’ વાંચેલું.  તે એક સોમાને ઘરે બોલાવીએ ભણાવે. બાપુજી વડીલ મિત્ર જેવા એટલે એમણે  કહ્યું : ‘બેટા, આ સોમાને તું ભણાવે તે તો સારું, પણ તું એને અડે તે ખોટું…’ અને કુન્દનિકાને વીજળીના કરંટ જેવો ઝટકો લાગ્યો ! ‘મારે કોઈ જ્ઞાતિ નથી‘ એવું બેધડક છેલ્લે સુધી કહેનાર કુન્દનિકાજી સિવાય ઘરના બધાય દેરાસર જાય. ચોથા ધોરણમાં રવિશંકર જોશી આધ્યાત્મિક અને પ્રેમાળ શિક્ષક. ગુજરાતી ભણાવે. એક નિબંધ લખવાનું કહેવાયું કે તરત લખવાનું શરૂ. શિક્ષક નિબંધ વાંચી બોલ્યા : ‘તેં  આ નિબંધ પહેલેથી તૈયાર કરી રાખેલો કે શું ?’ કુન્દનિકાનો નિબંધ આખા વર્ગમાં વાંચી સંભળાવ્યો ને નીચે લખી આપ્યું : ઓથર ઈન એમ્બ્રિયો ! આ નોંધનો અર્થ આજે આપણને સમજાય છે !

૧૯૪૯ – ૫૦ માં જે કૃષ્ણમૂર્તિને જોયા, મળ્યા, વાતો કરી, પ્રવચનો સાંભળ્યાં અને અંતરંગ યાંત્રિક બન્યાં. નાનપણમાં જે.કે ની કવિતાઓ વાંચેલી ત્યારથી નક્કી હતું કે મોટા થઈને આમને વાંચીશ. જયારે ગોષ્ઠી કરી ત્યારે કુન્દનિકાબેન અચૂક બોલ્યાં છે : ‘નો ઓથોરિટી, નો ગુરુ, નો ડિસાઇપલ, ટ્રુથ  ઈઝ આ પાથલેસ લેન્ડ… 

‘નવનીત સમર્પણ’ના વિશેષ અંકમાં સંપાદક તરીકે સાંઈ મકરંદ દવેને કવિતા લખવા આમંત્રણ આપતા લખ્યું : ‘આપ કવિતા દ્વારા ગમતાનો ગુલાલ કરો તેવી વિનંતી છે.’… જવાબમાં મકરંદ દવેએ કવિતા લખી મોકલી : ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ ને ગમતાનો કરીએ ગુલાલ,,’ પહેલાં ગોંડલ અને પછી મુંબઈથી બંને નજીક આવ્યા. સાંઈ મકરંદ અને કુન્દનિકાજી ૧૯૮૬ માં નંદીગ્રામમાં ભાવનાની મૂડીથી સેવા અને સાધનામાં ઊંડા ઊતર્યાં. દિવ્યતત્વ સાથેનું અનુસંધાન એવું  સધાયું કે નંદીગ્રામ ડિઝાઇન્ડ બાય સમ પાવર એન્ડ લેડ બાય અનનોઉન ફેક્ટરબની ગયું. કવિ અનિલ જોષીની પંક્તિઓનું સ્મરણ અવશ્ય થઈ  જ જાય છે : 

હું તો નીકળી ગઈ મારી તલાશમાં

હું તો નીકળી ગઈ બહારના ઉજાસમાં

સાત પગલાં આકાશમાં…