CSRની જેમ SSR શરુ કરવાની જરૂરત ઉભી થઈ છે. 

ભદ્રાયુ વછરાજાની                                      bhadrayu2@gmail.com                                  

ગુજરાતના મેટ્રોની અંદર એક દ્રશ્ય સૌએ બરાબર જોયું છે. મસમોટી શાળા હોય, તેમાં હજારો વિદ્યાર્થીઓ ભણતા હોય, તેને લેવા કે મુકવા માટે શાળાની બસો હોય, એ ઉપરાંત કેટલાય બધા પીકઅપ વેન હોય અને એ બધાની અંદર ભરાઈ ભરાઈને પતંગિયાઓ રોજ સવારે પોતાની શાળાએ પહોંચતા હોય. બપોર પડે  ઘરે પાછા આવતા હોય. આ રોજની પ્રકિયા છે આમાં  કશું નવું નથી. પણ એ શાળા સંકુલ જયારે છૂટે ત્યારે એ શાળા સંકુલમાંથી એક સાથે ૨૦, ૨૫, ૩૫, સ્કૂલ બસ નીકળે, લાઈનબંધ  નીકળે, એકબીજાની પાછળ નીકળે. આગળ જઈને એકબીજાની સ્પર્ધા કરતા ડ્રાઇવીંગ કરે. વળી પીકઅપ વેન આમ જ નીકળે ને આખો રસ્તો બ્લોક થઈ જાય, ટ્રાફિકના કોઈ નિયમોનું પાલન ન થાય !! 

આ બધું  જોવાની જવાબદારી કોની ? સરકારની ? ના, સીધી સરકારની જવાબદારી ન ગણી શકાય. પણ સરકારે સંચાલકોને મજબૂર કરવા જોઈએ કે આ યાતાયાતને ખોરવી નાખતી વ્યવસ્થામાં તેઓ પોતે સુધારો કરે, કોઈ વચલો માર્ગ ફરજીયાત પણે શોધે.  અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં  સૌએ આ પરિસ્થિતિ જોઈ છે અને તેનાથી આપણે અનેક રીતે હતાહત પણ થયા છીએ . સવારે ઉઠીને કોઈ  બાપ કે મા પોતાનાં સ્કૂટર  પર અડધી ખુલ્લી આંખે બાળકને મુકવા આવતાં  હોય ત્યારે એટલો બધો ટ્રાફિક જામ હોય કે આપણને પ્રશ્ન થાય કે આમાં બાળકની સલામતી ક્યાં છે ? બાળક પાસે શાળામાં કામ કરાવવામાં આવે ત્યારે  પોતાનો આક્રોશ વ્યક્ત કરતા ખબરપત્રીઓ ક્યાં છે ? એમને કેમ શાળા છૂટે કે શાળા શરૂ થાય ત્યારે થતો જમેલો નજર સામે દેખાતો નથી ? આનો પણ ઉકેલ થઈ શકે. જેમ ભગવાન બુદ્ધે કહ્યું કે દુઃખ છે તો દુઃખનું કારણ છે અને કારણ છે તો એનો ઉપાય છે અને ઉપાય શક્ય છે.  શક્યતાને જો હકીકતમાં લઈ આવવી હોય તો એના રસ્તાઓ છે. 

અમદાવાદમાં એક કોર્પોરેટ શાળા સાથે કામ કરવાનો અનુભવ મળ્યો ત્યારે આવી કોઈ વાતને અમલમાં મૂકી હતી એ ઉદાહરણ અહીં ટાંકુ છું.

નજીકમાં જ ફાટક અને રોજ જતી વખતે ગાડી ફાટક પાસે અટકી પડે, ફાટકથોડીવાર પહેલા જ ખુલી હોય એટલે ટ્રાફિક હોય અને એમાં વળી નજીકની પેલી  શાળામાંથી છૂટતી બસો એટલો બધો ટ્રાફિક જામ કરે કે તમે આ બાજુથી પેલી બાજુ અડધી કલાક સુધી જઈ ન શકો. આ વાત મૂંઝવ્યા કરે. સંવેદનશીલ હોવાના કારણે  તપાસ કરી કે આ બધી કોની બસો છે ને  કેમ આવી રીતે અસ્ત વ્યસ્ત ચાલે છે ? તો જાણવા મળ્યું કે હું જે શાળા માટે કાર્ય કરી રહ્યો છું એમની જ સ્કૂલ બસો છે. પ્રિન્સિપાલને અને મેનેજમેન્ટને સાથે રાખી સ્વીકાર્યું કે રસ્તા ઉપર જયારે આપણી બસ નીકળે ત્યારે ટ્રાફિક જામ ન  થાય તે જોવાની જવાબદારી આપણી છે. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબલિટી (Corporate Social Responsibility: CSR) ના હેડ હેઠળ આપણે સુંદર શાળા ચલાવીએ અને વ્યાજ ના ૨%ને બચાવવાનો લાભ લઈએ તેવી જ જવાબદારી એટલે school’s social responsibility (SSR) એટલે કે સ્કૂલ દ્વારા આજુબાજુના સમાજમાં, આજુબાજુના લત્તાવાસીઓને કોઈ પણ જાતનો એવો ઘોંઘાટ, એવો ત્રાસ, એવી મુશ્કેલી ન પડવી જોઈએ એ જોવાની જવાબદારી સ્કૂલની છે. 

તમે તમારા શાળાના દરવાજામાંથી નીકળતી તમારી બસના  સમયનું  માત્ર સ્ટેગરીંગ કરો  એટલે કે એક બસ નીકળે પછી લગભગ ત્રણ મિનિટ પછી બીજી બસ નીકળે અને એમ જ   ત્રણ મિનિટ પછી ત્રીજી બસ નીકળે. શાળાને એક ગેટ હોય તો શાળાની બંને તરફ  ગેટ કરી શકાય અને ત્યાંથી પોતાની બસો બહાર નીકળે એવું પણ કરી શકાય. આનાથી પણ આગળ જઈને,  ધોરણ  ૧ થી ૪ સાડા બારે છૂટે,  ૫ થી ૮ પોણા વાગ્યે છૂટે અને ૯ થી ૧૨ એક વાગ્યે છૂટે.. આટલું જ કરવામાં આવે તો નથી લાગતું કે કોઈ તકલીફ પડે.  

આપણે રહેણાંકના વિસ્તારોમાં શાળાઓને મંજૂરી આપવા મંડયા. આપણે દુકાનોની અંદર શટર પડે તેવી શાળાઓને મંજૂરી આપી. હવે આ ત્રાસ વધતો જાય ત્યારે એમ કહેવાનું મન થાય કે જેમ સરકારે CSR કાયદાથી લાગુ કર્યું તેમ જ SSR પણ આપણી ઉપર કાયદાથી લાવવાનો સમય આવી ગયો છે. આમ તો સંચાલક જ સમજે કે આ અમારી સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે અને એ અમારે નિભાવવી જ જોઈએ.