ઈચ્છા કે લાગણી કે માંગણી કે અપેક્ષાથી ઈશ્વર પ્રાપ્ત ન થાયજીવનની જે કેન્દ્રવર્તી ચેતના છે એ ચેતનામાં પરમાત્મા માટેની અભીપ્સા જાગવી જોઈએ.

ભદ્રાયુ વછરાજાની                                               bhadrayu2@gmail.com  

ઈશ્વરને અર્પણ કરવાની મૂળ ભાવનામાં કેટલાક અંતરાયો અથવા તો સ્પીડબ્રેકર આપણે સૌએ અનુભવ્યા હોય છે. આ પૂર્ણ સમર્પણની આડે સૌથી પહેલા આવીને ઉભો રહે છે આપણો અહંકાર,  જેને આપણે ઈગો કહીએ છીએ. એટલે કે ‘આ મારું, આ મારા, આ મારો’ એવો આપણો અહંકાર છે. હું…હું…અને હું એ આપણો અહંકાર છે. કશું અર્પણ કરવું હોય તો આપણી  ચેતનામાં પણ હું ની અનુભૂતિ ન રહે અને તે શૂન્ય બની જાય તો જ એ અર્પણ થયું કહેવાય. ‘જે કંઈ છે તે તું જ છે, એનાથી અલગ મારું કંઈ રહે જ નહીં’ તો આ અહંકારનો પહેલો અંતરાય ઘણે ખરે અંશે દૂર કરી શકાય. 

આપણી ઈચ્છાઓ, અપેક્ષાઓ અને માંગણીઓ બહુ મોટી હોય છે અને ઈશ્વરને કશું પણ અર્પણ કરવા જઈએ ત્યારે એ વચ્ચે નડે છે. કહેવાય છે કે ઈચ્છા એ નિમ્ન પ્રાણમાંથી આવે છે. અને નિમ્નપ્રાણ ઈચ્છા અને તેની જોડિયાબહેન જેવી આસક્તિના રૂપમાં હોય છે. ઈચ્છાને અભાવ સાથે સીધો સબંધ છે. ‘મારી પાસે આ નથી ને  મારે આ જોઈએ છે’, એ ઈચ્છાનું સ્વરૂપ છે. આ આંતરિક ઈચ્છા તીવ્ર થાય એટલે બહાર વાણીમાં પ્રગટે અને વાણીમાં પ્રગટે ત્યારે એ માંગણી બને. જ્યાં સુધી ઈચ્છા હોય છે ત્યાં સુધી માણસ ઇચ્છિત  વસ્તુ કે વ્યક્તિ માટે જીવતો હોય છે, ભગવાન માટે નહીં. અને એ રીતે ઈચ્છા એ ઈશ્વરાર્પણની આડેનું મોટું વિઘ્ન છે. 

અઘરું છે સર્વ ઈશ્વરને અર્પણ કરવાનું. પણ એમ કહેવાય છે કે,  ‘દીર્ઘકાલ સેવ્ય મનઃ એટલે કે લાંબા સમય સુધી સેવવામાં આવતા જે કોઈ વચનો હોય છે એ ફળદાયી નીવડે છે એવું યોગસૂત્રમાં કહ્યું છે. મહર્ષિ ઓરોબિંદો એના માટે  ‘સ્ટેડિલી’ શબ્દ વાપરે છે. એ એમ કહે છે કે યોગનો અભ્યાસ એકધારો કરવાનો,  તૂટક તૂટક નહીં. કર્યો અને છોડી દીધો, ફરી કર્યો અને ફરી છોડી દીધો એમ ન ચાલે. યોગસૂત્ર એમ કહે છે કે તમે કોઈપણ અંતર વગર, વચ્ચે કોઈ ખાડો પાડયા  વગર જો અભ્યાસ કરો તો એ ધીમે ધીમે સફળ થવા ટેવાયેલો છે. સંસ્કૃતમાં तैलधरावत  એવો શબ્દ છે. તેલની ધારા માફક એકધારી અને સઘન રીતે તમે કોઈ વાતના અભ્યાસમાં લાગી પડો ત્યારે એ સફળ થઈને રહે જ છે. આનો એક મોટો ફાયદો એ છે કે આમ લાગી પડવાથી આપણું ચિત્ત બીજે ક્યાંય ભટકતું નથી. ‘હે અનિષ્ઠ, હું તારો સ્વીકાર કરતો નથી,’ આવો લાંબા સમય સુધી મક્ક્મતાથી એકધારો ઈન્કાર ધીમે ધીમે કરવામાં આવે તો તેનું જોર તૂટતું જાય છે. અને શક્ય બને કે તે આપણી ચેતનાની બહાર પણ ક્યારેક  ફેંકાઈ જાય છે.

પરમાત્મા માટે આપણને શું છે ?? માત્ર ઈચ્છા કે માંગણી કે અપેક્ષા  કે પછી અભીપ્સા છે, એ જરા નક્કી કરવા જેવું છે. માત્ર ઈચ્છા કે લાગણી કે માંગણી કે અપેક્ષા થી ઈશ્વર પ્રાપ્ત ન થાય, મારા અને તમારા જીવનની જે કેન્દ્રવર્તી ચેતના છે એ ચેતનામાં પરમાત્મા માટેની અભીપ્સા જાગવી જોઈએ. ‘મારે કેવળ તું જ જોઈએ છે’.. એને અભીપ્સા કહેવાય. સમર્પિત થઇ જવાની મારી અંદર અભીપ્સા જાગે તો ભગવાન પોતે મારા  હૃદયનું શુદ્ધિકરણ હાથમાં લઇ લે. પણ એના માટે સૌથી પહેલી જરૂર છે આપણી ચેતનાનું શુદ્ધ હોવું. શુદ્ધિ વિના સિદ્ધિ નહીં. 

સાધકે સાધનાને સહાયક થાય એવું આચરણ કરવાની અભીપ્સા સતત રાખવાની છે અને તેના માટેનો યથાશક્તિ પુરુષાર્થ કરીને એ પ્રવૃત્તિને બળ આપવાનું છે. અનુભવો દ્વારા શ્રી અરવિંદને ફીલિંગ (એટલે કે આંતરિક અહેસાસ કે  પ્રતીતિ) અને રીઝન એટલે ચર્મચક્ષુથી નહીં પણ સૂક્ષ્મ દ્રષ્ટિથી થતું દર્શન અભિપ્રેત થયું. શ્રી અરવિંદ મુખ્યત્વે આંતર પ્રતીતિના દર્શન આ પ્રમાણે  ગણાવે છે..(1) સર્વત્ર બ્રહ્મ છે. (2) સાધકમાં શક્તિનો પ્રવેશ થાય છે અને બહાર નીકળે છે. (3) અંદર અને બહાર આસપાસ સાકાર ઈશ્વર છે, દિવ્ય પ્રકાશ છે, શાંતિ છે અને આનંદનું અવતરણ છે. (4) ચેતનાનું વિશાળતા અને વ્યાપકતામાં વિસ્તરણ થયા કરે છે અને શરીર તે વ્યાપકતામાં એક નાનકડી વસ્તુની જેમ બેઠું છે. 

મહર્ષિ શ્રી અરવિંદ કહે છે કે જો સાધના કરનારને ભરોસો અને વિશ્વાસ (એટલે કે ટ્રસ્ટ અને કોન્ફિડન્સ) હોય અને સમર્પણની અભીપ્સા હોય તો શુદ્ધિકરણ માટે  સાધનાનો વિકાસ અને અનુભવોની પ્રક્રિયા અવશ્ય થયા કરે છે.