ભૂપ ભાનુ સમ હોઈચરિત્રાત્મક નાટક શાસકો માટે શાસન પ્રણાલીની આચારસંહિતા સમાન છે.

 ભદ્રાયુ વછરાજાની         bhadrayu2@gmail.com 

સંત શ્રી તુલસીદાસજીએ લખેલું : 

બરષત-હરષત લોગ સબ, કરષત લખૈ ન કોઈ,

તુલસીપ્રજા સુભગ તેં, ભૂપ ભાનુ સમ હોઈ.

જ્યારે આ દેશમાં રજવાડાંઓ દ્વારા રાજવ્યવસ્થા ચાલતી હતી, ત્યારે કેટલાક રાજાઓ સાચી લોકશાહી કરતાં પણ ઉત્તમોત્તમ વ્યવસ્થાથી પ્રજાનું કલ્યાણ કરતા હતા, તેમાં સર્વોચ્ચ સ્થાને ગોંડલનરેશ શ્રી ભગવતસિંહજી અને ભાવનગરનરેશ શ્રી કૃષ્ણકુમારસિંહજીને આવે.

એંસી વર્ષની ઉંમરે  પોતાના પિતાશ્રીની નાટ્યસંસ્થા ‘કલા નિકેતન’ દ્વારા  રંગદેવતાની ઉપાસના કરતા આકાશવાણીના શ્રોતાપ્રિય ઉદઘોષક શ્રી ભરત યાજ્ઞિકની કલમે લખાયેલું અને મલ્ટી  મીડિયા દ્વારા ભજવાયેલું  નાટક  ભૂપ ભાનુ સમ હોઈનું પુસ્તક સ્વરૂપ  લોકાર્પિત થયું. 

સૌરાષ્ટ્રના એક તદ્દન નાના ભૂભાગ ઉપર શાસન કરતા શ્રી ભગવતસિંહજી વિલાયત જઈને આવ્યા હોવા છતાં તેમના જીવનમાં સંપૂર્ણ સ્વદેશી અપનાવતા હતા. તેઓ વિલાયતમાં સૂટ પહેરતા છતાં ભારતના બંદરે આવતાં જ પોતાનો કાઠિયાવાડી ચોરણો, અંગરખું, પાઘડી  પહેરી લેતા. અને  જ્યારે સામાન્ય ઑફિસર પણ સૂટ અને હેટ પહેરવામાં મહત્તા માનતા ત્યારે દીવાનથી માંડીને છેક પટ્ટાવાળા સુધી બધાનો દેશી પ્રકારનો એક જ સરખો પોષાક રાજવીએ  પ્રચલિત કર્યો હતો. 

તેમણે પ્રાથમિક શિક્ષણ અનિવાર્ય બનાવ્યું હતું.  કન્યા કેળવણીમાં તો સવિશેષ રસ લીધો હતો. મેટ્રિક પાસ થના૨ કન્યાને રાજદરબારમાં બોલાવીને પ૦૦/- રૂપિયા આપીને સન્માન કરવામાં આવતું. એવું કહેવાતું કે ગોંડલ સ્ટેટની કન્યા હંમેશા ભણેલી જ હોય. રાજવી હોવા છતાં તેમણે ‘ભગવદગોમંડળ’ જેવો વિશાળ શબ્દકોશ ગુજરાતી સાહિત્યજગતને આપ્યો. લોકો સાથે – ખાસ કરીને ગામડાની પ્રજા સાથે – વાતચીત કરતાંકરતાં જે કોઈ નવો શબ્દ તેમને સાંભળવા મળતો તેની તરત જ નોંધ કરી લેતા. ઘણીવા૨ તો કાગળ ના હોય તો પોતાના સફેદ ડગલા ઉ૫૨ નોંધ કરી લે. આ રીતે તેમણે પોતે હજારો નવાનવા શબ્દો પ્રચલિત કર્યા. 

પોતાની પાસે મોટરકારો હોવા છતાં, તેઓ બે ઘોડાની બગીમાં હંમેશાં નિયમિત  ફરવા જતા. રાજાની આ જ બગી નિશ્ચિત ફી લઈને લોકોના લગ્નપ્રસંગે ભાડે પણ અપાતી !! એકવાર એક સાંકડા વળાંક ઉપર સામેથી આવતી એક ટ્રક સાથે બગી અથડાઈ ગઈ. ધક્કો એટલો જોરદાર હતો કે બન્ને ઘોડા મરી ગયા અને બગી ઊથલી પડી, રાજવી પોતે પણ ફંગોળાયા, છતાં  જરા પણ સ્વસ્થતા ખોયા વિના તેઓ ઊભા થયા, પાઘડી ફરીથી માથે મૂકી, ટ્રકનો મુસ્લિમ ડ્રાઇવર ધ્રૂજતો હતો. તેને વિદાય કર્યો અને બીજી બગી મંગાવી પોતાનો કાર્યક્રમ ચાલુ રાખ્યો. જાણે કશું થયું જ નથી. અમલદારોએ ટ્રકના ડ્રાઇવરને પકડીને બીજા દિવસે હાજર કર્યો ત્યારે આ રાજવીએ કહ્યું કે, “તે તેની યોગ્ય સાઇડ ઉપર હતો. વાંક મારી બગીનો જ હતો. અમે રોંગ સાઇડે હતા એટલે ટ્રક – ડ્રાઇવરનો વાંક નથી. તેને છોડી મૂકો.” આને જ  સાચી લોકશાહી  કહેવાય ને ? 

રાજવીને મળવા માટે કોઈ પણ વ્યક્તિ જઈ શકતી. તેણે નીચેના કાર્યાલયમાંથી સત્યં ચ સત્યં વાળી બે આનાવાળી ટિકિટ ચોંટાડીને અરજી કરવાની. રાજવી પોતે ખુરશી ઉપર બેઠા જ હોય. એક પોલીસ-કર્મચારીની વિધવા પોતાના નાના છોકરાને આંગળીએ વળગાડીને આવી. વિધવાનો પતિ રાજકર્તવ્ય બજાવતાં મરણ પામેલો. યુવાન વિધવાને આજીવિકાનું કશું સાધન ન હતું. તે પેન્શન માટે આવેલી. વિધવાની નાની ઉંમ૨ જોતાં સુધા૨ક રાજવીએ તેને પુનર્લગ્ન કરી લેવાની સલાહ આપી. આવી સલાહ સાંભળતાં જ વિધવા ઊકળી ઊઠી. તે બોલી, મારો ધણી તો મર્દ હતો, પૂરી મર્દાનગી બતાવતાં તે માર્યો ગયો, પણ મને ખબર ન હતી કે મારા ધણીનો ધણી આવો બાયલો હશે. જો પહેલેથી ખબર હોત તો હું અહીં આવત જ નહિ.” પોતાના નાના છોકરાને લક્ષ્ય  કરીને તે બોલી, “હેંડ … હેંડ… પાછાં ઘરે જઈએ. આપણે ખોટી જગ્યાએ આવી ગયાં છીએ.’’ બાઈ સડસડાટ ચાલતી થઈ. આવાં કઠોર વેણ સાંભળીને પણ રાજવી જરા પણ વિચલિત ન થયા. તેમણે તરત જ અરજી મંજૂર કરી દીધી. વાણી- સ્વાતંત્ર્ય આને કહેવાય ને ?

  રાજવીની મક્કમતા અને આત્મબળની વાત સાંભળીને અંગ્રેજ ગવર્નર જનરલને ગોંડલના અતિથિ થવાનું મન થયું. ત્રણ દિવસ માટે તેઓ રાજ્યના મહેમાન થયા. તેમને મહેમાનગતિ ગમી ગઈ, એટલે બે દિવસ વધારે રહ્યા. વિદાય થતાં પહેલાં રાજવીએ બે દિવસનું બિલ મોકલી આપ્યું અને જણાવ્યું કે ત્રણ દિવસ માટે તમે મારા મહેમાન હતા, પણ બાકીના બે દિવસનો ભાર મારું નાનું સ્ટેટ ઉપાડી ના શકે, માટે આ બિલ ભરતા જાઓ. બિલ ભરીને ગવર્નર જનરલ વિદાય થયા.!!