જે મળ્યું છે તેને ગમતું કરીએ તો જે ગમતું જોઈએ છે તે પણ આપણને મળતું રહેશે.

ભદ્રાયુ  વછરાજાની                                                      bhadrayu2@gmail.com 

લોકભારતીના પરિસરમાં સાવ જ સહજ ગોષ્ઠી દરમ્યાન મુંબઈ થી અહીં આવીને BVoc માં ભણતી હેતે મને  પોતાની મૂંઝવણ જણાવી અને પૂછી નાખ્યું કે,  ‘બોલો, વેકેશનમાંથી હમણાં આવ્યા ત્યારે મુંબઈમાં જુદું જીવન જોયું અને હવે અહીંયા સાવ જુદું જીવન જોવાનું છે એટલે આવા  ડ્યુઅલ એનવાઈયરમેન્ટમાં  અહીં સેટ થવું મુશ્કેલ બને છે. બોલો, અમારું ભવિષ્યમાં શું થશે ?’ 

મને જે સુઝ્યો તે જવાબ આવો હતો. મેં કહ્યું  કે,  ‘હેત,  તું બહુ નસીબદાર છો કે તને હજી આ ઉંમરમાં આ પ્રકારના બે વાતાવરણને અનુભવવાનો સરસ મજાનો લ્હાવો મળ્યો છે.  ઈશ્વરે નક્કી કર્યું કે તું પરણીને સાસરે જાય એ પહેલા તને બંને વાતાવરણનો અનુભવ આપવો કે  જેથી આગળ તારે જ્યાં જવાનું થાય તેનાથી તું પરિચિત હો. કોણ સાચું કે કોણ ખોટું, એની ઝંઝટમાં નહીં પડે તો ચાલશે. જ્યાં જયારે હો ત્યાં ત્યારે ભરચક્ક  જીવો એ સારામાં સારો રસ્તો છે. બંને પ્રયોગો કરી જુઓ.  અહીંયા અહીંની રીતિથી જીવો છો અને ત્યાં પણ જેમ જીવવું જોઈએ એમ જ જીવો. અહીંનો આગ્રહ ત્યાં ન રાખશો કે ત્યાંનો આગ્રહ અહીં ન રાખશો તો તમને બે અનુભવો પ્રાપ્ત થશે. પરિણામે જીવનની બે જુદા જુદા છેડાની પરિસ્થિતિઓનો તમે બરાબર અનુભવ કરશો. ઈશ્વરની ઈચ્છા હશે અને તમે ભવિષ્યમાં કોઈ મેટ્રોમાં જવાના હશો તો તમને મેટ્રોનો અનુભવ છે અને કદાચ પરમપિતા કોઈ ગામડાં ગામમાં લઇ જવાનો હોય તો તમને ગામડાં ગામનો પણ અનુભવ છે. શહેરમાં કે મેટ્રોમાં વસતા બધા બાળકોને આવા બે અનુભવો મળતા જ નથી, અને તેમના નશીબમાં જો ભૂલે ચુકે ગામડામાં કે નાનકડા નગરમાં જઈને વસવાનું આવે છે તો તેઓ ત્યાં બરાબર ગોઠવાઈ શકતા નથી,  કારણ કે એમને એક જ અનુભવ પ્રાપ્ત થયો છે,  બીજો અનુભવ એમણે લીધો નથી.  તમે નસીબદાર છો કે તમને તમારા પિતાશ્રીએ મુંબઈથી છેક અહીંયા ભણવા મોકલ્યા. અમદાવાદથી અહીંયા મોકલ્યા. પાલીતાણા નજીક છે છતાં પણ પાલીતાણા લોકભારતી, સણોસરા જેટલું નાનું નથી. એટલે તમને ચારેયને થતા અનુભવો એ જીવનનો એક વિશિષ્ટ લ્હાવો છે એમ માનીને જો તમે લેશો તો તમને આનંદ થશે. અને છેલ્લી વાત તમને કહું…  જીવન એ જ છે કે જે તમને પળ પળ બદલાવ આપ્યા કરે છે અને જીવવું એ છે કે તમે એ બદલાવની સાથે સાયુજ્ય  સાધીને આનંદપૂર્વક જીવતા રહો. 

માણસ જે આનંદની શોધમાં છે એ બહારના વાતાવરણમાં નથી, ઘોંઘાટમાં કે શાંતિમાં નથી. મીલના ભૂંગળાઓની વચ્ચે કે ખેતર લચકતા હોય એની વચ્ચે નથી,  પણ આપણી અંદર છે. અને અંદરનો આનંદ કેવી રીતે બહાર આવે અને આપણે એને કેમ માણી શકીએ એ જીવવા માટે તમારે અનેક અનુભવો લેવા જોઈએ. અનુભવ એને જ કહેવાય કે જે અનેક વખત થાય,  જુદી જુદી પરિસ્થિતિમાં થાય, જુદા જુદા માણસો સાથે થાય.  ક્યારેક સાનુકૂળ તો ક્યારેક એકદમ પ્રતિકૂળ હોય  એને અનુભવ કહેવાય છે. ગામડાંમાં થતું શિક્ષણ એ તમને માણસની વચ્ચે જીવાડે છે,  જયારે શહેરનું  શિક્ષણ બંધ દીવાલની વચ્ચે જીવાડે છે. અહીં ચોતરફ વૃક્ષો છે, પક્ષીઓ છે, પોપટ અને મોર રોજ તમારા ભેગા ચાલે છે, તમે અનુભવો છો કે અહીંયા જે રસ્તે પગ મુકો ત્યાં લીંબોળી પડી છે, જે માર્ગ ઉપર ચાલો ત્યાં નાના નાના ફૂલ ખરેલા છે. જ્યાંથી નીકળો ત્યાંથી કુદરતનું સંગીત સંભળાઈ રહ્યું છે. આ વાતાવરણ અતિ આહલાદક છે. અત્યારે અહીંયા છો તો અત્યારે અહીંયા જીવો,  કે જેથી આ કશું ચુકી ન જવાય.. જે મળ્યું છે તેને ગમતું કરીએ તો જે ગમતું જોઈએ છે તે પણ આપણને મળતું રહેશે. 

એ ચાર વિદ્યાર્થિનીઓએ  દર્શકદાદાએ પેલાં  પુસ્તકમાં લખેલી વાતને સાંજ સુધીમાં મારા અનુભવમાં મૂકી આપી એનો મને ખુબ આનંદ હતો. સવારથી મારા ચિત્તમાં વિહાર કરતા એ શબ્દો ફરીને ઘુમવા લાગ્યા કે, ‘લોકભારતીમાં ઉપરવાડેથી કોઈને પણ આવવાની છૂટ નથી. છાત્રાલય જીવન અનિવાર્ય છે. દરેકે સમૂહ જીવનમાં ઉભા થતા કામો, સફાઈ કે માંદાની ચાકરી કે બગીચાની કામગીરી કરવાના હોય છે. આ રીતે શિક્ષણે ભેદની ભીંત્યુંને ભાંગવાની છે.’  ‘જીવન એ ગર્ભાધાનથી માંડીને મૃત્યુ સુધી કેળવણી જ છે એમ સમજવું. કેળવણીનો વિચાર કે આચાર માત્ર શાળાના સમય દરમિયાન જ કરવાનો નથી. હર પળે, હર સ્થળે તે સતત કરવાનો છે.’