તમે ‘હા’ કહો તો, જગત હકારમાં સૂર પૂરાવશે જ…

ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com

જિંદગી એક યાત્રા છે. સામાન્ય રીતે યાત્રામાં સાથીદાર હોય તો વધુ મઝા આવે એવી આપણને ટેવ પડી ગઈ છે. અને તેથી જ એ ટેવને સાર્થક બનાવવા માટે તમે એક સહયાત્રીની શોધમાં હો છો. ઘણી બધી વાર એ સહયાત્રી યાત્રા શરૂ થાય ત્યારથી સાથે નથી જોડાતા, તમારી યાત્રા દરમિયાન એ અચાનક સાથે થઈ જાય છે. અને હા, કદાચ યાત્રાના આરંભથી એ સાથે હોય તો પણ તમને તેમનો પરિચય નથી હોતો. એ એમની અને તમે તમારી મસ્તીમાં યાત્રા શરૂ કરો છો. અપરિચિતોનો સંગાથ ક્યારે પરિચયની પગદંડીએ ચાલવા લાગે છે તે બેમાંથી કોઈને સમજાતું નથી. પણ આની જ તો મજા છે. ગણી બધી વાર તો એવું બને કે, નામ સાંભળ્યું હોય, આછી પાતળી ઓળખાણ પણ હોય… બંનેના ચહેરા અલગ અલગ બારીમાંથી જુદાં જુદાં આકાશ નિહાળતાં હોય… પરંતુ કોઈ એક પળે જરાક તરાક પરિચય થાય અને પછી આવી પળો કલાકો, દિવસો અને વર્ષોમાં પલટાતી જાય. થોડાક સમયમાં તો એમ જ લાગે કે જાણે આપણે સાથે જ આવેલા, સાથે જ જીવવા માટે. આરંભમાં દ્વિધા સાથે આ વાત મનમાં ડોકિયું કરે પણ પછી તો વ્હેમ પ્રેમમાં પલટાવા લાગે. ભાવ જાગે કે, આપણે તો ‘મેઈડ ફોર ઈચ અધર’ છીએ. આપણું આકાશ એક જ. આપણી હૂંફ પણ એક જ. આપણા શ્વાસ પણ જાણે એક જ. આશા બંધાવા લાગે. અપેક્ષા થવા લાગે. મારું તે તારું, તારું તે મારું, ની લાગણી પ્રબળ થતી જાય. એક જ ભાવના સર્વત્ર થવા લાગે કે : ‘જિંદગી અહીં છે, સંતોષ અહીં છે.’

અહીં જ યાદ રાખવાનું રહે કે જિંદગી એક યાત્રા છે, તેને સાર્થક બનાવવા માટે તમે એક સહયાત્રીની શોધમાં હતાં. સહયાત્રી અચાનક જ સાથે થઈ ગયાં છે. પણ એ ભળવું ન જોઈએ કે સહયાત્રીને પણ પોતાની એક યાત્રા છે. જેમ તમે યાત્રા શરૂ કરતાં પહેલાં તમારો યાત્રાચાર્ટ બનાવેલો તેમ એમણે પણ એક નીજી યાત્રાચાર્ટ બનાવેલો. એણે ક્યાં રોકાવું અને કેટલું રોકાવવું અને ક્યાં કેટલું માણવું તે વિચારી રાખેલું. યાદ રાખવું પડશે કે તમે તમારા સહયાત્રીના શિડ્યુલને ડિસ્ટર્બ કરશો તો તમારો સંગાથ જામશે નહીં. એને કશુંક પોતીકું લાગે છે, તો તમને કંઈક બીજું વ્હાલું લાગે છે. બંને મુક્ત હતાં નહીં, બંને હજુ પણ મુક્ત છો જ. તમે ‘હા’ કહેશો તો જગત હકારમાં સૂર પુરાવશે. તમારો નકાર જલ્દીથી પડઘાશે નહીં. એક સત્ય છે કે સકારાત્મકતાને તેના તરંગો છે અને નકારાત્મકતાને તો ધસમસતાં મોઝાં છે. તરંગો હળવા ફૂલ હોય છે, મોઝાં ખાનાખરાબી સર્જવા ટેવાયેલ છે. યાત્રાનો વણલખ્યો નિયમ એ છે કે : ‘તરંગો ઝાઝાં અને મોઝાં ઓછાં હોવાં જોઈએ.’ આ નિયમનું પાલન કરવાથી જ યાત્રા મોજીલી બને છે. જો કે, જવાબદારી બંનેની બને છે આ નિયમનું ચુસ્તપણે પાલન કરવાની.. અને સદાકાળ ન ભૂલવા જેવું સત્ય એ છે કે તમે બંને જેમ અચાનક સહયાત્રી બની ગયાં છો, એમ જ અચાનક તમારા યાત્રા માર્ગો અલગ પણ થઈ જવાના છે.

તમે આવ્યા હતાં એકલા. બસ એમ જ, તમે જવાના પણ એકલા. આ જીવન યાત્રામાં વચ્ચે કોઈ સહપંથી મળી જાય તો મજા મજા. પણ એ સંગાથને કાયમી ગણી લેવાની ભૂલ કરવા જેવી નથી. યાત્રા શરૂ કર્યા પહેલાની સ્થિતિ પાછી આવી જ જવાની છે. રસ્તા ફંટાશે જ, દુન્યવી નહીં તો પરલોકના. તમને વચ્ચે કોઈ મળી ગયું ને તમે તેને કાયમી સાથ માની બેઠા તે તમારી ભૂલ, નિયતિની નહીં. નિયતિ તો બધા સાથે આમ જ વર્તે છે. તમારી યાત્રામાં સહપંથી ન મળ્યો હોત તો તમે દુઃખી થવા થોડા આવ્યા હતાં ? તો હવે સહપંથીનો માર્ગ બદલાય ગયો તો તેમાં પણ દુઃખી થવાનું કારણ શું ? Life is a journey. Journey have many stations. From each station some may join, some may depart. જિંદગી એક યાત્રા છે. ચાલતી રહે તેને યાત્રા કહેવાય. આપણે અપરિચિતો હતાં અને આપણે અપરિચિત બની જવાનું છે. બસ, પરિચિતમાંથી અપરિચિત બની જવું એ જ તો જિંદગી છે. તમે એકલા છો એવું તમે માનવા નહીં, પણ માણવા લાગો તો સર્વત્ર સૌ તમને તમારા જ દેખાશે. ન કોઈ પારકું, કોઈ પોતાનું.