આંતરિક જાતીય લક્ષણો આપણાં શરીરમાં થતા નિશ્ચિત અંતઃસ્ત્રાવોને લઈને વિકસે છે, તેથી એકતા સ્ત્રીની જેમ વર્તે છે અને મંથન પુરુષની જેમ…

ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com

આપણું શરીર ઈશ્વરની ઈચ્છાથી ભલે ઘડાયું પણ આપણાં શરીરનું વિજ્ઞાન સમજવા જેવું છે. ખુબ જ જટિલ યંત્ર છે, આપણાં કમ્પ્યુટર જેવું જ… આપણું શરીર ઈશ્વરે બનાવેલું જીવતું જાગતું, બોલતું, ચાલતું, ખાતું,પીતું કમ્યુટર જ છે !… જો માણસે બનાવેલા નિર્જીવ કમ્પ્યુટર પાસેથી ધારીએ તે કામ લઈ શકાય તો પછી જીવંત કમ્પ્યુટર જેવા આપણાં શરીરની રચનાને સમજીને ધારીએ તેવું કામ તેની પાસેથી લઈ શકીએ… વાત ગળે ઊતરે તેવી છે ને ?
માણસની બે જાતિ: નર અને માદા, એટલે કે પુરુષ અને સ્ત્રી. જાતિ નક્કી કરવા જાતીય લક્ષણો શરીરમાં મુકાયાં.. પુરુષનો અવાજ ઘાટો, ચહેરા પર મૂંછ, ખભ્ભા ચોરસ, સ્તનનો વિકાસ નહીં, તેનું ચાલવું, બોલવું, વર્તવું બધું અક્ક્ડ, કડક, પ્રભાવશાળી. સ્ત્રીનો અવાજ તીણો, ચહેરા પર મૂંછ નહીં , ખભ્ભા ગોળ, ઉંમરના વધવા સાથે સ્તનનો વિકાસ, તેનું ચાલવું, બોલવું, વર્તવું, બધું નરમ, મૃદુ, સૌંદર્યસભર. આ થયા પુરુષ અને સ્ત્રીના બાહ્ય જાતીય લક્ષણો…સ્ત્રી અને પુરુષમાં આંતરિક જાતીય લક્ષણો અને તેની અસરો અને તેના કાર્યો પણ જુદાં જુદાં… આ આંતરિક જાતીય લક્ષણો આપણાં શરીરમાં થતા નિશ્ચિત અંતઃસ્ત્રાવોને લઈને વિકસે છે, તેથી એકતા સ્ત્રીની જેમ વર્તે છે અને મંથન પુરુષની જેમ…

ખરેખર તો પાંચમા ધોરણથી આપણાં શરીરનું વિજ્ઞાન સમજવાનું શરૂ કરવું જોઈએ. ‘આપણાં શરીરમાં કોષોનો સરવાળો થાય તો પેશીઓ બને. અમુક કામ માટે પેશીઓ ભેગી થાય અને અંગો બને. અંગો ભેગા થાય તેમાંથી તંત્ર બને.. જેમ કે લોહીને શરીરમાં ફેરવનારા અંગોના સરવાળાથી રુધિરાભિસરણ તંત્ર બને…અને આવાં બધા તંત્રો ભેગા થાય અને એક સાથે પોતે પોતાનું કામ કરે ત્યારે શરીર બને…’ આ તો ટૂંકમાં સમજાવ્યું. પણ આપણાં સંતાનોએ તો તેનો વિગતે અભ્યાસ કરવો જોઈએ. અભ્યાસ કરવા માટે વિજ્ઞાન અને તેમાં પણ જીવવિજ્ઞાન અને તેમાં પણ આપણાં માનવશરીર તંત્રો વિશે વિગતે જાણવું જોઈએ, વાંચવું જોઈએ, આપણાં વ્હાલાં ટીચરને પૂછવું જોઈએ. મમ્મી મૂડમાં હોય ત્યારે મમ્મીને પણ ન સમજાય તે પૂછી નાખવું જોઈએ… મમ્મી મોટી સ્ત્રી છે, એટલે ખબર છે કે છોકરીમાંથી સ્ત્રી કેમ થવાય…

…અને છેલ્લી વાત. આપણાં સંતાનને અનેક પ્રશ્નો થવા જોઈએ: આપણું પ્રજનનતંત્ર કેમ કામ કરે છે ? માસિક સ્ત્રાવ થવાના કારણો ક્યાં, તેની પાછળનું જીવવિજ્ઞાન કયું ? સ્તનગ્રંથીનો વિકાસ ક્યારે થાય છે, શા માટે થાય છે ? પુરુષનાં પ્રજનન અંગો અને સ્ત્રીનાં પ્રજનન અંગો ક્યાં છે અને તેમાં ભેદ શો છે ? મારો જન્મ કેવી રીતે થયો છે ? ભવિષ્યમાં મારાં દ્વારા બાળકનો જન્મ થવાની આખી પ્રક્રિયા ખરેખર શું છે ? બાળક જન્મે તે છોકરો હોય કે છોકરી, તેના માટે કોણ જવાબદાર, પતિ કે પત્ની ? દીકરો જન્મ્યો કે દીકરી જન્મી તેના માટે રંગસૂત્રોની ગોઠવણીનું વિજ્ઞાન શું છે ? આવાં અનેક મૂંઝવતા પ્રશ્નો જાણી લીધા બાદ જ ખરેખર વ્હાલી શાળા છોડવી જોઈએ. કારણ નિશાળ છોડ્યા પછી આ બધા પ્રશ્નોના જવાબો કોઈ આત્મીયતાથી આપે એવું ઓછું બનશે.

મિત્રો, તમારી ચિંતા કરવાનું કારણ સ્પષ્ટ છે. આપણી દીકરી ભવિષ્યની સ્ત્રી છે, ભાવિ માતા છે , આવતીકાલના કુટુંબને ઘડનારી નારી છે. અને એ જે છે તથા એ જે થશે તેમાં તેની તેનાં શરીર પ્રત્યેની જાણકારી ખૂબ જ આવશ્યક છે. શરીરનું વિજ્ઞાન જેટલું વધુ સમજૉયું હશે તેટલું જીવન સુખભર્યું હશે. તમને વિચાર આવશે કે, હું શરીરની જ ચિંતા કેમ કરું છું ? પણ (૧) શરીર વિશેની સમજ જેટલી પાક્કી હશે તેટલા મનમાં પ્રશ્નો ઓછા. (૨) મનમાં શરીર વિશેના પ્રશ્નો જો ઓછા તો બુદ્ધિને બીજું વિચારવાની છૂટ મળશે. (૩) બુદ્ધિ પ્રશ્નોથી મુક્ત થશે તો તે ચેતનાને ઉજાગર કરવા કામ કરી શકશે અને (૪) તમારી ચેતનાના પ્રદેશ સુધી તમે પહોંચી શકશો તો જ તમને જીવનનો પરમ આનંદ પ્રાપ્ત થશે… યાદ રાખો : જ્યાં સુધી શરીર સંતોષાતું નથી ત્યાં સુધી મનમાં ઉદ્વેગ રહે છે. જ્યાં સુધી મન ઉદ્વેગપૂર્ણ હોય છે ત્યાં સુધી બુદ્ધિ સ્થિર થતી નથી. જ્યાં સુધી બુદ્ધિ સ્થિર થતી નથી ત્યાં સુધી તે ચેતનામાં પરોવાતી નથી અને ચેતના જાગૃત ન થાય તો જીવનનો આનંદ ક્યાંથી પ્રાપ્ત થાય ? બોલો, પરમ આનંદ સિવાય જીવનમાંથી બીજું મેળવવા જેવું શું છે ? છે જવાબ ?