જેણે જ્ઞાન પચાવ્યું છે તેને નાનાં મોટા પ્રશ્નોમાં વિવેકપૂર્ણ વ્યવહાર આપોઆપ સૂઝી જ જાય છે. કશું કરવું પડતું નથી પણ થઇ જાય છે.

ભદ્રાયુ વછરાજાની                                          bhadrayu2@gmail.com 

યમરાજ નચિકેતાને કહ્યું કે પૃથ્વી પર જે  કંઈપણ થઇ રહ્યું છે તે મનુષ્યના કર્મના આધારે જ થતું હોય છે. પરંતુ સત્ય માર્ગ પર જે વ્યક્તિ ચાલે છે તેને જીવનમાં ક્યારેય મુશ્કેલી નથી આવતી. જે લોકો ભ્રષ્ટ જીવન વ્યતીત કરે છે તેમણે પૃથ્વી પર પણ પાપનો સામનો કરવો પડે છે અને મૃત્યુ બાદ પણ કષ્ટોને સહન કરવા પડે છે.

શિવજીએ  વિચિત્ર રૂપ ધારણ કરીને હિમાલયના  એક મોટા શિખર ઉપર પદ્માસન વાળ્યું,  જે સ્વરૂપની માયામાં અનેક લોકો આવી જઈ શકે. સૌથી પહેલાં પાર્વતીજી આવ્યા. પણ પાર્વતીજીએ એમના સ્વરૂપમાં એકાકાર થવાનું પસંદ કર્યું, એમણે શિવજીની ભક્તિ કરવાનું શરૂ કર્યું. જયારે પ્રેમ અથવા ભાવના કોઈ વ્યક્તિ પ્રત્યે કે કોઈ ઈશ્વરીય તત્ત્વ  પ્રત્યે પ્રબળ થાય ત્યારે એ  ભક્તિમાં  પરિણમે, પછી ભક્ત અને ભગવાન બે અલગ રહી શકતા નથી. કહે છે કે શિવજીની અંદર પાર્વતીજી સમાઈ ગયા.

ઇનો બહુ સિદ્ધહસ્ત જૈનગુરુ. એ પોતે પ્રખર આત્મજ્ઞાની. એ  કોઈ એક જગ્યાએ પહોંચ્યા અને એમણે કહ્યું કે, ‘મારે અહીંયા મઠમાં રહેવું છે, હું આત્મજ્ઞાની છું,’ પણ આ સાંભળીને પેલા મઠાધીશને ખ્યાલ આવી ગયો અને એણે કહ્યું કે તમે રસોઈઘરમાં કામ કરો. થોડીવાર વિચિત્ર તો લાગ્યું પણ એણે રસોઈઘરમાં કામ કરવાનું શરૂ કર્યું. રસોઈઘરમાં ગયા પછી એ ભૂલી ગયા કે હું આત્મજ્ઞાની છું. રસોઈમાં તલ્લીન બની જઈ એણે બાર વર્ષ સુધી રસોઈકામ ઝીણવટપૂર્વક કર્યું.  એ ઉર્જાથી આત્મજ્ઞાની હતા પણ ચૈતન્ય હજુ બરાબર સીમાએ પહોંચ્યું નહોતું, એની ઉર્જા અને ચૈતન્ય એક થઈ ગયા. આપણે પણ આપણી ઉર્જા અને આપણા ચૈતન્યને એક બનાવીને જે કરીએ  તે પૂર્ણતાથી કરીએ. 

આત્મજ્ઞાની માણસ કેવો હોય ? બૌદ્ધ કથાઓમાં એક પ્રસંગનું વર્ણન છે. એક વિહારમાં કેટલાક બૌદ્ધ સાધુઓ રહેતા હતા. એમાંથી એક સાધુ ઘણા દિવસથી બિમાર હતા. બિમારી વધતી ગઈ એટલે બેસી શકાતું નહીં. ઝાડોપેશાબ પથારીમાં કરવા પડે એવી સ્થિતિ થઈ ગઈ. બીજા સાધુઓ ત્યાંથી પસાર થાય પણ નાકે રૂમાલ દઈ આગળ નીકળી જાય. બન્યું એવું કે આ જગ્યાએથી ભગવાન બુદ્ધ પસાર થયા અને  એમને ખ્યાલ આવ્યો કે  આ સાધુ તો બિમાર છે એટલે  તરત જ એની પાસે દોડી ગયા.  એમનું જે થઈ શકે તે બધું જ પોતાના  હાથે પોતે કર્યું અને પેલા સાધુને બિમારીની ગર્તામાંથી બચાવવા માટેના પ્રયાસો શરૂ કર્યા. વૃદ્ધ ભિક્ષુનું અંગ, કપડાં, પથારી બધું બદલીને જયારે ભગવાન બુદ્ધ ત્યાંથી  પસાર થવાનું વિચારતા હતા ત્યાં બીજા બધા ભિક્ષુઓ દોડીને આવ્યા. અને તરત જ કહેવા લાગ્યા કે, ‘અરે અરે.. તમે આ શું કરો છો ?’  આપણને વિચાર થાય કે ભિક્ષુઓ પહેલાં કેમ એની સેવામાં ન ગયા ? સુંદર જવાબ આપણને શાસ્ત્રોએ આપ્યો છે કે,  ભિક્ષુ થયા છતાં એકત્વની ભાવનાનો વિકાસ થયો નહોતો. આત્મજ્ઞાન પ્રાપ્ત થયું છે એવો ભાવ હતો પણ એકત્વભાવ એનામાં ઉતર્યો ન હતો. તો પછી ‘ભગવાન બુદ્ધ કેમ ગયા ?’ ભગવાન બુદ્ધ એટલા માટે દોડી ગયા કે આત્મૌપમ્યનો એટલો વિકાસ થયેલો કે  તેઓ  આવી સ્થિતિમાં એનાથી અલિપ્ત રહી જ ન  શકે. એ સ્થિતિને  સમસંવેદના પણ કહે છે. 

આ પ્રસંગ માત્ર ભગવાન બુદ્ધ સાથે બન્યો છે એવું માનવાની જરૂર નથી. પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીએ પોતે વર્ણવેલો એક પ્રસંગ છે કે,  1951 માં ચોમાસામાં બનારસમાં મને ખૂબ તાવ આવ્યો. શરીર તો ધાણી ફૂટે  તેમ ધગી રહ્યું હતું. માથું ફાટફાટ થતું હતું. શ્રાવકો એક પછી એક ત્યાંથી પસાર થાય બધા મારી હાલત જુએ પણ બધા માત્ર ખબર પૂછીને જતા રહે. બરાબર એ સમયે પુણ્યવિજયજી મહારાજના વૃદ્ધ  ગુરુ કાંતિવિજયજી ત્યાંથી પસાર થયા.  જાતે પંડિત સુખલાલજીનું માથું દબાવવા લાગ્યા, ભીના પોતા મુકવા લાગ્યા. એ જોઈને કેટલાક શ્રાવકો દોડી આવ્યા અને કહે, ‘અરે, અરે મહારાજ ! આપ શું કરો છો ?’…જૈન સાધુઓના આચાર મુજબ ગૃહસ્થની સેવા સાધુઓ કરતા નથી. પણ કાંતિવિજયજી મહારાજે તો ગૃહસ્થ એવા પંડિત સુખલાલજીની પોતે સેવા શરૂ કરી. આપણે શ્રાવક તરીકે જે ન કરી શક્યા તે જૈન મુનિ કેમ કરી શક્યા ? આ પ્રશ્ન નથી વિચાર છે. જેણે જ્ઞાન પચાવ્યું છે તેને  નાનાં મોટા પ્રશ્નોમાં વિવેકપૂર્ણ વ્યવહાર આપોઆપ સૂઝી જ જાય છે. કશું કરવું પડતું નથી પણ થઇ જાય છે.