કેશુભાઈ સાવ ગામડિયા લાગતા કારણ તેઓ તન, મન અને જીવનથી ગામડાં સાથે ઓતપ્રોત બની ગયેલા. 

ભદ્રાયુ વછરાજાની                                                    bhadrayu2@gmail.com 

આમ તો આ સમય ગાંધી કે ખાદી કે સર્વોદય કે જીવનમૂલ્યો એવા શબ્દો ઉચ્ચારવાનો નથી,,કારણ વિશ્વ અત્યારે ન્યુસન્સ વેલ્યુનું મહિમાગાન કરવાના મૂડમાં છે. તેમ છતાં સારાપના  રસ્તે ચાલી શકાય તેમ આજે પણ છે તેવો ભરોસો આપતી  વિગત નોંધવી છે. ગુજરાતના સર્વોદય જગતમાં જે કેટલાક મુઠ્ઠી ઉંચેરા આજીવન કાર્યકરોની નામાવલી બને તેમાં મોખરે આવે શ્રી કેશુભાઈ ભાવસાર. કેશુભાઈએ  ગૌશાળા, સ્વાવલંબી ખાદી અને શિક્ષણના પ્રયોગો કર્યા. આમ તો કેશુભાઈ સાવ ગામડિયા લાગતા કારણ તેઓ તન, મન અને જીવનથી ગામડાં સાથે ઓતપ્રોત બની ગયેલા. કેશુભાઈ એટલે જાણે કે સાક્ષાત ગામડાના શ્રમજીવીનું મૂર્તરૂપ !! 

આજે ગાંધીજીને નીચા દેખાડવાની હિણપતભરી જે પ્રવૃતિઓ કરી રહ્યા  છે તે સૌએ હવેની  વાત ધ્યાનથી વાંચવા જેવી છે,. શ્રી કેશુભાઈનું વસિયત સમું કબૂલાત-નામું વાંચી જઈને સમજવા જેવું છે. 

ગાંધીજીનો એક સમર્પિત કાર્યકર કેટલું અર્થસભર જીવ્યો છે તેનો ક્યાસ આ અગિયાર મુદ્દા પરથી કાઢવા જેવો છે અને આપણે આપણી જાતને તેની સાથે સરખાવવાની જરૂર છે.   શ્રી કેશુભાઈ ભાવસાર શબ્દોના અલંકારો ઘડ્યા વગર કહે છે  કે : “હું બહુ મોટો ઉપાસક નથી. મારી ઉપાસના પણ ભવ્ય અને લોકનજરે ચડે તેવી નથી. ખરેખર તો મારી ઉપાસના અલ્પ છે, કાચી છે. બહુ સામાન્ય માણસ જેવું જ મારું જીવન છે. મારો જે દાવો છે તે પણ સામાન્ય માણસથી જે થઈ શકે તેટલું જ કરવાનો છે. અને જે હું કરી શક્યો છું. તે સૌ કરી શકે એમ હું માનું છું. અને તેટલા માત્રથી જીવનમાં કેટલું થઈ શકે છે તે જુઓ.

૧. મારે કોઈપણ કારણસર ક્યારેય એક પાઈનું દેવું કરવું પડયું નથી. તે જ રીતે ક્યારેય એકપણ પાઈ મેં બચાવી નથી. સહેજે સહેજે મળે તેનાથી ચલાવ્યું છે. સહેજે સહેજે વસાવી શકાય તે વસાવ્યું છે.

૨. જ્યારથી રેંટિયાનું સેવન શરૂ કર્યું ત્યારથી એટલે કે ૪૦ વર્ષથી હું કે મારા પરિવારમાંથી કોઈ લાંબી માંદગીમાં પડયું નથી. તેમજ દવા નિમિત્તે પાઈનો ખર્ચ થયો નથી.

૩. ઘરમાં સંપૂર્ણ ખાદી, ઘાણીનું શુદ્ધ તેલ, તેમજ ગ્રામોદ્યોગની ચીજો વિગેરે  નો મેં આગ્રહ રાખ્યો છે, અને તેમાંથી અપવાદ કરવાનો ક્યારેય પ્રસંગ આવ્યો નથી.

૪. મારી ટૂકી ખેતીમાં રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાનો ઉપયોગ મેં ક્યારેય કર્યો નથી. છતાં ઉત્પાદનમાં ઉત્તરોત્તર વધારો થતો  મેં જોયો છે.

૫. ગેસ પ્લાન્ટ, પવનચક્કી, હાથડંકી, ગાય વગેરે આધુનિક વૈજ્ઞાનિક સાધનોનો ઉપયોગ મેં કર્યો છે. કમ્પોસ્ટ ખાતર માટે ગેસપ્લાન્ટ સાથે જાજરૂ વસાવી છાણનો અને કચરાનો ઉપયોગ કરીને તથા પવનચક્કીનો ઉપયોગ કરીને મેં નકામી અને અણવપરાતી કુદરતી શક્તિનો ઉપયોગ કરી ઓછા ખર્ચે ઉત્પાદન વધારવાના પ્રયોગો કર્યા છે.

૬. મારા બાળકોને મેં રાષ્ટ્રીય કેળવણી આપવાનો આગ્રહ રાખ્યો છે. અને ખેતી, ગોપાલન, વસ્ત્રવિદ્યા, અને શિક્ષણના કામ માટે તેઓ તૈયાર થાય તેવું સમજાવ્યું છે. તેમાં મને મુશ્કેલી પડી નથી.

૭. મારાં બે બાળકો મેં વરાવ્યાં છે. તેમાં પણ જૂના રિવાજોને તિલાંજલી આપી છે. તેમજ ઘરેણાં, જમણવાર વિગેરે  વિધિ અપનાવી નથી.

૮. ગામની બહાર ખુલ્લા ખેતરમાં મકાન બનાવી વગર તાળાં લગાવ્યે, છેલ્લા વીસ વર્ષથી લોકોની વચ્ચે હું રહું છું. લોકોનો પ્રેમ, ઈશ્વરની દયા, અને મારા કુટુંબમાં આવેલી આ જાતની નૈતિક હિંમત, મારા મનથી રેંટિયાની સાચી ઉપસનાનું જ ફળ છે, એમ હું માનું છું.

૯. કોઈની સાથે કદી અબોલા લેવા પડયા નથી. દુશ્મનાવટ થઈ નથી.

૧૦. કોઈ પક્ષના સભ્ય બનવાની ફરજ મને પડી નથી. કોઈ સંપ્રદાયમાં જોડાવવાનું મને ફાવ્યું નથી. કોઈ ગુરુ કે વડીલના માર્ગદર્શનમાં જ કામ કરવાની ટેવ પડી નથી.

૧૧. મારું વાંચન સદાયે નિયમિત ચાલુ રહ્યું છે અને જીવનમાં નિત્ય નવું કરવાની તાજગી આજે પણ અનુભવતો રહ્યો છું. કોર્ટ ભાળી નથી, લાંચ લેવાદેવાનો કે કાળાબજારમાંથી લેવડદેવડ કરવાનો પ્રસંગ પડયો નથી.

આ છે મારી ઉપાસનાનું ચરિતાર્થ. મને લાગે છે કે આજના નાજુક કાળમાં આવું જીવન ગાળીને હું ધન્ય બન્યો છું. તે રેંટિયાને આભારી છે.”

આટલું વાંચીને આશ્ચર્ય તો જરૂર થશે કે આમ જીવાય ખરું ? 

આવો, આપણે આપણી જાતને બે પ્રશ્નો પૂછીએ : 

(1) કેશુભાઈ જેટલા નિર્દમ્ભ ને પ્રામાણિક કોઈ ગાંધીજન આજે પણ  મળે ખરા ? 

(2) અને જો મળે તો આપણે તેને સ્વીકારીએ ખરા ?