દાદુએ કોઈમ્બતુરના વૃદ્ધાશ્રમમાં રહેવાનું જાતે પસંદ કર્યું છે. ત્યાં દાન આપી બે રૂમ બંધાવી આપ્યાં છે, પોતાનાં મા બાપ અને પોતાનાં પત્નીની સ્મૃતિમાં ! 

ભદ્રાયુ વછરાજાની           bhadrayu2@gmail.com 

“ચલો આજ ફિર મિટ્ટીસે ખેલતે હૈં, હમારી ઉમ્ર હી ક્યાથી જો દિલોં સે ખેલ બૈઠે ??”

તમે આવ્યા હતાં એકલા. બસ એમ જ, તમે જવાના પણ એકલા.  આ જીવન યાત્રામાં વચ્ચે કોઈ સહપંથી મળી જાય તો મજા મજા. પણ એ સંગાથને  કાયમી ગણી લેવાની ભૂલ કરવા જેવી નથી. યાત્રા શરૂ કર્યા પહેલાની સ્થિતિ પાછી આવી જ જવાની છે. રસ્તા ફંટાશે જ, દુન્યવી નહીં તો પરલોકના. વચ્ચે કોઈ મળી ગયું ને તેને કાયમી સાથ માની બેઠા તે ભૂલ નિયતિની નથી. 

પંચોતેર વર્ષ વટાવી ચૂકેલા દક્ષિણ ભારતીય દાદુ એક ટૂરમાં એકલા અટૂલા જોડાયા. ટૂરમાં ત્રીસેક લોકો હતાં. કેટલાંય હનીમૂન કપલ્સ પણ હતાં. બધા પોતપોતાની મસ્તીમાં હતાં. કલબલાટ – શોરબકોર – ધીંગામસ્તી – હસી મઝાક કરવામાં સૌ વ્યસ્ત ! પેલા દાદુને પોતે એકલા હોવાનો અહેસાસ નહીં. બધા સાથે જોડાય જાય, વળી ક્યાંક આગળ એકલા ચાલવા લાગે. વિદેશી ગાઈડ લેડીને દાદુ ચિત્રવિચિત્ર પ્રશ્નો પણ પૂછે અને ખડખડાટ હસી પણ પડે. ત્રણ દેશોની ટુર હતી. દાદુ રૉપ વે કે રાઈડની સવારીમાં કોઈ કપલની બાજુમાં તો કોઈ ટેણીયા બાળકોની બાજુમાં ગોઠવાય જય. સૌને ફોટા પાડી દે અને પછી પોતાનો નાનકો કેમેરો પકડાવી પોતાનો ફોટો ખેંચાવી પણ લે. ફુકેત અને ક્રાબી ટાપુ પર દાદુ સ્વિમિંગ કોસ્ચ્યુમ પહેરી દરિયા સાથે દોસ્તી કરી લે અને જે ભાવે જે ફાવે તે પોતે ખાઈ પણ લે. આ એકલરામ ચાર પાંચ દિવસમાં સૌનું ‘સેન્ટર ઓફ એટ્રેક્શન’ બની ગયાં. અમારી પાછળની સીટમાં દાદુ હંમેશા બેસે, એટલે મારી ચેરને પુશબેક કરું તો દાદુ પાછળથી ટહુકો કરે : રિમેમ્બર, આઈ એમ હિયર, આઈ વુડ લાઈક ટુ લિવ...’ અને પછી ખડખડાટ હસી પડે. અમારી દોસ્તી થઈ ગઈ. મલેશિયાના રમણીય ગૅન્ટીગ આઈલેન્ડ પરના થીમ પાર્કની લગભગ બધી જ રાઈડસમાં દાદુ અમારા બંનેની સાથે બેઠા, ચિચિયારી કરી, હસ્યા અને ઉછળ્યા. અરે, બાળકો માટેની બેબી ટ્રેનમાં પણ અમે સૌ બેઠા, ફર્યા અને બાળક બની ગયાં ! દાદુની જીવનયાત્રાના સહયાત્રીએ વિદાય લીધી છે એટલે દાદુ એકલા હતાં પણ અમારી આ ત્રણ દેશોની ટૂરમાં દાદુ અમને બંનેને મળેલા સહયાત્રી હતાં. 

એન. નારાયણન ચેટ્ટીયાર એનું નામ. ચેન્નાઈમાં જીવ્યા છે. માત્ર ઓલ્ડ એસ.એસ.સી. પાસ થઈ ટેલિફોન સર્વિસમેન તરીકે સરકારી નોકરીમાં જોડાયા. પરણ્યા પછી લાગ્યું કે આમ ટૂંકા પગારમાં જિંદગી કેમ નીકળી શકે ? નોકરી કરતા ગયા, ભણતા ગયા ને નોકરીમાં આગળ વધતા ગયાં. A M E I થયા, ઈજનેર થયા. સર્વિસમેનમાંથી ક્લાસવન ઓફિસર સુધી પહોંચ્યા અને ઉચ્ચ અધિકારી તરીકે નિવૃત થયા. શ્રીમતી દાદુ એટલે શ્રી લક્ષ્મી સાથે દાદુ ભરચક્ક જીવ્યા. હર્યા – ફર્યા – જીવન માણ્યું. પત્નીએ બાર વર્ષ પહેલાં પરલોકનો માર્ગ પકડ્યો. દાદુને બે દીકરી. એક જમાઈ આઈ.ટી.ઈજનેર તો એક જમાઈ એલચીનો થોકબંધ વેપારી. આખા આંધ્ર અને તમિલનાડુને  એલચી પૂરી પાડે. બધા બહુ સુખી. દાદુએ કોઈમ્બતુરના વૃદ્ધાશ્રમમાં રહેવાનું જાતે પસંદ કર્યું છે. ત્યાં દાન આપી બે રૂમ બંધાવી આપ્યાં છે, પોતાનાં મા બાપ અને પોતાનાં પત્નીની સ્મૃતિમાં ! હવે તિરુપતિના વૃદ્ધાશ્રમમાં વધુ એક રૂમ દાન આપી બંધાવી રહ્યા છે, પોતાનાં ચાર સંતાનોની સ્મૃતિમાં ! ચાર સંતાન એટલે બે દીકરી + બે જમાઈ ! મલેશિયાના ટવીન ટાવરમાં ફરતા ફરતા દાદુ ભૂલા  પડી ગયેલા. તેને ખોટે રસ્તે વળતા હું જોઈ ગયો ને મેં રાડ પાડી દાદુને બોલાવ્યા. એ કશું બોલી ન શક્યા. પણ બંને હાથ લંબાવી ગળે વળગી પડયા. બીજે દિવસે અમારી ટુર પૂરી થતી હતી. દાદુ અમારા રૂમ પર આવ્યા. આત્મીયતાથી કુટુંબની વાતો કરી, પોતાના મોબાઈલમાં કુટુંબના ફોટા દેખાડ્યા. ઉઠતાં ઉઠતાં બોલ્યા : ‘આખી ટૂરમાં ગઈકાલે હું મૂંઝાય ગયેલો. નિરાશ થઈ ગયેલો અને હું એકલો છું એવું લાગેલું. ત્યાં તમે સાદ દીધો. મને થયું ના, કોઈક છે, જે મારી સાથે છે. પ્રોફેસર, આઈ બીલીવ ઈન ઈટ. થેન્ક ગૉડ’  અમને હેપ્પી જર્ની કહી દાદુ ગયા. હું તેમને ‘આવજો’ કહેતી વખતે થોડી વખત કંઈ બોલી ન શક્યો, જો કે બોલવાની જરૂર પણ ક્યાં હતી ? મને ફરી  સમજાયું કે જિંદગી અહીં છે, સંતોષ અહીં છે ! સુખ ચોતરફ છે. દુઃખ શોધવું પડે તેમ છે..!