વિચારને શિક્ષિત કરી શકાય?

શરીરમાં આપણું મન ક્યાં આવેલું છે  શરીરમાં  દિલ ક્યાં આવેલું છે ?

ભદ્રાયુ વછરાજાની                                     bhadrayu2@gmail.com 

ખરેખર તો વિચારનું શિક્ષણ હોય નહીં. કેમ ન હોય ? વિચાર તો ગમ્મે  ત્યારે આવે, ગમે તેવા આવે, ન ગમે તેવા પણ આવે. ભૂખનું કે તરસનું  કે રુધિરાભિસરણનું શિક્ષણ હોય ? જો એ બધાનું હોય તો વિચારનું શિક્ષણ હોય. કારણ કે વિચાર ઈનટેન્જીબલ છે. ઈનટેન્જીબલ એટલે શું ? જેને તમે જોઈ શકતા નથી, જેને તમે સ્પર્શી શકતા નથી, જે ક્યાંથી આવ્યું, ક્યાં ગયું ખબર નથી પડતી. આમ જુઓ તો, વિચારનું  તો કોરોના વાયરસ જેવું છે. ક્યાંથી આવ્યું એ ખબર ન પડે, એનો ઈલાજ શું એ ખબર ન પડે. જે અજ્ઞાત છે તે વિચારનું શિક્ષણ શક્ય નથી.

 

તો શું વિચારને બે-લગામ અવરજવર કરવા દેવી ?? ના સાવ એવું નથી. હા, વિચારની કેળવણી શક્ય છે. આ શિક્ષણ અને કેળવણીમાં શું ફેર ? ખાસ્સો ભેદ.  આપણને  દિલમાં ઉગે અને કોઈ કામ માટે ભેગા થઇએ તો એ કેળવણીના ભાગરૂપે ભેગા થયા કહેવાય.  કેળવણી છે શું ?  કેળવવું – To educate.  ખરેખર Educate નો અર્થ જ એ છે ‘અંદર પડયું છે તે બહાર લઇ આવો.’  પણ કેવી રીતે બહાર લઈ  આવવું ? બે રીતે લાવી શકાય. ૧) બધું મગજમાં ભરો અને ટાણું  આવે ત્યારે માણસ પોપટની જેમ બોલે એ બહાર લઇ આવવાની એક રીત. અને ૨) હાથ, પગ અને બધાં  જ કૌશલ્યો શીખો, કેળવો, ખુદ અમલમાં મુકો કે  જેથી કરીને તેના દ્વારા જે સર્જન થાય એ પ્રક્રિયાને   કેળવણી કહેવાય.

 

આપણે  બોલીએ છીએ કે  વિચાર આવ્યો. એનો અર્થ એવો કે કોઈક આવે તો એને આવ્યું કહેવાય ને ! તો વિચાર પણ આવતો હશે ને.??. પણ ના એ વાત સાચી નથી, એનું કારણ કે આપણને આવા ભ્રામક વાક્યો બોલવાની ટેવ છે. ટ્રેનમાં જતા હોઈએ તો આપણે કહીએ કે પાલનપુર આવ્યું. પાલનપુર નથી આવ્યું, આપણે પાલનપુર આવ્યા છીએ. આપણે બોલીએ છીએ કે નળ આવ્યો !!  નળ આવ્યો નો અર્થ એવો કે પ્લમ્બર આવશે ને નળ નાખશે. પણ  ના એવું કહેવા માંગતા નથી.  નળ આવ્યો એનો અર્થ એવો છે કે નળ હતો એમાં પાણી આવ્યું. આપણે કહીએ છીએ કે અમે ઘઉં વીણીએ છીએ. ખરેખર તમે કાંકરા વીણો છો. એવી રીતે ‘વિચાર આવ્યો’ ને આપણે ‘આવ્યો’ કહીએ છીએ પણ હકીકતમાં એ આવતો નથી.

વિચારનું ક્રિએટિંગ  હાઉસ તો બહાર છે. પણ તેને લઈને અંદર જે કંઈ થાય છે, એમાંથી જે આવે છે એ વિચાર છે. એટલે આવ્યો ખરો  પણ અંદરથી બહાર આવ્યો. અંદર તો ઢગલો પડ્યો જ  રહે છે. હવે વિચારની કેળવણી શક્ય છે તો વિચારોને કેળવવા શું કરવું ?? વિચાર એટલે શું ? શાસ્ત્રમાં કહ્યું  છે કે  વિચાર પ્રવાહઃ ઈતિ મનઃ – ‘વિચારોનો પ્રવાહ એ જ મન છે.’ પણ  મન ક્યાં છે ? મન કોઈએ જોયું છે ? વિજ્ઞાન શિક્ષક તરીકે મેં દસમા ધોરણના વિદ્યાર્થીઓને પૂછ્યું કે, ‘તમારામાંથી મૂત્રપિંડ કેટલાએ જોયું છે?’ લગભગ પોણા ક્લાસે હાથ ઉંચો કર્યો. એક ટીચર્સ ટ્રેનિંગમાં મેં પૂછ્યું કે,  મગફળીના ઝાડ  કોણે જોયાં  છે ??  તો લગભગ સાઠ ટકા મિત્રોએ હાથ ઉંચા કર્યા !! જેણે મગફળીનું ઝાડ  જોયું  હોય એણે મૂત્રપિંડ જોયો હોય !! આયી બાત સમઝમેં ??

મન શું છે ?ક્યાં બેઠું છે ? શાસ્ત્રએ સમજાવ્યું કે વિચારોનો પ્રવાહ ચાલતો ચાલતો જાય એને મન કહેવાય. એનો મતલબ એવો  કે વિચારો તો છે જ,  આવતા તો હોવા જ જોઈએ,  તો જ મન કામ કરે. પણ કોઈ કહી શકે મન છે ક્યાં ? હવે એ મનમાંથી જે વિચાર આવતો હોય, એ  મનને આપણે ઓળખ્યું નથી, જોઈ શકતા નથી, હું કે તમે નહીં, પણ  ડોક્ટર્સ પણ કહે છે કે સર્જરી કરીને મગજ બહાર કાઢી શકાય,  મન ન નીકળે. આપણી લગભગ ગડમથલ ન જોયેલા અને ધારી  લીધેલા બે શબ્દો માટે છે, મન અને દિલ.  ‘મારું દિલ દુભાણુ.’ ‘એણે મારા દિલ ઉપર ઘાવ પાડયો.’  ક્યાં છે દિલ ? છે ક્યાંય ? આ સં-કલ્પના છે.  મન ક્યાં છે અને દિલ ક્યાં છે. જેને આપણે જોયા નથી એની કેળવણી ની વાત રસપ્રદ હશે પણ થોડા ઊંડા ઉતરવું પડશે.

આજની પેઢી ભવિષ્યમાં સારા પરિવાર આપી શકશે?

લગ્નપ્રથા વારંવાર તૂટતી દેખાશે. આપણી  કુટુંબ વ્યવસ્થા રહેશે નહીં તો પરિવાર ક્યાંથી રહેશે ??

ભદ્રાયુ વછરાજાની                                                           bhadrayu2@gmail.com  

આજનો પ્રશ્ન એ પ્રશ્ન કરતાં ચિંતા વધુ છે. કમનસીબે કહેવું પડે છે કે આજની પેઢી ભવિષ્યમાં સારા પરિવારો આપી શકશે તેવા ભ્રમમાં રહેવાની જરૂર નથી. આ સાંભળીને કોઈ નિરાશાવાદી ગણતું હોય તો એ એને મુબારક. કોઈપણ  ભવિષ્યવાદી એમ કહી શકે તેમ છે કે  2030 પછી ભારત દેશના લગભગ ૪૦% વિસ્તારની અંદર લગ્ન નહીં થાય, લગ્ન વ્યવસ્થા પડી ભાંગશે. અરે, અત્યારે જ પડી ભાંગી છે. તમે રોજનું છાપું ખોલીને વાંચો. રોજ બે કેસ હોય છે.  ‘પ્રેમિકાએ પ્રેમીની સાથે ભળીને પતિને ઢાળી દીધો !’  એનો અર્થ એવો છે કે જેની સાથે જીવવાની પ્રતિજ્ઞા કરી છે, હજારો લોકોની હાજરીમાં લગ્નગ્રંથિથી જોડાયા એને મારી નાખવાનું  અંતિમ પગલું ભરી શકાય છે !! 

કોઈપણ બાળક આજે  ઘરની અંદર સહજ અભિવ્યક્તિ કરી શકતું નથી, પરિણામે દરેક વ્યક્તિ આઈસોલેટેડ થવા લાગી. કેટલું બધું અંગત છે,  જે મારે કહેવું તો કોને કહેવું,  એ મને પ્રશ્ન છે. જેની પાસે મોકળાશથી કહી શકાય એવું કોઈ ઠાલવવાવાળું નથી. પહેલાં  વડીલો હતા.  યાદ છે આપણે દાદી પાસે બેસીને વાત કરતા કરતા રડી પડતા તો દાદી માથે હાથ મૂકતી અને આપણને નિરાંત થઈ જતી.. અત્યારે તમે કોને કહો ? પતિ પત્નીને કહે કે પત્ની પતિને કહે, કોણ  કોને કહે ? બાળક તો બિચારો સાવ  વિક્ટિમ છે. એ  સાક્ષી બનીને જોવે છે,  એ નક્કી કરે છે કે પપ્પા બિહેવ કરે છે એ સારું કે મમ્મી કરે છે એ સારું ??. પછી એ થોડું આમાંથી લે છે અને થોડું પેલામાંથી લે છે અને એની રીતે પોતાનો રસ્તો ફોડી લે છે. કહેવાનો સેન્સ છે કે લગ્નપ્રથા વારંવાર તૂટી ભાંગતી દેખાશે. આપણે લિવ ઈન રિલેશનશિપને ખાનગીમાં સ્વીકારવા લાગ્યા છીએ, આપણે હોમોસેક્સ્યુઆલિટીનો પ્રચાર કરવા લાગ્યા છીએ , એનો મતલબ એ કે આપણે બધા જ બેરિઅર્સ ક્રોસ કરવા લાગ્યા  છીએ. એ જોતા એવું લાગે છે કે આપણી  કુટુંબ વ્યવસ્થા રહેશે નહીં તો પરિવાર ક્યાંથી રહેશે ??

પહેલાં  આપણે શબ્દ બોલતા ‘સગા વ્હાલા’, ત્યારે  સગા સગા હતા,  હવે તો વ્હાલા જ સગા થઈ ગયા છે. સગાઓ બધા આઉટ ઓફ બોક્સ જતા રહ્યા છે. પહેલાં એક મામા મહિનો હતો. હજી ગામડામાથી જે પરિવારો અહીંયા આવ્યા એમાં ક્યાંક ક્યાંક છે. મામા મહિનો એટલે  વેકેશન પડયું એટલે છોકરાઓ મામાને ઘેર. આજે તમે શહેરમાંથી આમ  મામા મહિનામાં જતા છોકરાઓ બતાવો. આપણે એને  સ્કેટિંગમાં, નૃત્યમાં, બને એટલી પ્રવૃત્તિમાં  નાખી દઈએ છીએ. શું કામ ? એમની પ્રવૃત્તિ માટે નહીં, પણ એ પ્રવૃત્તિમાં જાય તો મને સમય મળે અને હું મારી મોકળાશ શોધી લઉં એટલા માટે. ગુજરાતમાં પણ  હોલીડે પ્લેહાઉસ ચાલવા લાગ્યા. હોલીડે પ્લેહાઉસ  એટલે શું ? રેગ્યુલર પ્લેહાઉસ સોમ થી શુક્ર ચાલે તો શનિ રવિ બાળક હોલીડે પ્લેહાઉસમાં જાય. કેમ ? મમ્મી પપ્પાને હોલીડે ભોગવવો હોય તો શું કરે ? માટે બાળક આઘું  રહે તેવી વ્યવસ્થા, બીજું શું ??  આપણું બાળક આપણી ઈચ્છાથી આવ્યું છે. પણ ઈચ્છાથી આવેલા બાળકને આપણે પછી ઈચ્છાથી સાચવતા નથી. રેડ કાર્પેટ વેલકમ કરી શકતા નથી. પછી આપણે બાળકને આઘું રાખવા લાગીએ છીએ. એ દૂરી આપણે જ ઉભી કરીએ છીએ. પછી આપણે કહીએ કે સંતાનો વૃદ્ધાવસ્થાની અંદર અમને સાચવતા નથી !!  ખોટી વાત છે. થોડો વિચાર કરજો આ મુદ્દા ઉપર કે અત્યારે જેટલા લોકો વૃદ્ધાશ્રમમાં છે એમાંથી મહત્તમ  આજથી ૨૦-૨૫ વર્ષ પહેલા વિભક્ત કુટુંબમાં વહેંચાઈને મોટાં  થયેલ જેનાં ફળરૂપે એ વૃદ્ધાશ્રમમાં છે. એટલે ૨૦૩૦ પછી આપણે પણ ઓસ્ટ્રેલિયા કે અમેરિકાની જેમ કેરહાઉસીસ શરૂ કરવા પડશે . જેમાં દાદા દાદી રહેતા હશે અને સરકારે એના માટે કેર ટેકર રાખ્યો હશે  !!, એક સમય થાય ત્યારે કો’ક સામે બેસીને વાત કરવા આવે,  વળી એક કલાક પછી કોઈ આવે ને વહીલચેરમાં તડકામાં ફરવા લઇ જાય, પાછું મૂકી જાય, સાંજે કોઈ બીજી વ્યક્તિ આવે જે  ખાવું હોય એ બનાવી દે, ખવડાવી દે ચમચી ભરીને અને ચાલ્યા  જાય. You are alone. ‘એકલા આવ્યા હતા, એકલા જવાના’ એ તત્ત્વજ્ઞાન સમજાય તે  વાત સાચી પડશે. ૨૦૩૦ સુધીમાં અવશ્ય ભારતમાં આવું થશે.  આપણે સંસ્કૃતિની વાતો  કરીએ તેથી બદલાવ નહીં આવે, સંસ્કારની ચિંતા  કરવાનું ટાણું  છે.

……તો અત્યારના પરિવારોને માટે શું કહીશું ??

શનિ-રવિ જરા મોકળાશ મળે ત્યારે બહાર લાઈનમાં ઉભા રહીને પણ જમવાનું !! ઘરમાં રહીએ તો કુટુંબ જેવું કે પરિવાર જેવું લાગે ને ?

ભદ્રાયુ વછરાજાની                                                       bhadrayu2@gmail.com 

અત્યારના પરિવારો માટે  કમનશીબે  એવું કહેવું પડે  કે આપણે  ‘પરિવાર’ શબ્દ જ ગુમાવી દીધો છે. પરિવારો  તૂટી ગયેલા પણ ન કહેવાય,  પરિવાર હોય તો તૂટે ને ?? અત્યારે પરિવાર છે ક્યાં, તે  તૂટે ! કારણકે સંયુક્તમાંથી આપણે વિભક્ત થયા. જુદા પડીને રહેવા લાગ્યા, એમાંથી આપણે કેન્દ્રીય બન્યા. એટલે સંયુક્તમાંથી વિભક્ત અને વિભક્તમાંથી વ્યક્તિ કેન્દ્રીય. જુદા પડયા પછી પત્ની પત્નીના રસ્તે, પતિ પતિના રસ્તે, બાળક બાળકના રસ્તે. 

વધુમાં વધુ કમાવાનો અને જેની જરૂર નથી એવી બધી જ વસ્તુઓ ઘરમાં ઠાંસી દેવાનો સ્પર્ધાત્મક યુગ આવ્યો. વર્ષો પહેલા એક વ્યાખ્યા વાંચી હતી કે, ‘લકઝરી એટલે શું ?’ વ્યાખ્યા હતી કે,  જેની મારા ઘરમાં જરૂર છે કે નહીં તેની મને ખબર નથી પણ પાડોશીના ઘરમાં છે માટે મારા ઘરમાં આવવી જોઈએ એને લકઝરી કહેવાય. મારા ઘરમાં ત્રણ એ.સી છે,, શા માટે ?  ઉપયોગમાં તો એક જ રૂમ લેવાય છે,  પણ ‘કોઈક ગેસ્ટ આવે તો ?’  વર્ષમાં ત્રણ દિવસ તમારે ત્યાં મહેમાન આવે છે છતાં તમે એ.સી લગાડ્યું ??  એ વિકાસ કહીએ કે જે કહો તે. ‘..એવું નહીં રાખો તો કદાચ દોડીને કમાશો નહીં.’  I do agree પણ વિચારવું પડે કે કમાણી કરવા માટે તમારે તમારા કુટુંબને છોડી દેવું પડે છે, તમે સવારે ૭ વાગે નીકળો અને રાતે ૯ વાગે આવો. સવારે જાઓ ત્યારે તમારી દીકરી ઉઠી ન હોય અને રાત્રે આવો ત્યારે તમારી દીકરી સુઈ ગઈ હોય !!  બુધવારે જયારે ઇન્ડસ્ટ્રીમાં રજા હોય ત્યારે બાપ દીકરીનું મોઢું જોતો હોય. આવી   જે ટેંશનવાળી સ્થિતિ ઉભી થઇ છે  એમાંથી આપણા કુટુંબો જ તૂટી ગયા છે. 

આપણી પાસે ઈલેક્ટ્રોનિક ગેઝેટ આવ્યા, એટલે પતિ પત્ની બેઠા હોય તો પતિ પોતાના મોબાઈલમાં હોય,  પત્ની પોતાના મોબાઈલમાં હોય, દીકરો કે દીકરી નાના હોય તો બિચારા લાચાર થઈને જોતા હોય, એ લાચાર ન રહે એટલે મમ્મી એના હાથમાં પણ મોબાઈલ પકડાવી દે કે,  હાલ બેટા, તું પણ અમારી ભેગો જલસા કર !! આ આજના પરિવારો છે. જરૂરતને સીમિત રીતે અગ્રતા યાદી બનાવીને તમારા ઘરમાં વસાવો અને એટલા પૂરતું તમે કમાવાની મહેનત કરો. આવતીકાલની પણ ચિંતા કરો નહીં કરો એવું નહીં, ભવિષ્યની ચિંતા માત્ર નહીં પણ સ્ટ્રેટેજિક પ્લાનિંગ જરૂર કરો,,  પણ આપણે બેન્ક બેલેન્સ વધારવું છે, મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકવા છે, ખુબ બધી લકઝરી વસાવવી છે, નથી જરૂર એવી ગાડીઓ લેવી છે પછી ભલે પરિવારને આપવાના સ્નેહની બાદબાકી થઇ જાય !! થાય છે એવું કે,  બધું વસે છે પણ પાછળ ફરિયાદ રહી જાય છે. આપણે કોઈને સમય આપી શકતા નથી. પરિણામે ઘરમાં પરિવાર નથી વસતો અને  વસ્તુઓ જ વસે છે !!

આજે તો પરિવાર એટલે ઘરના સભ્યો કરતાં  પણ પતિના મિત્રો અને પત્નીની બહેનપણીઓ અને એ સૌના પરિવાર  અથવા તો સોશ્યલ ગ્રુપ્સ કે જેના મિલન કે કોઈ કાર્યક્રમ હોય ત્યારે બનીઠનીને જવાનું અને કૃતિમ હસી-મઝાક કરવાના. અંતે તીખું તમતમતું અર્ધી રાત્રે જમીને ઘરે આવવાનું !! પછી શું થાય ? બધી એ મઝાઓ હતી રાતે રાતેને સંતાપ  એનો સવારે સવારે” !!  રજા પડી નથી ને ગાડીને ચાવી મારી બહાર ઉપડ્યા નથી !! જ્યાં જથ્થાબંધ માણસોનું કીડિયારું ઉભરાયું હોય ત્યાં જઈ  મગજમાં ઉત્પાત ભરવાનો ? કે કોઈ હોટલના એ. સી. રૂમમાં ભરાઈને પડ્યા રહેવાનું !! શનિ-રવિ જરા મોકળાશ મળે ત્યારે બહાર લાઈનમાં ઉભા રહીને પણ જમવાનું !! ઘરમાં રહીએ તો કુટુંબ જેવું કે પરિવાર જેવું લાગે ને ? 

શનિ-રવિ તો કુટુંબમાં સાથે રહેવાના, સ્નેહ અને હૂંફ આપી એકબીજાને કામમાં મદદ કરી સેતુ બાંધવાના, પાડોશીની સાથે મૈત્રી કેળવવાના, સંતાનો સાથે ઘરના બગીચામાં સાફસૂફી કરવાના, સાથે મળીને કુટુંબ માટે આગામી દિવસોનું  પ્લાનિંગ કરવાના  દિવસો છે. સાથે રહી રિલેક્સ થવા માટેના દિવસો છે. દોડાભાગી તો રોજ હોય જ છે ને ? મહિનામાં બે કે ત્રણ વખત જયારે દીકરા -દીકરીને મન  થાય ત્યારે ઘરે દાદા-દાદી કે નાના-નાની ને રહેવા લાવવાના અને તેમની સાથે બેસી તેમની વાતો સાંભળવાના દિવસો હોય છે ક્યાંય આજના પરિવારોમાં ?? ‘હોવા જોઈએ’ એવું સૌ સ્વીકારે છે પણ એવું થતું નથી કારણ આપણે અકારણ અતિ-વ્યસ્ત થઇ ગયા છીએ. 

 

ગઈકાલના પરિવારોમાં સૌ કેમ સચવાઈ રહેતાં ??

મને મારી નાનીમા એમ કહેતા કે જમવા બેસ એ પહેલાં  ગાયને ગૌ ગરાસ આપી  આવ.

ભદ્રાયુ વછરાજાની                                    bhadrayu2@gmail.com 

આપણે જયારે પરિવારની વાત કરીએ તો સૌથી પહેલી શરૂઆત આપણા ઘરથી જ થાય. જુના જમાનાની વાત કરીએ તો એ વખતે લોકો જોઈન્ટ ફેમિલીમાં રહેતા, બધા સાથે હતા, તો પ્રશ્ન થાય કે એ પરિવારો કેવા હતા ?

આપણે બહુ ભૂતકાળની વાતમાં સરી જવાની જરૂર નથી, પણ

ભૂતકાળની જેટલી વાતો  સારી છે એને યાદ કરવાની તો જરૂર છે. એટલું ચોક્કસ છે કે તે  વખતે જે શ્રીમદ્દ  ગીતામાં કહેલ  સ્વધર્મ પાળતા જીવે  એવા પરિવાર હતા. હું નાનો હતો ત્યારે મહિનાની અંદર ૧૦ – ૧૨ દિવસ બાજુના ઘરે જમી આવતો અને હું ક્યાં ઘરમાં જમતો હતો એ મારી મા ને ખબર નહોતી. મારી મા મને શોધવા આવે તો કોઈ એકાદ ઘરમાંથી હું નીકળું અને મને પરાણે લઇ જાય ત્યારે એ ઘરના માસી મારી મા ને કહે કે, ‘ચિંતા ન કરતા  એણે અહીં જમી લીધું છે.’ હવે અત્યારે આ શક્ય છે ? અત્યારે તો ઘરેથી કહેવામાં આવે છે કે, ‘જો જે હો  કંઈ ખાતો નહીં અને  પાણી તો ત્યાં પીતો જ  નહીં..’ 

મને મારી નાનીમા એમ કહેતા કે જમવા બેસ એ પહેલા ગાયને ગૌ ગરાસ આપી  આવ. હું જમવાનું શરૂ કરું ત્યાં મને ઉઠાડે તો મને બહુ આકરું લાગતું એટલે હું એમ કહેતો,  ‘નાનીમા, તમે શું ગાયની ચિંતા કરો છો ?’ તો કહે, ‘બેટા એ પણ જીવ છે ને ! આપણા ઘર પાસે આવે છે તો આપણામાંથી થોડોક ભાગ એનો કાઢવો પડે.’ આ ગઈકાલનો પરિવાર હતો.  ઘરની અંદર કોઈ માંદુ હોય તો,  એ મારો દીકરો માંદો છે એટલે હું જાગું અને મારી પત્ની જાગે એવું નહોતું. ઘરના બધા સભ્યો જાગતા. દાદી, મામી, નાની મોટી ઉંમરના હોય તો એ

આપણને કપાળ ઉપર પોતા મુકતા હોય,, અત્યારે એ બધાને  ક્યાં બોલાવવા જવું  ? ગઈકાલના પરિવારો સંયુક્ત કુટુંબમાં હતા. બધા સાથે ઉછરતા એનાથી મોટો ફાયદો એ હતો કે અત્યારે જે પરિવારોમાં ક્રાઈસીસ ઉભી થાય છે એ ત્યારે નહોતી થતી, બાળક સચવાઈ જતું,  એક ન હોય તો બીજું, બીજું ન હોય તો ત્રીજું,  એનો સમવયસ્ક ન હોય તો કોઈ વડીલ એની પાસે હોય જ. એને સ્કૂલે મુકવા જવું હોય તો દાદાની આંગળી પકડીને દાદા સાથે નીકળી ગયા હોય. અત્યારે દાદા નથી, નાના નથી એટલે આપણે પેલા સ્કૂલ-વેન ઉપર આધાર રાખવો પડે, વેન વાળો છે એ આમ જુઓ તો બહારનો માણસ છે,  એને આપણો દીકરો દીકરો લાગતો નથી. એટલે બધા પ્રશ્નો ઉભા થાય છે.  

ગઈકાલના પરિવારો એ ખરા અર્થમાં સ્વધર્મપાલનની વ્યાખ્યામાં લગભગ લગભગ ફિટ બેસે તેવા પરિવાર હતા. દરેક ઘરમાંથી કોઈ એક  નારી સવારમાં બહાર આવતી અને તાંબાના લોટામાં  પાણી ભરીને સૂર્યની સામે રેડતી ! ત્યારે આપણને આશ્ચર્ય થતું કે, આ સૂર્ય સામે શું કામ પાણી ઢોળે છે ??  હવે આપણને સમજાય છે કે ગરમીનો પારો વધી રહ્યો છે કારણકે આપણે સૂર્યનો માત્ર ઉપયોગ કર્યો છે, સૂર્યને  આપવું જોઈએ એ પાછું આપ્યું નથી. પાણી રેડવાથી કંઈ પાછું નથી અપાતું પણ તુલસીના ક્યારામાં પાણી રેડે એનો ભાવ એવો કે હે સૂર્યદેવ, હું પાણી રેડું છું,,એમાંથી બાષ્પીભવન થઈને તું શાંત પડજે !!  આવી એક ન કહેલી  પ્રાર્થના હતી. ઝઘડો થાય તો પણ કોઈ બે જણા એને છોડાવનાર હતા. મારા મામાઓ ભાગ્યે જ ઝઘડે પણ કોઈ બહુ ઉંચા સાદે બોલે તો કોઈક  જઈને કહી આવે કે ‘નાનીમાને આ નહીં ગમે હો !’ અને ઝઘડો શાંત થઈ જાય !!  અત્યારે આવું મધ્યસ્થી બની શકે એવું  છે કોઈ ? પ્રભાવ પડે એવું છે કોઈ ? ગઈકાલના પરિવારોમાં કોઈને પણ  તકલીફ હોય તો  એકબીજાને સંભાળી  લે. એક ભાઈ કદાચ ઓછું કમાતો હોય અને બીજો ભાઈ જો થોડું વધારે કમાતો હોય તો પેલા ભાઈનું સચવાઈ જતું.. એટલે સુધી કે મારી આવક ઓછી છે એ કુટુંબમાં કોઈને ખબર ન હોય કારણ કે વડીલ બધી વ્યવસ્થા અને સ્થિતિ સાંભળી લે. હું કઈ કરતો ન હોઉં  તો વડીલ એકબાજુ બોલાવીને કહે કે, ‘થોડી વધુ મહેનત કર. તું કમાઈશ તો તને જ સારું લાગશે.’ પણ એ આપણને સમજાવીને કહેતા એટલે ટેંશન ઉભું ન થતું. 

પરિવાર એટલે શું ??

પરિવાર એટલે જ્યાં હું શ્વાસ લઉં છું ત્યાં અસ્તિત્વના પ્રત્યેક કણ કણની અને જીવ જીવની હાજરી એ મારો પરિવાર છે.

ભદ્રાયુ વછરાજાની                                                             bhadrayu2@gmail.com 

 

પરિવાર શબ્દ જરા સમજવાની જરૂર છે. આમ તો બાળક જન્મે ત્યારથી એને મા હોય અને બાપ હોય ત્યારે જ બાળક જન્મ્યું હોય તો એ એનું કુટુંબ શરૂ થયું. હવે જે એની મા છે એને પણ બહેન છે એટલે માસી છે, બાપ છે એને પણ બહેન છે એટલે એની ફોઈ છે. આમ બાળક જન્મે ત્યારે મા બાપ સાથે અનેક લોકો જોડાય  છે. આ જે જોડાવાનું બન્યું એને આપણે કુટુંબ કહીએ છીએ. કુટુંબ એટલે મારા લોહીના સંબંધથી જોડાયેલ લોકો. પણ પરિવાર ત્યાં અટકતો નથી. આપણે પર્યાવરણ શબ્દ બોલીએ છીએ. પરિ  એટલે આજુબાજુનું, આસપાસનું આવરણ. એમ જ  પરિવાર એટલે શું ? તો માત્ર કુટુંબ નહીં, પણ હું જરા મોટો થયો , બાળક તરીકે મોટો થયો, શેરીમાં રમવા  લાગ્યો તો શેરીના મારા મિત્રો જોડાયા તો મને એ પોતીકા લાગ્યા, એટલે એના ગમા અણગમા મારા ગમા અણગમા બનવા લાગ્યા. મારા પાડોશીઓની વાતો મને અસર કરવા લાગી,,, એનાથી મોટો થયો અને શાળામાં ગયો તો સ્કૂલમાં મારા મિત્રો થયા, કોઈ ટીચર મને ખુબ ગમે છે તો મને એ પોતીકા લાગે છે, તો આ પણ પરિવારમાં ઉમેરાવા લાગ્યું. એટલે આ આજુબાજુની જે ભળવાની  આખી પ્રક્રિયા થાય એનો સમૂહ બને એને પરિવાર કહેવાય. 

 

હકીકતમાં તો આપણી ચિંતા કુટુંબે સીમિત ન હોવી જોઈએ. કમનસીબે આપણે લોકો કુટુંબમાં અને કુટુંબ કરતાં પણ  ‘મારા’માં  એટલે કે  વ્યક્તિમાં સીમિત થઇ ગયા છીએ અને  એટલે જ તો  વિશ્વના બધા પ્રશ્નો છે. જુઓ ને, વર્ષો સુધી યુદ્ધો ચાલ્યા કરે, કોઈ કોઈને માર્યા જ કરે અને આખું જગત ચૂં કે ચાં કાર્ય વગર શાંતિથી બધું  જોયા કરે એ પણ પરિવાર પ્રત્યેની એક ત્રાસદાયી  મનોદશા છે. એનું કારણ કે એ પણ મારો પરિવાર છે. જે વિશ્વમાં હું જન્મ્યો છું, જે વિશ્વ મને પોષે છે, જે વિશ્વમાં હું તરત ભળી જવાનો છું એ વિશ્વનું એક એક કણ અને એક એક જણ  એ મારો પરિવાર છે. 

પરિવાર એ આમ જુઓ તો ધર્મ છે. ધર્મ એટલે મારે કરવાનું કામ. હું અત્યારે જ્યાં  બેઠો છું તો મારું ત્યાં જે કામ છે એ હું શતશઃ કરું તો હું મારો ધર્મ બજાવું છું,  એનાથી બહાર કોઈ સબંધ નથી. ભગવદ્દ ગીતાએ કહ્યું,  તમે સ્વધર્મ લઈને આવો છો. નજીકના લોકોની સેવા કરવી કે કોઈને જાળવી લેવાં એ તો આપણો  ધર્મ જ છે.  હકીકતમાં તમે સ્વધર્મ લઈને આવ્યા છો, ઈશ્વરે જે કામ આપ્યું છે એને હોમવર્ક કહેવાય, સ્કૂલમાં  જેમ હોમવર્ક આપે એમ ઈશ્વરે મોકલ્યા ત્યારે મને ને તમને હોમવર્ક આપ્યું કે આટલું તારે કરવાનું. 

 

પ્રશ્ન થાય કે કેટલું હોમવર્ક કરવાનું ? તો આ પ્રશ્નનો સ્પષ્ટ જવાબ આપ્યો જ છે શ્રીમદ્દ ભગવદ્દ ગીતામાં… બહુ સ્પષ્ટ કહ્યું કે તમે જન્મ લો ત્યારે ત્રણ સંસ્થા તમારી સાથે જોડાઈ છે. એક … તમે જ્યાં જન્મ્યા તે કુટુંબ એટલે કે માતા પિતા, ફઈ, ફુઆ વગેરે વગેરે. પણ આ કુટુંબ છે એ અહીંયા સીમિત ન થાય ત્યાં એણે પરિવારની વ્યાખ્યા કરી. તમારી આજુબાજુના બધા લોકો જે કોઈ છે,  જેની સાથે તમે વર્તન વ્યવહારમાં હો છો,  પ્રત્યાયનમાં હો છો એ સઘળો તમારો પરિવાર છે. એના પ્રત્યે તમારી લાગણી અને કરુણા એ તમારો પહેલો ધર્મ.  બીજું… તમે એક સમાજમાં ઉછરો છો, જે સમાજમાં તમે જેને નથી ઓળખતા એવા જીવ છે. જીવ એટલે કે મારી શેરીની અંદર કૂતરું છે અને કૂતરીને ગલૂડિયાં આવ્યા છે,  એની સાથે મારે કોઈ નાતો નથી એમ મને લાગે છે પણ ભગવદ્દ  ગીતા એમ કહે છે કે, એ  જીવ છે ને એ જીવ તને જુએ છે અને તું એને જુએ છે માટે એ તારો  ધર્મ છે તેથી એના પ્રત્યે કરુણા રાખવી . અને ત્રીજુ,,  સંસ્થા એટલે સમષ્ટિ એટલે સમસ્ત બ્રહ્માંડ. તમે વૃક્ષનો ઉપયોગ કરો છો, તમે સૂર્યનો ઉપયોગ કરો છે, નદીનો ઉપયોગ કરો છો, પવનનો ઉપયોગ કરો છો. જેનો ઉપયોગ કરો છો એને પ્રત્યેક રીતે  પણ સંવર્ધિત કરતા રહેવાની પ્રતિજ્ઞા એ તમારો ધર્મ છે. પરિવાર એટલે જ્યાં હું શ્વાસ લઉં છું ત્યાં અસ્તિત્વના પ્રત્યેક કણ કણની અને જીવ જીવની હાજરી એ મારો પરિવાર છે. ટૂંકમાં કહીએ તો સમગ્ર વિશ્વ આપણો પરિવાર જ છે. 

 

જૈનતીર્થની પડોશમાં કોમી-સૌહાર્દ પ્રેરતું વિદ્યા-તીર્થ ??

મરણ પથારીએથી વિરજીભાઈએ દીકરાને કહે, ‘ડોળિયામાં શાળા બનાવવી છે, એ માટે સાડા સાત લાખનું દાન આપવાનું મને વચન આપો’!!

ભદ્રાયુ વછરાજાની                                                    bhadrayu2@gmail.com 

એક સાત્ત્વિક સમારોહ યોજાયેલો, શ્રેષ્ઠ શાળાને ‘સિસ્ટર નિવેદિતા એવોર્ડ’થી સન્માનવાનો. રાજકોટની જુદી તરાહથી કાર્યશીલ સિસ્ટર નિવેદિતા સ્કૂલ દ્વારા  School on Wheels એવોર્ડ અર્પણ વિધિ થઇ રહી હતી. આ સમારોહ સાત્ત્વિક હતો કારણ અહીં કોઈ શાળાએ કે શિક્ષકે ફાઈલો ને ફોટાઓનો જથ્થો મોકલી કહેવાનું નથી હોતું કે ‘મને એવોર્ડ લાયક ગણજો ને’..સંસ્થા પોતાની રીતે જ શોધ કરે છે અને ખોજી કાઢે છે કે શ્રેષ્ઠ કોણ અને શા માટે છે ? .

રાજકોટ અમદાવાદ રોડ પર ડોળિયા ગામમાં જૈન તીર્થ છે, પણ આ જૈન તીર્થની અડોઅડ એક બીજું તીર્થ છે. ‘વિરજીભાઈ ભાયાણી ઉત્તર બુનિયાદી વિદ્યાલય’… એવું બોર્ડ કેટલાકે વાંચ્યું હશે.  જૈન તીર્થમાં ભગવાનના દર્શનની  સાથોસાથ આ સંસ્થાના દર્શન કરવા જેવા છે કારણ કે આ શાળાનો ઈતિહાસ કંઈક અનોખો છે.

આમ તો સરકારી ગ્રાન્ટથી ચાલતી સરકારી શાળા છે. મુખ્ય દાતાનું નામ છે વિરજીભાઈ ભાયાણી. આ નામ પાછળ એક ઈતિહાસ છે અને આજના ધાર્મિક દ્વેષના પ્રસાર-માહોલમાં સૌએ  જાણાવા જેવો છે. આપણે  ફ્લેશબેકમાં જવું પડે પણ  એ ગમી જાય  એવો ફ્લેશબેક છે.

વાત આઝાદી પહેલાની છે. વિરજીભાઈ ડોળિયાના શેઠ. કાલા – કપાસનો વેપાર, બહુ સુખી. એને એમ થયું કે, આ ગામમાં એક શાળા હું બનાવું. આ વાતની  ગામના મુખી ને ખબર પડી, એણે વિરજીભાઈને  બોલાવ્યા અને કહ્યું કે ‘આ શાળા બનાવવાનો વિચાર છોડી દો, અહીં બધા ભણવા લાગશે તો કામ કોણ કરશે ?’. વિરજીભાઈ ઘેર ગયા પણ શાળાની વાત એનો પીછો છોડતી નહોતી. એમાં ભારત – પાકિસ્તાનના  ભાગલા થયા ને વિરજીભાઈ અનિચ્છાએ પાકિસ્તાન ચાલ્યા ગયા. કારણ કે  વિરજીભાઈ હિંદુ નહોતા, મુસ્લિમ હતા !! અચંબામાં પડી જવાયું ને ??

કરાચીમાં એમની તબિયત બગડતી ચાલી અને ૧૯૭૭ ની એ સાલ, મૃત્યુ નજીક હતું પણ શાળાનો વિચાર પીછો છોડતો  નહતો. એણે પુત્ર મહંમદને બોલાવ્યો. એનેય ડોળિયામાં બધા મગનભાઈ તરીકે ઓળખતા હતા. વિરજીભાઈ કહે, ‘ડોળિયામાં શાળા બનાવવી છે, એ માટે સાડા સાત લાખનું દાન આપવું  એવું મને  વચન આપો’,,, પુત્ર વચન આપે છે ને પિતાની અંતિમ ઈચ્છા પૂર્ણ કરવાની ખાતરી આપે છે.

સમય વીતતો જાય છે, પુત્ર મહમદ ઉર્ફે  મગનભાઈની સમસ્યા એ કે, ભારત આવવું કેમ ? પછી એમણે રસ્તો કાઢયો,  એ કરાચીથી કાઠમંડુ આવ્યા. ત્યાંથી સુરત રહેતા  કાકા સદરુદિનભાઈએ ડોળીયા વિસ્તારના આગેવાનો કરમશીભાઈ અને સવસીભાઈ મકવાણાને વાત કરી અને એમણે  ગામના દેવચંદ પૂજારાને વાત કરી. આ વાત નેવુંના દાયકાની. મગનભાઈએ પિતાની અંતિમ ઈચ્છા વ્યક્ત કરી. વિચાર સારો હોય તો અલ્લાહનો સાથ મળે છે. ડોળિયામાં સરકારી શાળા મંજૂર થઈ હતી. નક્કી એવું થયું કે, આ શાળાને વિરજીભાઈનું નામ અપાશે. મગનભાઈએ સાડા સાત લાખ આપ્યા. ગામને ધુમાડાબંધ જમાડ્યું અને એ તરત જ પાછા પાકિસ્તાન નીકળી ગયા. એમણે કહ્યું કે, ‘હું તો પિતાની અંતિમ ઈચ્છા પૂરી કરવા આવ્યો હતો, હવે પાછો નહીં આવું.!!’

શાળા બની ગઈ અને વીરજીભાઈનું સપનું સાકાર થયું. આજે આ શાળા જાણીતી બની છે અને શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. આ શાળામાં ભણવા આવતી દીકરીઓને સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશન તરફથી શિષ્યવૃત્તિ પણ અપાય છે. એ કારણે છોકરીઓની સંખ્યા અહીં વધી છે. અમેરિકાના શેર એન્ડ કેર ફાઉન્ડેશનના સહયોગથી ચાલતા કાર્યક્રમ  સ્કૂલ ઓન વ્હીલની પીળી બસ અહીં આવે છે અને વિદ્યાર્થીઓ પ્રવૃતિમય બની જાય છે.  આજે ૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરે છે.

શાળામાં લાંબા સમય સુધી આચાર્ય રહ્યા બાદ હવે શાળાના નિયામક તરીકે ભાવથી જોડાયેલા  મૂળ લોકભારતીના વિદ્યાર્થી વાલજીભાઈ સરવૈયા શાળાના વિકાસ માટે થાય એટલું કામ કરે છે. ૧૧૦ જેટલા વૃક્ષોથી આ શાળાનું સંકુલ લીલુંછમ છે. સોલાર પેનલ છે એટલે શાળા સરકારને વીજળી વેચી થોડી કમાણી પણ કરે છે. જો કે સરકારની ગ્રાન્ટ બહુ ઓછી પડે છે. વર્ષે દોઢ – બે લાખનો ખાડો પડે છે. શાળાના ટ્રસ્ટને થોડી ખેતીવાડી છે એટલે એમાંથી કામ ચાલે છે. સરકાર મોંઘવારી મુજબ શિક્ષકોના પગાર વધારે છે પણ આવી શાળાઓ કે જ્યાં છાત્રાલય પણ છે ત્યાં ગ્રાન્ટ વધતી નથી, તેમ છતાં શાળાને શોધી કાઢીને શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ મળે છે એ ટાઢક વળે તેવી ઘટના છે.

કોમ કોમની વચ્ચે કાંટાળી વાડ  બાંધવામાં પ્રવૃત લોકોને કોમી સૌહાર્દનું આ વિદ્યાતીર્થ શાન-સમજ આપી  શકે તેમ છે.

 

રાજા રવિ વર્માને દેવ-દેવીઓના ચિત્રો કરવા તરફ વાળ્યા કોણે ??

રાજા રવિ વર્મા આપણી ભવ્ય અને મહાન પરંપરાને ચિત્રના માધ્યમથી જાળવી રાખવાનો મૃત્યુપર્યત પ્રયત્ન કરે છે.

ભદ્રાયુ વછરાજાની                                             bhadrayu2@gmail.com 

તાજેતરમાં રાજા રવિ વર્માનું એક ચિત્ર કરોડો રૂપિયામાં કોઈએ ખરીદ્યું  !! આ સમાચારને જેટલું પ્રાધાન્ય મળવું જોઈએ એટલે મળ્યું નહીં, કારણ આપણે રાજકારણમાં વ્યસ્ત થયેલી પ્રજા બની ગયા છીએ અને એટલે તો આપણા દેવ-દેવીઓ કે ભગવાનોની છબી જેમણે  આપણને  આપી તે રાજા રવિ વર્માને ઓળખવા જેટલો ફુરસદનો સમય આપણી પાસે નથી. ગુજરાતના દૂર છેવાડાના મલકમાં રાજસ્થાનને પડખે એક ગરબાડા નામનું ગામ છે, ત્યાં એક આશાસ્પદ અધ્યાપક ભરત ખૈની ગુજરાતી ભણે છે અને ભણાવે છે. હા, એ સતત ભણ્યા જ કરે છે. એમની ઓળખ હવે પછી કરીશું પણ અત્યારે તો એમનાં એક વિરલ પુસ્તકમાંથી આપણી આંખ ઉઘડતી વિગત અહીં મુકવી છે. “રાજા રવિ વર્મા” શીર્ષકથી પ્રકાશિત થયેલું ભરત ખૈનીનું પુસ્તક લેખકના પરિશ્રમની પરાકાષ્ટા સમાન છે.

‘રાજા રવિ વર્માને દેવ-દેવીઓના ચિત્રો કરવા તરફ વાળ્યા  કોણે ??’ આ પ્રશ્નવિશેષનો જવાબ તાજ્જુબ કરી મૂકે તેવો છે. ઈ. સ. ૧૮૮૮માં વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે પોતાના પરમ મિત્ર રવિ વર્માનાં ચિત્રો કિલિમાનુર મહેલમાં જઈને જોવાનો આગ્રહ કર્યો પણ એ શક્ય ન બનવાના કારણે તેઓ નીલગિરિ ગયા. રવિ વર્મા આ સમય દરમિયાન નીલગિરિ રહેતા હતા. રવિ વર્મા અને સયાજીરાવ ગાયકવાડ આ મુલાકાતથી ખૂબ જ સંતુષ્ટ થયા. ઘણી લાંબી ચર્ચા બાદ વડોદરાના મહારાજાએ રવિ વર્માને એક ભારે જવાબદારીવાળું કામ સોંપ્યું.

વડોદરાના મહારાજા દીર્ઘદ્રષ્ટા, ઘણું જ ફરેલા અને ખૂબ ધાર્મિક તથા આસ્તિક હતા. તેમણે રવિ વર્માને રામાયણ અને મહાભારત જેવા ધર્મગ્રંથો તરફ ઉન્મુખ કરતાં કહ્યું કે, “જે ભારતની પરંપરા અને સાંસ્કૃતિક ચેતનાથી ભરપૂર છે તેમજ સૌંદર્ય, સત્યમ્, શિવમ્, સુદરમના મૂર્ત સ્વરૂપે રહેલા છે. હકીકતે આ બંને ધર્મગ્રંથોમાં ભારતનો સાચો આત્મા છુપાયેલો છે. તેથી તમે આ ધાર્મિક ગ્રંથોનો સંદર્ભ લઈને ભારતીય જનમાનસને પ્રથમ નજરે જ સ્પર્શી જાય એ પ્રકારના ચિત્રો બનાવો.” રવિ વર્માએ મહારાજાના આ સુચનનો સહર્ષ સ્વીકાર કર્યો.

ચિત્ર બનાવતાં પહેલાં રામાયણ અને મહાભારત બંને મહાન ગ્રંથોના પુરુષપાત્રો અને સ્ત્રીપાત્રોનો પહેરવેશ, અલંકારો વગેરે મેળવવો ખૂબ જ જરૂરી હતો. એ હેતુથી આખા દેશનો મૂળ આત્મા જાણવો જરૂરી છે, તેથી સમગ્ર દેશમાં ફરવાની ઈચ્છા રવિ વર્માને થઈ, તેમણે આ વાત મહારાજા ગાયકવાડને કહી. મહારાજાએ ટી. માધવરાવને કહીને પ્રવાસની બધી વ્યવસ્થા કરી આપી. પોતાના ભાઈ રાજા વર્મા તથા નોકરો સાથે રવિ વર્માએ રાજસ્થાન, દિલ્હી, આગ્રા, અવધ, કાશી, કલકત્તા વગેરે શહેરોની મુલાકાત લીધી.

ભારતમાં ધર્મ અને જાતિના આધારે કોઈ ને કોઈ પહેરવેશ અને અલંકારોનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ એ પણ જુદાં જુદાં રાજ્યોમાં જુદાં જુદાં જોવા મળે છે. એમાંથી કોઈને આત્મસાત્ કરવાથી મહાભારત અને રામાયણનાં પાત્રોની આવશ્યકતા પૂર્ણ નહીં થાય અને વસ્ત્રોને ધારણ કરનાર પાત્રોને ચિત્ર જોનાર પસંદ કરશે નહીં. આના કારણે તેમની યાત્રા આગળ વધતી રહી અને તેમણે તાંજોર, માયાવરમ્, ચિદમ્બરમ્, શ્રીરંગમ્, મદુરાઈ વગેરે સ્થાનોનાં મંદિરોનાં દર્શન કર્યા. તહેવારો અને ઉત્સવો, વેશ-પરિધાનો, હથિયારો, ઘરેણાંઓ તેમજ અન્ય વસ્તુઓનો ઝીણવટથી અભ્યાસ કરીને તેનાં રેખાંકનો કર્યા. રાજમહેલો અને ખંડેરોની મુલાકાત પણ લીધી, તેઓ આંખોમાં વસી જાય એવાં સુંદર દશ્યોની શોધમાં નદીને કાંઠે-કાંઠે, ઘાટ-ઘાટે અને વગડામાં દૂર સુધી અભ્યાસાર્થે ફરવા નીકળી પડતા. પરોઢથી માંડીને સંધ્યાનાં અંધારાં ઊતરે ત્યાં સુધી તેઓ સતત ફરતા રહેતા અને પછી રાત્રે પોતાના ઉતારા પર આવી દીવાના અજવાળે દિવસ દરમિયાન જોયેલું હોય તેનું આલેખન અને નકલો કરતા. આ બધા ગંભીર અને ધાર્મિક વિષયો હતા, વ્યક્ત કરવા ખૂબ જ મુશ્કેલ હતા પણ એટલા સુંદર હતા કે એમાં વહી રહેલાં શ્રી અને સરસ્વતીનાં દર્શન કરવામાં જો આખું આયુષ્ય પણ ન્યોછાવર કરવું પડે તો પણ કુરબાન છે એવું તેમને લાગ્યું.

આપણે એક વાત માની શકીએ કે બાળપણથી જ જે ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત રહ્યા છે તેવા રવિ વર્મા આપણી ભવ્ય અને મહાન પરંપરાને ચિત્રના માધ્યમથી જાળવી રાખવાનો મૃત્યુપર્યત પ્રયત્ન કરે છે. તેમણે પોતાનામાં રહેલો દેશીય અને સાંસ્કૃતિક ભાવબોધને જીવંત રાખવા, વિકસિત કરવા અને પોતાના દ્વારા નિર્મિત અનન્ય કલારૂપો(ચિત્રો) માં એ ઢાળવા માટે હંમેશા જાગ્રત પ્રયત્નો કર્યા હતા, આથી જ મહારાજા સયાજીરાવ ગાયકવાડની રામાયણ અને મહાભારત જેવું હિન્દૂ ધર્મના મહત્વપૂર્ણ ગ્રંથોના સંદર્ભો લઈને તેના પરથી ચિત્રકારી કરવાની પ્રેમભરી સલાહ રાજા રવિ વર્માએ સ્વીકારી અને આપણને આપણા ભગવાનોના સાકાર સ્વરૂપના દર્શન થયા !!

ભક્તિ પણ લાભ અને અપેક્ષાઓથી ભરેલી ??

સ્વામી સચ્ચિદાનંદજી હળવાશ અને સહજતાથી ભક્તના છ પ્રકારો સમજાવે છે.

ભદ્રાયુ વછરાજાની                                     bhadrayu2@gmail.com 

દંતાલી આશ્રમના ક્રાંતિકારી સ્વામીશ્રી સચ્ચિદાનંદજી લાકડાની એક ખાટ  ઉપર સુતા સુતા પણ ભક્તો સાથે રસપ્રદ અને નોખી વાતો કરતા રહે છે. તેઓશ્રીને થોડા સમય પહેલાં ભારત સરકાર દ્વારા “પદ્મભૂષણ”થી નવાજવામાં આવ્યા છે. સચ્ચિદાનંદજી આખા બોલા અને સહજતાથી જે ઉગે તે સચોટ રીતે પેશ કરનાર સંત છે. તાજેતરમાં સદગુરુ  શ્રી ધર્મજીવનદાસજી મહારાજના ‘ગુરુ-જીવન-ગ્રંથ’ ના છ પુસ્તકો તેમના શિષ્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજી દ્વારા સાત વર્ષના સતત તપમય લેખનના ફળસ્વરૂપે પ્રગટ થયા, તેના  પુરોવચનમાં શ્રી સચ્ચિદાનંદજી આપણા ભક્તોને કેટલાક પ્રકારોમાં વહેંચી બતાવે છે. અલબત્ત, આ શ્રી સચ્ચિદાનંદજીની કહેવાની એક શૈલી છે. જેમ ભોજલ ભગતના ચાબખા કે અખાભગતના છપ્પા તેમ આ પણ પ્રસ્તુતિની એક વિધા છે અને એમાં જે કહેવાયું હોય તેમાં કશું પણ લેશમાત્ર ખોટું ન હોય !! તે વાસ્તવમાં આપણને વિચારતા કરી દે છે કે આમાં આપણે ક્યાં છીએ ? અને આપણે ક્યાં હોવા જોઈએ ??

મંદિરોમાં આવનારા લોકોના છ પ્રકાર હોય છે, તે પૈકી મુખ્ય ત્રણ છે: તાલિયા, માનિયા, ખાનિયા.

તાલિયાઓને ગાવા-નાચવાનો, વગાડવાનો શોખ હોય છે. તે બીજે ક્યાંય પૂરો ન થતો હોવાથી અને મંદિરમાં પૂરો થતો હોવાથી મંદિરમાં આવતા હોય છે.

બીજા કેટલાક માન મેળવવા માટે મંદિરમાં આવતા હોય છે. તેમને માનિયા કહેવાય છે. મંદિરમાં જવાથી મહારાજશ્રી માન આપે, લોકોમાં માન મળે, ભગત કહેવાઈયે, આવી લાલસાથી મંદિરે આવતા હોય છે. આવા લોકોને આવકાર આપીને આગળ બેસાડવા પડે, ફૂલહાર કરવા પડે, ખૂબ માન આપવું પડે, જયાં સુધી માન  આપો, આવકાર આપો, આગળ બેસાડો ત્યાં સુધી તો આવે, પણ જો એમાં થોડીક કચાશ રહી જાય તો  એમનો સંબંધ ઢીલો થઈ જઈને અંતે બગડી જતો હોય છે,

એક ત્રીજા ભક્ત હોય છે એ ખાનિયો હોય છે, એ જુએ છે કે મંદિરમાં તો રોજ ચોખ્ખા ધીના લાડુ થાય છે અને મહારાજશ્રી પ્રેમથી જમાડે છે. એટલું જ નહીં, કોઈ કોઈ વાર તો પ્રસાદનાં પડીકાં પણ બાંધી આપે છે, એટલે આ જગ્યાએ તો જવા જવું છે. સમજીને આવા લોકો મંદિરમાં ખાવા માટે આવતા હોય છે. આવા ભક્તોને ખાનિયા કહેવાય છે.. જ્યારે ખાવાનું બંધ થાય કે ઓછું થાય, ત્યારે તે આપોઆપ આવવાના બંધ થઈ જતા હોય છે.

મોટા ભાગે બધા સંબંધો અપેક્ષાથી બંધાયેલા હોય છે. અપેક્ષા વિનાના સબંધો ભાગ્યે જ હોય છે અને હોય તો તે દેવદુર્લભ કેહવાય છે. એ જ રીતે ધાર્મિક જગતમાં જે સંબંધો બંધાય છે, તેમાં પણ અપેક્ષાઓ તો હોય જ છે. એ અપેક્ષાઓ ત્રણ પ્રકારની હોય છે : સાત્ત્વિક, રાજસી અને તામસી. એ અપેક્ષાઓ જ્યાં સુધી સામાન્ય અને સાત્ત્વિક હોય ત્યાં સુધી તો ઠીક છે, પણ  જ્યારે તે રાજસી અથવા તામસી બની જાય ત્યારે ધાર્મિક સંબંધો ખૂનામરકીના પણ બની જતા હોય છે.

તામસી અપેક્ષાઓમાં આ મહારાજનું સરકારમાં બહુ ચાલે છે, તેથી પેલી જમીન મારા નામે કરાવી આપશે, પેલા દુશ્મનને ઠેકાણે પાડી દેશે વગેરે વગેરે…. આવી અપેક્ષાઓ તામસી અપેક્ષાઓ છે.

જ્યારે અપેક્ષાઓ રાજસી બને જેમ કે, આ મહારાજ પાસે હું જઈશ તો એ મને  નોકરી-ધંધે વળગાડી દેશે, મારો ધંધો સારો ચાલશે, મને પૈસાની મદદ કરશે, મને વિદેશ  લઈ જશે વગેરે વગેરે….આવી અપેક્ષાઓ રાજસી અપેક્ષાઓ છે.

સાત્ત્વિક અપેક્ષાનો અર્થ એ છે કે, આ મહારાજ પાસે હું જઈશ તો મને ભગવાનનો રસ્તો મળશે. મારું જીવન સુધરશે અને હું સુખી થઈશ. આવી સાત્ત્વિક અપેક્ષાઓ રાખવી તે કંઈ ખોટું ન કહેવાય.

આ ત્રણેય પ્રકારના માણસો જ્યાં મોટો સમૂહ હોય ત્યાં રહેતા જ હોય છે. બધા સાધુઓ દેવદૂત નથી હોતા, તેમનામાં પણ સત્ત્વ, રજસ અને તમોગુણની ધારાઓ ઓછેવત્તે અંશે વહેતી હોય છે. અંતે તો એ પણ માણસ જ છે ને !!. તો જ્યાં બહુ મોટો સમૂહ હોય ત્યાં થોડી ભેળ-સેળ તો રહેવાની જ. આપણે ક્યાં આવીએ ??

ભેળસેળ વિનાનું જીવન જોઈતું હોય તેને એકાકી રહેવું, એટલે ગીતામાં લખ્યું છે કે ” एकाकी यतविचात्मा निराशीरपरिग्रहः |” એકાકી જીવન વ્યક્તિગત રીતે તો વધુ સુરક્ષિત હોઈ શકે છે, પણ તેમાંથી બહુ મોટી પ્રવૃત્તિ થઈ શકતી નથી. જેને બહુ મોટી પ્રવૃત્તિ કરવી હોય તેને સમૂહસંઘ બનાવો જ પડે, એટલે બુદ્ધને લખવું પડ્યું, ‘संधं शरणं गच्छामि |’ 

 

 

 

‘ટાઈમ-બેન્ક’ અને ‘ઓલ્ડ એજ પેંશનપ્રથા’ ભારતમાં શક્ય છે ખરી ?

સરકારે કહ્યું: “તમને એક કરોડ આપીએ ?” પ્રજાએ કહ્યું: ‘આ રકમ દેશની સુંદરતા વધારવા અને વિદેશી પ્રવાસીઓની સુવિધાઓના વિકાસમાં ખર્ચો.’

ભદ્રાયુ વછરાજાની                                               bhadrayu2@gmail.com 

શિક્ષણનું એક સામયિક વર્ષોથી એકલપંડે પ્રકાશિત થાય છે અને તેના ચાહકોના દિલમાં પ્રકાશ ફેલાવે છે. તે સામયિક એટલે “સાંપ્રત”. તેના વયોવૃદ્ધ-વાંચનવૃદ્ધ-સંબંધવૃદ્ધ  તંત્રી શ્રી મોતીભાઈ પટેલ જીવનના નવમાં દશકમાં પણ સતત સટરપટર કર્યા  કરે છે. એ “સાંપ્રત”ના સમ્પાદકીયમાં મોતીભાઈ પટેલે સ્વિટ્ઝર્લેન્ડ અંગે કેટલીક મઝાની વાતો નોંધી છે, તેનો આધાર  લઈને રાષ્ટ્રને રાષ્ટ્રપણું બક્ષતા બે મુદ્દાને અહીં પેશ કરેલ છે. 

સ્વિટઝર્લેન્ડ એક એવો દેશ છે કે ત્યાં પ્રકૃતિ વચ્ચે માનવસંસ્કૃતિ, ભારોભાર પ્રામાણિક પણે વિકસી રહી છે. વિશ્વનો આ સૌથી ધનિક દેશ છે. પચાસ  વર્ષ પૂર્વે આ દેશમાં ‘સ્વિસ બૅન્ક’ નામની ખાનગી બેન્ક સ્થાપવામાં આવી. વિશ્વની અન્ય બૅન્કો કરતાં આ બૅન્કના નિયમો અલગ હતા. આ બૅન્ક ગ્રાહકો પાસે નાણાંની જાળવણી અને ગુપ્તતાના બદલામાં પૈસા વસૂલતી. ગોપનીયતાની ગેરંટી. ગ્રાહકોને પૂછવાનું નહીં કે પૈસા ક્યાંથી આવ્યા ? એક જ વર્ષમાં આ બેન્કની ખ્યાતિ વિશ્વમાં પ્રસરી ગઈ. ચોર, અપ્રમાણિક રાજકારણીઓ-માફિયાઓ-દાણચારો અને મોટા ઉદ્યોગપતિઓ આ બૅન્કના ગ્રાહક બની ગયા. બૅન્કનો નિયમ હતો, રિચાર્જ કાર્ડની જેમ એકાઉન્ટધારકને પાસવર્ડ સાથે નંબર આપવામાં આવે. બૅન્કને ખબર હતી કે આ નંબર કોની પાસે હશે. આગળપાછળ કોઈપણ પૂછપરછ ન હતી.

બૅન્કનો એક નિયમ પણ હતો કે જો સાત વર્ષ સુધી કોઈ ટ્રાન્ઝેક્શન ન થયું હોય અથવા સાત વર્ષ સુધી ખાતામાં કશી ખલેલ ન થઇ હોય તો બૅન્ક ખાતું ફ્રીઝ કરી ને રકમ પર પોતાનો હક જમાવી દે .

આ સ્થિતિમાં સાત વર્ષ સુધી વ્યવહારો ન કરવાના કિસ્સામાં બૅન્કની રકમ વધતી જાય. વિશ્વભરના ઘણા માફિયાઓ માર્યા જાય છે, નેતાઓ પક્ડાય જાય છે, દાણચોરો પકડાય કે માર્યા જાય , કેટલાકને આજીવન કેદ થઈ. આ સ્થિતિમાં તેઓના ખાતાં ફ્રીઝ કરવામાં આવ્યાં. ઈ.સ. ૨૦૦૦ ની નવી સદીના અવસર પર બૅન્કે ખાતાં ખોલ્યાં તેમાંથી જે કાળું નાણું મળ્યું તે સમગ્ર વિશ્વના ૪૦ ટકા કાળા નાણા જેટલું હતું. હવે જુઓ, અહીં પ્રજા સાથેનો નાતો  કેવી રીતે જળવાય છે ?? બૅન્કે દેશના નાગરિકોને પૂછ્યું કે,  આ રકમનું શું કરવું ? વળી બૅન્કે  જણાવ્યું હતું કે  જો દેશના નાગરિકો ઈચ્છે તો બૅન્ક તમને આ રકમનું વિતરણ કરે તો વ્યક્તિદીઠ એક કરોડ રૂપિયા પ્રત્યેકને મળશે. સરકાર દ્વારા ૧૫ દિવસના અંતે સર્વેમાં ૯૯.૨ ટકા લોકોનું માનવું હતું કે,  આ રકમ દેશની સુંદરતા વધારવા અને વિદેશી પ્રવાસીઓની સુવિધાઓ અને વિકાસમાં ખર્ચવી જોઈએ. ત્યાંની પ્રજાએ હરામના પૈસાનો અસ્વીકાર કર્યો. આપણા  માટે તો આ ચોંકાવનારાં પરિણામો ગણાય કે નહીં !?

ચોંકાવનારી ઘટના બીજા દિવસે બની. ૨૫ જાન્યુઆરી, ૨૦૦૧ના રોજ સ્વિટઝર્લેન્ડના લોકો સરકારી સર્વે ચેનલની બહાર બેનર લઈને ઊભા હતા. તેમણે કહ્યું કે મફત ખાનારા લોકોમાંથી ૦.૮ ટકા લોકો તેમના નામ જાહેર કરે છે. એવા લોકોને સજા કરો કારણ કે તેઓ પરિશ્રમ વગર મફતનું ખાય છે. સરકારે  ખાતરી આપી પછી જ પ્રજા શાન્ત થઈ. મોટા ભાગની પ્રજાએ પેલા ૦.૮ ટકાને સમાજનો ડાઘ ગણાવી સજા કરાવી.

સ્વિત્ઝર્લેન્ડનો જ એક ઉદાહરણરૂપ બીજો કિસ્સો જોઈએ કે જે એક પ્રવાસીએ પોતાની નોંધપોથીમાં નોંધ્યો છે : હું ત્યાં  ગયો હતો ત્યારે મેં ત્યાં એક શાળા નજીક ભાડે ઘર રાખ્યું. ઘરની માલકણ ૬૭ વર્ષની ક્રિસ્ટિના એક નિવૃત શિક્ષિકા હતી, જેણે વર્ષો સુધી ત્યાંની માધ્યમિક શાળામાં અનેક વિદ્યાર્થીઓને ભણાવ્યા હતાં. સ્વિત્ઝર્લેન્ડમાં પેન્શનની સુવિધા ઘણી સારી છે. ક્રિસ્ટિનાને પણ ઘણું સારું પેન્શન મળતું હતું અને તેને જીવનનિર્વાહની કોઈ ચિંતા નહોતી. છતાં તેણે ૮૭ વર્ષના એક એકાકી વૃદ્ધની કાળજી રાખવાનું કામ સ્વીકાર્યું હતું. મેં ક્રિસ્ટિનાને પૂછ્યું, “શું તે પૈસા માટે આ કામ કરી રહી હતી ?” તેના જવાબે મને આશ્ચર્યમાં ગરકાવ કરી મૂક્યો, તેણે કહ્યું, ‘ હું આ કામ પૈસા માટે નથી કરતી,  પણ હું મારો સમય ‘ટાઇમ બૅન્ક’ માં જમા કરાવું છું. જયારે હું ઘરડી થઈશ અને હલનચલન કરવા અસમર્થ બની જઈશ ત્યારે હું ‘ટાઈમબેન્ક ‘ માંથી એનો ઉપાડ કરી શકીશ.” મેં તો પહેલી વાર ‘ટાઈમબૅન્ક’ વિશે સાંભળ્યું. મને ઉત્સુકતા થઈ  અને મેં એ વિશે વધુ જાણવા રસ દાખવ્યો.

મૂળ ‘ટાઇમ બૅન્ક’ સ્વિસ ફેડરલ મિનિસ્ટ્રી ઓફ સોશિયલ સિક્યોરિટી દ્વારા વિકસાવાયેલો એક વૃદ્ધાવસ્થા માટેનો પેન્શન કાર્યક્રમ હતો. લોકો જયારે જુવાન હોય ત્યારે ઘરડા લોકોની સેવા કરી સમયને જમા કરે અને પછી પોતે વૃદ્ધ થાય કે માંદા પડે કે અન્ય કોઈ કારણસર જરૂર પડે ત્યારે તેનો ઉપાડ કરવાનો રહે.  ઉમેદવાર તંદુરસ્ત, સારી વાક્છટા ધરાવનાર અને પ્રેમથી સભર હોવો જોઈએ. રોજ તેમણે જરૂરિયાતમંદ વ્યક્તિની કાળજી રાખવાની અને તેને મદદ કરવાની. જેટલો સમય તે સેવા આપે તે એના સોશિયલ સિક્યોરિટી સિસ્ટમના વ્યક્તિગત ટાઈમ અકાઉન્ટમાં જમા થાય.

ક્રિસ્ટિના અઠવાડિયામાં બે વાર કામે જતી. દરેક વખતે બે કલાક ૮૭ વર્ષના પેલા વૃદ્ધની મદદ કરવા, તેમના માટે ખરીદી કરવા, તેમના ઘરની સફાઈ કરવા, તેમને સૂર્યપ્રકાશમાં આંટો મારવા લઈ જવા, તેમની સાથે વાતો કરવાનું કામ તે કરતી હતી.  કરાર મુજબ, તેની એક વર્ષની સેવા બાદ ‘ટાઇમ બૅન્ક’ તેના કુલ સેવાના કલાકોની ગણતરી કરી તેને એક ટાઇમ બૅન્ક કાર્ડ આપશે. જ્યારે તેને મદદની જરૂર પડે ત્યારે તે આ કાર્ડનો ઉપયોગ કરી વ્યાજ સાથે જમા થયેલ સમયનો ઉપાડ કરી  શકશે. માહિતી ચકાસ્યા બાદ ટાઇમ બેન્ક જેને મદદ કરી શકે એવા ખાતેદારને હૉસ્પિટલ કે તેના ઘેર મોકલી આપશે.

એક દિવસ હું શાળામાં હતો અને ક્રિસ્ટિનાનો ફોન આવ્યો કે તે ઘરમાં બારી સાફ કરતાં ટેબલ પરથી પડી ગઈ છે. મેં અડધી રજા મૂકી ઘેર દોટ મૂકી અને ક્રિસ્ટીનાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી. તેને પગની એડીએ ઈજા પહોંચી હતી અને થોડા સમય સુધી ખાટલે આરામ કરવાની ફરજ પડી.

મને જ્યારે ચિંતા થઈ કે હવે તેનું ધ્યાન કોણ રાખશે ત્યારે તેણે  તરત મને ચિંતા ન કરવા જણાવ્યું. તેણે ટાઇમબૅકમાં ઉપાડની અરજી કરી દીધી હતી. બે જ કલાકમાં એક સ્વયંસેવક હાજર પણ થઈ ગયો, ક્રિસ્ટિનાની સેવામાં,,, ટાઇમ બેન્કે  વ્યવસ્થા કરી હતી તેની. એ પછી એક મહિના સુધી તે સ્વયંસેવકે  ક્રિસ્ટીનાની ખુબ સારી કાળજી રાખી, રોજ તેની સાથે સમય પસાર કર્યો, વાતો કરી, તેના માટે સ્વાદિષ્ટ ખાવાનું બનાવ્યું, એક મહિનામાં  આ સ્વયંસેવકની દેખરેખ હેઠળ ક્રિસ્ટિના સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ.

સાજા થયા બાદ ક્રિસ્ટિના ફરી કામે લાગી ગઈ. તેની ઈચ્છા હતી કે તે જ્યાં સુધી તંદુરસ્ત છે ત્યાં સુધી આ રીતે કામ કે સેવા કરી શક્ય એટલો વધુ સમય ટાઇમ બૅન્કમાં જમા કરી શકે. સ્વિટ્ઝર્લેન્ડમાં વૃદ્ધોની મદદ માટે ‘ટાઇમ બૅન્ક’ નો ઉપયોગ પ્રચલિત છે. આ પ્રથા માત્ર દેશના પેન્શન ખર્ચાઓને જ નથી બચાવતી પણ અન્ય સામાજિક સમસ્યાઓનો  પણ ઉકેલ લાવે છે. ઘણા સ્વિસ નાગરિકો આ ‘ઓલ્ડ એજ પેન્શનપ્રથા’ને ઉત્સાહભેર આવકારે છે અને તેનો ભાગ બનવા ટાઇમ બૅન્કમાં જોડાય છે.સ્વિસ સરકારે ટાઇમ બેન્ક પેન્શન યોજનાને લગતો કાયદો પણ પાસ કર્યો છે. આપણે ત્યાં પણ આવી ટાઇમ બૅન્ક હોય તો?

આઝાદીના અમૃતપર્વની ઠાલી ઉજવણીની સાથોસાથ સરકાર આવી કોઈ નક્કર અને દૂરગામી સામાજિક અસર ઉભી કરતી યોજના શરુ કરે તેવી અપેક્ષા આપણે રાખી શકીએ ખરા કે ના, ચૂંટણીના રાજકારણના હાકલા-પડકારામાં જ અમૃત વર્ષ વીતી જશે ? 

 

શ્રીમદ ભગવદ ગીતા શીરાની જેમ મનમાં કેમ ઉતારીશું ?

સમશ્લોકી અનુવાદ અને ગીતાભાષ્યમાંથી પ્રસંગો લઈને ગીતાને વર્ગસ્થ કરીએ તો ??

ભદ્રાયુ વછરાજાની                                                     bhadrayu2@gmail.com

શ્રીમદ ભાગવત ગીતા ધોરણ ૬ થી ૧૨ ના અભ્યાસક્રમમાં દાખલ કરવા નિર્ણય લેવાયો છે. ચિંતા છે કે ૭૦૦ શ્લોક માં સમાયેલ ગીતાને ધોરણ ૬ થી ૧૨ ની વચ્ચે કેવી રીતે વહેંચીશું અને એને વર્ગખંડમાં વિદ્યાર્થીના ચિત્ત સુધી કેવી રીતે લઈ  જશું ?

આપણી પાસે ગીતા ઉપરના અસંખ્ય ભાષ્યો છે એ આપણું જમા પાસું છે પરંતુ આ ઘણા બધા ભાષ્યો હોવા એ એક રીતે દ્વિધા પણ ઉભી કરે  છે. કારણકે સરળથી સરળતમ અને કઠિનથી કઠિનતમ ગીતાભાષ્યો આપણી પાસે છે એમાંથી શ્રીમદ ભાગવત ગીતાનું હાર્દ પકડીને ૧૧ વર્ષથી લઈને ૧૭ વર્ષના વિદ્યાર્થીઓ સુધી કેવી રીતે પહોંચાડવું , શું લેવું અને શું ન લેવું તે વિચાર માંગી લે તેવો પ્રશ્ન છે.

પ્રાચીનકાળમાં આપણા આશ્રમી ગુરુકુલો શ્રુતિ પરંપરાથી ચાલતા. ઉપનિષદીય વાતાવરણ હોય જેમાં એક ઘટાદાર વૃક્ષની નીચે એક ઉંચા ઓટલા ઉપર ગુરુદેવ બેઠા હોય અને સામે શિસ્તબદ્ધ થોડા વિદ્યાર્થીઓ ટટ્ટાર બેઠા હોય. ગુરુદેવ શ્લોકની એક  પંક્તિ બોલે અને સામે બેઠેલા શિષ્યો તેને બે  વખત પુરા જોશથી પુનરાવર્તન કરે.  આમ એક પછી એક શ્લોક બોલાવાતો જાય અને બોલતો જાય. આ શ્રુતિ પરંપરાથી આપણા શાસ્ત્રો આપણા સુધી પહોંચ્યા. આમ પણ આપણે  નાનપણમાં અજાણતા સાંભળેલા ઘરમાં દાદા કે નાના દ્વારા બોલાયેલા અસંખ્ય શ્લોકો આપણને એની મૂળ સમજણ વગર કંઠસ્થ થઈ ગયા છે. આપણે પણ શ્રીમદ ભગવદ  ગીતા માટે શ્રુતિ પરંપરાને પ્રાધાન્ય આપવું પડશે. પ્રત્યેક શાળામાં અને એના પ્રત્યેક ધોરણમાં અડધો કલાક કોઈ એક અધ્યાયનું  શ્રવણ  થાય. સૌ શાંતિથી બેસે અને શ્લોક બોલાવાતો જાય અને સાથે બોલાતો જાય. આમ કરવાથી એ શ્લોક કંઠસ્થ થઈ જશે. શક્યતા છે છઠ્ઠા, સાતમા, આઠમા ધોરણમાં  આ રીતે કંઠસ્થ થયેલા શ્લોકો નવ, દસ, અગિયાર, બાર ધોરણમાં સમજવા સહેલા પડશે.  પહેલેથી જે કંઠસ્થ છે તે ઝડપથી ભેજામાં ઉતરે છે એટલે શ્રુતિની પરંપરા પણ આપણે ચલાવવી રહેશે .

ભારતમાં શ્રી ચિન્મય મિશન એક સુંદર સંસ્કૃતિ સંસ્થાપનનું કેન્દ્ર છે. સ્વામી શ્રી ચિન્મયાનંદજી દ્વારા સ્થપાયેલા આ ચિન્મય મિશન દ્વારા અનેક સંસ્થાઓમાં આધ્યાત્મિક પ્રવૃતિઓ હાલ પ્રવૃત થઈ રહી છે. આ ચિન્મય મિશન દ્વારા પ્રત્યેક શાળામાં ગીતાના અધ્યાયને વર્ગખંડમાં બોલવાનું, પ્રાર્થના સભામાં કંઠસ્થ બોલવાનું અને અઠવાડિયે એક વખત થતી સમૂહ પ્રાર્થનામાં એક એક વિદ્યાર્થી દ્વારા આ શ્લોકોનું ગાન થાય તેવું વ્યવસ્થિત આયોજન છે. આપણને પણ ગુજરાતમાં ચિન્મય મિશનને આ કાર્ય સોંપી દઈ શકીએ. 

ગીતાજીને સરળતાથી સમજવા માટે આપણને ખુબ હાથવગું લાગે એવું એક સુંદર પુસ્તક છે “શ્રી વિનોબાજી દ્વારા અપાયેલા ગીતા પ્રવચનો”.  યજ્ઞ પ્રકાશન,  હુઝરતપાગા, વડોદરા દ્વારા એની અનેક પ્રતો વેંચવામાં આવી છે. વિનોબાજીએ ધૂળીયાની જેલમાં સ્વતંત્રતાના સેનાનીઓ સમક્ષ સારો સમય પસાર કરવાના એક ઉદ્દેશ્યથી ગીતા ઉપર પ્રવચનો આપ્યા,  જેને મરાઠીમાં ‘ગીતાઈ’ કહેવામાં આવ્યું અને એના અનેક ભાષામાં ભાષાંતરો થયા. કોઈ પણ પ્રકારના પક્ષપાત વગર હું એવું કહી શકું કે જો ગીતા પ્રવચનોના અધ્યાયમાંથી વિનોબાજીએ આપેલા ઉદાહરણો અથવા દ્રષ્ટાંતોને જ અલગ લઈને જો વર્ગવાર, ધોરણવાર નાની નાની પુસ્તિકાઓ  બનાવવામાં આવે તો ગીતા સરળતાથી વિદ્યાર્થીઓ સુધી પહોંચશે. આ ગીતા પ્રવચન એવી રીતે અપાયેલા છે કે જેમાં ગીતાજીનો એક પણ શ્લોક ક્યાંય ટાંકવામાં આવ્યો નથી, સમશ્લોકી પણ ટાંકવામાં આવ્યું નથી, પણ વિનોબાજીએ ગીતાના  અઢારે અઢાર અધ્યાય એકદમ સુંદર રીતે શીરાને જેમ ગળે ઉતરી જાય તેમ  રજૂ કરેલ છે. આપણે આપણા વર્ગખંડમાં શ્રીમદ ભાગવત ગીતાને સરળતાથી અને સહેલાઈથી લઇ જવું હોય તો વિનોબાજીના ગીતા પ્રવચનોમાંથી દ્રષ્ટાંતો તારવીને એમની સાથે અર્જુનને અપાયેલા સંદેશનો  ટૂંકસાર મુકવામાં આવે તે જરૂરી છે. હાલ કંઈક વાર્તાઓ બનાવવાની મથામણ ચાલે છે પણ તેમ કરવાથી તો ગીતાજીનું પોત આપણે જ નબળું કરીશું.  

હા, ધર્મ રક્ષણ ખાતર પણ એવી નમ્ર વિનંતી કરવાની કે શ્રીમદ ભગવદ  ગીતા ધોરણ ૬ થી ૧૨માં  ખરેખર દાખલ કરવામાં આવે તો પણ તેની પરીક્ષા તો નહીં  જ લેવાય. તેના પેપરો નહીં નીકળે અને  એ પેપરો તપાસવાની કોઈ પ્રક્રિયામાં આપણે નહીં ઉતરીએ. આપણો  શુભ ઉદ્દેશ તો ૧૦, ૧૧, ૧૨ વર્ષની ઉંમરથી ગીતાના શ્લોકો  કાને પડે અને શક્ય તેટલી સમજ એના દિલમાં ઉતરે એ જ કેવળ છે.  કાળજી એ લેવી રહેશે કે શુભ કરવામાં ક્યાંક  કાચું ન કપાય જાય.