રાજા રવિ વર્મા આપણી ભવ્ય અને મહાન પરંપરાને ચિત્રના માધ્યમથી જાળવી રાખવાનો મૃત્યુપર્યત પ્રયત્ન કરે છે.

ભદ્રાયુ વછરાજાની                                             bhadrayu2@gmail.com 

તાજેતરમાં રાજા રવિ વર્માનું એક ચિત્ર કરોડો રૂપિયામાં કોઈએ ખરીદ્યું  !! આ સમાચારને જેટલું પ્રાધાન્ય મળવું જોઈએ એટલે મળ્યું નહીં, કારણ આપણે રાજકારણમાં વ્યસ્ત થયેલી પ્રજા બની ગયા છીએ અને એટલે તો આપણા દેવ-દેવીઓ કે ભગવાનોની છબી જેમણે  આપણને  આપી તે રાજા રવિ વર્માને ઓળખવા જેટલો ફુરસદનો સમય આપણી પાસે નથી. ગુજરાતના દૂર છેવાડાના મલકમાં રાજસ્થાનને પડખે એક ગરબાડા નામનું ગામ છે, ત્યાં એક આશાસ્પદ અધ્યાપક ભરત ખૈની ગુજરાતી ભણે છે અને ભણાવે છે. હા, એ સતત ભણ્યા જ કરે છે. એમની ઓળખ હવે પછી કરીશું પણ અત્યારે તો એમનાં એક વિરલ પુસ્તકમાંથી આપણી આંખ ઉઘડતી વિગત અહીં મુકવી છે. “રાજા રવિ વર્મા” શીર્ષકથી પ્રકાશિત થયેલું ભરત ખૈનીનું પુસ્તક લેખકના પરિશ્રમની પરાકાષ્ટા સમાન છે.

‘રાજા રવિ વર્માને દેવ-દેવીઓના ચિત્રો કરવા તરફ વાળ્યા  કોણે ??’ આ પ્રશ્નવિશેષનો જવાબ તાજ્જુબ કરી મૂકે તેવો છે. ઈ. સ. ૧૮૮૮માં વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે પોતાના પરમ મિત્ર રવિ વર્માનાં ચિત્રો કિલિમાનુર મહેલમાં જઈને જોવાનો આગ્રહ કર્યો પણ એ શક્ય ન બનવાના કારણે તેઓ નીલગિરિ ગયા. રવિ વર્મા આ સમય દરમિયાન નીલગિરિ રહેતા હતા. રવિ વર્મા અને સયાજીરાવ ગાયકવાડ આ મુલાકાતથી ખૂબ જ સંતુષ્ટ થયા. ઘણી લાંબી ચર્ચા બાદ વડોદરાના મહારાજાએ રવિ વર્માને એક ભારે જવાબદારીવાળું કામ સોંપ્યું.

વડોદરાના મહારાજા દીર્ઘદ્રષ્ટા, ઘણું જ ફરેલા અને ખૂબ ધાર્મિક તથા આસ્તિક હતા. તેમણે રવિ વર્માને રામાયણ અને મહાભારત જેવા ધર્મગ્રંથો તરફ ઉન્મુખ કરતાં કહ્યું કે, “જે ભારતની પરંપરા અને સાંસ્કૃતિક ચેતનાથી ભરપૂર છે તેમજ સૌંદર્ય, સત્યમ્, શિવમ્, સુદરમના મૂર્ત સ્વરૂપે રહેલા છે. હકીકતે આ બંને ધર્મગ્રંથોમાં ભારતનો સાચો આત્મા છુપાયેલો છે. તેથી તમે આ ધાર્મિક ગ્રંથોનો સંદર્ભ લઈને ભારતીય જનમાનસને પ્રથમ નજરે જ સ્પર્શી જાય એ પ્રકારના ચિત્રો બનાવો.” રવિ વર્માએ મહારાજાના આ સુચનનો સહર્ષ સ્વીકાર કર્યો.

ચિત્ર બનાવતાં પહેલાં રામાયણ અને મહાભારત બંને મહાન ગ્રંથોના પુરુષપાત્રો અને સ્ત્રીપાત્રોનો પહેરવેશ, અલંકારો વગેરે મેળવવો ખૂબ જ જરૂરી હતો. એ હેતુથી આખા દેશનો મૂળ આત્મા જાણવો જરૂરી છે, તેથી સમગ્ર દેશમાં ફરવાની ઈચ્છા રવિ વર્માને થઈ, તેમણે આ વાત મહારાજા ગાયકવાડને કહી. મહારાજાએ ટી. માધવરાવને કહીને પ્રવાસની બધી વ્યવસ્થા કરી આપી. પોતાના ભાઈ રાજા વર્મા તથા નોકરો સાથે રવિ વર્માએ રાજસ્થાન, દિલ્હી, આગ્રા, અવધ, કાશી, કલકત્તા વગેરે શહેરોની મુલાકાત લીધી.

ભારતમાં ધર્મ અને જાતિના આધારે કોઈ ને કોઈ પહેરવેશ અને અલંકારોનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ એ પણ જુદાં જુદાં રાજ્યોમાં જુદાં જુદાં જોવા મળે છે. એમાંથી કોઈને આત્મસાત્ કરવાથી મહાભારત અને રામાયણનાં પાત્રોની આવશ્યકતા પૂર્ણ નહીં થાય અને વસ્ત્રોને ધારણ કરનાર પાત્રોને ચિત્ર જોનાર પસંદ કરશે નહીં. આના કારણે તેમની યાત્રા આગળ વધતી રહી અને તેમણે તાંજોર, માયાવરમ્, ચિદમ્બરમ્, શ્રીરંગમ્, મદુરાઈ વગેરે સ્થાનોનાં મંદિરોનાં દર્શન કર્યા. તહેવારો અને ઉત્સવો, વેશ-પરિધાનો, હથિયારો, ઘરેણાંઓ તેમજ અન્ય વસ્તુઓનો ઝીણવટથી અભ્યાસ કરીને તેનાં રેખાંકનો કર્યા. રાજમહેલો અને ખંડેરોની મુલાકાત પણ લીધી, તેઓ આંખોમાં વસી જાય એવાં સુંદર દશ્યોની શોધમાં નદીને કાંઠે-કાંઠે, ઘાટ-ઘાટે અને વગડામાં દૂર સુધી અભ્યાસાર્થે ફરવા નીકળી પડતા. પરોઢથી માંડીને સંધ્યાનાં અંધારાં ઊતરે ત્યાં સુધી તેઓ સતત ફરતા રહેતા અને પછી રાત્રે પોતાના ઉતારા પર આવી દીવાના અજવાળે દિવસ દરમિયાન જોયેલું હોય તેનું આલેખન અને નકલો કરતા. આ બધા ગંભીર અને ધાર્મિક વિષયો હતા, વ્યક્ત કરવા ખૂબ જ મુશ્કેલ હતા પણ એટલા સુંદર હતા કે એમાં વહી રહેલાં શ્રી અને સરસ્વતીનાં દર્શન કરવામાં જો આખું આયુષ્ય પણ ન્યોછાવર કરવું પડે તો પણ કુરબાન છે એવું તેમને લાગ્યું.

આપણે એક વાત માની શકીએ કે બાળપણથી જ જે ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત રહ્યા છે તેવા રવિ વર્મા આપણી ભવ્ય અને મહાન પરંપરાને ચિત્રના માધ્યમથી જાળવી રાખવાનો મૃત્યુપર્યત પ્રયત્ન કરે છે. તેમણે પોતાનામાં રહેલો દેશીય અને સાંસ્કૃતિક ભાવબોધને જીવંત રાખવા, વિકસિત કરવા અને પોતાના દ્વારા નિર્મિત અનન્ય કલારૂપો(ચિત્રો) માં એ ઢાળવા માટે હંમેશા જાગ્રત પ્રયત્નો કર્યા હતા, આથી જ મહારાજા સયાજીરાવ ગાયકવાડની રામાયણ અને મહાભારત જેવું હિન્દૂ ધર્મના મહત્વપૂર્ણ ગ્રંથોના સંદર્ભો લઈને તેના પરથી ચિત્રકારી કરવાની પ્રેમભરી સલાહ રાજા રવિ વર્માએ સ્વીકારી અને આપણને આપણા ભગવાનોના સાકાર સ્વરૂપના દર્શન થયા !!