સમશ્લોકી અનુવાદ અને ગીતાભાષ્યમાંથી પ્રસંગો લઈને ગીતાને વર્ગસ્થ કરીએ તો ??

ભદ્રાયુ વછરાજાની                                                     bhadrayu2@gmail.com

શ્રીમદ ભાગવત ગીતા ધોરણ ૬ થી ૧૨ ના અભ્યાસક્રમમાં દાખલ કરવા નિર્ણય લેવાયો છે. ચિંતા છે કે ૭૦૦ શ્લોક માં સમાયેલ ગીતાને ધોરણ ૬ થી ૧૨ ની વચ્ચે કેવી રીતે વહેંચીશું અને એને વર્ગખંડમાં વિદ્યાર્થીના ચિત્ત સુધી કેવી રીતે લઈ  જશું ?

આપણી પાસે ગીતા ઉપરના અસંખ્ય ભાષ્યો છે એ આપણું જમા પાસું છે પરંતુ આ ઘણા બધા ભાષ્યો હોવા એ એક રીતે દ્વિધા પણ ઉભી કરે  છે. કારણકે સરળથી સરળતમ અને કઠિનથી કઠિનતમ ગીતાભાષ્યો આપણી પાસે છે એમાંથી શ્રીમદ ભાગવત ગીતાનું હાર્દ પકડીને ૧૧ વર્ષથી લઈને ૧૭ વર્ષના વિદ્યાર્થીઓ સુધી કેવી રીતે પહોંચાડવું , શું લેવું અને શું ન લેવું તે વિચાર માંગી લે તેવો પ્રશ્ન છે.

પ્રાચીનકાળમાં આપણા આશ્રમી ગુરુકુલો શ્રુતિ પરંપરાથી ચાલતા. ઉપનિષદીય વાતાવરણ હોય જેમાં એક ઘટાદાર વૃક્ષની નીચે એક ઉંચા ઓટલા ઉપર ગુરુદેવ બેઠા હોય અને સામે શિસ્તબદ્ધ થોડા વિદ્યાર્થીઓ ટટ્ટાર બેઠા હોય. ગુરુદેવ શ્લોકની એક  પંક્તિ બોલે અને સામે બેઠેલા શિષ્યો તેને બે  વખત પુરા જોશથી પુનરાવર્તન કરે.  આમ એક પછી એક શ્લોક બોલાવાતો જાય અને બોલતો જાય. આ શ્રુતિ પરંપરાથી આપણા શાસ્ત્રો આપણા સુધી પહોંચ્યા. આમ પણ આપણે  નાનપણમાં અજાણતા સાંભળેલા ઘરમાં દાદા કે નાના દ્વારા બોલાયેલા અસંખ્ય શ્લોકો આપણને એની મૂળ સમજણ વગર કંઠસ્થ થઈ ગયા છે. આપણે પણ શ્રીમદ ભગવદ  ગીતા માટે શ્રુતિ પરંપરાને પ્રાધાન્ય આપવું પડશે. પ્રત્યેક શાળામાં અને એના પ્રત્યેક ધોરણમાં અડધો કલાક કોઈ એક અધ્યાયનું  શ્રવણ  થાય. સૌ શાંતિથી બેસે અને શ્લોક બોલાવાતો જાય અને સાથે બોલાતો જાય. આમ કરવાથી એ શ્લોક કંઠસ્થ થઈ જશે. શક્યતા છે છઠ્ઠા, સાતમા, આઠમા ધોરણમાં  આ રીતે કંઠસ્થ થયેલા શ્લોકો નવ, દસ, અગિયાર, બાર ધોરણમાં સમજવા સહેલા પડશે.  પહેલેથી જે કંઠસ્થ છે તે ઝડપથી ભેજામાં ઉતરે છે એટલે શ્રુતિની પરંપરા પણ આપણે ચલાવવી રહેશે .

ભારતમાં શ્રી ચિન્મય મિશન એક સુંદર સંસ્કૃતિ સંસ્થાપનનું કેન્દ્ર છે. સ્વામી શ્રી ચિન્મયાનંદજી દ્વારા સ્થપાયેલા આ ચિન્મય મિશન દ્વારા અનેક સંસ્થાઓમાં આધ્યાત્મિક પ્રવૃતિઓ હાલ પ્રવૃત થઈ રહી છે. આ ચિન્મય મિશન દ્વારા પ્રત્યેક શાળામાં ગીતાના અધ્યાયને વર્ગખંડમાં બોલવાનું, પ્રાર્થના સભામાં કંઠસ્થ બોલવાનું અને અઠવાડિયે એક વખત થતી સમૂહ પ્રાર્થનામાં એક એક વિદ્યાર્થી દ્વારા આ શ્લોકોનું ગાન થાય તેવું વ્યવસ્થિત આયોજન છે. આપણને પણ ગુજરાતમાં ચિન્મય મિશનને આ કાર્ય સોંપી દઈ શકીએ. 

ગીતાજીને સરળતાથી સમજવા માટે આપણને ખુબ હાથવગું લાગે એવું એક સુંદર પુસ્તક છે “શ્રી વિનોબાજી દ્વારા અપાયેલા ગીતા પ્રવચનો”.  યજ્ઞ પ્રકાશન,  હુઝરતપાગા, વડોદરા દ્વારા એની અનેક પ્રતો વેંચવામાં આવી છે. વિનોબાજીએ ધૂળીયાની જેલમાં સ્વતંત્રતાના સેનાનીઓ સમક્ષ સારો સમય પસાર કરવાના એક ઉદ્દેશ્યથી ગીતા ઉપર પ્રવચનો આપ્યા,  જેને મરાઠીમાં ‘ગીતાઈ’ કહેવામાં આવ્યું અને એના અનેક ભાષામાં ભાષાંતરો થયા. કોઈ પણ પ્રકારના પક્ષપાત વગર હું એવું કહી શકું કે જો ગીતા પ્રવચનોના અધ્યાયમાંથી વિનોબાજીએ આપેલા ઉદાહરણો અથવા દ્રષ્ટાંતોને જ અલગ લઈને જો વર્ગવાર, ધોરણવાર નાની નાની પુસ્તિકાઓ  બનાવવામાં આવે તો ગીતા સરળતાથી વિદ્યાર્થીઓ સુધી પહોંચશે. આ ગીતા પ્રવચન એવી રીતે અપાયેલા છે કે જેમાં ગીતાજીનો એક પણ શ્લોક ક્યાંય ટાંકવામાં આવ્યો નથી, સમશ્લોકી પણ ટાંકવામાં આવ્યું નથી, પણ વિનોબાજીએ ગીતાના  અઢારે અઢાર અધ્યાય એકદમ સુંદર રીતે શીરાને જેમ ગળે ઉતરી જાય તેમ  રજૂ કરેલ છે. આપણે આપણા વર્ગખંડમાં શ્રીમદ ભાગવત ગીતાને સરળતાથી અને સહેલાઈથી લઇ જવું હોય તો વિનોબાજીના ગીતા પ્રવચનોમાંથી દ્રષ્ટાંતો તારવીને એમની સાથે અર્જુનને અપાયેલા સંદેશનો  ટૂંકસાર મુકવામાં આવે તે જરૂરી છે. હાલ કંઈક વાર્તાઓ બનાવવાની મથામણ ચાલે છે પણ તેમ કરવાથી તો ગીતાજીનું પોત આપણે જ નબળું કરીશું.  

હા, ધર્મ રક્ષણ ખાતર પણ એવી નમ્ર વિનંતી કરવાની કે શ્રીમદ ભગવદ  ગીતા ધોરણ ૬ થી ૧૨માં  ખરેખર દાખલ કરવામાં આવે તો પણ તેની પરીક્ષા તો નહીં  જ લેવાય. તેના પેપરો નહીં નીકળે અને  એ પેપરો તપાસવાની કોઈ પ્રક્રિયામાં આપણે નહીં ઉતરીએ. આપણો  શુભ ઉદ્દેશ તો ૧૦, ૧૧, ૧૨ વર્ષની ઉંમરથી ગીતાના શ્લોકો  કાને પડે અને શક્ય તેટલી સમજ એના દિલમાં ઉતરે એ જ કેવળ છે.  કાળજી એ લેવી રહેશે કે શુભ કરવામાં ક્યાંક  કાચું ન કપાય જાય.