મરણ પથારીએથી વિરજીભાઈએ દીકરાને કહે, ‘ડોળિયામાં શાળા બનાવવી છે, એ માટે સાડા સાત લાખનું દાન આપવાનું મને વચન આપો’!!

ભદ્રાયુ વછરાજાની                                                    bhadrayu2@gmail.com 

એક સાત્ત્વિક સમારોહ યોજાયેલો, શ્રેષ્ઠ શાળાને ‘સિસ્ટર નિવેદિતા એવોર્ડ’થી સન્માનવાનો. રાજકોટની જુદી તરાહથી કાર્યશીલ સિસ્ટર નિવેદિતા સ્કૂલ દ્વારા  School on Wheels એવોર્ડ અર્પણ વિધિ થઇ રહી હતી. આ સમારોહ સાત્ત્વિક હતો કારણ અહીં કોઈ શાળાએ કે શિક્ષકે ફાઈલો ને ફોટાઓનો જથ્થો મોકલી કહેવાનું નથી હોતું કે ‘મને એવોર્ડ લાયક ગણજો ને’..સંસ્થા પોતાની રીતે જ શોધ કરે છે અને ખોજી કાઢે છે કે શ્રેષ્ઠ કોણ અને શા માટે છે ? .

રાજકોટ અમદાવાદ રોડ પર ડોળિયા ગામમાં જૈન તીર્થ છે, પણ આ જૈન તીર્થની અડોઅડ એક બીજું તીર્થ છે. ‘વિરજીભાઈ ભાયાણી ઉત્તર બુનિયાદી વિદ્યાલય’… એવું બોર્ડ કેટલાકે વાંચ્યું હશે.  જૈન તીર્થમાં ભગવાનના દર્શનની  સાથોસાથ આ સંસ્થાના દર્શન કરવા જેવા છે કારણ કે આ શાળાનો ઈતિહાસ કંઈક અનોખો છે.

આમ તો સરકારી ગ્રાન્ટથી ચાલતી સરકારી શાળા છે. મુખ્ય દાતાનું નામ છે વિરજીભાઈ ભાયાણી. આ નામ પાછળ એક ઈતિહાસ છે અને આજના ધાર્મિક દ્વેષના પ્રસાર-માહોલમાં સૌએ  જાણાવા જેવો છે. આપણે  ફ્લેશબેકમાં જવું પડે પણ  એ ગમી જાય  એવો ફ્લેશબેક છે.

વાત આઝાદી પહેલાની છે. વિરજીભાઈ ડોળિયાના શેઠ. કાલા – કપાસનો વેપાર, બહુ સુખી. એને એમ થયું કે, આ ગામમાં એક શાળા હું બનાવું. આ વાતની  ગામના મુખી ને ખબર પડી, એણે વિરજીભાઈને  બોલાવ્યા અને કહ્યું કે ‘આ શાળા બનાવવાનો વિચાર છોડી દો, અહીં બધા ભણવા લાગશે તો કામ કોણ કરશે ?’. વિરજીભાઈ ઘેર ગયા પણ શાળાની વાત એનો પીછો છોડતી નહોતી. એમાં ભારત – પાકિસ્તાનના  ભાગલા થયા ને વિરજીભાઈ અનિચ્છાએ પાકિસ્તાન ચાલ્યા ગયા. કારણ કે  વિરજીભાઈ હિંદુ નહોતા, મુસ્લિમ હતા !! અચંબામાં પડી જવાયું ને ??

કરાચીમાં એમની તબિયત બગડતી ચાલી અને ૧૯૭૭ ની એ સાલ, મૃત્યુ નજીક હતું પણ શાળાનો વિચાર પીછો છોડતો  નહતો. એણે પુત્ર મહંમદને બોલાવ્યો. એનેય ડોળિયામાં બધા મગનભાઈ તરીકે ઓળખતા હતા. વિરજીભાઈ કહે, ‘ડોળિયામાં શાળા બનાવવી છે, એ માટે સાડા સાત લાખનું દાન આપવું  એવું મને  વચન આપો’,,, પુત્ર વચન આપે છે ને પિતાની અંતિમ ઈચ્છા પૂર્ણ કરવાની ખાતરી આપે છે.

સમય વીતતો જાય છે, પુત્ર મહમદ ઉર્ફે  મગનભાઈની સમસ્યા એ કે, ભારત આવવું કેમ ? પછી એમણે રસ્તો કાઢયો,  એ કરાચીથી કાઠમંડુ આવ્યા. ત્યાંથી સુરત રહેતા  કાકા સદરુદિનભાઈએ ડોળીયા વિસ્તારના આગેવાનો કરમશીભાઈ અને સવસીભાઈ મકવાણાને વાત કરી અને એમણે  ગામના દેવચંદ પૂજારાને વાત કરી. આ વાત નેવુંના દાયકાની. મગનભાઈએ પિતાની અંતિમ ઈચ્છા વ્યક્ત કરી. વિચાર સારો હોય તો અલ્લાહનો સાથ મળે છે. ડોળિયામાં સરકારી શાળા મંજૂર થઈ હતી. નક્કી એવું થયું કે, આ શાળાને વિરજીભાઈનું નામ અપાશે. મગનભાઈએ સાડા સાત લાખ આપ્યા. ગામને ધુમાડાબંધ જમાડ્યું અને એ તરત જ પાછા પાકિસ્તાન નીકળી ગયા. એમણે કહ્યું કે, ‘હું તો પિતાની અંતિમ ઈચ્છા પૂરી કરવા આવ્યો હતો, હવે પાછો નહીં આવું.!!’

શાળા બની ગઈ અને વીરજીભાઈનું સપનું સાકાર થયું. આજે આ શાળા જાણીતી બની છે અને શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. આ શાળામાં ભણવા આવતી દીકરીઓને સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશન તરફથી શિષ્યવૃત્તિ પણ અપાય છે. એ કારણે છોકરીઓની સંખ્યા અહીં વધી છે. અમેરિકાના શેર એન્ડ કેર ફાઉન્ડેશનના સહયોગથી ચાલતા કાર્યક્રમ  સ્કૂલ ઓન વ્હીલની પીળી બસ અહીં આવે છે અને વિદ્યાર્થીઓ પ્રવૃતિમય બની જાય છે.  આજે ૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરે છે.

શાળામાં લાંબા સમય સુધી આચાર્ય રહ્યા બાદ હવે શાળાના નિયામક તરીકે ભાવથી જોડાયેલા  મૂળ લોકભારતીના વિદ્યાર્થી વાલજીભાઈ સરવૈયા શાળાના વિકાસ માટે થાય એટલું કામ કરે છે. ૧૧૦ જેટલા વૃક્ષોથી આ શાળાનું સંકુલ લીલુંછમ છે. સોલાર પેનલ છે એટલે શાળા સરકારને વીજળી વેચી થોડી કમાણી પણ કરે છે. જો કે સરકારની ગ્રાન્ટ બહુ ઓછી પડે છે. વર્ષે દોઢ – બે લાખનો ખાડો પડે છે. શાળાના ટ્રસ્ટને થોડી ખેતીવાડી છે એટલે એમાંથી કામ ચાલે છે. સરકાર મોંઘવારી મુજબ શિક્ષકોના પગાર વધારે છે પણ આવી શાળાઓ કે જ્યાં છાત્રાલય પણ છે ત્યાં ગ્રાન્ટ વધતી નથી, તેમ છતાં શાળાને શોધી કાઢીને શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ મળે છે એ ટાઢક વળે તેવી ઘટના છે.

કોમ કોમની વચ્ચે કાંટાળી વાડ  બાંધવામાં પ્રવૃત લોકોને કોમી સૌહાર્દનું આ વિદ્યાતીર્થ શાન-સમજ આપી  શકે તેમ છે.