ગુજરાતીમાં ઉત્તમ ફિલ્મો બની રહી છે, પણ થિયેટરના પ્રશ્નો ગુજરાતી દર્શકો સુધી ફિલ્મને પહોંચાડવાનું દુષ્કર બનાવે છે

ભદ્રાયુ વછરાજાની                              bhadrayu2@gmail.com

(સૌ માટે વાંચવો ખૂબ જરૂરી પણ છાપાંમાં ન છપાયેલો લેખ)

છેલ્લા ઘણા વખતથી ગુજરાત રાજ્યમાં ગુજરાતી ફિલ્મો માટેનો એક સરસ સમય શરૂ થયો છે. સરકાર પણ પ્રોત્સાહિત કરે છે. કોઈ ફિલ્મ સોશિયલ મેસેજ લઈને, તો કોઈ ક્રાંતિની વાત લઈને, તો કોઈ થ્રિલર પ્રાયોગિક ફિલ્મ પણ ગુજરાતીમાં હવે બની રહી છે. રોકાણની સગવડની દ્રષ્ટિએ ગુજરાતી ફિલ્મો બનાવવી હવે સહેલી બની ગઈ છે. પરંતુ તેને પ્રેક્ષકો સુધી પહોંચાડવી ખાંડાના ખેલ જેવું કામ છે. કારણ કે ફોન કરો ત્યારે ખબર પડે કે આજનો શો તો રદ થયો છે.!! આ અનિશ્ચિતતામાંથી ગુજરાતી ચાહકને કોણ બચાવશે એ મોટો પ્રશ્ન છે. ફિલ્મકર્મીઓ આ કામ કરવામાં વ્યસ્ત છે, કારણ કે અંદરનું એક ઝુનુન ઉભું થયું છે કે ઉત્તમ ગુજરાતી ફિલ્મો ગુજરાતની પ્રજાને આપવી. પણ સાઉથની ફિલ્મો પાછળ દોડનારા આપણે સૌ ગુજરાતી ફિલ્મો માટે કેમ એટલા નિરસ છીએ ? આ મોટી નાકામિયાબી આપણા કળાક્ષેત્રની ગણાય. એ અંગે જે કોઈએ વિચારવું હોય તેણે સંગઠિત થઈને વિચારવું જોઈએ.
તાજેતરમાં એક યુવાગ્રુપની બીજી ફિલ્મ ‘પેન્ટાગોન’ જોવાનો લાભ મળ્યો. ઘણી સારી ગુજરાતી ફિલ્મો ચુકી જવાનો મનમાં રંજ હતો. ‘પેન્ટાગોન’ પણ ચૂકી જવાત કારણ કે કોઈ એકાદા રડ્યા ખડ્યા થિયેટરમાં એકાદો શો એમને મળતો હતો. રીતસર પાછળ પડીને આ ફિલ્મ જોઈ અને ફિલ્મ જોઈને એવું લાગ્યું કે આપણી પાસે કલાકારો, દિગ્દર્શકો અને કથાનક લખનારા લોકો બહુ બળુકા છે. એ સુંદર સ્ક્રિપ્ટ લખી શકે છે, અભિનય કરી શકે છે અને પ્રેક્ષકોના મનમાં બેસી જાય તેવી ફિલ્મ બનાવી પણ શકે.. પણ એ ફિલ્મને થિયેટર સુધી લઇ જવી અને થિયેટરના આકરા અને થોડા વિચિત્ર પ્રકારના નિયમોને આધીન થઈને એને દર્શનીય બનાવવી એ બહુ કપરું કામ બન્યું છે.
‘પેન્ટાગોન’ એક થ્રિલર ફિલ્મ છે. થોડી વધુ માવજત સાથે હિન્દીમાં બને તો હિટ જાય એવી હિન્દી ફિલ્મ જેવી આ ગુજરાતી ફિલ્મ છે, મર્ડર મિસ્ટ્રી છે. છેલ્લી દસેક મિનિટને બાદ કરતા ફિલ્મ સતત રહસ્યના ચકરાવામાં નાખે છે. રહસ્યમય ફિલ્મ બની અને હાઉસફુલ પ્રેક્ષકગૃહમાં બધાના શ્વાસ અઘ્ધર કરી ગઈ. છેલ્લી દસેક મિનિટમાં ફાસ્ટ ફોરવર્ડમાં ફિલ્મ દોડી એ ઘણા પ્રશ્નો છોડી ગઈ. છોડો એ વાત, આપણે એ વાત નથી કરવી. પણ એક બળુકી ફિલ્મ બની ‘પેન્ટાગોન : પ્ર-પંચકોણ’. નાના નાના કલાકારોએ, દિગ્દર્શકે પોતાની લાઈફની આ બીજી ફિલ્મ બનાવી. પણ ફિલ્મની ટીમ સાથે વાત કરતા જાણવા મળ્યું કે, થિયેટરવાળા લોકો ગુજરાતી ફિલ્મને ચડાવવા માટે તૈયાર નથી હોતા !! એ કહે છે કે સાત દિવસના હાઉસફુલ શો જો તમે ખરીદતા હો તો અમે તમને થોડાક શો આપી શકીએ. અને જે ફિલ્મ નિહાળી શક્યો એ પણ એની આખી ટીમે પરચેઝ કરેલો શો હતો. પોતે પ્રચાર કર્યો અને પછી પોતે ટિકિટ વેંચી !! મોટા નામધારી થિયેટરો વતી જો આવું કામ કલાકારોની ટોળકીએ કરવું પડે તો ફિલ્મ બનાવવા કરતાં તેઓને ટિકિટબારી ખોલવાનું વધુ સહેલું પડે. એક વ્યથા પણ એમના દિગ્દર્શક અને મુખ્ય કલાકારે વ્યક્ત કરી કે, ‘ગુજરાતી ભાષા માટે ચિંતા કરનારા લોકો ક્યારેય આમાં કોઈ દિવસ મદદ કરતા નથી.’
કેટલા જોરદાર નાટકો આવે છે અમદાવાદની રંગભૂમિ ઉપર. બે પાત્રોનું ‘પત્ર મિત્રો’ નાટક કે જેમાં ખાલી પત્રો વંચાતા હોય. એ નાટકે કેટલો જોરદાર માહોલ ઉભો કર્યો !! ગુજરાત યુનિવર્સીટીના એમ્ફી થિયેટરમાં ‘બિજલી’ નાટ્ય પ્રયોગ અદભુત રીતે થયો. આ બંને નાટકોના જેટલા રીવ્યુ સોશિયલ મીડિયા ઉપર વાંચ્યા એ એક અવાજે એને બિરદાવતા હતા. આ બધા નાટકો ફિલ્મની બરોબરીના નાટકો છે, છતાં એમને સગવડો કે સહાયનો કોઈ ટેકો નથી. એ પ્રેક્ષકો સુધી પહોંચી શકે છે એ પણ અમદાવાદ સુધી જ. તમે રાજકોટ,વડોદરા, સુરત કે અન્ય મેટ્રો જેવા શહેરોમાં એ જોવા માંગતા હો તો એ શક્ય બનતું નથી. કેમ આવી સ્થિતિ છે ?
ગુજરાતી ફિલ્મોને અને ગુજરાતી નાટકોને એટલે કે ગુજરાતની સંસ્કૃતિને જો પ્રમોટ કરવી હોય તો એના માટે પ્રેક્ષકો સુધી ફિલ્મ કે નાટક પહોંચે એવી બધી સગવડતાઓ થવી જોઈએ. સરકારના પોતાના જ ઓડિટોરીયમો છે, ભાવનગર, અમદાવાદ, રાજકોટ, સુરતમાં.. સરકારના સાંસ્કૃતિક વિભાગ દ્વારા આ ફિલ્મ કે નાટકોના શો થવા જોઈએ. એમ થશે તો ગુજરાતી પ્રજા દક્ષિણની જેમ પોતાની ફિલ્મો તરફ ચોક્કસ વળશે. ગુજરાતની જનતાને ગુજરાતી ફિલ્મો જોવા માટે સંસ્કારિત કરવાનો સમય આવી ગયો છે.