એક નહીં પણ ચાર કસ્તુરબાઓનું એમના પતિશ્રીના હસ્તે જાહેરમાં સન્માન થયું ! આ વિચાર જ કેટલો અદભુત છે, નહીં ?! 

ભદ્રાયુ વછરાજાની                                               bhadrayu2@gmail.com

પદ્મવિભૂષણ સ્વામીશ્રી સચ્ચિદાનંદજી કહે છે : ‘સન્માનને પાત્ર વ્યક્તિનું સન્માન કરવાનું જે સમાજ ચુકી જાય છે તે નગુણો સમાજ છે.’ ગુજરાતના સાહિત્યરત્ન ગુણવંત શાહ કહે છે: ‘સન્માનને પાત્ર વ્યક્તિનું સન્માન ન કરવું એ હિંસા છે અને સન્માનને પાત્ર ન હોય તેનું સન્માન કરવું પણ હિંસા છે ‘ ગુજરાત આ બંને અવતરણોને અનુસરી રહ્યું છે તે આનંદની વાત છે. જો કે, ક્યારેક બાવીસેક વર્ષની વ્યક્તિનું ‘લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ’થી સન્માન થાય ત્યારે વિચાર આવે કે આ મહાશયની લાઈફ તો હવે જીવાશે અને અત્યારથી લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ ?? કેટલાક ઈચ્છુકો તો પોતાની ફાઈલ સાથે લઈને જ ફરતા હોય છે. લાગ મળ્યો નથી ને અરજી કરી નથી !! કબીરદાસ યાદ આવે: ‘સહજ મિલા સો દૂધ બરાબર, માંગા  મિલા સો પાની.’  સન્માન થાય ત્યારે બે બાબતો મહત્વની છે :

1) સન્માન કોનું થાય છે?         2) સન્માન કોના હસ્તે થાય છે? 

ગાંધીજી સામે એક ફરિયાદ એ હતી કે તેઓએ કસ્તુરબાને જોઈએ એટલો ન્યાય ન આપ્યો.  પણ જે કામ બાપુથી ન થયું તે કામ આપણે કરી લઈએ એવો વિચાર આજે કોને આવે, બોલો જોઈએ ?? પણ કળિયુગમાં ય સત્કર્મ કરનાર હોય જ છે, એવી શ્રદ્ધા સાચી પડી છે.

ઉમરગામ-વલસાડ ખાતે શાહ અને ગાલા પરિવારે “રાષ્ટ્રમાતા કસ્તુરબા ગાંધી સન્માન પારિતોષિક” અર્પણ  કરવાનો એક સાદો છતાં અત્યંત ભાવપૂર્ણ ઉપક્રમ યોજ્યો. દક્ષિણ ગુજરાત અને કચ્છમાં ઈઝરાયલ પદ્ધતિથી ખેતીના સફળ પ્રયોગો મોટા પાયે કરનાર શ્રી મણિલાલ ગાલાના માતુશ્રી મીઠીબેન ટોકરશી શાહની સ્મૃતિમાં ગુજરાતના વિજ્ઞાન અને સર્વોદયના ક્ષેત્રે દિલ દઈને આજે પણ કામ કરી રહેલા સાચુકલા કર્મશીલોનાં ધર્મપત્નીઓને ‘રાષ્ટ્રમાતા કસ્તુરબા ગાંધી સન્માન’ થી નવાજવામાં આવ્યાં. આ કેવળ સન્માન જ ન હતું પણ નારીના સત્તનું માન હતું. અરે, આ વિચાર જ કેટલો અદભુત છે ? ‘પ્રત્યેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી રહેલી હોય છે’, એ ઉક્તિ આપણે કેવળ ઉચ્ચારવા જ રાખી છે, ક્યારેય એ સ્ત્રીને જાહેરમાં સત્કારી નથી.  

મહાત્મા ગાંધીજીએ કસ્તુરબાની વિદાય સમયે એમને શ્રદ્ધાંજલિ આપતા કહેલું કે, “She stood above me.” પોતાના દાદી વિષે શ્રી અરુણ ગાંધી લખે છે કે, “મારાં દાદીની જીવનકથા બસ એટલી જ છે કે,  “જયારે મોહનદાસ સત્યના પ્રયોગો કરતા હતા ત્યારે બા  તે પ્રયોગોનો તાપ જીરવતા હતા.” આ સન્માન સમારોહમાં જે તપસ્વિનીઓનું સન્માન થયું એમનું જીવન પણ ‘તાપ જીરવવા’ જેવું જ રહ્યું છે. આ તપસ્વિનીઓમાં ભારતના ખગોળ વિજ્ઞાની ડો. જે.જે.રાવલના ધર્મપત્ની સૌ. દેવિકાબેન રાવલ, લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં જીવન સમર્પિત કરનાર ડો. અરુણભાઈ દવેના ધર્મપત્ની સૌ. અર્ચનાબેન દવે, અંતરિયાળ વસીને  વંચિતોનું કામ કરનાર ચૈતન્ય ભટ્ટના ધર્મપત્ની સૌ. સોનલબેન ભટ્ટ અને સર્વોદયથી સિંચાઈને જ્ઞાન-વિજ્ઞાનને જીવન માર્ગ ગણનાર શ્રી પાર્થેશ પંડ્યાના ધર્મપત્ની સૌ. બિન્દુબેન પંડ્યાનું સન્માન  થયું. ઉત્તમ વિજ્ઞાનીઓ, કલાકારો, વિદ્વાનો અને કર્મશીલો અલગારીઓ હોય છે, એમને વાંચવા ગમે, એમની સાથે અમુક કલાકો કે દિવસો રહેવું ગમે; પણ એમની સાથે આખી જિંદગી કાઢવી એટલે દીવો લઈને વાવાઝોડા સાથે રહેવા બરાબર છે અને શરત એટલી જ કે દીવો ઓલવાય ન જાય એના માટે સતત જાત રેડ્યા કરવાની!  આ સમારોહમાં ગાલા પરિવારે કાળજી લીધી કે પોતાનો બૃહદ પરિવાર જ સમગ્ર આયોજન કરે.  ચોથી પેઢીના નાનાં બાળકોએ ‘વૈષ્ણવ જન  તો…’ ભજનથી આરંભ કર્યો. ખાદી અને સર્વોદય માટે બાળપણથી કૃતનિશ્ચયી પદ્મશ્રી ગફૂરભાઇ બિલખિયા અધ્યક્ષ હોવાથી સાથે રહ્યા પણ  આ ચાર કસ્તૂરબાઓનું સન્માન તો  એમના  પતિશ્રીના હાથે જ થયું. આ  વાતે તો સમારંભને  ચાર ચાંદ લગાવ્યા. 

મહાત્માજીના પાંચમી પેઢીના વારસ  અને પ્રસિદ્ધ  લેખિકા સોનલ પરીખે કાર્યક્રમમાં  કહ્યું કે,  શ્રી નારાયણભાઈ દેસાઈએ ‘મારું  જીવન, મારી વાણી’ ના ચાર દળદાર ગ્રંથો લખ્યા છે પરંતુ એમાંથી ય કસ્તુરબા એટલા જાણવા મળતાં  નથી !’ આ સત્યને આધાર માનીએ તો આ વિશિષ્ટ સન્માન કાર્યક્રમ એક સીમાચિહ્ન બની રહ્યો. ઉડીને આંખે વળગે તેવી આ કાર્યક્રમની કેટલીક વિશેષતાઓ ગણાવીએ તો..સમારોહ ભાવપ્રધાન રહ્યો, આપેલ સમય કરતાં સૌ ઓછું બોલ્યા અને છતાં સૌની વાતમાં નક્કર અનુભવ અને એમનાથી નીપજતી નમ્રતા હતી,  આયોજક શ્રી મણીલાલ બાપાએ સન્માનિત બહેનોના પરિવારોને પણ તેડાવ્યાં અને મહેમાનોનું  સ્વાગત પુસ્તકો અને બીજ દ્વારા કરવામાં આવ્યું.  ખરેખર,  સન્માન હો તો ઐસા.