ચાલો, આપણે સૌ યાદી બનાવી જાત મેળે નક્કી કરીએ કે : આપણે કેટલી માત્રામાં ભ્રષ્ટાચારી છીએ ?

ભદ્રાયુ વછરાજાની                                             bhadrayu2@gmail.com  

શાસ્ત્રકાળથી અનીતિમય વ્યવહાર કરવાનું ચાલે છે, પણ આપણે તેને  ભ્રષ્ટ આચાર ગણેલ નથી. મૂળ છે શબ્દ : ‘ભ્રષ્ટાચાર’ એટલે કે ‘કરપ્શન ‘.  ભિખારીએ પણ શાંતિથી ભીખ માંગવા માટે હપ્તા દેવા પડે અને દેશી દારૂની કોથળી વેંચનારે પણ છેક સુધી હપ્તા ખવરાવવા પડે છે, એવું આ દેશમાં, હજી નહીં જન્મેલું બાળક પણ જાણે છે ! ‘Corrupt’ શબ્દનો શબ્દકોષીય અર્થ સ્પષ્ટ છે : બગડેલું, સડેલું, નીતિભ્રષ્ટ લાંચિયું… ભ્રષ્ટ કરવું તે ભ્રષ્ટાચાર.. હવે, વાત અહીં આવીને અટકે છે : ભ્રષ્ટાચાર એટલે શું માત્ર નાણાંની લેવડદેવડથી જ થતો આચાર ?? નીતિ – નિયમ મુજબ કરવાનું થતું કામ ન કરીને, નાણાં પડાવે અને પછી તે જ કામ કરે તેને આપણે ભ્રષ્ટાચાર કહીશું, ખરું ને ? નાણાં પડાવે તે corrupt ગણાય તો નાણાં આપે અને વચ્ચે રહી નાણાં આપવાનું ગોઠવી આપે તે corrupt ખરા કે નહીં ?

‘જે હોદ્દા પર હું બેઠો છું, તે હોદ્દા પરથી જે કામ કરવાની મારી ફરજ છે તેમાં હું લેશમાત્ર દગડાઈ કરું તો હું ભ્રષ્ટાચારી છું..’ આ વ્યાખ્યામાં નાણું વચ્ચે આવે તો જ હું ભ્રષ્ટાચારી ઠરું તેવું ભારત દેશમાં માનવામાં આવે છે, જે સરાસર ગલત છે.. અને જો સ્વીકારીએ તો આપણે સૌ થોડા ઘણા અંશે ભ્રષ્ટ લોકો છીએ… કડવું સત્ય ન ગમ્યું ? તો વાંચો આ યાદી…. હું કર્મચારી છું અને કર્મચારી છું તેથી મારે નોકરીના નીતિ નિયમોનું પાલન કરવાનું છે. હું નિયમિત રીતે અનિયમિત છું, સમયસર ફરજ પર જતો નથી, કોઈ નોંધ લેનાર ન હોય તો પૂરો સમય ફરજ પર હાજર રહેતો નથી, મારી પાસે કોઈ કામ લઈને આવે તો હું તેને આદરથી આવકારતો નથી – તેને લાંબો સમય બેસાડી રાખું છું – સરખો જવાબ આપતો નથી – તેને ધક્કા ખવરાવવાનું ચૂકતો નથી, મહિને ત્રણ – ચાર વખત સાંજ પડે ઉઠમણું / બેસણું / પ્રાર્થનાસભાનું બહાનું કાઢી વહેલો શાકભાજી લેવા જતો રહું છું, ચાલુ નોકરીએ પાંચ – છ વખત ચા પીવા કે નાસ્તો કરવાના બહાને આંટાફેટા કરું છું, ઓફિસના કાગળ – પેન – પેન્સિલ – સ્ટેશનરી ઘરના છોકરાવ માટે બિન્દાસ્ત પણે લઈ જઉં છું, નોકરીમાં હાજરી પૂરી મારા સંપ્રદાયના ધર્મસ્થાનની કે સમાજસેવાની કે મંડળ – કમંડળની સેવા પ્રવૃતિઓમાં સમય ગાળું છું, … કસ્ટમર સામે ઊભો હોય તેની દરકાર કર્યા વગર મોબાઈલ પર વાતો કરું છું કે ઓફિસના કોમ્યુટર પર પાનાં રમું છું કે પછી પાન માવાનો ડુચ્ચો ભરી ઓફિસની ડસ્ટબીનમાં થૂંક્યા કરું છું કે પછી કાર્યાલયની ગાદીઓ પાથરી આરામ ફરમાવું છું અથવા તો અર્ધી કલાકની જમવાની રિસેસની તૈયારી કરવામાં એક કલાક અને જમ્યા પછીની હળવાશની બીજી અર્ધી કલાક પ્રેમથી ભેળવી રોજ બે’ક કલાક ફરજમાંથી કાતરી લઉં છું !! યાદી બહુ લાંબી બને તેમ છે અને વિવિધતા સભર પણ બને છે આમાં ભલે ક્યાંય નાણું વચ્ચે ન આવ્યું છતાં આ બધું ભારોભાર ભ્રષ્ટાચાર છે. 

‘તમે કોઈ કામ સ્વીકારતી વખતે જાણે – અજાણ્યે જે નીતિ નિયમોથી બદ્ધ થયાં તેનાથી ચલિત થવું તે કરપ્શન કે ભ્રષ્ટાચાર છે…’ બોલો, આ વ્યાખ્યાને ભ્રષ્ટાચારની આપણી વ્યાખ્યા તરીકે સ્વીકારીશું ? અને જો સ્વીકારીએ તો, ચાલો આપણે સૌ યાદી બનાવી જાત મેળે નક્કી કરીએ કે : આપણે કેટલી માત્રામાં ભ્રષ્ટાચારી છીએ ? આપણને જવાબ મળશે :

અપને આપકો જિન્દા રખના કિતના મુશ્કિલ હૈ,

પથ્થર બિચ આયના રખના કિતના મુશ્કિલ હૈ |

આપણને કોઠે પડી ગયું છે આ બધું. આપણી ગળથુંથીમાં પાવામાં આવી રહ્યું છે અનીતિમય હોવું… મારું ભૂલકું ગેરકાયદે ફીટ કરેલી ગેસકીટવાળી મારુતિવાનમાં  ઠાંસોઠાંસ ખડકાયને સ્કૂલે જાય છે. મારું બાળક કહે છે કે પોલીસ અંકલને રોક્યા.પછી અમારા ડ્રાયવર અંકલે સો રૂપિયા પોલીસ અંકલના ખિસ્સામાં મુક્યા એટલે અમારી વાન ઉપડી અને વાન ઉપડી એટલે અમે બધાએ ‘જય હો.. જય હો… નું ગીત જોશથી ગાયું…!! હમણાં દક્ષિણ ગુજરાતની એક બી.એડ. કોલેજ (ગ્રાંટેડ) નું સુવેનિર (વાર્ષિક અંક) માટે વધુમાં વધુ જાહેરખબરો ઉઘરાવી લાવનાર તાલીમાર્થીઓમાં મોખરે રહેનાર પાંચ તારલાઓના ફોટા છપાયા છે ! ? હવે, બોલો પેલું ભૂલકું કે બી.એડ. થઈ કાલે શિક્ષક થઈ જનાર ને ભ્રષ્ટાચાર શીખવવાની કોઈ અલગ વ્યવસ્થાની જરૂર છે આ દેશમાં  !!