અસ્મિતા વિશેષ સંવાદ : (46) : શ્રી રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

ભદ્રાયુ વછરાજાની                                   bhadrayu2@gmail.com

ભારોભાર કરુણાથી છલકતું એક સર્જક હૃદય વિશ્વકોશના સ્ટુડીઓમાં ત્રણ કલાક પોતાની આભા છોડી ગયું એવો અનુભવ જેમણે કરાવ્યો તે કવિશ્રી રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ સાથેના આત્મીય સંવાદના કેટલાંક સ્મરણો…

“મારી બા એ બિલકુલ સૌરાષ્ટ્રની એક અભણ સ્ત્રી. આ પહેલું વાક્ય હું કાયમ એના માટે બોલું એ સૌરાષ્ટ્રની એક એવી અભણ સ્ત્રી કે જેને હું પૂછું, તું કેમ ભણી નહીં ? તો કહે, અમારા જમાનામાં છોકરીઓ ભણતી નહોતી. બીજું હું એને  પૂછું કે,  તને આ બધું સૂઝે છે ક્યાંથી ? કારણ કે એને કવિતાઓ ગાવાની ટેવ પડી ગઈ હતી. પોતે ઘરને કોઈ દિવસ તાળું ન મારે. હું બગીચામાં રમતો હોઉં ધૂળમાં,  તો એ શાક લેવા ગઈ હોય તો જાય અને જતા જતા ઘરની જાળી તરફ, પગથિયાં તરફ ડોક્યું કરીને ગાતી જાય, હું હમણાં જઈને આવું છું, મારું ઘર સાચવજે ગોવિંદા... એનામાં શ્રદ્ધા જબરજસ્ત હતી. એને હું પૂછું કે, તેં  ભગવાનને જોયો છે ? તો આ શ્રદ્ધા કોની પર રાખે છે ? તો એ હંમેશા કહેતી કે,  શ્રદ્ધા છે એ હંમેશા આપણી અંદરથી આવે છે. તેની પાસેથી ઘણા ઘણા એવા શબ્દો, ઘણી એવી વાતો શીખ્યો જે મને પછી ખબર પડી કે એના પ્રમાણ તો બહાર મળે છે, બહારના ગ્રંથોમાં મળે છે. ગ્રંથો પ્રમાણે એના જીવનમાં કંઈ જોવા ન મળ્યું. પણ એના જીવનમાં જે કંઈ જોવા મળતું હતું, એ ગ્રંથોમાં મળતું હતું. બીજું એની પાસેથી જીવનમાં શીખ્યો કે દરેક વસ્તુ સ્વીકારી લેવી. એ સુખની કલ્પના ના કરે, દુઃખની કલ્પના ના કરે. જયારે જે પરિસ્થિતિ થાય એનો એ સ્વીકાર કરી લે. ક્યારેક મને એની સામે વાંધો પણ પડતો કે આવું કેમ ? ક્યારેક મને એની બાળપણની વાતો કરે ત્યારે અમદાવાદની અંદર કોલસાનું રેશનિંગ હતું. આ અમદાવાદમાં ૧૯૪૭ પહેલાં કોલસાનું રેશેનિન્ગ  હતું ઘણી બધી હાડમારીઓ વચ્ચે ઘરની અંદર ચૂલો કરીને જીવતું હતું એ જમાનામાં એવી વાતો કરે કે જે મારા જન્મ પહેલાની હતી. પછી હું એને કહું કે, કોઈ દિવસ તને ભગવાન સામે વાંધો નથી પડતો ! તું માંગે છે ખરું ભગવાન પાસે  ? તો એ કહે, ભગવાન પાસે માંગવાનું નહીં ,,એટલે મેં કીધું,  તો શું કરવાનું ? મને કહે,  હંમેશા ભગવાન પાસે આપણે શાંત થતા શીખવાનું,, આ મારા માટે બહુ મોટી વાત હતી કારણ કે હું તો હંમેશા રસ્તે ચાલતો હોઉં ને જો સામે ગાય આવતી હોય તો પણ બીક લાગે કે, આ શિંગડું મારશે તો ? એટલે હું એ બીજા ત્રીજા ધોરણમાં ભણતો છોકરો પ્રાર્થના કરી લઉ કે, હે  ભગવાન,  આ ગાયથી મને બચાવેલી લેજે. કોઈક વાર કૈક મૂંઝવણ થાય કે  જયારે હોમવર્ક કરીને લઇ ન ગયો હોય ત્યારે મને થાય કે આજે સાહેબ મારું હોમવર્ક ન તપાસે તો સારું ભગવાન,  મને બચાવી લેજે. કોઈક વાર નાના નાના સુખો માંગી લેતો ભગવાન પાસે. ને મારી બા કહે કે, ભગવાન પાસે કશું માંગવું નહીં. મેં કીધું, કેમ ? તો કહે, કદાચ ખોટું માગ્યું હોય તો ? તો પછી.. મેં કહ્યું ભગવાન,  ક્યાં આપે જ છે ?  તો એ મને કહે,  ભગવાન કોઈને આપતા પણ નથી અને કશું કોઈનું લઇ પણ નથી લેતા !!  આ એમની પાસેથી પહેલું મળેલું માર્ગદર્શન સિદ્ધાંત. મેં કીધું,  તો ભગવાન શું કરે છે. તો મને કહે છે કે,  બસ જોયા કરે અને હાથ આમ કરીને કહે કે તથાસ્તુઃ ,, આ વસ્તુએ મને એટલો બધો અંદરથી ઘડ્યો. આ એક જ વાકય તથાસ્તુઃ વાળું અને મને થયા કરે કે,  હું કશું ખોટું તો થાય કે ભગવાન તથાસ્તુઃ કહી દેશે તો ? કંઈક મનમાં વિચાર આવે ખોટો ને ભગવાન તથાસ્તુઃ કહી દેશે તો ? આ માંદા પડ્યા તો હજી તબિયત બગડી જશે એવું નથી વિચારવું હવે જલ્દી સાજા થશે એવું વિચારવું છે. તો મારા વિચારોને વળાંક આ રીતે મળ્યો. આ બાળપણ…

માતા પિતા બંને એડવાન્સ કહેવાય કારણ કે એ લોકોની જે વાતો સાંભળી છે મેં, એ વાતો ઉપરથી મને એમ લાગ્યા કરે છે કે ગામની અંદર એ માત્ર બધાને પ્રેમ કરતા હતા. સૌના કુટુંબીજન હોય એવું લાગ્યા કરે. મારા બાના મૃત્યુ વખતે એના ગામથી બધા એ કહ્યું કે, તમે ક્યારે આવશો મારે ગામ ? તો મને થયા કરતું હતું કે, આ લોકો બધા જે પત્રો લખે છે તો મને લાગતું કે આ બધા પત્રો ઔપચારિકતા ખાતર લખે છે. આટલા બધા લોકો શું કામ પત્રો લખે ? અનુકૂળતાએ લગભગ એકાદ મહિના પછી ગામ ગયો તો મને એવું હતું કે,  લગભગ ૨ – ૩ કલાકમાં બધાને મળીને પતી જશે અને પાછો અમદાવાદ આવતો રહીશ. પણ લોકો આવતા રહ્યા, લોકો મળતા રહ્યા સાંજ સુધી મળતા રહ્યા. સાંજ સુધી મળતા રહ્યા ત્યારે પહેલી વાર બા ના મૃત્યુ ઉપર જે એ વખતે રડેલો તેવો જ રડ્યો કારણ કે મારા મનમાં એમ થતું હતું કે બા સંઘર્ષમાં ઉછરેલી છે એટલે પૈસાની કંજૂસ છે. કોઈક વાર લાગતું હતું કે,  બા બધાની પાસે કાયમ પૈસા માંગી લે છે એટલે જરૂર એને કોઈકને ઘરમાં કુટુંબીજનોને આપવા હશે. પણ એની કંઈ  ખબર નહોતી પડતી. હું એમ કહું ને કે બા મારો પગાર વધ્યો તો કહે,  એમ,  કેટલો વધ્યો ? તો હું કહું,  બા ૫૦૦ રૂપિયા વધ્યો. તો એ કહે કે,  એ ૫૦૦ રૂપિયા મને આપજે. કોઈક વાર ઓચિંતું એમ કહે કે,  બેટા એક કામ કરને તાંબાના બે ઘડા લઇ આપ ને.. હું કહું કે આપણા ઘરમાં તો કઈ જરૂર નથી તો પણ લાવી આપવા પડ્યા હોય. કોઈક મને મળવા આવ્યું હોય તો એ કહે કે,  મારે સાડીની દુકાન છે તો એને કહે કે આ તમને પૈસા આપું તમે ૫ સાડીઓ લાવી આપજો ને. મને ખબર નહોતી પડતી આ શું છે ? ગામમાં માવજીભાઈ ધનજીભાઈ પ્રજાપતિ એને અમે મામા કહેતા. અને પછી એ ગામ મને  હું ભાણકો કહેતું. મજાની વાત એ હતી કે જે બધા મળવા આવતા ગયા. એમાં કોઈકે કહ્યું કે તમારી બા એ તો અમારી દીકરીનું મોસાળું કર્યું હતું. કોઈ આવીને કહે કે, અમારી દીકરીનું કરિયાવર એમણે કર્યું હતું, કોઈ કહે મારા છોકરાના છોકરાને રમકડાં લાવી આપતા હતા અમદાવાદથી કોઈ કહે કે, ગરમ સ્વેટરો લાવી આપતા હતા. તો મને લાગ્યું કે જે બહુ કંજૂસાઈમાં રહેતી હતી જે કાયમ અમારી પાસેથી પૈસા માંગી જ લેતી હતી, એના પૈસા ખરેખર જાય છે ક્યાં… એમની પાસેથી હું પ્રેમ કરતા શીખ્યો, હું સહજ રહેતા શીખ્યો. સૌનો સ્વીકાર. એટલે હું મજાકમાં પણ કહેતો કે તું સૌનો સ્વીકાર નથી કરતી, માત્ર દુઃખનો સ્વીકાર કરે છે. તારા જીવનમાં સુખ તો ક્યાં આવ્યું ?  એના માટે એક શેર લખ્યો હતો :

કટકે કટકે તું જીવ કાપે છે,

કયો ગજ છે તું કોને માપે છે ?  (ઈશ્વરને માપે છે કે તારી જાતને માપે છે. )”

અસ્મિતા વિશેષ સંવાદ : (45) :: શ્રી બકુલ ધોળકિયા

અસ્મિતા વિશેષ સંવાદ : (45) :: શ્રી બકુલ ધોળકિયા

ભદ્રાયુ વછરાજાની                               bhadrayu2@gmail.com

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ અને સંતુલન, રાજકોટ ના સંયુક્ત ઉપક્રમે અર્ધ સાડી તારા પ્રયાણ કરી રહેલ યાદગાર સંવાદ શ્રેણીઅસ્મિતા વિશેષ સંવાદના પીસ્તાલીશમાં મણકામાં અમે મળ્યા IIM, Ahmedabad ના વરિષ્ઠ ફેકલ્ટી અને પૂર્વ ડાઈરેક્ટર શ્રી બકુલ ધોળકિયા ને..

પોતાના જીવનના એક એક પાસાને મુક્ત મને અભિવ્યક્ત કરીને બકુલભાઈએ જીવન  કિતાબને ખુલ્લી મૂકી દીધી. પોતાની નબળાઈને પણ એકદમ સહજતાથી સ્વીકારનાર શ્રી બકુલભાઈનું પ્રદાન  મેનેજમેન્ટની દુનિયામાં અગ્રેસર છે. આજે તેઓની નિખાલસતાની આરસી દર્શાવતા નાના પ્રસંગોને અહીં પેશ કરું છું.

“ મારા માતા પિતા એ સમયમાં એમના ઈન્ટર કાસ્ટ મેરેજ કરેલા.  એટલે મારા માતાના પક્ષથી એટલે કે માતાના પિયર તરફથી એનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો કારણ કે એ સમયમાં ઈન્ટર કાસ્ટ મેરેજ સ્વીકાર્ય નહોતા. એટલે અમારું ફેમિલી ન્યુક્લિયર ફેમિલી હતું. માતા પિતા અને અમે બે. મારા ફાધરના  અંકલ અને મારા ફાધરના મોટા બહેન  અમારી સાથે રહેતા હતા એટલે એ સેન્સમાં અમારું જોઈન્ટ ફેમિલી કહેવાય,  પણ જે સેન્સમાં લોકો જોઈન્ટ ફેમિલી ગણે છે તે સેન્સમાં નહીં.

હવે મેટ્રિક એટલે એ જમાનામાં બોર્ડ એકઝામ મેટ્રિકની હતી. ૧૧ + ૪, વળી સિસ્ટમ હતી,  ૧૨ + ૨ નહોતું એટલે કે  ૧૦+૨+૩ ની ફોર્મ્યુલા નહોતી. એટલે પહેલા ધોરણથી અગિયારમા ધોરણ સુધી મારું શિક્ષણ ગુજરાતી મીડિયમમાં થયું. એટલે ઘણા લોકોને IIM માં નવાઈ લાગતી હતી કે હું વર્નાક્યુલર  ગુજરાતી મીડિયમમાં ભણેલો છું, પણ એ વાતની મને સહેજ પણ નવાઈ નહોતી લાગતી. મને વાતનો ગર્વ છે અને હું પોતે એમ માનું છું કે, માતૃભાષામાં શિક્ષણ લેવાથી સમજણ વધારે ઊંડી હોય છે, શિક્ષણ વધારે ગહન બની શકે. એટલે એનું જો કોઈ ઉદાહરણ હોય તો હું પોતે છું. અંગ્રેજી એક ભાષા છે અને અંગ્રેજી ભાષા હું જયારે પહેલ વહેલી વાર આઠમા ધોરણમાં આવ્યો ત્યારે મારા ફાધર મને શીખવી. સ્કૂલમાં નહીં.

સ્કૂલમાં તો આઠમા ધોરણ પછી આવતો અંગ્રેજી વિષય એટલે સાતમું ધોરણ પૂરું થયું ત્યારે એના સમર વેકેશનમાં મેં ઘરે અંગ્રેજીનો અભ્યાસ શરૂ કર્યો. હવે એ જમાનામાં એમ.એસ.યુનિવર્સીટી ઓફ બરોડા એ એકમાત્ર એવી યુનિવર્સીટી હતી કે જેમાં શિક્ષણનું માધ્યમ અંગ્રેજી માધ્યમ હતું અને એ વડોદરામાં હતું. પણ કારણ કે મોટા ભાગના વિદ્યાર્થીઓ ગુજરાતીના આવે એટલા માટે પહેલું વર્ષ કોલેજનું,, એમાં અમને ઓપશન આપવામાં આવતો હતો કે તમારે અંગ્રેજીમાં ભણવું છે કે ગુજરાતીમાં ? પણ બીજા વર્ષથી અંગ્રેજી કમ્પલસરી હતું.

મારો સ્વભાવ પહેલેથી જ જરા તીખો. ગુસ્સો બહુ જલ્દી આવે અને lose tempered અને પછી એના ઉપર કંટ્રોલ ના રહે. બહુ નાનપણથી મારો જયારે જન્મ થયો ત્યારે નર્સ જે પાણી પીવડાવવા આવે એ પીવડાવવા આવી તો મેં લાત મારીને ચમચી ફેંકી દીધેલી એવું મારી મધરે મને કહેલું. એટલે ગળથૂથી થી આ ગુસ્સો મારી સાથે છે. પછી હું જયારે સ્કૂલમાં આવ્યો ત્યારે એમાં સ્લેટો એટલે કે  પાટી પેન આવતી. પહેલા ધોરણની વાત છે. તો મારા ક્લાસમેટ સાથે કૈંક  ધમાલ થઇ, તો પેલાને ગુસ્સો ચડ્યો. એટલે  એણે મારી સાથે મિસબિહેવ કર્યું અને એણે મને માર્યું એટલે મેં ટીચરને જઈને ફરિયાદ કરી. ટીચરે કશું ન કર્યું એટલે પછી રિસેસમાં એ માણસની સ્લેટ મૂકીને એના ઉપર હું કૂદ્યો અને એની સ્લેટ તોડી નાખી. એટલે પછી ફરિયાદ થઇ. ટીચરને ખબર નહીં કે મારા મધર એજ્યુકેશન ઈન્સ્પેકટર હતા અને એણે મારા મધરને બોલાવ્યા. એટલે મારા મધરે સૌથી પહેલાં આખા ક્લાસની વચ્ચે મને લાફો માર્યો અને કહ્યું કે, “ આ તારાથી ના થાય. ગમે તે થાય પણ તારે તારા ગુસ્સા ઉપર કાબુ રાખવો પડે.” પછી ટીચરને કહ્યું કે એણે જયારે તમને ફરિયાદ કરી ત્યારે તમારે જોવું જોઈતું હતું ને કે શું થયું છે. મારાં મધરની આ સ્ટાઇલ મને ગમી. એટલે I am trying to say that my major challenge was to control my anger. ( મારા ગુસ્સા ઉપર મારે કાબુ મેળવવો એ મારી સામેનો મોટો પડકાર હતો.)

 

અસ્મિતા વિશેષ સંવાદ :: (44) :: શ્રી કાર્તિકેય સારાભાઈ

ભદ્રાયુ વછરાજાની                                       bhadrayu2@gmail.com 

વિશ્વભરના ગુજરાતીઓ ગૌરવભેર જેમનું સ્મરણ કરે છે તે શ્રી વિક્રમ સારાભાઈ નું આખું જ કુટુંબ ઈશના આશિષો પ્રાપ્ત કરેલું વિશેષ કુટુંબ છે. શ્રી વિક્રમભાઈની જેમ જ વિજ્ઞાન, પર્યાવરણ, શિક્ષણ માટે સતત કાર્યરત શ્રી કાર્તિકેય સારાભાઈ વિશ્વકોશના સ્ટુડીઓમાં પધાર્યા અને તેઓની સાથે સુદીર્ઘ સંવાદ થયો, તેના કેટલાક અંશો….

“એક નવું પહેલું કામ જે આવ્યું તે પ્રોટીન ફૂડ એસોસિએશનનું. પ્રોટીન ફૂડ એસોસિએશન લોકો ભાત અને દાળમાંથી  જે પ્રોટીન એબ્સોર્બ થાય છે એના માટે તેઓ પહેલા ભાતનું પ્રોટીન શોધે પછી દાળનું અને પછી સરવાળો કરે અને એ સરવાળો બીટ અને દૂધ કરતા ઘણો ઓછો આવે છે એવું પુરવાર કરે. પછી એવું સૂઝ્યું કે આ બેયને સાથે રાંધીએ તો શું થાય, સાથે ખાઓ તો શું થાય ? તો સાથે કરીને જોયું તો ભાતને લીધે જે દાળનું પ્રોટીન વધારે એબ્સોર્બ થવા માંડ્યું. કન્કલુઝન એવું હતું સાયન્ટિફિક રિસર્ચનું કે ભાત અને દાળ સાથે ખાવા જે આપણે કદાચ ૫૦૦૦ વર્ષથી કરતા આવીએ છીએ પણ એનું કારણ ખબર ન હતી , તેથી એ રીતે કરતા હોઈશું. એટલે કે ત્રણ ઈડલી સાંભાર અને ચટણી સાથે જેટલું પ્રોટીન આપે છે એ બે ગ્લાસ દૂધ જેટલું હોય છે.  આ વસ્તુની  આપણે બધાને જાણ કરવાની છે. એ બહુ રસપ્રદ પ્રોજેક્ટ હતો. 

Organisation  માં ને બિઝનેશમાં મારું કામ ત્યાં શરૂ થયું કમ્યુનિકેશનનું. એ સમય હું મુંબઈ હતો પછી તો અહીં આવ્યો અમદાવાદ. નહેરુ ફાઉન્ડેશનની નીચે એક જ સંસ્થા હતી કમ્યુનિટી સાયન્સ સેન્ટર અને એમાં પણ મુશ્કેલી કે ગ્રાન્ટ હતી નહીં બીજા વર્ષમાં હવે આગળ કેવી રીતે લઇ જવું ? એ પ્રશ્ન હતો. મને યાદ છે કે  દિલ્હી સાથે જે ગ્રાન્ટ ની શરૂઆત થઇ, એ કમ્યુનિટી સાયન્સ સેન્ટર માટેની ગ્રાન્ટ લાવવી હતી એ આપણે લાવી શક્યા એ વખતે. એટલે બીજા બે વર્ષ સુધી તો સંસ્થા ચાલશે એટલે એ મારું જે નહેરુ ફાઉન્ડેશન સાથે જે જોડાણ શરૂ થયું એ આનાથી થયું. સાયન્સ સેન્ટરનું થોડા વર્ષ પછી લગભગ ૭૭ સુધીમાં સેટલ થયું.. મને થયું કે થલતેજ ટેકરા ઉપર વૃક્ષો વાવવાનું આપણે શરૂ કરીએ. અને એ વખતે અમ્માએ પણ થોડું શરૂ કરેલું. પરંતુ  કશું પણ વાવીએ તો રહે નહીં,  કારણ કે આજુબાજુમાં બધા માલધારીઓ હતા (એ વખતે થલતેજ બહુ દૂર ગણાતું હતું આજે શહેરની વચ્ચે આવી ગયું. એટલે)  પણ થલતેજ ટેકરા ઉપર પછી નક્કી કર્યું કે કામ શરૂ કરવું અને વિક્રમભાઈના વિચાર છે એને કઈ રીતે આગળ લાવવા. એમાં એક આ પહેલો પ્રશ્ન વૃક્ષો ઉગાડવાનો હતો. એટલે ચોકીદારો રાખ્યા પણ કશું વળ્યું નહીં. મને  લાગ્યું કે એ લોકોની સાથે વાત કેમ ન કરવી. એટલે આજુબાજુના બધા માલધારીઓ હતા એને આપણે બોલાવ્યા. અમે કીધું કે, જો અમે અહીંયા એક સંસ્થા ઉભી કરવા પ્રયત્ન કરીએ છીએ. અહીંયા વૃક્ષો અમારે વાવવા છે પણ તમારા ઢોર આવે છે તો કંઈ બચતું નથી અને અમારા જમાદાર એમ કહે કે,  તમે આવીને પાણીની ચોરી કરી જાઓ છો. મેં કીધું આપણે પડોશી છીએ એટલે  ચોરીની વાત  હોય નહીં. એટલે તમે મુખ્ય બારણેથી આવો, સવારે અને સાંજે જેટલું પાણી લેવું હોય એ ભરીને લઇ જાઓ. તમારા બાળકોને ચણી બોર ભાવતા હોય અને બોર ખાવા હોય તો એ ખાઓ અને ઘાસ ઉગ્યું હોય તો આવીને કાપીને લઇ જાઓ,  પણ ઢોર અંદર ન આવે. ..એ લોકો આમ થોડા દૂર જઈને વાત કરી આવ્યા. પછી આવીને કહે કે, તમારી આ શરત અમને મંજુર છે. બીજે દિવસેથી એકેય ઢોર આવે નહીં આપણે ત્યાં… આવી પરિસ્થિતિ આટલી વાતચીતથી જ સર્જી શકાઈ.  

એક બે મહિના પછી આવ્યા તો બધા સવારે બહાર લાઈન થઇને ઉભા હતા, મેં કીધું શું થયું ? મેં તો ગાડી ઉભી રાખી. મને કહે છે કે એવું છે કે,  આપણે ત્યાં કચ્છથી કોઈ માલધારી આવ્યા છે,  એને આપણી વાતની ખબર નહીં,  આપણી line of control ની ખબર નહીં એટલે એના ઢોર પાછળથી આવીને પેસી ગયેલા નુકસાન પણ તમારે થયું છે પણ અમારે એટલું જ કહેવું છે,  આ અમારો ભંગ નથી,  આ ભૂલ થઇ ગઈ છે અને કાલથી નહીં થાય એટલે એક અમારા કુટુંબને ત્યાં પણ રાખ્યું છે. અને શરૂ થયું બીજે દિવસથી  …અને આજે તમે જોશો તો એક નાનું ઉપવન જેવું છે. આપણી પાસે ૧૧૦ કે ૧૧૫ જેટલા જુદા જુદા વૃક્ષો છે  અને આજે કોઈ આવીને જુએ તો કહે કે,  આટલું સરસ પર્યાવરણ. પણ એક વૃક્ષ હતું અને આ જે વાતચીત થઇ એના શબ્દોએ  સોશિયલ ફેન્સીંગ એટલે લોકોની વાડ બાંધી. લોકોની સમજથી વાડ બાંધી. પણ આ જે બધા કોન્સેપટ અમારા કામમાં આવેલા એ બધા થયા છે આવા બનાવોથી. એ વખતે કમ્યુનિટી સાયન્સ સેન્ટરમાં મેં કામ ચાલુ રાખેલું અને એ કામમાં રજોડા કરીને ગામ છે બોડકા પાસે તો દર ગુરુવારે અમે જઈએ,  હું ને જયશ્રીબહેન. ત્યાં ત્રીજા અને ચોથા ધોરણમાં ગણિત અને વિજ્ઞાન શીખવાડીએ. ચોક લઈને શીખવાડવાનું.

મેં એક દાખલો આપ્યો ૨૫ ગુણ્યા ૫,  તો ઘણા ખરા વિદ્યાર્થીઓના જવાબ ખોટા પડ્યા જવાબ.  પહેલો જવાબ હતો ૩૦. એટલે ગુણાકાર અને સરવાળો વચ્ચે નો ભેદ સમજાયો નહીં, ગુણાકારનો સરવાળો થઇ ગયો. બીજો  હતો  ૪૫..એને  વદી લેતા આવડ્યું પણ ગુણાકાર ન કર્યો. ત્રીજો જવાબ હતો  અને ચોથો  હતો ૧૨૫. હવે શિક્ષક બહેન એ વખતે બધાને ઉભા કરે. ગણિતમાં ભૂલ થાય ને એટલે બધાની પાસે ફરી વાર આ બોલાવડાવે એક પણ વિદ્યાર્થીએ આંકની ભૂલ નથી કરી એ પ્રોસેસ સમજતા નહોતા પણ આંકની ભૂલ નથી કરી. પણ એ શિક્ષકને સમજણ જ ના પડી કે, આ બાળકો મૂળ ગણિતમાં જ ભૂલ કરે છે અને હું આ બધું કરાવડાવું છું ફરીથી,  તો પણ આ કેમ ભૂલ કરે છે.  હવે મેં પછી સમજાવ્યું કે ભાઈ ત્રીસ વાળા અહીંયા જાઓ,  બધા ૪૫ વાળા આ બાજુ જાઓ, ૧૦૫ વાળા પેલી બાજુ અને ૧૨૫ વાળા બીજી તરફ. ૧૨૫ જવાબ આપનાર બાળકોમાંથી એક એકને બાકીના ત્રણ જૂથમાં મોકલી કહ્યું કે હવે તમે તમારા જૂથમાં જે છે તેને શીખવો. પેલા બેન કહે કે,  આ તો ગજબનું થઇ ગયું ક્લાસમાં બાળક બાળક પાસે શીખવવાનું કરો છો અને અને બધાને individual attention  મળે છે હું તો એવું ઈચ્છું છું કે શિક્ષણમાં જે ફેરફાર કરવાના છે તે આ જ પ્રકારના કરવાના છે.  જયારે એ બાળકોને સમજણ પડી ગઈ કે શું કરવાનું છે તો બધાના  જવાબ સાચા. પછી એ સૌને એવા જ બીજા દાખલા આપ્યા  તો બધા સાચા પડયા. કારણ કે એ લોકોની  ભૂલ આંકની તો નહોતી પણ સમજની હતી.  એટલે શિક્ષિકાબેનને તો  સ્કૂલ સાથે જાદુ કરી ગયા હોય એવું લાગે ને  કહે તમે આવીને આટલું શીખવાડી ગયા જે વસ્તુ હું ફરી ફરીને શીખવાડતી એ આવડે નહીં,  પણ તમે શીખવ્યું એ આવડી ગયું એટલે એ વખતે વિશ્વાસ પડ્યો.   

બાળક કે કોઈ પણ વ્યક્તિ કઈ પણ કરતી હોય ને તો સૌથી પહેલા એ ભૂલ છે એવું ના સમજે. એની વિચાર કરવાની શ્રેણી જુદી છે. એ વિચાર જુદી રીતે કરે છે પણ ભૂલ નથી હોતી. એક વાર અમારે ઘરે એક નાની  પૂજા છે,  તો એક મંજુબેન કરીને હતા એ ફૂલ ગોઠવે.  બહુ સરસ રીતે શણગાર થાય અને હું દીવો કરું. એ મંજુબેન આવ્યા નહોતા એટલે અમારે રામકુમારી ઉત્તરપ્રદેશના બેન છે એટલે એમણે ગોઠવ્યા બધા ફૂલ ઉત્તર દિશામાં એટલે મંજુબેન આવીને કહે કે,  જોયું આ લોકોમાં  અક્કલ જ નથી,  કશી ખબર જ નથી.. કેવી રીતે ફૂલ ગોઠવવા એ પણ નથી ખબર. મને  પેલો મારો રજોડાનો ખ્યાલ ખરોને એટલે  મને થયું કે  અક્કલ નથી એવું બોલાય નહીં. એટલે મંજુબેન માટે ફૂલ એ શણગાર છે. શણગાર હોય એટલે આપણા તરફથી આવે છે. આ રામકુમારી માટે એક અર્પણ છે ફૂલ એટલે એ પેલી બાજુ જુએ છે. એટલે એ ભૂલ નથી પણ એ બંનેનો ભાવ જુદો હતો. આમાં ફૂલ મુકવાનો ભાવ જુદો હતો !!  અને આ બે નાના ઉદાહરણ આપ્યા પણ એ હું છેક climate change ના discussion માં આ વસ્તુ વાપરૂં છું.”

આપણે પણ આ પૃથ્વી ઉપર ભગવાને મોકલેલો પ્રસાદ જ છીએ ને !

આપણે પણ આ પૃથ્વી ઉપર ભગવાને મોકલેલો પ્રસાદ જ છીએ ને !

આપણે પણ આ પૃથ્વી ઉપર ભગવાને મોકલેલો પ્રસાદ જ છીએ ને !

અખંડ આનંદ ફેબ્રુઆરી – ૨૦૨૪

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

સામે રહેતા નંદીશને પૂછ્યું કે,  નંદીશ, તારા દાદાબાપુ શું કામ કરે છે? તો છ સાત વર્ષનો નંદીશ બોલ્યો કે, ‘મારા દાદા છે ને એ પ્રસાદ વેચવાનું કામ કરે છે.’  હવે અમને આશ્ચર્ય થયું કે દાદા પ્રસાદ વેચવાનું કામ કરે છે, એટલે ખરેખર શું કરતા હશે? પણ આ નાનકડા છોકરા પાસેથી મળેલો જવાબ છે તે કેટલો નિખાલસ  અને ખુલ્લા હૃદયનો હતો એ અમને બહુ છેલ્લે સમજાયું.

ધીમે ધીમે કરતાં અમારો ઘરોબો અમારા પાડોશી સાથે વધવા લાગ્યો. એમની એક નાનકડી દીકરી જે ચાલતા શીખી રહી હતી એને આંગળી પકડીને ચલાવવાનું કામ અમારા ફળિયામાં થયું. એ વખતે નવરાત્રીના ગરબા અમારે ત્યાં થતા. એટલે એ ગરબાઓની વચ્ચે એ દીકરીને આંગળી પકડીને ચલાવે અને પછી એ તબલા અને ઢોલના તાલે નાચતી-નાચતી ચાલે એનો ખૂબ આનંદ હતો, સૌ રાજી થતા હતા. બસ, એમાંથી જ એ ચાલતા શીખી. આ બે કુટુંબ વચ્ચેનો અમારો નાતો.

પણ, મુદ્દો એ હતો કે મનુદાદા ખરેખર શું કરે છે? મનુદાદાનું  કુટુંબ ખમતીધર.  સરસ મજાનું મકાન. અમારી સામે જ બરાબર મકાન, ઘરમાં બે ગાડી, નંદીશના પપ્પાને કારખાનું, અને પતિ-પત્ની એટલે કે મનુદાદા અને લલિતામાસી બંને એકબીજાથી જુદા ઉચ્ચારણ થી એકબીજાને બોલાવે. મનુદાદા ને ‘જય સ્વામિનારાયણ’ કહેવાનું અને લલિતામાસીને ‘જય શ્રી કૃષ્ણ’ કહેવાનું. અમને આનંદ થયો કે વાહ ! પતિ-પત્ની પણ પોતાની વિચારધારા પ્રમાણે સંબોધન કરી શકે છે, આવું નિખાલસ એવું આ કુટુંબ અમારી સામે રહે.

મનુદાદા બહુ એક્ટીવ, લગભગ લગભગ તમને દોડતા દેખાય. સીડી ના પગથિયાં ચડે તો એક ડગલામાં  બે-ત્રણ પગથિયા ઠેકી જાય. એની ઉંમર કાંઈ એટલી બધી નાની ન હતી. એમની ઉંમર ૬૦-૬૫ વર્ષ તો  થઈ ગઈ હતી.પણ એ પ્રવૃત બહુ ને હસમુખા ય બહુ .., જ્યારે જુઓ ત્યારે બે હાથની આંગળીઓ વાંકી વાળી અને નખ એકબીજા સાથે ઘસ્યા કરે અને સાથે સાથે હસતા ચહેરે  વાતો  કર્યા કરે. ખાદી જેવા, પણ અપટુ ડેટ ઇસ્ત્રી કરેલા સરસ મજાના સફેદ કપડાં પહેરે. ગાડીમાં અવરજવર કરે, ડ્રાઇવર એને લઈ જાય ને મૂકી જાય, પણ અમારા મનમાં એક જ પ્રશ્ન હતો કે નંદીશ કહે છે કે આ મનુદાદા પ્રસાદ વેચવાનું કામ કરે છે, તો મનુદાદા ખરેખર શું કરતા હશે? અમે પ્રયાસ તો બહુ કર્યો કે, એમનેમ જાણી શકાય તો જાણીએ. પણ પછી ખ્યાલ આવ્યો કે મનુદાદા છે એ અમારા શહેરના રાજમાર્ગ ઉપર રહેલા એક સ્વામિનારાયણના મંદિરના ભગત છે. પરિણામે ‘જય સ્વામિનારાયણ’ બોલે છે. ક્યારેક, નિયમિત નહીં પણ કપાળમાં તિલક પણ કરે છે, ક્યારેક ચાંદલો પણ કરે છે. એટલે અમને એમ થયું કે, પ્રસાદવાળી વાત આ મંદિર સાથે જોડાયેલી હશે.

અમારી વચ્ચે ઘરોબો વધ્યો અને ધીમે ધીમે કરતાં બે ચાર વર્ષ થયા. મનુ દાદા વાતોડિયા બહુ.. વાતો  કરવા ઊભા રહે અથવા તો ઉભા રાખે. એ વાત કરતા હતા તેમાં મેં હિંમતથી પૂછી કાઢ્યું કે, મનુદાદા તમે શું કરો છો? તો એણે  કીધું કે,  હું બિલ્ડર છું.  મકાનો બધા ભાઈબંધો ભેગા થઈને બાંધે એમાં હું નાનો પાર્ટનર. હું સાઈટ ઉપર રહું, એ મારી જવાબદારી. અને જેનું કામ પડે એને ફોનથી બોલાવીને સાઈટ ઉપર લઈ આવવા એ જવાબદારી મારી. આમ તો મનુદાદા ભૂતકાળમાં આજે જે કોમોડિટી માર્કેટ કહેવાય છે, એવા અનાજના સટ્ટામાં પણ હતા ધોરાજી બાજુ. પણ એ બધું બહુ જામ્યું નહીં એટલે આ બાજુ આવી ગયા અને બિલ્ડીંગ બાંધવાનું કામ એ બહુ સારી રીતે કરે. હજુ  મને મારા પ્રશ્નનો જવાબ મળ્યો નહોતો કે, આ પ્રસાદ વાળી વાત ક્યાં છે? મનુદાદા અમારું ઘર બંધ હોય તો પોતાને ત્યાં કુરિયર વાળા ને બોલાવીને લઈ લે. પછી તો ટેવ પડી ગઈ કે, અમારું ઘર ખુલ્લું હોય તોય કુરિયર વાળો સામે ઘરે જઈને મારા નામની બૂમ પાડે અને મનુદાદા પ્રેમથી આવે અને આવીને પોતે કુરિયર લઈ લે. અમે બહારથી આવીએ એટલે ‘જય સ્વામિનારાયણ’ કહીને હાથ ઊંચો કરે  પણ અમને હાથમાં કુરિયર ના આપે. અમે દાદરો ચડીને ઘર ખોલીએ એટલે મનુદાદા અમારો દાદરો ડાંફ ભરતા ચડીને આવીને કહે કે, ‘લો આ તમારૂં કુરિયર’. અમે કહીએ,  દાદા અમે નીચે હતા તો આપી દેવું હતું ને, તો કહે, ના રે ના એ  બહાને આપણે  સત્સંગ થયો, મળવાનું થયું. બાકી તો આપણે  ક્યાં મળીએ છીએ !

એમાં એક વખત દાદા  ઘરે આવ્યા, અને મેં કીધું, બેસો-બેસો. મારે તમારી હારે એક અગત્યની વાત કરવી છે. તો કહે, બોલો-બોલો. અને પછી મેં કીધું કે ખોટું ના લગાડતા, તમે તો બહુ હસમુખા છો. પણ નંદીશ કહેતો હતો કે, તમે પ્રસાદ વેચવાનું કામ કરો છો, તો એ શું ? તમે પ્રસાદ વેંચો છો? એટલે એ મોટા અવાજે ખડખડાટ  હસી પડ્યા. એ કહે,  “નંદીશ ખોટો નથી સાચો જ છે. પ્રસાદ વહેંચવાનું એટલે એમ કે  છેલ્લા વર્ષોથી આ મારો નિત્યક્રમ છે. સાંજ પડે એટલે હું સ્વામિનારાયણ મંદિરના ઓટલે બેસી જાઉં, અને જેવી આરતી પુરી થાય એટલે અંદરથી સ્વામી મને થાળી આપે, એટલે હું ઉભો રહી ને ત્યાં બસો કે ચારસો કે પાંચસો  માણસોને ધીમે ધીમે પ્રસાદ આપતો જાઉં. પ્રસાદ આપતો જાઉં અને હરિ નું નામ લેતો જાઉં. એટલે મળે બહું  લોકો આપણને, સૌની સામે આપણે  ‘જય સ્વામિનારાયણ’ કહીએ, સ્મિત કરીએ, એટલે આપણા પ્રત્યે બધાની લાગણી વધે, અને બીજું એ કે,  એક દોઢ કલાક હરિનું સ્મરણ થાય અને સૌને હરિનો  પ્રસાદ વહેંચી શકાય. આમ તો ભદ્રાયુભાઈ, આપણે પણ આ પૃથ્વી ઉપર ભગવાને મોકલેલો પ્રસાદ જ છીએ ને ! તો આપણે પ્રસાદ ન વહેંચીએ તો બીજું શું વહેંચીએ ? નંદીશ ખોટો નથી, નંદીશ સાચો છે હો…”

સાવ જ ગામડાના લાગે એવા પણ મોટા ગજાના મનુદાદા ભણીને મોટા હોવાનો વ્હેમ રાખનાર ભદ્રાયુભાઈને ગજબની ફિલસુફી સમજાવી ગયા હો….

 

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


શ્રી_સ્વામી_સમર્થ_પ્રસન્ન (૦૨)

શ્રી_સ્વામી_સમર્થ_પ્રસન્ન (૦૨)

#શ્રી_સ્વામી_સમર્થ_પ્રસન્ન (૦૨)

|| મૈં ગયા નહીં, યહાઁ હું ||

– ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

અક્કલકોટ ખાતે શ્રી સ્વામી સમર્થનું સમાધિ મંદિર નજદીકથી માણીને હવે જઈએ શ્રી સમર્થ સ્વામી વટવૃક્ષ મંદિર ના પરિસરમાં…

સ્વામીનાં અઢળક સ્વરૂપો અહીં છે, શ્રદ્ધાળુઓએ આપણા પ્રત્યેક અવતાર સાથે સ્વામીને નિહાળ્યા છે, અને તેથી તેને તે સ્વરૂપે નીરૂપ્યા છે… સાથેના ફોટાઓ પરથી તેનો ખ્યાલ આવશે.
જે વટવૃક્ષનું સાનિધ્ય જીવનભર સ્વામીશ્રી સમર્થ પામ્યા તે વટવૃક્ષ એમની જિંદગીનો milestone હતું. ત્યાં જ બેસવું, ત્યાં જ મૌન રહેવું, ત્યાં જ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું !! એ વટવૃક્ષ એટલું જબરું વિશાળ છે કે તેને સમગ્રપણે આવરી લેતું મંદિર અતિ ભવ્ય ભાસે છે. વળી, મંદિરને સજાવ્યું છે પણ ખૂબ જ પ્રભાવક શૈલીથી. પણ જ્યાં જાઓ ત્યાં વટવૃક્ષની કોઈ શાખા તો તમારું સ્વાગત કરે જ કરે..!!
મંદિરમાં ધસારો ખાળવા ને ભક્તો નિરાંતે બેસીને ધૂન ભજન કરી શકે તેવી વિશાળ પરશાળો પણ છે.
અન્નપૂર્ણા ભવનમાં સવાર સાંજ પ્રસાદ લેવા હજારો ભક્તો કતારબદ્ધ ઊભા હોય છે…કોઈ વિશેષ દિવસ ન હોય તો પણ દોઢ થી બે કલાક લાઈનમાં ઊભા રહેવું પડે ખરું !! હા, અહીં બધેય બે પ્રકારે દર્શન થઈ શકે : મુખદર્શન અને પૂર્ણદર્શન. દૂરથી કેવળ મુખ નિહાળી શકાય અથવા ખૂબ નજદીકથી પૂર્ણ મૂર્તિના દર્શન થઈ શકે.
આશ્ચર્ય એ વાતનું થયું કે આટલા સમર્થ સ્વામી રામદાસના પરિસરમાં પણ પોતાના મોટા ફોટા કે નામ કોતરવનારા છે !! તે દુન્યવી સમર્થીઓ પોતાની મોટી ચમકતી કાર પાર્ક પણ અહીં પરિસર માં જ કરે છે..!!
ઉતારાની, પાર્કિગની અને ભોજનની બહુ વિશાળ સગવડતા છે તે અવશ્ય આવકાર્ય છે.
સ્વામી સમર્થ રામદાસ નાં બન્ને સ્થાનકો ને પ્રેમથી નિહાળી એટલું લાગ્યું કે કોઈપણ આધ્યાત્મિક આત્માને પણ લોકો ધાર્મિક બનાવી દેવામાં પાવરધા છીએ. શ્રી મનના શ્લોકોને સમજો અને જીવનમાં ઉતારો તો ચોક્કસ સમજાય કે શ્રી સ્વામી સમર્થ આપણને આધ્યાત્મિકતા નો પથ દેખાડી ગયા છે,, આપણે આપણી અંદરની યાત્રા શરૂ કરવાની છે… બહારનાં કેવળ ધાર્મિક આભૂષણોથી જીવન સાર્થક થઈ શકે તેમ નથી. આ આધ્યાત્મિક આત્મા ખુદ કહે છે કે : #મૈં_ગયા_નહીં_યહીં_હું.
પ્રશ્ન થાય કે “શ્રી મનાંચે શ્લોક” ખરેખર શું કહે છે ?!?
થોડીક રાહ જુઓ તો ટુંકમાં સમજીશું.
ભદ્રાયુ

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


એક જ નાદ ગુંજે છે :: ‘#જય_જય_રઘુવીર_સમર્થ’

એક જ નાદ ગુંજે છે :: ‘#જય_જય_રઘુવીર_સમર્થ’

એક જ નાદ ગુંજે છે :: ‘#જય_જય_રઘુવીર_સમર્થ’

#શ્રી_મનાંચે” શ્લોકના ઉદ્દગાતા સમર્થ સ્વામી રામદાસની પૂણ્ય ધરતી પરથી..

– ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

અત્યારે મહારાષ્ટ્રના અક્કલકોટ નામનાં ગામમાં છું. સર્વત્ર એક જ નાદ ગુંજે છે અને તે છે : ‘જય જય રઘુવીર સમર્થ ‘ અને હર ઍક જગ્યાએ એક જ વાત વંચાય છે : ‘ શ્રી સ્વામી સમર્થ પ્રસન્ન’. ..હું સ્વામી સમર્થનાં આ સ્થાનક પર એક દિવસ વિતાવવા આવ્યો છું.

 
મનને આપણે માંકડું કહી વખોડીએ છીએ પણ એક વિશ્વસંત સમર્થ સ્વામી રામદાસે તો ‘મના સજ્જના’ એટલે ‘મનને સજ્જન’ કહીને જીવન પ્રત્યેના એમના સકારાત્મક દૃષ્ટિકોણનો પરિચય આપ્યો. સમર્થ સ્વામી રામદાસે તો મનની આગળ ‘શ્રી’ મૂકીને મનને ગરિમા બક્ષી. તેઓએ ‘મન’ને મીઠડું મરાઠી ભાષી સંબોધન કરીને ‘શ્રી મના’ કહ્યું ! મને આ ‘#શ્રી_મનના_શ્લોકો’નો પરિચય થયો વડોદરાના #કવિશ્રી_મકરંદ_મુસળે દ્વારા થયેલ ગુજરાતી સમશ્લોકી દ્વારા અને વિશેષ ઊંડાણથી જ્ઞાન કર્યો #શ્રી_અરુણાતાઈ એટલે કે શ્રી અરુણબા જાડેજાના પુસ્તકે.. બંનેનું અહીંથી સ્મરણ કરું છું અને પ્રણામ કરું છું.
સમર્થ રામદાસ એટલે છત્રપતિ શિવાજી મહારાજના ગુરુ. મૂળ નામ તો નારાયણ ઠોસર. મહારાષ્ટ્રના જાલના જિલ્લાના જામ્બ ગામે શક સંવત 1530ની રામનવમીએ શ્રી રામજન્મના મુહૂર્ત મધ્યાહૂને બાર વાગે જન્મ ! સૂર્યાજી પંત અને શણુંબાઈનાં આ સંતાનને બાર વર્ષની ઉંમરે ‘#સાવધાન‘ શબ્દ સંભળાયો અને તેઓ પોતાના લગ્નમંડપમાંથી દોટ મૂકીને ભાગ્યા. બાર વર્ષની તપશ્ચર્યા દરમ્યાન વેદ અને શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. શરીરને સુદૃઢ બનાવી પછીનાં બાર વર્ષ ભારત-ભ્રમણ કર્યું. મુગલોના શાસનનો એ સમય. હિંદુ ધર્મમાં ભય હતો ને પ્રજા નિર્માલ્ય બની ગઈ હતી. રામદાસજીએ નબળા લોકમાનસને ધર્મની સાથે રાષ્ટ્રધર્મ પણ સમજાવ્યોને સમાજને ઢંઢોળ્યો. આ જ ભાવના તેઓએ છત્રપતિ શિવાજીમાં જાગૃત કરી. આ એકમાત્ર સંત ‘#રાષ્ટ્રગુરુ‘નું સન્માન પામ્યા.
સમર્થ શ્રી રામદાસે ગણેશ અને સરસ્વતી વંદનાથી શરૂ કરી, ભક્તિ, શક્તિ, મુક્તિ, વિશ્વાસ, સમર્પણ, ‘સ્વ’ની શોધ, અહમ, વાદ-સંવાદ, સંગ-કુસંગ, વિવેકબુદ્ધિ જેવા વિવિધ માનવીય સંવેદનોને ઉઘાડી આપ્યાં અને છેલ્લે ફલશ્રુતિ તો અદ્દભુત રચના ‘શ્રી મનાચે શ્લોક’થી થઈ. એ મરાઠી આધ્યાત્મિક સાહિત્યનું મોરપીંછ છે. છેલ્લાં 400 વર્ષમાં મહારાષ્ટ્રમાં એક પણ એવું ઘર નહીં મળે કે જે ઘરમાં એક વાર પણ ‘શ્રી મનાચે શ્લોક’નું પઠન ન થયું હોય. મરાઠી માણસનું એ સંસ્કાર-સિંચન છે. શ્રી વિનોબાજીએ શ્રી સમર્થ રામદાસની આ કૃતિને ‘સોનાની લગડી’ ગણાવી છે. તેઓ સંત તુકારામના સમકાલીન છે.
‘શ્રી મનાચે શ્લોક’ રચાયા કઈ રીતે? રોમાંચક ઘટના છે. શક સંવત 1570. મહારાષ્ટ્રનું ચાકળ ગામ. રાષ્ટ્રગુરુએ શ્રી રામમંદિરની સ્થાપના કરી. દર વર્ષે રામનવમી ઊજવાય. ચોતરફના ગામોમાંથી ભિક્ષા દ્વારા ધાન્ય અને રોકડ આવે અને ઉજવણી થાય. પછીથી છત્રપતિ શિવાજી મહારાજે સરકાર તરફથી આર્થિક મદદ રાજકોષમાંથી મળતી રહીને ઉત્સવ ઊજવાતો રહ્યો. ભિક્ષા માંગવાની જરૂર ન રહી. થોડાં વર્ષો આમ ચાલ્યું. કોઈ એક વર્ષે રામનવમીના એકાદ અઠવાડિયા પહેલાં સુધી રાજકોષ તરફથી સીધુ સામાન ઉત્સવ માટે ન આવ્યું. શિષ્યોએ સમર્થશ્રીને જાણ કરી. કોઈએ સૂચવ્યું કે શિવાજી મહારાજને જ્ઞાત કરીએ, પરંતુ સમર્થશ્રીએ શિષ્યોએ કહ્યું, ‘ચિંતા છોડીને પોતપોતાના કક્ષમાં સૂઈ જાઓ…’ અને પોતે કલ્યાણ નામના પ્રિય શિષ્યને લઈને એક ઝાડ નીચે બેઠા. શિષ્યને કહ્યું : “હું જે કંઈ બોલું તે તું લખ…’ અને શ્રી સમર્થે મન સંવાદ સાધ્યો ! સમર્થ શ્લોક બોલતા જાય ને શિષ્ય કલ્યાણ બોલાયેલ શ્લોક લખતા જાય. આખી રાત સંવાદ ચાલ્યો ને પરોઢ થયું ત્યાં બધું મળીને 205 શ્લોક અવતર્યા, તે જ ‘શ્રી મનાચે શ્લોક’!! સવારે શિષ્યોને એકત્ર કરી દરેકને પાંચ-પાંચ શ્લોક આપી શ્રી સમર્થે કહ્યું : ‘પ્રત્યેક શિષ્ય ગામમાં જઈને કોઈ એક ઘર આગળ ઊભા રહી આપેલા શ્લોકમાંથી એક શ્લોક બોલે અને પછી ‘જય જય રઘુવીર સમર્થ’નો ઘોષ કરે ને જે ભિક્ષા મળે તે લઇ બીજા ઘર આગળ જઈ બીજો શ્લોક બોલે!’ બધા શિષ્યો નીકળી પડ્યા. ‘શ્રી મનાચે શ્લોક’નો એવો તો પ્રભાવ પડ્યો કે રાજકોષમાંથી આવતાં સીધુસામાન કરતાં વધુ એકત્ર થયું અને આ વર્ષે તો વધુ ધામધૂમથી રામનવમીનો ઉત્સવ ઊજવાયો !
આ રહી મનના શ્લોકોની ઝલક….
“મના ક્રોધને વ્હેંત છેટો જ રાખો, મના વિદ્વજન સાથ સંવાદ સાધો.’
“મના સત્વરે દુષ્ટનો સંગ છોડો, મના છૂટશે જન્મજન્મોનો ફેરો.’
“મના શબ્દ નહીં કર્મને બોલવા દો, વિવાદો મટાડે એ સંવાદ સાચો.”
અક્કલકોટમાં બે સ્થાનકોનું જબરું માહાત્યમ્ય છે : #સ્વામી_શ્રી_સમર્થનું_સમાધિ_મંદિર અને #સ્વામી_શ્રી_સમર્થ_મંદિર.
ચાલો, આજે પહેલાં તસ્વીરી ઝલકથી સ્વામી શ્રી સમર્થ સમાધિ મંદિર નિહાળીએ. અને હા, તેમાં બહુ જ આમ આદમીઓ તરફથી ભાવથી નિયમિત રોજ સાંજે ગવાતા સમર્થ ભજનો અને અભંગની ઝલક મેળવીએ.. શ્રધ્ધાળુઓનો પ્રવાહ અવિરત સાંજે છ થી અગિયાર વાગ્યા સુધી વહેતો રહ્યો અને હું ભક્તો ગવાતા અભંગી ટિપિકલ ભજનો સાથે વહેતો ગયો.. હા, ફરી મળીશું સ્વામી શ્રી સમર્થ વટવૃક્ષ મંદિરને નિહાળવા માટે …

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


‘કર્તા ને જે ઈષ્ટતમ હોય તે  કર્મ’

‘કર્તા ને જે ઈષ્ટતમ હોય તે કર્મ’

બીજાના રૂપની નકલ કરવી તે યોગ્ય નથી, તેથી પર ધર્મનેભયાવહકકહેવામાં આવ્યો છે.

ભદ્રાયુ વછરાજાની                          (63)                bhadrayu2@gmail.com 

શ્રીમદ ભગવદ ગીતાના છેલ્લા અને અઢારમાં અધ્યાયમાં આપણને કહે છે કે, ‘ક્રિયા’ અને ‘કર્મ’ એ બન્ને વચ્ચે ફેર છે. જેમ જેમ ચિત્ત શુદ્ધિ થતી જશે તેમ-તેમ ક્રિયાની તીવ્રતા ઓછી થતી જશે. તીવ્ર માંથી સૌમ્ય, સૌમ્યમાંથી સૂક્ષ્મ, અને સૂક્ષ્મ માંથી શૂન્ય થતી જશે. 

કર્મ જુદુ છે અને ક્રિયા જુદી છે. કર્મની વ્યાખ્યા જ એ છે કેકર્તા ને જે ઈષ્ટતમ હોય તે  કર્મ’. કર્મની પહેલી બીજી વિભક્તિ હોય છે, જ્યારે ક્રિયાને માટે એક સ્વતંત્ર ક્રિયાપદ વાપરવું પડે છે. જ્ઞાની પુરુષ લેશ માત્ર ક્રિયા કરતો નથી, પણ કર્મ અનંત કરે છે. તેની માત્ર હયાતિ  જ પાર વગરનો લોકસંગ્રહ કરી શકે છે. જ્ઞાની પુરુષનું કેવળ અસ્તિત્વ હોય એટલે થયું, તેના હાથ-પગ કાર્ય નહીં કરતા હોય તો પણ તે કામ કરે છે. ક્રિયા સૂક્ષ્મ થતી જાય છે અને ઊલટું, કર્મ વધતું જાય છે. આ વિચારનો પ્રવાહ હજુ વધારે આગળ ચલાવીએ તો ચિત્ત  પરિપૂર્ણ શુદ્ધ થાય છે ત્યારે ક્રિયા શૂન્ય રૂપ થઈ જાય છે. અને અનંતકર્મ થતું રહે છે એમ કહી શકાશે. પહેલા તીવ્ર, પછી તીવ્રમાંથી સૌમ્ય, અને પછી સૌમ્ય માંથી સૂક્ષ્મ, અને છેલ્લે સૂક્ષ્મ માંથી શૂન્ય, એમ ક્રમે- ક્રમે ક્રિયાશૂન્યત્વ આવી મળશે. આ પછી અનંતકર્મ આપોઆપ થતું રહેશે. નિષ્કામતાપૂર્વક કર્મ કરતા-કરતા ધીરે-ધીરે તેનો અનુભવ થતો જશે. ’બ્રાઉનીંગ’ નામના અંગ્રેજ કવિએ ‘ઢોંગી-પોપ’ નામની એક કવિતા લખી છે. તે પૉપ ને એક માણસ પૂછે છે, ‘તું વેશ શું કામ કરે છે આ બધા ઝભ્ભા શાને સારું? આ ઉપરનો ડોળ શા માટે,? આ ગંભીર મુદ્રા કેમ છે?’ ત્યારે તેણે કહ્યું, ‘આવું બધું હું શું કામ કરું છું તે જાણવું છે? તો સાંભળ, આ નાટક કરતાં-કરતાં શ્રદ્ધાનો સ્પષ્ટ ખબર ન પડે એ રીતે પ્રવેશ થઈ જવાનો  સંભવ છે. તેથી નિષ્કામ ક્રિયા કરતાં રહેવું, ધીરે ધીરે નિષ્ક્રિયત્વ પચતું જશે.’ 

સારાંશ એટલો કે ‘રજ’ અને ‘તમસ’ કર્મો સમૂળગા છોડવા, અને સાત્વિક કર્મો કરવા. અને એટલો વિવેક કરવો કે જે સાત્વિક કર્મો સહેજે પ્રવાહપતિત આવી મળે છે, તે સદોષ હોય તો પણ છોડવાની વાત ન કરવી. સાત્વિક કર્મો સદોષ હશે તો પણ તે પ્રવાહપ્રાપ્ત છે માટે છોડવાના નથી  તે કરવાના પણ તેના ફળનો ત્યાગ કરવાનો. જે કર્મ પ્રવાહપ્રાપ્ત નહીં હોય કે હું સારું કરી શકીશ, એમ તને ગમે તેટલું લાગતું હોય તો પણ કરવાના  નહીં . ‘આપમેળે આવી મળે એટલું જ કર. દોડધામ કરી બીજું નવું વ્હોરી ના લઈશ. જે કર્મ ખાસ ધાંધલ કરી ઊભું કરવું પડે તે ગમે તેટલું સારું હોય, તોય તેને આઘુ રાખ, તેનો મોહ ન રાખ. જે પ્રવાહપતિત આવી મળેલું કર્મ છે, એટલે કે પ્રવાહમાં આવીને આપણી પાસે ઉભું રહેલું જે કર્મ છે, તેની બાબતમાં જ ફળ ત્યાગ સંભવે.’  આ કર્મ સારું છે, પેલું કર્મ સારું છે, એવા લોભમાં પડીને માણસ ચારે કોર દોડાદોડ કરે તો ફળ ત્યાગની વાત ક્યાંથી આવે ?

ફળત્યાગની કલ્પનાનો આપણે જે વિકાસ કરતા આવ્યા તેમાંથી નીચેના અર્થ નીકળે છે

1 રાજસ્ અને તામસૂ કર્મોનો સમૂળગો ત્યાગ.

2 એ ત્યાગનો પણ ફળત્યાગ. તેનો પણ અહંકાર ન હોય.

3 સાત્ત્વિક કર્મોનો સ્વરૂપતઃ ત્યાગ ન કરતાં ફક્ત ફળત્યાગ.

4 સાત્ત્વિક કર્મો જે ફળત્યાગપૂર્વક કરવાનાં હોય તે સદોષ હોય તો પણ કરવાં.

5 સતત ફળત્યાગપૂર્વક એ સાત્ત્વિક કર્મો કરતાં ચિત્ત શુદ્ધ થશે ને તીવ્રમાંથી સૌમ્ય, સૌમ્યમાંથી સૂક્ષ્મ અને સૂક્ષ્મમાંથી શૂન્ય એ રીતે થતાં થતાં ક્રિયામાત્ર ખરી જશે.

6 ક્રિયા ખરી પડશે પણ કર્મ, લોકસંગ્રહરૂપ કર્મ ચાલુ રહેશે.

7 સાત્વિક કર્મ પણ જે કુદરતી રીતે પ્રાપ્ત હોય તે જ કરવું. જે સહજ પ્રાપ્ત નથી તે ગમે તેટલું સારું લાગે તો પણ આવું જ રાખવાનું છે. તેનો મોહ ન હોવો જોઈએ.

8 સહજ પ્રાપ્ત સ્વધર્મ પણ વળી બે પ્રકારનો છે. બદલાતો અને ન બદલાતો. વર્ણધર્મ બદલાતો નથી. આશ્રમધર્મ બદલાય છે.

શ્રી વિનોબાજી ચોક્કસાઈ પૂર્વક કહે છે કે, સ્વધર્મમાં ‘સ્વદેશી ધર્મ’, ‘સ્વજાતીય ધર્મ’, અને ‘સમકાલીન ધર્મ’ સમાઈ જાય છે. આ ત્રણેય થઈને ‘સ્વધર્મ’ બને છે. મારી વૃત્તિને  શું અનુકૂળ અને અનુરૂપ છે? કયું કર્તવ્ય મને આવી મળેલું છે? એ બધું સ્વકર્મ નક્કી કરવા નીકળો એટલે તેમાં આવી જાય. તમારામાં ‘તમે’ પણું જેટલું કંઈક છે, તેથી તમે-તમે છો. હર એક જણની કંઈકને કંઈક  ખાસિયત હોય છે. બકરીનો વિકાસ બકરી રહેવામાં છે. પેલી બળદને દેડકી ની વાર્તા છે ને ! દેડકી વધી-વધીને કેટલું વધે? તેના શરીરના વધવાને પણ હદ હોય. તે બળદ જેવડી થવા જાય તો મરી જાય. બીજાના રૂપની નકલ કરવી તે યોગ્ય નથી, તેથી પર ધર્મનેભયાવહકકહેવામાં આવ્યો છે.

સ્વધર્મમાં પણ બે ભાગ છે. એક બદલાય તેવો ભાગ, અને બીજો ન બદલાય તેવો ભાગ. આજે જે હું છું એ કાલે નથી, કાલે જે હું હોઈશ તે પરમદિવસે નહીં હોઉં, હું હંમેશ બદલાતો રહીશ. નાનું  બાળક હોઉં તે વખતે મારો સ્વધર્મ કેવળ ‘સંવર્ધન’. જુવાનીમાં મારામાં કાર્યશક્તિ ભરપૂર હશે તો તે મારફતે હું સમાજ સેવા કરીશ. પ્રૌઢ થઈશ ત્યારે તે અવસ્થામાં મારા જ્ઞાનનો બીજાઓને લાભ મળશે. આમ કેટલોક સ્વધર્મ બદલાવનારો છે, તો બીજો કેટલોક ન બદલાવનારો છે. બદલાનારો સ્વધર્મ બદલાતો રહેવો જોઈએ. તેથી પ્રકૃતિ વિશુદ્ધ રહે છે.

સારી વસ્તુની પણ આસક્તિ ન હોવી જોઈએ. આસક્તિને લીધે ઘોર અનર્થ નીપજે છે. ફેફસામાં ક્ષયના જંતુ અજાણતા દાખલ થઈ જશે, તો પણ આખા જીવનને કોરી નાખશે. સાત્વિક કર્મોમાં જો આસક્તિના જંતુ બેસાવધ પણે પણ પેશવા દઈએ, તો સ્વધર્મ સડવા માંડશે. તે સાત્વિક સ્વધર્મમાંથી પણ ‘રાજસ’ તેમજ ‘તામસ’ની  બદબો છૂટવા લાગશે.

કુટુંબ એ બદલાવનારો સ્વધર્મ છે. તે યોગ્ય વખતે છૂટી જવો જોઈએ. એવું જ રાષ્ટ્રીય ધર્મનું સમજવું. રાષ્ટ્રધર્મમાં આસક્તિ થઈ જાય, આ આપણું રાષ્ટ્ર છે, તેથી તેનું જ ફક્ત સંભાળવું એમ આપણે નક્કી કરી બેસીએ તો રાષ્ટ્રભક્તિ ભયંકર વસ્તુ થઈ બેસે. તેથી આત્મવિકાસ અટકી જશે, ચિત્ત માં આસક્તિ ઘર કરી જશે, અને સરવાળે અધઃપતન થશે. આપણા જીવનનું સ્વરૂપ એવું સુંદર છે કે,  આપણે જે જોઈએ તે તરફ નજર રાખીએ તોય આવી મળે છે. 

#Big_B નો #દર્શન_લાભ

#Big_B નો #દર્શન_લાભ

#Big_B નો #દર્શન_લાભ

Amitabh Bachchan @Symbiosis

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

મારા માટે તા. ૨૭-૦૧-૨૪ સ્મરણીય બની રહી.
જન્મ્યો ત્યારથી જેને પડદા પર માણતો આવ્યો છું તે અને જેમના અભિનયે તથા પેશકશે મને સદા અભિભૂત કર્યો છે તે ભારતીય સિનેમાના મહાનાયક #શ્રી_અમિતાભ_બચ્ચન ને દસ ફૂટ દૂરથી લગભગ બે કલાક સુધી જોવાનો – તેઓનાં ભાવપૂર્વક દર્શન કરવાનો – તેઓનો ઘેઘૂર અવાજ સાંભળવાનો અને તેઓની અંગત પળોના સાક્ષી બનવાનો આજે લહાવો મળ્યો, તે પળને મારા જીવનની ધન્યતાની પળ ગણું છું.
#શ્રી_અમિતાભજી symbiosis પૂના આવે છે તેવું હાર્દિક – જેલમે કહ્યું કે મારી પૂનાની ફ્લાઈટ તરત જ બુક કરવા મેં હાર્દિકને કહી દીધું. ૨૪-૧-૨૪ નાં પૂના પહોંચી ગયો. ભારતની Top Most Symbiosis International Deemed University , Puna ખાતે બે વર્ષથી હાર્દિક Prof. Director તરીકે contribute કરે છે. તેનું lavale campus એક હિલ પર છે,,એટલે હિલ સ્ટેશન જવાની જરૂર જ ન રહે. આપણે તો હિલ સ્ટેશન પર દીકરાનું ઘર એટલે સોનામાં સુગંધ !!!
આજે સવારે Symbiosis International Deemed University નાં Faculty of Media and Commucation દ્વારા Symbiosis Film Festival નું ઉદઘાટન કરવા SIU ના “Prof. Emeritus” શ્રી અમિતાભ બચ્ચન પધારવાના હતા. ઓડિટોરિયમમાં હું અને જેલમ આગળ વહેલા ગોઠવાય ગયા.
ગળે દુપટ્ટો વિટાળેલ કાળા વસ્ત્રોમાં સજ્જ એક ખુમારીએ પ્રવેશ કર્યો અને સભાખંડ ગુંજી ઉઠ્યો. હું પણ બહુ જ નજદીક રહી એ દંપતીને સતત નિહાળતો રહ્યો અને મારો પ્રેમભાવ છલકાવતો રહ્યો. શ્રીમતી જયાજી પાછળ રહી જાય એવી સ્ફૂર્તિ અને ચુસ્તિથી અમિતાભ સ્વસ્થ અને જીવંત રહી વિદ્યાર્થીઓથી ખીચોખીચ ભરેલા ખંડ પર છવાય ગયા.
તેમણે પોતાની નીજી અદાયગીસભર style થી પ્રવચન કર્યું. તેમનાં વક્તવ્યમાંથી કેટલાક સ્પાર્ક્સ :
#મને કોઈ વિશેષણો કે status કે ખીતાબની હવે કોઈ ખેવના નથી. હું સંતુષ્ટ છું.
#હું જીવતાં જીવતાં સહજતાથી જે અનુભવું છું તેમાંથી કેટલુંક બુદ્ધિ ઉપરાંત હૃદયમાં સ્થાન જમાવી લે છે અને તે મારા અભિનયમાં reflect થઈ જાય છે.
#સિનેમા ક્ષેત્રે થઈ રહેલ ટેકનોલોજીકલ advancement ને આવકારું છું. પણ અમારી પેઢીને કશો લોસ નથી ગયો. ઉદાહરણ આપું…અમારા સમયમાં સેલ્યુલોડ ની ફિલ્મ હતી તેથી કોઈ સીન ના ટેક વધુ થાય તો પ્રોડ્યુસરને ફિલ્મ મોંઘી પડતી તેથી આગ્રહ રહેતો કે ઓછામાં ઓછા ટેકમાં સીન ઓકે થાય. તેથી અમારી એકાગ્રતા, ગાંભીર્ય અને ચોક્કસાઈ વધતી,,આજે મને કામ કરતો જોઈ ને યંગ જનરેશન આશ્ચર્ય અનુભવે છે, તેનું કારણ અમને પડેલી ટેવ છે…આજે તો ચિપ આવી ગઈ એટલે ગમે તેટલા રી ટેક કરો કિંમતમાં કોઈ ફરક નથી પડતો.
#અહીંની મેડિકલ ફેકલ્ટી નું કામ જોઈ પ્રભાવિત થયો. હું તો વિનંતી કરીશ કે મેડિકલ ક્ષેત્રે એવું કોઈ સંશોધન કરો કે મારા જેવો ૮૦ – ૮૨ વર્ષનો માણસ ૨૦ કે ૩૦ નો થઈ જાય કે જેથી હું અહીં મંચ પર નહીં પણ તમારી વચ્ચે આવીને બેસી શકું.
અમિતજી સાથે વિદ્યાર્થીઓની રસપ્રદ પ્રશ્નોત્તરી થઈ જેમાં તે વધુ ખીલ્યા. એક વિદ્યાર્થીની AI અંગેની જિજ્ઞાસા વિશે તેમણે ટકોર કરી કે, “આવતા વખતે તમે અમિતાભ ને બદલે AI Amitabh ને invite કરો તો નવાઈ નહીં.”
શ્રીમતી જયાજી પ્રત્યેનું માન વારંવાર પ્રદર્શિત કરવાનું અમિતજી ચૂક્યા નહીં, પરંતુ બંનેની body language ઘણું જાહેર કરી જતી હતી.
પ્રેક્ષકોની ફરમાઈશ પર તેઓએ #અગ્નિપથ ના પિતાશ્રીએ લખેલ ડાયલોગ પેશ કરી સભાગૃહને ચિચિયારીઓથી ભરી દીધું હતું.
હા, અમિતાભ બચ્ચનની ઉંમર અને સતત પરિશ્રમ વર્તાય છે પણ તેઓનો ભુક્કા કાઢી નાખે તેવો આત્મવિશ્વાસ અને જીવન પ્રત્યેનો સકારાત્મક અભિગમ તેને ગમતીલો રાખે છે. આપણે તો એ જ પામવા તેમને milestone ગણવાના. અને ખાસ તો પોતાનાં અભિનય કૌશલ્યને કારણે આટલી લોકપ્રિયતા મેળવનાર આ વ્યક્તિત્વની આગળ પાછળ કે આજુબાજુ કોઈ કમાન્ડો નહીં કે બંદૂકધારીઓ નહીં કે કોઈ બાઉન્સર નહીં કે કોઈ સિક્યોરિટી પણ નહીં. Popularity ઇસે કહતે હૈં, બોસ.
મારા માટે તા. ૨૭-૦૧-૨૪ સ્મરણીય બની રહી.

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


ફળત્યાગ એ જ કર્મ કરવાની કસોટી છે.

ફળત્યાગ એ જ કર્મ કરવાની કસોટી છે.

બધા સાત્વિક કર્મો કરવાના ખરા, પણ તેમના ફળને તોડી નાખવાના છે

ભદ્રાયુ વછરાજાની                 (62)              bhadrayu2@gmail.com   

આપણે ગીતાજીના અઢારમાં અને છેલ્લા અધ્યાયમાં પ્રવેશી રહ્યા છીએ. વિનોબાજી આ અધ્યાયને સમગ્ર ગીતાનો ઉપસંહાર કહે છે. વળી તેઓ આ અધ્યાયને ‘ફળત્યાગની પૂર્ણતા એટલે કે ઈશ્વર પ્રસાદ’ એવું શીર્ષક  આપે છે. કુલ અઠયોતેર શ્લોકોમાં વિસ્તૃત રીતે સ્પષ્ટતા કરીને ભગવાન અર્જુનના છેલ્લા પ્રશ્નનો ઉત્તર આપે છે. 

ચૌદ માં અધ્યાયમાં સાત્વિક, રાજસ, અને તામસ એવા જીવનના અથવા કર્મના ત્રણ પ્રકાર પાડ્યા છે. તે પૈકી રાજસ ને અને તામસને છોડી સાત્વિક નો સ્વીકાર કરવાનો છે, એ આપણે જોયું છે. ત્યારબાદ સત્તરમાં  અધ્યાયમાં તે જ વાત જરા જુદી રીતે જોઈ. યજ્ઞ, દાન, અને તપ, (અથવા એક જ શબ્દમાં કહેવાનું હોય) તો ‘યજ્ઞ’ એ જીવનનો સાર છે. 

આપણી સાધનામાં સાતત્ય, અલિપ્તતા અને સાત્વિકતા હોવા જોઈએ. એ હોય તો જ તે સાધના પરમેશ્વરને અર્પણ કરી શકાય. આ બધી વાતો પરથી એમ લાગે છે કે, કેટલાક કર્મો ટાળવાના હોય છે, તો કેટલાક કર્મો કરવાના હોય છે. ગીતાની આખી શીખ જોઈએ તો ઠેક ઠેકાણે કર્મનો ત્યાગ ન કરવો એવો બોધ છે. ફળનો ત્યાગ કરવાનું ગીતા કહે છે. કર્મ સતત કરવું, અને ફળનો ત્યાગ કરવો, એ જ ગીતાની શીખ છે એ બધે જોવા મળે છે. કેટલાક કર્મોનો સ્વીકાર કરવાનો છે અને કેટલાકનો ત્યાગ કરવાનો છે. એટલે છેવટે અઢાર  માં અધ્યાયના આરંભમાં અર્જુને સવાલ કર્યો કે, ‘કોઈપણ કર્મ ફળત્યાગ પૂર્વક કરવું એ એક બાજુ થઈ. વળી કેટલાક કર્મો બરાબર કરીને છોડવા, અને કેટલાક કરવા એ બીજી બાજુ થઈ. આ બે વાતનો મેળ કેમ બેસાડવો,? તે મને કહો ભગવાન!’  

કર્મનું જે આપણી સમક્ષ સ્વરૂપ છે તેનો ત્યાગ કરવાનો હોય છે. આ પ્રશ્નના જવાબ આપતાં  ભગવાને એક વાત સાફ કહી દીધી કે,  ફળ ત્યાગની કસોટી સાર્વભૌમ વસ્તુ છે. કેટલાક કર્મોનું સ્વરૂપ જ એવું હોય છે કે ફળત્યાગની યુક્તિ વાપરતા વેત તે કર્મો આપમેળે ખરી પડે છે. ફળત્યાગ પૂર્વક કર્મો કરવાની વાતનો અર્થ જ એવો થાય છે કે, કેટલાક કર્મો છોડવા જ પડે. જે કર્મોના મૂળમાં કામના રહેલી છે, તે ફળત્યાગ પૂર્વક કરો એમ કહેતા ની સાથે જ તે ખરી પડે છે. કેટલાક લોકો કહે છે કે ગીતા ફળત્યાગ પૂર્વક કર્મ કરો એટલું જ સૂચવે છે. કયા કર્મો કરવા તે સૂચવતી નથી. ચોક્કસ આવો ભાસ થાય ખરો, પણ વસ્તુત્ એ સાચું નથી. કારણ કે ફળત્યાગ પૂર્વક કર્મ કરો એમ કહેવામાંથી જ ક્યું કરવું અને કયું ન કરવું, તે સમજાઈ જાય છે. 

હિંસાત્મક કર્મો, અસત્યમય કર્મો, ચોરીના કર્મો, ને એવા બધા કર્મો ફળત્યાગ પૂર્વક કરી શકાતા જ નથી. ફળત્યાગની કસોટી લગાડતા ની સાથે જ એ કર્મો ખરી પડે છે. કર્મોને ફળ ત્યાગની કસોટી પર કસી લેવાના હોય છે. ‘જે કર્મ હું કરવા ધારું છું, તે અનાસક્તિપૂર્વક ફળની લેશમાત્ર પણ અપેક્ષા ન રાખતા હું કરી શકીશ ખરો કે?’  એવું આપણે વિચારવું છે એ પહેલા જોઈ લેવાનું છે. ફળત્યાગ એ જ કર્મ કરવાની કસોટી છે.

આપણે ત્રણ વાતો જોઈ, પહેલી વાત એ કે જે કર્મો કરવાના છે તે ફળત્યાગ પૂર્વક કરવાના છે, બીજી વાત એ કે રાજસ અને તામસ કર્મો ને સિદ્ધ અને કામ્ય કર્મો ફળત્યાગની કાતર લાગતા વેત આપમેળે ખરી પડે છે. અને ત્રીજી વાત એ કે એવો જે ત્યાગ થાય, તે ત્યાગ પર પણ ફળત્યાગની કાતર ચલાવે. આટલો ત્યાગ ‘મેં કર્યો’ એવો અહંકાર પેદા ન થાય તેની કાળજી લેવી. 

વિનોબાજી કહે છે કે, મધ્યયુગમાં એવો ખ્યાલ જાગ્યો કે ખેતીના કામમાં હિંસા થાય છે તેથી અહિંસક લોકોએ ખેતી કરવાનું માંડી વાળવું, તેણે  વેપાર કરવો. અનાજ પકવવું એ પાપ છે, પણ અનાજ વેચવામાં કહે છે કે પાપ નથી. પણ આવી રીતે ક્રિયા ટાળવાથી હિત થતું નથી. આવી રીતે કર્મ સંકોચ કરતો-કરતો માણસ વર્તે તો છેવટે તો આત્મનાશ વ્હોરી લે. કરવામાંથી છૂટવાનો માણસ જેમ જેમ વિચાર કરશે, તેમ તેમ કર્મનો ફેલાવો વધતો જશે. તમારા અનાજના વેપારને માટે કોઈકને કોઈકે ખેતી તો નહીં કરવી પડે? તે ખેતીમાં થનારી હિંસામાં તમે ભાગીદાર થતા નથી? કપાસને પકવવો એ જો પાપ છે, તો નીપજેલો કપાસ વેંચવો એ પણ પાપ છે. કપાસ પેદા કરવાનું કામ સદોષ છે. માટે તે કર્મ છોડી દેવાનું સુજે એ બુદ્ધિની ખામી છે. ઝાડને ફુટેલો નવો પાલવ ચૂંટી કાઢવાથી ઝાડ મરતું નથી, ઉલટું ફાલે છે. 

ક્રિયાનો સંકોચ કરવામાં આત્મસંકોચ થાય છે. ગોરખનાથને મચ્છન્દરનાથે કહ્યું, ‘આ છોકરાને ધોઈ લાવો.’ ગોરખનાથે છોકરાના પગ પકડીને બરાબર ઝીંક્યો, અને તેને વાળ પકડી તાર પર  સૂકવવા નાખ્યો. મચ્છન્દરનાથે કહ્યું, ‘છોકરાને ધોઇ આણ્યો કે?’ ગોરખનાથ બોલ્યા, ‘તેને ઝીંકી ને ધોઈને સુકવવા નાખ્યો છે.’ છોકરાને ધોવાની આ રીત! કપડાં ધોવાની ને માણસોને ધોવાની રીત એક નથી, તે બે રીતમાં ફેર છે. તે જ પ્રમાણે રાજસ અને તામસ કર્મોનો ત્યાગ, અને સાત્વિક કર્મોનો ત્યાગ, એ બે માં ફેર છે. સાત્વિક કર્મો છોડવાની રીત જુદી છે. વિનોબાજી બેધડક કહે છે  કે લંગોટી પહેરીને બધો વિલાસ તેની ફરતે ઉભો કરવો, તેને બદલે પહેરણ અને બંડી પહેરવા વધારે સારા. તેથી ભગવાને સાત્વિક કર્મોનો જે ત્યાગ કરવાનો છે, તેની રીત જુદી બતાવી છે. તે બધા સાત્વિક કર્મો કરવાના ખરા, પણ તેમના ફળને તોડી નાખવાના છે. કેટલાક કર્મો સમૂળગા છોડી દેવાના હોય છે. કેટલાકના ફળ તોડી નાખવાના હોય છે.

એક માણસ હતો. તેને પોતાનું ઘર અમંગળ લાગ્યું એટલે તે એક ગામમાં  જઈને રહ્યો. તે ગામમાં પણ તેણે ગંદવાડ જોયો એટલે તે જંગલમાં ગયો. ત્યાં જઈ એક આંબા નીચે બેઠો. ઉપરથી એક પંખી તેના માથા પર ચરક્યું. એટલે આ જંગલ પણ અમંગળ છે એમ કહીને તે નદીમાં જઈને ઊભો રહ્યો. નદીમાં મોટાં માછલાં નાનાં માછલાંને ખાતાં હતાં એ જોઈને તો તેને ચીતરી જ ચડી. આખી સૃષ્ટિ જ અમંગળ છે, મર્યા વગર હવે અહીંથી છૂટકો નથી એવું મનમાં નક્કી કરી પાણીમાંથી બહાર નીકળી તેણે ચિતા સળગાવી. ત્યાંથી એક ગૃહસ્થ જતા હતા. તેમણે કહ્યું, “અલ્યા કેમ આપધાત કરે છે ?” પેલાએ કહ્યું, “આ દુનિયા અમંગળ છે તેથી.” પેલા ગૃહસ્થ કહ્યું, “તારું આ ગંદવાડથી ભરેલું શરીર, આ ચરબી એ બધું અહીં બળવા માંડશે એટલે કેટલી બધી બદબો છૂટશે? અમે અહીં નજીક જ રહીએ છીએ. અમારે ક્યાં જવું? એક વાળ બળે છે તોયે કેટલી બધી દુર્ગધ ફેલાય છે ! તારી તો જેટલી હશે તેટલી બધી ચરબી બળશે ! અહીં કેટલી દુર્ગધ મારશે તેનો તો કંઈ વિચાર કર !” પેલા માણસે ત્રાસીને કહ્યું, “આ દુનિયામાં જીવવાની સગવડ નથી ને મરવાની પણ સગવડ નથી. કરવું કેમ?”

સારાંશ, અમંગળ કહીને બધું ટાળવા જશો તો ચાલવાનું નથી. એક પેલું નાનું કર્મ ટાળવા જશો તો બીજું મોટું બોચી પર આવીને બેસશે. કર્મ સ્વરૂપતઃ બહારથી છોડયે છૂટતું નથી. જે કર્મો પ્રવાહપતિત આવી મળ્યાં છે તે કર્મોની વિરુદ્ધ જવામાં કોઈ પોતાની શક્તિ વાપરવા જશે તો આખરે થાકી જશે ને પ્રવાહ સાથે ઘસડાઈ જશે. પ્રવાહને અનુકૂળ હોય તેવી ક્રિયા કરતા રહીને તેણે પોતાનો તરણોપાય શોધવો જોઈએ. તેથી મન પર ચડેલો લેપ ઓછો થતો જશે અને ચિત્ત શુદ્ધ થતું જશે. આગળ ઉપર ક્રિયાઓ આપોઆપ ખરી જવા માંડશે. કર્મનો ત્યાગ ન થતાં ક્રિયા ખરી જશે. કર્મ કદી છૂટે એમ નથી, પણ ક્રિયા ખરી પડશે.

#શ્રી_રામમંદિર_પ્રેમમંદિરે – અયોધ્યા

#શ્રી_રામમંદિર_પ્રેમમંદિરે – અયોધ્યા

તા. બાવીસ, જાન્યુઆરી, ૨૦૨૪ રાષ્ટ્ર માટે અને સર્વે શ્રી રામ ભક્તો માટે સ્મરણીય બની રહી..અને અમારાં પ્રેમમંદિર માટે તો ચમત્કારિક પણ…

સૌ દેશવાસીઓ અયોધ્યા પર દૃષ્ટિ સ્થિર કરીને એકાગ્ર હતા ત્યારે પ્રેમમંદિર ની દ્વારઘંટડી રણકી..અત્યારે કોણ ?? એવાં પ્રશ્નાર્થ સાથે અતિથિઓને આવકાર્યા તો સાનંદ આશ્ચર્ય થયું… શ્રી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ માં અમ દંપતી પાસે ભણી ગયેલ શ્રી પરેશ ડાહ્યાભાઈ ખૂંટ, તેમનો પુત્ર અને તેમનો જમાઈ મલકતા પ્રવેશ્યા ને ઈલા ટીચર ની તસવીરે આંખ ઝુકાવી.

હા, ૨૧ મીએ પરેશ ત્રણ ભાઈઓ જેનું સંચાલન કરે છે તે રણછોડનગરમાં ચાલતી બે સ્કૂલ ના વાર્ષિક સમારોહમાં મારે જવાનું હતું પણ શરદી તાવે જવા ન દીધો..

આ પરેશ ભાઈઓ એટલે શ્રી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમાં ૬૦ વર્ષ પહેલાં અમારી સાથે જ ભણીને સેવક બન્યા પછી શિક્ષણ પ્રાપ્ત કરી એ જ સ્કૂલમાં ક્લાર્ક બનેલ શ્રી ડાહ્યાભાઈ વશરામભાઇ ખૂંટ ના ત્રણ દીકરાઓ..!! આજે રણછોડનગરમાં બે સ્કૂલ અને પ્લે હાઉસ નું સંચાલન કરે છે. અને ખાસ તો,,,,અમારી જેમ જ પ્રિય મોરારિબાપુ ના અનન્ય flowers છે.

થોડીવાર ગપસપ કરીને બરાબર બાર વાગ્યા એટલે તેઓએ એક ગિફ્ટ પેક ખોલ્યું ને મને ભેટ ધર્યું.. જ્યારે અયોધ્યામાં રામ લલ્લાના દર્શન સૌને થઈ રહ્યાં હતાં ત્યારે જ તે ઘડીએ જ પ્રેમમંદિરે અમારા પ્રિય પરિશ્રમી વિદ્યાર્થી પરેશ અને પરિજનોએ મારા હાથમાં શ્રી રામ મંદિર, અયોધ્યાની ધાતુની વજનદાર પ્રતિકૃતિ મૂકી…અમે ઉપસ્થિત સૌ ગદગદિત હતાં અને અવાચક પણ!!

શ્રી રામ આમ પ્રેમમંદિરે પધારશે તેવી તો કલ્પના ય ક્યાંથી હોય ?? હું તો શ્રી મોદીજી જેટલો જ ઉત્સાહિત હતો..અને છું પણ…

આજની શિક્ષા વ્યવસ્થામાં પણ આવા વિદ્યાર્થીઓ દીવાદાંડી સમાન છે કે જે પૂરા આદરથી સતત શિક્ષક દંપતિની સાથે ને સાથે જ છે.

એક વાત ખાસ નોંધું: શ્રી પરેશ પરિવાર પોતાની સાથે મારા માટે શરદી અને તાવના ઉપચાર સમ ટેબ્લેટ પણ લાવેલા અને ટેબ્લેટ લીધા પછી પીવા માટે ફ્રેશ ફ્રૂટ જ્યુસ પણ…!!!

પ્રેમમંદિરે થી જ્યારે તેઓએ મગજની પ્રસાદી લઈને વિદાય લીધી ત્યારે અમને અયોધ્યા જઈ આવ્યા જેટલો સંતોષ હતો.
ભદ્રાયુ (પ્રેમમંદિરેથી)

વિદેશમાં વ્યાસપીઠ બને ભારતપીઠ

વિદેશમાં વ્યાસપીઠ બને ભારતપીઠ

વિદેશમાં વ્યાસપીઠ બને ભારતપીઠ

રામદૂત મોરારિબાપુ@75

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

૧૯૭૬થી બાપુની કથાઓ વિદેશમાં થવા લાગી વિદેશની કથાઓમાં આવતા ભાવિકોમાં ભક્તિ કરતા આદર વધુ હોય છે, વિદેશ વસતા યુવાનો બાપુને ધ્યાનથી સાંભળે છે ને બાપુથી પ્રભાવિત પણ છે !

૧૯૬૦ના ચૈત્રમાસમાં પોતાનાં વ્હાલા ગામ તલગાજરડામાં મોરારિબાપુએ પહેલી કથા કર્યાની નોંધ “માનસ યાત્રા” પુસ્તકમાં છે, તો સવા સો કથાઓ દેશની ધરતી પર કર્યા પછી એકસો છવ્વીસમી કથા એપ્રિલ ૧૯૭૬માં પહેલવહેલીવાર વિદેશની ધરતી પર બાપુએ કરી. પોતાનાં જીવનનાં ચૌદ વર્ષે પહેલી કથા અને ત્રીસમાં વર્ષે પરદેશમાં પહેલી કથા ! પરદેશ પહોંચતાં સોળ વર્ષ લાગ્યાં પરંતુ એ સમયના ‘યંગસ્ટર કથાકાર’ તરીકે બાપુ દેશ બહાર કથા કહેનાર પ્રથમ હતા અને પછી એ યાત્રા અવિરત ચાલી. ૧૯૭૬ની પ્રથમ કથા આફ્રિકાના નૈરોબી ખાતે યોજાયા પછીનાં છેલ્લા પિસ્તાલીસ વર્ષોમાં બાપુએ વિદેશની ધરતી પર સવા સો કથાનું ગાન કર્યુ છે ! સ + આંકડા = સાંકડા થઇને ગણતરી માંડીએ તો બાપુએ કહેલી આજ સુધીની કુલ કથાઓમાંથી પંદર ટકા કથાઓ દેશ બહાર યોજાયેલ છે. કથા નિમિત્તે પોથીના પ્રતાપે બાપુ આફ્રિકા, કેનેડા, લંડન, કેન્યા, સિંગાપુર, યુ.એસ.એ., ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, રશિયા, યુગાન્ડા, મોરેશિયસ, પોર્ટુગલ, બ્રાઝીલ, બાલી, શ્રીલંકા, દુબઇ, મસ્કત, ભૂતાન, થાઇલેન્ડ, જેરુસલેમ, જાપાન, રોમ, કમ્બોડીયન, ગ્રીસ, અબુધાબી, મ્યાનમાર, સ્વીત્ઝર્લેન્ડ, રવાન્ડા સહિતના દેશોની ધરતીને શ્રી રામકથાનો મંગળ સ્પર્શ કરાવી ચૂકયા છે. છેલ્લાં પંદરેક વર્ષોથી તો બાપુએ વિદેશની કથાઓ દરમ્યાન ભારતીય સંસ્કૃતિ- કલા-સાહિત્યનો પ્રસાર થતો રહે તેની વિશેષ કાળજી લીધી છે અને હજારો સર્જકોને પોતાની સંગાથે વિદેશ લઇ ગયા છે ! શ્રી રામકથાનાં માધ્યમથી અનેક દેશોમાં ભારતીયતાને પહોંચાડવાનું બાપુનું યોગદાન ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ જેવું છે.

કથા- બાપુ અને વિદેશી ધરતીનાં સાંખ્યયોગનું દર્શન કર્યા પછી વિદેશની કથાઓ ક્યાં અલગ પડે છે તે નોંધવાનો પ્રયાસ કરીએ. અહીં સ્પષ્ટ થઇ જઉં કે ભારતમાં અને વિદેશમાં ગવાતી બાપુની શ્રી રામકથાઓને ત્રાજવે તોળવાની કોઇ ચેષ્ટા અહીં કરવી નથી. જ્યાં સરખામણી આવે ત્યાં સત્યની કસોટી થાય અને એવું આપણે કરવું નથી. પણ આપણે વિસ્મયથી એ ચકાસવું છે કે વિદેશમાં વસતા કથાપ્રેમીઓ પર બાપુની વાણીની કેવી અસર ઊભી થઇ રહી છે. આપણે મુદ્દાસર વાત કરીએઃ

-આયોજનની વાત કરીએ તો સ્વાભાવિકપણે જ વિદેશમાં યોજાતી કથાઓ વિશિષ્ટ આયોજન કૌશલ્ય માંગી લે. સીમિત સંશાધનોમાં કથાનાં મૂળ તત્વો જળવાય રહે અને બધું જ શિસ્તબદ્ધ થાય તેની કાળજી ઊડીને આંખે વળગે છે. કથા સ્થળ, મહેમાનોના ઉતારા અને તેમનું ટ્રાન્સપોર્ટેશન, કથા બાદ સર્વે માટે પ્રસાદ, સાંધ્ય ગોષ્ઠિમાં દિગ્ગજ કલાકારોને નોતરાં અને તેમની સરભરા વગેરે અનેક પાસાંઓ સઘન આયોજન માંગી લે છે. જો કે, તેમાં વિદેશમાં કથા યોજનાર ‘નિમિત્ત માત્ર યજમાનો’ સર્વાંગ સફળ થાય છે એટલું જ નહીં, તેઓના વિવેક, પ્રત્યાયન સૌમ્યતા અને સદા સ્મિત કાબિલે દાદ હોય છે.

-નાણાંકીય પાસાંને બાપુએ ભાવપૂર્ણ શબ્દ આપ્યો છે ‘વિત્તજા સેવા’ ! એટલે નાણાંની અછત અંગે કદી વિચારાતું જ નથી, કારણ આ તો ‘સેવા’ છે, સેવા તો સીમિત ક્યાંથી રહી શકે ? જો કે, બાપુ દ્વારા વિદેશની કથાઓમાં દેશના અતિ છેવાડાના સર્જકને સથવારો કરવાની જે અદ્વિતીય પ્રણાલિ શરૂ થઈ છે તેને લઈને આર્થિક વિશાળતા યજમાને રાખવી રહે છે, પણ બહુ નજીકથી એ નિહાળ્યું છે કે હૃદયના પૂરા ઉમળકાથી બાપુની પોતા તરફની અમીદ્રષ્ટિ ગણીને યજમાનો નાણાંની પોટલી ખુલ્લી મુકી દે છે. અરે, નવા દેશની શોધ કરીને ત્યાં બાપુની કથા થાય તે માટેની વિનંતી બાપુ પાસે સતત થતી રહે છે. એ વિનંતી બાપુ સ્વીકારે અને બાપુ કથા આપે ત્યારે યજમાનોની આંખો હર્ષથી ભીની થાય છે! આવો નાતો બાપુ સાથે ધરાવનાર યજમાન કોઇપણ બાબતનો વિચાર કરે જ ક્યાંથી?

– માનવ સંશાધન એટલે કે કાગળ પર થયેલાં મહિનાઓનાં આયોજન અને નાણાંકીય ઉપલબ્ધતાને વાસ્તવમાં ‘ઓન ફ્લોર’ મૂકવા માટે ‘મેન પાવર’ની તો અવશ્ય જરૂર પડે. કથા પહેલાં, કથા દરમિયાન અને કથા પછી દોડતા રહે તેવા યુવા સ્વયંસેવકોની એક  ફોજ હોવી જોઇએ તો જ બધાં આયોજનો વ્યવહારમાં ખરાં ઉતરે. બાપુની વિદેશની કથાઓ આ પાસાંમાં તો મેદાન મારી જાય છે.

આ ત્રણ મુદ્દાઓ તો વ્યવસ્થાપન અંગેના થયા, કથાના પ્રભાવ પર એની અસર પડે જરૂર, પણ વિદેશની કથાઓની કેવી અસર ઊભી થાય છે કે બાપુની વિદેશની થતી કથાઓ કેવો ઇમ્પેકટ ઊભો કરે છે કે તેનો પ્રભાવ કેટલો અલગ પડે છે તેની વિગતો વધુ મહત્વની છે.

૧: દેશની કથાઓમાં બહુધા શ્રાવકો બાપુનાં દર્શન માટે કથા ‘સાંભળવા’ આવે છે, એમાં ભક્તિભાવ કે આદરભાવ વિશેષ દર્શાય છે..વિદેશની કથાઓમાં ઘણાખરા શ્રાવકો બાપુને ’સમજવા’ ને પોતાનાં જીવનમાં બાપુના સહજ સુચનોને ‘ઉતારવા’ ના ભાવથી આવે છે, તેઓમાં ‘ભક્તિ’ કરતાં ‘આદર’ વધુ છે અને ‘આદર’ કરતાં “બાપુવાણી’નો ‘સ્વીકાર’ વધુ છે.

 ૨: ‘કથાતત્ત્વ’ દેશના ભક્તોને આકર્ષે છે, કથાની ‘બાપુ- પ્રસ્તુતિ’ એમને ભીંજવે છે. વિદેશની કથાઓમાં સ્પષ્ટ નોંધી શકાય છે કે બાપુના ‘ચાહકો’ ઝાઝા છે એટલે તેઓને ‘કથામર્મ’ વધુ સ્પર્શી જાય છે. કથાની રજૂઆત જે રીતે બાપુ કરે છે તેનાથી તો એ અભિભૂત છે જ પણ રામકથાનાં સાત્ત્વિક બીજની પ્રબળતા અહીં વધુ છે.

૩: વિદેશની કથાઓમાં બાપુનાં ખીલવા મથતાં ‘ફ્લાવર્સ’ વિશેષ માત્રામાં છે તો દેશમાં બાપુની ઇચ્છા જરાપણ ન હોવા છતાં બાપુનાં ચરણસ્પર્શ કરવા મથતાં ‘ફોલોઅર્સ’ વધુ છે. 

૪: ઊડીને આંખે વળગે એવું પાસું એ છે કે વિદેશની બાપુની કથાઓમાં ‘માનસ’નું ગાન કરનાર કે ‘માનસ’ સંગાથે જીવનારની સંખ્યા નોંધપાત્ર છે. મહત્તમ કથા શ્રાવકોના હાથમાં થેલો હોય છે અને કથા દરમ્યાન તેમના હાથમાં ‘રામચરિત માનસ’ હોય છે… માત્ર સ્પર્શ નહીં પણ માનસની ચોપાઇઓ તેઓને કંઠસ્થ પણ હોય છે. ઘણીવાર મેં અનુભવ્યું છે કે બાપુ વ્યાસપીઠ પરથી કોઇ ચોપાઇનું ગાન આરંભે ત્યાં જ કથામંડપમાં એ ચોપાઇપૃષ્ઠ ખુલી જાય છે અને એ ચોપાઇનું સમૂહગાન ગૂંજી ઉઠે છે. આ સહજ અવલોકન સ્વીકારીને કહેવું પડે કે બાપુની વિદેશની કથાઓ પ્રબળ સાત્વિક્તાનાં સ્પંદનો સર્જી રહેલ છે.

પ: સમાજ માટે બહુ જ જરૂરી મુદ્દો એ છે કે બાપુની વિદેશની કથાઓમાં તરોતાજા (અને છતાં સૌમ્ય) યુવાનોને યુવતિઓ મહત્તમ છે. ફેશનપરસ્ત અને પૂર્ણ વિદેશી શૈલેથી ઘડાયેલા યુવાનો બાપુની કથાઓનાં આયોજનથી લઇને પ્રસાદ વિતરણ સુધી ભારે સક્રિય હોય છે. ખૂબી એ છે કે આ યુવાનો સસ્મિત હોય છે, તેમનાં હાથમાં શક્યત: બાપુનો બેરખો હોય છે કાં તો ખભ્ભે રામનામી હોય છે, તેઓમાં કોઇપણનું કામ કરવા માટે દોડવાની તત્પરતા હોય છે અને બાપુ પ્રત્યે અપાર પ્રેમ છલક્તો હોય છે. વિશ્વભરનાં કોઇપણ ધાર્મિક કે સાંપ્રદાયિક આયોજનોમાં ‘મુક્તિ માણતો ઉત્સાહભર્યો યુવાન’ તમને ભાગ્યે જ જોવા મળશે જે અહીં બાપુકથાયજ્ઞમાં હાજરાહજુર હોય છે ! જરાપણ અણગમો નહીં ને ભારોભાર વિનમ્રતાની ક્ષમતા બાપુએ યુવાનોમાં પ્રવાહિત કરી છે તે સ્પષ્ટ દેખાય છે અને અનુભવાય પણ છે.

૬: દેશની કથાઓમાં કથામંડપમાં વધુ સિનિયર સિટીઝન અગ્રે બેઠેલા કે સોફા ખુરશી પર બેઠેલા ભાળી શકાય છે. વિદેશની કથાઓમાં તરણ- તરુણીઓ- યુવાન-યુવતીઓ કે મધ્યવયના શ્રોતાઓ આગળ ‘નીચે બેસી’ બાપુએ ઘૂંટડે ઘૂંટડે હૃદયસ્થ કરી રહ્યા હોય છે. વયસ્ક શ્રોતાઓ નાની ટેકણવાળી ફોલ્ડીંગ ચેર અગાઉથી ગોઠવી રાખી આગળ બેસી બાપુની આંખમાં આંખ પરોવવાનું ચૂકવા તૈયાર નથી હોતા.

૭: વિદેશની કથાના શ્રાવકો કથા સિવાયની બાપુની એકેએક ગતિવિધિથી વાકેફ રહેવાનું પસંદ કરે છે અને શક્ય બને ‘જયાં બાપુ ત્યાં અમે ‘નાં સૂત્રને વળગી રહી કથા માટે પધારેલ બાપુની પ્રત્યેક પળના સાક્ષી બની રહેવાનું ગોઠવી જ લે છે. કથા દરમ્યાન યોજાતી સાંધ્ય ગોષ્ઠિઓ કે બાપુનિવાસી સહજ થતી પ્રેમ મહેફિલો માણવાનું તેઓ ચૂકતા નથી. તેઓ માટે પૂરા નવ દિવસો ‘બાપુમય’ રહેવું જીવનનો લ્હાવો છે.

૮: બાપુ માટે તો સૌ સમાન છે અને સર્વેનો સહજતાથી સ્વીકાર છે. પણ બાપુ વિદેશની કથાઓ દરમ્યાન યુવાન-યુવતિઓને મળવાનું, તેમની સાથે સંવાદ કરવાનું, તેમના પ્રશ્નોને વધુ સ્થાન આપવાનું અવશ્ય પસંદ કરે છે. વેમ્બ્લી, લંડનની એક કથામાં સમગ્ર કથા- આયોજનમાં ત્રણસો યુવાનો સામેલ હતા, એ સૌને પ્રત્યક્ષ મળી તેમની સાથે નજદીકી સંવાદ કરવાનું વિશેષ નિમિત્ત બાપુએ ગોઠવાવેલું. રોજ પચાસ યુવાનો બાપુ સમીપે બેસી પ્રેમનો ભાવપ્રસાદ પામી શકયા. નવે નવ દિવસે પળેપળ ભરચક્ક કાર્યક્રમો અને ભારતથી બાપુસંગાથે ગયેલા દોઢસો ક્લાસર્જકોની પ્રસ્તુતિને માણવાની રોજની સાંધ્ય મહેફિલો છતાં બાપુ છ દિવસમાં ત્રણસો યુવાનોને લાગણીપૂર્વક મળ્યા અને ‘હું તો સંવાદનો માણસ છું’ એવું ‘ખુદકથન’ સિદ્ધ કર્યુ !

૯: અરબી કહેવત પ્રમાણે ‘જે નજદીક હોય તેની સાચી ઓળખાણ ચૂકી જવાય છે’, તેમ જ બાપુ તો ‘આપણા જ છે’ ને ‘આપણા માંહેના જ છે’ ને ‘આપણી વચ્ચે જ છે’ને એવી સહજ મનોવૃત્તિ દેશના શ્રાવકોમાં હોય, પણ વિદેશ વસતા ભારતીયો માટે તો ‘બાપુ વર્ષે-પાંચ વર્ષે પધારે છે’ કે ‘બાપુ કથનનો પ્રત્યક્ષ લાભ કયારે મળે?’ કે ‘બાપુ સમીપે રહેવાની તક ફરી મળે- ન મળે’ જેવી લાગણી બાપુની વિદેશની કથાઓને એક ઉત્સવનું સ્વરૂપ આપી દે છે. એથી જ તો આફ્રિકામાં કથા હોય તો અમેરિકા, ગલ્ફ કે લંડનના ભાવકો પહોંચી જ જાય. અરે, ભારતમાં એન.આર.આઇ. મહીના ગાળવા આવેલા ગુજરાતી- વિદેશીઓ બાપુની એ સમયની કથાઓમાં અવશ્ય જોવા મળે છે. હા, જો કે, તમને એવા કેટલાય વિદેશીઓ મળે કે જેમને ત્યાં બાપુ એક-બે વાર જઇ આવ્યા હોય! વિદેશમાં એવા કેટલાય ભવન કે હવેલી જેવા નિવાસો છે કે જયાં ‘બાપુ-કુટિયા’ કે ‘બાપુ-કક્ષ’ ખાસ બનાવવામાં આવ્યા છે અને તેમાં ‘બાપુ હાજર છે’ તેવો ભાવ સદા એ નિવાસમાં પ્રવર્તે છે !!

૧૦: બાપુની વિદેશની કેટલીય કથાઓમાં ખરા અર્થમાં વિદેશી શ્રાવકો શ્રવણાર્થે ઉપસ્થિત રહે છે. તેઓ હિન્દી કે ગુજરાતી ન જાણતા હોવા છતાં કથામાં બાપુ દ્વારા સર્જાયેલ ભાવાવરણની સુગંધથી તેઓ પ્રસન્નતા અનુભવે છે. ક્યાંક તો કથાના યજમાન આ વિદેશી માટે ટ્રાન્સલેટીયર ઉપકરણની સગવડતા પણ કરે છે. કયોટો, જાપાનની કથામાં કેટલાક જપાનીઓ લગભગ રોજ કથાશ્રવણ કરતા અને રોજ પૂર્ણ શાકાહારી ભોજન-પ્રસાદ પણ રસપૂર્વક આરોગતા હતા. એમાંથી કેટલાક સાથે સંવાદ કરવાનો મને મોકો મળેલો ત્યારે તેઓની એક વાત જચી ગયેલી: ‘બાપુ કથા કહે છે તે બધું નથી સમજાતું, પણ અમને બહુ આનંદ આવે છે કારણ કે બાપુના બોલાયેલા શબ્દો પાછળનો ભાવધ્વનિ અમે પકડી શકીએ છીએ અને કથામંડપમાં પડતો તેનો પ્રભાવપડથો અમે નોંધી શકીએ છીએ.’

એક જ વાક્યમાં સમાપન કરું: ‘વિદેશની કથાઓમાં બાપુના શબ્દો પાછળનો ભાવધ્વનિ ભારોભાર ઝીલાય છે અને તેનો સાત્વિક પડઘો ચોતરફ પડઘાય છે.” 

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

અજવાળું એટલે  જવું નિયતિની પૂર્વસ્થિતિમાં

અજવાળું એટલે જવું નિયતિની પૂર્વસ્થિતિમાં

અજવાળું એટલે... જવું નિયતિની પૂર્વસ્થિતિમાં

ફૂલછાબ : દીપોત્સવી અંક : 2023

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

જે યાત્રા આપણે બેહોશી માં કરી રહ્યા હતા તે યાત્રા બોધપૂર્વક કરવી એનું નામ સાધના.

II ૐ શ્રી આદિત્યનારાયણ દેવતાભ્યો નમઃ II

અમારા નિવાસ ‘પ્રેમમંદિર’ ના પડોશમાં એક બુઝુર્ગ નારી રોજ સવારે બહાર ડોકાયા કરે અને જમણી દિશામાં કશુંક શોધ્યા કરે. મારી સવાર હિંચકે વીતે અને હું રોજનો પેલી ઘટનાનો સાક્ષી. શરુ શરૂમાં મને વિસ્મય હતું કે એ સન્નારી કોને શોધે છે ?? પરંતુ એક દિવસ હું તેમની શોધ પૂર્ણ થયાના આનંદનો પણ સાક્ષી બન્યો અને મારું  વિસ્મય વ્યક્તિગત ન રહેતા શાશ્વત બની ગયું.!!

જમણી દિશામાં જરાક સુરજ ડોકાયો ને તે સન્નારી અંદર ઉતાવળા પગલે દોડયાં અને પાણી ભરેલો ત્રામ્બાનો કળશયો (લોટો) લઈને બહાર બાલ્કનીમાં આવ્યાં, એમણે  જમણી દિશામાં હાથ જોડીને નમસ્કાર કર્યા અને પછી પેલા લોટામાંથી ધીમી ધારે પાણી રેડતા ગયાં અને બોલતા ગયાં ‘II શ્રી આદિત્યનારાયણ દેવતાભ્યો નમઃ II’ !! બસ પછી મુખ પર સંતોષનું સ્મિત ફરકાવતા અંદર જઈ  કામે લાગી ગયાં.

મારા મનને ઘડીક શાંતિ થઇ પણ પેલું વિસ્મય વ્યાપક બનીને જિજ્ઞાસામાં ફેરવાયું કે, આખો દિવસ તપતા આ સૂરજદેવ સામે પાણી રેડવાથી શો લાભ થાય ?? જિજ્ઞાસા ઝાલી ન રહી એટલે સાંજે એ સન્નારી ફળિયે બેસી સમવયસ્કો સાથે ગોઠડી કરતા હતા ત્યાં જઈને પૂછી નાખ્યું : ‘હેં, બા, તમે સવાર સવારમાં સૂર્યને શોધો ને જેવો દેખાય એટલે તરત તેની સામે પાણી રેડીને શ્લોક જેવું બોલો છો, તે આનો શો અર્થ ?’  તેઓ તો

                                                          (2)

અચંબામાં પડ્યા કે આ પાડોશી આવું શા સાટું પૂછવા આવ્યા હશે, પણ તરત તેઓએ ઠાવકાઈથી કહ્યું, ‘ભાઈ, એવું વિચારો તો કે સુરજ ઉગવાનું જ ભૂલી જાય તો,,, આપણું શું થાય ?  મને કયો તમે કે આપણો દિવસ શરુ થયો ક્યારે કહેવાય ? ઘોર અંધારી રાતમાંથી પહેલા પહોરે ઉજાસ થાય જ નહિ તો આપણી સવાર પડે ખરી ?? ભાઈ, જે આપણને સવારે ઉજાસ પાથરી ધીમેકથી કહે કે, ઉઠો વ્હાલા, એક નવો દિવસ તમારી ઝીંદગીને  ભેટ મળ્યો છે તે આનંદ કરી લ્યો !!! કહો જોઈએ, આવું કોઈ કહે તો  આપણે એનો આભાર માનવો જોઈએ કે નહીં  ?? તમે વાતે વાતે Thank You નથી કહેતા એકબીજાને ?? બસ, એમ જ, હું સવારમાં સુરજદેવને હાથ જોડી પ્રણામ કરું છું અને થોડું પાણી તેને અર્ઘ્ય  રૂપે ચડાવી  તેને ટાઢક વળે એવો ભાવ કરું છું, એને આપણા માટે આખો દિવસ તપવું સહેલું પડે ને ભાઈ..!! મારું વિસ્મય  હવે શાશ્વત બની ગયું અને મને સમજાયું કે, સૂર્ય બહાર પ્રકાશ પાથરે છે પણ કોઈ સજગ સન્નારીના હૃદયમાં અજવાળું અજવાળું કરી દે છે.

મને સ્વામી બ્રહ્મવેદાંતજીનું એક વિધાન યાદ આવ્યું : જે યાત્રા આપણે બેહોશી માં કરી રહ્યા હતા તે યાત્રા બોધપૂર્વક કરવી એનું નામ સાધનામને સમજાયું કે મારા પડોશી સન્નારી તો જાણ્યે અજાણ્યે સાધના કરી રહ્યા છે અને તેમણે મને કેવળ વાત નથી કરી પરંતુ મને સાધનાના માર્ગ તરફ આંગળી ચીંધી  છે.

ચીન નિવાસી અને વિશ્વના આધ્યાત્મ જગતના વિરલ પથદર્શી લાઓ ત્સુ  ત્રણ ખજાનાની વાત કરે છે:

મારી પાસે ખજાના છે ત્રણ, જેને હું રાખું છું મારી પાસે સુરક્ષિત.

પહેલાને કહે છે પ્રેમ, બીજાને કહે છે અતિરેક રહિતતા,

ત્રીજાને કહે છે દુનિયાથી આગળ થઈ જવાના અભરખાનો અભાવ.

પ્રેમ હોય એટલે વ્યક્તિ થઈ શકે બહાદુર,

અતિરેક હોય એટલે રહી શકે ભરપૂર

દુનિયાની આગળ થઈ જવાનો અભરખો હોય

                                                             (3)

એટલે વ્યક્તિ થઈ શકે છે બધા અધિકારીઓની ઉપર

પ્રેમને બદલે વ્યક્તિ પાસે જો હોય બહાદુરી,

અતિરેક રહિતતાને બદલે વ્યક્તિ પાસે હોય વિપુલતા,

તો પાછળ રહેવાને બદલે વ્યક્તિ જાય છે આગળ અને 

બધું લઈ જાય માત્ર મૃત્યુ તરફ.”

અને આમ જુઓ તો મૃત્યુ એ આખરી અજવાળું જ છે ને !! બહારનો  દીપ બુઝાય ત્યારે અંદરના દીપનું પ્રાગટ્ય થાય..બહાર પ્રકાશ ગયો અને અન્તઃકરણમાં અજવાસ થયો.

ગુરુ નાનક નિરંતર ઈશ્વરમાં મગ્ન રહેનાર સંત હતા. તેમને બાલ્યાવસ્થામાં યજ્ઞોપવિત સંસ્કાર આપવાનું નક્કી કરવામાં આવ્યું. આ અવસર ઉપર દૂરના નજીકના સબંધીજન આવ્યા અને સૌ ભેગા થયા અને છેલ્લા તબક્કે એક વિસ્ફોટ થયો. સૌના આશ્ચર્ય વચ્ચે નાનકડા નાનકજીએ કહ્યું કે, ‘હું યજ્ઞોપવિત પહેરીશ નહીં.’ કુટુંબના સૌ વડીલો એને સમજાવવા લાગ્યા અને પૂછ્યું કે, ‘એવું કેમ ?’ ત્યારે એણે જવાબ આપ્યો કે, ‘જે જનોઈ મેલું થઇ જાય, તૂટી જઈ શકે, બળી જઈ શકે અને જે મનુષ્યના સાથે જીવનની સીમા પછી પણ આવે નહીં એવું જનોઈ પહેરવાનો અર્થ શું છે ?’ બધા વિમાસણમાં પડી ગયા ત્યારે કોઈ એક બુઝૂર્ગે પૂછ્યું કે, ‘બરાબર છે એ નહીં  તો, તારે કેવું જનોઈ જોઈએ છીએ કે જે આલોક અને પરલોકમાં પણ તારું સાથીદાર બને ?’  આ લોકોની જિજ્ઞાસા હતી. બધા પ્રતીક્ષા કરતાં હતા કે, શું જવાબ મળે છે ત્યારે નાનકદેવજીએ કહ્યું, ‘જેમાં જ્ઞાનની કપાસ હોય, સંતોષનો દોરો હોય, સંયમની ગાંઠ અને સત્યનો અર્ક હોય એ જનોઈ હું પહેરીશ કે જે આત્મા માટે આદર્શ હોય.’  એક નાનકડાં બાળકની આટલી  ઊંડાણભરી વાત ત્યારે જ બહાર આવે કે જયારે  અંદર અજવાળું અજવાળું હોય.

પ્રશ્ન થાય કે, આવું ક્યારે શક્ય બને ?? જવાબ તાઓ ઉપનિષદમાંથી મળે છે :

તાઓ ખોવાઈ જાય, ત્યારે ગુણ આવે,

ગુણ ખોવાઈ જાય ત્યારે પરોપકારિતા આવે.

                                                     (4)

પરોપકારિતા ખોવાઈ જાય, ત્યારે ન્યાયીપણું આવે,

ન્યાયીપણું ખોવાઈ જાય ત્યારે વિધિવિધાન આવે,

વિધિવિધાન એટલે વફાદારી, આથી જ્ઞાની માણસ નક્કરને પકડશે,

ધૂંધળાને નહીં, સજ્જન બીજાનો ત્યાગ કરશે, પ્રથમને સ્વીકારશે.

વર્ધાથી બહાર પડતા સામાયિક ‘મૈત્રી’નાં ઓગસ્ટ-2023ના અંકમાં એક કોલમમાં કહેવાયેલી વાત કાલિંદીના શબ્દોમાં જાણીએ:

સર્વ શક્તિદાયિની પદયાત્રાનો એ ચોથો ભાગ છે. એમાં એક સરસ પ્રસંગ ચિત્ર મૂક્યું છે. પશ્ચિમ બંગાળથી હવે જઈશું પૂર્વ બંગાળ એટલે કે પૂર્વ પાકિસ્તાન એટલે કે આજનું બાંગ્લાદેશ. અહીં બે જિલ્લાઓમાં કુલ સોળ  દિવસ સુધી પદયાત્રા થઈ. અહીંની સભાઓ એક આશ્ચર્ય પમાડે તેવી થઈ. નાના નાના ગામોમાં હજારોની સભા થતી હતી. કોણ કહેતું હશે લોકોને આ સભા અંગે કે આટલા બધા ઉમટી પડતા હશે ! ત્યારે કાર્યકર્તાઓની ફોજ નહોતી, પ્રચારની કોઈ યોજના નહોતી પરંતુ કોણ પહોંચાડી રહ્યું હતું આ વાત લોકો સુધી ? કોણ હતો તેનો સંદેશાવાહક ? કાનમાં કોઈ હળવો અવાજ બોલતો  હતો.  ચારો ઓર સે હવા આઈ, લોગો કે કાનોમેં બોલી,, આયા હે ફકીર ભારતકા લેકર પૈગામ મહોબ્બતકા. હવામાંથી સંદેશ મેળવીને લોકો ઉમટી પડ્યા હતા. હજારોની સંખ્યામાં ઉપસ્થિતિ હતી, પણ શાંતિથી, એકાગ્રતાથી તેઓ વિનોબાજીને સાંભળતા હતા. આશાવાદી આર્ય નાયકમ પણ સાથે હતા. તેઓ કહેતા :  બાબા ભૂમિ તપ્ત છે, એને વરસાદનું પાણી મળી રહ્યું છે. વાત પણ સાચી હતી. પૂર્વ પાકિસ્તાનની હાલત એવી હતી કે, ત્યાં આવી જાહેર સભાઓ ક્યારેય થતી ન હતી. સંત ફકીરોની આહલેક  સાંભળીને ત્યાં ભેગા થવાનો મોકો પણ મળતો ન હતો. ખરેખર એ ભૂમિ પ્યાસી હતી, તપ્ત હતી. એવી શાંત એકાગ્ર શ્રોતાઓની આટલી વિશાળ પણ સભા ભારતમાં ક્યાંય થઇ ન હતી, પણ તેના ઉપર ફકીર વિનોબાજીનો મહોબ્બતનો પૈગામ જાણે મીઠો વરસાદ વરસાવી રહ્યો હતો.

                                                        (5)

વિનોબાજીની ભૂદાન પદયાત્રા ચાલી રહી હતી એમાં એક વિશિષ્ટ પ્રસંગ બન્યો. પ્રસંગ એવો હતો કે ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી લાલબહાદુર શાસ્ત્રીજીએ પ્રધાનમંત્રી પદના શપથ લીધા પછી તેઓને ઈચ્છા હતી કે તેઓ સંત ઋષિ વિનોબાજીને મળે અને તેના આશીર્વાદ લે. વિનોબાજીની યાત્રા એ સમયે વર્ધા જિલ્લામાં ચાલી રહી હતી. પ્રધાનમંત્રીએ ખાસ કહેવડાવ્યું કે, ‘વિનોબાજીની ભૂદાન યાત્રા પૂર્વ નિયોજિત કાર્યક્રમ પ્રમાણે જ ચાલે. મારા કારણે તેમાં કોઈ બદલાવ ન કરવામાં આવે. હું તેઓ જે સ્થાન ઉપર હશે તે સ્થાન ઉપર જઈને તેમને મળીશ.’ એ દિવસે વિનોબાજીનો  મુકામ એક બહુ નાનકડા ગામમાં હતો. એ ગામમાં સ્કૂલ નહોતી, પંચાયત નહોતી. એનો કોઈ રૂમ ન હતો  કે કોઈ એવી વ્યક્તિનું મોટું મકાન પણ નહોતું. પ્રશાસન અધિકારીઓ તો મુશ્કેલીમાં મુકાઈ ગયા. વિચારે ચડ્યા કે આ બંને મળી શકે એવું સ્થાન કયું ? વિનોબાજીની વાત તો ઠીક છે પરંતુ તેમને ચિંતા હતી પ્રધાનમંત્રીની. આખરે એક ઘર પસંદ કરવામાં આવ્યું. ઘર એટલે માટીવાળી દિવાલોનો એક ઓરડો અને એના આગળના ભાગમાં ઉપર છાપરા મૂકેલ એક ઓસરી કહી શકીએ એવું. ઘરનો માલિક બહુ ખુશ હતો કે, એક સંત આજે આખો દિવસ આ ઘરમાં રહેવાના હતા. અને એમણે ૨૪ કલાક માટે પોતાના પરિવાર અને બળદને લઈને ખસી જવાનું પસંદ કર્યું. પ્રશાસનના  અધિકારીઓએ ઘરની સફાઈ કરી. વિનોબાજીના સાથીઓ પણ એ રૂમને સજાવવા લાગ્યા. ચાદર પાથરી, ચટાઈ પાથરી, ઓરડાના એક ખૂણામાં ચૂલો હતો એને સારા કપડાથી ઢાંકી દઈને એની ઉપર ફાનસ મૂકી દીધું. કારણ કે બહાર વાદળો હતા અને ઓરડામાં અંધારું. નક્કી થયેલા સમય ઉપર પ્રધાનમંત્રી આવ્યા. તેઓ પોતાની ગાડી અડધો માઈલ દૂર રાખીને ચાલીને આવ્યા. વિનોબાજી પણ પોતાના રૂમમાંથી બહાર આવ્યા અને સ્વાગત માટે રસ્તા ઉપર ઉભા રહ્યા. તેઓ શાસ્ત્રીજીનો હાથ પકડીને પોતાના રૂમ માં લઇ ગયા. એક દોઢ કલાક સુધી બંનેએ એકાંતમાં વાતો કરી. વિદાય માટે જેવા તેઓ ઉભા થયા કે  એકદમ ચારે તરફથી આંધી શરૂ થઈ.  હવાનું એક બહુ મોટું વહેણ એ ઓરડામાં પણ ઘુસ્યું અને સૌના આશ્ચર્ય વચ્ચે એ ગરીબ ઘરની આસપાસ જે સારું ઐશ્વર્ય હતું એ આ બંને મહાનુભવો પર પડયું  અને બંનેનું સન્માન કર્યું. ઐશ્વર્ય એટલે શું ? એ સમયે લાલ મરચું અને ડુંગળીના

                                                    (6)

છાલકાઓની વર્ષા  બંને ઉપર થઇ !  એમ કહેવાય કે ગરીબ ઘરની વિદાય લેતી વખતે ગરીબોની  સર્વોત્તમ ચીજથી બંનેનું સન્માન થયું. સામાન્ય રીતે તો પ્રધાન મંત્રીનું સન્માન કરવા માટે તો ફૂલ હોય, ગુચ્છા હોય, ફૂલમાળા હોય, નોટોની માળા હોય પણ આજે એવું નહોતું. પ્રધાનમંત્રી અને વિનોબાજી રૂમની બહાર આવ્યા ત્યારે બંને ઉપર કચરાના અંશો પડ્યા હતા. પ્રધાનમંત્રીની ટોપી ઉપર અને ખભા ઉપર પડેલો કચરો પ્રશાસકીય લોકો દૂર કરવા લાગ્યા,  પણ પ્રધાનમંત્રીએ આસ્તેથી તેઓનો હાથ દૂર કર્યો અને જઈને કારમાં બેસી ગયા. પ્રધાનમંત્રીનું આ પ્રકારનું સ્વાગત કે વિદાય બીજે ક્યાંય  હોય શકે ? સંભવ જ નથી લાગતું. કોઈ ઉત્તમ લેખકની  કલ્પના શક્તિ ન ચાલે એવી રીતે આ બનાવ બન્યો હતો. તેમ છતાં તે ચક્ષુ રેવ સત્યમ હતું. અદ્વિતીય હતું. આવું તો પદયાત્રામાં જ થઇ શકે. પરમભાગ્ય પદયાત્રીઓના કે આ બધું જોયું અને ચોતરફ ભૂદાનયાત્રાનું અજવાળું અજવાળું થઈ  રહ્યું.

સંત ફઝીલ એક દિવસ પોતાના દીકરાને પોતાના ખોળામાં બેસાડીને પ્યાર કરી રહ્યા હતા. ત્યારે એક નિર્દોષ બાળકે પૂછ્યું, તમે મને દોસ્ત માનો છો ? ફઝીલે કહ્યું, હા. બાળકે ફરી પૂછ્યું,.. ‘અને ખુદને પણ દોસ્ત માનો છો ? બંનેની દોસ્તી એક દિલમાં રહી શકે નહીં હો !’ ફઝીલ સમજી ગયા.  આ ચેતવણી કદાચ ખુદા જ આપી રહ્યા હતા. એમણે તરત જ બાળકને ખોળામાંથી ઉતાર્યો અને પલાંઠી મારીને આરાધનામાં લીન થઇ ગયા. સંત સાફિયાન એક રાત્રે ફઝીલ પાસે આવ્યા અને પ્રેમ પૂર્વક અધ્યાત્મ ચર્ચા કરવા લાગ્યા. વિદાય લેતી સમયે સંતુષ્ટ સ્વરમાં તેઓએ કહ્યું કે, આજની રાત બધી રાતોથી વધુ સારી રહી છે અને આજનો જલસો બધા જલસામાં ખુબ ઉત્તમ રહ્યો છે. પ્રત્યુત્તરમાં ફઝીલે  કહ્યું : “આજ કી રાત સબ રાતો સે બુરી ઓર આજકા જલસા સબ જલસોસે બુરા રહા.’  તરત સાફિયાને પૂછ્યું,  કેમ એમ ? જવાબ મળ્યો :  આ આખી રાત તમે એ ચિંતામાં રહ્યા કે એવી વાત કહો જે મને પસંદ આવે અને હું એ ફિકરમાં રહ્યો કે એસી બાત કહું કી તુમ્હે પસંદ આયે. હમ દોનો અલ્લાહ સે કાફીર રહૈ. બંદે કે લિયે તન્હાઈ હી અચ્છી થી જહાં ઉસકા ખુદા કે સાથ સીધા વાસતા હે આ વિચારને લઈને સંત અબ્દુલ્લાએ કહ્યું

                                                          (7)

પરત જાઓ. તુમ ઇસલિયે આયે હો ના કિ  તુમ મુજસે બાતેં  કરો ઓર મેં તુમસે બાતેં  કરું. સત્સંગ ઉતના હી અચ્છા જીતને મેં રાહી કો રાહ બતાયી જાએ !!

એકનાથે કહ્યું છે: જબ તક રસનાકો જીત નહીં લિયા સમૂચિત બોલના આતા નહીં. એમાંથી પ્રશ્ન થયો કે,  કોઈ ખોટું બોલે તો પણ આપણે ચૂપ રહીને સહન કરતાં શીખવું જોઈએ,  પણ એવું થતું નથી. માનો કે,  આપણે એને વળતો જવાબ ન દઈએ, પરંતુ મનમાં તો પ્રતિવાદ રહેતો જ હોય છે. સૂફીનો જવાબ મળ્યો :  ચુપચાપ સહન કરવું પર્યાપ્ત નથી દોસ્ત,  કટુ બોલનારને આશીર્વાદ આપો,  એમનું શુભ ચિંતન કરો,  એમના ઉપર ઈશ્વરની કૃપા હો, એવું પણ વિચારવા લાગો ત્યારે વાત પુરી થશે. ફરી પ્રશ્ન થયો કે, ‘શૂન્ય બનવાની વાત સૌ કરે છે તો આ શૂન્ય બનવું એટલે શું ?’  જવાબ મળ્યો: શૂન્ય બનવું સહેલું છે. તમારા ચિત્તમાં ન કોઈ વિકાર હોય કે ન કોઈ વિચાર હોય એ સ્થિતિ શૂન્યાવસ્થા છે. 

 આપણે જાતને પૂછવાનું છે :

તમારાથી વધુ નિકટ શું ? કીર્તિ કે તમે સ્વયં ?

તમને વધુ વહાલું શું ? તમે સ્વયં કે સંપત્તિ ?

કોઈ પણ વસ્તુ માટે અતિ પ્રેમ, દોરી જાય દુર્વ્યય તરફ;

ધનના સંગ્રહની પાછળ પાછળ આવી જાય મોટી લૂંટ

એટલે જે જાણે સંતોષને, તે રહેશે, ના થશે કદી માનભંગ;

જે જાણે ક્યાં અટકી જવું, તે રહેશે કદી નાશવંત

પ્રાપ્ત કરો લક્ષ્ય પ૨મ શૂન્યતાનું; જાળવી રાખો અવસ્થા સંપૂર્ણ શાંતિમાં

અસ્તિત્વમાં આવે બધી વસ્તુઓ અને પછી આપણે જોઈએ તેમને પાછી ફરતી

જુઓ સંવર્ધન પામી રહેલી વસ્તુઓ તરફ;

                                                           (8)

પ્રત્યેક પાછી ફરે છે તેના મૂળમાં.

પાછું ફરવું મૂળમાં, તેને કહે છે શાંતિ;

તેનો અર્થ થયો : જવું નિયતિની પૂર્વસ્થિતિમાં

…અને એ પૂર્વસ્થિતિમાં મળી આવશે અજવાળું અને તેનું એકમાત્ર લક્ષ્ય હશે  કે પૂર્ણતાની દિશામાં  સતત ચાલતા જ રહેવાનું, સતત ચાલતા જ રહેવાનું…Just Let Go .

 

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

ઈશ્વરના કોઈપણ નામમાં અસત્યમાંથી સત્ય તરફ લઈ જવાની શક્તિ છે

ઈશ્વરના કોઈપણ નામમાં અસત્યમાંથી સત્ય તરફ લઈ જવાની શક્તિ છે

બહારથી યજ્ઞ,દાન, તપની મારી જે વિશ્વ સેવા ચાલે છે, તેને અંદરની આધ્યાત્મિક સાધનાનું નામ આપી શકાય.

ભદ્રાયુ વછરાજાની           (61)             bhadrayu2@gmail.com

ગીતાજીના સત્તરમાં અધ્યાયમાં દર્શાવ્યા પ્રમાણે સૃષ્ટિ, સમાજ અને શરીર એ ત્રણે સંસ્થાનું કામ સારામાં સારી રીતે  ચાલે એ મુજબ  વર્તવાની આપણી ફરજ છે. આપણે યોગ્ય અથવા અયોગ્ય અનેક સંસ્થા ઊભી કરીએ છીએ. પણ આ ત્રણ સંસ્થા આપણી ઊભી કરેલી નથી. તે સ્વભાવતઃ આપણને આવી મળી છે. એ સંસ્થાઓ કૃત્રિમ નથી. એવી એ ત્રણે સંસ્થાઓને લાગેલો ઘસારો યજ્ઞ, દાન અને તપ એ સાધન વડે ભરી કાઢવાનો આપણો  સ્વભાવપ્રાપ્ત ધર્મ છે. આ પ્રમાણે આપણે વર્તવું હોય તો આપણી જે હશે તે બધીયે શક્તિની એમાં જરૂર પડશે. આ ત્રણ સંસ્થા સુંદર રીતે ચાલે તેટલા ખાતર આપણી બધીયે શક્તિ વાપરવી પડશે. કબીરની માફક આપણે પણ જ કહી શકીએ કે “હે  ઈશ્વર ! તેં  મને જે ચાદર આપી હતી તે જેવી ને તેવી પાછી આપી, આ હું ચાલ્યો, એ તારી ચાદર બરાબર તપાસી લે.” તો કેવડી મોટી સફળતા ગણાય ! પણ એવી – સફળતા મળે તે માટે યજ્ઞ, દાન અને તપનો ત્રિવિધ કાર્યક્રમ અમલમાં મૂકવો જોઈએ.

યજ્ઞ, દાન અને તપ એ ત્રણેમાં ખરું જોતાં ભેદ નથી. કારણ કે સૃષ્ટિ, સમાજ અને શરીર એ ત્રણ તદન જુદી સંસ્થાઓ નથી. આ સમાજ સૃષ્ટિની બહાર નથી. આ શરીર પણ સૃષ્ટિની બહાર નથી. ત્રણે મળીને એક જ ભવ્ય સૃષ્ટિ – સંસ્થા બને છે. તેથી જે ઉત્પાદક શ્રમ કરવાનો છે, જે દાન કરવાનું છે, અને જે તપ આચરવાનું છે તે બધાંયને વ્યાપક અર્થમાં યજ્ઞ જ કહી શકાશે. 

આ ત્રણે સંસ્થાને માટે જે જે સેવા આપણે કરીશું તે સેવા યજ્ઞરૂપ જ હશે. માત્ર એ સેવા નિરપેક્ષ હોય એટલે થયું. આ સેવામાં ફળની અપેક્ષા રાખી શકાશે જ નહીં. કેમ કે ફળ આપણે આગળથી લઈ લીધેલું છે. પહેલાંનું દેવું માથે છે. જે લીધું છે તે પાછું આપવાનું છે. યજ્ઞથી સૃષ્ટિ-સંસ્થામાં, દાનથી સમાજમાં અને તપથી શરીરમાં સામ્યવસ્થા રહે છે. આમ, આ ત્રણે સંસ્થાઓમાં સામ્યવસ્થા રાખવાને માટેનો આ કાર્યક્રમ સત્તરમાં અધ્યાયમાં દર્શાવેલ છે.

આપણા જન્મ સાથે જોડાયેલી ત્રણ સંસ્થાઓ માટે કશોક ભોગ પણ આપવાનો છે. ભોગ આપવો એ પણ યજ્ઞનું જ એક અંગ છે. આ ભોગને ગીતા આહાર કહે છે. આ શરીરરૂપી યંત્રને ખોરાક રૂપી કોલસો પૂરો પાડવો પડશે. દેહ ને આહાર આપીએ તો જ એ કામ કરે. આ બધી વાતોના મૂળમાં વળી શ્રધ્ધા જ હોય છે. બધી જ સેવા પરમેશ્વરને અર્પણ કરવાની છે. પણ આપણે ક્રિયાઓ ઈશ્વરને ક્યારે અર્પણ કરી શકીએ ? તે સાત્વિક હોય તો જ અર્પણ કરી શકીએ. આપણા બધા કર્મો જ્યારે સાત્વિક થાય ત્યારે તે ઈશ્વરને અર્પણ કરી શકાય. યજ્ઞ, દાન, તપ બધું સાથે જ થવું જોઈએ. ક્રિયાઓને સાત્વિક કેમ કરવી તેનું રહસ્ય આપણને 14 માં અધ્યાયમાં બતાવવામાં આવ્યું હતું. 17માં અધ્યાયમાં ગીતા તે તત્વોનો અમલ શી રીતે  કરવો તે બતાવે છે. આ સત્વિકતાની યોજના કરવામાં ગીતાનો બે પ્રકારનો ઉદ્દેશ છે. બહારથી યજ્ઞ,દાન, તપની મારી જે વિશ્વ સેવા ચાલે છે, તેને જ અંદરની આધ્યાત્મિક સાધનાનું નામ આપી શકાય. બંનેને માટે એક જ પ્રયત્ન, એક જ કર્મ છે. તેવું જે કર્મ કર્યું હોય, તે આખરે ઈશ્વરને અર્પણ કરવાનું છે. 

કહેવાય છે કે યજ્ઞ સાત્વિક થાય તે માટે બે બાબતો જરૂરી છે. એક નિષ્ફળ પણાંનો અભાવ, અને બે, સકામ પણાંનો અભાવ. યજ્ઞમાં સકામ પણું હોય તો એ ‘રાજસુ  યજ્ઞ’ બને છે. અને નિષ્ફળ પણું હોય તો ‘તામસ યજ્ઞ’ બને છે. સાથે-સાથે એ પણ યાદ રાખવું પડે કે, આ બધાએ કર્મોમાં મંત્ર પણ જોઈએ. મંત્રહિન કર્મ વ્યર્થ છે. કેવળ પરાર્થ સંભવતો નથી. લેસ માત્ર પણ મારો સ્વાર્થ  જેમાં ન હોય, એવું કામ લગભગ-લગભગ કરી શકાતું નથી. તેથી દિવસે-દિવસે  વધારે ને વધારે નિષ્કામ, વધારેને વધારે નિસ્વાર્થ સેવા, આપણે હાથે થાય એવું ઈચ્છતા રહેવું જોઈએ. આપણા કર્મોમાં અનાસક્તિ રાખીએ, અલિપ્તતા આણીએ. ‘ઓમ-તત્સત’ એ વૈદિક નામ લઇ ગીતાએ બધી ક્રિયાઓ પરમેશ્વરને અર્પણ કરવાનું શીખવ્યું છે. ઈશ્વરના કોઈપણ નામમાં અસત્યમાંથી સત્ય તરફ લઈ જવાની શક્તિ છે. પાપમાંથી નિસ્પાપતા તરફ લઈ જઈ શકે. જીવનની આસ્તે-આસ્તે  શુદ્ધિ કરવી જોઈએ, પરમાત્મા જરૂર એમાં મદદ કરતો હોય છે. અને આપણી નિર્બળતામાં તે આપણો હાથ પકડતો હોય છે.

જેવું સત્ત્વમય જીવન તેવી જ શ્રદ્ધાથી દેહ ઘડાય છે

જેવું સત્ત્વમય જીવન તેવી જ શ્રદ્ધાથી દેહ ઘડાય છે

સૃષ્ટિને જે ઘસારો વેઠવો પડે છે તે ભરી કાઢવો, તેનું નામ યજ્ઞ છે.

ભદ્રાયુ વછરાજાની           (60)          bhadrayu2@gmail.com 

       સત્તરમાં  અધ્યાયને વિનોબાજી ‘પરિશિષ્ટ બે’ કહે છે અને તેને ગીતાજીએ દર્શાવેલ  “સાધકનો કાર્યક્રમ” કહે છે. કુલ અઠ્યાવીશ શ્લોકો  સાથેના આ અધ્યાયમાં અર્જુનના એક જ પ્રશ્નને વિગતે સમજાવવા માટે ભગવાન શ્રી કૃષ્ણ સત્યાવીશ શ્લોકોમાં પૂર્ણ સમજૂતી સાથેની સ્પષ્ટ વાતો કહીને સત્ત્વ, રજસ અને તમસ ત્રિગુણો અંગે અર્જુનને જ્ઞાત કરે છે. શ્રી ભગવાન દેહદારી લોકોના સ્વભાવથી ત્રણ પ્રકારની શ્રદ્ધા માટે એટલું જ કહે છે કે, જેવું સત્ત્વમય જીવન તેવી શ્રદ્ધાથી દેહ ઘડાય છે. દેવને સાત્ત્વિકો પૂજે છે, યક્ષ અને રાક્ષસોને રાજસિક લોકો પૂજે છે, તો તામસીઓ ભૂત-પ્રેતને પૂજે છે. આપણા ગુણોથી ક્રિયાઓમાં ભેદ આવે છે તે સમજી લેવા જેવું છે. 

શ્રી વિનોબાજી આપણા જન્મ સાથે જ ઈશ્વર દ્વારા સોંપાતાં હોમવર્ક અંગે વિગતે માર્ગદર્શન કરે છે, તે જોઈએ. આપણે  જન્મીએ છીએ ત્યારે ત્રણ સંસ્થાઓ સાથે લઈને જન્મીએ છીએ. એ ત્રણ સંસ્થાઓનું કામ સારામાં સારી રીતે ચલાવી સંસાર આપણે સુખમય કરીએ તેટલા ખાતર ગીતા કાર્યક્રમ બતાવે છે. એ ત્રણ સંસ્થા કઈ ? 

આપણી આજુબાજુ વીંટળાયેલું શરીર એ એક સંસ્થા; 

આપણી આસપાસ ફેલાયેલું આ વિશાળ બ્રહ્માંડ, આ અપાર સૃષ્ટિ, જેના આપણે એક અંશ છીએ તે બીજી સંસ્થા; 

અને જે સમાજમાં આપણે જમ્યા તે સમાજ, આપણા જન્મની વાટ જોઈ રહેલાં આપણાં માબાપ, આપણાં ભાઈબહેન, આપણી આસપાસના આપણા આડોશી-પાડોશી એ ત્રીજી સંસ્થા છે. 

આ ત્રણે સંસ્થાઓને આપણે રોજ વાપરીએ છીએ અને તેમને ઘસારો પહોંચાડીએ છીએ. ગીતાની એવી ઈચ્છા છે કે, આ સંસ્થાઓ આપણે માટે જે ઘસારો વેઠે છે તે ઘસારો ભરી કાઢવાને આપણે સતત પ્રયત્ન કરી આપણું જીવન સફળ કરીએ. અહંકારને અળગો રાખી આ સંસ્થાઓને લગતું જન્મથી આપણને જે કર્તવ્ય પ્રાપ્ત થયું છે, તે આપણે અદા કરવું જોઈએ.

આ કર્તવ્ય અદા કરવાનું છે એ વાત સાચી, પણ તે માટે યોજના શી ? યજ્ઞ, દાન અને તપ એ ત્રણ મળીને એ યોજના બને છે. આ શબ્દો આપણા પરિચયના હોવા છતાં, તેમાં રહેલો અર્થ આપણે બરાબર સમજીએ છીએ એવું નથી. એ અર્થ બરાબર સમજી લેવાય અને એ ત્રણે વાતો જીવનમાં ભરેલી રહે તો ત્રણે સંસ્થા સાર્થક થાય અને આપણું જીવન પણ પ્રસન્ન તેમજ મોકળું રહે.

આ અર્થ સમજવાને સારુ પહેલાં યજ્ઞ એટલે શું તે આપણે જોઈએ. સૃષ્ટિ સંસ્થાને આપણે રોજ વાપરીએ છીએ. સૌ માણસ એક ઠેકાણે રહે તો બીજે દિવસે ત્યાંની સૃષ્ટિ બગડેલી દેખાય છે. ત્યાંની હવા આપણે બગાડીએ છીએ, ત્યાંની જગ્યા ગંદી કરી નાખીએ છીએ. અનાજ ખાઈએ છીએ અને સૃષ્ટિને ઘસારો પહોંચાડીએ છીએ. સુષ્ટિ-સંસ્થાને પહોંચતો ઘસારો આપણે ભરી કાઢવો જોઈએ. એટલા ખાતર યજ્ઞ-સંસ્થા નિર્માણ થઈ. યજ્ઞનો ઉદ્દેશ શો છે? સૃષ્ટિને જે ઘસારો વેઠવો પડે છે તે ભરી કાઢવો, તેનું નામ યજ્ઞ છે. આજે હજારો વરસથી આપણે જમીન ખેડતા આવ્યા છીએ. એથી જમીનનો કસ ઓછો થતો જાય છે. આપણે તેને ઘસારો પહોંચાડીએ છીએ. યજ્ઞ કહે છે, “પૃથ્વીનો કસ તેને પાછો મેળવી આપ, તેમાં ખેડ કર, સૂર્યની ગરમી તેમાં સંઘરાય એવો બંદોબસ્ત કર, તેમાં ખાતર પૂર.” પહોંચેલો ઘસારો ભરી કાઢવો એ યજ્ઞનો એક હેતુ છે. બીજો હેતુ વાપરેલી ચીજનું શુદ્ધિકરણ કરવાનો છે. આપણે કૂવાનો ઉપયોગ કરીએ છીએ. તેથી તેની આજુબાજુ ગંદવાડ થાય છે. પાણી ભરાઈ રહે છે. કૂવાની પાસેની જે આ સૃષ્ટિ બગડી તેને શુદ્ધ કરવાની છે. ત્યાં ભરાયેલું પાણી ઉલેચી કાઢવાનું છે. કાદવ પડ્યો હોય તો સાફ કરવાનો છે. ઘસારો ભરી કાઢવો, શુદ્ધિ કરવી એ વાતોની સાથે પ્રત્યક્ષ કંઈક નિર્માણ કરવું, એ ત્રીજી વાત પણ યજ્ઞમાં સમાયેલી છે. કપડું વાપર્યું તો રોજ ફરી સૂતર કાંતી તે પેદા કરવાનું છે. કપાસ પકવવો, અનાજ પેદા કરવું,  સુતર કાંતવું, એ બધી પણ યજ્ઞક્રિયાઓ જ છે. યજ્ઞમાં જે પેદા કરીએ તે સ્વાર્થને ખાતર પેદા કરવાનું નથી. આપણે જે ઘસારો પહોંચાડ્યો, તે ભરી કાઢવાની કર્તવ્યભાવના એમાં હોવી જોઈએ.આ કંઈ પરોપકાર નથી. આપણે આગળથી જ દેવાદાર છીએ. જન્મથી દેવું માથે લઈને આપણે આવ્યા છીએ. એ દેવું ફેડવાને સારુ જે નવું પેદા કરવાનું છે, જે નિર્મિતિ કરવાનું  છે તે યજ્ઞ એટલે સેવા છે. પરોપકાર નથી. એ સેવા મારફતે ઋણ ફેડવાનું છે. ડગલે ને પગલે સૃષ્ટિ-સંસ્થાને આપણે વાપરીએ છીએ. તેને વેઠવો પડતો ઘસારો ભરી કાઢવાને ખાતર, તેની શુદ્ધિ કરવાને સારુ અને નવું પેદા કરવાને માટે યજ્ઞ કરવાનો છે.

બીજી સંસ્થા માણસનો સમાજ છે. માબાપ, ગુરુ, મિત્ર એ બધાં આપણે માટે મહેનત કરે છે. એ સમાજનું ઋણ ફેડવાને માટે દાન બતાવ્યું છે. સમાજનું ઋણ ચૂકવવાને કરેલો પ્રયોગ તે દાન છે. દાન એટલે પરોપકાર નથી. સમાજ પાસેથી પાર વગરની સેવા મેં લીધી છે. હું આ જગતમાં અસહાય અને દૂબળો હતો. આ સમાજે મને નાનેથી મોટો કર્યો. એટલા ખાતર મારે સમાજની સેવા કરવાની છે, કરવી જોઈએ. સામા પાસેથી કશું ન લેતાં તેની હું જે સેવા કરું તે પરોપકાર છે. પણ અહીં તો સમાજ પાસેથી આગળથી ભરપૂર લીધેલું છે. સમાજના આ ઋણમાંથી છૂટવાને માટે જે સેવા કરવાની છે તે દાન છે. મનુષ્યસમાજને આગળ જવાને માટે જે મદદ કરવાની છે તે દાન છે. સૃષ્ટિને પહોંચેલો ઘસારો ભરી કાઢવાને કરેલી મહેનત તે યજ્ઞ છે. સમાજનું ચડેલું ઋણ ફેડવાને શરીરથી, ધનથી અથવા બીજાં સાધનથી કરેલી મદદ તે દાન છે.

આ ઉપરાંત ત્રીજી એક સંસ્થા છે, તે આ શરીર. શરીર પણ રોજરોજ ઘસાય છે. આપણે મન, બુદ્ધિ, ઈંદ્રિય એ બધાંને વાપરીએ છીએ અને તેમને ઘસારો પહોંચાડીએ છીએ. આ શરીરરૂપી સંસ્થામાં જે વિકાર, જે દોષ પેદા થાય તેમની શુદ્ધિને માટે તપ કહ્યું છે.

માણસ રત્નચિંતામણી દેહનો સટ્ટો કરે છે.!!

માણસ રત્નચિંતામણી દેહનો સટ્ટો કરે છે.!!

જે માણસ શાસ્ત્ર વિધિનો ત્યાગ કરીને કામેચ્છાથી વર્તે છે, તે માણસને સિદ્ધિ કે મોક્ષ નથી મળતો.

ભદ્રાયુ વછરાજાની          (59)       bhadrayu2@gmail.com 

શ્રીમદ્ ભગવત ગીતાના 16 માં અધ્યાયના કુલ 24 શ્લોકોમાં આપણને દૈવી અને આસુરી સંપત્તિ વિશે વિગતે સમજાવવામાં આવ્યું છે. આપણને ગણાવવામાં આવ્યું છે કે દૈવી બાબતો કઈ અને આસુરી બાબતો કઈ છે? મહાત્મા ગાંધીએ ગીતા શિક્ષણ જેવો  એક સુંદર આયોજિત કાર્યક્રમ કર્યો હતો અને એ ગીતા શિક્ષણ દરમ્યાન તેમણે કેટલાક મુદ્દાઓ નોંધ્યા હતા. એ મુદ્દાઓની નોંધમાંથી આપણને ઘણું બધું તથ્ય જાણવા મળે છે. એ સમયે ગુજરાત વિદ્યાસભા અમદાવાદ દ્વારા એ શબ્દબદ્ધ જે વાત હતી તેનું પ્રકાશન કરવામાં આવ્યું. જેના સંપાદક હતા નરહરી દ્વારકાદાસ પરીખ. ગાંધીજી દરેક શ્લોકની સાથે પોતાની વિગત આપતા આપતા, તેઓ જ્યાં જ્યાં ભગવાન શ્રીકૃષ્ણએ દૈવી અને આસુરી સંપત્તિની વાત કરી છે, ત્યાં ત્યાં આ જીવનની  કેટલીક બાબતોને વણી લઈને આપણને  મુદ્દો સમજાવે છે.

‘આજે મેં આટલું મેળવ્યું, કાલે આટલું મેળવીશ,’ ‘આટલું તો મારી પાસે છે જ અને બીજું ધન પણ મારું જ થવાનું છે.’ ‘આ શત્રુને મેં માર્યો છે, બીજાને હવે હણવાનો છું.’ ‘હું ઈશ્વર છું, હું ભોગી છું, હું સિદ્ધ છું, હું બળવાન છું, હું સુખી છું, જુઓ જુઓ હું કેટલો  ધનવાન છું! કેટલા ઊંચા કુટુંબનો છું!  મારા જેવો બીજો કોણ છે?’ ‘હું યજ્ઞ કરીશ, દાન આપીશ, આનંદ માણીશ.’.. અજ્ઞાનથી આંધળા થયેલા માણસો આવી આવી વાતો કર્યા કરે છે.  આમ કરીને માણસ રત્નચિંતામણી દેહનો સટ્ટો કરે છે.  યુધિષ્ઠિર પણ આવો સટ્ટો કરીને દ્રૌપદીને હારી ગયો હતો. પાંડવો અને કૌરવો કે આપણે બધા ક્યારેક ને ક્યારેક આવા કોઈ દંભમાં અથવા તો મોહમાં આવી જતા હોઈએ છીએ. આપણે તો સૌ મિશ્રણથી ભરેલા છીએ. પણ ગમે તેમ કરીને ગીતા આપણને ઉર્ધ્વ ગતિ તરફ આગળ જવાનું સૂચવે છે. અનેક પ્રકારની વૃત્તિ મનમાં ઉછળ્યા  જ કરે એટલે વિભ્રાન્ત  થયેલા, મોહની જાળમાં વીંટળાયેલા, કામ ભોગમાં આસક્ત રહેલા અત્યંત અપવિત્ર એવા નરકમાં પડે છે. કેટલાક પોતાની બડાશ મારનારા હોય છે. અક્કલ , ધન, માન અને મદથી ઘેરાયેલા હોય છે, દંભથી વિધિ વિનાના, કેવળ નામના યજ્ઞ કર્યા કરે છે. યજ્ઞ કરવાનું નામ રાખે  પણ ઈચ્છા તો પોતાનો સ્વાર્થ સાધવાનો આવી રીતે કેટલાક જીવો જીવતા હોય છે. ભગવાન ધ્યાન દોરે છે કે અહંકાર, બળ, ઘમંડ, કામ અને ક્રોધનો આશ્રય લેનારા, નિંદા કરનારા અને તેમના તથા બીજાઓમાં રહેલા હું નો તેઓ દ્વેષ કરનારા, એ પણ આસુરી શક્તિઓ અથવા સંપત્તિઓના પ્રતિનિધિઓ છે. આવી રીતે જે દ્વેષ કરે છે એવા ક્રૂર-નરાધમોને અને અશુભોને હું નિરંતર આસુરી યોની માં નાખી દઉં છું – એવું ભગવાન સ્પષ્ટ કરે છે. આવા મૂઢ માણસો જન્મો-જન્મ આસુરી યોનિને પામીને, મને મેળવ્યા વિના અધમ-યોનિમાં જતા રહે છે.

આત્માનો  નાશ કરવાનું ત્રણ પ્રકારનું નરકનું દ્વાર છે. એ ત્રણ છે – કામ, ક્રોધ અને લોભ. એટલા માટે આ ત્રણેયને ત્યજવાનું આપણને કહેવામાં આવ્યું છે. આવો માણસ પ્રેયને નથી આચરતો પણ શ્રેયને આચરે છે. કામ, ક્રોધ, લોભ – એ પ્રેય તરફ ખેંચી જાય છે. આ ત્રણેય તમોદ્વારથી વિમુક્ત થયેલો માણસ જ પોતાનું શ્રેય આચરીને પરાગતિને પામે છે. જે માણસ શાસ્ત્ર વિધિનો ત્યાગ કરીને કામેચ્છાથી વર્તે છે, તે માણસને સિદ્ધિ નથી મળતી, મોક્ષ નથી મળતો અને સુખ પણ નથી મળતું. એટલે જ કાર્ય અને અકાર્ય ઠરાવવામાં શાસ્ત્ર જ પ્રમાણ છે. એમ માનીને શાસ્ત્રમાં ઠરાવેલા વિધિ જાણીને આપણે કર્મ કરવું જોઈએ, એવો બોધ આપણને આપવામાં આવ્યો છે. 

આપણે આ વ્યવસ્થિતિમાં અંતરનાદને વશ થશું એમ કહેવું જોઈએ. પણ એમ તો રાવણ પણ કહે છે કે હું અંતરનાદને વશ હતો. જે માણસનું ચિત્ત  શાસ્ત્ર જ્ઞાનથી સંસ્કારી થયેલું છે, તે જ માણસ આમ કહી શકે. ત્યારે પ્રશ્ન થાય છે કે શાસ્ત્ર શું છે? વેદ, ઉપનિષદ, ઇતિહાસ, પુરાણાદિ  બધું જ શાસ્ત્ર છે. પણ એમાં ઘણી વાતો એકબીજાથી વિરુદ્ધ છે. ગાંધીજી નોંધે છે કે, ગીતા જેવાના પ્રતિ તેવા થવાનું કહે છે એમ કોઈએ નોંધ્યું છે અને પોતાના પ્રમાણમાં શેખ સાદીને ટાંકે છે, ‘જે નઠારા પ્રતિ જે સારો થશે તે સારા પ્રતિ નઠારો થવાનો.’  શાસ્ત્ર સત્ય-અહિંસા ને આધીન છે. શાસ્ત્ર રાજ્ય ચલાવે છે. અરાજકતા  પાથરવાનું એમનું કામ નથી. પણ એ શાસ્ત્રનો આપણે વધુ વિચાર કરીને ઊંડાણથી એને અનુસરવું રહ્યું. ભગવત ગીતાના 16 માં અધ્યાયનું જો સાર તત્ત્વ  આપણે મેળવવું હોય તો એ સાર તત્ત્વ  બહુ સ્પષ્ટ રીતે આપણી સમક્ષ આવે છે. એમ કહેવાય છે કે હિંસા છે તો તેની સામે અહિંસાની એક સેના પણ છે. આપણા અંતઃકરણમાં એક બાજુ સદગુણ છે તો બીજી બાજુ દુર્ગુણો ઊભા છે. બંને એ પોતપોતાની વ્યવસ્થા બરાબર ગોઠવી છે. લશ્કરમાં જેમ સેનાપતિ જોઈએ છે તેમ અહીં પણ સદગુણોએ પોતાનો સેનાપતિ નિમ્યો છે, જેનું નામ છે અભય. 16 માં અધ્યાયમાં અભયને પહેલું સ્થાન આપવામાં આવ્યું છે. અભય વિના કોઈ પણ ગુણ વધતો નથી. ખરાપણા વગર સદગુણની કિંમત નથી. નિર્ભયતા સર્વ સદગુણોનો નાયક છે. પણ લશ્કરને આગળની ને પાછળની બંને બાજુ સંભાળવી પડે છે. સીધો હુમલો સામેથી થાય અને પાછલી બાજુથી છુપો હુમલો થવાનો સંભવ છે. સદ્ગુણોને આગળને મોરચે નિર્ભયતા પોતાનું થાણું જમાવીને ખડી છે, તો પાછળનો મોરચો નમ્રતા સાચવે છે. આવી બહુ સુંદર રચના થયેલી છે. એકંદરે જોઈએ તો બધા મળીને 26 ગુણો આ 16માં અધ્યાયમાં ગણાવ્યા છે. એમાંના 25 ગુણ આપણામાં બરાબર કેળવાયા હોય, પણ એ વાતનો અહંકાર વળગ્યો, તો એકદમ પાછળથી હલ્લો આવ્યો જાણવો અને મેળવેલું બધું એળે ગયું જાણવું. તેથી પાછળની બાજુએ નમ્રતા નામના સદ્દગુણને રાખ્યો છે. નમ્રતા નહીં હોય તો જીત હાર માં પલટાઈ જશે.

સદગુણોની દૈવી સેના અને દુર્ગુણોનું  આસુરી લશ્કર !!

સદગુણોની દૈવી સેના અને દુર્ગુણોનું આસુરી લશ્કર !!

કહે છે કે, ક્રોધમાં તેર સ્નાયુનો વ્યય થાય છે, હસવામાં નવનો વ્યય થાય છે

ભદ્રાયુ વછરાજાની                    (58)             bhadrayu2@gmail.com 

શ્રીમદ્ ભાગવત ગીતાનો સોળ મો અધ્યાય આપણને એવું કહે છે કે, જીવનની ચડતી કળા એ દૈવી સંપત્તિનું નામ છે અને એના વિરુદ્ધની જે કોઈ અવસ્થા તે અસુરી સંપત્તિ કહેવાય છે. ખરેખર સોળ  માં અધ્યાયમાં દૈવી અને આસુરી શક્તિનો ઝઘડો બરાબર સ્પષ્ટ કરવામાં આવ્યો છે. પહેલા અધ્યાયમાં એક બાજુ કૌરવોને અને બીજી બાજુ પાંડવોને સામ-સામા ખડા કર્યા છે, તે પ્રમાણે સદગુણોની દૈવી સેના અને દુર્ગુણોના આસુરી લશ્કરને સોળ માં અધ્યાયમાં એકબીજાની સામે ઊભા કરી દીધા છે. 

માનવીના મનમાં સત્ત  પ્રવૃત્તિઓનો અને અસત્ત  પ્રવૃત્તિઓનો જે ઝઘડો ચાલ્યા કરે છે તેનું રૂપકાત્મક વર્ણન કરવાનો ઘણા પ્રાચીન કાળથી રિવાજ પડ્યો છે. વેદમાં ઇન્દ્ર અને વૃત્રનો, પુરાણમાં દેવ અને દાનવનો, તે જ રીતે રામ અને રાવણનો, પારસીઓના ધર્મગ્રંથમાં અહૂરમઝદને અહરી માનનો, ખ્રિસ્તી ધર્મમાં પ્રભુ અને શૈતાનનો, ઇસ્લામમાં અલ્લાહ અને ઇબ્લિસનો, આવા કેટલા ઝગડા ધર્મમાં દર્શાવેલા છે. ધર્મગ્રંથોમાં સૂક્ષ્મ મનોભાવોને નક્કર સ્થૂળ રૂપ આપીને વર્ણવવામાં આવે છે. જાણવાનો મુદ્દો એ છે કે,સોળ માં અધ્યાયના પહેલા લગભગ ચાર શ્લોકોમાં જ આપણને એક યાદી ભગવાન આપી દે છે અને એ યાદીમાં કયા ગુણો  દૈવી છે, અને કયા ગુણો  આસુરી છે, તે આપણને સમજાવી દે છે. અભય, અંતઃકરણની શુદ્ધિ, જ્ઞાન, અને યોગને વિશે નિષ્ઠા, દાન, દમ, ઈન્દ્રીય નિગ્રહ, યજ્ઞ, સ્વાધ્યાય, તક,સરળતા, અહિંસા, સત્ય, અક્રોધ, ત્યાગ, શાંતિ, અપયશુન (કોઈની ચાડી ન ખાવી), ભૂત દયા, અલોપલુપ્તા (લાલસાનો ત્યાગ), મૃદુતા, મર્યાદા, અચંચળતા, તેજ, ક્ષમા, ધૃતિ, શૌચ, અદ્રોહ, નિરાભિમાન… આટલા ગુણો તે દૈવી સંપત્તિનું  પ્રતિનિધિત્વ કરે છે, એટલે જે આ ગુણો લઈને જન્મ્યો હોય છે, તે દૈવી ગુણ તરફ આગળ ધપે છે. સત્વ સંશુદ્ધિ ( આત્મશુદ્ધિ અથવા તો આપણે જેને અંતઃકરણની શુદ્ધિ કહીએ છીએ), જ્ઞાનયોગ વ્યવસ્થિતિ એટલે કે સ્થિર જ્ઞાનની વ્યવસ્થિતિ, બધા કાળ માટે અનુભવ જ્ઞાનએ જ્ઞાન વ્યવસ્થિતિ. યોગ વ્યવસ્થિતિ એટલે સદાય ઈશ્વર જ્ઞાન અને ઈશ્વરનું તાદાત્મ. અહિંસામાં જ્ઞાનપૂર્વક દયાભાવથી કરેલી હિંસા પણ આવી જાય છે. 

મહાત્મા ગાંધી પોતાના ગીતા શિક્ષણના પાઠમાં સુંદર રીતે નોંધે છે કે, ડોક્ટર નાનજી ઓપરેશન કરવાનું હોય તેને આગલે દિવસે ઉપવાસ કરતા. એ હેતુથી કે પોતાના ક્રોધ વગેરે વિકારોની દર્દી ઉપર કોઈ અસર ન થાય. ક્રોધ વિના મારનારો માસ્તર તો આંખમાંથી આંસુ પાડતો પાડતો મારશે. યુધિષ્ઠિરની ક્ષમા કેવી ? વિરાટ રાજાને ત્યાં વિરાટે તેને માર્યો ત્યારે તેણે  નાકમાંથી ભૂમિ ઉપર લોહી ન પડવા દીધું. ક્ષમા એટલે અપકાર ઉપર ઉપકાર !! ક્ષમા આટલી તીવ્ર છે.. આ બધા દૈવી ગુણોનું વિસ્તૃત વર્ણન છે. તો દંભ, દર્પ, અભિમાન, ક્રોધ, પારુષ્ય, અજ્ઞાન એ આસુરી સંપત્તિ લઈને જન્મેલા હોય છે. અહીંયા સમજવાની જરૂર છે કે, દંભ એટલે પોતાનામાં ન હોય તે હોવાનો ડોળ કરવો તે, દર્પ એટલે પોતાનામાં ઓછું હોય છતાં તેની બડાઈ મારવી તે, અભિમાન એટલે પોતાનામાં ગુણ હોય પણ તેનો ફાકો રાખવો તે.. નારદજી એ કામદેવને હરાવ્યો ત્યારે તેણે અભિમાન કર્યું, અને એ અભિમાન થી તે પડ્યા. પારુષ્ય એટલે કઠોરતા.. દૈવી સંપત્તિ વાળો માણસ મોક્ષ તરફ ગતિ કરે છે, અને  આસૂરી સંપત્તિ બંધનમાં નાખે છે. ભગવાન કહે છે,  તારે શોક કરવાની જરૂર નથી. તું તો દૈવી સંપત્તિ લઈને જન્મ્યો છે. આ જગતની અંદર લોકોના સ્વભાવ બે જાતના હોય, દૈવી અને આસુરી. દૈવી સ્વભાવ તો વિસ્તાર પૂર્વક આપણે  જાણ્યો.હવે આપણે આસૂરી સ્વભાવ ની વિગત મેળવીએ. 

પ્રવૃત્તિ અને નિવૃત્તિ કોને કહેવી એ આસુરી સંપત્તિ વાળા લોકો જાણતા નથી. તેઓ નથી જાણતા શૌચ, નથી જાણતા આચાર કે નથી જાણતા સત્ય, જેનામાં શૌચ નથી, સત્ય નથી, આચાર નથી, એ માંદા લોકો છે એવું ગાંધીજી કહે છે. માનસિક અને શારીરિક દોષ વિના માંદગી આવતી નથી. ચોવીસે કલાક જેનો આત્મા જાગ્રત રહે છે, તે તો નિરંતર પોતાનામાં તેજનો સંચાર માગે છે. કહેવાય છે કે લાધા મહારાજ કોઢ થી મુક્ત થયા. કેવી રીતે મુક્ત થયા? એ પોતાના કોઢ ઉપર બીલીપત્ર લગાડતા હતા ત્યારે તે પોતાનામાં તેજનો સંચાર માંગતા હતા. આપણે આપણા શરીરને વિકારવશ  થતું ત્યારે જ અટકાવી શકીએ કે આપણે તેજનો સંચાર રોજ માગ્યા કરીએ. ગાંધીજી કહેતા કે, હું તો દરેક માંદા ને પૂછીશ કે તમારામાં રાગ-દ્વેષ છે કે નહીં? બહારથી આપણામાં શૌચ અને આચાર હોય પણ સત્ય ન હોય તો તે બહાર ઢોલ અને માહે પોલ જેવું છે. આપણે એ સત્ય કેળવવા માટે ગીતાનું પઠન કરી શકીએ છીએ. આવી આસૂરી પ્રકૃતિવાળા લોકો જગતને અસત્ય, આધાર વિનાનું, અને ઈશ્વર વિનાનું કહે છે. સ્ત્રી-પુરુષના મૈથુનથી જ ઉત્પન્ન થયેલું કહે છે. એમાં વિષયભોગ સિવાય બીજો શો હેતુ હોય એવી પણ બડાશ મારે છે. આ દૃષ્ટિનો આશ્રય લઈને એ નષ્ટાત્માઓ મંદમતી અને ઉપગ્રહ કર્મ કરવાવાળા, જગતનું અહિત અને નાશ કરનારા બને છે. કોઈ દિવસ તૃપ્ત ન થાય એવા કામનો આશ્રય લઈને દંભ, માન  અને મદવાળા, મોહથી ખરાબ નિશ્ચય  કરીને, અશુચિ વ્રતો એટલે કે પાપી બુદ્ધિ વાળા આ જગતમાં કેટલાય લોકો પડ્યા છે. જેનું માપ ન થઈ શકે એવી અને પ્રલય સુધી પહોંચવા વાળી ચિંતા નો આશ્રય લેવાવાળા, કામ અને ઉપભોગમાં ચોંટી રહેલા, ભોગ એ જ સર્વસ્વ છે એવા નિશ્ચયવાળા, સેંકડો આશા-પાસ થી બંધાયેલા, કામ અને ક્રોધ કરવાવાળા, કામ ભોગ માટે અન્યાય વડે અર્થ સંચય કરવા ઈચ્છે છે. ક્રોધ થી જેટલી શક્તિઓનો વ્યય થાય છે તે  આનંદથી જેટલી શક્તિનો વ્યય થાય તેના કરતાં અનેક ઘણો વધારે છે. ગજા ઉપરાંતની શક્તિનો વ્યય થાય છે, એટલે જગતમાં અન્યાય અને અત્યાચાર પ્રવર્તે છે. કહેવાય છે કે ક્રોધમાં તેર સ્નાયુ નો વ્યય થાય છે. હસવામાં નવ નો વ્યય થાય છે. ભોગમાં મૃત્યુ છે, બ્રહ્મચર્યમાં અમરત્વ છે. એકવાર રાયચંદભાઈ (શ્રીમદ ) નું માથું દુખતું હતું, ત્યારે ગાંધીજીએ  એમને પૂછ્યું, તમે ક્યાં નાટક જોવા ગયા હતા? રાયચંદભાઈ એ કહ્યું, હું રાત્રે ઘરમાં પડયો-પડ્યો નાટક જોતો હતો. મારું દુખતું માથું મટાડવા મારે મારી શક્તિ નથી વાપરવી. સારું છે એવું જુઓ છો,  તેવો જ તમે મને જુઓ છો. ઈશ્વરના કાયદા કરતાં હું ઉતરતો છું. વિષય ઉપભોગ નું પરિણામ મૃત્યુ છે. વિષય ઉપભોગ કર્યા જ કરીએ તો જગતમાં ઈશ્વરનું રાજ્ય ન રહે પણ શૈતાન નું રાજ્ય આવીને ઊભું રહે.

ગાંધીજીના જીવનમાંથી સંસ્કૃતિ બોધ

ગાંધીજીના જીવનમાંથી સંસ્કૃતિ બોધ

ગાંધીજીના જીવનમાંથી સંસ્કૃતિ બોધ

શબ્દ સૃષ્ટિ :: ઓક્ટોબર : 2023 માટે દીર્ઘ લેખ

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

(ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી સાંદિપની, પોરબંદર ખાતે યોજાયેલ સંસ્કૃતિ ચિંતન-2023માં આપેલ વ્યાખ્યાન)

જયારે ‘ગાંધીજી: એક શાશ્વત વિચાર’ની સામે વિપથગામી પરિબળો સતત જુદી જ વાતો કરવા બહાર આવી પડયા છે અને સંગઠિત થઈને એક પરમ સત્યને ઢાંકવાના પ્રયાસો કરે છે ત્યારે ગાંધીજીના  જીવનમાંથી  સંસ્કૃતિબોધ  તેવા  વિષય અંગેની ચર્ચા કરવી કે અભ્યાસ કરવો એ અતિ પાવન ઘટના છે . 

આપણે ગાંધીજીના જીવનમાં સંસ્કૃતિ બોધ એવા વિષય પર વિચાર કરીએ તે પહેલા આપણે સંસ્કૃતિ અને તેની પ્રવાહિતા વિષે ટૂંકમાં થોડું જાણવું જરૂરી છે. 

આપણે વિચારીએ કે આપણા હિન્દુસ્તાનમાં વર્ષોથી જે જ્ઞાનને સ્વીકૃત ગણવામાં આવ્યું છે, એને કેટલાક આધારોથી સ્વીકૃતિ પ્રાપ્ત થઈ છે. દા.ત. વર્ષો સુધી એવું ચાલ્યું કે જે શાસ્ત્ર પ્રામાણ્ય જીવન છે એ માન્ય છે, એટલે કે શાસ્ત્રોમાં દર્શાવેલું છે તે આપણી સંસ્કૃતિ છે એવું સ્વીકારીને જીવન જીવતા રહ્યા. એક ગાળો હતો કે જયારે શાસ્ત્ર પ્રામાણ્ય જીવન એ સાર્થક ગણાતું. ધીમે ધીમે કરતાં  જેમ જેમ માનવીય બુદ્ધિનો વિકાસ થતો ગયો તેમ એને પ્રશ્નો થતા ગયા અને પ્રશ્નો એવા થયા કે જે શાસ્ત્રોને આપણે પ્રમાણ ગણીએ છીએ એ શાસ્ત્રો ઉપર અત્યારે જુદું વિચારવું જોઈએ કે નહીં અને  એમાંથી એક બીજા પ્રકારનો પ્રવાહ શરૂ થયો જેને બુદ્ધિ પ્રામાણ્ય જીવન કહેવામાં આવ્યું. શાસ્ત્રો ખરા પણ જેમાં બુદ્ધિ પ્રમાણ આપે કે, ‘હા, આ બરાબર’ તેને માન્ય ગણવું. આવા શાસ્ત્ર પ્રામાણ્ય અને બુદ્ધિ પ્રામાણ્ય જીવન રીતિમાં ૧૮૧૫ માં  રાજા રામમોહન રાયે વેદાંત સારના અનુવાદની પ્રસ્તાવનામાં લખ્યું કે,  ‘શાસ્ત્ર અને બુદ્ધિ બંને એ નક્કી કરેલા માર્ગે ચાલવાનો સર્વથા પ્રયાસ કરીએ તો તે ઉચિત છે.’ એટલે કે એમણે શાસ્ત્રને પણ સ્વીકાર્યું અને બુદ્ધિને પણ સ્વીકારી. બંને એ નક્કી કરેલા શાસ્ત્ર અને બુદ્ધિ  પ્રામાણ્ય માર્ગ ઉપર ચાલીએ તો એ ઉચિત ગણાશે. રામમોહનરાય પછી આવ્યા કેશવચંદ્ર. કેશવચંદ્ર સાવ અલગ પડયા. એમણે એમ કહ્યું કે, કેવળ બુદ્ધિ પ્રામાણ્ય પણ પ્રયાપ્ત નથી, બદલાતા સમય સાથે જ્ઞાનની જોડાજોડ વિજ્ઞાન ચાલે છે. શ્રીમદ ભગવદ ગીતામાં પણ એક અધ્યાયને જ્ઞાન વિજ્ઞાન યોગ શીર્ષક આપ્યું છે,  એટલે કે વિશિષ્ટ જ્ઞાનના આધારે કામ થવું જોઈએ એટલે કેશવચંદ્રના સમયથી કેવળ બુદ્ધિ પ્રામાણ્યનો સ્વીકાર ન થયો, પરંતુ વિજ્ઞાન પ્રામાણ્ય હોય એ પણ જરુરી ગણાવા  લાગ્યું. અહીં ગાંધીજીના વચનો આપણને યાદ આવે. ગાંધીજીએ કહ્યું કે, ‘જો મારા ધર્મ મતને લઈને વિજ્ઞાન નાશ પામે તેમ હોય તેના કરતા મેં જીવનભર હૃદયમાં સંગ્રહેલો મારો ધર્મમત નાશ  પામે એમ હું ઈચ્છું છું.’  ગાંધી તો ઘણા વર્ષો પછી થયા. પછી એમણે વ્યક્ત કરેલો આ મત એ કેશવચંદ્રના વિજ્ઞાન પ્રામાણ્યની વાતને ટેકો કરનારો  છે. આગળ વધીએ તો સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા આર્ય સમાજની સ્થાપના થઈ તે શાસ્ત્ર પ્રામાણ્યથી આગળ વેદ પ્રામાણ્ય ઉપર જવાનું કહેતો એક પ્રવાહ બન્યો. એમાં ઉમેરાયા શ્રી રામકૃષ્ણ પરમહંસ અને તેના શિષ્યો. શ્રી રામકૃષ્ણદેવે તો બધા ધર્મોની એકતા ઉપર સીધો ભાર મુક્યો. એમનું આકલન પણ જાણવા જેવું છે : ‘બધા માણસો ધર્મના નામે ઝઘડતા જોવામાં આવે છે. હિન્દૂ, મુસલમાન, બ્રાહ્મણો , શાક્તો, વૈષ્ણવો, શૈવો બધા જ એકબીજા સાથે ઝઘડે છે. એ લોકો એટલો વિચાર નથી કરતા કે જેને કૃષ્ણ કહે છે, તે જ શિવ પણ છે અને આદ્યશક્તિ પણ તેનું જ નામ છે. ઈસુ અને અલ્લાહ પણ તેના જ નામ છે. એક જ રામના હજાર નામ છે. વસ્તુ તો એક જ છે, પણ નામ જુદા જુદા છે. બધા એક જ વસ્તુ મેળવવા મથે છે પણ દેશ કાળભેદે નામ જુદા વાપરે છે. એક જ તળાવને અનેક ઘાટ છે. એક ઘાટે હિન્દૂઓ લોટામાં પાણી ભરે છે અને તેને ‘જળ’ કહે છે. બીજા ઘાટે  મુસલમાનો ચામડાની મશકમાં પાણી ભરે છે અને તેને ‘પાની’ કહે છે. ત્રીજે ઘાટે ખ્રિસ્તીઓ પાણી  ભરે છે અને તેને ‘વોટર’ કહે છે. હવે કોઈ એમ કહે કે આ વસ્તુ ‘પાની’ કે ‘વોટર’ નથી, પણ જળ છે અથવા ‘જળ’  કે ‘પાની’ નથી પણ ‘વોટર’ છે તો તે સાચે જ હાસ્યાસ્પદ છે.’  આ જ વાત વેદમાં કહેલી  છે, II એકમ સત વિપ્રા બહુધા વદંતીII શ્રી રાકૃષ્ણદેવે બહુ જ સ્પષ્ટતાથી પોતાનો પાયો મજબૂત કરી દીધો. એમના શિષ્ય સ્વામી વિવેકાનંદ આવ્યા એમણે કહ્યું  કે we believe not only in universal toleration but we accept all religions  as true અમે તો બધા ધર્મોને સાચા માનીએ છીએ. ગાંધીજીના પૂર્વગામી હતા સ્વામી વિવેકાનંદ. ગાંધીજીના ધર્માંતરની બાબતમાં એ જ વચનો એમણે  પણ કહ્યા. સ્વામી વિવેકાનંદે કહ્યું કે, ‘મારી પાક્કી ખાતરી થઈ ગઈ કે આ ભૂખ્યા માણસો આગળ ધર્મની વાત કરવી મિથ્યા છે. તેમની ગરીબી અને તેમના દુઃખો ટાળવાનો પ્રયત્ન પહેલા કરવો જોઈએ. આને માટે ગરીબ હિંદના ઉદ્ધાર કરવા વધારે સાધનો મેળવવા હું અમેરિકા જઈ રહ્યો છું.’  એમનો ઉદેશ સ્પષ્ટ હતો, ગરીબ હિન્દનો ઉદ્ધાર. ગરીબો માટે તેઓ કહે છે કે,  ‘તેઓ આપણી પાસે રોટલો માંગે છે પણ આપણે એમણે રોડા આપીએ છીએ. ભૂખે મરતી પ્રજાની આગળ ધર્મની વાત કરવી એ તેનું અપમાન કર્યા બરાબર છે. ભૂખ્યા માણસ આગળ અધ્યાત્મ વિદ્યાની વાત કરવી એ તો તેનું બરાબર અપમાન કરવાનો માર્ગ છે.’ દરિદ્રનારાયણ શબ્દ આપનાર સ્વામી વિવેકાનંદ કહે છે કે,  ખ્રિસ્તી હિન્દૂ થઈ જાય એવું હું ઈચ્છું છું ? લગારે ય નહીં. હિન્દૂ કે બૌદ્ધ ખ્રિસ્તી થઈ જાય એવું શું હું ઈચ્છું છું ? લગારે ય નહીં. ખ્રિસ્તીએ હિન્દૂ કે બૌદ્ધ થવાનું જ નથી. તે જ રીતે હિંદુએ ખ્રિસ્તી કે બૌદ્ધ થવાનું જ નથી પણ દરેક ધર્મએ બીજા ધર્મોની ભાવનાને અપનાવવાની છે અને છતાં પોતાનું વ્યક્તિત્વ સાચવી પોતાની રીતે વિકાસ સાધવાનો છે.’  આપણે આ જ વાતને ગાંધીના પરિપ્રેક્ષમાં જોઈશું ત્યારે લાગશે કે,  બંનેના વિચારોમાં સામ્યતા કેટલી છે. 

એક યાદગાર ઘટનાક્રમ નોંધવો જોઈએ, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આ બુદ્ધ પુરુષોના જીવનક્રમમાં એ લોકો એકબીજાથી કેટલા નજદીક છે ? 

સાલ ૧૮૯૩ છે અને તેનો એપ્રિલ મહિનો છે કે ત્યારે ગાંધીજી મુંબઈથી નીકળી મે મહિનામાં નાતાલ પહોંચ્યા

૧૮૯૩ના ૩૧ મી મે સ્વામી વિવેકાનંદ ૧૧૦૯ ની ધર્મ પરિષદમાં પહોંચવા માટે મુંબઈ થી નીકળ્યા

૧૮૯૩ની ૧૬ મી નવેમ્બરે મિસિસ એનીબેસન્ટ ભારતના કિનારે ઉતર્યા

૧૮૯૩ ની સાલ આપણા આખા ધર્મ અધ્યાત્મ જગતને માટે કેટલી મહત્વની છે તે દર્શાવવા આપણે આ ઘટનાક્રમ તપાસ્યો છે. ૧૮૯૩ માં જ એ ગાંધીજી મુંબઈથી નાતાલ જાય છે,  સ્વામી વિવેકાનંદ પણ શિકાગો ધર્મ પરિષદ માટે મુંબઈથી જાય છે અને એ જ સમયે મિસિસ એનીબેસન્ટ ભારતના કિનારે ઉતરે છે. યાદ રાખવા જેવું એ છે કે, એ સમયે ગાંધીજી ૨૪ વર્ષના હતા, વિવેકાનંદજી ૩૦ વર્ષના હતા અને એનીબેસન્ટ ૪૬ વર્ષના હતા. લગભગ લગભગ સમવયસ્કો અથવા સમકાલીનો એક સરખું વિચારીને કેવી રીતે જીવે છે તેનો આ સાદર નમૂનો છે. 

મહાત્મા ગાંધી સ્વામી વિવેકાનંદ પછી આવ્યા અને એમના જીવનમાં જે કંઈ  તેમણે સારતત્વ પ્રાપ્ત કર્યું હતું તેના આધારે તેના કેટલાક વિધાનો નોંધવા જરૂરી બને છે: ‘આત્માની દ્રષ્ટિએ પાળેલી નીતિ તે ધર્મ છે એવું મહાત્મા ગાંધીએ કહ્યું એટલે કે ધર્મને તેઓએ વ્યાખ્યાયિત કર્યો કે તમે નીતિ પાળો પણ આત્માની દ્રષ્ટિએ પાળો એ  નીતિ  તમારો ધર્મ છે. અને સાથે કહ્યું કે, જે ધર્મ વ્યવહારમાં લાવી શકાય તે ધર્મ નથી.’ વ્યવહારમાં ઉતરવો જોઈએ તો જ એ ધર્મ છે. ૧૯૪૬ ના પહેલી ઓગસ્ટના હરિજન’માં તેઓએ નોંધ્યું કે, દરેક બાબતમાં સારી રીતે જીવવું એનું નામ મોક્ષ છે. મોક્ષનો અર્થ એથી વિશેષ પણ નથી અને એથી ઓછો પણ નથી.’ એટલે મોક્ષ માટે તેઓની પરિપાટી અતિ શુદ્ધ છે. દરેક બાબતમાં સારી રીતે જીવો તો એ મોક્ષ છે. ‘સત્યના પ્રયોગો’ની પ્રસ્તાવનામાં એમણે બહુ જ સ્ફટિક સ્પષ્ટતાથી લખ્યું કે, ‘મારે જે કરવું છે, જેની હું ૩૦ વર્ષ થયે ઝંખના કરી રહ્યો છું તે તો આત્મદર્શન છે. તે ઈશ્વરનો સાક્ષાત્કાર છે અને તે જ મોક્ષ છે. મારું ચલન વલન બધું એ જ દ્રષ્ટિએ થાય છે.’  ધર્મ એટલે નીતિ અને નીતિ એટલે સત્ય + અહિંસાથી ઓતપ્રોત જીવન આવું મહાત્મા ગાંધીએ આપણને પ્રસ્થાપિત કર્યું.

સંસ્કૃતિ બોધને જો કેટલાક સૂત્રોમાં ઢાળવું હોય તો આ રીતે ઢાળી શકાય. 

@ જેને આપણે વ્યવહારમાં ઉતારી શકીએ તે ધર્મ નથી

@ આત્માની  દ્રષ્ટિએ પાળેલી નીતિ ધર્મ છે

@ ધર્મ એટલે નીતિ એટલે સત્ય + અહિંસાથી ઓતપ્રોત થયેલું જીવન. 

રાજકારણના ક્ષેત્રમાં પણ આત્મદર્શનનું કેટલું મહત્વ છે એ મહાત્મા ગાંધીએ કહ્યું, 

ધર્મ વિનાનું રાજકારણ મડદું છે. એને તો બાળી  મૂકવું જોઈએ

મારે મન તો ધર્મ વિનાનું રાજકારણ નિર્ભેળ મળ સમાન છે તેનો સદા ત્યાગ કરવાનો રહ્યો.’  

અર્થકારણ અને નીતિશાસ્ત્ર વચ્ચે હું કોઈ ભેદ કરતો નથી અને એટલે હું માનું છું કે ગરીબોની સેવા તે ઈશ્વર સેવા, એક કીડીની સેવા તે ઈશ્વર સેવા, દુઃખીની સેવા તે ઈશ્વર સેવા.’  

આત્મકથામાં એમણે સુંદર વાત કરી. 

આત્મશુદ્ધિ વિના જીવમાત્રની સાથે ઐક્ય સધાય.’ 

આત્મશુદ્ધિ વિના અહિંસા ધર્મનું પાલન સર્વથા અસંભવિત છે.’ 

અને અશુદ્ધાત્મા પરમાત્માના દર્શન કરવા અસમર્થ છે.’ 

ગાંધીજીના મતે  અવિરત સેવા એ મોક્ષનું સાધન છે. આમ જોઈએ તો ગાંધીજી બેઝિકલી અદ્વૈતવાદી લાગે છે. રાજા રામમોહનરાયની જેમ ગાંધીજી પણ બુદ્ધિ પ્રામાણ્ય વધુ લાગે છે. ‘મંગળ પ્રભાત’ પુસ્તકના પૃષ્ઠ ૭૩ ઉપર તેઓએ નોંધ્યું છે કે, અવિરત સેવા મોક્ષનું સાધન હોય, એમના ધર્મદર્શનમાં  વૃત્તિનો ત્યાગ નથી બલ્કે અવિરત અશ્રાંત કર્મ એ જ એનું લક્ષણ છે. ઈશ્વર પોતે ચોવીસે કલાક એક શ્વાસે કામ કર્યા કરે છે. આળસ મરડવા સરખીયે ફુરસદ  લેતો નથી. તેના આપણે થઈ જઈએ અને આપણે તેનામાં ભળી  જઈએ એટલે આપણો ઉદ્યમ તેના જેવો જ  અતંદ્રિત થવો જોઈએ. સમુદ્રથી છુટા પડેલા બિંદુને સારું આરામની કલ્પના આપણે કરી શકીએ છીએ પણ સમુદ્રમાં રહેલા બિંદુને આરામ ક્યાંથી હોય ? સમુદ્રને ક્ષણનો  પણ આરામ છે જ ક્યાં ? બરાબર એ જ પ્રમાણે આપણું છે. ઈશ્વરરૂપી સમુદ્રમાં  આપણે મળી જઈએ એટલે આપણો આરામ ગયો. આરામની જરૂર પણ ગઈ. એ જ ખરો આરામ એ મહા અશાંતિમાં શાંતિ મળે તે…’  ‘સત્યની શોધમાં સાધનો કઠણ છે તેટલા સહેલા છે. એ અભિમાનીને અશક્ય લાગે અને એક નિર્દોષ બાળકને તદ્દન શક્ય લાગે. સત્યના શોધકને રજકણથી પણ નીચે રહેવું પડે છે. જગત આખું રજકણને કચડે છે પણ સત્યનો પૂજારી રજકણ સુદ્ધા તેને કચડી શકે એવો અલ્પ બને ત્યાં સુધી તેને સ્વતંત્ર સત્યની ઝાંખી પણ દુર્લભ છે.’ આત્મકથાના શરૂઆતના પાંચમા પૃષ્ઠ ઉપર આટલો સ્પષ્ટ મત ગાંધીએ આપ્યો છે. એમણે નમ્રતાનો ઉલ્લેખ કરતા કહ્યું, ‘નમ્રતા એટલે હું પણાનો આત્યંતિક ક્ષય. કાંઈ થવું એટલે ઈશ્વરથી, પરમાત્માથી, સત્યથી વિખુટા થવું. ટળી  જવું એટલે પરમાત્મામાં ભળી જવું. સમુદ્રમાં રહેલું બિંદુ સમુદ્રમાં રહેલી મહત્તા ભોગવે છે, પણ તેનું તેને જ્ઞાન નથી. સમુદ્રથી વેગળું થયું અને પોતે પોતાપણાનો દાવો કરવા બેસે  એટલે તે જ ક્ષણે સુકાયું સમજો.. ‘મંગળ પ્રભાત’ નામના તેમના પુસ્તકમાં ૭૧ અને ૭૨ માં  પાના ઉપર આપણને  સુંદર રજુઆત જોવા મળે છે. મહાત્મા ગાંધીના જીવનક્રમમાં ભારતીય સંસ્કૃતિ કેવી રીતે આવી હશે એનો એક આછેરો ખ્યાલ આપણે મેળવ્યો.

ગાંધીજીના જીવનનો અભ્યાસ કરતા એવું લાગે છે કે એમના જીવનમાં ત્રણ ગુણો બીજરૂપે રહ્યા છે. 

૧) સત્યની ઝંખના 

૨) સેવાવૃત્તિ અને 

૩) સમદ્રષ્ટિ. 

આ ત્રણ વિશિષ્ટ ગુણો આરંભથી જ ગાંધીજીના જીવનમાં બીજરૂપે રહ્યા છે એમના એ ગુણોના પોષણ અને સંવર્ધનમાં જે બાબતોએ અસર કરી છે એ ત્રણ બાબતો છે.

 ૧) ગાંધીકુળની ધાર્મિક પરંપરા, 

૨) માતાપિતાના સંસ્કાર અને 

૩) જ્યાં ગયા અને રહ્યા ત્યાંની પરિસ્થિતિ અને વાતાવરણ. 

ગાંધીજીને મૂલવીએ ત્યારે એના બીજરૂપ ગુણોને યાદ રાખવા પડશે. અથવા તો એમ કહીએ કે ગાંધીજીના જીવનમાંથી પસાર થઈએ ત્યારે આપણને ઉડીને આંખે વળગે તેવા ત્રણ બીજરૂપ ગુણો હશે… સત્યની ઝંખના, સેવાવૃત્તિ અને સમદ્રષ્ટિ. બીજરૂપ ગુણ હોય પણ તેનું પોષણ કરવું જરૂરી બનતું હોય છે. અને એના માટે પોષકતત્વો આપણને  વારસાગત રીતે મળતા હોય છે. મને સમજૉયું  છે કે, જયારે અસ્તિત્વ એવું નક્કી કરે છે કે જેના જીવનમાં બીજરૂપ ગુણો અતિ ઉત્તમ કક્ષાના મૂક્યા છે તે ગુણોનું પોષણ કરવા માટે પણ એને એ પ્રકારનું વાતાવરણ પણ  જોઈશે. પ્રસિદ્ધ લેખક પોલો કોએલોનું બહુ જ જાણીતું સર્જન છે ‘અલ્કેમીસ્ટ’, જેનું ગુજરાતી થયું છે, ‘કીમિયાગર’.. એમાં એક સીધી સાદી વાત છે કે, તમે મનોમન, નિષ્ઠાપૂર્વક કોઈ એક વાતને પુરવાર કરવામાં અથવા જીવંત કરવામાં લાગી જાઓ છો ત્યારે બ્રહ્માંડની બધી શક્તિઓ તમને એમાં પુરેપુરો ટેકો કરે છે, સહયોગ આપે છે. એટલે ગાંધીજીના જીવનમાં જે ત્રણ બીજરૂપ તત્વો હતા એ ત્રણને ટેકો કરવા માટે અને એ ગુણોનું પોષણ કરવા માટે ત્રણ એવી અવસ્થાઓ આવી એમના જીવનમાં. અને એ અવસ્થા એટલે ગાંધીકુળની પરંપરા, માતાપિતાના સંસ્કારો અને જ્યાં ગયા, જ્યાં રહ્યા ત્યાંની પરિસ્થિતિ અને ત્યાંનું વાતાવરણ. આ ત્રણ બાબતો એટલી અનુકૂળ થઇ કે ગાંધીજીવન એવો શબ્દ બોલીએ છીએ ત્યારે એનું ઘડતર આ ત્રણ + ત્રણ માંથી થયેલું દર્શાય છે.

આપણે જરા ઊંડાણથી વાત કરીએ. ગાંધીજીના દાદા ઉત્તમચંદ ગાંધી. આપણે એને ઓતાબાપા કહેતા. આ ઓતાબાપામાં ત્રણ ગુણધર્મો. એ સત્યપ્રિય, નીડર અને નિર્લોભી. ઘરમાં કૃષ્ણભક્તિ છતાં ઓતાબાપા રામાનંદના એક ખાખી સાધુના સત્સંગથી રામભક્ત બન્યા હતા અને ઘણો ખરો સમય એમણે રામકથા શ્રવણમાં વિતાવ્યો. અહીં  જોવાની ખૂબી છે કે તમે કૃષ્ણભક્ત હો તેમ છતાં તમે અન્ય કોઈ અવતાર પુરુષની વાત સાથે જીવનને જોડી શકો એ તમારી ઓપનનેસ છે.

દાદા પછી વાત કરીએ  પિતા  .બા. ગાંધીકરમચંદ ગાંધીની. એમાં ત્રણ ગુણધર્મો. તીક્ષ્ણ બુદ્ધિ , સત્યપ્રીતિ અને બહાદુરી. તીક્ષ્ણ બુદ્ધિ એટલી જોરદાર, સત્ય પ્રત્યેનો પ્રેમ એટલો લાગલગાટ  અને સત્ય કહેવામાં જોઈતી બહાદુરીના આધારે ક.બા.ગાંધીનું જીવન ઘડાયું. ધર્મ પ્રત્યેની જિજ્ઞાસા તેઓની તીવ્ર હતી. પરિણામે સાધુ સંતો અને સત ચરિત્ર વિદ્વાનોનો સંગ કાયમ તેઓ કરતા રહ્યા. આખી રાજ્ય વ્યવસ્થાનું કામ તેઓ સંભળાતા હતા એટલે પૂરો સમય વ્યસ્ત રહે છતાં પણ નિયમિત  દોઢ દોઢ કલાક અવશ્ય તેઓ કથા શ્રવણ કરતા. શ્રીમદ ભાગવત, તુલસીકૃત રામાયણ અને શ્રીમદ ભગવદ ગીતા. તેમના ત્રણ પ્રિય ગ્રંથો હતા. એ પાંચ જ ધોરણ ભણેલા. પણ તમે શું ભણો છો એનાથી કોઈ અર્થ નથી સરતો. તમારી અંદરથી કેટલું કોળવાનું શક્ય બને છે તેના ઉપર જીવન આધાર રહેલો છે. 

દાદા અને પિતા પછી આપણે માતાશ્રી પુતળીબાઈની વાત કરીએ તો એ  એક આદર્શ ગૃહિણી. સૌ જમી લે પછી જમે, વધેલું હોય તે જમે એ માતા પુતળીબાઈ. ગરીબ અને બિમારની સેવા કરવી એમનો આત્મીય શોખ. આશ્ચર્ય થાય જીવનમાં ક્યારેય નવા કપડાં કે નવા ઘરેણાંની એમને  ઈચ્છા થઇ નહોતી. મહાત્મા ગાંધી માતાનાં  આ ચરિત્રથી એટલા બધા પ્રભાવિત થયા કે એમના જીવન ઉપર સ્થાયી પ્રભાવ માતાનો પડ્યો કે એમણે ખુદે કહ્યું, મારામાં કશી પવિત્રતા જોતા હો તો તે મારા પિતાની નથી પણ માતાની છે. એમની પવિત્રતાની છાપ હંમેશને માટે મારી ઉપર રહી ગઈ છે.” ગાંધીજીના જીવનમાં જોવા મળતો અણીશુદ્ધ આત્મશુદ્ધિનો આગ્રહ, આત્મસાક્ષાત્કારની તીવ્ર ઝંખના, નાના મોટા વ્રતો દ્વારા જીવનને ઘડવાની અખુટ શ્રદ્ધા, માંદા અને  કોઢિયાની સેવા કરવાનો સહજ પ્રેમ અને જાતે કષ્ટ વેઠીને પણ અન્યને સુખી કરવાની કરુણાશીલતાના ગુણો એ ગાંધીજીને સાધ્વી માતાના સંસ્કારોમાંથી મળેલું પરિણામ હતું, એમ તેઓ પ્રેમપૂર્વક સ્વીકારે છે. ગાંધીજીને કેટલીક બાબતોમાં પારંગત એવા માતા સામે એક નાનકડો વિરોધ હતો. આ સાધ્વી માતા રૂઢીવશ અસ્પૃશ્યતા પાળતા હતા. આ બાબતમાં કોઈ કોઈ વાર એમને માતા  સાથે બોલાચાલી પણ થઇ જતી. પોતાના બાળકો પાસે એ કેટલીક રૂઢિઓનું બહુ ચોક્કસ પાલન કરાવતા અને એમાં અસ્પૃશ્યતા માટે તો તેઓ બહુ જડ હતા. પોતાને ત્યાં મેલું સાફ કરવા આવનાર અંત્યજ ઉકાને ન અડવા તે મોહનદાસને સમજાવતા અને અડી જવાય તો આભડછેટ દૂર કરવા નહાવાનું કે કોઈ મુસલમાનના અંગરખાને અડી લેવાનો હુકમ કરતા. માતૃભક્ત મોહન માતાના હુકમનું પાલન તો કરી લેતો પરંતુ એમનું હૃદય તો એમનો વિરોધ જ કરતું. કોઈ કોઈ વાર તે માતા  સાથે મીઠો ઝઘડો કરતા અને કહેતા ઉકાને અડવામાં કોઈ ધર્મ નથી. અને કોઈ ધર્મ હોઈ  પણ શકે. એ પછી ઘરમાં ધાર્મિક શિક્ષણ આપનાર બ્રાહ્મણ પાસે જયારે તેઓએ  શ્રીરામ રક્ષા અને શ્રીવિષ્ણુ પંચકના સ્તોત્રો શીખ્યા ત્યારે જલે વિષ્ણુ સ્થળે વિષ્ણુ સ્તોત્ર બોલતા મોહનદાસના બાળ મને પ્રશ્ન કર્યો કે, ભગવાન જો સર્વત્ર હોય તો ઉકામાં શા માટે હોય ? એમને એ વસ્તુની પણ મૂંઝવણ થઇ કે રામરક્ષાના સ્તોત્રથી જો ભૂત વગેરેનું નિવારણ થઇ શકે તો અછુતનાં સ્પર્શથી થતા પાપનું નિવારણ શા માટે થઇ શકે

મોહનદાસ કરમચંદ ગાંધીના જીવનમાં એક પછી એક ઘટના એવી બનતી ગઈ કે તેમનો સંસ્કૃતિબોધ આપોઆપ ઘડાતો ગયો . ધર્મ, વ્યવહારો વગેરે માટેની આચારસંહિતા પણ એમાંથી ઘડાઈ ગઈ. ગાંધીજી નાનપણમાં ભૂત પ્રેત આદિથી ડરતા હતા. અને એ ભયમાંથી બચવાની ઔષધિરૂપે એમની આઈ રંભામાએ એમને રામનામનો મંત્ર આપ્યો હતો. બાળસુલભ શ્રદ્ધાથી મોહને એને અપનાવ્યો અને તેનો જાપ શરૂ કર્યો. અલબત્ત એ ઝાઝો વખત ટક્યો નહીં પણ બાળપણમાં રોપાયેલું રામનામનું એ બીજ ગાંધીના આગળના જીવનમાં અંકુરિત થઇ વિશાળ  વટવૃક્ષમાં પરિણમ્યું અને તેમના વ્યક્તિગત જીવનમાં સર્વ ઝંઝાવાતો ને બધી કસોટીઓમાં એકમાત્ર પ્રેરક ને ધારક બળ બન્યું. એમનો યશ તે પોતાની ભલી ભોળી રંભા આઈને આપે છે. જાણવાનું એ છે કે આ ચાર પાત્રો જેની હમણાં આપણે ચર્ચા કરી, પહેલા દાદા ઓતાબાપા, બીજા પિતાશ્રી . બા. ગાંધી, માતાશ્રી પુતળીબાઈ અને ચોથા રંભા આઈએ જાણ્યે અજાણ્યે ગાંધીજીનું સંસ્કાર ઘડતર કર્યું. જોવાની ખૂબી એ છે કે ‘સત્યના પ્રયોગો’ની અંદર આ રંભા આઈ અંગે ગાંધીજીએ એવું એક વિધાન કર્યું કે, ‘એમણે મને રામનામ લેવાનું કહ્યું કે જેથી કરીને અંધકારમાં મને ડર ન લાગે તે વાત મને સાચી લાગી. પણ એ વખતે મારો ભરોસો રામનામ કરતા રંભા આઇમાં ઝાઝો  હતો. એટલા માટે પછી રામનામ ઝાઝું  ટક્યું નહીં.’ નિખાલસતાની અને પ્રમાણિકતાની હદ ઓળંગીને આટલું સત્ય  ગાંધી જ કહી શકે. એક પછી એક એવા બનાવો બનતા ગયા કે આ ચાર પાત્રો એમના જીવનમાં સંસ્કૃતિનો પાયો નાખવા માટે અને સંસ્કારનું બીજારોપણ કરવા માટે આધારભૂત બન્યા તો કેટલીક ઘટનાઓ પણ એવી બની કે એ  ઘટનાએ આ બીજના અંકુરને  સૂર્યપ્રકાશનું કે જળાભિષેકનું કામ કર્યું. 

હિન્દૂ ધર્મની પૌરાણિક કથાઓ હજારો વર્ષોથી હિન્દૂ બાલમાનસ પર ધાર્મિક સંસ્કરોનું સિંચન કરતી આવી છે, એ કથાઓ પૈકી શ્રવણ અને હરિશ્ચન્દ્રની કથાઓએ મોહનદાસના બાળમાનસ ઉપર ઊંડી છાપ પાડી. એમના પિતાશ્રીએ એક નાટક ખરીદેલું, શ્રવણ પિતૃભક્તિ. એ નાટક મોહનદાસે બાળવયે વાંચ્યું. હવે એ વાંચતી વખતે જ એક ઘટના બની. એ દિવસોમાં કાચમાં ચિત્ર દેખાડનારા પાસે શ્રવણ પોતાના મા બાપને કાવડમાં બેસાડીને યાત્રા કરવા લઇ જાય છે, એ એમણે જોયું આ બંને વસ્તુની એમના ઉપર જબરી અસર થઇ. એમણે નોંધ્યું છે કે, ‘જગતમાં માબાપનો પ્રેમ મેં જેવો જાણ્યો છે એવો કોઈએ નહીં જાણ્યો હોય બાબતમાં મારો દાવો છે. જગતમાં કોઈ મારા કરતાં  મા કે બાપને વધારે ચાહનારો છે એમ કહેવામાં આવે તો હું કહું કે તેને મારી પાસે લાવો હું જરા જોઈ લઉં.’  આ વાત મહાદેવભાઈની ડાયરીમાં નોંધવામાં આવી છે. હવે શ્રવણપિતૃભક્તિ નાટક એમણે વાંચ્યું  અને હરિશ્ચન્દ્ર નાટક એમણે જોયું. એ નાટકમાં એમણે એવું જોયું કે,  સત્યને હરિશ્ચન્દ્રની જેમ જે જીવી બતાવે તે  સાચા માણસ કહેવાય. ત્યારથી એમને ધૂન ચડી ગઈ કે સત્ય એકલું પૂરતું નથી પણ સત્યને જીવનમાં ઉતારીને વ્યવહારમાં સ્થાપિત કરી બતાવવું જોઈએ તો જ સાચું કહેવાય આ વાત એમના મન ઉપર સવાર થઇ ગઈ. ત્રીજી એ સમયની એક ઘટના એવી બની કે જે ઘટના વિષે ઘણા બધા લોકોને જાણીને આશ્ચર્ય થશે. તુલસી રામાયણ  પોતાના પિતાની છેલ્લી માંદગી સમયે એમણે લાધા મહારાજના ખુબ મીઠા સ્વરે સાંભળ્યું. ભક્તિ ભાવમાં તરબોળ બનીને તુલસીકૃત રામાયણ સાંભળવા અને ગાઈ સંભળાવવા એ સાથે બેસી જતા. એમણે મુગ્ધભાવે આ સાંભળ્યું અને લખ્યું કે, રામાયણ શ્રવણ મારા રામાયણ પરના અત્યંત પ્રેમનો પાયો છે.’ (આ વિધાન ‘આત્મકથા’ના પૃષ્ઠ ૩૧ પર નોંધ્યું છે.)  હવે એ જ સમયે રાજકોટમાં ભાગવતની કથા પણ એમણે સાંભળી પણ કથાકાર બહુ રસ પેદા ન કરી  શક્યા એટલે એ વખતે એમના પર બહુ અસર ન થઇ. અહીં એ પણ નોંધવા જેવું છે કે કથા સાથે કથાને કહેનાર કથાકારની શૈલી બહુ મહત્વની છે, મોહનદાસ ગાંધીને એ સમયે કથા કરતાં કથાકારની શૈલી ન જચી એથી ભાગવતની અસર ન થઈ. પરંતુ મહાત્મા ગાંધીના ૨૧ દિવસના ઉપવાસ દરમ્યાન મદનમોહન માલવિયાજી જેવા ભગવત ભક્તને મુખેથી ભાગવતના કેટલાક ભાગો સાંભળ્યા પછી એમને  પ્રતીતિ થઈ કે ભાગવત એવો ગ્રંથ છે કે જે વાંચીને ધર્મરસ  ઉત્પન્ન કરી શકાય. શ્રવણ પિતૃભક્તિ નાટક, ત્યારબાદ હરિશ્ચન્દ્ર નાટક, ત્યારબાદ તુલસી રામાયણ , ત્યારબાદ ભાગવત કથા અને પછી મનુસ્મૃતિ. પિતાના પુસ્તક ભંડારમાંથી મનુસ્મૃતિનું ભાષાંતર એમને હાથ લાગ્યું. એમણે વાંચી કાઢ્યું પણ એની બહુ અસર ન થઈ. એમના વાંચનથી નીતિ શબ્દ અને નીતિ અર્થ ઉપરની એની આસ્થા ગાઢ બની ખરી અને ‘આખું જગત નીતિ ઉપર નભેલું છે’, એ સત્ય સમજાયું,  ત્યારથી નીતિ ઉપરની શોધનો આરંભ થયો. પણ મનુસ્મૃતિ એ સમયે એમના ઉપર કોઈ મોટી અસર કરી ન શક્યું. આ  વાતના સંદર્ભમાં એકબીજી સુંદર મજાની અસર થઈ એ અસર આપણે નોંધવી જોઈએ.

નીતિનું ચિંતન ચાલતું હતું એ જ સમયે કવિ શામળનો નીતિવિષયક એક છપ્પો મોહનદાસના વાંચવામાં આવ્યો. હવે અહીંયા કલ્પના એ નોંધવા જેવી છે કે એક પુસ્તક કે એક નાટક જેટલી અસર કરી શકે એટલી એક છપ્પો પણ અસર કરી શકે. એ કવિ શામળનો છપ્પો એમણે વાંચ્યો અને એના મન ઉપર ઊંડો પ્રભાવ પડ્યો. ગાંધીજી આત્મકથાના પૃષ્ઠ ૩૭ પર લખે છે કે, એ છપ્પાએ  મારા ઉપર સામ્રાજ્ય ચલાવવું શરૂ કર્યું. અપકારીનું ભલું ઇચ્છવું અને કરવું મારો અનુરાગ થઈ પડ્યો એના અગણિત અખતરા આદર્યા.  કયો હતો એ છપ્પો ? અહીં એ છપ્પાની પણ આપણે નોંધ લઈએ.

પાણી આપને પાય, ભલું ભોજન તો દીજે

આવી નમાવે શીશ, દંડવત કોડે કીજે

આપણ ઘાસે દામ. કામ મહોરોનું કરીએ

આપ ઉગારે પ્રાણ, તે તણા દુઃખમાં મરીએ

ગુણ કેડે તો ગુણ દશ ગણો, મન વાચા, કર્મે કરી

અવગુણ કેડે જે ગુણ કરે, તે જગમાં જીત્યો સહી

શામળ કહે છે કે, અવગુણની સામે તમે જો ગુણ કરી બતાવો તો જ તમે જગતને જીત્યા બરાબર ગણવું જોઈએ. આ કવિ શામળના નાનકડા છપ્પાની એમની ઉપર અસર થઈ.

આમ, આપણે તારવ્યું કે ગાંધી જીવન ઘડવામાં મૂળ ત્રણ ગુણો અને ત્રણ ગુણોને સહયોગ કરે  તેવું પોષણતત્વ પણ ગુણોમાં મળ્યું, જીવનના ચાર એવા એવા પાત્રો કે જેણે જીવનને ઘડવામાં મોટો ભાગ ભજવ્યો અને આ જીવન પાત્રો ઉપરાંત જેની ખુબ મોટી અસર થઈ એ મોટામાં મોટી અસર શ્રવણપિતૃભક્તિ નાટક, હરિશ્ચન્દ્ર નાટક, તુલસી રામાયણ, ભાગવત કથા, મનુસ્મૃતિ અને કવિ શામળનો નીતિ વિષયક છપ્પો આટલી વાત ગાંધીના જીવનમાં સંસ્કૃતિ બોધને સ્થાયી કરવા  માટે પર્યાપ્ત બની રહી.

ગાંધીજીના જીવનમાંથી સાંસ્કૃતિક બોધને તારવવા માટે થઈને ગાંધીજીએ પોતે લખેલા કે ઉચ્ચારેલા કેટલાક સુવિચાર જેવા વાક્યો આપણને ઘણો  ટેકો કરી શકે એમ છે. 

૪ ડિસેમ્બર ૧૯૨૪ ના યંગ ઈન્ડિયા’માં ગાંધીજી નોંધે છે કે, ‘એક માણસની આધ્યાત્મિક ઉન્નતિ થાય અને તેની આસપાસના માણસો દુઃખમાં સબડ્યા કરે એમ હું માનતો નથી. હું અદ્વૈતમાં માનું છું, હું માનવજાતની બલ્કે જીવમાત્રની મૂળગત એકતામાં માનું છું, આથી હું એમ માનું છું કે જો એક માણસની આધ્યાત્મિક ઉન્નતિ થાય તો તેની સાથે આખી દુનિયાની આધ્યાત્મિક ઉન્નતિ થાય. અને જો એક માણસનું આધ્યાત્મિક પતન થાય તો તેટલે અંશે આખી દુનિયાનું પતન પણ થાય.’ 

ધર્મ મંથનના પૃષ્ઠ ૨૨ અને ૨૩ ઉપર તેઓ નોંધે કે, ‘શાસ્ત્રો વાંચવાની અને સમજવાની ચાવી મને હાથ લાગી છે. જે શાસ્ત્રવચન સત્યનું, અહિંસાનું, બ્રહ્મચર્યનું વિરોધી હોય તે ગમે ત્યાંથી મળ્યું હોય છતાં અપ્રમાણ છે. શાસ્ત્ર બુદ્ધિથી પર નથી. બુદ્ધિગ્રાહ્ય ન હોય તે શાસ્ત્રને આપને પડતા મેલી શકીએ છીએ.’  સંસ્કૃતિમાં કઈ બાબતોનો સ્વીકાર અને કઈ બાબતોનો અસ્વીકાર એની આટલી નિખાલસ વ્યાખ્યા ગાંધી સિવાય કોઈ આપી ન શકે. 

હરિજનબંધુ’ના ૧૯૩૬ ના ૬, ડિસેમ્બરના અંકમાં એક નાનકડી વાત પણ બહુ જ પથદર્શન વાળી વાત : હું દરેક ધર્મશાસ્ત્ર વિશે તેમજ ગીતા વિશે પણ મારી બુદ્ધિ ચલાવું છું. શાસ્ત્ર વચનને મારી બુદ્ધિની જગા લેવા દેતો નથી.’ એટલે કે શાસ્ત્રનું વચન છે એટલે તમારો વિવેક એક બાજુ મુકો કે તમારી કરુણા એક બાજુ મુકો એમાં ગાંધીજી માનતા નથી. 

ગાંધી:જીવન અને વિચાર નામના એક પુસ્તકમાં ૩૨૪ માં પૃષ્ઠ ઉપર તેઓ બહુ જ સ્પષ્ટ રીતે આપણને વાત કરે છે. જે માણસ ઈશ્વરને તત્વરૂપે ઉપાસતો હોય તેને મૂર્તિ કે મંદિરની જરૂર હોય,’ તેમ છતાં માણસ સ્વભાવે મૂર્તિ પૂજક છે એટલે ગાંધીજી કહે છે કે, મૂર્તિ પૂજા પ્રત્યે મારી અનાસ્થા નથી. મૂર્તિ મારા મનમાં કશો પૂજ્યભાવ પણ પેદા કરતી નથી. છતાં હું માનું છું કે મૂર્તિ પૂજા મનુષ્ય સ્વભાવનું એક અંગ છે. પ્રાર્થનામાં સાકાર મૂર્તિનો મેં નિષેધ નથી કર્યો. નિરાકારને ચડતું સ્થાન મેં અવશ્ય આપ્યું છે.’ 

આપણને ગાંધીજીના જીવનમાંથી મૂલ્યબોધ મેળવવા માટેની કવાયત કરી રહ્યાં હોઈએ ત્યારે આ બધા વિધાનો બહુ મોટું પથદર્શન કરે છે. 

જવાહરલાલ નહેરુએ બહુ જ સુંદર વાત ગાંધીજીની ઓળખ માટે કહેલી. એમણે કહ્યું કે, ‘આ બોખા મોઢા વાળા મહાત્માની વાતો આજે આપણને ખોખલી લાગે તેમાં એ બોખા મોઢાનો  દોષ નથી. આપણી  વિપથગામી મનોવૃત્તિનો દોષ છે.’  જવાહરલાલે આ વાત કહેતા એની આત્મકથામાં ખોટું નથી કહ્યું કે, મહાત્માજીનું હાસ્ય જોવાનું સૌભાગ્ય જેને મળ્યું નથી તે મહાત્માજીને ઓળખતો નથી.’  જ્યાં સુધી સંકલ્પનાની સ્પષ્ટતા અથવા વિચારની  સ્પષ્ટતાની વાત કરીએ તો સાંસ્કૃતિક દ્રષ્ટિએ ગાંધીજીથી ઉચ્ચ વ્યક્તિ આપણને સમાજ જીવનમાંથી મળવી  મુશ્કેલ છે. 

મહાદેવભાઈ ગીત ગાતા હતા. ‘મીરાંબાઈ બલિહારી’, ત્યાં ગાંધીએ વચ્ચે કહ્યું, ‘હું આમાં  નથી માનતો. તું માને ખરો ?’ મહાદેવભાઈએ કહ્યું, ‘હા,  હું માનું.’  વિનોબાજીને પૂછ્યું, ‘મીરાંબાઈ તે  આવું ગાતા હશે ?’ ગાંધી કહે, ‘અંદરનો અવાજ આવે તો જ હું તો ઉપવાસ કરું તેના સિવાય ન કરું.’  વિનોબાજીએ તરત જ સ્પષ્ટ કહ્યું, ‘તમને ઉપવાસ કરતી વખતે અંદરનો અવાજ સંભળાય છે, તો મીરાંને કેમ ન સંભળાય ?’ આવી નિખાલસ ટકોર ગાંધીજી સમક્ષ  તમે કરી શકો અને છતાં ગાંધીજી  સાથે તમે રહી શકો ત્યારે ગાંધીના જીવનના સંસ્કૃતિબોધની વાત જાણી શકો અથવા સમજી શકો. 

એક પ્રસંગ મારે નોંધવો છે. ‘અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ’ માં મહાદેવભાઈ દેસાઈ વિશેની જીવન-વાત નારાયણ દેસાઈએ લખી છે,  એ પુસ્તકમાંથી આ પ્રસંગ છે. જે હું યાદદાસ્તના આધારે કહું છું. ૧૫ મી ઓગસ્ટ અને ૧૯૪૨ નો સમય હતો. આગાખાન પેલેસ પૂનાનો એ પ્રસંગ. મહાદેવભાઈએ કહ્યું,  ‘બાપુ, તમે આમરણાંત ઉપવાસ કરવાનું જે નક્કી કર્યું છે તે ન કરો તો ચાલે.  તમે ઉપવાસ ન કરશો તમને કંઈક થઇ જશે તો ?’  ગાંધીજીએ જવાબ આપ્યો. ‘તો શું કરું ? સ્વતંત્રતા મળતી નથી, અંગ્રેજો જતા નથી મારી પાસે બીજો કોઈ રસ્તો નથી.’ મહાદેવભાઈએ કહ્યું, ‘ના બાપુ, પણ ઉપવાસથી તમારા જીવન ઉપર જોખમ વધશે.’  ગાંધીએ તરત જ જવાબ આપ્યો.  ‘તું સાંભળ. તું મારો બાપ અને હું તારો દીકરો લે ટુવાલ મને નવડાવજે.’  બીજે દિવસે મહાદેવભાઈ રૂમમાં હતા અને ડો. સુશીલા નૈયર તેમની પાસે ગયા તો જોયું કે,  મહાદેવભાઈ નિશ્ચેતન પડ્યા હતા. એમણે તપસ્યા અને તેઓ બાપુ પાસે દોડ્યા અને કહ્યું : ‘બાપુ, બાપુ, મહાદેવભાઈ ગયા. બાપુ મહાદેવ તો ગયા.’ મહાત્મા ગાંધીને ધ્રાસકો  પડી ગયો. ‘એમના ગયા પહેલાં  તો મારે જવાનું હતું.’ ગાંધીજી ત્યાંથી ઊભા પગલે મહાદેવભાઈના રૂમમાં પહોંચ્યા. યરવડા જેલનો એ કિસ્સો. બાજુમાં બેસીને કહેવા લાગ્યા,ઉઠો, મહાદેવ ઉઠો..’. આશ્ચર્ય થયું સૌને. ડો. સુશીલા નૈયરને વધુ આશ્ચર્ય થયું. એમને લાગ્યું કે આ સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ છે. એ આવું બોલે ? જયારે ખબર પડી ગઈ કે, એ નિશ્ચેતન છે તો પણ આવું બોલે કે  ‘ઉઠો મહાદેવ ઉઠો.’ ? એમણે ગાંધીજીને પૂછી નાખ્યું, ‘તમે તો સ્થિત પ્રજ્ઞના લક્ષણો અમને શીખવ્યા છે અને તમે આવું કેમ કર્યું ?’ ગાંધીજીએ જે જવાબ આપ્યો તેમાં એનો સાંસ્કૃતિક સિંહ ફાળો આપણને જોવા મળે છે. “તને ખબર નથી મહાદેવ ૨૫ વર્ષનો હતો, ત્યારે મારી પાસે આવેલો. કોઈ દિવસ એણે મારી આજ્ઞા ઉથાપી નથી. મેં બોલાવ્યો અને એણે જવાબ આપ્યો છે, એટલે મને લાગ્યું કે, હું પોકારી જોઉં, કદાચ ઊંડે ઊંડે જીવ હશે તો હું કહીશ કે ‘ઉઠો મહાદેવ ઉઠો’ તો એ જરૂર ઉઠશે.”

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


કર્મ તે જ ભક્તિ અને તે જ જ્ઞાન

જીવનની ચડતી કલાને ગીતા દૈવી સંપત્તિ નામ આપે છે અને એની વિરુદ્ધની વૃત્તિઓને આસુરી કહીને ઓળખાવે છે.

ભદ્રાયુ વછરાજાની                 (57)                     bhadrayu2@gmail.com

શ્રીમદ ગીતાના સોળમા અધ્યાયમાં કુલ ચોવીસ શ્લોકો છે. અહીં પ્રભુ અર્જુનને દૈવી અને આસુરી વૃત્તિઓનો વિસ્તૃત પરિચય આપે છે અને તે વૃત્તિઓ અંગે સાવધાન રહેવા અર્જુનને કહે છે.

શ્રીમદ ગીતા વિશેના અનેક ભાષ્યોમાં કેટલીક એવી વાતો કહેવામાં આવી છે કે જે આપણને આજે વિચારતા કરી મૂકે. ઉદાહરણ તરીકે, ગંગાજળા વિદ્યાપીઠના સ્થાપક અને અલિયાબાડાના મહર્ષિ ડૉ કાકા ( શ્રી ડોલરરાય માંકડ) ના મત મુજબ તો, ખરી ગીતા એટલે ગીતાનો કેવળ બીજો અધ્યાય. અને પછીનું બધું તો ઉમેરણ…જયારે વિનોબાજી તો પંદરમાં અધ્યાયને ગીતાનો છેલ્લો અધ્યાય કહે છે અને તેઓએ ગીતા પ્રવચનોમાં સોળ, સત્તર અને અઢાર અધ્યાયોને તો ‘પરિશિષ્ટ’ કહ્યા છે…આ આકલનને સાદર સ્વીકારીને પણ આપણે ગીતા યાત્રા આગળ ધપાવીએ. 

ગીતાના પહેલા પાંચ અધ્યાયમાં જીવનની યોજના કેવી છે અને તેમાં આપણો  જન્મ કેમ સફળ થાય તેની વાત થઈ તો છઠ્ઠા અધ્યાયથી તે અગિયારમાં અધ્યાય સુધી ભક્તિના વિવિધ રૂપોનો વિચાર થયો. બારમાં અધ્યાયમાં સગુણ અને નિર્ગુણ ભક્તિની તુલના થઈ અને કર્મ તથા ભક્તિ તત્ત્વોને જાણ્યા. તેર, ચૌદ અને પંદરમાં અધ્યાયમાં  જ્ઞાનની વિશાળ છણાવટ થઇ. આત્માને દેહથી છુટ્ટો પાડવો અને  તેમ કરીને ગુણોને જીતી લેવા અને કણેકણમાં અત્ર, તત્ર, સર્વત્ર પ્રભુના દર્શન કરવા તેવું કહીને જીવનનું સંપૂર્ણ શાસ્ત્ર આપણે જાણ્યું અને દિલમાં ઉતાર્યું.

વિનોબાજી બહુ સ્પષ્ટ કહે છે કે, “કર્મ, જ્ઞાન અને ભક્તિ એ ત્રણને એકબીજાથી જુદાં પાડવાની વાત મારાથી સહન થતી નથી. કેટલાક સાધકોની નિષ્ઠા એવી હોય છે કે તેમને ફક્ત કર્મ સૂઝે છે. કોઈ વળી ભક્તિનો સ્વતંત્ર માર્ગ કલ્પે છે અને તેના પર બધો ભાર દે છે. કેટલાકનું વલણ જ્ઞાન તરફ હોય છે. જીવન એટલે કેવળ કર્મ, કેવળ ભક્તિ, અને કેવળ જ્ઞાન એવો કેવળવાદ હું માનવા ઈચ્છતો નથી. એથી ઊલટું, કર્મ-ભક્તિ અને જ્ઞાન એ ત્રણનો સરવાળો કરવાનો સમુચ્ચયવાદ પણ હું માનતો નથી. થોડી ભક્તિ, થોડું જ્ઞાન અને થોડું કર્મ એવો ઉપયોગિતાવાદ પણ મારે ગળે ઊતરતો નથી. પહેલું કર્મ, પછી ભક્તિ અને તે પછી જ્ઞાન એવો ક્રમવાદ પણ હું સ્વીકારતો નથી. ત્રણે વસ્તુઓનો મેળ બેસાડવાનો સામંજસ્યવાદ પણ મને પસંદ નથી. કર્મ તે જ ભક્તિ અને તે જ જ્ઞાન એવો મને અનુભવ થાય એમ હું ઈચ્છું છું. બરફીના ચોસલામાં રહેલી મીઠાશ, તેનો ઘાટ અને તેનું વજન એ ત્રણ વાતો જુદી જુદી નથી. જે ક્ષણે બરફીનો કકડો હું મોમાં મૂકું છું તે જ ક્ષણે એકીવખતે તેનો આકાર ખાઉં છું, તેનું વજન પણ પચાવી લઉં છું અને તેની મીઠાશ પણ ચાખું છું. ત્રણ ચીજો એક જ ઠેકાણે છે. બરફીના એકેએક કણમાં તેનો આકાર, વજન અને મીઠાશ છે. તેના અમુક એક કકડામાં માત્ર આકાર છે, અમુક એક કકડામાં ફકત મીઠાશ છે અને અમુક એક કકડામાં એકલું વજન છે એવું નથી. તે જ રીતે જીવનમાં થતી એકએક ક્રિયામાં પરમાર્થ ભરેલો હોય, હરેક કૃત્ય સેવામય, પ્રેમમય અને જ્ઞાનમય થાય, જીવનનાં બધાંયે અંગપ્રત્યંગમાં કર્મ, ભક્તિ અને જ્ઞાન ભરેલાં હોય, એને જ પુરુષોત્તમયોગ કહે છે. આખુંયે જીવન કેવળ પરમાર્થમય કરવું એ વાત બોલવી સહેલી છે. પણ એના ઉચ્ચારમાં જે ભાવ છે, તેનો જરા વિચાર કરવા બેસીએ છીએ ત્યારે કેવળ નિર્મળ એવી સેવા આપણે હાથે થાય તેટલા સારુ અંતઃકરણમાં શુદ્ધ જ્ઞાન-ભક્તિની ઊંડી લાગણી ધારી લેવી પડે છે. એથી કર્મ, ભક્તિ અને જ્ઞાન અક્ષરશઃ એકરૂપ હોય એવી પરમ દશાને પુરુષોત્તમયોગ કહે છે. જીવનની અંતિમ સીમા ત્યાં આવી ગઈ.”

સોળમા અધ્યાયમાં સૂર્યોદય પહેલાની પ્રભા ફેલાયેલી છે. કર્મ, જ્ઞાન અને ભક્તિ એ ત્રણથી પૂર્ણ થયેલ પુરૂષોત્તમયોગ ઉદય પામે તે પહેલાં સદગુણોની પ્રભા બહાર ફેલાવા લાગે છે. આપણે જે સાધના કરીએ છીએ તેમાંથી કેટલી સદ્વૃત્તિ ઊંડી ઉતારી , આપણે કેટલા કેળવાયા, જીવન ખરેખર સેવામય બન્યું કે નહીં ?? તે બધું તપાસી લેવા માટે આ સોળમો અધ્યાય છે. જીવનની ચડતી કલાને ગીતા દૈવી સંપત્તિ નામ આપે છે અને એની વિરુદ્ધની વૃત્તિઓને આસુરી કહીને ઓળખાવે છે.

ફરી વિનોબાજીનું સ્મરણ કરીએ. તેઓ કહે છે કે, “એક જમાનો એવો હતો કે જ્યારે સમાજ પર બ્રાહ્મણોનું વર્ચસ્વ હતું. શાસ્ત્રો તે લોકો લખે, કાયદા તે લોકો કરે, રાજાઓ તેમને નમે. એ જમાનો આગળ જતાં ઓસરી ગયો. પછી ક્ષત્રિયોનો જમાનો આવ્યો. ઘોડા છોડી મૂકવાનું અને દિગ્વિજયો કરવાનું ચાલ્યું. એ ક્ષત્રિય સંસ્કૃતિ પણ આવી અને ગઈ. બ્રાહ્મણ કહેતો, “હું શીખવનારો, બીજા બધા શીખનારા. મારા સિવાય ગુરુ કોણ?” બ્રાહ્મણોને સંસ્કૃતિનું અભિમાન હતું. ક્ષત્રિય સત્તા પર ભાર મૂકતા, “આને મેં આજે માર્યો, પેલાને કાલે મારીશ,” એ વાત પર તેમનું બધું જોર. પછી વૈશ્યોનો યુગ આવ્યો. “પીઠ પર મારજો પણ પેટ પર મારશોમાં એ સિદ્ધાંતમાં વૈશ્યોનું બધુંયે બધુંયે તત્વજ્ઞાન સમાયેલું છે. બધું પેટનું ડહાપણ શીખવવાનું . “આ ઘન મારું છે, અને પેલું પણ મારું થશે.” એ જ રટણ અને એ જ સંકલ્પ. અંગ્રેજો આપણને કહે છે ને “સ્વરાજ જોઈએ તો લો, માત્ર અમારો પાકો માલ અહીં ખપ્યા કરે એટલી સગવડ રાખજો એટલે થયું. પછી તમારી સંસ્કૃતિનો તમારે જોઈએ તેટલો અભ્યાસ કરજો. લંગોટી ચડાવજો ને તમારી સંસ્કૃતિને બરાબર સંભાળજો .” આજકાલ થનારાં યુદ્ધો પણ વેપારી યુદ્ધો હોય છે. આ યુગ પણ જશે, જવાની શરૂઆત પણ થઈ ચૂકી છે. આવા આ બધા આસુરી સંપત્તિના પ્રકારો છે.”

સેવક ભક્ત, સેવ્ય પરમાત્મા અને સેવાના સાધનો માટે આ સુષ્ટિ !!

સેવક ભક્ત, સેવ્ય પરમાત્મા અને સેવાના સાધનો માટે આ સુષ્ટિ !!

દેહ ક્ષર છે, આત્મા અક્ષર છે. પરંતુ બંને સિવાય એક શ્રેષ્ઠ પુરુષ છે, જેને પરમાત્મા કહેવામાં આવે છે. 

ભદ્રાયુ વછરાજાની                             (56)                 bhadrayu2@gmail.com 

પંદરમાં અધ્યાય નું નામ ‘પુરુષોત્તમ યોગ’ છે,  પણ અહીં અર્થ ‘પુરુષોત્તમ પ્રાપ્તિ યોગ’ એવું આપણે કરવાનું થાય છે. આ અધ્યાયમાં કુલ ૨૦ શ્લોકો છે અને આ ૨૦ શ્લોકો ને ચાર ભાગમાં વહેંચવામાં આવ્યા છે. પહેલો ભાગ છે : ‘સંસાર રૂપી અશ્વત્થવૃક્ષનું સ્વરૂપ અને ભગવત પ્રાપ્તિનો ઉપાય’. જેમાં એક થી છ શ્લોક સમાવિષ્ટ છે. બીજો વિભાગ એ : ‘ઈશ્વરાંશ  જીવ, જીવ તત્ત્વના જ્ઞાતા અને અજ્ઞાતા’, જેમાં સાતથી અગિયાર  એટલે કે કુલ પાંચ શ્લોક છે. ત્રીજો ભાગ એ : ‘પ્રભાવ સહિત પરમેશ્વરના સ્વરૂપનું વર્ણન’.. જેમાં ચાર શ્લોક છે 12 થી 15,  અને ચોથો  અને છેલ્લો ભાગ છે : ‘ક્ષર-અક્ષર-પુરુષોત્તમનું વિશ્લેષણ’, જેમાં 16 થી 20 એમ કુલ પાંચ શ્લોકો છે. આપણે ત્રણ ભાગની વિગતે ચર્ચા કરી ગયા છીએ. હવે આગળ વધીએ. 

પંદર માં અધ્યાયના ચોથો વિભાગમાં ક્ષર, અક્ષર અને પુરુષોત્તમ નું વિશ્લેષણ પાંચ શ્લોકમાં કરવામાં આવ્યું છે. ભગવાન સતત કહે છે, હે અર્જુન ,સંસારમાં બે પ્રકારના જીવો હોય છે.એક નાશવંત છે, જેને ક્ષર કહેવાય છે, એક અવિનાશી છે જેને અક્ષર કહેવાય છે. આ બધા જીવોના શરીર તો નાશવંત છે જ, અને સમસ્ત જીવોના આત્મા અવિનાશી છે.એટલે ક્ષર અને અક્ષર એ શું છે? એ બરાબર સમજવા જેવું છે. દેહ ક્ષર છે, આત્મા અક્ષર છે. પરંતુ બંને સિવાય એક શ્રેષ્ઠ પુરુષ છે, જેને પરમાત્મા કહેવામાં આવે છે. એ અવિનાશી ભગવાન ત્રણેય લોકોમાં પ્રવેશ કરી બધા જ પ્રાણીઓનું ભરણપોષણ કરતો રહે છે. કારણ કે, એ જ ક્ષર અને અક્ષર બંનેથી પર થઈને સર્વોત્તમ છે. તેથી આ સંસારમાં અને વેદોમાં પુરુષોત્તમ રૂપ માં એ  વિખ્યાત છે. હે ભરતવંશી અર્જુન, જે મનુષ્ય આ પ્રકારે મને સંશય  રહિત થઈને એટલે કે કોઈપણ પ્રકારની શંકા રાખ્યા વગર માનશે એ ભગવાનના રૂપને પ્રાપ્ત થશે. તે મનુષ્ય મને જ બધું જ જાણીને દરેક પ્રકારથી મારી ભક્તિ કરતા રહેશે.   છેલ્લા શ્લોકમાં પરાકાષ્ઠા છે. હે ‘નિષ્પાપ  અર્જુન’, તારામાં કોઈ પાપ નથી એટલે આ ગુહ્ય-શાસ્ત્ર હું તને કહી રહ્યો છું. એ પ્રકારે આ શાસ્ત્રોનું અતિ ગોપનીય રહસ્ય મારા દ્વારા મેં તને કહ્યું છે. હે ભરતવંશી, જો મનુષ્ય આ પરમજ્ઞાન ને આ જ રીતે સમજશે તો બુદ્ધિમાન બનતો રહેશે. અને તેના બધા જ પ્રયત્નો હંમેશા પૂર્ણ થતા રહેશે. 

શ્રી વિનોબાજીની બે ત્રણ વાતો અહીં ઉમેરવી છે. 

  1. આ વિશ્વમાં આપણને અનંત વસ્તુઓ દેખાય છે. એ બધી વસ્તુઓના ત્રણ ભાગ પાડવા. કોઈક ભક્ત સવારે ઊઠે છે ત્યારે ત્રણ જ ચીજ તેની નજરે પડે છે. પહેલું ધ્યાન ઈશ્વર ઉપર જાય છે. પછી તે ઈશ્વરની પૂજાની તૈયારી કરે છે. હું સેવક, ભક્ત છું; તે સેવ્ય એવો ઈશ્વર, સ્વામી છે. આ બંને વાતો તેની સામે હંમેશ હાજર હોય છે. બાકી રહેલી આખી સૃષ્ટિ તે પૂજાના સાધનો છે. ફૂલ, ચંદન,ધૂપદીપ એને માટે બધી સૃષ્ટિ છે. ત્રણ જ વસ્તુ છે. સેવક ભક્ત, સેવ્ય પરમાત્મા અને સેવાના સાધનો માટે સુષ્ટિ . આ શીખ આ અધ્યાયમાં મુખ્ય અને મહત્વની છે. જગતમાં ત્રણ ચીજ છે, જે વૈરાગ્યમય સાધન-માર્ગ ગીતા આપણા મનમાં ઠસાવવા માંગે છે તે માર્ગને ગીતા ભક્તિમય સ્વરૂપ આપે છે. તેમનું કર્મપણું તે કાઢી નાખે છે અને તેને લીધે તેમાં સુલભતા, સરળતા લાવી આપે છે. 
  2.   જીવન સેવાપરાયણ બનવું જોઈએ. સેવ્ય એવો જે પેલો પુરુષોત્તમ છે તેની સેવાને માટે હંમેશ ખડો રહેનારો હું અક્ષર પુરુષ છું. અક્ષર પુરુષ એટલે કદી પણ ન થાકનારો, ઠેઠ સૃષ્ટિના આરંભથી સેવા કરનારો, સનાતન સેવક, જાણે કે રામની સામે સદા હાથ જોડીને હનુમાન જ ઊભેલો છે. તેને આળસ શું તેની  ખબર સરખી નથી. એ હનુમાનની માફક ચિરંજીવ એવો સેવક ખડો છે. 

આવો આજન્મ સેવક તે અક્ષર પુરુષ છે. પરમાત્મા એ સંસ્થા જીવંત છે અને હું સેવક પણ કાયમનો છું. પ્રભુ કાયમનો તો હું પણ કાયમનો છું. તે સેવા લેતો થાકે તો હું સેવા કરતો થાકું છું, એ મોજ એક વાર જોઈ લેવી છે. તેણે  દસ અવતાર લીધા તો મારા પણ દસ છે જ. તે રામ થયો તો હું હનુમાન થયો જ છું. તે કૃષ્ણ થયો તો હું ઉદ્ધવ થયો જ છું. જેટલા તેના અવતાર તેટલા મારા પણ છે જ. એવી મીઠી હરીફાઈ એક વાર થવા દે. એક પછી એક એમ બધાયે યુગોમાં, પરમેશ્વરની આવી સેવા કરવાવાળો, કદીયે નાશ ન પામનારો એવો આ જીવ તે આ અક્ષર પુરુષ છે. પેલો પુરુષોત્તમ સ્વામી અને આ હરઘડી બદલાતી જતી, અનંત વેશ લેનારી જે સૃષ્ટિ છે તે બધીને પૂજાના સાધનો, સેવાના સાધનો બનાવવાના છે. એક એક ક્રિયા પુરુષોત્તમની પૂજા છે

પંદર માં અધ્યાયની સાર સ્વરૂપ આ વાતોમાં છેલ્લા ચરણમાં આપણને કહેવામાં આવ્યું છે કે, આ ગુહ્ય માં ગુહ્ય એટલે કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શાસ્ત્ર ભગવાને કહ્યું છે. આપણને બુદ્ધિમાન બનાવવા, કૃતાર્થ બનાવવા, અને ઋણ મુક્ત બનાવવા માટે આ શાસ્ત્ર અતિ ઉપયોગી છે, એ દ્વંદ્વાતીત છે. આપણે માયારૂપ જગતને તરી ગયા પછી ઈશ્વરને કર્તા  રૂપે ક્યાં જાણવાનો છે તેની બહુ વિગતે વાત કરવામાં આવી છે. પંદરમો અધ્યાય કે પુરુષોત્તમ યોગ નામ કહેવામાં આવ્યું છે. જે પુરુષોમાં ઉત્તમ છે એના માટે આ શબ્દ વાપરવામાં આવ્યો છે. અનેક શબ્દોથી આપણને આ પંદરમો અધ્યાય છેલ્લે સનાતન અંશ તરફ વાળે છે. બધાની બધી જ પ્રક્રિયાનો એક-એક અંશ અને એ પ્રક્રિયાનું મૂળ એ પુરુષોત્તમ છે. અને એમનો આપણને સાક્ષાત્કાર આ પંદર માં અધ્યાયમાં કરાવવામાં આવ્યો છે. સામાન્ય રીતે પાચન સારી રીતે થાય એટલા માટે ‘अहं वेश्वा नरो भूत्वा’ એ શ્લોક બોલવામાં આવે છે. અને કોઈના દેહાવસાન સમયે  કે કોઈની  અંતિમ ક્ષણ હોય ત્યારે આ પંદરમો અધ્યાય એટલા માટે બોલવામાં આવે છે કે આમાં પરમાત્મા પોતે પોતાનું સ્વરૂપ અને એના સુધી પહોંચવાના રસ્તાઓ આપણને સ્પષ્ટ કરી આપે છે.

અસ્મિતા વિશેષ સંવાદ (43) :: પૂજ્ય શ્રી નમ્ર મુનિ મહારાજ સાહેબ

અસ્મિતા વિશેષ સંવાદ (43) :: પૂજ્ય શ્રી નમ્ર મુનિ મહારાજ સાહેબ

ભદ્રાયુ વછરાજાની                                  bhadrayu2@gmail.com 

એક વિશેષ અનુભવ સાથે જૂનાગઢની ગિરી કંદરાઓની વચ્ચે પારસધામ ખાતે ચાતુર્માસ ગાળી રહેલ પૂજ્ય શ્રી નમ્ર મુનિ મહારાજ સાહેબનો અનુકૂળ સમય લઈને હું અસ્મિતા વિશેષ સંવાદ માટે પહોંચ્યો અને એક શીતળ ઝરણાની જેમ મહારાજ સાહેબની વાણીથી શાંતિ અનુભવી. તેઓશ્રીએ પૂર્ણ નિખાલસતાથી પોતાના પૂર્વાશ્રમની જીવન યાત્રા વર્ણવી. તેમાંથી થોડો ભાગ માણીએ  : 

“અમે બહુ નાની ઉંમરમાં એટલે કે ૧૩ – ૧૪  વર્ષની ઉંમરમાં લાઠીની અંદરમાં એક જનતા તાવડો કરીને એક દુકાન ખોલેલી. કેમ ? તો એ સમયે ફરસાણના ભાવ એટલા બધા વધી ગયેલા હતા કે સામાન્ય વ્યક્તિને જેની શાક લેવાની કેપેસીટી ન હોય એ, ખાલી સેવ નાખીને પોતાનું નાનકડું શાક બનાવીને જીવતા હોય એને  એ પણ મળી ન શકે એટલી પરિસ્થિતિ ખરાબ હતી અને એ સમયે અમે પોતાના હાથેથી બનાવી બનાવી અને હજારો ગરીબોને વેંચતા. લાઇનોની લાઈનો લાગતી. અને અડધી કિંમત કરતા પણ અડધી કિંમતમાં એ સમયે આપતા હતા. ૧૩ – ૧૪ વર્ષની ઉંમરમાં, કેમ કે મૂળભૂતતામાં અમારો નેચર જ એ હતો કે પોતના દુઃખ કરતા બીજાના દુખે દુઃખી થાઓ. હું જયારે કલ્પના કરું ને ત્યારે સમજાય કે પોતાના દુઃખ કરતા બીજાના દુખે દુઃખી થવું એ કોઈ સ્કૂલના પાઠથી શીખાતું નથી એ તો આપણા અંતરમાં જનમ જનમના પાઠ  ભણાવાયેલા હોય છે અને તો જ એ આપણને સમજાતું હોય અને તો જ એ આપણને realize  થતું હોય અને તો જ આપણને કોઈના દુઃખ વખતે… મને યાદ છે કે  જયારે સાતમું પાસ કર્યું લાઠીમાં,  ત્યાર પછી હું આઠમા ધોરણમાં સ્ટડી કરવા માટે મારે અમરેલી કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલમાં જવાનું હતું. અને કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલમાં પ્રવેશ  લેતી વખતે આર્થિક પરિસ્થિતિ એવી નહોતી કે જેમાંથી આવવાનો, જવાનો અને ભણવાનો આ ત્રણે ત્રણ ખર્ચ હું કાઢી શકું. મેં જયારે ઘરમાં આ વાત મૂકી કે કોઈ વાતની ના નથી પણ કોઈ વાતની હા કહેવા માટેની ક્ષમતા નહોતી. મને યાદ છે કે મેં અમરેલી પાંચ દસ પચીસ લોકોને વાત કરી કે મારે ભણવું પણ છે, પણ સાથે ક્યાંક મારી આ તેર વર્ષની ઉંમરમાં, કારણકે 8th  std  માં કોઈ બાળક ભણતું હોય એની ઉંમર તેર વર્ષની હોય તો, મારા તેર વર્ષની ઉંમરમાં જોબ જોઈએ છે.  મને આજે પણ યાદ છે કે અમરેલીની અંદર ટાવર રોડ પર એક સુવાસ બુકસ્ટોર કરીને એક બુકસ્ટોર જે આજે પણ છે એ બુકસ્ટોરમાં હું જોબ કરતો. સવારે સાડા  ચાર વાગે ઉઠું, સદા પાંચે રેડી થઈને છ વાગે લાઠીના બસ સ્ટોપ સુધી પહોંચી જાઉં. તેર વર્ષની ઉંમરે પાછળ દફ્તર હોય, હાલ્ફ કે ફૂલ પેન્ટ પહેરેલું હોય, mostly તો હાલ્ફ પેન્ટ જ પહેરેલું હોય અને બસમાં ચડવાનું અને જે અડધો કલાકનો ટાઈમ હોય ત્યારે પાછી બાકીની ઊંઘ પુરી કરી લેવાની  અને  બસ સ્ટોપ આવે એટલે ઉતરીને સીધો જયારે હું સુવાસ બુકસ્ટોર પર પહોંચું ત્યારે હજી તો સવારના માત્ર સાડા સાત જ વાગ્યા હોય.  દુકાનો બધી બંધ હોય, મારે જવાનું અંદર, ઉપર શેઠ પાસે જવાનું, ચાવી લેવાની, લોક ખોલવાના, લોક ખોલી અને જેટલા દરવાજા હોય ફૂલ સાઈઝના એને ઉપાડવાના ઉપાડીને અંદર મૂકી દેવાના એટલે આખી દુકાન ઓપન થઇ જાય,. બધા કાઉન્ટર બહાર કાઢવાના. ઝાડું મારવાનું, પોતું મારવાનું, બધા કાઉન્ટર ચમકાવવાના, બધી વસ્તુ લટકાવવાની ને બધું પ્રદર્શન કરવાનું, ત્યાં સુધીમાં એ અડધી કલાકમાં મારા સ્કૂલનો ટાઈમ થઇ જાય. ત્યાંથી ભાગી અને રાઈટ પોણા બે કિમી કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલ પહોંચવાનું,  ત્યાં દુકાને શેઠ આવી ગયા હોય એને દુકાન સોંપવાની અને નીકળી જવાનું. બાર વાગ્યા સુધી સ્ટડી કરી અને સાડા બાર વાગ્યે જેવો ક્લાસ પૂરો થાય એટલે ત્યાંથી ભાગતા. એક વાગે જોબ ચાલુ થઇ જતી હતી. એક વાગેએ પહેલા પહોંચી જવાનું. અને જે પાંચ સાત મિનિટનો સમય ભાગતા ભાગતા વધે ત્યાં  પહોંચી એ સમયમાં દફ્તરમાં નાનકડો લંચ બોક્સમાં ત્રણ ચાર થેપલા હોય,  એ થેપલા ફટાફટ ખાઈ લેવાના કેમ કે એક વાગે એટલે જોબ સ્ટાર્ટ થઇ જાય. એક ને પાંચ થાય તો પ્રોબ્લેમ થઇ જાય. 

થેપલાંની સાથે છુન્દો હોય તો હોય, ક્યારેક શેઠને એમ થાય કહે કે, જા  ઉપરથી દહીં લઇ આવ. દહીં લઇ આવું  ને થેપલા સાથે ખાવા મળે. હું સુવાસ બુકસ્ટોર વાળનો ઉપકાર એમ માનીશ કે એણે મને સેલ્સમેનશિપ કરતા શીખવાડી. કોઈ પણ વસ્તુની રજુઆત કેમ કરાવી, એ વસ્તુને કેવી રીતે સામે વાળાના હાર્ટ સુધી પહોંચાડવી.  હું એ તેર વર્ષની ઉંમરે (લગભગ આઠ નવ મહિના જોબ કરી હશે પણ) હું શીખી ગયો. એમણે મને બહુ સરસ રીતે શીખવાડ્યું. જીવનના આવા કેટલાય પ્રસંગોને મારા માટે કેવળ પ્રસંગ નથી, પણ જીવનની પાઠશાળા છે. 

હું રોજ જયારે સુવાસ બુકસ્ટોરમાં શેઠનો બપોરનો આવવાનો ટાઈમ ત્રણ વાગ્યાનો અને ત્રણ વાગે એટલે મારે એમની માટે દુકાને ચા લઈ આવવાની. એટલે ચાની લારી હતી ત્યાં હું જાઉં,  ઉભો રહું, એ ચાનો કપ આપે એ હું લઈને ઢોળાઈ ન જાય એનું ધ્યાન રાખીને ભીડની વચ્ચેથી આવીને હું શેઠને ચા પીવડાવું. મન તો મને પણ બહુ થાય પણ… હું જયારે પાછો કપ આપવા માટે જાઉં ત્યાં જ બરોબર એક લોટરી વાળાની દુકાન પર લોટરી વેચાતી હતી. એ સમયે ગુજરાત સરકારની ગુર્જર લક્ષ્મી લોટરી ચાલતી એ સમયે અને બન્યું એવું કે હું લોટરીની દુકાન ઉપર લોટરીની ટિકિટને ચેક કરું અને પછી એક દિવસ લોટરી લેવા માટે જે ઉભેલા હતા એ ભાઈઓને કીધું,  આ નંબરની લોટરી લઈ લે તને લોટરી લાગી જશે. પણ હું તને ટિપ્સ આપું તો તારે મને દસ રૂપિયા આપવાના કારણ કે એ સમયે પગાર હતો સુવાસ બુકસ્ટોરના કામનો માત્ર  ૭૫ રૂપિયા !!. એ ભાઈને કીધું તારે દસ રૂપિયા મને દેવાના.  તને ઓછામાં ઓછું પાંચ હજાર રૂપિયા તો ઇનામ લાગશે જ.. અને બરોબર તે દિવસ થાય ને મને ક્યારે શેઠ ચા લેવા જવાનું કહે એની રાહ જોતો હોઉં. એ જેવું મને ચા લેવાનું કહે એટલે હું ઉભો રહી જાઉં, પેલા ભાઈની રાહ જોઉં. મેં એને કહી રાખ્યું હતું કે મને આ જ સમયે આવવા મળશે, બાકી નહીં મળે. પછી તો એને  પણ ખબર પડી ગઈ કે આ જ ટાઈમે આ છોકરો આવે છે. જેવી એની લોટરી લાગી ગઈ કે તરત કહે, લે, તારા દસ રૂપિયા. હું કહેતો કે, તમને એટલા બધા મળ્યા તો દસ વધારે આપોને. તો કહે : નહીં. બીજો નંબર કહે  તો આપીશ. એટલે હું પાછો બે ત્રણ દિવસ ચેક કરું એટલે એમાં કઈ હોય નહીં એટલે પેલો વ્યક્તિ ગુસ્સે થાય, પણ હું કહું કે એમાં કોઈ લાગવવાળો નંબર જ નથી. એ બહુ ગુસ્સે થાય,  નહીં તારે આજે કહેવાનું જ છે. આમ કે તેમ કે.. મેં કીધું મારે દુકાન જવાનું મોડું થાય છે. મોડું થાય તો  શેઠ મારશે,  કેમ કે શેઠની પડતી હતી  જો જરાક પણ મોડું થાય તો.  જરાક પણ ભૂલ થાય એટલે ફટાક.. જોરદાર પડતી. એટલે રોતા રોતા અંદર જઈને ફરી પાછો કામમાં લાગી જતો.  મને ખબર હતી કે જો જોબ નહીં હોય તો સ્ટડી નહીં થાય. .. મારા  જીવનના આવા કેટલાય પ્રસંગો મારા માટે કેવળ પ્રસંગ નથી, પણ જીવનની પાઠશાળા છે. 

વૃત્તિ એટલી ભક્તિમય થઈ જવી જોઈએ કે કરેલી મહેનત વિસારે પડી જાય

વૃત્તિ એટલી ભક્તિમય થઈ જવી જોઈએ કે કરેલી મહેનત વિસારે પડી જાય

હકીકતમાં ભગવાનનો સંકેત આપણા સૌ સમક્ષ છે. આપણે એક યા બીજી રીતે ખરેખર અર્જુન છીએ

ભદ્રાયુ વછરાજાની                     (55)                bhadrayu2@gmail.com   

શ્રીમદ ગીતાજીમાં ‘પુરુષોત્તમ યોગ’ એટલે પંદરમો અધ્યાય. ચૌદ માં અધ્યાયમાં બતાવેલી સાધનાની પૂર્ણ કરવા  માટે આ અધ્યાય છે, તેવું શ્રી વિનોબાજીનું કહેવું છે. પ્રયત્નમાં ભક્તિ અને આત્મજ્ઞાન ભળે  એટલે આ પૂર્ણતા આવે છે. ભક્તિ એ પ્રયત્નમાર્ગનો જ એક ભાગ છે. આત્મજ્ઞાન હોય કે ભક્તિ હોય એ બધા સાધનાનાં અંગો છે. 

શ્રી વિનોબાજી કહે છે, “કોઈપણ કામમાં ભક્તિતત્વ દાખલ થાય તો તે સહેલું લાગે છે. સહેલું લાગે છે એટલે મહેનત નહીં પડે એવું ન સમજશો. પણ એ મહેનત મહેનત જેવી નહીં લાગે. મહેનત પણ આનંદરૂપ લાગશે. બધી મહેનત હલકી ફૂલ થઈ જશે. ભક્તિમાર્ગ સહેલો છે એ વાતમાંનો મુદ્દો શો છે? તેનો મુદ્દો એ કે ભક્તિને લીધે કર્મનો ભાર લાગતો નથી. કર્મનું કઠણપણું જતું રહે છે. ગમે તેટલું કામ કરો તો યે કર્યા જેવું લાગતું નથી. ઈસુ ખ્રિસ્ત એક ઠેકાણે કહે છે, “તું ઉપવાસ કરે તો તારો ચહેરો ઉપવાસ કર્યા જેવો દેખાવો ન જોઈએ. ગાલને સુગંધી પદાર્થ લગાડ્યો હોય તેવો ચહેરો પ્રફુલ્લિત તેમ જ આનંદી દેખાવો જોઈએ. ઉપવાસ કરવામાં કષ્ટ પડે છે , એવું દેખાય તે ચાલે.” ટૂંકમાં, વૃત્તિ એટલી ભક્તિમય થઈ જવી જોઈએ કે કરેલી મહેનત વિસારે પડી જાય.

આત્મદર્શન એ બે ઘડી મોજનો ખેલ નથી. સહેજે મોજથી આત્મદર્શન થઈ જાય, એવું નથી. તે માટે સતત પ્રયત્નધારા ચાલુ રહેવી જોઈએ. પરમાર્થને માર્ગે જવાની શરત જ મૂળમાં એ છે કે, “હું એક ક્ષણ પણ નિરાશાને અવકાશ આપીશ નહીં. એક ક્ષણ પણ નિરાશ થઈને જંપીને નિરાંતે બેસીશ નહીં.” પરમાર્થનું બીજું સાધન નથી. કોઈ કોઈ વાર સાધકને થાક ચડે ને તેને મોંએથી, ‘तुम कारन तप संयम किरिया, कहो कहां लौं कीजे ?’ હે ઈશ્વર, ક્યાં સુધી તારે માટે આ તપસ્યા કરું? એવા ઉદગાર નીકળી જાય છે. પણ એ ઉદગાર ગૌણ છે. તપસ્યા અને સંયમનું જાતને એવું વળગણ પડી જવા દો કે તે તમારો સ્વભાવ થઈ જાય. ક્યાં સુધી સાધના કરું? આ વચન ભક્તિમાં શોભતું નથી.’

જે મનુષ્ય બધા જ પ્રકારના મોહથી મુક્ત થયો છે, તે મનુષ્ય અવિનાશી પરમપદ પ્રાપ્ત કરે છે અને પરમધામમાં સીધાવે છે. આ પરમધામ એવું  છે કે ન એને સૂર્ય પ્રકાશિત કરી શકે, ન ચંદ્રમા કે ન કોઈ અગ્નિ. જ્યાં પહોંચીને કોઈપણ મનુષ્ય આ સંસારમાં પાછો ફરતો નથી એ જ મારું પરમધામ છે. પંદર માં અધ્યાયના પહેલા છ શ્લોકો ની અંદર આપણને સંસારરૂપી અશ્વત્થ વૃક્ષના સ્વરૂપ અને ભગવાનની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે એના ઉપાય જણાવવાનું કામ ભગવાને કર્યું છે. એ અર્જુનને ઉદ્દેશીને વાત કરી રહ્યા છે પણ હકીકતમાં તેમનો સંકેત આપણા સૌ સમક્ષ છે. આપણે એક યા બીજી રીતે ખરેખર અર્જુન જ છીએ. 

આ  પંદરમાં અધ્યાય નો બીજો ભાગ જે ઇશ્વ્રરાંશ જીવ, જીવતત્વના જ્ઞાતા, અને અજ્ઞાતાનો પરિચય આપણને કરાવે છે. તેમાં જે પાંચ શ્લોકો  છે એને ટૂંકમાં જાણીએ તો ભગવાન કહે છે,  હે અર્જુન,  સંસારના પ્રત્યેક શરીરમાં જીવાત્મા સ્થિત થયેલો છે એ મારો જ સનાતન અંશ છે, કે જે મન સહિત છ એ છ ઈન્દ્રિયો દ્વારા પ્રકૃતિને આધીન રહીને કાર્ય કરે છે. જાણવાનું એ છે કે સનાતન અંશ હું છું, પણ હું પણ ઈન્દ્રિયોના માધ્યમથી પ્રકૃતિને આધીન રહીને કામ કરું છું. શરીરના સ્વામી જીવાત્મા છે, એની છ ઈન્દ્રિયોના કાર્યોના સંસ્કારરૂપ ગ્રહણ કરીને એક શરીરનો ત્યાગ કરીને બીજા શરીરમાં એ જ રીતે ચાલતા જવાની અહીં વાત છે કે જેવી રીતે વાયુ ગંધને એક સ્થાનેથી ગ્રહણ કરે છે અને બીજે સ્થાને છોડી દે છે. આ જ પ્રકારે બીજા શરીરમાં સ્થિત થઈને જીવાત્મા કાન, આંખ, ત્વચા, જીભ, નાક, અને મન એમ છ ની સહાયતાથી વિષયોનો ભોગ કરતો રહે છે. જીવાત્મા કેવી રીતે શરીરમાં સ્થિત રહે છે?  અને કેવા પ્રકારના પ્રકૃતિના ગુણોને આધીન રહીને વિષયો નો ભોગ કરે છે ? મૂર્ખ મનુષ્ય ક્યારેય પણ આ પ્રક્રિયાને નથી જોઈ શકતો. પરંતુ તે જ મનુષ્ય જોઈ શકે છે જેની આંખોએ જ્ઞાનના પ્રકાશથી બહુ જ પ્રકાશિત થવાનું સદભાગ્ય પ્રાપ્ત કર્યું છે. આપણને ઈશ્વરનો જીવ ક્યાં મળશે? ક્યારે મળશે? કેવો મળશે? એનો પરિચય કરાવતા આ વિભાગના પાંચમાં અને અધ્યાયના અગિયારમાં  શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે યોગના અભ્યાસમાં પ્રયત્નશીલ મનુષ્ય પોતાના હ્રદયમાં સ્થિત આત્માને જોઈ શકે છે. પરંતુ જે મનુષ્ય યોગના અભ્યાસમાં લાગેલો નથી એવો અજ્ઞાની પ્રયત્ન કરતા રહેવા છતાં પણ કદી આત્માને જોવા પામતો નથી. આ બીજા વિભાગની અંદર ઈશ્વર આપણને એવું કહે છે કે, ભલે તમે ગમે તે હો, પણ તમારા તરફથી પણ નિશ્ચિત પ્રયત્ન થાય તે અતિ આવશ્યક છે. કારણ કે એક જીવ માંથી બીજા જીવમાં ગયા પછી પણ હું સનાતન અંશ હોવા છતાં પ્રકૃતિને આધીન રહીને મારું કામ કરું છું. 

પંદર માં અધ્યાયના ત્રીજા ભાગમાં પરમેશ્વરના સ્વરૂપનું વર્ણન છે.  એમાં પરમેશ્વરનો પ્રભાવ ક્યાં છે એ પણ દર્શાવવામાં આવ્યું છે. ભગવાન કહે છે, હે અર્જુન, જે પ્રકાશ સૂર્ય માં છે, જેનાથી સમસ્ત સંસાર પ્રકાશિત છે, જે પ્રકાશ ચંદ્રમામાં  છે, અને જે પ્રકાશ  અગ્નિમાં  સ્થિર થયો છે, એ પ્રકાશને તું મારાથી ઉત્પન્ન થયેલો છે એવું સમજજે. હું જ પ્રત્યેક લોકમાં પ્રવેશ કરીને મારી શક્તિથી બધા જ પ્રાણીઓને ધારણ કરનાર છું, અને હું જ ચંદ્રમાના રૂપમાં વનસ્પતિઓમાં જીવન રસ બનીને સમસ્ત પ્રાણીઓના પોષણ કરનારો છું. હું જ પાચન અગ્નિના રૂપમાં સમસ્ત જીવોના શરીરમાં સ્થિર થયેલ છું, હું જ પ્રાણવાયુ અને અપાન વાયુ ને સંતુલિત રાખીને ચાર પ્રકારના અન્નોને પચાવવાનું કામ કરું છું. આ ચાર પ્રકારના અન્નોમાં ચાવવું પડે તેવું, પીવું પડે તેવું, ચાટવું પડે તેવું, અને ચૂસવું પડે તેવું, એવા ચાર પ્રકારના અન્ન એ હકીકતમાં મારા દ્વારા જ પોતાનું દ્રવ્ય સ્વરૂપ પ્રાપ્ત કરી રહ્યા છે. ભગવાન કહે છે કે હું જ બધા જીવોના હૃદયમાં આત્મા રૂપે સ્થિત થયેલો છું, મારા દ્વારા જ જીવને વાસ્તવિક સ્વરૂપની સ્મૃતિ, વિસ્મૃતિ કે જ્ઞાન થાય છે, હું જ બધા જ વેદોના દ્વારા જાણવા યોગ્ય છું અને મારાથી જ સમસ્ત વેદ ઉત્પન્ન પણ થયા છે અને હું જ સમસ્ત વેદોને જાણવાવાળો છું. પરમેશ્વર પોતાના પ્રભાવ ક્યાં ક્યાં રહેલો છે એમ કહીને એવું દર્શાવે છે કે પામર  જીવ તરીકે તારે જે કરવું હોય તે તું અવશ્ય કરી શકે છે, પરંતુ અંતે જે સમગ્ર પ્રકારનું એક આધિપત્ય છે એ મારા છત્ર નીચે મેં રાખ્યું છે. 

‘ગીતા- અભ્યાસની કૂંચી મને વિષ્ણુપુરાણમાંથી મળી છે.’..ગાંધીજી

‘ગીતા- અભ્યાસની કૂંચી મને વિષ્ણુપુરાણમાંથી મળી છે.’..ગાંધીજી

અશ્વસ્થ ને પાંદડેપાંદડે વેદ લખેલા છે, એટલે પાંદડેપાંદડે રામ નામ લખેલું છે.

ભદ્રાયુ વછરાજાની                (54)             bhadrayu2@gmail.com 

આપણે પંદરમાં અધ્યાય પ્રારંભે વિનોબાજીને યાદ કરીએ. 

પંદરમાં અધ્યાયમાં બધાયે વિચારોની પરિપૂર્ણતા થયેલી છે. સોળમો અને સત્તરમો અધ્યાય પરિશિષ્ટરૂપે છે અને અધર્મો ઉપસંહાર છે. એથી આ અધ્યાયને છેડે ભગવાને આ અધ્યાયને શાસ્ત્ર નામ આપ્યું છે. ‘અત્યંત ગૂઢ આ શાસ્ત્ર તને નિષ્પાપ મેં કહ્યું,’ – એમ ભગવાન છેવટે કહે છે.’… આ અધ્યાયમાં પરમાર્થની વાત પુરી થાય છે. વેદનો બધોયે સાર એમાં આવી જાય છે. તેરમા અધ્યાયમાં આપણે દેહથી આત્માને અળગો કરવાની જરૂર શી છે તે જોયું. ચૌદમામાં તે બાબતનો થોડો પ્રયત્નવાદ આપણે તપાસ્યો. આવો આપણે બધાયે વિચારોની પરિપૂર્ણતા તરફ દોરી જતા અધ્યાય અંગે વિગતે સમજીએ. 

આ અધ્યાય નું નામ ‘પુરુષોત્તમ યોગ’ છે,  પણ અહીં અર્થ ‘પુરુષોત્તમ પ્રાપ્તિ યોગ’ એવું આપણે કરવાનું થાય છે. આ અધ્યાયમાં કુલ ૨૦ શ્લોકો છે અને આ ૨૦ શ્લોકો ને ચાર ભાગમાં વહેંચવામાં આવ્યા છે. પહેલો ભાગ છે : ‘સંસાર રૂપી અશ્વત્થવૃક્ષનું સ્વરૂપ અને ભગવત પ્રાપ્તિનો ઉપાય’. જેમાં એક થી છ શ્લોક સમાવિષ્ટ છે. બીજો વિભાગ એ : ‘ઈશ્વરાંશ  જીવ, જીવ તત્ત્વના જ્ઞાતા અને અજ્ઞાતા’, જેમાં સાતથી અગિયાર  એટલે કે કુલ પાંચ શ્લોક છે. ત્રીજો ભાગ એ : ‘પ્રભાવ સહિત પરમેશ્વરના સ્વરૂપનું વર્ણન’.. જેમાં ચાર શ્લોક છે 12 થી 15,  અને ચોથો  અને છેલ્લો ભાગ છે : ‘ક્ષર-અક્ષર-પુરુષોત્તમનું વિશ્લેષણ’, જેમાં 16 થી 20 એમ કુલ પાંચ શ્લોકો છે. આ પંદરમાં અધ્યાય રૂપે આપણી સમક્ષ શ્રી ભગવાન બહુ મહત્વની વાત કરી રહ્યા છે  મહાત્મા ગાંધીએ ગીતા  શિક્ષણ પ્રાપ્ત કર્યું તેના આધારે શ્રી નરહરી દ્વારકાદાસ પરીખે પુસ્તક તૈયાર કર્યું. જેમાં ગાંધીજીના પ્રવચનોની સદગત મહાદેવભાઇ દેસાઈએ લીધેલી નોંધ મૂકવામાં આવી છે. જેમાં  તારીખ 24 ફેબ્રુઆરી 1926 થી તારીખ 27 નવેમ્બર 1926 સુધીની નોંધનો તેમાં સમાવેશ છે. “ગુજરાત વિદ્યાસભા અમદાવાદ” દ્વારા તે 1955 ની સાલમાં એટલે કે સંવત 2012માં પ્રથમ આવૃત્તિ રૂપે પ્રકાશિત કરવામાં આવી છે. આ ‘ગાંધીજીનું ગીતાશિક્ષણ’ એવું એક પુસ્તક આપણા હાથમાં છે કે જેના સારરૂપે એમની પ્રસ્તાવનામાં બહુ જ સુંદર વાત આપણને કરવામાં આવી છે, જે જરા જોઈ-જવી જરૂરી બને છે. ‘જે રાગ-દ્વેષ રૂપી વિષ ની પીડાથી ઉપજતા મોહથી રહિત છે, પ્રાણી માત્ર પ્રત્યે અનુકંપાથી પ્રેરાયેલો છે, અને જે સર્વગુણોથી સંસ્કારમાં છે તેને સર્વદા નમસ્કાર છે.’ બાપુએ આરંભ કરતા એવું લખ્યું કે, ગીતા- અભ્યાસની કૂંચી મને વિષ્ણુપુરાણ માંથી મળી છે. એમાં એની વિનંતી પણ છે, અને ત્રાગું  બંને પણ છે. જેનો અર્થ એવો થાય કે, ‘તું વિષ્ણુ હોય, ત્રિપુરારી શિવ હોય, ગમે તે હોય જો તું રાગ-દ્રેષાદીથી મુક્ત હોય તો તને નમસ્કાર છે.’ આ બહુ જ સિદ્ધ વાત છે કે ‘આપણા નમસ્કાર કોને થઈ શકે,?  મહાભારત ઐતિહાસિક ગ્રંથ નથી, પણ ધર્મગ્રંથ છે. બનેલી વાતને કહેવાનું સામર્થ્ય કોનું છે,? એક પાણીનું બિંદુ જોયું તેનું વર્ણન આબેહૂબ આપવાનું માણસમાં સામર્થ્ય નથી. એવો પામર ઈશ્વરે મનુષ્યને બનાવી મૂક્યો છે. ત્યાં બનેલી ઘટનાનું પુરૂ વર્ણન તો કોણ આપી શકે ? તેમાં આ યુદ્ધમાં તો લડનારા ધર્મથી, વાયુથી, ઇન્દ્રથી, અશ્વિનીકુમારથી ઉત્પન્ન થયેલા પાંચ પુત્રો અને એક સમયે ઉત્પન્ન થયેલા 100 પુત્રો વચ્ચે છે એવી વાત ક્યાંય સંભવિત જાણી છે?’ એવો પ્રશ્ન ગાંધી પૂછે છે. 

દુર્યોધન અધર્મને રથે બેઠેલો હતો અને અર્જુન એ ધર્મને રથે ચડેલો હતો, એમ આ યુદ્ધ ધર્મ-અધર્મનું છે. સંજય ભક્ત હૃદય  છે. યુદ્ધ તો દૂર થાય છે તે જોવાની તેની શક્તિ નથી. એટલે તે જોવાને વ્યાસ તેને દિવ્ય ચક્ષુ આપે છે. પણ એનો અર્થ શું થયો? એનો અર્થ એ જ કે, જે યુદ્ધ આપણા શરીરમાં રહેલા અનેક કૌરવો અને પાંડવો વચ્ચે ચાલી રહ્યું છે તેનું જ વર્ણન આમાં છે. અનેક ગુણો અને અવગુણો મૂર્તિમંત થાય છે તે ગુણ-અવગુણો નું આ યુદ્ધ છે. હિંસા-અહિંસા નો પ્રશ્ન વેગળો  રાખવો જોઈએ કારણ કે આ દ્વંદ્વ યુદ્ધમાં મનુષ્યનું કર્તવ્ય શું છે એ બતાવવા માટે આ ધર્મગ્રંથ લખવામાં આવ્યો છે, એવું મહાત્મા ગાંધીએ સ્પષ્ટતાપૂર્વક કહ્યું છે. પંદર  માં અધ્યાયના 20 શ્લોકના વિવરણમાં ઉતરતા પહેલા આપણે એટલું જાણી લઈએ કે કિશોરલાલ ઘ. મશરૂવાળા દ્વારા તૈયાર થયેલ ‘ગીતા ધ્વનિ’ માં સમશ્લોકી નાની પુસ્તિકા જે ગ્રંથ સમાન છે તેમાં એમનું ગુજરાતી અક્ષરસ: થયું છે, અને તે વધુ પાચ્ય બન્યું છે. 

જાણવાનું એ છે કે શ્રી ભગવાન સૌ પ્રથમ અહીં અર્જુનને કહેવા માગે છે કે, સંસારરૂપી અશ્વસ્થવૃક્ષ નું સ્વરૂપ કેવું છે? સ્વ: એટલે આવતીકાલ, તેથી અશ્વસ્થ એટલે આવતીકાલ લગી ન ટકનાર એવો ક્ષણિક સંસાર. સંસારનું પ્રતિક્ષણ રૂપાંતરણ થયા કરે છે, તેથી તે અશ્વસ્થ  છે. આ સંસારનું જેને યથાર્થ જ્ઞાન છે અને જે ધર્મને જાણનાર છે તે જ્ઞાની છે’, આવો પહેલા શ્લોકનો અર્થ થાય છે. પહેલા શ્લોકમાં સંસારને તરી જવાનું સાધન બતાવ્યું છે, તો બીજા શ્લોકમાં સંસારને દિવ્ય-દ્રષ્ટિ એ વર્ણવ્યો છે. અજ્ઞાની દૃષ્ટિ વાળું વર્ણન બીજા શ્લોકમાં છે. 

આ જગતમાં કર્મ કરવા છતાં અલિપ્ત તો ત્યારે જ રહેવાના છીએ જ્યારે આ જગતને ઈશ્વરની લીલા ન સમજતાં તેને ભોગભૂમિ માની અસહયોગરૂપી શસ્ત્ર વડે મૂળમાંથી છેદી નાખીશું. એના મૂળ બીજી રીતે તો છેદી શકાય તેમ નથી, કારણ એ અનાદિ છે અને અનંત છે. એટલે અસહયોગનું શસ્ત્ર વાપરવાનું અહીં કહેવામાં આવ્યું છે. અશ્વસ્થ ને પાંદડે-પાંદડે વેદ લખેલા છે. એટલે પાંદડે-પાંદડે રામ નામ લખેલું છે. જગત ઈશ્વરની પ્રસાદી છે અને જગતરૂપી ઝાડ બ્રહ્માની નાભીમાંથી થયેલું છે. બીજું જગત એવું છે કે જેનું મૂળ નીચે છે, તેના પાંદડા વગેરે વિષયાદી છે એ જગત કામનામય છે. ‘પૃથ્વીની અંદર પ્રવેશ કરીને જીવોને હું મારા તેજ વડે ધારણ કરું છું. સર્વ ઔષધિ , અન્ન, પાક માત્રને રસોનો ઉત્પન્ન કરવાવાળો સોમ થઈને હું પોષણ આપું છું.’

 

હે અર્જુન, સત્વ, રજ અને તમ એ ગુણો પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા છે.

હે અર્જુન, સત્વ, રજ અને તમ એ ગુણો પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા છે.

કોઈપણ ગુણ ત્યારે પ્રભાવી  બની શકે જયારે તે અન્ય બે ગુણને બરાબર દબાણમાં મૂકી દઈ શકે અને આવૃત કરી દઈ શકે

ભદ્રાયુ વછરાજાની                     (53)                 bhadrayu2@gmail.com 

ચૌદમા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ ગુણત્રયવિભાગયોગ શીર્ષક આપીને આપણને આપણા જીવનના મુખ્ય ત્રણ ગુણનો પરિચય કરાવે છે. તેનાથી શું શક્ય બને અને શું ન શક્ય બને તેની ટૂંકમાં વાત કરે છે અને ત્રણેય ગુણને સાથે મેળવીને કેવી રીતે એકબીજાને દબાવીને એક બીજાને બહાર લઇ આવવાના છે એની સ્પષ્ટતા કરે છે 

હે અર્જુન, સત્વ, રજ અને તમ એ ગુણો પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા છે. તેઓ નિર્વિકાર જીવાત્માને દેહને સાથે બાંધે છે. કેવી રીતે બાંધે છે ? તેમાં..

1) સત્વગુણ સ્વ્ચ્છપણાને લીધે પ્રકાશક અને ઉપદ્રવથી રહિત છે. અનામય છે તે જીવાત્માને સુખના સંગથી અને જ્ઞાનના સંગથી બાંધે છે. યાદ રહે અહીંયા કે, સત્વગુણ છે એ જીવાત્માને સુખના સંગથી અને જ્ઞાનના સંગથી બાંધે છે. સત્વગુણ સુખમાં જોડે છે. રજોગુણ અને તમોગુણને દબાવી દઈને જયારે સત્વગુણ વૃદ્ધિ પામે છે ત્યારે સત્વગુણ પોતાના કાર્ય કરે છે. અહીંયા યાદ રાખવા જેવું એ છે કે રજોગુણ અને તમોગુણને દબાવવા પડે તો જ સત્વગુણ વૃદ્ધિ પામી શકે. જયારે આ દેહમાં બધી જ ઇન્દ્રિયો વિષે જ્ઞાનરૂપી પ્રકાશ ઉત્પન્ન થાય છે ત્યારે સત્વગુણ વૃદ્ધિ પામેલો છે એમ માની શકાય છે. મહર્ષિઓ સાત્વિક કર્મનું ફળ સાત્વિક તથા નિર્મળ કહે છે. એટલે તમે સાત્વિક બનો તો નિર્મળ રહી શકો. સત્વગુણથી જ્ઞાન ઉત્પ્ન્ન થાય. સાત્વિક આચરણમાં રહેલા મનુષ્ય ઉંચા લોકને પામે એવો સ્પષ્ટ નિર્દેશ ભગવાન અહીં આપી રહ્યા છે.

2)તૃષ્ણા અને સંઘને ઉત્પન્ન કરનારા રજોગુણને રાગરૂપ જાણવાનો છે. તે રજોગુણ જીવાત્માને કર્મસંગથી બાંધે છે. યાદ રહે અહીંયા કે, રજોગુણ છે એ કર્મસંગથી બાંધે છે. રજોગુણ કર્મમાં જોડે છે. સત્વગુણને તથા તમોગુણને દબાવી દઈને જયારે રજોગુણ વૃદ્ધિ પામે છે ત્યારે રજોગુણ પોતાના કાર્યને કરે છે. જયારે રજોગુણ વૃદ્ધિ પામે છે ત્યારે લોભ, પ્રવૃત્તિ, કર્મોનો આરંભ, અશાંતિ તથા સ્પૃહા એવા ચિન્હો આપણને દેખાઈ આવે છે. મહર્ષિઓ રાજસ કર્મનું દુઃખનું ફળ કહે છે. એટલે તમે રાજસિક બનો તો કર્મનું દુઃખ તમને વળગી શકે. રજોગુણથી લોભ ઉત્પન્ન થાય. રાજસિક આચરણમાં રહેલા લોકો મનુષ્ય લોકમાં રહે છે એવો સ્પષ્ટ નિર્દેશ ભગવાન અહીં આપી રહ્યા છે.

3) તમોગુણને અજ્ઞાનથી ઉત્પ્ન્ન થયેલો તથા સર્વ પ્રાણીઓનો મોહ ઉપજાવનારો તમારે જાણવાનો છે. તમોગુણ જીવાત્માને પ્રમાદ, આળસ તથા નિદ્રા વડે બાંધે છે. તમોગુણ જ્ઞાનને આવૃત કરી એટલે કે ઢાંકી દઈને પ્રમાદમાં આળસ વાદી બાબતોમાં જોડી દે છે. સત્વગુણ અને રજોગુણને દબાવી દઈને જયારે તમોગુણ વૃદ્ધિ પામે ત્યારે તમોગુણ પોતાનું કાર્ય કરે છે. જયારે તમોગુણ વૃદ્ધિ પામે છે ત્યારે અપ્રકાશ તેમજ અપ્રવૃત્તિ, પ્રમાદ અને મોહ એ ચિન્હો ઉત્પન્ન થયેલા જોવા મળે છે . મહર્ષિઓ તામસ ક્રમનું અજ્ઞાનરૂપ ફળ કહે છે. એટલે તમે તામસિક બનો તો કર્મનું અજ્ઞાન તમને છેતરી જઈ શકે. તમોગુણથી પ્રમાદ, મોહ અને અજ્ઞાન ઉત્પન્ન થાય છે. કનિષ્ઠ એટલે કે નીચું આચરણમાં રહેલા તમોગુણીઓ પશુ વગેરે મૂઢ યોનિઓમાં ફરે છે એવો સ્પષ્ટ નિર્દેશ ભગવાન અહીં આપી રહ્યા છે.

અર્જુનને સતર્ક કરીને સતત એવું કહેવાયું એક આ ત્રણ ગુણથી તારે સાવધાન રહેવાનું છે. કોઈ પણ ગુણ ત્યારે જ પ્રભાવી  બની શકે જયારે તે અન્ય બે ગુણને બરાબર દબાણમાં મૂકી દઈ શકે અને આવૃત કરી દઈ શકે. તમારા અંતના સમયે તમારા ઉપર ક્યાં ગુણોનું આધિપત્ય છે તે પ્રમાણે તમે મૃત્યુ પછી કશીક પ્રાપ્તિ કરી રહ્યા છો. જયારે દ્રષ્ટા ગુણોથી ભિન્ન બીજા કર્તાને જોતો નથી.  તે ગુણોથી આત્માને પર જાણે છે ત્યારે તે પૂર્ણત્વને પામે છે. આ જરા સમજવા જેવું છે. જેમ હાથી ઉપર બેઠેલો પુરુષ હાથીનું ગમન જુએ છે, પોતાનું ગમન જોતો નથી તેમ જે અધિકારી પુરુષ આંખ જુએ છે, કાન સાંભળે છે, મન મનન કરે છે, બુદ્દિ નિશ્ચય કરે છે, વાણી બોલે છે, ‘હું કઈ પણ કરતો નથી કેવળ તેમનો સાક્ષીરુપ છું’ એ જુએ છે તે બ્રહ્મભાવને પામી શકે છે. 

આ ત્રણ ગુણોને ઓળંગી ગયેલો પુરુષ ક્યાં ચિન્હોથી જાણી શકાય ? એ કેવા આચરણ વાળો હોય ? ભગવાન કહે છે કે, હે પાંડવ, જ્ઞાની પુરુષ સત્વગુણના કાર્ય એવા પ્રકાશનો રજોગુણનું કાર્ય એવી  પ્રવૃતિઓ અને તમોગુણનું  કાર્ય એવા મોહની પરિસ્થિતિમાં પણ તેમનો દ્વેષ કરતો નથી અને વળી  નિવૃત થાય તો તેમની આકાંક્ષા રાખતો નથી, એ ગુણાતીત છે. 

ગુણાતીત  શબ્દ અતિ મહત્વનો છે, તેથી ભગવાન આપણી સમક્ષ વારંવાર તેની સ્પષ્ટતા

 કરે છે. આનો અર્થ એવો કે,  

જે ઉદાસીન સાક્ષીવત રહીને ગુણોથી વિચલિત થતો  નથી,  

ગુણો વર્તે છે એવું જાણીને જે સ્થિર રહે છે

કોઈપણ સ્થિતિથી વિચલિત થતો નથી ગુણાતીત છે

જે માન અને અપમાનમાં સમાન છે

જે મિત્રપક્ષ અને શત્રુપક્ષમાં સમાન છે 

તથા જેણે સર્વ આરંભોનો પરિત્યાગ કર્યો છે ગુણાતીત છે

ગુણાતીત પુરુષના લક્ષણો મુમુક્ષુએ પ્રયત્નપૂર્વક સંપાદન કરવા જોઈએ. ભગવાન કહે છે કે, જે મને અનન્ય ભક્તિયોગ વડે સેવે છે, તે ગુણોને ઓળંગી જઈ બ્રહ્મભાવને પામવાને યોગ્ય થાય છે. એટલે કે એની પ્રગતિ થતી થતી છેક બ્રહ્મભાવ સુધી આગળ વધી રહી છે. મારી મારી ભક્તિ વડે મારો ભક્ત મોક્ષને પ્રાપ્ત કરવા સમર્થ થાય છે અને તે યોગ્ય છે.

ચૌદમા અધ્યાયમાં ગુણાતીત પુરુષ એટલે કે જે આ ગુણો જીતી લઇ શકે છે એવા ગુણાતીત પુરુષના લક્ષણો પણ બતાવવામાં આવ્યા છે. બહુ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જે સ્વરૂપમાં સ્થિત સુખદુઃખમાં સમાન રહે,  માટી, પથ્થર અને સોનુ બધું એક સરખું માને છે, એના માટે પ્રિય અને અપ્રિય બંને  સમાન છે, નિંદા અને આત્મસ્તુતિ એ પણ એના માટે કોઈ અસરકારક પરિબળો નથી. તૃષ્ણા અને આસક્તિના જગતમાંથી પોતાને અલગ રાખીને સ્વ સ્વરૂપમાં સ્થિર થવું એ જ મુક્તિ છે એવું કહેવનો  અહીં એક ભાવ છે. ભગવાન કહે છે કે, અનન્ય ભક્તિયોગ દ્વારા જે મારી સેવા એટલે કે ઉપાસના કરે છે તે આ ગુણોથી અતીત થઈને બ્રહ્મ બનવા માટે યોગ્ય બની જાય છે. આ અધ્યાયના  છેલ્લા શ્લોકમાં તો સ્પષ્ટ કહે છે કે,  સાધક સ્વયં બ્રહ્મ કઈ રીતે બની શકે ? જવાબ આપ્યો કે અમૃત, અવ્યય, શાશ્વત ધર્મ અને એકાંતિક અર્થાત પારમાર્થિક સુખસ્વરૂપ બ્રહ્મનો આશ્રય હું છું. બ્રહ્મની પ્રતિષ્ઠા હું છું. બ્રહ્મ શબ્દથી સગુણ બ્રહ્મ કહેવામાં આવ્યું જેની પ્રતિષ્ઠા ઉપાધિરહિત બ્રહ્મ તરીકે હું કરું છું. નિર્વિકલ્પ, અમૃત, અવ્યય, અનિર્વચનીય આનંદ સ્વરૂપ બ્રહ્મ હું છું. હું બ્રહ્મ છું તેથી તે સાધક બ્રહ્મ બની જાય છે એવો આપણને ઈશારો કરીને બ્રહ્મના માર્ગે વળવાનો બહુ મોટો રસ્તો અહીં બતાવવામાં આવ્યો છે. 

વિનોબાજી આ અધ્યાયમાં છેવટની વાત  સુંદર વાત લખે છે કે, તમે સત્વગુણી બનો, અહંકારને જીતી લ્યો, ફળની આસક્તિ પણ છોડી દ્યો, છતાં જ્યાં  સુધી આ દેહ વળગેલો છે ત્યાં સુધી વચ્ચે પેલા રજ અને તમ ના હુમલા થયા વગર રહેવાના નથી. એ ગુણોને જીતી લીધા છે એવું ઘડીભર લાગે છે,  પણ તે પાછા જોર કરીને આવ્યા વિના રહેતા નથી. સતત જાગૃત રહેવું પડશે. સમુદ્રનું પાણી જમીનમાં જોરથી દાખલ થવાથી જેમ અખાતનું નિર્માણ થાય છે તેમ રજ અને તમના જોરદાર પ્રવાહો મનોભૂમિમાં પેસી જઈને અખાતોનું નિર્માણ કરે છે તેથી જરાયે છિદ્ર ન રહેવું જોઈએ તેની કાળજી લેવી. 

વિનોબાજી તો આદેશ આપે છે કે કડક પહેરો રાખજો અને ગમે તેટલા ખબરદાર રહેશો તો પણ જ્યાં સુધી આત્મજ્ઞાન નથી, આત્મદર્શન નથી ત્યાં સુધી જોખમ છે જ એમ જાણજો. એટલે ગમે તે કરો પણ આત્મજ્ઞાન મેળવ્યા વિના જંપશો નહીં. કેવળ જાગૃતિની કસરતથી પણ એ બને એવું નથી તો કેવી રીતે બનશે ? અભ્યાસથી બનશે ? ના, એક જ ઉપાય છે અને એ ઉપાય છે હૃદયની અત્યંત ઊંડી લાગણીથી ખુબ તાલાવેલીથી ભગવાનની ભક્તિ કરવાનો. રજ, તમ ગુણોને જીતી લેશો છતાં એટલાથી કામ સરશે નહીં. જ્યાં સુધી આત્મજ્ઞાન નથી ત્યાં સુધી કાયમ ટકી રહો એવું નહીં બને. છેવટે તો   પરમેશ્વરની કૃપા જોઈશે. તેવી કૃપા માટે અંતરની ઊંડી લાગણી વાળા ભક્તિપાત્ર બનવું પડશે. એ વિના બીજો કોઈ ઉપાય વિનોબાજી કહે છે કે મને દેખાતો નથી. આ અધ્યાયને છેડે ભગવાને અર્જુનને જવાબ આપ્યો કે,  અત્યંત એકાગ્ર મનથી નિષ્કામપણે મારી ભક્તિ કર અને મારી સેવા કર. જે એવી સેવા કરે છે તે આ માયાને પેલી પાર જઈ શકે છે એ વિના આ ગહન માયા તરી જવાનું બને એમ લાગતું નથી. ભક્તિનો આ સહેલો ઉપાય છે અને આ એક જ માર્ગ છે.

“વિવેકની સાથે વૈરાગ્યનું બળ હોવું જોઈએ.” તુકારામ

“વિવેકની સાથે વૈરાગ્યનું બળ હોવું જોઈએ.” તુકારામ

ચૌદમાં અધ્યાયની અંદર સાત્વિક, રાજસિક અને તામસિક ત્રણ ગુણોનું વિવરણ છે, સ્પષ્ટ વ્યાખ્યા છે અને તેના ઈલાજો છે.

ભદ્રાયુ વછરાજાની                    (52)         bhadrayu2@gmail.com 

શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય ૧૪, જેનું શીર્ષક છે, ગુણત્રયવિભાગયોગ. વિનોબાજી  એમ કહે છે કે, આ ચૌદમો અધ્યાય એ પાછળના અધ્યાયની પૂર્તિ કરે છે. તેરમા અધ્યાયમાં આપણે  જોઈ ગયા કે  ગમે તે ઉપાયે દેહ અને આત્માને આપણે અલગ પાડી શકીએ તો પ્રગતિ કરવાનું બની શકે. જે પોતાની જાત પર રાજ્ય કરે છે તે વિશ્વનો સમ્રાટ બને છે. દેહની આત્મા  પરની સત્તા દૂર થવી જોઈએ. સુખ દુઃખ વિદેશી છે, તે પારકાં છે. તેમનો  આતમની સાથે જરા પણ સબંધ નથી, એવું સ્પષ્ટ અહીં કહેવામાં આવ્યું છે. દેહ તૂટીને પડી જતો  હોય તે વખતે પણ અત્યંત શાંત તેમજ આનંદમય કેવી રીતે રહી શકાય તે ભગવાન ઈશુ  બતાવે છે. પણ દેહને આત્માથી અળગો પાડવાનું કામ જેમ એકબાજુથી વિવેકનું છે, એવી જ રીતે બીજી બાજુથી નિગ્રહનું છે. તુકારામ કહેતા કે, વિવેકની સાથે વૈરાગ્યનું બળ હોવું જોઈએ. 

આ વિવેક અને વૈરાગ્ય એ બે બાબત સમજવા જેવી છે. વૈરાગ્ય એટલે જ એક રીતે નિગ્રહ છે, તિતિક્ષા છે. આ ચૌદમા અધ્યાયમાં આપણને નિગ્રહની દિશા બતાવી છે. હોડી  ચલાવવાનું કામ તો હલેસા મારનારો કરે છે, પણ દિશા નક્કી કરવાનું કામ સુકાનનું છે. હલેસા અને સુકાન બંનેની જરૂર છે, એ જ પ્રમાણે દેહના સુખ દુઃખથી આત્માને અળગો કરવાના કામમાં વિવેક અને નિગ્રહ એ બંનેની જરૂર આપણને રહે છે. મારી, તમારી, સર્વે જીવની બધાએ ચરાચરની જે પ્રકૃતિ છે તેમાં ત્રણ ચીજ છે. વિનોબાજી સરસ સરખામણી કરે છે. તેઓ કહે છે, આયુર્વેદમાં જેમ વાત પિત્ત અને કફ છે, તેમ અહીં ગીતા આપણને સત્વ, રજ અને તમ એ ત્રણ ગુણો પ્રકૃતિમાં મળેલા છે તેવું કહે છે. સર્વત્ર આ ત્રણ ચીજોનો મસાલો છે. ફેર હોય તો  એટલો કે ક્યાંક એકાદો થોડો, તો ક્યાંક એકાદ વધારે આ ત્રણથી આત્માને અળગો પાડીએ તો જ દેહથી આત્માને અળગો પડી શકાય. દેહથી આત્માને જુદો પાડવાનો રસ્તો આ ત્રણ ગુણોને તપાસી તેમને જીતી લેવાનો રસ્તો છે. નિગ્રહ વડે એક પછી એક ચીજને જીતતા જીતતા મુખ્ય વસ્તુની પાસે આપણે પહોંચવાનું છે. 

આ અધ્યાયની અંદર સાત્વિક, રાજસિક અને તામસિક એ ત્રણ ગુણોનું વિવરણ છે, સ્પષ્ટ વ્યાખ્યા છે અને તેના ઈલાજો છે. આપણને આ ત્રણ બાબતો માણવા જીવનના અનેક માર્ગો દેખાડવાનું કામ અહીં ભગવાન કરી રહ્યા છે. સ્વામી શ્રી ચિન્મયાનંદજી કહે છે કે, આ અગાઉના અધ્યાયમાં જીવનના અનુભવોની વિચિત્રતાનું કારણ આપણને સમજાવવામાં આવ્યું, પણ જરા ઉતાવળથી થયું. પુરુષ પ્રકૃતિમાં સ્થિત થઈને પ્રકૃતિજન્ય ગુણોનો ભોગ કરે છે, આ વિધાનમાં આ વિવિધતાનો વાસ્તવિક, વૈજ્ઞાનિક આધાર બતાવેલ છે, પણ એને સ્પષ્ટતા સંક્ષેપમાં છે. તેઓ ઉદાહરણ આપે છે કે ગંગાજળને જુદા આકારો અને રંગોની શીશીઓમાં રાખવામાં આવે તો એ જળ વિવિધ રંગોનું બનશે. પરંતુ આપણે જાણીએ છીએ કે આ રંગ અને આકારની વિવિધતા એ શીશીઓના કારણે છે, જળના કારણે નથી, કારણ કે ગંગાજળ તો બધા એક સરખું છે, એ જ પ્રમાણે એક જ પરમાત્મા જુદી જુદી ઉપાધિઓમાં જુદા જુદા જીવોના રૂપમાં પ્રગટ થાય છે. જો કે પ્રકૃતિના તત્વો સમાન છે, છતાં ભેદનું કારણ છે પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા ગુણો. આ જે ગુણ શબ્દ અહીં પ્રયોજવામાં આવ્યો છે, તે બહુ સાંકેતિક છે. ગુણ શબ્દનો અર્થ કોઈ એક વસ્તુની વિશિષ્ટતાઓ એવો થતો નથી. એનો અર્થ થાય છે મનોવૃત્તિ. એના પ્રભાવથી મન કાર્ય કરે છે. દરેક જીવનનું આંતરિક વ્યક્તિત્વ ત્રણ ગુણો અથવા ત્રણ ભાવોથી પ્રભાવિત છે અને આ ત્રણ ગુણ એટલે સત્વ, રજ અને તમ. પોતાના જ અંતઃકરણમાં કાર્ય કરી રહેલા આ ત્રણેય ગુણોને ઓળખવાની કળા આપણને જ્ઞાત હોવી જોઈએ. સામાન્ય રીતે રોગીમાં દેખાતા લક્ષણોને જોઈને તેના રોગનું નિદાન કરવામાં આવે છે. ચિકિત્સા શાસ્ત્રમાં લક્ષણાત્મક ઉપચારની એક માન્યતા પ્રાપ્ત વિધિ છે. આ અધ્યાયમાં ગીતાના આચાર્યએ આ ગુણોના થોડા લક્ષણોનું થોડું વર્ણન કર્યું છે. જે તે ગુણની અધિક્તાના કોઈ વ્યક્તિમાં જોવામાં આવે છે. સ્વામી શ્રી ચિન્મયાનંદજી ટકોર કરે છે કે, આ અધ્યાયનું સાવધાનીપૂર્વક અધ્યયન કરવાથી આપણને એવી ક્ષમતા પ્રાપ્ત થાય છે કે, જેના દ્વારા પોતાની તે પ્રબળ પ્રવૃતિઓ જાણી શકીએ છીએ, જે આપણા માનસિક જીવનને સાહસિક કરે છે. જે ગુણોના વશમાં થઈને મનુષ્ય વારંવાર વિભિન્ન પ્રકારના વ્યવહાર કરે છે, તેમના પ્રત્યે જો તે જાગૃત થઇ જાય તો તે પોતાની દુષ્પ્રવૃત્તિ, અનૈતિક ઈચ્છાઓ અને હીન વાસનાઓને છોડીને આત્મસંયમ, સદાચાર અને પૂરું પૂરું શુદ્ધ જીવન જીવવામાં સમર્થ બની શકે છે. 

આ અધ્યાય એક વિસ્તૃત માર્ગદર્શિકા છે, જે આપણને શરીરની કાર્યપ્રણાલીનો બોધ કરાવે છે. સાથે સાથે આપણને એવી સૂચના પણ આપે છે, જેના દ્વારા આપણે તે સમયે પોતાને સાવધાન કરી શકીએ છીએ. અત્યારે આપણી અંદરની રચના રૂંધાઈને સારી રીતે કાર્ય કરવાનું બંધ કરી દે છે. જો કોઈ વ્યક્તિ પોતાની કારના યંત્રોના કાર્યો અને ગુણદોષથી તદ્દન અજાણ હોય તો તેની યાત્રા સુખદ ન હોય. કારણ કે જયારે એન્જીન કામ કરવાનું છોડી દે ત્યારે  તો તે વ્યક્તિ એને સુધારી શકવાની નથી. જયારે ગાડીની બધી જ જાણકારી રાખનાર અનુભવી ચાલક આવી પરિસ્થિતિમાં ગાડીને રોકીને તેના યાંત્રિક દોષો દૂર કરીને ફરીથી પોતાના ગંતવ્ય તરફ આગળ વધી શકે છે. આપણને આપણા શરીર નામના વાહનની બધી યાંત્રિક સ્થિતિઓથી  વાકેફ કરવાનો ખ્યાલ આ અધ્યાયમાં જોવા મળે છે.

 ચૌદમા અધ્યયન પહેલા પાંચ શ્લોકો આ અધ્યાયનો માર્ગ નક્કી કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ બહુ સ્પષ્ટ શબ્દોમાં આપણને કહે છે કે, ઉત્પત્તિ અને સર્જનનું કારણ એકમાત્ર હું છું. તેઓ અર્જુનને અનેક નામોથી સંબોધન કરીને એ સ્પષ્ટ કહે છે કે હું તને ફરીથી સર્વ જ્ઞાનોમાં શ્રેષ્ઠ અને ઉત્તમ જે જ્ઞાન છે તે કહેવાનો છું કે એને જાણીને સર્વ મુનિઓ આ સંસારમાંથી પરમ સિદ્ધિને પામ્યા છે, એવું આ જ્ઞાન છે. હે અર્જુન, આ જ્ઞાનને આચરીને મારા સ્વરૂપને પામેલા સૃષ્ટિકાળમાં ઉત્પન્ન થતા નથી અને પ્રલયમાં વ્યથા પામતા નથી. હે ભારત, મૂળ પ્રકૃતિ મારું ગર્ભાધાન કરવાનું સ્થાન છે તેમાં હું ગર્ભને મુકું છું, તેથી સર્વભૂતોની ઉત્પત્તિ થાય છે. હે કૌંતેય, સર્વયોનીઓમાં જે શરીરે ઉત્પન્ન થાય છે તેમની પ્રકૃતિ માતા છે અને હું ગર્ભાધાન કરનારો પિતા છું. આટલી સ્પષ્ટ વાત કર્યા પછી પાંચમા શ્લોક થી આપણામાં રહેલા ત્રણ ગુણો તેની વાત આપણે અગાઉ કરી તેના તરફ અંગુલી નિર્દેશ કરવાનું શરૂ થાય છે અને ધીમે ધીમે કરતા એ ત્રણેય ગુણોના લક્ષણો અને તેના બાધ્ય અબાધ્ય સ્વરૂપો વિષે વિસ્તૃત પરિચય અને સૂચના અહીં આપવામાં આવે છે. 

અસ્મિતા વિશેષ સંવાદ : (42) શ્રી ચિંતન પરીખ

અસ્મિતા વિશેષ સંવાદ : (42) શ્રી ચિંતન પરીખ     

ભદ્રાયુ વછરાજાની                            bhadrayu2@gmail.com 

આપણાં મેનેજમેન્ટ ક્ષેત્રમાં મલ્ટીટાસ્કીંગ શબ્દ તો થોડા વર્ષો પહેલાં આવ્યો, પણ શ્રી ચિંતન પરીખ જીવનના પ્રત્યેક તબ્બકે મલ્ટીટાસ્કર રહ્યા છે. તેઓએ વર્ષો પહેલા તેમાં માસ્ટરી મેળવી લીધી અને ફલત: તેઓશ્રી સ્ટુડીઓમાં આમંત્રિત હતા. ક્યુ ક્ષેત્ર એવું છે કે તેની ચિંતનભાઈ ખેડી ચુક્યા  હોય !! ચાલો, તેમને માણીએ

“મને વાંચનનો એવો ચસ્કો લાગ્યો અને  ફાયદો એ થયો કે (જે અત્યારે પોતાને પણ થોડું સરપ્રાઈઝિંગ લાગે છે ) પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, જય સોમનાથ આ બધા પુસ્તકો મેં છઠ્ઠા ધોરણમાં વાંચી લીધેલા. કારણ કે બીજું કંઈ કામ નહીં એટલે હું બેસીને વાંચ્યા જ કરું વાંચ્યા જ કરું અને મારા ઘરમાં એક ખૂણો હતો. ઘરમાં બધાને ખબર હોય કે ચિંતન ક્યાં છે ? જમવાનો સમય થયો છે,  એવું કહે ત્યારે મારી મમ્મીને એ ખૂણામાંથી હું મળું. મારા પપ્પા મમ્મીએ મને કહેવું પડે કે,  ભાઈ તારે આટલું બધું ભણવાની જરૂર નથી,  તું આખો દિવસ કંઈક ને કંઈક કર્યા ન કર. એના ભાગરૂપે ૯ વર્ષની ઉંમરનો હતો ત્યારે મને સરદાર પટેલ સ્ટેડિયમની બાજુમાં ગુજરાત સ્ટેટ એસોસિયેશન દ્વારા  ટેનિશ કોર્ષ થયેલ એ ટેનિશ કોર્ષમાં મને મુક્યો અને મને કહ્યું કે,  રોજ સાંજે પાંચ વાગે થોડું રિલેક્સ થવા પણ તારે રમવું. એ ૯ વર્ષની ઉંમરે જે ટેનિશનું રેકેટ પકડ્યું એ હજુ આજ દિવસ સુધી છૂટ્યું નથી. ખુબ ટેનિશ રમ્યા. વેકેશનમાં તો સાડા ત્રણ વાગે પહોંચી જઈએ. ને વખતે શું ગાયના છાણના કોર્ટ્સ હતા, સિન્થેટિક કોર્ટ્સ તો હતા નહીં. મોંઘામાં મોંઘા ટેનિશ બોલ  ૮ રૂપિયાના આવે અને અમે સાડા ત્રણ રૂપિયા મહિને ભરીએ એટલે અમને ત્યાંથી ટેનિશ બોલ મળે અને અમારે રમવાનું. સાડા ત્રણ વાગ્યે તો કોર્ટ ઉપર ચાલે તો બુટની અંદરથી પગના તળિયે દઝાય. પણ એ એક ચસ્કો હતો જે  ચાલુ રહ્યો,  પછી તો  જુનિયર ચેમ્પિયનશિપ, સ્ટેટ લેવલ ચેમ્પિય થયો. ગુજરાત યુનિવર્સીટીને ચારેય વર્ષ મેં કેપ્ટન  તરીકે રિપ્રેઝન્ટ કર્યું. …આજે પણ ૩૬૫ દિવસ હું  ટેનિશ રમ્યા કરું.

મારા જીવનમાં નિરંજન ભગત સાહેબ બહુ આત્મીય સ્થાન જમાવ્યું.ભગત સાહેબને હું સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણતો હતો ત્યારે થોડી ઘણી વાર મળ્યો હતો. મને થયું કે સાહેબ,  તમે બધી વાતો કરો છો,  મારે લંબાણથી સાંભળવું છે તો મને કહે તમે  ઘરે આવો.  મેં કહ્યું ચોક્કસ. પછી બે ત્રણ વાર ઘરે મળ્યા પછી એમને બહુ ફાવી ગયું.. પછી લગભગ ૧૯૮૩ થી એમણે કહ્યું કે હવે મારા માટે શુક્રવાર એ શુક્રવાર નથી એ ‘ચિંતનવાર’ છે, એટલે દર શુક્રવારે અમે નક્કી કર્યું કે સાડા સાત આઠની વચ્ચે મારી ગાડી એમને જલદર્શન ફ્લેટ પર લેવા જાય અને ભગત સાહેબ આવે.  એ વખતે અમારા ઘરનું વાતાવરણ અમે એવું રાખેલું અમે કોઈને નિમંત્રતા નહોતા પણ it was like open house બધાને ખબર કે શુક્રવારે સાહેબ ચિંતનભાઈને ત્યાં હશે અને બેઠક જામી હશે. અને સાહેબનું કેવું કે, ભગત  સાહેબ આવે પછી ખબર પડે કે એમની સાથે કોણ આવ્યું છે તો કોઈ દિવસ બોદલેર આવ્યા હોય, કોઈ દિવસ સાફો આવ્યા હોય અને કોઈ દિવસ મીરા સાહેબની વાણીમાં બેસીને આવે.  મીરા આવ્યા હોય એ પછી જે બોલે તો તમારે ૧૨ વાગ્યા સુધીની તૈયારી રાખવાની. પછી જેમ જેમ આત્મીયતા વધતી ગઈ પછી તો સાહિત્ય ઉપરાંત જાત જાતની વાતો ચાલે. એજ્યુકેશનની વાત નીકળે. કંઈક પોલિટિક્સની વાત નીકળે. કંઈક જુદો બનાવ બન્યો હોય કોન્ટ્રોવર્શિયલ છાપામાં આવ્યું હોય એની વાત નીકળે અને અમારે ત્યાં જે બે ચાર નિયમિત આવતા હોય મિત્રો સાહેબને પણ એમની સાથે બહુ ફાવતું હોય. અને જોરદાર દલીલો થાય અને સાહેબ તો ગુસ્સે થઇ જાય છેલ્લે હસી રમીને છુટા પડવાનું પણ એ અદભુત સમય હતો અને દર શુક્રવારે બધા રાહ જોતા હોય કે હવે સાહેબ આવશે અને પછી શું ટોપિક નીકળે છે જોઈએ.

અમારા બાળકોને પણ મજા આવે.  સાહેબ પેરિસ ગયેલા મહિનો ફરેલા બધે. પછી મેં કહ્યું કે,  સાહેબ અમારે જવું છે તો અમને જરા ગાઈડ કરો,  શેફાલી કહે :  સાહેબ ચાલો તમે જ ચાલો ને અમારી સાથે.. તો સાહેબ કહે,  ચાલો ચોક્કસ આવી જાઉં. એટલે સાહેબ અમારી સાથે ફોરેન પણ આવે અને ફરે અને આખું પેરિસ પગે ચાલતા ખૂંદી વળીએ. અને સાહેબના આંગળીના વેઢે  હોય કે અહીંયા આગળ તો જો પિકાસોનું પ્રાઇવેટ કલેક્શન મ્યુઝિયમ છે,  અહીંયા આગળ રેસ્ટ્રોરેન્ટ છે ત્યાં આગળ ફલાણા ફલાણા ચિત્રકારો ભેગા થતા હતા,  ત્યાં આવા બનાવો બનેલા.. વિદેશમાં ફર્યા, અહીંયા રહ્યા અને જાતજાતના સાહિત્યના સાહેબના અવલોકનો, સાહેબની અન્ડરસ્ટેન્ડિંગ મને લાગે છે કે મીરા વિશેના ભારતના સૌથી મોટા સ્કોલર નિરંજન ભગત હતા. અને નરસિંહ મહેતાનું પણ એટલું જ એમનું અન્ડરસ્ટેન્ડિંગ એટલે એ એમનો વ્યાપ હતો કે મીરા અને નરસિંહ મહેતાથી શરૂ કરી અને સુન્દરમ, ઉમાશંકરથી રાજેન્દ્રશાહ સુધી અને પેલી બાજુ બોદલર સુધી, કાફ્કાથી માંડીને સાફો સુધી એ આખી એની રેન્જ હતી.

છેલ્લા થોડા વર્ષોમાં સાહેબને મેં એક ચસ્કો લગાડેલો. મને  ચલચિત્રોનો બહુ શોખ પણ ચલચિત્રોનો શોખ એટલે વર્લ્ડના જે મોસ્ટ રિનાઉન્ડ ડાયરેકટર્સ હોય એના ચલચિત્રો લાવવા જ પડે.  મારે અને એની રેન્જ ૧૯૨૬ થી શરૂ કરીને ૨૦૨૩ સુધીની હોય એટલે એ વખતે જે હોય એ એમ,, કન્ટેમ્પરરી પણ હોય. એટલે કોરોસોવાથી  શરૂ કરીને અત્યારે મોર્ડન માઈકલ હેનીકે સુધીના એવોર્ડ વિનિંગ લગભગ ૨૪ – ૨૫ ભાષાના ચલચિત્રો હું ભેગો કરતો ગયો અને અત્યારે એ આંકડો લગભગ ૪૦૦૦ એ પહોંચ્યો છે. મારું પ્રાઇવેટ કલેક્શન અને દરેક ચલચિત્ર ઈંગ્લીશ હોય તો પણ નીચે સબટાઈટ્લ હોય. અને સાહેબને મજા આવે. મેં કહ્યું સાહેબ આપણે અઠવાડિયે એક પિક્ચર જોવું. એટલે હું અને સાહેબ ત્યાં આવીએ. બધા ભેગા થઈને એક સિલેક્ટ કર્યું હોય કે સાહેબ આજે આ સરસ છે અને સાહેબ આજે આ સ્વીડિશ મુવી છે, આજે જાપાનીશ મુવી છે, સ્પેનિશ મુવી, ફ્રેન્ચ છે.. એટલે સાહેબની યાદમાં અમે, નિરંજન ભગત મેમોરિયલ ટ્રસ્ટમાં હું ટ્રસ્ટી છું. જેમાં એક આઈડિયા એવો આવ્યો કે અમે એક ‘નિરંજન કાફે’ શરૂ કરીએ, બધા ભેગા થયા હોય. અને બીજી પ્રવૃત્તિમાં  આ ચલચિત્રોનું આપણે ચાલુ રાખવું જોઈએ. એટલે અત્યારે અમદાવાદ યુનિવર્સીટીના ઓડિટોરિયમમાં અમે દર બીજા અને ચોથા શુક્રવારે આ ચિત્રો અમે બતાવી છે. આ ચલચિત્રોના  બહુ જ રસિકો છે એમને ખબર જ  હોય કારણ વર્ષનું કેલેન્ડર બની જાય અને  દર વખતે એક નવું ચલચિત્ર હોય.”

એક જ કામમાં લીન થઈ  જવું એ એકાંત સેવવાની વાત છે.

એક જ કામમાં લીન થઈ જવું એ એકાંત સેવવાની વાત છે.

પરમેશ્વર અવિનાશી છે, પણ તેને આપણે નાશ પામનાર ભૂતોમાં પણ નિહાળવાનો છે.

ભદ્રાયુ વછરાજાની           (51)           bhadrayu2@gmail.com

શ્રીમદ ગીતાના તેરમા અધ્યાય ક્ષેત્રક્ષેત્રજ્ઞયોગ માં વિવિધ વિભાગો તારવીને આપણે તેની સમજૂતી મેળવી રહ્યા છીએ. વિભાગ જ્ઞાનનું ફળ અઢારમો શ્લોક છે, જેમાં ભગવાન કહે છે કે મને ઓળખી રહેશે એનો નિવાસ મારી પાસે થવાનો છે.
વિભાગ પુરુષ અને પ્રકૃતિમાં ઓગણીસ, વીસ અને એકવીસમાં ક્રમના શ્લોકોનો સમાવેશ થાય છે. આપણે જાણવાના છે બે અનાદિને અને તે છે પ્રકૃતિ (જડ ) અને પુરુષ (ચૈતન્ય). આ બંને ઈશ્વરની મોટી શક્તિ છે, કારણ કે આ બંનેમાંથી તો સૃષ્ટિની ઉત્પત્તિ થયેલ છે. પુરુષ બે : ઈશ્વર અને પરમેશ્વર તો પ્રકૃતિ પણ બે : પરા અને અપરા. દેહ રૂપી નગરી એ પ્રકૃતિ અને તેમાં વસનાર એ પુરુષ. પ્રકૃતિ જ કાર્ય અને કારણનો હેતુ કહેવાય છે અને પુરુષ સુખ દુઃખના ભોગનો હેતુ મનાય છે. પુરુષ પ્રકૃતિમાં રહીને પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા ગુણોને ભોગવે છે. આ ગુણો એટલે સત્ત્વ, રજસ અને તમસ.
વિભાગ પરમાત્મામાં બાવીસ અને ત્રેવીસમો શ્લોક સમાવિષ્ટ છે. આપણા દેહની અંદર બીજો પુરુષ એ જીવાત્માથી પર છે અને બીજા પરમ પુરુષને પરમાત્મા કહે છે. જે ભોક્તા છે, ભર્તા છે, મહેશ્વર છે, અનુમંતા છે અને ઉપદ્રષ્ટા પણ છે. શ્રી ભગવાન અહીં અભય વચન ઉચ્ચારતાં કહે છે કે, અગાઉ કહ્યું તેમ પુરુષને તથા ગુણો સાથે રહેનારી પ્રકૃતિને બરાબર જે જાણે છે, તે ગમે તે પ્રકારે રહે, તો પણ તેને પુનર્જન્મ પ્રાપ્ત થતો નથી.
ત્યારબાદ વિભાગ છે આત્મદર્શન અને ઉપાસના જેમાં ચોવીસ, પચ્ચીસ બંને શ્લોકનો સમાવેશ છે. પરમેશ્વર ચોતરફ છે પણ કેટલાક સાધકો જ્ઞાનયોગથી તેને જુએ છે તો કેટલાક સાધકો કર્મયોગથી ઈશ્વરને અનુભવે છે. ભગવાન અહીં અતિ સરળ થઈને કહે છે કે, જેઓ જ્ઞાન કે કર્મનો માર્ગ જાણતા નથી તેઓ અન્ય વિદ્વાનો પાસેથી સાંભળીને ઉપાસના કરે છે અને તેમાં તલ્લીન થનાર પણ મૃત્યુને ઓળંગી જાય છે.
પછી આવે છે સમદર્શનનું ફળ, જેમાં છવ્વીસ, સત્યાવીસ, અઠ્ઠાવીસ એમ ત્રણ શ્લોક આવે છે.અહીં સમદર્શી બનવા માટેની અર્જુનને પ્રેરણા આપે છે. આ જગતની ઉત્પત્તિ જડ અને ચેતન મળવાથી થાય છે. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો સંયોગ જ બધું નિર્માણ કરે છે. પરમેશ્વર અવિનાશી છે પણ તેને આપણે નાશ પામનાર ભૂતોમાં પણ નિહાળવાનો છે. જે સર્વમાં અને સર્વને સમભાવથી ઈશ્વરને જુએ છે, તે સ્વયં પરમ ગતિ મેળવે છે.
અકર્તા આત્મા વિભાગમાં ઓગણત્રીસ અને ત્રીસ બે શ્લોકનો સમાવેશ થાય છે. પ્રકૃતિ દ્વારા જ બધા કામ થાય છે અને આત્મા તો અકર્તા છે તેમ માને છે તે સત્ય જુએ છે. સાધક તરીકે મારે એક જ આધારમાં પ્રાણીઓના ભેદને સ્થિત અને વિસ્તરેલ જોવાનો છે અને તો જ હું બ્રહ્મને પ્રાપ્ત કરીશ.
આત્માની નિર્લેપતા એ એકત્રીસ, બત્રીસ, તેત્રીસ એ ત્રણ શ્લોકનો સમાવેશ કરે છે . કુન્તીપુત્રને ભગવાન યાદ અપાવે છે કે, હું અનાદિ છું, નિર્ગુણ છું અને તેથી અવિનાશી છું. તે શરીરમાં છે છતાં તે કશું કરતો નથી અને કોઈથી લિપ્ત થતો નથી.
પરમપદ-પ્રાપ્તિ એવા વિભાગમાં એક છેલ્લો ચોંત્રીસમો શ્લોક છે. અહીં પરબ્રહ્મને પામવાનો રાજમાર્ગ ફરી નિર્દિષ્ટ કર્યો છે. હે અર્જુન, ક્ષેત્ર અને ક્ષ્રેત્રજ્ઞ એ બે વચ્ચેના ભેદને તથા ભૂત, પ્રકૃતિ અને મોક્ષ આ બધું જ્ઞાન ચક્ષુથી જે જાણે છે એ પ્રમાણે પરમાત્માને જાણી શકે છે અને પરમગતિ પામે છે.
આમ વિભાગવાર શ્લોકોની વહેંચણી અને તેની સમજૂતી એ પૂજ્ય શ્રી રવિશંકર મહારાજની ગીતાજ્ઞાન આપનાવાની એક રીત છે, જેનો આપણે રસાસ્વાદ કર્યો.
શ્રીમદ ભગવદ ગીતાના આ તેરમા અધ્યાયને શ્રી વિનોબાજીએ શીર્ષક આપ્યું છે ‘આત્મા વિવેક.’ આત્મા અને અનાત્મા આ બંને સમજવું અને એનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો એ આ તેરમો અધ્યાય છે, એવું વિનોબાજી કહી રહ્યા છે. શરીર એક ક્ષેત્ર છે અને જે શરીરને સાચવીને જાણી શકે છે એને ક્ષેત્રજ્ઞ કહ્યો. એમનો યોગ કરવા માટેની આ તેરમા અધ્યાયની જે મથામણ છે એમાં ભગવાન સ્પષ્ટ કહે છે કે, જે એક પરમેશ્વર સિવાય બીજો કોઈ નથી એવા અનન્ય ભાવથી મારામાં જોડાયેલો રહે, જેને મારામાં પ્રેમ છે, ભક્તિ છે પણ તે સ્વાર્થવાળી નથી, ‘મારું અમુક કામ થશે તો હું તારા દર્શન કરવા આવીશ’ એવી ભક્તિ નહીં પરંતુ ‘તેં મને તારી ભક્તિ કરવા માટે જ જન્મ આપ્યો છે,’ એવી ભક્તિ ખપે છે. મા છોકરાને ઉછેરે છે, પોષે છે. છોકરાને ખબર નથી કે કોણ દુશ્મન છે અને કોણ મિત્ર એ તો મા કહે તેમ કરે,, તેમ જ ઈશ્વર આપણી મા છે અને એ જેમ કહે છે તેમ આપણે કરવાનું છે એ આપણી ભક્તિ છે.
સેવા કરવાની વાત આવે કે સેવવાની વાત આવે ત્યારે પવિત્ર એકાંત સ્થળની વ્યાખ્યા અહીં આપી છે. એકાંત એટલે બહારનું નહીં પણ માણસના દિલમાં રહેતું એકાંત. એકાંત માટે જંગલમાં જવું જરૂરી નહીં, આપણી પાસે અનેક માણસો બેઠા હોય, ખોટી વાતો કરતા હોય તો તે ન સાંભળવી અને સારી વાત જ સાંભળવી એ એકાંત છે. એક સુંદર દ્રષ્ટાંત ગાંધીજીના જીવનમાંથી શ્રી રવિશંકર મહારાજ ટાંકે છે. મદ્રાસમાં ગાંધીજીનું હજારો લોકો સ્વાગત કરવા આવ્યા હતા. ગાંધીજીને યંગ ઇન્ડિયાનો લેખ લખવાનો બાકી રહી ગયો હતો. ગાંધીજી બહાર આવ્યા અને કહ્યું કે, મારે લેખ લખવાનો બાકી રહી ગયો છે એટલે લખી નાખું છું, એમ કહીને એક બાજુ બેસીને લેખ લખવાનું શરૂ કરી દીધું. મહાદેવભાઈ દેસાઈએ એ લેખ વાંચીને કહ્યું કે, ગાંધીજીએ સુંદર લેખ લખી નાખ્યો હતો. ગાંધીજીએ એ લેખ લખવામાં લીન થવાનું નક્કી કર્યું હતું. લેખ લખવા સિવાય એ સમયે બીજી કોઈ ચીજ એના મનમાં નહોતી. આમ એક જ કામમાં લીન થઇ જવું એ એકાંત સેવવાની વાત છે.
અહીં જનસમૂહમાં ભળવાનો અણગમો એવું પણ આપણને કહ્યું છે, તો આપણને ચેતવ્યા છે. ટોળામાં પ્રેમ ન હોય. ટોળામાં ભળવું હોય તો પણ એકલા એકલા ભળવું. જે ધમાલિયા ટોળાં છે એની સાથે ક્યારેય સબંધ ન રાખવો. આનો ઉપાય શો ? તમે ટોળાને ન સુધારી શકો પણ એ ટોળાથી તમે તો દૂર થઇ શકો ને ? ભગવાન કહે છે કે, નિત્ય હંમેશા અધ્યાત્મ જ્ઞાનનો વિચાર કરવો. તત્વજ્ઞાનનો વિચાર કરવો એ જ જ્ઞાન છે આ બધાથી જે ઉલટું છે તે અજ્ઞાન છે. ગીતા આપણને કહે છે કે, સ્થિર નિષ્ઠા અંગેનું જીવાત્માનું જ્ઞાન એ અધ્યાત્મ. આત્માનું જ્ઞાન એ અધ્યાત્મ. જેને જાણવાથી જીવ અમરપણું પામે તે જ્ઞેય, તે અનાદિ પરમબ્રહ્મ, તેને સત અથવા અસત કઈ કહેવામાં આવતું નથી એવા જ્ઞેયની અહીં વાત કરી છે. અર્જુન, તને જ્ઞાનની વાત તો કરી પણ આ જ્ઞેય શું છે ? જાણવા જેવું છે. જ્ઞેય એટલે જાણવા યોગ્ય વસ્તુ છે તે. તું જ્ઞેય ને જાણીશ તો તને અમૃત મળશે. એને તું જાણતો થઇ ગયો તો અમૃત જાણતો થઇ ગયો. ભગવાન એમ કહે છે કે તે જ્ઞેય આત્મા અવિભક્ત હોવા છતાં પણ ભૂત માત્રમાં વિભક્ત જેમ રહે છે. છૂટો ન પડી શકાય એવો છે, છતાં છૂટો જ હોય, એમ રહે છે. ભગવાન આપણને સીધા રસ્તા બતાવે છે. ક્યાંય ફાંફા મારવાની જરૂર નથી. બધાના હૃદયમાં છે જ તું શોધી કાઢ.

અસ્મિતા વિશેષ સંવાદ : (41) ડૉ.તેજસ પટેલ

અસ્મિતા વિશેષ સંવાદ : (41) ડૉ.તેજસ પટેલ

ભદ્રાયુ વછરાજાની                              bhadrayu2@gmail.com 

જેઓ વિશ્વવિખ્યાત હાર્ટ સર્જન છે અને જેમને બાપા શ્રી પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પર અર્ધી કલાકમાં હૃદયની અઘરામાં અઘરી સર્જરી એનેસ્થેસિયા આપ્યા વગર તેઓની 88 વર્ષની ઉંમરે સહજતાથી કરી તેવા પદ્મશ્રી ડો. તેજસ પટેલ સાથેઓ સંવાદ સ્મરણીય રહ્યો. આવો તેની ઝલક મેળવીએ

“મારા ફાધર ફિઝીશ્યન હતા અને હું પાંચ વર્ષનો હતો ત્યારે મારા મધરનું અકાળે અવસાન થયું, મૃત્યુ થયું ત્યારે હું પાંચ વર્ષનો ને મારી નાની બહેન છ મહિનાની હતી.  મારા ફાધરે ફૂલ ફોક્સ અમારા એજ્યુકેશનમાં આપ્યું. પર્ટીક્યુલરલી મારા એજ્યુકેશનમાં આપ્યું. અને એટલા માટે થઈને એમણે ફરી વખત મેરેજ પણ ના કર્યા ને હું મોસાળમાં મોટો થયો,  મારા નાના નાની અને મામા મામી સાથે. પણ મારું ભણવાનું અને માનસિક રીતે આખું ઘડતર એને મજબૂત બનાવવાનું કામ  મારા ફાધરે કર્યું. MD medicine તરીકે પ્રેક્ટિસ કરતાં હતા અને હું પ્રેક્ટિસમાં ૯૭માં  આવ્યો તે દિવસથી તો બિલકુલ છોડી દીધું,  કારણ કે આધ્યત્મિકતા  તરફ તો ક્યારના વળી ગયેલા હતા. એટલે જે મારો બેઝ મારા ફાધરે બાંધ્યો. કયો. બહુ જ મહેનત કરાવતા હતા અને ઘણી વખત પ્રેશર  લાગે આપણને એ લેવલે,  પણ એ વખતે એમનું એક જ કહેવું હતું કે,  ભાઈ તમે એક જ વસ્તુમાં ચેમ્પિયન થઇ શકો. એક ઉદાહરણ આપું કે નાનપણમાં અમે  ફ્લેટમાં રહેતા હતા મોસાળમાં,  તો મિત્રો સાથે ક્રિકેટ રમતો  હોઉં ને ભૂલમાં આવે ને જુએ, તો બોલાવીને મને ખખડાવતા હતા. મને કહે કે ક્રિકેટ કેમ રમો છો ? ભણો. .. ઈન્ડિયાની ક્રિકેટ ટીમમાં ખાલી ૧૧ જ પ્લેયરો છે. એટલે તું ગેરી સોબર્સ કે સુનિલ ગવાસ્કર કે ડોન બ્રેડમેન થવાનો હોયને તો તું રમ ક્રિકેટ, બાકી આ નહીં ચાલે. આમાં કોઈ સ્કોપ છે નહીં એટલે ભણવા ઉપર ફોકસ કરો અને એવા લેવલે પહોંચો કે,  જેથી તમારે કોઈની પાસે હાથ ફેલાવવાનો ના રહે પણ તમારા કામને લઈને જ દર્દીઓ તમારી પાસે આવે.  ડોક્ટર બનવાનું તો નક્કી જ. અને દસમા ધોરણમાં હું આવ્યો દાસ્મની એક્ઝામ મેં પાસ કરી. એ વખતે ગુજરાતમાં પહેલાં કાર્ડિયોલોજિસ્ટ દિલ્હીથી પાસ થઈને આવ્યા હતા એની એડ આવી હતી તે એ વખતે ભારતમાં ૧૨ – ૧૫ સીટો જ હતી. !!

ભણવામાં સ્કૂલમાં બીજો નંબર આવે તો પણ બીક લાગે કારણ કે એ ધમકાવતા હતા.  અત્યારે પણ મને હસવું આવે છે કે દસમામાં બોર્ડમાં છઠ્ઠો નંબર હતો મારો. એટલે મને તો એમ કે આજે તો બહુ ખુશ થશે તો મને કહે કે આપણો પહેલો કેમ ન આવ્યો,??? ફાઇનલ MBBS માં હું યુનિવર્સીટી ફર્સ્ટ હતો એટલે ૭૨% એટલે જ બહુ જ હાઈ સ્કોર હતો એ જમાનામાં… this is way back  in 1985 ફાઇનલ MBBS એટલે કહે કે આપણા ૭૫% કેમ ન આવ્યા ? so he used to be constantly after being me એટલે એ વખતે મને ખરાબ લાગતું હતું કે કેમ એવું કરે છે?  

જીવનમાં તબીબી પ્રેક્ટિસમાં પણ બહુ પ્રેશર આવે જ. આપને નવાઈ લાગશે મારા ઉપર કેટલું પ્રેશર હશે જયારે પ્રમુખ સ્વામી ઉપર પ્રોસિઝર કરવાની હતી. he was 88 i think અને બહુ જ સિંક થઇ ગયા હતા. પેસમેકર જયારે કરવાનું હતું ત્યારે આખી દુનિયાની નજર હતી. બધા હરિભક્તો અમેરિકા ને એમ જુદા જુદા હતા એ બધા કહે કે અહીંયા લઇ આવો , પણ સ્વામી નું બહુ ચોખ્ખું જ કહેવાનું જ હતું કે,  તેજસ જ કરશે. તેજસ અને ટીમ જ કરશે. બીજું કે એમનામાં એનેસ્થેસિયા પણ અપાઈ એવું હતું નહીં કારણ કે એ ઉંમરે આટલી બધી તકલીફો અને બાયપાસ થઈ  ગયેલું ને ઘણી  બધી માથાકૂટો હતી. એનેસ્થેશિયામાંથી બહાર ન આવે તો શું ? એટલે આ વસ્તુ પણ મેં સ્વામી સાથે ચર્ચા કરી હતી કે,  બહુ જ માથાકૂટ છે આ બધી. હા, એ કહું કે મારા ફાધર બિગ ટાઈમ ડિસાઇપલ અને મને બધા સંતોને ઘણા બધાને હું ટ્રીટ કરું પણ મારે રોજ મંદિરે અવરજવર કે એવું કશું નહીં. હું આધ્યાત્મિક છું પણ હજુ હું એવો ધાર્મિક નથી. કારણ કે ફ્રેન્કલી સ્પીકિંગ કોઈ પણ ફિલ્ડમાં જાઓ અને તમે એને  જસ્ટિસ આપી ના શકો ત્યાં સુધી તમારે એ ફિલ્ડમાં જવાની જરૂર નથી. એ વખતે એમણે કહ્યું કે, મને કશું નહીં થાય, તું તારે કર ને.. અને બધા ટેંશનમાં પણ એક વસ્તુ કહું કે, બાપાએ ક્યારેય  હુંકારો કર્યો નથી.   જે પણ દુઃખ હતું ને એ એમના આત્મા સુધી પહોંચતું જ નહોતું. એમના શરીરને અડીને  નીકળી જતું હોય એવું મને એ વખતે ફીલ થયું. ખરેખર બોડી, માઈન્ડ અને સૉઉલ માટે  himself he is able to separate all these three things,  it was very divine experience, કારણ કે વિશ્વરભરમાંથી અનેક ચાહકો આવ્યા હતા. પ્રેશર કેટલું બધું કે સ્વામીને હૉપ[ઇટાલમાં તો રખાય એમ જ ન હતું. એટલે એમના માટે ICU અને બધું BAPS ટેમ્પલ માં જ તૈયાર કરેલું હતું . પછી સ્વામીને બેસાડીને એમની જે કાર હતી, સ્પેશિયલ કેડીલેગ એમાં બેસાડી દીધા આગળ. સ્વામી ગોગલ્સ પહેરીને બેઠા હતા હું પણ એમની સાથે બેઠો હતો અને ગાડીમાં અમે લોકો અડધો કલાકમાં પાછા ત્યાં લઇ આવ્યા. ઘણા લોકોને એમ થયું કે આ કેવળ તપાસ  કરીને પાછા આવ્યા છે. એટલે પેસમેકરની પ્રક્રિયા સિવાય એમને હોસ્પિટલમાં રાખ્યા જ નથી. એટલે સીધા લાવીને એમના રૂમમાં ડિપ્લોય કાર્ય !! . બે દિવસ પછી અમે ત્યાં રહ્યા. આ તો બહુ રોમાંચક ઘટના છે. એટલે it was quite bit  of risk taking પણ મારે એમની ઈચ્છાને માન આપવું હતું એટલે મેં રિસ્ક લીધું.”

 

શું બહુ બુદ્ધિવાળો હોય, વિદ્વાન હોય, પહોંચેલો હોય એને જ જ્ઞાની કહેવાય ?

શું બહુ બુદ્ધિવાળો હોય, વિદ્વાન હોય, પહોંચેલો હોય એને જ જ્ઞાની કહેવાય ?

આપણી અંદર છે ખેડૂત છે. જેમાં ઉત્પ્ન્ન થાય છે ક્ષેત્ર છે અને ક્ષેત્રને જે જાણે છે તે ક્ષેત્રજ્ઞ છે.

ભદ્રાયુ વછરાજાની                    (50)                     bhadrayu2@gmail.com 

શ્રીમદ ગીતાના ૧૩ માં અધ્યાયમાં ‘ક્ષેત્રક્ષેત્રજ્ઞયોગ’ એવા શીર્ષકથી આપણી સમક્ષ શ્રી ભગવાન ૩૪ શ્લોકોમાં એક વિશિષ્ટ વાત નિરૂપી રહ્યા છે. 

આ અધ્યાયને શ્રી રવિશંકર મહારાજ કેટલાક નાના નાના વિભાગોમાં વહેંચે છે. આ તકે મને એ નોંધતા બહુ આનંદ થાય છે કે શ્રી રવિશંકર મહારાજ દ્વારા લખાયેલા ગીતાબોધવાણી એ મારા તમારા જેવા લોકોને સરળતાથી મગજમાં ઉતરી શકે તેવી રીતે લખાયેલું ભાષ્ય છે અને એનો ઉપયોગ આપણે કરી શકીએ તો એ ઘણું સારું કહેવાય  

ક્ષેત્રક્ષેત્રજ્ઞવિચાર આ પહેલા ક્ષેત્રમાં પહેલા બે શ્લોકનો સમાવેશ છે. અહીં વાત ક્ષેત્રની છે. બીજી વાત ક્ષેત્રજ્ઞની છે અને ત્રીજી વાત એ બંનેના યોગની છે. ક્ષેત્ર એટલે કે શરીર. ક્ષેત્ર એટલે ખેતર, ખેતર એટલે જેમાં વાવીએ એ,  ઊગે જેવું વાવીએ તેવું ઊગે અને પછી એ આપણે ભોગવવું પડે.  આપણી અંદર છે એ ખેડૂત છે. જેમાં ઉત્પ્ન્ન થાય છે એ ક્ષેત્ર છે અને આ ક્ષેત્રને જે જાણે છે તે ક્ષેત્રજ્ઞ છે આવી ચોખ્ખી અને સાદી વાત પહેલા શ્લોકમાં શ્રી ભગવાન કહે છે. હે ભારત ક્ષેત્રજ્ઞ એ કોણ એવો પ્રશ્ન થાય તો એના જવાબરૂપે સુંદર રીતે આપણને કહેવામાં આવ્યું કે સર્વક્ષેત્રોમાં બધા શરીરોમાં જે ચૈતન્ય છે એને તું ક્ષેત્રજ્ઞ જાણજે, જેને ક્ષેત્રજ્ઞ કહે છે તે હું પોતે છું માટે મેં ઓળખ. આ બધું મારાથી થાય છે. મારો અંશ તેમાં રહેલો છે તેનો મલિક હું છું. શરીર અને માલિકને ઓળખી જાય એનાથી કોઈ દિવસ પાપ ન થાય. આ બંનેને પુરેપુરા ઓળખી લે તેને જ્ઞાન કહેવામાં આવે. શરીરને સાચવવું જોઈએ શા માટે ? કારણકે કામ કરવા માટે એની જરૂર પડવાની છે અને કામ કરી શકે એટલે સાચવી રાખવું જોઈએ. શરીરને સાચવવું પડે એટલે શું ? જમવું પડે પણ શું ખાવું, શું ન ખાવું, કોની પાસે જમવું, કોની પાસે ન જમવું, એને કામ સોંપવું હોય તો કયું સોંપવું, કયું ન સોંપવું આ બધી બાબતો જે છે એને જાણે છે તેને યોગી કહ્યો છે.

ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો પ્રભાવ જેમાં ત્રીજો અને ચોથો શ્લોક સમાયો છે. શરીર એક ક્ષેત્ર છે, પણ એ કેવું ક્ષેત્ર છે, ક્ષેત્ર એ કેવા વિકારવાળું છે, એનો પ્રભાવ શું છે, એની તાકાત કેટલી છે આ બધી જ બાબતોનું વર્ણન ભગવાન અહીં કરે છે. આખા શરીરની ઉત્પત્તિ, એના વિકારો અને શરીરના રહસ્યની વાતો હે અર્જુન, હું તને ટૂંકમાં કહું છું. વિકાર એટલે ફેરફાર. દૂધમાં દહીં છે એની ખબર નથી, દૂધમાં દહીં ભેળવવા થોડું નાખવાથી દૂધનું દહીં થાય જેને આપણે મેળવણ કહીએ છે. દહીંમાં માખણ છે અને ઘી પણ છે, એની ખબર નથી પરંતુ એને વલોવી નાખીએ એટલે માખણ થાય અને પછી એને બરાબર તાવીએ એટલે ઘી નીકળે તો એનો અર્થ એવો કે દૂધમાંથી દહીં, ઘી, માખણ થાય એ હકીકતમાં તો વિકાર કહેવાય. દૂધમાં થયેલો વિકાર. એક સુંદર ઉદાહરણ બહુ ટૂંકમાં નોંધીએ તો મુંબઈમાં એક પારસી સ્ત્રી હતી. એમના નોકરે દહીંમાંથી ઘી બનાવ્યું એ જાણીને તો એ ખુશ ખુશ થઇ ગઈ ! એ બધાને કહેવા લાગી કે, મારા નોકરે ઘી બનાવ્યું. એ બહેનને ખબર નહોતી કે, આ ઘી નોકરે બનાવ્યું નથી. ઘી દૂધમાં હતું જ, માખણ દૂધમાં હતું જ, દહીં દૂધમાં હતું જ, એમ આ ક્ષેત્રમાં ઘણા વિકાર છે. એમ જ આપણું શરીર વિકારવાળું છે. 

ક્ષેત્રનું સ્વરૂપ  જેમાં પાંચમો અને છઠ્ઠો શ્લોક આવે છે . જુદા જુદા પદોમાં તો દ્રષ્ટાંતો અને નિશ્ચિત દલીલો આપીને એનું વર્ણન થયું છે,… છતાં ભગવાન કહે છે કે,  હું તને શરીર વિષે પહેલા થોડી વાતો કરું. પાંચ મહાભૂત છે પૃથ્વી, આકાશ, વાયુ, જળ(પાણી) અને પ્રકાશ (તેજ). હવે પ્રશ્ન થાય કે આ પંચમહાભૂત શેમાંથી બન્યા ? પરા પ્રકૃતિમાંથી તે ઉત્પન્ન થયા અને એમાંથી  અહંકાર થયો. આ પાંચ મહાભુતો અને દસ ઇન્દ્રિયોને અહંકાર પોષણ પૂરું પાડી રહ્યો છે. દસ ઇન્દ્રિયો અને પાંચ મહાભૂત અને એના પાંચ વિષયો શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ એ બધા મળીને વીસ થાય. હવે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એમ ઉમેરીએ તો ચોવીસ થાય. ઇન્દ્રિયોને ચાલવાનો પણ એક માર્ગ હોય છે જેને ગોચર કહેવામાં આવે છે. જીભને ચાખવાનો રસ્તો, નાકને સૂંઘવાનો રસ્તો, કાનને સાંભળવાનો રસ્તો, આંખને જોવાનો રસ્તો, ચામડીને અડવાનો રસ્તો આ બધા રસ્તામાંથી વિકાર ઉત્પન્ન થાય, ઈચ્છા, દ્વેષ, સુખ, ધૃતિ, સંઘાત અને ચેતન શક્તિ આ વિકારો એમાંથી ઉત્પન્ન થાય છે. શ્રી રવિશંકર મહારાજે સરસ કહ્યું છે કે, ઇન્દ્રિયો આપણા શરીરમાં ઈંદ્રિયોરૂપી ગોખલા  છે, એમાં બહારથી આવેલા વિકારો ભરાય જાય એટલે આ ક્ષેત્ર વિકારવાળું કહેવાય. 

જ્ઞાનનું સ્વરૂપ જેમાં સાત થી સત્તર  શ્લોકોનો સમાવેશ થાય છે. જ્ઞાન તો અદ્રશ્ય છે તો જ્ઞાનને જાણીશું કઈ રીતે ? શરીરને ચલાવવું છે તો ચલાવવા માટે જ્ઞાન જોશે. બધામાં જ્ઞાન તો હોય છે,  હવે જ્ઞાનની વ્યાખ્યા શી ? જ્ઞાન તો અદ્રશ્ય વસ્તુ છે પણ જ્ઞાનીનાં લક્ષણ પરથી એમ કહી શકાય કે, આને જ્ઞાન કહેવાય. મને ઘરમાં સંજવાળી કાઢતા કોઈ જોઈને કહી શકે કે મને ઘરમાં સંજવાળી કાઢવાનું જ્ઞાન છે. શું એવું છે કે બહુ બુદ્ધિવાળો હોય, વિદ્વાન હોય, પહોંચેલો હોય એને જ જ્ઞાની કહેવાય ?  ના ના એવું કશું નથી. જ્ઞાન સાચવવાના કેટલાક સાધનો છે. અને જ્ઞાન પ્રાપ્તિના કેટલાક સાધનો છે. જ્ઞાનના  લક્ષણો અહીં શ્લોક સાત થી અગિયારમાં  દર્શાવ્યા છે અને જ્ઞાનીનાં વીસ લક્ષણો  પણ અહીં આપણી સમક્ષ ભગવાને મૂકી આપ્યા છે. સમજવા જેવી વાત એ છે કે કેટલાક શબ્દો જ આપણને લક્ષણોની સમજ આપે છે. દા.ત. શ્રેષ્ટતાના અભિમાનનો અભાવ (અમાનીપણું), દંભાચરણનો  અભાવ (અદંભીપણું), પ્રાણી માત્રને કોઈપણ રીતે ન સતાવવું (અહિંસા), ક્ષમાભાવ, મનની વાણીની સરળતા, શ્રદ્ધા ભક્તિ સહિત ગુરુદેવની સેવા, બહાર ભીતરની શુદ્ધિ, અંત:કરણની સ્થિરતા અને મન તથા ઇન્દ્રિયો સહિત  શરીરનો નિગ્રહ …આ થયા જ્ઞાનના મૂળભૂત લક્ષણો. વળી, ઈદ્રિયોના વિષયમાં વૈરાગ્ય, અહંકાર ન કરવો, જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિમાં દુઃખ કે દોષોનો વિચાર ન કરવો, અનાસક્તિ, સ્ત્રી-પુરુષમાં મમતા ન રાખવી, પ્રિય અને અપ્રિય બાબતોમાં સમભાવ રાખવો, ઈશ્વર પ્રતિ અનન્ય ભાવથી અટલ ભક્તિ, એકાંત દેશનું સેવન, જન  સમૂહમાં જવાની અરુચિ, નિત્ય અધ્યાત્મજ્ઞાનનો અને તત્ત્વજ્ઞાનનો વિચાર કરવો …આ સઘળું જ્ઞાન છે અને આનાથી ઉલટું અજ્ઞાન છે. શ્રી ભગવાન કહે છે કે, જેને જાણવાથી અમરપણું પામી શકાય  છે તે જ્ઞેય  હું તને કહી રહ્યો છું. તે જ અનાદિ પરબ્રહ્મ છે. તે બધે વ્યાપી  રહેલ છે. તેનામાં  બધી ઇન્દ્રિયોનો આભાસ છે,  છતાં તે ઇન્દ્રિયો રહિત છે. તે ગુણ  રહિત છે,  છતાં ગુણોનો ભોક્તા છે. આ કેવી રીતે શક્ય બને ? તેવો પ્રશ્ન આપણને થાય તે સ્વાભાવિક છે. યાદ કરો તે વેદનો મંત્ર : પૂર્ણ મદ: પૂર્ણ મિદં … પૂર્ણ છે ને પૂર્ણ છે. પૂર્ણમાંથી પૂર્ણ કાઢી લઈએ તો શેષ રહેલું પણ પૂર્ણ હોય છે.” અરે ઉપનિષદમાં પણ એક મંત્રનો અર્થ એવો થાય છે કે, કેટલાક ખુબ દોડે છે પણ બેઠેલો છે, છતાં દોડનારથી આગળ છે

બસ એમ જ અહીં અન્યોન્યથી વિપરિત દ્વન્દ્વો છે. તે ભૂતોની અંદર પણ છે અને બહાર પણ છે, તે સ્થિર છે અને તે ચલિત પણ છે, તે દૂર છે ને તે પાસે પણ છે. આ જ્ઞેય  આત્મા અવિભક્ત છે,  છતાં વિભક્ત જેમ ભૂત માત્ર માં રહે છે. અને સત્તરમાં  શ્લોકમાં તો સ્પષ્ટ કહે છે કે, તે જ્યોતિઓની જ્યોતિ છે, તે અંધકારથી પર છે, તે જ્ઞાન છે, તે જાણવા યોગ્ય છે , તે બધાના હૃદયમાં રહે છે

એકાગ્રતાથી સમગ્રતા સુધીની યાત્રા !

એકાગ્રતાથી સમગ્રતા સુધીની યાત્રા !

બારમા અધ્યાયને અંતે ભગવાન કહે છે: હે અર્જુન, તું સગુણ થા કે નિર્ગુણ થા પણ ભક્ત થા એટલે થયું. કોરો પથ્થર જેવો રહીશ માં

ભદ્રાયુ વછરાજાની                                        bhadrayu2@gmail.com 

આપણે શ્રીમદ ભગવદ ગીતાના છાસઠ ટકા ભાગની સમજ મેળવવાનો પ્રયત્ન કરેલ છે. આવો, આપણે વિનોબાજીની દ્રષ્ટિએ અધ્યાય સાતથી અધ્યાય બાર સુધીનું વિહંગાવલોકન કરી લઈએ

અધ્યાય સાત : 

   આત્મા અને દેહ, પરા અને અપરા પ્રકૃતિ બધે જ એક જ છે. આમ હોવા છતાં

માણસ મોહમાં પડે છે. વાનગીઓ જોઈ આપણે વિવિધ પ્રકારના વિરોધી તેમ

જ સારા નરસા ભાવ અનુભવીએ છીએ. એ ભાવોની પાર જઈ સાચી શાંતિ

અનુભવવી હોય તો વાનગીઓના બનાવનારને પકડવો જોઈએ, તેને

ઓળખવો જોઈએ. તે ઓળખાણ થાય તો જ ભેદજનક, આસક્તિજનક મોહ

ટાળવાનું બની શકે.

ભક્તિ સાર્વભૌમ ઉપાય છે. દિલની ઊંડી લાગણી વગર કરેલા કર્મની તુષ્ટિપુષ્ટિ

થતી નથી. સાચા આનંદનો પત્તો લાગ્યો નથી તેથી માણસ પડછાયાથી ભૂલીને

તેની પાછળ પડ્યો છે. સાચું સ્વરૂપ તમે જો સમજશો, તેનો આનંદ એકવાર

ચાખશો એટલે પછી બીજું બધું ફિકું લાગશે. એ ખરા આનંદને શોધી કાઢવાનો

ઉત્તમ માર્ગ ભક્તિ છે. એ રસ્તે આગળ જતાં જતાં પરમેશ્વરી કુશળતા સમજાશે.

ભગવાને ભક્તના ત્રણ પ્રકાર કહ્યા છે: (૧) સકામ ભક્તિ કરનારો (૨) નિષ્કામ

પણ એકાંગી ભક્તિ કરનારો (૩) જ્ઞાની એટલે સંપૂર્ણ ભક્તિ કરનારો.

નિષ્કામ પણ એકાંગી ભક્તિ કરનારમાં ત્રણ પ્રકાર છે. (૧) આર્ત (૨) જિજ્ઞાસુ (૩) અર્થાર્થી..કંઈક ઈચ્છા મનમાં રાખીને પરમેશ્વર પાસે જનાર સકામ ભક્ત છે. આર્ત (નિષ્કામ) ભક્ત એટલે ભીનાશ જોનારો, ઈશ્વરને માટે રડનારો, વિહવળ થનારો. તે કર્મ મારફતે ઈશ્વર પાસે પહોંચે છે. જિજ્ઞાસુ (નિષ્કામ) ભક્તની પાસે અદમ્ય જિજ્ઞાસા હોય, હરેક વસ્તુના ગુણધર્મની ખોજ હોય. તે હૃદય મારફતે ઈશ્વર પાસે પહોંચે છે. અર્થાર્થી (નિષ્કામ) ભક્ત હરેકેહરેક વાતમાં હિત અને કલ્યાણ જ શોધ્યા કરે છે. તે બુદ્ધિ મારફતે ઈશ્વર પાસે પહોંચશે. જ્ઞાની ભક્ત એ જ પૂર્ણ ભક્ત. એ ભક્તને જે દેખાશે તે બધુંયે ઈશ્વરનું સ્વરૂપ જ હશે. કુરૂપ-સુરૂપ, રાય-રંક, સ્ત્રી-પુરુષ, પશુ-પક્ષી બધામાં તેને પરમાત્માનું પાવન દર્શન થાય છે. એક પરમાત્મા જે સર્વત્ર રમી રહ્યો છે તેનો જ અભ્યાસ કરતાં કરતાં જ્ઞાની ભક્ત એ પરમાત્મામાં ભળી જાય છે.

 અધ્યાય આઠ 

જીવન એટલે સંસ્કારસંચય ! સંસ્કાર સારા-નરસા હોય છે અને બંનેની       માણસના જીવન પર અસર થયેલી હોય છે. જે વિચાર મરણ વખતે સ્પષ્ટ તેમજ ઊંડો ઠસી ગયેલો હોય તે જ વિચાર પછીના જન્મમાં સૌથી જોરદાર ઠરે છે.

મરણનું સ્મરણ માણસ ટાળતો ફરે છે. પણ મૃત્યુ ટળે છે ખરું કે ?? મૃત્યુને ટાળવાની ગમે તેટલી તરકીબો કરો તો પણ મરણનું જોર એટલું બધું હોય છે કે તે આપણને પકડી પાડ્યા વગર રહેતું નથી. જે વાતનું રટણ રાતદિવસ ચાલતું હોય તે અંતઘડીએ સાથે રહે. 

હું આંખ પવિત્ર રાખીશ, કાન નિંદા સાંભળશે નહીં, સારું જ બોલીશ, એવી હંમેશ મેહનત કરતા રહો. આવી સાવધાની રાખશો તો છેવટની ક્ષણે ધાર્યો દાવ પડશે અને આપણે જીવનના તેમ જ મરણના સ્વામી થઈશું. 

સંસ્કાર આવે ને જાય તેનો શો ઉપયોગ ? સંસ્કારનો પવિત્ર પ્રવાહ જીવનમાં વહેતો રહેશે તો જ છેવટે મરણ મહાઆનંદનો ભંડાર છે તેવો અનુભવ થશે.

 નિરાશ થવું એટલે નાસ્તિક થવું. જીવનની કળા ખુદ પરમેશ્વર આપણને શીખવી રહેલ છે. ઉત્તરાયણનું હોવું એટલે હૃદયમાં આસક્તિનાં વાદળ ન હોવાં. નામસ્મરણ તત્ત્વનું સ્મરણ ફરી ફરીને કરતા રહેવું જોઈએ.

અધ્યાય : નવ

હરિનામ નો અપૂર્વ મહિમા નવમાં અધ્યાયમાં કહેલો છે. આખા મહાભારતની મધ્યમાં ગીતા અને ગીતાની મધ્યમાં નવમો અધ્યાય છે. મૃત્યુલોકના જીવનમાંની મીઠાશનો પ્રત્યક્ષ અનુભવ કરાવનારી રાજવિદ્યા આ અધ્યાયમાં છે. એ રાજવિદ્યા ગૂઢ છે, પણ ભગવાન સૌ કોઈને સુલભ અને ખુલ્લી કરી આપે છે. જે ધર્મનો ગીતા સાર છે તેને વૈદિક ધર્મ કહે છે. 

વૈદિક ધર્મ એટલે વેદમાંથી નીકળેલો ધર્મ. જેનું જે સાદું જીવન, જે સ્વધર્મકર્મ, તેને જ યજ્ઞમય કરીએ તો ?  આપણું રોજનું સાદું જે સેવાકર્મ છે તેને જ યજ્ઞરૂપ કરીએ. “તું એટલું જ કર કે જે કાંઈ કરે તે પરમેશ્વરને અર્પણ કર. તારી હરેક કૃતિનો સંબંધ તેની સાથે જોડી દે…” નવમો અધ્યાય એવું કહે છે. ટૂંકમાં, બધાંય કૃત્યોનો સંબંધ પરમેશ્વરની સાથે જોડવો. કર્મ શુદ્ધભાવના થી કરેલું અને સેવા નું હોય તો તે યજ્ઞરૂપ જ છે.

નવમાં અધ્યાયમાં કર્મયોગ અને ભક્તિયોગનો મધુર મેળાપ છે. કર્મયોગ એટલે ઝાડ રોપવું ને તેના ફળની અપેક્ષા ન રાખવી તે. ભાવપૂર્વક ઈશ્વર સાથે જોડાવું તેનું નામ ભક્તિયોગ. રાજયોગ એટલે કર્મયોગ અને ભક્તિયોગનું મધુરું મિશ્રણ. કર્મ કરવાનું ખરું પણ ફળ ફેંકી ન દેતાં તે ઈશ્વરને અર્પણ કરવાનું છે. ફળનો વિનિયોગ ચિત્તશુદ્ધિ કરવાને માટે યોજવો. 

ઈન્દ્રિયો પણ સાધન છે, તેમને ઈશ્વરને અર્પણ કરો. ઈન્દ્રિયોમાં ઘણું સામર્થ્ય છે તેથી હરેક ઈન્દ્રિય ઇશ્વરાર્પણ બુદ્ધિથી વાપરવી એ રાજમાર્ગ છે. દરેક ક્રિયા ઈશ્વરની સાથે જોડી દેતાંની સાથે જીવનમાં એકદમ અદભુત શક્તિ આવી વસે છે. પછી હરેક ક્રિયા વિશુદ્ધ થવા માંડશે. જેવી આપણી દૃષ્ટિ તેવું સૃષ્ટિનું રૂપ. એટલા માટે સૃષ્ટિ સારી છે, પવિત્ર છે એવી કલ્પના કરો. સાદી ક્રિયામાં પણ એ ભાવના રેડો, પછી કેવો ચમત્કાર થાય છે તે જોવા મળશે.

શ્રી કૃષ્ણના ધ્યાનની આગળ સ્વર્ગની જરા સરખીયે કિંમત નથી. ઈશ્વરનો મસાલો દરેક ક્રિયામાં ઉમેરો એટલે બધું યે રુચિકર અને સુંદર બનશે. છોકરાંઓ એટલે પ્રભુની મૂર્તિ. છોકરાં પણ ઈશ્વર અને ગુરુ પણ ઈશ્વર. ગુરુની સેવા કરવાથી જ્ઞાન પામીએ છીએ એવી છોકરાંઓ ની કલ્પના એકવાર થાય તો પછી તે કેવી રીતે વર્તશે ?? 

સર્વે કર્મોનું નૈવેદ્ય પ્રભુને અર્પણ કરવાનું છે, એ ભાવના ઉત્તરોત્તર વધારે ને વધારે ઉત્કટ કરતા જઈશું એટલે ક્ષુદ્ર જીવન દિવ્ય બનશે, મલિન જીવન સુંદર થશે. ઈશ્વરને જે કર્મ અર્પણ થયું તે વવાયું જાણવું.

અધ્યાય :દસ 

દસમા અધ્યાયમાં ઇશ્વરાર્પણયોગ કેમ સાધવો, તેને કેવી રીતે સહેલો બનાવવો તેનું દર્શન છે અને તે નીચેના મુદ્દામાં સ્પષ્ટ દર્શાવેલ છે:

અ) બાલબોધ રીત: પહેલાં મોટા મોટા અક્ષર કાઢો અને પછી તે જ નાના કાઢીને શીખવું. ‘ક’ તેનો તે જ, પણ પહેલાં તે મોટો ને પછી તે જ નાનો. પહેલાં ગૂંચવણ વગરના સાદા અક્ષરો શીખવા ને પછી ગૂંચવણભર્યા જોડાક્ષરો. 

બ) માણસમાં રહેલો પરમેશ્વર જુઓ. પહેલાં તો મા, પછી બાપ, પછી ગુરુ અને પછી સંતો..આ ક્રમમાં સ્વીકાર કરતાં જઈએ એટલે પરમેશ્વર તરત દર્શનીય.

વિનોબાજીએ આપણને  સૃષ્ટિમાં રહેલ પરમેશ્વરના દર્શન કરાવ્યાં :ü  પેલી ઉષા, સૂર્યોદયની આગળ પ્રગટ થનારી દિવ્ય પ્રભા છે. ü  સૂર્ય સ્થાવર જંગમનો આત્મા છે, ચરાચરનો આધાર છે. ü  પાવની ગંગા પરમેશ્વરની સાક્ષાત વહેતી કરુણા છે. ü  વાયરા એટલે પવનો ભગવાનના દૂત છે. ü  અગ્નિ એ નારાયણ છે. કેવો હૂંફાળો ! કેવો તેજસ્વી !

વિનોબાજી આપણને પ્રાણીઓમાં રહેલા પરમેશ્વરનાં પણ દર્શન  કરાવે છે : ü  વત્સલ ગાયને રૂપે ભગવાન આંગણામાં જ ઉભા છે. ü  ઘોડો, કેટલો ઉમદા, કેટલો પ્રામાણિક અને ધણીને કેટલો વફાદાર છે ! ü  સિંહ તો ભગવાનની દિવ્ય વિભૂતિ છે. ü  વાઘમાં ઈશ્વરી તેજ પ્રગટ્યું છે. આમ, આપણે સર્વે જીવોમાં ઈશ્વર જ નિહાળવાનો છે.

વિશ્વમાંની અનંત વસ્તુઓમાં રહેલા પરમાત્માને કેવી રીતે ઓળખવો.

આ જે વિરાટ પ્રદર્શન આંખે દેખાય છે તેને કેમ પચાવી પોતાનું કરવું. પહેલાં સહેજે વરતાઈ આવે એવો મોટો ને પછી નાનો, પહેલાં સાદો ને પછી ભેગવાળો, એમ સર્વ વસ્તુઓમાં રહેલાં પરમાત્માને જોવો, તેનો સાક્ષાત્કાર કરવો, રાત ને દિવસ અભ્યાસ જારી રાખી આખાય વિશ્વને આત્મરૂપ જોતાં શીખવું. વિનોબાજીએ આપણને પ્રાણીઓમાં રહેલા પરમેશ્વરનાં પણ દર્શન કરાવ્યાં :: સર્પમાં,,વાનરમાં,, મોરમાં,, કોકિલમાં,, કાગડામાં,, અને છેવટે દુષ્મનમાં પણ,,,!!

આમ, આપણે તો સર્વે જીવોમાં ઈશ્વર જ નિહાળવાનો છે.

અધ્યાય :અગિયાર 

આ અધ્યાયમાં ભગવાને પ્રત્યક્ષ પોતાનું રૂપ બતાવી અર્જુન પર પરમ કૃપા પ્રગટ કરી છે. 

આ જે અનંત સૃષ્ટિ ઉપર, નીચે, સર્વત્ર ફેલાયેલી છે તેનો નાનો સરખો ટુકડો તે આ જગત છે. આ વિશાળ સૃષ્ટિ એ પરમેશ્વરી સ્વરૂપની એક બાજુ થઈ. બીજી બાજુ તે છે કાળની બાજુ. મહાકાળ નદી એકધારી વહ્યા કરે છે. તેના ઉગમની ખબર પડતી નથી, અંતની ખબર પડતી નથી. વચગાળાનો થોડો સરખો પ્રવાહ માત્ર નજરે પડે છે. 

ત્રણ કાળમાં અને ત્રણ ય સ્થળમાં સર્વત્ર ભરેલો વિરાટ પરમેશ્વર એકદમ એકી વખતે જોવાનો મળે ને પરમેશ્વરનું તે રૂપમાં દર્શન થાય એવી અર્જુનને ઈચ્છા થઈ છે. એ ઇચ્છામાંથી આ અગિયારમો અધ્યાય પ્રગટ થયો છે. 

જગત જેવું છે તેવું જ મંગળ છે. કાળસ્થલાત્મક જગત આખુંય એક ઠેકાણે લાવવાની જરૂર નથી. સારાંશ, ત્રણેય કાળ આપણી સામે ઊભા નથી તે સારું છે. આપણે તો ઈશ્વરના હાથમાંનું હથિયાર બનવાનું છે એ જ વિચારમાં ધ્યાન પરોવવાનું છે.

અધ્યાય : બાર 

અધ્યાય છ થી અધ્યાય અગિયાર એ એકાગ્રતાથી સમગ્રતા સુધીની યાત્રા છે.

સગુણ ઉપાસક અને નિર્ગુણ ઉપાસક એ એક જ માના બે દીકરા છે. સગુણ ભક્ત અને નિર્ગુણ ભક્ત બંને અક્ષરશઃ એકરૂપ છે. બંનેની યોગ્યતા સરખી છે. તેમની સરખામણી કરવી એ મર્યાદાનું ઉલ્લંઘન કરવા જેવું છે. 

સગુણ ભક્ત ઇન્દ્રિય દ્વારા પરમેશ્વરની સેવા કરે છે તો નિર્ગુણ ભક્ત મનથી વિશ્વનું હિત ચિંતવે છે. સગુણ ઉપાસકને સારુ ઇન્દ્રિયો સાધનરૂપ છે, પણ નિર્ગુણોપાસકને ઇન્દ્રિયો વિઘ્નરૂપ લાગે છે. ટૂંકમાં, બન્ને રીત ઇન્દ્રિયનિગ્રહની છે. ધ્યેય એક જ છે કે ઇન્દ્રિયને તાબામાં રાખો. 

સગુણ પૂજા સહેલી છે. નિર્ગુણ પૂજા અઘરી છે. બાકી બન્નેનો અર્થ એક જ છે. નિર્ગુણ જ્ઞાનમય છે ને સગુણ પ્રેમમય-ભાવનામય છે. સગુણ ભક્તિ સુલભ છે. એમાં પરમેશ્વરાવલંબન છે.  નિર્ગુણમાં સ્વાવલંબન છે. 

ભક્તિની અંદરથી જ્ઞાન પેદા થવું જોઈએ. ભક્તિની વેલને જ્ઞાનનાં ફૂલ બેસવા જોઈએ. ભગવાન બુદ્ધે ત્રણ પ્રકારની નિષ્ઠા કહી: (૧) વ્યક્તિનિષ્ઠા (૨) તત્ત્વનિષ્ઠા (૩) સંઘનિષ્ઠા. 

નિર્ગુણ ભક્તિ કરનાર ભરતે પણ પાદુકાનો આશરો લીધો !!  ઈશ્વરનું કામ કરતાં કરતાં સંયમી જીવન ગાળવું એ બહુ દુર્લભ વસ્તુ છે. ભરતની આ વૃત્તિ નિર્ગુણ કાર્ય કરતા રહેવાની હતી. છતાં સગુણનો આધાર ત્યાં તૂટી ગયો નથી. સગુણ અને નિર્ગુણ, કર્મ અને પ્રીતિ, જ્ઞાન અને ભક્તિ, એ બધી વસ્તુઓ એકરૂપ છે. બન્નેનો અંતિમ અનુભવ એક જ છે. ટૂંકમાં, સગુણને નિર્ગુણમાં જવું પડે છે, નિર્ગુણને સગુણમાં આવવું પડે છે. એકબીજાથી એકબીજામાં પરિપૂર્ણતા આવે છે. પથ્થરમાં ઈશ્વરને જોવો એ એક રીતે જોઈએ તો નિર્ગુણની પરાકાષ્ઠા છે. સંત, માબાપ, પડોશી એ બધામાં ઈશ્વરને માનવાનું સહેલું છે. છેવટે ભગવાન કહે છે: હે અર્જુન, તું સગુણ થા કે નિર્ગુણ થા પણ ભક્ત થા એટલે થયું. કોરો પથ્થર જેવો રહીશ માં .

અસ્મિતા વિશેષ : 40 : શ્રી રાહુલ શુક્લ

અસ્મિતા વિશેષ : 40 : શ્રી રાહુલ શુક્લ

ભદ્રાયુ વછરાજાની                                  bhadrayu2@gmail.com 

અસ્મિતા વિશેષ સંવાદ દરમ્યાન એવા નોખાં અનોખાં વ્યક્તિત્વોને મળવાનું થાય છે કે આપણે સર્જનહાર ઉપર વારી જવાનું મન થાય. શ્રી રાહુલ શુક્લ સાથેના હળવા અને છતાં માર્મિક સંવાદમાંથી તો જીવનના કેટકેટલાય આયામો સામેના પડળ ખુલી ગયા. એક વ્યક્તિ પોતાના વતન માટે માતૃભૂમિ માટે હૃદયથી કેટલો ભાવુક હોય છે !! રાહુલ શુક્લની વાતોમાં નિજી મૂલ્ય વ્યવસ્થાનો રણકો સાંભળવા મળ્યો. આવો, તેમના જ કેટલાક શબ્દોને સાંભળીએ…

“..હું અમેરિકા ભણવા ગયો તો ૧૪૦૦ ડોલર ની લોન લઈને ગયો હતો. મારા ફાધર બહુ જ ઇન્ટરએકચ્યુઅલ વ્યક્તિ પણ પૈસા કમાવાનું  એમને ક્યારેય સારું આવડ્યું નહીં. તો પૈસા તો હતા નહીં પણ એમની ખુબ ઈચ્છા કે હું પરદેશ જઈને ભણું. ભણવા કરતા એ કહે કે તું દુનિયાને જો અને દુનિયાને સમજ. તો પછી ૧૪૦૦ ડોલર ની લોન લઈને હું અમેરિકા ગયો. અને કારમી ગરીબી કારણ કે કોલેજની ફી એ બધું ભરો પછી ૧૪૦૦ ડોલર પછી કંઈ  હતું નહીં એટલે મેં જાતજાતની નોકરીઓ કરી. સિક્યુરિટી ગાર્ડ એટલે કે પગી અને વેઈટર અને ડ્રાઇવર અને એવું બધું… તો આના લીધે થયું શું કે મને અત્યારે પણ દરેક વ્યક્તિ અને દરેક પ્રોફેશન  માટે માન છે. હું કોઈ દિવસ એવું નથી વિચારતો,  હું ફિલ્મ જોવા જાઉં  અને પેલો ગેટકીપર ટિકિટ ફાડતો હોય  તો હું એને કહું,  તેં  બહુ સરસ રીતે ટિકિટ ફાડી . કારણકે એને મન તો એમાં જ એને ગૌરવ લેવાનું છે ને. એટલે મેં જે જે કામ કર્યાં .. મને છે ને તમે કોઈ પણ કામ આપો, મને એ ગમતું હોય કે ન ગમતું હોય હું આનંદથી કરું. તમે મને કહો કે અહીંયા સંજવારી કાઢી નાખ, તો હું કિશોરકુમારના ગીત ગાતા ગાતા તાલબદ્ધ રીતે સંજવારી કાઢું… નખરે વાલી… એમ કરીને એટલે એને લીધે જે જિંદગીમાં આ સફળતા પણ વધારે  છે. જયારે તમે કોઈ ન ગમતું કામ મોઢું ચડાવીને કરો તો.. તમે મારા મધર એમ કહેતા કે. રોતા જાય એ મૂઆના સમાચાર લઈને આવે. એટલે હું હંમેશા આનંદથી રહ્યો ને આવી કેટલીય નોકરી કરી. એક વાર મેં સમર જોબ લીધો હતો અમેરિકામાં ભણતો હતો ત્યારે. મારા ગામથી બે સ્ટેશન દૂર ટ્રેન લઈને જવાનું સવારે ૬.૨૦ ની ટ્રેન હતી એટલે ટિકિટબારી બંધ હોય પણ પેલો ટ્રેનનો અંદરનો જે કંડકટર હોય એ જ તમને ટિકિટ વેચે. એટલે ૨૫ સેન્ટ જવાના અને પાછો આવું સાંજે ત્યારે ૨૫ સેન્ટ આવવાના. હું ખિસ્સામાં ૨૫ ૨૫ સેન્ટના બે સિક્કા લઈને જાઉં. અને પેલો આવે એટલે હું કહું કે મેટાચંદ ગામની ટિકિટ આપો. એક દિવસ મારે ૧૦ મિનિટ મોડું થઇ ગયું  તો પણ હું તો દોડતો ગયો. તો હજી તો ટ્રેન ઉભી હતી. હું નસીબદાર એટલે બેસી ગયો ટ્રેનમાં અને પછી પેલો કંડકટર આવ્યો એટલે મેં કીધું મેટાચંદ. એ કહે, આ તો ફાસ્ટ ટ્રેન છે.. મેટાચંદની તો ગઈ દસ મિનિટ પહેલા. અને આ તો છેક નૂર્વક  જાય છે એટલે તારે નૂર્વક ની ટિકિટ લેવી પડશે,  ૭૫ પૈસા આપ મને. મારી પાસે ૨૫ ૨૫ ના બે સિક્કા હતા. હું તો અવાચક.. હવે મારે શું કરવું ?  આવી  કોઈ પૈસાની  તકલીફ મેં  કોઈ દિવસ જોઈ નહોતી. તે મારી સામે એક ઘરડા કાકા બેઠા હતા. મોટી હેટ પહેરી હતી અને મારી સામે જોયું. મુંજાયેલું મોઢું જોયું અને  મને કહે What  is the matter son ? એટલે મેં કીધું, આ હું ખોટી ટ્રેનમાં બેસી ગયો છું અને આ નૂર્વક નું કહે છે. મારી પાસે પૂરતા પૈસા નથી. ૭૫ સેન્ટ કહે છે અને મારી પાસે ૫૦ જ છે. એટલે એણે ખીસામાંથી ૨૫ સેન્ટ કાઢીને મને આપ્યા અને તો પણ મારા મોઢા ઉપર મૂંઝવણ. પાછો ક્યાંથી આવીશ હું નૂર્વક થી ? મને એમ થયું કે સાલું પાછું કોઈક પાસેથી માંગવા પડશે, હું શું કરીશ ? એણે જોયું still you look in trouble, what is the matter son ? મેં કીધું how would I Come back એટલે એણે પાકીટ ખોલ્યું અને એણે મને ૧ ડોલરની નોટ આપી. હું એટલો આભારવશ થઇ ગયો અને એટલો મુંજાઈ પણ ગયો.  આંખમાં આંસુ દડ દડ થતા હતા,  પણ હું કઈ બોલી ન શક્યો. પછી તે દિવસે સાંજે આવીને મારા પાર્ટનર, યસુદાસ બહુ જ હોશિયાર સજ્જન વ્યક્તિ,  એને કીધું કે,  મેં પેલા કાકાનું એડ્રેસ પણ ન લીધું, નહિતર એક કવરમાં ૧ ડોલર અને ૨૫ સેન્ટ મૂકીને મોકલી દેત. એટલે એણે મને કીધું કે,  કોઈક આપણા તરફ kindness દેખાડે ને તો kindness ને પરત નથી કરવાની હોતી. એને આગળ વધારવાની હોય છે. એ કહે don’t return, it pass it on તો અત્યારે મેં વઢવાણમાં બે એમ્બ્યુલન્સ મારી કંપનીની રાખી છે. કોઈ પણ વ્યક્તિને હોસ્પિટલ થી  હોસ્પિટલ જવું હોય તો,, ઘણા લોકોનું રસ્તામાં સુરેન્દ્રનગરથી અમદાવાદ પહોંચતા જ અવસાન થઇ જતું હતું તો,, અમે ICU ની ફેસેલીટીવાળી બે એમ્બ્યુલન્સ અને કોઈ જાતના પૈસા વગર .. અમે દર વર્ષે ૪૦૦ થી ૫૦૦ લોકોને અહીંયા લાવીને પાછા મૂકી આવીએ છીએ. અમે કોરોના વખતે ગામમાં બધાને માસ્ક બનાવીને આપ્યા હતા. પછી અત્યારે બીજી કેટલી આવી ફેસેલીટીસ કરી છે. સુરેન્દ્રનગરની કેટલીયે સંસ્થાઓને ખુબ દાન કરીએ છીએ. તો મને કોઈકે પૂછ્યું કે તમે કેમ આટલું બધું દાન કરો છો? તો મેં કીધું, મારે પેલા કાકાના  ૧ ડોલર ને ૨૫ સેન્ટ ચૂકવાયા નથી હજુ, એટલે એ હું ચૂકવવા મારાથી બનતી કોશિશ કરું છું…” 

“મારે માટે કર્મ કરવાથી પણ તું સિદ્ધિ પ્રાપ્ત કરી શકીશ.”

“મારે માટે કર્મ કરવાથી પણ તું સિદ્ધિ પ્રાપ્ત કરી શકીશ.”

લક્ષ્મણની ભક્તિ સગુણ હતી, જયારે  ભરત નિર્ગુણ ભક્તિ કરનાર હતા.

ભદ્રાયુ વછરાજાની                     (48)               bhadrayu2@gmail.com 

શ્રી ગીતાનો બારમો અધ્યાય ભક્ત અને ભક્તિને ચોતરફથી સ્પષ્ટ કરે છે. ભગવાન કહે છે, ‘ખરેખર યોગી પુરુષ કે ભક્ત પુરુષને કશું ભાન હોતું નથી.. તે બધા કર્મો મને સમર્પણ કરીને મારું ધ્યાન કરતા કરતા અનન્ય યોગથી મારી ઉપાસના કરે છે. તે મને ખુબ ગમે છે. માત્ર ભક્તિમાં લીન થઇ જવાનું. હે પાર્થ, મારામાં જ જેમનું ચિત્ત લાગેલું હોય છે તેમનો મૃત્યુરૂપી સંસાર સાગરથી હું ઉદ્ધાર કરું છું.’ 

ભગવાનના ગુણ કેવા છે ? આપણામાંથી કોઈ એક ગુણ તમસ, રજસ, કે સત્વમાંથી ચળી જાય તો તેનું સંતુલન રહેતું નથી. ભગવાન કહે છે કે, “ મારામાં જ મન લગાડ, મારામાં જ બુદ્ધિને સ્થિર કર એમ કરવાથી તું મારામાં જ નિવાસ કરીશ એ બાબતમાં કોઈ સંદેહ રાખ નહીં.” એને ખબર છે કે અર્જુન સંદેહ કરનારો છે એટલે ખાસ આદેશાત્મક રીતે કહે છે, “હે ધનંજય, જો તું મારામાં તારું ચિત્ત સ્થિર ન કરી શકતો હો તો મને અભ્યાસયોગ દ્વારા પ્રાપ્ત કરવાની ઈચ્છા કર. મારે માટે કર્મ કરવાથી પણ તું સિદ્ધિ પ્રાપ્ત કરી શકીશ.”  જે કંઈ કરીએ એ ભગવાનને માટે કરવાનું છે અને એમ કરશું તો એ પાપ નહીં થાય. એક વાત સતત ગીતામાં કહેવાણી છે કે, ‘કર્મ કરવું  એ આપણો ધર્મ છે પણ એનું ફળ છોડતા રહેવું  એ ધર્મ સાચો છે.’

ધીમે ધીમે કરતા એક એક શ્લોકની અંદર અર્જુનને અહેસાસ કરાવતા જાય છે કે ભક્તિયોગ શું છે ? ભક્ત કેમ બનાય ? કહે છે,  

  1. સદા સંતુષ્ટ યોગનો અભ્યાસ કરનાર સંયમી અને દ્રઢ નિશ્ચયી છે અને જેણે પોતાના મન અને બુદ્ધિ મને અર્પણ કરી દીધા છે તે મારો ભક્ત મને પ્રિય છે.

પૂર્ણતઃ  શરણે જવાની વાત અહીં ભગવાન કરે છે. 

  1. જે મારો ભક્ત ઈચ્છા રહિત, પવિત્ર, દક્ષ, ઉદાસીન, વ્યથારહિત અને સકામ કર્મોનો આરંભ નહીં કરનારો છે એ મને પ્રિય છે. 
  2. જે હર્ષ પામતો નથી, દ્વેષ પણ કરતો નથી, જે શોક પણ કરતો નથી, કોઈની આશા કરતો નથી એ શુભ તથા અશુભ બંનેનો ત્યાગ કરે છે એવો જે ભક્તિમય છે તે મને પ્રિય છે. 
  3. જે શત્રુ અને મિત્રની બાબતમાં, માન અને અપમાનની બાબતમાં સમભાવ રાખે છે. શીત-ઉષ્ણ, સુખ-દુઃખની બાબતમાં પણ સમભાવ ધારણ કરે છે જેને ભોગો ઉપર આસક્તિ નથી તે ભક્તિમાન મનુષ્ય મને પ્રિય છે. 
  4. જે સ્તુતિ અને નિંદાની બાબતમાં સમાન છે. જે મૌન ધારણ કરે છે, જે કઈ મળે તેનાથી સંતુષ્ટ રહે છે, જેને પોતાનું કોઈ સ્થાન નથી, જેની બુદ્ધિ સ્થિર છે એવો જે ભક્તિમાન મનુષ્ય છે તે મને પ્રિય છે. 
  5. ભગવાન છેલ્લે બહુ દ્રઢપણે કહે છે કે જે શ્રદ્ધા રાખનારા અને  મને પરમ શ્રેષ્ઠ માનનારા ભક્તો અહીં ધર્મયુક્ત અમરજ્ઞાનનું સેવન કરે છે તે મને અત્યંત પ્રિય હોય છે. 

ભક્તિયોગમાં પ્રવેશેલા અર્જુનને સતત રીતે ભક્તના એક પછી એક લક્ષણો જે ભગવાન શ્રી કૃષ્ણે દર્શાવ્યા છે એ આમ જોઈએ તો અગાઉના બધા જ બે થી અગિયાર અધ્યાય સુધીમાં કહેવાઈ  ગયા છે. અહીં પ્રશ્ન બહુ બુદ્ધિપૂર્વક પુછાયો છે, એટલે એનો જવાબ વિસ્તૃત રીતે આપણને મળ્યો છે. 

માછલી જેમ પાણીથી અળગી રહી શકતી નથી તેવું જ લક્ષ્મણનું હતું. રામથી અળગા રહેવાની તેનામાં શક્તિ નહોતી. તેના રોમરોમમાં સહાનુભૂતિ ભરેલી હતી. રામ સૂતા હોય ત્યારે પોતે જાગતા રહી તેમની સેવા કરવામાં જ તેનો બધો આનંદ સમાયેલો હતો. આપણી આંખને તાકીને કોઈ આપણા પર પથરો ફેંકે ત્યારે હાથ આગળ પડીને જેમ તે પથ્થરનો ઘા ઝીલી લે છે તેવી રીતે લક્ષ્મણ રામનો હાથ બન્યો હતો. રામ પર થનારો ઘા આગળ પડીને લક્ષ્મણ ઝીલી છે. તુલસીદાસે લક્ષ્મણને માટે બહુ મજાનો દાખલો આપ્યો છે. પેલો ઝંડો ઊંચે ફરકે છે, બધાં ગીત તે ઝંડાનાં ગવાય છે. તેનો રંગ, તેનો આકાર, એ બધાનું વર્ણન કરવામાં આવે છે. પણ સીધી, સ્ટાર ઊભી રહેનારી ઝંડાની લાકડીની વાત કોઈ કરે છે કે ? રામના યશની પતાકા ફરકતી હતી તેનો લક્ષ્મણ ધ્વજના દંડની માફક આધાર હતો. તે કાયમ સીધો, ટટાર ઊભો હતો. ધ્વજનો દંડ જેમ વાંકો વળતો નથી તેમ રામના યશની પતાકા બરાબર ફરકતી રહે તે સારુ લક્ષ્મણ હંમેશ ટટાર રહ્યો છે. કદી વાંકો વળ્યો નથી. યશ કોનો? તો કે રામનો. પતાકા દેખાય છે. દંડ વિસારે પડે છે. શિખર પરનો કળશ દેખાય છે, નીચેનો પાયો નજરે પડતો નથી. રામનો યશ ફરકી રહ્યો છે, લક્ષ્મણનો ક્યાંયે પત્તો નથી. ચૌદ વરસ સુધી આ દંડ જરાયે વાંકો થયો નથી. પોતે પાછળ રહી, અણછતા રહી રામનો યશ તેણે ફરકાવ્યો. રામ કઠણમાં કઠણ એવાં કામો લક્ષ્મણ પાસે કરાવે. સીતાને વનમાં મૂકી આવવાનું કામ પણ છેવટે તેમણે લક્ષ્મણને જ સોંપ્યું. લક્ષ્મણ બિચારો સીતાને વનમાં મૂકી આવ્યો. લક્ષ્મણની પોતાની એવી હયાતી જ રહી નહોતી. તે રામની આંખો, રામનો હાથ, રામનું મન બન્યો હતો. નદી સમુદ્રમાં મળી જાય તેમ લક્ષ્મણની સેવા રામમાં મળી ગઈ હતી. તે રામની છાયા બન્યો હતો. લક્ષ્મણની આ સગુણ ભક્તિ હતી.

ભરત નિર્ગુણ ભક્તિ કરનારો હતો. તેનું ચિત્ર પણ તુલસીદાસજીએ મજાનું દોર્યું છે. રામચંદ્ર વનમાં ગયા ત્યારે ભરત અયોધ્યામાં નહોતો. ભરત પાછો આવ્યો ત્યારે દશરથનું અવસાન થયું હતું. વસિષ્ઠ ગુરુ તેને રાજ્ય કરવાને કહેતા હતા. ભરતે કહ્યું, “મારે રામને મળવું જોઈએ.” રામને મળવાની તેના અંતરમાં તાલાવેલી થતી હતી. પણ રાજનો બંદોબસ્ત તે ગોઠવતો જતો હતો. આ રાજ રામનું અને તેની વ્યવસ્થા કરવી એ રામનું જ કામ છે એવી તેની ભાવના હતી. બધી સંપત્તિ સ્વામીની હતી અને તેની વ્યવસ્થા કરવાનું તેને પોતાનું કર્તવ્ય લાગ્યું. લક્ષ્મણની માફક ભરતથી માથા પરનો ભાર ફેંકી દઈ છૂટા થવાય તેવું નહોતું. આવી ભરતની ભૂમિકા હતી. રામની ભક્તિ એટલે કે રામનું કામ કરવું, જોઈએ, નહીં તો તે ભક્તિ શા કામની? બધો બંદોબસ્ત બરાબર ગોઠવીને ભરત વનમાં રામને મળવાને આવ્યો છે. “હે રામ, તમારું આ રાજય છે. તમે…” એટલું તે બોલે છે ત્યાં જ રામે વચ્ચે પડીને તેને કહ્યું, “ભરત, તું જ રાજ ચલાવ.” ભરત સંકોચથી ઊભો રહે છે ને કહે, “તમારી આજ્ઞા મને કબૂલ છે.” રામ કહે તે કબૂલ, તેણે બધું જ રામને સોંપી દીધું હતું.

પછી તે ગયો ને રાજ ચલાવવા લાગ્યો. પણ હવે આ વાતમાંની મજ જુઓ. અયોધ્યાથી બે માઈલ પર તે તપ કરતો રહેવા લાગ્યો. તપસ્વી રહીને તેણે રાજ ચલાવ્યું. આખરે રામ જ્યારે ભરતને મળ્યા ત્યારે વનમાં ગયેલો અસલ તપસ્વી કયો એ ઓળખવાનું બને તેવું નહોતું. બંનેના ચહેરા સરખા, થોડો ઉંમરનો ફેર, તપનું તેજ પણ સરખું. બેમાંથી રામ કયા ને ભરત કયો તે ઓળખાતું પણ નથી. એવું ચિત્ર કોઈ દોરે તો બહુ પાવન ચિત્ર થાય. આમ, ભરત દેહથી રામથી આઘો હતો પણ મનથી તે રામથી ક્ષણભર પણ અળગો થયો નહોતો, એક બાજુથી તે રાજ ચલાવતો હતો તો પણ મનથી તે રામની પાસે હતો. નિર્ગુણમાં સગુણ ભક્તિ ઠાંસીને ભરેલી હોય છે. ત્યાં વિયોગની ભાષા શી બોલવી ? તેથી ભરતને વિયોગ લાગતો નહોતો. ઈશ્વરનું કામ તે કરતો હતો.

જગતમાં એક જ લક્ષ્યની સાધના કરવાના બે માર્ગ છે. કોઈ સાધક પરમાત્માના સગુણ સાકાર વ્યક્તરૂપની આરાધના ઉપાસના કરે છે, એને ખબર છે કે એક મૂર્તિ છે, મૂર્તિમાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે, તેની પૂજા કરે છે, તેને જમાડે છે, તેને સુવાડે, તેને ઉઠાડે છે,, જયારે બીજા સાધકો નિર્ગુણ નિરાકાર અવ્યક્તનું ધ્યાન કરે છે. એને મન કોઈ મૂર્તિની જરૂર નથી, એને મન કોઈ મંત્ર કે ભજનની જરૂર નથી, એ આંખ બંધ કરે છે, પોતાનામાં ઊંડા ઉતરે છે અને તેને જે શાંતિ પ્રાપ્ત થાય છે એના આધારે તે ઈશ્વરની પૂજા કરે છે. યાદ એ રાખવાનું છે કે બંને નિષ્ઠાવાળા છે અને પોતપોતાના માર્ગ પર આગળ વધે છે પણ અર્જુન અહીં પૂછે છે કે આ બંનેમાં શ્રેષ્ઠ કોણ ? આપણે અગાઉ પણ કહેલું છે કે જયારે સરખામણી આવીને ઉભી રહે છે ત્યારે એ સરખામણી ઘણી બધી રીતે આપણને વ્યગ્ર કરે છે. ભગવાન વ્યગ્ર થયા વગર સતત એવું કહે છે કે, તમારે સાચા ભક્ત થવું હોય તો ત્રણ ગુણ જરૂરી છે. પરમ શ્રદ્ધા, ઉપાસનામાં સાતત્ય અને ધ્યેય સ્વરૂપમાં મનની એકાગ્રતા. આ યુકતતમ વાત સાથે બારમા અધ્યાયનું સમાપન થઇ રહ્યું છે.

ઉત્તમ કોણ ? નિરાકારને ભજનાર કે સાકારની સેવા કરનાર ?

ઉત્તમ કોણ ? નિરાકારને ભજનાર કે સાકારની સેવા કરનાર ?

શ્રેષ્ઠ યોગી કોણ ? જે પુરુષ મારામાં મન પરોવીને, પરમ શ્રદ્ધાથી મારામાં જોઈને મારી ઉપાસના કરે છે, મારી સેવા કરે છે મારો ભક્ત શ્રેષ્ઠ છે

ભદ્રાયુ વછરાજાની                         (47)                  bhadrayu2@gmail.com 

શ્રીમદ ભગવત ગીતાનો બારમો અધ્યાય ભક્તિયોગ પર છે. અહીં કુલ ૨૦ શ્લોક છે અને ૨૦ શ્લોકમાંથી પહેલો શ્લોક અર્જુનના પ્રશ્નનો છે. અર્જુન એ પૂછવા માંગે છે કે જેમાં ભક્તિના સ્વરૂપોની અને ભક્તના પ્રકારોની વાત છે અને સતત ભક્તિમય રહેવા માટે ક્યાં માર્ગો સારા છે તેની ચર્ચાની અપેક્ષા છે. એમ કહી શકાય કે અર્જુનના એક પ્રશ્નનો જવાબ આપવા માટે ભગવાન શ્રી કૃષ્ણ બીજા ૧૯ શ્લોકનો ઉપયોગ કરે  છે. 

જાણવાનું એ રહે છે કે તપશ્ચર્યા શું છે ? સૌથી પહેલા તો અર્જુન જાણે કે આપણા મનનો પ્રશ્ન પૂછી નાખે છે, હે ભગવાનજે ભક્તો તમારી નિરંતર સગુણ ઉપાસના કરે છે ને જેઓ તમારા નાશ પામે એવા અવ્યક્તરૂપની ઉપાસના કરે છે એમાં ઉત્તમ કોણ ?  કેટલાક યોગીઓ ખુબ તપશ્ચર્યા કરે છે તેને ભક્તિ કહેવાય. અવ્યક્તની પૂજા કરીએ તો ધ્યાન વડે થાય અને વ્યક્તિની પૂજા કરવી હોય તો જેમાં પગ ચાપવાના, મંદિરમાં જવાનું, મૂર્તિની પૂજા કરવાની વગેરે બાબતો હોય. લક્ષ્મણ વ્યક્તિની પૂજા કરે છે અને ભરત અવ્યક્તની ભક્તિ કરે છે. 

નિરાકારની પૂજા કરવી શ્રેષ્ઠ છે કે સાકારની પૂજા કરવી શ્રેષ્ઠ છે એ મને કહો એમ ખરેખર અર્જુનનો પૂછવાનો અર્થ છે. ઉપાસના એટલે ભગવાનની પાસે બેસવું. ગુરુ ઉપાસના એટલે ગુરુની પાસે બેસવું અને ગુરુમય થઇ જવું. ગુરુ જે કહે તે કરવું એ ઉપાસના છે. અહીં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના પ્રશ્નને થોડીવાર એકબાજુ રાખીને એવું કહે છે કે,  તું વ્યક્ત અવ્યક્તની વાત છોડ પણ પહેલા  જાણી લે કે,  શ્રેષ્ઠ યોગી કોણ ? જે પુરુષ મારામાં મન પરોવીને,  પરમ શ્રદ્ધા (પરમ શ્રદ્ધા એટલે ખુબ શ્રદ્ધા, એવી શ્રદ્ધા કે આ જ મારો ઉદ્ધાર કરનારો છે એવી શ્રદ્ધા) થી મારામાં જોઈને મારી ઉપાસના કરે છે, મારી સેવા કરે છે એ મારો ભક્ત શ્રેષ્ઠ છે. ભગવાનના ગુણ કેવા છે ? ભગવાનની મૂર્તિને  કોઈના પર આસક્તિ નથી, આરતી ઉતારીએ કે ન ઉતારીએ મૂર્તિને ખોટું ન લાગે. નૈવેદ્યમાં લાડુ મુકો કે ના મુકો તેમાં ફર્ક  પડતો નથી. પૂજ્ય શ્રી રવિશંકર મહારાજ પોતાના ભાષ્ય ગીતા બોધવાણીમાં કહે છે કે, જે ભગવાનના ગુણોમાં જે ગુણોમય થઇ ગયો છે, તન્મય થઇ ગયો છે એમ પુજનાર મારી પાસે આવે છે, ચોક્સી ઘરેણાં દેખાવ જોઈને નહીં લે, પણ તે સોનુ છે કે નહીં તે પહેલા જોશે. એવી રીતે મારામાં મન પરોવે છે પછી એ માટીનો ઢગલો હોય કે પથ્થર હોય બધામાં મને જોઈને પૂજા કરે છે. હું જ છું એમ માનીને પૂજા કરે છે એ ભક્ત મારા માટે શ્રેષ્ઠ છે, એટલે પૂજાની વિધિને અહીં ભગવાને  પોતે , ભગવાનથી લઈને વ્યાપક જીવ સુધી વિસ્તૃત કરી આપી છે. 

‘જે મનુષ્યો મારા અવ્યક્ત, અચિંત્ય, અવર્ણનીય, સર્વવ્યાપક, સર્વોપરી, સ્થિત, અચંચળ, સ્થિર અને અવિનાશી સ્વરૂપની ઉપાસના કરે છે તેઓ પણ મને જ પ્રાપ્ત કરે છે.’  ભેદ કોઈ પ્રકારનો પાડવા માટે ગીતા સમર્થ નથી, કારણ કે  ગીતા સમન્વયવાદી છે એવું આપણે પાંચમા અધ્યાયમાં કહ્યું છે. જે બધા પ્રાણીઓનું હિત કરવામાં તત્પર છે, સર્વત્ર સમબુદ્ધિ રાખીને બધી ઇન્દ્રિયોનો સંયમ કરે છે,  સ્થિર અને અવિનાશી સ્વરૂપની ઉપાસના કરે છે એ બધા મને પ્રાપ્ત કરે છે. અહીં સ્પષ્ટ થયું છે કે,  તમે સગુણની ભક્તિ  કરો છો કે નિર્ગુણની, નિરાકારને ભજો છો  કે સાકારને, મારી પાસે બેસીને પૂજા કરો છો કે નથી કરતા એને હું ભક્તિ ગણતો નથી. મને તો તે પ્રાપ્ત કરે છે કે, જે પોતાનું ઉપાસના કર્મ પૂર્ણભાવથી કરે છે, એકરૂપ થઈને કરે છે અને આ બધું કરવા માટે પોતે દશે ઇન્દ્રિયો ને મનને કાબુમાં લે છે,  પરિણામે એ સમબુદ્ધિ થાય છે. 

સમબુદ્ધિ એટલે બધાને સરખા ગણવા, કોઈ શત્રુ નહીં, કોઈ મિત્ર નહીં. આપણને ખ્યાલ છે કે ગાંધીજી પાણી પણ કરકસરથી વાપરતા. નાની લોટીમાં પાણી ભરે અને એમાંથી મોઢું ધોવે, કોગળા કરે આમ ગાંધીજી સર્વ ભૂતોના હિતમાં  રત થઇ ગયેલા, રમમાણ થઇ ગયેલા હતા તેથી એ આપણા સૌ માટે આજે પણ સ્મરણીય બન્યા છે. હનુમાન રામના અનન્ય ભક્ત. રામે સુગ્રીવ, અંગદ , વિભીષણ વગેરે બધાને  એમની સેવા બદલ રાજ્ય આપ્યું.  હનુમાને રામની ઘણી સેવા કરી એટલે સીતા મા એ હનુમાનને પોતાનો કિંમતી હાર આપ્યો, તો હનુમાને તે હાર તોડી નાખ્યો. હનુમાનને હાર તોડવાનું કારણ પૂછ્યું તો કહ્યું કે,  આ હારમાં હું રામ જોતો હતો પરંતુ એક પણ મોતીમાં રામ ન દેખાયા. એટલે એક પછી એક મોતી  તોડી નાખ્યા. ‘રામ વગરનો હાર મારે શું કામનો ?’ તેથી નાખી દીધી. જો એવો કિંમતી હાર લે તો એમાં આખો સંસાર આવી જાય અને પછી એ સંસારને  સાચવવો પડે, એના માટે પેટી કરવી પડે, ઘર જોઈએ વગેરે વગેરે…હનુમાનજીએ એક જગ્યાએ શ્રી રામને સરસ કહ્યું છે કે,  તમે જેમને તરછોડી એ તરે કે ડૂબે ? પથ્થર કેમ રામ લખ્યા પછી તરે છે ? ડૂબતા નથી ? ત્યારે બહુ સુંદર જવાબ મળે છે કે,  ‘ભગવાન રામનું નામ જે પથ્થર ઉપર લખાય તે કદી ડૂબે ખરા ?’ આવી ભક્તિ જેનામાં છે એ સહેલાઈથી બધું પ્રાપ્ત કરી શકે. 

શ્રી અમૃત ગંગર

અસ્મિતા વિશેષ સંવાદ : 39 : શ્રી અમૃત ગંગર

ભદ્રાયુ વછરાજાની                                      bhadrayu2@gmail.com 

ફિલ્મ કે નાટક કે રંગમંચીય કલાઓ અંગે આપણે ત્યાં બહુ સંશોધનપૂર્વકનું ખેડાણ થયું નથી અથવા તો ખુબ જ ઓછું થયું છે. ત્યારે મૂળ કચ્છના અને હવે ભારતભરમાં પોતાના ઉંડાણભર્યા કાર્યથી પ્રસિદ્ધ શ્રી અમૃત ગંગર સાથે દીર્ઘ સંવાદ કરવાનો મોકો મળ્યો. તેઓએ દિલથી થિયેટરના પ્રત્યેક  પાસાની છણાવટ કરી. થોડા અંશો અહીં આગોતરા જાણીએ: 

“ એ સમયે તો ગાંઠના પૈસા ખર્ચવા પડતા હતા. કોઈ મને ફાયનાન્સ કરવાવાળું ન હતું. એક મશરૂવાળા કરીને મુંબઈ યુનિવર્સીટીના ઇકોનોમિક ડિપાર્ટમેન્ટના એક ડીન હતા કદાચ કિશોરલાલ મશરૂવાળાના ફેમિલીમાં હતા. તેઓ  મને જયારે મળે ત્યારે એના ખિસ્સામાં જેટલા પૈસા હોય ૨૦૦ રૂપિયા કે ૩૦૦ રૂપિયા એ મારા ખિસ્સામાં મૂકી દે. કહે, તું રાખ તને કામ આવશે. પ્રોગ્રામ નોટ બનાવે છે, તું આટલું કામ કરે છે તારી પાસે પૈસા નથી તું રાખી લે….જબરજસ્તી મને આપે. આ રીતે બધું ચાલ્યું અને અમે એટલા બધા પુસ્તકો પબ્લિશ કર્યા છે. ખરેખ તો ફકીરીમાં જ કામ થાય છે. આ તમે કરોડો રૂપિયા અબજો રૂપિયા હોય ભલે પણ કબીર થવું હોય તો  એમાં વણાટ કામ કરવું પડે. અને દોહા ત્યારે રચાય. આ ફકીરાઈ કે ફકીરી ન હોય તો ન થાય કશું …

અંદરની ભૂખ હોય છે ને એ ક્યારેક તમને લાઈફમાં કામ આવે છે. થયું એવું કે જયારે હું લાર્સન એન્ડ ટોબ્રોમાં હતો ત્યારે એક બે મહિલા ડેન્માર્કની કારણ કે લાર્સન એન્ડ ટોબ્રો ડેનિસ કંપની હતી. પવઈમાં ઓફિસ હતી અમારી તો બંને બહેનો પૂછી પૂછીને આવી ગઈ. કોઈકને  તો એણે પૂછ્યું હશે કે આ કામ અમને કોણ કરી આપે ? તો એણે મારું નામ સૂચવ્યું. એમનુ  કામ હતું  મહાલક્ષ્મી મંદિર પર એ રિસર્ચ કરવાનું. તો પછી મને સાંજના બોલાવ્યો, તાજ હોટેલમાં, ડિનર માટે ..પછી બધી વાતો થઇ અને કંઈક એમને વિશ્વાસ બેઠો હશે મારી વાતો પરથી તો એ કામ મને સોંપીને ગઈ અને એક નાની પુસ્તિકા આપી  કે આનો  અંગ્રેજી અનુવાદ કરીને અમને મોકલી દેજો. જે પુસ્તિકા ગુજરાતીમાં હતી. મેં અનુવાદ કરીને મોકલ્યું એટલે એમને પહેલા વિશ્વાસ ન થયો કારણકે ભારતીયો પર વિશ્વાસ ઓછો હોય એ વખત એવો હતો કે આપણે સમયમાં પાકા ન હોઈએ. સમય આપ્યો હોય તો જઈએ નહીં, સમય પર કઈ વચન આપ્યું હોય તો પાળીએ નહીં આ એક ભારતીયની છાપ હતી. પણ છતાં  આ બહેનોએ એક જોખમ લઈને મને કામ સોંપ્યું. અને મેં મળ્યું થોડા મહિના મેટર મોકલી  આપ્યું. એમનો એક પત્ર આવ્યો કે, અમે તમને ડેનમાર્ક બોલાવવા માંગીએ છીએ. અમારી પાસે બહુ પૈસા નથી.  તમે બંને જણા (મારી પત્ની અને હું)  આવી શકશો તો આટલા અમે તમને આપી શકીએ… બહુ નાની રકમ હતી. ત્યારે અમે દિલ્હી થી એરોફલોટ (જે રશિયન વિમાન ચાલે તો ધન ધન ધન રીક્ષા કેમ રોડ પર ચાલે એવું લાગે.) માં દિલ્હી થી બેઠા અમે.  મુંબઈથી દિલ્હી ટ્રેનમાં ગયા અને પછી પ્લેનમાં ગયા. એ પહેલી વિઝિટ અમારી. આ ફળ્યું. મારું કામ જ હતું આ… જો તમે નિષ્ઠાપૂર્વક અને બુદ્ધિ પૂર્વક કામ અને હૃદયથી કામ કરેલું હોય તો ક્યાંક ને ક્યાંક તમને કામ આવે છે. 

અને પછી મારું તો ગાડું ચાલ્યું. પછી મેં નોકરી છોડી દીધી. પછી હું આના પર જ હતો. પછી મને પ્રોજેક્ટ આવતા ગયા. કોઈ ઇન્સ્ટોલેશનના હોય, પ્રોડક્શનના હોય, લખાણ લખવાના હોય કે સ્કેન્ડિનેવિયન પ્રોજેક્ટ ઘણા બધા પર કામ કર્યું છે મેં.  યુરોપિયન પ્રોજેક્ટ ઘણા પર મેં કામ કર્યું છે અને લગભગ આખું યુરોપ ફરી વળ્યો. ઈરાન જવાનું ત્રણ ચાર વાર થયું છે. લગભગ ઈરાન જોઈ લીધું. જ્યુરી પર હોય એટલે તમને સુંદર હોસ્ટ છે તમને એ મહેમાનગતિ એટલી સારી રીતે કરી શકે. યજમાન બધા અમને લઇ ગયા બધે.  સિરાઝ અને ઇરાનના જે ઐતિહાસિક શહેરો છે બધે જ.. એવી જ રીતે સ્કેન્ડિનેવિયા, નોર્વે, ડેનમાર્ક, ફિનલેન્ડ બધે જ ત્યાં સારી રીતે અમને સ્વીત્ઝર્લેન્ડ એ બધા દેશોમાં અમે રહ્યા સારી રીતે. અમેરિકા ગયો તો યેલ યુનિવર્સીટીએ મને આમંત્રણ આપેલું. યેલ એટલે બેસ્ટ યુનિવર્સીટી, ત્યારે હું એક રિસર્ચ કરતો હતો. એક ઓલ ઇન્ડિયા રેડિયોનું પેલું સિગ્નેચર ટ્યુન છે ને જે સવારના વાગે છે એના પર હું કામ કરતો હતો. અમેરિકામાં હતો એટલે મને થયું  થોડું રિસર્ચ આગળ ધપાવું જો કરક્યાંક રહેવાનું મળે તો,,. મારા  મિત્રને ઘરે રહ્યો કનેટીકટમાં.  તો ત્યાં વોલ્ટર કાફમેન પર પુસ્તક લખ્યું. વોલ્ટર કાફમેન was the composer of the signature tune એન્ડ not maheli maheta !!  ત્યાં સુધી એમ જ મનાતું હતું કે,  આ ઝુબીન મહેતાના ફાધરે કર્યું છે.  પણ ઝુબીન મહેતાની જયારે કાશ્મીરમાં એમની કોન્સર્ટ હતી ત્યારે એમણે  જાહેરમાં કહેલું કે,   “આ વોલ્ટર કાફમેનનું કમ્પોઝીશન છે, જે ઓલ ઇન્ડિયા રેડિયોનું સીગ્નચર ટ્યુન છે,  મારા પિતાજીએ વાયોલિન વગાડ્યું છે એમાં.” .  અને ત્યાં વોલ્ટર કફમેન જે મ્યુઝિકોલોજિસ્ટ હતા, કમ્પોઝર હતા જ્યાં ભણાવતા હતા એ ઇન્ડિયાના યુનિવર્સીટીમાં હું ગયો. ત્યાંના વ્યવસ્થાપકે તો બોક્સના બોક્સ મારા ટેબલ પર મૂકી દીધા. કાર્ટન બોક્સ એમાં બધા કાગળો જોતો હતો એમાં એક કાગળ મને મળ્યો મધુસુદન ઢાંકીનો !! વિચાર કરો, તમે બ્લ્યુમિન્ગટન અને ત્યાં  મધુસુધન ઢાંકી નીકળે !!  મેં ત્યારે એમને ઇમેઇલ કર્યો: ઢાંકી સાહેબ,  તમારો પત્ર મને અહીં મળ્યો..કહે,  ઘણી બધી મહેનત કર્યા પછી મારું આ પુસ્તક બન્યું. ફર્સ્ટ ટાઈમ વનરાજ ભાટિયાએ એનું વિમોચન કર્યું હતું, એમની સહી પણ છે. વનરાજ ભાટિયાના અક્ષર છે, આમ તો કચ્છના અમારા માંડવીના ભાટિયા પણ મોટા કમ્પોઝર કહેવાય. વનરાજભાઈ વોલ્ટર કાફમેનના મિત્ર થાય.. જયારે તમારા મૂળમાં કંઈક રોપ્યું હોય ને ત્યારે આવું કશુંક થાય છે…” 

 

“હે ભગવાન, તમને કયો ભક્ત પ્રિય છે ?”

“હે ભગવાન, તમને કયો ભક્ત પ્રિય છે ?”

સગુણને નિર્ગુણની મદદ જોઈએ. ગમે ત્યારે પણ વ્યક્તિમાંથી કે  આકારમાંથી બહાર નીકળવાનું કે છૂટવાનું શીખવું જોઈએ

ભદ્રાયુ વછરાજાની                  (46)                     bhadrayu2@gmail.com 

પોતાના નિત્ય નિરાળા ગીતા પ્રવચનોમાં શ્રી વિનોબાજી એક સરસ વાત કરે છે : આરંભથી અંત સુધી ગીતા પવિત્ર છે, પણ વચલા કેટલાક અધ્યાયો તીર્થરૂપ બન્યા છે. બારમો અધ્યાય તો ખુબ જ પાવન તીર્થ સમાન છે. ખુદ ભગવાને તેનેઅમૃતધારકહેલ છે. અમૃત જેવો મીઠો છે, સંજીવની રૂપ છે કારણ આ અધ્યાયમાં ભગવાનના મુખેથી ભક્તિરસના મહિમાનું તત્ત્વ ગવાયેલું છે.” 

આમ જોઈએ તો પાંચમા અધ્યાય પછીથી સતત ભક્તિયોગની જ વાત આવ્યા કરે છે પણ આ બારમાં અધ્યાયમાં ભક્તિરસની સમાપ્તિ કરવાની હોય તેમ લાગે છે. 

       પોતાનું વિરાટ રૂપ દર્શાવ્યા બાદ ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ ફરી નાના છતાં નક્કર પ્રશ્ન સાથે અર્જુન હાજર છે.  શ્રીમદ ગીતાના બારમાં અધ્યાયના આરંભે અર્જુન પૂછે છે કે, “નિયુક્ત  થઈને તમને ભજે તે અને અક્ષર-અવ્યક્ત થઇ તમને ભજે એ બંનેમાંથી કહો તો કે કોણ ચડે ??” 

બસ, આ એક જ પ્રશ્નના જવાબમાં ભગવાન પુરા અધ્યાયને સમર્પિત કરે છે અને ઓગણીશ શ્લોકોમાં વિસ્તૃત જવાબ આપે છે. જેનો ટૂંકો સાર એટલો છે કે “મારામાં મન પરોવીને જે  મને હમેશા સાથે રાખીને પરમ શ્રધ્ધાથી ભજે તે યોગીથી પણ ચડી જાય છે.” 

         અર્જુન પ્રશ્ન પૂછે છે કે, કેટલાક સગુણનું ભજન કરે છે ને કેટલાક નિર્ગુણની ઉપાસના કરે છે, તો એ બંનેમાંથી હે ભગવાન, તમને કયો ભક્ત પ્રિય છે ?”

ભગવાન શો જવાબ આપે? કોઈ મા હોય અને તેના બે દીકરાની બાબતમાં કોઈ સવાલ પૂછે તેવું જ આ થયું. માનો એક દીકરો નાનો હોય. તે માને ખૂબ પ્રેમ ને લાડથી વળગતો હોય. માને જોતાંની સાથે તે હરખાઈ જાય. મા જરા આધીપાછી નજર બહાર જાય એટલે તે બેબાકળો થઈ જાય, માથી આઘો તે જઈ જ શકતો નથી. તેને જરાયે છોડી શકતો નથી. માનો વિયોગ એ નાના દીકરાથી સહેવાતો નથી. માની હાજરી ન હોય તો આખો સંસાર તેને સારું શૂન્ય જેવો થઇ જાય છે. આવો એ માનો એક નાનો બાળક છે. બીજો મોટો દીકરો છે. તેના દિલમાં પણ માને સારુ પાર વગરનો પ્રેમ ભરેલો છે. પણ તે સમજણો થયો છે. માથી તો આઘો રહી શકે છે. વરસ કે છ મહિના સુધી માને મળવાનું કે દર્શન કરવાનું ન થાય તોયે તેને ચાલે છે. તે માની સેવા કરવાવાળો છે. બધી જવાબદારીનો ભાર માથે લઈ તે કામ કરે છે. ઉદ્યોગમાં ગૂંથાયેલો હોવાથી માનો વિયોગ તે સહન કરી શકે છે. લોકોમાં તે માન્ય થયેલો છે. અને બધે ઠેકાણે તેની ખ્યાતિ થયેલી સાંભળીને માને સુખ થાય છે. આવો એ માનો બીજો દીકરો છે. આવા આ બે દીકરાની માને સવાલ પૂછો તો તે શો જવાબ દેશે? તેને તમે કહો, “હે મા, આ બે દીકરામાંથી એક જ અમે તને આપવાના છીએ, પસંદ કરી લે.” મા શો જવાબ આપશે? કયા દીકરાને તે સ્વીકારશે ? ત્રાજવાનાં બે પલ્લામાં બંનેને બેસાડી તે શું તેમને તોળવા બેસશે? કુદરતી રીતે તે શો જવાબ આપશે? તે બિચારી મા કહેશે, “વિયોગ થવાનો જ હોય તો મોટા દીકરાનો વેઠીશ.” નાનાને એણે છાતીએ વળગાડેલો છે. તેને તે દૂર કરી શકતી નથી. નાનાનું વધારે ખેંચાણ ધ્યાનમાં રાખી મોટો આઘો થાય તો ચાલશે, એવો કંઈક જવાબ તે આપી છૂટશે. પણ માને વધારે વહાલો કયો, એ સવાલનો આ જવાબ નહીં ગણી શકાય. કંઈક કહેવું જોઈએ તેટલા ખાતર આટલા ચાર શબ્દ તેણે કહ્યા. પણ એ શબ્દોને મારી મચડીને તેમાંથી અર્થ કાઢવાનું બરાબર નહીં થાય.

  શ્રી વિનોબાજી એક ટકોર કરે છે જે આજના સમયમાં બહુ જ નિર્ણાયક નીવડે તેમ છે. તેઓ કહે છે, ‘ જુદાં જુદાં કામો કરવાને માટે, સેવાને માટે આપણે સંસ્થાઓ કાઢીએ છીએ. સંસ્થા સ્થાપન થાય છે. તે શરૂઆતમાં વ્યક્તિનિષ્ઠ હોય છે. પણ જેમ જેમ સંસ્થાનો વિકાસ થતો જાય તેમ તેમ તે વ્યક્તિનિષ્ઠ ન રહેતાં તત્ત્વનિષ્ઠ થવી જોઈએ. આવી તત્ત્વનિષ્ઠા ઉત્પન્ન ન થાય તો – પેલી પ્રેરણા આપનારી વ્યક્તિ દૂર થતાં તે સંસ્થામાં અંધારું ફેલાય છે. પેલી વ્યક્તિનો આધાર ખસી જતાં સંસ્થાની દશા દયનીય થાય છે. તે સંસ્થા માબાપ વગરના બાળક જેવી અનાથ થઈ જાય છે. વ્યક્તિનિષ્ઠામાંથી તત્ત્વનિષ્ઠા પેદા થાય તો એવું ન થાય.’ આજે  ગાંધી સંસ્થાઓ જે રીતે કંગાળ થતી જાય છે તેની પાછળ નું  આ કારણ હોઈ શકે. 

સગુણને નિર્ગુણની મદદ જોઈએ. ગમે ત્યારે પણ વ્યક્તિમાંથી કે  આકારમાંથી બહાર નીકળવાનું કે છૂટવાનું શીખવું જોઈએ. ગંગા હિમાલયમાંથી નીકળી  શંકરની જટામાંથી પણ નીકળી,  ત્યાં જ રહી નથી. એણે જટા છોડી, હિમાલયનાં પેલા કોતરો ને ખીણો છોડયા, જંગલ ને વન છોડી સપાટ મેદાન પર ખળખળ વહેતી થઈ ત્યારે વિશ્વજનને ઉપયોગી થઈ શકી. એ જ પ્રમાણે વ્યક્તિનો આધાર છૂટી જાય તો પણ તત્વના પાકા મજબૂત આધાર પર ઊભી રહેવાને સંસ્થા તૈયાર થવી જોઈએ. કમાન બાંધતી વખતે તેને આધાર આપવામાં આવે છે. પણ તે આધાર પાછળથી, કમાન પૂરી બંધાઈ ગયા પછી કાઢી લેવાના હોય છે. આધાર કાઢી લીધા પછી કમાન સાબૂત ટકી રહે તો જાણવું કે પહેલાં ગોઠવેલો આધાર સાચો હતો. શરૂમાં પ્રેરણાનો ઝરો સગુણમાંથી છૂટ્યો એ સાચું પણ છેવટે પરિપૂર્ણતા તત્વનિષ્ઠામાં, નિર્ગુણમાં થવી જોઈએ. ભક્તિની અંદરથી જ્ઞાન પેદા થવું જોઈએ. ભક્તિની વેલને જ્ઞાનનાં ફૂલ બેસવાં જોઈએ.

 

શ્રી સતીશ વ્યાસ

         અસ્મિતા વિશેષ સંવાદ :(38) :: શ્રી સતીશ વ્યાસ

ભદ્રાયુ વછરાજાની                                bhadrayu2@gmail.com 

ભાષા ભવનના પ્રાધ્યાપક તરીકે નિવૃત્ત થનાર શ્રી સતીશ વ્યાસ કેવળ ગુજરાતીના પ્રાધ્યાપક રહીને નિવૃત્ત નથી થયા. તેઓએ અનેક ક્ષેત્રોમાં પ્રદાન કર્યું છે અને સઘળા ક્ષેત્રો વિદ્યાર્થીઓની અભિવ્યક્તિને સ્પર્શતા. વિદ્યાર્થીઓ અને તે પણ યૌવનથી છલકતા !! તેઓને ગમતીલી પ્રવૃત્તિમાંથી અભિવ્યક્તિની ઉત્તક કળા નાટક તરફ સતિષભાઈ ક્યારે  વાળી દે તે કોઈને ન સમજાય. પોતે મૃદુ છતાં મક્કમ અને સસ્મિત સંવાદ કરીને તમને ખેંચી રાખી શકે તેવું તેમનું વ્યક્તિત્વ. ગુજરાતીમાં માતબર પ્રદાન કરનાર સતિષભાઈ સાથે અસ્મિતા સંવાદમાં વાતચીત નો દોર બહુ આનંદથી ચાલ્યો. આપણે થોડો રસ ચાખીએ..

“એક વાર આજોલમાં એક શિબિર થઇ. અનેક પ્રવૃત્તિવાળા વિદ્યાર્થીઓ ભેગા થયા હતા. કવિતા વાળા થોડા, વક્તૃત્વ વાળા ઝાઝા. મને અને મણિલાલ પટેલને વક્તૃત્વની તાલીમ માટે આજોલ મોકલવામાં આવ્યા. થયું એવું કે ત્યાં વક્તૃત્વની  તાલીમ લેવા માટે તો બે જ વિદ્યાર્થીઓ હતા અને નાટ્ય તાલીમના અનેક વિદ્યાર્થીઓ હતા. અને આગળના દિવસોમાં એ સૈદ્ધાંતિક ચર્ચાઓથી બહુ કંટાળેલા હતા. અમે ચોથા કે પાંચમા દિવસે ગયા, શિબિર ૯ કે ૧૦ દિવસની હતી ત્યારે. એ વિદ્યાર્થીઓએ કહ્યું કે,  સાહેબ સૈદ્ધાંતિક વાતો અમે એટલી બધી સાંભળી છે (કેટલાક કલાકારો મને ઓળખતા પણ હતા ત્યારે)  કે આમાંથી અમારે નીકળવું છે. કહે આમાંથી કંઈક માર્ગ કાઢો. મેં કીધું અમારી તો આ ભૂમિકા નથી, અમે  તો વક્તૃત્વ માટે આવ્યા છીએ,  અમે તો આ ના કરી શકીએ.  પછી કહે કે, ના ના પણ તો પણ થોડો સમય સાંજે આવો, તમે વક્તૃત્વની તાલીમ ભલે બે ત્રણ વિદ્યાર્થીઓ છે, એને આપો સાંજના એકાદ કલાક દરમિયાન અમારી સાથે થોડી નાટકની વાત કરો અને કશુંક અમારી પાસે કરાવડાવો તો વધારે સારું..

રીસેસમાં અમને એવું કહેવામાં આવ્યું અને પછી મેં મણિભાઈને કહ્યું, આપણે ચાલો ને બેસીએ જરા, મોડા જઈશું. મણિભાઈ તો એ રીતે બહુ ઉદાર છે અને સારી મૈત્રી પણ ખરી અમારી. તો પછી ત્યાં એક વસ્તુ આપી વિદ્યાર્થીઓને કહ્યું, ચાલો, તમે  એક ઈમ્પ્રોવાઈઝ કરો.  કશુંક તમારી આગળ વસ્તુ રજુ  કરીએ અને તમે એમાંથી નાટક વિકસાવો. મજા પડી ગઈ બાળકોને અને કંઈક એ વખતે સૂઝ્યું એવું કે  ચલોને આપણી જૂની બધી વાર્તાઓ ઘણી છે. સાહિત્યમાં ભણાવેલી જ હોય આપણે તેવી એક વાર્તામાં એવું આવતું કે, એની નાયિકા નાયકને બળદ બનાવી દે છે. એક વાર્તામાં એવું આવે છે, પછી ઘાણીએ લગાડે છે અને એવું બધું… આવી બધી ઘણી વાર્તાઓ આપણે ત્યાં પડેલી છે અને પછી એક બળદ પાસે અમાનુષી રીતે કામ લેવામાં આવે. અમાનુષ જ હોય ને પછી બળદ છે એટલે… એનું શોષણ કરવામાં આવે.. આવી પરિસ્થિતિ આવી હોય તો વિચાર કરતા કરતા એવું લાગ્યું કે, આપણે બળદને બળદ રાખવો છે, નાયિકા ને પણ સામાન્ય નાયિકા રાખવી છે અને કંઈક એવું કરીએ કે લગ્ન થયું છે અને પહેલી જ રાત્રે પુરુષનું બળદમાં કે આખલામાં રૂપાંતરણ  થઇ જાય. મણિભાઈની સાથે વાત કરીને આવું એક થીમ બાળકોને આપીએ. જોઈએ શું કરે છે. અને કહ્યું કે, ચાલો આનું નાટક કરો.

અને પેલા ગામડાના વિદ્યાર્થીઓ હતા, એ કહે કે, સાહેબ લગ્નથી શરૂ કરીએ તો ? પહેલી રાત્રિની વાત પર એકદમ નથી આવવું. લગ્નના ગીતો શરૂ કરી દીધા. અને આ બાળકોનું એટલું ઇન્વોલ્વમેન્ટ થયું કે એમાંથી એ એક કલાક દરમિયાન એક આખા નાટકનું માળખું  તૈયાર થઇ ગયું. પારિવારિક થયું આખું. એમાં સાસુ પણ આવે, સસરા પણ આવે પછી પત્ની ફરિયાદ કરે કે આ તો આખલો છે, તમે મને ક્યાં આની સાથે પરણાવી ? શયનગૃહમાંથી બહાર આવે ત્યારે એ  આખલો હોય જ નહીં. એટલે સાસુ સસરા કહે છે કે,  તું તો બદનામ કરે છે અમારા દીકરાને,, આમ કરીને કે આખું સરસ વ્યવહારિક નાટક ઉભું થયું. અને એમાંથી પછી મેં પહેલું પૂર્ણ કદનું નાટક લખ્યું ફૂલ લેન્થ. મણિભાઈ સાથે ચર્ચા કરીને ‘પશુપતિ’ એવું નાટકનું શીર્ષક આપ્યું. ત્યાર  પછીથી હું  ફૂલ લેન્થ નાટક તરફ વળ્યો. આ એક મોટો ચેન્જ અમદાવાદમાં આવ્યા પછીનો. ભણાવવાનું તો ચાલુ હો,  એમાં બિલકુલ બાંધછોડ નહીં, એ રીતે નાટક તરફ આગળ વધાયું …” 

“હું કેવળ ભક્તિ વડે જ વશ થાઉં છું.”

“હું કેવળ ભક્તિ વડે જ વશ થાઉં છું.”

મને જે પરમ પ્રાપ્ત માને છે અને સર્વ પ્રકારોથી મારા ભજનમાં સતત જે તત્પર રહે છે તેને  હું પ્રાપ્ત થાઉં છું.’

ભદ્રાયુ વછરાજાની                        (45)            bhadrayu2@gmail.com  

શ્રીમદ ભગવદ ગીતાનો અગિયારમોં  અધ્યાય એટલે વિશ્વરૂપ દર્શન. તેના ચાલીસમાં શ્લોક સુધીમાં વિરાટરૂપ દર્શન કર્યા પછી અર્જુન પોતે પામી જાય છે કે જેને હું મારો બાળસખા ગણું છું તે શ્રી કૃષ્ણ પરમ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ છે અને તે દિવ્ય અનંતરૂપધારી છે, જેનું રૂપ વધતા વધતા એ કક્ષાએ પહોંચે છે કે હું અને ઋષિઓ અને સૌ માનવો ભયભીત થઇ જઈએ છીએ. ચાલીસમાં શ્લોકમાં તે ભગવાનને સર્વ દિશાઓમાંથી પોતાના નમસ્કાર પાઠવે છે. 

શ્લોક ૪૧ અને ૪૨ એ બે શ્લોક વડે અર્જુન ભગવાનના મહાત્મ્યના અજ્ઞાનથી કરેલા અપરાધોની ક્ષમા માંગે છે અને કહે છે, “આપના વિરાટ સ્વરૂપ મહિમાને હું જાણતો ન હતો. આપને હું મારા સખા જ માનતો હતો. ચિત્તની ચંચળતાથી કે સ્નેહથી પણ હું તમને હે કૃષ્ણ, હે યાદવ, હે સખા એવું કહ્યા કરતો હતો, એ અનુચિત હતું એ મને હવે સમજાય છે એટલે તે સર્વ બાબતો માટે આપ મને ક્ષમા કરો. વળી હે અચ્યુત, આપણે વિનોદ કરતા હતા , રમતા હતા, સુતા હતા, બેસતા કે ખાતા હતા ત્યારે એકલા અથવા મિત્રોની સમક્ષ મારાથી આપનો જે અસત્કાર થયો હોય તેને માટે અચિંત પ્રભાવવાળા આપની હું ક્ષમા માંગુ છું.” આ જીવનમાં કેટલીક ક્ષણ એવી આવે છે કે જે વ્યક્તિને આપણે  ઓળખતા હોઈએ તેની ઓળખ કરતાં  તે અનેક ગણો મહાન નીકળે ત્યારે આપણે ક્ષમાભાવમાં આવી જતા હોઈએ છીએ. આગળના શ્લોકમાં હવે ભક્ત અર્જુન ભગવાનના અચિંત્ય પ્રભાવનું સ્પષ્ટ રીતે નિરૂપણ કરે છે. એ કહે છે કે, ‘હે અપ્રતિમ પ્રભાવવાળા ભગવાન, આ સ્થાવર જંગમ લોકના આપ પિતા છો, પૂજ્ય છો, ગુરુ છો, સર્વ પ્રકારે અધિક ગૌરવવાળા છો. આ ત્રણ લોકમાં આપના સમાન બીજો કોઈ પણ નથી. ત્યારે આપના કરતા અધિક તો બીજો ક્યાંથી હોય ? તેથી નમસ્કાર કરું છું, દંડવત પ્રણામ કરું છું અને સ્તુતિ કરવા યોગ્ય એવા આપ ઈશ્વરને એ પ્રસન્ન થાઓ એવી હું પ્રાર્થના કરું છું. હે દેવ, જેમ પિતાને પુત્રના અપરાધની, મિત્રને મિત્રના અપરાધની અને પતિને પત્નીના અપરાધની ક્ષમા આપવી  યોગ્ય છે તેમ આપને મારા અપરાધની ક્ષમા આપવી યોગ્ય છે તેવું મને લાગે છે આપ મને ક્ષમા આપો.” 

શ્લોક ૪૫ અને ૪૬ વડે ભક્ત અર્જુન ભગવાનના વિરાટ સ્વરૂપનો ઉપસંહાર કરી સમેટી લઇ પૂર્વવત ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ  થવા માટે હવે પ્રાર્થના કરે છે. એક સમયે જે ઉત્ક્ટતા હતી વિશ્વરૂપી જોવાની એનાથી પુરેપુરો સંતૃપ્ત થઈને અર્જુન હવે કહે છે કે, ‘પૂર્વે ન જોયેલા આ વિરાટ સ્વરૂપને જોઈને હું હર્ષ પામ્યો છું. તથા ભયથી મારું મન વ્યાકુળ થયું છે.’  બંને મિશ્રિત ભાવ એના મનમાં છે, એ હર્ષ પણ પામ્યો છે કે ઓહો હો હો આ વિરાટ સ્વરૂપ ! અને બીજી રીતે એને ભય પણ થાય છે કે શું વાત છે આ હા….હા.. આવું ભયભીત કરે એવું વિરાટ સ્વરૂપ ! એટલે પોતે સ્વીકારે છે કે બંને હું પામ્યો છું. મારું મન ભયથી વ્યાકુળ થયું છે માટે હે દેવ મારા પ્રાણના કરતા પણ પ્રિય આપનું પૂર્વનું સૌમ્યરૂપ હવે મને દેખાડો. ‘હે દેવેશ, હે જગન્નિવાસ, આપ હવે પ્રસન્ન થાઓ.. મને આપનું  પૂર્વનું  સૌમ્યરૂપ દેખાડવા યોગ્ય કૃપા કરો તો સારું’,  એવું અર્જુન વિનવે છે. ‘હું આપને પહેલાની જેમ મુકુટવાળા, ગદાવાળા તથા હાથમાં ચક્રવાળા જોવા ઈચ્છું છું, માટે હે સહસ્ત્ર બાહુ, હે વિશ્વમૂર્તિ આપ ચતુર્ભુજ  રૂપ ધારણ કરો.’ આથી એ અર્થ સૂચિત કર્યો છે કે, ભક્ત અર્જુન સર્વ કાળે ભગવાનનું ચતુર્ભુજાદિસ્વરૂપ જોતો હતો એટલે એ સ્વરૂપ પાછું લઇ આવવાની તેણે વિનંતી કરી. ભક્ત અર્જુનને ભય પામેલો જોઈ હવે ભગવાન વિરાટ સ્વરૂપ સમેટી લઇ રહ્યા છે અને તેને  આશ્વાસન આપતા ભગવાન કહે છે, ‘હે અર્જુન, હું પ્રસન્ન થયો છું. મારા અસાધારણ યોગ સામર્થ્યથી તને આ મારું તેજોમય, વિશ્વવ્યાપી , અનંત અને અનાદિ શ્રેષ્ઠ રૂપ મેં દેખાડ્યું છે જે મારું સ્વરૂપ તારા સિવાય બીજા કોઈએ પૂર્વ જોયું નથી. તું પણ મને અત્યંત પ્રિય છે, તેથી તું આ વિશ્વરૂપ દર્શન રૂપી પરમ સૌભાગ્યને પ્રાપ્ત થયો છે. મારી બાલ્યાવસ્થામાં યશોદા માતાએ, ગોકુળમાં અક્રૂરે તથા કૌરવ સભામાં ભીષ્મપિતા વગેરેએ મારા અનુગ્રહથી મારું જે સ્વરૂપ જોયું હતું તે તને બતાવેલા આ વિશ્વરૂપનું એક અવાંતર રૂપ જ હતું. તે મારું ઉત્તમ સ્વરૂપ ન હતું.  જે આ સર્વોત્તમ સ્વરૂપ મેં તને બતાવ્યું છે તે તને તારા ભાગ્યથી  એટલે કે પુણ્યથી પ્રાપ્ત થયું છે. મારા વિશ્વરૂપ દર્શનથી તું કૃતાર્થ થયો છે.’  હવે ભગવાન વિશ્વરૂપ દર્શનથી દુર્લભતાનું પ્રતિપાદન કરે છે અને કહે છે કે,  ‘હે કુળશ્રેષ્ઠ અર્જુન, આ મનુષ્ય લોકમાં મારા વિરાટ સ્વરૂપને જોવા તારા સિવાય બીજો કોઈ સમર્થ નથી. મારા વિરાટ સ્વરૂપના દર્શન વેદાભ્યાસથી, યજ્ઞોથી, તુલાપુરુષ વગેરે દાનોથી, અગ્નિહોત્રી વગેરે સ્ત્રોત કર્મોથી કે ચાંદ્રાયણ વગેરે ઉગ્ર તપોથી કે બીજા સાધનોથી આ મનુષ્યલોકમાં શક્ય નથી. તું તો કેવળ મારા અનુગ્રહથી જ આ મારું વિરાટ સ્વરૂપ જોવા સમર્થ બન્યો છે.’ 

હવે ભગવાન વિરાટ સ્વરૂપ ધીમે ધીમે સમેટી લઇ રહ્યા છે. અને એ કહે છે કે, ‘આ મારા ઘોર  વિરાટ સ્વરૂપને જોઈને તને વ્યથા કે વ્યાકુળતા ન થાઓ અને તું ભયરહિત તથા પ્રસન્ન ચિત્તવાળો થા.  મારા તે આ પૂર્વના રૂપને તું જોઈ શકે એટલે હવે હું મૂળ રૂપ પ્રાપ્ત કરી રહ્યો છું.’  હવે ભગવાને ભક્ત અર્જુનને પોતાનું પૂર્વ સ્વરૂપ દેખાડ્યું. એ સમયે સંજય ધૃતરાષ્ટ્રને વર્ણન કરતા કહે છે કે, ભગવાને ભક્ત અર્જુનને પુનઃ પોતાનું પૂર્વ સ્વરૂપ બતાવ્યું અને પુનઃ સૌમ્ય શરીર ધારણ કરી મહાત્મા ભગવાને ભય પામેલ ભક્ત અર્જુનને આશ્વાસન આપ્યું. ત્યાર પછી ભક્ત અર્જુન નિર્ભય થઇ ભગવાન શ્રી કૃષ્ણને કહેવા લાગ્યા કે, હે જનાર્દન, આપના આ સૌમ્ય માનુષી સ્વરૂપને જોઈને હવે હું પ્રસન્ન ચિત્તવાળો થયો છું અને મારી પ્રકૃતિને એટલે કે મૂળ સ્વભાવને હું પામ્યો છું. 

હવે ચાર શ્લોકો વડે વિરાટ સ્વરૂપના દર્શનરૂપ અનુગ્રહની દુર્લભતાનું વર્ણન થઇ રહ્યું છે. ભગવાન બોલ્યા છે, ‘મારું જે વિરાટ રૂપ તે હમણાં જોયું તેનું દર્શન અત્યંત દુર્લભ છે. દેવ પણ એ જોવા નિરંતર ઈચ્છા કરે છે. મેં તને જે સ્વરૂપવાળો જોયો તે સ્વરૂપવાળો હું વેદોથી, તપથી, દાનથી કે યજ્ઞથી પણ જોવાને શક્ય નથી. હે અર્જુન, જેમ અગ્નિ કાષ્ટ ને બાળીને ભસ્મ કરે છે તેમ મારી ભક્તિ સર્વ પાપોને બાળીને ભસ્મ કરે છે. ભક્તિ મને જે પ્રકારે વશ કરે છે તે પ્રકારે યોગ, સાંખ્ય, ધર્મ, વેદાધ્યયન, તપ, કે ત્યાગ પણ મને વશ કરવા સમર્થ થતા નથી. હું કેવળ ભક્તિ વડે જ વશ થાઉં છું. મારે વિષે નિષ્ઠા પામેલી ભક્તિ ચાંડાળોને પણ જાતી દોષથી પવિત્ર કરે છે. આ સંસારમાં મારી ભક્તિ અત્યંત દુર્લભ છે કારણકે જો અંતઃકરણ વિષે મારી ભક્તિ ઉત્પ્ન્ન થાય તો તે અવશ્ય મુક્તિ આપનારી છે. આ અધ્યાયના  સમાપનમાં સુંદર વાત કહી ને સમાપન તરફ જઈ રહ્યા છીએ.. ‘હે પાંડવ, મારે અર્થે કર્મ કરનારો મન જ પ્રાપ્ત માનનારો મારો ભક્ત જેણે સંગનો ત્યાગ કર્યો છે તે તથા સર્વભૂતોમાં જે વેર રહિત છે તે મને પામે છે. હું પ્રાર્થના કરું છું કે મારે  અર્થે જે કર્મ કરે છે, મને જે પરમ પ્રાપ્ત માને છે અને સર્વ પ્રકારોથી મારા ભજનમાં સતત જે તત્પર રહે છે તેનું હું પ્રાપ્ત થાઉં છું.’ 

અર્જુનની વિનંતી ઉપરથી પોતાનું વિશ્વરૂપ દર્શન કરાવીને ફરી અર્જુનની વિનંતી  ઉપરથી મૂળ પોતા ચતુર્ભુજધારી રૂપને પ્રાપ્ત કરીને ભગવાન શ્રી કૃષ્ણ છેલ્લે આપણને ઉત્તમ સંદેશ આપે છે કે, ‘તમે મારી ભક્તિમાં રત રહો.’

જીવતાં જીવતાં શીખીએ તો ?

જિંદગી અભ્યાસક્રમ મુજબ જીવી શકાય ખરી ?

ભદ્રાયુ વછરાજાની                                   bhadrayu2@gmail.com 

ઉપનિષદમાં એક કથા આવે છે. આઠ – દસ વરસનો એક છોકરો હાથમાં સમિધા લઈને, ‘સમિતપાણી’ થઈને ગુરુ પાસે ગયો અને તેણે કહ્યું : ‘હું જ્ઞાન માટે આવ્યો છું.’ ગુરુએ તેને  કહ્યું કે : ‘આ ૪૦૦ ગાયોને ચરાવવાનું કામ કર અને તેની જયારે હજાર ગાય થઈ જાય ત્યારે મારી પાસે જ્ઞાનને માટે આવજે.’ ૪૦૦ ગાયોની હજાર થવામાં બે – ત્રણ વરસ લાગી જાય, એટલે કે તે દસ વરસના છોકરાને બે – ત્રણ વરસની યોજના આપી દીધી. બે – ત્રણ વરસે એ પાછો આવ્યો, ત્યારે ગુરુએ તેની સામે જોયું અને પૂછ્યું : તારો ચહેરો તો તેજથી ચમકી રહ્યો છે. કેમ રે, તને કંઈક જ્ઞાન મળ્યું હોય એમ લાગે છે.’ ત્યારે શિષ્ય બોલ્યો : “જ્ઞાન તો ગુરુ કૃપાથી જ મળે. એ તો મને તમારી પાસેથી જ મળશે.’ ગુરુએ કહ્યું : ‘એ તો ખરું, પણ તારા ચહેરા ઉપર જ્ઞાનની ચમક દેખાય છે, તો શું તને કોઈએ કાંઈ જ્ઞાન આપ્યું ?” શિષ્યે જવાબ આપ્યો : “અન્યે મનુષયેભ્ય: – મને કોઈ માણસે નહીં, કોઈ બીજાઓએ જ્ઞાન આપ્યું.”

તેને  બળદે કંઈક જ્ઞાન આપ્યું, હંસે આપ્યું, અગ્નિએ આપ્યું અને મગદુ નામના પક્ષીએ આપ્યું. આ ચારેય જણે તેને  શું – શું જ્ઞાન આપ્યું, તેનું વર્ણન ઉપનિષદમાં છે. પછી ગુરુએ કહ્યું : ‘તને જે જ્ઞાન મળ્યું છે, તે બહુ સારું છે.’ પછી જે મળ્યું હતું તેની પૂર્તિમાં જે કહેવાનું હતું, તે ગુરુએ તેને કહ્યું.  તાત્પર્ય એ છે કે ઉપનિષદોના ગુરુ વિદ્યાર્થીઓને ઊંચી દીવાલોની અંદર નહોતા રાખતા, એમને તો કુદરત વચ્ચે મૂકી દેતા. ભગવાનના એ ખુલ્લાં દરબારમાં જ્ઞાન દેનારા અસંખ્ય ગુરુઓ હાજરાહજૂર છે..! પહેલાંના જમાનામાં આપણે ત્યાં વિદ્યા શહેરોમાં નહીં ; નદી કાંઠે, જંગલોમાં કે દુર્ગમ સ્થાનોમાં પાંગરી હતી. તેનો સંબંધ રોજબરોજ જીવાતા જીવન સાથે અને કુદરત સાથે રહ્યો હતો.

શિક્ષણનો અભ્યાસક્રમ કેવો હોઈ શકે, તેનો બહુ ઊંડાણથી વિચાર વેદકાળથી થતો આવ્યો છે. ચાર વેદ તથા છ વેદાંગોમાં ઘણી બધી વિદ્યાનો સમાવેશ થઈ જાય છે. શિક્ષણ વિષયક છ અંગો આ રહ્યા : 

(૧) શારીરિક (શિક્ષણ) : રસોઈ કરવી, સફાઈશાસ્ત્ર, દળવું, પાણી ભરવું, અન્ય વ્યાયામ, આરોગ્યશાસ્ત્ર 

(૨) ઔદ્યોગિક (કલ્પ) : વણાટ, ખેતી, સુથારીકામ, લુહારી કામ, સિલાઈ કામ 

(૩) ભાષાકીય (વ્યાકરણ) : સંસ્કૃત, હિન્દુસ્તાની, સ્વભાષા, પરભાષા 

(૪) સામાજિક (નિરુક્ત) : રાજકારણ, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ઈતિહાસ વગેરે… 

(૫) કલાવિષયક (છંદસ) : સંગીત, ચિત્રકળા વગેરે. 

(૬) વ્યવહારિક (જ્યોતિષ) : અંક – બીજ – રેખા ગણિત, જમા – ખર્ચ, ભૂગોળ, આધિભૌતિક વિજ્ઞાન વગેરે. 

શિક્ષણના આ મુખ્ય છ અંગો છે. આ બધી બાબતોમાં ઓછું – વત્તુ ખેડાણ આપણે ત્યાં પહેલેથી થતું આવ્યું છે… પણ આજે આપણે તેના માળખાગત – ચોકઠાબદ્ધ – ક્રેડિટબંધા અભ્યાસક્રમો રચવામાં એવા રત થઈ ગયા છીએ કે ‘તે શા માટે ?’ નું હાર્દ મરી જાય છે અને ‘તે આ જ રીતે..’ ની જડતા ઘર કરી જાય છે. અભ્યાસક્રમમાં છે એટલે ભણાવવાનું છે કે પછી જીવનની કિતાબમાં આનો અનુભવ થવાનો છે એટલે શીખવાનું છે… તેની સ્પષ્ટતા નથી. શિક્ષણની, તેના અભ્યાસક્રમની આદર્શ પદ્ધતિ એ છે કે વિદ્યાર્થીને એમ લાગે જ નહીં કે હું શિક્ષણ મેળવી રહેલ છું અને શિક્ષકને એમ લાગે નહીં કે હું શિક્ષણ આપી રહેલ છું ! શિક્ષણ સહજ પ્રક્રિયા છે. સૂર્ય પ્રકાશ આપતો નથી, તેની પાસેથી સહજ જ પ્રકાશ મળતો રહે છે. શિક્ષણનું ય આવું જ થવું જોઈએ. એકદમ શરૂઆતમાં મા બાપ પાસેથી બાળકને સહજ સંસ્કાર મળવા જોઈએ અને પછીના દરેક તબક્કે અત્યંત સહજપણે તેનું શિક્ષણ ચાલવું જોઈએ.

ઘરમાં મા, ‘વગર અભ્યાસક્રમની’ પહેલી ગુરુ… મા નો અભ્યાસક્રમ એટલે ‘અભી આયા સો ક્રમ..’ તે ત્રણ ઉદાહરણોથી જાણીશું,,, આપણને થશે કે  અભ્યાસક્રમ વગરના ઉદાહરણો જીવન શિક્ષણનાં…? પણ આ રહ્યા…

(૧) એમના ઘરમાં ફણસનું એક ઝાડ. ફણસ મોટું મસ્સ ફળ. ઘણી બધી પેશીઓ  એમાં હોય. બાળકોને ખૂબ ભાવે. ઝાડ ઉપર હજુ પાકતું હોય ત્યાં બાળકોના મ્હોંમાં પાણી લાવે. રાહ જોઈને જ બાળકો દિવસો ગણે. ઝાડ ઉપરથી જેવું ફળ ઊતરે કે તરત બાળકો માને વીંટળાઈ વળે. પણ બાળકોના મોંમાં પેશી જાય તે પહેલાં મા બબ્બે પેશી વાડકીમાં મૂકી વિનીયાને  આપે, દત્તુને આપે ને કહે : ‘બેટા, પડોશમાં દઈ આવ. ફણસ આપણા ઘરમાં ઉગ્યું પણ તેનો પડછાયો તો ત્યાં ય પડેલો ને ?’ બાળકોને પછી પેશી પીરસતાં મા સાદી ભાષામાં સમજાવતી કે, જુઓ બેટા, તમને રાક્ષસ થવું તો ન ગમે તે ? દેવ થવું સૌને ગમે. જે પોતાની પાસે રાખી મૂકે તે ‘રાક્ષસ’ અને બીજાને જે ‘દે’ તે ‘દેવ’.. વિનીયો તે વિનોબાજી ! તેઓ કહેતાં : ‘બીજાને આપવાનો આનંદ, ખવડાવીને ખાવાનો સંસ્કાર મને મા પાસેથી મળ્યો. ભૂદાનનું મૂળ પણ આમાં જ છે.’ 

(૨) મા વિનીયાને રોજ જમતાં પહેલાં પૂછતી – ‘વિન્યા, તુલસીને  પાણી પાયું ? ગાયને રોટલી આપી ? કાગને કંઈ આપ્યું ?’ આટલું રોજ પૂછતી મા એ વિનોબાજીને કહ્યા વગર | ત્યેન ત્યક્તેન ભૂંજી થાઃ | સમજાવી દીધું. 

(૩) પિતાજીની વડોદરામાં નોકરી. વિનાયક દસ વર્ષનો થયો ત્યાં સુધી કુટુંબ ગાગોદરામાં રહેતું. દિવાળીમાં પિતાજી  ઘેર આવે ત્યારે બાળકો મીઠાઈની રાહ જોતાં હોય. એકવાર પિતાએ આણેલું પેકેટ લઈ વિન્યો દોડતો દોડતો મા પાસે પહોંચ્યો. મા એ ખોલીને જોયું તો બે પુસ્તક : રામાયણ અને ભાગવત ! મા કહે – ‘બેટા, તારા બાપુ તો મજાની મીઠાઈ લાવ્યા છે. આનાથી રુડી બીજી કઈ મીઠાઈ હોઈ શકે ?’ મોટાં થયા પછી પણ વિનોબાજીને સુંદર પુસ્તક કરતાં વધારે સારી મીઠાઈ કોઈ લાગતી નહીં…! 

આ ત્રણ ઉદાહરણોમાં મા એક ઉત્તમોત્તમ શિક્ષક નીવડે છે અને અહીં ક્યાં છે અભ્યાસક્રમ, પણ છતાં છે ને શિક્ષણ, જીવનભરનું શિક્ષણ…? એટલે પ્રશ્ન થાય કે જિંદગી અભ્યાસક્રમ મુજબ જીવી શકાય ખરી ?

અભ્યાસક્રમ એટલે શું ? ‘મારે શું શીખવવાનું છે અને મારે આ શા માટે શીખવવાનું છે,’ તેની પૂર્ણ સ્પષ્ટતા…કેવી સ્પષ્ટતા ? એકવાર કોઈએ વિનોબાજીએ પૂછ્યું : ‘શિક્ષણમાં સંગીત અને ચિત્રકળાનો ઉદ્દેશ શો ?’ જવાબ મળ્યો તે વાંચજો એટલે ‘પૂર્ણ સ્પષ્ટતા’ મળી  જશે : ‘આ દુનિયામાં ભગવાનના નામ અને રૂપ, એ જ બે પ્રગટ થયા છે, બાકી ઈશ્વર તો અવ્યક્ત છે. સંગીત દ્વારા ઈશ્વરનું નામ ગવાય અને ચિત્રકળા દ્વારા ઈશ્વરનું સ્વરૂપ ચીતરાય, એટલે શિક્ષણમાં બંનેને મહત્વનું સ્થાન હોય !’ શીખતાં શીખતાં જીવીએ તો અભ્યાસક્ર્મની જરૂર પડે, પણ જીવતાં જીવતાં શીખીએ તો ? તો જિંદગી એક વણલખ્યો અભ્યાસક્રમ બની રહે કે નહિ,,હા કે ના, ?

 

ગુરુ દત્તાત્રયને ચોવીશ ગુરુઓ હતા

કબૂતર અને પિંગલા ગણિકા  પણ આપણા ગુરુ બની શકે. 

ભદ્રાયુ વછરાજાની                                bhadrayu2@gmil.com

મહર્ષિ વેદ વ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણમાં દ્વિતીય ખંડના ૧૧ માં સ્કંદમાં બહુ જ વિસ્તૃત રીતે ગુરુ અને ગુરુની સંકલ્પના સ્પષ્ટ કરવામાં આવી છે. આપણે જાણીએ છીએ કે ગુરુ દત્તાત્રેયજીને ચોવીસ ગુરુઓ હતા. આપણને આશ્ચર્ય થાય કે એટલા બધા ગુરુઓ ? પણ જો એ ચોવીસ ગુરુઓની વાત સાંભળીએ કે જાણીએ તો આપણને ખ્યાલ આવે કે આ બધા જ ગુરુપદ પ્રાપ્ત કરવા માટે સમર્થ ચરિત્રો છે. જયારે ભગવાન શ્રી કૃષ્ણએ વિનમ્રભાવે મસ્તક ઝુકાવીને મહાભાગ્યશાળી અવધૂત દત્તાત્રેયજીનું સન્માન કર્યું ત્યારે તેમને પુછાયેલો પ્રશ્ન અને તેનો જવાબ આપણા લેખનું હાર્દ બની રહેશે.

ગુરુ દત્તાત્રેયજીએ કહ્યું, હે રાજન મેં મારી બુદ્ધિથી ઘણા ગુરુઓનો આશ્રય લીધો છે. તેમની પાસેથી બોધ ગ્રહણ કરીને હું આ જગતમાં મુક્તભાવે ઈચ્છા પ્રમાણે ફરું છું. તે ગુરુઓના નામ અને તેમની પાસેથી ગ્રહણ કરેલો બોધ સૌએ જાણવા યોગ્ય છે. મારા ગુરુઓના નામ છે પૃથ્વી, વાયુ, આકાશ, જળ, અગ્નિ, ચંદ્રમા, સૂર્ય, કબૂતર, અજગર, સમુદ્ર, પતંગિયું, મધુમક્ષિકા, હાથી, મધપૂડા લૂંટનાર પારઘી, હરણ, માછલી, પિંગલા, ટિટોડી , બાળક, કુંવારી કન્યા, બાણ બનાવનારો , સર્પ, કરોળિયો અને ભમરી આ ચોવીસે ગુરુઓ પાસેથી ગુરુશ્રી દત્તાત્રેયજીએ જીવનના આચરણના પાઠ શીખ્યા છે.

આપણે બે ગુરુઓની કથા જાણીએ અને તેને ગુરુ શા માટે ગણવા તેની સ્પષ્ટતા મેળવીએ. 

કબૂતર અને કબુતરીનું દ્રષ્ટાંત  વિસ્તૃત રીતે સમજાવીને કબૂતર શા માટે ગુરુ બની શકે એના અંગે વાત કરવામાં આવી છે. ક્યાંય કોઈની પણ સાથે વિશેષ સ્નેહ અથવા આસક્તિ કરવી જોઈએ નહીં અન્યથા તેને કબુતરની જેમ રાખ બનીને અત્યંત દુઃખી થવું પડે છે. કથા આ મુજબ છે :: કોઈ જંગલમાં એક કબૂતર રહેતું હતું. તેણે એક વૃક્ષ પર પોતાનો માળો બનાવ્યો. પોતાની માદા  કબૂતરી સાથે તે ઘણા વર્ષો સુધી તે જ માળામાં રહ્યો. તે યુગલ કબૂતરોના હૃદયમાં અવિરત એકબીજા માટેના સ્નેહમાં વૃદ્ધિ થતી રહેતી હતી. તે ગૃહસ્થધર્મમાં એટલા આસક્ત થઇ ગયા કે તેમણે એકબીજાની દ્રષ્ટિથી દ્રષ્ટિ, અંગથી અંગ અને બુદ્ધિથી બુદ્ધિને બાંધી રાખ્યા. તેમને એકબીજા પર એટલો વિશ્વાસ બેસી ગયો કે તેઓ નિઃશંક થઈને ત્યાંની વૃક્ષતામાં એક સાથે સુઈ જતા, બેસતા, હરતા ફરતા, રમતા, વાતચીત કરતા અને ખાતાંપીતાં હતા. કબૂતરી ઉપર કબૂતરનો એટલો પ્રેમ હતો કે તે કાંઈ ઈચ્છતી તો કબૂતર ભારે કષ્ટ ઉઠાવીને તેની કામના પુરી કરતો. તે કબૂતરી પણ કબૂતરને પોતાના સુંદર ભાવોથી હંમેશા ખુશ રાખતી હતી. સમય આવ્યે કબુતરીને પ્રથમ ગર્ભ રહ્યો. તેણે તેના પતિની સમક્ષ જ રહીને માળામાં ઈંડા મૂક્યા. ભગવાનની અચિંત્ય શક્તિથી યથા સમય એ ઈંડા ફૂટ્યા અને ઈંડામાંથી અવયવોવાળા અત્યંત કોમળ બચ્ચા નીકળ્યા. હવે તે કબૂતર કબૂતરીની આંખો પોતાના બચ્ચા ઉપર મંડાઈ રહી. તેઓ ખુબ જ પ્રેમથી તેમના બચ્ચાનું લાલન પાલન, લાડપ્રેમ કરતા અને તેમની અસ્પષ્ટ મધુર બોલી અને કાલા કાલા ભાષણોથી  આનંદમગ્ન થઇ જતા. આ પ્રમાણે આનંદમાં ડૂબીને તેમના સુકોમળ પીછાઓને સ્પર્શ કરતા. તેમનો કલરવ અને મુગ્ધ ચેષ્ટાઓને જોઈજોઈને તેમને અત્યંત આનંદ આવતો જયારે તેઓ ઉછળી ઉછળીને પોતાના મા બાપની પાસે દોડી  આવતા ત્યારે આ બંને ખુબ આનંદિત થઇ જતા. આ પ્રમાણે તે કબૂતર અને કબૂતરી ભગવાનની માયાથી મોહિત થઇ ગયા. તેમનું હૈયું એકબીજાના સ્નેહથી બંધાયું. તે રાંક બુદ્ધિવાળું કબૂતર દંપતિ પોતાના નાના નાના બચ્ચાના પાલન પોષણમાં એટલું વ્યગ્ર થઇ ગયું કે તેમને દિવસ કે દુનિયા, લોક કે પરલોકનું સ્મરણ રહ્યું નહીં.

એક દિવસ બંને નર માદા પોતાના બચ્ચા માટે દાણા લેવા જંગલમાં ગયા કેમ કે એનો પરિવાર મોટો થઇ ગયો હતો. તેઓ દાણા માટે લાંબો સમય જંગલમાં ફરતા રહ્યા. આ બાજુ એક શિકારી ફરતો ફરતો સંયોગવશ તેમના માળા તરફ આવી ચડયો તેણે જોયું કે માળાની આજુબાજુ કબુતરના બચ્ચા ઉછરી રહ્યા છે. તેણે જાળ નાખીને બચ્ચાને પકડી લીધા. કબૂતર કબૂતરી બચ્ચાને ખવડાવવા પીવડાવવા માટે હંમેશા ઉત્સુક રહેતા. હવે તો દાણા લઈને પોતાના માળા પાસે આવ્યા. કબુતરીએ જોયું કે તે નાના બચ્ચા, તેના હૃદયના ટુકડા તો શિકારીની જાળમાં ફસાયા છે અને દુઃખથી ચીસો પડી રહ્યા છે. તેમને આવી સ્થિતિમાં જોઈને કબુતરીના દુઃખનો પાર ન રહ્યો. તે રડતી, ચીસો પાડતી તેની પાસે દોડી ગઈ. ભગવાનની માયાથી તેનું ચિત્ત  અત્યંત  દુઃખી થઇ ગયું. તેની સ્મૃતિ ચાલી ગઈ અને સ્નેહપાશમાં જકડાયેલી હોવાથી અને પોતાના બચ્ચા જાળમાં ફસાયેલા જોઈને તે પોતે પણ જાળમાં ફસાઈ ગઈ.

હવે કબૂતરે જોયું કે મારા પ્રાણથી પણ પ્રિય બચ્ચા જાળમાં ફસાયા અને મારી પ્રાણ પ્રિય પત્ની પણ એ જ દશાને પ્રાપ્ત થઇ ગઈ ત્યારે તે અત્યંત દુઃખી થઈને વિલાપ કરતા કરતા ‘હું અભાગ્યો છું, મંદ બુદ્ધિ છું. અરે, મારું તો સત્યાનાશ થઇ ગયું !  જુઓ તો ખરા. ન મને હજી તૃપ્તિ થઇ અને ન મારી તૃષાઓ પૂરી થઇ ત્યાં સુધીમાં તો મારા ધર્મ, અર્થ અને કામનું મૂળ એવો મારો ગૃહસ્થાશ્રમ જ નષ્ટ થઇ ગયો, મારી પ્રાણપ્રિય તો મને જ પોતાનો ઇષ્ટદેવ સમજતી હતી, મારી દરેક વાત માનતી હતી, મારા ઈશારે નાચતી હતી તે બધી રીતે મારે યોગ્ય હતી. આજે તે મને સૂના ઘરમાં છોડીને અમારા સીધા સાદા નિષ્કપટ બચ્ચાની સાથે સ્વર્ગે સિધાવી રહી છે, મારા બચ્ચા મરી ગયા, મારી પત્ની જઈ રહી છે, મારું હવે સંસારમાં શું કામ છે ? મુજ ગરીબનું આ વિધુર જીવન દુઃખમય જ છે. હવે હું આ સૂના ઘરમાં કોના માટે જીવું ??’  કબુતરના બચ્ચા જાળમાં ફસાઈને તરફડી રહ્યા હતા અને સ્પષ્ટ દેખાતું હતું કે તેઓ મોતના મુખમાં છે પરંતુ તે મૂર્ખ કબૂતર આ બધું જોવા છતાં પણ વિવેક ભૂલીને સ્વયં પણ જાણી જોઈને જાળમાં કૂદી પડયું.

પારઘી ઘણો ક્રૂર હતો. સંસારમાં આસક્ત કબૂતર, કબૂતરી અને તેમના બચ્ચા મળી જવાથી તે ઘણો રાજી થયો. તેણે જાણ્યું કે મારું કામ થઇ ગયું અને તે તેમને લઈને ચાલવા માંડયો. કબૂતર અને કબુતરીના આ દ્રષ્ટાંત પરથી તેમને ગુરુ ગણવાનું કારણ એટલું જ કે આ પ્રકારે જે ગૃહસ્થ વિષયોમાં જ સુખ શોધતો ફરે છે અને જેનું ચિત્ત ચંચળ બનેલું છે તે પોતાના પરિવારના ભરણપોષણમાં વ્યસ્ત રહીને કબૂતર દંપતિની જેમ પરિવાર સહિત દુઃખી થાય છે. તે માટે જે આ શરીર મળ્યું છે તે મુક્તિનું ખુલ્લું દ્વાર છે. તેને પ્રાપ્ત કરીને પણ જે મનુષ્ય આત્મકલ્યાણ માટે પ્રયત્ન કરતો નથી અને ઘર પરિવારમા કબૂતર દંપતિની જેમ આસક્ત રહે છે તે મનુષ્ય ઉન્નત પદને પ્રાપ્ત કરીને પણ પુનઃ નીચે પડે છે એમ માનવું, શાસ્ત્રની ભાષામાં તે આરૂઢચ્યુત કહેવામાં છે.

પ્રાચીન સમયની વાત છે. વિદેહનગરી મિથિલામાં એક વેશ્યા રહેતી હતી, એનું નામ પિંગળા હતું. પિંગળા પાસેથી પણ બોધ ગ્રહણ કર્યો એની વાત આપણે જાણીએ. તે વેશ્યા સ્વૈચ્છાચારિણી તો હતી જ અને રૂપાળી પણ હતી. એક દિવસ  કોઈ પુરુષને પોતાના સ્થાને લાવવા માટે ખુબ બની ઠનીને ઉત્તમ વસ્ત્રાભૂષણથી સજીધજીને ઘણી વાર સુધી પોતાના ઘરના દરવાજા ઉપર ઉભી રહી, શ્રેષ્ઠ પુરુષને શું હતું ? ધનની કામના હતી તેથી તે અર્થલોલુપ સ્ત્રી કોઈ પણ પુરુષને તે તરફ આવતો જોઈને એવું વિચારતી કે આ પૈસાદાર છે, મને પૈસા આપીને ઉપભોગ કરવા માટે જ આવી રહ્યો છે, તે સંકેતથી જીવનારી પિંગળા પછી જયારે બીજા પુરુષને આવતો જોતી ત્યારે એવું માની લેતી કે આ તો મારી પાસે જ આવી રહ્યો છે અને મને ખુબ પૈસા આપશે પરંતુ જયારે ત્યાંથી તે આગળ નીકળી જતો ત્યારે તે એવું વિચારતી કે હવે તો નક્કી કોઈ બીજો ધનવાન મારી પાસે આવશે અને નક્કી મને ખુબ વધારે પૈસા આપશે. પિંગળાનાં ચિત્તની આવી દુરાશા વધતી જ જતી હતી તે દરવાજા પર ઘણા લાંબા સમય  સુધી  નિંદ્રાનો ત્યાગ કરીને રાહ જોતી રહી તે ક્યારેક અંદર જતી તો ક્યારેક બહાર આવતી.  આ રીતે મધ્ય રાત્રી વીતી ગઈ ખરેખર આશા અને તે પણ ધનની આશા અત્યંત હીન છે.  ધનવાનની રાહ જોતા જોતા તેનું મોઢું સુકાઈ ગયું, ચિત્ત વ્યાકુળ થઈ ગયું.  હવે તેને આ ધંધા ઉપર ભારે વૈરાગ્ય થયું તેમાં તેને દુઃખબુદ્ધિ થઈ ગઈ.  આ વૈરાગ્ય જ એના સુખનું કારણ બની ગયું. જયારે પિંગળાનાં ચિત્તમાં આ પ્રકારની વૈરાગ્યની ભાવના જાગૃત થઈ ત્યારે તેના મુખમાંથી એક ગીત સરી પડયું અર્થાત તેના અંતરના જે ઉદગાર નીકળ્યા તે આ પ્રમાણે હતા : ‘વૈરાગ્ય જ આશારૂપી ફંદાને કાપવાવાળું દ્રઢ શસ્ત્ર છે. વૈરાગ્ય વિના મનુષ્યના દુઃખોની નિવૃત્તિ થતી નથી. જેને વૈરાગ્ય થયો નથી, જેને આ ઝંઝટમાંથી કંટાળો, અણગમો થયો નથી અને જે શરીર અને તેના બંધનને એ રીતે કાપવા ઈચ્છતો નથી જેમ અજ્ઞાની પુરુષ મમતાને છોડવા ઈચ્છતો નથી.’ પિંગળાએ જે ગીત ગયું એનો સાર એવો હતો કે હું ઇન્દ્રિયોના વશમાં થઈ ગઈ છું.  મારી મૂર્ખતા અને મારા મોહનો વિસ્તાર જુઓ કે પરાયા પુરુષને કાંત પ્રિયતમ કહીને તેની કામના કરવા લાગી છું . મારો પરમ પ્રિયતમ શાશ્વતરૂપે મારી પાસે જ છે,  તે પરમાનંદ સ્વરૂપ છે,  સુખ પ્રદાન કરનારો પણ છે તથા લક્ષ્મીનો પતિ હોવાથી સંપત્તિ પણ આપનારો છે આવા મારા જ હૃદયમાં બિરાજેલા ભગવાનની હાજરીમાં તેમને છોડીને જેઓ ઈચ્છા મુજબ ભોગ સંપાદન કરવામાં પણ અસમર્થ છે તથા દુઃખ, ભય, આધિ, વ્યાધિ, શોક અને મોહ ઉપજાવનારા છે એવા લોકોનું મેં સેવન કર્યું તેથી હું મૂર્ખ છું.

અંતમાં કહેવાયું કે મેં આટલા બધા ગુરુઓ પાસેથી બોધ લીધો છે,  હવે હું મારા શરીર પાસેથી જે કાંઈ શીખ્યો છું તે તમને કહું છું. મારો આ દેહ પણ મારો ગુરુ છે. તે મને વૈરાગ્ય અને વિવેકનો ઉપદ્દેશ આપે છે. એ તો જન્મે છે અને મરે છે પરિણામે તેની સાથે સદા દુઃખ જ વળગેલું છે પરંતુ સૌથી મોટો લાભ તેનાથી એ જ છે કે આ દેહથી જ હું પરમાત્માનું ચિંતન કરું છું. એ તો નિશ્ચિત જ છે કે આ શરીર એક દિવસ માટીમાં ભળી જશે તેથી તે આપણું નથી, પ્રકૃતિનું જ છે,  તેથી હું આ દેહથી પણ અસંગ થઈને વિચરણ કરતો રહું છું. જ્ઞાનીએ પોતાના વિવેક દ્વારા જાણી લેવું જોઈએ કે આ મનુષ્ય શરીર કે તે અત્યંત દુર્લભ છે ઘણા જન્મો બાદ ભગવાનની અપાર કૃપાથી મળ્યું છે. તેના દ્વારા જ પરમ પુરુષાર્થ સ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે છે.  

 

….નઈ તાલીમનો તો વિશિષ્ટ-અમૃતકાળ….

ગાંધીજીની ઉત્તમ ભેટનઈ તાલીમનાં શ્રી ગણેશ તો 1937થી થયાં છે.!

ભદ્રાયુ વછરાજાની                               bhadrayu2@gmail.com 

”ભારતને મારા જીવનની આ મોટામાં મોટી ભેટ છે.” આ ઉદગારો નઈ તાલીમ વિષે ગાંધીજીએ કાઢેલા છે. ગાંધીજી સત્યાગ્રહી તરીકે માપીતોળીને વેણ કાઢતા. એમણે જ્યારે આ કહ્યું હોય ત્યારે નઈ તાલીમના હાર્દમાં નમ્રભાવે ઊતરવું જોઈએ.

આખરે નઈ તાલીમનું કેન્દ્રસ્થ તત્વ કયું છે ?

શિક્ષણનું કાર્ય એવી રીતે ચાલવું જોઈએ કે વિદ્યાર્થીને અનુભવ અને શબ્દ દ્વારા મળતું જ્ઞાન જોડાજોડ મળે; ખાસ કરીને પહેલાં સાત ધોરણમાં તો આ બેને અલગ પાડવાં જ નહિ.

જીવનની શરૂઆતના કાળમાં જ્યારે બાળક પહેલાં પગલા ભરતું હોય ત્યારે અનુભવ આપીને શબ્દ આપવા પર ભાર દેવો, અનુભવના પાયા વિનાનું જ્ઞાન ન આપવું તે વાત સમજવી  જરૂરી છે.

આપણે થોડા દાખલા લઇએ, માનો કે એક અનાથ બાળકની મા છેક બાળપણમાં જ ગુજરી ગઇ છે, અને તેની માસીએ તેને માતાના વાત્સલ્યથી મોટો કર્યો છે. માની કશી ખોટ વરતાવા નથી દીધી. હવે આ બાળક જ્યારે શાળામાં માતા પરની કવિતા ભણશે ત્યારે તેના હૈયામાં કોની મુર્તિ ખડી થશે ? માસીની. માસી તે મા નથી. મા તો ગુજરી ગઇ છે, પણ મા શબ્દ સાથેનો જ સંકેત છે તે સંકેત તેને માસી  પાસે દોરી જવાનો, કારણ કે અનુભવ માસીનો છે.

કોઈ અનાથાશ્રમના વત્સલ ગૃહપતિની પ્રેમાળ છાયામાં ઉછરેલ બાળક જયારે પિતા પરની કવિતા ભણશે ત્યારે તેને ગૃહપતિ યાદ આવશે.

નઈ તાલીમ આ પરથી એટલું જ કહે છે કે અનુભવ મહત્વનો છે. ડબ્બા પર લેબલ શું છે તે મહત્ત્વનું નથી, અંદર શું છે તે મહત્ત્વનું છે.

શ્રી મનુભાઈ પંચોલી ‘દર્શક’ નઈ તાલીમનું હાર્દ  સ્પષ્ટ કરતા કહે છે કે…’શ્રમ કરાવવો જોઈએ એવું હું નથી કહેતો. એ વાત તો શિક્ષણથી સાવ વિરુદ્ધ જ છે. શિક્ષક કોઈ દિવસ એમ નહિ કહી શકે કે આ કરાવવું જોઈએ. આવું બોલે એટલે શિક્ષક મટી ગયો ને જમાદાર થઈ ગયો. નાનાભાઈ ભટ્ટે કેળવણીનું આ શાસ્ત્ર એક પ્રસંગમાં જ મને સમજાવી દીધું. હું તો કંઈ ખાસ ભણ્યોગણ્યો છું નહિ. હું તો એમની પાસે બેસીને કેળવણીનું શાસ્ત્ર કંઈક સમજ્યો. જેવું આવડયું એવું કામ કર્યું. કોલેજ કે જી.બી.ટી.સી.નાં પગથિયાં જ નથી જોયાં ને ! પર આપણું તો થઈ ગયું સીતારામ. પણ એટલા પૂરવજનમનાં પુણ્ય કે હું નાનાભાઈ પાસે ગયો.

દક્ષિણામૂર્તિમાં હું સાવ નવોસવો. બીજે પાંચ-સાત ગૃહપતિઓ હતા. મારી આગળના ગૃહપતિ મહાદેવ.. નાનાભાઈની ઓફિસ મેડી ઉપર હતી. નીચે કંપાઉન્ડમાં એક છોકરાને મહાદેવ કહે : ‘કેમ તમે નથી વાળ્યું ? મેં કેટલી વાર કહ્યું તમને ? હું આ બિલકુલ નહિ ચલાવી લઉં. ચાલો, વાળી નાખો. તમારે આ વાળવું જ પડશે.”

નાનાભાઈ ઉપર બેઠેલા, એની મહાદેવને ખબર નહીં. નાનાભાઈએ આ સાંભળ્યું. એટલે બારણામાં ઊભા રહી, તાળી પાડી, ધીમેથી કહ્યું – “મહાદેવ, મહાદેવ.”

એટલે પેલા ભાઈ ઉપર આવ્યા. નાનાભાઈ કહે – “તમે શિક્ષક છો.”

મહાદેવ કહે : “નાનાભાઈ ! મેં એને ત્રણ-ચાર વાર કહ્યું. વાળે જ નહિ.. પછી શું કરવું ?”

“મહાદેવ ! મેં તમને છોકરાઓ પાસે છાત્રાલય વળાવવા રાખ્યા નથી. એ તો હું વીસ રૂપિયાનો જમાદાર રાખું તો પણ થઈ જાય. તમને આ પચાસ રૂપિયા શેના આપું છું ? તમે શિક્ષક છો. તમારે એને એ જાતે સમજીને વાળતો થાય તેમ કરવાનું છે.”

આપણા રામ તો સાંભળી જ રહ્યા ! ત્યારે ખબર પડી કે શિક્ષક થવું કેટલું આકરું છે. અને તે પછી ખબર પડી કે શા માટે લોકો શિક્ષકને માન આપે છે . કારણ કે એ કોઈની પાસે કામ કરાવતો નથી. પણ કામ કરતા કરવાની મનોવૃત્તિ જગાડે છે. એથી વિદ્યાર્થી તમે હાજર હો તો પણ કરે. અને તમે હાજર ન હો તો પણ કરે, અહીંયાં ન હો તો પણ કરે અને વિલાયમાં હો તો પણ કરે. એની ઉપર કોઈએ ચોકી રાખવાની જરૂર નથી, શિક્ષક સ્વયંશાસન, આત્મ-વિવેચન કે આત્મદર્શનથી સર્જે છે.

અમને કહે કે હવે તમે છેલ્લા-પહેલી કરો. એટલે અમે છોકરાઓ એકબીજાને પૂછીએ. અઘરામાં અઘરું હોય એ જ પૂછીએ. ‘નકશામાં ગંડક નદી બતાવ.’ ગંગા પૂછે તો  તો બતાવે. ગંડક કોણ પૂછે ? આના અનુસંધાનમાં મારા ચિત્તમાં એક કિસ્સો રહી ગયો છે. જે ઘણીવાર મને યાદ આવ્યા કરે છે..

અમરશી કરીને એક છોકરો હતો. સાવ ઠોઠ છોકરો ગણાય , એના મગજમાં આ શબ્દની દુનિયા ઝટ પેસે નહિ. એને મેં પૂછયું કે ગંડક બતાવ. એ ક્યાંથી બતાવે ?  ત્યારે નિયમ એવો કે ન આવડે તેને તમાચો મારવાનો. એટલે મેં એને તમાચો માર્યો. એનું ઓશિયાળું મોઢું મારા મનમાં અંકાઈ ગયું. એ વખતે એ મારી સાથે ચોથી ચોપડીમાં હશે. ઘણાં વર્ષો પછી એકવાર ચૂંટણી અંગે હું એના ગામમાં ગયો. વચ્ચે કોણ  જાણે ૧૫-૨૦ વરસ ગયા હશે. ગામમાં મેં  સભા કરી. બધું પૂરું થયું. ત્યાં પેલો અમરશી મારી પાસે આવ્યો. મને કહે – “મનુભાઈ, મને ઓળખ્યો ? હું અમરશી.”

મને તો કોઈ દિ’ ભુલાયેલું જ નહિ. મને કહે – “મનુભાઈ, મારે ત્યાં જમવા આવો.”

મેં કહ્યું – “સારું.”

એ તો ભૂલી જ ગયો હશે બિચારો. કાં તો એને એમ જ લાગતું હશે કે જગતમાં આવું જ હોય બધે. બુદ્ધિશાળીઓનું આવું વર્તન આપણે ચલાવી લેવાનું. હું ગયો એને ઘરે જમવા. ઘણી વાતો કરી. કહે – “ભગવાનની મહેરબાનીથી બધું સારું ચાલે છે. ભાઈઓએ ભાગ વહેંચ્યા. મારે ભાગે દશ વીઘાં જમીન આવી’તી. એક બળદ આવ્યો’તો. ખૂબ મહેનત કરી. સગાંસાંઈની મદદ લીધી. આમ કર્યું, તેમ કર્યું. અત્યારે બે જોડી બળદ છે. ૩૦-૩૫ વીઘા જમીન છે. ભગવાનને પ્રતાપે લીલાલહેર છે મનુભાઈ.”

ત્યારે મને વિચાર આવ્યો કે આ માણસને ગંડક બતાવતાં નો’તુ આવડ્યું એટલે માટે મેં એને તમાચો માર્યો હતો. હવે એ માણસ જીવનમાં કેટલો સફળ થયો છે ? મારે ભાગે આવી સ્થિતિ આવી હોત તો હું તો પાણીમાં જ બેસી જાત. ને આણે તો સંસાર જમાવ્યો. મને અમરશીની વાતે નમ્ર બનાવ્યો.

           નઈ તાલીમનું પગેરું

         “અન ટુ ધિસ લાસ્ટ” પુસ્તકના લેખક રસ્કિનની ફિલસૂફીથી પ્રભાવિત ગાંધીજીને ઈ.સ. ૧૯૦૪માં જણાએલું કે…

(૧) બધાનાં ભલામાં આપણું ભલું રહેલું છે.

(૨) આજીવિકાનો હક બધાને એક સરખો હોવાથી વાળંદ અને વકીલના કામનું મૂલ્ય એક સરખું છે.

(૩) શ્રમિકનું, ખેડૂતનું જીવન જ ખરું જીવન છે. આ વિચારોએ ગાંધીજીને શિક્ષણ વિશેના પોતાના મૌલિક પ્રયોગો દ્વારા પરિવર્તન લાવવાની પ્રેરણા પૂરી પાડી.

ઈ.સ. ૧૯૦૪માં આફ્રિકામાં સ્થાપેલ ફિનિક્સ આશ્રમમાં ગાંધીજીએ પોતાના પરિવારના બાળકોના શિક્ષણ માટે મૌલિક પ્રયોગો શરૂ કરેલા. તેમણે કરેલા આ પ્રયોગોમાં મળેલી સફળતાથી પ્રેરાઈને તેમણે પોતાના આ વિચારો ઈ.સ. ૧૯૦૮ની સાલમાં લખેલ હિંદ સ્વરાજ પુસ્તકમાં રજૂ કર્યા. આમ, નઈ તાલીમનો જન્મ ગાંધીજીની શિક્ષણ-પ્રયોગશીલતામાંથી થયો છે.

તા. ૨૨-૨૩ ઓકટોબર ૧૯૩૭માં શ્રીમન્નારાયણજીએ ગાંધીજીના અધ્યક્ષસ્થાને વર્ધા મુકામે મારવાડી વિદ્યાલયની રજત જયંતી નિમિત્તે યોજેલા રાષ્ટ્રીય કેળવણીકારોના એક સંમેલનમાં ગાંધીજીએ બુનિયાદી શિક્ષણનો વિચાર વ્યવસ્થિત રીતે રજૂ કર્યો. ચર્ચાના અંતે સહુની સંમતિ સધાતા તેને રાષ્ટ્રીય કેળવણી તરીકે સ્વીકારવામાં આવી અને તેના અમલ માટે ડૉ. જાકિર હુસેનના અધ્યક્ષ સ્થાને એક સમિતિની  રચના કરીને નઈ તાલીમના શ્રી ગણેશ કરવામાં આવ્યા.

           ૧૯૪૪ માં અંગ્રેજ સરકારે ગાંધીજીને જેલમાંથી છોડયા. તરત જ ગાંધીજીએ દેશના યુવાનોને નવી ચેતના અને દિશા દેવા માટે સેવાગ્રામ આશ્રમમાં બોલાવ્યા. ગાંધીજીએ યુવાનોને કહ્યું : નિરાશા છોડો, બહુ જલદી આપણે સ્વતંત્ર થઈશું. સ્વાતંત્ર્ય મળ્યા પછી સૌ પોતપોતાના કામમાં પડી જશે અને છેવાડાનો માણસ વિસરાઈ જશે. તેને કેળવણી આપી આત્મસન્માન કોણ અપાવશે ? સૌ ગામડાંમાં જાવ અને ગ્રામસેવા – ખાદી ગ્રામોદ્યોગ – શ્રમની કેળવણી દ્વારા વંચિતોને બેઠા કરો. ગામડાંમાં જવા માટે બાપુએ ત્રણ શરતો રાખી : ૧) ગામ નાનું, પાંચસોથી ઓછી વસતિવાળું હોય ૨) ગામમાં પ્રાથમિક શાળા ન હોય ૩) ગામ કોઈ સડક કે રોડ પર ન હોય અને રેલવે સ્ટેશનથી ઓછામાં ઓછું પાંચ કિમી દૂર હોય.. બસ, આ ત્રણ શરતો લઈને યુવાનો નીકળી પડયા. તેમાંથી સર્જન થયું ગ્રામ દક્ષિણામૂર્તિ-આંબલાનું, લોકભારતી – સણોસરાનું, લોકવિદ્યાલય – વાળુકડનું, વિશ્વમંગલમ – અનેરાનું, ગાંધી વિદ્યાપીઠ – વેડછીનું, સરદાર કન્યા વિદ્યાલય-સ્વરાજ આશ્રમ-બારડોલીનું,  લોકશાળા – ખડસલીનું…અને ઉત્તર ગુજરાતમાં કેશુભાઈ ભાવસાર તો દક્ષિણ ગુજરાતમાં જુગતરામકાકાએ તો આહલેક જગાવી. આ અનેક સ્થાનકો એ સઘળાં ગાંધીની કલ્પનાના કેળવણીધામ ! ચારે તરફ વનરાજી, સાદા – સુઘડ મકાન, ખેલકૂદના વિશાળ મેદાનો, ગાયોની ઘંટડીનો મધુર અવાજ, કેસર કેરી – ચીકુ – નાળિયેર – લીંબુ અને અંજીર થી છલકતાં ખેતરો, કુમાર અને કન્યા માટે છાત્રાલયો, છોકરાઓ માટે ખેતી અને છોકરીઓ માટે ગૃહવિજ્ઞાન વિદ્યાના ઉદ્યોગોનું શિક્ષણ, પ્રાર્થના – વિદ્યાર્થીની આમ સભા – સફાઈ – શ્રમ અપરંપાર. ભણવું ન પડે, શીખવું ન પડે પણ જીવતાં જીવતાં શીખાતું જાય ! ગાંધી – કેળવણીનું હાર્દ એટલું જ કે : નાનામાં નાના બાળકને પણ લાગવું જોઈએ કે તે પણ કંઈક છે અને તે પણ કંઈક કરી શકે છે…! 

ગાંધીની કેળવણીમાં મસ્તકનું શિક્ષણ છે, હૈયાંની સમજણ છે અને હાથ પગની પ્રવૃત્તિઓ છે. અહીં હૈયું – મસ્તક – હાથના સરવાળાથી આખા  માણસનો સર્વાંગી વિકાસ થાય છે. મસ્તક અને હાથ નવરા પાડવા નથી એટલે શયતાનિયત જન્મ લેતી નથી અને હૈયું વેરઝેરનો હિસાબ માંડતું નથી એટલે ત્રાસવાદનો કોરડો વીંઝાતો નથી. ગાંધી કેળવણીમાં તો તરુણ ભરચક્ક જીવતો જાય અને કરતાં – કરતાં શીખતો જાય !  

      નઈ તાલીમનો અમૃતકાળ 

  1. રાષ્ટ્ર સ્વતંત્ર થાય તે પહેલાં ગાંધીજીએ નઈ તાલીમના બીજ ઠેર ઠેર રોપ્યાં અને ફલત: અનેક સ્થળોએ ગાંધી સમર્પિત કાર્યકરો ગામડે ગામડે લોકશાળાઓ કે બુનિયાદી  શાળાઓ કે ઉત્તર બુનિયાદી શાળાઓ સ્થાપીને પાયાનું કામ કરવું આ લાગ્યા. લોકશિક્ષણનું પાયાનું કામ શરુ થયું. ગાંધીએ જેમને છેવાડાનો માણસ કહેલો ત્યાં સુધી કેળવણીની પ્રયોગશાળાઓ કાર્યરત થઇ ગઈ અને તેનો સ્વીકાર થવા લાગ્યો કારણ એ લોકોપયોગી છે તેવું ખુદ લોકોને જ લાગવા લાગ્યું. શિક્ષણના એક પ્રવાહ તરીકે તેનો સ્વીકાર થવા લાગ્યો. 
  2. ૨૧મી સદીની દુનિયામાં વિકસિત તથા વિકાસશીલ દેશોની સરકારોએ પાયાના ક્યા ક્યા સિદ્ધાંતો, મૂલ્યો, દ્રષ્ટિકોણ અને વ્યવહારો પોતાના દેશની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઘડવામાં અપનાવવા જોઈએ તેનું મૂલ્યવાન માર્ગદર્શન શ્રી જેક્યુઝ ડેલોર્સની અધ્યક્ષતામાં વિશ્વના વિવિધ ક્ષેત્રના સમર્થ વિદ્વાનોના બનેલા ૧૫ સભ્યોના આયોગે યુનેસ્કોને આપેલ છે. અનેકવિધ વિદ્વાનો અને નિષ્ણાંતોના સંહિયારા શાણપણનો અર્ક નીચેના ચાર આધારસ્તંભોમાં સમાવિષ્ટ છે.

(1) Learning to Know – જાણવા-માહિતી-જ્ઞાન માટેનું શિક્ષણ

(૨) Learning to Do – પ્રવૃત્તિ દ્વારા સર્જન કરવા માટેનું શિક્ષણ

(૩) Learning to Live together – સમૂહજીવનનું શિક્ષણ

(૪) Learning to Be – કૌશલ – વિકાસ માટેનું શિક્ષણ

  1. યુનેસ્કોએ તૈયાર કરાવેલ આવતીકાલના ટકાઉ શિક્ષણ માટેના સૂચિતાર્થોને કોઈપણ સામાન્ય અભ્યાસ જો નઈ તાલીમના પાયાના તત્ત્વો-તંત્ર સાથે સરખાવશે તો ખ્યાલ આવશે કે એ નઈ તાલીમની નવી આવૃત્તિ સમાન છે! નઈ તાલીમ મનુષ્ય જાતિના અસ્તિત્વ સુધી કાયમ પ્રસ્તુત જ રહેવાની છે. કારણ કે નઈ તાલીમ એ શિક્ષણ જગતનું સત્ય છે.
  2. એક પ્રશ્ન થવો જોઈએ કે શિક્ષણનો અભ્યાક્રમ કેવો હોવો જોઈએ ? જો કે, આ પ્રશ્નનો બહુ ઊંડાણથી વિચાર તો છેક વેદકાળથી થતો આવ્યો છે. ચાર વેદ અને છ વેદાંગોમાં ઘણી બધી વિદ્યાનો સમાવેશ થઈ  જાય છે. શિક્ષણ વિષયક છ અંગો આ રહ્યાં : 

1) શારીરિક (શિક્ષણ)     2)  ઔદ્યોગિક (કલ્પ)      3) ભાષાકીય (વ્યાકરણ)               

 4) સામાજિક(નિરુક્ત)          5) કલાવિષયક (છંદસ )     6) વ્યાવહારિક (જ્યોતિષ) :

રસોઈ કરવાથી લઈને આધિભૌતિક વિજ્ઞાન સુધીની બાબતોનો અહીં સમાવેશ છે. 

        શિક્ષણનાં આ છ મુખ્ય અંગોમાં ઓછું-વત્તુ ખેડાણ આપણે ત્યાં પહેલેથી થતું આવ્યું છે.. નઈ તાલીમ એ આ છએ છ અંગોને સ્પર્શે છે, તેથી તેનો સાદર સ્વીકાર પુરા રાષ્ટ્ર દ્વારા થવો જોઈએ તેવું સૌ શાસકો કહ્યા વગર સ્વીકારે છે પણ તેઓ ગાંધીનું નામ એની સાથે જોડતાં ગભરાય છે !! તે ત્યાં સુધી કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ના હાર્દ રૂપ તત્ત્વોમાંથી એંસી ટકા તો નઈ તાલીમની કેળવણીના છે,  છતાં એ નીતિના દસ્તાવેજમાં ક્યાંય ગાંધીજીનું નામ નથી !! જો કે, આ વાત જ એ પ્રતીતિ કરાવે છે કે રાષ્ટ્રના અમૃત પર્વ ટાણે નઈ તાલીમને તો પંચ્યાશી વર્ષો થયા છતાં એમનુ નામ લીધા વિના એનો સ્વીકાર કરવો પડે છે તે જ તો તેનો વિશિષ્ટ-અમૃતકાળ  છે.

         મહાત્મા ગાંધીજીના શબ્દોમાં તેઓએ પ્રબોધેલી  કેળવણીની પદ્ધતિ વિષે તેઓના જ શબ્દો જાણીને વિરામ લઈએ:: 

         ‘મારી નઈ તાલીમની વ્યાખ્યા એ છે કે, જેને નઈ તાલીમ મળી છે તેને જો ગાદી પર બેસાડશો તો તે ફૂલાશે નહીં અને ઝાડું આપશો તો તે શરમાશે નહીં. તેને માટે બંને કામની સરખી જ કિંમત હશે. તેના જીવનમાં નકામા મોજશોખને તો સ્થાન હોઈ જ ન શકે. તેની એક પણ ક્રિયા અનુત્પાદક કે અનુપયોગી નહીં હોય. નઈ તાલીમનો વિદ્યાર્થી ઢબ્બુ તો રહી જ ન શકે, કેમકે, તેના પ્રત્યેક અંગને કામ મળશે, તેની બુદ્ધિ તથા તેના હાથ સાથે સાથે ચાલશે.’

           “લોકો હાથે કામ કરશે ત્યારે બેકારી અને ભૂખમરાનો તો સવાલ જ નહીં રહે. મારી નઈ તાલીમ અને ગ્રામોદ્યોગ એક જ સિક્કાની બે બાજુઓ છે. એ બંને સફળ થશે તો જ સાચું સ્વરાજ આવશે.”

            “જુઓ, આ નઈ તાલીમનું કામ મારા જીવનનું છેલ્લું કામ છે. ભગવાને એને પૂરું કરવા દીધું તો હિંદુસ્તાનનો નકશો જ બદલાઈ જશે. આજની કેળવણી તો નકામી છે. જે છોકરાઓ શાળા-કોલેજોમાં શિક્ષણ મેળવે છે તેમને અક્ષરજ્ઞાન ઉપરાંત બીજું પણ કંઈક જોઈએ છે. એ અક્ષરજ્ઞાન આપણાં બીજાં અંગોને નકામાં બનાવી દે તો કહીશ કે, મારે તમારું જ્ઞાન નથી જોઈતું.. સારાંશ એ છે કે, હરેક પ્રકારના શરીરશ્રમ કરનારા જોઈએ અને એની સાથે સાથે સૌને માટે અક્ષરજ્ઞાન પણ જોઈએ. જે જ્ઞાન મુઠ્ઠીભર લોકોની પાસે જ હોય તે મારે કામનું નથી. હવે સવાલ એ છે કે, સૌને એ જ્ઞાન કેવી રીતે મળે ? એ વિચારમાંથી નઈ તાલીમનો જન્મ થયો છે. હું તો કહું છું કે, નઈ તાલીમ સાત વરસના બાળકથી નહીં, માના ગર્ભથી શરૂ થવી જોઈએ. એનું રહસ્ય તમે સમજી લો. મા પરિશ્રમ કરનારી હશે, વિચારવાન હશે, વ્યવસ્થિત હશે, સંયમી હશે તો બાળક પર એના સંસ્કાર માના ગર્ભમાંથી જ પડશે.”

 

આત્મજ્ઞાન એ જ તો આત્મબળ

આત્મજ્ઞાન કોઈ એક જગ્યાએ છુપાઈને બેઠું હોય એવું નથી..!!

ભદ્રાયુ વછરાજાની                                                   bhadrayu2@gmail.com 

આપણે દૈનનંદિની દરમ્યાન અન્ય માટે ઘણું જીવીએ છીએ. આપણા માટે પણ જરૂરી

જીવતા હોઈએ છીએ. પણ આપણા સ્વ  માટે કે આપણા આત્મન  માટે જીવવાનું ચુકી

જવાતું હોય છે. અન્ય ધર્મોની સરખામણીએ જૈન ધર્મમાં આત્મા અને આત્મબળ અંગે

ઘણું ઊંડાણથી વિચારાયું છે. 

જે દુનિયાને જીતવા નીકળ્યો છે તે જૈન છે. એનો ગુઢાર્થ એવો છે કે જે પોતાની સ્વતંત્ર

હસ્તીને ઓગાળી નાખવા માટે તત્પર છે, અથવા પોતાની સ્વતંત્ર હસ્તી રાખવા માંગતો જ નથી એ જીતી શકે છે. જીતવું એટલે અન્ય ઉપર વિજય નહીં, પણ જીતવું એટલે મારા ઉપર, મારી ઇન્દ્રિયો ઉપર, મારા વ્યવહાર ઉપર વિજય અને આ કરી  શકે એ ખરેખર જૈન. એટલે કે મારાં આત્મબળ ઉપર મારો વિજય થાય તો  હકીકતમાં એ જીતનારો છે અને એ  જૈન છે. 

ધર્મની અનેક વ્યાખ્યાઓ આપણે કરી છે. કોઈ કહે કે ‘પદાર્થ કે વસ્તુનો સ્વભાવ છે’, કોઈએ વળી એવું કહ્યું કે ‘એ તો કુદરતનો એક કાનૂન છે’. એક સરસ વ્યાખ્યા એવી પણ મળી કે ‘કર્તવ્ય, આચારસંહિતા, જીવનના માર્ગદર્શક સિદ્ધાંતોની યાદી બનાવો અને એ પ્રમાણે જીવો તો તમે ધાર્મિક છો’. ઉપનિષદ આ બધાને જોડતી એક અતિ ઉત્તમ વાત કરે છે.ઉપનિષદનું વાક્ય છે  एकं सद्विप्रा बहुधा वदन्ति , સત્ય તો એક જ છે. એને

જોવાના આપણા બધાના દ્રષ્ટિકોણ અલગ અલગ છે. કદાચ દ્રષ્ટિ બદલાય પણ તેથી સત્ય બદલાતું નથી. ધર્મદર્શન અને ધર્મજીવન એટેલ જૈન પરંપરા. અનેકાન્તની ઉદાર દ્રષ્ટિ એ હકીકતમાં ‘ધર્મદર્શન’ અને આંતરબાહ્ય સુધીનો દ્રઢ આગ્રહ એ ‘ધર્મજીવન’. આ આંતરબાહ્ય શુદ્ધિની વાત એ આત્મજ્ઞાનની વાત છે,  આત્મબળની એક મોટામાં મોટી ફલશ્રુતિ છે. સમણ સુત્તમમાં ૭૫૬ ગાથાઓ છે, જે એક આધારભૂત જૈનગ્રંથ છે,  જેની પ્રસ્તાવના ફકીર, સંત શ્રી વિનોબાજીએ લખી છે. એ સમણસુત્તમના ચાર સૂત્રોમાં ‘આત્મબળ અથવા આત્મજ્ઞાન’ સ્પષ્ટ થાય છે. એમના  પહેલા  ખંડમાંથી સંયમની,  બીજા ખંડમાંથી તપની, ત્રીજા ખંડમાંથી સૃષ્ટિની અને ચોથા ખંડમાંથી સમન્વયની વાત લઈએ,  તો આ ચારનો સરવાળો  આપણને ‘આત્મજ્ઞાન’ તરફ દોરી જઈ શકે. મહાવીર માર્ગ કયો હતો ? આ જ તો માર્ગ હતો, સંયમનો, તપનો, સૃષ્ટિ સાથેના પ્રેમનો  અને સર્વેના સમન્વયનો માર્ગ..ટૂંકમાં, જો હું સંયમિત હોઉં,  જો હું સતત તપ એટલે એકાગ્રતા, ઉપાસના, સાધના કરતો રહું … જો હું સૃષ્ટિ સમગ્ર સાથે પ્રેમ કરતો હોઉં કે  જેમાં માણસ જ આવે એવું નહીં,  એમાં પશુ પક્ષી સૌ આવે..અને જો આ સમગ્ર પદાર્થ જડ, ચૈતન્ય જે કાંઈ છે એનો સમન્વય કરી શકું તો એ સર્વેનો સમન્વય મારું  આત્મજ્ઞાન પ્રેરવા માટે બહુ મોટો આધાર છે. 

એમ કહેવાય છે કે અસંખ્ય જન્મોના પુણ્યોનો ઉદય થાય ત્યારે જે  પ્રાપ્ત કરવાનું મન થાય એને ‘આત્મજ્ઞાન’ કહેવાય છે. જે જ્ઞાન મેળવ્યા પછી આખા વિશ્વમાં કંઈપણ જાણવાનું બાકી ન રહે તેને ‘આત્મજ્ઞાન’ કહે છે. તુલસીદાસજી એ સુંદર ઉક્તિમાં કહે છે,

તુલસી પીછલે પાય સૌં,,હરિ (બ્રહ્મ) ચર્ચા ન સોહાઈ

જૈસે જ્વર કે અંશ સે,,ભૂખ બિદા હોઈ જાઈ |

આપણું  શરીર જરાક તપવા માંડે ને તાવ આવે તો ભૂખ આપોઆપ મરી જાય છે. જ્યાં

સુધી આપણી અંદર ને આજુબાજુની અનેક ઇન્દ્રિયોના આકર્ષણ હશે, જ્યાં સુધી આપણી

અંદર અહમભાવ ભરચક્ક હશે ત્યાં સુધી બ્રહ્મને પ્રાપ્ત કરવાની આપણી અભિલાષા જાગશે  નહીં. કારણ કે પેલો તાવ છે એ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવાની ભૂખને ભાંગી નાખે છે. અનેક પક્ષીવિદોએ સાબિત કર્યું છે કે  વારંવાર અનેક ફળમાં ચાંચ મારનારો કાગડો જયારે આંબા ઉપર ફળ બેસે ત્યારે એમાં ચાંચ ન મારી જાય એટલા માટે કાગડાની ચાંચમાં એ સમયે ગમે ત્યાંથી કોઈ રોગ આવી જાય છે. અને એ સમયે કાગડો આંબામાં  ચંચુપાત કરી શકતો નથી. આનો અર્થ એ થયો કે આપણને જયારે આંબા જેવું રસદાર ફળ મળે જેમાંથી સોમરસ જેટલો આનંદ મળે એ તમે ન પ્રાપ્ત કરી શકો એનું કારણ શું ? કારણકે આપણી ચાંચમાં હજી રોગ છે, આપણી ચાંચ એટલે આપણું જીવન. હજુ આપણે ફેલાયેલા છીએ, વિસ્તરેલા છીએ, અનેકમાં વહેંચાયેલા છીએ, સ્વ તરફ વળ્યા નથી, આપણને ભૌતિક સુવિધાઓનો આનંદ જોઈએ છીએ અને સતત સતત અહમ પોષવા જોઈએ છીએ એટલે આપણે પાકેલા આંબાને બરાબર ચાખી શકતા નથી. આત્મજ્ઞાન કોઈ એક જગ્યાએ છુપાઈને બેઠું હોય એવું નથી.

આત્મજ્ઞાન હાથવગું છે ખરું, પણ…??

************************************************************************                       

દેવર્ષિ નારદ તો અનેક જ્ઞાન સાથે આ બ્રહ્મલોકમાં આવ્યા પણ એ જ્યાં જાય ત્યાંથી પાછા ફરે. જ્યાં જાય ત્યાંથી સફળતા એક વેંત છેટી રહી જાય. આખા બ્રહ્માંડમાં ફરીને, હારીને, થાકીને નારદજી શુકદેવજી પાસે આવે છે. અને શુકદેવજીને કહે છે કે મને તમે આત્મજ્ઞાન આપો. શુકદેવજી કહે છે તમારી પાસે કેટલું જ્ઞાન છે એ પહેલાં તમે મને કહો અને નારદજીએ તો આખી યાદી આપવા લાગી. મને ભાગવતનું, ઉપનિષદોનું, વેદોનું જ્ઞાન છે,.. આ યાદી પુરી

થઇ કે તરત શુકદેવજી બોલ્યા: ‘જ્યાં સુધી આ બધું હું જાણું છું એવો તમારો અહમ નાશ નહીં

પામે ત્યાં સુધી હું તમને આત્મજ્ઞાન સુધી લઇ જઈ નહીં શકું.’  જો નારદજીને પણ આવો 

જવાબ શુકદેવજી તરફથી મળ્યો હોય તો આપણે આત્મજ્ઞાનથી છેટે રહ્યા છીએ એવો 

અફસોસ કરવા જેવું નથી. પણ અફસોસ ન કરવાની વાત ઉપર રાજી થવા જેવું નથી. આપણે યાદ તો એ રાખવું પડે કે નારદજીને જે જવાબ શુકદેવજીએ આપ્યો અને નારદજી આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા અંતે બધું જ ભૂલી જવા લાગ્યા એમ આપણે પણ ‘હું શું છું’ તે ભૂલી જવું પડશે તો આપણને આત્મજ્ઞાન હાથવગું રહેશે. 

ઋષિઓ હાર્યા, મુનિઓ હાર્યા, હાર્યા સંત મહંત 

વેદપુરાણો પાર ન પામ્યા, તે છે બ્રહ્મ અનંત !

અનંત બ્રહ્મ છે એટલે એનું  અનંત બ્રહ્મજ્ઞાન છે.

સ્પિરિચ્યુઅલ સીકર્સના બે પ્રશ્નો છે. “હું કોણ છું ?”  બીજો પ્રશ્ન છે,  “તે કોણ છે ?” 

જયારે હું ‘કોણ છું ?’ ની શોધમાંથી પોતાની જીવનની યાત્રાને પસાર કરીએ ત્યારે જે જવાબ મળે છે તે આત્મજ્ઞાન છે. હું કોણ છું ? અહીં શા માટે આવ્યો છું ? મારે શું કરવાનું છે ? Who am I ? એમ ખોજવાથી જે  જવાબ મળે છે તેને આત્મજ્ઞાન કહેવાય છે. પણ ‘તે કોણ છે ?’  એનો જવાબ એ  ‘બ્રહ્મજ્ઞાન’ છે. જેમ ‘હું કોણ છું ?’ માં અંતર્યાત્રા ચાલી એમ ‘તે કોણ છે ?’ માં પણ અંદરની યાત્રા ચાલશે કે આ બધું કરનારો કોણ ? હું જીવ છું તો જીવને ચલાવનાર કોણ ? તે કોણ છે જે આ બધું કરે છે ?  એનો  જયારે જવાબ મળે ત્યારે એને ‘બ્રહ્મજ્ઞાન’  કહેવાય છે. ‘હું કોણ છું ?’ ની યાત્રા અને ‘તે કોણ છે ?’  ની યાત્રા જ્યાં મળે એ પળ  હકીકતમાં શૂન્યત્વની પળ છે. આ બે  યાત્રા જ્યાં ભેગી થાય ત્યાં જીવ અને શિવ એક બને છે. ત્યાં જવાબ મળે છે હું પણ નથી, કે તું પણ નથી,  તત્ત્વમસિ છે. તું જ તે જ છે, આ બે અલગ અલગ નથી,  પણ બંને એક છે એ તત્ત્વમસિનો પરિચય આપણને આ યાત્રામાંથી મળી રહે છે અને ત્યારે આત્મભાવ જાગૃત થાય છે. 

આત્મભાવને જાગૃત રાખવા માટે શું કરવું જોઈએ ? સતત એ યાદ રાખવું પડે  કે આ દેહ છે પણ  દેહ તે હું નથી. ખાઈએ, સુઈએ,ચાલીએ, બોલીએ , કોઈની સાથે કોઈ વ્યવહાર કરીએ ત્યારે અંદર નામસ્મરણની જેમ ગુંજતું રહેવું જોઈએ કે મારામાં આત્મભાવ છે અને આ હું જે કરી રહ્યો છું તે અન્ય કોઈ કરી રહ્યું છે. આત્મભાવ દેહમાં ઉમેરાઈ જાય  ત્યારે દેહ પણ એવી રીતે વર્તવા લાગે  કે એ પોતે કશું નથી.. આવા આત્મસાક્ષાત્કાર દ્વારા આત્માને જાણવો એ ખરેખર આત્મજ્ઞાન છે. આત્મજ્ઞાન એટલે આત્માનું જ્ઞાન ખરું પણ આત્મજ્ઞાન એટલે અનુભવ દ્વારા પ્રાપ્ત થયેલું આત્માનું જ્ઞાન. જે કરો છો એને અનુભવમાં મુકો અને તે દરમિયાન જે પ્રાપ્ત થાય છે એ આત્મજ્ઞાન છે. કશુંક કરતા રહેવાનો અનુભવ ભાથું બંધાવે છે. વધુમાં વધુ અનુભવ, વધુને વધુ વાંચન, વધુમાં વધુ સત્સંગ અને  મૌન રહેવું, ખળખળ વહેતી નદીની સામે પલાંઠી મારીને બેસી રહેવું  અને એનું વહેવાનું અંદર ઉતરવા દેવું. અંદર ઉતરશે ત્યારે એ મારાપણાની સીમાને ઓળંગી જશે. ત્યારે મને ખ્યાલ આવશે કે આ નદી ખળખળ વહી  રહી છે એની પાસે દેહ તરીકે હું ક્યાં કંઈ જ છું ? આ  જે પ્રાપ્ત કર્યું એની સાધના કરવાની શરૂઆત એ સ્પિરિચ્યુઆલિટી છે, અધ્યાત્મ છે. 

રોજ જે કરીએ છીએ  એ ક્રિયાકાંડ છે, કર્મકાંડ છે, અધ્યાત્મ નથી. કશું જ કર્યા વગર પણ મારા દૈહિક ભાવને છોડતો રહું તો એ મારું  અધ્યાત્મ છે.

બ્રહ્મને જાણવું હોય તો ??

++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

આદિ શંકરાચાર્યે એક સરસ તર્ક રજૂ કર્યો હતો. એમણે કહ્યું દ્રશ્ય અને દ્રષ્ટા હંમેશા અલગ અલગ હોય. એટલે દ્રશ્ય સામેનું અને હું એને જોનારો બે અલગ છે. જે જોનાર છે તે જે દ્રશ્ય જોઈ રહ્યો છે તેનાથી પૃથક છે. નદી વહે છે તે દ્રશ્ય છે. જોઉં છું તે હું છું. હવે આ તર્ક મુજબ આપણા શરીરને પણ જોવાનું છે. હું થાળીમાંથી કોળિયો મોઢામાં મૂકી રહ્યો છું ત્યારે મારામાં બેઠેલા ત્રીજા પુરુષ એકવચને જોવાનું છે કે મારા દેહનો હાથ ઉંચકાણો છે અને એણે કોળિયો મોઢામાં મુક્યો છે. આવું થશે ત્યારે જ દ્રશ્ય અને દ્રષ્ટા એ બંને એક થઇ જશે. અને એ આત્મજ્ઞાનની શરૂઆતની પહેલી ઘડી  છે. 

આત્મજ્ઞાન એ આત્મબળ આપે છે. કોઈ પણ કાર્ય કરવા માટે પ્રવૃત કરે છે, પ્રેરિત કરે છે. કેમ કરે છે આવું  ? કારણ તેમાં  હું નો  કર્તાભાવ આવતો નથી. I am not the doer હું કરનારો નથી. સૃષ્ટિમાં પરમાત્મા છે એનો અંશ મારામાં આત્મારૂપે છે એ બધું મારી પાસે કરાવી રહ્યો છે. આપણે એમ કહીએ કે,  ‘હું તમને પૈસા આપીશ.’  આવા વાક્યો નહીં બોલવા. પણ ફેરવીને કહેવું કે  ‘સાંજે મારા દ્વારા તમને નાણાં પહોંચે એવી વ્યવસ્થા કરીશ.’  હું વાયા મીડિયા છું, હું નિમિત્તમાત્ર છું.  એ ભાવ આવે એ આત્મજ્ઞાન છે. આનાથી બ્રહ્મ તરફ જવાશે. બ્રહ્મ ખાસ્સું મોટું છે. કારણકે ‘હું કોણ છું ?’ એ  જાણી શકું

એમાં જો મને આટલી તકલીફ પડે તો ‘તે કોણ છે ?’  એ જાણવું તો અતિ મુશ્કેલ હોય.

એક કથા પ્રચલિત છે. એક કૂવાની અંદર દેડકો તેના  નાનાં નાનાં બચ્ચાઓ સાથે રહેતા હતા અને કુવામાંથી ગામના લોકો પાણી ભરતાં  હતા. કોઈ પનિહારીએ અંદર ઘડો નાખ્યો અને ઘડાની અંદર દેડકાનું એક બચ્ચું પાણી ભેગું બહાર આવી ગયું. બહાર આવ્યું ને જેવું એ ઠલવાયું એટલે એ બહાર કૂદયું. ત્યાં એની સામે એક મોટો બધો બળદ ઉભો હતો અને બળદનું પેટ એકદમ ફુલેલું હતું. દેડકીને બહુ આશ્ચર્ય થયું કે આ શું છે ? પણ એને કંઈ સમજાયું નહીં. અને સમજે એટલી વારમાં ઉછળકૂદ કરતા ફરી વખત એનો પગ લપસ્યો ને જઈ પડ્યું કૂવામાં. તાત્કાલિક એની મા ને મળ્યું અને કહ્યું, ‘ મા હું આજે

બહાર ગયું  હતું  તો એક બળદ મળ્યો.’  બળદ એટલે શું એ તો કોઈને ખબર નથી. પણ મોટા મોટા પેટવાળો હતો. હવે આ પેટ શબ્દ કોમન છે. પેટ તો આપણામાં, બળદમાં  અને દેડકીમાં પણ છે. એટલે એની મા એ કીધું કે,  ‘કેવડું પેટ હતું ?’  કહે,  ‘ મા ગજબ મોટું પેટ હતું’. એટલે દેડકાની મા એ બાળકને રાજી કરવા માટે પોતાનું ફુલાવ્યું. તો કહે,  ‘આવડું હતું ?’  તો કહે,  ‘ના… આનાથી મોટું હતું.’  વધુ ફુલાવ્યું અને કહે,  ‘આવડતું હતું ?’  તો કહે, ‘ના આનાથી તો ક્યાંય મોટું હતું.’  અને દેડકીએ છેલ્લો પ્રયત્ન કર્યો કે હવે મારા બાળકને ખોટું નથી પડવા દેવું એટલું જોરથી પેટ ફુલાવ્યું,,  પણ પેલું બાળક

જોવે એ પહેલાં એનું પેટ ફાટી ગયું….  આપણા પ્રયત્નો પણ માત્ર પેટ ફુલાવીને દંભ કરવાના ન હોવા જોઈએ. બ્રહ્મ કેટલો છે એની કોઈ નિશ્ચિતતા આપણી પાસે નથી. પણ કોઈ સર્જનહાર છે જે નાનકડા અણુનું,  નાનકડી કીડીનું અને બહુ મોટા હાથીનું પણ સર્જન એ કરે છે. આપણે યાદ રાખવું પડે કે આપણી હાલત પેલી દેડકાની મા જેવી ન થાય. 

ઘણી વાર આપણે દેખાડાને કારણે ધર્મજ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તેના બહુ ગાણાં ગાતા હોઈએ છીએ. ‘હું તો આટલા સ્તોત્ર કરું છું, એટલા કલાકો પૂજામાં ગાળું છું’  એવું જે માણસ બોલે એને હજુ આત્મજ્ઞાનને ઘણી વાર છે,  એમ સમજવું. જેને આત્મજ્ઞાન થઇ ગયું,  તે થયેલું કદી બોલશે નહીં, કરેલું કદી ઉચ્ચરિત કરશે નહીં. શાસ્ત્રમાં એ વાક્ય છે કે ‘બ્રહ્મનું સ્વરૂપ કેવું ?’  બહુ જ પ્રચલિત જવાબ છે: अणोरणियान महतो महीयान એટલે કે અણુ કરતા પણ સૂક્ષ્મ છે અને બહુ મોટું હોય એનાથી પણ એ મોટું છે. તો આ સૂક્ષ્મત્તમ અને મહત્તમ બ્રહ્મનું જ્ઞાન જો પ્રાપ્ત કરવું હોય તો પહેલાં  આત્મજ્ઞાન સુધી પહોંચવું આવશ્યક બનશે.

सोहम् शिवोहम् એ જ શું આત્મજ્ઞાન છે ?

**********************************************************************************

એક વેપારી ટ્રેનમાં બેઠો હતો, ટ્રેન ઉભી રહી ત્યાં એક ભિખારી આવ્યો અને કહ્યું કે,  શેઠ મને કંઈક આપો ભૂખ્યો છું. વેપારીએ કહ્યું કે,  મારી પાસે તને આપવાનું કૈં છે નહીં. બીજો દિવસ થયો ને એ જ શેઠ ને એ જ વેપારી ફરીવાર એક બીજાની સામે આવ્યા. એ જ સંવાદ થયો. એટલે પેલા શેઠે થોડા મૃદુ થઈને  કીધું કે,  ‘તારી પાસે આપવાનું તો કંઈ છે જ નહીં,  તો તને સામે કોઈ આપશે ક્યાંથી ?’  હવે ગાડી તો ચાલી ગઈ પણ એક વિચાર પેલા ભિખારીના મનમાં બેઠો કે ભલે એણે કંઈ આપ્યું નહીં પણ એણે વાત તો સાચી કરી.. તમે કશુંક આપો તો કશુંક મળે. પણ એને થયું કે હું શું આપું. હું પોતે જ ભિખારી છું, કોઈક પાસે માંગીને પેટ ભરું છું. વિચાર કરતો હતો એ જ સમયે એની નજર આજુબાજુમાં સુંદર મજાના ફૂલો જે આપોઆપ ખીલ્યા હતા એના તરફ પડી. એને વિચાર આવ્યો કે આ ફૂલો હું ચૂંટી લઉં અને જે મને કશુંક આપે એને સામે હું ફૂલ આપું. એને ફૂલ આપીશ તો એ રાજી થશે. એમણે શરૂઆત કરી.  જેવું કોઈ પાંચ રૂપિયા કે એવું કંઈ મૂકે એટલે સામે નાનકડું સ્મિત કરે અને હાથમાં ફૂલ મૂકે. લોકો રાજી થઈ જઈ કહે  ‘વાહ ભિખારી ઉઠીને કશુંક આપે છે’ થોડો સમય વીત્યો ત્યાં ફરી એકવાર પેલા શેઠ એ જ ગાડીમાં નીકળ્યા ત્યાં આ ભિખારીભાઈ એની પાસે પહોંચ્યા. એના હાથમાં પુષ્પો હતા અને કહ્યું કે સાહેબ પાંચ દસ રૂપિયા આપો જુઓ હું તમને પુષ્પ આપું છું. તમે જ મને શીખવ્યું હતું ને કે તમે કંઈક આપો તો કોઈક  આપે. એટલે પેલો વેપારી ખુશ થઈ ગયો અને ભિખારીને પૈસા આપ્યા. પણ એ તો વાણિયો શેઠ  સલાહ આપ્યા વગર કશું આપે નહીં. એટલે સરસ સલાહ આપી કે,  ‘હવે તું કંઈ ભિખારી નથી. તું તો વેપારી છો’. ટ્રેન ઉપડીને આગળ ચાલી. ભિખારીના મનમાં પ્રશ્ન થયો કે,  એમણે પહેલી વખત પ્રશ્ન આપ્યો તો મને કંઈક પ્રાપ્ત થયું.  બીજી  વખત પણ એણે કંઈક વાત કરી છે કે,  ‘તું હવે કંઈ ભિખારી નથી. વેપારી છો’  અને એણે પુષ્પોને સુંદર મજાના ગુચ્છમાં  ફેરવી નાખીને એનું નાનું હાટડુ  માંડ્યું. લોકો એની પાસેથી પુષ્પ ગુચ્છ લેવા મંડ્યા  અને માગ્યા વગર પૈસા આપવા મંડ્યા. ધીમે ધીમે કરતા એની મોટી દુકાન થઈ ગઈ. થોડા વખત પછી એ સક્ષમ

બન્યો. એકવાર  ટ્રેનમાં અંદર બે જણા એકસરખા પહેરવેશ સાથે સામસામું જોવા લાગ્યા અને પેલો ઓલ્ડ ભિખારી એણે પેલા શેઠને કહ્યું,  મને ઓળખ્યો ? તો શેઠ કહે ના.. તો કહે,  આપે જ મને શીખવ્યું છે. પહેલી વખત આપે મને એ વાત શીખવી કે જીવનમાં શું કરવું જોઈએ અને બીજી વખત આપે મને શીખવ્યું કે હું કોણ છું. હું તો માનતો હતો કે કોઈને આપ્યા છતાં હું ભિખારી છું. આપે મને કહ્યું કે તું હવે ભિખારી નથી,  વેપારી છો. એમાંથી મને આ બધું પ્રાપ્ત થયું છે.’ 

આપણે ત્યાં સૂત્ર બોલાય છે सोहम् शिवोहम् . હું જ શિવ છું… બસ, આ જ

આત્મજ્ઞાન છે.  આ વાતનો શાસ્ત્રોક્ત નિર્દેશ છે, જૈનદર્શનમાં પણ છે અને હિન્દુશાસ્ત્રોમાં પણ છે. ધર્મગ્રંથ કઠોપનિષદમાં કહેવામાં આવી છે એ  નચિકેતાની કહાનીથી આપણે પરિચિત છીએ. નચિકેતાદ્વારા યમરાજને પાંચ એવા પ્રશ્ન પૂછવામાં આવ્યા કે જેના દ્વારા આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી. નચિકેતાના પિતા વાજશ્રવા ઋષિએ એક દિવસ વિશ્વદીપ નામનો ખુબ જ મોટો યજ્ઞ કર્યો. આ યજ્ઞની ખાસિયત એ હતી કે જે કોઈપણ વ્યક્તિ કરે તેણે પોતાની બધી જ વસ્તુ દાન કરી દેવી પડે છે અને તેથી તેને  સમર્પણ યજ્ઞ કહેવાય છે. ઋષિએ પોતાની ગાયોનું દાન કરવાની શરૂઆત કરી. પુત્ર તરીકે બેઠેલા  નચિકેતાએ જોયું કે પિતા સ્વસ્થ ગાયોની જગ્યાએ બધી બીમાર અને અસ્વસ્થ પીડિત ગાયોનું દાન કરી રહ્યા હતા. નચિકેતાને આ વિચિત્ર લાગ્યું અને એને ગમ્યું નહીં. એને ખ્યાલ આવી ગયો કે મારા પિતાનો મોહ હજુ ગયો નથી એટલે એ એવું કરે છે.  ત્યારે નચિકેતાએ ઋષિ પાસે જઈને પ્રશ્ન કર્યો કે,”આ યજ્ઞમાં તો તમારે બધું દાન કરવાનું હોય ને ? ” 

તમારા પુત્રનું દાન તમે કોને કરશો પિતાજી?”

************************************************************************

 નચિકેતાએ ઋષિને પ્રશ્ન કર્યો કે, “આ યજ્ઞમાં તો તમારે બધું દાન કરવાનું હોય ને ? ” પિતાજી કહે હા… તો નચિકેતા કહે “તમે તમારા પુત્રનું દાન કોને કરશો?" પ્રશ્ન સાંભળી ઋષિ એકદમ સંકોચાઈ ગયા. પણ નચિકેતાએ તો આ પ્રશ્ન પૂછવાનું વારંવાર ચાલુ રાખ્યું. ‘તમારા પુત્રનું દાન તમે કોને કરશો પિતાજી? બોલોને તમે કોને કરશો ?’  આ વાતથી ઋષિ ક્રોધિત થયા અને પિતાએ કહ્યું કે, ‘હું તને યમરાજને દાનમાં આપું છું.’ 

પિતાએ તો ક્રોધમાં વાત કરેલી. કોઈ પુત્રનું દાન યમરાજને થોડું આપે ? પણ નચિકેતાએ આ વાત સાચી માની લીધી. નચિકેતાને ખુબ જ દુઃખ થયું કે મારું દાન કરી નાખ્યું અને એ પણ યમરાજાને ? પણ પિતાની આજ્ઞા અને પિતાના વચનને માથે ઓઢી  અને યમરાજાને શોધતા શોધતા યમલોક પહોંચી ગયા. પરંતુ ત્યાં પહોંચીને નચિકેતાને યમપુરીમાં પ્રવેશ ન મળ્યો. કારણ કે યમપુરીમાં તો જેને લેવા આવે ને લઇ જાય એને પ્રવેશ મળે. એને દરવાને રોક્યો કે,  ‘ભાઈ તારા મૃત્યુને વાર છે. તું મૃત્યુ પહેલા અહીં કેવી રીતે પહોંચી ગયો ? તારા માટે આ યમપુરીના દ્વાર બંધ છે.’ પણ નચિકેતા ત્યાં જ

બેસી ગયા. યમરાજ બહાર હોવાથી ત્રણ દિવસ ન આવ્યા તો ત્રણ દિવસ સુધી એ ભૂખ્યા અને તરસ્યા યમપુરીના દરવાજા બહાર બેસી રહ્યા. 

યમરાજા આવ્યા એણે જાણ્યું કે એક બાળક તપસ્યાથી પ્રસન્ન છે, એને તો  સ્વયં યમરાજાને જ મળવું છે અને ત્રણ દિવસથી મોઢામાં પાણી મુક્યા  વગર એ ત્યાં બેઠો છે. યમરાજાને સંકોચ થયો. તાત્કાલિક એની પાસે ગયા. એને થયું કે આની સાથે હું સમાધાન કરું એટલે યમરાજાએ નચિકેતાને કહ્યું કે, ‘તું ત્રણ વરદાન માંગ પણ તું આ મૃત્યુવાળી વાત છોડ.’  

નચિકેતાએ પહેલું વરદાન પિતાનો સ્નેહ કાયમ મળે એવું માગ્યું. બીજુ અગ્નિ વિધીનું જ્ઞાન જોઈએ ત્રીજું વરદાન માગ્યું કે આત્મજ્ઞાન અને મૃત્યુના રહસ્ય વિશે જાણવા મળે એવી તમે કશીક વાત કરો. યમરાજ નચિકેતાના ત્રીજા વરદાનને ટાળવા માંગતા હતા. પહેલાં બે માં  તો કશો વાંધો નથી પણ ત્રીજા વરદાનનો હું જવાબ ન આપું.. નચિકેતાને સાંસારિક સુખ આપવાનો લોભ આપ્યો. ‘બોલ તને શું જોઈએ છે?  તને સંપત્તિ આપું.’ લોભની કોઈ અસર ન થઈ અને અડગ રહ્યા, ત્યારે યમરાજાએ   વિવશ થઈને તેના પ્રશ્નોના જવાબ આપવા જ પડ્યા.

એ પાંચ પ્રશ્નોના જવાબ આત્મસાત કરીને જીવીએ તો આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકીએ.

(1) “શરીરથી કેવી રીતે બ્રહ્મજ્ઞાન અને તેના દર્શન થાય છે ?” યમરાજાએ ઉત્તર આપ્યો કે,

મનુષ્ય શરીર એક બ્રહ્મનગરી છે, જેમાં બે આંખ, બે નાકના છિદ્ર, બે કાન, મુખ બ્રહ્મરંધ્ર

નાભી, ગુદા અને શિશ્નના રૂપમાં અગિયાર દરવાજા છે. બ્રહ્મ મનુષ્યના હૃદયમાં નિવાસ કરે છે. આ રહસ્યને સમજી જાય છે તે દરેક પ્રકારના સુખ અને દુઃખથી પર હોય છે. તેને જન્મ અને મૃત્યુના બંધનથી પણ મુક્તિ મળે છે.

(2) “આત્માનું સ્વરૂપ શું છે, શું શરીર મરી જાય પછી આત્મા પણ મરી જાય છે ?”  યમરાજે ઉત્તર આપ્યો કે, બેટા આત્માનું કોઈ સ્વરૂપ ન હોય. મનુષ્ય શરીરનો નાશ થયા પછી આત્માનો નાશ નથી થતો. આત્મા સાંસારિક સુખ, દુઃખ, ભોગ, વિલાસ એ બધાથી પર હોય છે. આત્માનો ન કોઈ જન્મ થાય છે અને મૃત્યુ પણ નથી થતું.

(3)’જો કોઈ વ્યક્તિને આત્મા પરમાત્માનું જ્ઞાન ન હોય તો તેણે કેવું પરિણામ ભોગવવું પડે છે?’ યમરાજ સુંદર જવાબ આપે છે કે, “એક વ્યક્તિનું પરમાત્માના પ્રતિ સમર્પણ અનુસાર જ અલગ અલગ યોનીઓમાં જન્મ થાય છે. જો કોઈ પરમાત્મામાં વિશ્વાસ નથી કરતું  તે અલગ અલગ યોનીઓમાં ભટક્યા કરે છે. જે લોકો ખુબ પાપ કરે છે તે મનુષ્ય અને પશુઓ સિવાય વૃક્ષ અને જીવજંતુ જેવી યોનીઓમાં જન્મ લે છે.તેથી એણે વધુ વર્ષ અહીં કાપવા પડે છે.”

(4) “શરીરમાંથી આત્મા નીકળ્યા બાદ શરીરનું શું થાય?” યમરાજે જણાવ્યું કે, ‘આત્મા નીકળ્યા બાદ શરીરમાંથી પ્રાણ અને ઇન્દ્રિયજ્ઞાન પણ આત્માની સાથે નીકળી જાય છે. મૃત શરીરમાં બ્રહ્મ રહી જાય છે જે દરેક પ્રાણીમાં વિદ્યમાન હોય.’

(5)”આત્મજ્ઞાન અને પરમાત્માનું સ્વરૂપ શું છે ?” યમરાજે જણાવ્યું કે, ‘ઓમ’ એ પરબ્રહ્મના પ્રતિકનું સ્વરૂપ છે. ઓમકાર જ પરમાત્માને પ્રાપ્ત કરવા માટેનો સર્વોત્તમ ઉપાય છે. 

આપણે શ્રાવક તરીકે જે ન કરી શકીએ  તે જૈનમુનિ કેમ કરી શકે છે  ?                        

************************************************************************

યમરાજ નચિકેતાને કહ્યું કે પૃથ્વી પર જે  કંઈપણ થઇ રહ્યું છે તે મનુષ્યના કર્મના આધારે જ થતું હોય છે. પરંતુ સત્ય માર્ગ પર જે વ્યક્તિ ચાલે છે તેને જીવનમાં ક્યારેય મુશ્કેલી નથી આવતી. જે લોકો ભ્રષ્ટ જીવન વ્યતીત કરે છે તેમણે પૃથ્વી પર પણ પાપનો સામનો કરવો પડે છે અને મૃત્યુ બાદ પણ કષ્ટોને સહન કરવા પડે છે. શિવજીએ  વિચિત્ર રૂપ ધારણ કરીને હિમાલયના  એક મોટા શિખર ઉપર પદ્માસન વાળ્યું,  જે સ્વરૂપની માયામાં અનેક લોકો આવી જઈ શકે. સૌથી પહેલાં પાર્વતીજી આવ્યા. પણ પાર્વતીજીએ એમના સ્વરૂપમાં એકાકાર થવાનું પસંદ કર્યું, એમણે શિવજીની ભક્તિ કરવાનું શરૂ કર્યું. જયારે પ્રેમ અથવા ભાવના કોઈ વ્યક્તિ પ્રત્યે કે કોઈ ઈશ્વરીય તત્ત્વ  પ્રત્યે પ્રબળ થાય ત્યારે એ  ભક્તિમાં  પરિણમે, પછી ભક્ત અને ભગવાન બે અલગ રહી શકતા નથી. કહે છે કે

શિવજીની અંદર પાર્વતીજી સમાઈ ગયા.

 ઇનો બહુ સિદ્ધહસ્ત જૈનગુરુ. એ પોતે પ્રખર આત્મજ્ઞાની. એ  કોઈ એક જગ્યાએ પહોંચ્યા અને એમણે કહ્યું કે, ‘મારે અહીંયા મઠમાં રહેવું છે, હું આત્મજ્ઞાની છું,’ પણ આ સાંભળીને પેલા મઠાધીશને ખ્યાલ આવી ગયો અને એણે કહ્યું કે તમે રસોઈઘરમાં કામ કરો. થોડીવાર વિચિત્ર તો લાગ્યું પણ એણે રસોઈઘરમાં કામ કરવાનું શરૂ કર્યું. રસોઈઘરમાં ગયા પછી એ ભૂલી ગયા કે હું આત્મજ્ઞાની છું. રસોઈમાં તલ્લીન બની જઈ એણે બાર વર્ષ સુધી રસોઈકામ ઝીણવટપૂર્વક કર્યું.  એ ઉર્જાથી આત્મજ્ઞાની હતા પણ ચૈતન્ય હજુ બરાબર સીમાએ પહોંચ્યું નહોતું, એની ઉર્જા અને ચૈતન્ય એક થઈ ગયા. આપણે પણ આપણી ઉર્જા અને આપણા ચૈતન્યને એક બનાવીને જે કરીએ  તે પૂર્ણતાથી કરીએ. 

આત્મજ્ઞાની માણસ કેવો હોય ? બૌદ્ધ કથાઓમાં એક પ્રસંગનું વર્ણન છે. એક વિહારમાં

કેટલાક બૌદ્ધ સાધુઓ રહેતા હતા. એમાંથી એક સાધુ ઘણા દિવસથી બિમાર હતા. બિમારી વધતી ગઈ એટલે બેસી શકાતું નહીં. ઝાડોપેશાબ પથારીમાં કરવા પડે એવી સ્થિતિ થઈ ગઈ. બીજા સાધુઓ ત્યાંથી પસાર થાય પણ નાકે રૂમાલ દઈ આગળ નીકળી જાય. બન્યું એવું કે આ જગ્યાએથી ભગવાન બુદ્ધ પસાર થયા અને  એમને ખ્યાલ આવ્યો કે  આ સાધુ તો બિમાર છે એટલે  તરત જ એની પાસે દોડી ગયા.  એમનું જે થઈ શકે તે બધું જ પોતાના  હાથે પોતે કર્યું અને પેલા સાધુને બિમારીની ગર્તામાંથી બચાવવા માટેના પ્રયાસો શરૂ કર્યા. વૃદ્ધ ભિક્ષુનું અંગ, કપડાં, પથારી બધું બદલીને જયારે ભગવાન બુદ્ધ ત્યાંથી  પસાર થવાનું વિચારતા હતા ત્યાં બીજા બધા ભિક્ષુઓ દોડીને આવ્યા. અને તરત જ કહેવા લાગ્યા કે, ‘અરે અરે.. તમે આ શું કરો છો ?’  આપણને વિચાર થાય કે ભિક્ષુઓ પહેલાં કેમ એની સેવામાં ન ગયા ? સુંદર જવાબ આપણને શાસ્ત્રોએ આપ્યો છે કે,  ભિક્ષુ થયા છતાં એકત્વની ભાવનાનો વિકાસ થયો નહોતો. આત્મજ્ઞાન પ્રાપ્ત થયું છે એવો ભાવ હતો પણ એકત્વભાવ એનામાં ઉતર્યો ન હતો. તો પછી ‘ભગવાન બુદ્ધ કેમ ગયા ?’ ભગવાન બુદ્ધ એટલા માટે દોડી ગયા કે આત્મૌપમ્યનો એટલો વિકાસ થયેલો કે  તેઓ  આવી સ્થિતિમાં એનાથી અલિપ્ત રહી જ ન  શકે. એ સ્થિતિને  સમસંવેદના પણ કહે છે. 

આ પ્રસંગ માત્ર ભગવાન બુદ્ધ સાથે બન્યો છે એવું માનવાની જરૂર નથી. પ્રજ્ઞાચક્ષુ પંડિત

સુખલાલજીએ પોતે વર્ણવેલો એક પ્રસંગ છે કે,  1951 માં ચોમાસામાં બનારસમાં મને ખૂબ તાવ આવ્યો. શરીર તો ધાણી ફૂટે  તેમ ધગી રહ્યું હતું. માથું ફાટફાટ થતું હતું. શ્રાવકો એક પછી એક ત્યાંથી પસાર થાય બધા મારી હાલત જુએ પણ બધા માત્ર ખબર પૂછીને જતા રહે. બરાબર એ સમયે પુણ્યવિજયજી મહારાજના વૃદ્ધ  ગુરુ કાંતિવિજયજી ત્યાંથી પસાર થયા.  જાતે પંડિત સુખલાલજીનું માથું દબાવવા લાગ્યા, ભીના પોતા મુકવા લાગ્યા. એ જોઈને કેટલાક શ્રાવકો દોડી આવ્યા અને કહે, ‘અરે, અરે મહારાજ ! આપ શું કરો છો ?’…જૈન સાધુઓના આચાર મુજબ ગૃહસ્થની સેવા સાધુઓ કરતા નથી. પણ કાંતિવિજયજી મહારાજે તો ગૃહસ્થ એવા પંડિત સુખલાલજીની પોતે સેવા શરૂ કરી.

આપણે શ્રાવક તરીકે જે ન કરી શક્યા તે જૈન મુનિ કેમ કરી શક્યા ? આ પ્રશ્ન નથી વિચાર છે. જેણે જ્ઞાન પચાવ્યું છે તેને  નાનાં મોટા પ્રશ્નોમાં વિવેકપૂર્ણ વ્યવહાર આપોઆપ સૂઝી જ જાય છે. કશુંકરવું પડતું નથી પણ થઇ જાય છે.

હું ખોખા ઉપર બેઠો છું એમાં તમને કંઈ વાંધો છે ?’

***************************************************************************     

ખલિલ જીબ્રાનની એક વાર્તા છે. God’s Fool, ઈશ્વરે સર્જેલો મૂરખ માણસ. મૂરખ માણસ રણપ્રદેશમાંથી ચાલતો નીકળી પડ્યો. તે એક મહાકાય નગરમાં પહોંચ્યો. ચોરતરફ મોટી લાઈટો, ઝાકઝમાળ, જાહોજલાલી, એ આભો બનીને બધું જોવા લાગ્યો. એણે  જિંદગીમાં એવું કશું જોયું ન હતું. ચાર આંખ કરતો, વિસ્મય કરતો, સ્તબ્ધ થતો આગળ વધતો જાય. ઘણું બધું ફર્યો , થોડી ભૂખ લાગી. એક મોટું મકાન હતું અને બધા લોકો ગાડી પાર્ક કરીને એમાં જતા હતા,  એ પણ એમાં ઘુસી ગયો. દરવાને બારણું ખોલી આપ્યું, એ અંદર ગયો, અંદર મોટા ટેબલ હતા, ટેબલની ઉપર ભોજનની વાનગીઓ રાખી હતી. એણે જોયું કે લોકો જઈને બેસી જતા. કેટલાક લોકો એને પીરસવા લાગ્યા. એ પણ જઈને બેસી ગયો. એને એમ કે કોઈ રાજાનું આ મોટું નગર છે અને આ રાજકુંવર તરફથી પાર્ટી છે. એમણે પણ એમાં બેસીને જમી લીધું.  જમીને એ બહાર નીકળ્યો એટલે હટ્ટાકટ્ટા સિપાઈએ એને રોક્યો. પેલાને તો ભાષા આવડતી ન હતી, કંઈ સમજતો ન હતો. કહ્યું કે,  ભાઈ તમારું બિલ ચુકવાયું નથી.. એ આભો થઈને એની સામે હસવા લાગ્યો. આઠ દસ પોલીસો એની આજુબાજુ આવીને ગોઠવાઈ ગયા. આ તો બધા સામું જોયા કરે અને જોઈને હસ્યા કરે. ઝૂક્યા કરે !!  એને પોલીસોએ ઉપાડ્યો અને ગાડીમાં નાખીને એક  મોટા ભવનમાં  લઇ આવ્યા.  ત્યાં એક મોટી દાઢીવાળો ન્યાયાધીશ બેઠો હતો,  એની સામે એને રજૂ કર્યો. પેલા લોકો એની ભાષામાં કહેવા લાગ્યા. આ બધાની સામું જોયા કરે . એને એમ થયું કે આ લોકો તો મારું બહુમાન કરવા માટે કોઈ રાજા પાસે લઇ આવ્યા છે. એટલે એ રાજી થાય. એ ન્યાયાધીશને પણ ઝૂકવા લાગ્યો. હસતો જાય અને ઝુકતો જાય. ન્યાયાધીશને લાગ્યું કે આમાં કશો મેળ નહીં પડે એટલે સજા ફરમાવી કે આને ઊંધે ગધેડે બેસાડો,  આખા નગરમાં ફેરવો અને પછી છોડી મુકો. બે જણાએ બાવડું પકડીને ઊંધે ગધેડે બેસાડ્યો અને  એ તો રાજી થઈ ગયો કે, વાહ,  મારા આવવાથી નગરના લોકો રાજી થાય એટલે મને આખા નગરમાં આ સરઘસ રૂપે ફેરવીને બહુમાન કરતા  લાગે છે. ફેરવ્યો અને એક બાજુ મૂકી દીધો…બસ હવે તે  ફરીવાર ચાલવા લાગ્યો.. 

ખલીલ જિબ્રાને લખી છે એટલે આ વાર્તા કંઈ મુર્ખામી માટે નહીં લખી હોય. જિબ્રાન આ વાર્તાના ભાવથી એમ કહેવા માંગે છે કે રણમાંથી આવ્યો હતો અજાણ્યો માણસ, અવાચક જેવો,  ભાષા ન જાણતો હોય એવી જગ્યાએ જઈ  ચડ્યો પણ ત્યાં એમણે  દરેક વસ્તુનો અજાણતા પણ સ્વીકાર કર્યો. જે થયું તેને હસ્તે મોઢે સ્વીકાર્યું. જે સામે આવ્યું એની સામે હસ્યો, ઝૂક્યો. જે મળ્યું તે ખાધું, કોઈએ પકડ્યા તો પકડાઈ ગયો. જિબ્રાન કહે છે કે આ રીતે જો તમે જીવો છો તો તમને એક મહાનગર જેવા બ્રહ્મનું જ્ઞાન આપોઆપ પ્રાપ્ત થાય છે. પણ એના માટે ખરેખર તમારે ‘હું કંઈ નથી,  જે કંઈ છે તે કોઈક કરી રહ્યું છે’ એવા ભાવમાં જવું પડે.

સમર્થ લેખક ઇકાર્ટ ટોલે કહે છે, ‘હું રસ્તા ઉપરથી નીકળતો હોઉં ત્યારે મેં જોયું કે એક ભિખારી બેઠો છે. ભાંગેલા ખોખા ઉપર બેસીને પોતાનું પાત્ર આગળ ધરીને પૈસા માંગતો હતો. એણે ઉભા રહીને પેલાને પૂછ્યું કે,  તું શેના ઉપર બેઠો છે ? તો કહે, હું ખોખા ઉપર બેઠો છું. તો કહે,  શેનું ખોખું છે ? તો કહે,  અહીંયા પડ્યું હતું એટલે એની ઉપર હું બેઠો છું. કેમ તમને કંઈ વાંધો છે ? તો કહે ના મને વાંધો નથી. પણ તને ખબર નથી કે તું ક્યાં ખોખા ઉપર બેઠો છે ?  એટલે પેલો માણસ થોડો અચંબિત થયો અને તાત્કાલિક ઉભો થઈ ગયો એટલે ઇકાર્ટ  ટોલેએ એ માણસને કહ્યું કે,  ‘ખોખું ખોલ’ અને ખોખું ખોલ્યું ત્યાં પેલા ભિખારીના આશ્ચર્ય વચ્ચે એ ખોખું સોનાથી લથપથ હતું. આટલું કહીને એ ચાલતા થઈ ગયા. ઇકાર્ટ  કહેવા માંગે છે કે આપણે સૌ આત્મજ્ઞાન, આત્મબોધ નામના એક ખોખા ઉપર બેઠા છીએ. ઠાંસોઠાંસ જ્ઞાન અંદર પડ્યું છે. ક્યાં ? આપણી અંદર, આપણે જેની ઉપર બેઠા છીએ ત્યાં. પણ આપણે એની ઉપર બેસીને બહારથી ભીખ માંગી રહ્યા છીએ. જરૂર છે આપણે ઉભા થઈને આપણી પેટી ખોલવાની!!.

*************************************************************************************

શાળામાં દિવ્યાંગ બાળકનો સાંવેગિક વિકાસ થાય છે

ભદ્રાયુ વછરાજાની                                                            bhadrayu2@gmail.com                                                          

“સર, મારું બાળક દિવ્યાંગ છે અને અમે બે જણા ઘરમાં છીએ એટલે કે અમારું ત્રણ જણાનું કુટુંબ છે. અમે બંને એટલી બધી સારસંભાળ લઈએ છીએ કે આ બાળકને અમે રેઢું મુકતા નથી. એક વ્યક્તિ તો એની સામે હાજર જ હોય. હવે બધા કહે છે કે એની છ વર્ષની ઉંમર થઈ ગઈ તો એને શાળામાં બેસાડવું જોઈએ. પણ અમને થોડો ડર લાગે છે. કોઈ એને ધક્કો મારી દેશે તો ? એ પડી જશે તો ? એમનું થોડુંક નબળું  વર્તન જોઈને કોઈ એને ચીડવશે તો ? તો એ ગભરાઈ જશે, મૂંઝાઈ જશે. “

“અમે ઘરમાં એટલું બધું ધ્યાન રાખીએ છીએ કે મમ્મી તરીકે હું થોડો ઘણો કક્કો શીખવાડું પણ છું. અને ઘરમાં ચોવીસેય કલાક કોઈક તો એની પાસે હોય જ છે. એ ઉઠે બેસે એની અમે કાળજી લઈએ છીએ. એને કશું પણ જોઈએ કે તરત જ એની નજીકમાં કોઈક પહોંચી જઈએ છીએ. હવે આ સ્થિતિમાં એને શાળામાં મૂકવું અમને તો યોગ્ય લાગતું નથી. આઠ વર્ષ થયા છે હજુ બે ત્રણ વર્ષ પછી જરા સમજતું થઈ જાય પછી મૂકીએ તો વધુ સારું.”

મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગ દરમ્યાન કેટલાય દિવ્યાંગોને મળવાનું થાય છે. બે પ્રકારના વાલી મને મળે છે. 

(01) બાળકના વિકાસમાં શ્રદ્ધા રાખીને આગળ વધે છે. એને આશ્રમમાં અપાતી થેરાપીથી સંતોષ છે અને થેરાપીમાં આવવું જવું એ સૌ બાબતો સહર્ષ સ્વીકારેલી છે, એ વિષે એની કોઈ ફરિયાદ નથી. 

(02)  માતા પિતા એવા આવે છે કે જેના માટે હજુ પણ આ બાળક એક ચિંતાનો વિષય છે, ભારનો વિષય છે અને પરિણામે દિવ્યાંગ બાળકની વાત કરતા જ તેઓના ચહેરા ઉપર જુદા પ્રકારની લકીર ખેંચાઈ જાય છે. 

આ બંને પ્રકારના વાલીઓ એક બાબતમાં સરખા છે અને તે બાબત એ કે છ વર્ષ, સાત વર્ષ, આઠ વર્ષ, નવ વર્ષ, દસ વર્ષ થઈ જાય તો પણ અમારા સંતાનને અમારે શાળામાં મૂકવું નથી. સમજાવવાનો પ્રયત્ન કરીએ ત્યારે ગળે ઉતરે તેવી તેઓની દલીલ હોય છે. એમની કોઈ બાબત એવી નથી કે જે આપણને ખોટી લાગે. પરંતુ જાણવાનો અને સમજવાનો વિષય એ છે કે અમુક ઉંમર સુધી આપણે આપણા દિવ્યાંગ બાળકના અછોવાના કરીએ, એને હથેળીમાં ઉછેરીએ, એને જોઈએ તે સરસ મજાનું વાતાવરણ આપીએ, બધી જ વસ્તુઓ આપીએ, એને હસતું  રમતું  રાખીએ આ બધું હોવા છતાં આપણા ઘરના  ત્રણ કે ચાર જણા વચ્ચેનો એનો ઉછેર એ closed environment માં થયેલો ઉછેર છે. એટલે કે બદ્ધ વાતાવરણ, એક સંકુચિત વર્તુળની અંદર આપણું બાળક ઉછરે છે. એ બાળક અન્ય લોકો સાથે સંપર્કમાં આવે ત્યારે એને જે સાંવેગિક પ્રકારના પ્રતિચારો મળે છે એ આપણે એને ઘરમાં આપી શકતા નથી. ગમે તેમ તો આપણે મા બાપ છીએ એટલે આપણે એને કક્કો શીખવીએ કે A B C D  શીખવીએ ત્યારે એ આપણી પાસે બહુ લાડ કરીને શીખે છે એવી પણ ફરિયાદ આ મા બાપ કરે છે કે, જુઓ એને કરવું હોય તો જ કરે છે. હમણાં જ એકદમ હાઇપર એક્ટિવ બાળકના મા બાપને મળવાનું થયું ત્યારે બહુ આશ્ચર્ય થયું કે હું જે પ્રશ્ન પૂછું તે પ્રશ્નને તેઓ બાળક જવાબ આપે તે પહેલા અંગ્રેજી કરી નાખે. ઉદાહરણ તરીકે,  મેં પૂછ્યું, ‘શું નામ છે તારુ દોસ્ત ?’ ત્યાં એના પપ્પા બોલ્યા, what is your name beta ? પછી મેં પૂછ્યું,  બેટા તારો જન્મ ક્યારે  થયો છે ?’’ તો તરત જ પપ્પા બોલ્યા કે what is your birth date ? હું જે બોલું તેનું અંગ્રેજી કરી આપે. થોડીવાર તો મને એમ થયું કે આ બાળક અંગ્રેજી જ સમજે છે, ગુજરાતી સમજતું નથી એટલે એના પિતાશ્રી હું બોલું તેનું અંગ્રેજી કરી આપે છે. હકીકત એ ન હતી. બાળક ગુજરાતી જ બોલતું હતું, મુક્તપણે બોલતું હતું, આનંદથી બોલતું હતું અને ખુલીને અભિવ્યક્ત થતું હતું. પણ માતાશ્રી ગુજરાત બહારના પ્રાંતના હતા અને પિતાશ્રી આપણા ગુજરાતના હતા એટલે એ બંને વચ્ચે એવા પ્રકારની ટસલ હતી કે બાળક અંગ્રેજીમાં ભણવું જોઈએ અને એ સ્વીકારીને પિતાએ એવું નક્કી કર્યું કે એને અંગ્રેજી હું શીખવીશ.  હવે એનું પરિણામ મારી સામે મેં જોયું. માતા પિતાને એ ખ્યાલ નથી કે આમ કોઈપણ પ્રશ્નને અંગ્રેજી કરી આપો એટલે એ બાળક અંગ્રેજી જ સમજે એ આપણો  ભ્રમ છે. એ તો માતૃભાષાના  જ શબ્દો સમજે. આ એની ઉંમર છે કે જયારે એને માના  દૂધની ભાષા ઝડપથી પોતાની લાગે છે. આ ઉદાહરણ એટલા માટે આપ્યું કે ઘરની અંદર માતા પિતા તરીકે આપણે ગમે તેટલી કાળજી રાખીએ તો પણ કેટલાક પ્રકારના સાંવેગિક મોકાઓ જે શાળાના વાતાવરણમાંથી મળે છે તે આપણે આપી શકતા નથી. બધાને ભય છે કે એને કોઈ ધક્કો મારશે અને પડી જશે તો ? એને કોઈ મશ્કરી કરશે તો ? સમજાવવાનો પ્રયત્ન હંમેશા એવો કરું છું કે એ પણ થવા દો. સહજતાથી થવા દો. તમે એની ચિંતા ન કરો. શાળા સાથે સ્પષ્ટ વાત કરીને એને ધીમે ધીમે કરતા શાળા તરફ વાળો. ભલે ત્રણ ચાર વર્ષનો હોય ત્યારે શરૂઆતમાં ૧ થી ૨ કલાક જાય, નાસ્તો કરવાના સમયે જાય. પ્રાર્થના કરવાના સમયે જાય, એવી વાત શાળા સાથે કરી લ્યો. પણ આ બાળકને ૧૨ – ૧૫ વર્ષનું થાય ત્યાં સુધી સ્કૂલે મોકલવું જ નથી એવી માનસિકતા અત્યારે જે આપણાંમાં પ્રવર્તે છે તે આપણા જ બાળકના વિકાસનો વિરોધી છે.

આપણા ડો. નિવૃત્તિ મેડમ સરસ વાત કરે છે કે, “સ્કૂલિંગ માટે એટલા માટે કહેવાનું કે ફિઝીકલી ચેલેન્જ બચ્ચાઓ હોય તો એને મેન્ટલી બરાબર હોય અથવા તો બોર્ડર લાઈન આઈક્યૂ ડીલે હોય તો એવા બચ્ચા નોર્મલ સ્કૂલમાં જઈ શકે. ઘણી વાર પેરેન્ટ્સ એવું વિચારતા હોય છે કે પહેલા ચાલતા બેસતા શીખે પછી એને સ્કૂલિંગ શરૂ કરીએ. એ લોકો એટલું મહત્વ એના સ્કૂલિંગને નથી આપતા જેટલું મહત્વ ફિઝિકલ પરફોર્મન્સ ને આપે છે. લર્નિંગ ડિસેબિલિટી અને મેન્ટલી ડીલે બચ્ચામાં એ પ્રોબ્લેમ થાય છે કે જો બોર્ડરલાઇન ડીલે હોય તો એ લોકોને નોર્મલ સ્કૂલમાં જાય તો વધારે સારું. કેમ કે નોર્મલ બચ્ચાની વચ્ચે રહેશે તો એના જેવા બનવાની ટ્રાય કરશે, એ કરતા હોય એવું કોપી કરવાની ટ્રાય કરશે પણ મોડરેટ ટુ સિવિયર કક્ષાના બાળકો હોય તો એને સ્પેશિયલ સ્કૂલમાં જવું જોઈએ એટલે પેરેન્ટ્સને ઘણીવાર અમે કહીએ છીએ પણ બચ્ચા નોર્મલ  સ્કૂલનો જ આગ્રહ રાખે છે. એના સ્કૂલવાળા પણ હાયપર એક્ટિવિટી અને એ બધા બિહેવિયરને ધ્યાનમાં રાખીને એને એડમિશન નથી આપતા હોતા. ઘણા પેરેન્ટ્સ એવું કહે છે કે અમે સ્કૂલમાં નથી મોકલતા પણ ટ્યુશનમાં મોકલીએ છીએ. ટ્યુશન એક કે બે કલાક માટે હોય, સ્કૂલ ને  ટ્યુશન રિપ્લેસ કરી શકે ? સ્કૂલમાં એને કેવો માહોલ મળે, એની ઉંમરના છોકરા હોય એની સાથે હળે ભળે, એ શું કરે છે એ જુએ, લંચમાં એની સાથે ફ્રેન્ડશીપ કરે તો એવું બધું ટ્યુશનમાં એને ન મળી શકે. “ 

બાળક જો ખરેખર શાળામાં જશે તો એને નવું વાતાવરણ મળશે. જે એણે ઘરમાં જોયું નથી તો એને ઘણા બધા લોકોના ચહેરા જોવા મળશે. એની સામે કેટલાય લોકો વર્તન વ્યવહારો કરતા એ જોશે ત્યારે એને ખ્યાલ આવશે કે વર્તન વ્યવહાર કરવાના બીજા અનેક રસ્તા છે. આપણો  જે ભય છે કે એને કોઈ ધક્કો મારશે તો ? બહુ સ્પષ્ટ રીતે કહેવા માંગુ છું કે ધક્કો મારે તો મારવા દ્યો. એને થોડા દુઃખના એવા ધક્કાઓ વાગવા દ્યો. એને એમની રીતે ઉભા થવાનો એક ચાન્સ આપો. એમને ધક્કો મારનારો ધક્કો મારશે ત્યારે જ એને જોવા મળશે કે બીજા લોકો એ પડી ગયો હશે તો એને પકડીને ઉભો કરવા માટે પણ દોડી આવશે. આ અન્યનું દોડીને આપણને મદદ કરવું એ સાંવેગિક વિકાસ માટે થઈને એક બહુ જોરદાર ઇનપુટ છે. આપણું બાળક વિચારશે મમ્મી પપ્પા જ મદદ કરે એવું નથી મારા દોસ્તાર પણ મને મદદ કરે છે. એમાંથી એ ભાવ પણ જન્મશે કે કોઈ પડી જાય તો હું પણ દોડી જઈને એને ઉભો કરવામાં મદદ કરી શકું. કોઈ વિદ્યાર્થી એની મશ્કરી કરશે તો કરવા દો એની ચિંતા ન કરો. ઘણી વખત આપણા બાળકો ઘરની અંદર એકદમ હુલાવી ફુલાવીને રાખેલું વાતાવરણ હોય એનાથી અંદરથી મોનોટોનસ પ્રક્રિયાને કારણે તંગ આવી ગયા હોય છે. એ વ્યક્ત નથી કરતા પણ કોઈ મશ્કરી કરે તો આપણે મશ્કરી જીલી શકાય, એને હળવાશથી લઇ શકાય, સાથેના બધા મિત્રો હસે, હસે તો સૌને આનંદ થાય એ બધું જોઈને પણ આ બાળકને આનંદમય વાતાવરણ સર્જવા માટે વ્યંગ્ય કેવું કામ કરે છે એનો ખ્યાલ આવશે. અને ત્રીજી વાત આ બાળકને જો એના પગ ઉપર ઉભા રહેવા દેવું હોય, જો એના પોતાના કામને પોતે કરે એવું કરવા દેવું હોય તો પણ એ શાળામાં જાય તે જરૂરી છે. એટલા માટે કે એમણે પોતે પોતાની પ્રક્રિયામાં હકીકતમાં પોતે જ સ્વબળે, આત્મબળે કામ કરવું પડશે એવી વાત એના મનમાં બંધાશે. એ અન્ય વિદ્યાર્થીઓને પોતાનું કામ જુદી જુદી રીતે કરતા જોશે ત્યારે એમને પણ વિચાર આવશે કે બીજા  કરે છે તો હું પણ કરી શકીશ. 

શાળાએ મોકલવાથી બાળકમાં ધીમે ધીમે આત્મબળ એટલે કે હું કરી શકીશ, મને થયું તો વાંધો નથી,.. એ પ્રકારનું એક બળ ઉત્પન્ન થશે અને અધ્યાત્મવાદ પણ સ્વીકારે છે કે કોઈ પણ માણસની  પ્રગતિ માટે મુખ્ય પરિબળ હોય તો  આત્મબળ છે. આમ શાળાએ મોકલવું એ શિક્ષણ પદ્ધતિનો પણ ભાગ છે. આપણને ખ્યાલ હશે કે પહેલાના વખતમાં આ પ્રકારના બાળકો માટે જુદી  શાળાઓ બનાવવામાં આવતી હતી. પણ એવું નક્કી કરવામાં આવ્યું કે એને તાલીમ આપવા માટે આવી જુદી વ્યવસ્થા હોય શકે પણ એને ભણાવવા માટે તો inclusive education ની પોલિસી ભારતે અપનાવી છે. બીજા દેશો એમાં સફળ થયા એ જોઈને ભારતે આ કામ કર્યું છે, તેનો લાભ આપણે લેવા જેવો છે. inclusive education નો અર્થ જ એ છે કે અનેક પ્રકારના, અનેક વિશિષ્ટતાઓ અથવા અનેક નબળાઈઓ ધરાવતા બાળકો સાથે બેસીને ભણે. એટલે પેલા દિવ્યાંગ બાળકોને એમ ન લાગે કે અમે સમાજથી જુદા છીએ. અમે આમાં ભળી શકીએ નહીં, અમે આ લોકો જેવા થઈ શકીએ નહીં. એ ક્યારે શક્ય બને ? જયારે તેઓ ભેગા બેસીને પ્રાર્થના કરે, ભેગા બેસીને નાસ્તો કરે, ભેગા રહીને રમત રમે, ભેગા રહીને તાળી પાડીને આનંદ વ્યક્ત કરે, કોઈને કશું વાગ્યું કે એવું થયું તો સૌ દુઃખ અનુભવે આ બધા  જ અનુભવ એને શાળા આપે છે અને એટલા માટે આપણે આપણા બાળકને એની ઉંમરે શાળામાં મોકલવું જ જોઈએ.

હા, એક વાત જરૂર કહેવાનું પસંદ કરું કે શાળાએ મોકલીએ એનો અર્થ એવો નથી રાખવાનો કે હોશિયાર થઈ જવો જોઈએ. એ કડકડાટ  બધું બોલતો થઈ જવો જોઈએ, એ લખતો થઈ જવો જોઈએ. એમની પ્રગતિ ધીમી જ રહેવાની છે અને ધીમી ગતિએ પ્રગતિ કરશે તો પછીથી એની પ્રગતિ વધુ સારી થઈ  શકશે. માટે  કંપેરીઝન કરવાની જરૂર નથી, એવું  માતા પિતા તરીકે આપણે ખાસ યાદ રાખીએ. ‘મારું બાળક શાળાએ જાય છે માટે હવે એણે આટલા ટકા લઈ આવવા જોઈએ’ અથવા ‘એના શિક્ષક આ તો એને કઈ શીખવતા નથી’, ‘હજુ એને આવડવું જોઈએ એટલું તો એને આવડતું નથી તો ક્યારે આગળ વધશે ? તો શાળાએ મોકલવાનો શું ફાયદો ?’ આવા કોઈ પ્રશ્નો કે વ્હેમ આપણે ઉભા કરવાની જરૂર નથી. આપણે ઈશ્વરમાં શ્રદ્ધા રાખીએ એ  માટે થઈને જ આપણને દિવ્યાંગ બાળક આપ્યું છે.  ઈશ્વરે કહ્યું છે કે,  આ બાળકને ઉછેરી શકો એવા તમે જ એક મા બાપ છો. હવે આ વાત જો સાચી હોય અને સાચી માનતા હોઈએ તો આપણે ઈશ્વરમાં ભરોસો રાખવો પડે. એમણે મોકલ્યું છે એટલે એમના વિકાસનો નકશો એમણે દોરી લીધો છે આપણા આવા સંતાનનું ટાઈમ ટેબલ ઉપરથી બનાવીને એ સાથે લઈને આવ્યું છે. ફર્ક એટલો છે કે એ સમયપત્રક શું છે એની આપણને ખબર પડતી નથી અને એ ખબર ન પડે એનું એક મુખ્ય કારણ એ છે કે તો જ વિકસવાનો એક ચાર્મ છે, ઉત્સાહ છે. આવતીકાલે શું થવાનું છે તે આજે તો ખબર પડી જાય તો આવતીકાલનું મહત્વ ન રહે. દરેક દિવ્યાંગ સંતાનના માતા પિતાને નમ્ર વિનંતી કરવાની ઈચ્છા થાય છે કે અમુક ઉંમરે તમારા સંતાનને શાળાએ મોકલવું જ જોઈએ અને શાળાએ મોકલ્યા પછી એમના સાંવેગિક વિકાસ તરફ ધ્યાન દેવું જોઈએ. એનો સમય આવશે ત્યારે એ બીજા બાળકો કરતા પણ આગળ નીકળે એવું એ શીખશે. પણ એ કેમ આગળ નથી નીકળતું એ ચિંતા કરીને વારંવાર બોલીને બાળક ઉપર ટેંશન નાખવાની જરૂર નથી. ખાસ જ આ વાત ગળે ઉતારવા જેવી છે. શાળાની પસંદગીમાં મુશ્કેલી પડે છે એવી કોઈ વાત કરે છે તો એ વાત સાથે સંમત થવાય છે પણ હવે કેટલીયે શાળાઓ એવી છે જે આ પ્રકારના બાળકોને આદરભેર પોતાને ત્યાં દાખલ કરે છે અને ત્યાં સાચવે છે. આપણે પોતાનું સંતાન ઘરમાં ઉછરે તેની બદલે એક મોટા વાતાવરણમાં જાય, અનેક વિદ્યાર્થીઓને મળે અને આનંદ મોજ મસ્તી કરે એવું તો ઇચ્છીએ જ છીએ ને ?

વો કાગજ કી કશ્તી વો બારીશ કા પાની

હું કોઈ જાતની  સમજ વગરનો ભોળો, ભોટ કે જેને બીજા લોકો નકામો કહી શકે એવો એક કેવળ  ‘ દ્રષ્ટા’  બનીને જીવતો રહું, એવી પ્રાર્થના છે.

ભદ્રાયુ વછરાજાની                                                   bhadrayu2@gmail.com 

ક્યારેક લાગે છે કે કાળચક્ર ચાલતું રહે છે તે ઘણું સારું છે, તો ક્યારેક લાગે છે કે આ કાળચક્ર ઉભું રહી જતું હોય તો કદાચ વધુ સારું રહે. આપણા સ્મરણોની સંદૂક ખુલવાની હોય ત્યારે કાળચક્ર થંભી જવું જોઈએ. અને આપણા સ્મરણોની સંદુકને વિસરી જવાની હોય ત્યારે કાળચક્ર ચાલવા લાગવું જોઈએ. જો કે સ્મરણોની સંદૂક ખોલવી એ એક તરફથી ગમતીલી વાત છે અને એક નજરે જોઈએ તો દુખતી રગ દબાવવાની વાત છે. બધું જ કૈં  શ્રેષ્ઠ સંગ્રહાયું છે એવું બન્યું નથી,  કારણ કે જીવનમાં બધું જ શ્રેષ્ઠ ક્યારેય બનતું જ નથી. થોડું સારું છે તો થોડું નરસું છે. થોડું મીઠું છે તો થોડું કડવું છે. તેમ છતાં સ્મરણ એ સ્મરણ છે અને એ સ્મરણની પ્રક્રિયા જયારે માનસપટલ ઉપરથી રિવાઇન્ડ થઈને પસાર થતી હોય ત્યારે એમાં ડૂબકી મારવાની કે  ડૂબી જવાની મજા હોય છે.

કોઈએ પૂછ્યું  કે ચાલો, એવા સમયમાં જઈએ… મન  મૂંઝાયુ કે કેવો સમય ?  ગઝલના શબ્દો ગુંઝવા લાગ્યા :  મગર મુજકો લૌટા દો બચપન  કા સાવનવો  કાગજ કી કશ્તી વો  બારીશ કા પાની. આપણે આપણું બાળપણ પાછું મળે એવું ઇચ્છતા હોઈએ છીએ. કારણ કે જેટલું જીવ્યા તેમાં ભાર વગરનું, દંભ વગરનું, ગોઠવ્યા વગરનું જીવ્યા હોઈએ એવો એ એક જ તબક્કો છે. જીવનની કશ્તીને ધીમે ધીમે આગળ ધપાવવાની છે અને એમ કરતા કરતા આપણે આપણા સ્મરણોની સંદુકને નિહાળવાની છે.  

ગમી જાય એવો સમય એટલે તો ગઈકાલ. ગઈકાલ ગમે છે કારણ કે આજે  એ ગઈકાલ રહી નથી. વીત્યું તે વીતી ગયું છે એટલે વ્હાલું લાગે છે. જયારે તે વીતતું હોય છે ત્યારે તે કઠિન લાગતું હોય છે. વીતી ગયેલું વ્હાલું લાગે કારણ કે આપણને જે વીતી જાય છે એનું જ મૂલ્ય કરવાની ટેવ હોય છે. આપણા હાથમાં  વર્તમાન હોય  ત્યારે તેને આદર આપીને સંગોપવાનું આપણે ભૂલી જતા હોઈએ છીએ. અને વર્તમાન જયારે ભૂતકાળ બની જાય ત્યારે એના ગુણગાન ગાવા અને આરતી ઉતારવામાં આપણે વ્યસ્ત રહીએ છીએ. નાની નાની વાતોનો જે આનંદ લૂંટવાની મજા હતી એવી કોઈપણ અવસ્થા હોય એ બચપણ હોય, કિશોરાવસ્થા હોય કે  યુવનાવસ્થા હોય એ સ્મરણીય હતી, છે અને રહેશે. બહુ મોટું પ્રાપ્ત કરવામાં આપણે ઘણો બધો પરિશ્રમ કરતા હોઈએ છીએ. પણ નાનું નાનું પ્રાપ્ત  કરવામાં જે લખલૂટ આનંદ મળે છે એ આનંદ આપણા એ સમયગાળાને ચિરંજીવ બનાવે છે. 

(1) નાનું અને દેશી નળિયાંવાળું મકાન હતું જેમાં  અમે ૫ + ૨ એમ ૭ લોકો જીવી રહ્યા હતા. વરસાદ આવે ત્યારે મા બાપ  ઘરમાં ચુવાક  થશે તેની ચિંતામાં રહેતા,  પણ એ સમયે અમે સૌ ટબુડીયા ચુવાકના ટીપાને ઝીલવા રાખેલા વાસણના પેલા ટીપાઓથી થનાર તડ..તડ..તડ…તડ… નું સંગીત માણવા  આતુર રહેતા હતા. ત્યારે મા બાપની ચિંતા એ અમારો આનંદ હતો. આશ્ચર્ય થાય છે આજે કે એ ચિંતા ત્યારે અમને કેમ ન હતી ! પણ પેલા પિત્તળના વાસણોમાં ઉપરથી પડતા ટીપાઓના તડ તડ સંગીતને માણવામાં આનંદ મળતો હતો એટલો ભાગ ગમે છે…. 

(2) યાદ છે બરાબર કે ગાદલા, ગોદડાં અને ઓઢવાનું ગોઠવીને ઘરના એક ખૂણામાં  ડામચિયો બનાવવામાં આવતો. આ ડામચિયો એટલે ગાદલા, ગોદડાં, ઓઢવાનું અને ઓશીકાને થપ્પા બનાવીને ગોઠવીને રાખવાની એક વ્યવસ્થા. અને એ ગોઠવ્યા પછી એની ઉપર એવી રીતે કશુંક ઓઢાડવામાં આવે કે ત્યાં નાનકડો પટારો પડ્યો છે એવું સૌને લાગે. મા ખુબ મહેનત કરીને આ ડામચિયો સવારે ગોઠવતી અને રાત પડે એ ડામચિયાને વીંખીને અમારા સૌની પથારી કરતી. પણ મમ્મી આ ડામચિયો સવારે ગોઠવી લે પછી બિન્દાસ્ત  દૂરથી દોડતા દોડતા આવીને એ ડામચિયા ઉપર ભુસ્કો મારીને ચડી જવાનો આનંદ આજે પણ યાદ છે. આપણને આવી રીતે દોડીને આવતા અને બિન્દાસ્ત ભુસ્કો મારતા જોઈને મા બાપનો જીવ તાળવે ચોંટી જતો અને એ આપણને ખખડાવી નાખતા, ક્યારેક ધોલ ધપાટ પણ કરી લેતા ત્યારે આપણને મનમાં એમ થતું કે આવું કેમ કરે છે ? પણ ફરી એકવાર એ જ વાત હતી કે આપણો જે આનંદ હતો,  એ માતા પિતાની ચિંતા હતી. ત્યારની મસ્તી, મસ્તી હતી કારણ કે એ એ બહુ સસ્તી હતી, પણ આજની મસ્તી એ હવે મસ્તી રહી નથી કારણ કે એ ધસતી ધસતી આવે છે અને ખુબ મોટો ખાડો જીવનમાં પાડીને  જાય છે. 

(3) એક સમય એવો યાદ છે કે જયારે રાજકીય પક્ષો ચૂંટણી સમયે જાહેરસભાઓ યોજતા.  એ જાહેરસભામાં આવવા માટે શેરીએ શેરીએ ઘોડાગાડી ફરતી. ઘોડાગાડીમાં પાછળ એક હુષ્ટપુષ્ટ માણસ બેઠો હોય એની બાજુમાં ચોપાનિયાઓનો ઢગલો હોય, હાથમાં એક માઈક હોય. અને માઈકનું એક ભૂંગળું લાઉડસ્પીકર ઘોડાગાડીના બહારના ભાગમાં લટકતું હોય અને એ માણસ એક વિશિષ્ટ અદાથી જાહેરસભાની જાહેરાત કરતો હોય. એ માણસ વારંવાર બોલતો ‘ જંગી જાહેરસભા, જંગી જાહેરસભા.’   (ત્યારે પ્રશ્ન નહોતો થતો કે હજુ જાહેરસભા થઇ નથી ત્યાં ‘જંગી’  વિશેષણ કેમ લગાડી દીધું, ભાઈ ?) એ કોઈ ઘર પાસે ઉભો રહે અને આજુબાજુના છોકરાઓ ટોળે વળે. છોકરાઓને એ ચોપાનિયાંઓ આપે. એમાં  એક હું પણ હતો. ત્યારે ખબર નહોતી કે એ ચોપનીયા શાના છે અને આપણને  શું કામ આવશે ?  આપણા માટે ઉપયોગી છે કે નથી ?  એવું પણ સૂઝતું ન હતું ત્યારે..   પણ ચોપાનિયા આપે છે, બધા લે છે, અને મારે પણ જોઈએ છે,, એટલો જ એક નાનકડો ભાવ હતો. મને યાદ છે કે ચોપાનિયુ પહેલું મારા હાથમાં આવી જતું તો હું જાણે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવીને બહાર આવ્યો હોઉં એટલા આનંદથી ઉછળી ઉઠતો. પછી વળી મનમાં થતું કે,  મારી નાની બહેન તો અત્યારે નથી આવી એટલે  એના માટે ચોપાનિયુ માંગું,  એટલે ફરી એક વાર ધક્કા મુક્કી કરીને એ ઘોડાગાડી પાસે ઉભેલા છોકરાઓની વચ્ચે ઘૂસતો, ત્યાં  ઘોડાગાડી ચાલતી થઇ જતી. અને એ ચાલતી ઘોડાગાડીમાં પાછળ લટકીને, દોડીને કરગરતો હું કહેતો,  ‘ એ ભાઈ… એક વધુ ચોપાનિયુ આપોને મારી બહેન માટે જોઈએ છે., એ ભાઈ …’  ત્યારે કોઈ મૂલ્ય નહોતું એ ચોપાનિયાનું,  આજે પણ નથી,  પણ ‘ મૂલ્ય નથી’  એ ત્યારે ખબર નહોતી એટલા માટે ન કરવા જેવી વસ્તુનું પણ મૂલ્ય કરીને આનંદ લૂંટતા. . પણ બેન માટે એક ચોપાનિયુ મેળવવામાં જયારે સફળ થતો અને અમારા બંનેની પાસે એક એક ચોપાનિયુ આવી ગયું છે એવો જયારે રાજીપો થતો ત્યારે મારી છાતી ફૂલી સમાતી ન હતી. આજે વિચારું છું તો એમ લાગે છે કે શું ત્યારનો એ સમય એવો હતો કે એમાં પાછું જવું જોઈએ. હું સાચો હતો કે હું ખોટો હતો ? ત્યારે કદાચ સાચો હતો તો આજે શું વિચારું છું. મારી આજ કેવી છે ? 

આજે એ સમયમાં પાછા જવાની ઈચ્છા ખરી કે ??  વિચારવાની ઈચ્છા થાય છે કે જ્યાં દંભ ન હોય, જ્યાં કોઈ પ્રકારનો દેખાડો ન હોય, જ્યાં સમજ ન હોય, જ્યાં આપણે ભોટ હોઈએ, જ્યાં આપણે ભોળા હોઈએ એવો જે જે સમય હોય તે ફરીવાર જીવી જવાની ઈચ્છા છે. ત્યાં સુધી કહું કે સમજ જરાપણ ન હોય અને માત્ર ને માત્ર  આપણે ઓબ્ઝર્વર હોઈએ એવો સમય મને પાછો જોઈએ છે.  અષ્ઠાવક્ર ગીતા વાંચી છે,  અને એના ઉપર ભાષ્યને સાંભળું છું ત્યારે એક વાક્ય વારંવાર બોલાય કે,  દ્રષ્ટા બની રહો… દ્રષ્ટા બની રહો. તમારે દ્રશ્ય કે દર્શક બનવાનું નથી. દ્રષ્ટા બની રહેવાનું છે. હું પ્રાર્થના કરું કે મેં વર્ણવ્યો તેવો સમય મને ફરી એકવાર મળી જાય અને એમાં હું કોઈ જાતની  સમજ વગરનો ભોળો, ભોટ જેને બીજા લોકો નકામો કહી શકે એવો કેવળ  દ્રષ્ટા બનીને જીવતો રહું,  એની મને પ્રતીક્ષા રહેશે. 

જયને દ્રષ્ટા ભાવથી જોઉં તો.. (Jay Vasavada)

જયની જાત પ્રત્યેની પોતાની સજગતા વધે અને તે ઉમદા રીતે પોતાનામાં ઊંડો ઉતરતો જાય, તેવી શુભેચ્છાઓ.

ભદ્રાયુ વછરાજાની                         bhadrayu2@gmail.com  

કહેવાય છે કે જેને બહુ નજીકથી ઓળખતા હોઈએ,  જે તમારા આત્મીય હોય,   જે તમારા દિલથી ખુબ નજીક હોય એના વિષે લેખ ન લખવો. કારણ એમાં પક્ષપાત થઈ જવાનો ભય રહે છે. એ લેખ કદાચ એકતરફી લખાય જાય એવું પણ બને,  કારણ કે હૃદયના  એક ખૂણામાં જે વ્યક્તિત્વ બેઠું હોય તેના વિષે આખું હૃદય એક તરફ તમારી કલમને દોરી જાય એવું બને . પણ આજે જરા ધર્મ સંકટ જેવું બન્યું છે.  જયના મામીનો આગ્રહ છે કે જય વિષે તમારે એક લેખ  આપવાનો છે કારણ બહુ સબળ છે. જય ૫૦ માં વર્ષમાં પ્રવેશ કરે છે એટલે કે વન પ્રવેશ તરફ જય આગળ વધે છે. કારણ અને કહેનાર એ બંને એટલા સબળ છે કે ‘ના’ પડી શકાય તેમ નથી અને એટલે હું અષ્ટાવક્રના આદેશ મુજબ દ્રષ્ટા ભાવથી જય વિશેના  ઉમળકાને વહેતો મુકું છું.

ગોંડલ રહેતો એક નાનકડો છોકરો એની મમ્મીની આંગળી પકડીને ઘણીવાર વક્તૃત્વ સ્પર્ધામાં મળતો. અને વક્તૃત્વ સ્પર્ધામાં ઠાવકાઈથી રજુઆત કર્યા પછી એમના મમ્મી નજીક આવીને પૂછતાં કે,  તમને ઘરે ક્યારેક તકલીફ આપું ? હું પૂછતો કે,  શેના માટે ? તો એ કહે કે,  તમે જયની સ્પર્ધાઓના નિર્ણાયક હો છો તો તમે જયને બરાબર ગાઈડ કરો,  કેમ બોલવું જોઈએ, કેમ હાવભાવ કરવા જોઈએ તો એ ભવિષ્યમાં બરાબર આગળ વધે. પછી તો આ પૃચ્છા નિકટના  સંબંધમાં પલટાઈ ગઈ. અને જય પોતાના વિષય અંગેની, વિષય અંગેના પોતાના મુદ્દાઓની ચર્ચા કરવા માટે અથવા પોતે જે વિચારી રાખ્યું હોય એ ટાંકીને મળે અને એની રજુઆત કેમ કરવી એના વિષે ખુબ વાતો થાય. એ નાનકડા જયથી લઈને પચાસ વર્ષના જય સુધીની યાત્રાનો હું સાક્ષી રહ્યો છું. એમના જીવનના બનતા બનાવોનો પણ હું સાક્ષી રહ્યો છું. પ્રેમમંદિરના અમે  ચારેય પુજારીઓ,  એમના ગોંડલના ઘરના તો વારંવારના મુલાકાતીઓ રહ્યા છીએ. ક્યારેક કેરી ખાવાના બહાને પહોંચ્યા છીએ તો ક્યારેક લલિતભાઈને મળવું છે એમ કરીને પણ જય સાથે વાતો થાય એવા ઉદ્દેશથી અમે ઈરોટિકામાં પહોંચી જતા હતા. જૂનાગઢ તરફથી નીકળો તો વચ્ચે ગોંડલ આવે એના કરતાં  વચમાં જય વસાવડાનું ઘર આવે એ એક મહત્વનું  સીમાચિહ્ન અમારા માટે હતું .

અમારી આત્મીય દોસ્તી જયના આખા કુટુંબ સાથે.. આમ જો મને પૂછો તો જયનું બાળપણ અને જયની યુવાની એ લગભગ માતામાં સીમિત થયાં એટલે કે પહેલાં મમ્મીનો સંગાથ અને પછી મમ્મીનો ખાલીપો !! અને મમ્મીની વિદાય પછીના વર્ષો એ પિતાકેન્દ્રી બન્યો. એમાં પણ ઘણો વખત તો એ સ્વૈરવિહારી રહ્યો. એટલે બહાર બહાર બહાર ફરતો રહ્યો પરંતુ માતાના ગયા પછીનો ખાલીપો પિતાએ પૂર્યો.  જો કે,  પિતાની સાથોસાથ મામીએ જયને જે રીતે હથેળીમાં જાળવીને સાચવી લીધો તે ઋણાનુબંધનું જ્વલંત ઉદાહરણ છે.   જયને શું ગમે છે ? જયના મિત્રોને શું ગમે છે ? જયને શું ભાવશે ?  શું કરીએ તો જયને ગમશે આવી અનેક પ્રકારની ચિંતાઓ ભાવનામામીએ કરી. અને પરિણામે ‘મા’ નહીં તો ‘મામી’ એમ જય બરાબર સચવાઈ ગયો. આ ‘સચવાઈ’ શબ્દ હું જાણી જોઈને પ્રયોજું છું, કારણ ઘરમાં કોઈ નારી જ ન હોય તો ઘર ભાગ્યે જ ઘર રહે. જયને મમ્મી પછી એક પીઢ છતાં હસમુખી, સમજુ છતાં શાણી અને બાપ દીકરા બંનેની આત્મીય કાળજી લેનાર મામી મળી એને હું તો  હરિ કૃપા જ ગણું છું.

પિતાશ્રીનો સ્વભાવ અમારા જેવો એટલે કે નાગરજન  જેવો. અલગારી અને લેશમાત્ર  ચિંતા નહીં, વળી  નફકરા ઘણા. અને નિજાનંદમાં  જીવનારા. ટીખળમાં ઘણું કહેનારા પણ લાગણીઓ દર્શાવવામાં કરકસર કરે તેવા. એટલે જયને પિતાશ્રીનો પરિચય સાચા અર્થમાં ઘણો મોડો થયો.  જો કે, જય માટે મમ્મીનાં ગયા પછી  ખુબ ભમીને ઘરે પાછા આવવાનું કારણ હોય તો  તે લલિતભાઈ. પિતા થોડા થોડા બીમાર પડવા લાગ્યા ત્યારથી એને ખ્યાલ આવ્યો કે મમ્મી પછી મારા પિતા પણ મારા જીવનનો એક અદમ્ય હિસ્સો છે. અને ત્યારથી જય પિતાકેન્દ્રી વધુમાં  વધુ બન્યો એવું મારું આકલન છે.

બન્યું એવું કે શરૂઆતમાં મમ્મી  એ જયને સાચવી લીધો અને પિતાશ્રીના છેલ્લા દિવસોમાં પિતાએ જયને એટલો બધો સમય સેવા કરવાની તક આપી કે જેથી  જયનો ખાલી ખૂણો ભરાવા લાગ્યો. આમાં પણ કાળી  રાત્રે કશી જરૂર રહી જાય તો મામા મામી અને તેમનું કુટુંબ એમની સાથે હતા. જયનું ઘર ક્યારેય એકલું પડ્યું  નથી. એના મમ્મી ગયા, કેન્સર જેવી બીમારીમાં ગયા,  તો પપ્પાને માટે  મામી મામા હતા પરિણામે જય ઈરોટિકામાંથી રાજકોટમાં ફ્લેટમાં શિફ્ટ થયો ત્યારે પણ એનું શિફટિંગ બહુ સહજતાથી થયું.

જય સમગ્ર વિશ્વ ઘુમનારો, સ્વૈરવિહાર કરનારો અને ઈચ્છે તેમ રખડનારો એવો જુવાન છે. એમને વક્તવ્ય આપતા તો નાનપણથી મેં જોયો છે. એટલે એમનો વિકાસ કેવી રીતે થયો એના વિષે ઝાઝું  મારે ઉમેરવું નથી. પણ એટલું ચોક્કસ કહું કે નાનપણમાં એના મમ્મીએ આજની મમ્મીઓ જેમ કુરકુરેના પેકેટ હાથમાં મૂકે છે તેને બદલે નાની નાની ચોપડીઓ એના હાથમાં મૂકી અને પરિણામે મા એ વાંચનનો જબરો શોખ જયને લગાડ્યો. પિતા પણ  અધ્યાપક એટલે ઘરમાં પણ વાત અધ્યાપનની થાય, વાંચનની થાય એટલે વાંચન રસ એટલો બધો પ્રબળ થયો કે જય નાનો હતો ત્યારે લગભ એક બે લાઈબ્રેરી જેટલા પુસ્તકો વાંચીને પોતાના મગજને પેક કરીને બેસી ગયો. મોટો થયા પછી પોતાની રીતે ફિલ્મો જોવાનો શોખીન બન્યો. ફિલ્મો જોવાનો શોખીન એટલે એક સાથે બે બે ફિલ્મ જોઈ નાખે. કે ફિલ્મ PVR માં જ જોવા માટે રાજકોટથી અમદાવાદ સુધી દોડી જાય..અરે ક્યારેક તો મુંબઈના PVR માં જ ફિલ્મ જોવી છે તેવું વેણ ઉપાડે તો મુંબઈ સુધી વિમાનમાં ઉડે!! જાત મહેનત તથા ઈશ્વર કૃપાથી જયને એ બધી વરણાગી પોષાય પણ ખરી. વળી ઘણીવાર  મનગમતું પિક્ચર જોવા માટે ફ્લાઇટ એવી રીતે બુક કરાવે કે જેથી કરીને પિક્ચર પૂરું કરીને ફ્લાઈટમાં કાર્યક્રમનાં સ્થળે જતું રહેવાય. આવા અનેક ગતકડાંઓ કરીને એ દેશ વિદેશની ફિલ્મો જુએ છે  અને એ ફિલ્મોના ઊંડાણથી વિશ્લેષણો કરે છે. ધીમે ધીમે છેલ્લા પાંચ દસ વર્ષમાં જય ‘આપવાદી’ પણ બહુ બન્યો. આપવાદી એટલે એ પોતાના અભ્યાસ  અને પોતાના શોખને લીધે confident બન્યો કે જેથી ઓસ્કાર વિષે જયારે આગાહીઓ કરે કે ચૂંટણીના પરિણામો વિષે આગાહીઓ કરે ત્યારે છાતી  ઠોકીને ફેસબુકના લોકોને પડકાર ફેંકે કે,  ‘બોલો,  સીધો ક્યાંય ભાગ ન લેતો હોવા છતાં મારી આગાહી કેટલી પરફેક્ટ હતી !!’

આમ તમે જુઓ તો જીવન યવહારમાં જય એટલો ફ્યૂચરોલોજિસ્ટ રહ્યો નહીં. મને એવું લાગ્યું છે કે જયના  મમ્મી વહેલા જતા રહ્યા ને એટલે  એમને એક સારી એવી કન્યા કોઈ શોધી આપી ન શક્યું. મમ્મીને જય ના ન  હોટ !! જો કે, એમના મમ્મીને હું  ઓળખું છું એટલે એ પણ ઉમેરું કે એમના મમ્મીએ પણ  જયની ઈચ્છાને જ ટેકો આપ્યો હોત  !!  દૂરથી જોતાં જયે ક્યારેય એવું લાગવા દીધું નથી કે  એ ઘરનો ઠરીને ઠામ નથી થયો.  જયને  એનો અફસોસ છે કે નહીં એ બહુ ખબર પડવા દે એવો જય નથી.  એ ચાલાક છે પણ એ પોતે એકલો પડતો હશે  ત્યારે એને એ ખાલીપો ચોક્કસ સાલતો હશે.  આ મારો ખ્યાલ છે. ન સાલતો હોય તો બહુ આનંદનો વિષય છે.

જય વિશેની બીજી ઘણી વાતો થઇ શકે.  શુભેચ્છા તો એ પાઠવીશ કે હવે જય વનપ્રવેશ કરવાનો છે. બે પ્રકારની લતા હોય છે. એક વનલતા અને એક ઉપવનલતા. વનલતા જેમ ફાવે તેમ ઉગી શકે. કોઈનો ટેકો છોડી દઈ શકે, કોઈને ટેકે  ચડી જઈ શકે. નિજ લીલાની ખુમારીથી જે લતા આગળ વધે એને વનલતા કહેવાય એમ જય ખરેખર પહેલાં ૫૦ વર્ષ  વનલતા તરીકે જીવ્યો છે.  પણ જયારે જય વનપ્રવેશ કરી રહ્યો છે ત્યારે હકીકતમાં તેનો  ઉપવન પ્રવેશ થઇ રહ્યો છે. અને એટલે એ વનલતાને બદલે ઉપવનલતા તરીકે વધુને વધુ સઁવર્ધિતરૂપે, સુવ્યવસ્થિતરૂપે તેના લખલૂટ ચાહકો સમક્ષ આવે તેવી આપણા સૌની ઈશ્વરને પ્રાર્થના છે.

જય અસ્ખલિત બોલી શકે છે, જય વિસ્તૃતમાં વિસ્તૃત લખી શકે છે, જય સોશિયલ મીડિયા ઉપર પ્રત્યેક ક્ષણે હાજર રહી શકે છે, જય મોડે સુધી જાગી શકે છે અને મોડે સુધી સુઈ પણ શકે છે, અરે, જય સોશ્યલ મીડિયા ઉપર કોઈ ડફોળ સાથે થાક્યા વગર ઝગડી શકે છે, જય રાતભર પ્રવાસ કરી શકે છે, જય પોતાના મનમાં બેસી ગયેલ વ્યક્તિઓને ફાટફાટ પ્રેમ કરી શકે છે, જય સંતો મહંતોને ઝૂકીને પ્રણામ કરી આદર આપી શકે છે, જય રાજકારણીઓને પણ પોતાના ઘરે આવવા  મજબુર કરી શકે છે, જય ધારે તે શોખ પુરા કરવાની ક્ષમતા ધરાવી જાણે છે  અને જય જે ઈચ્છે તે કરી જ શકે છે. એ રંગોનો શોખીન છે, એ ખાવાનો શોખીન છે,  એ ભાતભાતની જગ્યાએ ફરવાનો શોખીન છે, એ વાતો કરવાનો અનહદ શોખીન છે, એ લોકોને પ્રેમ કરવાનો અનહદ શોખીન છે. એના આ બધા જ શોખ પુરા થાય એવી હું  જરૂર પ્રાર્થના કરું  પણ સાથે સાથે એવી પણ પ્રાર્થના કરું કે જયની જાત પ્રત્યેની પોતાની સજગતા વધે અને તે વધુને વધુ ઉમદા રીતે પોતાનામાં ઊંડો ઉતરતો જાય. વિષ્ણુની વ્યાપકતા અને માધવનું પ્રેમ માધુર્ય જય  પોતાની પાસેથી જ પ્રાપ્ત કરે એવી દિલની  શુભેચ્છાઓ છે.  ભાવનામામીને વિનંતી કરું કે મામી,  તમે જયને સાથે રાખજો. જય વગર તમને નહીં ફાવે,  એમ તમારા વગર જયને પણ નહીં ફાવે…

Jay Vasavada 

બાળક તો સમજણનો સાગર

ભદ્રાયુ વછરાજાની                            bhadrayu2@gmail.com 

એક વખત વીરબલને રાજસભામાં આવતા મોડું થઈ ગયું. બાદશાહે પૂછ્યું : ‘અલ્યા, કેમ મોડો આવ્યો ?’ તો કહે : ‘જનાબ, છોકરાને રમાડતો હતો, તેમાં સમયસર ન નીકળાયું.’

‘લે શેમાં શી મોટી ધાડ મારવાની હતી ? ખાવાનું  આપી દીધું હોત તો વાત પતી જાત.’

‘ના માલિક, એટલું સહેલું કામ એ નથી.’

બાદશાહ હઠે ચડયા. છોકરાં રમાડવાં તેમાં વળી શી વડાઈ ? છેવટે  નક્કી થયું કે બાદશાહ બને બાપ અને બીરબલ બને દીકરો. દીકરાને બાપ રમાડી જાણે તો જાણવું કે છોકરાં રમાડવાં સાવ સહેલાસટ… અને શરત શરૂ થઈ.

બીરબલે તો શરૂ કર્યું : “એં એં…” 

બાદશાહે પ્રેમથી પૂછ્યું, “કેમ બેટા, કેમ રડે છે ? શું જોઈએ તારે ?’

‘ખાવું છે!’

‘ઓહો, એમાં શી મોટી વાત? શું ખાવું છે ?’

‘શેરડી !’

‘અલ્યા, શેરડી લઈ આવો !’

શેરડી આવી.  નોકરને કહ્યું કે કાપી આપ. કાપી આપી પણ પણ દીકરો તો પાછો વળી ‘ એં એં એં’  કરવા લાગ્યો. ‘અલ્યા, હવે તારે શું જોઈએ ?’ ‘ના, બાપુ, તમે શેરડી કાપી દ્યો. તમે જ.’

‘લે બાપા, હું કાપી આપું…’ બાપાએ પોતે શેરડી કાપી આપી…પણ છોકરાએ તો શેરડીનો કર્યો ઘા ! ‘કેમ બેટા, હવે શું જોઈએ ?’

‘મારે તો ઘોડા પર બેસવું છે !’

ઘોડો મંગાવ્યો. પણ ‘ એં એં એં’  તો ચાલુ જ… ‘હવે તારે શું બાકી રહ્યું છે, દીકરા ?’

‘માલા માટે   તમે ઘોલો બનો અને એ ઘોલા પર માલે બેસીને શેરડી ખાવી છે…’ 

બાદશાહ ઘોડો થયાં અને બીરબલ તેનાં પર બેઠા. તેને કાપેલી શેરડી હાથમાં આપી, ત્યાં પાછું ‘ એં એં એં…’  

બાદશાહ કહે : ‘અલ્યા, હવે શું છે તારે ?’ 

‘બાપા ભાંગેલી શેરલી આખી કરી દ્યો તો ખાઉં…’ 

બાપા બનેલા બાદશાહ બરાડી ઉઠયા : ‘હઠ  હરામખોર !’

અને શરતમાં બીરબલ જીતી ગયો એ કહેવાની જરૂર છે ? આ ભ્રમણા કેવળ બાદશાહને નહિ, આપણને સૌને છે કે છોકરાં એટલે ગણતરીમાં નહિ લેવાની બાબત. બાળક સંભાળવું એટલે બાળકને કેળવવું. બાળક સાથે બાળક થવાની મઝા બધાના ભાગ્યમાં  નથી હોતા !!

આપણું બાળક આપણે ધારીએ છીએ તે કરતાં વધુ સમજુ છે અને સંવેદનશીલ પણ. મારાં ઘરની સામે નંદિશ રહે છે. સાત- આઠ વર્ષનો છે. તેનાથી મોટી ચાર પાંચ વર્ષે બહેન કથિકા. બંન્ને જીવંત બાળકો છે. ગમા – અણગમા – ચંચળતા – ગુસ્સો બધું જ છે એનામાં. હોય જ ને, બંન્ને બાળક છે ! નંદિશનો જન્મ થયો ત્યારે કથિકા સમજુ હતી ઉંમરે. મારી સાથે ચોવટ કરે ભાઈની, ભાઈના નખરાંની અને ઘણી બધી. એકવાર કથિકા બહુ મોટા મનોવિજ્ઞાનીની અદાથી મને કહે : ‘તમને ખબર છે અંકલ ? નંદિશ હજુ છ મહિનાનો થયો છે ને ત્યાં એનો મૂડ  બતાડવા લાગ્યો છે.’ મૂડ બતાડવા લાગ્યો છે એટલે શું તે હું વિચારું ત્યાં જ કથિકાએ ચોખવટ કરી. ‘તમને સમજાવું અંકલ, અર્ધી કલાક એક જગ્યાએ થઇ નથી કે નંદિશ ભેંકડો જોડયો નથી !’ મેં જરા માસ્તરગીરી કરી અને પ્રશ્ન પૂછ્યો કે, ‘ એવું તે કંઈ હોય ? હજુ તો નંદિશ છ મહિનાનો છે એને બળી મુડ બુડ થોડું હોય ?’  તરત મારી સામે વ્હાલથી છણકો કરી કથિકા બોલી : ‘તમે મારી મમ્મીને પૂછી જોજો. અમારા ઘરમાં હું તો નંદિશને જોઉં છું ને ! બેડરૂમમાં રમતો હોય ને બરાબર કલાક થાય એટલે કચકચ શરૂ કરે. પાછી મમ્મી ડ્રોઈંગરૂમમાં લાવી બધાની વચ્ચે સુવડાવે એટલે હસવા લાગે અને ત્યાં પણ એક કલાક થયો નથી ને ભાઈનું છટક્યું નથી ! અંકલ, તમને નંદીશના નખરાંની શી ખબર પડે ?’ કથિકાના છેલ્લા પ્રશ્નથી હું જાગી ગયો અને મને લાગ્યું તે સાચી છે, આપણને આપણાં બાળકોની સમજનો ક્યાં અંદાજ જ છે ? સમજથી સંવેદના ઘડાય અને સંવેદનામાંથી ચેતના પ્રગટે…!

કુટુંબ કેન્દ્ર છે સમાજનું. મા – બાપ – મિત્રો – પાડોશી – ભાઈ – બહેન બધાં તો પરિધ પર ફરે છે. કુટુંબનું કેન્દ્ર છે બાળક. આ બાળકની સમજને ઓછી આંકવાની ભૂલ કરવા જેવું નથી. કુટુંબો તૂટતાં જાય છે તેથી બાળકની સમજ ખરડાતી જાય છે. સેજલ સાડા ચાર વર્ષની છે. તેનાં મમ્મી પપ્પાને ઘણાં પ્રશ્નો હતા. પ્રશ્નો ધીમે ધીમે ક્લેશ બનવા લાગ્યા અને અંતે ઘણી માથાકૂટ પછી છૂટાછેડા થયા. સેજલ તેની મમ્મી સાથે મામા મામીના ઘરે રહેવા લાગી. મામા મામી શિક્ષકો. શિક્ષક દંપતીએ  આંતરજ્ઞાનીય લવમેરેજ કરેલાં. સેજલને સરસ કુટુંબ મળે એટલે બહેનને ભાઈ ભાભીએ સમજાવી ફરી પરણવા માટે. જલ્દી બધું ન ગોઠવાયું પણ ધીમે ધીમે ગૂંચો ઉકેલાતી ગઈ. આ બધી પ્રક્રિયાની મૂક સાક્ષી સેજલ. એક પ્રસ્તાવ આવ્યો. તે પણ છૂટાછેડા લીધેલ પુરુષ. સારું હતું બધી રીતે. ફોરવર્ડ ભાઈ ભાભીએ દોર સંભાળ્યો. સેજલને અને તેની મમ્મીને બધાં જ ઈનપુટ સાથે આગળ ધપાવ્યાં. હળ્યા- મળ્યા – ફરવા પણ જવા દીધાં – મોડેથી ફ્રી થાય ત્યારે પેલું નવું પાત્ર સેજલની મમ્મીને ફોન કરે. ભાઈ – ભાભીએ ઈચ્છયું કે આમ થશે તો જેમને જોડાવવું  છે તેમની વચ્ચે બધાં ખુલાસાઓ પહેલાં થઈ જશે. લેટ ધેમ ઈન્ટરેક્ટ. વાત અહીંયા મોટાને સમજાવવાની છે, પણ પેલી નાની સાડા ચાર વર્ષની સેજલની સમજ એડવાન્સ છે. તે બોલતી નથી, પણ સમજે છે બધું જ. સેજલે એક દિવસ મામીએ કહ્યું : ‘મામી, તમને ખબર છે હમણાં મને રોજ મમ્મી રાત્રે નવ વાગે કેમ સુવડાવી દે છે ?’ મામી કહે : ‘ના સેજલ, મને તો ક્યાંથી ખબર હોય ?’ સેજલ બોલી : ‘મને બધી ખબર છે. મારી મમ્મીને નવા પપ્પાનો ફોન આવે છે, બંન્ને ડાહી ડાહી વાતો કરે છે. હું મમ્મીને ડિસ્ટર્બ ન કરું ને એટલે મને મમ્મી હમણાં રાત્રે વહેલી સુવડાવી દે છે..’ સાડા ચાર વર્ષની સેજલ ! કેટલી મેચ્યોર ? કેટલી એની સ્પષ્ટ સમજ ! સલામ એ બાળચેતનાને… આ સમજનો સાગર આપણે ખારો કરીએ છીએ. ટીવીની ચેનલ્સ, છાપાનાં કચરા જેવા ગલગલિયા કરતાં સમાચારો અને અબુધ વાતાવરણમાંથી ગંદવાડ ઠલવાય છે દરિયામાં…

નંદિશ હવે આઠ વર્ષનો છે. વેકેશનમાં શેરીમાં ધમાલ કરતો હતો બધાં બાળકો સાથે. એમાં પ્રતીક – ઋતુ – ડોલી – ભૂમિ – કેદાર – કથિકા – નંદિશ સૌ ખરાં. છોકરા છોકરી ભેગા મળી ધીંગામસ્તી કરતાં હતા… પણ અચાનક નંદીશે ટ્રેક બદલ્યો. નંદીશના દાદીએ કહ્યું : નંદિશ બહુ હળી મળી ગયો હતો, જમાવટ હતી, પણ ત્યાં એનાં ટીચરે કહ્યું કે : બોયઝ સાથે બોયઝ રમે ને ગર્લ્સ સાથે ગર્લ્સ. બોયઝ – ગર્લ્સ ભેગા નહીં રમવાનું.. બસ ત્યાંથી નંદિશ ફરી સંકોચાઈ ગયો છે ! સૂનમૂન થઈ ગયો છે. ઘરમાં અતડો થઈ ગયો છે. શેરીમાં રમવાનું બંધ કરી દીધું છે. ગડમથલ છે નંદીશના મનમાં કે મને મજા આવે છે તે સાચું કે મારાં ટીચર કહે છે તે ?’ કથિકા – કશ્તિ – સેજલ તો ઈશ્વરદત્ત સમજથી ઘૂઘવે છે, તેમાં ખારાશ ભેળવવાનું પાપ તો આપણે કરીએ છીએ..!

‘એ માણસ એવો કેમ છે ?’ 

‘અરે, આ ડાહી લગતી  સ્ત્રી આમ વિચિત્ર કેમ વર્તે છે ?’ 

‘સજી ધજીને ફરનારી વ્યક્તિને નાની – મોટી વસ્તુઓ તફડાવી લેવાની ક્યાંથી ટેવ પડી ?’ 

‘બહારથી લઘરો દેખાતો જણ કામ કરવામાં પરફેક્ટ કેવી રીતે હોઈ શકે ??’ 

આ પ્રશ્નાર્થો વ્યાજબી છે, પણ તેનાં મૂળમાં જાઓ તો ખ્યાલ આવે કે આ બધાં જ પ્રશ્નોના મૂળિયાં વ્યક્તિના બાળપણમાં જઈને નીકળે છે. વિકાસલક્ષી મનોવિજ્ઞાનના ધૂરંધરો બરાડી બરાડીને કહે છે કે : તમારા સંતાનનાં પહેલાં સાત વર્ષનો ઉછેર જો તમે જાળવી લીધો તો પછી ગંગા ન્હાયા ! તમે તમારા બાળકની ફીકર છોડી દો. ટેવના, સંસ્કારનાં, વર્તનના બીજ આ સાત વર્ષોમાં રોપાય જ જાય છે, બસ પછી તો તેનું નર્ચરિંગ થયા કરે છે… માણસની  સારપ કે માણસની ખરાબીનો નકશો તો બાળપણમાં જ દોરાય જાય છે, પછીનાં જીવનમાં તો એ નકશા મુજબની ઈમારત બંધાય છે. આખું વિશ્વ જેના ચિંતનને કાનધરી સાંભળે છે તે આચાર્ય રજનીશ (ઓશો) કહે છે : ‘જીવનમાં સાત સાત વર્ષના વર્તુળ હોય છે. સાત વર્ષ બાદ બાળક શક્તિશાળી બની જાય છે. હવે તેને ખબર છે ક્યાં જવાનું છે અને શું કરવાનું છે ? તે દલીલ કરવા માટે સમર્થ બની જાય છે કે,  શું સાચું છે અને શું ખોટું છે અને તેની સ્પષ્ટતા એ વખતે ચરમસીમાએ હોય છે. જો તેને બાળપણના વર્ષોમાં વિચલિત કરાય નહીં તો તે સાતમા વર્ષે દરેક બાબતમાં સ્પષ્ટ હશે જેનાથી તેનું સમગ્ર જીવન કોઈપણ પસ્તાવા  વિના પસાર થાય છે.’ આ શબ્દો કહેનાર રજનીશની ખુદની ઉછેરની વાતો જાણવા જેવી છે. જે બાળક આગળ જઈને પોતાના વિચારોથી દુનિયાભરમાં તોફાન મચાવી નાખવાનો હતો તે જીવનનાં પ્રથમ નવ વર્ષ સુધી અભણ હતો !! તેને અક્ષરજ્ઞાન ન હતું, ભાષા કે ગણિત સાથે તેને કોઈ લેવા – દેવા ન હતી. ગામ જ એવું કે એમાં શાળા – રેલવે સ્ટેશન – બસ સ્ટેન્ડ – હોસ્પિટલ – પોસ્ટ ઓફિસ એવું કશું જ નહીં. કૂચવાડા ગામ માટે કહેવું અઘરું કે ત્યાં જીવન પણ છે ?!  ન છાપું આવે કે ન કોઈ શિક્ષક. આવાં વાતાવરણમાં જે બાળક ઉછર્યું તે એકાંતપ્રિય થયું પણ તેની આંગળી પકડીને input આપ્યા સહજતાથી તેની નાનીમાએ. રજનીશના પ્રથમ સાત વર્ષ નાના નાનીના ઘરે પસાર થયાં અને ખાસ કરીને નાની સાથે કૂચવાડામાં. આ સાત વર્ષોમાં જે રોપાયું, તે ઉગ્યું અને વટવૃક્ષ થઈ ગયું. એક એવું જીવન કે જે  રહસ્ય અને રોમાન્ચથી ભરેલું, આધ્યાત્મિક ઊંચાઈ પ્રાપ્ત કરેલું અને આજના સંદર્ભમાં આપણાં માટે નવો જ દ્રષ્ટિકોણ પરિભાષિત કરતું જીવન…

બાળપણમાં બોલાયેલો એકાદો શબ્દ કે નાનપણમાં જીવાયેલી એકાદી પળ સમગ્ર જીવન ઘડતરનું ફાઉન્ડેશન ભરે છે, એ વાત મા – બાપ – શિક્ષકે ભૂલવા જેવી નથી… આજના યુવાનો અને વૃદ્ધો જેમને એક સરખી ચાહતથી વાંચે છે અને સાંભળે છે તે યુવા – આઈકોન જય વસાવડા પોતાના ભાષણમાં પંચતંત્રથી લઈને પાબ્લો નેરુદા સુધીની વાર્તાઓ – અવતરણો  – હકીકતો અસખલ્લીત વર્ણવે છે તેનો શ્રેય જાય છે જયનાં માતુશ્રીને. એમણે જયને સ્કૂલ ન ધકેલી દઈ ઘરમાં ઢગલાબંધ પુસ્તકો વચ્ચે મૂકી દીધો ! આજના જય વસાવડાનું વિચાર વિશ્વ તો પહેલાં સાત વર્ષમાં તરબતર થઈ ચકયું હતું, આપણી સમક્ષ તે હવે જે વ્યક્ત કરે છે તે બાળઉછેરનું ભાથું છે… આપણાં સંતાનનાં પહેલાં સાત વર્ષ સહજતાથી આપણે સંગોપી લઈશું તો આપણને સીત્તેર પછી કશી અડચણ એ સંતાન ભવિષ્યમાં ઊભી નહીં કરે, તેની ખાતરી.

હવે વિજ્ઞાનની અંતિમ શોધોએ પુરવાર કર્યું છે કે Child by choice, not by chance. બળદેવતા પસંદગીથી અવતરે, અકસ્માતે નહીં ! શારીરિક જરૂરિયાત માટે નહીં, સામાજિક પ્રતિષ્ઠા ખાતર નહીં, જાતીય આનંદ માટે નહીં, સ્થાવર – જંગમમાં વારસદાર માટે નહીં,… સાંવેગિક અને આત્મીય પરમાનંદ માટે; હવેનાં બંનેના જીવનને એક યુ-ટર્ન આપવા માટે; પોતપોતાનાં બાળપણમાં ફરી પાછી લટાર મારવા માટે; એક કૂણા જીવ સાથે આપણાં જીવ ગૂંથી જીવનને અલગ રીતે ધબકતું કરવા માટે એક બાળકને ‘ આમંત્રણ – સપ્રેમ – સ્વાગતમ – સાદર નિમંત્રણ – રેડ કાર્પેટ વેલકમ’  કહેવાની ક્ષણ તે માતા પિતા બની જવાની મંગલ ઘટના છે. બનાવો  બને છે, ઘટના તો પરમની ઈચ્છાથી ઘટે છે ! શાંતિનું વાવેતર કરવા માટે બાળક ઉછેરવાની એક ઓર મઝા છે અને એ મઝા લૂંટી શકે તે ધન્ય છે.

નાનાભાઈ ભટ્ટ કહેતા : ‘ નાનાં બાળકો તે દેવની પ્રસાદી છે.’  ટાગોર કહે : ‘ બાળક એ તો ઈશ્વરના હસ્તાક્ષર છે. હજુ ભગવાનની શ્રદ્ધા આપણામાંથી ડગી નથી તેની સાબિતી રૂપે તે પોતાનાં અંશને આપણાં ખોળામાં મૂકે છે !’  બાળઉછેર એ બહુ મોટી જવાબદારી તો છે જ, પણ આપણાં જીવનની વિડીયો  રિવાઈન્ડ કરવાની આપણને મળેલી ઉત્તમ તક છે. બાળકને ધીરે ધીરે એના ક્રમમાં આગળ વધવા દેવાનું છે. ઉતાવળને ત્યાં જરાય અવકાશ નથી. નવ મહિના ઘોર અંધારામાં રહેલું બાળક માના ગર્ભાશયમાંથી આ પૃથ્વી પર આવે ત્યારે ઓરડામાં ફ્લડ લાઈટ હોય તો ન ચાલે. ધીમા મંદ પ્રકાશમાં જ સુવાવડ થાય તે જોવું જોઈએ. બાળકને આસ્તે આસ્તે પ્રકાશની દુનિયામાં લઈ આવવાનું છે. આ પ્રકિયા બધી જ ઈન્દ્રિયો માટે લાગુ પડે છે. દર્શકદાદા કહે છે કે : બાળકને સ્વાનુભવની બારાક્ષરી પર અનંતનો પરિચય થાય છે. સ્પર્શનાં સાધનો કે રમકડાં પહેલાં રેશમ – મખમલના ધરવા અને છેલ્લે ખરબચડાનો સ્પર્શ કરાવવો અને તે પણ  જરૂર પડે તો જ. અનુભવ જેવો  કોઈ ગુરુ નથી. અનુભવે બાળકને થશે કે જગતમાં સજીવ નિર્જીવ બે વસ્તુ છે. ઝાડને પાણી પાવું પડે છે. દેડકાં, કીડીને પણ સુખદુઃખનો અનુભવ થાય છે. હું અને કૂતરું બંન્ને સગાં છીએ. બંનેનાં સુખદુઃખ સમાન છે. આવી સંવેદના બાળકમાં જગાડવાની છે.. મા બાપ કે શિક્ષક તરીકે એ સંવેદના જગાડી શકીશું તો જ જગતમાં શાંતિ પ્રસ્થાપિત થશે.

 

શિક્ષણ અને કેળવણી

જેમાં મસ્તકનો ઉપયોગ થાય એ શિક્ષણ. જેમાં મસ્તક સાથે હૈયું અને હાથ જોડાય એ કેળવણી.

ભદ્રાયુ વછરાજાની                                                bhadrayu2@gmail.com 

શિક્ષણ અને કેળવણી બંને શબ્દો આપણે ઉપયોગમાં લઈએ છીએ, પણ હકીકતમાં આ બંને શબ્દોનો અર્થ  એક નથી.  બહુ ફર્ક  છે,  શિક્ષણ અને કેળવણીમાં.  

ઉમાશંકરભાઈની બહુ સરસ ઉક્તિ છે : 

ત્રણ વાના મુજને મળ્યા, હૈયું, મસ્તક, હાથ 

ચોથું નથી માંગવું, બહુ  દઈ દીધું નાથ. 

કવિવર્ય આભાર માને છે ઈશ્વરનો કે મને તમે હૈયું, મસ્તક અને હાથ ત્રણ આપ્યા છે.  તેટલું  ઘણું છે. હવે કંઈ  વધુ જોઈતું નથી. કારણ કે આ ત્રણથી હું પૃથ્વીને સર કરીને બહાર નીકળી જઈ શકું એમ છું. પ્રશ્ન થાય કે  ‘આ કેવી રીતે શક્ય છે ?’  જવાબ મળે છે કે, જો હૈયું, મસ્તક અને હાથ ત્રણેયનો ઉપયોગ કરું તો.. 

શિક્ષણ એટલે  જેમાં કેવળ મસ્તકનો ઉપયોગ થાય એ. અને   કેળવણી એટલે  જેમાં મસ્તકની સાથે હૈયું અને હાથ જોડાય એ.  બસ, આટલો જ ફરક. મગજમાં જેટલું નાખ્યા કરો એ બધું શિક્ષણ છે પણ મગજમાં નાખેલું જયારે  હાથ પગથી અમલમાં મુકો તો એ કેળવણી છે. પરંતુ કમનસીબે આપણે હાથ પગનો તો ઉપયોગ જ નથી કરતા. જે મળે તે બધું મસ્તકમાં અંદર નાખ્યા કરીએ છીએ. 

અત્યારે મોટા ભાગના શિક્ષકો કેવી રીતે ભણાવે છે ? બોલીને ભણાવે, ચોકસ્ટીકથી ભણાવે. હવે  જે ભણાવવામાં આવે  તે વિદ્યાર્થી લખી લે. શિક્ષકે પોતે જે ભણાવ્યું હોય તેના આધારે પરીક્ષામાં પ્રશ્નો પૂછે. એ પ્રશ્નના શિક્ષકે લખાવ્યા હોય એ જ જવાબો વિદ્યાર્થી લખે એટલે બંને પક્ષ  રાજી રાજી. આ જે આખી પ્રક્રિયા થઈ એને શિક્ષણની પ્રક્રિયા કહેવાય. જેમાં માત્ર ને માત્ર મગજનો જ ઉપયોગ થયો, હાથ પગનો ઉપયોગ થતો જ નથી. હું વિજ્ઞાનનો શિક્ષક છું અને ઓક્સિજન કેમ બનાવવો એ બ્લેક બોર્ડ ઉપર સરસ સમજાવું અને એ સરસ સમજાવીને હું રાજી થયો પણ મારા વિદ્યાર્થીઓને એ સમજવાથી સંતોષ નથી.  મારા વિદ્યાર્થીઓને તો એમ છે કે શિક્ષક ઓક્સિજનનો પ્રયોગ કરી બતાવે. તો એક શિક્ષક તરીકે મને ઓક્સિજનનો પ્રયોગ કરી બતાવતા આવડવું જોઈએ. હું માત્ર ઓક્સિજનના પ્રયોગના હેતુ અને સાધનો લખાવી દઉં કે સમજાવી દઉં તો હું શિક્ષક છું પણ હું મારા વિદ્યાર્થીઓને  લેબોરેટરીમાં લઇ જાઉં અને ત્યાં  જઈને ઓક્સીજનને બનતો દેખાડું તો મેં કૌશલ્યપૂર્ણ શિક્ષક છું, એમ કહેવાય. હજી એનાથી પણ આગળ જઈએ. પ્રયોગશાળામાં લઇ જઈને  હું એમ કહું કે કોઈ ત્રણ વિદ્યાર્થીઓ આવો અને હું અહીંયા ઉભો છું,  તમે મારી હાજરીમાં ઓક્સિજન બનાવો. ત્રણ વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ પરફોર્મ કરે અને ઓક્સિજન બનાવવાનો રોમાંચક અનુભવ પ્રાપ્ત કરે, આ પ્રક્રિયાને કેળવણી કહેવાય. 

કેમ શીખવું તે શીખવે એને શિક્ષણ કહેવાય.  પણ કેમ કરવું તે વ્યક્તિ પાસે કરાવે એને કેળવણી કહેવાય. વિદેશોમાં એક વાક્ય બોલાય છે. Do it yourself. તેનું એક ઉદાહરણ આપું.  મારો દીકરો ઓસ્ટ્રેલિયા હતો. એટલે હું ત્યાં ગયો  હતો ને છ મહિના રોકાયો. એ દરમિયાન એના સુંદર મજાના બાથરૂમમાં ફુવારો હોય એમાંથી પાણી ટપકયા જ કરે.  હું રોજ નાહી લીધા પછી જોઉં કે પાણી  ટપક્યા કરે છે. મારા દીકરાને કહ્યું કે, ફુવારામાંથી પાણી ટપકે છે, તો પ્લમ્બરને બોલાવી લે, પાણી વેડફાય છે. તો એ મને  જવાબ ન આપે પણ પ્લમ્બરને પણ ન બોલાવે !! એટલે બે ત્રણ દિવસ પછી મેં કીધું, ‘અહીંયા ઓસ્ટ્રેલિયામાં કોઈ પ્લમ્બર ન હોય ? તકલીફ શું છે ?’  એમણે  જવાબ આપ્યો :  ‘ પપ્પા,  હું પ્લમ્બરને બોલવું તો વાંધો નથી પણ મારો અડધા મહિનાનો પગાર નળ ટપકે છે એ રીપેર કરવા માટે આપવો પડે. બહુ ચાર્જ કરે, પ્લમ્બર લોકો અહીં…’  મેં કીધું, ‘ એટલા બધા પૈસા ! કેમ એવું ?’ તો કહે,  ‘અહીંયા બધા પોતાનું કામ પોતે જ કરે છે.’  મેં કીધું, ‘ આપણે તો આપણું  કામ કરીએ જ છીએ. આ પાણી ટપકે એ આપણું કામ ?’  તો કહે, ‘ હા એ પણ આપણું કામ છે.’  મેં કહ્યું કે,  ‘તો  આનો ઉપાય શું ? આને ટપકવા દેવાનું ?’  તો કહે, ‘ પપ્પા,આ રવિવાર આવશે ને ત્યારે વિકેન્ડમાં  હું તમને એક જગ્યાએ લઇ જઈશ’  અને ખરેખર શનિ રવિમાં લોન્ગ ડ્રાઈવમાં અમને લઇ ગયો. એક મસ મોટા મોલની બહાર મોટા અક્ષરે લખ્યું હતું ‘Do it yourself,  જેને DIY’ કહેવાય. તમે જાતે કરો. હું તો જોઈને જ અચંબિત થઇ ગયો. એમાં બધા જ વિભાગો… પ્લમ્બિંગનો વિભાગ, કિચનનો વિભાગ, ગાર્ડનનો વિભાગ. તમારા કામના વિભાગમાં તમારે જવાનું. તમારે જઈને બધું જોવાનું કે,  મારે શું જોઈએ છે ?  ત્યાં જઈને પૂછો કે આ મારી ફરિયાદ છે કે શાવરમાંથી પાણી ટપકે છે એટલે એમણે એક  નાનકડો વિડીયો દેખાડી પુચ્છ્યું  : . આવી રીતે ટપકે છે ? અમે કહ્યું, હા, બસ આમ જ..   તો કહે,  તમે આટલું આટલું લઇ જાઓ. હું તમને તમારે શું કરવાનું છે તેનો વિડીયો બતાવું છું. એટલે ફરી વિડીયો બતાવ્યો કે શું શું કરવાનું અને કેમ કરવાનું. મારા દીકરાએ કીટ લઈ  લીધી, તેની કિંમત  ચૂકવી દીધી  અને મને કહે, ચાલો આપણું કામ પૂરું.  આપણે હવે બધે ચક્કર લગાવીએ. ગાર્ડન વિભાગમાં શું છે ? તો ગાર્ડન વિભાગમાં લખ્યું હતું કે, તમારે નવો છોડ વાવવો છે ? તો આ માટી છે  લઈ  જાઓ. તેમાં નાખવાનું ખાતર બાજુના બોક્ષમાં છે તે લઇ જાઓ, છોડ લઇ જાઓ. કેમ રોપવું તેનો  વિડીયો આ રહ્યો.. Do it yourself DIY આખો મોલ જ એવો કે તમે જે બોલો એ બધું નીકળે ત્યાંથી.  હવે સમજાયું કે કેમ કોઈ કશું  કરવા ઘરે ન આવે. 

હવે પ્રશ્ન થાય કે ઘરે કોઈ કામ  કરવા ન આવે તેનું કારણ શું ? કારણ જાણવા જેવું છે. ઓસ્ટ્રેલિયામાં હાયર એજ્યુકેશનમાં જવામાં ઘણા બધાને રસ જ નથી. ઓસ્ટ્રેલિયામાં  મહત્તમ ભણનારા બહારથી આવે છે અને ભણાવનારા પણ બહારથી આવે છે. મૂળ ઓસ્ટ્રેલિયાના લોકો તો ત્યાં ઉચ્ચ શિક્ષણમાં જવાનું પસંદ કરતા નથી. એ સૌ તો સ્કૂલિંગ પૂરું કરે ત્યાં એને એવી સ્કિલ શીખવી દેવામાં આવે છે કે તરત  એનું પ્લેસમેન્ટ થઈ જાય. ઉદાહરણ તરીકે,  અહીં સફરજનના મોટા મોટા બાગ છે.  તમારી પાસે સ્કિલ હોય કે ફ્રૂટ કેમ ઉતારવા, તો તમને તેના માટે જોબ પર રાખી લે. તમારી પાસે સ્કિલ હોય કે સફરજનનો જામ કેમ બનાવવો તો તમને તેના માટે જોબ પર રાખી જ દે.  અને ઘણા બધા પગારથી કામે રાખે કારણ કે ત્યાં આવા માણસોની શોર્ટેજ છે. તમે પ્લમ્બર છો તો તમને કોઈપણ વ્યક્તિ ઘરે બોલાવે એટલે એટલો હાઈ ચાર્જ થાય કે તમે બોલાવી જ ન શકો. Do it yourself ના અનુભવ પરથી મને લાગ્યું કે બેઝિકલી આ કેળવણી છે.  છેલ્લા થોડા વર્ષોથી આપણી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અમલમાં આવી છે તેમાં આ  સ્કીલવાળી વાત છે, એ ઓસ્ટ્રેલિયાની જે વાત કરી તેવી જ છે.સ્કૂલિંગ પછી દરેકે દરેક વ્યક્તિ એક સ્કિલ લઈને બહાર આવે એ જોગવાઈ છે,  એ કેળવણીની વાત છે. જ્યાં બુદ્ધિ ચોક્કસ કામ કરશે  પણ હાથ અને પગ પણ સાથોસાથ કામ કરશે ને પરસેવો પણ પડશે.  

તકલીફ ત્યાં છે કે શિક્ષણ અને કેળવણી માટે અંગ્રેજીમાં એક જ શબ્દ બોલાય છે અને તે છે, એજ્યુકેશન. સ્વામી વિવેકાનંદ, મહર્ષિ ઓરોબિંદો, રમણ મહર્ષિ, મહાત્મા ગાંધી  કોઈએ શિક્ષણ શબ્દ વાપર્યો જ  નથી,  કેળવણી  શબ્દ જ વાપર્યો છે. તો Education  એ શિક્ષણ છે,  પણ Training  એ ખરેખર કેળવણી છે.  કેળવણી એટલે આવડત. What you can perform? તમે કેટલું કરી શકો છો એ કેળવણી છે. પણ ત્યારે જ કરી  શકીએ  જો  કરવાનું શીખ્યા હોઈએ ..

હવેના મા બાપે પણ સમજવું પડશે  કે પોતે નાનકડું કામ કરતા હોય તો પણ બાળકને ભેગા જોડે  અને કહે કે,  આ લે ચાકુ, નાનકડું બટેટું સુધારવામાં મદદ કર. ભલે કદાચ એને થોડુંક વાગે, વાગવા દઈએ , લોહી નીકળવા દઈએ. લોહી નીકળે ત્યારે શું થાય એનો અનુભવ એને લેવા દઈએ. મહાત્મા ગાંધીનો શબ્દ છે, આત્મનિર્ભર. મહાત્મા ગાંધી આશ્રમની સફાઈ, ટોયલેટની સફાઈ પોતે કરતા હતા. હરિપુરામાં કોંગ્રેસનું અધિવેશન મળ્યું ત્યારે એ કોંગ્રેસના મુખ્ય વ્યક્તિ હતા તો પણ એમણે ત્યાં જાહેર જાજરૂ અને બાથરૂમને સાફ કરવાનું કામ કર્યું. વિનોબાજીનું ‘શિક્ષણ સંવાદ’ નામનું પુસ્તક છે, યજ્ઞ પ્રકાશન, વડોદરાનું એ પુસ્તક છે. જેમાં  વિનોબાજીએ કહ્યું છે કે,  ‘તમારા દીકરા દીકરીને નાના હોય ત્યારે રસોડામાં ચા કરવા જવા દેજો અને એ વખતે મીઠું અને ખાંડના  બે ડબ્બા બાજુમાં પડ્યા હોય અને એને ખબર ન પડે ને એ મીઠું નાખી દે તો નાખવા દેજો. એ વખતે એને ભૂલ સમજાશે તો એ જિંદગીમાં એ ભૂલ ફરી ક્યારેય નહીં કરે.’   આ કેળવણી છે. હું મારું  કામ જાતે જ કરીશ તો હું કોઈકનું કામ કરવા માટે તત્પર રહીશ. મારું આંગણું મારે

સાફ કરવાનું.. મારા  કેમ્પસને રળિયામણું બનાવવું હોય, લીલુંછમ બનાવવું હોય તો એ મારી પણ જવાબદારી છે.

શિક્ષણ પ્રક્રિયામાં ત્રણ શબ્દો છે:  જ્ઞાનાત્મક, ભાવાત્મક અને  ક્રિયાત્મક. આ શાશ્વત છે. કોગ્નિટિવ ડૉમેઇન, સાયકો મોટર ડૉમેઇન, અફેક્ટિવ ડૉમેઇન (Cognitive Domain-Affective Domain – Psychomotor Domain)   જ્ઞાનાત્મક એટલે મસ્તક,  અફેક્ટિવ એટલે હૃદય સાથે જોડાયેલું, સાયકો મોટર ડૉમેઇન એટલે હાથ-પગ સાથે જોડાયેલ કૌશલ્ય. ઉમાશંકર જોશીએ કહી તે જ વાત : ત્રણ વાના મુજને મળ્યા હૈયું, મસ્તક, હાથ  – ત્રણ શબ્દો ગાંધીના સમયમાં પણ પ્રચલિત હતા. Three H,, Head, Heart and Hand. એક બહુ સુંદર મજાનું વાક્ય છે:  તમે કહેશો તો હું ભૂલી જઈશ, તમે દર્શાવશો તો થોડું યાદ રહેશે, પણ તમે મને કરવાનું કહેશો તો હું શીખી જઈશ.’ 

કોઈપણ વાતાવરણ કાં તો તમને સપોર્ટ કરે છે, કાં  તમારી વેલ્યુ કરે છે, અને કાં તો કશીક ડિમાન્ડ કરે છે. એક રીતે જોઈએ તો, કોઈ ભણાવે તે શિક્ષણ છે. પણ હું શીખું તે કેળવણી. શીખવું એટલે કરવું, કરવું એટલે મને અંદરથી ઉગે તે કરવું. અંદરથી ઉગવા માટે શબ્દ છે ‘કોળવું’.  એના પરથી શબ્દ આવ્યો કેળવણી. કોળવું એટલે કોઈકે કીધું એટલે કરવું એમ નહીં, મને એમ થયું કે કરવું એટલે કર્યું. હું સ્ટાફરૂમમાં જઈને બેસું,  ટેબલ પર ધૂળ છે તો હું વિચારું કે પટ્ટાવાળાએ કરવાનું આ કામ મારું નથી તો મેં બરાબર ન કર્યું, હું  એના પર હાથ મુકું તો એ ધૂળ મારા જ હાથ પર ચોંટે, પટ્ટાવાળાના હાથ પર તો ન ચોંટે.  એના બદલે હું એક કપડું  મારા ખાનામાં રાખું. એ ડસ્ટરથી  હું  રોજ સવારે ટેબલ સાફ કરીને તેને ખાનામાં મૂકી દઉં તો એ મારું  કેળવાયેલું કર્મ ગણાય. આપણને ચોખ્ખા રહેવું તો ગમે જ  ને ? પણ એ માટે આપણે જ  કેળવાવું પડે. અને એનું જ નામ કેળવણી. 

**********************************************************************************

ભદ્રાયુ વછરાજાની, પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.                                                                                          મોબ. 9898920333

ગાંધીજીના જીવનમાંથી સંસ્કૃતિ બોધ

ભદ્રાયુ વછરાજાની 

(ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી સાંદિપની, પોરબંદર ખાતે યોજાયેલ સંસ્કૃતિ ચિંતન-2023માં આપેલ વ્યાખ્યાન)

===========================================================

જયારે ‘ગાંધીજી: એક શાશ્વત વિચાર’ની સામે વિપથગામી પરિબળો સતત જુદી જ વાતો કરવા બહાર આવી પડયા છે અને સંગઠિત થઈને એક પરમ સત્યને ઢાંકવાના પ્રયાસો કરે છે ત્યારે ગાંધીજીના  જીવનમાંથી  સંસ્કૃતિબોધ  તેવા  વિષય અંગેની ચર્ચા કરવી કે અભ્યાસ કરવો એ અતિ પાવન ઘટના છે . 

આપણે ગાંધીજીના જીવનમાં સંસ્કૃતિ બોધ એવા વિષય પર વિચાર કરીએ તે પહેલા આપણે સંસ્કૃતિ અને તેની પ્રવાહિતા વિષે ટૂંકમાં થોડું જાણવું જરૂરી છે. 

આપણે વિચારીએ કે આપણા હિન્દુસ્તાનમાં વર્ષોથી જે જ્ઞાનને સ્વીકૃત ગણવામાં આવ્યું છે, એને કેટલાક આધારોથી સ્વીકૃતિ પ્રાપ્ત થઈ છે. દા.ત. વર્ષો સુધી એવું ચાલ્યું કે જે શાસ્ત્ર પ્રામાણ્ય જીવન છે એ માન્ય છે, એટલે કે શાસ્ત્રોમાં દર્શાવેલું છે તે આપણી સંસ્કૃતિ છે એવું સ્વીકારીને જીવન જીવતા રહ્યા. એક ગાળો હતો કે જયારે શાસ્ત્ર પ્રામાણ્ય જીવન એ સાર્થક ગણાતું. ધીમે ધીમે કરતાં  જેમ જેમ માનવીય બુદ્ધિનો વિકાસ થતો ગયો તેમ એને પ્રશ્નો થતા ગયા અને પ્રશ્નો એવા થયા કે જે શાસ્ત્રોને આપણે પ્રમાણ ગણીએ છીએ એ શાસ્ત્રો ઉપર અત્યારે જુદું વિચારવું જોઈએ કે નહીં અને  એમાંથી એક બીજા પ્રકારનો પ્રવાહ શરૂ થયો જેને બુદ્ધિ પ્રામાણ્ય જીવન કહેવામાં આવ્યું. શાસ્ત્રો ખરા પણ જેમાં બુદ્ધિ પ્રમાણ આપે કે, ‘હા, આ બરાબર’ તેને માન્ય ગણવું. આવા શાસ્ત્ર પ્રામાણ્ય અને બુદ્ધિ પ્રામાણ્ય જીવન રીતિમાં ૧૮૧૫ માં  રાજા રામમોહન રાયે વેદાંત સારના અનુવાદની પ્રસ્તાવનામાં લખ્યું કે,  ‘શાસ્ત્ર અને બુદ્ધિ બંને એ નક્કી કરેલા માર્ગે ચાલવાનો સર્વથા પ્રયાસ કરીએ તો તે ઉચિત છે.’ એટલે કે એમણે શાસ્ત્રને પણ સ્વીકાર્યું અને બુદ્ધિને પણ સ્વીકારી. બંને એ નક્કી કરેલા શાસ્ત્ર અને બુદ્ધિ  પ્રામાણ્ય માર્ગ ઉપર ચાલીએ તો એ ઉચિત ગણાશે. રામમોહનરાય પછી આવ્યા કેશવચંદ્ર. કેશવચંદ્ર સાવ અલગ પડયા. એમણે એમ કહ્યું કે, કેવળ બુદ્ધિ પ્રામાણ્ય પણ પ્રયાપ્ત નથી, બદલાતા સમય સાથે જ્ઞાનની જોડાજોડ વિજ્ઞાન ચાલે છે. શ્રીમદ ભગવદ ગીતામાં પણ એક અધ્યાયને જ્ઞાન વિજ્ઞાન યોગ શીર્ષક આપ્યું છે,  એટલે કે વિશિષ્ટ જ્ઞાનના આધારે કામ થવું જોઈએ એટલે કેશવચંદ્રના સમયથી કેવળ બુદ્ધિ પ્રામાણ્યનો સ્વીકાર ન થયો, પરંતુ વિજ્ઞાન પ્રામાણ્ય હોય એ પણ જરુરી ગણાવા  લાગ્યું. અહીં ગાંધીજીના વચનો આપણને યાદ આવે. ગાંધીજીએ કહ્યું કે, ‘જો મારા ધર્મ મતને લઈને વિજ્ઞાન નાશ પામે તેમ હોય તેના કરતા મેં જીવનભર હૃદયમાં સંગ્રહેલો મારો ધર્મમત નાશ  પામે એમ હું ઈચ્છું છું.’  ગાંધી તો ઘણા વર્ષો પછી થયા. પછી એમણે વ્યક્ત કરેલો આ મત એ કેશવચંદ્રના વિજ્ઞાન પ્રામાણ્યની વાતને ટેકો કરનારો  છે. આગળ વધીએ તો સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા આર્ય સમાજની સ્થાપના થઈ તે શાસ્ત્ર પ્રામાણ્યથી આગળ વેદ પ્રામાણ્ય ઉપર જવાનું કહેતો એક પ્રવાહ બન્યો. એમાં ઉમેરાયા શ્રી રામકૃષ્ણ પરમહંસ અને તેના શિષ્યો. શ્રી રામકૃષ્ણદેવે તો બધા ધર્મોની એકતા ઉપર સીધો ભાર મુક્યો. એમનું આકલન પણ જાણવા જેવું છે : ‘બધા માણસો ધર્મના નામે ઝઘડતા જોવામાં આવે છે. હિન્દૂ, મુસલમાન, બ્રાહ્મણો , શાક્તો, વૈષ્ણવો, શૈવો બધા જ એકબીજા સાથે ઝઘડે છે. એ લોકો એટલો વિચાર નથી કરતા કે જેને કૃષ્ણ કહે છે, તે જ શિવ પણ છે અને આદ્યશક્તિ પણ તેનું જ નામ છે. ઈસુ અને અલ્લાહ પણ તેના જ નામ છે. એક જ રામના હજાર નામ છે. વસ્તુ તો એક જ છે, પણ નામ જુદા જુદા છે. બધા એક જ વસ્તુ મેળવવા મથે છે પણ દેશ કાળભેદે નામ જુદા વાપરે છે. એક જ તળાવને અનેક ઘાટ છે. એક ઘાટે હિન્દૂઓ લોટામાં પાણી ભરે છે અને તેને ‘જળ’ કહે છે. બીજા ઘાટે  મુસલમાનો ચામડાની મશકમાં પાણી ભરે છે અને તેને ‘પાની’ કહે છે. ત્રીજે ઘાટે ખ્રિસ્તીઓ પાણી  ભરે છે અને તેને ‘વોટર’ કહે છે. હવે કોઈ એમ કહે કે આ વસ્તુ ‘પાની’ કે ‘વોટર’ નથી, પણ જળ છે અથવા ‘જળ’  કે ‘પાની’ નથી પણ ‘વોટર’ છે તો તે સાચે જ હાસ્યાસ્પદ છે.’  આ જ વાત વેદમાં કહેલી  છે, II એકમ સત વિપ્રા બહુધા વદંતીII શ્રી રાકૃષ્ણદેવે બહુ જ સ્પષ્ટતાથી પોતાનો પાયો મજબૂત કરી દીધો. એમના શિષ્ય સ્વામી વિવેકાનંદ આવ્યા એમણે કહ્યું  કે we believe not only in universal toleration but we accept all religions  as true અમે તો બધા ધર્મોને સાચા માનીએ છીએ. ગાંધીજીના પૂર્વગામી હતા સ્વામી વિવેકાનંદ. ગાંધીજીના ધર્માંતરની બાબતમાં એ જ વચનો એમણે  પણ કહ્યા. સ્વામી વિવેકાનંદે કહ્યું કે, ‘મારી પાક્કી ખાતરી થઈ ગઈ કે આ ભૂખ્યા માણસો આગળ ધર્મની વાત કરવી મિથ્યા છે. તેમની ગરીબી અને તેમના દુઃખો ટાળવાનો પ્રયત્ન પહેલા કરવો જોઈએ. આને માટે ગરીબ હિંદના ઉદ્ધાર કરવા વધારે સાધનો મેળવવા હું અમેરિકા જઈ રહ્યો છું.’  એમનો ઉદેશ સ્પષ્ટ હતો, ગરીબ હિન્દનો ઉદ્ધાર. ગરીબો માટે તેઓ કહે છે કે,  ‘તેઓ આપણી પાસે રોટલો માંગે છે પણ આપણે એમણે રોડા આપીએ છીએ. ભૂખે મરતી પ્રજાની આગળ ધર્મની વાત કરવી એ તેનું અપમાન કર્યા બરાબર છે. ભૂખ્યા માણસ આગળ અધ્યાત્મ વિદ્યાની વાત કરવી એ તો તેનું બરાબર અપમાન કરવાનો માર્ગ છે.’ દરિદ્રનારાયણ શબ્દ આપનાર સ્વામી વિવેકાનંદ કહે છે કે,  ખ્રિસ્તી હિન્દૂ થઈ જાય એવું હું ઈચ્છું છું ? લગારે ય નહીં. હિન્દૂ કે બૌદ્ધ ખ્રિસ્તી થઈ જાય એવું શું હું ઈચ્છું છું ? લગારે ય નહીં. ખ્રિસ્તીએ હિન્દૂ કે બૌદ્ધ થવાનું જ નથી. તે જ રીતે હિંદુએ ખ્રિસ્તી કે બૌદ્ધ થવાનું જ નથી પણ દરેક ધર્મએ બીજા ધર્મોની ભાવનાને અપનાવવાની છે અને છતાં પોતાનું વ્યક્તિત્વ સાચવી પોતાની રીતે વિકાસ સાધવાનો છે.’  આપણે આ જ વાતને ગાંધીના પરિપ્રેક્ષમાં જોઈશું ત્યારે લાગશે કે,  બંનેના વિચારોમાં સામ્યતા કેટલી છે. 

એક યાદગાર ઘટનાક્રમ નોંધવો જોઈએ, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આ બુદ્ધ પુરુષોના જીવનક્રમમાં એ લોકો એકબીજાથી કેટલા નજદીક છે ? 

સાલ ૧૮૯૩ છે અને તેનો એપ્રિલ મહિનો છે કે ત્યારે ગાંધીજી મુંબઈથી નીકળી મે મહિનામાં નાતાલ પહોંચ્યા

૧૮૯૩ના ૩૧ મી મે સ્વામી વિવેકાનંદ ૧૧૦૯ ની ધર્મ પરિષદમાં પહોંચવા માટે મુંબઈ થી નીકળ્યા

૧૮૯૩ની ૧૬ મી નવેમ્બરે મિસિસ એનીબેસન્ટ ભારતના કિનારે ઉતર્યા

૧૮૯૩ ની સાલ આપણા આખા ધર્મ અધ્યાત્મ જગતને માટે કેટલી મહત્વની છે તે દર્શાવવા આપણે આ ઘટનાક્રમ તપાસ્યો છે. ૧૮૯૩ માં જ એ ગાંધીજી મુંબઈથી નાતાલ જાય છે,  સ્વામી વિવેકાનંદ પણ શિકાગો ધર્મ પરિષદ માટે મુંબઈથી જાય છે અને એ જ સમયે મિસિસ એનીબેસન્ટ ભારતના કિનારે ઉતરે છે. યાદ રાખવા જેવું એ છે કે, એ સમયે ગાંધીજી ૨૪ વર્ષના હતા, વિવેકાનંદજી ૩૦ વર્ષના હતા અને એનીબેસન્ટ ૪૬ વર્ષના હતા. લગભગ લગભગ સમવયસ્કો અથવા સમકાલીનો એક સરખું વિચારીને કેવી રીતે જીવે છે તેનો આ સાદર નમૂનો છે. 

મહાત્મા ગાંધી સ્વામી વિવેકાનંદ પછી આવ્યા અને એમના જીવનમાં જે કંઈ  તેમણે સારતત્વ પ્રાપ્ત કર્યું હતું તેના આધારે તેના કેટલાક વિધાનો નોંધવા જરૂરી બને છે: ‘આત્માની દ્રષ્ટિએ પાળેલી નીતિ તે ધર્મ છે એવું મહાત્મા ગાંધીએ કહ્યું એટલે કે ધર્મને તેઓએ વ્યાખ્યાયિત કર્યો કે તમે નીતિ પાળો પણ આત્માની દ્રષ્ટિએ પાળો એ  નીતિ  તમારો ધર્મ છે. અને સાથે કહ્યું કે, જે ધર્મ વ્યવહારમાં લાવી શકાય તે ધર્મ નથી.’ વ્યવહારમાં ઉતરવો જોઈએ તો જ એ ધર્મ છે. ૧૯૪૬ ના પહેલી ઓગસ્ટના હરિજન’માં તેઓએ નોંધ્યું કે, દરેક બાબતમાં સારી રીતે જીવવું એનું નામ મોક્ષ છે. મોક્ષનો અર્થ એથી વિશેષ પણ નથી અને એથી ઓછો પણ નથી.’ એટલે મોક્ષ માટે તેઓની પરિપાટી અતિ શુદ્ધ છે. દરેક બાબતમાં સારી રીતે જીવો તો એ મોક્ષ છે. ‘સત્યના પ્રયોગો’ની પ્રસ્તાવનામાં એમણે બહુ જ સ્ફટિક સ્પષ્ટતાથી લખ્યું કે, ‘મારે જે કરવું છે, જેની હું ૩૦ વર્ષ થયે ઝંખના કરી રહ્યો છું તે તો આત્મદર્શન છે. તે ઈશ્વરનો સાક્ષાત્કાર છે અને તે જ મોક્ષ છે. મારું ચલન વલન બધું એ જ દ્રષ્ટિએ થાય છે.’  ધર્મ એટલે નીતિ અને નીતિ એટલે સત્ય + અહિંસાથી ઓતપ્રોત જીવન આવું મહાત્મા ગાંધીએ આપણને પ્રસ્થાપિત કર્યું.

સંસ્કૃતિ બોધને જો કેટલાક સૂત્રોમાં ઢાળવું હોય તો આ રીતે ઢાળી શકાય. 

@ જેને આપણે વ્યવહારમાં ઉતારી શકીએ તે ધર્મ નથી

@ આત્માની  દ્રષ્ટિએ પાળેલી નીતિ ધર્મ છે

@ ધર્મ એટલે નીતિ એટલે સત્ય + અહિંસાથી ઓતપ્રોત થયેલું જીવન. 

રાજકારણના ક્ષેત્રમાં પણ આત્મદર્શનનું કેટલું મહત્વ છે એ મહાત્મા ગાંધીએ કહ્યું, 

ધર્મ વિનાનું રાજકારણ મડદું છે. એને તો બાળી  મૂકવું જોઈએ

મારે મન તો ધર્મ વિનાનું રાજકારણ નિર્ભેળ મળ સમાન છે તેનો સદા ત્યાગ કરવાનો રહ્યો.’  

અર્થકારણ અને નીતિશાસ્ત્ર વચ્ચે હું કોઈ ભેદ કરતો નથી અને એટલે હું માનું છું કે ગરીબોની સેવા તે ઈશ્વર સેવા, એક કીડીની સેવા તે ઈશ્વર સેવા, દુઃખીની સેવા તે ઈશ્વર સેવા.’  

આત્મકથામાં એમણે સુંદર વાત કરી. 

આત્મશુદ્ધિ વિના જીવમાત્રની સાથે ઐક્ય સધાય.’ 

આત્મશુદ્ધિ વિના અહિંસા ધર્મનું પાલન સર્વથા અસંભવિત છે.’ 

અને અશુદ્ધાત્મા પરમાત્માના દર્શન કરવા અસમર્થ છે.’ 

ગાંધીજીના મતે  અવિરત સેવા એ મોક્ષનું સાધન છે. આમ જોઈએ તો ગાંધીજી બેઝિકલી અદ્વૈતવાદી લાગે છે. રાજા રામમોહનરાયની જેમ ગાંધીજી પણ બુદ્ધિ પ્રામાણ્ય વધુ લાગે છે. ‘મંગળ પ્રભાત’ પુસ્તકના પૃષ્ઠ ૭૩ ઉપર તેઓએ નોંધ્યું છે કે, અવિરત સેવા મોક્ષનું સાધન હોય, એમના ધર્મદર્શનમાં  વૃત્તિનો ત્યાગ નથી બલ્કે અવિરત અશ્રાંત કર્મ એ જ એનું લક્ષણ છે. ઈશ્વર પોતે ચોવીસે કલાક એક શ્વાસે કામ કર્યા કરે છે. આળસ મરડવા સરખીયે ફુરસદ  લેતો નથી. તેના આપણે થઈ જઈએ અને આપણે તેનામાં ભળી  જઈએ એટલે આપણો ઉદ્યમ તેના જેવો જ  અતંદ્રિત થવો જોઈએ. સમુદ્રથી છુટા પડેલા બિંદુને સારું આરામની કલ્પના આપણે કરી શકીએ છીએ પણ સમુદ્રમાં રહેલા બિંદુને આરામ ક્યાંથી હોય ? સમુદ્રને ક્ષણનો  પણ આરામ છે જ ક્યાં ? બરાબર એ જ પ્રમાણે આપણું છે. ઈશ્વરરૂપી સમુદ્રમાં  આપણે મળી જઈએ એટલે આપણો આરામ ગયો. આરામની જરૂર પણ ગઈ. એ જ ખરો આરામ એ મહા અશાંતિમાં શાંતિ મળે તે…’  ‘સત્યની શોધમાં સાધનો કઠણ છે તેટલા સહેલા છે. એ અભિમાનીને અશક્ય લાગે અને એક નિર્દોષ બાળકને તદ્દન શક્ય લાગે. સત્યના શોધકને રજકણથી પણ નીચે રહેવું પડે છે. જગત આખું રજકણને કચડે છે પણ સત્યનો પૂજારી રજકણ સુદ્ધા તેને કચડી શકે એવો અલ્પ બને ત્યાં સુધી તેને સ્વતંત્ર સત્યની ઝાંખી પણ દુર્લભ છે.’ આત્મકથાના શરૂઆતના પાંચમા પૃષ્ઠ ઉપર આટલો સ્પષ્ટ મત ગાંધીએ આપ્યો છે. એમણે નમ્રતાનો ઉલ્લેખ કરતા કહ્યું, ‘નમ્રતા એટલે હું પણાનો આત્યંતિક ક્ષય. કાંઈ થવું એટલે ઈશ્વરથી, પરમાત્માથી, સત્યથી વિખુટા થવું. ટળી  જવું એટલે પરમાત્મામાં ભળી જવું. સમુદ્રમાં રહેલું બિંદુ સમુદ્રમાં રહેલી મહત્તા ભોગવે છે, પણ તેનું તેને જ્ઞાન નથી. સમુદ્રથી વેગળું થયું અને પોતે પોતાપણાનો દાવો કરવા બેસે  એટલે તે જ ક્ષણે સુકાયું સમજો.. ‘મંગળ પ્રભાત’ નામના તેમના પુસ્તકમાં ૭૧ અને ૭૨ માં  પાના ઉપર આપણને  સુંદર રજુઆત જોવા મળે છે. મહાત્મા ગાંધીના જીવનક્રમમાં ભારતીય સંસ્કૃતિ કેવી રીતે આવી હશે એનો એક આછેરો ખ્યાલ આપણે મેળવ્યો.

ગાંધીજીના જીવનનો અભ્યાસ કરતા એવું લાગે છે કે એમના જીવનમાં ત્રણ ગુણો બીજરૂપે રહ્યા છે. 

૧) સત્યની ઝંખના 

૨) સેવાવૃત્તિ અને 

૩) સમદ્રષ્ટિ. 

આ ત્રણ વિશિષ્ટ ગુણો આરંભથી જ ગાંધીજીના જીવનમાં બીજરૂપે રહ્યા છે એમના એ ગુણોના પોષણ અને સંવર્ધનમાં જે બાબતોએ અસર કરી છે એ ત્રણ બાબતો છે.

 ૧) ગાંધીકુળની ધાર્મિક પરંપરા, 

૨) માતાપિતાના સંસ્કાર અને 

૩) જ્યાં ગયા અને રહ્યા ત્યાંની પરિસ્થિતિ અને વાતાવરણ. 

ગાંધીજીને મૂલવીએ ત્યારે એના બીજરૂપ ગુણોને યાદ રાખવા પડશે. અથવા તો એમ કહીએ કે ગાંધીજીના જીવનમાંથી પસાર થઈએ ત્યારે આપણને ઉડીને આંખે વળગે તેવા ત્રણ બીજરૂપ ગુણો હશે… સત્યની ઝંખના, સેવાવૃત્તિ અને સમદ્રષ્ટિ. બીજરૂપ ગુણ હોય પણ તેનું પોષણ કરવું જરૂરી બનતું હોય છે. અને એના માટે પોષકતત્વો આપણને  વારસાગત રીતે મળતા હોય છે. મને સમજૉયું  છે કે, જયારે અસ્તિત્વ એવું નક્કી કરે છે કે જેના જીવનમાં બીજરૂપ ગુણો અતિ ઉત્તમ કક્ષાના મૂક્યા છે તે ગુણોનું પોષણ કરવા માટે પણ એને એ પ્રકારનું વાતાવરણ પણ  જોઈશે. પ્રસિદ્ધ લેખક પોલો કોએલોનું બહુ જ જાણીતું સર્જન છે ‘અલ્કેમીસ્ટ’, જેનું ગુજરાતી થયું છે, ‘કીમિયાગર’.. એમાં એક સીધી સાદી વાત છે કે, તમે મનોમન, નિષ્ઠાપૂર્વક કોઈ એક વાતને પુરવાર કરવામાં અથવા જીવંત કરવામાં લાગી જાઓ છો ત્યારે બ્રહ્માંડની બધી શક્તિઓ તમને એમાં પુરેપુરો ટેકો કરે છે, સહયોગ આપે છે. એટલે ગાંધીજીના જીવનમાં જે ત્રણ બીજરૂપ તત્વો હતા એ ત્રણને ટેકો કરવા માટે અને એ ગુણોનું પોષણ કરવા માટે ત્રણ એવી અવસ્થાઓ આવી એમના જીવનમાં. અને એ અવસ્થા એટલે ગાંધીકુળની પરંપરા, માતાપિતાના સંસ્કારો અને જ્યાં ગયા, જ્યાં રહ્યા ત્યાંની પરિસ્થિતિ અને ત્યાંનું વાતાવરણ. આ ત્રણ બાબતો એટલી અનુકૂળ થઇ કે ગાંધીજીવન એવો શબ્દ બોલીએ છીએ ત્યારે એનું ઘડતર આ ત્રણ + ત્રણ માંથી થયેલું દર્શાય છે.

આપણે જરા ઊંડાણથી વાત કરીએ. ગાંધીજીના દાદા ઉત્તમચંદ ગાંધી. આપણે એને ઓતાબાપા કહેતા. આ ઓતાબાપામાં ત્રણ ગુણધર્મો. એ સત્યપ્રિય, નીડર અને નિર્લોભી. ઘરમાં કૃષ્ણભક્તિ છતાં ઓતાબાપા રામાનંદના એક ખાખી સાધુના સત્સંગથી રામભક્ત બન્યા હતા અને ઘણો ખરો સમય એમણે રામકથા શ્રવણમાં વિતાવ્યો. અહીં  જોવાની ખૂબી છે કે તમે કૃષ્ણભક્ત હો તેમ છતાં તમે અન્ય કોઈ અવતાર પુરુષની વાત સાથે જીવનને જોડી શકો એ તમારી ઓપનનેસ છે.

દાદા પછી વાત કરીએ  પિતા  .બા. ગાંધીકરમચંદ ગાંધીની. એમાં ત્રણ ગુણધર્મો. તીક્ષ્ણ બુદ્ધિ , સત્યપ્રીતિ અને બહાદુરી. તીક્ષ્ણ બુદ્ધિ એટલી જોરદાર, સત્ય પ્રત્યેનો પ્રેમ એટલો લાગલગાટ  અને સત્ય કહેવામાં જોઈતી બહાદુરીના આધારે ક.બા.ગાંધીનું જીવન ઘડાયું. ધર્મ પ્રત્યેની જિજ્ઞાસા તેઓની તીવ્ર હતી. પરિણામે સાધુ સંતો અને સત ચરિત્ર વિદ્વાનોનો સંગ કાયમ તેઓ કરતા રહ્યા. આખી રાજ્ય વ્યવસ્થાનું કામ તેઓ સંભળાતા હતા એટલે પૂરો સમય વ્યસ્ત રહે છતાં પણ નિયમિત  દોઢ દોઢ કલાક અવશ્ય તેઓ કથા શ્રવણ કરતા. શ્રીમદ ભાગવત, તુલસીકૃત રામાયણ અને શ્રીમદ ભગવદ ગીતા. તેમના ત્રણ પ્રિય ગ્રંથો હતા. એ પાંચ જ ધોરણ ભણેલા. પણ તમે શું ભણો છો એનાથી કોઈ અર્થ નથી સરતો. તમારી અંદરથી કેટલું કોળવાનું શક્ય બને છે તેના ઉપર જીવન આધાર રહેલો છે. 

દાદા અને પિતા પછી આપણે માતાશ્રી પુતળીબાઈની વાત કરીએ તો એ  એક આદર્શ ગૃહિણી. સૌ જમી લે પછી જમે, વધેલું હોય તે જમે એ માતા પુતળીબાઈ. ગરીબ અને બિમારની સેવા કરવી એમનો આત્મીય શોખ. આશ્ચર્ય થાય જીવનમાં ક્યારેય નવા કપડાં કે નવા ઘરેણાંની એમને  ઈચ્છા થઇ નહોતી. મહાત્મા ગાંધી માતાનાં  આ ચરિત્રથી એટલા બધા પ્રભાવિત થયા કે એમના જીવન ઉપર સ્થાયી પ્રભાવ માતાનો પડ્યો કે એમણે ખુદે કહ્યું, મારામાં કશી પવિત્રતા જોતા હો તો તે મારા પિતાની નથી પણ માતાની છે. એમની પવિત્રતાની છાપ હંમેશને માટે મારી ઉપર રહી ગઈ છે.” ગાંધીજીના જીવનમાં જોવા મળતો અણીશુદ્ધ આત્મશુદ્ધિનો આગ્રહ, આત્મસાક્ષાત્કારની તીવ્ર ઝંખના, નાના મોટા વ્રતો દ્વારા જીવનને ઘડવાની અખુટ શ્રદ્ધા, માંદા અને  કોઢિયાની સેવા કરવાનો સહજ પ્રેમ અને જાતે કષ્ટ વેઠીને પણ અન્યને સુખી કરવાની કરુણાશીલતાના ગુણો એ ગાંધીજીને સાધ્વી માતાના સંસ્કારોમાંથી મળેલું પરિણામ હતું, એમ તેઓ પ્રેમપૂર્વક સ્વીકારે છે. ગાંધીજીને કેટલીક બાબતોમાં પારંગત એવા માતા સામે એક નાનકડો વિરોધ હતો. આ સાધ્વી માતા રૂઢીવશ અસ્પૃશ્યતા પાળતા હતા. આ બાબતમાં કોઈ કોઈ વાર એમને માતા  સાથે બોલાચાલી પણ થઇ જતી. પોતાના બાળકો પાસે એ કેટલીક રૂઢિઓનું બહુ ચોક્કસ પાલન કરાવતા અને એમાં અસ્પૃશ્યતા માટે તો તેઓ બહુ જડ હતા. પોતાને ત્યાં મેલું સાફ કરવા આવનાર અંત્યજ ઉકાને ન અડવા તે મોહનદાસને સમજાવતા અને અડી જવાય તો આભડછેટ દૂર કરવા નહાવાનું કે કોઈ મુસલમાનના અંગરખાને અડી લેવાનો હુકમ કરતા. માતૃભક્ત મોહન માતાના હુકમનું પાલન તો કરી લેતો પરંતુ એમનું હૃદય તો એમનો વિરોધ જ કરતું. કોઈ કોઈ વાર તે માતા  સાથે મીઠો ઝઘડો કરતા અને કહેતા ઉકાને અડવામાં કોઈ ધર્મ નથી. અને કોઈ ધર્મ હોઈ  પણ શકે. એ પછી ઘરમાં ધાર્મિક શિક્ષણ આપનાર બ્રાહ્મણ પાસે જયારે તેઓએ  શ્રીરામ રક્ષા અને શ્રીવિષ્ણુ પંચકના સ્તોત્રો શીખ્યા ત્યારે જલે વિષ્ણુ સ્થળે વિષ્ણુ સ્તોત્ર બોલતા મોહનદાસના બાળ મને પ્રશ્ન કર્યો કે, ભગવાન જો સર્વત્ર હોય તો ઉકામાં શા માટે હોય ? એમને એ વસ્તુની પણ મૂંઝવણ થઇ કે રામરક્ષાના સ્તોત્રથી જો ભૂત વગેરેનું નિવારણ થઇ શકે તો અછુતનાં સ્પર્શથી થતા પાપનું નિવારણ શા માટે થઇ શકે

મોહનદાસ કરમચંદ ગાંધીના જીવનમાં એક પછી એક ઘટના એવી બનતી ગઈ કે તેમનો સંસ્કૃતિબોધ આપોઆપ ઘડાતો ગયો . ધર્મ, વ્યવહારો વગેરે માટેની આચારસંહિતા પણ એમાંથી ઘડાઈ ગઈ. ગાંધીજી નાનપણમાં ભૂત પ્રેત આદિથી ડરતા હતા. અને એ ભયમાંથી બચવાની ઔષધિરૂપે એમની આઈ રંભામાએ એમને રામનામનો મંત્ર આપ્યો હતો. બાળસુલભ શ્રદ્ધાથી મોહને એને અપનાવ્યો અને તેનો જાપ શરૂ કર્યો. અલબત્ત એ ઝાઝો વખત ટક્યો નહીં પણ બાળપણમાં રોપાયેલું રામનામનું એ બીજ ગાંધીના આગળના જીવનમાં અંકુરિત થઇ વિશાળ  વટવૃક્ષમાં પરિણમ્યું અને તેમના વ્યક્તિગત જીવનમાં સર્વ ઝંઝાવાતો ને બધી કસોટીઓમાં એકમાત્ર પ્રેરક ને ધારક બળ બન્યું. એમનો યશ તે પોતાની ભલી ભોળી રંભા આઈને આપે છે. જાણવાનું એ છે કે આ ચાર પાત્રો જેની હમણાં આપણે ચર્ચા કરી, પહેલા દાદા ઓતાબાપા, બીજા પિતાશ્રી . બા. ગાંધી, માતાશ્રી પુતળીબાઈ અને ચોથા રંભા આઈએ જાણ્યે અજાણ્યે ગાંધીજીનું સંસ્કાર ઘડતર કર્યું. જોવાની ખૂબી એ છે કે ‘સત્યના પ્રયોગો’ની અંદર આ રંભા આઈ અંગે ગાંધીજીએ એવું એક વિધાન કર્યું કે, ‘એમણે મને રામનામ લેવાનું કહ્યું કે જેથી કરીને અંધકારમાં મને ડર ન લાગે તે વાત મને સાચી લાગી. પણ એ વખતે મારો ભરોસો રામનામ કરતા રંભા આઇમાં ઝાઝો  હતો. એટલા માટે પછી રામનામ ઝાઝું  ટક્યું નહીં.’ નિખાલસતાની અને પ્રમાણિકતાની હદ ઓળંગીને આટલું સત્ય  ગાંધી જ કહી શકે. એક પછી એક એવા બનાવો બનતા ગયા કે આ ચાર પાત્રો એમના જીવનમાં સંસ્કૃતિનો પાયો નાખવા માટે અને સંસ્કારનું બીજારોપણ કરવા માટે આધારભૂત બન્યા તો કેટલીક ઘટનાઓ પણ એવી બની કે એ  ઘટનાએ આ બીજના અંકુરને  સૂર્યપ્રકાશનું કે જળાભિષેકનું કામ કર્યું. 

હિન્દૂ ધર્મની પૌરાણિક કથાઓ હજારો વર્ષોથી હિન્દૂ બાલમાનસ પર ધાર્મિક સંસ્કરોનું સિંચન કરતી આવી છે, એ કથાઓ પૈકી શ્રવણ અને હરિશ્ચન્દ્રની કથાઓએ મોહનદાસના બાળમાનસ ઉપર ઊંડી છાપ પાડી. એમના પિતાશ્રીએ એક નાટક ખરીદેલું, શ્રવણ પિતૃભક્તિ. એ નાટક મોહનદાસે બાળવયે વાંચ્યું. હવે એ વાંચતી વખતે જ એક ઘટના બની. એ દિવસોમાં કાચમાં ચિત્ર દેખાડનારા પાસે શ્રવણ પોતાના મા બાપને કાવડમાં બેસાડીને યાત્રા કરવા લઇ જાય છે, એ એમણે જોયું આ બંને વસ્તુની એમના ઉપર જબરી અસર થઇ. એમણે નોંધ્યું છે કે, ‘જગતમાં માબાપનો પ્રેમ મેં જેવો જાણ્યો છે એવો કોઈએ નહીં જાણ્યો હોય બાબતમાં મારો દાવો છે. જગતમાં કોઈ મારા કરતાં  મા કે બાપને વધારે ચાહનારો છે એમ કહેવામાં આવે તો હું કહું કે તેને મારી પાસે લાવો હું જરા જોઈ લઉં.’  આ વાત મહાદેવભાઈની ડાયરીમાં નોંધવામાં આવી છે. હવે શ્રવણપિતૃભક્તિ નાટક એમણે વાંચ્યું  અને હરિશ્ચન્દ્ર નાટક એમણે જોયું. એ નાટકમાં એમણે એવું જોયું કે,  સત્યને હરિશ્ચન્દ્રની જેમ જે જીવી બતાવે તે  સાચા માણસ કહેવાય. ત્યારથી એમને ધૂન ચડી ગઈ કે સત્ય એકલું પૂરતું નથી પણ સત્યને જીવનમાં ઉતારીને વ્યવહારમાં સ્થાપિત કરી બતાવવું જોઈએ તો જ સાચું કહેવાય આ વાત એમના મન ઉપર સવાર થઇ ગઈ. ત્રીજી એ સમયની એક ઘટના એવી બની કે જે ઘટના વિષે ઘણા બધા લોકોને જાણીને આશ્ચર્ય થશે. તુલસી રામાયણ  પોતાના પિતાની છેલ્લી માંદગી સમયે એમણે લાધા મહારાજના ખુબ મીઠા સ્વરે સાંભળ્યું. ભક્તિ ભાવમાં તરબોળ બનીને તુલસીકૃત રામાયણ સાંભળવા અને ગાઈ સંભળાવવા એ સાથે બેસી જતા. એમણે મુગ્ધભાવે આ સાંભળ્યું અને લખ્યું કે, રામાયણ શ્રવણ મારા રામાયણ પરના અત્યંત પ્રેમનો પાયો છે.’ (આ વિધાન ‘આત્મકથા’ના પૃષ્ઠ ૩૧ પર નોંધ્યું છે.)  હવે એ જ સમયે રાજકોટમાં ભાગવતની કથા પણ એમણે સાંભળી પણ કથાકાર બહુ રસ પેદા ન કરી  શક્યા એટલે એ વખતે એમના પર બહુ અસર ન થઇ. અહીં એ પણ નોંધવા જેવું છે કે કથા સાથે કથાને કહેનાર કથાકારની શૈલી બહુ મહત્વની છે, મોહનદાસ ગાંધીને એ સમયે કથા કરતાં કથાકારની શૈલી ન જચી એથી ભાગવતની અસર ન થઈ. પરંતુ મહાત્મા ગાંધીના ૨૧ દિવસના ઉપવાસ દરમ્યાન મદનમોહન માલવિયાજી જેવા ભગવત ભક્તને મુખેથી ભાગવતના કેટલાક ભાગો સાંભળ્યા પછી એમને  પ્રતીતિ થઈ કે ભાગવત એવો ગ્રંથ છે કે જે વાંચીને ધર્મરસ  ઉત્પન્ન કરી શકાય. શ્રવણ પિતૃભક્તિ નાટક, ત્યારબાદ હરિશ્ચન્દ્ર નાટક, ત્યારબાદ તુલસી રામાયણ , ત્યારબાદ ભાગવત કથા અને પછી મનુસ્મૃતિ. પિતાના પુસ્તક ભંડારમાંથી મનુસ્મૃતિનું ભાષાંતર એમને હાથ લાગ્યું. એમણે વાંચી કાઢ્યું પણ એની બહુ અસર ન થઈ. એમના વાંચનથી નીતિ શબ્દ અને નીતિ અર્થ ઉપરની એની આસ્થા ગાઢ બની ખરી અને ‘આખું જગત નીતિ ઉપર નભેલું છે’, એ સત્ય સમજાયું,  ત્યારથી નીતિ ઉપરની શોધનો આરંભ થયો. પણ મનુસ્મૃતિ એ સમયે એમના ઉપર કોઈ મોટી અસર કરી ન શક્યું. આ  વાતના સંદર્ભમાં એકબીજી સુંદર મજાની અસર થઈ એ અસર આપણે નોંધવી જોઈએ.

નીતિનું ચિંતન ચાલતું હતું એ જ સમયે કવિ શામળનો નીતિવિષયક એક છપ્પો મોહનદાસના વાંચવામાં આવ્યો. હવે અહીંયા કલ્પના એ નોંધવા જેવી છે કે એક પુસ્તક કે એક નાટક જેટલી અસર કરી શકે એટલી એક છપ્પો પણ અસર કરી શકે. એ કવિ શામળનો છપ્પો એમણે વાંચ્યો અને એના મન ઉપર ઊંડો પ્રભાવ પડ્યો. ગાંધીજી આત્મકથાના પૃષ્ઠ ૩૭ પર લખે છે કે, એ છપ્પાએ  મારા ઉપર સામ્રાજ્ય ચલાવવું શરૂ કર્યું. અપકારીનું ભલું ઇચ્છવું અને કરવું મારો અનુરાગ થઈ પડ્યો એના અગણિત અખતરા આદર્યા.  કયો હતો એ છપ્પો ? અહીં એ છપ્પાની પણ આપણે નોંધ લઈએ.

પાણી આપને પાય, ભલું ભોજન તો દીજે

આવી નમાવે શીશ, દંડવત કોડે કીજે

આપણ ઘાસે દામ. કામ મહોરોનું કરીએ

આપ ઉગારે પ્રાણ, તે તણા દુઃખમાં મરીએ

ગુણ કેડે તો ગુણ દશ ગણો, મન વાચા, કર્મે કરી

અવગુણ કેડે જે ગુણ કરે, તે જગમાં જીત્યો સહી

શામળ કહે છે કે, અવગુણની સામે તમે જો ગુણ કરી બતાવો તો જ તમે જગતને જીત્યા બરાબર ગણવું જોઈએ. આ કવિ શામળના નાનકડા છપ્પાની એમની ઉપર અસર થઈ.

આમ, આપણે તારવ્યું કે ગાંધી જીવન ઘડવામાં મૂળ ત્રણ ગુણો અને ત્રણ ગુણોને સહયોગ કરે  તેવું પોષણતત્વ પણ ગુણોમાં મળ્યું, જીવનના ચાર એવા એવા પાત્રો કે જેણે જીવનને ઘડવામાં મોટો ભાગ ભજવ્યો અને આ જીવન પાત્રો ઉપરાંત જેની ખુબ મોટી અસર થઈ એ મોટામાં મોટી અસર શ્રવણપિતૃભક્તિ નાટક, હરિશ્ચન્દ્ર નાટક, તુલસી રામાયણ, ભાગવત કથા, મનુસ્મૃતિ અને કવિ શામળનો નીતિ વિષયક છપ્પો આટલી વાત ગાંધીના જીવનમાં સંસ્કૃતિ બોધને સ્થાયી કરવા  માટે પર્યાપ્ત બની રહી.

ગાંધીજીના જીવનમાંથી સાંસ્કૃતિક બોધને તારવવા માટે થઈને ગાંધીજીએ પોતે લખેલા કે ઉચ્ચારેલા કેટલાક સુવિચાર જેવા વાક્યો આપણને ઘણો  ટેકો કરી શકે એમ છે. 

૪ ડિસેમ્બર ૧૯૨૪ ના યંગ ઈન્ડિયા’માં ગાંધીજી નોંધે છે કે, ‘એક માણસની આધ્યાત્મિક ઉન્નતિ થાય અને તેની આસપાસના માણસો દુઃખમાં સબડ્યા કરે એમ હું માનતો નથી. હું અદ્વૈતમાં માનું છું, હું માનવજાતની બલ્કે જીવમાત્રની મૂળગત એકતામાં માનું છું, આથી હું એમ માનું છું કે જો એક માણસની આધ્યાત્મિક ઉન્નતિ થાય તો તેની સાથે આખી દુનિયાની આધ્યાત્મિક ઉન્નતિ થાય. અને જો એક માણસનું આધ્યાત્મિક પતન થાય તો તેટલે અંશે આખી દુનિયાનું પતન પણ થાય.’ 

ધર્મ મંથનના પૃષ્ઠ ૨૨ અને ૨૩ ઉપર તેઓ નોંધે કે, ‘શાસ્ત્રો વાંચવાની અને સમજવાની ચાવી મને હાથ લાગી છે. જે શાસ્ત્રવચન સત્યનું, અહિંસાનું, બ્રહ્મચર્યનું વિરોધી હોય તે ગમે ત્યાંથી મળ્યું હોય છતાં અપ્રમાણ છે. શાસ્ત્ર બુદ્ધિથી પર નથી. બુદ્ધિગ્રાહ્ય ન હોય તે શાસ્ત્રને આપને પડતા મેલી શકીએ છીએ.’  સંસ્કૃતિમાં કઈ બાબતોનો સ્વીકાર અને કઈ બાબતોનો અસ્વીકાર એની આટલી નિખાલસ વ્યાખ્યા ગાંધી સિવાય કોઈ આપી ન શકે. 

હરિજનબંધુ’ના ૧૯૩૬ ના ૬, ડિસેમ્બરના અંકમાં એક નાનકડી વાત પણ બહુ જ પથદર્શન વાળી વાત : હું દરેક ધર્મશાસ્ત્ર વિશે તેમજ ગીતા વિશે પણ મારી બુદ્ધિ ચલાવું છું. શાસ્ત્ર વચનને મારી બુદ્ધિની જગા લેવા દેતો નથી.’ એટલે કે શાસ્ત્રનું વચન છે એટલે તમારો વિવેક એક બાજુ મુકો કે તમારી કરુણા એક બાજુ મુકો એમાં ગાંધીજી માનતા નથી. 

ગાંધી:જીવન અને વિચાર નામના એક પુસ્તકમાં ૩૨૪ માં પૃષ્ઠ ઉપર તેઓ બહુ જ સ્પષ્ટ રીતે આપણને વાત કરે છે. જે માણસ ઈશ્વરને તત્વરૂપે ઉપાસતો હોય તેને મૂર્તિ કે મંદિરની જરૂર હોય,’ તેમ છતાં માણસ સ્વભાવે મૂર્તિ પૂજક છે એટલે ગાંધીજી કહે છે કે, મૂર્તિ પૂજા પ્રત્યે મારી અનાસ્થા નથી. મૂર્તિ મારા મનમાં કશો પૂજ્યભાવ પણ પેદા કરતી નથી. છતાં હું માનું છું કે મૂર્તિ પૂજા મનુષ્ય સ્વભાવનું એક અંગ છે. પ્રાર્થનામાં સાકાર મૂર્તિનો મેં નિષેધ નથી કર્યો. નિરાકારને ચડતું સ્થાન મેં અવશ્ય આપ્યું છે.’ 

આપણને ગાંધીજીના જીવનમાંથી મૂલ્યબોધ મેળવવા માટેની કવાયત કરી રહ્યાં હોઈએ ત્યારે આ બધા વિધાનો બહુ મોટું પથદર્શન કરે છે. 

જવાહરલાલ નહેરુએ બહુ જ સુંદર વાત ગાંધીજીની ઓળખ માટે કહેલી. એમણે કહ્યું કે, ‘આ બોખા મોઢા વાળા મહાત્માની વાતો આજે આપણને ખોખલી લાગે તેમાં એ બોખા મોઢાનો  દોષ નથી. આપણી  વિપથગામી મનોવૃત્તિનો દોષ છે.’  જવાહરલાલે આ વાત કહેતા એની આત્મકથામાં ખોટું નથી કહ્યું કે, મહાત્માજીનું હાસ્ય જોવાનું સૌભાગ્ય જેને મળ્યું નથી તે મહાત્માજીને ઓળખતો નથી.’  જ્યાં સુધી સંકલ્પનાની સ્પષ્ટતા અથવા વિચારની  સ્પષ્ટતાની વાત કરીએ તો સાંસ્કૃતિક દ્રષ્ટિએ ગાંધીજીથી ઉચ્ચ વ્યક્તિ આપણને સમાજ જીવનમાંથી મળવી  મુશ્કેલ છે. 

મહાદેવભાઈ ગીત ગાતા હતા. ‘મીરાંબાઈ બલિહારી’, ત્યાં ગાંધીએ વચ્ચે કહ્યું, ‘હું આમાં  નથી માનતો. તું માને ખરો ?’ મહાદેવભાઈએ કહ્યું, ‘હા,  હું માનું.’  વિનોબાજીને પૂછ્યું, ‘મીરાંબાઈ તે  આવું ગાતા હશે ?’ ગાંધી કહે, ‘અંદરનો અવાજ આવે તો જ હું તો ઉપવાસ કરું તેના સિવાય ન કરું.’  વિનોબાજીએ તરત જ સ્પષ્ટ કહ્યું, ‘તમને ઉપવાસ કરતી વખતે અંદરનો અવાજ સંભળાય છે, તો મીરાંને કેમ ન સંભળાય ?’ આવી નિખાલસ ટકોર ગાંધીજી સમક્ષ  તમે કરી શકો અને છતાં ગાંધીજી  સાથે તમે રહી શકો ત્યારે ગાંધીના જીવનના સંસ્કૃતિબોધની વાત જાણી શકો અથવા સમજી શકો. 

એક પ્રસંગ મારે નોંધવો છે. ‘અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ’ માં મહાદેવભાઈ દેસાઈ વિશેની જીવન-વાત નારાયણ દેસાઈએ લખી છે,  એ પુસ્તકમાંથી આ પ્રસંગ છે. જે હું યાદદાસ્તના આધારે કહું છું. ૧૫ મી ઓગસ્ટ અને ૧૯૪૨ નો સમય હતો. આગાખાન પેલેસ પૂનાનો એ પ્રસંગ. મહાદેવભાઈએ કહ્યું,  ‘બાપુ, તમે આમરણાંત ઉપવાસ કરવાનું જે નક્કી કર્યું છે તે ન કરો તો ચાલે.  તમે ઉપવાસ ન કરશો તમને કંઈક થઇ જશે તો ?’  ગાંધીજીએ જવાબ આપ્યો. ‘તો શું કરું ? સ્વતંત્રતા મળતી નથી, અંગ્રેજો જતા નથી મારી પાસે બીજો કોઈ રસ્તો નથી.’ મહાદેવભાઈએ કહ્યું, ‘ના બાપુ, પણ ઉપવાસથી તમારા જીવન ઉપર જોખમ વધશે.’  ગાંધીએ તરત જ જવાબ આપ્યો.  ‘તું સાંભળ. તું મારો બાપ અને હું તારો દીકરો લે ટુવાલ મને નવડાવજે.’  બીજે દિવસે મહાદેવભાઈ રૂમમાં હતા અને ડો. સુશીલા નૈયર તેમની પાસે ગયા તો જોયું કે,  મહાદેવભાઈ નિશ્ચેતન પડ્યા હતા. એમણે તપસ્યા અને તેઓ બાપુ પાસે દોડ્યા અને કહ્યું : ‘બાપુ, બાપુ, મહાદેવભાઈ ગયા. બાપુ મહાદેવ તો ગયા.’ મહાત્મા ગાંધીને ધ્રાસકો  પડી ગયો. ‘એમના ગયા પહેલાં  તો મારે જવાનું હતું.’ ગાંધીજી ત્યાંથી ઊભા પગલે મહાદેવભાઈના રૂમમાં પહોંચ્યા. યરવડા જેલનો એ કિસ્સો. બાજુમાં બેસીને કહેવા લાગ્યા,ઉઠો, મહાદેવ ઉઠો..’. આશ્ચર્ય થયું સૌને. ડો. સુશીલા નૈયરને વધુ આશ્ચર્ય થયું. એમને લાગ્યું કે આ સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ છે. એ આવું બોલે ? જયારે ખબર પડી ગઈ કે, એ નિશ્ચેતન છે તો પણ આવું બોલે કે  ‘ઉઠો મહાદેવ ઉઠો.’ ? એમણે ગાંધીજીને પૂછી નાખ્યું, ‘તમે તો સ્થિત પ્રજ્ઞના લક્ષણો અમને શીખવ્યા છે અને તમે આવું કેમ કર્યું ?’ ગાંધીજીએ જે જવાબ આપ્યો તેમાં એનો સાંસ્કૃતિક સિંહ ફાળો આપણને જોવા મળે છે. “તને ખબર નથી મહાદેવ ૨૫ વર્ષનો હતો, ત્યારે મારી પાસે આવેલો. કોઈ દિવસ એણે મારી આજ્ઞા ઉથાપી નથી. મેં બોલાવ્યો અને એણે જવાબ આપ્યો છે, એટલે મને લાગ્યું કે, હું પોકારી જોઉં, કદાચ ઊંડે ઊંડે જીવ હશે તો હું કહીશ કે ‘ઉઠો મહાદેવ ઉઠો’ તો એ જરૂર ઉઠશે.”

ઈન્ટેલિજન્સ આર્ટિફિશિયલ હોય શકે ખરી ?

બુદ્ધિ નહીં કરે રાજ્ય કદી જગતે અહીં, કરશે રાજ આત્મા જગતમાં નિરંતર.” ….. ગાંધીગીતા

ભદ્રાયુ વછરાજાની                                       bhadrayu2@gmail.com 

ઉમાશંકર જોશીનું એક સુંદર મજાનું ગીત છે:

અમે ગીત ગગનના ગાશું રે

અમે ગીત મગનમાં ગાશું કલકલ કૂજલ સુણી પૂછશો 

તમે: અરે છે શું ?.. રે અમે ગીત ગગનના ગાશું.

એ ગીતની પહેલી પંક્તિ  આજના લેખના શીર્ષકને સમજવામાં મદદ કરે છે.

સૂર્યચંદ્રના દિયો હોલવી, ઠારો નવલખ તારા

હથેળી આડી રાખી રોકો વરસંતી જલધારા

અમે સૂરસરિતમાં ન્હાશું..  રે અમે ગીત ગગનના ગાશું

સૂરની સરિતામાં ન્હાવા માટે પ્રયાસ કરતો પામર જીવ એવી મોટી મહેચ્છા લઈને બેઠો છે કે જેમાં એમણે  સૂર્ય ચંદ્રને હોલવી નાખવાનું પસંદ કર્યું છે અને નવલખ તારાને એકબાજુ હડસેલી દેવાનું કહ્યું છે. તો સતત વરસતી વરસાદની જલધારાને હથેળી આડી રાખીને રોકી લેવાના મનોરથ પણ એણે કર્યા છે કારણ કે એને સૂર સરિતમાં નહાવું છે અને ગીત ગગનમાં ગાવું છે.

પૂર્વ ભૂમિકામાં આવી સાહિત્યિક વાત કરવાનું  કારણ એ છે કે આપણે જે વિષય તરફ જઈ રહ્યા છીએ તે વિષય છેલ્લા થોડા મહિનાઓથી ભારતમાં અને ઘણા વર્ષોથી વિશ્વમાં ચર્ચાઈ રહ્યો છે. લોકોને એક પ્રકારની આશંકા જાગી છે કે, શું થશે ? કુદરતી અથવા પ્રકૃતિ વિલીન થશે અને કૃત્રિમતા છવાઈ જશે ? લોકોને પ્રશ્ન છે કે, આપણે વિચારતા બંધ થઈ જશું અને આપણાં વતી મશીનો વિચારશે ? આપણે જેને પ્રજ્ઞા કહીએ છીએ એ શું સીમિત થઇ જશે ? આપણે જેને ઇન્ટેલિજન્સ કહીએ છીએ એ તો મૌલિક હોય, વાસ્તવિક હોય, પ્રાકૃતિક હોય એ કૃત્રિમ કેવી રીતે હોય ? બુદ્ધિ એટલે શું અને પ્રજ્ઞા એટલે શું ? બુદ્ધિને કદાચ એવો વિચાર આવે કે ચાલો આપણે સૂર્યચંદ્રને હોલવી નાખીએ, પણ પ્રજ્ઞા તો તાત્કાલિક વચ્ચે આવીને કહી શકે કે, ‘રહેવા દેજે માનવ, આ કામ ન કરીશ, એ તારું નથી, તું ભલે ઈચ્છે કે વરસંતી જલધારાને હથેળી આડી રાખીને તું રોકી લે,  પણ ના દોસ્ત એ શક્ય નથી, એ બધું જ નિશ્ચિત છે, નિયતકાલીન છે, પ્રાકૃતિક છે, કુદરતી છે, મૌલિક છે. જે તે કાળચક્રના સમયે બનતી ઘટનાઓ છે. એને તું ઈચ્છે ત્યારે આ ધરતી ઉપર જન્મ નહીં આપી શકે. તું માનવ છો, તને જે બુદ્ધિ આપી છે તેનો ઉપયોગ કર તો કશો વાંધો નથી. પણ બુદ્ધિની મદદથી પ્રજ્ઞાના સીમાડાઓ પાર કરવાનો તું પ્રયાસ ન કર. કારણકે એ બધું તારા મનોરથના વ્યાસની બહાર છે.!’

પહેલો પ્રશ્ન તો આપણી સામે એ છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI એવું જે ઉચ્ચારણ થાય છે ત્યારે બે વિરોધાભાસી શબ્દોને એકસાથે બેસાડી દીધા હોય એવું આપણને નથી લાગતું? એક બાજુ કુદરત માટેની સમજ છે, તો બીજી બાજુ કૃત્રિમતા  માટેની દુરિત દૃષ્ટિ છે. એ બંનેને એક સાથે કેમ મૂકી શકો  ? કૃત્રિમ વાત હોય એને ઇન્ટેલિજન્સ સાથે બેસાડવી,, આર્ટિફિશિયલ બનાવટી શબ્દને પ્રજ્ઞા સાથે જોવી,, એ મનમાં ઉતરે તેવી વાત નથી.

આપણે ઇન્ટેલિજન્સનું ગુજરાતી ‘બુદ્ધિમત્તા’ કરીએ છીએ. હકીકતમાં તો એ Artificial Brain હોય તો હાલ આપણે જે કૃત્રિમ બુદ્ધિ કરીએ છીએ તે સાચું ગણાય. પણ આપણે તો Artificial સાથે Intelligence શબ્દ મૂકીએ છીએ,, અને એ જ સાચું ગણીએ તો તેનું ગુજરાતી કૃત્રિમ પ્રજ્ઞા એવું થાય.  જો Intelligence શબ્દ વાપરવો હોય તો સાથે Artificial આવી શકે. પ્રજ્ઞા ક્યારેય કૃત્રિમ હોઈ શકે.  હા, બુદ્ધિ સાથે આર્ટિફિશિયલ આવી  શકે.  બસ, એની ચર્ચા આજે આપણે કરવી છે અને એ કહેવું છે કે ઇન્ટેલિજન્સ ક્યારેય આર્ટિફિશિયલ હોય શકે.

આપણે જરા વિગતે એ વાતને જાણીએ. બુદ્ધિ અને પ્રજ્ઞામાં તાત્વિક ભેદ છે. બુદ્ધિ અને બુદ્ધિમત્તા એ શબ્દ પણ એકબીજાથી અલગ પડે છે. સમજશક્તિ બુદ્ધિમાન હોવું, ડહાપણ, હોશિયારી, કુશળતા, જ્ઞાન આ બધા બુદ્ધિમત્તાના અર્થ છે. જયારે બુદ્ધિ પોતે એક વિશિષ્ટ શબ્દ છે. અહીંયા બુદ્ધિનો એક અર્થ ઈચ્છા, વૃત્તિ, મત, અભિપ્રાય કે વિચાર એવો પણ થાય  છે. આમ જોઈએ તો બુદ્ધિને એ ચોવીસ માંહેનો બારમો ગુણ છે. ગુણ ચોવીસ છે. રૂપ, રસ, ગંધ, સ્પર્શ, સંખ્યા, પરિમાણ, પૃથકત્વ, સંયોગ, વિયોગ, પરત્વ, અપરત્વ, બુદ્ધિ, સુખ, દુઃખ, ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન, ગુરુત્વ, દ્રવત્વ, સ્નેહ, સંસ્કાર, ધર્મ, અધર્મ અને શબ્દ. આ ન્યાય ચોવીસ માંહેનો બારમો ગુણ એ હકીકતમાં બુદ્ધિ છે. બીજી રીતે જોઈએ તો બુદ્ધિ ઇન્દ્રિયોની  સહાયથી વિષયોના સમૂહને જીતી લાવે છે. બુદ્ધિ વિષે એક અર્થ એવો પણ કરવામાં આવ્યો કે, વસ્તુને જાણવાની ચિત્તની સમજશક્તિ; જ્ઞાનશક્તિ; મતિ. આ બુદ્ધિ અંતઃકરણની ચાર માંહેની બીજી વૃત્તિ મનાય છે. અને તેના નિત્ય અને અનિત્ય એવા બે ભેદ છે. એમાંથી નિત્ય બુદ્ધિ પરમાત્માની અને અનિત્ય બુદ્ધિ જીવની એવું માનવામાં આવ્યું છે. પશ્ચિમના વિદ્વાનો  અંત:કરણના બધા વ્યાપારોનું સ્થાન મસ્તકને માને છે. તેથી એના મત પ્રમાણે બુદ્ધિનું સ્થાન પણ મસ્તક છે. આપણને ખ્યાલ છે આ એક પ્રાકૃતિક શક્તિ છે. બુદ્ધિ બે પ્રકારની છે. અનુભવ અને સ્મૃતિ. કેળવાયેલા માણસ પાસે એવું બળ છે કે જે વડે એ પોતાનું ધારેલું કાર્ય પાર પાડી શકે. એટલે કે બુદ્ધિ એક પ્રકારની વિદ્યા છે અથવા તો આ વિદ્યાનું હુન્નર જે જાણે છે તે બુદ્ધિ છે. પણ એનો એક અર્થ સાવધપણું અથવા સાવધાની એવો પણ રાખવામાં આવ્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક પ્રકારની હોશિયારી છે,  કુશળતા છે એટલે આપણે  ‘બુદ્ધિમત્તા’ કહીએ છીએ.

‘સ્વ’ એટલે ‘આત્મન એટલે ‘self’. ‘સ્વ’ બે રીતે અભિવ્યક્ત થાય : બાહ્ય સ્વ outer self અને અંત: સ્વ inner self. બાહ્ય સ્વમાં આવે શરીર એટલે કે ઇન્દ્રિયો દ્વારા થતું પ્રત્યાયન.  અંત: સ્વ માં આવે મન/બુદ્ધિ  અને પ્રજ્ઞા. body , mind and intellect એટલે આપણો  સ્વ (self). પ્રજ્ઞા બુદ્ધિ સૌ પાસે ઢંકાયેલી છે પરંતુ પ્રજ્ઞાનો ઉપયોગ એ એક વિશિષ્ટ બુદ્ધિતત્વનો ઉપયોગ છે એટલે AI માં intelligence શબ્દ ખોટો મુકાયો છે, એવું મારુ કહેવાનું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એમ કહીએ છીએ ત્યારે તો મુદ્દો એ આવીને ઉભો રહે છે કે પ્રજ્ઞા માટે ‘ગાંધી ગીતા’ સુંદર મજાની વ્યાખ્યા આપતું  એક પદ મૂકે છે. શુભને ના અભિનંદે, ના દ્વેષે જે અશુભને, જે સર્વત્ર સ્નેહસૂનો, તેહની પ્રજ્ઞા સુસ્થિર. અહીં સ્નેહસૂનો એટલે શું ? આસક્તિ નથી કોઈ સાથેની, શુભ સાથેની કે અશુભ સાથેની. અશુભ પ્રત્યે એને કોઈ દ્વેષ નથી અને શુભ પ્રત્યે વિશેષ લગાવ નથી એમની પ્રજ્ઞા સુસ્થિર  છે, એમ માનવું જોઈએ.

આપણે જેને intelact એટલે કે જેને પ્રજ્ઞા કહીએ છીએ એ એકાગ્રતાનો એક બહુ મોટો પ્રર્યાય છે. એકાગ્રતા હોય તો જ તમે કોઈ પણ પ્રજ્ઞામય કાર્ય કરી શકો. એકાગ્રનો અર્થ અહીંયા સમજી લઈએ. એક અગ્ર ઉપર ધ્યાન કેન્દ્ર કરવું એને એકાગ્રતા કહેવાય છે. કેટલાક લોકો પ્રજ્ઞાનો અર્થ ત્રિકાલિક જ્ઞાન પણ કહે છે. એમ તો માણસની દશ માંહેની પાંચમી દશા એ પ્રજ્ઞા છે. એકતાલીસ થી પચાસ વર્ષ સુધીની માણસની સમજણવાળી અવસ્થાને પ્રજ્ઞા કહેવામાં આવે છે. એક અર્થ પ્રમાણે પ્રજ્ઞાને સરસ્વતી સાથે સરખાવવામાં આવેલ છે. આપણે બુદ્ધિ, બુદ્ધિમત્તા અને પ્રજ્ઞાનું વિશ્લેષણ એટલા માટે કર્યું છે કે આપણે એ સાબિત કરવા માંગીએ છીએ કે કદાચ બુદ્ધિ આર્ટિફિશિયલ વાતને હાથ લાગી શકે. કારણ કે બુદ્ધિના ઇનપુટ છે એ આપણી ઇન્દ્રિયો દ્વારા આવે છે. બુદ્ધિમાં જે સંદેશાઓ જાય છે તે આપણી પંચેન્દ્રિયોના અનુભવ દ્વારા જાય છે. જયારે પ્રજ્ઞા છે એ અંદર જતા અનુભવોને મનની સપાટીઓ પર લાગણી અને સંવેગોના ત્રાજવે તોલે છે અને પછી એમનું વિશ્લેષણ કરીને યથા યોગ્ય સુનિશ્ચિતતા હોય તો જ એ કામ કરવાની આપણે છુટ આપે છે. એ પ્રજ્ઞા છે. સ્વ તરીકે વ્યક્તિ જન્મે છે ત્યારે શરીર લઈને આવે છે શરીર body, mind and intellect ત્રણ વસ્તુ લઈને આવે છે. બધાને આ બધું  એકસરખી રીતે ભેટમાં મળે છે. શરીર ઉપરથી આપણે જાતિ  અને લક્ષણોને  ઓળખી શકીએ છીએ, બુદ્ધિ ઉપરથી આપણે સમજશક્તિને તારવી શકીએ  છીએ પરંતુ પ્રજ્ઞા ઉપરથી તેજસ્વીતાને આપણે જાણી શકીએ છીએ. હવે બુદ્ધિતત્વમાં તમે  વધારો કરી શકો, એમાં કોઈ આર્ટિફિશિયલ બાબતો ઉમેરી દઈ શકો, પણ પ્રજ્ઞાતત્વને આર્ટિફિશિયલ કૃત્રિમ વાત સાથે જોડવી એ અનર્થ સર્જે છે,  કારણ કે પ્રજ્ઞા એ બાહ્ય સંદેશાઓને ઝીલીને કાર્ય કરનારી કોઈ આપણી સંજ્ઞા નથી. પરંતુ એ મનમાં ગુપ્ત આવેલા સંદેશાઓને લાગણીમાં અથવા સંવેગોમાં ઢાળે છે અને  એના આધારે પ્રજ્ઞા એટલે કે intellect  ને એ વિભાજીત કરે છે, એનું  પૃથ્થકરણ કરે છે અને એના આધારે હવે શું કરવું તેનો કોઈ સંદેશો હોય તો  તે મનને આપે છે. આમ પ્રજ્ઞા એ higher level of instinct છે. પ્રજ્ઞા જેમાં સામેલ થતી નથી એ એક પ્રકારનું મિકેનિકલ કાર્ય છે. મિકેનિકલ નો અર્થ એવો કે જે કામ મશીન કરી શકે એ કામ આપણે આપણી બુદ્ધિમતા પાસેથી કરાવી રહ્યા છીએ. બુદ્ધિ કૃત્રિમ વાતને સ્વીકારે. બુદ્ધિને કૃત્રિમ અને વિચિત્ર પ્રકારના વિચારો આવે પણ પ્રજ્ઞાને અનેક વાયબ્રેશન્સ પછી સ્થિર થવાની ઘટના આવે છે જેનું વર્ણન ભગવાનશ્રી કૃષ્ણ બીજા અધ્યાયમાં કરે છે.

લોકો અત્યારના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કૃત્રિમ બુદ્ધિ એવું કહીને સમજાવે છે કે, આ એક એવી બુદ્ધિ છે કે જેને માણસ દ્વારા બનાવવામાં આવી છે. અહીંયા પણ એ સ્પષ્ટતા કરીએ, માણસ બહાર બધું બનાવી શકે છે પણ શરીરની અંદર કશું બનાવી શકતો નથી એટલે કે જે બુદ્ધિ છે તેને મશીનો બનાવવામાં કે મિકેનિકલ કામમાં જો લગાડી દઈએ તો એ બુદ્ધિ કૃત્રિમ બુદ્ધિ કહી શકાય. કોઈ પણ કામની પ્રોસેસને ઓટોમેટિક બનાવવા માટે થઈને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ખુબ મહત્વનો ભાગ ભજવે છે એવું આપણને સમજાયું છે. ગાડીઓ ડ્રાયવર વગર ચાલે છે, ઓટોમેટિક ચાલી શકે છે. ભારતની અંદર પણ આવી ગાડીઓના પ્રયોગો શરૂ થઇ ગયા છે. માણસની મજૂરીને ઘટાડવા માટે પણ રોબોટ બનાવવામા આવ્યા છે જે દસ માણસોના કામ કરી શકે જેથી કરીને મેન પાવરનો ખર્ચ બચી જાય છે. ગુગલ જેવા સર્ચ એન્જીનમાં યુઝરના સવાલોના જવાબ ઝડપથી અને પૂર્ણ ચોકસાઈ સાથે આપવા માટે પણ AI નો ઉપયોગ થાય છે. Netflix અને Youtube જેવા પ્લેટફોર્મ યુઝર્સની પસંદગીને સમજીને તેના પ્રમાણેના વિડીયો જોવા માટેનો ફીડબેક આપે છે. અરે, તમે વૉટ્સઅપની અંદર કોઈ સંદેશો લખવા જતા હો તો પહેલો શબ્દ type કર્યા પછી તમને નીચે ત્રણ ઓપશન આપવામાં આવે છે જે એના પછીનો શબ્દ હોઈ  શકે. એનો અર્થ એવો છે કે બીજો શબ્દ તમારે type કરવાની જરૂર નથી. સીધા એ ત્રણમાંથી કોઈ એક ઉપર ક્લિક કરો એટલે એ શબ્દ  ત્યાંથી ઉપડીને તમારા વાક્યમાં જોડાઈ જશે. આ સમજ ક્યાંથી આવી ? આને તેઓ કૃત્રિમ બુદ્ધિ, કૃત્રિમ બુદ્ધિમત્તા કહે છે. આ સાચી વાત કે તમે બુદ્ધિને એ પ્રમાણે ઘડી છે.  બુદ્ધિ જે કામ કરે છે એવું કામ તમે મશીન પાસેથી કરાવી રહ્યા છો. અને એટલા માટે આ આર્ટિફિશિયલ બ્રેઈન નો એક અર્થ એવો કર્યો કે કૃત્રિમ રીતે વિકસિત બૌદ્ધિક ક્ષમતા.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિજ્ઞાનની એક વિશિષ્ટ શાખા છે જેની મદદથી એવા મશીનો તૈયાર કરવામાં આવે છે જે મશીન મનુષ્યની જેમ વિચારીને નાની મોટી સમસ્યાઓનું નિરાકરણ આપણને  શોધી આપે. પણ અહીં માણસો દ્વારા સૂચવવામાં આવતા ઉકેલો મશીનની મેમરીમાં સંગ્રહિત થાય છે. એટલે કે માણસનું જ્ઞાન, અનુભવ, વિચારો એ કોમ્પ્યુટરની પોતાની ભાષામાં એટલે કે મશીનની ભાષામાં અલ્ગોરિધમના  રૂપમાં સંગ્રહિત થાય છે જેનો ઉપયોગ જયારે જરૂર પડે ત્યારે તે મુજબ થતો રહે છે. તો સમજાણું એટલું કે એની અંદર શું જોઈએ છીએ ?, કેમ જોઈએ છીએ ?, ક્યારે જોઈએ છીએ ?, કેવું જોઈએ છીએ ? બધું તો માણસે વિચારવાનું છે અને માણસે પોતાની ભાષા નહીં પણ કોમ્પ્યુટરની ભાષામાં એને બદલીને ફીડ કરવાનું છે એટલે કે એમાં સંગ્રહિત કરવાનું છે. આ બધા માટેના સોફ્ટવેર બનાવવા પડે છે અને સોફ્ટવેર બનાવવાનું કામ માણસ સિવાય કોઈ કરતું નથી. પરિણામે પણ એક દાવો થઇ શકે કે ઇન્ટેલિજન્સ કે intelact એ ક્યારેય કૃત્રિમ ન હોય શકે. તમે એક વસ્તુ સમજી શકો કે માણસે બનાવેલી રોટલી અને મશીન દ્વારા બનાવેલી રોટલી એ બંનેના આઉટપુટ સરખા છે પણ તેમ છતાં જે મશીને કર્યું છે એમાં પણ માણસની પોતાની બુદ્ધિ કામે લાગી છે, અને રોટલી જાતે  બનાવવાને બદલે બની જાય એવું મશીન બનાવ્યું છે. એટલે તે પૂર્ણતઃ કૃત્રિમ એમ ન કહી શકાય. એક કુદરતી વ્યક્તિએ એમાં બધો ડેટા નાખ્યો છે.

સમાપનમાં ફરી ગાંધીગીતાનું સ્મરણ કરીએ જેમાં કહ્યું છે કે,

બુદ્ધિ નહીં કરે રાજ્ય કદી જગતે અહીં,

કરશે રાજ આત્મા જગતમાં નિરંતર.”

———————————————-

ફૂલછાબ જન્મદિવસ પૂર્તિ 

‘સત્ય એ શ્રી ઠાકુર છે, પ્રેમ એ સ્વામીશ્રી છે અને કરુણા એ શ્રી માતાજી છે.’

બેલુરમઠના સાનિધ્યે પૂજ્યશ્રી મોરારિબાપુ દ્વારા શ્રી રામકથાનું ગાન

ભદ્રાયુ વછરાજાની                                bhadrayu2@gmail.com 
++++++++++++++++++++++++++++++++++++++++++++++++

શ્રી ઠાકુરના ચરણમાં વંદન કરીને હું મારા કેટલાક સંસ્મરણો અહીં આપની સમક્ષ રજૂ
કરું છું. 
લગભગ છ એક મહિના પહેલા એવા સમાચાર મળ્યા હતા કે, વિશ્વમાં રામચરિત
માનસની પોથી દ્વારા આપણા અવતાર પુરુષ ભગવાન શ્રી રામને ખૂણે ખૂણે સુધી
પહોંચાડનાર એમના પરમ ભક્ત એવા પ્રિય અને પૂજ્ય શ્રી મોરારિબાપુ જૂન મહિનાના
પ્રથમ સપ્તાહમાં બેલુર મઠના પ્રાંગણમાં શ્રી રામકથાનું ગાન કરશે. આ સમાચાર વાંચ્યા
ત્યારથી રોમાંચિત હતો. એના બે કારણો હતા :  એક તો, બેલુર મઠ નામ પડે કે તરત જ
એમ થાય કે આપણે ત્યાં દોડી જઈએ અને ઠાકુરના ચરણમાં જઈને સ્વામી અને
માતાજીના સાનિધ્યમાં આપણે ધ્યાનસ્થ થઈએ. એવો લ્હાવો ભાગ્યે મળતો હોય છે કે
તમે એક સાથે ઘણા બધા દિવસ કોઈ સંકલ્પથી ત્યાં રોકાઈ શકો,  નિવાસ કરી શકો અને
આ પરમ વિભૂતિઓનું સાનિધ્ય અને  એમની નિશ્રા માણી શકો. અને બીજું, શ્રી
મોરારિબાપુના શ્રીમુખેથી ગવાનાર શ્રી રામ કથાનો  શ્રવણ-લાભ. ખરેખર એ બન્યું
તારીખ ૩ જૂન ૨૦૨૩ થી લઈને છેક ૧૧ મી જૂન ૨૦૨૩ સુધી. શ્રી રામકથાનું ગાન
થયું ત્યાં કથાના આરંભના આગલે દિવસથી શ્રી ઠાકુરના પરિસરમાં આપણને પ્રવેશ
કરવાનો ધન્ય લાભ મળ્યો. શ્રી વિવેકાનંદ અતિથિ ભવનમાં એક સુંદર, સુઘડ, સ્વચ્છ
છતાં સાદી એવી શાંત રૂમમાં નિવાસ મળેલો, પરિણામે આપણે પોતે જાણે કે
સ્વામીજીએ કરી આપેલી વ્યવસ્થામાં ગોઠવાયેલા હોઈએ એટલો બધો આનંદ પ્રાપ્ત
થયેલો. કથાના આયોજકો દ્વારા સવારના નાસ્તા, ભોજન વગેરેની સઘળી વ્યવસ્થા
બહુ સુપેરે કરવામાં આવી હતી. બીજી જુનની ઢળતી સંધ્યાએ કથા આયોજકોની એક
સરસ ગાડીમાં સ્વામી શ્રી વિવેકાનંદ અતિથિ  ભવન તરફ પ્રયાણ કર્યું ત્યારે રસ્તામાં
આવતા ત્રિપુટીના જુદા જુદા સ્થાનકો અને પશ્ચિમ બંગાળની ભવ્ય એવી પારંપરિક

સંસ્કૃતિના દ્રશ્યો જોઈને હૃદય પુલકિત થયું. ત્રીજી તારીખે બપોરના ભાગમાં કથાનો
આરંભ થવાનો હતો પરંતુ સવારના વિવેકાનંદ અતિથિ ભવનથી લઈને બેલુર મઠના મોટા
વિશાળ  પ્રવેશ દ્વાર પાસેથી પસાર થવાનું બન્યું એ જ સમયે અચાનક સ્થાનિક
પોલીસોએ આજુબાજુના ટ્રાફિકને થોડીવાર થંભાવી દીધો અને એક સાથે બે ત્રણ
ગાડીઓ નીકળી, જેમાં પૂજ્ય શ્રી મોરારિબાપુ બેલુરમઠના દર્શને જઈ  રહ્યા હતા.
યોગાનુયોગ એવો બન્યો કે બાપુની નજર મારા પર પડી અને તેઓએ ગાડી ઉભી રાખવા
માટે વિનંતી કરી. તરત જ પાસે જઈને ‘જય સિયારામ’ કહ્યા અને બાપુએ વ્યવસ્થા બધી
બરાબર છે કે નહીં એ પૂછીને આપણા પ્રત્યે પોતાની લાગણી દર્શાવી (શ્રી મોરારિબાપુ
માટે માત્ર હું નહીં પણ અનેક નાના નાના શ્રાવકો અને ભક્તો એવું કહેતા હોય છે કે,
આપણી  સગવડતાની નાનામાં નાની ચિંતા પણ બાપુ કરતા હોય છે. મને પણ આવા
અનેક અનુભવ થયા છે,  પણ બેલુરમઠના પ્રવેશદ્વાર ઉપર થયેલો આ અનુભવ મારા
જીવનની  એક માન્યતાને સાચી પાડવા માટે કાફી હતો. ) સવારના પૂજ્ય બાપુએ
આખા પરિસરની અંદર જુદી જુદી જગ્યાઓએ આવેલા શ્રી ઠાકુર, સ્વામી શ્રી
વિવેકાનંદજી અને શ્રી માતાજીના વૃક્ષ આચ્છસાદિત સ્થાનકો અને એમના ધ્યાન મંદિરો
અને એમની પાછળ વહેતી ગંગાના ખળખળતા પ્રવાહના  બહુ જ નિરાંતે દર્શન કર્યા.
અનેક સંતો, મઠાધિપતિઓ, સ્વામીઓ, જુદી જુદી જગ્યાની વિગતો બાપુને આપી રહ્યા
હતા. લગભગ બે કલાક જેટલો સમય તેઓએ ત્યાં વિતાવ્યો  હશે.  મને આનંદ એ
વાતનો હતો કે આવ્યાના પહેલા જ દિવસે હું બેલુરમઠના પ્રવેશદ્વારમાંથી છેક
બેલુરમઠના શ્રી રામકૃષ્ણ મંદિરમાં પહોંચ્યો અને ત્યાં શ્રી ઠાકુરની પ્રભાવક પ્રતિમા
જોઈને ભાવ ભરી લાગણી અનુભવી. થોડી ક્ષણ માટે એવી પ્રતીતિ થઇ કે હું આપણા
રાજકોટના શ્રી રામકૃષ્ણ મંદિરની અંદર બેઠો છું,  કારણ રાજકોટમાં મંદિર છે તે
બેલુરમઠના મંદિરની પ્રતિકૃતિ છે. 
ત્રીજી તારીખે સાંજે કથાનો આરંભ થયો અને કથાના આરંભમાં પોથી સાથે શ્રી રામકૃષ્ણ
મઠ મિશનના સ્વામીઓ, અધ્યક્ષ શ્રી, સેક્રેટરી શ્રી વગેરે પધાર્યા. બાપુની સાથે વ્યાસપીઠ
ઉપર તેઓએ સ્થાન લીધું અને કથાનો આરંભ થયો પ્રારંભિક જે કોઈ સ્તોત્ર ગાન વગેરે
હોય એના પછી શ્રી રામકૃષ્ણ મિશનના વરિષ્ઠ સ્વામીશ્રીએ ઉદબોધન કર્યું અને એમણે
એવું યાદ અપાવ્યું કે, “આ બેલુરમઠના પ્રાંગણમાં થતી પહેલી રામકથા છે જે પૂજ્ય
મોરારિબાપુ ગાન કરી રહ્યા છે.” એમણે સ્થળ વિષે પણ પરિચય આપ્યો કે, બેલુરમઠ
પરિસરમાં  જે સ્વામી વિવેકાનંદ યુનિવર્સીટીનું  પ્રાંગણ છે, જ્યાં  બહુ મોટી સ્કૂલ પણ
છે, એના પ્રાંગણમાં અત્યારના કોઈ વર્ગો ન હોવાથી અનુકૂળતા થઇ ગઈ છે અને ત્યાં જ
સાત્વિક અન્નક્ષેત્ર પણ ચાલ્યું અને પંડાલની અંદર કથાગાન પણ થયું. કથાના આયોજક

દ્વારા ગરમી ન લાગે એટલે લગભગ ૨૫ થી ૩૦ હજાર લોકો બેસી શકે એટલા મોટા
સભામંડપને સેન્ટ્રલી એસીની વ્યવસ્થાથી અલંકૃત કરવામાં આવ્યો હતો કે  જેથી કરીને
સૌ અનુકૂળતાથી અને પ્રસન્ન ચિતે કથા પાન કરી શકે. ઉદ્ઘાટનમાં સ્વામીશ્રી એ યાદ
અપાવી, આખી એક પરંપરા છે કે જે પરંપરાને શ્રી ઠાકુર અને તેના પરમ શિષ્ય સ્વામી
શ્રી વિવેકાનંદ અને બીજા શિષ્યો દ્વારા આજની ઘડી સુધી સાચવીને સેવા અને સ્મરણ
એ બે કાર્યો  ઉમદા રીતે થઇ રહ્યાં છે. તેઓએ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરીને શ્રી બાપુનું
હાર્દિક સ્વાગત કર્યું. સભામંડપમાં એક આખો ભાગ શ્રી રામકૃષ્ણ આશ્રમના સ્વામીઓ
માટે સોફાની વ્યવસ્થા સાથે અલાયદો રાખવામાં આવ્યો હતો. લગભગ રોજ તેમાં જુદા
જુદા સ્વામીઓ સતત કથા પાન કરવા આવતા હતા.
શ્રી બાપુ થોડી વિશિષ્ટ ભૂમિકામાં હતા,  કારણ કે અન્યત્ર જ્યાં કોઈ કથા હોય ત્યાં તેઓ
શ્રી રામકૃષ્ણ દેવને એમના પ્રસંગો, એમનું સ્મરણ કરતા કરતા ને આંખો  ભીની કરતા મેં
પોતે જોયા છે. એ બાપુએ આજે  શ્રી ઠાકુરના ચરણોમાં બેસીને આ ત્રિપુટી વિશેની વાત
કરવાની હતી અને મને એવું કહેવાનું મન થાય કે તેઓ ભાવપૂર્વક આ કથા કહેવામાં એવા
વહ્યા કે લોકો પણ એમની સાથે શ્રી ઠાકુરના ચરણની નજદીક સરતા રહ્યા. બાપુએ
વિનયપત્રિકાના  એક ઉલ્લેખથી કથાનો આરંભ કર્યો અને કથાના આરંભ પહેલા એણે
કહ્યું કે,  સવારના હું આખા પરિસરમાં નિરાંતે  બહુ શાંતિથી ફર્યો છું.  હજુ પણ મુખ્ય
મહારાજને મળવા ફરી એકવાર જવાનો છું પણ મને  એવું લાગે છે કે,  આ જે ત્રિપુટી
છે અને બીજા સ્વામી બન્ધુઓ છે એના વિષે ભલે આપણે માનીએ કે તેઓ અહીંયા નથી
પણ મને લાગે છે કે,  યહાઁ સે કોઈ ગયા નહીં હે. એમણે આ સૂત્રને વિસ્તારતા એવું પણ
કહ્યું,  વૈસે કહો તો  યહાઁ સે કોઈ જાતા હી નહીં હૈ !! એમનું આ વિધાન ઘણા લોકોને
પોતાના પિતૃઓ પોતાની સાથે છે એનો અહેસાસ કરાવી ગયું. 
કથા આરંભ પહેલા શ્રી મોરારિબાપુ પોતાની લાક્ષણિકતા  મુજબ રામચરિત માનસની
ગાથાનું ગાન કરતા કરતા દરેક કથાને કોઈ કેન્દ્રીય વિચારથી જોડી દે છે. અહીંની આ
કથાનો કેન્દ્રીય વિચાર હતો માનસ પરમહંસ. એટલે કે નવ દિવસ તેઓના સંવાદનું
કેન્દ્રબિંદુ પરમહંસ રહ્યું. બાપુ પ્રત્યેક કથાના કેન્દ્રસ્થ બિંદુને શ્રી રામચરિત માનસની કોઈ
ચોપાઈ કે દોહા સાથે સાંકળે છે અને તેને મધ્યમમાં રાખી નવ દિવસ કથા ગાન કરે છે.
બેલુર માથાની આ કથાની ચોપાઈ હતી અયોધ્યા કાંડ માંથી 232 મો દોહો. 
સગુનુ ખીરુ અવગુન જલુ તાતા I    મિલઈ રચઈ પરપંચુ બિધાતા II
ભરતુ ‘હંસ/ રબિબંસ તડાગા I      જનમિ કીન્હ ગુન દોષ બિભાગા II  

વિનયપત્રિકામાં દર્શાવ્યા પ્રમાણે મોક્ષના ચાર દ્વારપાળથી બાપુએ કથાનો આરંભ કર્યો
અને મોક્ષના ચાર દ્વારપાળમાં શાંતિ, વિચાર, સંતોષ અને સાધુ સંગ,  આ ચાર
દ્વારપાળથી મોક્ષ પ્રાપ્ત થાય છે. સાધુ સંગનો અર્થ સાધુ સંગમ અથવા તો સત્સંગ.
બાપુનો એક નિષ્કર્ષ હતો કે,  ગુરુ શિષ્યની ચિંતા કરે છે પણ શિષ્યે ગુરુનું ચિંતન કરવાનું
છે. આ વાતની  પુષ્ટિ કરતાં  તેમણે ઠાકુરનો એક પ્રસંગ ટાંક્યો કે ઠાકુર સ્વામી વિવેકાનંદ
વિષે હંમેશા એવું કહેતા કે, નરેન ઊંઘમાં તેજ શ્વાસ લે છે. માતાજીને કહેતા  કે નરેન
ઊંઘતો હોય ત્યારે બહુ તેજ શ્વાસ લે છે. શ્રી મા પૂછતાં કે,.. પણ તેથી શું ? ઠાકુર કહેતા
કે, ‘ મને ચિંતા થાય છે કે જે ઊંઘમાં તેજ શ્વાસ લે તેનું આયુષ્ય અલ્પ હોય છે.’  આ
વાત કરીને તેમણે ગુરુ શિષ્યની ચિંતા કરે અને શિષ્યએ ગુરુનું ચિંતન કરવું એ વાતને પુષ્ટિ
આપી. બાપુએ પોતાની લાક્ષણિકતા મુજબ ત્રણ શબ્દો ફરીવાર કોઈન  કર્યા  એમણે કહ્યું
કે,  સિદ્ધિ ખુદ પોતે પ્રાપ્ત કરવી રહે છે. પ્રસિદ્ધિ માટે ઉપકરણો અને માધ્યમોની જરૂર
પડે છે, જયારે શુદ્ધિ સદગુરુથી કૃપાથી જ શક્ય બને છે. સ્વામી શ્રી વિવેકાનંદની પૂર્ણ
શુદ્ધિનો શ્રેય તેમના સદગુરુ શ્રીરામકૃષ્ણ દેવને જાય છે. કોઈએ ઠાકુરને પૂછ્યું કે, સત્યની
વ્યાખ્યા કઈ ? તો ઠાકુરે સુંદર જવાબ આપ્યો: સત્યની ઉત્કૃષ્ટ વ્યાખ્યા એટલે પ્રેમ.
 બાપુએ ઉમેર્યું કે,  ‘પૂણ્ય એટલે શું ?’… ‘પરમ પ્રેમ એ પુણ્ય છે.’  અને ‘પાપ એટલે શું
?’ તો કહે ‘સખત નફરત અથવા ઘૃણા એ પાપ છે.’  બાપુએ પંચદેવની પૂજાની વાત કરી
કહ્યું : ગણેશ,સૂર્ય, વિષ્ણુ, મહાદેવ અને ગૌરી આ પંચદેવને પૂજીએ ત્યારે આપણે વિવેક,
પ્રકાશ, તેજ, વ્યાપકતા, કરુણાનું પૂજન કરીએ છીએ આપણામાં ઉતરે એવું આહવાન
કરીએ છીએ. હકીકતમાં આ પંચદેવના લક્ષણો એ આપણા ગુરુના લક્ષણો છે. 
બીજા દિવસની કથાના આરંભમાં એક સુંદર મજાનું સૂત્ર બાપુએ આપ્યું કે,  સામર્થ્ય હો
ફિર ભી સબસે સમભાવ રખે વો પરમહંસ હૈ . સામર્થ્ય ઘણા લોકો પાસે હોય છે, પણ
સામર્થ્ય આવ્યા પછી એ બધા સાથે સમભાવ રાખી શકતા નથી. પરિણામે સામર્થ્ય હોવું
અને છતાં સમભાવ રાખવો એ પરમહંસનું લક્ષણ છે. બાપુએ  કહ્યું કે,  પરમતત્વ કૌતુકી
હોતા હૈ. સૂર્ય જેવા મૂલ્યવાને છુપાઈ જવું પડે છે. રજોગુણથી સૂર્યને કોઈ ઢાંકે, વાદળ
છવાઈ જાય, આકાશ ધૂળથી ઢંકાઈ જાય ત્યારે અંધકાર થાય છે. બાપુએ પોતાની
ત્રિભુવનીય શબ્દ ત્રિપુટી સત્ય, પ્રેમ અને કરુણાને બેલુરમાં સ્થિત ત્રિપુટી સાથે સુંદર રીતે
જોડી આપી, એમણે કહ્યું કે, સત્ય એ શ્રી ઠાકુર છે. પ્રેમ એ સ્વામી શ્રી છે અને કરુણા એ
શ્રી માતાજી છે. ઠાકુર દિનમેં સંસારી રહેતે થે  વો રાતકો સન્યાસી હો જાતે થે. પ્રેમમાર્ગ
જ્ઞાનકો ખીચ લાતા હૈ.  તમે પ્રેમથી ભરચક ત્યારે જ બની શકો જયારે તમે જ્ઞાન પ્રાપ્ત
કરો. જ્ઞાન સાથે સમજ આવે અને સમજણ માર્ગથી જ તમે પ્રેમ સુધી વળી શકો.
શ્રદ્ધાના ત્રણ પ્રકારો બાપુએ ગણાવ્યા: શાસ્ત્ર નિહિત શ્રદ્ધા, સ્વયંની શ્રદ્ધા અને

ગુરુદત્ત શ્રદ્ધા. કેટલાક શાસ્ત્રોને વાંચ્યા પછી આપણામાં શ્રદ્ધાનું આરોપણ થાય છે.
કેટલુંક પોતાની સાધના પછી પોતાને જે સત્ય પ્રાપ્ત થાય એને આધારે શ્રદ્ધા પ્રાપ્ત થાય
છે. પણ કેટલીક શ્રદ્ધા માત્ર ગુરુદેવ દ્વારા આપણને આરોપિત કરવામાં આવે અને એ
આરોપિત કરવાનું નામ આપણી શ્રદ્ધા છે. ઠાકુર  કહેતા કે, શ્રી કૃષ્ણ કે દર્શન મુઝે મેરા
પુરુષ હોના બાધા કરતા હૈ.  આ વાક્યને કહ્યા પછી ભાવવિભોર અવસ્થામાં બાપુએ
મોરપિચ્છ શું છે તેની એક સુંદર સમજ આપણી સમક્ષ મૂકી અને બાપુએ કહ્યું કે
મોરપિચ્છની અંદર વચ્ચેના ભાગમાં એની મેળે થતો આકાર એક સ્ત્રૈણ  મુદ્રાનો આકાર
છે. અને પરિણામે ઠાકુરે કોઈ જાતના છોછ  વગર કહ્યું કે, શ્રી કૃષ્ણકે દર્શનમેં  મુઝે મેરા
પુરુષ હોના બાધા કરતા હૈ. 
ત્રીજા દિવસે ફરી એકવાર શ્રી ઠાકુર, સ્વામી અને શ્રી મા ને તેઓએ વિવેક સાથે જોડીને
કથાનો આરંભ કર્યો. તેમણે પરમહંસ, હંસ અને રસ હંસીની  એવા ત્રણ સૂત્રો પણ સાથે
જોડ્યા. પૂજ્ય બાપુના કહેવા પ્રમાણે: શ્રી ઠાકુર વચન વિવેક છે અને વચન વિવેક હોય
તે પરમહંસ છે. સ્વામી શ્રી વિવેકાનંદ વિચાર વિવેક છે. વિચાર વિવેક હોય તે હંસ છે.
અને શ્રી મા વર્તન વિવેક છે અને એમનું આ વર્તન વિવેકીપણું એ રસ હંસીનીનું લક્ષણ
છે. એક વાક્ય તેઓએ ટાંક્યું કે, ગુરુ પ્રતીક્ષા કરતા હૈ. ગુરુનો સ્વભાવ છે પ્રતીક્ષા
કરવાનો. બાપુએ ભગવાન શિવ અને મહાકાલ પ્રત્યેની પોતાની અપાર શ્રદ્ધાને પ્રસ્તુત
કરીને એવું પણ કહ્યું કે,  મહાકાલ આદિ પરમહંસ હૈ. પરમહંસની દુનિયાના શિરમોર એ
મહાકાલ છે. વિચાર નિરાકાર હૈ, વિચાર ઉચ્ચારમેં આતા હે તો વહ સાકાર હો જાતા
હૈ.. 
બુદ્ધ પુરુષને ત્રણ આંખો નિર્મિત કરે છે. એટલે કે બુદ્ધ પુરુષનું નિર્માણ ત્રણ આંખો
દ્વારા થાય છે. ૧) મા ની આંખ ૨) બાપની આંખ અને ૩) ગુરુની આંખ. વિચાર
નિરાકાર થાય ત્યારે રામનામ ઉપકરણ બને છે. એ નિરાકારમાંથી સાકાર થવા માટે વચ્ચે
રામનામનું ઉચ્ચારણ જરૂરી બને છે. મોરારીબાપુએ કહ્યું કે, મારી સાવિત્રીમાની દ્રઢીભૂત
દ્રષ્ટિ અને મારા પ્રભુદાસ બાપુની દિવ્ય દ્રષ્ટિથી મને મારા સંસ્કારો પ્રાપ્ત થયા છે. બાપુએ
પોતાના આહલાદક સ્વભાવમાં સુંદર મજાના શેર ટાંક્યા કે, 
સમંદર કે જેસે એ નયન તુમ્હારે, મેં ચલા આ રહા હું કિનારે કિનારે 
ઈતના અનુભવ તો અવશ્ય હો ગયા હૈ, વો હૈ  હમારે ઓર હમ હે તુમ્હારે. 
તૃષ્ણાની નિતાંત આવશ્યકતાને ભાર દઈને સમજાવતા બાપુએ કહ્યું કે, તૃષ્ણા કી નિતાંત
સમાપ્તિ મુક્તિ કા માર્ગ હૈ.  મનુષ્ય દેહ મળ્યો એ આપણા માટે આપણને મળેલો સૌથી

મોટો એવોર્ડ છે, પછી કોઈ એવોર્ડની જરૂર  નથી. બાપુએ ચાર સૂત્રો જોડ્યા :  ન
આધિ, ન વ્યાધિ, ન ઉપાધિ તો સમાધિ. ન આધિ એટલે શરીરપ્રધાન નહીં, ન વ્યાધિ
એટલે મનપ્રધાન નહીં, ન ઉપાધિ એટલે ચૈતસિકપ્રધાન નહીં તો સમાધિ એટલે કે
ચૈતસિક વિક્ષેપ વગરની અવસ્થા. આવો સુંદર ઘાટ ઘડીને તેઓએ પરમહંસ
રામકૃષ્ણદેવને આ સમાધિના પુરુષ કહ્યા. જો અદભુત હો, જો અનુભૂત હો ઓર જો
અવધૂત હો વો પરમહંસ હૈ . શ્રી રામકૃષ્ણ દેવ સાથે કથાનો સતત નાતો જોડી રાખીને
કેન્દ્રવર્તી વિચારની વાત કરતા કરતા બાપુએ આવા વાક્યો કહ્યા. બાપુએ રામચરિત
માનસના રાજા જનકને અષ્ટાવક્ર અને શુકદેવની સાથે કેવી રીતે નાતો રહ્યો એ પોતાની
વાતમાં જોડીને કહ્યું. એમના કહેવા પ્રમાણે અષ્ટાવક્ર અને શુકદેવ એ પરમહંસ છે અને
બંને પરમહંસની વચ્ચે જનક રાજા બરાબર પીસાઈને બેઠા છે. તેમણે સેન્ડવિચમાં રહેલા
બટેટાનું ઉદાહરણ આપીને કહ્યું કે બે પડની વચ્ચે દબાઈને રહે છે ત્યારે એ સેન્ડવિચનો
સ્વાદ આપણને મળે છે. તો ઉપરનું એક પડ  એ અષ્ટાવક્ર છે, નીચેનું એક પડ  એ
શુકદેવજી છે અને વચ્ચે જનક રાજા છે. બાપુએ કહ્યું કે, બે પરમહંસની વચ્ચે ઘડાયા તે
જનક પરમહંસ છે. બંને બાજુ પરમહંસ છે એની વચ્ચે દબાઈને એમાંથી પ્રાપ્તિ કરીને
જેનું ઘડતર થયું તે પરમહંસ છે. પ્રેમ માર્ગ ઉપર ચાલવું, એમ સૌ કહે છે પણ પ્રેમમાર્ગ
ઉપર ચાલવું અઘરું છે. પ્રેમમાર્ગ કી દો બાધાએ હૈ :  ૧) અન્યત્ર મોહ ૨) કેવલ દુષિત
સંદેહ. હમ પ્રેમ માર્ગ પે ચલતે ચલતે હી અન્યત્ર હમારી નજર ફૈલાતે રહેતે હૈં  ઓર પ્રેમ
માર્ગ મેં ચલતે ચલતે ભી હમે કભી એસા લગતા હૈ  કિ  યહ  સબ ક્યા હો રહા હે ?
પ્રેમ માર્ગની વાત કરતા એક સુંદર સુત્રપાત બાપુએ કર્યો કે, શ્રી રામકથા પ્રસન્નતા કી નવ
દિવસીય શિબિર હૈ . શ્રી રામકથા એ શિબિર છે, જેમાં તમારે સઘળું આત્મસાત કરવા
માટે  બેસવાનું છે અને ગ્રહણ કરવાનું છે અને તો તમને પ્રસન્નતાની પાક્કી ખાતરી
આપવામાં આવે છે. એક અંગુલી નિર્દેશ પણ થયો  કે,  મોહ અને સંદેહનો નાશ કરવા
માટે વિશ્વાસ અને શ્રદ્ધાની શાદી કરવી જરૂરી છે. 
ચોથા દિવસના આરંભમાં ફરી એકવાર ત્રણ મુખ્ય પાત્રોને લઈને બાપુએ જ્ઞાન, કર્મ અને
ભક્તિને સમજાવ્યા. તેઓના મતાનુસાર, જનકરાજા એ જ્ઞાન છે, અનસૂયા એ કર્મ છે
અને જાનકી એ ભક્તિ છે. પતંજલિ યોગસૂત્ર એવું કહે છે કે, ‘યોગશ્ચિત વૃત્તિ નીરોધઃ’
એટલે કે યોગ નિશ્ચિત વૃત્તિનો અનુરોધ. બાપુએ સુધારો કર્યો એ સૂત્રમાં.  પતંજલિએ
નિરોધની વાત કરી  એમના ઉપર પ્રતિબંધ મુકવાની વાત કરે છે, જયારે હું એવું કહેવા
માંગુ છું કે, ‘યોગશ્ચિત વૃત્તિ અનુરોધઃ’, એમનો અનુરોધ થવો જોઈએ. વેશધારી નહીં
પણ વૃત્તિધારી માણસ હોય એને ભજનીય ગણવો જોઈએ. વિનોબાજી બાપુને બહુ જ
પ્રિય પાત્ર છે. વિનોબાજીનું સ્મરણ કરીને તેઓએ કહ્યું કે, ૧ % વાંચો, ૨ % વિચારો,

૪% આચરણમાં મુકો, ૮% ભાવમાં ઉતારો અને ૧૬ % પ્રસન્નતામાં ફેરવો જો આટલું
થશે તો તમે જે પ્રસન્નતાની શિબિરમાં બેઠા છો ત્યાં તમને ખરી પ્રસન્નતા પ્રાપ્ત થશે.
આ જ રીતે બીજા ચાર સૂત્રો શોભા, શીલ, રૂપ અને ગુણની પણ વિસ્તૃત ચર્ચા કરવામાં
આવી. જે તપસ્યાથી આવે છે તેને શોભા અથવા આભા કહે છે, જે મનને આકર્ષે છે તેને
શીલ કહે છે, જે નેત્રને આકર્ષે તે રૂપ છે અને જે બુદ્ધિને આકર્ષે છે તે ગુણ  છે. બાપુએ
ભગવાન રામને પોતાના દ્વાર લાવી શકનાર બે આપણી શાસ્ત્રીય નારીઓનો ખાસ
ઉલ્લેખ કરી ભાવાંજલિ અર્પણ કરી. તેઓના મતે એક જગ્યાએ ધૈર્ય જીત્યું છે, બીજી
જગ્યાએ પ્રતીક્ષા જીતી છે. અહલ્યાનું ધૈર્ય એટલું હતું કે પાષાણ બનીને પડી રહી, પણ
એણે ભગવાન રામને પોતાના દ્વારે નોતર્યા. જયારે શબરીની પ્રતીક્ષા એટલી અપાર
હતી, વિશ્વાસ હતો, શ્રદ્ધા હતી કે આવશે રામ આવશે અને ખરેખર ભગવાન રામે
તેમના ઘરે દ્વાર ઉપર પધરામણી કરવી પડી. સમગ્ર સમાજને એક સંકેત કરતા તેઓએ
કહ્યું કે, પ્રત્યેક સંતાનમાં આંખ છે એ મા પાસેથી આવે છે, અવાજ છે એ બાપ પાસેથી
આવે છે અને બુદ્ધિ તત્વ એટલે કે સમજ એ ગુરુદેવ પાસેથી આવે છે. આપણે આજે
ગુરુદેવના ચરણમાં બેઠા છીએ ત્યારે આપણે પ્રાર્થના કરીએ કે, હે ઠાકુર, અમને આંખ
અને અવાજ તો મળ્યા છે, પણ હવે સાચી દ્રષ્ટિ જોઈએ, હવે સાચી વાણી જોઈએ અને
હવે સાચી સમજ જોઈએ એ તમે અમને આપો. એક વાત યાદ રાખવા જેવી છે કે,
ભૂતકાળનો શોક હોય શકે, વર્તમાનમાં સંશય હોય શકે અને ભવિષ્ય માટે ચિંતા હોય શકે.
પાંચમા દિવસના આરંભે શ્રી બાપુએ શ્રોતાના લક્ષણોની વાત કરી અને શ્રોતાના લક્ષણો
વર્ણવતા તેમણે સુશીલ, સુમતિ, કથારસિક, હરિતા, તૃષ્ણા એવા લક્ષણો  આપણી સમક્ષ
વર્ણવ્યા. એમાં પણ તૃષ્ણાને ત્રણ પ્રકારે વર્ણવી. ૧) ધનેશણા અથવા વિત્તેષ્ણા ૨)
લોકેશણા અને ૩) વંશેષણા અથવા સુત્તેષ્ણા આ આપણી એષણાઓ, આપણી
આકાંક્ષાઓ, તરસ હોય છે કે,  મને ધન પ્રાપ્ત થાય, મને લોકોમાં પ્રસિદ્ધિ પ્રાપ્ત થાય
અને મને વંશની સંતાનની પ્રાપ્તિ થાય. પરમહંસના બાર શાસ્ત્રોક્ત લક્ષણો બાપુએ
વર્ણવીને શ્રી ઠાકુરને પરમ ચૈતસિક શ્રદ્ધાંજલિ અર્પણ કરી. એમણે કહ્યું પરમહંસ હંમેશા
સમીપ છે. આપણી નજીક છે. આપણી સાથે છે.એના લક્ષણો જો આપણે શોધવા હોય
તો શાસ્ત્ર એમ કહે છે કે, ૧) આત્મસાક્ષી ૨) વિભુહુ એટલે વિભૂતિ નહીં વિભુ ૩) પૂર્ણ
૪) એકો ૫) મુક્તચિત્ત  ૬) ક્રિયા ૭) અરુંગો ૮) વિસ્પૃહ ૯) શાંતો ૧૦) બ્રમાત ૧૧)
સંસારવાનિવ ૧૨) કુટસ્થ.  હકીકતમાં “બોધમ અદ્વૈતમ આત્માનમ પરિભાવય
આભાસો”. શ્રોતાઓ જયારે કોઈ પણ સ્થાને શ્રવણ કરવા જાય ત્યારે એણે પૂર્ણ શ્રોતા
બનીને જવું જોઈએ. ટીકાકાર બનીને કે વિવેચક બનીને શ્રવણ કરવું યોગ્ય નથી. શુક કી
પ્રતીક્ષા પરિણામ લાયી હે. શ્રોતા પરીક્ષિત મિલ ગયા થા ઇસલિયે શુક કી પરીક્ષા કો એક

લક્ષ્ય મિલા થા. પ્રસાદ મતલબ મનની પ્રસન્નતા. નૃત્ય એ વૈશ્વિક મુખરતા છે. ઠાકુરને
અનેક વખત ભાવસમાધિમાં નૃત્ય કરતા આપણા શાસ્ત્રોએ જોયા છે અને આજે પણ
આપણને એક વિશિષ્ટ મુદ્રામાં બેલુરમઠમાં ઠાકુરનું  જે પુરા કદનું ચિત્ર દેખાય છે એમાં
તેમની નૃત્ય મુદ્રા દેખાય છે તેમાં આપણને ખ્યાલ આવે કે તેઓ વૈશ્વિક મુખરતા પ્રાપ્ત
કરી રહ્યા છે. ઘણા આવી રીતે ભાવ સમાધિમાં નૃત્ય કરનાર કે પોતાની મસ્તીમાં
ઘુમનારને પાગલ કહેતા હોય છે, પણ નાનકદેવે  પાગલની સરસ વ્યાખ્યા આપી. જો
ગલ કો પા લે વહ પાગલ હૈ . શ્રી ઠાકુરે ખરેખર એની પ્રાપ્તિ કરી હતી. શીલવાન હટ
જાતા હે, બલવાન હટાકર આગે જાતા હૈ.. શીલવાન અને બળવાન વચ્ચનો આ તાત્વિક
ભેદ છે. અષ્ટાવક્ર ગીતાનો આ શ્લોક છે,  બ્રહ્મમ મુકતા ભાવમ બાહ્ય મધ્યાન્તરમ,, શૂન્ય
હી પૂર્ણ હૈ. અનેક વખત શ્રાવકો બેઠા હોય કે પોતાના શિષ્યો બેઠા હોય અને ઠાકુર ભાવ
સમાધિમાં ગરકાવ થઇ જાય અને મૌન થઇ જાય. કેટલીયે ક્ષણો સુધી કલાકો સુધી ઠાકુર
મૌન બેઠા હોય. આપણને એમ લાગે કે અહીં શૂન્યની હાજરી છે પણ એ ભૂલવા જેવું
નથી કે શૂન્ય હી પૂર્ણ હૈ. કોઈ ભી સબંધ બંધનમુક્ત નહીં હોતા હૈ. યાદ એ રાખના
ચાહિયે કે કુટસ્થ હોને સે અચ્છા હૈ  આપ સત્યસ્થ હો જાએ. ઘણી વખત આપણે બહુ
ડિપ્લોમેટિક બનીને, ન આ બાજુ કે  ન પેલી બાજુ જઈએ છીએ પણ એ સત્ય નથી, એ
સાચું નથી, કારણ કે આપણને અષ્ટાવક્ર ગીતાનો શ્લોક એમ કહે છે કે, કર્મ છે તેથી
વિચાર છે, તેથી ભાવ છે, તેથી સાક્ષી છે.  સાક્ષી સામે સત્યસ્થ થયા વગર છૂટકો નથી. 
છઠ્ઠા દિવસની કથાના આરંભે સુત્રપાત થયો,  વક્તા શ્રોતા જ્ઞાનનિધિ. વક્તા અને શ્રોતા
બંને યોગ્યતમ ભેગા થાય ત્યારે બંનેની વચ્ચે જ્ઞાનનિધિનું સર્જન થાય છે. શાસ્ત્રજા
શ્રદ્ધા, સંગજા શ્રદ્ધા અને આત્મજા શ્રદ્ધા. આ સમયે તેઓએ આ ત્રણેય શાસ્ત્રોને
વાંચીને પ્રાપ્ત થતી શ્રદ્ધા, સત્સંગમાંથી પ્રાપ્ત થતી શ્રદ્ધા અને આત્મજ્ઞાન સાધવાથી
થતી શ્રદ્ધાને વિગતવાર સમજાવી આપી. રાજા બાબુનું એક સુંદર ઉદાહરણ બાપુએ
ટાંક્યું. એક બહુ જ અમીર  કક્ષાનો વ્યક્તિ જેને સૌ પ્રેમથી રાજા બાબુ કહેતા હતા. અને
રાજા બાપુ સવારના પહોરમાં  ઉભા રસ્તા ઉપર હાથમાં છડી લઈને પુરા ઠસ્સાથી ચાલી
રહ્યા હતા. અને એ દરમિયાન રાજા બાબુએ પોતે સુંદર મજાના કંઠે ગવાતું એક ગીત
સાંભળ્યું. અને એમાં કહેવામાં આવ્યું હતું, “જાગો જાગો મેરે પ્યારે જાગો.” આ શબ્દો કાને
પડ્યા અને એને થયું કે આ કંઠ રેલાઈ રહ્યો છે, સુર પહોંચે છે ક્યાં છે એ ?? અને એ 
તરફ તેઓ વળી ગયા. અને વળી જઈને જયારે તેમણે એ સ્થાન પાસે જઈને જોયું તો
એને એમ લાગ્યું કે, એ સરસ શબ્દો એવું કહેતા હતા કે, રાજા બાબુ તુમ જાગો જાગો
જાગો અને એમને એ જ ક્ષણે વીજળીનો ચમકારો મોતીડાં પરોવવા જેવું જ્ઞાન લાધ્યું  કે,
“આ બધું જ નિરર્થક છે અને તમે એને ભેગું લઈને ફરી રહ્યા છો. તમે એ ઠસ્સા ને

ઠસ્સામાં  તમારું આત્મજ્ઞાન ભૂલી ગયા છો. આ બધામાંથી જાગો, રાજા બાબુ જાગો.”
કહેવામાં આવ્યું હતું એ તો શાશ્વત હતું પણ જયારે શાશ્વત કહેવાયેલું મને કહેવાયું એમ
ગણીને આપણને અંદર ચોટ પડી જાય છે, એવી ચોટ રાજા બાબુને લાગી અને રાજા
બાબુએ એ જ ક્ષણે પોતાની જગ્યા છોડી દીધી, પોતાનું ઘર છોડી દીધું. પોતાનો ભર્યો
ભાદર્યો સંસાર છોડી દીધો અને મનમાં એક જ રટણ કે, જાગો રાજા બાબુ જાગો.. યાદ
રાખવા જેવું છે કે, સંત હંમેશા સદેહે હોય એવું જરૂરી નથી. શાંતિ પમાડે તેને સંત
કહેવાય. એ પછી કોઈ ભજનની નાનકડી પંક્તિ હોય અને ‘વીજળીના ચમકારે મોતીડાં
પરોવો પાનબાઈ નહીં તો અંધારા થાશેજી’ આ શબ્દો કાને પડે અને તમારો માર્ગ અંતઃ
પ્રક્રિયાનો બની જાય તો એ શબ્દો પણ સંત છે. બાપુએ એક ચોથી શ્રદ્ધા ઉમેરી એનું
નામ અનુગ્રહજા શ્રદ્ધા.. બુદ્ધ પુરુષોનો કેવલ અનુગ્રહ થયો હોય. બુદ્ધ પુરુષોએ
કેટલીક વખત તમારી ઉપર વરસી  જવાનું પસંદ કર્યું હોય તો એ અનુગ્રહમાંથી ઉત્પન્ન
થતી શ્રદ્ધા એ ચોથી શ્રદ્ધા છે. શાસ્ત્રજા શ્રદ્ધા, સંગજા શ્રદ્ધા, આત્મજા શ્રદ્ધા અને
અનુગ્રહજા શ્રદ્ધા. આત્મજા શ્રદ્ધા એટલે ‘રાજા બાબુ જાગો’. બાપુએ કહ્યું કે, વક્તા એ
કે, જે શ્રોતાઓને મૂઢ ન સમજે, વક્તા એ કે, જે શ્રોતાઓને અજ્ઞાની ન સમજે, વક્તા
એ કે, જે વક્તવ્ય માટે જ જીવે છે, વક્તા એ કે જે જાણે છે કે હું નથી બોલતો, કોઈ
બોલાવે છે, વક્તા એ કે જેનું મૌન બોલતું હોય અને વક્તા એ કે જે શ્રોતાને પરમ પ્રેમ
કરનારો હોય. પરમપ્રેમ એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ઓગળી જાય અને જે પાછળ
રહે એ પરમ પ્રેમ છે. શિષ્યને ગુરુ પ્રિય છે, પરંતુ ગુરુને શિષ્ય પરમ પ્રિય હોય છે. 
સાતમા દિવસની કથામાં બે સુંદર મજાના સુત્રોથી કથા આરંભ થયો અને કહેવાયું કે,
“મિલન મેં પરિતૃપ્તિ હૈ, વિરહમેં પરિશુદ્ધિ હૈ. શરીર પંચમહાભૂત કા વિકાર હૈ. વિકાર
સ્વાસ્થ્યપ્રદ હોતો નથી, ‘સમજકર ક્યા કરોગે ? સમજ ગયે તો અહંકાર પીછા કરેગા,
આનંદ આતા હૈ વહી કાફી હૈ.’  ‘યદિ  આંખમેં  એક આંસુ હૈ તો વહી તુમ્હારી ઉપલબ્ધી
હૈ .’  ‘રામકથા ન્યાયાલય નહીં હૈ, ઔષધાલય હૈ.’ ‘શબ્દ સે સાત્વિકતા આ રહી હૈ,
પ્રમાદ મૃત્યુ કા પર્યાય હૈ, હમારા સ્વભાવ એસા હૈ કિ  હમ દેહ, પ્રાણ ઓર મનસે
વિચલિત હોતે રહતે હૈં . દેહ માટે જન્મ અને મૃત્યુ, પ્રાણ માટે ભૂખ અને પ્યાસ, મન
માટે શોક અને મોહ આપણને રૂંધી દેનારા પરિબળો છે. ‘હમ કુછ ભી કરેં,  હમારે પ્રત્યક્ષ
કાર્યકા કોઈ તો સાક્ષી હૈ  હી.’  આપણે અત્યારે બેલુરમઠની નિશ્રામાં બેઠા છીએ તો ઠાકુર
આપણા  સાક્ષી છે. કદાચ આ કથા મંડપના કોઈ એકાદ ખૂણામાં આપણને જોવા નથી
મળતા, દેખાતા નથી પણ ઠાકુર બેઠા હોય.!! સ્વામી શ્રી વિવેકાનંદ ક્યાંક બેઠા હોય અને
મા તો હરહંમેશ અહીં હાજર હોય કારણ કે હમારે પ્રત્યક્ષ કાર્યકા કોઈ તો સાક્ષી હે હી વો

સમજ લીજીયે. પ્રત્યેક ક્રિયાકા  જો સાક્ષી હૈ  વહ પરમહંસ હૈ . જે પ્રત્યેક ક્રિયાનો સાક્ષી
બને છે અને એમની હાજરી ચૈતસિક રીતે છે એ પરમહંસ છે.”  
આઠમા દિવસની કથાનો આરંભ કૃપાના વિશ્લેષણથી થયો. કૃપા ક્યારે વરસે છે ?  એવું
કોઈ શ્રાવકે પૂછ્યું.  જિજ્ઞાસુ વ્યક્તિને જવાબ આપતા બાપુએ કહ્યું કે,  કૃપા ક્યારેય
કંજૂસ નથી હોતી. કૃપા સતત વરસતી જ હોય છે. આપણે એને લાયક બનવાનું હોય છે.
તમે દિવસ દરમિયાન કે રાત દરમિયાન સૂઓ છો કે જાગો છો, ખાઓ છો, પીઓ છો,
દૈનિક પ્રક્રિયા કરો છો એ પ્રત્યેક ક્ષણે તમારી ઉપર કૃપા વરસતી જ હોય છે. પણ એ
કૃપાને તમે જીલી ન શકો. પરિણામે તમને એમ લાગે છે કે કૃપા નથી. કૃપા ક્યારેય કંજૂસ
નથી હોતી. એવું જ સત્યનું છે કે, સત્ય કભી ભી ઉદ્ઘાટિત હોતા હૈ. આપણા કામ માટે
સત્ય ક્યારે ઉદ્ઘાટિત થાય ? એવો વિચાર કરવાની જરૂર નથી. આપણે જો આપણું કામ
કરવું જ છે,  તો આપણું સત્ય હંમેશા ઉદ્ઘાટિત થવા માટે તત્પર હોય છે. કહના કઠિન
હૈ , કહા હુઆ સમજના કઠિન હૈ  ઓર સમજા  હુઆ કરના ઓર કઠિન હૈ . “કચ્ચા
જ્ઞાન બોઝ હૈ  ઓર પાક્કા જ્ઞાન મોજ હૈ .” એટલા માટે કોઈપણ જ્ઞાનમાં ઊંડા ઉતરવું
જોઈએ અને ઊંડા ઉતર્યા પછી એમાંથી જ્ઞાનનો સંકેત પકડવો જોઈએ. જો જ્ઞાનનો
સંકેત પકડાઈ જાય તો સંબોધી દૂર નથી. જો જ્ઞાનનો સંકેત પકડાઈ જાય તો સમાધિ પણ
દૂર નથી. હમારી પ્રકૃતિ પરમહંસમેં પરમેશ્વરી હો જાતી હૈ. આપણી પ્રકૃતિ હંમેશા
કોઈની સાથે સુંદર રીતે આત્મસાત થવા તત્પર હોય છે. 
નવમા અને છેલ્લા દિવસની કથામાં શ્રી રામકથાને વિરામ આપતા સમાપન કર્યું કે, 
નંદીગ્રામમાં સૌ પધારે છે અને ભરત પાદુકા સાથે સૌ અયોધ્યા પરત ફરે છે તે વાત કહીને
બે પુત્રો લવ અને કુશનો જન્મ થાય છે, ત્યાં ગોસ્વામી તુલસીદાસજીએ રામચરિત
માનસને વિરામ આપ્યો છે. કોઈપણ પ્રકારના વિવાદમાં કે કોઈ પણ બાબતની એવી
ઘટનાઓની ચર્ચા કરવાનું ગોસ્વામીજીએ ટાળ્યું છે, તેથી કરીને મોરારિબાપુ ગોસ્વામી
શ્રી તુલસીકૃત શ્રી રામચરિત માનસને  વધુમાં વધુ પ્રસન્નતાથી સૌ વચ્ચે વહેંચી રહ્યા છે.
બાપુએ પરમહંસમાં જે હંસ શબ્દ આવે છે એમનો વિચાર કરીને ખાસ કહ્યું કે શ્રી
રામકૃષ્ણ મિશન અને મઠનો  જે લોગો છે એની અંદર સુંદર સૂત્ર છે અને એમાં હંસનો
ઉલ્લેખ છે. બાપુએ કહ્યું કે,  હંસ જળચર છે, પરંતુ કભી કભી તટસ્થ છે. જો કુછ સમય
સ્થળ પર ભી આતા હૈ  ઓર થોડી ઉડાન ભરકે નભચર ભી બન જાતા હૈ,  હંસ છે
જળચર પણ ક્યારેક તટસ્થ થઇ જાય છે આવીને તટ ઉપર નિરાંતે આરામ કરે છે. ક્યારેક
ક્યારેક એ સ્થળ ઉપર પણ આવે છે અને ક્યારેક થોડીક થોડીક હળવી ઉડાન ભરે છે અને
એ નભચર બની જાય છે. યાદ એ રાખવા જેવું છે કે, આપણા વક્તવ્યમાં પ્રતાપ હોય,
પ્રભાવ હોય અને પ્રસાદ હોય તો વક્તવ્ય સ્વામી શ્રી વિવેકાનંદ જેવું અવશ્ય બની રહે.

પ્રતાપ સૂર્ય પ્રકાશ અથવા સત્યનો, પ્રભાવ પ્રેમનો અને પ્રસાદ કરુણાનો હોય તો તમારું
વક્તવ્ય સ્વામીના શબ્દોથી વધુ નજીક બની શકે. 
આ નવ દિવસીય યજ્ઞ દરમિયાન વારંવાર અનેક ઉદાહરણો શ્રી રામકૃષ્ણ કથામૃતમાંથી
ટાંકીને શ્રી મોરારીબાપુએ સાદ્યન્ત ઠાકુરના ચરિત્રને પરમહંસ શા માટે એ સ્પષ્ટ સ્ફટિક
રીતે સમજાવ્યું. આનંદ એ વાતનો હતો કે કથાના શ્રોતાઓમાં ભાવકોમાં કેટલાય બંગાળી
પરિવારો પણ ઉમટી પડ્યા હતા. કથાની વ્યવસ્થા એવી હતી કે સૌ માટે પ્રસાદની સુંદર
વ્યવસ્થા બેલુરમઠના આ પ્રાંગણમાં જ કરવામાં આવી હતી. કથાના નિમિત્તમાત્ર
યજમાન દ્વારા આ વ્યવસ્થા થઇ. બંગાળના દૂર દૂરના છેવાડેથી લોકો સામાનના
પોટલાંઓ માથે ઉપાડીને આ પ્રાંગણમાં રહેવા જ આવી ચુક્યા હતા. તેઓ કથા
સાંભળવા મંડપમાં જતા પછી કથા નજીક શૌચાલયની અંદર દૈનંદિય પ્રક્રિયા કરતા અને
સવાર સાંજ અહીં પ્રસાદ લેતા હતા. આ કથા દરમ્યાન બે જાહેર કાર્યક્રમો સંધ્યા ટાણે
યોજાય જેમાં શ્રી ઓસમાણ મીર દ્વારા સુગમ ગાન અને બંગાળના પ્રસિદ્ધ બાઉલ્સ
ગાન સાંજને સુરમાયી બનાવાય. બંને કાર્યક્રમોમાં સમયસર બાપુ ઉપસ્થિત રહ્યા અને
તેઓની લાક્ષણિકતા મુજબ કલાકારોને સતત દાદ  આપતા રહ્યા હતા. સમાપન સમયે
ફરી એકવાર સ્વામી શ્રી રામકૃષ્ણ મિશન અને મઠના વરિષ્ઠ સન્યાસીઓ મંચ પર પધાર્યા
અને તેઓએ કથાના સમાપનમાં આશીર્વચન પાઠવ્યા. પોતાનો ખુબ મોટો રાજીપો વ્યક્ત
કર્યો અને ફરી એકવાર તરત જ બેલુરમઠમાં કથા ગાન કરવા માટે આવજો એવું દિલનું
નિમંત્રણ પાઠવી દીધું. શ્રી મોરારીબાપુની આ પશ્ચિમ બંગાળમાં પંદરમી કથા છે. અને
તેઓએ કલકતામાં ઘણી કથાઓ ગાયેલી છે. બેલુરમઠના એક સભાખંડની અંદર એક
પ્રવચન આપવા માટે પોતે પધાર્યા હતા, તેમનું સ્મરણ  કરીને એ પ્રસંગને તેઓએ
વર્ણવ્યો હતો, પણ પૂર્ણ સમયની કથા ગાન કરવાનો લ્હાવો અત્યારે મળ્યો એ આનંદ
વ્યક્ત કરીને પૂજ્ય બાપુએ સમગ્ર પ્રકૃતિનો અહોભાવ વ્યક્ત કર્યો હતો અને આવી રહેલા
અધિકમાસ અને શ્રાવણ માસને આ કથા સમર્પિત કરી.
શ્રી રામ ચરિત માનસનું પરમ સત્ય બેલુરમઠની ધરતી પર ગવાય  અને એમાં પણ
ચોતરફ પ્રકૃતિની હાજરીમાં તમને શ્રી ઠાકુરની ઉપસ્થિતિનો આવિર્ભાવ થયો  એ
લાગણી સાથે આ કથા વિરામ પામી ત્યારે  મને રાજકોટ આવતા એવું લાગ્યું કે, જાણે 
મારી સાથે શ્રી ઠાકુર પોતે પ્રવાસ કરી રહ્યા છે અને છેક પ્રેમમંદિર સુધી સાથ આપવા
અને વસવા માટે તેઓ પધારી રહ્યા છે.
જય ઠાકુર.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++

                તસ્વીર સૌજન્ય : સંગીતમય દુનિયા, મહુવા.

શ્રી વસંત ગઢવી

અસ્મિતા વિશેષ સંવાદ : (37)

ભદ્રાયુ વછરાજાની                                   bhadrayu2@gmail.com 

એક બહુ પરિમાણીય વ્યક્તિત્વ એટલે શ્રી વસંત એસ. ગઢવી. મૂળ સરકારી વહીવટમાં અવ્વલ દરજ્જે ફરજ બજાવી અને શ્રેયકર કાર્ય કરીને નિવૃત્તિ પછી પણ ઉચ્ચ પદ પર નિયુક્તિ મેળવતા રહ્યા. પણ શ્રી ગઢવીસાહેબની જિહવા પર અને કલમ પર મા સરસ્વતીનો ઉપકાર કાયમ રહેલ છે. તેઓ સાહિત્યના ઉપાસક છે અને લોકસાહિત્યના મર્મી છે. તેઓ ભણતા હતા એ દરમ્યાન જ ભગત બાપુ  સાથે બેસવાનું મળ્યું તે મોટો લ્હાવો. ખુબ સરળ અને શાંત પ્રકૃતિના ગઢવીસાહેબ સાથે આત્મીય સંવાદ ધીર ગંભીર પ્રવાહ જેવો ગહેરો રહ્યો. આવો તેઓની વાત સાંભળીએ :: 

“કોલેજનો અભ્યાસ થયો એ ભાવનગર અમારી બોર્ડિંગ હોવાથી ભાવનગરમાં થયો. આને પણ હું જીવનનો એક મોટો લ્હાવો ગણું છું. કારણ કે ભાવનગરમાં ગયા પછી થોડા સમયમાં જ એવું લાગ્યું કે ઘણી બધી જગ્યાએ અહીંયા કંઈક સાંભળવા જેવા આયોજનો થાય છે. જયેન્દ્ર ત્રિવેદી જેવાને બોલતા સાંભળ્યા ત્યારે એમ થયું કે આને જ તો નોલેજ કહેવાય. પહોંચવું હોય તો આ લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરવો જોઈએ. બોર્ડિંગમાં ભગતબાપુ પણ નિયમિત રીતે આવે અને રોકાઈ પણ ખરા. ભગતબાપુને  મળવા જે લોકો આવે એમને નજીકથી જોવા એ પણ લ્હાવો હતો. હિતેન્દ્ર દેસાઈ, મોરારજી દેસાઈ આવે પછી ત્યાંના સાંસદ અને આપણા નાણા પ્રધાન પણ રહી ચૂકેલા જસવંત મહેતા એક વૈદ્ય મોટાભાઈ ગઢડાવાળા જે  સાહિત્યકાર પણ પ્રખર હતા, જયમલભાઈ વગેરે આવે, મેરૂભા આવે, જયહિન્દના તંત્રી બાબુભાઇ શાહ આવે તો આ બધા લોકોને નજીકથી જોવાની તક મળે.

માણસ સાથે કઈ રીતે વાત થવી જોઈએ એ બાબતમાં ભગતબાપુની હું ક્ષમતા ઘણી જોઉં છું. અમે હિતેન્દ્રભાઈને લઈને અંદર ગયા. હિતેન્દ્રભાઇ એ વખતે સત્તા પરથી દૂર થઇ ગયેલા હતા, એટલે હિતેન્દ્રભાઈએ કહ્યું કે,  બાપુ અમે લોકોની થાય એટલી સેવા કરી અને જે લોકોએ નક્કી કર્યું એ પણ અમે સ્વીકારીએ છીએ. પણ આટલા વર્ષો સુધી આપ ચોક્ક્સ માનશો કે અમે સારી સેવા તો કરી છે. એટલા તો આપના આશીર્વાદ અમારા ઉપર હશે. આપનું  માનવું પણ હશે. હિતેન્દ્રભાઈએ ભગતબાપુને ઠાવકાઈથી જવાબ આપ્યો કે,  તમે ઘણું સારું કામ કર્યું એમાં કોઈ બેમત નથી પણ કનૈયાલાલ દેસાઈ (હિતેન્દ્રભાઈના પિતા)ની સમકક્ષ ન પહોંચાયું. હિતેન્દ્રભાઈએ સ્વીકાર્યું  કે, બાપુજી જેટલું તો ના થઇ શકે.

 ઘણા વર્ષો પછી હું  સુરત કલેકટર તરીકે ગયો એટલે ઓલપાડના ગામડાઓમાં ગયો. એમાં જોગાનુજોગ કનૈયાલાલની ઓલપાડના ઘણા બધા ગામોમાં મોટી જમીનદારી હતી. એમના મેં ફોટા કોઈ જગ્યાએ જોયા. કોઈ સરપંચના  ચા પીવા ગયો ત્યાં ફોટા જોયા.  તો મને થયું હિતેન્દ્રભાઇ જેવો ફેસ કોનો છે ? તો કહે,  કનૈયાલાલ દેસાઈનો ફોટો છે. પછી મેં કીધું કનૈયાયાલ દેસાઈ વિષે મેં કઈ સાંભળ્યું નથી. જુના જે  આગેવાનો હતા એક બે એણે  કહ્યું કે,  સાહેબ એ એક અદભુત વ્યક્તિ હતા. આટલી બધી એમની જમીનદારી હતી પણ સરળતા ઘણી ને ખેડૂતો સાથે વ્યવહાર બહુ સારો. પણ એક દિવસ એમના ઉપર વિનોબા ભાવેનો પત્ર આવ્યો. ત્યારે તો પોસ્ટકાર્ડ લખતા હતા કે હું ભૂદાનયાત્રામાં ગુજરાતમાં લગભગ આ ગાળામાં આવીશ. તો તે વખતે સુરત જિલ્લામાં આ તારીખો લગભગ આવશે અને બારડોલી આ તારીખે જાહેરસભા મારી કરીશ. એ બારડોલી જાહેર સભામાં ટેન્ટેટિવ તારીખ આ છે,  પણ તમને હું અત્યારથી કહી રાખું છું. તમારે એ સભાનું પ્રમુખ સ્થાન લેવાનું છે. ભૂદાનની આ  સભાનું તમારે પ્રમુખ સ્થાન લેવાનું છે. એ કાગળ વાંચીને એક બે દિવસ પછી એમણે એમના કેટલાક ખેડૂત ખાતેદારો હતા એમને બોલાવ્યા ને  બધાને કહ્યું કે, આ  જમીન છે એ હું તમને તમારા નામે કરી દેવા માંગુ છું. (પોતાની જમીન સ્વેચ્છાએ એમના નામે કરી દેવા માંગે છે.) એમના કાગળો તો મારા માણસો કરી આપશે. પણ તમારી સંમતિ જોઈએ છે મારે… એમણે હાથ જોડીને કહ્યું. લોકોએ કહ્યું,  ‘ભાઈ અમે ક્યાં માંગી છે ? આ જમીનની અમે ક્યાં તમારી પાસે માંગણી કરી છે ? અમે કોઈ ફરિયાદ કરી છે ?’ એણે કહ્યું કે,  ફરિયાદ કે માંગણીની તો આ વાત જ નથી, તમે કરો પણ નહીં. પણ વિનોબાની ભૂદાનની સભાનું જો પ્રમુખ સ્થાન મારે લેવાનું હોય તો એ પહેલા મારે આ વિધિ કરવી પડે. આ વાત કરવાનો એમના માટે કોઈ TRP મેળવવાનું  તો કારણ જ નથી, નથી મારા માટે TRP મેળવવાનું કારણ એટલે આ વાત  જે બનેલી છે એ હું કહું છું,  છતાં ઘણી ઓછી જગ્યાએ કહું છું, કારણ કે હવે લોકો આ સ્વીકારવા તૈયાર નથી.

હું કલેકટર હતો ને હિતેન્દ્રભાઈના મોટાભાઈને જયારે પણ મળ્યો, તેઓ બેંકમાં પ્રમુખ હતા એટલે કોઈપણ પબ્લિક બોર્ડ માટે એમની પાસે જઉં તો પહેલા એ એવું કહે કે,  તમારે મને બોલાવી લેવો જોઈએ. કલેકટરો બહુ કામમાં હોય, અમે આવી જઈએ, અમારે કાર્યકરોને શું કામ ? એટલે પેલા વિવેક અને પછી તમે જે પણ કામ લઈને ગયા હો તમે એમને કહો કે, ધારો કે ૫૦ લાખ રૂપિયા રોકવાના છે તો એ ૪૯ લાખની વાત ન કરે. તમારે ત્યાં આવી, તમારી ઓફિસમાં તમે જેનું નામ આપો એને  બીજે દિવસે ચેક આપી જાય. તકલીફો તો ઘણી પડી હશે, સંઘર્ષ ઘણા કરવા પડ્યા હશે ત્યારે આપણને એમ થાય કે આમના પ્રમાણમાં તો આપણે કોઈ સંઘર્ષો કર્યા જ નથી.” 

“તેથી ખડો થા, યશ મેળવી લે, વેરી હણી ભોગવ રાજ્યસિધ્ધિ;”

“તેથી ખડો થા, યશ મેળવી લે, વેરી હણી ભોગવ રાજ્યસિધ્ધિ;”

હે અનંત, આપ આદિ દેવ અને સનાતન પુરુષ છો. આપ જગતના પરમ આશ્રય, જ્ઞાતા, જ્ઞેય અને પરમધામ છો.”

ભદ્રાયુ વછરાજાની                            (44)                  bhadrayu2@gmail.com 

અર્જુનની વિનંતીને ધ્યાનમાં લઈને ભગવાન શ્રી કૃષ્ણ પોતાનું મૂળ સ્વરૂપ જે વિરાટ છે, જે વિશ્વ સ્વરૂપ છે એનું દર્શન અર્જુનને, ભગવાન તરફથી મળેલી દિવ્ય દ્રષ્ટિથી કરાવી રહ્યા છે.

અર્જુન શરૂઆતમાં પ્રભાવિત થઇ રહ્યો છે, આનંદિત થઇ રહ્યો છે પણ જેમ જેમ એ પ્રભુના વિરાટ દર્શનને પામતો જાય છે અને પ્રભુ પણ ધીમે ધીમે ધીમે કરતાં પોતાના રૂપના અનેક અધ્યાયો એક પછી એક અર્જુન સામે ખોલી રહ્યા છે ત્યારે અર્જુન પોતે પણ થોડો ભયભીત થઇ જાય છે. એને કલ્પના નહોતી કે મારો બાળસખા, મારો સારથી જેને હું કૃષ્ણ સમજુ છું એ આવો સ્વરૂપધારી એક મહામાનવ છે, મહાયોગેશ્વર છે. અને પરિણામે એનાથી બોલાય છે,  ‘હે મહાબાહો, ઘણા મુખ અને આંખોવાળા, ઘણા હાથ, જાંઘ, પગ અને પેટવાળા અને ઘણી દાઢોથી ભયંકર એવા આપના વિશાળ વિશ્વરૂપને જોઈને પ્રાણીઓ ભયથી વ્યાકુળ થઇ ગયા છે તેમ જ હું પણ અત્યંત વ્યાકુળ થઇ ગયો છું.’

એનાથી બોલી જવાય છે કે, ‘ભગવાન અત્યાર સુધી તો ઠીક છે, હું  દર્શન કરતો હતો પણ હવે હું ભય પામું છું અને થોડો થોડો  વ્યાકુળ થઇ રહ્યો છું. હે વિષ્ણુ, આકાશને સ્પર્શ કરતા સ્વર્ગ સુધી વ્યાપ્ત સર્વરૂપી, પ્રજવલ્લિત, અનેક રંગવાળા, ઉઘાડા મુખવાળા અને તેજસ્વી નેત્રવાળા આપના વિરાટ સ્વરૂપને જોઈને મારું મન ભયથી વ્યાકુળ છે. હું દેહ ધારણ કરવાના સામર્થ્યને અને મનની શાંતિને, મનના સ્વાસ્થ્યને, મનની પ્રસન્નતાને પામતો નથી. આપના સ્વરૂપને જોઈ હું અત્યંત ચકિત થઇ ગયો છું.’  એ કહે છે કે, ‘મને આપનું સ્વરૂપ જોઈને મનની શાંતિ કે મનનું સ્વાસ્થ્ય કે મનની પ્રસન્નતા પ્રાપ્ત નથી થતી. હે વિષ્ણુ, હું તો એકદમ આશ્ચર્યચકિત થઇ ગયો છું કે, હું કોને જોઈ રહ્યો છું ! એક પછી એક વર્ણન કરતા કરતા જયારે પોતાની વાત સામેના સ્વરૂપને જોઈને ટોચ ઉપર પહોંચે છે ત્યારે અર્જુન જુદી વાત કરી રહ્યો છે. વચ્ચે શ્રી ભગવાન પણ કહે છે,

છું કાળ ઉઠ્યો જગનાશકારી, સંહારવા લોક અહીં પ્રવર્ત્યો

તારા વિનાયે  બચશે કોઈ, જે ખડા સૈનિક સામસામા.

તેથી ખડો થા, યશ મેળવી લે, વેરી હણી ભોગવ રાજ્યસિધ્ધિ

પૂર્વે છે મેં હણેલ તેને, નિમિત્ત થા માત્ર તું સવ્યસાચી

શું ભીષ્મ, કે દ્રૌણ, જયદ્રથેય, કે કર્ણ કે અન્ય મહાન યોદ્ધા,- 

મેં છે હણ્યાં, માર તું, છોડ શોક, તું ઝૂઝ, જીતીશ રણે સ્વશત્રુ.”

ભગવાન તક ઝડપી લે છે અને તક ઝડપીને ભગવાન પાનો  ચડાવતા એવું કહી દે છે કે, ‘તું ઉભો થા, આ બધાને હું અગાઉ મારી ચુક્યો છું, તારે કશું  નવું કરવાનું નથી. તારે તો માત્ર મેં જે કાર્ય કર્યું છે એના માટે સાહસ કરવાનું છે. લોકોનો સંહાર કરનારો અને અત્યંત વૃદ્ધિ પામેલો કાળ હું છું. લોકોને સંહાર કરવા પ્રવર્તેલો હું છું. આ શત્રુઓની સેનામાં જે શત્રુઓ ઉભા છે ને તે સર્વે તારા સિવાય, તું યુદ્ધ ન કરી શક તો પણ બચશે નહીં, એટલું તું બરાબર સમજી લે.’ પોતાના વિરાટ રૂપની સાથે પોતાની વિરાટ શક્તિનું વર્ણન ભગવાન કરી રહ્યા છે.

કાળનું સામર્થ્ય કેટલું છે, એ સામર્થ્ય વર્ણવવા માટે ભગવાન પોતાની વાત પોતાના દ્વારા કરી રહ્યા છે. અહીં ભગવાન એવો અંગુલી નિર્દેશ કરે છે કે સર્જનહાર તરીકે હું પોતે હણવા નીકળેલું  વ્યક્તિત્વ છું. શ્રીમદ ભગવદ ગીતા સંજીવનીનામના ભાષ્યમાં એક સુંદર વાત કાળના સામર્થ્ય અંગે કરવામાં આવી છે… પંપા સરોવરમાં સ્નાન કરતી વખતે ભગવાન રામે સરોવરની બાજુમાં એક સ્થળે પોતાન ધનુષ્ય વગેરે દાટી રાખ્યા. સ્નાન કર્યા પછી લક્ષ્મણે ધનુષ્ય આદિ બહાર કાઢ્યા ત્યારે તે લોહીથી ખરડાયેલા હતા. આ જોઈને ભગવાન રામે લક્ષ્મણને કહ્યું, હે લક્ષ્મણ, જરૂર કોઈ જીવ માર્યો ગયો હશે.’  શ્રી લક્ષ્મણે થોડી માટી ખોદી જોયું તો એક મોટો દેડકો મૃત્યુ પામવાની તૈયારીમાં હતો. ભગવાન રામે દેડકાને પૂછ્યું, ‘ધનુષ્ય દાટવામાં આવ્યું ત્યારે તેં બૂમ કેમ ન પાડી ? સાપ કરડે છે અથવા કોઈ પણ જાતનો ભય જણાય છે ત્યારે તો તું તત્કાલ મારા નામનો પોકાર કરે છે. તો પછી આ વેળા બિલકુલ શાંત રહેવાનું શું પ્રયોજન ? જો તેં  ચીસ પાડી હોત તો હું તને જરૂર બચાવી લેત.’  દેડકાએ જવાબ આપ્યો તે કાન ખોલીને સાંભળવા જેવો છે, ફાટી આંખે વાંચવા જેવો છે. ‘હે પ્રભુ, સાપ કરડવા આવે કે ભય કે સંકટ સમયે આપને પોકારું એ સ્વાભાવિક છે, કારણકે આપ સમાન બીજો કોઈ રક્ષક નથી. પણ જયારે આપ જ મારવા પ્રવૃત થાઓ ત્યારે સહાય કે રક્ષણ માટે આપને પોકારવાનું શું પ્રયોજન ? કાળ જેનો ગ્રાસ કરવા પ્રવૃત થયો છે, તેનું રક્ષણ કરવા કોણ સમર્થ છે ?’  આપણે પણ કેટલાય લોકોને માટે એવું કહીએ છીએ કે, હમણાં તો એની સાથે હું વાત કરતો હતો આટલી વારમાં એને શું થયું ? ચપટી વગાડતા જન્મ આપનારો મહાન વ્યક્તિ આપણને ઉઠાવી જનાર પણ બને છે, એ સત્ય અત્યારે અહીં ભગવાન શ્રી કૃષ્ણના વિરાટ રૂપથી દર્શિત થઇ રહ્યું છે.

ભગવાનનું આ વિરાટ રૂપ અને ભગવાનનો  શાબ્દિક પડકાર કે, “ઉભો થા મેં જેને હણ્યાં છે એને તું શોક છોડીને મારવા ઉભો થા, તું જૂજવા માંડ. તું રણે સ્વશત્રુઓને જીતીશ એવી હું તને બાંહેધરી આપું છું.” આવું કહીને ભગવાન શ્રી કૃષ્ણ જયારે થોડો સમય રોકાય છે ત્યારે સંજય બે હાથ જોડીને  એવું બોલે છે કે,  ‘હે ભગવાન હું આપને વિનંતી કરું છું, ફરી ફરીને વંદન કરું છું, હું ડરી ગયો છું એટલે હું નમું છું, હું આપને નમન કરું છું અને હું મારા ગદગદ કંઠે આપને કહેવા માંગુ છું કે બરાબર હું આપની વાતને અનુસરી શકતો નથી,  પરંતુ સમજી શકું છું. સમજવું મારા માટે સરળ છે પણ જયારે અનુસરણની વાત આવે છે તે હું કરી શકતો નથી.’ અર્જુને કહ્યું એ યોગ્ય છે કે, ‘આપના કીર્તનથી જગત અતિ હર્ષિત થાય છે. અને અનુરાગને પણ પ્રાપ્ત થાય છે. ભયભીત થયેલા રાક્ષસો સર્વદિશાઓમાં ભાગે છે અને સઘળા સિદ્ધોના સમૂહો આપને નમસ્કાર કરે છે. હે મહાત્મન,  બ્રહ્માના પણ આદિ કરતા અને સર્વશ્રેષ્ઠ એવા આપને તેઓ નમસ્કાર કેમ ન કરે ? હે અનંત, હે દેવેશ, હે જગન્નિવાસઃ આપ અવિનાશી છો જે વ્યક્ત અને અવ્યક્તથી પર છો. એટલે કે સ્થૂળ અને સૂક્ષ્મ એ બંને બાબતોથી તમે પર છો. આપ આદિ દેવ અને સનાતન પુરુષ છો. આપ આ જગતના પરમ આશ્રય, જ્ઞાતા, જ્ઞેય અને પરમધામ છો. હે અનંતરૂપ, આપનાથી જ આ વિશ્વ પ્રાપ્ત થયું છે. આપ જ વાયુ છો, યમ છો, અગ્નિ છો, વરુણ છો, ચંદ્રમા છો, પ્રજાપતિ બ્રહ્મા છો અને પ્રપિતામહ બ્રહ્માજીના પણ કારણ છો. આપને હજારો વાર નમક્સર હો, નમસ્કાર હો… પુનઃ આપને નમસ્કાર કરું છું અને હું બહુ જ આનંદ પૂર્વક બહુ જ સંતોષપૂર્વક આપને અનુસરવા માટેની મારા જીવની તૈયારી માટે પ્રવૃત થઇ રહ્યો છું.’