by Bhadrayu Vachhrajani | Oct 28, 2025 | Uncategorized, દીપોત્સવી લેખ |
સ્વામીદાદા સૌથી પહેલા કલાકાર, પછી ગુણના ભક્ત અને ત્યાર બાદ અવ્વલ નંબરના લોકસેવક.
ઉમાશંકર જોશી કહે છે : “એનું નામ પાણી ઉપર આલેખાયેલું છે ! જે કાંઈ લખાયું તે આનંદનું, આનંદને અર્પણ !”
એમની ભાષામાં ચોમાસા ના પહેલા ઝાપટાં જેવી તાજગી અને માટીની મહેક હતાં.
ગાંધીજીએ બેધડક કહી દીધેલું કે, “કાં તો ટ્રેન ખોટાકાઈ હશે અથવા સ્વામી મરી ગયો છે, એ સિવાય સ્વામી મોડો ન પડે.”
આજના કોઈ નવાસવા વાચકને જો સ્વામી આનંદની શૈલીને માણવી હોય તો “ધરતીની આરતી” હાથમાં લઈને બેસી જવું જોઈએ, પછી તેને છોડી શકાય તો કહેજો !!
જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા સાક્ષર શ્રી રઘુવીર ચૌધરી સ્વામી આનંદ ને “સાચા કીમિયાગરનો શબ્દલોક” કહે છે.
એમનો પગ ક્યાંય ઠરીને ઠામ ન થયો. યુવાવસ્થા દરમિયાન કરેલા દેશાટનથી સ્વામી લગભગ આખો દેશ ઘુમી વળ્યા છે અને એમ થતાં તે કંઇ કેટલાય પ્રદેશો અને પ્રજાઓ, એમની સંસ્કૃતિ અને પ્રકૃતિ, રીત અને રિવાજો, રીતિ અને તહેવારો તથા ભાષા અને ભાવના ઊંડા અનુભવમાં મુકાયા છે.
પોતાની પહેલી પચ્ચીસી સ્વામીએ સન્યાસ્તમાં વિતાવી હતી. આ વર્ષો મહાસાગરમાં તરતી હિમશીલાની માફક બહુધા અછતા રહ્યા છે. સ્વામીની જીવન તવારીખમાં એ વર્ષોનો ચોક્કસ હિસાબ-કિતાબ મળતો નથી પણ સત્તાવીસ વર્ષની ભરયુવાનીમાં ઠરેલા મન અને મજબૂત શરીર સાથે એ ગાંધીજીનો સંપર્ક પામે છે. સ્વામી ગાંધી પરિવારના સદાયના સદસ્ય બને છે. એમણે પોતાની જાતને હંમેશા ગાંધીના કાસદ તરીકે ઓળખાવી અને એનું ભારોભાર ગૌરવ પણ કર્યું. જેમના પગે ભમરો હતો કે જે વર્ષો સુધી ક્યાંય પગ વાળીને બેઠા નહોતા એ જ સ્વામી ગાંધીજીના છાપા છાપવા 32 કલાક એક આસને બેસીને પ્રુફ વાંચે છે. જેવી સ્વામીની કર્મનિષ્ઠા એવી જ એમની સમયની ચોકસાઈ અને નિયમિતતા એવી કે સહકાર્યકર મિત્રોએ સદાય જાગતા રહેવું પડે. એમની એક સમય સૂચકતા પ્રસંગે ગાંધીજીએ બેધડક કહી દીધેલું કે, “કાં તો ટ્રેન ખોટાકાઈ હશે અથવા સ્વામી મરી ગયો છે, એ સિવાય સ્વામી મોડો ન પડે.”
આશ્રમનું જે પ્રકારે કામ સોંપાય તે બધું જ કામ એમણે કરવાનું નક્કી કર્યું. મીટીંગ અને બેઠકોની નોંધ લેવી, એમના ‘યંગ ઇન્ડિયા’ અને ‘નવજીવન’ જેવા છાપ છાપવા, ‘નવજીવન’ સંભાળવું, ગ્રામ ઉદ્યોગ અને ગો સેવા સંઘનો વહીવટ કરવો, કસ્તુરબા રાષ્ટ્રીય સ્મારક ફાળાની જવાબદારી સંભાળવી.. એવા અનેક કામ એમણે ગાંધીના ઈશારે સ્વીકાર્યા અને એક નિષ્ઠાથી પૂર્ણ કર્યાં. બિહારનો ધરતીકંપ, ગુજરાતનું રેલ સંકટ અને બારડોલીનો સત્યાગ્રહ આ બધા એવા મોરચા હતા જેમાં સ્વામીએ મોખરાની લડત આપેલી અને બધા કિલ્લા પર ફતેહ કરેલી.
ગાંધીજીનાં મુખપત્રોમાં જરૂર પડતાં ‘ઈસુનું બલિદાન’ શીર્ષકથી લેખમાળા લખીને એમણે ગુજરાતી લેખનનો આરંભ કર્યો હતો. એમની વિશિષ્ટ ચરિત્રકથાઓ ને ચિંતનાત્મક નિબંધોમાં સાધુજીવનનો રઝળપાટ, તજજન્ય અલગારીપણું, અનુભવગત બાહુલ્ય અને સચ્ચાઈ તેમ જ વૈવિધ્ય અનાયાસ પ્રગટ થાય છે. મરાઠી, હિન્દી, અંગ્રેજી ભાષાઓ અને તેની પ્રાદેશિક બોલીઓ ઉપર સમાન પ્રભુત્વ ધરાવતા એમની ગુજરાતી ભાષામાં સૌરાષ્ટ્રી, ચરોતરી, સુરતી અને કવચિત્ કચ્છી-સિંધી બોલીઓનું સુભગ મિશ્રણ જોવા મળે છે. વ્યાપક જીવન-અનુભવ ને વિપુલ વાચનથી ઘડાયેલી એમની અરૂઢ છતાં પ્રૌઢ, કવચિત્ રમતિયાળ તો બહુધા સંઘેડા ઉતાર, તત્વાન્વેષી તેમ જ હૃદયરાગથી ઊભરાતી, વિપુલ અર્થાભિવ્યક્તિ ધરાવતા તળપદ શબ્દો, યથાર્થ રૂઢિપ્રયોગો તથા કહેવતોથી બળકટ નીવડતી ચિત્રાત્મક શૈલી ગુજરાતી ગદ્યસાહિત્યમાં અલગ ભાત પાડે છે.
જીવનભર સતત કંઈ ને કંઈ લખતા રહેલા સ્વામીએ વર્ષો સુધી પોતાનું કશું લખાણ ગ્રંથસ્થ થવા દીધું નહોતું. વળી સ્વામી ખાલી કાગળ શાહીના બગાડના પણ પાકા વિરોધી. છે. “મારી કેફિયત”માં એમણે લખ્યું છે: કશા ઉપકારક કાર્યનો રેકોર્ડ કર્યા વગર નકરું જીભ-કલમનું ડહાપણ ડોળી ને માણસ સંસારનો કશો ઉપકાર કરી ન શકે અને નકરા લેખન કે વકતૃત્વની સેવાક્ષેત્રમાં કશી કિંમત નથી, એટલે કે માણસ કશી સત્કાર્યની મૂડી નિપજાવે એ પછી જ એણે શબ્દનો વેપલો કરવો જોઈએ.” એક વરિષ્ઠ સાક્ષરે કહ્યું હતું કે સ્વામી મૌલિક લેખક છે અને પછી મૌલિક લેખકની વ્યાખ્યા એમણે આ રીતે કરી : “મૌલિક લેખક તે એ નહિ કે જે કોઈની નકલ ન કરતો હોય, પણ તે કે જેની કોઈ નકલ કરી શકે નહીં.”
સ્વામી આનંદ સાધુ ખરા પણ ઉત્તમના ઉપાસક. જીવન, રહેણીકરણી, બોલચાલ, લખાણ બધું જ સંઘેડા ઉતાર કે પાસાદાર ન હોય તો એમને ન ચાલે. લખવા માટેની જાડી ડયૂફોલ્ડ પેન પણ નીબ ઝીણામાં ઝીણી.. આ બધા દ્વારા ઉત્તમ કરવા જીવડો તોડીને મહેનત કરે. એકવાર ગુજરાતના ઉત્તમ કોટિના સાહિત્યકારને સ્વામીએ કહ્યું કે, તમારું લખાણ બેનમૂન હોય છે અને આવું ચીથરાં જેવું છાપકામ કરાવો છો તે કેમ ચાલે ? જવાબમાં સાહિત્ય ઉપાસકે કહ્યું કે: “બાળોતિયાં ધોવાનું કામ મારું નહીં ..” ત્યારે સ્વામીને ઘણું ખોટું લાગેલું કે, જે માધ્યમ તમારું સાહિત્ય લોકો સુધી પહોંચાડે છે તેમાં છાપકામમાં તમે રસ જ ન લો તે કેમ ચાલે?
“જૂની મૂડી” નામથી સ્વામી આનંદે ગુજરાતી ભાષાને એક શબ્દકોશ આપ્યો છે એની પ્રસ્તાવનામાં તેમણે લખ્યું છે:
“ભાષા એ ધરતી પરનો પાણી વીરડો છે. જનવાણી એ અખૂટ સરવાણી છે. ઘડા પાણીના વીરડાને વાડકી કે છાલિયાથી ઉલેચ્યે જાઓ ને સો બેડા પાણી ભરી લો.ન ઊલેચો તો વીરડાનું પાણી ઘડો જ રહેશે. એમ વાડકી છાલિયાથી એને ઉલેચવાની પ્રક્રિયા પણ જનવાણી જ છે. એનાથી રોજેરોજ ઉલેચાયા વગર વિરડો મેલો અને બંધારણ બની જશે. ભાષા રૂપી વીરડાનું પાણી જનવાણીને વાટકે ચડે ત્યારે જ એ ફિલ્ટર અને ક્લોરિનેટ થઈને પ્રજાના વાપરવા માટે નરવું થયું ગણાય.”
સાધુજીવનની આચારસંહિતાના આગ્રહે, વર્ષો સુધી પોતાનાં લખાણોને ગ્રંથસ્થ કરવાની સંમતિ ન આપનાર એમણે એક બાજુ મહાદેવ દેસાઈ, સાને ગુરુજી, કિશોરલાલ મશરૂવાળા, નાનાભાઈ ભટ્ટ, ડૉ. માયાદાસ, છોટુભાઈ દેસાઈ જેવી નામી અને મોનજી રુદર, વામનદાદા તથા સાધુસમાજની કૈકં તેજ-તપઃપૂત વ્યક્તિઓ તો બીજી બાજુ જડસુ, ગંદા-ગોબરા અને ક્રૂર આતતાયીઓ સમા મેજર ઈથરલી, નઘરોળ મુરશદ, કંસના વારસ ને અનામ ટાંગાવાળા ઇત્યાદિની ચરિત્રકથાઓનાં સંગ્રહો ‘કુળકથાઓ’ (૧૯૬૬), ‘ધરતીનું લૂણ’ (૧૯૬૯), ‘મોતને હંફાવનારા’ (૧૯૬૯), ‘સંતોના અનુજ’ (૧૯૭૧), ‘સંતોનો ફાળો’ (૧૯૭૮), ‘નઘરોળ’ (૧૯૭૫), ‘ગાંધીજીના સંસ્મરણો’ (૧૯૬૩) તથા ‘ભગવાન બુદ્ધ’ (અન્ય સાથે, ૧૯૬૪) આપ્યા છે. સર્વધર્મસમભાવથી પોષાયેલી જીવનદ્રષ્ટિથી ધર્મ અને સમાજની સમીક્ષા કરતા એમના ચિંતનાત્મક નિબંધોના સંગ્રહોમાં ‘ઈશુનું બલિદાન’ (૧૯૨૨), ‘ઈશોપનિષદ’, ‘ઈશુભાગવત’ (૧૯૭૭), ‘લોકગીતા’, ‘નવલાં દરશન અને બીજા લેખો’ (૧૯૬૮), ‘માનવતાના વેરી’ (૧૯૬૬), ‘અનંત કળા’ (૧૯૬૭), ‘આતમનાં મૂલ’ (૧૯૬૭), ‘સર્વોદય વિચારણા’ (અન્ય સાથે) વગેરેનો સમાવેશ થાય છે. ‘સમાજચિંતન અને બીજા લેખો’ (૧૯૮૩), ‘ધર્મચિંતન અને બીજા લેખો’ (૧૯૮૨) ઉપરાંત સાધુજીવન દરમિયાન કરેલ યાત્રા-પ્રવાસોની ઉપનીપજ સમી, ‘પ્રસ્થાન’ માં ૧૯૫૪-૬૦ દરમિયાન પ્રકાશિત થયેલી પ્રવાસકથાઓ ‘ઉત્તરાપથની યાત્રા’ અને ‘બરફ વચ્ચે બદરીનાથ’ (અન્ય સાથે, ૧૯૮૦) તથા સ્વેનહેડિનની ભ્રમણકથાનો અનુવાદ ‘એશિયાનાં ભ્રમણ અને સંશોધન’ (૧૯૭૯) વગેરે એમનાં મરણોત્તર પ્રકાશનો છે. ‘બચપણનાં બાર વરસ’ (૧૯૮૨) નામે અપૂર્ણ આત્મવૃત્તાંત પણ એમણે આપ્યું છે.
આ ઉપરાંત તેઓના વ્યાપક લોકસંપર્કના ફળસ્વરૂપે એકત્ર થયેલ તળપદ શબ્દપ્રયોગો, રૂઢિપ્રયોગો તથા કહેવતોનો સંગ્રહ ‘જૂની મૂડી’ (૧૯૮૦) તો એમનાં પુસ્તકોમાંથી મૂળશંકર મો. ભટ્ટે પસંદ કરી આપેલાં લખાણોનો અદભુત ભાષાકર્મ વાળાં ચરિત્રોનો સંગ્રહ ‘ધરતીની આરતી’ (૧૯૭૭) માં પ્રગટ થયો છે. આજના કોઈ નવાસવા વાચકને જો સ્વામી આનંદની શૈલીને માણવી હોય તો “ધરતીની આરતી” હાથમાં લઈને બેસી જવું જોઈએ, પછી તેને છોડી શકાય તો કહેજો !!
સ્વામી આનંદ એટલે નરવા ઉદગારોનો ફુવારો. શબ્દ એમના ચિત્તમાંથી ચળાઈને આવે ત્યારે એવો નવો નક્કોર લાગે કે, અનાયાસે ચિત્તમાં આનંદ આનંદ થઈ જાય !! સ્વામી આનંદને સૌ પ્રેમથી સ્વામીદાદા કહેતા. સ્વામીદાદાનું શબ્દચિત્ર શ્રી વાડીલાલ ડગલી આમ આલેખે છે :
“ગુલાબના ગુચ્છા જેવું મોં, ભીંતની આરપાર જોતી જળાળી આંખો. જિંદગીના વાવાઝોડામાં હિમાલયની ટોચ સુધી ઊછળેલું અને વસઈની ખાડીમાં પછડાયેલું પણ સારી પેઠે સાચવેલું રિટાયર્ડ રાજવી જેવું બાધી દડીનું સોહામણું શરીર. એક ચાંપ દાબે તો મોંમાંથી ગોળનું ગાડું છૂટે અને બીજી ચાંપ દાબે તો જીભમાંથી ડંગોરો નીકળે. વેશ એવો કે સાધુયે નહીં ને સંસારીયે નહીં. ટીકીટીકીને જોયા જ કરવાનું મન થાય. મૂંગા બેઠા હોય તો ય લાગે કે આ તે કયા મલકની માયા ! બોલે ત્યારે લોકડિક્સનેરીના શબ્દો ધાણીની જેમ ફટફટ ફૂટવા માંડે. માણહ એકલો; પણ સ્ટેઈજ વિના, લાઈટ વિના, ડ્રેસ વિના અને બીજા એક્ટર – એક્ટ્રેસો વિના ગાંધી મહાત્માના નાટકનાં દૃશ્યો દેખાડતો જાય. કામ પતાવી વિદાય થાય તે પછી પણ ઓરડામાં બાંયો ચડાવેલી ચેતનાના લિસોટા મેલતો જાય.”
આપણી લોકબોલીના શબ્દોની થોડા ટ્રકો ભરાય એટલી નોટો એમણે તૈયાર કરી હતી. વિચારની દુનિયામાં જે અવજ્ઞાનો હુંકાર કરે તે સ્વામી આનંદના સગા થઈ જતા. એક સરકારી સામયિકનું પાનું બતાવ્યું. કહે : “આવા નઘરોળ લોકો દારૂબંધીનો શો પ્રચાર કરી શકવાના હતા ? આ એક પાનામાં અઠ્યોતેર પ્રૂફની ભૂલો છે.” પાના સામું જોયું તો લાગ્યું કે, આ છાપકામ છે કે ટાગોરનું કોઈ ચિત્ર છે ? સ્વામીદાદાએ એટલી ઝીણવટથી ભૂલો કાઢેલી કે, આખુંયે પાનું એમના પરિશ્રમની કલાકૃતિ બની ગયું હતું.
આપણી ગુજરાતી ભાષાના એક સમર્થ સાહિત્યકાર યશવંત શુક્લ સ્વામી આનંદને આ રીતે ઓળખે છે : “સ્વામી આનંદ જેવું વ્યક્તિત્વ આપણા સાધારણ દુન્યવી વ્યવહારોમાંથી જડવું મુશ્કેલ છે. આ તો જે નાના છોકરાને ભગવાન દેખાડવાની લાલચ આપીને પેલો અજાણ્યો બાવો ભગાડી ગયો હતો એ બાવાનો હેતુ ગમે તે હોય પણ એ છોકરાની ભગવાનને પામવાની લગન એણે જીવનમાં ક્યારેય છોડી નહોતી. એ કદી સંન્યાસી મટયા ન હતા. સંસાર સાથેનો સંબંધ કાપ્યા વિના રાત દિન પોતાના સંન્યસ્ત ધર્મમાં જ રત એવા સ્વામી આનંદે ગુજરાતી ભાષા સાહિત્ય ઉપર અનહદ ઉપકાર કર્યો છે. સ્વામી દાદા ખપ વગર બોલે નહીં અને મૂંગા હોય ત્યારે સહેજ કરડા પણ લાગે, પણ સદાય નિજ કામમાં નિમગ્ન. તેમ છતાં પોતાના માર્મિક અનુભવો જેમની આગળની ખોલવું ગમે તેમને કહેવા ને સદા તત્પર !”
સ્વામીદાદા સૌથી પહેલા કલાકાર, પછી ગુણના ભક્ત અને ત્યાર બાદ અવ્વલ નંબરના લોકસેવક. ગાંધીજીના અંતેવાસીઓમાં સ્વામીદાદા જેવું કોઈ વ્યક્તિત્વ હોય તો તે મહાદેવભાઈ હતા. ફેર એટલો કે મહાદેવભાઈ કદાચ વધુ મોટા ભક્ત અને જરા વધુ એકધારી કુમાશવાળા. સ્વામીદાદા ગાંધીજીના પ્રખર સાથી, પણ એમના ગમાઅણગમા તીવ્ર. પ્રકૃતિએ સાવ એકલવીર આથી જ તેમની શબ્દસાધનાએ અજાણ્યાં ઊંચાણો છતાં કર્યાં. આજથી સો વરસ પછી ગાંધીજીના સાથીઓનું સાહિત્યને અર્પણ મૂલવાશે ત્યારે સ્વામી આનંદનું નામ કદાચ મોખરે હશે. સ્વામી આનંદના જીવન અને સાહિત્યમાં જે સચ્ચાઈની ધૂણી ધખે છે તે કાળને માત કરશે.
ઇન્દુલાલ યાજ્ઞિક નવજીવનમાંથી છૂટા થયા ત્યારે સ્વામી આનંદે નવજીવન સાપ્તાહિક તથા તેના છાપખાનાની વ્યવસ્થા હાથમાં લીધી અને ગુજરાતી મુદ્રણકળાએ પડખું બદલ્યું. શુદ્ધ – અણિશુદ્ધ મુદ્રણની પરિપાટી સ્વામીદાદાએ પાડી તે આજે પણ નવજીવનમાં ચાલે છે અને એનો ચેપ ઠેર ઠેર ફેલાયો છે. સ્વામી આનંદ ગાંધીજીના પત્રોના કેવળ મુદ્રક નહોતા, એ તો ગાંધી-પત્રકારત્વના વહાણના કૂવાથંભ હતા. ગાંધીજીએ સ્વામી આનંદના અર્પણને આ શબ્દોમાં અંજલિ આપી છે : ‘જો મને સ્વામી આનંદની અથાક કાર્યશક્તિ અને સૂઝસમજનો લાભ ન મળ્યો હોત તો આ (નવજીવનની) જવાબદારી ઉપાડવાની મેં ના પાડી દીધી હોત.”
ગાંધીજીનાં બે સૌથી મહત્ત્વનાં પુસ્તકો : આત્મકથા અને અનાસક્તિયોગ. આ બંને પુસ્તકો સ્વામી આનંદના તકાદાથી તેમણે લખ્યાં. આત્મકથા ‘નવજીવન’માં હપ્તાવાર છપાયેલી. 1922માં નવજીવનના મુદ્રક તરીકે વાંધાભર્યું લખાણ છાપવા માટે પહેલી વાર જેલમાં ગયા. આ સમય દરમિયાન મહાદેવભાઈ અને સરદાર સાથેનો સંબંધ ધનિષ્ઠ થયો. 1928ના બારડોલીના સત્યાગ્રહ વખતે સ્વામી આનંદ સરદારના મંત્રી બન્યા. સરદારનાં વિરલ ભાષણો ગુજરાતી ભાષામાં ટકી રહ્યાં છે તેનો જશ સ્વામી આનંદને જવો જોઈએ. 1930ના મીઠાના સત્યાગ્રહમાં સ્વામી ફરીવાર જેલમાં ગયા. 1932માં ત્રીજી વાર. પછીનાં વર્ષો દરમિયાન સ્વામી આનંદે હરિજનમંદિરપ્રવેશ ચળવળના મુખી કાર્યકર્તા તરીકે કામ કર્યું અને બિહાર ધરતીકંપમાં ગાંધીજીના પ્રતિનિધિ તરીકે સેવા આપી. સ્વામી આનંદ વર્ષો સુધી અમદાવાદમાં સરદાર પટેલના પાડોશી તરીકે રહ્યા. વળી મહાદેવભાઈ દેસાઈના અંગત મિત્ર. 1942, ઓગસ્ટની નવમીએ વહેલી સવારે મુંબઈમાં બિરલા હાઉસ પર ગાંધીજીની ધરપકડ થઈ ત્યારે મહાદેવભાઈ દેસાઈએ ગાંધીજીના “ક્વીટ ઈંડીયા”વાળા પ્રવચનની નકલો પ્રીંટ કરી દેશભરમાં પહોંચાડવાની જવાબદારી સ્વામીજીને સોંપેલી. તેમણે સફળતાથી અઘરું કામ પાર પાડ્યું.
1935થી તેમણે દરિદ્રનારાયણની વચ્ચે જઈ બેસવાનું નક્કી કર્યું, અને થાણા જિલ્લાના આદિવાસી વિસ્તારમાં ગાંધી આશ્રમ સ્થાપ્યો. ગ્રામોદ્યોગોની દૃષ્ટિએ સ્વામી આનંદે 734 ગામોની પગપાળા ચાલીને તપાસ કરેલી. કસ્તૂરબાના મૃત્યુ પછી જે રાષ્ટ્રીય સ્મારક ફાળો ઊભો થયો તેના સ્વામી આનંદ મૂળ સંસ્થાપક અને એક મંત્રી બન્યા. સ્વરાજ મળ્યું ત્યાં સુધી સ્વામી આનંદ આદિવાસીઓ વચ્ચે ગાંધી આશ્રમમાં રહ્યા. ભારત આઝાદ થયું ત્યારે 1947માં પંજાબ, દહેરાદૂન અને હરદ્વારમાં નિરાશ્રિતો વચ્ચે કામ કરેલું.
સ્વામીને માટે પણ આ વર્ષો અત્યંત વિષાદનાં હતાં. મહાદેવભાઈના મૃત્યુએ તેમને ભાંગી નાખ્યા હતા ગાંધીજીના મૃત્યુ પછી એમનો દુનિયા બદલવાનો રસ ઓછો થયો હતો. એમણે પોતે આ વર્ષોમાં પુસ્તકપ્રકાશન કરવાનું નક્કી કર્યું તે વખતની તેમની સ્થિતિનું વર્ણન આ શબ્દોમાં કર્યું છે : “વર્ષો વાટ જોઈ. અસંખ્ય સ્વજનો, મિત્રો, જિગરી સાથીઓને વિદાય કર્યા. જિંદગી વસમી થઈ ગઈ. દુનિયાનો ઉદ્ધાર કરવાના લહાવા આરિયા બધા વીત્યા. બિસ્તર બાંધી, ટિકિટ કપાવી વર્ષોથી પ્લાટફારમ પર બેસી રહ્યો છું પણ મારી ગાડી જ કમબખત આવતી નથી.” એમની ગાડી લગભગ નવ વરસ પછી આવી. અચાનક 1976ના જાન્યુઆરીની પચીસમી તારીખે 89 વર્ષની ઉંમરે મુંબઈમાં તેમનું અવસાન થયું.
1969માં તેમની કૃતિ ‘કુળકથાઓ’ માટે સાહિત્ય અકાદમીનું પારિતોષિક તેમને એનાયત થયું. તેમણે આ માનનો આભારપૂર્વક અસ્વીકાર કરતાં કહેલું કે, સાધુ તરીકે તેમનાથી કોઈ કાર્યનું વળતર લઈ શકાય નહીં. જીવનભર અંગત જીવન વિશે જડબેસલાક મૌન સેવનાર સ્વામીએ પોતાની આત્મકથા મરણોત્તર પ્રકાશન બને એવી ઇચ્છા રાખી હતી. જેને અંગ્રેજીમાં બાયોગ્રાફિકલ એસે કહે છે તે ચરિત્ર નિબંધના સ્વામી આનંદ ઉત્તમ કસબી હતા.
સ્વામી આનંદની શૈલી એવી આગવી અને ચલચિત્રાત્મક છે કે, આપણે કોઈ કલાચિત્ર (આર્ટ મૂવી) જોતા હોઈએ એટલો આનંદ થાય. એમના ગદ્યનું પોત એટલું બળકટ અને કુમાશવાળું છે કે આપણું મન પહેલી જ કંડિકાથી તેમાં તણાવા માંડે. એમના ગદ્યનું સૌથી પહેલું લક્ષણ એ છે કે, એનું કોઈ અનુકરણ ન કરી શકે. નામ ન લખ્યું હોય તો પણ વાક્યે–વાક્યે સ્વામી આનંદની છાપ ઊઠેલી દેખાય. લોક-ગુજરાતી અને તળપદા શબ્દોનું જોમ એમના ગદ્યમાં જે રીતે પ્રગટ થયું છે તે જોઈ કોઈ ને લાગે કે આ કોઈ આધુનિક ચરિત્રનિબંધ છે કે અમર લોકકથા છે ? એમની પીંછીમાં ચિત્રો ઉપસાવવાની જેટલી કળાશક્તિ છે તેટલો જ વેગ છે. આથી તેમની કથાશૈલીમાં મુનશી અને પન્નાલાલનું મિલન જોવા મળે છે.
સ્વામી હતા બાળબ્રહ્મચારી સાધુ, પણ ગાંધીજીના સમાગમ પછી તેમના મનમાં એ વાત નક્કી થઈ કે, સંસારમાં રહી અનાસક્ત સેવા કરે તેના જેવો બીજો કોઈ સાધુ નથી. એમના પુસ્તક ‘સંતોના અનુજ’માં આ જીવનફિલસૂફી તેમણે આમ વ્યક્ત કરી છે :
“સાધુ એટલે સાધનાવન્તા, જીવનને સાધના ગણીને જીવનારા, જિંદગીના તમામ ઝીણામોટા વહેવાર પ્રભુ સમર્પણ ભાવનાથી કરનારા ભક્ત માણસો. પ્રાચીન ઋષિમુનિઓથી માંડીને મધ્યયુગીન સંતો કે આધુનિક કાળના ગાંધીજી સમા જગમાન્ય, અગર તો સ્વ. મશરૂવાળા કે નાનાભાઈ ભટ્ટ સુધીના ઘણા ખરા મહાનુભાવો ગૃહસ્થજીવન જીવ્યા. સંસારના લાખો કરોડો દુન્યવી માનવીઓની જેમ જ એમણે પોતપોતાનાં કામકાજ વહેવાર માનવધર્મ અદા કર્યાં. તેમ કરતાં કરતાં અસંખ્ય માટીપગા દુન્યવી માણસોની જેમ એમણે પણ ભૂલો કરી. નબળાઈઓ બતાવી. પડ્યા-આખડ્યા, ગાફેલગીરી કીધી. છક્કડો ખાધી, વેદિયો-બાવળાય ઠર્યા. પણ દરેક વેળા જાગી સમજીને પાછા ઊઠ્યા, ઊભા થયા અને નમ્રપણે પોતાની ભૂલથાપ પોતાની આગળ, પોતાના મિત્ર પરિવાર સમક્ષ કે દુનિયા સમક્ષ કબૂલીને આગળ ધપ્યા. અને અંતે જિંદગીની બાજી જીતીને પ્રભુચરણે વિરમ્યા.”
તિથલના દરિયાકિનારે વસેલા અલબેલા ફોટોગ્રાફર અને વિશ્વ સ્તરે તસવીર-ચિંતનથી પ્રસિદ્ધ થયેલા શ્રી અશ્વિન મહેતાનું પુસ્તક છે “છબી ભીતરની”.. તેનો પહેલો જ લેખ સ્વામી આનંદને ઓળખવા માટે પર્યાપ્ત છે.
“સ્વામી આનંદનો “ભાવના મૂર્તિ” લેખ વાંચ્યો ત્યારે મને થયેલું કે આ લેખક છે કોણ ? એમની ભાષામાં ચોમાસા ના પહેલા ઝાપટાં જેવી તાજગી અને માટીની મહેક હતાં. પાણીના રેલા જેવી સરળતા હતી અને શબ્દોનું તો પૂછવું જ શું? પેલી “પાઇડ પાઈપર” પરની બાળવાર્તા માં આવે છે તેમ તેમની કલમના સૂરથી ઉંદરડાના ધાડા ની જેમ બધા ક્યાં ક્યાંથી ભેગા થઈ ગોઠવાઈ એમની પાછળ પાછળ ચાલી નીકળતા! થયું, આ માણસને મળવું જોઈએ. કૌસાની રહે છે, ખોરાકમાં માત્ર દૂધ લે છે!! આવો મોટો માણસ કાગળનો જવાબ આપતો હશે ? મનમાં ગાંઠ વાળીને દુગ્ધાહાર વિશે મેં દસ પંદર સવાલ પૂછી નાખ્યા ! ત્યાં તો તરત જવાબ આવ્યો છે. અક્ષરો ખુબ ઝીણા પણ કીડીની ટાંગ જેવડા નહીં પણ રૂપાળા જુવારના દાણા જેવા.. એકેએક અક્ષર પલાંઠી વાળીને બેઠેલો ! ખરી ખૂબી તો એ કે તેમણે મારા બધા મુદ્દા નો વિગતવાર જવાબ આપેલા અને પાછું લખેલું ફલાણી તારીખે મુંબઈ આવું છું ત્યારે મળીશું !
આવા સ્વામી આનંદને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા કલ્પી શકો છો ? પહેલીવાર મને હિમાલય દેખાડવા લઈ ગયેલા ત્યારે કનખલ-હરિદ્વારના ટચુકડા રામકૃષ્ણ મંદિરમાં સ્વામીની મસમોટી કાયાને જમીન પર જોઈને હું તો ડઘાઈ જ ગયેલો.. સ્વામી આનંદ તપોવનજીની અને રામકૃષ્ણ પરમહંસ ની વાતો સૌથી વધારે કરતા. ખાસ તો કહેતા : હિંદુ ધર્મ પ્રચાર માટે નથી, પણ હૃદય ગુફામાં સેવવાનો અને આચરવાનો ધર્મ છે, રામકૃષ્ણદેવ કહે છે : “તમે પહેલાં કમળ બનો, પછી ભમરા આપોઆપ આવશે.”
મારા અઢી દાયકા ના પરિચયમાં મેં સ્વામી આનંદ ને ચારેક વાર રડતાં જોયેલા.
(1) એક કાશ્મીરી ભરવાડણે પીર પંજાલના ઊંચા પહાડોમાં તેમને કેવી રીતે બચાવેલા તેનું ઋણ સ્વીકાર કરતા બધાની વચ્ચે તેમણે આંસુની અંજલી આપેલી.
(2) બીજીવાર અતુલપ્રસાદના એક બંગાળી કાવ્યનું પઠન કરતા વરસાદ પછી શિરીષના ફૂલ-પાન પાણી ખેરવે તેમ તેઓ સહજ રીતે રડેલા.
(3) સીતાજી નો ઉલ્લેખ માત્ર તેમના મર્મને વીંધી જતો. ચારણ કવિ દાદલ નું એક ભજન “લખમણ મારાં રે રખોપાં કરશે રામ, રામનાં કોણ કરશે રે” એ વાંચતા અને
(4) નિનુભાઈ મજુમદાર નું “સીતાયણ” તેમને ટેઈપ પર સંભળાવતો હતો ત્યારે બહુ હોઠ પીસવા છતાં આંસુ રસ્તો શોધી જ કાઢેલો, એનો હું સાક્ષી છું.”
શ્રી અશ્વિન મહેતા ઉમેરે છે કે : “સ્વામી આનંદની તંદુરસ્તી ને જુસ્સો છેવટ લગી ટકી રહ્યા એની પાછળનું ઘણું મોટું કારણ હિમાલય હતો. સ્વામી એટલે હિમાલય, ઘૂઘવતી નદીઓ અને અડીખમ ચટ્ટાનો, ઉત્તુંગ બરફાનો અને ઘનઘોર જંગલો. મારાથી પૂછાઈ ગયેલું : તમે હિમાલયમાં કેટલા માઈલ ચાલ્યા હશો ? પહેલાં તો ઘણા ગલ્લાતલ્લા કર્યા, પણ પછી મેં જાતે જ અંદાજે બાર-પંદર હજાર માઈલ નો આંકડો મુક્યો ત્યારે ખૂબ સંકોચ સાથે માત્ર “હા” એટલું બોલેલા ને પછી ઠપકો આપીને કહે કે, સાધુ એવો હિસાબ રાખે નહીં અને એને પુછાય ય નહીં!!! દિવસના 40- 50 માઈલ ચાલતા ને ગેલન ના હિસાબે દૂધ પીતા.”
સ્વરાજ આશ્રમ, બારડોલીમાં વસતા સરદારસાહેબના પડછાયા સમાન ઉત્તમચંદ શાહના પરિવાર સાથે સ્વમી આનંદને ઘરોબો. ત્યાંની વિદ્યાલયની દીકરીઓ સાથે તો સ્વામી વિદ્યાર્થી બની જાય. સ્વામીદાદાએ ઉત્તમચંદ શાહના કુટુંબને હિમાલય દેખાડવાનું બીડું ઝડપ્યું, તેનાં સંસ્મરણો ઉત્તમદાદાના દીકરી શ્રી નિરંજના કલાર્થી બહુ જીવંત રીતે વર્ણવે છે. “કૌસાની ખાતે પહોંચ્યા પછીની એક રાત્રે સ્વામીદાદા આવ્યા અને બુમ પાડી કહે બાળકોને ઉઠાડો, આજે પૂર્ણિમાનો ચંદ્ર છે. મારે બાળકોને રાત્રીના હિમાલયના દર્શન કરાવવા છે. અને સ્વામી બોલવા લાગ્યા : “જ્યોત્સના સજાવેલો હિમાલય જુઓ. ચાંદનીમાં હિમાલય સાવ અલગ જ લાગે છે. સવારે શ્વેત દેખાતો હિમાલય રાત્રીએ ચાંદનીમાં જાણે ચાંદીના પતરાથી મઢી ન દીધો હોય ?? વળી આજે તો પૂર્ણિમાની ચાંદની એટલે સોળે કળાએ ખીલેલો ચંદ્ર હિમાલયને બેનમૂન બનાવી મૂકે છે. બરફ આચ્છાદિત હિમમાળા !” સ્વામીદાદા તો મૌલિક અને ભાષાની ખાણ એટલે હિમાલયને એવો સજાવીને વર્ણન કરે કે સૌ દંગ રહી જાય !! એક બાજુ હિમાલય અને બીજી બાજુ હિમાલય જેવા મનોબળના મલિક સ્વામીદાદા, પછી બીજું શું જોઈએ ??
જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા સાક્ષર રઘુવીર ચૌધરી સ્વામી આનંદ ને “સાચા કીમિયાગરનો શબ્દલોક” કહે છે. સ્વામી આનંદ એક વ્યક્તિ તરીકે પણ સદીઓ સુધી યાદ રહેશે. ગાંધીજીએ જે સાથીઓમાં સંપૂર્ણ વિશ્વાસ મૂક્યો એમાંના એક હતા સ્વામી આનંદ. એમણે દિલ્હીની સાહિત્ય અકાદમીએ જાહેર કરેલો પુરસ્કાર સ્વીકાર્યો નહોતો. સંસાર છોડનારે દ્રવ્ય અને યશ બંને માટે કેવી અનાસક્તિ કેળવી હોય એનું દ્રષ્ટાંત સ્વામી આનંદ હતા.” ઉમાશંકર જોશી કહે છે : “એનું નામ પાણી ઉપર આલેખાયેલું છે ! જે કાંઈ લખાયું તે આનંદનું, આનંદને અર્પણ !”
બહારથી કઠોર દેખાતો આ માણસ હૃદયથી બહુ કોમળ હતો. ઓછી વાતચીતમાં પણ કંઈ બોલાય ગયું હોય તો તરત ફોન કરીને કે પત્ર લખીને જણાવતા : “મારી ભૂલ થઈ ગઈ, ક્ષમસ્વ. મારી જાગૃતિ એટલી ઓછી કહેવાય !”
“તમે આજકાલ ના છોકરા રકાબીયે રકાબી દૂધ પીવો, હું તો મોટું તપેલું અધ્ધર ઉઠાવી એક શ્વાસે ગટગટાવી જતો હતો”,, સ્વામીનું આ ચિત્ર કે રેલવેના સામાન્ય વર્ગમાં ઉપરના પાટીએ પ્રવાસ કરતા પેશાબ-પાણી માટે ઉતરવું ન પડે માટે આગલા દિવસથી ઉપવાસ શરૂ કરતાં સ્વામીજી, કાકાસાહેબ સાથે હિમાલયના પ્રવાસ કરતા અને એના સ્મરણો મરાઠીમાં આલેખતા અને પછી માઈલોના માઈલો ચાલી નાખતા સ્વામીજી, વિનોબાજીના પ્રવચનનો સીધો અંગ્રેજી અનુવાદ કરનાર સ્વામીજી, ગુજરાતની એકેએક બોલી પર પ્રભુત્વ ધરાવતા અને પુસ્તકના ઉત્તમ મુદ્રણ ના આગ્રહી સ્વામી આનંદ તો ક્યારેક વાત કરતા કરતા નાચી ઉઠતા સ્વામી આનંદ કાયમ માટે વાચકનું આત્મબળ બનતા રહેશે.
સ્વામી દાદાને જ્યારે જ્યારે જીજ્ઞાશાવશ તેના પૂર્વરંગ વિશે પ્રશ્નો પૂછ્યા હતા ત્યારે ત્યારે એમણે “નદીના મૂળ વિશે અને સાધુ ના કુળ વિષે જિજ્ઞાસા ન સેવવી” એવો એકધારો ઉત્તર પકડાવ્યો છે. ઘર છોડીને ચાલી નીકળ્યા ત્યારે આ હિંમતલાલના પિતા રામચંદ્ર મહાશંકર દવે ગામની શાળાના મહેતાજી. માતા પાર્વતીમા સાવ અભણ પણ જાજરમાન અને માયા મમતાથી ભર્યાં. સ્વમાનની વાતે એ ધારદાર. છોકરા છૈયાની હાજરીમાં પતિએ ઉપડતે સાદે વાત કરી તે વેળા પતિને ઉત્તર આપ્યા પછી છૈયા છોકરા સાથે મૈયર જઈને વસ્યા અને સોળ વરસ લગી પતિ સાથે અબોલા પાળ્યા !
સ્વામીએ ઉલ્લેખ કર્યો છે એ અનુસાર ભાષાની ખાંખત એમને માતા પાસેથી વારસા રૂપે મળી છે. સાવ નિરક્ષર માતાને વિવિધ વ્રત-ઉત્સવને ટાણે ગાવાના ગીતો અને નળાખ્યાન કંઠસ્થ હતા. વળી રોજિંદા વહેવારમાં ભાષા ભંડાર ભર્યો રૂઢિપ્રયોગ અને કહેવતની તો એમાં ધાણી ફૂટે !! પોતાના પૂર્વરંગની ખાતાવહીમાં પિતાના નામનું પાનું કોરું છે એવું કહેનારા સ્વામી માની સૈયર એવી માસીના ખોળે એમના ત્રણ પુત્રોના બાળ-અવસાન પછી પુષ્ય-પુત્ર તરીકે ગિરગામ મોરારજી ઘરાનાની સાથે રહ્યા. ઘરાનાના ઘરેણાં સમાન ધનીમાએ સ્વામીના પાલક પિતા ઉમાશંકરને મોઢે ભવિષ્યવાણી ભાખેલી કે, “ઉમાશંકર, આ તારો ભાણેજો બાપ, મોસાળ, કોઈનો થવાનો નથી. એને પગે ભમરો છે”.. પુત્રના લક્ષણ પારણામાંથી કહેવતને સાર્થક કરતી એ આગાહી સ્વામીના જીવનમાં તંતોતંત સાચી ઠરી હતી.
સ્વામીએ એમના મા-મેળાપની કૃતાર્થતાની લાગણી પ્રગટ કરતી વેળા લખ્યું છે:
“મારો નાનો આવ્યો?” હાથમાંથી માળા પડી જાય અને આંખેથી વહી નીકળે છે ગંગાજમના ! સ્વામીએ પૂછ્યું : “ મા ગામમાં કોઈ જાણતું ન હતું કે હું આવવાનો છું અને તમે તો દરવાજો ઉઘાડતાની સાથે જ મારા નામે મને બોલાવ્યો તે કેમ કરતાં ખબર પડી ?” જવાબ મળ્યો: “આ હૈયામાં બીજું છે કોણ ? ચૌદ વર્ષથી માળા ફેરવું છું તે કેની ? રામની ? રામનું તો નામ, રામ કેવો ને વાત કેવી? મારા દીકરા તે મારા રામ. બીજા રામને હું ઓળખતી નથી. તારે કઈ વાતે કમી હતી તે મને વલવલતી મૂકીને નાઠો ? આટલી ઉંમરે મને બાળી ? પણ બાળે તે જ બાળક ! ચાર ખંડ ધરતી ખૂંદી વળ, પણ આખરે તારી ધરતીનો છેડો માની પાની હેઠળ જ છે.” પાવનકારી એ માના છેલ્લા દિવસોમાં સ્વામી એક અઠવાડિયું ઘેર તેમની સન્મુખ રહ્યા. એ આઠ દિવસો વિશે તેમણે તહેદિલથી લખ્યું છે: “ એ આઠે દિવસ મારી જિંદગીના કીમતી વારસારુપ છે. માના તરફથી મને જે વારસો જીવનમાં મળ્યો છે તેનું ખરું દર્શન આ આઠ દિવસોમાં થયું અને હું ધન્ય થઇ ગયો.”
વગર સંસારનો આ સંસારી જીવ તેની આસપાસના આખી જિંદગી ગળાડૂબ રહ્યો છે છતાં આ મોહ માયાનો પાસ સરખો લાગવા દીધો નહીં .
સ્વામીને અલવિદા!
by Bhadrayu Vachhrajani | Oct 28, 2025 | દીપોત્સવી લેખ |


પ્રેમ કરવો એટલે હંમેશા જાગતા રહેવું !!
જો તમે હારો છો તો તમે પ્રીતમના થઈ જાઓ છો અને જો તમે જીતો છો તો પ્રીતમ તમારા બની જાય છે.
“ મારા જીવનમાં હું એટલું શીખ્યો કે, ગરીબોનો કોઈ દિવસ અનાદર ન કરવો, કારણ ગરીબનો અનાદર એટલે મા નો અનાદર અને માનો અનાદર એટલે પ્રભુનો અનાદર !” ચાચાજી ગુરુ દયાલ મલિક
“……સાંજનો વખત હતો. હું સમુદ્રના કિનારે અપાર ખામોશીની સાથે એવી રીતે બેઠો હતો કે જાણે હું ખુશ હોઉં અને આ ખામોશીમાં હું એકદમ સલામત હોઉં. જાણે કે એક નાનકડું બાળક પોતાની મા ની ગોદમાં બેઠું હોય અને નિરાંત જીવે નીડરતા અનુભવતું હોય !!. મને એવું લાગી રહ્યું હતું કે હું બાદશાહોના બાદશાહના ખુબસુરત દેવીમહેલના એક એકાંતને માણી રહ્યો છું.
એકાએક કોઈએ મને અંદરથી પૂછ્યું, “કેમ મિયાં, આરામનો અર્થ તને માલૂમ છે ?” આ સવાલ સાંભળીને હું જરા હસી પડયો, કારણકે મેં પોતાની જાતને કહ્યું કે, ‘એ પણ કંઈ પૂછવાનો સવાલ છે ? આરામ એટલે આરામ ! બીજું વળી શું ?’
જે મારી અંદર બેઠો હતો એમણે મારી આ છુપાવેલી વાત પણ જાણે સાંભળી લીધી..!! થોડીવાર પછી ફરીથી મેં કાનમાં કોઈના ગાવાનો અવાજ આવતો સાંભળ્યો. મેં ગાનારને ન જોયો પરંતુ એના ગીતની એકની એક તર્જ જે વારંવાર ગવાઈ રહી હતી, તેને મેં બહુ જ સુંદર રીતે અને એકદમ સ્પષ્ટ રીતે સાંભળી.
‘આ તો પ્રીતની રીત નથી તારી…વહ જાગત હૈ, તું સોવત હૈ.’ ત્યારે મારા દિલમાં એક સવાલ ઊઠયો, શું પ્રેમ કરવો એટલે હંમેશા જાગતા રહેવું એવો અર્થ થાય છે ? મારા દિલના જનાનામાં જે હંમેશા પર્દાનશીન છે (એટલે કે જે મારા દિલના રાણીવાસમાં જે સતત પડદો રાખીને હાજર છે) એમણે જવાબ દીધો : હા, પ્રેમ કરવો એટલે હંમેશા જાગતા રહેવું એવો અર્થ થાય !! પછી જરા અટકીને એમણે કહ્યું : “અરે મિયાં, મેં તો તમારા સવાલનો જવાબ દઈ દીધો હવે તમે પણ મારા સવાલનો જવાબ આપો…”
‘અરે, તમારો પણ કોઈ સવાલ છે? અને તમે જવાબ માંગી રહ્યા છો તમારા સવાલનો ?’
“અરે મિયાં ગુસ્સે ન થાઓ, જો તમને જવાબ આવડતો નથી તો સાફ સાફ કહી દો ને કે જવાબ નથી આવડતો !”
‘હા, તો એમ જ માનો હું તમારા સવાલનો જવાબ જાણતો નથી. બસ હવે તમને નિરાંત થઈ ?’
“હા, તો મેં તમને જવાબ આપી દીધો છે,, આરામ શબ્દ બે શબ્દોથી બન્યો છે આ અને રામ.. એનો અર્થ એવો થયો કે સાચો આરામ આ– રામ… આ – રામ કહેવામાં અને કરવામાં છે.”
હું આરામનો આવો કોઈ મતલબ સમજીને થોડી વાર તો હેરાન પરેશાન થઈ ગયો, એટલા માટે મેં એને પૂછ્યું, મેં તો મારા જીવનમાં એવો મતલબ ક્યારેય જાણ્યો નથી. જે હોય તે આ-રામ..આ-રામ એવું હું કહ્યા તો કરીશ પરંતુ તમારે મને એ સમજાવવું પડશે કે હું એવું કેવી રીતે કરી શકીશ કારણ કે તમે જે આરામને ‘આ – રામ’ કરવાનું કહો છો એ તો મારા માટે નવું છે, એ હું કેવી રીતે કરું ? ‘
“હા, મેં કહ્યું છે અને એનો મતલબ એ છે કે જે કંઈ પણ કામ તમે કરો એને એવી રીતે કરો કે એ રામને લાયક છે અને તમે એ કામને રામને લાયક એક ઘર સમજીને દિલથી કહી શકો આ-રામ.. આ-રામ… સમજાય છે મારી વાત ?”
મેં સમજી તો લીધું પણ તેમનું આમ કરવાનું મને બહુ મુશ્કેલ માલૂમ પડતું હતું.
“..તો એનો પણ તમને હું એક આસાન રસ્તો બતાવું મિયાં, જો તમે ઈચ્છો તો “
‘જરૂર જરૂર’, મેં કહ્યું.
એમણે કહ્યું : “દિલ કો છોડો ઓર દિલકો પકડો એટલે કે દિલને છોડો અને દિલને પકડો.”
મેં કહ્યું તરત જ કહ્યું કે: ‘જરા આસાન કરી દો ને, આ વાતને !’
“ખુશીથી જિંદગી જીવો તો તો એ એક બાજી છે ને ! કબીર સાહેબનું એક ભજન તમને યાદ છે.?? જેમાં તેઓ કહે છે કે, જિંદગી એક ચોપાટ ની બાજી છે, છતાં આ ખેલ બહુ અજીબો ગરીબ છે. જો તમે હારો છો તો તમે પ્રીતમના થઈ જાઓ છો અને જો તમે જીતો છો તો પ્રીતમ તમારા બની જાય છે. એટલે કે હારમાં કે જીતમાં પ્રીતમ તો તમને જ મળે છે. એ જ રીતે હું તમને કહું મિયાં, પાર્ટીબાજી છોડો પ્રેમબાજી ખેલો એટલે કે પાર્ટીબાર્ટી છોડો અને પ્રેમ પ્રેમ પકડો.”
એટલી વારમાં મને કેટલોક શોરબકોર સંભળાવવા લાગ્યો. હું જ્યાં બેઠો હતો ત્યાંથી જરા દૂર એક સરઘસ નીકળતું હોય તેવું મને લાગ્યું. કેટલાય લોકોના હાથમાં ભાતભાતના ઝંડાઓ હતા અને જોરજોરથી તેઓ સૂત્ર પોકારી રહ્યા હતા : ‘ઝિંદાબાદ…ઝિંદાબાદ…ઝિંદાબાદ…’ હું મારી નિજી ખામોશીમાંથી બહાર નીકળીને ઘરે પાછો આવ્યો. અને વારંવાર મને એ ખ્યાલ આવતો રહ્યો કે દિલકી બાત રુપિયેમે સોલહ આના સચ હૈ.. દિલની વાત જે મને મારી અંદરથી સાંભળવા મળી તે તો સોળ આના સાચી છે………………”
*******************************
એક બહુ જૂનું પુસ્તક હાથ લાગ્યું. જૂના કબાટો ખંખેરતા એક સાધ્વી કક્ષાના ગૃહિણીના ઘરેથી.. એનું પ્રકાશન ખાસ્સું જૂનું એટલે કે 1954 માં કરવામાં આવ્યું છે. રામ આસર કક્ક્ડ, હિન્દી સાહિત્ય પ્રેસ, ઈલાહાબાદનું આ પ્રકાશન છે. અને પુસ્તકના લેખક છે ગુરુ દયાલ મલિક. નાના એવા પુસ્તકનું નામ છે “દિલ કી બાત”. આ પુસ્તક અજીબોગરીબ છે !! અહીં ઉપર જે વાત વાંચી એવી અનેક વાતો ૨૨૫ પાનની અંદર અહીં મુકવામાં આવી છે. તેમના અર્પણના પાનાં ઉપર સરસ શબ્દો લખ્યા છે –
“દિલની વાત દિલથી સાંભળી લો એ જ વિનંતી છે.
દિમાગને દલીલ કરવાની વળી ભલા શું જરૂરત ?” – ગુરુ દયાલ મલિક.
***************************
ચાચાજી નો જન્મ સાતમી, મે, 1896ના રોજ ડેરા ઈસ્માઈલ ખાન ખાતે થયો પરંતુ તેઓ જ્યારે અગિયાર વર્ષના થયા ત્યારે સાતમી મે 1907ના દિવસે એટલે કે એમના જન્મદિવસની તારીખે જ, ચાચાજીના બા પરલોકવાસી થયાં !! ચાચાજીના માતુશ્રીની વિદાય ચાચાજીના જીવન ઉપર બહુ મોટી અસર છોડી ગઈ.
એવું બન્યું હતું એ સમયે પ્લેગ ફેલાયો હતો અને આખું શહેર ખાલી કરાવવામાં આવતું હતું અને આજુબાજુના ગામમાં કે શહેરોમાં પોતાના સગા વ્હાલા મિત્રોને ત્યાં ચાલ્યા જવાનું સૌને કહેવામાં આવ્યું. સિકરપુર સિંધ માં આવેલી જગ્યા. જ્યાં ચાચાજીના મોટા કાકા રહે. દર્દીઓ માટે શહેરથી ૭ માઈલ દૂર કેમ્પ ઉભો કરવામાં આવ્યો હતો. દરેક દર્દીની સાથે એક સગું રહી શકે એવો તેમાં નિયમ. ચાચાજીનાં નાના મામી પ્લેગમાં સપડાયા અને એમને એક ધાવણું બાળક ! મામાને એ ચિંતા હતી કે જો મામી જતાં રહેશે તો આ બાળકને કોણ મોટું કરશે ? એ સમયે ચાચાજીની માએ કહ્યું : ભાઈ, આટલી બધી ચિંતા શું કામ કરો છો ? તમે બાળકને લઇને આપણી મોટીબેન ને ત્યાં જાવ. હું ભાભીની સેવા ચાકરી કરવા કેમ્પમાં રહીશ અને પ્રભુને રાતદિવસ પ્રાર્થના કરીશ કે, બાળકને ખાતર ભાભીને જીવાડે અને મારી પ્રાર્થનાના બદલામાં જો તને જરૂર હોય તો મારું જીવન લઈ લે… બા ચાચાજીને ડેરા ઇસ્માઈલ શહેરના છેડા સુધી મુકવા આવી. બા ની વિદાય વખતે સંતાનો રડવા લાગ્યા. બંનેને વળગીને માએ એમ કહ્યું કે: હું તમને જલ્દી પાછી મળીશ, તમારી મામી સારી થઈ જાય કે તરત શિકારપુર ચાલી આવીશ.
ગુરુદયાલજીના પિતાશ્રી નારાયણદાસ એ સમયે બલુચિસ્તાનમાં કવેટા માં એવી સરકારી નોકરી કરતા હતા કે, વર્ષમાં લગભગ દસ મહિના ઘોડા ઉપર કે ચાલતાં મુસાફરી કરવી પડે. જેથી ચાચાજીના માતુશ્રી તેજસ્વીદેવી બે ભાઈઓ અને બહેનને મૂકીને કેમ્પ તરફ વળ્યા. ઈશ્વરને કરવું હતું તે મામીનો જીવ બચી ગયો પણ મામીની સેવામાં રત ચાચાજીના માતુશ્રી એ પોતાનો પ્રાણ ત્યાગી દીધો.. કહે છે કે, ચાચાજીને પોતાની માતાના અવસાનનો અહેસાસ થઈ ગયો હતો. સાતમી મેના દિવસે ઉઠતાવેંત એમને એવું થયું કે, મારી બા આ દુનિયામાં હવે નથી અને તેઓ જોરશોરથી રડવા લાગ્યા .. એમનું રુદન સાંભળી ને એમના કાકાને ગુસ્સો આવ્યો અને એમણે એક થપાટ મારીને કહ્યું કે, “તું અપશુકનિયાળ છે, સવારે ઉઠતા પ્રભુનું નામ લેવાનું હોય કે રડવાનું હોય !!” ચાચા નું રુદન કોઈ સંજોગોમાં બંધ ના થાય. ચાચાજી રડતા રડતા બોલી ઉઠ્યા કે, મારી બા ગુજરી ગઈ છે.. એ સાંભળીને એમને બીજી થપાટ પડી !! આ ઘટનાને લઇને ધ્રૂજતા ધ્રૂજતા ડુસકા ભરતા તેઓ સુઈ ગયા પણ પાંચ કલાક પછી એમના કાકાને પોતાની ઓફિસમાં અગિયાર વાગ્યાના સુમારે તાર મળ્યો અને એમાં લખ્યું હતું કે: ગુરુદયાલનાં બા આજે સવારે ગુજરી ગયાં છે !!
લાહોરની શાળા. આ નિશાળમાં એક શિક્ષક ભણાવે. મુદ્દો નીકળ્યો બ્રહ્મચર્યનો !
શિક્ષક બ્રહ્મચર્ય વિષે સમજાવતા એક વિચિત્ર વાક્ય બોલ્યા : ‘બચ્ચાઓ, તમે કોઈ દિવસ ભૂલતા નહીં કે સ્ત્રી તો એક શયતાન છે. તેથી તેના સંગથી તમે સદા દૂર રહેજો.’ ત્યારે એક વિદ્યાર્થી અકળાયો અને એકદમ બોલી ઊઠયો : ‘ગુરુજી, પણ તમારી માનુ શું ? એ પણ એક સ્ત્રી જ છે ને ?’
વિદ્યાર્થીનો પ્રશ્ન સાંભળીને તે શિક્ષક ક્રોધમાં આવી ગયા એ તેમણે પેલા પ્રશ્ન પૂછનાર વિદ્યાર્થીને ક્રૂરતાથી ફટકાર્યો ! પરંતુ સૌનાં આશ્ચર્ય વચ્ચે ત્રણ દિવસ પછી એ શિક્ષકે સ્કૂલમાંથી રાજીનામું આપ્યું અને એ ગામ છોડીને ક્યાંક ચાલ્યા ગયા.
લગભગ પચ્ચીસેક વર્ષ પછી એક અજબ સંજોગમાં વિદ્યાર્થી અને આ શિક્ષક અચાનક જ મળી ગયા. વિદ્યાર્થી કરાંચીથી શાનથીનિકેતન જતો હતો. અમૃતસર સ્ટેશન પર જયારે ગાડી ઊભી રહી ત્યારે ઉજ્જવળ, પ્રસન્ન અને શાંત મુખવાળી ગેરુંવાં કપડાં પહેરેલ એક વ્યક્તિએ ડબ્બામાં પ્રવેશ કર્યો અને બાજુમાં જ બેઠક લીધી. વાતો શરૂ થઈ. તેમણે પૂછ્યું : ‘તમે નાના હતાં ત્યારે કઈ નિશાળમાં ભણતા હતાં ?’ જવાબમાં લાહોરવાળી નિશાળનું નામ સાંભળી તેમણે ફરી પૂછ્યું : ‘ત્યારે એક અમુક નામના શિક્ષક તમારી શાળામાં હતા ?’ જવાબ મળ્યો : ‘હજુ’. તરત તેઓ ઊભા થઈ ગયા ને પેલા વિદ્યાર્થીને પગે પડયા અને કહેવા લાગ્યા : ‘દોસ્ત, તે શિક્ષક હું જ ! પણ બચ્ચા, આધ્યાત્મિક માર્ગ પર તું મારો પ્રથમ ગુરુ. હું તને પ્રણામ કરું છું.’
આ વિચિત્ર સ્થિતિને લઈને આશ્ચર્યમાં પડેલા વિદ્યાર્થીએ તે વ્યક્તિના પગ પકડી લીધા : ‘તમે આ શું કહો છો ? તમે મારા ગુરુ કે હું તમારો ગુરુ ?’
પછી તો બન્ને વચ્ચે નિરાંતે વાતો થઈ. શિક્ષકે કહ્યું : બચ્ચા, તારો પ્રશ્ન સાંભળીને ક્રોધથી મેં તને ફટકાર્યો અને ઘરે જઈ હું મનમાં સંગ્રામમાં ફસાયો. ગડમથલ ઊભી થઈ અને મારા મનમાંથી પ્રશ્ન ઊઠયો કે બધી જ સ્ત્રીઓ શયતાન હોય તો મારી મને શું હું શયતાન ઘણું છું ? ઘરની બહાર ન નીકળ્યો કે ન તો નિશાળે ગયો ત્રણ દિવસ સુધી ! છેવટે આંતરિક અશાંતિ સમાવવા હરિદ્વાર જઈ એક ગુરુ પાસે દીક્ષા લઈ વર્ષો સુધી સાધના કરી. તેમણે કુબૂલ્યુ કે, બચ્ચા એક દિવસ સાધનાની ચરમસીમાએ સ્વપ્નમાં પ્રભુનાં દર્શન થયાં, પણ તે ‘મા’ ના રૂપમાં ! બસ, ત્યારથી દર વર્ષે મારી કુટિયામાંથી એક મહિના માટે બહાર નીકળીને જુદાં જુદાં સ્થળોએ પ્રવાસે જઈ લોકોને એક જ વાત સમજાવું છું કે, ‘પ્રભુને જોવા હોય તો માતામાં નીરખવાની દ્રષ્ટિ કેળવો. એના જેવી સાધના બીજી કોઈ નથી.’
પોતાનાં વર્ષો પહેલાંની શિક્ષકની કેફિયત સાંભળી ચકિત થઈ ગયેલ એ સમયના એ પ્રશ્ન પૂછનાર વિદ્યાર્થીને તો જાણે જીવનસત્ય લાધ્યું. તેમણે નમ્રતાથી એ પૂર્વશિક્ષકનાં ચરણ સ્પર્શ કર્યા અને નિયતિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી.
આ સત્ય ઘટના પછી સાધના માર્ગે વળેલા એ પૂર્વ શિક્ષક વિષે વિગતો નથી પણ પોતાનાં શિક્ષકને આધ્યાત્મ માર્ગે વાળનાર વિદ્યાર્થીએ તો ઉપાસના અને સાધનામાં જ જીવન વિતાવ્યું ! તે વિદ્યાર્થી તરીકે જ પ્રાણવાન હતા એટલે તેમના જીવનપથની ઉન્નતિ વિષે કોઈ શંકા ન હતી પણ એ વિદ્યાર્થી ગુરુદેવ રવીન્દ્રનાથ રાગોરના પ્રિય શિષ્ય બની રહ્યાં અને ભારતભરમાં ગુરુદયાલ મલ્લિકજીના નામથી ખ્યાત બન્યા !
શિક્ષક ભલે ભુલાય ગયા, વિસરાય ગયા, અજ્ઞાત થઈ ગયા પણ એ શિક્ષક પોતાને ચાંચઈડનારો પ્રશ્ન પૂછનાર વદ્યાર્થી પાસે જીવનની ઉત્તમ કબુલાત કરીને એ વિદ્યાર્થીને એક નવું બળ અર્પી ગયા. પંડિત ગુરુદયાલ મલ્લિકજી કહેતા કે : ‘હું શિક્ષકને સલામ કરું છું.’
શિક્ષકત્વનું આ ભાથું છે જે શિક્ષક મટી ગયા પછી કે શિક્ષકના માટીમાં મળી ગયા પછી તેની સાથે જ રહે છે ! એકાદ વિદ્યાર્થી તો એવો મળે જ મળે કે તમને વર્ષો પછી ‘ખરેખર મળી જાય !’ શિક્ષકને ય શીખવનારો એકાદ વિદ્યાર્થી તો મળી જ જતો હોય છે, અને ત્યારે વિદ્યાર્થી શિક્ષકનો ય ગુરુ બની રહે છે… આવા ગુરુ જેને મળ્યા હોય તેને તો કાયમ ગુરુપૂર્ણિમા !
આ ગુરુ દયાલ મલિક એ એક એવી વિભૂતિ કે જેમણે રવીન્દ્રનાથ ટાગોરના શાંતિનિકેતનમાં સ્થાન મેળવ્યું, જેમણે આધ્યત્મ અને જીવનને હારોહાર જીવવાનું પસંદ કર્યું, જે મહાત્મા ગાંધીના સહકાર્યકર બની ઉમદા કામ બાપુની સાથે કરતા રહ્યા. ગુરુ દયાલ મલિકનું લખેલું આ “દિલકી બાત” પુસ્તક અચાનક જ હાથ લાગ્યું અને જાણે કેટલાય દિવસો સુધારી ગયું. થોડા સમય પહેલાં “મરુ ભૂમિના દિવ્ય દરવેશ” એવું ચાચાજી ગુરુ દયાલ મલિકનું પુસ્તક કે જેમનો અનુવાદ નલિન ઉપાધ્યાયે કર્યો છે અને જે અક્ષરભારતી પ્રકાશન, ભૂજ દ્વારા ૨૦૦૫ માં બહાર પાડવામાં આવ્યું છે તેના ૭૨ પાનામાંથી પસાર થયો ત્યારે એવું લાગ્યું કે, સુફીઝ્મ અથવા સૂફીવિચારની ખરી સમજ આટલા વર્ષો પછી ગુરુ દયાલ મલિકજી પાસેથી મળી.
ચાચાજીના માતાએ એમને શીખવેલું કે, પ્રાર્થના શક્તિ અને મનોબળ મહાશક્તિ છે. તેઓ કિશોર હતા ત્યારથી અનેક આધ્યાત્મિક અનુભવોમાંથી પસાર થયા. સિંધી, પંજાબી, હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, બંગાળી ઉપર એમનું અદભુત પ્રભુત્વ હતું. “પ્રભુ કૃપા કિરણ” નામનું એક પુસ્તક મુકુલભાઈ અને નિરંજનાબેન કલાર્થીએ ચાચાજીની સાથે બેસીને એમના જીવનના પ્રસંગો અંગે પ્રશ્નો પૂછતાં પૂછતાં આલેખ્યું છે એ પણ ચાચાજીને સાંગોપાંગ સમજવાનો એક નમ્ર પ્રયાસ છે.
ગુરુ દયાળ મલિકજી એ સૂફી સંત હતા અને ગુજરાતી આધ્યાત્મિક ગુરુ હતા, એવું આપણે કહ્યું. આ વાત આપણને ચાચાજી ના બાલ્યકાળથી જોવા મળે છે. ચાચાજી જયારે સાતેક વર્ષના હશે ત્યારે ઝરમર વરસતા વરસાદની વચ્ચે એક વયોવૃદ્ધ ભિખારણ ભિક્ષા માગવા આવી. ચાચાજીએ એને બારણા પાસે બેસાડી, થોડું ખાવાનું ઘરમાંથી લઈ આવી ને આપ્યું. એમણે ઘણા પ્રેમથી ખાધું અને તેની આંખમાં આભારના આંસુ છલકાયા. પછી ભગવાન જાણે ચાચાજી ને શું થયું કે, તેઓ આવેશમાં આવી જઈને એમને વળગી પડયા ! તે પણ ચાચાજી ને વળગી પડીને વ્હાલથી બોલ્યા: “મારો દીકરો”.. પણ “મારો દીકરો” બોલ્યા સાથે જ ભિખારણ ત્યાં ને ત્યાં મરી ગયાં . ચાચાજી જીવનભર આ બાબતનું રહસ્ય શોધતા રહ્યા પરંતુ એમણે કહ્યું કે, “ મારા જીવનમાં હું એટલું શીખ્યો કે, ગરીબોનો કોઈ દિવસ અનાદર ન કરવો, કારણ ગરીબનો અનાદર એટલે મા નો અનાદર અને માનો અનાદર એટલે પ્રભુનો અનાદર !”
ચાચાજી નાનપણમાં રસ્તા પરથી પસાર થતા હતા. ત્યારે એક ફકીરબાબા સામેથી આવતા હતા. તેમણે ચાચાજી ને ઊંચકી લીધા અને આંખમાં આંખ મેળવી બે ઘડી તેને જોઈ રહ્યા. પછી ચાચાજીને નીચે મુકી દીધા પરંતુ ફરી બે વખત એટલે કે કુલ ત્રણ વખત ચાચાજી ને ઊંચક્યા, આંખમાં આંખ પરોવી અને પછી ફકીરબાબાએ કહ્યું : બચ્ચા, મારી એક વાત હંમેશાં યાદ રાખજે,, જ્યારે તું કંઈ પણ કરે, બોલે કે વિચારે ત્યારે તારા દિલને એક સવાલ પુછજે કે મારી માને આ ગમશે કે નહીં ?,,, એટલું કહીને એક ફકીરબાબા ચાલ્યા ગયા, પછી જીવનમાં એ ક્યારેય એમને ન મળ્યા, પણ આ વાત ચાચાના હૃદયમાં અંકાઈ ગઈ ! કશું જ કરવું હોય ત્યારે ચાચાજીના દિલમાંથી એક જ મંત્ર સદા જાગતો કે, મારી માને ગમશે કે નહીં ?
ચાચાજી પોંડિચેરીના કાયમ પ્રવાસી રહ્યા અને ત્યાંની એક વાત પણ તેમને હૃદયમાં બરાબર અંકાઇ ગઇ હતી. પોંડિચેરીમાં ઠેર ઠેર એવું લખ્યું હોય કે : મા જુએ છે ! ચાચાજી કહે છે કે, જ્યારે જ્યારે મને એવું લાગતું કે, હું આ શું કરી રહ્યો છું, ત્યારે અંદરથી કોઈ બોલતું કે : “મા જુએ છે !’
ચાચાજીના જીવન ઉપર કોલેજના દિવસોની અને એ સમયે ભણેલા વિષયોની ગહેરી અસર હતી. જસ્ટિસ ચંદાવરકર એ દિવસોમાં રવિવારે સાંજે ગીરગામમાં પ્રાર્થના સમાજ માં મુંબઈની જુદી-જુદી કોલેજોના થોડા વિદ્યાર્થીઓને અંગ્રેજ કવિ બ્રાઉનિંગ ની કવિતાઓ સમજાવતા. એમાં એક કવિતાનું શીર્ષક છે : રબિ બિન એઝરા.. એ કવિતામાં એક ઠેકાણે એવા શબ્દો આવે છે: ધ બેસ્ટ ઇઝ યટ ટૂ બી.. આના કરતાં પણ ઉત્તમ તો હજી બાકી છે ! . ચાચાજી જ્યારે પણ ખોટી નિરાશામાં સપડાય ત્યારે અંદરથી કોઈ આશ્વાસન આપતું હોય એવું લાગે અને કહે : ધ બેસ્ટ ઇઝ યટ ટૂ બી.. જીવનમાં જે કંઈ ઉત્તમ છે એનું દર્શન કરવાનું હજી તો બાકી છે !!!
કોલેજમાં ભણવાનું પૂરું થયું અને ચાચાજીએ શાંતિનિકેતનમાં ગુરુદેવ કવિવર ટાગોરના દર્શન માટે જવાની ઈચ્છા પિતાજી આગળ વ્યક્ત કરી. પરંતુ પિતાજીએ પહેલા તેમને મોટાભાઈ પાસે કરાંચી જઈને સ્વતંત્ર ધંધામાં મદદ કરવા માટે સૂચવ્યું. આ સમયગાળા દરમિયાન ૧૯૧૯ના મે મહિનામાં ચાચાજી બહુ સખત બીમાર પડ્યા. તેઓના બચવાની કોઇ આશા ન રહી ત્યારે ચાચાજીને એમના પિતાએ પૂછયું: તારી કંઈ અંતિમ ઇચ્છા છે કે જે અમે પૂરી કરી શકીએ ?? તરત ચાચાજીએ જવાબ આપ્યો: પિતાજી, જો હું જીવતો રહું તો આપ કૃપા કરીને મને શાંતિનિકેતન મોકલવાનો પ્રબંધ કરશો… પ્રભુની કૃપાથી ચાચાજી સાજા થઈ ગયા અને પૂરેપૂરા સ્વસ્થ થયા ત્યારે ગુરુદેવને એક તાર કર્યો અને પુછાવ્યું કે: હું શાંતિનિકેતન આપના દર્શન માટે આવી શકું છું ?? જવાબમાં ત્રણ શબ્દો આવ્યા : તમે ખુશીથી આવો.
ચાચાજી શાંતિનિકેતન ગયા. પાંચ દિવસની લાંબી મુસાફરી પણ જરાય થાક ન લાગ્યો, કારણ કે ચાચાજીના હૈયામાં અતિશય ઉમંગ અને આનંદ હતો. . તેઓ જ્યારે શાંતિનિકેતન પહોંચ્યા ત્યારે ગુરુદેવ ત્યાં નહોતા. માંદગીને કારણે થોડા દિવસ પહેલાં જ કલકત્તા સારવાર માટે ગયા હતા, પરંતુ દીનબંધુ એન્ડ્રુઝે ઘણા વ્હાલથી ચાચાજીનું સ્વાગત કર્યું. દસ દિવસ પછી ગુરુદેવ શાંતિનિકેતન આવ્યા અને બીજે દિવસે ( કે જે ચાચાજીનો ત્યાં રહેવાનો છેલ્લો દિવસ હતો) ગુરુદેવના દર્શન કરવા માટેની સૂચના મળી. જો કે દીનબંધુએ કહ્યું :ગુરુદેવ હજી બહુ અશક્ત છે, તેથી તેઓ તમને પાંચ મિનિટથી વધારે વખત નહીં આપી શકે. જ્યારે ચાચાજી દાખલ થયા ત્યારે પદ્માસનમાં બેસીને તેઓ બારીની બહાર જોઈ રહ્યા હતા. એક-બે-ત્રણ- ચાર મિનીટ પસાર થઇ ગઈ. ગુરુદેવે ચાચાજી ને ન તો બેસવા કહ્યું કે ન કંઈ વાત કરી !! ચાચાજીને મનમાં પાર વિનાનું દુઃખ થયું. સમય લગભગ પૂરો થવા આવ્યો, એટલે ગુરુદેવ પાસેથી વિદાય લેવા ચાચાજીએ પ્રણામ કર્યા અને ચમત્કાર થયો! કવિશ્રીએ પોતાનો જમણો હાથ ચાચાજીના માથા પર મૂક્યો અને એમની આંખોમાં જોઈ ને કહ્યું: હું તમને જન્મ જન્માંતર થી ઓળખું છું. મારા આશ્રમમાં તમારા માટે એક આસન ખાલી છે. તમે હવે એના ઉપર બેસી જાઓ .. આ શબ્દો સાંભળીને ચાચાજી ભાવવિભોર થઈ ગયા. થોડા જ વખત પછી ચાચાજી શાંતિનિકેતનમાં એક શિક્ષક તરીકે જોડાયા. ૧૯૨૮માં રવીન્દ્રનાથ ટાગોરે ચાચાજી ને શિક્ષા ભવનમાં અધ્યાપન કરાવવા માટે કહ્યું અને ફરીથી 1940માં પણ તેઓએ ત્યાંની શાળા અને કોલેજમાં વ્યવસ્થિત શિક્ષક તરીકે ભણાવ્યું. ચાચાજી એ ‘વિશ્વભારતી’ નામના મેગેઝીનનું વર્ષો સુધી સંપાદન પણ કર્યું. ચાચાજીને રવિન્દ્ર ભવન ના ઇન્ચાર્જ તરીકે પણ નીમવામાં આવ્યા. આમ શાંતિનિકેતનમાંથી ઘડાયને સંવર્ધિત થઈને ચાચાજી વિશ્વ પ્રવાસે નીકળ્યા.
ગુરુ દયાળ મલિક ચાચાજી નું સમગ્ર જીવન અનેક અનુભવો અને ચમત્કારોથી ભરેલું છે પરંતુ એ ચમત્કારોની તેઓની અનુભૂતિને તેઓએ ભાગ્યે જ ક્યાંક વ્યક્ત કરી છે. બારડોલીના સાક્ષર દંપતિ મુકુલ કલાર્થી અને શ્રીમતી નિરંજન કલાર્થી સાથેનો ચાચાજી નો આત્મીય ઘરોબો હતો અને તેમની સાથે તેમને ત્યાં રહીને ચાચાજીએ પોતાના સંસ્મરણોનું વર્ણન કરેલ. તેના ઉપરથી ૧૯૬૭માં “પ્રભુકૃપા કિરણ” નામથી એક સુંદર પુસ્તક પ્રકાશિત થયું છે, જે વાંચવું એ જીવનનો એક લ્હાવો બની રહેશે.
ઇશોપનિષદ, બાઇબલ ,ગુરુદેવની ગીતાંજલિ , તુલસીકૃત રામાયણ, રસ્કિનનું સીસેમ એન્ડ લીલીઝ , જ્હોન ગ્લાસવોર્ધી ના નાટકો, કબીર-મીરાં અને દાદુના ભજનો, બાઉલના ગીતો, ખ્વાજા હસન આઝમીના ઉર્દુમાં નિબંધો તથા ખાસ કરીને તેમનું કૃષ્ણ ચરિત્ર, સિંધના સૂફી કવિ ઓ શાહ લતીફ , સચ્ચ કુતુબ અને સામી ની કવિતાઓએ પણ ચાચાજી ઉપર જબરો પ્રભાવ પાડ્યો છે.
અંગ્રેજીમાં ચાચાજીના પુસ્તક ઉપરથી અક્ષર ભારતી પ્રકાશન દ્વારા “મરુભૂમિના દિવ્ય દરવેશ” નામથી એક નાની પુસ્તિકા પ્રકાશિત થઈ છે અને એમાં સુફીઝ્મ ઉપર પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. આ વિચારો મૂળ તો ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરના આગ્રહથી વિશ્વભારતી શાંતિનિકેતનમાં તેઓએ સુફીઝ્મ ઉપર પ્રવચનોની એક માળા રજૂ કરી તેનો ગુજરાતી અનુવાદ છે. ચાચાજીને આધ્યાત્મિક પાસાંથી ઓળખવા હોય તો આ નાનકડી પુસ્તિકા બહુ જ સહાયક પુરવાર થઈ શકે તેમ છે.
ચાચાજીને ભજન ગાતા સાંભળવા એ જીવનનો એક લ્હાવો હતો. એમણે પોતે ઘણા ભજનો રચેલા, પરંતુ એક ચોપડીમાં રાખેલા અને એ ચોપડી બીજા પુસ્તકોની સાથે પાકિસ્તાનમાં રહી ગઈ એટલે ચાચાજી પાસે કોઈ સંગ્રહ ઉપલબ્ધ ન હતો, પણ પોતાની યાદદાસ્તને આધારે ચાચાજી ભજન ઘણીવાર બોલતા અને એ “પ્રભુકૃપા કિરણ”માં નોંધવામાં આવ્યા છે. ચાચાજી પોતેજ પોતાના ભજનોનું અંગ્રેજી-હિન્દી-ગુજરાતી એમ કરતા હતા. આપણે ચાચાજીના જીવનને જાણવા માટે એ સમજવું જરૂરી છે કે, તેઓએ જે કોઈ રચનાઓ કરી એમની પાછળ પણ કોઈ દિવ્ય સંકેતો હતા. એક ઉદાહરણ લઈએ તો તેમનું એક સુંદર ભજન::
જિસને અપની ખુદી ગવાઈ, ઉસને જાની સચ્ચી ખુદાઈ,
ખુદા નહી દૂર બાદલોમેં , વો તો તેરે પાસ બગલમેં,
ખુદા નહીં મંદિર મસ્જિદ મેં, વો તો દર્દી કે દુખ દરદમેં ,
ઉસ દરદ દુઃખકો દૂર કરના, ઉસમેં ખુદા બસતા હૈ ભાઈ,,
આ ભજનની ભૂમિકા સમજાવતાં ચાચાજીએ કહ્યું : “આ ગીત મને પંજાબની એક હોસ્પિટલમાં સ્ફૂર્યું હતું .જ્યારે એક ગરીબ માણસનું ઓપરેશન એક મોટો સર્જન પૈસા લીધા વિના કરી રહ્યો હતો અને હું ઓપરેશન થિયેટરની બહાર પ્રાર્થનામાં બેઠો હતો, ત્યારે આ પંક્તિઓ મારા હૃદયમાં આવી હતી !”
ગુરુ દયાલ મલિક આમ તો જીવનભર “ચાચાજી’ ના નામે ઓળખાયા. કારણ તેઓ બાળસહજ હતા. બાલોચિત્ત વિનોદ, બાળક જેવું મુક્ત હાસ્ય, બાળમસ્તી, બાળકની જેમ નાચ કુદ અને જાતજાતના ચાળા. ચાચાજી જ્યાં હોય ત્યાં કિલ્લોલ જ કિલ્લોલ !! મન માં કશો ભેદભાવ નહીં , રાયરંક કે કાળા ગોરા, ઊંચનીચ એવું કશું જ ન મળે. ગુરુ દયાળજીની એક જ વાત કે : આપણે બધા એક જ પિતાનાં સંતાન !! આવા ચાચાજીને જોતા જ દેશ-વિદેશમાં સૌ ટોળે વળે.
ફિલાડેલ્ફિયામાં ચાચાજી એક બાલમંદિરમાં ગયા. જાન્યુઆરી મહિનો. ચાચાજી એક બાજઠ પર બેઠા અને એક પછી એક બાળક આવીને તેઓની સફેદ લાંબી દાઢી પર હાથ ફેરવી જાય. રૂપેરી સુંવાળી દાઢી પર હાથ ફેરવીને સૌ બોલે : ઓહો, સાન્ટા ક્લોઝ, યુ આર લેટ !! નાતાલ તો હમણાં જ ગઈ અને આ સાન્ટા ક્લોઝ જેવા ચાચાજી કેમ મોડા આવ્યા ???
માતાએ એમને શીખવેલું કે, પ્રાર્થના ‘શક્તિ’ અને મનોબળ ‘મહાશક્તિ’ છે. શાળાનું શિક્ષણ ચાચાજી એ ડેરા ઈસ્માઈલખાન અને કોલેજનું શિક્ષણ મુંબઈ યુનિવર્સિટીની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી લીધું હતું. કિશોરવયથીજ ગુરુ દયાલ મલિકને આધ્યાત્મિક અનુભવોમાં રસ હતો અને એવા અનુભવો તેઓને થતા પણ હતા. ચાચાજીના વ્યક્તિત્વ પર અનેક સંતો-ચિંતકો અને ઉત્તમ ગ્રંથોની અસર પડેલી. તેઓને ગાંધીજી અને ગુરુદેવ ટાગોર પ્રત્યે ઉત્કટ અનુરાગ હતો. શાંતિનિકેતનમાં તેમણે અધ્યાપન કરેલ. ચાચાજી અનેક ભાષાઓ જાણતા હતા. સિંધી, પંજાબી, અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, બંગાળી ભાષાઓ ઉપર તો તેઓનું અદ્ભુત પ્રભુત્વ હતું. તેમના અનેક પુસ્તકોમાંથી (1) ધ ડિવાઇન ડવેલર્સ ઈન ધ ડેઝર્ટ (2) ઈન ધ કંપની ઓફ સૈન્ટ્સ (3) ગાંધી એન્ડ ટાગોર (4) સમ સ્ટોરીઝ ઓફ પ્રેમચંદ (5) દિલ કી બાત (6) ગાંધીજી સાથે જીવન યાત્રા અને કેટલાય સંતપુરુષો સાથેના તેઓના સંસ્મરણોનાં પુસ્તકો મુખ્ય છે. ચાચાજી શાંતિના ચાહક હતા, પ્રેમના વાહક હતા, અનાસક્ત યોગી હતા, જાણે કે સૂફી દરવેશ હતા. સુફી સંતનાં સુવાસ અને ઔદાર્ય તેમનામાં સહજ રીતે જોઈ શકાતા હતાં !
ચાચાજીનું સાચું સ્વરૂપ બહુ જ આધ્યાત્મિક.. તેઓશ્રી નાના-મોટા સૌના પ્રેમાળ વડીલ- ગુરુજન અને ચાચાજી જ હતા. તેથી સૌ કોઇ દુઃખમાં-સંકટમાં-મુશ્કેલીમાં-મૂંઝવણમાં- હતાશામાં-અકળામણમાં ચાચાજી પાસે દોડી જાય અને પોતાના હૈયાનું દુઃખ-અકળામણ- મૂંઝવણ તેઓની આગળ ઠાલવવા મંડી પડે.. ચાચાજી પણ વહાલસોઈ મા હોય એમ ધીરજથી-પ્રેમથી-સહાનુભૂતિથી-આંખમાં ઝળઝળિયા સાથે બધું સાંભળે અને દુખીયાના દુખને-અકળામણને અને મૂંઝવણને હળવી કરી દે. ચાચાજી આવા સમયે ભાગ્યે જ કશું બોલે કે માર્ગદર્શન આપે, પરંતુ તેમના ચહેરા પર સહાનુભૂતિભરી સમ-સંવેદનાત્મક રેખાઓ અંકાઈ જાય. મુખમાંથી ઊંડો નિશ્વાસ નીકળી જાય અને તેઓનું હૈયું ભગવાનને પ્રાર્થના કરતું થઇ જાય. એના પ્રભાવથી જ દુઃખી માણસને અંદરથી શાંત્વના મળી જતી હોય એવું આપણને લાગે !
ચાચાજીનું પોતાનું સૌથી મોટું પ્રેરક બળ પ્રભુપ્રાર્થના છે. આપણી વાત સાંભળીને તેઓ એમ જ છેવટે કહે: “પ્રભુને હું પ્રાર્થના કરીશ કે તમારું દુઃખ દૂર કરે” “હું આજે પ્રાર્થનામાં તમને યાદ કરીને પ્રભુના ચરણમાં અરજ ગુજારીશ.” કોઈ કોઈ વાર તો ઊંડા નિશ્વાસ સાથે તેઓ ઘેરા અવાજે ફક્ત એટલું જ બોલે: “મા, મા”.. ચાચાજી કહેતા: “ મારા જીવનમાં જે કંઈ બનવા પામ્યું છે એ પરમ કૃપાળુ પ્રભુની કૃપાનું કિરણ છે. ગુરુદેવ રવીન્દ્રનાથે “ગીતાંજલિ” માં ગાયું છે એમ, હું તો કહું છું કે હું માત્ર વાંસળી જેવો છું, એમાં સૂર પુરનાર તો કેવળ પ્રભુ જ છે !!”
આપણી ભાષાના સવાઈ ગુજરાતી કાકાસાહેબ કાલેલકર ગુરુદયાળજીને આ રીતે ઓળખાવે છે: “ગુરુદયાળજી અધ્યાત્મ માર્ગના પ્રતીક છે. એ માર્ગની એમણે ઠીક યાત્રા કરી છે. મુકામે પહોંચ્યા પણ હશે. પુરા પહોંચ્યા ન હોય તો એ મુકામ ની ઝાંખી એમને થઈ જ છે, કેમ કે એની મસ્તી એમના ચહેરા પર અને તેમના વર્તનમાં દેખાય આવે છે. ગુરુદયાળજી સ્વભાવે ભાવુક-ભક્ત છે અને એમની ભક્તિભાવના ખરેખર ચેપી છે. એ ભક્તિ ભાવનાં આવેગ અને આક્રમણ તળે એમની વિદ્વતા, એમનું જ્ઞાન અને દુનિયાનો વિશાળ અનુભવ બધું દબાઈ જાય છે, દટાઈ જાય છે અને કેવળ પ્રભુ આશિક-ભક્ત જ આગળ તરી આવે છે.
મલિકજી એક સુફી સંત પાસેથી ગૂઢ શક્તિઓ મેળવવાનો એક મંત્ર માગે છે પણ એ સાધના પોતે પૂરી કરી શક્યા નહીં, છતાં થોડાક ચમત્કારો થવા લાગ્યા અને એમાંથી અહંકાર જાગ્યો, એટલે અકળાઈને એમણે એ શક્તિઓ મંત્રના સ્વામી ભગવાન ને પાછી સોંપી દીધી !! ચમત્કારની બાબતમાં ચાચાજી જે નિર્ણય ઉપર આવ્યા છે તે ઘણું મહત્વનું છે એટલે એમના જ શબ્દોમાં અહીં ટાંકીએ:
“એક દિવસે એક ફકીર ઘર પાસેના રસ્તા પરથી ગીત ગાતો ગાતો પસાર થયો. તે ગીતનો અર્થ હતો: “સાધકોની સિદ્ધિ ઓ એક નૃત્યકારનાં નખરાઓ જેવી છે, તેથી તે પોતાનું બાહ્ય રૂપ દેખાડે છે એવા નખરાઓ અને સાચા નૃત્યમાં જમીન–આસમાનનો ફેર છે”.. તે દિવસથી કદી પણ સિદ્ધિ મેળવવાની મેં ઈચ્છા નથી રાખી અને સિદ્ધિઓની કાંઈ વિશેષ અગત્ય આધ્યાત્મિક જીવનમાં નથી એ પણ હું સમજી ગયો છું..!”
આવા ભાગ્યે જ મળે તેવા આધ્યાત્મિક સંત ફકીર ચાચાજી ને આપણે પ્રણામ કરીએ.
ભદ્રાયુ વછરાજાની,
24 કેરેટ એપાર્ટમેન્ટ, ફ્લેટ નં. 404,
ક્રિસ્ટલ મોલ અને જ્યોતિ નગરની પાછળ,
રાજકોટ-360001.
by Bhadrayu Vachhrajani | Oct 7, 2025 | દીપોત્સવી લેખ |



ગીતામાં શ્રીકૃષ્ણ કોઈ સંપ્રદાય વિશેષને નહીં પરંતુ અર્જુનના માધ્યમ દ્વારા મનુષ્ય માત્રને પોતાનો ઉપદેશ આપે છે.
કોઈ એમ કહે કે, ગીતા એક મૌલિક ગ્રંથ નથી, તો એ વાંચીને આપણને જરા આંચકો પહોંચે. પણ એ કહેનાર સ્વામી રંગનાથાનંદજી હોય તો આ કથન પાછળનો ગુઢાર્થ પણ એમણે સ્પષ્ટ કર્યો જ હોય. તેમનું સ્પષ્ટ કહેવું છે કે, મૌલિક ગ્રંથનો આપણે જે અર્થ કરીએ છીએ તે અર્થમાં ગીતા એક મૌલિક ગ્રંથ નથી. પણ જેને ઓલ્ડસ હક્સ્લીએ ‘શાશ્વત દર્શન’ કહ્યું છે, એ પરમ તત્વનું પરમ મૌલિક વક્તવ્ય ગીતા છે.
સદાચાર ઉપરાંત ગીતામાં એક બીજું તત્વ પણ છે, અને એ છે ભક્તિ. ભક્તિ એટલે ઈશ્વર પ્રત્યે પ્રેમ. પરિપૂર્ણતાથી ઉત્પન્ન થનારો પ્રેમ. આ એક એવું તત્વ છે કે જે ગીતામાં નિરૂપિત ભક્તને એક સાથે નિર્ભયતા અને સૌમ્યતાની પ્રતિમૂર્તિ બનાવી દે છે. આ બધા કારણોને લીધે આપણા જીવનમાં ગીતાને મહત્વ મળ્યું છે. ચાલ્સ વિલ્કિલ્સ દ્વારા અનુદિત ગીતાના અંગ્રેજી અનુવાદની ભૂમિકામાં ભારતના પ્રથમ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સે આવી ઘોષણા કરી હતી. ‘જ્યારે ભારતમાં અંગ્રેજોનું પ્રભુત્વ સમાપ્ત થઈ ગયા પછી સારો એવો સમયગાળો વિતી ચૂક્યો હશે અને એમનો સંપત્તિ તથા સત્તાનો ઉદગમ સ્ત્રોત માત્ર સ્મૃતિનો વિષય બની ગયો હશે ત્યારે પણ ભારતીય દર્શનોના લેખક જીવિત રહેશે.’ જ્યારથી આ વાક્ય લખાયા ત્યારથી ગીતા પૂર્વ અને પશ્ચિમ જગતના બંને વિભાગના સ્ત્રી-પુરુષોના હૃદયમાં અસીમ વર્ધમાન સામ્રાજ્ય સ્થાપિત કરી રહેલ છે.
ગીતાના સંદેશની બે મહત્વપૂર્ણ વિશેષતાઓ છે. તેની યૌતિકતા અને તેની સાર્વભૌમિકતા એટલે કે વૈશ્વિકતા, આ બંનેમાં એની શક્તિનો સ્ત્રોત નિહિત છે. આજે હિન્દુ શબ્દનો પ્રયોગ એક વિશિષ્ટ વર્ગના લોકોનું અન્ય વર્ગોથી અલગપણું બતાવવા માટે થાય છે. પરંતુ ગીતાના સંદર્ભમાં જ્યારે સ્વામી શ્રી રંગનાથાનંદજી હિંદુ શબ્દનો પ્રયોગ કરે છે ત્યારે તે અલગપણાનું અસ્તિત્વ એટલા માટે નથી કે ઋષિઓએ આ ઉદ્ધાત વિચાર કોઈ વર્ગ વિશેષને, બીજા લોકોને છોડીને, કેવળ હિન્દુઓને જ નથી આપ્યો, પરંતુ કોઈ પણ સમુદાય કે જાતિનો ભેદ કર્યા વિના માર્ગદર્શન ઇચ્છનાર બધા લોકોને આ વિચારો આપવામાં આવ્યા છે. આ દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખીને આપણે એ પ્રાચીન ગ્રંથો અને એમાં રહેલા ઉપદેશોને ગ્રહણ કરવા પડશે. એ વર્ગ વિશેષ માટે નથી, પરંતુ વ્યાપકતાથી એને ઈચ્છનાર સૌ માટે છે. એમાં અમુક–તમુક સમુદાયનો નહીં પરંતુ માનવ માત્રનો ધર્મ બતાવવામાં આવ્યો છે અને એટલે એ વૈશ્વિક દર્શન છે. માત્ર સમાજના કેટલાક વર્ગોને માટે જ નહીં પરંતુ સંપૂર્ણ માનવતાના કલ્યાણ હેતુ માટે નીતિ, સદાચાર અને દર્શન આપણા શાસ્ત્રોમાં શીખવવામાં આવ્યા છે.
સ્મૃતિકાર મનુએ માત્ર હિંદુઓને નહિ પરંતુ પુરેપુરી માનવજાતિને ધ્યાનમાં રાખીને પોતાના નિયમોની સંરચના કરી હતી એ માનવ ધર્મશાસ્ત્ર છે. એ માનવરૂપી પોતાના સંતાનો માટે મનુએ આપેલું સંવિધાન છે. આપણે અત્યારના મનુસ્મૃતિને મનુવાદ કરીને જાહેરમાં વખોડીએ છીએ ત્યારે એ જાણી લેવાની જરૂર છે કે, એ પ્રત્યેક મનુષ્ય માટે છે. પછી ભલે વિશ્વનાં કોઈપણ ભાગમાં એ રહેતો હોય, કોઈપણ દેશ કે જાતિનો હોય. જો મનુષ્ય સુખ તથા પોતાનું હિત ઇચ્છતો હોય તો તેણે કેટલાક આદર્શો અને વિધિ-વિધાનોનું પાલન કરવું પડશે. આ આદર્શ તથા વિધિ-વિધાન સાર્વભૌમિક છે અને તે બધાનો ગ્રંથોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ગીતાનું વાંચન કરતી વખતે આપણને સ્પષ્ટરૂપે જણાય છે કે, તેના ઉપદેશો સમગ્ર માનવજાતિ માટે છે. એવા બધા સ્ત્રી-પુરુષો માટે છે જે પોતાના અંતરાત્માની ઉચ્ચતર અભિવ્યક્તિઓની અનુભૂતિ કરવાનાં હેતુથી સંઘર્ષ કરી રહ્યા છે.
આપણા પ્રાચીન ગ્રંથોમાં અર્જુનને નર અથવા મનુષ્ય અને શ્રીકૃષ્ણને નારાયણ અર્થાત પરમાત્માના અવતાર ગણવામાં આવ્યા છે. ગીતામાં શ્રીકૃષ્ણ કોઈ સંપ્રદાય વિશેષને નહીં પરંતુ અર્જુનના માધ્યમ દ્વારા મનુષ્ય માત્રને પોતાનો ઉપદેશ આપે છે. આ રીતે ગીતામાં ઈશ્વર તથા મનુષ્ય નારાયણ તથા નર સામસામે ઉભા છે. અને એ જ શ્રીમદ ભગવદ્ ગીતાની ભવ્યતા છે અને ઉદ્દાત પૃષ્ઠભૂમિ છે. શ્રીકૃષ્ણ એક સાર્વભૌમિક વૈશ્વિક આચાર્ય છે. તેમણે વૈષ્ણવ, શૈવ, કે બીજા કોઈ સંપ્રદાયોનો ભેદભાવ કર્યો નથી. આજે આપણને વૈશ્વિકતાના આ સ્પંદનની આવશ્યકતા છે કે જે બધા સંપ્રદાયો તથા વર્ગોથી પર થઈને સૌ કોઈને પોતાનામાં સમાવી દઈને પ્રત્યેકને એક જ પ્રકારની પ્રેરણા આપે. એટલા માટે ગીતાને તેની પોતાની પૃષ્ઠભૂમિમાં જ એટલે કે સાક્ષાત શ્રીકૃષ્ણરૂપી એક વૈશ્વિક વ્યક્તિ દ્વારા કરેલી વેદાંતની વ્યાખ્યાના રૂપમાં આપણે સૌએ સ્વીકારવી જોઈએ. ગીતા એની પોતાના જ મતપંથમાં ની શ્રદ્ધા સુદ્રઢ બનાવે છે. તેની સાર્વભૌમિકતા એક વિશિષ્ટ પ્રકારની છે. તે કોઈના પર લાદવામાં આવતી નથી, સૌને આમંત્રણ છે. ગીતાને હર કોઈ માણસ પોતાની નિજી રીતે અપનાવી શકે છે. આજના યુગમાં પ્રચલિત વિભિન્ન સંપ્રદાયો વચ્ચે સુ સંવાદિતા રચવા માટે, મેળ-મિલાપ કરાવવા માટે આપણને સૌને એક એવા જ સાર્વભૌમિક સંદેશની આવશ્યકતા છે. બાઇબલ એવું કહે છે કે, શબ્દ વિનાશકારી છે, પણ ભાવ જીવનદાયી છે.
એ આશા કે અપેક્ષા કરવી અત્યંત અયોક્તિક છે કે, યુદ્ધક્ષેત્રમાં આટલા લાંબા સુધી એ પણ શ્લોકોમાં સંવાદ ચાલતો રહ્યો હશે? બુદ્ધિવાદીઓ પુરાતનપંથીના દૃષ્ટિકોણને માનતા નથી. વર્તમાન રૂઢિવાદના જનક એવા મહાન શંકરાચાર્યે પણ આ મતનો સ્વીકાર કર્યો નથી. એમના ભાષ્યમાં તેઓ કહે છે કે, કઠિનતાઓ અને સમસ્યાઓથી અર્જુન કેમ કર્તવ્ય મૂઢ બની ગયો, પછી શ્રીકૃષ્ણએ તેને કેટલાક પ્રભાવિત સલાહ, શિખામણ અને ઉપદેશ આપ્યા. એમના આ સલાહ શિખામણને વ્યાસ ઋષિએ સાતસો શ્લોકોમાં નિબદ્ધ કર્યા. શંકરાચાર્યનો આ મત છે અને એ મત પૂરતા પ્રમાણમાં યુક્તિ સંગત લાગે છે તેવું સ્વામી શ્રી રંગનાથાનંદજી કહે છે.
પ્રાચીન કાળમાં આપણે ત્યાં વૈદિક સાહિત્ય તથા તેની સાથે જોડાયેલ કર્મકાંડિય ધર્મ પ્રચલિત હતો. પછી આપણી સમક્ષ ઉપનિષદ અને તેમાં વર્ણવેલ જ્ઞાનકાંડીય ધર્મ પણ છે. આ બંને ધર્મ આપણી સમક્ષ પ્રતિદ્વંદી ના રૂપે આવ્યા. વેદો આપણને આ જગતમાં સુખો અને મરણોપરાંત સ્વર્ગનું વચન આપે છે. આ વાત ત્યાં સુધી છે કે, જે માણસ આ લોકની સારી-સારી ચીજો મર્યા પછી સતલોકમાં લઈ જવા ઇચ્છતો હોય તે તત્કાલીન જ્ઞાત વિભિન્ન દેવતાઓ માટે યજ્ઞ યાગ કરીને એમને મેળવવાનો પ્રયાસ પણ કરતો. પછીથી ઉપનિષદો દ્વારા આ સ્વર્ગ દર્શનનો વિરોધી સ્વર પ્રગટ થયો. કઠોપનિષદનું અધ્યયન કરવાથી આપણને જાણવા મળે છે કે, નચિકેતા પોતાના પ્રથમ વરદાન ‘આ જગતનું ઐક્ય’ એવું કંઈક માંગે છે. બીજા વરદાન દ્વારા ‘સ્વર્ગની પ્રાપ્તિ કેવી રીતે થશે’ તે જાણવા માંગે છે. પરંતુ તેને આનાથી સંતોષ નથી થતો. ઉપનિષદોનો આ વિરોધ આપણને ઉચ્ચતર ઉદ્દેશો અને પ્રવૃત્તિઓ તરફ લઈ જાય છે. અને એટલા માટે જ નચિકેતાએ માગેલું ત્રીજું વરદાન ઉચ્ચ દર્શન તથા નીતિશાસ્ત્ર દ્વારા જોઈ શકાતી જીવનની સમસ્યાઓ સાથે સંબંધિત છે. જીવનની પાછળ રહેલા સત્યની શોધના દ્વારા જ આ સમસ્યાનું સમાધાન સંભવિત છે. આ ઉપનિષદોનું વિશિષ્ટ કાર્ય છે. ઉપનિષદોનો આદર્શ છે ધ્યાન દ્વારા પરમતત્વનો સાક્ષાત્કાર. તેમાં કર્મને માટે કોઈ સ્થાન નથી. પરંતુ ગીતામાં આપણને કર્મની અને ચિંતનની આવશ્યકતા વચ્ચે શ્રીકૃષ્ણનું પોતાનું સામંજસ્ય જોવા મળે છે. આ બે વિપરિત શક્તિઓનું સામંજસ્ય કર્યા વિના કોઈ પણ જીવ પરિપૂર્ણ ન બની શકે. જે વ્યક્તિ કહે છે, ‘હું ચિંતન વિના જ કર્મ કરીશ તે સફળ નથી.’ અને જે વ્યક્તિ કર્મથી વિછિન્ન બનીને કેવલ ચિંતનમાં જ મગ્ન રહે છે તે પણ પરિપૂર્ણ બની શકતો નથી. એટલે કે એક સામંજસ્યપૂર્ણ દર્શન યુગની આવશ્યકતા હતી અને ભગવાન શ્રીકૃષ્ણએ ભગવત ગીતામાં તેનું પ્રદાન કર્યું. ગીતાનો ઉદ્દેશ મનુષ્યને જીવનના સાધારણ સ્તર પરથી નીતિ અને સદાચારના ઉચ્ચ સ્તર સુધી ઉન્નત કરી આપવાનો છે, એ આપણે ભૂલવું ન જોઈએ.
ઈ.સ. પૂર્વે 1400 વર્ષ પહેલાના ભારતમાં બનેલી ઘટનાઓને મહાભારતમાં લિપિબદ્ધ કરવામાં આવી છે. ગીતા આ મહાભારતનું અંગ છે. આધુનિક વિદ્વાનો આ નિષ્કર્ષ પર પહોંચ્યા છે. આ ગ્રંથના સમયની સમસ્યા અંગે તેઓ એનું લગભગ ઈસુ પહેલાના 900 વર્ષનો તિથિકાળ નિશ્ચિત કરે છે. ગીતાનું સુત્રીકરણ બુદ્ધની પહેલા શતાબ્દીઓ પૂર્વે થયું હોવાનું માની શકાય છે. ગીતામાં મહાન વિચારો છે, પરંતુ એને સામાન્ય લોકો બરાબર સમજ્યા ન હતા. અને બુદ્ધે આવીને આ વિચારોને નવું રૂપ આપ્યું. જેથી કરીને સામાન્ય લોકો પ્રાચીન ઉપદેશોનો સાચો મર્મ સમજી શકે. ઈ.સ. પૂર્વની છઠ્ઠી શતાબ્દીમાં બુદ્ધ અવતર્યા. પછી ઈ.સ.ની આઠમી શતાબ્દીમાં શંકરાચાર્યનું આગમન થયું. આપણે બધા અત્યારે પણ આ મહાન આચાર્યોના આલોકમાં જીવી રહ્યા છીએ. આધુનિક યુગ 19મી શતાબ્દીમાં આપણી વચ્ચે મહાન વિભૂતિઓ આવી અને આજે આપણે એમના અને એમના વિચારો દ્વારા સંચાલિત થઈ રહ્યા છે. જે કોઈપણ ભારતનાં ઇતિહાસનું વાંચન કરે છે. અહીં પ્રત્યેક યુગપૂર્વે વિચારોનો એક પ્રબળ આદર્શ અને જીવનની સ્થાપના થઈ છે. અને તેની પાછળની પ્રેરણાના કેન્દ્ર બિંદુ રૂપે એક મહાન પ્રબળ વ્યક્તિત્વ રહ્યું છે. આ અદ્ભૂત તથ્ય પર તે વિસ્મિત થઈ જાય છે. આપણી પાછળ 5000 વર્ષોનો ઇતિહાસ છે. આપણે એ જ પ્રાચીન જાતિ છીએ. અને એ જ પ્રાચીન આદર્શ આજે પણ આપણને પરિચાલિત કરી રહ્યો છે. ભારત પ્રાચીન ગ્રીસ અને રોમ એકબીજાની સામે-સામે હતા. તે ભારત જરાય બદલાયા વિના વિશ્વમંચ ઉપર નવા આગંતુકોનું સ્વાગત કરવા માટે આજે પણ ઉભું છે. અને ભવિષ્યમાં આવનારા અભિવાદન કરવા માટે પણ ઉપસ્થિત રહેશે. આ ઈતિહાસનું એક સત્ય છે અને ભારતીય ઇતિહાસના અધ્યેતા રૂપે આપણું એ કર્તવ્ય છે કે આપણે આ તથ્યનું પરીક્ષણ કરીએ અને એમાં રહેલા બોધપાઠને શીખીએ. આ બધું આપણને આપણી પોતાની સંસ્કૃતિના મૂળ અને ઉદ્દગમ સંબંધિત જીજ્ઞાશા તરફ દોરી જાય છે.
(સાદર સ્વીકૃતિ અને સંદર્ભ: વંદનીય સ્વામી શ્રી રંગનાથાનંદજી લિખિત ગીતા દર્શન ના ત્રણ ગ્રંથો)
*************************************************************************************
ભદ્રાયુ વછરાજાની,
સી-404, 24 કેરેટ એપાર્ટમેન્ટ, ક્રિસ્ટલ મોલની પાછળ,
IOC કોલોની પાછળ, કાલાવડ રોડ, રાજકોટ-360005.
by Bhadrayu Vachhrajani | Jan 6, 2025 | દીપોત્સવી લેખ |

અમીરાઈ આપણને ધનવાન બનાવે, પણ દરિયાઈ દિલેરી આપણને લક્ષ્મીવાન બનાવે છે.
શ્રી માતાજી (પોન્ડિચેરી) પુષ્પોને ઈશના પ્રતિનિધિ તરીકે સન્માન આપતાં હતાં, એ સ્મરણમાં રાખીને હું ફૂલોની છાબમાં પ્રતિ પળના સમાચારનાં પુષ્પો ભરી લાવતા ફૂલછાબ દૈનિકને ‘શુભ થાઓ’ નું પુષ્પ અર્પણ કરું છું.
શ્રી માતાજી દ્વારા આપણને એક સુંદર પુસ્તક મળેલ છે : ‘સુંદર કથાઓ’. ફેબ્રુઆરી, 1950માં આ પુસ્તક વિષે ટૂંકાક્ષરી માં શ્રી માતાજી કહે છે કે, ‘આ વાર્તાઓ એટલા માટે લખાઈ છે કે એ દ્વારા બાળકોને પોતાનું સ્વરૂપ ઓળખવામાં મદદ થાય અને તેઓ સત્ય સૌંદર્યના માર્ગે જતાં શીખે.’ શ્રી માતાજીના બાળકો એટલે આપણે સૌ !!આપણને પણ આપણું સ્વરૂપ ક્યાં ઓળખાયું છે ?
“રંતિદેવ એ રાજા હતા અને સાધુ થઈને જંગલમાં રહેતા હતા. એમણે પોતાનું ધન ગરીબોને આપી દીધું હતું અને જંગલના એકાંતમાં સાધુ જીવન ગાળતા હતા. એ અને એમનું કુટુંબ જીવન માટેની ઓછામાં ઓછી જરૂરીયાતો મેળવીને કામ ચલાવતા હતા.
એક દિવસ રંતિદેવ રાજાએ અડતાલીશ કલાક ઉપવાસ કર્યા. પછી એમને માટે ભાત, દૂધ અને ખાંડ નું બનાવેલું ભોજન તૈયાર કરવામાં આવ્યું. ત્યાં એમની કુટીરના બારણા પાસે એક ગરીબ બ્રાહ્મણ આવીને ઉભો રહ્યો અને તેણે ભિક્ષાની માગણી કરી. રંતિદેવે પોતાના ભાતમાંથી અડધો ભાગ એને આપ્યો. તે પછી એક શુદ્ર કંઇક માંગતો માંગતો આવ્યો અને જે બાકી રહ્યું હતું તેમાંથી અડધો ભાગ રંતિદવે તેને આપ્યો.
એ પછી રંતિદેવે જોયું કે, એક કૂતરો ભસી રહ્યો છે. એ બિચારું પ્રાણી ખૂબ ભૂખ્યું હોય તેમ લાગતું હતું. રંતિદેવે જે કાંઈ વધેલું હતું તે તેને આપી દીધું. છેવટે પછી એક અંત્યજ સાધુ એમના દ્વાર ઉપર આવ્યો અને મદદ માટે યાચના કરી. રંતિદેવે એને દૂધ અને ખાંડ આપી દીધા અને ઉપવાસ ચાલુ રાખ્યો.
એ પછી ત્યાં ચાર દેવો આવ્યા અને રંતિદેવને કહેવા લાગ્યા:: “ રંતિદેવ, તમે જે ભોજન કરાયું છે તે અમને કરાવ્યું છે. અમે બ્રાહ્મણ, શૂદ્ર, શ્વાન અને ગરીબ અંત્યજ નું રૂપ ધારણ કરીને તમારી પાસે આવ્યા હતા. તમે અમારા સૌને માટેનું સારું કાર્ય કર્યું છે અને તમારામાં રહેલા પ્રેમ પૂર્ણ વિચારો માટે અમે તમારી પ્રશંસા કરીએ છીએ.’
આ ટચુકડી વાર્તા કહીને શ્રી માતાજી નોંધે છે :: એક પ્રેમ ભરેલું હૃદય સર્વ મનુષ્યો અને પ્રાણીઓને પણ એક જ કુટુંબના હોય તે રીતે એક જ માનવતા તરીકે નિહાળતું હોય છે.
ધન કમાઈ શકાય, વાપરી શકાય, વેડફી શકાય, સંગ્રહી શકાય અરે, તમે તેનું ધારો તે કરી શકો,,પણ ધનને જયારે સન્માર્ગે, અન્યાર્થે, કલ્યાણાર્થે વહેતું મૂકી શકો ત્યારે તે ધન ખરેખર ધન રહેતું નથી, પરંતુ એ ધન લક્ષ્મી બની જાય છે.
કોઇપણ પદાર્થને મનુષ્ય કે કોઇપણ જીવ માટે ઉપયોગી બનાવવાની અને એની અભીષ્ટ માત્રા ઉપલબ્ધ કરવાની ક્ષમતાને ‘લક્ષ્મી’ કહેવામાં આવે છે. આમ તો પ્રચલિત રીતે ‘લક્ષ્મી’ શબ્દ સંપત્તિ માટે પ્રયુક્ત કરવામાં આવે છે, પરંતુ તે ચેતનાનો એક ગુણ છે, જેના આધાર પર નિરુપયોગી વસ્તુઓને પણ ઉપયોગી બનાવી શકાય છે. ધનસંપદા માત્રામાં અલ્પ હોવા છતાં પણ એનો સત્કાર્યોમાં ભરપૂર ઉપયોગ કરવો એ એક વિશિષ્ટ કલા છે. ધનને જે સત્કાર્યે વાળે છે તે ‘લક્ષ્મી’ જ્યાં આવે છે એને લક્ષ્મીવાન કે શ્રીમાન કહેવામાં આવે છે. શેષ અમીર લોકોને ધનવાન કહેવામાં આવે છે. અમીરાઈ આપણને ધનવાન બનાવે, પણ દરિયાઈ દિલેરી આપણને લક્ષ્મીવાન બનાવે છે.
ધનસંપદાનો અધિક માત્રામાં સંગ્રહ થાય એટલા માત્રથી કોઇને સૌભાગ્યશાળી નહીં કહેવાય. સદબુદ્ધિના અભાવમાં આ ધનસંપદા નશાનું કામ કરે છે, તેમ જ મનુષ્યને અહંકારી, ઉદ્ધત, વિલાસી અને દુર્વ્યસની બનાવી દે છે. સામાન્ય રીતે ધન મેળવતાં જ લોકો કૃપણ, વિલાસી, અપવ્યયી અને અહંકારી થઇ જતા હોય છે. લક્ષ્મી માતાના એક વાહન તરીકે ઉલૂક (ઘુવડ) માનવામાં આવે છે. ઉલૂક એટલે કે મૂખર્તા. કુસંસ્કારી વ્યક્તિઓને અનાવશ્યક સંપતિ મૂર્ખ જ બનાવે છે. તેના ધન વડે તેનાથી દુરુપયોગ જ થાય છે અને એના ફળ સ્વરૂપ તે દુ:ખી જ થાય છે. મૂર્ખતાનું એક ઉદાહરણ આપણને મહાકવિ ખલિલ જિબ્રાન તેની નાનકી પુસ્તિકા “પ્રકૃતિનાં સંતાન અને પાગલ” માં આ રીતે આપે છે:
“એક શિયાળે સૂર્યોદય સમયે પોતાનો પડછાયો જોયો અને કહ્યું, આજે તો ભોજનને માટે એક ઊંટ જોઈશે અને આખી સવાર તે ઊંટ ની શોધમાં રખડયું પરંતુ બપોરે ફરી તેણે પોતાનો પડછાયો જોયો અને કહ્યું, એકાદ ઉંદર મળશે તોય ચાલશે !”
કેટલીક શાસ્ત્રીય વાતો મુજબ લક્ષ્મી હિંદુ ધર્મમાં કહ્યા પ્રમાણે સમુદ્રમાંથી પ્રગટ થયેલ એક દેવી છે. ‘લક્ષ્મી’ શબ્દ સૌપ્રથમ ઋગ્વેદમાં નિર્દેશાયો છે. ત્યાં તે શોભા, સૌન્દર્ય વગેરેનો દ્યોતક છે. તેનો અર્થ સદનસીબ પણ થાય છે; પરંતુ પાછળથી સમૃદ્ધિ કે સંપત્તિનો ભાવ તેમાં ઉમેરાયો અને સુખ તથા સમૃદ્ધિની દેવી તરીકે તેનો મહિમા સ્વીકારાયો. તે સમૃદ્ધિ અને સૌંદર્યની દેવી છે અને કમળના આસન ઉપર બિરાજેલી હોય છે. તે ધનની અધિષ્ઠાત્રી મનાય છે. સૌંદર્ય, સંપત્તિ અને ભાગ્યની દેવી તરીકે તેની સર્વત્ર પૂજા થાય છે. ‘લક્ષ્મી’ શબ્દના અનેક અર્થો છે. લક્ષ્મીનાં વિવિધ નામોમાં ‘શ્રી’, ‘પદ્મા’, ‘ઇન્દિરા’, ‘કમલા’, ‘ચપલા’, ‘ચંચલા’, ‘સિંધુસુતા’, ‘હરિપ્રિયા’ વગેરે વિશેષ જાણીતાં છે.
આપણાં શાસ્ત્રો ધનના ઉપાર્જન માટેની કેટલીક આચારસંહિતા પણ સ્પષ્ટ સમજાવે છે. ધન ઉપાર્જન કરવાના અનેક માર્ગો છે. આસુરી પ્રવૃતિઓથી પણ ધન મેળવી શકાય છે અને આજે કળિયુગમાં તો એ માર્ગ વિશેષ સુલભ બન્યો છે, ત્યારે મગજમાં ઉતારી લેવું પડે કે દૈવી કે સન્માર્ગની પ્રવૃતિઓ દ્વારા જે ધન ઉપાર્જન થાય તેને જ લક્ષ્મી કહેવાય છે. ધર્મ વડે ધન મેળવવા માટેનો શ્લોક પણ છે :
धर्मार्जितभोगेन वैराग्यमुपजायते । विपरीतार्थभोगेन राग एव प्रजायते ।।
અર્થાત ‘ધર્મ વડે ઉપાર્જિત ધનના ભોગવવાથી એક દિવસ વૈરાગ્ય અવશ્ય ઉદિત થાય છે, પરંતુ અધર્મ વડે ઉપાર્જન કરેલ ધનના ભોગવવાથી તેના પ્રતિ આસક્તિ આવે છે.’ એવું विद्येश्वर संहिता 13 । 51 – 52 માં દર્શાવેલ છે. તો અન્યાયથી પ્રાપ્ત કરેલું ધન દસ વર્ષથી વધુ સમય તાકતું નથી, તેવી ચેતવણી પણ શાસ્ત્રો આપે છે.
अन्यायोपर्जितं द्रव्यं दशवर्षाणि तिष्ठाति । प्राप्ते चैकादशे वर्षे समूलं तद् विनश्यति ।।
‘અન્યાય અને અનીતિથી ઉપાર્જન કરેલ / ઉપાર્જિત (એકઠું) કરેલું ધન વધુમાં વધુ દસ વર્ષ ટકે છે, જેવું અગિયારમું વર્ષ થાય કે તે મૂળ સહીત નાશ પામે છે.’ એવું चाणक्य नीति – 15.6 માં દર્શાવેલ છે.
ઋગ્વેદમાં આવતા ‘શ્રીસૂક્ત’માં ઐશ્વર્યના પ્રતીકરૂપ દેવતા તરીકે લક્ષ્મીનું નિરૂપણ છે. વાલ્મીકિ રામાયણ (બાલકાંડના પીસ્તાલીશમાં શ્લોકમાં )મા લક્ષ્મીને ‘શુભ્રવસ્ત્રધારિણી’, ‘તરુણી’, ‘મુકુટધારિણી’, ‘કુંચિતકેશા’, ‘ચતુર્હસ્તા’, ‘સુવર્ણકાન્તિ’, ‘મણિમુક્તાદિભૂષિતા’ વગેરે નામોથી નિર્દેશેલ છે. તે પછી પુરાણોમાં લક્ષ્મીને ‘કમલાસના’, ‘કમલહસ્તા’, ‘કમલમાલાધારિણી’ તથા ‘સદા વિષ્ણુના વક્ષ:સ્થલમાં રહેતી’ વર્ણવી છે. લક્ષ્મીની ઉત્પત્તિ અંગે પ્રચલિત માન્યતા મુજબ તે સમુદ્રમંથન દ્વારા ઉદભવેલ ચૌદ રત્નો પૈકીનું એક રત્ન છે, જેનો ભગવાન વિષ્ણુએ પત્નીરૂપે સ્વીકાર કર્યો. ત્યારબાદ તેમણે ક્ષીરસાગરમાં નિવાસ કર્યો. તૈત્તિરીય સંહિતામાં લક્ષ્મી અને શ્રી બંને આદિત્યની પત્નીઓ હોવાનું કહ્યું છે.
એક મત મુજબ ધન, ધાન્ય, પશુ, સ્ત્રી, પુત્ર, આરોગ્ય, આશ્રય, આવરદા, ઉદ્યમ, સંતોષ અને જ્ઞાનને લક્ષ્મી કહે છે. લક્ષ્મી એટલે કેવળ ધન કે નાણું કે રૂપિયા પૈસા જ નહિ, પણ.. મહાભારત(શાન્તિપર્વ 124–45–60)માં આવતા લક્ષ્મી-પ્રહલાદ સંવાદ મુજબ, તેજ, ધર્મ, સત્ય, વૃત્ત, બલ અને શીલ જેવા માનવીય ગુણોમાં લક્ષ્મી રહે છે. અન્યત્ર (શાન્તિપર્વ–21) લક્ષ્મી-ઇન્દ્ર સંવાદમાં જણાવ્યું છે કે, પૃથ્વીનાં સૌ નિવાસસ્થાનોમાં ભૂમિ, જલ, અગ્નિ અને વિદ્યા એ ચાર સ્થાન લક્ષ્મીને સૌથી વધુ પ્રિય છે. વળી, સત્ય, દાન, વ્રત, તપસ્યા, પરાક્રમ અને ધર્મ જ્યાં વાસ કરે છે, ત્યાં લક્ષ્મી પણ નિવાસ કરે છે. દાનધર્મપર્વ–82 માં કહ્યા પ્રમાણે, ગાય અને ગોબરમાં પણ લક્ષ્મીનો નિવાસ છે.
સામાન્ય જનમાનસની વ્યવહારુ સમજ એ છે કે જે ઘરમાં વડીલોનાં પૂજા-સત્કાર, આદર-સન્માન થતાં હોય, અનાજ સુસંસ્કૃત અને નીતિથી પેદા કરેલું હોય અને ક્લેશ કદી ન થતો હોય ત્યાં લક્ષ્મી નિવાસ કરે છે.
‘શ્રીસૂક્ત’ પ્રમાણે આનંદ, કર્દમ, શ્રીદ અને ચિકિલત એ તેનાં સંતાન છે. તો અન્ય એક સંદર્ભ અનુસાર ધર્મ, અગ્નિ, રાજા અને ચોર – એ ચાર લક્ષ્મીના પુત્રો છે. આમ છતાં ચોરી, વાસના, અપવિત્રતા અને અશાંતિ પ્રત્યે ઘૃણાને લીધે લક્ષ્મી પોતાને પ્રિય એવાં ભૂમિ વગેરે સ્થાનોનો ત્યાગ પણ કરે છે.
સહજ પ્રશ્ન થાય કે લક્ષ્મી દેવીનું વાહન ઘુવડ કેમ છે ? ધાર્મિક ગ્રંથો અનુસાર, એકવાર બધા દેવી-દેવતાઓ પૃથ્વી પર ફરવા આવ્યા. તે સમયે તમામ પ્રાણીઓ અને પક્ષીઓએ દેવતાઓને વિનંતી કરી કે, તેઓ તેમને તેમના વાહન તરીકે પસંદ કરે અને દાન કરે. બધા દેવતાઓએ પોતાનું વાહન પસંદ કર્યું, પરંતુ માતા લક્ષ્મી લાંબા સમય સુધી મૂંઝવણમાં રહ્યા. મા લક્ષ્મીએ પોતાના વાહન માટે કોની પસંદગી કરવી તે વિચારવાનું શરૂ કર્યું. આ દરમિયાન તમામ પશુ-પક્ષીઓ વચ્ચે ઝઘડો થયો, ત્યારે માતા લક્ષ્મીજીએ બધાને શાંત કર્યા અને કહ્યું કે, દરેક કારતક અમાવસ્યાએ તે પૃથ્વી પર ફરવા આવશે, પછી તે પોતાનું વાહન પસંદ કરશે. ત્યારપછી જ્યારે કારતક અમાવસ્યાનો દિવસ આવ્યો ત્યારે તમામ પશુ-પક્ષીઓ દેવી લક્ષ્મીની પ્રતિક્ષા કરવા લાગ્યા.
પરંતુ અમાવસ્યાની અંધારી રાત્રે સૌ કોઈ જોઈ શક્યા ન હતા. આવી સ્થિતિમાં જ્યારે રાત્રે માતા લક્ષ્મી આવ્યા તો ઘુવડ તેની તીક્ષ્ણ આંખોથી તેને જોઈને તેની નજીક પહોંચી ગયું. ઘુવડ એ હકીકતનું ઉદાહરણ બની ગયું છે કે જ્યારે તે ખૂબ જ અંધારું હોય છે, ત્યારે જ વસ્તુઓને જોવાની અને સમજવાની અસાધારણ ક્ષમતા જ કામ આવે છે. પછી ઘુવડએ દેવી લક્ષ્મીને પોતાનું વાહન બનાવવાની વિનંતી કરી. જેના પર માતાએ ખુશ થઈને ઘુવડને પોતાના વાહન તરીકે સ્વીકારી લીધું. આ રીતે ઘુવડ દેવી લક્ષ્મીનું વાહન બની ગયું. શાસ્ત્રોમાં પણ ઘુવડને વિશેષ ક્ષમતા અને અનોખા અભિગમ ધરાવતું પક્ષી માનવામાં આવ્યું છે, જે નકારાત્મક પરિસ્થિતિઓમાં સકારાત્મક વિચારની નિશાની છે.
આશ્ચર્ય થાય તેવી વાત છે કે, માતા લક્ષ્મીની એક મોટી બહેન પણ છે, જેમનું નામ અલક્ષ્મી છે. તેમનો સ્વભાવ માતા લક્ષ્મીથી એકદમ વિપરીત છે. ભાગવત મહાપુરાણના અનુસાર સમુદ્ર મંથનના વખતે પહેલા મોટી બહેન અલક્ષ્મી નિકળ્યા હતા. પોતાના નામ અનુસાર તેમણે અસુરી શક્તિઓનું વરણ કર્યું.
દેવી અલક્ષ્મી ગરીબી અને દરિદ્રતાની દેવી છે. જ્યારે પણ કોઈ ઘરમાં અલક્ષ્મીના પગ પડે છે તો તે દરિદ્રતા, મુશ્કેલી અને દુ:ખોના સમયમાંથી પસાર થાય છે. દેવી અલક્ષ્મી એવા ઘરોમાં પ્રવેશ કરવાનું પસંદ કરે છે, જે ગંદા રહે છે અને જ્યાંના લોકો હંમેશા ઝગડો કરવાનું પસંદ કરે છે. અધર્મ કે ખોટુ કાર્ય કરનારના ઘરે દેવી અલક્ષ્મી ખેંચાઈ આવે છે. તેમના આવતા જ તે ઘર ધન અને સ્વાસ્થ્ય બન્નેથી બરબાદ થઈ જાય છે. જ્યાં લોકો સાફ-સુથરા રહે છે, એક બીજા સાથે હળીમળીને રહે છે અને ભગવાનની પૂજા કરે છે ત્યાં અલક્ષ્મી દેવી ક્યારેય પ્રવેશ કરવાની હિમ્મત નથી કરતા. માન્યતા છે કે દેવી અલક્ષ્મીને ખાટ્ટી અને તીખી વસ્તુઓ નાપસંદ છે. માટે તેમને પોતાના ઘરથી દૂર રાખવા માટે મુખ્ય દ્વાર પર લીંબુ ને મરચાં લટકાવી રાખવાનું સૌ પસંદ કરે છે.
આ વિસ્તૃત લેખના સમાપને ફરી યાદ કરીએ ખલીલજીબ્રાનને…
જિબ્રાન આપણને પુણ્યેશ્વર અને પાપેશ્વર ની ઘટના કહે છે.
પુણ્યેશ્વર અને પાપેશ્વર ગિરિશૃંગ ઉપર મળ્યા.
પુણ્યેશ્વરે કહ્યું, “દેવબંધુ, આપને મારા નમસ્કાર.”
પાપેશ્વરે કશો જવાબ વાળ્યો નહીં
અને પુણ્યેશ્વરે કહ્યું, “આજે આપ નાખુશ જણાવ છો.”
પાપેશ્વરે કહ્યું, “હમણાં હમણાં લોકો મને ભ્રમથી પુણ્યેશ્વર તરીકે ઓળખી રહ્યા છે. તમારે જ નામે બોલાવતા થયા છે અને જાણે કે હું પોતે જ પુણ્યેશ્વરે હોઉં એ રીતનું મારા તરફ વર્તન પણ કરી રહ્યા છે. આ બધું મને બેચેન બનાવી મૂકે છે.”
અને પુણ્યેશ્વરે કહ્યું”,.. અને મને લોકો ભ્રમથી પાપેશ્વર તરીકે ઓળખવા લાગ્યા છે અને તમારે જ નામે બોલાવતા થયા છે.”
મનુષ્યની મતિ હીનતા ઉપર શાપ વરસાવતો પાપેશ્વર ત્યાંથી ચાલતો થઈ ગયો !!
જીબ્રાનની આ ઘટના આપણું પ્રતિનિધિત્વ કરે છે. એકવાર ગલત માર્ગે ધન આવતું થાય પછી આપણો અહંકાર આપણને તે માર્ગ છોડવા દેતો નથી. આપણો ઠસ્સો, આપણું અભિમાન, આપણા ધનનો નશો પાપેશ્વર તરીકે વર્તવાને માટે જ દોરી જાય છે.
by Bhadrayu Vachhrajani | Dec 24, 2024 | વિશેષ લેખ |

તબીબી જગત માટે ગૌરવ :: બે સંતો ઉત્કૃષ્ટ તબીબોને નવાજે છે
“ઈશ્વરની નજીક કોણ ગણાય ??” મારો જવાબ છે :: સંતો અને તબીબો.
હા, બંનેમાં અપવાદો છે, પણ આપણે તો સારપ શોધવી છે, પછી શું !?
તબીબો છે તો next to God., તેમાં કોઈ બેમત નથી જ નથી. સારપ સારપને ઓળખે એ ન્યાયે ઉત્કૃષ્ટ સારવાર કરનાર તબીબોનો વાંસો થાબડવાનું સંતો ચૂકતા નથી..
અને અહીં તો સમાજને આખે આખો સ્વીકારનાર દંતાલીના સ્વામીશ્રી સચ્ચિદાનંદજી છે, તો સમાજની આધુનિકતાને શિક્ષિત કરનાર SGVP ના સંત શ્રી માધવપ્રિયદાસજી છે.
પૂજય સ્વામી શ્રી સચ્ચિદાનંદજી મહારાજને (શ્રી ભક્તિ નિકેતન આશ્રમ દંતાલી-પેટલાદ) આશ્રમમાં તા.૧૧/૧૨/૨૦૨૪ નાં પડી જતાં જમણાં પગમાં ફ્રેકચર થયું. તરત જ પ્રાચિન અને અર્વાચીન સારવારનો જ્યાં સમન્વય છે તે અમદાવાદના SGVP ( સ્વામીનારાયણ ગુરુકુળ વિધાપીઠ પ્રતિષ્ઠાનમ્ )ની હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા અને
ત્યાં તેમનું સફળ ઑપરેશન થયું.
સ્વામીશ્રીને SGVP માંથી રજા આપે તે પહેલાં એ પાવન પ્રસંગ સહજ રીતે સર્જાયો.
સ્વામીશ્રીને ઓપરેશન કરનાર દસ ડૉક્ટરની ટીમને (ડૉક્ટર દીઠ) સાચા રૂદ્રાક્ષની સોનાની એક માળા (જે એક માળા રુપિયા એક લાખ ત્રીસ હજારની થાય .) સ્વામીશ્રી સચ્ચિદાનંદજી તરફથી
સ્વામીશ્રી માધવપ્રિદાસજીનાં દિવ્ય હસ્તે ભેટરૂપે અર્પણ કરવામાં આવી. હોસ્પિટલના બધા સ્ટાફને ગરમ સ્વેટર તથા પ્રસાદ આપીને આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
પૂજ્ય સ્વામીજીની તબિયત બિલકુલ સારી છે.. તેઓ સ્વસ્થ છે અને પ્રસન્ન છે.
આપણા ચિંતક શ્રી ગુણવંત શાહે વર્ષો પહેલાં કહેલું કે, “ભગવા વસ્ત્રો બે જ સંતોને શોભે છે,, એક) બ્રહ્મલીન અનુબેન (ગોરજ મુનિ સેવા આશ્રમ) અને સ્વામી શ્રી સચ્ચિદાનંદજી (દંતાલી પેટલાદ)” .. ગુણવંતભાઈની વાતમાં હવે બીજા ભગવા વસ્ત્ર ધારી સંતને ઉમેરીએ તો તેઓ છે સ્વામીશ્રી માધવપ્રિયદાસજી.
તબીબી ક્ષેત્રના સંતોને અધ્યાત્મ જગતના સંતોએ રૂદ્રાક્ષની સોનાની માળા અર્પણ કરીને ભારતીય સંસ્કૃતિનું આચમન કરાવ્યું છે.
(વિગત+વીડિયો સૌજન્ય બદલ અહોભાવ:: શ્રી અજીતસિંહ પરમાર, કલોલ)
પ્રણામ…હરિ: ૐ… જય સિયારામ
by Santulan | May 24, 2024 | વિશેષ લેખ |
by Santulan | May 3, 2024 | હલચલ - મુંબઈ |
by Santulan | Apr 16, 2024 | Pujya Morari Bapu - Ram Katha, વિશેષ લેખ |
by Santulan | Apr 14, 2024 | વિશેષ લેખ |
by Santulan | Apr 10, 2024 | વિશેષ લેખ |
by Santulan | Mar 30, 2024 | વિશેષ લેખ, હલચલ - મુંબઈ |
by Santulan | Mar 14, 2024 | વિશેષ લેખ |
by Santulan | Feb 18, 2024 | Divyakant Nanavati, Personal, વિશેષ લેખ |
by Santulan | Feb 15, 2024 | Personal, વિશેષ લેખ |
by Santulan | Feb 8, 2024 | વિશેષ લેખ, સમર્થ સ્વામી રામદાસ |
by Santulan | Feb 8, 2024 | વિશેષ લેખ, સમર્થ સ્વામી રામદાસ |
by Santulan | Jan 29, 2024 | વિશેષ લેખ |
by Santulan | Jan 25, 2024 | વિશેષ લેખ |
તા. બાવીસ, જાન્યુઆરી, ૨૦૨૪ રાષ્ટ્ર માટે અને સર્વે શ્રી રામ ભક્તો માટે સ્મરણીય બની રહી..અને અમારાં પ્રેમમંદિર માટે તો ચમત્કારિક પણ…
સૌ દેશવાસીઓ અયોધ્યા પર દૃષ્ટિ સ્થિર કરીને એકાગ્ર હતા ત્યારે પ્રેમમંદિર ની દ્વારઘંટડી રણકી..અત્યારે કોણ ?? એવાં પ્રશ્નાર્થ સાથે અતિથિઓને આવકાર્યા તો સાનંદ આશ્ચર્ય થયું… શ્રી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ માં અમ દંપતી પાસે ભણી ગયેલ શ્રી પરેશ ડાહ્યાભાઈ ખૂંટ, તેમનો પુત્ર અને તેમનો જમાઈ મલકતા પ્રવેશ્યા ને ઈલા ટીચર ની તસવીરે આંખ ઝુકાવી.
હા, ૨૧ મીએ પરેશ ત્રણ ભાઈઓ જેનું સંચાલન કરે છે તે રણછોડનગરમાં ચાલતી બે સ્કૂલ ના વાર્ષિક સમારોહમાં મારે જવાનું હતું પણ શરદી તાવે જવા ન દીધો..
આ પરેશ ભાઈઓ એટલે શ્રી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમાં ૬૦ વર્ષ પહેલાં અમારી સાથે જ ભણીને સેવક બન્યા પછી શિક્ષણ પ્રાપ્ત કરી એ જ સ્કૂલમાં ક્લાર્ક બનેલ શ્રી ડાહ્યાભાઈ વશરામભાઇ ખૂંટ ના ત્રણ દીકરાઓ..!! આજે રણછોડનગરમાં બે સ્કૂલ અને પ્લે હાઉસ નું સંચાલન કરે છે. અને ખાસ તો,,,,અમારી જેમ જ પ્રિય મોરારિબાપુ ના અનન્ય flowers છે.
થોડીવાર ગપસપ કરીને બરાબર બાર વાગ્યા એટલે તેઓએ એક ગિફ્ટ પેક ખોલ્યું ને મને ભેટ ધર્યું.. જ્યારે અયોધ્યામાં રામ લલ્લાના દર્શન સૌને થઈ રહ્યાં હતાં ત્યારે જ તે ઘડીએ જ પ્રેમમંદિરે અમારા પ્રિય પરિશ્રમી વિદ્યાર્થી પરેશ અને પરિજનોએ મારા હાથમાં શ્રી રામ મંદિર, અયોધ્યાની ધાતુની વજનદાર પ્રતિકૃતિ મૂકી…અમે ઉપસ્થિત સૌ ગદગદિત હતાં અને અવાચક પણ!!
શ્રી રામ આમ પ્રેમમંદિરે પધારશે તેવી તો કલ્પના ય ક્યાંથી હોય ?? હું તો શ્રી મોદીજી જેટલો જ ઉત્સાહિત હતો..અને છું પણ…
આજની શિક્ષા વ્યવસ્થામાં પણ આવા વિદ્યાર્થીઓ દીવાદાંડી સમાન છે કે જે પૂરા આદરથી સતત શિક્ષક દંપતિની સાથે ને સાથે જ છે.
એક વાત ખાસ નોંધું: શ્રી પરેશ પરિવાર પોતાની સાથે મારા માટે શરદી અને તાવના ઉપચાર સમ ટેબ્લેટ પણ લાવેલા અને ટેબ્લેટ લીધા પછી પીવા માટે ફ્રેશ ફ્રૂટ જ્યુસ પણ…!!!
પ્રેમમંદિરે થી જ્યારે તેઓએ મગજની પ્રસાદી લઈને વિદાય લીધી ત્યારે અમને અયોધ્યા જઈ આવ્યા જેટલો સંતોષ હતો.
ભદ્રાયુ (પ્રેમમંદિરેથી)
by Santulan | Jan 23, 2024 | વિશેષ લેખ |
by Santulan | Jan 21, 2024 | વિશેષ લેખ, શબ્દ સૃષ્ટિ :: ઓક્ટોબર : 2023 માટે દીર્ઘ લેખ |
by Santulan | Dec 29, 2023 | વિશેષ લેખ, શબ્દ સૃષ્ટિ :: ઓક્ટોબર : 2023 માટે દીર્ઘ લેખ |
by Santulan | Sep 24, 2023 | વિચાર વલોણું, વિશેષ લેખ |
જિંદગી અભ્યાસક્રમ મુજબ જીવી શકાય ખરી ?
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
ઉપનિષદમાં એક કથા આવે છે. આઠ – દસ વરસનો એક છોકરો હાથમાં સમિધા લઈને, ‘સમિતપાણી’ થઈને ગુરુ પાસે ગયો અને તેણે કહ્યું : ‘હું જ્ઞાન માટે આવ્યો છું.’ ગુરુએ તેને કહ્યું કે : ‘આ ૪૦૦ ગાયોને ચરાવવાનું કામ કર અને તેની જયારે હજાર ગાય થઈ જાય ત્યારે મારી પાસે જ્ઞાનને માટે આવજે.’ ૪૦૦ ગાયોની હજાર થવામાં બે – ત્રણ વરસ લાગી જાય, એટલે કે તે દસ વરસના છોકરાને બે – ત્રણ વરસની યોજના આપી દીધી. બે – ત્રણ વરસે એ પાછો આવ્યો, ત્યારે ગુરુએ તેની સામે જોયું અને પૂછ્યું : તારો ચહેરો તો તેજથી ચમકી રહ્યો છે. કેમ રે, તને કંઈક જ્ઞાન મળ્યું હોય એમ લાગે છે.’ ત્યારે શિષ્ય બોલ્યો : “જ્ઞાન તો ગુરુ કૃપાથી જ મળે. એ તો મને તમારી પાસેથી જ મળશે.’ ગુરુએ કહ્યું : ‘એ તો ખરું, પણ તારા ચહેરા ઉપર જ્ઞાનની ચમક દેખાય છે, તો શું તને કોઈએ કાંઈ જ્ઞાન આપ્યું ?” શિષ્યે જવાબ આપ્યો : “અન્યે મનુષયેભ્ય: – મને કોઈ માણસે નહીં, કોઈ બીજાઓએ જ્ઞાન આપ્યું.”
તેને બળદે કંઈક જ્ઞાન આપ્યું, હંસે આપ્યું, અગ્નિએ આપ્યું અને મગદુ નામના પક્ષીએ આપ્યું. આ ચારેય જણે તેને શું – શું જ્ઞાન આપ્યું, તેનું વર્ણન ઉપનિષદમાં છે. પછી ગુરુએ કહ્યું : ‘તને જે જ્ઞાન મળ્યું છે, તે બહુ સારું છે.’ પછી જે મળ્યું હતું તેની પૂર્તિમાં જે કહેવાનું હતું, તે ગુરુએ તેને કહ્યું. તાત્પર્ય એ છે કે ઉપનિષદોના ગુરુ વિદ્યાર્થીઓને ઊંચી દીવાલોની અંદર નહોતા રાખતા, એમને તો કુદરત વચ્ચે મૂકી દેતા. ભગવાનના એ ખુલ્લાં દરબારમાં જ્ઞાન દેનારા અસંખ્ય ગુરુઓ હાજરાહજૂર છે..! પહેલાંના જમાનામાં આપણે ત્યાં વિદ્યા શહેરોમાં નહીં ; નદી કાંઠે, જંગલોમાં કે દુર્ગમ સ્થાનોમાં પાંગરી હતી. તેનો સંબંધ રોજબરોજ જીવાતા જીવન સાથે અને કુદરત સાથે રહ્યો હતો.
શિક્ષણનો અભ્યાસક્રમ કેવો હોઈ શકે, તેનો બહુ ઊંડાણથી વિચાર વેદકાળથી થતો આવ્યો છે. ચાર વેદ તથા છ વેદાંગોમાં ઘણી બધી વિદ્યાનો સમાવેશ થઈ જાય છે. શિક્ષણ વિષયક છ અંગો આ રહ્યા :
(૧) શારીરિક (શિક્ષણ) : રસોઈ કરવી, સફાઈશાસ્ત્ર, દળવું, પાણી ભરવું, અન્ય વ્યાયામ, આરોગ્યશાસ્ત્ર
(૨) ઔદ્યોગિક (કલ્પ) : વણાટ, ખેતી, સુથારીકામ, લુહારી કામ, સિલાઈ કામ
(૩) ભાષાકીય (વ્યાકરણ) : સંસ્કૃત, હિન્દુસ્તાની, સ્વભાષા, પરભાષા
(૪) સામાજિક (નિરુક્ત) : રાજકારણ, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ઈતિહાસ વગેરે…
(૫) કલાવિષયક (છંદસ) : સંગીત, ચિત્રકળા વગેરે.
(૬) વ્યવહારિક (જ્યોતિષ) : અંક – બીજ – રેખા ગણિત, જમા – ખર્ચ, ભૂગોળ, આધિભૌતિક વિજ્ઞાન વગેરે.
શિક્ષણના આ મુખ્ય છ અંગો છે. આ બધી બાબતોમાં ઓછું – વત્તુ ખેડાણ આપણે ત્યાં પહેલેથી થતું આવ્યું છે… પણ આજે આપણે તેના માળખાગત – ચોકઠાબદ્ધ – ક્રેડિટબંધા અભ્યાસક્રમો રચવામાં એવા રત થઈ ગયા છીએ કે ‘તે શા માટે ?’ નું હાર્દ મરી જાય છે અને ‘તે આ જ રીતે..’ ની જડતા ઘર કરી જાય છે. અભ્યાસક્રમમાં છે એટલે ભણાવવાનું છે કે પછી જીવનની કિતાબમાં આનો અનુભવ થવાનો છે એટલે શીખવાનું છે… તેની સ્પષ્ટતા નથી. શિક્ષણની, તેના અભ્યાસક્રમની આદર્શ પદ્ધતિ એ છે કે વિદ્યાર્થીને એમ લાગે જ નહીં કે હું શિક્ષણ મેળવી રહેલ છું અને શિક્ષકને એમ લાગે નહીં કે હું શિક્ષણ આપી રહેલ છું ! શિક્ષણ સહજ પ્રક્રિયા છે. સૂર્ય પ્રકાશ આપતો નથી, તેની પાસેથી સહજ જ પ્રકાશ મળતો રહે છે. શિક્ષણનું ય આવું જ થવું જોઈએ. એકદમ શરૂઆતમાં મા બાપ પાસેથી બાળકને સહજ સંસ્કાર મળવા જોઈએ અને પછીના દરેક તબક્કે અત્યંત સહજપણે તેનું શિક્ષણ ચાલવું જોઈએ.
ઘરમાં મા, ‘વગર અભ્યાસક્રમની’ પહેલી ગુરુ… મા નો અભ્યાસક્રમ એટલે ‘અભી આયા સો ક્રમ..’ તે ત્રણ ઉદાહરણોથી જાણીશું,,, આપણને થશે કે અભ્યાસક્રમ વગરના ઉદાહરણો જીવન શિક્ષણનાં…? પણ આ રહ્યા…
(૧) એમના ઘરમાં ફણસનું એક ઝાડ. ફણસ મોટું મસ્સ ફળ. ઘણી બધી પેશીઓ એમાં હોય. બાળકોને ખૂબ ભાવે. ઝાડ ઉપર હજુ પાકતું હોય ત્યાં બાળકોના મ્હોંમાં પાણી લાવે. રાહ જોઈને જ બાળકો દિવસો ગણે. ઝાડ ઉપરથી જેવું ફળ ઊતરે કે તરત બાળકો માને વીંટળાઈ વળે. પણ બાળકોના મોંમાં પેશી જાય તે પહેલાં મા બબ્બે પેશી વાડકીમાં મૂકી વિનીયાને આપે, દત્તુને આપે ને કહે : ‘બેટા, પડોશમાં દઈ આવ. ફણસ આપણા ઘરમાં ઉગ્યું પણ તેનો પડછાયો તો ત્યાં ય પડેલો ને ?’ બાળકોને પછી પેશી પીરસતાં મા સાદી ભાષામાં સમજાવતી કે, જુઓ બેટા, તમને રાક્ષસ થવું તો ન ગમે તે ? દેવ થવું સૌને ગમે. જે પોતાની પાસે રાખી મૂકે તે ‘રાક્ષસ’ અને બીજાને જે ‘દે’ તે ‘દેવ’.. વિનીયો તે વિનોબાજી ! તેઓ કહેતાં : ‘બીજાને આપવાનો આનંદ, ખવડાવીને ખાવાનો સંસ્કાર મને મા પાસેથી મળ્યો. ભૂદાનનું મૂળ પણ આમાં જ છે.’
(૨) મા વિનીયાને રોજ જમતાં પહેલાં પૂછતી – ‘વિન્યા, તુલસીને પાણી પાયું ? ગાયને રોટલી આપી ? કાગને કંઈ આપ્યું ?’ આટલું રોજ પૂછતી મા એ વિનોબાજીને કહ્યા વગર | ત્યેન ત્યક્તેન ભૂંજી થાઃ | સમજાવી દીધું.
(૩) પિતાજીની વડોદરામાં નોકરી. વિનાયક દસ વર્ષનો થયો ત્યાં સુધી કુટુંબ ગાગોદરામાં રહેતું. દિવાળીમાં પિતાજી ઘેર આવે ત્યારે બાળકો મીઠાઈની રાહ જોતાં હોય. એકવાર પિતાએ આણેલું પેકેટ લઈ વિન્યો દોડતો દોડતો મા પાસે પહોંચ્યો. મા એ ખોલીને જોયું તો બે પુસ્તક : રામાયણ અને ભાગવત ! મા કહે – ‘બેટા, તારા બાપુ તો મજાની મીઠાઈ લાવ્યા છે. આનાથી રુડી બીજી કઈ મીઠાઈ હોઈ શકે ?’ મોટાં થયા પછી પણ વિનોબાજીને સુંદર પુસ્તક કરતાં વધારે સારી મીઠાઈ કોઈ લાગતી નહીં…!
આ ત્રણ ઉદાહરણોમાં મા એક ઉત્તમોત્તમ શિક્ષક નીવડે છે અને અહીં ક્યાં છે અભ્યાસક્રમ, પણ છતાં છે ને શિક્ષણ, જીવનભરનું શિક્ષણ…? એટલે પ્રશ્ન થાય કે જિંદગી અભ્યાસક્રમ મુજબ જીવી શકાય ખરી ?
અભ્યાસક્રમ એટલે શું ? ‘મારે શું શીખવવાનું છે અને મારે આ શા માટે શીખવવાનું છે,’ તેની પૂર્ણ સ્પષ્ટતા…કેવી સ્પષ્ટતા ? એકવાર કોઈએ વિનોબાજીએ પૂછ્યું : ‘શિક્ષણમાં સંગીત અને ચિત્રકળાનો ઉદ્દેશ શો ?’ જવાબ મળ્યો તે વાંચજો એટલે ‘પૂર્ણ સ્પષ્ટતા’ મળી જશે : ‘આ દુનિયામાં ભગવાનના નામ અને રૂપ, એ જ બે પ્રગટ થયા છે, બાકી ઈશ્વર તો અવ્યક્ત છે. સંગીત દ્વારા ઈશ્વરનું નામ ગવાય અને ચિત્રકળા દ્વારા ઈશ્વરનું સ્વરૂપ ચીતરાય, એટલે શિક્ષણમાં બંનેને મહત્વનું સ્થાન હોય !’ શીખતાં શીખતાં જીવીએ તો અભ્યાસક્ર્મની જરૂર પડે, પણ જીવતાં જીવતાં શીખીએ તો ? તો જિંદગી એક વણલખ્યો અભ્યાસક્રમ બની રહે કે નહિ,,હા કે ના, ?
by Santulan | Sep 24, 2023 | વિશેષ લેખ |
કબૂતર અને પિંગલા ગણિકા પણ આપણા ગુરુ બની શકે.
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmil.com
મહર્ષિ વેદ વ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણમાં દ્વિતીય ખંડના ૧૧ માં સ્કંદમાં બહુ જ વિસ્તૃત રીતે ગુરુ અને ગુરુની સંકલ્પના સ્પષ્ટ કરવામાં આવી છે. આપણે જાણીએ છીએ કે ગુરુ દત્તાત્રેયજીને ચોવીસ ગુરુઓ હતા. આપણને આશ્ચર્ય થાય કે એટલા બધા ગુરુઓ ? પણ જો એ ચોવીસ ગુરુઓની વાત સાંભળીએ કે જાણીએ તો આપણને ખ્યાલ આવે કે આ બધા જ ગુરુપદ પ્રાપ્ત કરવા માટે સમર્થ ચરિત્રો છે. જયારે ભગવાન શ્રી કૃષ્ણએ વિનમ્રભાવે મસ્તક ઝુકાવીને મહાભાગ્યશાળી અવધૂત દત્તાત્રેયજીનું સન્માન કર્યું ત્યારે તેમને પુછાયેલો પ્રશ્ન અને તેનો જવાબ આપણા લેખનું હાર્દ બની રહેશે.
ગુરુ દત્તાત્રેયજીએ કહ્યું, હે રાજન મેં મારી બુદ્ધિથી ઘણા ગુરુઓનો આશ્રય લીધો છે. તેમની પાસેથી બોધ ગ્રહણ કરીને હું આ જગતમાં મુક્તભાવે ઈચ્છા પ્રમાણે ફરું છું. તે ગુરુઓના નામ અને તેમની પાસેથી ગ્રહણ કરેલો બોધ સૌએ જાણવા યોગ્ય છે. મારા ગુરુઓના નામ છે પૃથ્વી, વાયુ, આકાશ, જળ, અગ્નિ, ચંદ્રમા, સૂર્ય, કબૂતર, અજગર, સમુદ્ર, પતંગિયું, મધુમક્ષિકા, હાથી, મધપૂડા લૂંટનાર પારઘી, હરણ, માછલી, પિંગલા, ટિટોડી , બાળક, કુંવારી કન્યા, બાણ બનાવનારો , સર્પ, કરોળિયો અને ભમરી આ ચોવીસે ગુરુઓ પાસેથી ગુરુશ્રી દત્તાત્રેયજીએ જીવનના આચરણના પાઠ શીખ્યા છે.
આપણે બે ગુરુઓની કથા જાણીએ અને તેને ગુરુ શા માટે ગણવા તેની સ્પષ્ટતા મેળવીએ.
કબૂતર અને કબુતરીનું દ્રષ્ટાંત વિસ્તૃત રીતે સમજાવીને કબૂતર શા માટે ગુરુ બની શકે એના અંગે વાત કરવામાં આવી છે. ક્યાંય કોઈની પણ સાથે વિશેષ સ્નેહ અથવા આસક્તિ કરવી જોઈએ નહીં અન્યથા તેને કબુતરની જેમ રાખ બનીને અત્યંત દુઃખી થવું પડે છે. કથા આ મુજબ છે :: કોઈ જંગલમાં એક કબૂતર રહેતું હતું. તેણે એક વૃક્ષ પર પોતાનો માળો બનાવ્યો. પોતાની માદા કબૂતરી સાથે તે ઘણા વર્ષો સુધી તે જ માળામાં રહ્યો. તે યુગલ કબૂતરોના હૃદયમાં અવિરત એકબીજા માટેના સ્નેહમાં વૃદ્ધિ થતી રહેતી હતી. તે ગૃહસ્થધર્મમાં એટલા આસક્ત થઇ ગયા કે તેમણે એકબીજાની દ્રષ્ટિથી દ્રષ્ટિ, અંગથી અંગ અને બુદ્ધિથી બુદ્ધિને બાંધી રાખ્યા. તેમને એકબીજા પર એટલો વિશ્વાસ બેસી ગયો કે તેઓ નિઃશંક થઈને ત્યાંની વૃક્ષતામાં એક સાથે સુઈ જતા, બેસતા, હરતા ફરતા, રમતા, વાતચીત કરતા અને ખાતાંપીતાં હતા. કબૂતરી ઉપર કબૂતરનો એટલો પ્રેમ હતો કે તે કાંઈ ઈચ્છતી તો કબૂતર ભારે કષ્ટ ઉઠાવીને તેની કામના પુરી કરતો. તે કબૂતરી પણ કબૂતરને પોતાના સુંદર ભાવોથી હંમેશા ખુશ રાખતી હતી. સમય આવ્યે કબુતરીને પ્રથમ ગર્ભ રહ્યો. તેણે તેના પતિની સમક્ષ જ રહીને માળામાં ઈંડા મૂક્યા. ભગવાનની અચિંત્ય શક્તિથી યથા સમય એ ઈંડા ફૂટ્યા અને ઈંડામાંથી અવયવોવાળા અત્યંત કોમળ બચ્ચા નીકળ્યા. હવે તે કબૂતર કબૂતરીની આંખો પોતાના બચ્ચા ઉપર મંડાઈ રહી. તેઓ ખુબ જ પ્રેમથી તેમના બચ્ચાનું લાલન પાલન, લાડપ્રેમ કરતા અને તેમની અસ્પષ્ટ મધુર બોલી અને કાલા કાલા ભાષણોથી આનંદમગ્ન થઇ જતા. આ પ્રમાણે આનંદમાં ડૂબીને તેમના સુકોમળ પીછાઓને સ્પર્શ કરતા. તેમનો કલરવ અને મુગ્ધ ચેષ્ટાઓને જોઈજોઈને તેમને અત્યંત આનંદ આવતો જયારે તેઓ ઉછળી ઉછળીને પોતાના મા બાપની પાસે દોડી આવતા ત્યારે આ બંને ખુબ આનંદિત થઇ જતા. આ પ્રમાણે તે કબૂતર અને કબૂતરી ભગવાનની માયાથી મોહિત થઇ ગયા. તેમનું હૈયું એકબીજાના સ્નેહથી બંધાયું. તે રાંક બુદ્ધિવાળું કબૂતર દંપતિ પોતાના નાના નાના બચ્ચાના પાલન પોષણમાં એટલું વ્યગ્ર થઇ ગયું કે તેમને દિવસ કે દુનિયા, લોક કે પરલોકનું સ્મરણ રહ્યું નહીં.
એક દિવસ બંને નર માદા પોતાના બચ્ચા માટે દાણા લેવા જંગલમાં ગયા કેમ કે એનો પરિવાર મોટો થઇ ગયો હતો. તેઓ દાણા માટે લાંબો સમય જંગલમાં ફરતા રહ્યા. આ બાજુ એક શિકારી ફરતો ફરતો સંયોગવશ તેમના માળા તરફ આવી ચડયો તેણે જોયું કે માળાની આજુબાજુ કબુતરના બચ્ચા ઉછરી રહ્યા છે. તેણે જાળ નાખીને બચ્ચાને પકડી લીધા. કબૂતર કબૂતરી બચ્ચાને ખવડાવવા પીવડાવવા માટે હંમેશા ઉત્સુક રહેતા. હવે તો દાણા લઈને પોતાના માળા પાસે આવ્યા. કબુતરીએ જોયું કે તે નાના બચ્ચા, તેના હૃદયના ટુકડા તો શિકારીની જાળમાં ફસાયા છે અને દુઃખથી ચીસો પડી રહ્યા છે. તેમને આવી સ્થિતિમાં જોઈને કબુતરીના દુઃખનો પાર ન રહ્યો. તે રડતી, ચીસો પાડતી તેની પાસે દોડી ગઈ. ભગવાનની માયાથી તેનું ચિત્ત અત્યંત દુઃખી થઇ ગયું. તેની સ્મૃતિ ચાલી ગઈ અને સ્નેહપાશમાં જકડાયેલી હોવાથી અને પોતાના બચ્ચા જાળમાં ફસાયેલા જોઈને તે પોતે પણ જાળમાં ફસાઈ ગઈ.
હવે કબૂતરે જોયું કે મારા પ્રાણથી પણ પ્રિય બચ્ચા જાળમાં ફસાયા અને મારી પ્રાણ પ્રિય પત્ની પણ એ જ દશાને પ્રાપ્ત થઇ ગઈ ત્યારે તે અત્યંત દુઃખી થઈને વિલાપ કરતા કરતા ‘હું અભાગ્યો છું, મંદ બુદ્ધિ છું. અરે, મારું તો સત્યાનાશ થઇ ગયું ! જુઓ તો ખરા. ન મને હજી તૃપ્તિ થઇ અને ન મારી તૃષાઓ પૂરી થઇ ત્યાં સુધીમાં તો મારા ધર્મ, અર્થ અને કામનું મૂળ એવો મારો ગૃહસ્થાશ્રમ જ નષ્ટ થઇ ગયો, મારી પ્રાણપ્રિય તો મને જ પોતાનો ઇષ્ટદેવ સમજતી હતી, મારી દરેક વાત માનતી હતી, મારા ઈશારે નાચતી હતી તે બધી રીતે મારે યોગ્ય હતી. આજે તે મને સૂના ઘરમાં છોડીને અમારા સીધા સાદા નિષ્કપટ બચ્ચાની સાથે સ્વર્ગે સિધાવી રહી છે, મારા બચ્ચા મરી ગયા, મારી પત્ની જઈ રહી છે, મારું હવે સંસારમાં શું કામ છે ? મુજ ગરીબનું આ વિધુર જીવન દુઃખમય જ છે. હવે હું આ સૂના ઘરમાં કોના માટે જીવું ??’ કબુતરના બચ્ચા જાળમાં ફસાઈને તરફડી રહ્યા હતા અને સ્પષ્ટ દેખાતું હતું કે તેઓ મોતના મુખમાં છે પરંતુ તે મૂર્ખ કબૂતર આ બધું જોવા છતાં પણ વિવેક ભૂલીને સ્વયં પણ જાણી જોઈને જાળમાં કૂદી પડયું.
પારઘી ઘણો ક્રૂર હતો. સંસારમાં આસક્ત કબૂતર, કબૂતરી અને તેમના બચ્ચા મળી જવાથી તે ઘણો રાજી થયો. તેણે જાણ્યું કે મારું કામ થઇ ગયું અને તે તેમને લઈને ચાલવા માંડયો. કબૂતર અને કબુતરીના આ દ્રષ્ટાંત પરથી તેમને ગુરુ ગણવાનું કારણ એટલું જ કે આ પ્રકારે જે ગૃહસ્થ વિષયોમાં જ સુખ શોધતો ફરે છે અને જેનું ચિત્ત ચંચળ બનેલું છે તે પોતાના પરિવારના ભરણપોષણમાં વ્યસ્ત રહીને કબૂતર દંપતિની જેમ પરિવાર સહિત દુઃખી થાય છે. તે માટે જે આ શરીર મળ્યું છે તે મુક્તિનું ખુલ્લું દ્વાર છે. તેને પ્રાપ્ત કરીને પણ જે મનુષ્ય આત્મકલ્યાણ માટે પ્રયત્ન કરતો નથી અને ઘર પરિવારમા કબૂતર દંપતિની જેમ આસક્ત રહે છે તે મનુષ્ય ઉન્નત પદને પ્રાપ્ત કરીને પણ પુનઃ નીચે પડે છે એમ માનવું, શાસ્ત્રની ભાષામાં તે આરૂઢચ્યુત કહેવામાં છે.
પ્રાચીન સમયની વાત છે. વિદેહનગરી મિથિલામાં એક વેશ્યા રહેતી હતી, એનું નામ પિંગળા હતું. પિંગળા પાસેથી પણ બોધ ગ્રહણ કર્યો એની વાત આપણે જાણીએ. તે વેશ્યા સ્વૈચ્છાચારિણી તો હતી જ અને રૂપાળી પણ હતી. એક દિવસ કોઈ પુરુષને પોતાના સ્થાને લાવવા માટે ખુબ બની ઠનીને ઉત્તમ વસ્ત્રાભૂષણથી સજીધજીને ઘણી વાર સુધી પોતાના ઘરના દરવાજા ઉપર ઉભી રહી, શ્રેષ્ઠ પુરુષને શું હતું ? ધનની કામના હતી તેથી તે અર્થલોલુપ સ્ત્રી કોઈ પણ પુરુષને તે તરફ આવતો જોઈને એવું વિચારતી કે આ પૈસાદાર છે, મને પૈસા આપીને ઉપભોગ કરવા માટે જ આવી રહ્યો છે, તે સંકેતથી જીવનારી પિંગળા પછી જયારે બીજા પુરુષને આવતો જોતી ત્યારે એવું માની લેતી કે આ તો મારી પાસે જ આવી રહ્યો છે અને મને ખુબ પૈસા આપશે પરંતુ જયારે ત્યાંથી તે આગળ નીકળી જતો ત્યારે તે એવું વિચારતી કે હવે તો નક્કી કોઈ બીજો ધનવાન મારી પાસે આવશે અને નક્કી મને ખુબ વધારે પૈસા આપશે. પિંગળાનાં ચિત્તની આવી દુરાશા વધતી જ જતી હતી તે દરવાજા પર ઘણા લાંબા સમય સુધી નિંદ્રાનો ત્યાગ કરીને રાહ જોતી રહી તે ક્યારેક અંદર જતી તો ક્યારેક બહાર આવતી. આ રીતે મધ્ય રાત્રી વીતી ગઈ ખરેખર આશા અને તે પણ ધનની આશા અત્યંત હીન છે. ધનવાનની રાહ જોતા જોતા તેનું મોઢું સુકાઈ ગયું, ચિત્ત વ્યાકુળ થઈ ગયું. હવે તેને આ ધંધા ઉપર ભારે વૈરાગ્ય થયું તેમાં તેને દુઃખબુદ્ધિ થઈ ગઈ. આ વૈરાગ્ય જ એના સુખનું કારણ બની ગયું. જયારે પિંગળાનાં ચિત્તમાં આ પ્રકારની વૈરાગ્યની ભાવના જાગૃત થઈ ત્યારે તેના મુખમાંથી એક ગીત સરી પડયું અર્થાત તેના અંતરના જે ઉદગાર નીકળ્યા તે આ પ્રમાણે હતા : ‘વૈરાગ્ય જ આશારૂપી ફંદાને કાપવાવાળું દ્રઢ શસ્ત્ર છે. વૈરાગ્ય વિના મનુષ્યના દુઃખોની નિવૃત્તિ થતી નથી. જેને વૈરાગ્ય થયો નથી, જેને આ ઝંઝટમાંથી કંટાળો, અણગમો થયો નથી અને જે શરીર અને તેના બંધનને એ રીતે કાપવા ઈચ્છતો નથી જેમ અજ્ઞાની પુરુષ મમતાને છોડવા ઈચ્છતો નથી.’ પિંગળાએ જે ગીત ગયું એનો સાર એવો હતો કે હું ઇન્દ્રિયોના વશમાં થઈ ગઈ છું. મારી મૂર્ખતા અને મારા મોહનો વિસ્તાર જુઓ કે પરાયા પુરુષને કાંત પ્રિયતમ કહીને તેની કામના કરવા લાગી છું . મારો પરમ પ્રિયતમ શાશ્વતરૂપે મારી પાસે જ છે, તે પરમાનંદ સ્વરૂપ છે, સુખ પ્રદાન કરનારો પણ છે તથા લક્ષ્મીનો પતિ હોવાથી સંપત્તિ પણ આપનારો છે આવા મારા જ હૃદયમાં બિરાજેલા ભગવાનની હાજરીમાં તેમને છોડીને જેઓ ઈચ્છા મુજબ ભોગ સંપાદન કરવામાં પણ અસમર્થ છે તથા દુઃખ, ભય, આધિ, વ્યાધિ, શોક અને મોહ ઉપજાવનારા છે એવા લોકોનું મેં સેવન કર્યું તેથી હું મૂર્ખ છું.
અંતમાં કહેવાયું કે મેં આટલા બધા ગુરુઓ પાસેથી બોધ લીધો છે, હવે હું મારા શરીર પાસેથી જે કાંઈ શીખ્યો છું તે તમને કહું છું. મારો આ દેહ પણ મારો ગુરુ છે. તે મને વૈરાગ્ય અને વિવેકનો ઉપદ્દેશ આપે છે. એ તો જન્મે છે અને મરે છે પરિણામે તેની સાથે સદા દુઃખ જ વળગેલું છે પરંતુ સૌથી મોટો લાભ તેનાથી એ જ છે કે આ દેહથી જ હું પરમાત્માનું ચિંતન કરું છું. એ તો નિશ્ચિત જ છે કે આ શરીર એક દિવસ માટીમાં ભળી જશે તેથી તે આપણું નથી, પ્રકૃતિનું જ છે, તેથી હું આ દેહથી પણ અસંગ થઈને વિચરણ કરતો રહું છું. જ્ઞાનીએ પોતાના વિવેક દ્વારા જાણી લેવું જોઈએ કે આ મનુષ્ય શરીર કે તે અત્યંત દુર્લભ છે ઘણા જન્મો બાદ ભગવાનની અપાર કૃપાથી મળ્યું છે. તેના દ્વારા જ પરમ પુરુષાર્થ સ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે છે.
by Santulan | Sep 24, 2023 | વિશેષ લેખ |
ગાંધીજીની ઉત્તમ ભેટ ‘નઈ તાલીમ’નાં શ્રી ગણેશ તો 1937થી થયાં છે.!
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
”ભારતને મારા જીવનની આ મોટામાં મોટી ભેટ છે.” આ ઉદગારો નઈ તાલીમ વિષે ગાંધીજીએ કાઢેલા છે. ગાંધીજી સત્યાગ્રહી તરીકે માપીતોળીને વેણ કાઢતા. એમણે જ્યારે આ કહ્યું હોય ત્યારે નઈ તાલીમના હાર્દમાં નમ્રભાવે ઊતરવું જોઈએ.
આખરે નઈ તાલીમનું કેન્દ્રસ્થ તત્વ કયું છે ?
શિક્ષણનું કાર્ય એવી રીતે ચાલવું જોઈએ કે વિદ્યાર્થીને અનુભવ અને શબ્દ દ્વારા મળતું જ્ઞાન જોડાજોડ મળે; ખાસ કરીને પહેલાં સાત ધોરણમાં તો આ બેને અલગ પાડવાં જ નહિ.
જીવનની શરૂઆતના કાળમાં જ્યારે બાળક પહેલાં પગલા ભરતું હોય ત્યારે અનુભવ આપીને શબ્દ આપવા પર ભાર દેવો, અનુભવના પાયા વિનાનું જ્ઞાન ન આપવું તે વાત સમજવી જરૂરી છે.
આપણે થોડા દાખલા લઇએ, માનો કે એક અનાથ બાળકની મા છેક બાળપણમાં જ ગુજરી ગઇ છે, અને તેની માસીએ તેને માતાના વાત્સલ્યથી મોટો કર્યો છે. માની કશી ખોટ વરતાવા નથી દીધી. હવે આ બાળક જ્યારે શાળામાં માતા પરની કવિતા ભણશે ત્યારે તેના હૈયામાં કોની મુર્તિ ખડી થશે ? માસીની. માસી તે મા નથી. મા તો ગુજરી ગઇ છે, પણ મા શબ્દ સાથેનો જ સંકેત છે તે સંકેત તેને માસી પાસે દોરી જવાનો, કારણ કે અનુભવ માસીનો છે.
કોઈ અનાથાશ્રમના વત્સલ ગૃહપતિની પ્રેમાળ છાયામાં ઉછરેલ બાળક જયારે પિતા પરની કવિતા ભણશે ત્યારે તેને ગૃહપતિ યાદ આવશે.
નઈ તાલીમ આ પરથી એટલું જ કહે છે કે અનુભવ મહત્વનો છે. ડબ્બા પર લેબલ શું છે તે મહત્ત્વનું નથી, અંદર શું છે તે મહત્ત્વનું છે.
શ્રી મનુભાઈ પંચોલી ‘દર્શક’ નઈ તાલીમનું હાર્દ સ્પષ્ટ કરતા કહે છે કે…’શ્રમ કરાવવો જોઈએ એવું હું નથી કહેતો. એ વાત તો શિક્ષણથી સાવ વિરુદ્ધ જ છે. શિક્ષક કોઈ દિવસ એમ નહિ કહી શકે કે આ કરાવવું જોઈએ. આવું બોલે એટલે શિક્ષક મટી ગયો ને જમાદાર થઈ ગયો. નાનાભાઈ ભટ્ટે કેળવણીનું આ શાસ્ત્ર એક પ્રસંગમાં જ મને સમજાવી દીધું. હું તો કંઈ ખાસ ભણ્યોગણ્યો છું નહિ. હું તો એમની પાસે બેસીને કેળવણીનું શાસ્ત્ર કંઈક સમજ્યો. જેવું આવડયું એવું કામ કર્યું. કોલેજ કે જી.બી.ટી.સી.નાં પગથિયાં જ નથી જોયાં ને ! પર આપણું તો થઈ ગયું સીતારામ. પણ એટલા પૂરવજનમનાં પુણ્ય કે હું નાનાભાઈ પાસે ગયો.
દક્ષિણામૂર્તિમાં હું સાવ નવોસવો. બીજે પાંચ-સાત ગૃહપતિઓ હતા. મારી આગળના ગૃહપતિ મહાદેવ.. નાનાભાઈની ઓફિસ મેડી ઉપર હતી. નીચે કંપાઉન્ડમાં એક છોકરાને મહાદેવ કહે : ‘કેમ તમે નથી વાળ્યું ? મેં કેટલી વાર કહ્યું તમને ? હું આ બિલકુલ નહિ ચલાવી લઉં. ચાલો, વાળી નાખો. તમારે આ વાળવું જ પડશે.”
નાનાભાઈ ઉપર બેઠેલા, એની મહાદેવને ખબર નહીં. નાનાભાઈએ આ સાંભળ્યું. એટલે બારણામાં ઊભા રહી, તાળી પાડી, ધીમેથી કહ્યું – “મહાદેવ, મહાદેવ.”
એટલે પેલા ભાઈ ઉપર આવ્યા. નાનાભાઈ કહે – “તમે શિક્ષક છો.”
મહાદેવ કહે : “નાનાભાઈ ! મેં એને ત્રણ-ચાર વાર કહ્યું. વાળે જ નહિ.. પછી શું કરવું ?”
“મહાદેવ ! મેં તમને છોકરાઓ પાસે છાત્રાલય વળાવવા રાખ્યા નથી. એ તો હું વીસ રૂપિયાનો જમાદાર રાખું તો પણ થઈ જાય. તમને આ પચાસ રૂપિયા શેના આપું છું ? તમે શિક્ષક છો. તમારે એને એ જાતે સમજીને વાળતો થાય તેમ કરવાનું છે.”
આપણા રામ તો સાંભળી જ રહ્યા ! ત્યારે ખબર પડી કે શિક્ષક થવું કેટલું આકરું છે. અને તે પછી ખબર પડી કે શા માટે લોકો શિક્ષકને માન આપે છે . કારણ કે એ કોઈની પાસે કામ કરાવતો નથી. પણ કામ કરતા કરવાની મનોવૃત્તિ જગાડે છે. એથી વિદ્યાર્થી તમે હાજર હો તો પણ કરે. અને તમે હાજર ન હો તો પણ કરે, અહીંયાં ન હો તો પણ કરે અને વિલાયમાં હો તો પણ કરે. એની ઉપર કોઈએ ચોકી રાખવાની જરૂર નથી, શિક્ષક સ્વયંશાસન, આત્મ-વિવેચન કે આત્મદર્શનથી સર્જે છે.
અમને કહે કે હવે તમે છેલ્લા-પહેલી કરો. એટલે અમે છોકરાઓ એકબીજાને પૂછીએ. અઘરામાં અઘરું હોય એ જ પૂછીએ. ‘નકશામાં ગંડક નદી બતાવ.’ ગંગા પૂછે તો તો બતાવે. ગંડક કોણ પૂછે ? આના અનુસંધાનમાં મારા ચિત્તમાં એક કિસ્સો રહી ગયો છે. જે ઘણીવાર મને યાદ આવ્યા કરે છે..
અમરશી કરીને એક છોકરો હતો. સાવ ઠોઠ છોકરો ગણાય , એના મગજમાં આ શબ્દની દુનિયા ઝટ પેસે નહિ. એને મેં પૂછયું કે ગંડક બતાવ. એ ક્યાંથી બતાવે ? ત્યારે નિયમ એવો કે ન આવડે તેને તમાચો મારવાનો. એટલે મેં એને તમાચો માર્યો. એનું ઓશિયાળું મોઢું મારા મનમાં અંકાઈ ગયું. એ વખતે એ મારી સાથે ચોથી ચોપડીમાં હશે. ઘણાં વર્ષો પછી એકવાર ચૂંટણી અંગે હું એના ગામમાં ગયો. વચ્ચે કોણ જાણે ૧૫-૨૦ વરસ ગયા હશે. ગામમાં મેં સભા કરી. બધું પૂરું થયું. ત્યાં પેલો અમરશી મારી પાસે આવ્યો. મને કહે – “મનુભાઈ, મને ઓળખ્યો ? હું અમરશી.”
મને તો કોઈ દિ’ ભુલાયેલું જ નહિ. મને કહે – “મનુભાઈ, મારે ત્યાં જમવા આવો.”
મેં કહ્યું – “સારું.”
એ તો ભૂલી જ ગયો હશે બિચારો. કાં તો એને એમ જ લાગતું હશે કે જગતમાં આવું જ હોય બધે. બુદ્ધિશાળીઓનું આવું વર્તન આપણે ચલાવી લેવાનું. હું ગયો એને ઘરે જમવા. ઘણી વાતો કરી. કહે – “ભગવાનની મહેરબાનીથી બધું સારું ચાલે છે. ભાઈઓએ ભાગ વહેંચ્યા. મારે ભાગે દશ વીઘાં જમીન આવી’તી. એક બળદ આવ્યો’તો. ખૂબ મહેનત કરી. સગાંસાંઈની મદદ લીધી. આમ કર્યું, તેમ કર્યું. અત્યારે બે જોડી બળદ છે. ૩૦-૩૫ વીઘા જમીન છે. ભગવાનને પ્રતાપે લીલાલહેર છે મનુભાઈ.”
ત્યારે મને વિચાર આવ્યો કે આ માણસને ગંડક બતાવતાં નો’તુ આવડ્યું એટલે માટે મેં એને તમાચો માર્યો હતો. હવે એ માણસ જીવનમાં કેટલો સફળ થયો છે ? મારે ભાગે આવી સ્થિતિ આવી હોત તો હું તો પાણીમાં જ બેસી જાત. ને આણે તો સંસાર જમાવ્યો. મને અમરશીની વાતે નમ્ર બનાવ્યો.
નઈ તાલીમનું પગેરું
“અન ટુ ધિસ લાસ્ટ” પુસ્તકના લેખક રસ્કિનની ફિલસૂફીથી પ્રભાવિત ગાંધીજીને ઈ.સ. ૧૯૦૪માં જણાએલું કે…
(૧) બધાનાં ભલામાં આપણું ભલું રહેલું છે.
(૨) આજીવિકાનો હક બધાને એક સરખો હોવાથી વાળંદ અને વકીલના કામનું મૂલ્ય એક સરખું છે.
(૩) શ્રમિકનું, ખેડૂતનું જીવન જ ખરું જીવન છે. આ વિચારોએ ગાંધીજીને શિક્ષણ વિશેના પોતાના મૌલિક પ્રયોગો દ્વારા પરિવર્તન લાવવાની પ્રેરણા પૂરી પાડી.
ઈ.સ. ૧૯૦૪માં આફ્રિકામાં સ્થાપેલ ફિનિક્સ આશ્રમમાં ગાંધીજીએ પોતાના પરિવારના બાળકોના શિક્ષણ માટે મૌલિક પ્રયોગો શરૂ કરેલા. તેમણે કરેલા આ પ્રયોગોમાં મળેલી સફળતાથી પ્રેરાઈને તેમણે પોતાના આ વિચારો ઈ.સ. ૧૯૦૮ની સાલમાં લખેલ હિંદ સ્વરાજ પુસ્તકમાં રજૂ કર્યા. આમ, નઈ તાલીમનો જન્મ ગાંધીજીની શિક્ષણ-પ્રયોગશીલતામાંથી થયો છે.
તા. ૨૨-૨૩ ઓકટોબર ૧૯૩૭માં શ્રીમન્નારાયણજીએ ગાંધીજીના અધ્યક્ષસ્થાને વર્ધા મુકામે મારવાડી વિદ્યાલયની રજત જયંતી નિમિત્તે યોજેલા રાષ્ટ્રીય કેળવણીકારોના એક સંમેલનમાં ગાંધીજીએ બુનિયાદી શિક્ષણનો વિચાર વ્યવસ્થિત રીતે રજૂ કર્યો. ચર્ચાના અંતે સહુની સંમતિ સધાતા તેને રાષ્ટ્રીય કેળવણી તરીકે સ્વીકારવામાં આવી અને તેના અમલ માટે ડૉ. જાકિર હુસેનના અધ્યક્ષ સ્થાને એક સમિતિની રચના કરીને નઈ તાલીમના શ્રી ગણેશ કરવામાં આવ્યા.
૧૯૪૪ માં અંગ્રેજ સરકારે ગાંધીજીને જેલમાંથી છોડયા. તરત જ ગાંધીજીએ દેશના યુવાનોને નવી ચેતના અને દિશા દેવા માટે સેવાગ્રામ આશ્રમમાં બોલાવ્યા. ગાંધીજીએ યુવાનોને કહ્યું : નિરાશા છોડો, બહુ જલદી આપણે સ્વતંત્ર થઈશું. સ્વાતંત્ર્ય મળ્યા પછી સૌ પોતપોતાના કામમાં પડી જશે અને છેવાડાનો માણસ વિસરાઈ જશે. તેને કેળવણી આપી આત્મસન્માન કોણ અપાવશે ? સૌ ગામડાંમાં જાવ અને ગ્રામસેવા – ખાદી ગ્રામોદ્યોગ – શ્રમની કેળવણી દ્વારા વંચિતોને બેઠા કરો. ગામડાંમાં જવા માટે બાપુએ ત્રણ શરતો રાખી : ૧) ગામ નાનું, પાંચસોથી ઓછી વસતિવાળું હોય ૨) ગામમાં પ્રાથમિક શાળા ન હોય ૩) ગામ કોઈ સડક કે રોડ પર ન હોય અને રેલવે સ્ટેશનથી ઓછામાં ઓછું પાંચ કિમી દૂર હોય.. બસ, આ ત્રણ શરતો લઈને યુવાનો નીકળી પડયા. તેમાંથી સર્જન થયું ગ્રામ દક્ષિણામૂર્તિ-આંબલાનું, લોકભારતી – સણોસરાનું, લોકવિદ્યાલય – વાળુકડનું, વિશ્વમંગલમ – અનેરાનું, ગાંધી વિદ્યાપીઠ – વેડછીનું, સરદાર કન્યા વિદ્યાલય-સ્વરાજ આશ્રમ-બારડોલીનું, લોકશાળા – ખડસલીનું…અને ઉત્તર ગુજરાતમાં કેશુભાઈ ભાવસાર તો દક્ષિણ ગુજરાતમાં જુગતરામકાકાએ તો આહલેક જગાવી. આ અનેક સ્થાનકો એ સઘળાં ગાંધીની કલ્પનાના કેળવણીધામ ! ચારે તરફ વનરાજી, સાદા – સુઘડ મકાન, ખેલકૂદના વિશાળ મેદાનો, ગાયોની ઘંટડીનો મધુર અવાજ, કેસર કેરી – ચીકુ – નાળિયેર – લીંબુ અને અંજીર થી છલકતાં ખેતરો, કુમાર અને કન્યા માટે છાત્રાલયો, છોકરાઓ માટે ખેતી અને છોકરીઓ માટે ગૃહવિજ્ઞાન વિદ્યાના ઉદ્યોગોનું શિક્ષણ, પ્રાર્થના – વિદ્યાર્થીની આમ સભા – સફાઈ – શ્રમ અપરંપાર. ભણવું ન પડે, શીખવું ન પડે પણ જીવતાં જીવતાં શીખાતું જાય ! ગાંધી – કેળવણીનું હાર્દ એટલું જ કે : નાનામાં નાના બાળકને પણ લાગવું જોઈએ કે તે પણ કંઈક છે અને તે પણ કંઈક કરી શકે છે…!
ગાંધીની કેળવણીમાં મસ્તકનું શિક્ષણ છે, હૈયાંની સમજણ છે અને હાથ પગની પ્રવૃત્તિઓ છે. અહીં હૈયું – મસ્તક – હાથના સરવાળાથી આખા માણસનો સર્વાંગી વિકાસ થાય છે. મસ્તક અને હાથ નવરા પાડવા નથી એટલે શયતાનિયત જન્મ લેતી નથી અને હૈયું વેરઝેરનો હિસાબ માંડતું નથી એટલે ત્રાસવાદનો કોરડો વીંઝાતો નથી. ગાંધી કેળવણીમાં તો તરુણ ભરચક્ક જીવતો જાય અને કરતાં – કરતાં શીખતો જાય !
નઈ તાલીમનો અમૃતકાળ
- રાષ્ટ્ર સ્વતંત્ર થાય તે પહેલાં ગાંધીજીએ નઈ તાલીમના બીજ ઠેર ઠેર રોપ્યાં અને ફલત: અનેક સ્થળોએ ગાંધી સમર્પિત કાર્યકરો ગામડે ગામડે લોકશાળાઓ કે બુનિયાદી શાળાઓ કે ઉત્તર બુનિયાદી શાળાઓ સ્થાપીને પાયાનું કામ કરવું આ લાગ્યા. લોકશિક્ષણનું પાયાનું કામ શરુ થયું. ગાંધીએ જેમને છેવાડાનો માણસ કહેલો ત્યાં સુધી કેળવણીની પ્રયોગશાળાઓ કાર્યરત થઇ ગઈ અને તેનો સ્વીકાર થવા લાગ્યો કારણ એ લોકોપયોગી છે તેવું ખુદ લોકોને જ લાગવા લાગ્યું. શિક્ષણના એક પ્રવાહ તરીકે તેનો સ્વીકાર થવા લાગ્યો.
- ૨૧મી સદીની દુનિયામાં વિકસિત તથા વિકાસશીલ દેશોની સરકારોએ પાયાના ક્યા ક્યા સિદ્ધાંતો, મૂલ્યો, દ્રષ્ટિકોણ અને વ્યવહારો પોતાના દેશની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઘડવામાં અપનાવવા જોઈએ તેનું મૂલ્યવાન માર્ગદર્શન શ્રી જેક્યુઝ ડેલોર્સની અધ્યક્ષતામાં વિશ્વના વિવિધ ક્ષેત્રના સમર્થ વિદ્વાનોના બનેલા ૧૫ સભ્યોના આયોગે યુનેસ્કોને આપેલ છે. અનેકવિધ વિદ્વાનો અને નિષ્ણાંતોના સંહિયારા શાણપણનો અર્ક નીચેના ચાર આધારસ્તંભોમાં સમાવિષ્ટ છે.
(1) Learning to Know – જાણવા-માહિતી-જ્ઞાન માટેનું શિક્ષણ
(૨) Learning to Do – પ્રવૃત્તિ દ્વારા સર્જન કરવા માટેનું શિક્ષણ
(૩) Learning to Live together – સમૂહજીવનનું શિક્ષણ
(૪) Learning to Be – કૌશલ – વિકાસ માટેનું શિક્ષણ
- યુનેસ્કોએ તૈયાર કરાવેલ આવતીકાલના ટકાઉ શિક્ષણ માટેના સૂચિતાર્થોને કોઈપણ સામાન્ય અભ્યાસ જો નઈ તાલીમના પાયાના તત્ત્વો-તંત્ર સાથે સરખાવશે તો ખ્યાલ આવશે કે એ નઈ તાલીમની નવી આવૃત્તિ સમાન છે! નઈ તાલીમ મનુષ્ય જાતિના અસ્તિત્વ સુધી કાયમ પ્રસ્તુત જ રહેવાની છે. કારણ કે નઈ તાલીમ એ શિક્ષણ જગતનું સત્ય છે.
- એક પ્રશ્ન થવો જોઈએ કે શિક્ષણનો અભ્યાક્રમ કેવો હોવો જોઈએ ? જો કે, આ પ્રશ્નનો બહુ ઊંડાણથી વિચાર તો છેક વેદકાળથી થતો આવ્યો છે. ચાર વેદ અને છ વેદાંગોમાં ઘણી બધી વિદ્યાનો સમાવેશ થઈ જાય છે. શિક્ષણ વિષયક છ અંગો આ રહ્યાં :
1) શારીરિક (શિક્ષણ) 2) ઔદ્યોગિક (કલ્પ) 3) ભાષાકીય (વ્યાકરણ)
4) સામાજિક(નિરુક્ત) 5) કલાવિષયક (છંદસ ) 6) વ્યાવહારિક (જ્યોતિષ) :
રસોઈ કરવાથી લઈને આધિભૌતિક વિજ્ઞાન સુધીની બાબતોનો અહીં સમાવેશ છે.
શિક્ષણનાં આ છ મુખ્ય અંગોમાં ઓછું-વત્તુ ખેડાણ આપણે ત્યાં પહેલેથી થતું આવ્યું છે.. નઈ તાલીમ એ આ છએ છ અંગોને સ્પર્શે છે, તેથી તેનો સાદર સ્વીકાર પુરા રાષ્ટ્ર દ્વારા થવો જોઈએ તેવું સૌ શાસકો કહ્યા વગર સ્વીકારે છે પણ તેઓ ગાંધીનું નામ એની સાથે જોડતાં ગભરાય છે !! તે ત્યાં સુધી કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ના હાર્દ રૂપ તત્ત્વોમાંથી એંસી ટકા તો નઈ તાલીમની કેળવણીના છે, છતાં એ નીતિના દસ્તાવેજમાં ક્યાંય ગાંધીજીનું નામ નથી !! જો કે, આ વાત જ એ પ્રતીતિ કરાવે છે કે રાષ્ટ્રના અમૃત પર્વ ટાણે નઈ તાલીમને તો પંચ્યાશી વર્ષો થયા છતાં એમનુ નામ લીધા વિના એનો સ્વીકાર કરવો પડે છે તે જ તો તેનો વિશિષ્ટ-અમૃતકાળ છે.
મહાત્મા ગાંધીજીના શબ્દોમાં તેઓએ પ્રબોધેલી કેળવણીની પદ્ધતિ વિષે તેઓના જ શબ્દો જાણીને વિરામ લઈએ::
‘મારી નઈ તાલીમની વ્યાખ્યા એ છે કે, જેને નઈ તાલીમ મળી છે તેને જો ગાદી પર બેસાડશો તો તે ફૂલાશે નહીં અને ઝાડું આપશો તો તે શરમાશે નહીં. તેને માટે બંને કામની સરખી જ કિંમત હશે. તેના જીવનમાં નકામા મોજશોખને તો સ્થાન હોઈ જ ન શકે. તેની એક પણ ક્રિયા અનુત્પાદક કે અનુપયોગી નહીં હોય. નઈ તાલીમનો વિદ્યાર્થી ઢબ્બુ તો રહી જ ન શકે, કેમકે, તેના પ્રત્યેક અંગને કામ મળશે, તેની બુદ્ધિ તથા તેના હાથ સાથે સાથે ચાલશે.’
“લોકો હાથે કામ કરશે ત્યારે બેકારી અને ભૂખમરાનો તો સવાલ જ નહીં રહે. મારી નઈ તાલીમ અને ગ્રામોદ્યોગ એક જ સિક્કાની બે બાજુઓ છે. એ બંને સફળ થશે તો જ સાચું સ્વરાજ આવશે.”
“જુઓ, આ નઈ તાલીમનું કામ મારા જીવનનું છેલ્લું કામ છે. ભગવાને એને પૂરું કરવા દીધું તો હિંદુસ્તાનનો નકશો જ બદલાઈ જશે. આજની કેળવણી તો નકામી છે. જે છોકરાઓ શાળા-કોલેજોમાં શિક્ષણ મેળવે છે તેમને અક્ષરજ્ઞાન ઉપરાંત બીજું પણ કંઈક જોઈએ છે. એ અક્ષરજ્ઞાન આપણાં બીજાં અંગોને નકામાં બનાવી દે તો કહીશ કે, મારે તમારું જ્ઞાન નથી જોઈતું.. સારાંશ એ છે કે, હરેક પ્રકારના શરીરશ્રમ કરનારા જોઈએ અને એની સાથે સાથે સૌને માટે અક્ષરજ્ઞાન પણ જોઈએ. જે જ્ઞાન મુઠ્ઠીભર લોકોની પાસે જ હોય તે મારે કામનું નથી. હવે સવાલ એ છે કે, સૌને એ જ્ઞાન કેવી રીતે મળે ? એ વિચારમાંથી નઈ તાલીમનો જન્મ થયો છે. હું તો કહું છું કે, નઈ તાલીમ સાત વરસના બાળકથી નહીં, માના ગર્ભથી શરૂ થવી જોઈએ. એનું રહસ્ય તમે સમજી લો. મા પરિશ્રમ કરનારી હશે, વિચારવાન હશે, વ્યવસ્થિત હશે, સંયમી હશે તો બાળક પર એના સંસ્કાર માના ગર્ભમાંથી જ પડશે.”
by Santulan | Sep 24, 2023 | વિશેષ લેખ |
આત્મજ્ઞાન કોઈ એક જગ્યાએ છુપાઈને બેઠું હોય એવું નથી..!!
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
આપણે દૈનનંદિની દરમ્યાન અન્ય માટે ઘણું જીવીએ છીએ. આપણા માટે પણ જરૂરી
જીવતા હોઈએ છીએ. પણ આપણા સ્વ માટે કે આપણા આત્મન માટે જીવવાનું ચુકી
જવાતું હોય છે. અન્ય ધર્મોની સરખામણીએ જૈન ધર્મમાં આત્મા અને આત્મબળ અંગે
ઘણું ઊંડાણથી વિચારાયું છે.
જે દુનિયાને જીતવા નીકળ્યો છે તે જૈન છે. એનો ગુઢાર્થ એવો છે કે જે પોતાની સ્વતંત્ર
હસ્તીને ઓગાળી નાખવા માટે તત્પર છે, અથવા પોતાની સ્વતંત્ર હસ્તી રાખવા માંગતો જ નથી એ જીતી શકે છે. જીતવું એટલે અન્ય ઉપર વિજય નહીં, પણ જીતવું એટલે મારા ઉપર, મારી ઇન્દ્રિયો ઉપર, મારા વ્યવહાર ઉપર વિજય અને આ કરી શકે એ ખરેખર જૈન. એટલે કે મારાં આત્મબળ ઉપર મારો વિજય થાય તો હકીકતમાં એ જીતનારો છે અને એ જૈન છે.
ધર્મની અનેક વ્યાખ્યાઓ આપણે કરી છે. કોઈ કહે કે ‘પદાર્થ કે વસ્તુનો સ્વભાવ છે’, કોઈએ વળી એવું કહ્યું કે ‘એ તો કુદરતનો એક કાનૂન છે’. એક સરસ વ્યાખ્યા એવી પણ મળી કે ‘કર્તવ્ય, આચારસંહિતા, જીવનના માર્ગદર્શક સિદ્ધાંતોની યાદી બનાવો અને એ પ્રમાણે જીવો તો તમે ધાર્મિક છો’. ઉપનિષદ આ બધાને જોડતી એક અતિ ઉત્તમ વાત કરે છે.ઉપનિષદનું વાક્ય છે एकं सद्विप्रा बहुधा वदन्ति , સત્ય તો એક જ છે. એને
જોવાના આપણા બધાના દ્રષ્ટિકોણ અલગ અલગ છે. કદાચ દ્રષ્ટિ બદલાય પણ તેથી સત્ય બદલાતું નથી. ધર્મદર્શન અને ધર્મજીવન એટેલ જૈન પરંપરા. અનેકાન્તની ઉદાર દ્રષ્ટિ એ હકીકતમાં ‘ધર્મદર્શન’ અને આંતરબાહ્ય સુધીનો દ્રઢ આગ્રહ એ ‘ધર્મજીવન’. આ આંતરબાહ્ય શુદ્ધિની વાત એ આત્મજ્ઞાનની વાત છે, આત્મબળની એક મોટામાં મોટી ફલશ્રુતિ છે. સમણ સુત્તમમાં ૭૫૬ ગાથાઓ છે, જે એક આધારભૂત જૈનગ્રંથ છે, જેની પ્રસ્તાવના ફકીર, સંત શ્રી વિનોબાજીએ લખી છે. એ સમણસુત્તમના ચાર સૂત્રોમાં ‘આત્મબળ અથવા આત્મજ્ઞાન’ સ્પષ્ટ થાય છે. એમના પહેલા ખંડમાંથી સંયમની, બીજા ખંડમાંથી તપની, ત્રીજા ખંડમાંથી સૃષ્ટિની અને ચોથા ખંડમાંથી સમન્વયની વાત લઈએ, તો આ ચારનો સરવાળો આપણને ‘આત્મજ્ઞાન’ તરફ દોરી જઈ શકે. મહાવીર માર્ગ કયો હતો ? આ જ તો માર્ગ હતો, સંયમનો, તપનો, સૃષ્ટિ સાથેના પ્રેમનો અને સર્વેના સમન્વયનો માર્ગ..ટૂંકમાં, જો હું સંયમિત હોઉં, જો હું સતત તપ એટલે એકાગ્રતા, ઉપાસના, સાધના કરતો રહું … જો હું સૃષ્ટિ સમગ્ર સાથે પ્રેમ કરતો હોઉં કે જેમાં માણસ જ આવે એવું નહીં, એમાં પશુ પક્ષી સૌ આવે..અને જો આ સમગ્ર પદાર્થ જડ, ચૈતન્ય જે કાંઈ છે એનો સમન્વય કરી શકું તો એ સર્વેનો સમન્વય મારું આત્મજ્ઞાન પ્રેરવા માટે બહુ મોટો આધાર છે.
એમ કહેવાય છે કે અસંખ્ય જન્મોના પુણ્યોનો ઉદય થાય ત્યારે જે પ્રાપ્ત કરવાનું મન થાય એને ‘આત્મજ્ઞાન’ કહેવાય છે. જે જ્ઞાન મેળવ્યા પછી આખા વિશ્વમાં કંઈપણ જાણવાનું બાકી ન રહે તેને ‘આત્મજ્ઞાન’ કહે છે. તુલસીદાસજી એ સુંદર ઉક્તિમાં કહે છે,
તુલસી પીછલે પાય સૌં,,હરિ (બ્રહ્મ) ચર્ચા ન સોહાઈ
જૈસે જ્વર કે અંશ સે,,ભૂખ બિદા હોઈ જાઈ |
આપણું શરીર જરાક તપવા માંડે ને તાવ આવે તો ભૂખ આપોઆપ મરી જાય છે. જ્યાં
સુધી આપણી અંદર ને આજુબાજુની અનેક ઇન્દ્રિયોના આકર્ષણ હશે, જ્યાં સુધી આપણી
અંદર અહમભાવ ભરચક્ક હશે ત્યાં સુધી બ્રહ્મને પ્રાપ્ત કરવાની આપણી અભિલાષા જાગશે નહીં. કારણ કે પેલો તાવ છે એ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવાની ભૂખને ભાંગી નાખે છે. અનેક પક્ષીવિદોએ સાબિત કર્યું છે કે વારંવાર અનેક ફળમાં ચાંચ મારનારો કાગડો જયારે આંબા ઉપર ફળ બેસે ત્યારે એમાં ચાંચ ન મારી જાય એટલા માટે કાગડાની ચાંચમાં એ સમયે ગમે ત્યાંથી કોઈ રોગ આવી જાય છે. અને એ સમયે કાગડો આંબામાં ચંચુપાત કરી શકતો નથી. આનો અર્થ એ થયો કે આપણને જયારે આંબા જેવું રસદાર ફળ મળે જેમાંથી સોમરસ જેટલો આનંદ મળે એ તમે ન પ્રાપ્ત કરી શકો એનું કારણ શું ? કારણકે આપણી ચાંચમાં હજી રોગ છે, આપણી ચાંચ એટલે આપણું જીવન. હજુ આપણે ફેલાયેલા છીએ, વિસ્તરેલા છીએ, અનેકમાં વહેંચાયેલા છીએ, સ્વ તરફ વળ્યા નથી, આપણને ભૌતિક સુવિધાઓનો આનંદ જોઈએ છીએ અને સતત સતત અહમ પોષવા જોઈએ છીએ એટલે આપણે પાકેલા આંબાને બરાબર ચાખી શકતા નથી. આત્મજ્ઞાન કોઈ એક જગ્યાએ છુપાઈને બેઠું હોય એવું નથી.
આત્મજ્ઞાન હાથવગું છે ખરું, પણ…??
************************************************************************
દેવર્ષિ નારદ તો અનેક જ્ઞાન સાથે આ બ્રહ્મલોકમાં આવ્યા પણ એ જ્યાં જાય ત્યાંથી પાછા ફરે. જ્યાં જાય ત્યાંથી સફળતા એક વેંત છેટી રહી જાય. આખા બ્રહ્માંડમાં ફરીને, હારીને, થાકીને નારદજી શુકદેવજી પાસે આવે છે. અને શુકદેવજીને કહે છે કે મને તમે આત્મજ્ઞાન આપો. શુકદેવજી કહે છે તમારી પાસે કેટલું જ્ઞાન છે એ પહેલાં તમે મને કહો અને નારદજીએ તો આખી યાદી આપવા લાગી. મને ભાગવતનું, ઉપનિષદોનું, વેદોનું જ્ઞાન છે,.. આ યાદી પુરી
થઇ કે તરત શુકદેવજી બોલ્યા: ‘જ્યાં સુધી આ બધું હું જાણું છું એવો તમારો અહમ નાશ નહીં
પામે ત્યાં સુધી હું તમને આત્મજ્ઞાન સુધી લઇ જઈ નહીં શકું.’ જો નારદજીને પણ આવો
જવાબ શુકદેવજી તરફથી મળ્યો હોય તો આપણે આત્મજ્ઞાનથી છેટે રહ્યા છીએ એવો
અફસોસ કરવા જેવું નથી. પણ અફસોસ ન કરવાની વાત ઉપર રાજી થવા જેવું નથી. આપણે યાદ તો એ રાખવું પડે કે નારદજીને જે જવાબ શુકદેવજીએ આપ્યો અને નારદજી આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા અંતે બધું જ ભૂલી જવા લાગ્યા એમ આપણે પણ ‘હું શું છું’ તે ભૂલી જવું પડશે તો આપણને આત્મજ્ઞાન હાથવગું રહેશે.
ઋષિઓ હાર્યા, મુનિઓ હાર્યા, હાર્યા સંત મહંત
વેદપુરાણો પાર ન પામ્યા, તે છે બ્રહ્મ અનંત !
અનંત બ્રહ્મ છે એટલે એનું અનંત બ્રહ્મજ્ઞાન છે.
સ્પિરિચ્યુઅલ સીકર્સના બે પ્રશ્નો છે. “હું કોણ છું ?” બીજો પ્રશ્ન છે, “તે કોણ છે ?”
જયારે હું ‘કોણ છું ?’ ની શોધમાંથી પોતાની જીવનની યાત્રાને પસાર કરીએ ત્યારે જે જવાબ મળે છે તે આત્મજ્ઞાન છે. હું કોણ છું ? અહીં શા માટે આવ્યો છું ? મારે શું કરવાનું છે ? Who am I ? એમ ખોજવાથી જે જવાબ મળે છે તેને આત્મજ્ઞાન કહેવાય છે. પણ ‘તે કોણ છે ?’ એનો જવાબ એ ‘બ્રહ્મજ્ઞાન’ છે. જેમ ‘હું કોણ છું ?’ માં અંતર્યાત્રા ચાલી એમ ‘તે કોણ છે ?’ માં પણ અંદરની યાત્રા ચાલશે કે આ બધું કરનારો કોણ ? હું જીવ છું તો જીવને ચલાવનાર કોણ ? તે કોણ છે જે આ બધું કરે છે ? એનો જયારે જવાબ મળે ત્યારે એને ‘બ્રહ્મજ્ઞાન’ કહેવાય છે. ‘હું કોણ છું ?’ ની યાત્રા અને ‘તે કોણ છે ?’ ની યાત્રા જ્યાં મળે એ પળ હકીકતમાં શૂન્યત્વની પળ છે. આ બે યાત્રા જ્યાં ભેગી થાય ત્યાં જીવ અને શિવ એક બને છે. ત્યાં જવાબ મળે છે હું પણ નથી, કે તું પણ નથી, તત્ત્વમસિ છે. તું જ તે જ છે, આ બે અલગ અલગ નથી, પણ બંને એક છે એ તત્ત્વમસિનો પરિચય આપણને આ યાત્રામાંથી મળી રહે છે અને ત્યારે આત્મભાવ જાગૃત થાય છે.
આત્મભાવને જાગૃત રાખવા માટે શું કરવું જોઈએ ? સતત એ યાદ રાખવું પડે કે આ દેહ છે પણ દેહ તે હું નથી. ખાઈએ, સુઈએ,ચાલીએ, બોલીએ , કોઈની સાથે કોઈ વ્યવહાર કરીએ ત્યારે અંદર નામસ્મરણની જેમ ગુંજતું રહેવું જોઈએ કે મારામાં આત્મભાવ છે અને આ હું જે કરી રહ્યો છું તે અન્ય કોઈ કરી રહ્યું છે. આત્મભાવ દેહમાં ઉમેરાઈ જાય ત્યારે દેહ પણ એવી રીતે વર્તવા લાગે કે એ પોતે કશું નથી.. આવા આત્મસાક્ષાત્કાર દ્વારા આત્માને જાણવો એ ખરેખર આત્મજ્ઞાન છે. આત્મજ્ઞાન એટલે આત્માનું જ્ઞાન ખરું પણ આત્મજ્ઞાન એટલે અનુભવ દ્વારા પ્રાપ્ત થયેલું આત્માનું જ્ઞાન. જે કરો છો એને અનુભવમાં મુકો અને તે દરમિયાન જે પ્રાપ્ત થાય છે એ આત્મજ્ઞાન છે. કશુંક કરતા રહેવાનો અનુભવ ભાથું બંધાવે છે. વધુમાં વધુ અનુભવ, વધુને વધુ વાંચન, વધુમાં વધુ સત્સંગ અને મૌન રહેવું, ખળખળ વહેતી નદીની સામે પલાંઠી મારીને બેસી રહેવું અને એનું વહેવાનું અંદર ઉતરવા દેવું. અંદર ઉતરશે ત્યારે એ મારાપણાની સીમાને ઓળંગી જશે. ત્યારે મને ખ્યાલ આવશે કે આ નદી ખળખળ વહી રહી છે એની પાસે દેહ તરીકે હું ક્યાં કંઈ જ છું ? આ જે પ્રાપ્ત કર્યું એની સાધના કરવાની શરૂઆત એ સ્પિરિચ્યુઆલિટી છે, અધ્યાત્મ છે.
રોજ જે કરીએ છીએ એ ક્રિયાકાંડ છે, કર્મકાંડ છે, અધ્યાત્મ નથી. કશું જ કર્યા વગર પણ મારા દૈહિક ભાવને છોડતો રહું તો એ મારું અધ્યાત્મ છે.
બ્રહ્મને જાણવું હોય તો ??
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
આદિ શંકરાચાર્યે એક સરસ તર્ક રજૂ કર્યો હતો. એમણે કહ્યું દ્રશ્ય અને દ્રષ્ટા હંમેશા અલગ અલગ હોય. એટલે દ્રશ્ય સામેનું અને હું એને જોનારો બે અલગ છે. જે જોનાર છે તે જે દ્રશ્ય જોઈ રહ્યો છે તેનાથી પૃથક છે. નદી વહે છે તે દ્રશ્ય છે. જોઉં છું તે હું છું. હવે આ તર્ક મુજબ આપણા શરીરને પણ જોવાનું છે. હું થાળીમાંથી કોળિયો મોઢામાં મૂકી રહ્યો છું ત્યારે મારામાં બેઠેલા ત્રીજા પુરુષ એકવચને જોવાનું છે કે મારા દેહનો હાથ ઉંચકાણો છે અને એણે કોળિયો મોઢામાં મુક્યો છે. આવું થશે ત્યારે જ દ્રશ્ય અને દ્રષ્ટા એ બંને એક થઇ જશે. અને એ આત્મજ્ઞાનની શરૂઆતની પહેલી ઘડી છે.
આત્મજ્ઞાન એ આત્મબળ આપે છે. કોઈ પણ કાર્ય કરવા માટે પ્રવૃત કરે છે, પ્રેરિત કરે છે. કેમ કરે છે આવું ? કારણ તેમાં હું નો કર્તાભાવ આવતો નથી. I am not the doer હું કરનારો નથી. સૃષ્ટિમાં પરમાત્મા છે એનો અંશ મારામાં આત્મારૂપે છે એ બધું મારી પાસે કરાવી રહ્યો છે. આપણે એમ કહીએ કે, ‘હું તમને પૈસા આપીશ.’ આવા વાક્યો નહીં બોલવા. પણ ફેરવીને કહેવું કે ‘સાંજે મારા દ્વારા તમને નાણાં પહોંચે એવી વ્યવસ્થા કરીશ.’ હું વાયા મીડિયા છું, હું નિમિત્તમાત્ર છું. એ ભાવ આવે એ આત્મજ્ઞાન છે. આનાથી બ્રહ્મ તરફ જવાશે. બ્રહ્મ ખાસ્સું મોટું છે. કારણકે ‘હું કોણ છું ?’ એ જાણી શકું
એમાં જો મને આટલી તકલીફ પડે તો ‘તે કોણ છે ?’ એ જાણવું તો અતિ મુશ્કેલ હોય.
એક કથા પ્રચલિત છે. એક કૂવાની અંદર દેડકો તેના નાનાં નાનાં બચ્ચાઓ સાથે રહેતા હતા અને કુવામાંથી ગામના લોકો પાણી ભરતાં હતા. કોઈ પનિહારીએ અંદર ઘડો નાખ્યો અને ઘડાની અંદર દેડકાનું એક બચ્ચું પાણી ભેગું બહાર આવી ગયું. બહાર આવ્યું ને જેવું એ ઠલવાયું એટલે એ બહાર કૂદયું. ત્યાં એની સામે એક મોટો બધો બળદ ઉભો હતો અને બળદનું પેટ એકદમ ફુલેલું હતું. દેડકીને બહુ આશ્ચર્ય થયું કે આ શું છે ? પણ એને કંઈ સમજાયું નહીં. અને સમજે એટલી વારમાં ઉછળકૂદ કરતા ફરી વખત એનો પગ લપસ્યો ને જઈ પડ્યું કૂવામાં. તાત્કાલિક એની મા ને મળ્યું અને કહ્યું, ‘ મા હું આજે
બહાર ગયું હતું તો એક બળદ મળ્યો.’ બળદ એટલે શું એ તો કોઈને ખબર નથી. પણ મોટા મોટા પેટવાળો હતો. હવે આ પેટ શબ્દ કોમન છે. પેટ તો આપણામાં, બળદમાં અને દેડકીમાં પણ છે. એટલે એની મા એ કીધું કે, ‘કેવડું પેટ હતું ?’ કહે, ‘ મા ગજબ મોટું પેટ હતું’. એટલે દેડકાની મા એ બાળકને રાજી કરવા માટે પોતાનું ફુલાવ્યું. તો કહે, ‘આવડું હતું ?’ તો કહે, ‘ના… આનાથી મોટું હતું.’ વધુ ફુલાવ્યું અને કહે, ‘આવડતું હતું ?’ તો કહે, ‘ના આનાથી તો ક્યાંય મોટું હતું.’ અને દેડકીએ છેલ્લો પ્રયત્ન કર્યો કે હવે મારા બાળકને ખોટું નથી પડવા દેવું એટલું જોરથી પેટ ફુલાવ્યું,, પણ પેલું બાળક
જોવે એ પહેલાં એનું પેટ ફાટી ગયું…. આપણા પ્રયત્નો પણ માત્ર પેટ ફુલાવીને દંભ કરવાના ન હોવા જોઈએ. બ્રહ્મ કેટલો છે એની કોઈ નિશ્ચિતતા આપણી પાસે નથી. પણ કોઈ સર્જનહાર છે જે નાનકડા અણુનું, નાનકડી કીડીનું અને બહુ મોટા હાથીનું પણ સર્જન એ કરે છે. આપણે યાદ રાખવું પડે કે આપણી હાલત પેલી દેડકાની મા જેવી ન થાય.
ઘણી વાર આપણે દેખાડાને કારણે ધર્મજ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તેના બહુ ગાણાં ગાતા હોઈએ છીએ. ‘હું તો આટલા સ્તોત્ર કરું છું, એટલા કલાકો પૂજામાં ગાળું છું’ એવું જે માણસ બોલે એને હજુ આત્મજ્ઞાનને ઘણી વાર છે, એમ સમજવું. જેને આત્મજ્ઞાન થઇ ગયું, તે થયેલું કદી બોલશે નહીં, કરેલું કદી ઉચ્ચરિત કરશે નહીં. શાસ્ત્રમાં એ વાક્ય છે કે ‘બ્રહ્મનું સ્વરૂપ કેવું ?’ બહુ જ પ્રચલિત જવાબ છે: अणोरणियान महतो महीयान એટલે કે અણુ કરતા પણ સૂક્ષ્મ છે અને બહુ મોટું હોય એનાથી પણ એ મોટું છે. તો આ સૂક્ષ્મત્તમ અને મહત્તમ બ્રહ્મનું જ્ઞાન જો પ્રાપ્ત કરવું હોય તો પહેલાં આત્મજ્ઞાન સુધી પહોંચવું આવશ્યક બનશે.
सोहम् शिवोहम् એ જ શું આત્મજ્ઞાન છે ?
**********************************************************************************
એક વેપારી ટ્રેનમાં બેઠો હતો, ટ્રેન ઉભી રહી ત્યાં એક ભિખારી આવ્યો અને કહ્યું કે, શેઠ મને કંઈક આપો ભૂખ્યો છું. વેપારીએ કહ્યું કે, મારી પાસે તને આપવાનું કૈં છે નહીં. બીજો દિવસ થયો ને એ જ શેઠ ને એ જ વેપારી ફરીવાર એક બીજાની સામે આવ્યા. એ જ સંવાદ થયો. એટલે પેલા શેઠે થોડા મૃદુ થઈને કીધું કે, ‘તારી પાસે આપવાનું તો કંઈ છે જ નહીં, તો તને સામે કોઈ આપશે ક્યાંથી ?’ હવે ગાડી તો ચાલી ગઈ પણ એક વિચાર પેલા ભિખારીના મનમાં બેઠો કે ભલે એણે કંઈ આપ્યું નહીં પણ એણે વાત તો સાચી કરી.. તમે કશુંક આપો તો કશુંક મળે. પણ એને થયું કે હું શું આપું. હું પોતે જ ભિખારી છું, કોઈક પાસે માંગીને પેટ ભરું છું. વિચાર કરતો હતો એ જ સમયે એની નજર આજુબાજુમાં સુંદર મજાના ફૂલો જે આપોઆપ ખીલ્યા હતા એના તરફ પડી. એને વિચાર આવ્યો કે આ ફૂલો હું ચૂંટી લઉં અને જે મને કશુંક આપે એને સામે હું ફૂલ આપું. એને ફૂલ આપીશ તો એ રાજી થશે. એમણે શરૂઆત કરી. જેવું કોઈ પાંચ રૂપિયા કે એવું કંઈ મૂકે એટલે સામે નાનકડું સ્મિત કરે અને હાથમાં ફૂલ મૂકે. લોકો રાજી થઈ જઈ કહે ‘વાહ ભિખારી ઉઠીને કશુંક આપે છે’ થોડો સમય વીત્યો ત્યાં ફરી એકવાર પેલા શેઠ એ જ ગાડીમાં નીકળ્યા ત્યાં આ ભિખારીભાઈ એની પાસે પહોંચ્યા. એના હાથમાં પુષ્પો હતા અને કહ્યું કે સાહેબ પાંચ દસ રૂપિયા આપો જુઓ હું તમને પુષ્પ આપું છું. તમે જ મને શીખવ્યું હતું ને કે તમે કંઈક આપો તો કોઈક આપે. એટલે પેલો વેપારી ખુશ થઈ ગયો અને ભિખારીને પૈસા આપ્યા. પણ એ તો વાણિયો શેઠ સલાહ આપ્યા વગર કશું આપે નહીં. એટલે સરસ સલાહ આપી કે, ‘હવે તું કંઈ ભિખારી નથી. તું તો વેપારી છો’. ટ્રેન ઉપડીને આગળ ચાલી. ભિખારીના મનમાં પ્રશ્ન થયો કે, એમણે પહેલી વખત પ્રશ્ન આપ્યો તો મને કંઈક પ્રાપ્ત થયું. બીજી વખત પણ એણે કંઈક વાત કરી છે કે, ‘તું હવે કંઈ ભિખારી નથી. વેપારી છો’ અને એણે પુષ્પોને સુંદર મજાના ગુચ્છમાં ફેરવી નાખીને એનું નાનું હાટડુ માંડ્યું. લોકો એની પાસેથી પુષ્પ ગુચ્છ લેવા મંડ્યા અને માગ્યા વગર પૈસા આપવા મંડ્યા. ધીમે ધીમે કરતા એની મોટી દુકાન થઈ ગઈ. થોડા વખત પછી એ સક્ષમ
બન્યો. એકવાર ટ્રેનમાં અંદર બે જણા એકસરખા પહેરવેશ સાથે સામસામું જોવા લાગ્યા અને પેલો ઓલ્ડ ભિખારી એણે પેલા શેઠને કહ્યું, મને ઓળખ્યો ? તો શેઠ કહે ના.. તો કહે, આપે જ મને શીખવ્યું છે. પહેલી વખત આપે મને એ વાત શીખવી કે જીવનમાં શું કરવું જોઈએ અને બીજી વખત આપે મને શીખવ્યું કે હું કોણ છું. હું તો માનતો હતો કે કોઈને આપ્યા છતાં હું ભિખારી છું. આપે મને કહ્યું કે તું હવે ભિખારી નથી, વેપારી છો. એમાંથી મને આ બધું પ્રાપ્ત થયું છે.’
આપણે ત્યાં સૂત્ર બોલાય છે सोहम् शिवोहम् . હું જ શિવ છું… બસ, આ જ
આત્મજ્ઞાન છે. આ વાતનો શાસ્ત્રોક્ત નિર્દેશ છે, જૈનદર્શનમાં પણ છે અને હિન્દુશાસ્ત્રોમાં પણ છે. ધર્મગ્રંથ કઠોપનિષદમાં કહેવામાં આવી છે એ નચિકેતાની કહાનીથી આપણે પરિચિત છીએ. નચિકેતાદ્વારા યમરાજને પાંચ એવા પ્રશ્ન પૂછવામાં આવ્યા કે જેના દ્વારા આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી. નચિકેતાના પિતા વાજશ્રવા ઋષિએ એક દિવસ વિશ્વદીપ નામનો ખુબ જ મોટો યજ્ઞ કર્યો. આ યજ્ઞની ખાસિયત એ હતી કે જે કોઈપણ વ્યક્તિ કરે તેણે પોતાની બધી જ વસ્તુ દાન કરી દેવી પડે છે અને તેથી તેને સમર્પણ યજ્ઞ કહેવાય છે. ઋષિએ પોતાની ગાયોનું દાન કરવાની શરૂઆત કરી. પુત્ર તરીકે બેઠેલા નચિકેતાએ જોયું કે પિતા સ્વસ્થ ગાયોની જગ્યાએ બધી બીમાર અને અસ્વસ્થ પીડિત ગાયોનું દાન કરી રહ્યા હતા. નચિકેતાને આ વિચિત્ર લાગ્યું અને એને ગમ્યું નહીં. એને ખ્યાલ આવી ગયો કે મારા પિતાનો મોહ હજુ ગયો નથી એટલે એ એવું કરે છે. ત્યારે નચિકેતાએ ઋષિ પાસે જઈને પ્રશ્ન કર્યો કે,”આ યજ્ઞમાં તો તમારે બધું દાન કરવાનું હોય ને ? ”
“તમારા પુત્રનું દાન તમે કોને કરશો પિતાજી?”
************************************************************************
નચિકેતાએ ઋષિને પ્રશ્ન કર્યો કે, “આ યજ્ઞમાં તો તમારે બધું દાન કરવાનું હોય ને ? ” પિતાજી કહે હા… તો નચિકેતા કહે “તમે તમારા પુત્રનું દાન કોને કરશો?" પ્રશ્ન સાંભળી ઋષિ એકદમ સંકોચાઈ ગયા. પણ નચિકેતાએ તો આ પ્રશ્ન પૂછવાનું વારંવાર ચાલુ રાખ્યું. ‘તમારા પુત્રનું દાન તમે કોને કરશો પિતાજી? બોલોને તમે કોને કરશો ?’ આ વાતથી ઋષિ ક્રોધિત થયા અને પિતાએ કહ્યું કે, ‘હું તને યમરાજને દાનમાં આપું છું.’
પિતાએ તો ક્રોધમાં વાત કરેલી. કોઈ પુત્રનું દાન યમરાજને થોડું આપે ? પણ નચિકેતાએ આ વાત સાચી માની લીધી. નચિકેતાને ખુબ જ દુઃખ થયું કે મારું દાન કરી નાખ્યું અને એ પણ યમરાજાને ? પણ પિતાની આજ્ઞા અને પિતાના વચનને માથે ઓઢી અને યમરાજાને શોધતા શોધતા યમલોક પહોંચી ગયા. પરંતુ ત્યાં પહોંચીને નચિકેતાને યમપુરીમાં પ્રવેશ ન મળ્યો. કારણ કે યમપુરીમાં તો જેને લેવા આવે ને લઇ જાય એને પ્રવેશ મળે. એને દરવાને રોક્યો કે, ‘ભાઈ તારા મૃત્યુને વાર છે. તું મૃત્યુ પહેલા અહીં કેવી રીતે પહોંચી ગયો ? તારા માટે આ યમપુરીના દ્વાર બંધ છે.’ પણ નચિકેતા ત્યાં જ
બેસી ગયા. યમરાજ બહાર હોવાથી ત્રણ દિવસ ન આવ્યા તો ત્રણ દિવસ સુધી એ ભૂખ્યા અને તરસ્યા યમપુરીના દરવાજા બહાર બેસી રહ્યા.
યમરાજા આવ્યા એણે જાણ્યું કે એક બાળક તપસ્યાથી પ્રસન્ન છે, એને તો સ્વયં યમરાજાને જ મળવું છે અને ત્રણ દિવસથી મોઢામાં પાણી મુક્યા વગર એ ત્યાં બેઠો છે. યમરાજાને સંકોચ થયો. તાત્કાલિક એની પાસે ગયા. એને થયું કે આની સાથે હું સમાધાન કરું એટલે યમરાજાએ નચિકેતાને કહ્યું કે, ‘તું ત્રણ વરદાન માંગ પણ તું આ મૃત્યુવાળી વાત છોડ.’
નચિકેતાએ પહેલું વરદાન પિતાનો સ્નેહ કાયમ મળે એવું માગ્યું. બીજુ અગ્નિ વિધીનું જ્ઞાન જોઈએ ત્રીજું વરદાન માગ્યું કે આત્મજ્ઞાન અને મૃત્યુના રહસ્ય વિશે જાણવા મળે એવી તમે કશીક વાત કરો. યમરાજ નચિકેતાના ત્રીજા વરદાનને ટાળવા માંગતા હતા. પહેલાં બે માં તો કશો વાંધો નથી પણ ત્રીજા વરદાનનો હું જવાબ ન આપું.. નચિકેતાને સાંસારિક સુખ આપવાનો લોભ આપ્યો. ‘બોલ તને શું જોઈએ છે? તને સંપત્તિ આપું.’ લોભની કોઈ અસર ન થઈ અને અડગ રહ્યા, ત્યારે યમરાજાએ વિવશ થઈને તેના પ્રશ્નોના જવાબ આપવા જ પડ્યા.
એ પાંચ પ્રશ્નોના જવાબ આત્મસાત કરીને જીવીએ તો આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકીએ.
(1) “શરીરથી કેવી રીતે બ્રહ્મજ્ઞાન અને તેના દર્શન થાય છે ?” યમરાજાએ ઉત્તર આપ્યો કે,
મનુષ્ય શરીર એક બ્રહ્મનગરી છે, જેમાં બે આંખ, બે નાકના છિદ્ર, બે કાન, મુખ બ્રહ્મરંધ્ર
નાભી, ગુદા અને શિશ્નના રૂપમાં અગિયાર દરવાજા છે. બ્રહ્મ મનુષ્યના હૃદયમાં નિવાસ કરે છે. આ રહસ્યને સમજી જાય છે તે દરેક પ્રકારના સુખ અને દુઃખથી પર હોય છે. તેને જન્મ અને મૃત્યુના બંધનથી પણ મુક્તિ મળે છે.
(2) “આત્માનું સ્વરૂપ શું છે, શું શરીર મરી જાય પછી આત્મા પણ મરી જાય છે ?” યમરાજે ઉત્તર આપ્યો કે, બેટા આત્માનું કોઈ સ્વરૂપ ન હોય. મનુષ્ય શરીરનો નાશ થયા પછી આત્માનો નાશ નથી થતો. આત્મા સાંસારિક સુખ, દુઃખ, ભોગ, વિલાસ એ બધાથી પર હોય છે. આત્માનો ન કોઈ જન્મ થાય છે અને મૃત્યુ પણ નથી થતું.
(3)’જો કોઈ વ્યક્તિને આત્મા પરમાત્માનું જ્ઞાન ન હોય તો તેણે કેવું પરિણામ ભોગવવું પડે છે?’ યમરાજ સુંદર જવાબ આપે છે કે, “એક વ્યક્તિનું પરમાત્માના પ્રતિ સમર્પણ અનુસાર જ અલગ અલગ યોનીઓમાં જન્મ થાય છે. જો કોઈ પરમાત્મામાં વિશ્વાસ નથી કરતું તે અલગ અલગ યોનીઓમાં ભટક્યા કરે છે. જે લોકો ખુબ પાપ કરે છે તે મનુષ્ય અને પશુઓ સિવાય વૃક્ષ અને જીવજંતુ જેવી યોનીઓમાં જન્મ લે છે.તેથી એણે વધુ વર્ષ અહીં કાપવા પડે છે.”
(4) “શરીરમાંથી આત્મા નીકળ્યા બાદ શરીરનું શું થાય?” યમરાજે જણાવ્યું કે, ‘આત્મા નીકળ્યા બાદ શરીરમાંથી પ્રાણ અને ઇન્દ્રિયજ્ઞાન પણ આત્માની સાથે નીકળી જાય છે. મૃત શરીરમાં બ્રહ્મ રહી જાય છે જે દરેક પ્રાણીમાં વિદ્યમાન હોય.’
(5)”આત્મજ્ઞાન અને પરમાત્માનું સ્વરૂપ શું છે ?” યમરાજે જણાવ્યું કે, ‘ઓમ’ એ પરબ્રહ્મના પ્રતિકનું સ્વરૂપ છે. ઓમકાર જ પરમાત્માને પ્રાપ્ત કરવા માટેનો સર્વોત્તમ ઉપાય છે.
આપણે શ્રાવક તરીકે જે ન કરી શકીએ તે જૈનમુનિ કેમ કરી શકે છે ?
************************************************************************
યમરાજ નચિકેતાને કહ્યું કે પૃથ્વી પર જે કંઈપણ થઇ રહ્યું છે તે મનુષ્યના કર્મના આધારે જ થતું હોય છે. પરંતુ સત્ય માર્ગ પર જે વ્યક્તિ ચાલે છે તેને જીવનમાં ક્યારેય મુશ્કેલી નથી આવતી. જે લોકો ભ્રષ્ટ જીવન વ્યતીત કરે છે તેમણે પૃથ્વી પર પણ પાપનો સામનો કરવો પડે છે અને મૃત્યુ બાદ પણ કષ્ટોને સહન કરવા પડે છે. શિવજીએ વિચિત્ર રૂપ ધારણ કરીને હિમાલયના એક મોટા શિખર ઉપર પદ્માસન વાળ્યું, જે સ્વરૂપની માયામાં અનેક લોકો આવી જઈ શકે. સૌથી પહેલાં પાર્વતીજી આવ્યા. પણ પાર્વતીજીએ એમના સ્વરૂપમાં એકાકાર થવાનું પસંદ કર્યું, એમણે શિવજીની ભક્તિ કરવાનું શરૂ કર્યું. જયારે પ્રેમ અથવા ભાવના કોઈ વ્યક્તિ પ્રત્યે કે કોઈ ઈશ્વરીય તત્ત્વ પ્રત્યે પ્રબળ થાય ત્યારે એ ભક્તિમાં પરિણમે, પછી ભક્ત અને ભગવાન બે અલગ રહી શકતા નથી. કહે છે કે
શિવજીની અંદર પાર્વતીજી સમાઈ ગયા.
ઇનો બહુ સિદ્ધહસ્ત જૈનગુરુ. એ પોતે પ્રખર આત્મજ્ઞાની. એ કોઈ એક જગ્યાએ પહોંચ્યા અને એમણે કહ્યું કે, ‘મારે અહીંયા મઠમાં રહેવું છે, હું આત્મજ્ઞાની છું,’ પણ આ સાંભળીને પેલા મઠાધીશને ખ્યાલ આવી ગયો અને એણે કહ્યું કે તમે રસોઈઘરમાં કામ કરો. થોડીવાર વિચિત્ર તો લાગ્યું પણ એણે રસોઈઘરમાં કામ કરવાનું શરૂ કર્યું. રસોઈઘરમાં ગયા પછી એ ભૂલી ગયા કે હું આત્મજ્ઞાની છું. રસોઈમાં તલ્લીન બની જઈ એણે બાર વર્ષ સુધી રસોઈકામ ઝીણવટપૂર્વક કર્યું. એ ઉર્જાથી આત્મજ્ઞાની હતા પણ ચૈતન્ય હજુ બરાબર સીમાએ પહોંચ્યું નહોતું, એની ઉર્જા અને ચૈતન્ય એક થઈ ગયા. આપણે પણ આપણી ઉર્જા અને આપણા ચૈતન્યને એક બનાવીને જે કરીએ તે પૂર્ણતાથી કરીએ.
આત્મજ્ઞાની માણસ કેવો હોય ? બૌદ્ધ કથાઓમાં એક પ્રસંગનું વર્ણન છે. એક વિહારમાં
કેટલાક બૌદ્ધ સાધુઓ રહેતા હતા. એમાંથી એક સાધુ ઘણા દિવસથી બિમાર હતા. બિમારી વધતી ગઈ એટલે બેસી શકાતું નહીં. ઝાડોપેશાબ પથારીમાં કરવા પડે એવી સ્થિતિ થઈ ગઈ. બીજા સાધુઓ ત્યાંથી પસાર થાય પણ નાકે રૂમાલ દઈ આગળ નીકળી જાય. બન્યું એવું કે આ જગ્યાએથી ભગવાન બુદ્ધ પસાર થયા અને એમને ખ્યાલ આવ્યો કે આ સાધુ તો બિમાર છે એટલે તરત જ એની પાસે દોડી ગયા. એમનું જે થઈ શકે તે બધું જ પોતાના હાથે પોતે કર્યું અને પેલા સાધુને બિમારીની ગર્તામાંથી બચાવવા માટેના પ્રયાસો શરૂ કર્યા. વૃદ્ધ ભિક્ષુનું અંગ, કપડાં, પથારી બધું બદલીને જયારે ભગવાન બુદ્ધ ત્યાંથી પસાર થવાનું વિચારતા હતા ત્યાં બીજા બધા ભિક્ષુઓ દોડીને આવ્યા. અને તરત જ કહેવા લાગ્યા કે, ‘અરે અરે.. તમે આ શું કરો છો ?’ આપણને વિચાર થાય કે ભિક્ષુઓ પહેલાં કેમ એની સેવામાં ન ગયા ? સુંદર જવાબ આપણને શાસ્ત્રોએ આપ્યો છે કે, ભિક્ષુ થયા છતાં એકત્વની ભાવનાનો વિકાસ થયો નહોતો. આત્મજ્ઞાન પ્રાપ્ત થયું છે એવો ભાવ હતો પણ એકત્વભાવ એનામાં ઉતર્યો ન હતો. તો પછી ‘ભગવાન બુદ્ધ કેમ ગયા ?’ ભગવાન બુદ્ધ એટલા માટે દોડી ગયા કે આત્મૌપમ્યનો એટલો વિકાસ થયેલો કે તેઓ આવી સ્થિતિમાં એનાથી અલિપ્ત રહી જ ન શકે. એ સ્થિતિને સમસંવેદના પણ કહે છે.
આ પ્રસંગ માત્ર ભગવાન બુદ્ધ સાથે બન્યો છે એવું માનવાની જરૂર નથી. પ્રજ્ઞાચક્ષુ પંડિત
સુખલાલજીએ પોતે વર્ણવેલો એક પ્રસંગ છે કે, 1951 માં ચોમાસામાં બનારસમાં મને ખૂબ તાવ આવ્યો. શરીર તો ધાણી ફૂટે તેમ ધગી રહ્યું હતું. માથું ફાટફાટ થતું હતું. શ્રાવકો એક પછી એક ત્યાંથી પસાર થાય બધા મારી હાલત જુએ પણ બધા માત્ર ખબર પૂછીને જતા રહે. બરાબર એ સમયે પુણ્યવિજયજી મહારાજના વૃદ્ધ ગુરુ કાંતિવિજયજી ત્યાંથી પસાર થયા. જાતે પંડિત સુખલાલજીનું માથું દબાવવા લાગ્યા, ભીના પોતા મુકવા લાગ્યા. એ જોઈને કેટલાક શ્રાવકો દોડી આવ્યા અને કહે, ‘અરે, અરે મહારાજ ! આપ શું કરો છો ?’…જૈન સાધુઓના આચાર મુજબ ગૃહસ્થની સેવા સાધુઓ કરતા નથી. પણ કાંતિવિજયજી મહારાજે તો ગૃહસ્થ એવા પંડિત સુખલાલજીની પોતે સેવા શરૂ કરી.
આપણે શ્રાવક તરીકે જે ન કરી શક્યા તે જૈન મુનિ કેમ કરી શક્યા ? આ પ્રશ્ન નથી વિચાર છે. જેણે જ્ઞાન પચાવ્યું છે તેને નાનાં મોટા પ્રશ્નોમાં વિવેકપૂર્ણ વ્યવહાર આપોઆપ સૂઝી જ જાય છે. કશુંકરવું પડતું નથી પણ થઇ જાય છે.
‘હું ખોખા ઉપર બેઠો છું એમાં તમને કંઈ વાંધો છે ?’
***************************************************************************
ખલિલ જીબ્રાનની એક વાર્તા છે. God’s Fool, ઈશ્વરે સર્જેલો મૂરખ માણસ. મૂરખ માણસ રણપ્રદેશમાંથી ચાલતો નીકળી પડ્યો. તે એક મહાકાય નગરમાં પહોંચ્યો. ચોરતરફ મોટી લાઈટો, ઝાકઝમાળ, જાહોજલાલી, એ આભો બનીને બધું જોવા લાગ્યો. એણે જિંદગીમાં એવું કશું જોયું ન હતું. ચાર આંખ કરતો, વિસ્મય કરતો, સ્તબ્ધ થતો આગળ વધતો જાય. ઘણું બધું ફર્યો , થોડી ભૂખ લાગી. એક મોટું મકાન હતું અને બધા લોકો ગાડી પાર્ક કરીને એમાં જતા હતા, એ પણ એમાં ઘુસી ગયો. દરવાને બારણું ખોલી આપ્યું, એ અંદર ગયો, અંદર મોટા ટેબલ હતા, ટેબલની ઉપર ભોજનની વાનગીઓ રાખી હતી. એણે જોયું કે લોકો જઈને બેસી જતા. કેટલાક લોકો એને પીરસવા લાગ્યા. એ પણ જઈને બેસી ગયો. એને એમ કે કોઈ રાજાનું આ મોટું નગર છે અને આ રાજકુંવર તરફથી પાર્ટી છે. એમણે પણ એમાં બેસીને જમી લીધું. જમીને એ બહાર નીકળ્યો એટલે હટ્ટાકટ્ટા સિપાઈએ એને રોક્યો. પેલાને તો ભાષા આવડતી ન હતી, કંઈ સમજતો ન હતો. કહ્યું કે, ભાઈ તમારું બિલ ચુકવાયું નથી.. એ આભો થઈને એની સામે હસવા લાગ્યો. આઠ દસ પોલીસો એની આજુબાજુ આવીને ગોઠવાઈ ગયા. આ તો બધા સામું જોયા કરે અને જોઈને હસ્યા કરે. ઝૂક્યા કરે !! એને પોલીસોએ ઉપાડ્યો અને ગાડીમાં નાખીને એક મોટા ભવનમાં લઇ આવ્યા. ત્યાં એક મોટી દાઢીવાળો ન્યાયાધીશ બેઠો હતો, એની સામે એને રજૂ કર્યો. પેલા લોકો એની ભાષામાં કહેવા લાગ્યા. આ બધાની સામું જોયા કરે . એને એમ થયું કે આ લોકો તો મારું બહુમાન કરવા માટે કોઈ રાજા પાસે લઇ આવ્યા છે. એટલે એ રાજી થાય. એ ન્યાયાધીશને પણ ઝૂકવા લાગ્યો. હસતો જાય અને ઝુકતો જાય. ન્યાયાધીશને લાગ્યું કે આમાં કશો મેળ નહીં પડે એટલે સજા ફરમાવી કે આને ઊંધે ગધેડે બેસાડો, આખા નગરમાં ફેરવો અને પછી છોડી મુકો. બે જણાએ બાવડું પકડીને ઊંધે ગધેડે બેસાડ્યો અને એ તો રાજી થઈ ગયો કે, વાહ, મારા આવવાથી નગરના લોકો રાજી થાય એટલે મને આખા નગરમાં આ સરઘસ રૂપે ફેરવીને બહુમાન કરતા લાગે છે. ફેરવ્યો અને એક બાજુ મૂકી દીધો…બસ હવે તે ફરીવાર ચાલવા લાગ્યો..
ખલીલ જિબ્રાને લખી છે એટલે આ વાર્તા કંઈ મુર્ખામી માટે નહીં લખી હોય. જિબ્રાન આ વાર્તાના ભાવથી એમ કહેવા માંગે છે કે રણમાંથી આવ્યો હતો અજાણ્યો માણસ, અવાચક જેવો, ભાષા ન જાણતો હોય એવી જગ્યાએ જઈ ચડ્યો પણ ત્યાં એમણે દરેક વસ્તુનો અજાણતા પણ સ્વીકાર કર્યો. જે થયું તેને હસ્તે મોઢે સ્વીકાર્યું. જે સામે આવ્યું એની સામે હસ્યો, ઝૂક્યો. જે મળ્યું તે ખાધું, કોઈએ પકડ્યા તો પકડાઈ ગયો. જિબ્રાન કહે છે કે આ રીતે જો તમે જીવો છો તો તમને એક મહાનગર જેવા બ્રહ્મનું જ્ઞાન આપોઆપ પ્રાપ્ત થાય છે. પણ એના માટે ખરેખર તમારે ‘હું કંઈ નથી, જે કંઈ છે તે કોઈક કરી રહ્યું છે’ એવા ભાવમાં જવું પડે.
સમર્થ લેખક ઇકાર્ટ ટોલે કહે છે, ‘હું રસ્તા ઉપરથી નીકળતો હોઉં ત્યારે મેં જોયું કે એક ભિખારી બેઠો છે. ભાંગેલા ખોખા ઉપર બેસીને પોતાનું પાત્ર આગળ ધરીને પૈસા માંગતો હતો. એણે ઉભા રહીને પેલાને પૂછ્યું કે, તું શેના ઉપર બેઠો છે ? તો કહે, હું ખોખા ઉપર બેઠો છું. તો કહે, શેનું ખોખું છે ? તો કહે, અહીંયા પડ્યું હતું એટલે એની ઉપર હું બેઠો છું. કેમ તમને કંઈ વાંધો છે ? તો કહે ના મને વાંધો નથી. પણ તને ખબર નથી કે તું ક્યાં ખોખા ઉપર બેઠો છે ? એટલે પેલો માણસ થોડો અચંબિત થયો અને તાત્કાલિક ઉભો થઈ ગયો એટલે ઇકાર્ટ ટોલેએ એ માણસને કહ્યું કે, ‘ખોખું ખોલ’ અને ખોખું ખોલ્યું ત્યાં પેલા ભિખારીના આશ્ચર્ય વચ્ચે એ ખોખું સોનાથી લથપથ હતું. આટલું કહીને એ ચાલતા થઈ ગયા. ઇકાર્ટ કહેવા માંગે છે કે આપણે સૌ આત્મજ્ઞાન, આત્મબોધ નામના એક ખોખા ઉપર બેઠા છીએ. ઠાંસોઠાંસ જ્ઞાન અંદર પડ્યું છે. ક્યાં ? આપણી અંદર, આપણે જેની ઉપર બેઠા છીએ ત્યાં. પણ આપણે એની ઉપર બેસીને બહારથી ભીખ માંગી રહ્યા છીએ. જરૂર છે આપણે ઉભા થઈને આપણી પેટી ખોલવાની!!.
*************************************************************************************
by Santulan | Sep 24, 2023 | વિશેષ લેખ |
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
“સર, મારું બાળક દિવ્યાંગ છે અને અમે બે જણા ઘરમાં છીએ એટલે કે અમારું ત્રણ જણાનું કુટુંબ છે. અમે બંને એટલી બધી સારસંભાળ લઈએ છીએ કે આ બાળકને અમે રેઢું મુકતા નથી. એક વ્યક્તિ તો એની સામે હાજર જ હોય. હવે બધા કહે છે કે એની છ વર્ષની ઉંમર થઈ ગઈ તો એને શાળામાં બેસાડવું જોઈએ. પણ અમને થોડો ડર લાગે છે. કોઈ એને ધક્કો મારી દેશે તો ? એ પડી જશે તો ? એમનું થોડુંક નબળું વર્તન જોઈને કોઈ એને ચીડવશે તો ? તો એ ગભરાઈ જશે, મૂંઝાઈ જશે. “
“અમે ઘરમાં એટલું બધું ધ્યાન રાખીએ છીએ કે મમ્મી તરીકે હું થોડો ઘણો કક્કો શીખવાડું પણ છું. અને ઘરમાં ચોવીસેય કલાક કોઈક તો એની પાસે હોય જ છે. એ ઉઠે બેસે એની અમે કાળજી લઈએ છીએ. એને કશું પણ જોઈએ કે તરત જ એની નજીકમાં કોઈક પહોંચી જઈએ છીએ. હવે આ સ્થિતિમાં એને શાળામાં મૂકવું અમને તો યોગ્ય લાગતું નથી. આઠ વર્ષ થયા છે હજુ બે ત્રણ વર્ષ પછી જરા સમજતું થઈ જાય પછી મૂકીએ તો વધુ સારું.”
મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગ દરમ્યાન કેટલાય દિવ્યાંગોને મળવાનું થાય છે. બે પ્રકારના વાલી મને મળે છે.
(01) બાળકના વિકાસમાં શ્રદ્ધા રાખીને આગળ વધે છે. એને આશ્રમમાં અપાતી થેરાપીથી સંતોષ છે અને થેરાપીમાં આવવું જવું એ સૌ બાબતો સહર્ષ સ્વીકારેલી છે, એ વિષે એની કોઈ ફરિયાદ નથી.
(02) માતા પિતા એવા આવે છે કે જેના માટે હજુ પણ આ બાળક એક ચિંતાનો વિષય છે, ભારનો વિષય છે અને પરિણામે દિવ્યાંગ બાળકની વાત કરતા જ તેઓના ચહેરા ઉપર જુદા પ્રકારની લકીર ખેંચાઈ જાય છે.
આ બંને પ્રકારના વાલીઓ એક બાબતમાં સરખા છે અને તે બાબત એ કે છ વર્ષ, સાત વર્ષ, આઠ વર્ષ, નવ વર્ષ, દસ વર્ષ થઈ જાય તો પણ અમારા સંતાનને અમારે શાળામાં મૂકવું નથી. સમજાવવાનો પ્રયત્ન કરીએ ત્યારે ગળે ઉતરે તેવી તેઓની દલીલ હોય છે. એમની કોઈ બાબત એવી નથી કે જે આપણને ખોટી લાગે. પરંતુ જાણવાનો અને સમજવાનો વિષય એ છે કે અમુક ઉંમર સુધી આપણે આપણા દિવ્યાંગ બાળકના અછોવાના કરીએ, એને હથેળીમાં ઉછેરીએ, એને જોઈએ તે સરસ મજાનું વાતાવરણ આપીએ, બધી જ વસ્તુઓ આપીએ, એને હસતું રમતું રાખીએ આ બધું હોવા છતાં આપણા ઘરના ત્રણ કે ચાર જણા વચ્ચેનો એનો ઉછેર એ closed environment માં થયેલો ઉછેર છે. એટલે કે બદ્ધ વાતાવરણ, એક સંકુચિત વર્તુળની અંદર આપણું બાળક ઉછરે છે. એ બાળક અન્ય લોકો સાથે સંપર્કમાં આવે ત્યારે એને જે સાંવેગિક પ્રકારના પ્રતિચારો મળે છે એ આપણે એને ઘરમાં આપી શકતા નથી. ગમે તેમ તો આપણે મા બાપ છીએ એટલે આપણે એને કક્કો શીખવીએ કે A B C D શીખવીએ ત્યારે એ આપણી પાસે બહુ લાડ કરીને શીખે છે એવી પણ ફરિયાદ આ મા બાપ કરે છે કે, જુઓ એને કરવું હોય તો જ કરે છે. હમણાં જ એકદમ હાઇપર એક્ટિવ બાળકના મા બાપને મળવાનું થયું ત્યારે બહુ આશ્ચર્ય થયું કે હું જે પ્રશ્ન પૂછું તે પ્રશ્નને તેઓ બાળક જવાબ આપે તે પહેલા અંગ્રેજી કરી નાખે. ઉદાહરણ તરીકે, મેં પૂછ્યું, ‘શું નામ છે તારુ દોસ્ત ?’ ત્યાં એના પપ્પા બોલ્યા, what is your name beta ? પછી મેં પૂછ્યું, બેટા તારો જન્મ ક્યારે થયો છે ?’’ તો તરત જ પપ્પા બોલ્યા કે what is your birth date ? હું જે બોલું તેનું અંગ્રેજી કરી આપે. થોડીવાર તો મને એમ થયું કે આ બાળક અંગ્રેજી જ સમજે છે, ગુજરાતી સમજતું નથી એટલે એના પિતાશ્રી હું બોલું તેનું અંગ્રેજી કરી આપે છે. હકીકત એ ન હતી. બાળક ગુજરાતી જ બોલતું હતું, મુક્તપણે બોલતું હતું, આનંદથી બોલતું હતું અને ખુલીને અભિવ્યક્ત થતું હતું. પણ માતાશ્રી ગુજરાત બહારના પ્રાંતના હતા અને પિતાશ્રી આપણા ગુજરાતના હતા એટલે એ બંને વચ્ચે એવા પ્રકારની ટસલ હતી કે બાળક અંગ્રેજીમાં ભણવું જોઈએ અને એ સ્વીકારીને પિતાએ એવું નક્કી કર્યું કે એને અંગ્રેજી હું શીખવીશ. હવે એનું પરિણામ મારી સામે મેં જોયું. માતા પિતાને એ ખ્યાલ નથી કે આમ કોઈપણ પ્રશ્નને અંગ્રેજી કરી આપો એટલે એ બાળક અંગ્રેજી જ સમજે એ આપણો ભ્રમ છે. એ તો માતૃભાષાના જ શબ્દો સમજે. આ એની ઉંમર છે કે જયારે એને માના દૂધની ભાષા ઝડપથી પોતાની લાગે છે. આ ઉદાહરણ એટલા માટે આપ્યું કે ઘરની અંદર માતા પિતા તરીકે આપણે ગમે તેટલી કાળજી રાખીએ તો પણ કેટલાક પ્રકારના સાંવેગિક મોકાઓ જે શાળાના વાતાવરણમાંથી મળે છે તે આપણે આપી શકતા નથી. બધાને ભય છે કે એને કોઈ ધક્કો મારશે અને પડી જશે તો ? એને કોઈ મશ્કરી કરશે તો ? સમજાવવાનો પ્રયત્ન હંમેશા એવો કરું છું કે એ પણ થવા દો. સહજતાથી થવા દો. તમે એની ચિંતા ન કરો. શાળા સાથે સ્પષ્ટ વાત કરીને એને ધીમે ધીમે કરતા શાળા તરફ વાળો. ભલે ત્રણ ચાર વર્ષનો હોય ત્યારે શરૂઆતમાં ૧ થી ૨ કલાક જાય, નાસ્તો કરવાના સમયે જાય. પ્રાર્થના કરવાના સમયે જાય, એવી વાત શાળા સાથે કરી લ્યો. પણ આ બાળકને ૧૨ – ૧૫ વર્ષનું થાય ત્યાં સુધી સ્કૂલે મોકલવું જ નથી એવી માનસિકતા અત્યારે જે આપણાંમાં પ્રવર્તે છે તે આપણા જ બાળકના વિકાસનો વિરોધી છે.
આપણા ડો. નિવૃત્તિ મેડમ સરસ વાત કરે છે કે, “સ્કૂલિંગ માટે એટલા માટે કહેવાનું કે ફિઝીકલી ચેલેન્જ બચ્ચાઓ હોય તો એને મેન્ટલી બરાબર હોય અથવા તો બોર્ડર લાઈન આઈક્યૂ ડીલે હોય તો એવા બચ્ચા નોર્મલ સ્કૂલમાં જઈ શકે. ઘણી વાર પેરેન્ટ્સ એવું વિચારતા હોય છે કે પહેલા ચાલતા બેસતા શીખે પછી એને સ્કૂલિંગ શરૂ કરીએ. એ લોકો એટલું મહત્વ એના સ્કૂલિંગને નથી આપતા જેટલું મહત્વ ફિઝિકલ પરફોર્મન્સ ને આપે છે. લર્નિંગ ડિસેબિલિટી અને મેન્ટલી ડીલે બચ્ચામાં એ પ્રોબ્લેમ થાય છે કે જો બોર્ડરલાઇન ડીલે હોય તો એ લોકોને નોર્મલ સ્કૂલમાં જાય તો વધારે સારું. કેમ કે નોર્મલ બચ્ચાની વચ્ચે રહેશે તો એના જેવા બનવાની ટ્રાય કરશે, એ કરતા હોય એવું કોપી કરવાની ટ્રાય કરશે પણ મોડરેટ ટુ સિવિયર કક્ષાના બાળકો હોય તો એને સ્પેશિયલ સ્કૂલમાં જવું જોઈએ એટલે પેરેન્ટ્સને ઘણીવાર અમે કહીએ છીએ પણ બચ્ચા નોર્મલ સ્કૂલનો જ આગ્રહ રાખે છે. એના સ્કૂલવાળા પણ હાયપર એક્ટિવિટી અને એ બધા બિહેવિયરને ધ્યાનમાં રાખીને એને એડમિશન નથી આપતા હોતા. ઘણા પેરેન્ટ્સ એવું કહે છે કે અમે સ્કૂલમાં નથી મોકલતા પણ ટ્યુશનમાં મોકલીએ છીએ. ટ્યુશન એક કે બે કલાક માટે હોય, સ્કૂલ ને ટ્યુશન રિપ્લેસ કરી શકે ? સ્કૂલમાં એને કેવો માહોલ મળે, એની ઉંમરના છોકરા હોય એની સાથે હળે ભળે, એ શું કરે છે એ જુએ, લંચમાં એની સાથે ફ્રેન્ડશીપ કરે તો એવું બધું ટ્યુશનમાં એને ન મળી શકે. “
બાળક જો ખરેખર શાળામાં જશે તો એને નવું વાતાવરણ મળશે. જે એણે ઘરમાં જોયું નથી તો એને ઘણા બધા લોકોના ચહેરા જોવા મળશે. એની સામે કેટલાય લોકો વર્તન વ્યવહારો કરતા એ જોશે ત્યારે એને ખ્યાલ આવશે કે વર્તન વ્યવહાર કરવાના બીજા અનેક રસ્તા છે. આપણો જે ભય છે કે એને કોઈ ધક્કો મારશે તો ? બહુ સ્પષ્ટ રીતે કહેવા માંગુ છું કે ધક્કો મારે તો મારવા દ્યો. એને થોડા દુઃખના એવા ધક્કાઓ વાગવા દ્યો. એને એમની રીતે ઉભા થવાનો એક ચાન્સ આપો. એમને ધક્કો મારનારો ધક્કો મારશે ત્યારે જ એને જોવા મળશે કે બીજા લોકો એ પડી ગયો હશે તો એને પકડીને ઉભો કરવા માટે પણ દોડી આવશે. આ અન્યનું દોડીને આપણને મદદ કરવું એ સાંવેગિક વિકાસ માટે થઈને એક બહુ જોરદાર ઇનપુટ છે. આપણું બાળક વિચારશે મમ્મી પપ્પા જ મદદ કરે એવું નથી મારા દોસ્તાર પણ મને મદદ કરે છે. એમાંથી એ ભાવ પણ જન્મશે કે કોઈ પડી જાય તો હું પણ દોડી જઈને એને ઉભો કરવામાં મદદ કરી શકું. કોઈ વિદ્યાર્થી એની મશ્કરી કરશે તો કરવા દો એની ચિંતા ન કરો. ઘણી વખત આપણા બાળકો ઘરની અંદર એકદમ હુલાવી ફુલાવીને રાખેલું વાતાવરણ હોય એનાથી અંદરથી મોનોટોનસ પ્રક્રિયાને કારણે તંગ આવી ગયા હોય છે. એ વ્યક્ત નથી કરતા પણ કોઈ મશ્કરી કરે તો આપણે મશ્કરી જીલી શકાય, એને હળવાશથી લઇ શકાય, સાથેના બધા મિત્રો હસે, હસે તો સૌને આનંદ થાય એ બધું જોઈને પણ આ બાળકને આનંદમય વાતાવરણ સર્જવા માટે વ્યંગ્ય કેવું કામ કરે છે એનો ખ્યાલ આવશે. અને ત્રીજી વાત આ બાળકને જો એના પગ ઉપર ઉભા રહેવા દેવું હોય, જો એના પોતાના કામને પોતે કરે એવું કરવા દેવું હોય તો પણ એ શાળામાં જાય તે જરૂરી છે. એટલા માટે કે એમણે પોતે પોતાની પ્રક્રિયામાં હકીકતમાં પોતે જ સ્વબળે, આત્મબળે કામ કરવું પડશે એવી વાત એના મનમાં બંધાશે. એ અન્ય વિદ્યાર્થીઓને પોતાનું કામ જુદી જુદી રીતે કરતા જોશે ત્યારે એમને પણ વિચાર આવશે કે બીજા કરે છે તો હું પણ કરી શકીશ.
શાળાએ મોકલવાથી બાળકમાં ધીમે ધીમે આત્મબળ એટલે કે હું કરી શકીશ, મને થયું તો વાંધો નથી,.. એ પ્રકારનું એક બળ ઉત્પન્ન થશે અને અધ્યાત્મવાદ પણ સ્વીકારે છે કે કોઈ પણ માણસની પ્રગતિ માટે મુખ્ય પરિબળ હોય તો આત્મબળ છે. આમ શાળાએ મોકલવું એ શિક્ષણ પદ્ધતિનો પણ ભાગ છે. આપણને ખ્યાલ હશે કે પહેલાના વખતમાં આ પ્રકારના બાળકો માટે જુદી શાળાઓ બનાવવામાં આવતી હતી. પણ એવું નક્કી કરવામાં આવ્યું કે એને તાલીમ આપવા માટે આવી જુદી વ્યવસ્થા હોય શકે પણ એને ભણાવવા માટે તો inclusive education ની પોલિસી ભારતે અપનાવી છે. બીજા દેશો એમાં સફળ થયા એ જોઈને ભારતે આ કામ કર્યું છે, તેનો લાભ આપણે લેવા જેવો છે. inclusive education નો અર્થ જ એ છે કે અનેક પ્રકારના, અનેક વિશિષ્ટતાઓ અથવા અનેક નબળાઈઓ ધરાવતા બાળકો સાથે બેસીને ભણે. એટલે પેલા દિવ્યાંગ બાળકોને એમ ન લાગે કે અમે સમાજથી જુદા છીએ. અમે આમાં ભળી શકીએ નહીં, અમે આ લોકો જેવા થઈ શકીએ નહીં. એ ક્યારે શક્ય બને ? જયારે તેઓ ભેગા બેસીને પ્રાર્થના કરે, ભેગા બેસીને નાસ્તો કરે, ભેગા રહીને રમત રમે, ભેગા રહીને તાળી પાડીને આનંદ વ્યક્ત કરે, કોઈને કશું વાગ્યું કે એવું થયું તો સૌ દુઃખ અનુભવે આ બધા જ અનુભવ એને શાળા આપે છે અને એટલા માટે આપણે આપણા બાળકને એની ઉંમરે શાળામાં મોકલવું જ જોઈએ.
હા, એક વાત જરૂર કહેવાનું પસંદ કરું કે શાળાએ મોકલીએ એનો અર્થ એવો નથી રાખવાનો કે હોશિયાર થઈ જવો જોઈએ. એ કડકડાટ બધું બોલતો થઈ જવો જોઈએ, એ લખતો થઈ જવો જોઈએ. એમની પ્રગતિ ધીમી જ રહેવાની છે અને ધીમી ગતિએ પ્રગતિ કરશે તો પછીથી એની પ્રગતિ વધુ સારી થઈ શકશે. માટે કંપેરીઝન કરવાની જરૂર નથી, એવું માતા પિતા તરીકે આપણે ખાસ યાદ રાખીએ. ‘મારું બાળક શાળાએ જાય છે માટે હવે એણે આટલા ટકા લઈ આવવા જોઈએ’ અથવા ‘એના શિક્ષક આ તો એને કઈ શીખવતા નથી’, ‘હજુ એને આવડવું જોઈએ એટલું તો એને આવડતું નથી તો ક્યારે આગળ વધશે ? તો શાળાએ મોકલવાનો શું ફાયદો ?’ આવા કોઈ પ્રશ્નો કે વ્હેમ આપણે ઉભા કરવાની જરૂર નથી. આપણે ઈશ્વરમાં શ્રદ્ધા રાખીએ એ માટે થઈને જ આપણને દિવ્યાંગ બાળક આપ્યું છે. ઈશ્વરે કહ્યું છે કે, આ બાળકને ઉછેરી શકો એવા તમે જ એક મા બાપ છો. હવે આ વાત જો સાચી હોય અને સાચી માનતા હોઈએ તો આપણે ઈશ્વરમાં ભરોસો રાખવો પડે. એમણે મોકલ્યું છે એટલે એમના વિકાસનો નકશો એમણે દોરી લીધો છે આપણા આવા સંતાનનું ટાઈમ ટેબલ ઉપરથી બનાવીને એ સાથે લઈને આવ્યું છે. ફર્ક એટલો છે કે એ સમયપત્રક શું છે એની આપણને ખબર પડતી નથી અને એ ખબર ન પડે એનું એક મુખ્ય કારણ એ છે કે તો જ વિકસવાનો એક ચાર્મ છે, ઉત્સાહ છે. આવતીકાલે શું થવાનું છે તે આજે તો ખબર પડી જાય તો આવતીકાલનું મહત્વ ન રહે. દરેક દિવ્યાંગ સંતાનના માતા પિતાને નમ્ર વિનંતી કરવાની ઈચ્છા થાય છે કે અમુક ઉંમરે તમારા સંતાનને શાળાએ મોકલવું જ જોઈએ અને શાળાએ મોકલ્યા પછી એમના સાંવેગિક વિકાસ તરફ ધ્યાન દેવું જોઈએ. એનો સમય આવશે ત્યારે એ બીજા બાળકો કરતા પણ આગળ નીકળે એવું એ શીખશે. પણ એ કેમ આગળ નથી નીકળતું એ ચિંતા કરીને વારંવાર બોલીને બાળક ઉપર ટેંશન નાખવાની જરૂર નથી. ખાસ જ આ વાત ગળે ઉતારવા જેવી છે. શાળાની પસંદગીમાં મુશ્કેલી પડે છે એવી કોઈ વાત કરે છે તો એ વાત સાથે સંમત થવાય છે પણ હવે કેટલીયે શાળાઓ એવી છે જે આ પ્રકારના બાળકોને આદરભેર પોતાને ત્યાં દાખલ કરે છે અને ત્યાં સાચવે છે. આપણે પોતાનું સંતાન ઘરમાં ઉછરે તેની બદલે એક મોટા વાતાવરણમાં જાય, અનેક વિદ્યાર્થીઓને મળે અને આનંદ મોજ મસ્તી કરે એવું તો ઇચ્છીએ જ છીએ ને ?
by Santulan | Sep 24, 2023 | મુંબઈ સમાચાર ને 202 વર્ષ થતા પૂરતી, વિશેષ લેખ |
હું કોઈ જાતની સમજ વગરનો ભોળો, ભોટ કે જેને બીજા લોકો નકામો કહી શકે એવો એક કેવળ ‘ દ્રષ્ટા’ બનીને જીવતો રહું, એવી પ્રાર્થના છે.
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
ક્યારેક લાગે છે કે કાળચક્ર ચાલતું રહે છે તે ઘણું સારું છે, તો ક્યારેક લાગે છે કે આ કાળચક્ર ઉભું રહી જતું હોય તો કદાચ વધુ સારું રહે. આપણા સ્મરણોની સંદૂક ખુલવાની હોય ત્યારે કાળચક્ર થંભી જવું જોઈએ. અને આપણા સ્મરણોની સંદુકને વિસરી જવાની હોય ત્યારે કાળચક્ર ચાલવા લાગવું જોઈએ. જો કે સ્મરણોની સંદૂક ખોલવી એ એક તરફથી ગમતીલી વાત છે અને એક નજરે જોઈએ તો દુખતી રગ દબાવવાની વાત છે. બધું જ કૈં શ્રેષ્ઠ સંગ્રહાયું છે એવું બન્યું નથી, કારણ કે જીવનમાં બધું જ શ્રેષ્ઠ ક્યારેય બનતું જ નથી. થોડું સારું છે તો થોડું નરસું છે. થોડું મીઠું છે તો થોડું કડવું છે. તેમ છતાં સ્મરણ એ સ્મરણ છે અને એ સ્મરણની પ્રક્રિયા જયારે માનસપટલ ઉપરથી રિવાઇન્ડ થઈને પસાર થતી હોય ત્યારે એમાં ડૂબકી મારવાની કે ડૂબી જવાની મજા હોય છે.
કોઈએ પૂછ્યું કે ચાલો, એવા સમયમાં જઈએ… મન મૂંઝાયુ કે કેવો સમય ? ગઝલના શબ્દો ગુંઝવા લાગ્યા : મગર મુજકો લૌટા દો બચપન કા સાવન, વો કાગજ કી કશ્તી વો બારીશ કા પાની. આપણે આપણું બાળપણ પાછું મળે એવું ઇચ્છતા હોઈએ છીએ. કારણ કે જેટલું જીવ્યા તેમાં ભાર વગરનું, દંભ વગરનું, ગોઠવ્યા વગરનું જીવ્યા હોઈએ એવો એ એક જ તબક્કો છે. જીવનની કશ્તીને ધીમે ધીમે આગળ ધપાવવાની છે અને એમ કરતા કરતા આપણે આપણા સ્મરણોની સંદુકને નિહાળવાની છે.
ગમી જાય એવો સમય એટલે તો ગઈકાલ. ગઈકાલ ગમે છે કારણ કે આજે એ ગઈકાલ રહી નથી. વીત્યું તે વીતી ગયું છે એટલે વ્હાલું લાગે છે. જયારે તે વીતતું હોય છે ત્યારે તે કઠિન લાગતું હોય છે. વીતી ગયેલું વ્હાલું લાગે કારણ કે આપણને જે વીતી જાય છે એનું જ મૂલ્ય કરવાની ટેવ હોય છે. આપણા હાથમાં વર્તમાન હોય ત્યારે તેને આદર આપીને સંગોપવાનું આપણે ભૂલી જતા હોઈએ છીએ. અને વર્તમાન જયારે ભૂતકાળ બની જાય ત્યારે એના ગુણગાન ગાવા અને આરતી ઉતારવામાં આપણે વ્યસ્ત રહીએ છીએ. નાની નાની વાતોનો જે આનંદ લૂંટવાની મજા હતી એવી કોઈપણ અવસ્થા હોય એ બચપણ હોય, કિશોરાવસ્થા હોય કે યુવનાવસ્થા હોય એ સ્મરણીય હતી, છે અને રહેશે. બહુ મોટું પ્રાપ્ત કરવામાં આપણે ઘણો બધો પરિશ્રમ કરતા હોઈએ છીએ. પણ નાનું નાનું પ્રાપ્ત કરવામાં જે લખલૂટ આનંદ મળે છે એ આનંદ આપણા એ સમયગાળાને ચિરંજીવ બનાવે છે.
(1) નાનું અને દેશી નળિયાંવાળું મકાન હતું જેમાં અમે ૫ + ૨ એમ ૭ લોકો જીવી રહ્યા હતા. વરસાદ આવે ત્યારે મા બાપ ઘરમાં ચુવાક થશે તેની ચિંતામાં રહેતા, પણ એ સમયે અમે સૌ ટબુડીયા ચુવાકના ટીપાને ઝીલવા રાખેલા વાસણના પેલા ટીપાઓથી થનાર તડ..તડ..તડ…તડ… નું સંગીત માણવા આતુર રહેતા હતા. ત્યારે મા બાપની ચિંતા એ અમારો આનંદ હતો. આશ્ચર્ય થાય છે આજે કે એ ચિંતા ત્યારે અમને કેમ ન હતી ! પણ પેલા પિત્તળના વાસણોમાં ઉપરથી પડતા ટીપાઓના તડ તડ સંગીતને માણવામાં આનંદ મળતો હતો એટલો ભાગ ગમે છે….
(2) યાદ છે બરાબર કે ગાદલા, ગોદડાં અને ઓઢવાનું ગોઠવીને ઘરના એક ખૂણામાં ડામચિયો બનાવવામાં આવતો. આ ડામચિયો એટલે ગાદલા, ગોદડાં, ઓઢવાનું અને ઓશીકાને થપ્પા બનાવીને ગોઠવીને રાખવાની એક વ્યવસ્થા. અને એ ગોઠવ્યા પછી એની ઉપર એવી રીતે કશુંક ઓઢાડવામાં આવે કે ત્યાં નાનકડો પટારો પડ્યો છે એવું સૌને લાગે. મા ખુબ મહેનત કરીને આ ડામચિયો સવારે ગોઠવતી અને રાત પડે એ ડામચિયાને વીંખીને અમારા સૌની પથારી કરતી. પણ મમ્મી આ ડામચિયો સવારે ગોઠવી લે પછી બિન્દાસ્ત દૂરથી દોડતા દોડતા આવીને એ ડામચિયા ઉપર ભુસ્કો મારીને ચડી જવાનો આનંદ આજે પણ યાદ છે. આપણને આવી રીતે દોડીને આવતા અને બિન્દાસ્ત ભુસ્કો મારતા જોઈને મા બાપનો જીવ તાળવે ચોંટી જતો અને એ આપણને ખખડાવી નાખતા, ક્યારેક ધોલ ધપાટ પણ કરી લેતા ત્યારે આપણને મનમાં એમ થતું કે આવું કેમ કરે છે ? પણ ફરી એકવાર એ જ વાત હતી કે આપણો જે આનંદ હતો, એ માતા પિતાની ચિંતા હતી. ત્યારની મસ્તી, મસ્તી હતી કારણ કે એ એ બહુ સસ્તી હતી, પણ આજની મસ્તી એ હવે મસ્તી રહી નથી કારણ કે એ ધસતી ધસતી આવે છે અને ખુબ મોટો ખાડો જીવનમાં પાડીને જાય છે.
(3) એક સમય એવો યાદ છે કે જયારે રાજકીય પક્ષો ચૂંટણી સમયે જાહેરસભાઓ યોજતા. એ જાહેરસભામાં આવવા માટે શેરીએ શેરીએ ઘોડાગાડી ફરતી. ઘોડાગાડીમાં પાછળ એક હુષ્ટપુષ્ટ માણસ બેઠો હોય એની બાજુમાં ચોપાનિયાઓનો ઢગલો હોય, હાથમાં એક માઈક હોય. અને માઈકનું એક ભૂંગળું લાઉડસ્પીકર ઘોડાગાડીના બહારના ભાગમાં લટકતું હોય અને એ માણસ એક વિશિષ્ટ અદાથી જાહેરસભાની જાહેરાત કરતો હોય. એ માણસ વારંવાર બોલતો ‘ જંગી જાહેરસભા, જંગી જાહેરસભા.’ (ત્યારે પ્રશ્ન નહોતો થતો કે હજુ જાહેરસભા થઇ નથી ત્યાં ‘જંગી’ વિશેષણ કેમ લગાડી દીધું, ભાઈ ?) એ કોઈ ઘર પાસે ઉભો રહે અને આજુબાજુના છોકરાઓ ટોળે વળે. છોકરાઓને એ ચોપાનિયાંઓ આપે. એમાં એક હું પણ હતો. ત્યારે ખબર નહોતી કે એ ચોપનીયા શાના છે અને આપણને શું કામ આવશે ? આપણા માટે ઉપયોગી છે કે નથી ? એવું પણ સૂઝતું ન હતું ત્યારે.. પણ ચોપાનિયા આપે છે, બધા લે છે, અને મારે પણ જોઈએ છે,, એટલો જ એક નાનકડો ભાવ હતો. મને યાદ છે કે ચોપાનિયુ પહેલું મારા હાથમાં આવી જતું તો હું જાણે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવીને બહાર આવ્યો હોઉં એટલા આનંદથી ઉછળી ઉઠતો. પછી વળી મનમાં થતું કે, મારી નાની બહેન તો અત્યારે નથી આવી એટલે એના માટે ચોપાનિયુ માંગું, એટલે ફરી એક વાર ધક્કા મુક્કી કરીને એ ઘોડાગાડી પાસે ઉભેલા છોકરાઓની વચ્ચે ઘૂસતો, ત્યાં ઘોડાગાડી ચાલતી થઇ જતી. અને એ ચાલતી ઘોડાગાડીમાં પાછળ લટકીને, દોડીને કરગરતો હું કહેતો, ‘ એ ભાઈ… એક વધુ ચોપાનિયુ આપોને મારી બહેન માટે જોઈએ છે., એ ભાઈ …’ ત્યારે કોઈ મૂલ્ય નહોતું એ ચોપાનિયાનું, આજે પણ નથી, પણ ‘ મૂલ્ય નથી’ એ ત્યારે ખબર નહોતી એટલા માટે ન કરવા જેવી વસ્તુનું પણ મૂલ્ય કરીને આનંદ લૂંટતા. . પણ બેન માટે એક ચોપાનિયુ મેળવવામાં જયારે સફળ થતો અને અમારા બંનેની પાસે એક એક ચોપાનિયુ આવી ગયું છે એવો જયારે રાજીપો થતો ત્યારે મારી છાતી ફૂલી સમાતી ન હતી. આજે વિચારું છું તો એમ લાગે છે કે શું ત્યારનો એ સમય એવો હતો કે એમાં પાછું જવું જોઈએ. હું સાચો હતો કે હું ખોટો હતો ? ત્યારે કદાચ સાચો હતો તો આજે શું વિચારું છું. મારી આજ કેવી છે ?
આજે એ સમયમાં પાછા જવાની ઈચ્છા ખરી કે ?? વિચારવાની ઈચ્છા થાય છે કે જ્યાં દંભ ન હોય, જ્યાં કોઈ પ્રકારનો દેખાડો ન હોય, જ્યાં સમજ ન હોય, જ્યાં આપણે ભોટ હોઈએ, જ્યાં આપણે ભોળા હોઈએ એવો જે જે સમય હોય તે ફરીવાર જીવી જવાની ઈચ્છા છે. ત્યાં સુધી કહું કે સમજ જરાપણ ન હોય અને માત્ર ને માત્ર આપણે ઓબ્ઝર્વર હોઈએ એવો સમય મને પાછો જોઈએ છે. અષ્ઠાવક્ર ગીતા વાંચી છે, અને એના ઉપર ભાષ્યને સાંભળું છું ત્યારે એક વાક્ય વારંવાર બોલાય કે, દ્રષ્ટા બની રહો… દ્રષ્ટા બની રહો. તમારે દ્રશ્ય કે દર્શક બનવાનું નથી. દ્રષ્ટા બની રહેવાનું છે. હું પ્રાર્થના કરું કે મેં વર્ણવ્યો તેવો સમય મને ફરી એકવાર મળી જાય અને એમાં હું કોઈ જાતની સમજ વગરનો ભોળો, ભોટ જેને બીજા લોકો નકામો કહી શકે એવો કેવળ દ્રષ્ટા બનીને જીવતો રહું, એની મને પ્રતીક્ષા રહેશે.
by Santulan | Sep 24, 2023 | Personal, વિશેષ લેખ |
જયની જાત પ્રત્યેની પોતાની સજગતા વધે અને તે ઉમદા રીતે પોતાનામાં ઊંડો ઉતરતો જાય, તેવી શુભેચ્છાઓ.
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
કહેવાય છે કે જેને બહુ નજીકથી ઓળખતા હોઈએ, જે તમારા આત્મીય હોય, જે તમારા દિલથી ખુબ નજીક હોય એના વિષે લેખ ન લખવો. કારણ એમાં પક્ષપાત થઈ જવાનો ભય રહે છે. એ લેખ કદાચ એકતરફી લખાય જાય એવું પણ બને, કારણ કે હૃદયના એક ખૂણામાં જે વ્યક્તિત્વ બેઠું હોય તેના વિષે આખું હૃદય એક તરફ તમારી કલમને દોરી જાય એવું બને . પણ આજે જરા ધર્મ સંકટ જેવું બન્યું છે. જયના મામીનો આગ્રહ છે કે જય વિષે તમારે એક લેખ આપવાનો છે કારણ બહુ સબળ છે. જય ૫૦ માં વર્ષમાં પ્રવેશ કરે છે એટલે કે વન પ્રવેશ તરફ જય આગળ વધે છે. કારણ અને કહેનાર એ બંને એટલા સબળ છે કે ‘ના’ પડી શકાય તેમ નથી અને એટલે હું અષ્ટાવક્રના આદેશ મુજબ દ્રષ્ટા ભાવથી જય વિશેના ઉમળકાને વહેતો મુકું છું.
ગોંડલ રહેતો એક નાનકડો છોકરો એની મમ્મીની આંગળી પકડીને ઘણીવાર વક્તૃત્વ સ્પર્ધામાં મળતો. અને વક્તૃત્વ સ્પર્ધામાં ઠાવકાઈથી રજુઆત કર્યા પછી એમના મમ્મી નજીક આવીને પૂછતાં કે, તમને ઘરે ક્યારેક તકલીફ આપું ? હું પૂછતો કે, શેના માટે ? તો એ કહે કે, તમે જયની સ્પર્ધાઓના નિર્ણાયક હો છો તો તમે જયને બરાબર ગાઈડ કરો, કેમ બોલવું જોઈએ, કેમ હાવભાવ કરવા જોઈએ તો એ ભવિષ્યમાં બરાબર આગળ વધે. પછી તો આ પૃચ્છા નિકટના સંબંધમાં પલટાઈ ગઈ. અને જય પોતાના વિષય અંગેની, વિષય અંગેના પોતાના મુદ્દાઓની ચર્ચા કરવા માટે અથવા પોતે જે વિચારી રાખ્યું હોય એ ટાંકીને મળે અને એની રજુઆત કેમ કરવી એના વિષે ખુબ વાતો થાય. એ નાનકડા જયથી લઈને પચાસ વર્ષના જય સુધીની યાત્રાનો હું સાક્ષી રહ્યો છું. એમના જીવનના બનતા બનાવોનો પણ હું સાક્ષી રહ્યો છું. પ્રેમમંદિરના અમે ચારેય પુજારીઓ, એમના ગોંડલના ઘરના તો વારંવારના મુલાકાતીઓ રહ્યા છીએ. ક્યારેક કેરી ખાવાના બહાને પહોંચ્યા છીએ તો ક્યારેક લલિતભાઈને મળવું છે એમ કરીને પણ જય સાથે વાતો થાય એવા ઉદ્દેશથી અમે ઈરોટિકામાં પહોંચી જતા હતા. જૂનાગઢ તરફથી નીકળો તો વચ્ચે ગોંડલ આવે એના કરતાં વચમાં જય વસાવડાનું ઘર આવે એ એક મહત્વનું સીમાચિહ્ન અમારા માટે હતું .
અમારી આત્મીય દોસ્તી જયના આખા કુટુંબ સાથે.. આમ જો મને પૂછો તો જયનું બાળપણ અને જયની યુવાની એ લગભગ માતામાં સીમિત થયાં એટલે કે પહેલાં મમ્મીનો સંગાથ અને પછી મમ્મીનો ખાલીપો !! અને મમ્મીની વિદાય પછીના વર્ષો એ પિતાકેન્દ્રી બન્યો. એમાં પણ ઘણો વખત તો એ સ્વૈરવિહારી રહ્યો. એટલે બહાર બહાર બહાર ફરતો રહ્યો પરંતુ માતાના ગયા પછીનો ખાલીપો પિતાએ પૂર્યો. જો કે, પિતાની સાથોસાથ મામીએ જયને જે રીતે હથેળીમાં જાળવીને સાચવી લીધો તે ઋણાનુબંધનું જ્વલંત ઉદાહરણ છે. જયને શું ગમે છે ? જયના મિત્રોને શું ગમે છે ? જયને શું ભાવશે ? શું કરીએ તો જયને ગમશે આવી અનેક પ્રકારની ચિંતાઓ ભાવનામામીએ કરી. અને પરિણામે ‘મા’ નહીં તો ‘મામી’ એમ જય બરાબર સચવાઈ ગયો. આ ‘સચવાઈ’ શબ્દ હું જાણી જોઈને પ્રયોજું છું, કારણ ઘરમાં કોઈ નારી જ ન હોય તો ઘર ભાગ્યે જ ઘર રહે. જયને મમ્મી પછી એક પીઢ છતાં હસમુખી, સમજુ છતાં શાણી અને બાપ દીકરા બંનેની આત્મીય કાળજી લેનાર મામી મળી એને હું તો હરિ કૃપા જ ગણું છું.
પિતાશ્રીનો સ્વભાવ અમારા જેવો એટલે કે નાગરજન જેવો. અલગારી અને લેશમાત્ર ચિંતા નહીં, વળી નફકરા ઘણા. અને નિજાનંદમાં જીવનારા. ટીખળમાં ઘણું કહેનારા પણ લાગણીઓ દર્શાવવામાં કરકસર કરે તેવા. એટલે જયને પિતાશ્રીનો પરિચય સાચા અર્થમાં ઘણો મોડો થયો. જો કે, જય માટે મમ્મીનાં ગયા પછી ખુબ ભમીને ઘરે પાછા આવવાનું કારણ હોય તો તે લલિતભાઈ. પિતા થોડા થોડા બીમાર પડવા લાગ્યા ત્યારથી એને ખ્યાલ આવ્યો કે મમ્મી પછી મારા પિતા પણ મારા જીવનનો એક અદમ્ય હિસ્સો છે. અને ત્યારથી જય પિતાકેન્દ્રી વધુમાં વધુ બન્યો એવું મારું આકલન છે.
બન્યું એવું કે શરૂઆતમાં મમ્મી એ જયને સાચવી લીધો અને પિતાશ્રીના છેલ્લા દિવસોમાં પિતાએ જયને એટલો બધો સમય સેવા કરવાની તક આપી કે જેથી જયનો ખાલી ખૂણો ભરાવા લાગ્યો. આમાં પણ કાળી રાત્રે કશી જરૂર રહી જાય તો મામા મામી અને તેમનું કુટુંબ એમની સાથે હતા. જયનું ઘર ક્યારેય એકલું પડ્યું નથી. એના મમ્મી ગયા, કેન્સર જેવી બીમારીમાં ગયા, તો પપ્પાને માટે મામી મામા હતા પરિણામે જય ઈરોટિકામાંથી રાજકોટમાં ફ્લેટમાં શિફ્ટ થયો ત્યારે પણ એનું શિફટિંગ બહુ સહજતાથી થયું.
જય સમગ્ર વિશ્વ ઘુમનારો, સ્વૈરવિહાર કરનારો અને ઈચ્છે તેમ રખડનારો એવો જુવાન છે. એમને વક્તવ્ય આપતા તો નાનપણથી મેં જોયો છે. એટલે એમનો વિકાસ કેવી રીતે થયો એના વિષે ઝાઝું મારે ઉમેરવું નથી. પણ એટલું ચોક્કસ કહું કે નાનપણમાં એના મમ્મીએ આજની મમ્મીઓ જેમ કુરકુરેના પેકેટ હાથમાં મૂકે છે તેને બદલે નાની નાની ચોપડીઓ એના હાથમાં મૂકી અને પરિણામે મા એ વાંચનનો જબરો શોખ જયને લગાડ્યો. પિતા પણ અધ્યાપક એટલે ઘરમાં પણ વાત અધ્યાપનની થાય, વાંચનની થાય એટલે વાંચન રસ એટલો બધો પ્રબળ થયો કે જય નાનો હતો ત્યારે લગભ એક બે લાઈબ્રેરી જેટલા પુસ્તકો વાંચીને પોતાના મગજને પેક કરીને બેસી ગયો. મોટો થયા પછી પોતાની રીતે ફિલ્મો જોવાનો શોખીન બન્યો. ફિલ્મો જોવાનો શોખીન એટલે એક સાથે બે બે ફિલ્મ જોઈ નાખે. કે ફિલ્મ PVR માં જ જોવા માટે રાજકોટથી અમદાવાદ સુધી દોડી જાય..અરે ક્યારેક તો મુંબઈના PVR માં જ ફિલ્મ જોવી છે તેવું વેણ ઉપાડે તો મુંબઈ સુધી વિમાનમાં ઉડે!! જાત મહેનત તથા ઈશ્વર કૃપાથી જયને એ બધી વરણાગી પોષાય પણ ખરી. વળી ઘણીવાર મનગમતું પિક્ચર જોવા માટે ફ્લાઇટ એવી રીતે બુક કરાવે કે જેથી કરીને પિક્ચર પૂરું કરીને ફ્લાઈટમાં કાર્યક્રમનાં સ્થળે જતું રહેવાય. આવા અનેક ગતકડાંઓ કરીને એ દેશ વિદેશની ફિલ્મો જુએ છે અને એ ફિલ્મોના ઊંડાણથી વિશ્લેષણો કરે છે. ધીમે ધીમે છેલ્લા પાંચ દસ વર્ષમાં જય ‘આપવાદી’ પણ બહુ બન્યો. આપવાદી એટલે એ પોતાના અભ્યાસ અને પોતાના શોખને લીધે confident બન્યો કે જેથી ઓસ્કાર વિષે જયારે આગાહીઓ કરે કે ચૂંટણીના પરિણામો વિષે આગાહીઓ કરે ત્યારે છાતી ઠોકીને ફેસબુકના લોકોને પડકાર ફેંકે કે, ‘બોલો, સીધો ક્યાંય ભાગ ન લેતો હોવા છતાં મારી આગાહી કેટલી પરફેક્ટ હતી !!’
આમ તમે જુઓ તો જીવન યવહારમાં જય એટલો ફ્યૂચરોલોજિસ્ટ રહ્યો નહીં. મને એવું લાગ્યું છે કે જયના મમ્મી વહેલા જતા રહ્યા ને એટલે એમને એક સારી એવી કન્યા કોઈ શોધી આપી ન શક્યું. મમ્મીને જય ના ન હોટ !! જો કે, એમના મમ્મીને હું ઓળખું છું એટલે એ પણ ઉમેરું કે એમના મમ્મીએ પણ જયની ઈચ્છાને જ ટેકો આપ્યો હોત !! દૂરથી જોતાં જયે ક્યારેય એવું લાગવા દીધું નથી કે એ ઘરનો ઠરીને ઠામ નથી થયો. જયને એનો અફસોસ છે કે નહીં એ બહુ ખબર પડવા દે એવો જય નથી. એ ચાલાક છે પણ એ પોતે એકલો પડતો હશે ત્યારે એને એ ખાલીપો ચોક્કસ સાલતો હશે. આ મારો ખ્યાલ છે. ન સાલતો હોય તો બહુ આનંદનો વિષય છે.
જય વિશેની બીજી ઘણી વાતો થઇ શકે. શુભેચ્છા તો એ પાઠવીશ કે હવે જય વનપ્રવેશ કરવાનો છે. બે પ્રકારની લતા હોય છે. એક વનલતા અને એક ઉપવનલતા. વનલતા જેમ ફાવે તેમ ઉગી શકે. કોઈનો ટેકો છોડી દઈ શકે, કોઈને ટેકે ચડી જઈ શકે. નિજ લીલાની ખુમારીથી જે લતા આગળ વધે એને વનલતા કહેવાય એમ જય ખરેખર પહેલાં ૫૦ વર્ષ વનલતા તરીકે જીવ્યો છે. પણ જયારે જય વનપ્રવેશ કરી રહ્યો છે ત્યારે હકીકતમાં તેનો ઉપવન પ્રવેશ થઇ રહ્યો છે. અને એટલે એ વનલતાને બદલે ઉપવનલતા તરીકે વધુને વધુ સઁવર્ધિતરૂપે, સુવ્યવસ્થિતરૂપે તેના લખલૂટ ચાહકો સમક્ષ આવે તેવી આપણા સૌની ઈશ્વરને પ્રાર્થના છે.
જય અસ્ખલિત બોલી શકે છે, જય વિસ્તૃતમાં વિસ્તૃત લખી શકે છે, જય સોશિયલ મીડિયા ઉપર પ્રત્યેક ક્ષણે હાજર રહી શકે છે, જય મોડે સુધી જાગી શકે છે અને મોડે સુધી સુઈ પણ શકે છે, અરે, જય સોશ્યલ મીડિયા ઉપર કોઈ ડફોળ સાથે થાક્યા વગર ઝગડી શકે છે, જય રાતભર પ્રવાસ કરી શકે છે, જય પોતાના મનમાં બેસી ગયેલ વ્યક્તિઓને ફાટફાટ પ્રેમ કરી શકે છે, જય સંતો મહંતોને ઝૂકીને પ્રણામ કરી આદર આપી શકે છે, જય રાજકારણીઓને પણ પોતાના ઘરે આવવા મજબુર કરી શકે છે, જય ધારે તે શોખ પુરા કરવાની ક્ષમતા ધરાવી જાણે છે અને જય જે ઈચ્છે તે કરી જ શકે છે. એ રંગોનો શોખીન છે, એ ખાવાનો શોખીન છે, એ ભાતભાતની જગ્યાએ ફરવાનો શોખીન છે, એ વાતો કરવાનો અનહદ શોખીન છે, એ લોકોને પ્રેમ કરવાનો અનહદ શોખીન છે. એના આ બધા જ શોખ પુરા થાય એવી હું જરૂર પ્રાર્થના કરું પણ સાથે સાથે એવી પણ પ્રાર્થના કરું કે જયની જાત પ્રત્યેની પોતાની સજગતા વધે અને તે વધુને વધુ ઉમદા રીતે પોતાનામાં ઊંડો ઉતરતો જાય. વિષ્ણુની વ્યાપકતા અને માધવનું પ્રેમ માધુર્ય જય પોતાની પાસેથી જ પ્રાપ્ત કરે એવી દિલની શુભેચ્છાઓ છે. ભાવનામામીને વિનંતી કરું કે મામી, તમે જયને સાથે રાખજો. જય વગર તમને નહીં ફાવે, એમ તમારા વગર જયને પણ નહીં ફાવે…
Jay Vasavada
by Santulan | Sep 24, 2023 | કાલનિર્ણય 2023, વિશેષ લેખ |
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
એક વખત વીરબલને રાજસભામાં આવતા મોડું થઈ ગયું. બાદશાહે પૂછ્યું : ‘અલ્યા, કેમ મોડો આવ્યો ?’ તો કહે : ‘જનાબ, છોકરાને રમાડતો હતો, તેમાં સમયસર ન નીકળાયું.’
‘લે શેમાં શી મોટી ધાડ મારવાની હતી ? ખાવાનું આપી દીધું હોત તો વાત પતી જાત.’
‘ના માલિક, એટલું સહેલું કામ એ નથી.’
બાદશાહ હઠે ચડયા. છોકરાં રમાડવાં તેમાં વળી શી વડાઈ ? છેવટે નક્કી થયું કે બાદશાહ બને બાપ અને બીરબલ બને દીકરો. દીકરાને બાપ રમાડી જાણે તો જાણવું કે છોકરાં રમાડવાં સાવ સહેલાસટ… અને શરત શરૂ થઈ.
બીરબલે તો શરૂ કર્યું : “એં એં…”
બાદશાહે પ્રેમથી પૂછ્યું, “કેમ બેટા, કેમ રડે છે ? શું જોઈએ તારે ?’
‘ખાવું છે!’
‘ઓહો, એમાં શી મોટી વાત? શું ખાવું છે ?’
‘શેરડી !’
‘અલ્યા, શેરડી લઈ આવો !’
શેરડી આવી. નોકરને કહ્યું કે કાપી આપ. કાપી આપી પણ પણ દીકરો તો પાછો વળી ‘ એં એં એં’ કરવા લાગ્યો. ‘અલ્યા, હવે તારે શું જોઈએ ?’ ‘ના, બાપુ, તમે શેરડી કાપી દ્યો. તમે જ.’
‘લે બાપા, હું કાપી આપું…’ બાપાએ પોતે શેરડી કાપી આપી…પણ છોકરાએ તો શેરડીનો કર્યો ઘા ! ‘કેમ બેટા, હવે શું જોઈએ ?’
‘મારે તો ઘોડા પર બેસવું છે !’
ઘોડો મંગાવ્યો. પણ ‘ એં એં એં’ તો ચાલુ જ… ‘હવે તારે શું બાકી રહ્યું છે, દીકરા ?’
‘માલા માટે તમે ઘોલો બનો અને એ ઘોલા પર માલે બેસીને શેરડી ખાવી છે…’
બાદશાહ ઘોડો થયાં અને બીરબલ તેનાં પર બેઠા. તેને કાપેલી શેરડી હાથમાં આપી, ત્યાં પાછું ‘ એં એં એં…’
બાદશાહ કહે : ‘અલ્યા, હવે શું છે તારે ?’
‘બાપા ભાંગેલી શેરલી આખી કરી દ્યો તો ખાઉં…’
બાપા બનેલા બાદશાહ બરાડી ઉઠયા : ‘હઠ હરામખોર !’
અને શરતમાં બીરબલ જીતી ગયો એ કહેવાની જરૂર છે ? આ ભ્રમણા કેવળ બાદશાહને નહિ, આપણને સૌને છે કે છોકરાં એટલે ગણતરીમાં નહિ લેવાની બાબત. બાળક સંભાળવું એટલે બાળકને કેળવવું. બાળક સાથે બાળક થવાની મઝા બધાના ભાગ્યમાં નથી હોતા !!
આપણું બાળક આપણે ધારીએ છીએ તે કરતાં વધુ સમજુ છે અને સંવેદનશીલ પણ. મારાં ઘરની સામે નંદિશ રહે છે. સાત- આઠ વર્ષનો છે. તેનાથી મોટી ચાર પાંચ વર્ષે બહેન કથિકા. બંન્ને જીવંત બાળકો છે. ગમા – અણગમા – ચંચળતા – ગુસ્સો બધું જ છે એનામાં. હોય જ ને, બંન્ને બાળક છે ! નંદિશનો જન્મ થયો ત્યારે કથિકા સમજુ હતી ઉંમરે. મારી સાથે ચોવટ કરે ભાઈની, ભાઈના નખરાંની અને ઘણી બધી. એકવાર કથિકા બહુ મોટા મનોવિજ્ઞાનીની અદાથી મને કહે : ‘તમને ખબર છે અંકલ ? નંદિશ હજુ છ મહિનાનો થયો છે ને ત્યાં એનો મૂડ બતાડવા લાગ્યો છે.’ મૂડ બતાડવા લાગ્યો છે એટલે શું તે હું વિચારું ત્યાં જ કથિકાએ ચોખવટ કરી. ‘તમને સમજાવું અંકલ, અર્ધી કલાક એક જગ્યાએ થઇ નથી કે નંદિશ ભેંકડો જોડયો નથી !’ મેં જરા માસ્તરગીરી કરી અને પ્રશ્ન પૂછ્યો કે, ‘ એવું તે કંઈ હોય ? હજુ તો નંદિશ છ મહિનાનો છે એને બળી મુડ બુડ થોડું હોય ?’ તરત મારી સામે વ્હાલથી છણકો કરી કથિકા બોલી : ‘તમે મારી મમ્મીને પૂછી જોજો. અમારા ઘરમાં હું તો નંદિશને જોઉં છું ને ! બેડરૂમમાં રમતો હોય ને બરાબર કલાક થાય એટલે કચકચ શરૂ કરે. પાછી મમ્મી ડ્રોઈંગરૂમમાં લાવી બધાની વચ્ચે સુવડાવે એટલે હસવા લાગે અને ત્યાં પણ એક કલાક થયો નથી ને ભાઈનું છટક્યું નથી ! અંકલ, તમને નંદીશના નખરાંની શી ખબર પડે ?’ કથિકાના છેલ્લા પ્રશ્નથી હું જાગી ગયો અને મને લાગ્યું તે સાચી છે, આપણને આપણાં બાળકોની સમજનો ક્યાં અંદાજ જ છે ? સમજથી સંવેદના ઘડાય અને સંવેદનામાંથી ચેતના પ્રગટે…!
કુટુંબ કેન્દ્ર છે સમાજનું. મા – બાપ – મિત્રો – પાડોશી – ભાઈ – બહેન બધાં તો પરિધ પર ફરે છે. કુટુંબનું કેન્દ્ર છે બાળક. આ બાળકની સમજને ઓછી આંકવાની ભૂલ કરવા જેવું નથી. કુટુંબો તૂટતાં જાય છે તેથી બાળકની સમજ ખરડાતી જાય છે. સેજલ સાડા ચાર વર્ષની છે. તેનાં મમ્મી પપ્પાને ઘણાં પ્રશ્નો હતા. પ્રશ્નો ધીમે ધીમે ક્લેશ બનવા લાગ્યા અને અંતે ઘણી માથાકૂટ પછી છૂટાછેડા થયા. સેજલ તેની મમ્મી સાથે મામા મામીના ઘરે રહેવા લાગી. મામા મામી શિક્ષકો. શિક્ષક દંપતીએ આંતરજ્ઞાનીય લવમેરેજ કરેલાં. સેજલને સરસ કુટુંબ મળે એટલે બહેનને ભાઈ ભાભીએ સમજાવી ફરી પરણવા માટે. જલ્દી બધું ન ગોઠવાયું પણ ધીમે ધીમે ગૂંચો ઉકેલાતી ગઈ. આ બધી પ્રક્રિયાની મૂક સાક્ષી સેજલ. એક પ્રસ્તાવ આવ્યો. તે પણ છૂટાછેડા લીધેલ પુરુષ. સારું હતું બધી રીતે. ફોરવર્ડ ભાઈ ભાભીએ દોર સંભાળ્યો. સેજલને અને તેની મમ્મીને બધાં જ ઈનપુટ સાથે આગળ ધપાવ્યાં. હળ્યા- મળ્યા – ફરવા પણ જવા દીધાં – મોડેથી ફ્રી થાય ત્યારે પેલું નવું પાત્ર સેજલની મમ્મીને ફોન કરે. ભાઈ – ભાભીએ ઈચ્છયું કે આમ થશે તો જેમને જોડાવવું છે તેમની વચ્ચે બધાં ખુલાસાઓ પહેલાં થઈ જશે. લેટ ધેમ ઈન્ટરેક્ટ. વાત અહીંયા મોટાને સમજાવવાની છે, પણ પેલી નાની સાડા ચાર વર્ષની સેજલની સમજ એડવાન્સ છે. તે બોલતી નથી, પણ સમજે છે બધું જ. સેજલે એક દિવસ મામીએ કહ્યું : ‘મામી, તમને ખબર છે હમણાં મને રોજ મમ્મી રાત્રે નવ વાગે કેમ સુવડાવી દે છે ?’ મામી કહે : ‘ના સેજલ, મને તો ક્યાંથી ખબર હોય ?’ સેજલ બોલી : ‘મને બધી ખબર છે. મારી મમ્મીને નવા પપ્પાનો ફોન આવે છે, બંન્ને ડાહી ડાહી વાતો કરે છે. હું મમ્મીને ડિસ્ટર્બ ન કરું ને એટલે મને મમ્મી હમણાં રાત્રે વહેલી સુવડાવી દે છે..’ સાડા ચાર વર્ષની સેજલ ! કેટલી મેચ્યોર ? કેટલી એની સ્પષ્ટ સમજ ! સલામ એ બાળચેતનાને… આ સમજનો સાગર આપણે ખારો કરીએ છીએ. ટીવીની ચેનલ્સ, છાપાનાં કચરા જેવા ગલગલિયા કરતાં સમાચારો અને અબુધ વાતાવરણમાંથી ગંદવાડ ઠલવાય છે દરિયામાં…
નંદિશ હવે આઠ વર્ષનો છે. વેકેશનમાં શેરીમાં ધમાલ કરતો હતો બધાં બાળકો સાથે. એમાં પ્રતીક – ઋતુ – ડોલી – ભૂમિ – કેદાર – કથિકા – નંદિશ સૌ ખરાં. છોકરા છોકરી ભેગા મળી ધીંગામસ્તી કરતાં હતા… પણ અચાનક નંદીશે ટ્રેક બદલ્યો. નંદીશના દાદીએ કહ્યું : નંદિશ બહુ હળી મળી ગયો હતો, જમાવટ હતી, પણ ત્યાં એનાં ટીચરે કહ્યું કે : બોયઝ સાથે બોયઝ રમે ને ગર્લ્સ સાથે ગર્લ્સ. બોયઝ – ગર્લ્સ ભેગા નહીં રમવાનું.. બસ ત્યાંથી નંદિશ ફરી સંકોચાઈ ગયો છે ! સૂનમૂન થઈ ગયો છે. ઘરમાં અતડો થઈ ગયો છે. શેરીમાં રમવાનું બંધ કરી દીધું છે. ગડમથલ છે નંદીશના મનમાં કે મને મજા આવે છે તે સાચું કે મારાં ટીચર કહે છે તે ?’ કથિકા – કશ્તિ – સેજલ તો ઈશ્વરદત્ત સમજથી ઘૂઘવે છે, તેમાં ખારાશ ભેળવવાનું પાપ તો આપણે કરીએ છીએ..!
‘એ માણસ એવો કેમ છે ?’
‘અરે, આ ડાહી લગતી સ્ત્રી આમ વિચિત્ર કેમ વર્તે છે ?’
‘સજી ધજીને ફરનારી વ્યક્તિને નાની – મોટી વસ્તુઓ તફડાવી લેવાની ક્યાંથી ટેવ પડી ?’
‘બહારથી લઘરો દેખાતો જણ કામ કરવામાં પરફેક્ટ કેવી રીતે હોઈ શકે ??’
આ પ્રશ્નાર્થો વ્યાજબી છે, પણ તેનાં મૂળમાં જાઓ તો ખ્યાલ આવે કે આ બધાં જ પ્રશ્નોના મૂળિયાં વ્યક્તિના બાળપણમાં જઈને નીકળે છે. વિકાસલક્ષી મનોવિજ્ઞાનના ધૂરંધરો બરાડી બરાડીને કહે છે કે : તમારા સંતાનનાં પહેલાં સાત વર્ષનો ઉછેર જો તમે જાળવી લીધો તો પછી ગંગા ન્હાયા ! તમે તમારા બાળકની ફીકર છોડી દો. ટેવના, સંસ્કારનાં, વર્તનના બીજ આ સાત વર્ષોમાં રોપાય જ જાય છે, બસ પછી તો તેનું નર્ચરિંગ થયા કરે છે… માણસની સારપ કે માણસની ખરાબીનો નકશો તો બાળપણમાં જ દોરાય જાય છે, પછીનાં જીવનમાં તો એ નકશા મુજબની ઈમારત બંધાય છે. આખું વિશ્વ જેના ચિંતનને કાનધરી સાંભળે છે તે આચાર્ય રજનીશ (ઓશો) કહે છે : ‘જીવનમાં સાત સાત વર્ષના વર્તુળ હોય છે. સાત વર્ષ બાદ બાળક શક્તિશાળી બની જાય છે. હવે તેને ખબર છે ક્યાં જવાનું છે અને શું કરવાનું છે ? તે દલીલ કરવા માટે સમર્થ બની જાય છે કે, શું સાચું છે અને શું ખોટું છે અને તેની સ્પષ્ટતા એ વખતે ચરમસીમાએ હોય છે. જો તેને બાળપણના વર્ષોમાં વિચલિત કરાય નહીં તો તે સાતમા વર્ષે દરેક બાબતમાં સ્પષ્ટ હશે જેનાથી તેનું સમગ્ર જીવન કોઈપણ પસ્તાવા વિના પસાર થાય છે.’ આ શબ્દો કહેનાર રજનીશની ખુદની ઉછેરની વાતો જાણવા જેવી છે. જે બાળક આગળ જઈને પોતાના વિચારોથી દુનિયાભરમાં તોફાન મચાવી નાખવાનો હતો તે જીવનનાં પ્રથમ નવ વર્ષ સુધી અભણ હતો !! તેને અક્ષરજ્ઞાન ન હતું, ભાષા કે ગણિત સાથે તેને કોઈ લેવા – દેવા ન હતી. ગામ જ એવું કે એમાં શાળા – રેલવે સ્ટેશન – બસ સ્ટેન્ડ – હોસ્પિટલ – પોસ્ટ ઓફિસ એવું કશું જ નહીં. કૂચવાડા ગામ માટે કહેવું અઘરું કે ત્યાં જીવન પણ છે ?! ન છાપું આવે કે ન કોઈ શિક્ષક. આવાં વાતાવરણમાં જે બાળક ઉછર્યું તે એકાંતપ્રિય થયું પણ તેની આંગળી પકડીને input આપ્યા સહજતાથી તેની નાનીમાએ. રજનીશના પ્રથમ સાત વર્ષ નાના નાનીના ઘરે પસાર થયાં અને ખાસ કરીને નાની સાથે કૂચવાડામાં. આ સાત વર્ષોમાં જે રોપાયું, તે ઉગ્યું અને વટવૃક્ષ થઈ ગયું. એક એવું જીવન કે જે રહસ્ય અને રોમાન્ચથી ભરેલું, આધ્યાત્મિક ઊંચાઈ પ્રાપ્ત કરેલું અને આજના સંદર્ભમાં આપણાં માટે નવો જ દ્રષ્ટિકોણ પરિભાષિત કરતું જીવન…
બાળપણમાં બોલાયેલો એકાદો શબ્દ કે નાનપણમાં જીવાયેલી એકાદી પળ સમગ્ર જીવન ઘડતરનું ફાઉન્ડેશન ભરે છે, એ વાત મા – બાપ – શિક્ષકે ભૂલવા જેવી નથી… આજના યુવાનો અને વૃદ્ધો જેમને એક સરખી ચાહતથી વાંચે છે અને સાંભળે છે તે યુવા – આઈકોન જય વસાવડા પોતાના ભાષણમાં પંચતંત્રથી લઈને પાબ્લો નેરુદા સુધીની વાર્તાઓ – અવતરણો – હકીકતો અસખલ્લીત વર્ણવે છે તેનો શ્રેય જાય છે જયનાં માતુશ્રીને. એમણે જયને સ્કૂલ ન ધકેલી દઈ ઘરમાં ઢગલાબંધ પુસ્તકો વચ્ચે મૂકી દીધો ! આજના જય વસાવડાનું વિચાર વિશ્વ તો પહેલાં સાત વર્ષમાં તરબતર થઈ ચકયું હતું, આપણી સમક્ષ તે હવે જે વ્યક્ત કરે છે તે બાળઉછેરનું ભાથું છે… આપણાં સંતાનનાં પહેલાં સાત વર્ષ સહજતાથી આપણે સંગોપી લઈશું તો આપણને સીત્તેર પછી કશી અડચણ એ સંતાન ભવિષ્યમાં ઊભી નહીં કરે, તેની ખાતરી.
હવે વિજ્ઞાનની અંતિમ શોધોએ પુરવાર કર્યું છે કે Child by choice, not by chance. બળદેવતા પસંદગીથી અવતરે, અકસ્માતે નહીં ! શારીરિક જરૂરિયાત માટે નહીં, સામાજિક પ્રતિષ્ઠા ખાતર નહીં, જાતીય આનંદ માટે નહીં, સ્થાવર – જંગમમાં વારસદાર માટે નહીં,… સાંવેગિક અને આત્મીય પરમાનંદ માટે; હવેનાં બંનેના જીવનને એક યુ-ટર્ન આપવા માટે; પોતપોતાનાં બાળપણમાં ફરી પાછી લટાર મારવા માટે; એક કૂણા જીવ સાથે આપણાં જીવ ગૂંથી જીવનને અલગ રીતે ધબકતું કરવા માટે એક બાળકને ‘ આમંત્રણ – સપ્રેમ – સ્વાગતમ – સાદર નિમંત્રણ – રેડ કાર્પેટ વેલકમ’ કહેવાની ક્ષણ તે માતા પિતા બની જવાની મંગલ ઘટના છે. બનાવો બને છે, ઘટના તો પરમની ઈચ્છાથી ઘટે છે ! શાંતિનું વાવેતર કરવા માટે બાળક ઉછેરવાની એક ઓર મઝા છે અને એ મઝા લૂંટી શકે તે ધન્ય છે.
નાનાભાઈ ભટ્ટ કહેતા : ‘ નાનાં બાળકો તે દેવની પ્રસાદી છે.’ ટાગોર કહે : ‘ બાળક એ તો ઈશ્વરના હસ્તાક્ષર છે. હજુ ભગવાનની શ્રદ્ધા આપણામાંથી ડગી નથી તેની સાબિતી રૂપે તે પોતાનાં અંશને આપણાં ખોળામાં મૂકે છે !’ બાળઉછેર એ બહુ મોટી જવાબદારી તો છે જ, પણ આપણાં જીવનની વિડીયો રિવાઈન્ડ કરવાની આપણને મળેલી ઉત્તમ તક છે. બાળકને ધીરે ધીરે એના ક્રમમાં આગળ વધવા દેવાનું છે. ઉતાવળને ત્યાં જરાય અવકાશ નથી. નવ મહિના ઘોર અંધારામાં રહેલું બાળક માના ગર્ભાશયમાંથી આ પૃથ્વી પર આવે ત્યારે ઓરડામાં ફ્લડ લાઈટ હોય તો ન ચાલે. ધીમા મંદ પ્રકાશમાં જ સુવાવડ થાય તે જોવું જોઈએ. બાળકને આસ્તે આસ્તે પ્રકાશની દુનિયામાં લઈ આવવાનું છે. આ પ્રકિયા બધી જ ઈન્દ્રિયો માટે લાગુ પડે છે. દર્શકદાદા કહે છે કે : બાળકને સ્વાનુભવની બારાક્ષરી પર અનંતનો પરિચય થાય છે. સ્પર્શનાં સાધનો કે રમકડાં પહેલાં રેશમ – મખમલના ધરવા અને છેલ્લે ખરબચડાનો સ્પર્શ કરાવવો અને તે પણ જરૂર પડે તો જ. અનુભવ જેવો કોઈ ગુરુ નથી. અનુભવે બાળકને થશે કે જગતમાં સજીવ નિર્જીવ બે વસ્તુ છે. ઝાડને પાણી પાવું પડે છે. દેડકાં, કીડીને પણ સુખદુઃખનો અનુભવ થાય છે. હું અને કૂતરું બંન્ને સગાં છીએ. બંનેનાં સુખદુઃખ સમાન છે. આવી સંવેદના બાળકમાં જગાડવાની છે.. મા બાપ કે શિક્ષક તરીકે એ સંવેદના જગાડી શકીશું તો જ જગતમાં શાંતિ પ્રસ્થાપિત થશે.
by Santulan | Sep 24, 2023 | દીપોત્સવી લેખ, વિશેષ લેખ |
જેમાં મસ્તકનો ઉપયોગ થાય એ શિક્ષણ. જેમાં મસ્તક સાથે હૈયું અને હાથ જોડાય એ કેળવણી.
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
શિક્ષણ અને કેળવણી બંને શબ્દો આપણે ઉપયોગમાં લઈએ છીએ, પણ હકીકતમાં આ બંને શબ્દોનો અર્થ એક નથી. બહુ ફર્ક છે, શિક્ષણ અને કેળવણીમાં.
ઉમાશંકરભાઈની બહુ સરસ ઉક્તિ છે :
ત્રણ વાના મુજને મળ્યા, હૈયું, મસ્તક, હાથ
ચોથું નથી માંગવું, બહુ દઈ દીધું નાથ.
કવિવર્ય આભાર માને છે ઈશ્વરનો કે મને તમે હૈયું, મસ્તક અને હાથ ત્રણ આપ્યા છે. તેટલું ઘણું છે. હવે કંઈ વધુ જોઈતું નથી. કારણ કે આ ત્રણથી હું પૃથ્વીને સર કરીને બહાર નીકળી જઈ શકું એમ છું. પ્રશ્ન થાય કે ‘આ કેવી રીતે શક્ય છે ?’ જવાબ મળે છે કે, જો હૈયું, મસ્તક અને હાથ ત્રણેયનો ઉપયોગ કરું તો..
શિક્ષણ એટલે જેમાં કેવળ મસ્તકનો ઉપયોગ થાય એ. અને કેળવણી એટલે જેમાં મસ્તકની સાથે હૈયું અને હાથ જોડાય એ. બસ, આટલો જ ફરક. મગજમાં જેટલું નાખ્યા કરો એ બધું શિક્ષણ છે પણ મગજમાં નાખેલું જયારે હાથ પગથી અમલમાં મુકો તો એ કેળવણી છે. પરંતુ કમનસીબે આપણે હાથ પગનો તો ઉપયોગ જ નથી કરતા. જે મળે તે બધું મસ્તકમાં અંદર નાખ્યા કરીએ છીએ.
અત્યારે મોટા ભાગના શિક્ષકો કેવી રીતે ભણાવે છે ? બોલીને ભણાવે, ચોકસ્ટીકથી ભણાવે. હવે જે ભણાવવામાં આવે તે વિદ્યાર્થી લખી લે. શિક્ષકે પોતે જે ભણાવ્યું હોય તેના આધારે પરીક્ષામાં પ્રશ્નો પૂછે. એ પ્રશ્નના શિક્ષકે લખાવ્યા હોય એ જ જવાબો વિદ્યાર્થી લખે એટલે બંને પક્ષ રાજી રાજી. આ જે આખી પ્રક્રિયા થઈ એને શિક્ષણની પ્રક્રિયા કહેવાય. જેમાં માત્ર ને માત્ર મગજનો જ ઉપયોગ થયો, હાથ પગનો ઉપયોગ થતો જ નથી. હું વિજ્ઞાનનો શિક્ષક છું અને ઓક્સિજન કેમ બનાવવો એ બ્લેક બોર્ડ ઉપર સરસ સમજાવું અને એ સરસ સમજાવીને હું રાજી થયો પણ મારા વિદ્યાર્થીઓને એ સમજવાથી સંતોષ નથી. મારા વિદ્યાર્થીઓને તો એમ છે કે શિક્ષક ઓક્સિજનનો પ્રયોગ કરી બતાવે. તો એક શિક્ષક તરીકે મને ઓક્સિજનનો પ્રયોગ કરી બતાવતા આવડવું જોઈએ. હું માત્ર ઓક્સિજનના પ્રયોગના હેતુ અને સાધનો લખાવી દઉં કે સમજાવી દઉં તો હું શિક્ષક છું પણ હું મારા વિદ્યાર્થીઓને લેબોરેટરીમાં લઇ જાઉં અને ત્યાં જઈને ઓક્સીજનને બનતો દેખાડું તો મેં કૌશલ્યપૂર્ણ શિક્ષક છું, એમ કહેવાય. હજી એનાથી પણ આગળ જઈએ. પ્રયોગશાળામાં લઇ જઈને હું એમ કહું કે કોઈ ત્રણ વિદ્યાર્થીઓ આવો અને હું અહીંયા ઉભો છું, તમે મારી હાજરીમાં ઓક્સિજન બનાવો. ત્રણ વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ પરફોર્મ કરે અને ઓક્સિજન બનાવવાનો રોમાંચક અનુભવ પ્રાપ્ત કરે, આ પ્રક્રિયાને કેળવણી કહેવાય.
કેમ શીખવું તે શીખવે એને શિક્ષણ કહેવાય. પણ કેમ કરવું તે વ્યક્તિ પાસે કરાવે એને કેળવણી કહેવાય. વિદેશોમાં એક વાક્ય બોલાય છે. Do it yourself. તેનું એક ઉદાહરણ આપું. મારો દીકરો ઓસ્ટ્રેલિયા હતો. એટલે હું ત્યાં ગયો હતો ને છ મહિના રોકાયો. એ દરમિયાન એના સુંદર મજાના બાથરૂમમાં ફુવારો હોય એમાંથી પાણી ટપકયા જ કરે. હું રોજ નાહી લીધા પછી જોઉં કે પાણી ટપક્યા કરે છે. મારા દીકરાને કહ્યું કે, ફુવારામાંથી પાણી ટપકે છે, તો પ્લમ્બરને બોલાવી લે, પાણી વેડફાય છે. તો એ મને જવાબ ન આપે પણ પ્લમ્બરને પણ ન બોલાવે !! એટલે બે ત્રણ દિવસ પછી મેં કીધું, ‘અહીંયા ઓસ્ટ્રેલિયામાં કોઈ પ્લમ્બર ન હોય ? તકલીફ શું છે ?’ એમણે જવાબ આપ્યો : ‘ પપ્પા, હું પ્લમ્બરને બોલવું તો વાંધો નથી પણ મારો અડધા મહિનાનો પગાર નળ ટપકે છે એ રીપેર કરવા માટે આપવો પડે. બહુ ચાર્જ કરે, પ્લમ્બર લોકો અહીં…’ મેં કીધું, ‘ એટલા બધા પૈસા ! કેમ એવું ?’ તો કહે, ‘અહીંયા બધા પોતાનું કામ પોતે જ કરે છે.’ મેં કીધું, ‘ આપણે તો આપણું કામ કરીએ જ છીએ. આ પાણી ટપકે એ આપણું કામ ?’ તો કહે, ‘ હા એ પણ આપણું કામ છે.’ મેં કહ્યું કે, ‘તો આનો ઉપાય શું ? આને ટપકવા દેવાનું ?’ તો કહે, ‘ પપ્પા,આ રવિવાર આવશે ને ત્યારે વિકેન્ડમાં હું તમને એક જગ્યાએ લઇ જઈશ’ અને ખરેખર શનિ રવિમાં લોન્ગ ડ્રાઈવમાં અમને લઇ ગયો. એક મસ મોટા મોલની બહાર મોટા અક્ષરે લખ્યું હતું ‘Do it yourself, જેને DIY’ કહેવાય. તમે જાતે કરો. હું તો જોઈને જ અચંબિત થઇ ગયો. એમાં બધા જ વિભાગો… પ્લમ્બિંગનો વિભાગ, કિચનનો વિભાગ, ગાર્ડનનો વિભાગ. તમારા કામના વિભાગમાં તમારે જવાનું. તમારે જઈને બધું જોવાનું કે, મારે શું જોઈએ છે ? ત્યાં જઈને પૂછો કે આ મારી ફરિયાદ છે કે શાવરમાંથી પાણી ટપકે છે એટલે એમણે એક નાનકડો વિડીયો દેખાડી પુચ્છ્યું : . આવી રીતે ટપકે છે ? અમે કહ્યું, હા, બસ આમ જ.. તો કહે, તમે આટલું આટલું લઇ જાઓ. હું તમને તમારે શું કરવાનું છે તેનો વિડીયો બતાવું છું. એટલે ફરી વિડીયો બતાવ્યો કે શું શું કરવાનું અને કેમ કરવાનું. મારા દીકરાએ કીટ લઈ લીધી, તેની કિંમત ચૂકવી દીધી અને મને કહે, ચાલો આપણું કામ પૂરું. આપણે હવે બધે ચક્કર લગાવીએ. ગાર્ડન વિભાગમાં શું છે ? તો ગાર્ડન વિભાગમાં લખ્યું હતું કે, તમારે નવો છોડ વાવવો છે ? તો આ માટી છે લઈ જાઓ. તેમાં નાખવાનું ખાતર બાજુના બોક્ષમાં છે તે લઇ જાઓ, છોડ લઇ જાઓ. કેમ રોપવું તેનો વિડીયો આ રહ્યો.. Do it yourself DIY આખો મોલ જ એવો કે તમે જે બોલો એ બધું નીકળે ત્યાંથી. હવે સમજાયું કે કેમ કોઈ કશું કરવા ઘરે ન આવે.
હવે પ્રશ્ન થાય કે ઘરે કોઈ કામ કરવા ન આવે તેનું કારણ શું ? કારણ જાણવા જેવું છે. ઓસ્ટ્રેલિયામાં હાયર એજ્યુકેશનમાં જવામાં ઘણા બધાને રસ જ નથી. ઓસ્ટ્રેલિયામાં મહત્તમ ભણનારા બહારથી આવે છે અને ભણાવનારા પણ બહારથી આવે છે. મૂળ ઓસ્ટ્રેલિયાના લોકો તો ત્યાં ઉચ્ચ શિક્ષણમાં જવાનું પસંદ કરતા નથી. એ સૌ તો સ્કૂલિંગ પૂરું કરે ત્યાં એને એવી સ્કિલ શીખવી દેવામાં આવે છે કે તરત એનું પ્લેસમેન્ટ થઈ જાય. ઉદાહરણ તરીકે, અહીં સફરજનના મોટા મોટા બાગ છે. તમારી પાસે સ્કિલ હોય કે ફ્રૂટ કેમ ઉતારવા, તો તમને તેના માટે જોબ પર રાખી લે. તમારી પાસે સ્કિલ હોય કે સફરજનનો જામ કેમ બનાવવો તો તમને તેના માટે જોબ પર રાખી જ દે. અને ઘણા બધા પગારથી કામે રાખે કારણ કે ત્યાં આવા માણસોની શોર્ટેજ છે. તમે પ્લમ્બર છો તો તમને કોઈપણ વ્યક્તિ ઘરે બોલાવે એટલે એટલો હાઈ ચાર્જ થાય કે તમે બોલાવી જ ન શકો. Do it yourself ના અનુભવ પરથી મને લાગ્યું કે બેઝિકલી આ કેળવણી છે. છેલ્લા થોડા વર્ષોથી આપણી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અમલમાં આવી છે તેમાં આ સ્કીલવાળી વાત છે, એ ઓસ્ટ્રેલિયાની જે વાત કરી તેવી જ છે.સ્કૂલિંગ પછી દરેકે દરેક વ્યક્તિ એક સ્કિલ લઈને બહાર આવે એ જોગવાઈ છે, એ કેળવણીની વાત છે. જ્યાં બુદ્ધિ ચોક્કસ કામ કરશે પણ હાથ અને પગ પણ સાથોસાથ કામ કરશે ને પરસેવો પણ પડશે.
તકલીફ ત્યાં છે કે શિક્ષણ અને કેળવણી માટે અંગ્રેજીમાં એક જ શબ્દ બોલાય છે અને તે છે, એજ્યુકેશન. સ્વામી વિવેકાનંદ, મહર્ષિ ઓરોબિંદો, રમણ મહર્ષિ, મહાત્મા ગાંધી કોઈએ શિક્ષણ શબ્દ વાપર્યો જ નથી, કેળવણી શબ્દ જ વાપર્યો છે. તો Education એ શિક્ષણ છે, પણ Training એ ખરેખર કેળવણી છે. કેળવણી એટલે આવડત. What you can perform? તમે કેટલું કરી શકો છો એ કેળવણી છે. પણ ત્યારે જ કરી શકીએ જો કરવાનું શીખ્યા હોઈએ ..
હવેના મા બાપે પણ સમજવું પડશે કે પોતે નાનકડું કામ કરતા હોય તો પણ બાળકને ભેગા જોડે અને કહે કે, આ લે ચાકુ, નાનકડું બટેટું સુધારવામાં મદદ કર. ભલે કદાચ એને થોડુંક વાગે, વાગવા દઈએ , લોહી નીકળવા દઈએ. લોહી નીકળે ત્યારે શું થાય એનો અનુભવ એને લેવા દઈએ. મહાત્મા ગાંધીનો શબ્દ છે, આત્મનિર્ભર. મહાત્મા ગાંધી આશ્રમની સફાઈ, ટોયલેટની સફાઈ પોતે કરતા હતા. હરિપુરામાં કોંગ્રેસનું અધિવેશન મળ્યું ત્યારે એ કોંગ્રેસના મુખ્ય વ્યક્તિ હતા તો પણ એમણે ત્યાં જાહેર જાજરૂ અને બાથરૂમને સાફ કરવાનું કામ કર્યું. વિનોબાજીનું ‘શિક્ષણ સંવાદ’ નામનું પુસ્તક છે, યજ્ઞ પ્રકાશન, વડોદરાનું એ પુસ્તક છે. જેમાં વિનોબાજીએ કહ્યું છે કે, ‘તમારા દીકરા દીકરીને નાના હોય ત્યારે રસોડામાં ચા કરવા જવા દેજો અને એ વખતે મીઠું અને ખાંડના બે ડબ્બા બાજુમાં પડ્યા હોય અને એને ખબર ન પડે ને એ મીઠું નાખી દે તો નાખવા દેજો. એ વખતે એને ભૂલ સમજાશે તો એ જિંદગીમાં એ ભૂલ ફરી ક્યારેય નહીં કરે.’ આ કેળવણી છે. હું મારું કામ જાતે જ કરીશ તો હું કોઈકનું કામ કરવા માટે તત્પર રહીશ. મારું આંગણું મારે
સાફ કરવાનું.. મારા કેમ્પસને રળિયામણું બનાવવું હોય, લીલુંછમ બનાવવું હોય તો એ મારી પણ જવાબદારી છે.
શિક્ષણ પ્રક્રિયામાં ત્રણ શબ્દો છે: જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ક્રિયાત્મક. આ શાશ્વત છે. કોગ્નિટિવ ડૉમેઇન, સાયકો મોટર ડૉમેઇન, અફેક્ટિવ ડૉમેઇન (Cognitive Domain-Affective Domain – Psychomotor Domain) જ્ઞાનાત્મક એટલે મસ્તક, અફેક્ટિવ એટલે હૃદય સાથે જોડાયેલું, સાયકો મોટર ડૉમેઇન એટલે હાથ-પગ સાથે જોડાયેલ કૌશલ્ય. ઉમાશંકર જોશીએ કહી તે જ વાત : ત્રણ વાના મુજને મળ્યા હૈયું, મસ્તક, હાથ – ત્રણ શબ્દો ગાંધીના સમયમાં પણ પ્રચલિત હતા. Three H,, Head, Heart and Hand. એક બહુ સુંદર મજાનું વાક્ય છે: ‘તમે કહેશો તો હું ભૂલી જઈશ, તમે દર્શાવશો તો થોડું યાદ રહેશે, પણ તમે મને કરવાનું કહેશો તો હું શીખી જઈશ.’
કોઈપણ વાતાવરણ કાં તો તમને સપોર્ટ કરે છે, કાં તમારી વેલ્યુ કરે છે, અને કાં તો કશીક ડિમાન્ડ કરે છે. એક રીતે જોઈએ તો, કોઈ ભણાવે તે શિક્ષણ છે. પણ હું શીખું તે કેળવણી. શીખવું એટલે કરવું, કરવું એટલે મને અંદરથી ઉગે તે કરવું. અંદરથી ઉગવા માટે શબ્દ છે ‘કોળવું’. એના પરથી શબ્દ આવ્યો કેળવણી. કોળવું એટલે કોઈકે કીધું એટલે કરવું એમ નહીં, મને એમ થયું કે કરવું એટલે કર્યું. હું સ્ટાફરૂમમાં જઈને બેસું, ટેબલ પર ધૂળ છે તો હું વિચારું કે પટ્ટાવાળાએ કરવાનું આ કામ મારું નથી તો મેં બરાબર ન કર્યું, હું એના પર હાથ મુકું તો એ ધૂળ મારા જ હાથ પર ચોંટે, પટ્ટાવાળાના હાથ પર તો ન ચોંટે. એના બદલે હું એક કપડું મારા ખાનામાં રાખું. એ ડસ્ટરથી હું રોજ સવારે ટેબલ સાફ કરીને તેને ખાનામાં મૂકી દઉં તો એ મારું કેળવાયેલું કર્મ ગણાય. આપણને ચોખ્ખા રહેવું તો ગમે જ ને ? પણ એ માટે આપણે જ કેળવાવું પડે. અને એનું જ નામ કેળવણી.
**********************************************************************************
ભદ્રાયુ વછરાજાની, પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર. મોબ. 9898920333
by Santulan | Sep 24, 2023 | વિશેષ લેખ, શબ્દ સૃષ્ટિ |
ભદ્રાયુ વછરાજાની
(ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી સાંદિપની, પોરબંદર ખાતે યોજાયેલ સંસ્કૃતિ ચિંતન-2023માં આપેલ વ્યાખ્યાન)
===========================================================
જયારે ‘ગાંધીજી: એક શાશ્વત વિચાર’ની સામે વિપથગામી પરિબળો સતત જુદી જ વાતો કરવા બહાર આવી પડયા છે અને સંગઠિત થઈને એક પરમ સત્યને ઢાંકવાના પ્રયાસો કરે છે ત્યારે ગાંધીજીના જીવનમાંથી સંસ્કૃતિબોધ તેવા વિષય અંગેની ચર્ચા કરવી કે અભ્યાસ કરવો એ અતિ પાવન ઘટના છે .
આપણે ગાંધીજીના જીવનમાં સંસ્કૃતિ બોધ એવા વિષય પર વિચાર કરીએ તે પહેલા આપણે સંસ્કૃતિ અને તેની પ્રવાહિતા વિષે ટૂંકમાં થોડું જાણવું જરૂરી છે.
આપણે વિચારીએ કે આપણા હિન્દુસ્તાનમાં વર્ષોથી જે જ્ઞાનને સ્વીકૃત ગણવામાં આવ્યું છે, એને કેટલાક આધારોથી સ્વીકૃતિ પ્રાપ્ત થઈ છે. દા.ત. વર્ષો સુધી એવું ચાલ્યું કે જે શાસ્ત્ર પ્રામાણ્ય જીવન છે એ માન્ય છે, એટલે કે શાસ્ત્રોમાં દર્શાવેલું છે તે આપણી સંસ્કૃતિ છે એવું સ્વીકારીને જીવન જીવતા રહ્યા. એક ગાળો હતો કે જયારે શાસ્ત્ર પ્રામાણ્ય જીવન એ સાર્થક ગણાતું. ધીમે ધીમે કરતાં જેમ જેમ માનવીય બુદ્ધિનો વિકાસ થતો ગયો તેમ એને પ્રશ્નો થતા ગયા અને પ્રશ્નો એવા થયા કે જે શાસ્ત્રોને આપણે પ્રમાણ ગણીએ છીએ એ શાસ્ત્રો ઉપર અત્યારે જુદું વિચારવું જોઈએ કે નહીં અને એમાંથી એક બીજા પ્રકારનો પ્રવાહ શરૂ થયો જેને બુદ્ધિ પ્રામાણ્ય જીવન કહેવામાં આવ્યું. શાસ્ત્રો ખરા પણ જેમાં બુદ્ધિ પ્રમાણ આપે કે, ‘હા, આ બરાબર’ તેને માન્ય ગણવું. આવા શાસ્ત્ર પ્રામાણ્ય અને બુદ્ધિ પ્રામાણ્ય જીવન રીતિમાં ૧૮૧૫ માં રાજા રામમોહન રાયે વેદાંત સારના અનુવાદની પ્રસ્તાવનામાં લખ્યું કે, ‘શાસ્ત્ર અને બુદ્ધિ બંને એ નક્કી કરેલા માર્ગે ચાલવાનો સર્વથા પ્રયાસ કરીએ તો તે ઉચિત છે.’ એટલે કે એમણે શાસ્ત્રને પણ સ્વીકાર્યું અને બુદ્ધિને પણ સ્વીકારી. બંને એ નક્કી કરેલા શાસ્ત્ર અને બુદ્ધિ પ્રામાણ્ય માર્ગ ઉપર ચાલીએ તો એ ઉચિત ગણાશે. રામમોહનરાય પછી આવ્યા કેશવચંદ્ર. કેશવચંદ્ર સાવ અલગ પડયા. એમણે એમ કહ્યું કે, કેવળ બુદ્ધિ પ્રામાણ્ય પણ પ્રયાપ્ત નથી, બદલાતા સમય સાથે જ્ઞાનની જોડાજોડ વિજ્ઞાન ચાલે છે. શ્રીમદ ભગવદ ગીતામાં પણ એક અધ્યાયને જ્ઞાન વિજ્ઞાન યોગ શીર્ષક આપ્યું છે, એટલે કે વિશિષ્ટ જ્ઞાનના આધારે કામ થવું જોઈએ એટલે કેશવચંદ્રના સમયથી કેવળ બુદ્ધિ પ્રામાણ્યનો સ્વીકાર ન થયો, પરંતુ વિજ્ઞાન પ્રામાણ્ય હોય એ પણ જરુરી ગણાવા લાગ્યું. અહીં ગાંધીજીના વચનો આપણને યાદ આવે. ગાંધીજીએ કહ્યું કે, ‘જો મારા ધર્મ મતને લઈને વિજ્ઞાન નાશ પામે તેમ હોય તેના કરતા મેં જીવનભર હૃદયમાં સંગ્રહેલો મારો ધર્મમત નાશ પામે એમ હું ઈચ્છું છું.’ ગાંધી તો ઘણા વર્ષો પછી થયા. પછી એમણે વ્યક્ત કરેલો આ મત એ કેશવચંદ્રના વિજ્ઞાન પ્રામાણ્યની વાતને ટેકો કરનારો છે. આગળ વધીએ તો સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા આર્ય સમાજની સ્થાપના થઈ તે શાસ્ત્ર પ્રામાણ્યથી આગળ વેદ પ્રામાણ્ય ઉપર જવાનું કહેતો એક પ્રવાહ બન્યો. એમાં ઉમેરાયા શ્રી રામકૃષ્ણ પરમહંસ અને તેના શિષ્યો. શ્રી રામકૃષ્ણદેવે તો બધા ધર્મોની એકતા ઉપર સીધો ભાર મુક્યો. એમનું આકલન પણ જાણવા જેવું છે : ‘બધા માણસો ધર્મના નામે ઝઘડતા જોવામાં આવે છે. હિન્દૂ, મુસલમાન, બ્રાહ્મણો , શાક્તો, વૈષ્ણવો, શૈવો બધા જ એકબીજા સાથે ઝઘડે છે. એ લોકો એટલો વિચાર નથી કરતા કે જેને કૃષ્ણ કહે છે, તે જ શિવ પણ છે અને આદ્યશક્તિ પણ તેનું જ નામ છે. ઈસુ અને અલ્લાહ પણ તેના જ નામ છે. એક જ રામના હજાર નામ છે. વસ્તુ તો એક જ છે, પણ નામ જુદા જુદા છે. બધા એક જ વસ્તુ મેળવવા મથે છે પણ દેશ કાળભેદે નામ જુદા વાપરે છે. એક જ તળાવને અનેક ઘાટ છે. એક ઘાટે હિન્દૂઓ લોટામાં પાણી ભરે છે અને તેને ‘જળ’ કહે છે. બીજા ઘાટે મુસલમાનો ચામડાની મશકમાં પાણી ભરે છે અને તેને ‘પાની’ કહે છે. ત્રીજે ઘાટે ખ્રિસ્તીઓ પાણી ભરે છે અને તેને ‘વોટર’ કહે છે. હવે કોઈ એમ કહે કે આ વસ્તુ ‘પાની’ કે ‘વોટર’ નથી, પણ જળ છે અથવા ‘જળ’ કે ‘પાની’ નથી પણ ‘વોટર’ છે તો તે સાચે જ હાસ્યાસ્પદ છે.’ આ જ વાત વેદમાં કહેલી છે, II એકમ સત વિપ્રા બહુધા વદંતીII શ્રી રાકૃષ્ણદેવે બહુ જ સ્પષ્ટતાથી પોતાનો પાયો મજબૂત કરી દીધો. એમના શિષ્ય સ્વામી વિવેકાનંદ આવ્યા એમણે કહ્યું કે we believe not only in universal toleration but we accept all religions as true અમે તો બધા જ ધર્મોને સાચા માનીએ છીએ. ગાંધીજીના પૂર્વગામી હતા સ્વામી વિવેકાનંદ. ગાંધીજીના ધર્માંતરની બાબતમાં એ જ વચનો એમણે પણ કહ્યા. સ્વામી વિવેકાનંદે કહ્યું કે, ‘મારી પાક્કી ખાતરી થઈ ગઈ કે આ ભૂખ્યા માણસો આગળ ધર્મની વાત કરવી મિથ્યા છે. તેમની ગરીબી અને તેમના દુઃખો ટાળવાનો પ્રયત્ન પહેલા કરવો જોઈએ. આને માટે ગરીબ હિંદના ઉદ્ધાર કરવા વધારે સાધનો મેળવવા હું અમેરિકા જઈ રહ્યો છું.’ એમનો ઉદેશ સ્પષ્ટ હતો, ગરીબ હિન્દનો ઉદ્ધાર. ગરીબો માટે તેઓ કહે છે કે, ‘તેઓ આપણી પાસે રોટલો માંગે છે પણ આપણે એમણે રોડા આપીએ છીએ. ભૂખે મરતી પ્રજાની આગળ ધર્મની વાત કરવી એ તેનું અપમાન કર્યા બરાબર છે. ભૂખ્યા માણસ આગળ અધ્યાત્મ વિદ્યાની વાત કરવી એ તો તેનું બરાબર અપમાન કરવાનો માર્ગ છે.’ દરિદ્રનારાયણ શબ્દ આપનાર સ્વામી વિવેકાનંદ કહે છે કે, ખ્રિસ્તી હિન્દૂ થઈ જાય એવું હું ઈચ્છું છું ? લગારે ય નહીં. હિન્દૂ કે બૌદ્ધ ખ્રિસ્તી થઈ જાય એવું શું હું ઈચ્છું છું ? લગારે ય નહીં. ખ્રિસ્તીએ હિન્દૂ કે બૌદ્ધ થવાનું જ નથી. તે જ રીતે હિંદુએ ખ્રિસ્તી કે બૌદ્ધ થવાનું જ નથી પણ દરેક ધર્મએ બીજા ધર્મોની ભાવનાને અપનાવવાની છે અને છતાં પોતાનું વ્યક્તિત્વ સાચવી પોતાની રીતે વિકાસ સાધવાનો છે.’ આપણે આ જ વાતને ગાંધીના પરિપ્રેક્ષમાં જોઈશું ત્યારે લાગશે કે, બંનેના વિચારોમાં સામ્યતા કેટલી છે.
એક યાદગાર ઘટનાક્રમ નોંધવો જોઈએ, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આ બુદ્ધ પુરુષોના જીવનક્રમમાં એ લોકો એકબીજાથી કેટલા નજદીક છે ?
સાલ ૧૮૯૩ છે અને તેનો એપ્રિલ મહિનો છે કે ત્યારે ગાંધીજી મુંબઈથી નીકળી મે મહિનામાં નાતાલ પહોંચ્યા.
૧૮૯૩ના ૩૧ મી મે એ સ્વામી વિવેકાનંદ ૧૧–૦૯ ની ધર્મ પરિષદમાં પહોંચવા માટે મુંબઈ થી નીકળ્યા.
૧૮૯૩ની ૧૬ મી નવેમ્બરે મિસિસ એનીબેસન્ટ ભારતના કિનારે ઉતર્યા.
૧૮૯૩ ની સાલ આપણા આખા ધર્મ અધ્યાત્મ જગતને માટે કેટલી મહત્વની છે તે દર્શાવવા આપણે આ ઘટનાક્રમ તપાસ્યો છે. ૧૮૯૩ માં જ એ ગાંધીજી મુંબઈથી નાતાલ જાય છે, સ્વામી વિવેકાનંદ પણ શિકાગો ધર્મ પરિષદ માટે મુંબઈથી જાય છે અને એ જ સમયે મિસિસ એનીબેસન્ટ ભારતના કિનારે ઉતરે છે. યાદ રાખવા જેવું એ છે કે, એ સમયે ગાંધીજી ૨૪ વર્ષના હતા, વિવેકાનંદજી ૩૦ વર્ષના હતા અને એનીબેસન્ટ ૪૬ વર્ષના હતા. લગભગ લગભગ સમવયસ્કો અથવા સમકાલીનો એક સરખું વિચારીને કેવી રીતે જીવે છે તેનો આ સાદર નમૂનો છે.
મહાત્મા ગાંધી સ્વામી વિવેકાનંદ પછી આવ્યા અને એમના જીવનમાં જે કંઈ તેમણે સારતત્વ પ્રાપ્ત કર્યું હતું તેના આધારે તેના કેટલાક વિધાનો નોંધવા જરૂરી બને છે: ‘આત્માની દ્રષ્ટિએ પાળેલી નીતિ તે ધર્મ છે’ એવું મહાત્મા ગાંધીએ કહ્યું એટલે કે ધર્મને તેઓએ વ્યાખ્યાયિત કર્યો કે તમે નીતિ પાળો પણ આત્માની દ્રષ્ટિએ પાળો એ નીતિ તમારો ધર્મ છે. અને સાથે કહ્યું કે, ‘જે ધર્મ વ્યવહારમાં ન લાવી શકાય તે ધર્મ જ નથી.’ વ્યવહારમાં ઉતરવો જોઈએ તો જ એ ધર્મ છે. ૧૯૪૬ ના પહેલી ઓગસ્ટના ‘હરિજન’માં તેઓએ નોંધ્યું કે, ‘દરેક બાબતમાં સારી રીતે જીવવું એનું નામ મોક્ષ છે. મોક્ષનો અર્થ એથી વિશેષ પણ નથી અને એથી ઓછો પણ નથી.’ એટલે મોક્ષ માટે તેઓની પરિપાટી અતિ શુદ્ધ છે. દરેક બાબતમાં સારી રીતે જીવો તો એ મોક્ષ છે. ‘સત્યના પ્રયોગો’ની પ્રસ્તાવનામાં એમણે બહુ જ સ્ફટિક સ્પષ્ટતાથી લખ્યું કે, ‘મારે જે કરવું છે, જેની હું ૩૦ વર્ષ થયે ઝંખના કરી રહ્યો છું તે તો આત્મદર્શન છે. તે ઈશ્વરનો સાક્ષાત્કાર છે અને તે જ મોક્ષ છે. મારું ચલન વલન બધું એ જ દ્રષ્ટિએ થાય છે.’ ધર્મ એટલે નીતિ અને નીતિ એટલે સત્ય + અહિંસાથી ઓતપ્રોત જીવન આવું મહાત્મા ગાંધીએ આપણને પ્રસ્થાપિત કર્યું.
સંસ્કૃતિ બોધને જો કેટલાક સૂત્રોમાં ઢાળવું હોય તો આ રીતે ઢાળી શકાય.
@ જેને આપણે વ્યવહારમાં ન ઉતારી શકીએ તે ધર્મ નથી.
@ આત્માની દ્રષ્ટિએ પાળેલી નીતિ એ ધર્મ છે.
@ ધર્મ એટલે નીતિ એટલે સત્ય + અહિંસાથી ઓતપ્રોત થયેલું જીવન.
રાજકારણના ક્ષેત્રમાં પણ આત્મદર્શનનું કેટલું મહત્વ છે એ મહાત્મા ગાંધીએ કહ્યું,
‘ધર્મ વિનાનું રાજકારણ એ મડદું છે. એને તો બાળી જ મૂકવું જોઈએ.
‘મારે મન તો ધર્મ વિનાનું રાજકારણ નિર્ભેળ મળ સમાન છે તેનો સદા ત્યાગ જ કરવાનો રહ્યો.’
‘અર્થકારણ અને નીતિશાસ્ત્ર વચ્ચે હું કોઈ ભેદ કરતો નથી અને એટલે હું માનું છું કે ગરીબોની સેવા તે ઈશ્વર સેવા, એક કીડીની સેવા તે ઈશ્વર સેવા, દુઃખીની સેવા તે ઈશ્વર સેવા.’
આત્મકથામાં એમણે સુંદર વાત કરી.
‘આત્મશુદ્ધિ વિના જીવમાત્રની સાથે ઐક્ય ન સધાય.’
‘આત્મશુદ્ધિ વિના અહિંસા ધર્મનું પાલન સર્વથા અસંભવિત છે.’
અને અશુદ્ધાત્મા પરમાત્માના દર્શન કરવા અસમર્થ છે.’
ગાંધીજીના મતે અવિરત સેવા એ મોક્ષનું સાધન છે. આમ જોઈએ તો ગાંધીજી બેઝિકલી અદ્વૈતવાદી લાગે છે. રાજા રામમોહનરાયની જેમ ગાંધીજી પણ બુદ્ધિ પ્રામાણ્ય વધુ લાગે છે. ‘મંગળ પ્રભાત’ પુસ્તકના પૃષ્ઠ ૭૩ ઉપર તેઓએ નોંધ્યું છે કે, ‘અવિરત સેવા એ જ મોક્ષનું સાધન હોય, એમના ધર્મદર્શનમાં વૃત્તિનો ત્યાગ નથી બલ્કે અવિરત અશ્રાંત કર્મ એ જ એનું લક્ષણ છે. ઈશ્વર પોતે ચોવીસે કલાક એક શ્વાસે કામ કર્યા કરે છે. આળસ મરડવા સરખીયે ફુરસદ લેતો નથી. તેના આપણે થઈ જઈએ અને આપણે તેનામાં ભળી જઈએ એટલે આપણો ઉદ્યમ તેના જેવો જ અતંદ્રિત થવો જોઈએ. સમુદ્રથી છુટા પડેલા બિંદુને સારું આરામની કલ્પના આપણે કરી શકીએ છીએ પણ સમુદ્રમાં રહેલા બિંદુને આરામ ક્યાંથી હોય ? સમુદ્રને ક્ષણનો પણ આરામ છે જ ક્યાં ? બરાબર એ જ પ્રમાણે આપણું છે. ઈશ્વરરૂપી સમુદ્રમાં આપણે મળી જઈએ એટલે આપણો આરામ ગયો. આરામની જરૂર પણ ગઈ. એ જ ખરો આરામ એ મહા અશાંતિમાં શાંતિ મળે તે…’ ‘સત્યની શોધમાં સાધનો કઠણ છે તેટલા સહેલા છે. એ અભિમાનીને અશક્ય લાગે અને એક નિર્દોષ બાળકને તદ્દન શક્ય લાગે. સત્યના શોધકને રજકણથી પણ નીચે રહેવું પડે છે. જગત આખું રજકણને કચડે છે પણ સત્યનો પૂજારી રજકણ સુદ્ધા તેને કચડી શકે એવો અલ્પ ન બને ત્યાં સુધી તેને સ્વતંત્ર સત્યની ઝાંખી પણ દુર્લભ છે.’ આત્મકથાના શરૂઆતના પાંચમા પૃષ્ઠ ઉપર આટલો સ્પષ્ટ મત ગાંધીએ આપ્યો છે. એમણે નમ્રતાનો ઉલ્લેખ કરતા કહ્યું, ‘નમ્રતા એટલે હું પણાનો આત્યંતિક ક્ષય. કાંઈ થવું એટલે ઈશ્વરથી, પરમાત્માથી, સત્યથી વિખુટા થવું. ટળી જવું એટલે પરમાત્મામાં ભળી જવું. સમુદ્રમાં રહેલું બિંદુ સમુદ્રમાં રહેલી મહત્તા ભોગવે છે, પણ તેનું તેને જ્ઞાન નથી. સમુદ્રથી વેગળું થયું અને પોતે પોતાપણાનો દાવો કરવા બેસે એટલે તે જ ક્ષણે સુકાયું સમજો.. ‘મંગળ પ્રભાત’ નામના તેમના પુસ્તકમાં ૭૧ અને ૭૨ માં પાના ઉપર આપણને સુંદર રજુઆત જોવા મળે છે. મહાત્મા ગાંધીના જીવનક્રમમાં ભારતીય સંસ્કૃતિ કેવી રીતે આવી હશે એનો એક આછેરો ખ્યાલ આપણે મેળવ્યો.
ગાંધીજીના જીવનનો અભ્યાસ કરતા એવું લાગે છે કે એમના જીવનમાં ત્રણ ગુણો બીજરૂપે રહ્યા છે.
૧) સત્યની ઝંખના
૨) સેવાવૃત્તિ અને
૩) સમદ્રષ્ટિ.
આ ત્રણ વિશિષ્ટ ગુણો આરંભથી જ ગાંધીજીના જીવનમાં બીજરૂપે રહ્યા છે એમના એ ગુણોના પોષણ અને સંવર્ધનમાં જે બાબતોએ અસર કરી છે એ ત્રણ બાબતો છે.
૧) ગાંધીકુળની ધાર્મિક પરંપરા,
૨) માતાપિતાના સંસ્કાર અને
૩) જ્યાં ગયા અને રહ્યા ત્યાંની પરિસ્થિતિ અને વાતાવરણ.
ગાંધીજીને મૂલવીએ ત્યારે એના બીજરૂપ ગુણોને યાદ રાખવા પડશે. અથવા તો એમ કહીએ કે ગાંધીજીના જીવનમાંથી પસાર થઈએ ત્યારે આપણને ઉડીને આંખે વળગે તેવા ત્રણ બીજરૂપ ગુણો હશે… સત્યની ઝંખના, સેવાવૃત્તિ અને સમદ્રષ્ટિ. બીજરૂપ ગુણ હોય પણ તેનું પોષણ કરવું જરૂરી બનતું હોય છે. અને એના માટે પોષકતત્વો આપણને વારસાગત રીતે મળતા હોય છે. મને સમજૉયું છે કે, જયારે અસ્તિત્વ એવું નક્કી કરે છે કે જેના જીવનમાં બીજરૂપ ગુણો અતિ ઉત્તમ કક્ષાના મૂક્યા છે તે ગુણોનું પોષણ કરવા માટે પણ એને એ પ્રકારનું વાતાવરણ પણ જોઈશે. પ્રસિદ્ધ લેખક પોલો કોએલોનું બહુ જ જાણીતું સર્જન છે ‘અલ્કેમીસ્ટ’, જેનું ગુજરાતી થયું છે, ‘કીમિયાગર’.. એમાં એક સીધી સાદી વાત છે કે, તમે મનોમન, નિષ્ઠાપૂર્વક કોઈ એક વાતને પુરવાર કરવામાં અથવા જીવંત કરવામાં લાગી જાઓ છો ત્યારે બ્રહ્માંડની બધી જ શક્તિઓ તમને એમાં પુરેપુરો ટેકો કરે છે, સહયોગ આપે છે. એટલે ગાંધીજીના જીવનમાં જે ત્રણ બીજરૂપ તત્વો હતા એ ત્રણને ટેકો કરવા માટે અને એ ગુણોનું પોષણ કરવા માટે ત્રણ એવી અવસ્થાઓ આવી એમના જીવનમાં. અને એ અવસ્થા એટલે ગાંધીકુળની પરંપરા, માતાપિતાના સંસ્કારો અને જ્યાં ગયા, જ્યાં રહ્યા ત્યાંની પરિસ્થિતિ અને ત્યાંનું વાતાવરણ. આ ત્રણ બાબતો એટલી અનુકૂળ થઇ કે ગાંધીજીવન એવો શબ્દ બોલીએ છીએ ત્યારે એનું ઘડતર આ ત્રણ + ત્રણ માંથી થયેલું દર્શાય છે.
આપણે જરા ઊંડાણથી વાત કરીએ. ગાંધીજીના દાદા ઉત્તમચંદ ગાંધી. આપણે એને ઓતાબાપા કહેતા. આ ઓતાબાપામાં ત્રણ ગુણધર્મો. એ સત્યપ્રિય, નીડર અને નિર્લોભી. ઘરમાં કૃષ્ણભક્તિ છતાં ઓતાબાપા રામાનંદના એક ખાખી સાધુના સત્સંગથી રામભક્ત બન્યા હતા અને ઘણો ખરો સમય એમણે રામકથા શ્રવણમાં વિતાવ્યો. અહીં જોવાની ખૂબી છે કે તમે કૃષ્ણભક્ત હો તેમ છતાં તમે અન્ય કોઈ અવતાર પુરુષની વાત સાથે જીવનને જોડી શકો એ તમારી ઓપનનેસ છે.
દાદા પછી વાત કરીએ પિતા ક.બા. ગાંધી – કરમચંદ ગાંધીની. એમાં ત્રણ ગુણધર્મો. તીક્ષ્ણ બુદ્ધિ , સત્યપ્રીતિ અને બહાદુરી. તીક્ષ્ણ બુદ્ધિ એટલી જોરદાર, સત્ય પ્રત્યેનો પ્રેમ એટલો લાગલગાટ અને સત્ય કહેવામાં જોઈતી બહાદુરીના આધારે ક.બા.ગાંધીનું જીવન ઘડાયું. ધર્મ પ્રત્યેની જિજ્ઞાસા તેઓની તીવ્ર હતી. પરિણામે સાધુ સંતો અને સત ચરિત્ર વિદ્વાનોનો સંગ કાયમ તેઓ કરતા રહ્યા. આખી રાજ્ય વ્યવસ્થાનું કામ તેઓ સંભળાતા હતા એટલે પૂરો સમય વ્યસ્ત રહે છતાં પણ નિયમિત દોઢ દોઢ કલાક અવશ્ય તેઓ કથા શ્રવણ કરતા. શ્રીમદ ભાગવત, તુલસીકૃત રામાયણ અને શ્રીમદ ભગવદ ગીતા. આ તેમના ત્રણ પ્રિય ગ્રંથો હતા. એ પાંચ જ ધોરણ ભણેલા. પણ તમે શું ભણો છો એનાથી કોઈ અર્થ નથી સરતો. તમારી અંદરથી કેટલું કોળવાનું શક્ય બને છે તેના ઉપર જીવન આધાર રહેલો છે.
દાદા અને પિતા પછી આપણે માતાશ્રી પુતળીબાઈની વાત કરીએ તો એ એક આદર્શ ગૃહિણી. સૌ જમી લે પછી જમે, વધેલું હોય તે જમે એ માતા પુતળીબાઈ. ગરીબ અને બિમારની સેવા કરવી એમનો આત્મીય શોખ. આશ્ચર્ય થાય જીવનમાં ક્યારેય નવા કપડાં કે નવા ઘરેણાંની એમને ઈચ્છા થઇ નહોતી. મહાત્મા ગાંધી માતાનાં આ ચરિત્રથી એટલા બધા પ્રભાવિત થયા કે એમના જીવન ઉપર સ્થાયી પ્રભાવ માતાનો પડ્યો કે એમણે ખુદે કહ્યું, “મારામાં કશી પવિત્રતા જોતા હો તો તે મારા પિતાની નથી પણ માતાની છે. એમની પવિત્રતાની છાપ હંમેશને માટે મારી ઉપર રહી ગઈ છે.” ગાંધીજીના જીવનમાં જોવા મળતો અણીશુદ્ધ આત્મશુદ્ધિનો આગ્રહ, આત્મસાક્ષાત્કારની તીવ્ર ઝંખના, નાના મોટા વ્રતો દ્વારા જીવનને ઘડવાની અખુટ શ્રદ્ધા, માંદા અને કોઢિયાની સેવા કરવાનો સહજ પ્રેમ અને જાતે કષ્ટ વેઠીને પણ અન્યને સુખી કરવાની કરુણાશીલતાના ગુણો એ ગાંધીજીને સાધ્વી માતાના સંસ્કારોમાંથી મળેલું પરિણામ હતું, એમ તેઓ પ્રેમપૂર્વક સ્વીકારે છે. ગાંધીજીને કેટલીક બાબતોમાં પારંગત એવા માતા સામે એક નાનકડો વિરોધ હતો. આ સાધ્વી માતા રૂઢીવશ અસ્પૃશ્યતા પાળતા હતા. આ બાબતમાં કોઈ કોઈ વાર એમને માતા સાથે બોલાચાલી પણ થઇ જતી. પોતાના બાળકો પાસે એ કેટલીક રૂઢિઓનું બહુ ચોક્કસ પાલન કરાવતા અને એમાં અસ્પૃશ્યતા માટે તો તેઓ બહુ જડ હતા. પોતાને ત્યાં મેલું સાફ કરવા આવનાર અંત્યજ ઉકાને ન અડવા તે મોહનદાસને સમજાવતા અને અડી જવાય તો આભડછેટ દૂર કરવા નહાવાનું કે કોઈ મુસલમાનના અંગરખાને અડી લેવાનો હુકમ કરતા. માતૃભક્ત મોહન માતાના હુકમનું પાલન તો કરી લેતો પરંતુ એમનું હૃદય તો એમનો વિરોધ જ કરતું. કોઈ કોઈ વાર તે માતા સાથે મીઠો ઝઘડો કરતા અને કહેતા ઉકાને ન અડવામાં કોઈ ધર્મ નથી. અને કોઈ ધર્મ હોઈ પણ ન શકે. એ પછી ઘરમાં ધાર્મિક શિક્ષણ આપનાર બ્રાહ્મણ પાસે જયારે તેઓએ શ્રીરામ રક્ષા અને શ્રીવિષ્ણુ પંચકના સ્તોત્રો શીખ્યા ત્યારે જલે વિષ્ણુ સ્થળે વિષ્ણુ સ્તોત્ર બોલતા મોહનદાસના બાળ મને પ્રશ્ન કર્યો કે, ભગવાન જો સર્વત્ર હોય તો ઉકામાં શા માટે ન હોય ? એમને એ વસ્તુની પણ મૂંઝવણ થઇ કે રામરક્ષાના સ્તોત્રથી જો ભૂત વગેરેનું નિવારણ થઇ શકે તો અછુતનાં સ્પર્શથી થતા પાપનું નિવારણ શા માટે ન થઇ શકે ?
મોહનદાસ કરમચંદ ગાંધીના જીવનમાં એક પછી એક ઘટના એવી બનતી ગઈ કે તેમનો સંસ્કૃતિબોધ આપોઆપ ઘડાતો ગયો . ધર્મ, વ્યવહારો વગેરે માટેની આચારસંહિતા પણ એમાંથી ઘડાઈ ગઈ. ગાંધીજી નાનપણમાં ભૂત પ્રેત આદિથી ડરતા હતા. અને એ ભયમાંથી બચવાની ઔષધિરૂપે એમની આઈ રંભામાએ એમને રામનામનો મંત્ર આપ્યો હતો. બાળસુલભ શ્રદ્ધાથી મોહને એને અપનાવ્યો અને તેનો જાપ શરૂ કર્યો. અલબત્ત એ ઝાઝો વખત ટક્યો નહીં પણ બાળપણમાં રોપાયેલું રામનામનું એ બીજ ગાંધીના આગળના જીવનમાં અંકુરિત થઇ વિશાળ વટવૃક્ષમાં પરિણમ્યું અને તેમના વ્યક્તિગત જીવનમાં સર્વ ઝંઝાવાતો ને બધી કસોટીઓમાં એકમાત્ર પ્રેરક ને ધારક બળ બન્યું. એમનો યશ તે પોતાની ભલી ભોળી રંભા આઈને આપે છે. જાણવાનું એ છે કે આ ચાર પાત્રો જેની હમણાં આપણે ચર્ચા કરી, પહેલા દાદા ઓતાબાપા, બીજા પિતાશ્રી ક. બા. ગાંધી, માતાશ્રી પુતળીબાઈ અને ચોથા રંભા આઈએ જાણ્યે અજાણ્યે ગાંધીજીનું સંસ્કાર ઘડતર કર્યું. જોવાની ખૂબી એ છે કે ‘સત્યના પ્રયોગો’ની અંદર આ રંભા આઈ અંગે ગાંધીજીએ એવું એક વિધાન કર્યું કે, ‘એમણે મને રામનામ લેવાનું કહ્યું કે જેથી કરીને અંધકારમાં મને ડર ન લાગે તે વાત મને સાચી લાગી. પણ એ વખતે મારો ભરોસો રામનામ કરતા રંભા આઇમાં ઝાઝો હતો. એટલા માટે પછી રામનામ ઝાઝું ટક્યું નહીં.’ નિખાલસતાની અને પ્રમાણિકતાની હદ ઓળંગીને આટલું સત્ય ગાંધી જ કહી શકે. એક પછી એક એવા બનાવો બનતા ગયા કે આ ચાર પાત્રો એમના જીવનમાં સંસ્કૃતિનો પાયો નાખવા માટે અને સંસ્કારનું બીજારોપણ કરવા માટે આધારભૂત બન્યા તો કેટલીક ઘટનાઓ પણ એવી બની કે એ ઘટનાએ આ બીજના અંકુરને સૂર્યપ્રકાશનું કે જળાભિષેકનું કામ કર્યું.
હિન્દૂ ધર્મની પૌરાણિક કથાઓ હજારો વર્ષોથી હિન્દૂ બાલમાનસ પર ધાર્મિક સંસ્કરોનું સિંચન કરતી આવી છે, એ કથાઓ પૈકી શ્રવણ અને હરિશ્ચન્દ્રની કથાઓએ મોહનદાસના બાળમાનસ ઉપર ઊંડી છાપ પાડી. એમના પિતાશ્રીએ એક નાટક ખરીદેલું, શ્રવણ પિતૃભક્તિ. એ નાટક મોહનદાસે બાળવયે વાંચ્યું. હવે એ વાંચતી વખતે જ એક ઘટના બની. એ દિવસોમાં કાચમાં ચિત્ર દેખાડનારા પાસે શ્રવણ પોતાના મા બાપને કાવડમાં બેસાડીને યાત્રા કરવા લઇ જાય છે, એ એમણે જોયું આ બંને વસ્તુની એમના ઉપર જબરી અસર થઇ. એમણે નોંધ્યું છે કે, ‘જગતમાં માબાપનો પ્રેમ મેં જેવો જાણ્યો છે એવો કોઈએ નહીં જાણ્યો હોય એ બાબતમાં મારો દાવો છે. જગતમાં કોઈ મારા કરતાં મા કે બાપને વધારે ચાહનારો છે એમ કહેવામાં આવે તો હું કહું કે તેને મારી પાસે લાવો હું જરા જોઈ લઉં.’ આ વાત મહાદેવભાઈની ડાયરીમાં નોંધવામાં આવી છે. હવે શ્રવણપિતૃભક્તિ નાટક એમણે વાંચ્યું અને હરિશ્ચન્દ્ર નાટક એમણે જોયું. એ નાટકમાં એમણે એવું જોયું કે, સત્યને હરિશ્ચન્દ્રની જેમ જે જીવી બતાવે તે સાચા માણસ કહેવાય. ત્યારથી એમને ધૂન ચડી ગઈ કે સત્ય એકલું પૂરતું નથી પણ સત્યને જીવનમાં ઉતારીને વ્યવહારમાં સ્થાપિત કરી બતાવવું જોઈએ તો જ સાચું કહેવાય આ વાત એમના મન ઉપર સવાર થઇ ગઈ. ત્રીજી એ સમયની એક ઘટના એવી બની કે જે ઘટના વિષે ઘણા બધા લોકોને જાણીને આશ્ચર્ય થશે. તુલસી રામાયણ પોતાના પિતાની છેલ્લી માંદગી સમયે એમણે લાધા મહારાજના ખુબ મીઠા સ્વરે સાંભળ્યું. ભક્તિ ભાવમાં તરબોળ બનીને તુલસીકૃત રામાયણ સાંભળવા અને ગાઈ સંભળાવવા એ સાથે બેસી જતા. એમણે મુગ્ધભાવે આ સાંભળ્યું અને લખ્યું કે, ‘રામાયણ શ્રવણ મારા રામાયણ પરના અત્યંત પ્રેમનો પાયો છે.’ (આ વિધાન ‘આત્મકથા’ના પૃષ્ઠ ૩૧ પર નોંધ્યું છે.) હવે એ જ સમયે રાજકોટમાં ભાગવતની કથા પણ એમણે સાંભળી પણ કથાકાર બહુ રસ પેદા ન કરી શક્યા એટલે એ વખતે એમના પર બહુ અસર ન થઇ. અહીં એ પણ નોંધવા જેવું છે કે કથા સાથે કથાને કહેનાર કથાકારની શૈલી બહુ મહત્વની છે, મોહનદાસ ગાંધીને એ સમયે કથા કરતાં કથાકારની શૈલી ન જચી એથી ભાગવતની અસર ન થઈ. પરંતુ મહાત્મા ગાંધીના ૨૧ દિવસના ઉપવાસ દરમ્યાન મદનમોહન માલવિયાજી જેવા ભગવત ભક્તને મુખેથી ભાગવતના કેટલાક ભાગો સાંભળ્યા પછી એમને પ્રતીતિ થઈ કે ભાગવત એવો ગ્રંથ છે કે જે વાંચીને ધર્મરસ ઉત્પન્ન કરી શકાય. શ્રવણ પિતૃભક્તિ નાટક, ત્યારબાદ હરિશ્ચન્દ્ર નાટક, ત્યારબાદ તુલસી રામાયણ , ત્યારબાદ ભાગવત કથા અને પછી મનુસ્મૃતિ. પિતાના પુસ્તક ભંડારમાંથી મનુસ્મૃતિનું ભાષાંતર એમને હાથ લાગ્યું. એમણે વાંચી કાઢ્યું પણ એની બહુ અસર ન થઈ. એમના વાંચનથી નીતિ શબ્દ અને નીતિ અર્થ ઉપરની એની આસ્થા ગાઢ બની ખરી અને ‘આખું જગત નીતિ ઉપર નભેલું છે’, એ સત્ય સમજાયું, ત્યારથી નીતિ ઉપરની શોધનો આરંભ થયો. પણ મનુસ્મૃતિ એ સમયે એમના ઉપર કોઈ મોટી અસર કરી ન શક્યું. આ વાતના સંદર્ભમાં એકબીજી સુંદર મજાની અસર થઈ એ અસર આપણે નોંધવી જોઈએ.
નીતિનું ચિંતન ચાલતું હતું એ જ સમયે કવિ શામળનો નીતિવિષયક એક છપ્પો મોહનદાસના વાંચવામાં આવ્યો. હવે અહીંયા કલ્પના એ નોંધવા જેવી છે કે એક પુસ્તક કે એક નાટક જેટલી અસર કરી શકે એટલી એક છપ્પો પણ અસર કરી શકે. એ કવિ શામળનો છપ્પો એમણે વાંચ્યો અને એના મન ઉપર ઊંડો પ્રભાવ પડ્યો. ગાંધીજી આત્મકથાના પૃષ્ઠ ૩૭ પર લખે છે કે, એ છપ્પાએ મારા ઉપર સામ્રાજ્ય ચલાવવું શરૂ કર્યું. અપકારીનું ભલું ઇચ્છવું અને કરવું એ મારો અનુરાગ થઈ પડ્યો એના અગણિત અખતરા આદર્યા. કયો હતો એ છપ્પો ? અહીં એ છપ્પાની પણ આપણે નોંધ લઈએ.
પાણી આપને પાય, ભલું ભોજન તો દીજે;
આવી નમાવે શીશ, દંડવત કોડે કીજે.
આપણ ઘાસે દામ. કામ મહોરોનું કરીએ;
આપ ઉગારે પ્રાણ, તે તણા દુઃખમાં મરીએ.
ગુણ કેડે તો ગુણ દશ ગણો, મન વાચા, કર્મે કરી;
અવગુણ કેડે જે ગુણ કરે, તે જગમાં જીત્યો સહી.
શામળ કહે છે કે, અવગુણની સામે તમે જો ગુણ કરી બતાવો તો જ તમે જગતને જીત્યા બરાબર ગણવું જોઈએ. આ કવિ શામળના નાનકડા છપ્પાની એમની ઉપર અસર થઈ.
આમ, આપણે તારવ્યું કે ગાંધી જીવન ઘડવામાં મૂળ ત્રણ ગુણો અને ત્રણ ગુણોને સહયોગ કરે તેવું પોષણતત્વ પણ ગુણોમાં મળ્યું, જીવનના ચાર એવા એવા પાત્રો કે જેણે જીવનને ઘડવામાં મોટો ભાગ ભજવ્યો અને આ જીવન પાત્રો ઉપરાંત જેની ખુબ મોટી અસર થઈ એ મોટામાં મોટી અસર શ્રવણપિતૃભક્તિ નાટક, હરિશ્ચન્દ્ર નાટક, તુલસી રામાયણ, ભાગવત કથા, મનુસ્મૃતિ અને કવિ શામળનો નીતિ વિષયક છપ્પો આટલી વાત ગાંધીના જીવનમાં સંસ્કૃતિ બોધને સ્થાયી કરવા માટે પર્યાપ્ત બની રહી.
ગાંધીજીના જીવનમાંથી સાંસ્કૃતિક બોધને તારવવા માટે થઈને ગાંધીજીએ પોતે લખેલા કે ઉચ્ચારેલા કેટલાક સુવિચાર જેવા વાક્યો આપણને ઘણો ટેકો કરી શકે એમ છે.
૪ ડિસેમ્બર ૧૯૨૪ ના ‘યંગ ઈન્ડિયા’માં ગાંધીજી નોંધે છે કે, ‘એક માણસની આધ્યાત્મિક ઉન્નતિ થાય અને તેની આસપાસના માણસો દુઃખમાં સબડ્યા કરે એમ હું માનતો નથી. હું અદ્વૈતમાં માનું છું, હું માનવજાતની બલ્કે જીવમાત્રની મૂળગત એકતામાં માનું છું, આથી હું એમ માનું છું કે જો એક માણસની આધ્યાત્મિક ઉન્નતિ થાય તો તેની સાથે આખી દુનિયાની આધ્યાત્મિક ઉન્નતિ થાય. અને જો એક માણસનું આધ્યાત્મિક પતન થાય તો તેટલે અંશે આખી દુનિયાનું પતન પણ થાય.’
‘ધર્મ મંથન’ના પૃષ્ઠ ૨૨ અને ૨૩ ઉપર તેઓ નોંધે કે, ‘શાસ્ત્રો વાંચવાની અને સમજવાની ચાવી મને હાથ લાગી છે. જે શાસ્ત્રવચન સત્યનું, અહિંસાનું, બ્રહ્મચર્યનું વિરોધી હોય તે ગમે ત્યાંથી મળ્યું હોય છતાં એ અપ્રમાણ છે. શાસ્ત્ર બુદ્ધિથી પર નથી. બુદ્ધિગ્રાહ્ય ન હોય તે શાસ્ત્રને આપને પડતા મેલી શકીએ છીએ.’ સંસ્કૃતિમાં કઈ બાબતોનો સ્વીકાર અને કઈ બાબતોનો અસ્વીકાર એની આટલી નિખાલસ વ્યાખ્યા ગાંધી સિવાય કોઈ આપી ન શકે.
‘હરિજનબંધુ’ના ૧૯૩૬ ના ૬, ડિસેમ્બરના અંકમાં એક નાનકડી વાત પણ બહુ જ પથદર્શન વાળી વાત : ‘હું દરેક ધર્મશાસ્ત્ર વિશે તેમજ ગીતા વિશે પણ મારી બુદ્ધિ ચલાવું છું. શાસ્ત્ર વચનને મારી બુદ્ધિની જગા લેવા દેતો નથી.’ એટલે કે શાસ્ત્રનું વચન છે એટલે તમારો વિવેક એક બાજુ મુકો કે તમારી કરુણા એક બાજુ મુકો એમાં ગાંધીજી માનતા નથી.
‘ગાંધી:જીવન અને વિચાર’ નામના એક પુસ્તકમાં ૩૨૪ માં પૃષ્ઠ ઉપર તેઓ બહુ જ સ્પષ્ટ રીતે આપણને વાત કરે છે. ‘જે માણસ ઈશ્વરને તત્વરૂપે ઉપાસતો હોય તેને મૂર્તિ કે મંદિરની જરૂર જ હોય,’ તેમ છતાં માણસ સ્વભાવે મૂર્તિ પૂજક છે એટલે ગાંધીજી કહે છે કે, મૂર્તિ પૂજા પ્રત્યે મારી અનાસ્થા નથી. મૂર્તિ મારા મનમાં કશો પૂજ્યભાવ પણ પેદા કરતી નથી. છતાં હું માનું છું કે મૂર્તિ પૂજા એ મનુષ્ય સ્વભાવનું એક અંગ છે. પ્રાર્થનામાં સાકાર મૂર્તિનો મેં નિષેધ નથી કર્યો. નિરાકારને ચડતું સ્થાન મેં અવશ્ય આપ્યું છે.’
આપણને ગાંધીજીના જીવનમાંથી મૂલ્યબોધ મેળવવા માટેની કવાયત કરી રહ્યાં હોઈએ ત્યારે આ બધા વિધાનો બહુ મોટું પથદર્શન કરે છે.
જવાહરલાલ નહેરુએ બહુ જ સુંદર વાત ગાંધીજીની ઓળખ માટે કહેલી. એમણે કહ્યું કે, ‘આ બોખા મોઢા વાળા મહાત્માની વાતો આજે આપણને ખોખલી લાગે તેમાં એ બોખા મોઢાનો દોષ નથી. આપણી વિપથગામી મનોવૃત્તિનો દોષ છે.’ જવાહરલાલે આ વાત કહેતા એની આત્મકથામાં ખોટું નથી કહ્યું કે, ‘મહાત્માજીનું હાસ્ય જોવાનું સૌભાગ્ય જેને મળ્યું નથી તે મહાત્માજીને ઓળખતો નથી.’ જ્યાં સુધી સંકલ્પનાની સ્પષ્ટતા અથવા વિચારની સ્પષ્ટતાની વાત કરીએ તો સાંસ્કૃતિક દ્રષ્ટિએ ગાંધીજીથી ઉચ્ચ વ્યક્તિ આપણને સમાજ જીવનમાંથી મળવી મુશ્કેલ છે.
મહાદેવભાઈ ગીત ગાતા હતા. ‘મીરાંબાઈ બલિહારી’, ત્યાં ગાંધીએ વચ્ચે કહ્યું, ‘હું આમાં નથી માનતો. તું માને ખરો ?’ મહાદેવભાઈએ કહ્યું, ‘હા, હું માનું.’ વિનોબાજીને પૂછ્યું, ‘મીરાંબાઈ તે આવું ગાતા હશે ?’ ગાંધી કહે, ‘અંદરનો અવાજ આવે તો જ હું તો ઉપવાસ કરું તેના સિવાય ન કરું.’ વિનોબાજીએ તરત જ સ્પષ્ટ કહ્યું, ‘તમને ઉપવાસ કરતી વખતે અંદરનો અવાજ સંભળાય છે, તો મીરાંને કેમ ન સંભળાય ?’ આવી નિખાલસ ટકોર ગાંધીજી સમક્ષ તમે કરી શકો અને છતાં ગાંધીજી સાથે તમે રહી શકો ત્યારે ગાંધીના જીવનના સંસ્કૃતિબોધની વાત જાણી શકો અથવા સમજી શકો.
એક પ્રસંગ મારે નોંધવો છે. ‘અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ’ માં મહાદેવભાઈ દેસાઈ વિશેની જીવન-વાત નારાયણ દેસાઈએ લખી છે, એ પુસ્તકમાંથી આ પ્રસંગ છે. જે હું યાદદાસ્તના આધારે કહું છું. ૧૫ મી ઓગસ્ટ અને ૧૯૪૨ નો સમય હતો. આગાખાન પેલેસ પૂનાનો એ પ્રસંગ. મહાદેવભાઈએ કહ્યું, ‘બાપુ, તમે આમરણાંત ઉપવાસ કરવાનું જે નક્કી કર્યું છે તે ન કરો તો ચાલે. તમે ઉપવાસ ન કરશો તમને કંઈક થઇ જશે તો ?’ ગાંધીજીએ જવાબ આપ્યો. ‘તો શું કરું ? સ્વતંત્રતા મળતી નથી, અંગ્રેજો જતા નથી મારી પાસે બીજો કોઈ રસ્તો નથી.’ મહાદેવભાઈએ કહ્યું, ‘ના બાપુ, પણ ઉપવાસથી તમારા જીવન ઉપર જોખમ વધશે.’ ગાંધીએ તરત જ જવાબ આપ્યો. ‘તું સાંભળ. તું મારો બાપ અને હું તારો દીકરો લે ટુવાલ મને નવડાવજે.’ બીજે દિવસે મહાદેવભાઈ રૂમમાં હતા અને ડો. સુશીલા નૈયર તેમની પાસે ગયા તો જોયું કે, મહાદેવભાઈ નિશ્ચેતન પડ્યા હતા. એમણે તપસ્યા અને તેઓ બાપુ પાસે દોડ્યા અને કહ્યું : ‘બાપુ, બાપુ, મહાદેવભાઈ ગયા. બાપુ મહાદેવ તો ગયા.’ મહાત્મા ગાંધીને ધ્રાસકો પડી ગયો. ‘એમના ગયા પહેલાં તો મારે જવાનું હતું.’ ગાંધીજી ત્યાંથી ઊભા પગલે મહાદેવભાઈના રૂમમાં પહોંચ્યા. યરવડા જેલનો એ કિસ્સો. બાજુમાં બેસીને કહેવા લાગ્યા, ‘ઉઠો, મહાદેવ ઉઠો..’. આશ્ચર્ય થયું સૌને. ડો. સુશીલા નૈયરને વધુ આશ્ચર્ય થયું. એમને લાગ્યું કે આ સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ છે. એ આવું બોલે ? જયારે ખબર પડી ગઈ કે, એ નિશ્ચેતન છે તો પણ આવું બોલે કે ‘ઉઠો મહાદેવ ઉઠો.’ ? એમણે ગાંધીજીને પૂછી નાખ્યું, ‘તમે તો સ્થિત પ્રજ્ઞના લક્ષણો અમને શીખવ્યા છે અને તમે આવું કેમ કર્યું ?’ ગાંધીજીએ જે જવાબ આપ્યો તેમાં એનો સાંસ્કૃતિક સિંહ ફાળો આપણને જોવા મળે છે. “તને ખબર નથી મહાદેવ ૨૫ વર્ષનો હતો, ત્યારે મારી પાસે આવેલો. કોઈ દિવસ એણે મારી આજ્ઞા ઉથાપી નથી. મેં બોલાવ્યો અને એણે જવાબ આપ્યો છે, એટલે મને લાગ્યું કે, હું પોકારી જોઉં, કદાચ ઊંડે ઊંડે જીવ હશે તો હું કહીશ કે ‘ઉઠો મહાદેવ ઉઠો’ તો એ જરૂર ઉઠશે.”
by Santulan | Sep 24, 2023 | વિશેષ લેખ |
“બુદ્ધિ નહીં કરે રાજ્ય કદી આ જગતે અહીં, કરશે રાજ આત્મા જ જગતમાં નિરંતર.” ….. ગાંધીગીતા
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
ઉમાશંકર જોશીનું એક સુંદર મજાનું ગીત છે:
અમે ગીત ગગનના ગાશું રે,
અમે ગીત મગનમાં ગાશું કલકલ કૂજલ સુણી પૂછશો
તમે: અરે છે આ શું ?.. રે અમે ગીત ગગનના ગાશું.
એ ગીતની પહેલી પંક્તિ આજના લેખના શીર્ષકને સમજવામાં મદદ કરે છે.
સૂર્યચંદ્રના દિયો હોલવી, ઠારો નવલખ તારા,
હથેળી આડી રાખી રોકો વરસંતી જલધારા.
અમે સૂરસરિતમાં ન્હાશું.. રે અમે ગીત ગગનના ગાશું.
સૂરની સરિતામાં ન્હાવા માટે પ્રયાસ કરતો પામર જીવ એવી મોટી મહેચ્છા લઈને બેઠો છે કે જેમાં એમણે સૂર્ય ચંદ્રને હોલવી નાખવાનું પસંદ કર્યું છે અને નવલખ તારાને એકબાજુ હડસેલી દેવાનું કહ્યું છે. તો સતત વરસતી વરસાદની જલધારાને હથેળી આડી રાખીને રોકી લેવાના મનોરથ પણ એણે કર્યા છે કારણ કે એને સૂર સરિતમાં નહાવું છે અને ગીત ગગનમાં ગાવું છે.
પૂર્વ ભૂમિકામાં આવી સાહિત્યિક વાત કરવાનું કારણ એ છે કે આપણે જે વિષય તરફ જઈ રહ્યા છીએ તે વિષય છેલ્લા થોડા મહિનાઓથી ભારતમાં અને ઘણા વર્ષોથી વિશ્વમાં ચર્ચાઈ રહ્યો છે. લોકોને એક પ્રકારની આશંકા જાગી છે કે, શું થશે ? કુદરતી અથવા પ્રકૃતિ વિલીન થશે અને કૃત્રિમતા છવાઈ જશે ? લોકોને પ્રશ્ન છે કે, આપણે વિચારતા બંધ થઈ જશું અને આપણાં વતી મશીનો વિચારશે ? આપણે જેને પ્રજ્ઞા કહીએ છીએ એ શું સીમિત થઇ જશે ? આપણે જેને ઇન્ટેલિજન્સ કહીએ છીએ એ તો મૌલિક હોય, વાસ્તવિક હોય, પ્રાકૃતિક હોય એ કૃત્રિમ કેવી રીતે હોય ? બુદ્ધિ એટલે શું અને પ્રજ્ઞા એટલે શું ? બુદ્ધિને કદાચ એવો વિચાર આવે કે ચાલો આપણે સૂર્યચંદ્રને હોલવી નાખીએ, પણ પ્રજ્ઞા તો તાત્કાલિક વચ્ચે આવીને કહી શકે કે, ‘રહેવા દેજે માનવ, આ કામ ન કરીશ, એ તારું નથી, તું ભલે ઈચ્છે કે વરસંતી જલધારાને હથેળી આડી રાખીને તું રોકી લે, પણ ના દોસ્ત એ શક્ય નથી, એ બધું જ નિશ્ચિત છે, નિયતકાલીન છે, પ્રાકૃતિક છે, કુદરતી છે, મૌલિક છે. જે તે કાળચક્રના સમયે બનતી ઘટનાઓ છે. એને તું ઈચ્છે ત્યારે આ ધરતી ઉપર જન્મ નહીં આપી શકે. તું માનવ છો, તને જે બુદ્ધિ આપી છે તેનો ઉપયોગ કર તો કશો વાંધો નથી. પણ બુદ્ધિની મદદથી પ્રજ્ઞાના સીમાડાઓ પાર કરવાનો તું પ્રયાસ ન કર. કારણકે એ બધું તારા મનોરથના વ્યાસની બહાર છે.!’
પહેલો પ્રશ્ન તો આપણી સામે એ છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI એવું જે ઉચ્ચારણ થાય છે ત્યારે બે વિરોધાભાસી શબ્દોને એકસાથે બેસાડી દીધા હોય એવું આપણને નથી લાગતું? એક બાજુ કુદરત માટેની સમજ છે, તો બીજી બાજુ કૃત્રિમતા માટેની દુરિત દૃષ્ટિ છે. એ બંનેને એક સાથે કેમ મૂકી શકો ? કૃત્રિમ વાત હોય એને ઇન્ટેલિજન્સ સાથે બેસાડવી,, આર્ટિફિશિયલ બનાવટી શબ્દને પ્રજ્ઞા સાથે જોવી,, એ મનમાં ઉતરે તેવી વાત નથી.
આપણે ઇન્ટેલિજન્સનું ગુજરાતી ‘બુદ્ધિમત્તા’ કરીએ છીએ. હકીકતમાં તો એ Artificial Brain હોય તો હાલ આપણે જે ‘કૃત્રિમ બુદ્ધિ’ કરીએ છીએ તે સાચું ગણાય. પણ આપણે તો Artificial સાથે Intelligence શબ્દ મૂકીએ છીએ,, અને એ જ સાચું ગણીએ તો તેનું ગુજરાતી ‘કૃત્રિમ પ્રજ્ઞા’ એવું થાય. જો Intelligence શબ્દ વાપરવો હોય તો સાથે Artificial આવી જ ન શકે. પ્રજ્ઞા ક્યારેય કૃત્રિમ ન હોઈ શકે. હા, બુદ્ધિ સાથે આર્ટિફિશિયલ આવી શકે. બસ, એની ચર્ચા આજે આપણે કરવી છે અને એ કહેવું છે કે ઇન્ટેલિજન્સ ક્યારેય આર્ટિફિશિયલ હોય ન શકે.
આપણે જરા વિગતે એ વાતને જાણીએ. બુદ્ધિ અને પ્રજ્ઞામાં તાત્વિક ભેદ છે. બુદ્ધિ અને બુદ્ધિમત્તા એ શબ્દ પણ એકબીજાથી અલગ પડે છે. સમજશક્તિ બુદ્ધિમાન હોવું, ડહાપણ, હોશિયારી, કુશળતા, જ્ઞાન આ બધા બુદ્ધિમત્તાના અર્થ છે. જયારે બુદ્ધિ પોતે એક વિશિષ્ટ શબ્દ છે. અહીંયા બુદ્ધિનો એક અર્થ ઈચ્છા, વૃત્તિ, મત, અભિપ્રાય કે વિચાર એવો પણ થાય છે. આમ જોઈએ તો બુદ્ધિને એ ચોવીસ માંહેનો બારમો ગુણ છે. ગુણ ચોવીસ છે. રૂપ, રસ, ગંધ, સ્પર્શ, સંખ્યા, પરિમાણ, પૃથકત્વ, સંયોગ, વિયોગ, પરત્વ, અપરત્વ, બુદ્ધિ, સુખ, દુઃખ, ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન, ગુરુત્વ, દ્રવત્વ, સ્નેહ, સંસ્કાર, ધર્મ, અધર્મ અને શબ્દ. આ ન્યાય ચોવીસ માંહેનો બારમો ગુણ એ હકીકતમાં બુદ્ધિ છે. બીજી રીતે જોઈએ તો બુદ્ધિ ઇન્દ્રિયોની સહાયથી વિષયોના સમૂહને જીતી લાવે છે. બુદ્ધિ વિષે એક અર્થ એવો પણ કરવામાં આવ્યો કે, વસ્તુને જાણવાની ચિત્તની સમજશક્તિ; જ્ઞાનશક્તિ; મતિ. આ બુદ્ધિ અંતઃકરણની ચાર માંહેની બીજી વૃત્તિ મનાય છે. અને તેના નિત્ય અને અનિત્ય એવા બે ભેદ છે. એમાંથી નિત્ય બુદ્ધિ પરમાત્માની અને અનિત્ય બુદ્ધિ જીવની એવું માનવામાં આવ્યું છે. પશ્ચિમના વિદ્વાનો અંત:કરણના બધા વ્યાપારોનું સ્થાન મસ્તકને માને છે. તેથી એના મત પ્રમાણે બુદ્ધિનું સ્થાન પણ મસ્તક છે. આપણને ખ્યાલ છે આ એક પ્રાકૃતિક શક્તિ છે. બુદ્ધિ બે પ્રકારની છે. અનુભવ અને સ્મૃતિ. કેળવાયેલા માણસ પાસે એવું બળ છે કે જે વડે એ પોતાનું ધારેલું કાર્ય પાર પાડી શકે. એટલે કે બુદ્ધિ એક પ્રકારની વિદ્યા છે અથવા તો આ વિદ્યાનું હુન્નર જે જાણે છે તે બુદ્ધિ છે. પણ એનો એક અર્થ સાવધપણું અથવા સાવધાની એવો પણ રાખવામાં આવ્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક પ્રકારની હોશિયારી છે, કુશળતા છે એટલે આપણે ‘બુદ્ધિમત્તા’ કહીએ છીએ.
‘સ્વ’ એટલે ‘આત્મન એટલે ‘self’. ‘સ્વ’ બે રીતે અભિવ્યક્ત થાય : બાહ્ય સ્વ outer self અને અંત: સ્વ inner self. બાહ્ય સ્વમાં આવે શરીર એટલે કે ઇન્દ્રિયો દ્વારા થતું પ્રત્યાયન. અંત: સ્વ માં આવે મન/બુદ્ધિ અને પ્રજ્ઞા. body , mind and intellect એટલે આપણો સ્વ (self). પ્રજ્ઞા બુદ્ધિ સૌ પાસે ઢંકાયેલી છે પરંતુ પ્રજ્ઞાનો ઉપયોગ એ એક વિશિષ્ટ બુદ્ધિતત્વનો ઉપયોગ છે એટલે AI માં intelligence શબ્દ ખોટો મુકાયો છે, એવું મારુ કહેવાનું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એમ કહીએ છીએ ત્યારે તો મુદ્દો એ આવીને ઉભો રહે છે કે પ્રજ્ઞા માટે ‘ગાંધી ગીતા’ સુંદર મજાની વ્યાખ્યા આપતું એક પદ મૂકે છે. શુભને ના અભિનંદે, ના દ્વેષે જે અશુભને, જે સર્વત્ર સ્નેહસૂનો, તેહની પ્રજ્ઞા જ સુસ્થિર. અહીં સ્નેહસૂનો એટલે શું ? આસક્તિ નથી કોઈ સાથેની, શુભ સાથેની કે અશુભ સાથેની. અશુભ પ્રત્યે એને કોઈ દ્વેષ નથી અને શુભ પ્રત્યે વિશેષ લગાવ નથી એમની પ્રજ્ઞા સુસ્થિર છે, એમ માનવું જોઈએ.
આપણે જેને intelact એટલે કે જેને પ્રજ્ઞા કહીએ છીએ એ એકાગ્રતાનો એક બહુ મોટો પ્રર્યાય છે. એકાગ્રતા હોય તો જ તમે કોઈ પણ પ્રજ્ઞામય કાર્ય કરી શકો. એકાગ્રનો અર્થ અહીંયા સમજી લઈએ. એક અગ્ર ઉપર ધ્યાન કેન્દ્ર કરવું એને એકાગ્રતા કહેવાય છે. કેટલાક લોકો પ્રજ્ઞાનો અર્થ ત્રિકાલિક જ્ઞાન પણ કહે છે. એમ તો માણસની દશ માંહેની પાંચમી દશા એ પ્રજ્ઞા છે. એકતાલીસ થી પચાસ વર્ષ સુધીની માણસની સમજણવાળી અવસ્થાને પ્રજ્ઞા કહેવામાં આવે છે. એક અર્થ પ્રમાણે પ્રજ્ઞાને સરસ્વતી સાથે સરખાવવામાં આવેલ છે. આપણે બુદ્ધિ, બુદ્ધિમત્તા અને પ્રજ્ઞાનું વિશ્લેષણ એટલા માટે કર્યું છે કે આપણે એ સાબિત કરવા માંગીએ છીએ કે કદાચ બુદ્ધિ આર્ટિફિશિયલ વાતને હાથ લાગી શકે. કારણ કે બુદ્ધિના ઇનપુટ છે એ આપણી ઇન્દ્રિયો દ્વારા આવે છે. બુદ્ધિમાં જે સંદેશાઓ જાય છે તે આપણી પંચેન્દ્રિયોના અનુભવ દ્વારા જાય છે. જયારે પ્રજ્ઞા છે એ અંદર જતા અનુભવોને મનની સપાટીઓ પર લાગણી અને સંવેગોના ત્રાજવે તોલે છે અને પછી એમનું વિશ્લેષણ કરીને યથા યોગ્ય સુનિશ્ચિતતા હોય તો જ એ કામ કરવાની આપણે છુટ આપે છે. એ પ્રજ્ઞા છે. સ્વ તરીકે વ્યક્તિ જન્મે છે ત્યારે શરીર લઈને આવે છે શરીર body, mind and intellect ત્રણ વસ્તુ લઈને આવે છે. બધાને આ બધું એકસરખી રીતે ભેટમાં મળે છે. શરીર ઉપરથી આપણે જાતિ અને લક્ષણોને ઓળખી શકીએ છીએ, બુદ્ધિ ઉપરથી આપણે સમજશક્તિને તારવી શકીએ છીએ પરંતુ પ્રજ્ઞા ઉપરથી તેજસ્વીતાને આપણે જાણી શકીએ છીએ. હવે બુદ્ધિતત્વમાં તમે વધારો કરી શકો, એમાં કોઈ આર્ટિફિશિયલ બાબતો ઉમેરી દઈ શકો, પણ પ્રજ્ઞાતત્વને આર્ટિફિશિયલ કૃત્રિમ વાત સાથે જોડવી એ અનર્થ સર્જે છે, કારણ કે પ્રજ્ઞા એ બાહ્ય સંદેશાઓને ઝીલીને કાર્ય કરનારી કોઈ આપણી સંજ્ઞા નથી. પરંતુ એ મનમાં ગુપ્ત આવેલા સંદેશાઓને લાગણીમાં અથવા સંવેગોમાં ઢાળે છે અને એના આધારે પ્રજ્ઞા એટલે કે intellect ને એ વિભાજીત કરે છે, એનું પૃથ્થકરણ કરે છે અને એના આધારે હવે શું કરવું તેનો કોઈ સંદેશો હોય તો તે મનને આપે છે. આમ પ્રજ્ઞા એ higher level of instinct છે. પ્રજ્ઞા જેમાં સામેલ થતી નથી એ એક પ્રકારનું મિકેનિકલ કાર્ય છે. મિકેનિકલ નો અર્થ એવો કે જે કામ મશીન કરી શકે એ કામ આપણે આપણી બુદ્ધિમતા પાસેથી કરાવી રહ્યા છીએ. બુદ્ધિ કૃત્રિમ વાતને સ્વીકારે. બુદ્ધિને કૃત્રિમ અને વિચિત્ર પ્રકારના વિચારો આવે પણ પ્રજ્ઞાને અનેક વાયબ્રેશન્સ પછી સ્થિર થવાની ઘટના આવે છે જેનું વર્ણન ભગવાનશ્રી કૃષ્ણ બીજા અધ્યાયમાં કરે છે.
લોકો અત્યારના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કૃત્રિમ બુદ્ધિ એવું કહીને સમજાવે છે કે, આ એક એવી બુદ્ધિ છે કે જેને માણસ દ્વારા બનાવવામાં આવી છે. અહીંયા પણ એ સ્પષ્ટતા કરીએ, માણસ બહાર બધું બનાવી શકે છે પણ શરીરની અંદર કશું બનાવી શકતો નથી એટલે કે જે બુદ્ધિ છે તેને મશીનો બનાવવામાં કે મિકેનિકલ કામમાં જો લગાડી દઈએ તો એ બુદ્ધિ કૃત્રિમ બુદ્ધિ કહી શકાય. કોઈ પણ કામની પ્રોસેસને ઓટોમેટિક બનાવવા માટે થઈને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ખુબ મહત્વનો ભાગ ભજવે છે એવું આપણને સમજાયું છે. ગાડીઓ ડ્રાયવર વગર ચાલે છે, ઓટોમેટિક ચાલી શકે છે. ભારતની અંદર પણ આવી ગાડીઓના પ્રયોગો શરૂ થઇ ગયા છે. માણસની મજૂરીને ઘટાડવા માટે પણ રોબોટ બનાવવામા આવ્યા છે જે દસ માણસોના કામ કરી શકે જેથી કરીને મેન પાવરનો ખર્ચ બચી જાય છે. ગુગલ જેવા સર્ચ એન્જીનમાં યુઝરના સવાલોના જવાબ ઝડપથી અને પૂર્ણ ચોકસાઈ સાથે આપવા માટે પણ AI નો ઉપયોગ થાય છે. Netflix અને Youtube જેવા પ્લેટફોર્મ યુઝર્સની પસંદગીને સમજીને તેના પ્રમાણેના વિડીયો જોવા માટેનો ફીડબેક આપે છે. અરે, તમે વૉટ્સઅપની અંદર કોઈ સંદેશો લખવા જતા હો તો પહેલો શબ્દ type કર્યા પછી તમને નીચે ત્રણ ઓપશન આપવામાં આવે છે જે એના પછીનો શબ્દ હોઈ શકે. એનો અર્થ એવો છે કે બીજો શબ્દ તમારે type કરવાની જરૂર નથી. સીધા એ ત્રણમાંથી કોઈ એક ઉપર ક્લિક કરો એટલે એ શબ્દ ત્યાંથી ઉપડીને તમારા વાક્યમાં જોડાઈ જશે. આ સમજ ક્યાંથી આવી ? આને તેઓ કૃત્રિમ બુદ્ધિ, કૃત્રિમ બુદ્ધિમત્તા કહે છે. આ સાચી વાત કે તમે બુદ્ધિને એ પ્રમાણે ઘડી છે. બુદ્ધિ જે કામ કરે છે એવું કામ તમે મશીન પાસેથી કરાવી રહ્યા છો. અને એટલા માટે આ આર્ટિફિશિયલ બ્રેઈન નો એક અર્થ એવો કર્યો કે કૃત્રિમ રીતે વિકસિત બૌદ્ધિક ક્ષમતા.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિજ્ઞાનની એક વિશિષ્ટ શાખા છે જેની મદદથી એવા મશીનો તૈયાર કરવામાં આવે છે જે મશીન મનુષ્યની જેમ વિચારીને નાની મોટી સમસ્યાઓનું નિરાકરણ આપણને શોધી આપે. પણ અહીં માણસો દ્વારા સૂચવવામાં આવતા ઉકેલો મશીનની મેમરીમાં સંગ્રહિત થાય છે. એટલે કે માણસનું જ્ઞાન, અનુભવ, વિચારો એ કોમ્પ્યુટરની પોતાની ભાષામાં એટલે કે મશીનની ભાષામાં અલ્ગોરિધમના રૂપમાં સંગ્રહિત થાય છે જેનો ઉપયોગ જયારે જરૂર પડે ત્યારે તે મુજબ થતો રહે છે. તો સમજાણું એટલું કે એની અંદર શું જોઈએ છીએ ?, કેમ જોઈએ છીએ ?, ક્યારે જોઈએ છીએ ?, કેવું જોઈએ છીએ ? એ બધું તો માણસે જ વિચારવાનું છે અને માણસે પોતાની ભાષા નહીં પણ કોમ્પ્યુટરની ભાષામાં એને બદલીને ફીડ કરવાનું છે એટલે કે એમાં સંગ્રહિત કરવાનું છે. આ બધા માટેના સોફ્ટવેર બનાવવા પડે છે અને સોફ્ટવેર બનાવવાનું કામ માણસ સિવાય કોઈ કરતું નથી. પરિણામે પણ એક દાવો થઇ શકે કે ઇન્ટેલિજન્સ કે intelact એ ક્યારેય કૃત્રિમ ન હોય શકે. તમે એક વસ્તુ સમજી શકો કે માણસે બનાવેલી રોટલી અને મશીન દ્વારા બનાવેલી રોટલી એ બંનેના આઉટપુટ સરખા છે પણ તેમ છતાં જે મશીને કર્યું છે એમાં પણ માણસની પોતાની બુદ્ધિ કામે લાગી છે, અને રોટલી જાતે બનાવવાને બદલે બની જાય એવું મશીન બનાવ્યું છે. એટલે તે પૂર્ણતઃ કૃત્રિમ એમ ન કહી શકાય. એક કુદરતી વ્યક્તિએ એમાં બધો ડેટા નાખ્યો છે.
સમાપનમાં ફરી ગાંધીગીતાનું સ્મરણ કરીએ જેમાં કહ્યું છે કે,
“બુદ્ધિ નહીં કરે રાજ્ય કદી આ જગતે અહીં,
કરશે રાજ આત્મા જ જગતમાં નિરંતર.”
———————————————-
ફૂલછાબ જન્મદિવસ પૂર્તિ
by Santulan | Sep 24, 2023 | Personal, વિશેષ લેખ |
બેલુરમઠના સાનિધ્યે પૂજ્યશ્રી મોરારિબાપુ દ્વારા શ્રી રામકથાનું ગાન
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
++++++++++++++++++++++++++++++++++++++++++++++++
શ્રી ઠાકુરના ચરણમાં વંદન કરીને હું મારા કેટલાક સંસ્મરણો અહીં આપની સમક્ષ રજૂ
કરું છું.
લગભગ છ એક મહિના પહેલા એવા સમાચાર મળ્યા હતા કે, વિશ્વમાં રામચરિત
માનસની પોથી દ્વારા આપણા અવતાર પુરુષ ભગવાન શ્રી રામને ખૂણે ખૂણે સુધી
પહોંચાડનાર એમના પરમ ભક્ત એવા પ્રિય અને પૂજ્ય શ્રી મોરારિબાપુ જૂન મહિનાના
પ્રથમ સપ્તાહમાં બેલુર મઠના પ્રાંગણમાં શ્રી રામકથાનું ગાન કરશે. આ સમાચાર વાંચ્યા
ત્યારથી રોમાંચિત હતો. એના બે કારણો હતા : એક તો, બેલુર મઠ નામ પડે કે તરત જ
એમ થાય કે આપણે ત્યાં દોડી જઈએ અને ઠાકુરના ચરણમાં જઈને સ્વામી અને
માતાજીના સાનિધ્યમાં આપણે ધ્યાનસ્થ થઈએ. એવો લ્હાવો ભાગ્યે મળતો હોય છે કે
તમે એક સાથે ઘણા બધા દિવસ કોઈ સંકલ્પથી ત્યાં રોકાઈ શકો, નિવાસ કરી શકો અને
આ પરમ વિભૂતિઓનું સાનિધ્ય અને એમની નિશ્રા માણી શકો. અને બીજું, શ્રી
મોરારિબાપુના શ્રીમુખેથી ગવાનાર શ્રી રામ કથાનો શ્રવણ-લાભ. ખરેખર એ બન્યું
તારીખ ૩ જૂન ૨૦૨૩ થી લઈને છેક ૧૧ મી જૂન ૨૦૨૩ સુધી. શ્રી રામકથાનું ગાન
થયું ત્યાં કથાના આરંભના આગલે દિવસથી શ્રી ઠાકુરના પરિસરમાં આપણને પ્રવેશ
કરવાનો ધન્ય લાભ મળ્યો. શ્રી વિવેકાનંદ અતિથિ ભવનમાં એક સુંદર, સુઘડ, સ્વચ્છ
છતાં સાદી એવી શાંત રૂમમાં નિવાસ મળેલો, પરિણામે આપણે પોતે જાણે કે
સ્વામીજીએ કરી આપેલી વ્યવસ્થામાં ગોઠવાયેલા હોઈએ એટલો બધો આનંદ પ્રાપ્ત
થયેલો. કથાના આયોજકો દ્વારા સવારના નાસ્તા, ભોજન વગેરેની સઘળી વ્યવસ્થા
બહુ સુપેરે કરવામાં આવી હતી. બીજી જુનની ઢળતી સંધ્યાએ કથા આયોજકોની એક
સરસ ગાડીમાં સ્વામી શ્રી વિવેકાનંદ અતિથિ ભવન તરફ પ્રયાણ કર્યું ત્યારે રસ્તામાં
આવતા ત્રિપુટીના જુદા જુદા સ્થાનકો અને પશ્ચિમ બંગાળની ભવ્ય એવી પારંપરિક
સંસ્કૃતિના દ્રશ્યો જોઈને હૃદય પુલકિત થયું. ત્રીજી તારીખે બપોરના ભાગમાં કથાનો
આરંભ થવાનો હતો પરંતુ સવારના વિવેકાનંદ અતિથિ ભવનથી લઈને બેલુર મઠના મોટા
વિશાળ પ્રવેશ દ્વાર પાસેથી પસાર થવાનું બન્યું એ જ સમયે અચાનક સ્થાનિક
પોલીસોએ આજુબાજુના ટ્રાફિકને થોડીવાર થંભાવી દીધો અને એક સાથે બે ત્રણ
ગાડીઓ નીકળી, જેમાં પૂજ્ય શ્રી મોરારિબાપુ બેલુરમઠના દર્શને જઈ રહ્યા હતા.
યોગાનુયોગ એવો બન્યો કે બાપુની નજર મારા પર પડી અને તેઓએ ગાડી ઉભી રાખવા
માટે વિનંતી કરી. તરત જ પાસે જઈને ‘જય સિયારામ’ કહ્યા અને બાપુએ વ્યવસ્થા બધી
બરાબર છે કે નહીં એ પૂછીને આપણા પ્રત્યે પોતાની લાગણી દર્શાવી (શ્રી મોરારિબાપુ
માટે માત્ર હું નહીં પણ અનેક નાના નાના શ્રાવકો અને ભક્તો એવું કહેતા હોય છે કે,
આપણી સગવડતાની નાનામાં નાની ચિંતા પણ બાપુ કરતા હોય છે. મને પણ આવા
અનેક અનુભવ થયા છે, પણ બેલુરમઠના પ્રવેશદ્વાર ઉપર થયેલો આ અનુભવ મારા
જીવનની એક માન્યતાને સાચી પાડવા માટે કાફી હતો. ) સવારના પૂજ્ય બાપુએ
આખા પરિસરની અંદર જુદી જુદી જગ્યાઓએ આવેલા શ્રી ઠાકુર, સ્વામી શ્રી
વિવેકાનંદજી અને શ્રી માતાજીના વૃક્ષ આચ્છસાદિત સ્થાનકો અને એમના ધ્યાન મંદિરો
અને એમની પાછળ વહેતી ગંગાના ખળખળતા પ્રવાહના બહુ જ નિરાંતે દર્શન કર્યા.
અનેક સંતો, મઠાધિપતિઓ, સ્વામીઓ, જુદી જુદી જગ્યાની વિગતો બાપુને આપી રહ્યા
હતા. લગભગ બે કલાક જેટલો સમય તેઓએ ત્યાં વિતાવ્યો હશે. મને આનંદ એ
વાતનો હતો કે આવ્યાના પહેલા જ દિવસે હું બેલુરમઠના પ્રવેશદ્વારમાંથી છેક
બેલુરમઠના શ્રી રામકૃષ્ણ મંદિરમાં પહોંચ્યો અને ત્યાં શ્રી ઠાકુરની પ્રભાવક પ્રતિમા
જોઈને ભાવ ભરી લાગણી અનુભવી. થોડી ક્ષણ માટે એવી પ્રતીતિ થઇ કે હું આપણા
રાજકોટના શ્રી રામકૃષ્ણ મંદિરની અંદર બેઠો છું, કારણ રાજકોટમાં મંદિર છે તે
બેલુરમઠના મંદિરની પ્રતિકૃતિ છે.
ત્રીજી તારીખે સાંજે કથાનો આરંભ થયો અને કથાના આરંભમાં પોથી સાથે શ્રી રામકૃષ્ણ
મઠ મિશનના સ્વામીઓ, અધ્યક્ષ શ્રી, સેક્રેટરી શ્રી વગેરે પધાર્યા. બાપુની સાથે વ્યાસપીઠ
ઉપર તેઓએ સ્થાન લીધું અને કથાનો આરંભ થયો પ્રારંભિક જે કોઈ સ્તોત્ર ગાન વગેરે
હોય એના પછી શ્રી રામકૃષ્ણ મિશનના વરિષ્ઠ સ્વામીશ્રીએ ઉદબોધન કર્યું અને એમણે
એવું યાદ અપાવ્યું કે, “આ બેલુરમઠના પ્રાંગણમાં થતી પહેલી રામકથા છે જે પૂજ્ય
મોરારિબાપુ ગાન કરી રહ્યા છે.” એમણે સ્થળ વિષે પણ પરિચય આપ્યો કે, બેલુરમઠ
પરિસરમાં જે સ્વામી વિવેકાનંદ યુનિવર્સીટીનું પ્રાંગણ છે, જ્યાં બહુ મોટી સ્કૂલ પણ
છે, એના પ્રાંગણમાં અત્યારના કોઈ વર્ગો ન હોવાથી અનુકૂળતા થઇ ગઈ છે અને ત્યાં જ
સાત્વિક અન્નક્ષેત્ર પણ ચાલ્યું અને પંડાલની અંદર કથાગાન પણ થયું. કથાના આયોજક
દ્વારા ગરમી ન લાગે એટલે લગભગ ૨૫ થી ૩૦ હજાર લોકો બેસી શકે એટલા મોટા
સભામંડપને સેન્ટ્રલી એસીની વ્યવસ્થાથી અલંકૃત કરવામાં આવ્યો હતો કે જેથી કરીને
સૌ અનુકૂળતાથી અને પ્રસન્ન ચિતે કથા પાન કરી શકે. ઉદ્ઘાટનમાં સ્વામીશ્રી એ યાદ
અપાવી, આખી એક પરંપરા છે કે જે પરંપરાને શ્રી ઠાકુર અને તેના પરમ શિષ્ય સ્વામી
શ્રી વિવેકાનંદ અને બીજા શિષ્યો દ્વારા આજની ઘડી સુધી સાચવીને સેવા અને સ્મરણ
એ બે કાર્યો ઉમદા રીતે થઇ રહ્યાં છે. તેઓએ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરીને શ્રી બાપુનું
હાર્દિક સ્વાગત કર્યું. સભામંડપમાં એક આખો ભાગ શ્રી રામકૃષ્ણ આશ્રમના સ્વામીઓ
માટે સોફાની વ્યવસ્થા સાથે અલાયદો રાખવામાં આવ્યો હતો. લગભગ રોજ તેમાં જુદા
જુદા સ્વામીઓ સતત કથા પાન કરવા આવતા હતા.
શ્રી બાપુ થોડી વિશિષ્ટ ભૂમિકામાં હતા, કારણ કે અન્યત્ર જ્યાં કોઈ કથા હોય ત્યાં તેઓ
શ્રી રામકૃષ્ણ દેવને એમના પ્રસંગો, એમનું સ્મરણ કરતા કરતા ને આંખો ભીની કરતા મેં
પોતે જોયા છે. એ બાપુએ આજે શ્રી ઠાકુરના ચરણોમાં બેસીને આ ત્રિપુટી વિશેની વાત
કરવાની હતી અને મને એવું કહેવાનું મન થાય કે તેઓ ભાવપૂર્વક આ કથા કહેવામાં એવા
વહ્યા કે લોકો પણ એમની સાથે શ્રી ઠાકુરના ચરણની નજદીક સરતા રહ્યા. બાપુએ
વિનયપત્રિકાના એક ઉલ્લેખથી કથાનો આરંભ કર્યો અને કથાના આરંભ પહેલા એણે
કહ્યું કે, સવારના હું આખા પરિસરમાં નિરાંતે બહુ શાંતિથી ફર્યો છું. હજુ પણ મુખ્ય
મહારાજને મળવા ફરી એકવાર જવાનો છું પણ મને એવું લાગે છે કે, આ જે ત્રિપુટી
છે અને બીજા સ્વામી બન્ધુઓ છે એના વિષે ભલે આપણે માનીએ કે તેઓ અહીંયા નથી
પણ મને લાગે છે કે, યહાઁ સે કોઈ ગયા નહીં હે. એમણે આ સૂત્રને વિસ્તારતા એવું પણ
કહ્યું, વૈસે કહો તો યહાઁ સે કોઈ જાતા હી નહીં હૈ !! એમનું આ વિધાન ઘણા લોકોને
પોતાના પિતૃઓ પોતાની સાથે છે એનો અહેસાસ કરાવી ગયું.
કથા આરંભ પહેલા શ્રી મોરારિબાપુ પોતાની લાક્ષણિકતા મુજબ રામચરિત માનસની
ગાથાનું ગાન કરતા કરતા દરેક કથાને કોઈ કેન્દ્રીય વિચારથી જોડી દે છે. અહીંની આ
કથાનો કેન્દ્રીય વિચાર હતો માનસ પરમહંસ. એટલે કે નવ દિવસ તેઓના સંવાદનું
કેન્દ્રબિંદુ પરમહંસ રહ્યું. બાપુ પ્રત્યેક કથાના કેન્દ્રસ્થ બિંદુને શ્રી રામચરિત માનસની કોઈ
ચોપાઈ કે દોહા સાથે સાંકળે છે અને તેને મધ્યમમાં રાખી નવ દિવસ કથા ગાન કરે છે.
બેલુર માથાની આ કથાની ચોપાઈ હતી અયોધ્યા કાંડ માંથી 232 મો દોહો.
સગુનુ ખીરુ અવગુન જલુ તાતા I મિલઈ રચઈ પરપંચુ બિધાતા II
ભરતુ ‘હંસ/ રબિબંસ તડાગા I જનમિ કીન્હ ગુન દોષ બિભાગા II
વિનયપત્રિકામાં દર્શાવ્યા પ્રમાણે મોક્ષના ચાર દ્વારપાળથી બાપુએ કથાનો આરંભ કર્યો
અને મોક્ષના ચાર દ્વારપાળમાં શાંતિ, વિચાર, સંતોષ અને સાધુ સંગ, આ ચાર
દ્વારપાળથી મોક્ષ પ્રાપ્ત થાય છે. સાધુ સંગનો અર્થ સાધુ સંગમ અથવા તો સત્સંગ.
બાપુનો એક નિષ્કર્ષ હતો કે, ગુરુ શિષ્યની ચિંતા કરે છે પણ શિષ્યે ગુરુનું ચિંતન કરવાનું
છે. આ વાતની પુષ્ટિ કરતાં તેમણે ઠાકુરનો એક પ્રસંગ ટાંક્યો કે ઠાકુર સ્વામી વિવેકાનંદ
વિષે હંમેશા એવું કહેતા કે, નરેન ઊંઘમાં તેજ શ્વાસ લે છે. માતાજીને કહેતા કે નરેન
ઊંઘતો હોય ત્યારે બહુ તેજ શ્વાસ લે છે. શ્રી મા પૂછતાં કે,.. પણ તેથી શું ? ઠાકુર કહેતા
કે, ‘ મને ચિંતા થાય છે કે જે ઊંઘમાં તેજ શ્વાસ લે તેનું આયુષ્ય અલ્પ હોય છે.’ આ
વાત કરીને તેમણે ગુરુ શિષ્યની ચિંતા કરે અને શિષ્યએ ગુરુનું ચિંતન કરવું એ વાતને પુષ્ટિ
આપી. બાપુએ પોતાની લાક્ષણિકતા મુજબ ત્રણ શબ્દો ફરીવાર કોઈન કર્યા એમણે કહ્યું
કે, સિદ્ધિ ખુદ પોતે પ્રાપ્ત કરવી રહે છે. પ્રસિદ્ધિ માટે ઉપકરણો અને માધ્યમોની જરૂર
પડે છે, જયારે શુદ્ધિ સદગુરુથી કૃપાથી જ શક્ય બને છે. સ્વામી શ્રી વિવેકાનંદની પૂર્ણ
શુદ્ધિનો શ્રેય તેમના સદગુરુ શ્રીરામકૃષ્ણ દેવને જાય છે. કોઈએ ઠાકુરને પૂછ્યું કે, સત્યની
વ્યાખ્યા કઈ ? તો ઠાકુરે સુંદર જવાબ આપ્યો: સત્યની ઉત્કૃષ્ટ વ્યાખ્યા એટલે પ્રેમ.
બાપુએ ઉમેર્યું કે, ‘પૂણ્ય એટલે શું ?’… ‘પરમ પ્રેમ એ પુણ્ય છે.’ અને ‘પાપ એટલે શું
?’ તો કહે ‘સખત નફરત અથવા ઘૃણા એ પાપ છે.’ બાપુએ પંચદેવની પૂજાની વાત કરી
કહ્યું : ગણેશ,સૂર્ય, વિષ્ણુ, મહાદેવ અને ગૌરી આ પંચદેવને પૂજીએ ત્યારે આપણે વિવેક,
પ્રકાશ, તેજ, વ્યાપકતા, કરુણાનું પૂજન કરીએ છીએ આપણામાં ઉતરે એવું આહવાન
કરીએ છીએ. હકીકતમાં આ પંચદેવના લક્ષણો એ આપણા ગુરુના લક્ષણો છે.
બીજા દિવસની કથાના આરંભમાં એક સુંદર મજાનું સૂત્ર બાપુએ આપ્યું કે, સામર્થ્ય હો
ફિર ભી સબસે સમભાવ રખે વો પરમહંસ હૈ . સામર્થ્ય ઘણા લોકો પાસે હોય છે, પણ
સામર્થ્ય આવ્યા પછી એ બધા સાથે સમભાવ રાખી શકતા નથી. પરિણામે સામર્થ્ય હોવું
અને છતાં સમભાવ રાખવો એ પરમહંસનું લક્ષણ છે. બાપુએ કહ્યું કે, પરમતત્વ કૌતુકી
હોતા હૈ. સૂર્ય જેવા મૂલ્યવાને છુપાઈ જવું પડે છે. રજોગુણથી સૂર્યને કોઈ ઢાંકે, વાદળ
છવાઈ જાય, આકાશ ધૂળથી ઢંકાઈ જાય ત્યારે અંધકાર થાય છે. બાપુએ પોતાની
ત્રિભુવનીય શબ્દ ત્રિપુટી સત્ય, પ્રેમ અને કરુણાને બેલુરમાં સ્થિત ત્રિપુટી સાથે સુંદર રીતે
જોડી આપી, એમણે કહ્યું કે, સત્ય એ શ્રી ઠાકુર છે. પ્રેમ એ સ્વામી શ્રી છે અને કરુણા એ
શ્રી માતાજી છે. ઠાકુર દિનમેં સંસારી રહેતે થે વો રાતકો સન્યાસી હો જાતે થે. પ્રેમમાર્ગ
જ્ઞાનકો ખીચ લાતા હૈ. તમે પ્રેમથી ભરચક ત્યારે જ બની શકો જયારે તમે જ્ઞાન પ્રાપ્ત
કરો. જ્ઞાન સાથે સમજ આવે અને સમજણ માર્ગથી જ તમે પ્રેમ સુધી વળી શકો.
શ્રદ્ધાના ત્રણ પ્રકારો બાપુએ ગણાવ્યા: શાસ્ત્ર નિહિત શ્રદ્ધા, સ્વયંની શ્રદ્ધા અને
ગુરુદત્ત શ્રદ્ધા. કેટલાક શાસ્ત્રોને વાંચ્યા પછી આપણામાં શ્રદ્ધાનું આરોપણ થાય છે.
કેટલુંક પોતાની સાધના પછી પોતાને જે સત્ય પ્રાપ્ત થાય એને આધારે શ્રદ્ધા પ્રાપ્ત થાય
છે. પણ કેટલીક શ્રદ્ધા માત્ર ગુરુદેવ દ્વારા આપણને આરોપિત કરવામાં આવે અને એ
આરોપિત કરવાનું નામ આપણી શ્રદ્ધા છે. ઠાકુર કહેતા કે, શ્રી કૃષ્ણ કે દર્શન મુઝે મેરા
પુરુષ હોના બાધા કરતા હૈ. આ વાક્યને કહ્યા પછી ભાવવિભોર અવસ્થામાં બાપુએ
મોરપિચ્છ શું છે તેની એક સુંદર સમજ આપણી સમક્ષ મૂકી અને બાપુએ કહ્યું કે
મોરપિચ્છની અંદર વચ્ચેના ભાગમાં એની મેળે થતો આકાર એક સ્ત્રૈણ મુદ્રાનો આકાર
છે. અને પરિણામે ઠાકુરે કોઈ જાતના છોછ વગર કહ્યું કે, શ્રી કૃષ્ણકે દર્શનમેં મુઝે મેરા
પુરુષ હોના બાધા કરતા હૈ.
ત્રીજા દિવસે ફરી એકવાર શ્રી ઠાકુર, સ્વામી અને શ્રી મા ને તેઓએ વિવેક સાથે જોડીને
કથાનો આરંભ કર્યો. તેમણે પરમહંસ, હંસ અને રસ હંસીની એવા ત્રણ સૂત્રો પણ સાથે
જોડ્યા. પૂજ્ય બાપુના કહેવા પ્રમાણે: શ્રી ઠાકુર વચન વિવેક છે અને વચન વિવેક હોય
તે પરમહંસ છે. સ્વામી શ્રી વિવેકાનંદ વિચાર વિવેક છે. વિચાર વિવેક હોય તે હંસ છે.
અને શ્રી મા વર્તન વિવેક છે અને એમનું આ વર્તન વિવેકીપણું એ રસ હંસીનીનું લક્ષણ
છે. એક વાક્ય તેઓએ ટાંક્યું કે, ગુરુ પ્રતીક્ષા કરતા હૈ. ગુરુનો સ્વભાવ છે પ્રતીક્ષા
કરવાનો. બાપુએ ભગવાન શિવ અને મહાકાલ પ્રત્યેની પોતાની અપાર શ્રદ્ધાને પ્રસ્તુત
કરીને એવું પણ કહ્યું કે, મહાકાલ આદિ પરમહંસ હૈ. પરમહંસની દુનિયાના શિરમોર એ
મહાકાલ છે. વિચાર નિરાકાર હૈ, વિચાર ઉચ્ચારમેં આતા હે તો વહ સાકાર હો જાતા
હૈ..
બુદ્ધ પુરુષને ત્રણ આંખો નિર્મિત કરે છે. એટલે કે બુદ્ધ પુરુષનું નિર્માણ ત્રણ આંખો
દ્વારા થાય છે. ૧) મા ની આંખ ૨) બાપની આંખ અને ૩) ગુરુની આંખ. વિચાર
નિરાકાર થાય ત્યારે રામનામ ઉપકરણ બને છે. એ નિરાકારમાંથી સાકાર થવા માટે વચ્ચે
રામનામનું ઉચ્ચારણ જરૂરી બને છે. મોરારીબાપુએ કહ્યું કે, મારી સાવિત્રીમાની દ્રઢીભૂત
દ્રષ્ટિ અને મારા પ્રભુદાસ બાપુની દિવ્ય દ્રષ્ટિથી મને મારા સંસ્કારો પ્રાપ્ત થયા છે. બાપુએ
પોતાના આહલાદક સ્વભાવમાં સુંદર મજાના શેર ટાંક્યા કે,
સમંદર કે જેસે એ નયન તુમ્હારે, મેં ચલા આ રહા હું કિનારે કિનારે
ઈતના અનુભવ તો અવશ્ય હો ગયા હૈ, વો હૈ હમારે ઓર હમ હે તુમ્હારે.
તૃષ્ણાની નિતાંત આવશ્યકતાને ભાર દઈને સમજાવતા બાપુએ કહ્યું કે, તૃષ્ણા કી નિતાંત
સમાપ્તિ મુક્તિ કા માર્ગ હૈ. મનુષ્ય દેહ મળ્યો એ આપણા માટે આપણને મળેલો સૌથી
મોટો એવોર્ડ છે, પછી કોઈ એવોર્ડની જરૂર નથી. બાપુએ ચાર સૂત્રો જોડ્યા : ન
આધિ, ન વ્યાધિ, ન ઉપાધિ તો સમાધિ. ન આધિ એટલે શરીરપ્રધાન નહીં, ન વ્યાધિ
એટલે મનપ્રધાન નહીં, ન ઉપાધિ એટલે ચૈતસિકપ્રધાન નહીં તો સમાધિ એટલે કે
ચૈતસિક વિક્ષેપ વગરની અવસ્થા. આવો સુંદર ઘાટ ઘડીને તેઓએ પરમહંસ
રામકૃષ્ણદેવને આ સમાધિના પુરુષ કહ્યા. જો અદભુત હો, જો અનુભૂત હો ઓર જો
અવધૂત હો વો પરમહંસ હૈ . શ્રી રામકૃષ્ણ દેવ સાથે કથાનો સતત નાતો જોડી રાખીને
કેન્દ્રવર્તી વિચારની વાત કરતા કરતા બાપુએ આવા વાક્યો કહ્યા. બાપુએ રામચરિત
માનસના રાજા જનકને અષ્ટાવક્ર અને શુકદેવની સાથે કેવી રીતે નાતો રહ્યો એ પોતાની
વાતમાં જોડીને કહ્યું. એમના કહેવા પ્રમાણે અષ્ટાવક્ર અને શુકદેવ એ પરમહંસ છે અને
બંને પરમહંસની વચ્ચે જનક રાજા બરાબર પીસાઈને બેઠા છે. તેમણે સેન્ડવિચમાં રહેલા
બટેટાનું ઉદાહરણ આપીને કહ્યું કે બે પડની વચ્ચે દબાઈને રહે છે ત્યારે એ સેન્ડવિચનો
સ્વાદ આપણને મળે છે. તો ઉપરનું એક પડ એ અષ્ટાવક્ર છે, નીચેનું એક પડ એ
શુકદેવજી છે અને વચ્ચે જનક રાજા છે. બાપુએ કહ્યું કે, બે પરમહંસની વચ્ચે ઘડાયા તે
જનક પરમહંસ છે. બંને બાજુ પરમહંસ છે એની વચ્ચે દબાઈને એમાંથી પ્રાપ્તિ કરીને
જેનું ઘડતર થયું તે પરમહંસ છે. પ્રેમ માર્ગ ઉપર ચાલવું, એમ સૌ કહે છે પણ પ્રેમમાર્ગ
ઉપર ચાલવું અઘરું છે. પ્રેમમાર્ગ કી દો બાધાએ હૈ : ૧) અન્યત્ર મોહ ૨) કેવલ દુષિત
સંદેહ. હમ પ્રેમ માર્ગ પે ચલતે ચલતે હી અન્યત્ર હમારી નજર ફૈલાતે રહેતે હૈં ઓર પ્રેમ
માર્ગ મેં ચલતે ચલતે ભી હમે કભી એસા લગતા હૈ કિ યહ સબ ક્યા હો રહા હે ?
પ્રેમ માર્ગની વાત કરતા એક સુંદર સુત્રપાત બાપુએ કર્યો કે, શ્રી રામકથા પ્રસન્નતા કી નવ
દિવસીય શિબિર હૈ . શ્રી રામકથા એ શિબિર છે, જેમાં તમારે સઘળું આત્મસાત કરવા
માટે બેસવાનું છે અને ગ્રહણ કરવાનું છે અને તો તમને પ્રસન્નતાની પાક્કી ખાતરી
આપવામાં આવે છે. એક અંગુલી નિર્દેશ પણ થયો કે, મોહ અને સંદેહનો નાશ કરવા
માટે વિશ્વાસ અને શ્રદ્ધાની શાદી કરવી જરૂરી છે.
ચોથા દિવસના આરંભમાં ફરી એકવાર ત્રણ મુખ્ય પાત્રોને લઈને બાપુએ જ્ઞાન, કર્મ અને
ભક્તિને સમજાવ્યા. તેઓના મતાનુસાર, જનકરાજા એ જ્ઞાન છે, અનસૂયા એ કર્મ છે
અને જાનકી એ ભક્તિ છે. પતંજલિ યોગસૂત્ર એવું કહે છે કે, ‘યોગશ્ચિત વૃત્તિ નીરોધઃ’
એટલે કે યોગ નિશ્ચિત વૃત્તિનો અનુરોધ. બાપુએ સુધારો કર્યો એ સૂત્રમાં. પતંજલિએ
નિરોધની વાત કરી એમના ઉપર પ્રતિબંધ મુકવાની વાત કરે છે, જયારે હું એવું કહેવા
માંગુ છું કે, ‘યોગશ્ચિત વૃત્તિ અનુરોધઃ’, એમનો અનુરોધ થવો જોઈએ. વેશધારી નહીં
પણ વૃત્તિધારી માણસ હોય એને ભજનીય ગણવો જોઈએ. વિનોબાજી બાપુને બહુ જ
પ્રિય પાત્ર છે. વિનોબાજીનું સ્મરણ કરીને તેઓએ કહ્યું કે, ૧ % વાંચો, ૨ % વિચારો,
૪% આચરણમાં મુકો, ૮% ભાવમાં ઉતારો અને ૧૬ % પ્રસન્નતામાં ફેરવો જો આટલું
થશે તો તમે જે પ્રસન્નતાની શિબિરમાં બેઠા છો ત્યાં તમને ખરી પ્રસન્નતા પ્રાપ્ત થશે.
આ જ રીતે બીજા ચાર સૂત્રો શોભા, શીલ, રૂપ અને ગુણની પણ વિસ્તૃત ચર્ચા કરવામાં
આવી. જે તપસ્યાથી આવે છે તેને શોભા અથવા આભા કહે છે, જે મનને આકર્ષે છે તેને
શીલ કહે છે, જે નેત્રને આકર્ષે તે રૂપ છે અને જે બુદ્ધિને આકર્ષે છે તે ગુણ છે. બાપુએ
ભગવાન રામને પોતાના દ્વાર લાવી શકનાર બે આપણી શાસ્ત્રીય નારીઓનો ખાસ
ઉલ્લેખ કરી ભાવાંજલિ અર્પણ કરી. તેઓના મતે એક જગ્યાએ ધૈર્ય જીત્યું છે, બીજી
જગ્યાએ પ્રતીક્ષા જીતી છે. અહલ્યાનું ધૈર્ય એટલું હતું કે પાષાણ બનીને પડી રહી, પણ
એણે ભગવાન રામને પોતાના દ્વારે નોતર્યા. જયારે શબરીની પ્રતીક્ષા એટલી અપાર
હતી, વિશ્વાસ હતો, શ્રદ્ધા હતી કે આવશે રામ આવશે અને ખરેખર ભગવાન રામે
તેમના ઘરે દ્વાર ઉપર પધરામણી કરવી પડી. સમગ્ર સમાજને એક સંકેત કરતા તેઓએ
કહ્યું કે, પ્રત્યેક સંતાનમાં આંખ છે એ મા પાસેથી આવે છે, અવાજ છે એ બાપ પાસેથી
આવે છે અને બુદ્ધિ તત્વ એટલે કે સમજ એ ગુરુદેવ પાસેથી આવે છે. આપણે આજે
ગુરુદેવના ચરણમાં બેઠા છીએ ત્યારે આપણે પ્રાર્થના કરીએ કે, હે ઠાકુર, અમને આંખ
અને અવાજ તો મળ્યા છે, પણ હવે સાચી દ્રષ્ટિ જોઈએ, હવે સાચી વાણી જોઈએ અને
હવે સાચી સમજ જોઈએ એ તમે અમને આપો. એક વાત યાદ રાખવા જેવી છે કે,
ભૂતકાળનો શોક હોય શકે, વર્તમાનમાં સંશય હોય શકે અને ભવિષ્ય માટે ચિંતા હોય શકે.
પાંચમા દિવસના આરંભે શ્રી બાપુએ શ્રોતાના લક્ષણોની વાત કરી અને શ્રોતાના લક્ષણો
વર્ણવતા તેમણે સુશીલ, સુમતિ, કથારસિક, હરિતા, તૃષ્ણા એવા લક્ષણો આપણી સમક્ષ
વર્ણવ્યા. એમાં પણ તૃષ્ણાને ત્રણ પ્રકારે વર્ણવી. ૧) ધનેશણા અથવા વિત્તેષ્ણા ૨)
લોકેશણા અને ૩) વંશેષણા અથવા સુત્તેષ્ણા આ આપણી એષણાઓ, આપણી
આકાંક્ષાઓ, તરસ હોય છે કે, મને ધન પ્રાપ્ત થાય, મને લોકોમાં પ્રસિદ્ધિ પ્રાપ્ત થાય
અને મને વંશની સંતાનની પ્રાપ્તિ થાય. પરમહંસના બાર શાસ્ત્રોક્ત લક્ષણો બાપુએ
વર્ણવીને શ્રી ઠાકુરને પરમ ચૈતસિક શ્રદ્ધાંજલિ અર્પણ કરી. એમણે કહ્યું પરમહંસ હંમેશા
સમીપ છે. આપણી નજીક છે. આપણી સાથે છે.એના લક્ષણો જો આપણે શોધવા હોય
તો શાસ્ત્ર એમ કહે છે કે, ૧) આત્મસાક્ષી ૨) વિભુહુ એટલે વિભૂતિ નહીં વિભુ ૩) પૂર્ણ
૪) એકો ૫) મુક્તચિત્ત ૬) ક્રિયા ૭) અરુંગો ૮) વિસ્પૃહ ૯) શાંતો ૧૦) બ્રમાત ૧૧)
સંસારવાનિવ ૧૨) કુટસ્થ. હકીકતમાં “બોધમ અદ્વૈતમ આત્માનમ પરિભાવય
આભાસો”. શ્રોતાઓ જયારે કોઈ પણ સ્થાને શ્રવણ કરવા જાય ત્યારે એણે પૂર્ણ શ્રોતા
બનીને જવું જોઈએ. ટીકાકાર બનીને કે વિવેચક બનીને શ્રવણ કરવું યોગ્ય નથી. શુક કી
પ્રતીક્ષા પરિણામ લાયી હે. શ્રોતા પરીક્ષિત મિલ ગયા થા ઇસલિયે શુક કી પરીક્ષા કો એક
લક્ષ્ય મિલા થા. પ્રસાદ મતલબ મનની પ્રસન્નતા. નૃત્ય એ વૈશ્વિક મુખરતા છે. ઠાકુરને
અનેક વખત ભાવસમાધિમાં નૃત્ય કરતા આપણા શાસ્ત્રોએ જોયા છે અને આજે પણ
આપણને એક વિશિષ્ટ મુદ્રામાં બેલુરમઠમાં ઠાકુરનું જે પુરા કદનું ચિત્ર દેખાય છે એમાં
તેમની નૃત્ય મુદ્રા દેખાય છે તેમાં આપણને ખ્યાલ આવે કે તેઓ વૈશ્વિક મુખરતા પ્રાપ્ત
કરી રહ્યા છે. ઘણા આવી રીતે ભાવ સમાધિમાં નૃત્ય કરનાર કે પોતાની મસ્તીમાં
ઘુમનારને પાગલ કહેતા હોય છે, પણ નાનકદેવે પાગલની સરસ વ્યાખ્યા આપી. જો
ગલ કો પા લે વહ પાગલ હૈ . શ્રી ઠાકુરે ખરેખર એની પ્રાપ્તિ કરી હતી. શીલવાન હટ
જાતા હે, બલવાન હટાકર આગે જાતા હૈ.. શીલવાન અને બળવાન વચ્ચનો આ તાત્વિક
ભેદ છે. અષ્ટાવક્ર ગીતાનો આ શ્લોક છે, બ્રહ્મમ મુકતા ભાવમ બાહ્ય મધ્યાન્તરમ,, શૂન્ય
હી પૂર્ણ હૈ. અનેક વખત શ્રાવકો બેઠા હોય કે પોતાના શિષ્યો બેઠા હોય અને ઠાકુર ભાવ
સમાધિમાં ગરકાવ થઇ જાય અને મૌન થઇ જાય. કેટલીયે ક્ષણો સુધી કલાકો સુધી ઠાકુર
મૌન બેઠા હોય. આપણને એમ લાગે કે અહીં શૂન્યની હાજરી છે પણ એ ભૂલવા જેવું
નથી કે શૂન્ય હી પૂર્ણ હૈ. કોઈ ભી સબંધ બંધનમુક્ત નહીં હોતા હૈ. યાદ એ રાખના
ચાહિયે કે કુટસ્થ હોને સે અચ્છા હૈ આપ સત્યસ્થ હો જાએ. ઘણી વખત આપણે બહુ
ડિપ્લોમેટિક બનીને, ન આ બાજુ કે ન પેલી બાજુ જઈએ છીએ પણ એ સત્ય નથી, એ
સાચું નથી, કારણ કે આપણને અષ્ટાવક્ર ગીતાનો શ્લોક એમ કહે છે કે, કર્મ છે તેથી
વિચાર છે, તેથી ભાવ છે, તેથી સાક્ષી છે. સાક્ષી સામે સત્યસ્થ થયા વગર છૂટકો નથી.
છઠ્ઠા દિવસની કથાના આરંભે સુત્રપાત થયો, વક્તા શ્રોતા જ્ઞાનનિધિ. વક્તા અને શ્રોતા
બંને યોગ્યતમ ભેગા થાય ત્યારે બંનેની વચ્ચે જ્ઞાનનિધિનું સર્જન થાય છે. શાસ્ત્રજા
શ્રદ્ધા, સંગજા શ્રદ્ધા અને આત્મજા શ્રદ્ધા. આ સમયે તેઓએ આ ત્રણેય શાસ્ત્રોને
વાંચીને પ્રાપ્ત થતી શ્રદ્ધા, સત્સંગમાંથી પ્રાપ્ત થતી શ્રદ્ધા અને આત્મજ્ઞાન સાધવાથી
થતી શ્રદ્ધાને વિગતવાર સમજાવી આપી. રાજા બાબુનું એક સુંદર ઉદાહરણ બાપુએ
ટાંક્યું. એક બહુ જ અમીર કક્ષાનો વ્યક્તિ જેને સૌ પ્રેમથી રાજા બાબુ કહેતા હતા. અને
રાજા બાપુ સવારના પહોરમાં ઉભા રસ્તા ઉપર હાથમાં છડી લઈને પુરા ઠસ્સાથી ચાલી
રહ્યા હતા. અને એ દરમિયાન રાજા બાબુએ પોતે સુંદર મજાના કંઠે ગવાતું એક ગીત
સાંભળ્યું. અને એમાં કહેવામાં આવ્યું હતું, “જાગો જાગો મેરે પ્યારે જાગો.” આ શબ્દો કાને
પડ્યા અને એને થયું કે આ કંઠ રેલાઈ રહ્યો છે, સુર પહોંચે છે ક્યાં છે એ ?? અને એ
તરફ તેઓ વળી ગયા. અને વળી જઈને જયારે તેમણે એ સ્થાન પાસે જઈને જોયું તો
એને એમ લાગ્યું કે, એ સરસ શબ્દો એવું કહેતા હતા કે, રાજા બાબુ તુમ જાગો જાગો
જાગો અને એમને એ જ ક્ષણે વીજળીનો ચમકારો મોતીડાં પરોવવા જેવું જ્ઞાન લાધ્યું કે,
“આ બધું જ નિરર્થક છે અને તમે એને ભેગું લઈને ફરી રહ્યા છો. તમે એ ઠસ્સા ને
ઠસ્સામાં તમારું આત્મજ્ઞાન ભૂલી ગયા છો. આ બધામાંથી જાગો, રાજા બાબુ જાગો.”
કહેવામાં આવ્યું હતું એ તો શાશ્વત હતું પણ જયારે શાશ્વત કહેવાયેલું મને કહેવાયું એમ
ગણીને આપણને અંદર ચોટ પડી જાય છે, એવી ચોટ રાજા બાબુને લાગી અને રાજા
બાબુએ એ જ ક્ષણે પોતાની જગ્યા છોડી દીધી, પોતાનું ઘર છોડી દીધું. પોતાનો ભર્યો
ભાદર્યો સંસાર છોડી દીધો અને મનમાં એક જ રટણ કે, જાગો રાજા બાબુ જાગો.. યાદ
રાખવા જેવું છે કે, સંત હંમેશા સદેહે હોય એવું જરૂરી નથી. શાંતિ પમાડે તેને સંત
કહેવાય. એ પછી કોઈ ભજનની નાનકડી પંક્તિ હોય અને ‘વીજળીના ચમકારે મોતીડાં
પરોવો પાનબાઈ નહીં તો અંધારા થાશેજી’ આ શબ્દો કાને પડે અને તમારો માર્ગ અંતઃ
પ્રક્રિયાનો બની જાય તો એ શબ્દો પણ સંત છે. બાપુએ એક ચોથી શ્રદ્ધા ઉમેરી એનું
નામ અનુગ્રહજા શ્રદ્ધા.. બુદ્ધ પુરુષોનો કેવલ અનુગ્રહ થયો હોય. બુદ્ધ પુરુષોએ
કેટલીક વખત તમારી ઉપર વરસી જવાનું પસંદ કર્યું હોય તો એ અનુગ્રહમાંથી ઉત્પન્ન
થતી શ્રદ્ધા એ ચોથી શ્રદ્ધા છે. શાસ્ત્રજા શ્રદ્ધા, સંગજા શ્રદ્ધા, આત્મજા શ્રદ્ધા અને
અનુગ્રહજા શ્રદ્ધા. આત્મજા શ્રદ્ધા એટલે ‘રાજા બાબુ જાગો’. બાપુએ કહ્યું કે, વક્તા એ
કે, જે શ્રોતાઓને મૂઢ ન સમજે, વક્તા એ કે, જે શ્રોતાઓને અજ્ઞાની ન સમજે, વક્તા
એ કે, જે વક્તવ્ય માટે જ જીવે છે, વક્તા એ કે જે જાણે છે કે હું નથી બોલતો, કોઈ
બોલાવે છે, વક્તા એ કે જેનું મૌન બોલતું હોય અને વક્તા એ કે જે શ્રોતાને પરમ પ્રેમ
કરનારો હોય. પરમપ્રેમ એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ઓગળી જાય અને જે પાછળ
રહે એ પરમ પ્રેમ છે. શિષ્યને ગુરુ પ્રિય છે, પરંતુ ગુરુને શિષ્ય પરમ પ્રિય હોય છે.
સાતમા દિવસની કથામાં બે સુંદર મજાના સુત્રોથી કથા આરંભ થયો અને કહેવાયું કે,
“મિલન મેં પરિતૃપ્તિ હૈ, વિરહમેં પરિશુદ્ધિ હૈ. શરીર પંચમહાભૂત કા વિકાર હૈ. વિકાર
સ્વાસ્થ્યપ્રદ હોતો નથી, ‘સમજકર ક્યા કરોગે ? સમજ ગયે તો અહંકાર પીછા કરેગા,
આનંદ આતા હૈ વહી કાફી હૈ.’ ‘યદિ આંખમેં એક આંસુ હૈ તો વહી તુમ્હારી ઉપલબ્ધી
હૈ .’ ‘રામકથા ન્યાયાલય નહીં હૈ, ઔષધાલય હૈ.’ ‘શબ્દ સે સાત્વિકતા આ રહી હૈ,
પ્રમાદ મૃત્યુ કા પર્યાય હૈ, હમારા સ્વભાવ એસા હૈ કિ હમ દેહ, પ્રાણ ઓર મનસે
વિચલિત હોતે રહતે હૈં . દેહ માટે જન્મ અને મૃત્યુ, પ્રાણ માટે ભૂખ અને પ્યાસ, મન
માટે શોક અને મોહ આપણને રૂંધી દેનારા પરિબળો છે. ‘હમ કુછ ભી કરેં, હમારે પ્રત્યક્ષ
કાર્યકા કોઈ તો સાક્ષી હૈ હી.’ આપણે અત્યારે બેલુરમઠની નિશ્રામાં બેઠા છીએ તો ઠાકુર
આપણા સાક્ષી છે. કદાચ આ કથા મંડપના કોઈ એકાદ ખૂણામાં આપણને જોવા નથી
મળતા, દેખાતા નથી પણ ઠાકુર બેઠા હોય.!! સ્વામી શ્રી વિવેકાનંદ ક્યાંક બેઠા હોય અને
મા તો હરહંમેશ અહીં હાજર હોય કારણ કે હમારે પ્રત્યક્ષ કાર્યકા કોઈ તો સાક્ષી હે હી વો
સમજ લીજીયે. પ્રત્યેક ક્રિયાકા જો સાક્ષી હૈ વહ પરમહંસ હૈ . જે પ્રત્યેક ક્રિયાનો સાક્ષી
બને છે અને એમની હાજરી ચૈતસિક રીતે છે એ પરમહંસ છે.”
આઠમા દિવસની કથાનો આરંભ કૃપાના વિશ્લેષણથી થયો. કૃપા ક્યારે વરસે છે ? એવું
કોઈ શ્રાવકે પૂછ્યું. જિજ્ઞાસુ વ્યક્તિને જવાબ આપતા બાપુએ કહ્યું કે, કૃપા ક્યારેય
કંજૂસ નથી હોતી. કૃપા સતત વરસતી જ હોય છે. આપણે એને લાયક બનવાનું હોય છે.
તમે દિવસ દરમિયાન કે રાત દરમિયાન સૂઓ છો કે જાગો છો, ખાઓ છો, પીઓ છો,
દૈનિક પ્રક્રિયા કરો છો એ પ્રત્યેક ક્ષણે તમારી ઉપર કૃપા વરસતી જ હોય છે. પણ એ
કૃપાને તમે જીલી ન શકો. પરિણામે તમને એમ લાગે છે કે કૃપા નથી. કૃપા ક્યારેય કંજૂસ
નથી હોતી. એવું જ સત્યનું છે કે, સત્ય કભી ભી ઉદ્ઘાટિત હોતા હૈ. આપણા કામ માટે
સત્ય ક્યારે ઉદ્ઘાટિત થાય ? એવો વિચાર કરવાની જરૂર નથી. આપણે જો આપણું કામ
કરવું જ છે, તો આપણું સત્ય હંમેશા ઉદ્ઘાટિત થવા માટે તત્પર હોય છે. કહના કઠિન
હૈ , કહા હુઆ સમજના કઠિન હૈ ઓર સમજા હુઆ કરના ઓર કઠિન હૈ . “કચ્ચા
જ્ઞાન બોઝ હૈ ઓર પાક્કા જ્ઞાન મોજ હૈ .” એટલા માટે કોઈપણ જ્ઞાનમાં ઊંડા ઉતરવું
જોઈએ અને ઊંડા ઉતર્યા પછી એમાંથી જ્ઞાનનો સંકેત પકડવો જોઈએ. જો જ્ઞાનનો
સંકેત પકડાઈ જાય તો સંબોધી દૂર નથી. જો જ્ઞાનનો સંકેત પકડાઈ જાય તો સમાધિ પણ
દૂર નથી. હમારી પ્રકૃતિ પરમહંસમેં પરમેશ્વરી હો જાતી હૈ. આપણી પ્રકૃતિ હંમેશા
કોઈની સાથે સુંદર રીતે આત્મસાત થવા તત્પર હોય છે.
નવમા અને છેલ્લા દિવસની કથામાં શ્રી રામકથાને વિરામ આપતા સમાપન કર્યું કે,
નંદીગ્રામમાં સૌ પધારે છે અને ભરત પાદુકા સાથે સૌ અયોધ્યા પરત ફરે છે તે વાત કહીને
બે પુત્રો લવ અને કુશનો જન્મ થાય છે, ત્યાં ગોસ્વામી તુલસીદાસજીએ રામચરિત
માનસને વિરામ આપ્યો છે. કોઈપણ પ્રકારના વિવાદમાં કે કોઈ પણ બાબતની એવી
ઘટનાઓની ચર્ચા કરવાનું ગોસ્વામીજીએ ટાળ્યું છે, તેથી કરીને મોરારિબાપુ ગોસ્વામી
શ્રી તુલસીકૃત શ્રી રામચરિત માનસને વધુમાં વધુ પ્રસન્નતાથી સૌ વચ્ચે વહેંચી રહ્યા છે.
બાપુએ પરમહંસમાં જે હંસ શબ્દ આવે છે એમનો વિચાર કરીને ખાસ કહ્યું કે શ્રી
રામકૃષ્ણ મિશન અને મઠનો જે લોગો છે એની અંદર સુંદર સૂત્ર છે અને એમાં હંસનો
ઉલ્લેખ છે. બાપુએ કહ્યું કે, હંસ જળચર છે, પરંતુ કભી કભી તટસ્થ છે. જો કુછ સમય
સ્થળ પર ભી આતા હૈ ઓર થોડી ઉડાન ભરકે નભચર ભી બન જાતા હૈ, હંસ છે
જળચર પણ ક્યારેક તટસ્થ થઇ જાય છે આવીને તટ ઉપર નિરાંતે આરામ કરે છે. ક્યારેક
ક્યારેક એ સ્થળ ઉપર પણ આવે છે અને ક્યારેક થોડીક થોડીક હળવી ઉડાન ભરે છે અને
એ નભચર બની જાય છે. યાદ એ રાખવા જેવું છે કે, આપણા વક્તવ્યમાં પ્રતાપ હોય,
પ્રભાવ હોય અને પ્રસાદ હોય તો વક્તવ્ય સ્વામી શ્રી વિવેકાનંદ જેવું અવશ્ય બની રહે.
પ્રતાપ સૂર્ય પ્રકાશ અથવા સત્યનો, પ્રભાવ પ્રેમનો અને પ્રસાદ કરુણાનો હોય તો તમારું
વક્તવ્ય સ્વામીના શબ્દોથી વધુ નજીક બની શકે.
આ નવ દિવસીય યજ્ઞ દરમિયાન વારંવાર અનેક ઉદાહરણો શ્રી રામકૃષ્ણ કથામૃતમાંથી
ટાંકીને શ્રી મોરારીબાપુએ સાદ્યન્ત ઠાકુરના ચરિત્રને પરમહંસ શા માટે એ સ્પષ્ટ સ્ફટિક
રીતે સમજાવ્યું. આનંદ એ વાતનો હતો કે કથાના શ્રોતાઓમાં ભાવકોમાં કેટલાય બંગાળી
પરિવારો પણ ઉમટી પડ્યા હતા. કથાની વ્યવસ્થા એવી હતી કે સૌ માટે પ્રસાદની સુંદર
વ્યવસ્થા બેલુરમઠના આ પ્રાંગણમાં જ કરવામાં આવી હતી. કથાના નિમિત્તમાત્ર
યજમાન દ્વારા આ વ્યવસ્થા થઇ. બંગાળના દૂર દૂરના છેવાડેથી લોકો સામાનના
પોટલાંઓ માથે ઉપાડીને આ પ્રાંગણમાં રહેવા જ આવી ચુક્યા હતા. તેઓ કથા
સાંભળવા મંડપમાં જતા પછી કથા નજીક શૌચાલયની અંદર દૈનંદિય પ્રક્રિયા કરતા અને
સવાર સાંજ અહીં પ્રસાદ લેતા હતા. આ કથા દરમ્યાન બે જાહેર કાર્યક્રમો સંધ્યા ટાણે
યોજાય જેમાં શ્રી ઓસમાણ મીર દ્વારા સુગમ ગાન અને બંગાળના પ્રસિદ્ધ બાઉલ્સ
ગાન સાંજને સુરમાયી બનાવાય. બંને કાર્યક્રમોમાં સમયસર બાપુ ઉપસ્થિત રહ્યા અને
તેઓની લાક્ષણિકતા મુજબ કલાકારોને સતત દાદ આપતા રહ્યા હતા. સમાપન સમયે
ફરી એકવાર સ્વામી શ્રી રામકૃષ્ણ મિશન અને મઠના વરિષ્ઠ સન્યાસીઓ મંચ પર પધાર્યા
અને તેઓએ કથાના સમાપનમાં આશીર્વચન પાઠવ્યા. પોતાનો ખુબ મોટો રાજીપો વ્યક્ત
કર્યો અને ફરી એકવાર તરત જ બેલુરમઠમાં કથા ગાન કરવા માટે આવજો એવું દિલનું
નિમંત્રણ પાઠવી દીધું. શ્રી મોરારીબાપુની આ પશ્ચિમ બંગાળમાં પંદરમી કથા છે. અને
તેઓએ કલકતામાં ઘણી કથાઓ ગાયેલી છે. બેલુરમઠના એક સભાખંડની અંદર એક
પ્રવચન આપવા માટે પોતે પધાર્યા હતા, તેમનું સ્મરણ કરીને એ પ્રસંગને તેઓએ
વર્ણવ્યો હતો, પણ પૂર્ણ સમયની કથા ગાન કરવાનો લ્હાવો અત્યારે મળ્યો એ આનંદ
વ્યક્ત કરીને પૂજ્ય બાપુએ સમગ્ર પ્રકૃતિનો અહોભાવ વ્યક્ત કર્યો હતો અને આવી રહેલા
અધિકમાસ અને શ્રાવણ માસને આ કથા સમર્પિત કરી.
શ્રી રામ ચરિત માનસનું પરમ સત્ય બેલુરમઠની ધરતી પર ગવાય અને એમાં પણ
ચોતરફ પ્રકૃતિની હાજરીમાં તમને શ્રી ઠાકુરની ઉપસ્થિતિનો આવિર્ભાવ થયો એ
લાગણી સાથે આ કથા વિરામ પામી ત્યારે મને રાજકોટ આવતા એવું લાગ્યું કે, જાણે
મારી સાથે શ્રી ઠાકુર પોતે પ્રવાસ કરી રહ્યા છે અને છેક પ્રેમમંદિર સુધી સાથ આપવા
અને વસવા માટે તેઓ પધારી રહ્યા છે.
જય ઠાકુર.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++
તસ્વીર સૌજન્ય : સંગીતમય દુનિયા, મહુવા.
by Dhruvanshi Pandya | Jul 31, 2022 | વિશેષ લેખ |
::વિશેષ લેખ::
એમણે જે લખ્યું, જયારે લખ્યું, જેટલું લખ્યું તે ઉત્તમતાના એક પછી એક શિખરસમું લખ્યું.
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
૧૦ માર્ચ, ૧૯૨૦ થી ૧૨ જુલાઈ, ૨૦૨૦. સો વર્ષ પૂર્ણ કરીને આપણી વચ્ચેથી બે વર્ષ પહેલા વિદાય લેનાર નગીનદાસ સંઘવી આપણને આજે પણ યાદ છે અને હજુ વર્ષો સુધી આપણી યાદદાસ્તમાંથી એ ખસી નહીં શકે. એમનું કારણ એમનું નોખું-અનોખું વ્યક્તિત્વ છે. કોઈ રાજનેતા હોય, કોઈ મોટો યોદ્ધો હોય કે કોઈ બહુ મોટો આધ્યાત્મિક અગ્રણી હોય એમના જીવનની છાપ લોકો ઉપર પડે એ સમજી શકાય તેવી વાત છે. પણ એક સાદો સીધો પ્રાધ્યાપક, પ્રાચાર્ય, પત્રકાર એવી વ્યક્તિ પોતાની અમીટ છાપ સમાજ ઉપર છોડી જાય એ એક ઐતિહાસિક ઘટના છે. નગીનદાસ સંઘવી જેનું નામ છે એને ચપટીક શબ્દોમાં સમાવવા બહુ મુશ્કેલ છે. તેઓની સ્ફટિક શુદ્ધ લેખિની આજે પણ હજુ વાંચીએ ત્ત્યારે સ્મરણપટનો કબ્જો જમાવી બેસે છે. એમણે જે લખ્યું, જયારે લખ્યું, જેટલું લખ્યું તે ઉત્તમતાના એક પછી એક શિખરસમું લખ્યું.
નગીનદાસ સંઘવી ભાવનગરમાં જન્મ્યા અને સુરતમાં જંપ્યા. આપણને સૌને આશ્ચર્ય થશે કે ૧૯૬૫ થી ૨૦૨૨ સુધી એટલે કે બરાબર ૫૫ વર્ષ સુધી જેણે પોતાની કલમ દ્વારા બે લાખથી વધુ પૃષ્ઠો લખ્યા છે એવા ધુરંધર પત્રકાર અને કટાર લેખક છતાં સદંતર નિસ્પૃહી એવા નગીનદાસ સંઘવી હકીકતમાં એક અચંબાનો વિષય છે. ભણવાનું પૂરું કરીને મહિનાના ૩૦ રૂપિયાના પગારથી એક એડવર્ટાઈઝમેન્ટ કંપનીમાં ટાઈપિસ્ટ તરીકે પહેલી નોકરી કરી, પછી નાની મોટો નોકરીઓ તરફ વળ્યા અને છેલ્લે તેઓ શિક્ષણમાં આવીને સ્થાયી થયા. એ પોલિટિકલ પ્રોફેસર હતા. ઇતિહાસના બહુ મોટા વાચક અને સાધક હતા. ૧૯૫૧ થી ૧૯૮૦ સુધી મુંબઈની ત્રણ માતબર કોલેજોમાં તેઓએ પોલિટિકલ સાયન્સ અને ઇતિહાસ ભણાવ્યું. ભવન્સ કોલેજ અંધેરી, રૂપારેલ કોલેજ માહિમ અને મીઠીબાઇ કોલેજ વિલેપાર્લેમાં તેઓએ સળંગ ત્રીસ વર્ષ સુધી એક અધ્યાપક તરીકે અને એ દરમિયાન ઊંડું વાંચન કરનારા એક સાધક તરીકે પોતાનું જીવન વિતાવ્યું. એમણે લખવાની શરૂઆત સૌ પહેલા તેઓ અધ્યાપક હતા ત્યારે કરી. તેઓએ સૌથી પહેલી કોલમ એટલે કે કટાર સુરતના ‘ગુજરાતમિત્ર’માં ૧૯૬૫ માં લખી.
કાંદિવલી ની તે સમયની ત્રીસ થી ચાલીસ હજારની વસ્તીમાં કે જ્યાં આજે તો ચાર લાખ લોકો રહે છે તે કાંદિવલીના જીવા દેવશીની ચાલીમાં રહેનારા નગીનદાસ સંઘવી કાંદિવલીમાં કમલા રોડ પર આવેલા ભોંયતળિયે બેસીને રસોડાની સામે પલાંઠીવાળીને વાળુ કરતા હોય એવું આપણા બીજા સમર્થ લેખક દિનકર જોશીએ જાતે અનુભવ્યું છે. તેઓ યાદગાર અને સ્પર્શી જાય એવો પ્રસંગ વર્ણવતા કહે છે કે, નગીનબાપા પોતાની વિદાય પહેલાના થોડા મહિનાઓ પહેલા મહાભારત વિષે એક લેખ લખવામાં વ્યસ્ત હતા. એક લેખ લખવામાં કોઈ સંદર્ભ ખૂટ્યો. બાપાએ દિનકર જોશીને મુંબઈ ફોન કરી અને પૂછ્યું. એમણે કહ્યું કે, ‘ હા, એ પુસ્તક મારી પાસે છે’. પુસ્તક મોકલી આપો એમ નહીં પણ સુરતથી બાપા કાંદિવલી ગયા. કાંદિવલીની દિનકરભાઇ જોશીની ઓફિસ ઉપર મળ્યા. કમનસીબે એ પુસ્તક એમની ઓફિસ પર ન હતું. પરંતુ દિનકરભાઇની સાથે બાપા મુંબઈના ટ્રાફિકમાં ઢળતી સાંજે ઘરે ગયા. પુસ્તક શોધ્યું. બાપાએ વાંચન શરૂ કર્યું એમાંથી જરૂરી નોંધો લખતા ગયા અને નોંધ પુરી કરી પુસ્તક પરત આપી અને બાપા પાછા ફર્યા. આજે લેખિનીનો સોશિયલ મીડિયા ઉપર બેફામ ઉપયોગ કરનારા કોઈ લેખકો ક્યાંથી સમજી શકે કે એક લેખ લખવા માટે એક વાક્યનો સંદર્ભ શોધવા આટલી ચીવટ અને સતર્કતા રાખવી પડે. આજે આટલી સતર્કતાવાળો માણસ ક્યાં મળે ?
આપણને જાણીને આશ્ચર્ય થશે કે નગીનદાસ સંઘવી નામનું વ્યક્તિત્વ જેનો સાવ એકવડો બાંધો, પાતળો દેહ. પહેરવેશમાં સાદો સફેદ લેંઘો અને પાતળો ઝભ્ભો, પગમાં સાદા ચપ્પલ, લેંઘો પણ ધરતીથી એક વેંત ઉંચો, જાડા ચશ્માની પાછળ તેજસ્વી આંખોમાંથી દરેક વ્યક્તિને ધારી ધારીને જોનારા પણ બાપા ! નગીનબાપા સત્તા માટે ભાવ રાખે, પોલિટિકલ સાયન્સના અધ્યાપક હતા ને ! પણ સત્તા માટે અહોભાવ બિલકુલ ન રાખે. અને સત્તાધીશને પછી તે ગાંધી, નહેરુથી લઈને નરેન્દ્ર મોદી સુધીની વ્યક્તિને વિષે જે કઈ કહેવું હોય તે બેધડક તડ ને ફડ કરી શકે. સ્વતંત્ર ભારતના અત્યાર સુધીના બધા જ વાળા પ્રધાન સાથે જીવી જનાર નગીનદાસ સંઘવી વિષે આપણા જાણીતા કવિ શ્રી અનિલ જોશી કહે છે કે, ‘નગીનદાસ સંઘવી એ તો અમારી મીઠીબાઈ કોલેજનો કડવો લીમડો હતો. લીમડો ક્યારેય કોઈને આંબા આમલી બતાવીને ગેરરસ્તે દોરતો નથી.’ અખબારમાં વર્ષોથી ધારદાર કોલમો લખે પણ એમનો ‘હું’ ક્યાંય દેખાય નહીં. પોતે અતિ વિદ્વાન છે એ નક્કી. પણ એ વિધ્વતાનું પ્રદર્શન બાપા ન કરે. નગીનદાસ બાપા ઉત્તમ વક્તા ખરા, પણ પ્રવચનોની ગ્લેમરથી એ સો ગાવ દૂર રહ્યા. નગીનબાપા ‘સમકાલીન’ અખબારમાં રામ અને રામાયણ વિષે એક લેખમાળા લખી રહ્યા હતા. એમના કોઈ તડ ફડને કારણે બહુ મોટો વિવાદ થયો. કેટલાય ભક્તો નગીનદાસ સંઘવી ઉપર તૂટી પડયા. પણ આ સમયે નગીનદાસ સંઘવી અસ્વસ્થ લેશમાત્ર ન થયા. પોતાના કુટુંબમાં પણ એવી વ્યથા આવી, એવી યાતના આવી કે વેદનામાંથી સાદો માણસ બહાર ન ઉઠી શકે. પણ પોતાના સાતમા દશકમાં પોતાની ઉપર વજ્રાઘાત થયો ત્યારે પણ બાપા તેમાંથી બહાર આવ્યા.
કેવા કેવા લોકોને નગીનબાપા શબ્દ ઉપરાંત પણ મદદરૂપ થતા તેની વાત આપણા જાણીતા સેકયુલારિસ્ટ જે.એસ.બંદૂકવાળા કરે છે. ‘૧૯૮૯ માં મેં લોકસભા માટે વડોદરાથી મારા જીવનની પહેલી અને છેલ્લી ચૂંટણી લડી. મર્યાદિત બજેટ હતું અને ઘણી બધી આશાઓ અને વિચારો સાથે મેં ચૂંટણીમાં જંપલાવ્યું હતું. જાણીને આશ્ચર્ય થશે કે નગીનદાસભાઈ મારા આ ચૂંટણી અભિયાનના મહત્વપૂર્ણ સલાહકાર બન્યા હતા. પછી અમારો નાતો વચ્ચે જરા પાતળો થયો હતો. પણ જયારે ૨૦૦૦ ની સાલમાં મારું કૌટુંબિક જીવન પડી ભાંગ્યું ત્યારે નગીનદાસ સંઘવી મારી પડખે ઉભા રહ્યા. મારા પત્નીનું કેન્સરથી અવસાન થયું અને ગોધરા રમખાણો થયા, હું માંડ માંડ બચ્યો. મને લોકોએ શહેર છોડી જવા સલાહ આપી. હું મારી પુત્રી સાથે સ્થળાંતર કરીને મુંબઈ ગયો પણ આગળ શું કરવું તે જાણતો ન હતો. હા મારા માટે માર્ગ હતો અમેરિકા ચાલ્યા જવાનો. પણ અમેરિકાના વિઝાની તકલીફ હતી. ખાસ તો ૨૪ વર્ષની મારી દીકરી જે અપરણિત યુવતી હતી એને વિઝા મળે એમ ન હતા. મને યાદ આવ્યા નગીનદાસ સંઘવી. મેં એમને ફોન કર્યો અને તેઓ મારી વ્હારે આવ્યા. નગીનદાસભાઈએ અમેરિકન કોન્સ્યુલેટમાં ફોન કર્યો. મારા સારા નસીબે તેઓએ મને બરખા દત દ્વારા લેવાયેલ ટીવી ઇન્ટરવ્યૂમાં જોયો હતો. અમને વિઝા મળી ગયા અને અમેરિકા અમે ચાલ્યા ગયા. નગીનદાસ સંઘવી મારા કરતા ૨૫ વર્ષ મોટા હતા પણ અમારી દોસ્તી સાવ સહજ હતી.”
જે ઊંડાણથી વાંચે છે તે જ વ્યાપક સંદર્ભે વિચારો વ્યક્ત કરી શકે છે. વાંચ્યું પચાવી જાણે અને તે પચાવેલું સમાજના દિલોદિમાગમાં સોંસરવું ઉતારી જાણે તેવા માનવો આજે આંગળીના વેઢે ગણાય તેટલા છે. તેમાં નગીનદાસ બાપા મોખરે હતા.
નગીનદાસ સંઘવી આજના યુવાનો માટે ત્રણ આયામો ખુલ્લા મૂકે છે. ૧) અસીમ વાંચો ૨) અપાર વિચારો અને ૩) અપૂર્વ જીવો. નગીનબાપા ગુજરાતના યુવાનો માટે જોશપૂર્વક ભરચક્ક જીવનનો આદર્શ છે. અને સિનિયર સિટીઝન્સ માટે ઢળતી સંધ્યાએ પણ એ જ ઉત્સાહથી જીવંત રહેવાનો માર્ગ છે. જીવનના વળાંકે સંતોષ ધનથી ધનપતિ બનેલા નગીનદાસ સંઘવી શ્રી મોરારિબાપુની સન્નિધીને લઈને દેશ વિદેશમાં અનેક જગ્યાએ રામકથાના વાહક બન્યા. સાચું પૂછો તો, શ્રી મોરારિબાપુ જે રામકથા કહે છે તે નગીનબાપા જીવીને ગયા છે. અને ભગવદ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે સ્થિતપ્રજ્ઞના લક્ષણો વર્ણવ્યા છે તેને સિદ્ધ કરીને નગીનબાપા ગયા છે.