ભદ્રાયુ વછરાજાની                                                            bhadrayu2@gmail.com                                                          

“સર, મારું બાળક દિવ્યાંગ છે અને અમે બે જણા ઘરમાં છીએ એટલે કે અમારું ત્રણ જણાનું કુટુંબ છે. અમે બંને એટલી બધી સારસંભાળ લઈએ છીએ કે આ બાળકને અમે રેઢું મુકતા નથી. એક વ્યક્તિ તો એની સામે હાજર જ હોય. હવે બધા કહે છે કે એની છ વર્ષની ઉંમર થઈ ગઈ તો એને શાળામાં બેસાડવું જોઈએ. પણ અમને થોડો ડર લાગે છે. કોઈ એને ધક્કો મારી દેશે તો ? એ પડી જશે તો ? એમનું થોડુંક નબળું  વર્તન જોઈને કોઈ એને ચીડવશે તો ? તો એ ગભરાઈ જશે, મૂંઝાઈ જશે. “

“અમે ઘરમાં એટલું બધું ધ્યાન રાખીએ છીએ કે મમ્મી તરીકે હું થોડો ઘણો કક્કો શીખવાડું પણ છું. અને ઘરમાં ચોવીસેય કલાક કોઈક તો એની પાસે હોય જ છે. એ ઉઠે બેસે એની અમે કાળજી લઈએ છીએ. એને કશું પણ જોઈએ કે તરત જ એની નજીકમાં કોઈક પહોંચી જઈએ છીએ. હવે આ સ્થિતિમાં એને શાળામાં મૂકવું અમને તો યોગ્ય લાગતું નથી. આઠ વર્ષ થયા છે હજુ બે ત્રણ વર્ષ પછી જરા સમજતું થઈ જાય પછી મૂકીએ તો વધુ સારું.”

મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગ દરમ્યાન કેટલાય દિવ્યાંગોને મળવાનું થાય છે. બે પ્રકારના વાલી મને મળે છે. 

(01) બાળકના વિકાસમાં શ્રદ્ધા રાખીને આગળ વધે છે. એને આશ્રમમાં અપાતી થેરાપીથી સંતોષ છે અને થેરાપીમાં આવવું જવું એ સૌ બાબતો સહર્ષ સ્વીકારેલી છે, એ વિષે એની કોઈ ફરિયાદ નથી. 

(02)  માતા પિતા એવા આવે છે કે જેના માટે હજુ પણ આ બાળક એક ચિંતાનો વિષય છે, ભારનો વિષય છે અને પરિણામે દિવ્યાંગ બાળકની વાત કરતા જ તેઓના ચહેરા ઉપર જુદા પ્રકારની લકીર ખેંચાઈ જાય છે. 

આ બંને પ્રકારના વાલીઓ એક બાબતમાં સરખા છે અને તે બાબત એ કે છ વર્ષ, સાત વર્ષ, આઠ વર્ષ, નવ વર્ષ, દસ વર્ષ થઈ જાય તો પણ અમારા સંતાનને અમારે શાળામાં મૂકવું નથી. સમજાવવાનો પ્રયત્ન કરીએ ત્યારે ગળે ઉતરે તેવી તેઓની દલીલ હોય છે. એમની કોઈ બાબત એવી નથી કે જે આપણને ખોટી લાગે. પરંતુ જાણવાનો અને સમજવાનો વિષય એ છે કે અમુક ઉંમર સુધી આપણે આપણા દિવ્યાંગ બાળકના અછોવાના કરીએ, એને હથેળીમાં ઉછેરીએ, એને જોઈએ તે સરસ મજાનું વાતાવરણ આપીએ, બધી જ વસ્તુઓ આપીએ, એને હસતું  રમતું  રાખીએ આ બધું હોવા છતાં આપણા ઘરના  ત્રણ કે ચાર જણા વચ્ચેનો એનો ઉછેર એ closed environment માં થયેલો ઉછેર છે. એટલે કે બદ્ધ વાતાવરણ, એક સંકુચિત વર્તુળની અંદર આપણું બાળક ઉછરે છે. એ બાળક અન્ય લોકો સાથે સંપર્કમાં આવે ત્યારે એને જે સાંવેગિક પ્રકારના પ્રતિચારો મળે છે એ આપણે એને ઘરમાં આપી શકતા નથી. ગમે તેમ તો આપણે મા બાપ છીએ એટલે આપણે એને કક્કો શીખવીએ કે A B C D  શીખવીએ ત્યારે એ આપણી પાસે બહુ લાડ કરીને શીખે છે એવી પણ ફરિયાદ આ મા બાપ કરે છે કે, જુઓ એને કરવું હોય તો જ કરે છે. હમણાં જ એકદમ હાઇપર એક્ટિવ બાળકના મા બાપને મળવાનું થયું ત્યારે બહુ આશ્ચર્ય થયું કે હું જે પ્રશ્ન પૂછું તે પ્રશ્નને તેઓ બાળક જવાબ આપે તે પહેલા અંગ્રેજી કરી નાખે. ઉદાહરણ તરીકે,  મેં પૂછ્યું, ‘શું નામ છે તારુ દોસ્ત ?’ ત્યાં એના પપ્પા બોલ્યા, what is your name beta ? પછી મેં પૂછ્યું,  બેટા તારો જન્મ ક્યારે  થયો છે ?’’ તો તરત જ પપ્પા બોલ્યા કે what is your birth date ? હું જે બોલું તેનું અંગ્રેજી કરી આપે. થોડીવાર તો મને એમ થયું કે આ બાળક અંગ્રેજી જ સમજે છે, ગુજરાતી સમજતું નથી એટલે એના પિતાશ્રી હું બોલું તેનું અંગ્રેજી કરી આપે છે. હકીકત એ ન હતી. બાળક ગુજરાતી જ બોલતું હતું, મુક્તપણે બોલતું હતું, આનંદથી બોલતું હતું અને ખુલીને અભિવ્યક્ત થતું હતું. પણ માતાશ્રી ગુજરાત બહારના પ્રાંતના હતા અને પિતાશ્રી આપણા ગુજરાતના હતા એટલે એ બંને વચ્ચે એવા પ્રકારની ટસલ હતી કે બાળક અંગ્રેજીમાં ભણવું જોઈએ અને એ સ્વીકારીને પિતાએ એવું નક્કી કર્યું કે એને અંગ્રેજી હું શીખવીશ.  હવે એનું પરિણામ મારી સામે મેં જોયું. માતા પિતાને એ ખ્યાલ નથી કે આમ કોઈપણ પ્રશ્નને અંગ્રેજી કરી આપો એટલે એ બાળક અંગ્રેજી જ સમજે એ આપણો  ભ્રમ છે. એ તો માતૃભાષાના  જ શબ્દો સમજે. આ એની ઉંમર છે કે જયારે એને માના  દૂધની ભાષા ઝડપથી પોતાની લાગે છે. આ ઉદાહરણ એટલા માટે આપ્યું કે ઘરની અંદર માતા પિતા તરીકે આપણે ગમે તેટલી કાળજી રાખીએ તો પણ કેટલાક પ્રકારના સાંવેગિક મોકાઓ જે શાળાના વાતાવરણમાંથી મળે છે તે આપણે આપી શકતા નથી. બધાને ભય છે કે એને કોઈ ધક્કો મારશે અને પડી જશે તો ? એને કોઈ મશ્કરી કરશે તો ? સમજાવવાનો પ્રયત્ન હંમેશા એવો કરું છું કે એ પણ થવા દો. સહજતાથી થવા દો. તમે એની ચિંતા ન કરો. શાળા સાથે સ્પષ્ટ વાત કરીને એને ધીમે ધીમે કરતા શાળા તરફ વાળો. ભલે ત્રણ ચાર વર્ષનો હોય ત્યારે શરૂઆતમાં ૧ થી ૨ કલાક જાય, નાસ્તો કરવાના સમયે જાય. પ્રાર્થના કરવાના સમયે જાય, એવી વાત શાળા સાથે કરી લ્યો. પણ આ બાળકને ૧૨ – ૧૫ વર્ષનું થાય ત્યાં સુધી સ્કૂલે મોકલવું જ નથી એવી માનસિકતા અત્યારે જે આપણાંમાં પ્રવર્તે છે તે આપણા જ બાળકના વિકાસનો વિરોધી છે.

આપણા ડો. નિવૃત્તિ મેડમ સરસ વાત કરે છે કે, “સ્કૂલિંગ માટે એટલા માટે કહેવાનું કે ફિઝીકલી ચેલેન્જ બચ્ચાઓ હોય તો એને મેન્ટલી બરાબર હોય અથવા તો બોર્ડર લાઈન આઈક્યૂ ડીલે હોય તો એવા બચ્ચા નોર્મલ સ્કૂલમાં જઈ શકે. ઘણી વાર પેરેન્ટ્સ એવું વિચારતા હોય છે કે પહેલા ચાલતા બેસતા શીખે પછી એને સ્કૂલિંગ શરૂ કરીએ. એ લોકો એટલું મહત્વ એના સ્કૂલિંગને નથી આપતા જેટલું મહત્વ ફિઝિકલ પરફોર્મન્સ ને આપે છે. લર્નિંગ ડિસેબિલિટી અને મેન્ટલી ડીલે બચ્ચામાં એ પ્રોબ્લેમ થાય છે કે જો બોર્ડરલાઇન ડીલે હોય તો એ લોકોને નોર્મલ સ્કૂલમાં જાય તો વધારે સારું. કેમ કે નોર્મલ બચ્ચાની વચ્ચે રહેશે તો એના જેવા બનવાની ટ્રાય કરશે, એ કરતા હોય એવું કોપી કરવાની ટ્રાય કરશે પણ મોડરેટ ટુ સિવિયર કક્ષાના બાળકો હોય તો એને સ્પેશિયલ સ્કૂલમાં જવું જોઈએ એટલે પેરેન્ટ્સને ઘણીવાર અમે કહીએ છીએ પણ બચ્ચા નોર્મલ  સ્કૂલનો જ આગ્રહ રાખે છે. એના સ્કૂલવાળા પણ હાયપર એક્ટિવિટી અને એ બધા બિહેવિયરને ધ્યાનમાં રાખીને એને એડમિશન નથી આપતા હોતા. ઘણા પેરેન્ટ્સ એવું કહે છે કે અમે સ્કૂલમાં નથી મોકલતા પણ ટ્યુશનમાં મોકલીએ છીએ. ટ્યુશન એક કે બે કલાક માટે હોય, સ્કૂલ ને  ટ્યુશન રિપ્લેસ કરી શકે ? સ્કૂલમાં એને કેવો માહોલ મળે, એની ઉંમરના છોકરા હોય એની સાથે હળે ભળે, એ શું કરે છે એ જુએ, લંચમાં એની સાથે ફ્રેન્ડશીપ કરે તો એવું બધું ટ્યુશનમાં એને ન મળી શકે. “ 

બાળક જો ખરેખર શાળામાં જશે તો એને નવું વાતાવરણ મળશે. જે એણે ઘરમાં જોયું નથી તો એને ઘણા બધા લોકોના ચહેરા જોવા મળશે. એની સામે કેટલાય લોકો વર્તન વ્યવહારો કરતા એ જોશે ત્યારે એને ખ્યાલ આવશે કે વર્તન વ્યવહાર કરવાના બીજા અનેક રસ્તા છે. આપણો  જે ભય છે કે એને કોઈ ધક્કો મારશે તો ? બહુ સ્પષ્ટ રીતે કહેવા માંગુ છું કે ધક્કો મારે તો મારવા દ્યો. એને થોડા દુઃખના એવા ધક્કાઓ વાગવા દ્યો. એને એમની રીતે ઉભા થવાનો એક ચાન્સ આપો. એમને ધક્કો મારનારો ધક્કો મારશે ત્યારે જ એને જોવા મળશે કે બીજા લોકો એ પડી ગયો હશે તો એને પકડીને ઉભો કરવા માટે પણ દોડી આવશે. આ અન્યનું દોડીને આપણને મદદ કરવું એ સાંવેગિક વિકાસ માટે થઈને એક બહુ જોરદાર ઇનપુટ છે. આપણું બાળક વિચારશે મમ્મી પપ્પા જ મદદ કરે એવું નથી મારા દોસ્તાર પણ મને મદદ કરે છે. એમાંથી એ ભાવ પણ જન્મશે કે કોઈ પડી જાય તો હું પણ દોડી જઈને એને ઉભો કરવામાં મદદ કરી શકું. કોઈ વિદ્યાર્થી એની મશ્કરી કરશે તો કરવા દો એની ચિંતા ન કરો. ઘણી વખત આપણા બાળકો ઘરની અંદર એકદમ હુલાવી ફુલાવીને રાખેલું વાતાવરણ હોય એનાથી અંદરથી મોનોટોનસ પ્રક્રિયાને કારણે તંગ આવી ગયા હોય છે. એ વ્યક્ત નથી કરતા પણ કોઈ મશ્કરી કરે તો આપણે મશ્કરી જીલી શકાય, એને હળવાશથી લઇ શકાય, સાથેના બધા મિત્રો હસે, હસે તો સૌને આનંદ થાય એ બધું જોઈને પણ આ બાળકને આનંદમય વાતાવરણ સર્જવા માટે વ્યંગ્ય કેવું કામ કરે છે એનો ખ્યાલ આવશે. અને ત્રીજી વાત આ બાળકને જો એના પગ ઉપર ઉભા રહેવા દેવું હોય, જો એના પોતાના કામને પોતે કરે એવું કરવા દેવું હોય તો પણ એ શાળામાં જાય તે જરૂરી છે. એટલા માટે કે એમણે પોતે પોતાની પ્રક્રિયામાં હકીકતમાં પોતે જ સ્વબળે, આત્મબળે કામ કરવું પડશે એવી વાત એના મનમાં બંધાશે. એ અન્ય વિદ્યાર્થીઓને પોતાનું કામ જુદી જુદી રીતે કરતા જોશે ત્યારે એમને પણ વિચાર આવશે કે બીજા  કરે છે તો હું પણ કરી શકીશ. 

શાળાએ મોકલવાથી બાળકમાં ધીમે ધીમે આત્મબળ એટલે કે હું કરી શકીશ, મને થયું તો વાંધો નથી,.. એ પ્રકારનું એક બળ ઉત્પન્ન થશે અને અધ્યાત્મવાદ પણ સ્વીકારે છે કે કોઈ પણ માણસની  પ્રગતિ માટે મુખ્ય પરિબળ હોય તો  આત્મબળ છે. આમ શાળાએ મોકલવું એ શિક્ષણ પદ્ધતિનો પણ ભાગ છે. આપણને ખ્યાલ હશે કે પહેલાના વખતમાં આ પ્રકારના બાળકો માટે જુદી  શાળાઓ બનાવવામાં આવતી હતી. પણ એવું નક્કી કરવામાં આવ્યું કે એને તાલીમ આપવા માટે આવી જુદી વ્યવસ્થા હોય શકે પણ એને ભણાવવા માટે તો inclusive education ની પોલિસી ભારતે અપનાવી છે. બીજા દેશો એમાં સફળ થયા એ જોઈને ભારતે આ કામ કર્યું છે, તેનો લાભ આપણે લેવા જેવો છે. inclusive education નો અર્થ જ એ છે કે અનેક પ્રકારના, અનેક વિશિષ્ટતાઓ અથવા અનેક નબળાઈઓ ધરાવતા બાળકો સાથે બેસીને ભણે. એટલે પેલા દિવ્યાંગ બાળકોને એમ ન લાગે કે અમે સમાજથી જુદા છીએ. અમે આમાં ભળી શકીએ નહીં, અમે આ લોકો જેવા થઈ શકીએ નહીં. એ ક્યારે શક્ય બને ? જયારે તેઓ ભેગા બેસીને પ્રાર્થના કરે, ભેગા બેસીને નાસ્તો કરે, ભેગા રહીને રમત રમે, ભેગા રહીને તાળી પાડીને આનંદ વ્યક્ત કરે, કોઈને કશું વાગ્યું કે એવું થયું તો સૌ દુઃખ અનુભવે આ બધા  જ અનુભવ એને શાળા આપે છે અને એટલા માટે આપણે આપણા બાળકને એની ઉંમરે શાળામાં મોકલવું જ જોઈએ.

હા, એક વાત જરૂર કહેવાનું પસંદ કરું કે શાળાએ મોકલીએ એનો અર્થ એવો નથી રાખવાનો કે હોશિયાર થઈ જવો જોઈએ. એ કડકડાટ  બધું બોલતો થઈ જવો જોઈએ, એ લખતો થઈ જવો જોઈએ. એમની પ્રગતિ ધીમી જ રહેવાની છે અને ધીમી ગતિએ પ્રગતિ કરશે તો પછીથી એની પ્રગતિ વધુ સારી થઈ  શકશે. માટે  કંપેરીઝન કરવાની જરૂર નથી, એવું  માતા પિતા તરીકે આપણે ખાસ યાદ રાખીએ. ‘મારું બાળક શાળાએ જાય છે માટે હવે એણે આટલા ટકા લઈ આવવા જોઈએ’ અથવા ‘એના શિક્ષક આ તો એને કઈ શીખવતા નથી’, ‘હજુ એને આવડવું જોઈએ એટલું તો એને આવડતું નથી તો ક્યારે આગળ વધશે ? તો શાળાએ મોકલવાનો શું ફાયદો ?’ આવા કોઈ પ્રશ્નો કે વ્હેમ આપણે ઉભા કરવાની જરૂર નથી. આપણે ઈશ્વરમાં શ્રદ્ધા રાખીએ એ  માટે થઈને જ આપણને દિવ્યાંગ બાળક આપ્યું છે.  ઈશ્વરે કહ્યું છે કે,  આ બાળકને ઉછેરી શકો એવા તમે જ એક મા બાપ છો. હવે આ વાત જો સાચી હોય અને સાચી માનતા હોઈએ તો આપણે ઈશ્વરમાં ભરોસો રાખવો પડે. એમણે મોકલ્યું છે એટલે એમના વિકાસનો નકશો એમણે દોરી લીધો છે આપણા આવા સંતાનનું ટાઈમ ટેબલ ઉપરથી બનાવીને એ સાથે લઈને આવ્યું છે. ફર્ક એટલો છે કે એ સમયપત્રક શું છે એની આપણને ખબર પડતી નથી અને એ ખબર ન પડે એનું એક મુખ્ય કારણ એ છે કે તો જ વિકસવાનો એક ચાર્મ છે, ઉત્સાહ છે. આવતીકાલે શું થવાનું છે તે આજે તો ખબર પડી જાય તો આવતીકાલનું મહત્વ ન રહે. દરેક દિવ્યાંગ સંતાનના માતા પિતાને નમ્ર વિનંતી કરવાની ઈચ્છા થાય છે કે અમુક ઉંમરે તમારા સંતાનને શાળાએ મોકલવું જ જોઈએ અને શાળાએ મોકલ્યા પછી એમના સાંવેગિક વિકાસ તરફ ધ્યાન દેવું જોઈએ. એનો સમય આવશે ત્યારે એ બીજા બાળકો કરતા પણ આગળ નીકળે એવું એ શીખશે. પણ એ કેમ આગળ નથી નીકળતું એ ચિંતા કરીને વારંવાર બોલીને બાળક ઉપર ટેંશન નાખવાની જરૂર નથી. ખાસ જ આ વાત ગળે ઉતારવા જેવી છે. શાળાની પસંદગીમાં મુશ્કેલી પડે છે એવી કોઈ વાત કરે છે તો એ વાત સાથે સંમત થવાય છે પણ હવે કેટલીયે શાળાઓ એવી છે જે આ પ્રકારના બાળકોને આદરભેર પોતાને ત્યાં દાખલ કરે છે અને ત્યાં સાચવે છે. આપણે પોતાનું સંતાન ઘરમાં ઉછરે તેની બદલે એક મોટા વાતાવરણમાં જાય, અનેક વિદ્યાર્થીઓને મળે અને આનંદ મોજ મસ્તી કરે એવું તો ઇચ્છીએ જ છીએ ને ?