ગાંધીજીની ઉત્તમ ભેટનઈ તાલીમનાં શ્રી ગણેશ તો 1937થી થયાં છે.!

ભદ્રાયુ વછરાજાની                               bhadrayu2@gmail.com 

”ભારતને મારા જીવનની આ મોટામાં મોટી ભેટ છે.” આ ઉદગારો નઈ તાલીમ વિષે ગાંધીજીએ કાઢેલા છે. ગાંધીજી સત્યાગ્રહી તરીકે માપીતોળીને વેણ કાઢતા. એમણે જ્યારે આ કહ્યું હોય ત્યારે નઈ તાલીમના હાર્દમાં નમ્રભાવે ઊતરવું જોઈએ.

આખરે નઈ તાલીમનું કેન્દ્રસ્થ તત્વ કયું છે ?

શિક્ષણનું કાર્ય એવી રીતે ચાલવું જોઈએ કે વિદ્યાર્થીને અનુભવ અને શબ્દ દ્વારા મળતું જ્ઞાન જોડાજોડ મળે; ખાસ કરીને પહેલાં સાત ધોરણમાં તો આ બેને અલગ પાડવાં જ નહિ.

જીવનની શરૂઆતના કાળમાં જ્યારે બાળક પહેલાં પગલા ભરતું હોય ત્યારે અનુભવ આપીને શબ્દ આપવા પર ભાર દેવો, અનુભવના પાયા વિનાનું જ્ઞાન ન આપવું તે વાત સમજવી  જરૂરી છે.

આપણે થોડા દાખલા લઇએ, માનો કે એક અનાથ બાળકની મા છેક બાળપણમાં જ ગુજરી ગઇ છે, અને તેની માસીએ તેને માતાના વાત્સલ્યથી મોટો કર્યો છે. માની કશી ખોટ વરતાવા નથી દીધી. હવે આ બાળક જ્યારે શાળામાં માતા પરની કવિતા ભણશે ત્યારે તેના હૈયામાં કોની મુર્તિ ખડી થશે ? માસીની. માસી તે મા નથી. મા તો ગુજરી ગઇ છે, પણ મા શબ્દ સાથેનો જ સંકેત છે તે સંકેત તેને માસી  પાસે દોરી જવાનો, કારણ કે અનુભવ માસીનો છે.

કોઈ અનાથાશ્રમના વત્સલ ગૃહપતિની પ્રેમાળ છાયામાં ઉછરેલ બાળક જયારે પિતા પરની કવિતા ભણશે ત્યારે તેને ગૃહપતિ યાદ આવશે.

નઈ તાલીમ આ પરથી એટલું જ કહે છે કે અનુભવ મહત્વનો છે. ડબ્બા પર લેબલ શું છે તે મહત્ત્વનું નથી, અંદર શું છે તે મહત્ત્વનું છે.

શ્રી મનુભાઈ પંચોલી ‘દર્શક’ નઈ તાલીમનું હાર્દ  સ્પષ્ટ કરતા કહે છે કે…’શ્રમ કરાવવો જોઈએ એવું હું નથી કહેતો. એ વાત તો શિક્ષણથી સાવ વિરુદ્ધ જ છે. શિક્ષક કોઈ દિવસ એમ નહિ કહી શકે કે આ કરાવવું જોઈએ. આવું બોલે એટલે શિક્ષક મટી ગયો ને જમાદાર થઈ ગયો. નાનાભાઈ ભટ્ટે કેળવણીનું આ શાસ્ત્ર એક પ્રસંગમાં જ મને સમજાવી દીધું. હું તો કંઈ ખાસ ભણ્યોગણ્યો છું નહિ. હું તો એમની પાસે બેસીને કેળવણીનું શાસ્ત્ર કંઈક સમજ્યો. જેવું આવડયું એવું કામ કર્યું. કોલેજ કે જી.બી.ટી.સી.નાં પગથિયાં જ નથી જોયાં ને ! પર આપણું તો થઈ ગયું સીતારામ. પણ એટલા પૂરવજનમનાં પુણ્ય કે હું નાનાભાઈ પાસે ગયો.

દક્ષિણામૂર્તિમાં હું સાવ નવોસવો. બીજે પાંચ-સાત ગૃહપતિઓ હતા. મારી આગળના ગૃહપતિ મહાદેવ.. નાનાભાઈની ઓફિસ મેડી ઉપર હતી. નીચે કંપાઉન્ડમાં એક છોકરાને મહાદેવ કહે : ‘કેમ તમે નથી વાળ્યું ? મેં કેટલી વાર કહ્યું તમને ? હું આ બિલકુલ નહિ ચલાવી લઉં. ચાલો, વાળી નાખો. તમારે આ વાળવું જ પડશે.”

નાનાભાઈ ઉપર બેઠેલા, એની મહાદેવને ખબર નહીં. નાનાભાઈએ આ સાંભળ્યું. એટલે બારણામાં ઊભા રહી, તાળી પાડી, ધીમેથી કહ્યું – “મહાદેવ, મહાદેવ.”

એટલે પેલા ભાઈ ઉપર આવ્યા. નાનાભાઈ કહે – “તમે શિક્ષક છો.”

મહાદેવ કહે : “નાનાભાઈ ! મેં એને ત્રણ-ચાર વાર કહ્યું. વાળે જ નહિ.. પછી શું કરવું ?”

“મહાદેવ ! મેં તમને છોકરાઓ પાસે છાત્રાલય વળાવવા રાખ્યા નથી. એ તો હું વીસ રૂપિયાનો જમાદાર રાખું તો પણ થઈ જાય. તમને આ પચાસ રૂપિયા શેના આપું છું ? તમે શિક્ષક છો. તમારે એને એ જાતે સમજીને વાળતો થાય તેમ કરવાનું છે.”

આપણા રામ તો સાંભળી જ રહ્યા ! ત્યારે ખબર પડી કે શિક્ષક થવું કેટલું આકરું છે. અને તે પછી ખબર પડી કે શા માટે લોકો શિક્ષકને માન આપે છે . કારણ કે એ કોઈની પાસે કામ કરાવતો નથી. પણ કામ કરતા કરવાની મનોવૃત્તિ જગાડે છે. એથી વિદ્યાર્થી તમે હાજર હો તો પણ કરે. અને તમે હાજર ન હો તો પણ કરે, અહીંયાં ન હો તો પણ કરે અને વિલાયમાં હો તો પણ કરે. એની ઉપર કોઈએ ચોકી રાખવાની જરૂર નથી, શિક્ષક સ્વયંશાસન, આત્મ-વિવેચન કે આત્મદર્શનથી સર્જે છે.

અમને કહે કે હવે તમે છેલ્લા-પહેલી કરો. એટલે અમે છોકરાઓ એકબીજાને પૂછીએ. અઘરામાં અઘરું હોય એ જ પૂછીએ. ‘નકશામાં ગંડક નદી બતાવ.’ ગંગા પૂછે તો  તો બતાવે. ગંડક કોણ પૂછે ? આના અનુસંધાનમાં મારા ચિત્તમાં એક કિસ્સો રહી ગયો છે. જે ઘણીવાર મને યાદ આવ્યા કરે છે..

અમરશી કરીને એક છોકરો હતો. સાવ ઠોઠ છોકરો ગણાય , એના મગજમાં આ શબ્દની દુનિયા ઝટ પેસે નહિ. એને મેં પૂછયું કે ગંડક બતાવ. એ ક્યાંથી બતાવે ?  ત્યારે નિયમ એવો કે ન આવડે તેને તમાચો મારવાનો. એટલે મેં એને તમાચો માર્યો. એનું ઓશિયાળું મોઢું મારા મનમાં અંકાઈ ગયું. એ વખતે એ મારી સાથે ચોથી ચોપડીમાં હશે. ઘણાં વર્ષો પછી એકવાર ચૂંટણી અંગે હું એના ગામમાં ગયો. વચ્ચે કોણ  જાણે ૧૫-૨૦ વરસ ગયા હશે. ગામમાં મેં  સભા કરી. બધું પૂરું થયું. ત્યાં પેલો અમરશી મારી પાસે આવ્યો. મને કહે – “મનુભાઈ, મને ઓળખ્યો ? હું અમરશી.”

મને તો કોઈ દિ’ ભુલાયેલું જ નહિ. મને કહે – “મનુભાઈ, મારે ત્યાં જમવા આવો.”

મેં કહ્યું – “સારું.”

એ તો ભૂલી જ ગયો હશે બિચારો. કાં તો એને એમ જ લાગતું હશે કે જગતમાં આવું જ હોય બધે. બુદ્ધિશાળીઓનું આવું વર્તન આપણે ચલાવી લેવાનું. હું ગયો એને ઘરે જમવા. ઘણી વાતો કરી. કહે – “ભગવાનની મહેરબાનીથી બધું સારું ચાલે છે. ભાઈઓએ ભાગ વહેંચ્યા. મારે ભાગે દશ વીઘાં જમીન આવી’તી. એક બળદ આવ્યો’તો. ખૂબ મહેનત કરી. સગાંસાંઈની મદદ લીધી. આમ કર્યું, તેમ કર્યું. અત્યારે બે જોડી બળદ છે. ૩૦-૩૫ વીઘા જમીન છે. ભગવાનને પ્રતાપે લીલાલહેર છે મનુભાઈ.”

ત્યારે મને વિચાર આવ્યો કે આ માણસને ગંડક બતાવતાં નો’તુ આવડ્યું એટલે માટે મેં એને તમાચો માર્યો હતો. હવે એ માણસ જીવનમાં કેટલો સફળ થયો છે ? મારે ભાગે આવી સ્થિતિ આવી હોત તો હું તો પાણીમાં જ બેસી જાત. ને આણે તો સંસાર જમાવ્યો. મને અમરશીની વાતે નમ્ર બનાવ્યો.

           નઈ તાલીમનું પગેરું

         “અન ટુ ધિસ લાસ્ટ” પુસ્તકના લેખક રસ્કિનની ફિલસૂફીથી પ્રભાવિત ગાંધીજીને ઈ.સ. ૧૯૦૪માં જણાએલું કે…

(૧) બધાનાં ભલામાં આપણું ભલું રહેલું છે.

(૨) આજીવિકાનો હક બધાને એક સરખો હોવાથી વાળંદ અને વકીલના કામનું મૂલ્ય એક સરખું છે.

(૩) શ્રમિકનું, ખેડૂતનું જીવન જ ખરું જીવન છે. આ વિચારોએ ગાંધીજીને શિક્ષણ વિશેના પોતાના મૌલિક પ્રયોગો દ્વારા પરિવર્તન લાવવાની પ્રેરણા પૂરી પાડી.

ઈ.સ. ૧૯૦૪માં આફ્રિકામાં સ્થાપેલ ફિનિક્સ આશ્રમમાં ગાંધીજીએ પોતાના પરિવારના બાળકોના શિક્ષણ માટે મૌલિક પ્રયોગો શરૂ કરેલા. તેમણે કરેલા આ પ્રયોગોમાં મળેલી સફળતાથી પ્રેરાઈને તેમણે પોતાના આ વિચારો ઈ.સ. ૧૯૦૮ની સાલમાં લખેલ હિંદ સ્વરાજ પુસ્તકમાં રજૂ કર્યા. આમ, નઈ તાલીમનો જન્મ ગાંધીજીની શિક્ષણ-પ્રયોગશીલતામાંથી થયો છે.

તા. ૨૨-૨૩ ઓકટોબર ૧૯૩૭માં શ્રીમન્નારાયણજીએ ગાંધીજીના અધ્યક્ષસ્થાને વર્ધા મુકામે મારવાડી વિદ્યાલયની રજત જયંતી નિમિત્તે યોજેલા રાષ્ટ્રીય કેળવણીકારોના એક સંમેલનમાં ગાંધીજીએ બુનિયાદી શિક્ષણનો વિચાર વ્યવસ્થિત રીતે રજૂ કર્યો. ચર્ચાના અંતે સહુની સંમતિ સધાતા તેને રાષ્ટ્રીય કેળવણી તરીકે સ્વીકારવામાં આવી અને તેના અમલ માટે ડૉ. જાકિર હુસેનના અધ્યક્ષ સ્થાને એક સમિતિની  રચના કરીને નઈ તાલીમના શ્રી ગણેશ કરવામાં આવ્યા.

           ૧૯૪૪ માં અંગ્રેજ સરકારે ગાંધીજીને જેલમાંથી છોડયા. તરત જ ગાંધીજીએ દેશના યુવાનોને નવી ચેતના અને દિશા દેવા માટે સેવાગ્રામ આશ્રમમાં બોલાવ્યા. ગાંધીજીએ યુવાનોને કહ્યું : નિરાશા છોડો, બહુ જલદી આપણે સ્વતંત્ર થઈશું. સ્વાતંત્ર્ય મળ્યા પછી સૌ પોતપોતાના કામમાં પડી જશે અને છેવાડાનો માણસ વિસરાઈ જશે. તેને કેળવણી આપી આત્મસન્માન કોણ અપાવશે ? સૌ ગામડાંમાં જાવ અને ગ્રામસેવા – ખાદી ગ્રામોદ્યોગ – શ્રમની કેળવણી દ્વારા વંચિતોને બેઠા કરો. ગામડાંમાં જવા માટે બાપુએ ત્રણ શરતો રાખી : ૧) ગામ નાનું, પાંચસોથી ઓછી વસતિવાળું હોય ૨) ગામમાં પ્રાથમિક શાળા ન હોય ૩) ગામ કોઈ સડક કે રોડ પર ન હોય અને રેલવે સ્ટેશનથી ઓછામાં ઓછું પાંચ કિમી દૂર હોય.. બસ, આ ત્રણ શરતો લઈને યુવાનો નીકળી પડયા. તેમાંથી સર્જન થયું ગ્રામ દક્ષિણામૂર્તિ-આંબલાનું, લોકભારતી – સણોસરાનું, લોકવિદ્યાલય – વાળુકડનું, વિશ્વમંગલમ – અનેરાનું, ગાંધી વિદ્યાપીઠ – વેડછીનું, સરદાર કન્યા વિદ્યાલય-સ્વરાજ આશ્રમ-બારડોલીનું,  લોકશાળા – ખડસલીનું…અને ઉત્તર ગુજરાતમાં કેશુભાઈ ભાવસાર તો દક્ષિણ ગુજરાતમાં જુગતરામકાકાએ તો આહલેક જગાવી. આ અનેક સ્થાનકો એ સઘળાં ગાંધીની કલ્પનાના કેળવણીધામ ! ચારે તરફ વનરાજી, સાદા – સુઘડ મકાન, ખેલકૂદના વિશાળ મેદાનો, ગાયોની ઘંટડીનો મધુર અવાજ, કેસર કેરી – ચીકુ – નાળિયેર – લીંબુ અને અંજીર થી છલકતાં ખેતરો, કુમાર અને કન્યા માટે છાત્રાલયો, છોકરાઓ માટે ખેતી અને છોકરીઓ માટે ગૃહવિજ્ઞાન વિદ્યાના ઉદ્યોગોનું શિક્ષણ, પ્રાર્થના – વિદ્યાર્થીની આમ સભા – સફાઈ – શ્રમ અપરંપાર. ભણવું ન પડે, શીખવું ન પડે પણ જીવતાં જીવતાં શીખાતું જાય ! ગાંધી – કેળવણીનું હાર્દ એટલું જ કે : નાનામાં નાના બાળકને પણ લાગવું જોઈએ કે તે પણ કંઈક છે અને તે પણ કંઈક કરી શકે છે…! 

ગાંધીની કેળવણીમાં મસ્તકનું શિક્ષણ છે, હૈયાંની સમજણ છે અને હાથ પગની પ્રવૃત્તિઓ છે. અહીં હૈયું – મસ્તક – હાથના સરવાળાથી આખા  માણસનો સર્વાંગી વિકાસ થાય છે. મસ્તક અને હાથ નવરા પાડવા નથી એટલે શયતાનિયત જન્મ લેતી નથી અને હૈયું વેરઝેરનો હિસાબ માંડતું નથી એટલે ત્રાસવાદનો કોરડો વીંઝાતો નથી. ગાંધી કેળવણીમાં તો તરુણ ભરચક્ક જીવતો જાય અને કરતાં – કરતાં શીખતો જાય !  

      નઈ તાલીમનો અમૃતકાળ 

  1. રાષ્ટ્ર સ્વતંત્ર થાય તે પહેલાં ગાંધીજીએ નઈ તાલીમના બીજ ઠેર ઠેર રોપ્યાં અને ફલત: અનેક સ્થળોએ ગાંધી સમર્પિત કાર્યકરો ગામડે ગામડે લોકશાળાઓ કે બુનિયાદી  શાળાઓ કે ઉત્તર બુનિયાદી શાળાઓ સ્થાપીને પાયાનું કામ કરવું આ લાગ્યા. લોકશિક્ષણનું પાયાનું કામ શરુ થયું. ગાંધીએ જેમને છેવાડાનો માણસ કહેલો ત્યાં સુધી કેળવણીની પ્રયોગશાળાઓ કાર્યરત થઇ ગઈ અને તેનો સ્વીકાર થવા લાગ્યો કારણ એ લોકોપયોગી છે તેવું ખુદ લોકોને જ લાગવા લાગ્યું. શિક્ષણના એક પ્રવાહ તરીકે તેનો સ્વીકાર થવા લાગ્યો. 
  2. ૨૧મી સદીની દુનિયામાં વિકસિત તથા વિકાસશીલ દેશોની સરકારોએ પાયાના ક્યા ક્યા સિદ્ધાંતો, મૂલ્યો, દ્રષ્ટિકોણ અને વ્યવહારો પોતાના દેશની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઘડવામાં અપનાવવા જોઈએ તેનું મૂલ્યવાન માર્ગદર્શન શ્રી જેક્યુઝ ડેલોર્સની અધ્યક્ષતામાં વિશ્વના વિવિધ ક્ષેત્રના સમર્થ વિદ્વાનોના બનેલા ૧૫ સભ્યોના આયોગે યુનેસ્કોને આપેલ છે. અનેકવિધ વિદ્વાનો અને નિષ્ણાંતોના સંહિયારા શાણપણનો અર્ક નીચેના ચાર આધારસ્તંભોમાં સમાવિષ્ટ છે.

(1) Learning to Know – જાણવા-માહિતી-જ્ઞાન માટેનું શિક્ષણ

(૨) Learning to Do – પ્રવૃત્તિ દ્વારા સર્જન કરવા માટેનું શિક્ષણ

(૩) Learning to Live together – સમૂહજીવનનું શિક્ષણ

(૪) Learning to Be – કૌશલ – વિકાસ માટેનું શિક્ષણ

  1. યુનેસ્કોએ તૈયાર કરાવેલ આવતીકાલના ટકાઉ શિક્ષણ માટેના સૂચિતાર્થોને કોઈપણ સામાન્ય અભ્યાસ જો નઈ તાલીમના પાયાના તત્ત્વો-તંત્ર સાથે સરખાવશે તો ખ્યાલ આવશે કે એ નઈ તાલીમની નવી આવૃત્તિ સમાન છે! નઈ તાલીમ મનુષ્ય જાતિના અસ્તિત્વ સુધી કાયમ પ્રસ્તુત જ રહેવાની છે. કારણ કે નઈ તાલીમ એ શિક્ષણ જગતનું સત્ય છે.
  2. એક પ્રશ્ન થવો જોઈએ કે શિક્ષણનો અભ્યાક્રમ કેવો હોવો જોઈએ ? જો કે, આ પ્રશ્નનો બહુ ઊંડાણથી વિચાર તો છેક વેદકાળથી થતો આવ્યો છે. ચાર વેદ અને છ વેદાંગોમાં ઘણી બધી વિદ્યાનો સમાવેશ થઈ  જાય છે. શિક્ષણ વિષયક છ અંગો આ રહ્યાં : 

1) શારીરિક (શિક્ષણ)     2)  ઔદ્યોગિક (કલ્પ)      3) ભાષાકીય (વ્યાકરણ)               

 4) સામાજિક(નિરુક્ત)          5) કલાવિષયક (છંદસ )     6) વ્યાવહારિક (જ્યોતિષ) :

રસોઈ કરવાથી લઈને આધિભૌતિક વિજ્ઞાન સુધીની બાબતોનો અહીં સમાવેશ છે. 

        શિક્ષણનાં આ છ મુખ્ય અંગોમાં ઓછું-વત્તુ ખેડાણ આપણે ત્યાં પહેલેથી થતું આવ્યું છે.. નઈ તાલીમ એ આ છએ છ અંગોને સ્પર્શે છે, તેથી તેનો સાદર સ્વીકાર પુરા રાષ્ટ્ર દ્વારા થવો જોઈએ તેવું સૌ શાસકો કહ્યા વગર સ્વીકારે છે પણ તેઓ ગાંધીનું નામ એની સાથે જોડતાં ગભરાય છે !! તે ત્યાં સુધી કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ના હાર્દ રૂપ તત્ત્વોમાંથી એંસી ટકા તો નઈ તાલીમની કેળવણીના છે,  છતાં એ નીતિના દસ્તાવેજમાં ક્યાંય ગાંધીજીનું નામ નથી !! જો કે, આ વાત જ એ પ્રતીતિ કરાવે છે કે રાષ્ટ્રના અમૃત પર્વ ટાણે નઈ તાલીમને તો પંચ્યાશી વર્ષો થયા છતાં એમનુ નામ લીધા વિના એનો સ્વીકાર કરવો પડે છે તે જ તો તેનો વિશિષ્ટ-અમૃતકાળ  છે.

         મહાત્મા ગાંધીજીના શબ્દોમાં તેઓએ પ્રબોધેલી  કેળવણીની પદ્ધતિ વિષે તેઓના જ શબ્દો જાણીને વિરામ લઈએ:: 

         ‘મારી નઈ તાલીમની વ્યાખ્યા એ છે કે, જેને નઈ તાલીમ મળી છે તેને જો ગાદી પર બેસાડશો તો તે ફૂલાશે નહીં અને ઝાડું આપશો તો તે શરમાશે નહીં. તેને માટે બંને કામની સરખી જ કિંમત હશે. તેના જીવનમાં નકામા મોજશોખને તો સ્થાન હોઈ જ ન શકે. તેની એક પણ ક્રિયા અનુત્પાદક કે અનુપયોગી નહીં હોય. નઈ તાલીમનો વિદ્યાર્થી ઢબ્બુ તો રહી જ ન શકે, કેમકે, તેના પ્રત્યેક અંગને કામ મળશે, તેની બુદ્ધિ તથા તેના હાથ સાથે સાથે ચાલશે.’

           “લોકો હાથે કામ કરશે ત્યારે બેકારી અને ભૂખમરાનો તો સવાલ જ નહીં રહે. મારી નઈ તાલીમ અને ગ્રામોદ્યોગ એક જ સિક્કાની બે બાજુઓ છે. એ બંને સફળ થશે તો જ સાચું સ્વરાજ આવશે.”

            “જુઓ, આ નઈ તાલીમનું કામ મારા જીવનનું છેલ્લું કામ છે. ભગવાને એને પૂરું કરવા દીધું તો હિંદુસ્તાનનો નકશો જ બદલાઈ જશે. આજની કેળવણી તો નકામી છે. જે છોકરાઓ શાળા-કોલેજોમાં શિક્ષણ મેળવે છે તેમને અક્ષરજ્ઞાન ઉપરાંત બીજું પણ કંઈક જોઈએ છે. એ અક્ષરજ્ઞાન આપણાં બીજાં અંગોને નકામાં બનાવી દે તો કહીશ કે, મારે તમારું જ્ઞાન નથી જોઈતું.. સારાંશ એ છે કે, હરેક પ્રકારના શરીરશ્રમ કરનારા જોઈએ અને એની સાથે સાથે સૌને માટે અક્ષરજ્ઞાન પણ જોઈએ. જે જ્ઞાન મુઠ્ઠીભર લોકોની પાસે જ હોય તે મારે કામનું નથી. હવે સવાલ એ છે કે, સૌને એ જ્ઞાન કેવી રીતે મળે ? એ વિચારમાંથી નઈ તાલીમનો જન્મ થયો છે. હું તો કહું છું કે, નઈ તાલીમ સાત વરસના બાળકથી નહીં, માના ગર્ભથી શરૂ થવી જોઈએ. એનું રહસ્ય તમે સમજી લો. મા પરિશ્રમ કરનારી હશે, વિચારવાન હશે, વ્યવસ્થિત હશે, સંયમી હશે તો બાળક પર એના સંસ્કાર માના ગર્ભમાંથી જ પડશે.”