ભદ્રાયુ વછરાજાની                            bhadrayu2@gmail.com 

એક વખત વીરબલને રાજસભામાં આવતા મોડું થઈ ગયું. બાદશાહે પૂછ્યું : ‘અલ્યા, કેમ મોડો આવ્યો ?’ તો કહે : ‘જનાબ, છોકરાને રમાડતો હતો, તેમાં સમયસર ન નીકળાયું.’

‘લે શેમાં શી મોટી ધાડ મારવાની હતી ? ખાવાનું  આપી દીધું હોત તો વાત પતી જાત.’

‘ના માલિક, એટલું સહેલું કામ એ નથી.’

બાદશાહ હઠે ચડયા. છોકરાં રમાડવાં તેમાં વળી શી વડાઈ ? છેવટે  નક્કી થયું કે બાદશાહ બને બાપ અને બીરબલ બને દીકરો. દીકરાને બાપ રમાડી જાણે તો જાણવું કે છોકરાં રમાડવાં સાવ સહેલાસટ… અને શરત શરૂ થઈ.

બીરબલે તો શરૂ કર્યું : “એં એં…” 

બાદશાહે પ્રેમથી પૂછ્યું, “કેમ બેટા, કેમ રડે છે ? શું જોઈએ તારે ?’

‘ખાવું છે!’

‘ઓહો, એમાં શી મોટી વાત? શું ખાવું છે ?’

‘શેરડી !’

‘અલ્યા, શેરડી લઈ આવો !’

શેરડી આવી.  નોકરને કહ્યું કે કાપી આપ. કાપી આપી પણ પણ દીકરો તો પાછો વળી ‘ એં એં એં’  કરવા લાગ્યો. ‘અલ્યા, હવે તારે શું જોઈએ ?’ ‘ના, બાપુ, તમે શેરડી કાપી દ્યો. તમે જ.’

‘લે બાપા, હું કાપી આપું…’ બાપાએ પોતે શેરડી કાપી આપી…પણ છોકરાએ તો શેરડીનો કર્યો ઘા ! ‘કેમ બેટા, હવે શું જોઈએ ?’

‘મારે તો ઘોડા પર બેસવું છે !’

ઘોડો મંગાવ્યો. પણ ‘ એં એં એં’  તો ચાલુ જ… ‘હવે તારે શું બાકી રહ્યું છે, દીકરા ?’

‘માલા માટે   તમે ઘોલો બનો અને એ ઘોલા પર માલે બેસીને શેરડી ખાવી છે…’ 

બાદશાહ ઘોડો થયાં અને બીરબલ તેનાં પર બેઠા. તેને કાપેલી શેરડી હાથમાં આપી, ત્યાં પાછું ‘ એં એં એં…’  

બાદશાહ કહે : ‘અલ્યા, હવે શું છે તારે ?’ 

‘બાપા ભાંગેલી શેરલી આખી કરી દ્યો તો ખાઉં…’ 

બાપા બનેલા બાદશાહ બરાડી ઉઠયા : ‘હઠ  હરામખોર !’

અને શરતમાં બીરબલ જીતી ગયો એ કહેવાની જરૂર છે ? આ ભ્રમણા કેવળ બાદશાહને નહિ, આપણને સૌને છે કે છોકરાં એટલે ગણતરીમાં નહિ લેવાની બાબત. બાળક સંભાળવું એટલે બાળકને કેળવવું. બાળક સાથે બાળક થવાની મઝા બધાના ભાગ્યમાં  નથી હોતા !!

આપણું બાળક આપણે ધારીએ છીએ તે કરતાં વધુ સમજુ છે અને સંવેદનશીલ પણ. મારાં ઘરની સામે નંદિશ રહે છે. સાત- આઠ વર્ષનો છે. તેનાથી મોટી ચાર પાંચ વર્ષે બહેન કથિકા. બંન્ને જીવંત બાળકો છે. ગમા – અણગમા – ચંચળતા – ગુસ્સો બધું જ છે એનામાં. હોય જ ને, બંન્ને બાળક છે ! નંદિશનો જન્મ થયો ત્યારે કથિકા સમજુ હતી ઉંમરે. મારી સાથે ચોવટ કરે ભાઈની, ભાઈના નખરાંની અને ઘણી બધી. એકવાર કથિકા બહુ મોટા મનોવિજ્ઞાનીની અદાથી મને કહે : ‘તમને ખબર છે અંકલ ? નંદિશ હજુ છ મહિનાનો થયો છે ને ત્યાં એનો મૂડ  બતાડવા લાગ્યો છે.’ મૂડ બતાડવા લાગ્યો છે એટલે શું તે હું વિચારું ત્યાં જ કથિકાએ ચોખવટ કરી. ‘તમને સમજાવું અંકલ, અર્ધી કલાક એક જગ્યાએ થઇ નથી કે નંદિશ ભેંકડો જોડયો નથી !’ મેં જરા માસ્તરગીરી કરી અને પ્રશ્ન પૂછ્યો કે, ‘ એવું તે કંઈ હોય ? હજુ તો નંદિશ છ મહિનાનો છે એને બળી મુડ બુડ થોડું હોય ?’  તરત મારી સામે વ્હાલથી છણકો કરી કથિકા બોલી : ‘તમે મારી મમ્મીને પૂછી જોજો. અમારા ઘરમાં હું તો નંદિશને જોઉં છું ને ! બેડરૂમમાં રમતો હોય ને બરાબર કલાક થાય એટલે કચકચ શરૂ કરે. પાછી મમ્મી ડ્રોઈંગરૂમમાં લાવી બધાની વચ્ચે સુવડાવે એટલે હસવા લાગે અને ત્યાં પણ એક કલાક થયો નથી ને ભાઈનું છટક્યું નથી ! અંકલ, તમને નંદીશના નખરાંની શી ખબર પડે ?’ કથિકાના છેલ્લા પ્રશ્નથી હું જાગી ગયો અને મને લાગ્યું તે સાચી છે, આપણને આપણાં બાળકોની સમજનો ક્યાં અંદાજ જ છે ? સમજથી સંવેદના ઘડાય અને સંવેદનામાંથી ચેતના પ્રગટે…!

કુટુંબ કેન્દ્ર છે સમાજનું. મા – બાપ – મિત્રો – પાડોશી – ભાઈ – બહેન બધાં તો પરિધ પર ફરે છે. કુટુંબનું કેન્દ્ર છે બાળક. આ બાળકની સમજને ઓછી આંકવાની ભૂલ કરવા જેવું નથી. કુટુંબો તૂટતાં જાય છે તેથી બાળકની સમજ ખરડાતી જાય છે. સેજલ સાડા ચાર વર્ષની છે. તેનાં મમ્મી પપ્પાને ઘણાં પ્રશ્નો હતા. પ્રશ્નો ધીમે ધીમે ક્લેશ બનવા લાગ્યા અને અંતે ઘણી માથાકૂટ પછી છૂટાછેડા થયા. સેજલ તેની મમ્મી સાથે મામા મામીના ઘરે રહેવા લાગી. મામા મામી શિક્ષકો. શિક્ષક દંપતીએ  આંતરજ્ઞાનીય લવમેરેજ કરેલાં. સેજલને સરસ કુટુંબ મળે એટલે બહેનને ભાઈ ભાભીએ સમજાવી ફરી પરણવા માટે. જલ્દી બધું ન ગોઠવાયું પણ ધીમે ધીમે ગૂંચો ઉકેલાતી ગઈ. આ બધી પ્રક્રિયાની મૂક સાક્ષી સેજલ. એક પ્રસ્તાવ આવ્યો. તે પણ છૂટાછેડા લીધેલ પુરુષ. સારું હતું બધી રીતે. ફોરવર્ડ ભાઈ ભાભીએ દોર સંભાળ્યો. સેજલને અને તેની મમ્મીને બધાં જ ઈનપુટ સાથે આગળ ધપાવ્યાં. હળ્યા- મળ્યા – ફરવા પણ જવા દીધાં – મોડેથી ફ્રી થાય ત્યારે પેલું નવું પાત્ર સેજલની મમ્મીને ફોન કરે. ભાઈ – ભાભીએ ઈચ્છયું કે આમ થશે તો જેમને જોડાવવું  છે તેમની વચ્ચે બધાં ખુલાસાઓ પહેલાં થઈ જશે. લેટ ધેમ ઈન્ટરેક્ટ. વાત અહીંયા મોટાને સમજાવવાની છે, પણ પેલી નાની સાડા ચાર વર્ષની સેજલની સમજ એડવાન્સ છે. તે બોલતી નથી, પણ સમજે છે બધું જ. સેજલે એક દિવસ મામીએ કહ્યું : ‘મામી, તમને ખબર છે હમણાં મને રોજ મમ્મી રાત્રે નવ વાગે કેમ સુવડાવી દે છે ?’ મામી કહે : ‘ના સેજલ, મને તો ક્યાંથી ખબર હોય ?’ સેજલ બોલી : ‘મને બધી ખબર છે. મારી મમ્મીને નવા પપ્પાનો ફોન આવે છે, બંન્ને ડાહી ડાહી વાતો કરે છે. હું મમ્મીને ડિસ્ટર્બ ન કરું ને એટલે મને મમ્મી હમણાં રાત્રે વહેલી સુવડાવી દે છે..’ સાડા ચાર વર્ષની સેજલ ! કેટલી મેચ્યોર ? કેટલી એની સ્પષ્ટ સમજ ! સલામ એ બાળચેતનાને… આ સમજનો સાગર આપણે ખારો કરીએ છીએ. ટીવીની ચેનલ્સ, છાપાનાં કચરા જેવા ગલગલિયા કરતાં સમાચારો અને અબુધ વાતાવરણમાંથી ગંદવાડ ઠલવાય છે દરિયામાં…

નંદિશ હવે આઠ વર્ષનો છે. વેકેશનમાં શેરીમાં ધમાલ કરતો હતો બધાં બાળકો સાથે. એમાં પ્રતીક – ઋતુ – ડોલી – ભૂમિ – કેદાર – કથિકા – નંદિશ સૌ ખરાં. છોકરા છોકરી ભેગા મળી ધીંગામસ્તી કરતાં હતા… પણ અચાનક નંદીશે ટ્રેક બદલ્યો. નંદીશના દાદીએ કહ્યું : નંદિશ બહુ હળી મળી ગયો હતો, જમાવટ હતી, પણ ત્યાં એનાં ટીચરે કહ્યું કે : બોયઝ સાથે બોયઝ રમે ને ગર્લ્સ સાથે ગર્લ્સ. બોયઝ – ગર્લ્સ ભેગા નહીં રમવાનું.. બસ ત્યાંથી નંદિશ ફરી સંકોચાઈ ગયો છે ! સૂનમૂન થઈ ગયો છે. ઘરમાં અતડો થઈ ગયો છે. શેરીમાં રમવાનું બંધ કરી દીધું છે. ગડમથલ છે નંદીશના મનમાં કે મને મજા આવે છે તે સાચું કે મારાં ટીચર કહે છે તે ?’ કથિકા – કશ્તિ – સેજલ તો ઈશ્વરદત્ત સમજથી ઘૂઘવે છે, તેમાં ખારાશ ભેળવવાનું પાપ તો આપણે કરીએ છીએ..!

‘એ માણસ એવો કેમ છે ?’ 

‘અરે, આ ડાહી લગતી  સ્ત્રી આમ વિચિત્ર કેમ વર્તે છે ?’ 

‘સજી ધજીને ફરનારી વ્યક્તિને નાની – મોટી વસ્તુઓ તફડાવી લેવાની ક્યાંથી ટેવ પડી ?’ 

‘બહારથી લઘરો દેખાતો જણ કામ કરવામાં પરફેક્ટ કેવી રીતે હોઈ શકે ??’ 

આ પ્રશ્નાર્થો વ્યાજબી છે, પણ તેનાં મૂળમાં જાઓ તો ખ્યાલ આવે કે આ બધાં જ પ્રશ્નોના મૂળિયાં વ્યક્તિના બાળપણમાં જઈને નીકળે છે. વિકાસલક્ષી મનોવિજ્ઞાનના ધૂરંધરો બરાડી બરાડીને કહે છે કે : તમારા સંતાનનાં પહેલાં સાત વર્ષનો ઉછેર જો તમે જાળવી લીધો તો પછી ગંગા ન્હાયા ! તમે તમારા બાળકની ફીકર છોડી દો. ટેવના, સંસ્કારનાં, વર્તનના બીજ આ સાત વર્ષોમાં રોપાય જ જાય છે, બસ પછી તો તેનું નર્ચરિંગ થયા કરે છે… માણસની  સારપ કે માણસની ખરાબીનો નકશો તો બાળપણમાં જ દોરાય જાય છે, પછીનાં જીવનમાં તો એ નકશા મુજબની ઈમારત બંધાય છે. આખું વિશ્વ જેના ચિંતનને કાનધરી સાંભળે છે તે આચાર્ય રજનીશ (ઓશો) કહે છે : ‘જીવનમાં સાત સાત વર્ષના વર્તુળ હોય છે. સાત વર્ષ બાદ બાળક શક્તિશાળી બની જાય છે. હવે તેને ખબર છે ક્યાં જવાનું છે અને શું કરવાનું છે ? તે દલીલ કરવા માટે સમર્થ બની જાય છે કે,  શું સાચું છે અને શું ખોટું છે અને તેની સ્પષ્ટતા એ વખતે ચરમસીમાએ હોય છે. જો તેને બાળપણના વર્ષોમાં વિચલિત કરાય નહીં તો તે સાતમા વર્ષે દરેક બાબતમાં સ્પષ્ટ હશે જેનાથી તેનું સમગ્ર જીવન કોઈપણ પસ્તાવા  વિના પસાર થાય છે.’ આ શબ્દો કહેનાર રજનીશની ખુદની ઉછેરની વાતો જાણવા જેવી છે. જે બાળક આગળ જઈને પોતાના વિચારોથી દુનિયાભરમાં તોફાન મચાવી નાખવાનો હતો તે જીવનનાં પ્રથમ નવ વર્ષ સુધી અભણ હતો !! તેને અક્ષરજ્ઞાન ન હતું, ભાષા કે ગણિત સાથે તેને કોઈ લેવા – દેવા ન હતી. ગામ જ એવું કે એમાં શાળા – રેલવે સ્ટેશન – બસ સ્ટેન્ડ – હોસ્પિટલ – પોસ્ટ ઓફિસ એવું કશું જ નહીં. કૂચવાડા ગામ માટે કહેવું અઘરું કે ત્યાં જીવન પણ છે ?!  ન છાપું આવે કે ન કોઈ શિક્ષક. આવાં વાતાવરણમાં જે બાળક ઉછર્યું તે એકાંતપ્રિય થયું પણ તેની આંગળી પકડીને input આપ્યા સહજતાથી તેની નાનીમાએ. રજનીશના પ્રથમ સાત વર્ષ નાના નાનીના ઘરે પસાર થયાં અને ખાસ કરીને નાની સાથે કૂચવાડામાં. આ સાત વર્ષોમાં જે રોપાયું, તે ઉગ્યું અને વટવૃક્ષ થઈ ગયું. એક એવું જીવન કે જે  રહસ્ય અને રોમાન્ચથી ભરેલું, આધ્યાત્મિક ઊંચાઈ પ્રાપ્ત કરેલું અને આજના સંદર્ભમાં આપણાં માટે નવો જ દ્રષ્ટિકોણ પરિભાષિત કરતું જીવન…

બાળપણમાં બોલાયેલો એકાદો શબ્દ કે નાનપણમાં જીવાયેલી એકાદી પળ સમગ્ર જીવન ઘડતરનું ફાઉન્ડેશન ભરે છે, એ વાત મા – બાપ – શિક્ષકે ભૂલવા જેવી નથી… આજના યુવાનો અને વૃદ્ધો જેમને એક સરખી ચાહતથી વાંચે છે અને સાંભળે છે તે યુવા – આઈકોન જય વસાવડા પોતાના ભાષણમાં પંચતંત્રથી લઈને પાબ્લો નેરુદા સુધીની વાર્તાઓ – અવતરણો  – હકીકતો અસખલ્લીત વર્ણવે છે તેનો શ્રેય જાય છે જયનાં માતુશ્રીને. એમણે જયને સ્કૂલ ન ધકેલી દઈ ઘરમાં ઢગલાબંધ પુસ્તકો વચ્ચે મૂકી દીધો ! આજના જય વસાવડાનું વિચાર વિશ્વ તો પહેલાં સાત વર્ષમાં તરબતર થઈ ચકયું હતું, આપણી સમક્ષ તે હવે જે વ્યક્ત કરે છે તે બાળઉછેરનું ભાથું છે… આપણાં સંતાનનાં પહેલાં સાત વર્ષ સહજતાથી આપણે સંગોપી લઈશું તો આપણને સીત્તેર પછી કશી અડચણ એ સંતાન ભવિષ્યમાં ઊભી નહીં કરે, તેની ખાતરી.

હવે વિજ્ઞાનની અંતિમ શોધોએ પુરવાર કર્યું છે કે Child by choice, not by chance. બળદેવતા પસંદગીથી અવતરે, અકસ્માતે નહીં ! શારીરિક જરૂરિયાત માટે નહીં, સામાજિક પ્રતિષ્ઠા ખાતર નહીં, જાતીય આનંદ માટે નહીં, સ્થાવર – જંગમમાં વારસદાર માટે નહીં,… સાંવેગિક અને આત્મીય પરમાનંદ માટે; હવેનાં બંનેના જીવનને એક યુ-ટર્ન આપવા માટે; પોતપોતાનાં બાળપણમાં ફરી પાછી લટાર મારવા માટે; એક કૂણા જીવ સાથે આપણાં જીવ ગૂંથી જીવનને અલગ રીતે ધબકતું કરવા માટે એક બાળકને ‘ આમંત્રણ – સપ્રેમ – સ્વાગતમ – સાદર નિમંત્રણ – રેડ કાર્પેટ વેલકમ’  કહેવાની ક્ષણ તે માતા પિતા બની જવાની મંગલ ઘટના છે. બનાવો  બને છે, ઘટના તો પરમની ઈચ્છાથી ઘટે છે ! શાંતિનું વાવેતર કરવા માટે બાળક ઉછેરવાની એક ઓર મઝા છે અને એ મઝા લૂંટી શકે તે ધન્ય છે.

નાનાભાઈ ભટ્ટ કહેતા : ‘ નાનાં બાળકો તે દેવની પ્રસાદી છે.’  ટાગોર કહે : ‘ બાળક એ તો ઈશ્વરના હસ્તાક્ષર છે. હજુ ભગવાનની શ્રદ્ધા આપણામાંથી ડગી નથી તેની સાબિતી રૂપે તે પોતાનાં અંશને આપણાં ખોળામાં મૂકે છે !’  બાળઉછેર એ બહુ મોટી જવાબદારી તો છે જ, પણ આપણાં જીવનની વિડીયો  રિવાઈન્ડ કરવાની આપણને મળેલી ઉત્તમ તક છે. બાળકને ધીરે ધીરે એના ક્રમમાં આગળ વધવા દેવાનું છે. ઉતાવળને ત્યાં જરાય અવકાશ નથી. નવ મહિના ઘોર અંધારામાં રહેલું બાળક માના ગર્ભાશયમાંથી આ પૃથ્વી પર આવે ત્યારે ઓરડામાં ફ્લડ લાઈટ હોય તો ન ચાલે. ધીમા મંદ પ્રકાશમાં જ સુવાવડ થાય તે જોવું જોઈએ. બાળકને આસ્તે આસ્તે પ્રકાશની દુનિયામાં લઈ આવવાનું છે. આ પ્રકિયા બધી જ ઈન્દ્રિયો માટે લાગુ પડે છે. દર્શકદાદા કહે છે કે : બાળકને સ્વાનુભવની બારાક્ષરી પર અનંતનો પરિચય થાય છે. સ્પર્શનાં સાધનો કે રમકડાં પહેલાં રેશમ – મખમલના ધરવા અને છેલ્લે ખરબચડાનો સ્પર્શ કરાવવો અને તે પણ  જરૂર પડે તો જ. અનુભવ જેવો  કોઈ ગુરુ નથી. અનુભવે બાળકને થશે કે જગતમાં સજીવ નિર્જીવ બે વસ્તુ છે. ઝાડને પાણી પાવું પડે છે. દેડકાં, કીડીને પણ સુખદુઃખનો અનુભવ થાય છે. હું અને કૂતરું બંન્ને સગાં છીએ. બંનેનાં સુખદુઃખ સમાન છે. આવી સંવેદના બાળકમાં જગાડવાની છે.. મા બાપ કે શિક્ષક તરીકે એ સંવેદના જગાડી શકીશું તો જ જગતમાં શાંતિ પ્રસ્થાપિત થશે.