સગુણને નિર્ગુણની મદદ જોઈએ. ગમે ત્યારે પણ વ્યક્તિમાંથી કે  આકારમાંથી બહાર નીકળવાનું કે છૂટવાનું શીખવું જોઈએ

ભદ્રાયુ વછરાજાની                  (46)                     bhadrayu2@gmail.com 

પોતાના નિત્ય નિરાળા ગીતા પ્રવચનોમાં શ્રી વિનોબાજી એક સરસ વાત કરે છે : આરંભથી અંત સુધી ગીતા પવિત્ર છે, પણ વચલા કેટલાક અધ્યાયો તીર્થરૂપ બન્યા છે. બારમો અધ્યાય તો ખુબ જ પાવન તીર્થ સમાન છે. ખુદ ભગવાને તેનેઅમૃતધારકહેલ છે. અમૃત જેવો મીઠો છે, સંજીવની રૂપ છે કારણ આ અધ્યાયમાં ભગવાનના મુખેથી ભક્તિરસના મહિમાનું તત્ત્વ ગવાયેલું છે.” 

આમ જોઈએ તો પાંચમા અધ્યાય પછીથી સતત ભક્તિયોગની જ વાત આવ્યા કરે છે પણ આ બારમાં અધ્યાયમાં ભક્તિરસની સમાપ્તિ કરવાની હોય તેમ લાગે છે. 

       પોતાનું વિરાટ રૂપ દર્શાવ્યા બાદ ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ ફરી નાના છતાં નક્કર પ્રશ્ન સાથે અર્જુન હાજર છે.  શ્રીમદ ગીતાના બારમાં અધ્યાયના આરંભે અર્જુન પૂછે છે કે, “નિયુક્ત  થઈને તમને ભજે તે અને અક્ષર-અવ્યક્ત થઇ તમને ભજે એ બંનેમાંથી કહો તો કે કોણ ચડે ??” 

બસ, આ એક જ પ્રશ્નના જવાબમાં ભગવાન પુરા અધ્યાયને સમર્પિત કરે છે અને ઓગણીશ શ્લોકોમાં વિસ્તૃત જવાબ આપે છે. જેનો ટૂંકો સાર એટલો છે કે “મારામાં મન પરોવીને જે  મને હમેશા સાથે રાખીને પરમ શ્રધ્ધાથી ભજે તે યોગીથી પણ ચડી જાય છે.” 

         અર્જુન પ્રશ્ન પૂછે છે કે, કેટલાક સગુણનું ભજન કરે છે ને કેટલાક નિર્ગુણની ઉપાસના કરે છે, તો એ બંનેમાંથી હે ભગવાન, તમને કયો ભક્ત પ્રિય છે ?”

ભગવાન શો જવાબ આપે? કોઈ મા હોય અને તેના બે દીકરાની બાબતમાં કોઈ સવાલ પૂછે તેવું જ આ થયું. માનો એક દીકરો નાનો હોય. તે માને ખૂબ પ્રેમ ને લાડથી વળગતો હોય. માને જોતાંની સાથે તે હરખાઈ જાય. મા જરા આધીપાછી નજર બહાર જાય એટલે તે બેબાકળો થઈ જાય, માથી આઘો તે જઈ જ શકતો નથી. તેને જરાયે છોડી શકતો નથી. માનો વિયોગ એ નાના દીકરાથી સહેવાતો નથી. માની હાજરી ન હોય તો આખો સંસાર તેને સારું શૂન્ય જેવો થઇ જાય છે. આવો એ માનો એક નાનો બાળક છે. બીજો મોટો દીકરો છે. તેના દિલમાં પણ માને સારુ પાર વગરનો પ્રેમ ભરેલો છે. પણ તે સમજણો થયો છે. માથી તો આઘો રહી શકે છે. વરસ કે છ મહિના સુધી માને મળવાનું કે દર્શન કરવાનું ન થાય તોયે તેને ચાલે છે. તે માની સેવા કરવાવાળો છે. બધી જવાબદારીનો ભાર માથે લઈ તે કામ કરે છે. ઉદ્યોગમાં ગૂંથાયેલો હોવાથી માનો વિયોગ તે સહન કરી શકે છે. લોકોમાં તે માન્ય થયેલો છે. અને બધે ઠેકાણે તેની ખ્યાતિ થયેલી સાંભળીને માને સુખ થાય છે. આવો એ માનો બીજો દીકરો છે. આવા આ બે દીકરાની માને સવાલ પૂછો તો તે શો જવાબ દેશે? તેને તમે કહો, “હે મા, આ બે દીકરામાંથી એક જ અમે તને આપવાના છીએ, પસંદ કરી લે.” મા શો જવાબ આપશે? કયા દીકરાને તે સ્વીકારશે ? ત્રાજવાનાં બે પલ્લામાં બંનેને બેસાડી તે શું તેમને તોળવા બેસશે? કુદરતી રીતે તે શો જવાબ આપશે? તે બિચારી મા કહેશે, “વિયોગ થવાનો જ હોય તો મોટા દીકરાનો વેઠીશ.” નાનાને એણે છાતીએ વળગાડેલો છે. તેને તે દૂર કરી શકતી નથી. નાનાનું વધારે ખેંચાણ ધ્યાનમાં રાખી મોટો આઘો થાય તો ચાલશે, એવો કંઈક જવાબ તે આપી છૂટશે. પણ માને વધારે વહાલો કયો, એ સવાલનો આ જવાબ નહીં ગણી શકાય. કંઈક કહેવું જોઈએ તેટલા ખાતર આટલા ચાર શબ્દ તેણે કહ્યા. પણ એ શબ્દોને મારી મચડીને તેમાંથી અર્થ કાઢવાનું બરાબર નહીં થાય.

  શ્રી વિનોબાજી એક ટકોર કરે છે જે આજના સમયમાં બહુ જ નિર્ણાયક નીવડે તેમ છે. તેઓ કહે છે, ‘ જુદાં જુદાં કામો કરવાને માટે, સેવાને માટે આપણે સંસ્થાઓ કાઢીએ છીએ. સંસ્થા સ્થાપન થાય છે. તે શરૂઆતમાં વ્યક્તિનિષ્ઠ હોય છે. પણ જેમ જેમ સંસ્થાનો વિકાસ થતો જાય તેમ તેમ તે વ્યક્તિનિષ્ઠ ન રહેતાં તત્ત્વનિષ્ઠ થવી જોઈએ. આવી તત્ત્વનિષ્ઠા ઉત્પન્ન ન થાય તો – પેલી પ્રેરણા આપનારી વ્યક્તિ દૂર થતાં તે સંસ્થામાં અંધારું ફેલાય છે. પેલી વ્યક્તિનો આધાર ખસી જતાં સંસ્થાની દશા દયનીય થાય છે. તે સંસ્થા માબાપ વગરના બાળક જેવી અનાથ થઈ જાય છે. વ્યક્તિનિષ્ઠામાંથી તત્ત્વનિષ્ઠા પેદા થાય તો એવું ન થાય.’ આજે  ગાંધી સંસ્થાઓ જે રીતે કંગાળ થતી જાય છે તેની પાછળ નું  આ કારણ હોઈ શકે. 

સગુણને નિર્ગુણની મદદ જોઈએ. ગમે ત્યારે પણ વ્યક્તિમાંથી કે  આકારમાંથી બહાર નીકળવાનું કે છૂટવાનું શીખવું જોઈએ. ગંગા હિમાલયમાંથી નીકળી  શંકરની જટામાંથી પણ નીકળી,  ત્યાં જ રહી નથી. એણે જટા છોડી, હિમાલયનાં પેલા કોતરો ને ખીણો છોડયા, જંગલ ને વન છોડી સપાટ મેદાન પર ખળખળ વહેતી થઈ ત્યારે વિશ્વજનને ઉપયોગી થઈ શકી. એ જ પ્રમાણે વ્યક્તિનો આધાર છૂટી જાય તો પણ તત્વના પાકા મજબૂત આધાર પર ઊભી રહેવાને સંસ્થા તૈયાર થવી જોઈએ. કમાન બાંધતી વખતે તેને આધાર આપવામાં આવે છે. પણ તે આધાર પાછળથી, કમાન પૂરી બંધાઈ ગયા પછી કાઢી લેવાના હોય છે. આધાર કાઢી લીધા પછી કમાન સાબૂત ટકી રહે તો જાણવું કે પહેલાં ગોઠવેલો આધાર સાચો હતો. શરૂમાં પ્રેરણાનો ઝરો સગુણમાંથી છૂટ્યો એ સાચું પણ છેવટે પરિપૂર્ણતા તત્વનિષ્ઠામાં, નિર્ગુણમાં થવી જોઈએ. ભક્તિની અંદરથી જ્ઞાન પેદા થવું જોઈએ. ભક્તિની વેલને જ્ઞાનનાં ફૂલ બેસવાં જોઈએ.