જિંદગી અભ્યાસક્રમ મુજબ જીવી શકાય ખરી ?

ભદ્રાયુ વછરાજાની                                   bhadrayu2@gmail.com 

ઉપનિષદમાં એક કથા આવે છે. આઠ – દસ વરસનો એક છોકરો હાથમાં સમિધા લઈને, ‘સમિતપાણી’ થઈને ગુરુ પાસે ગયો અને તેણે કહ્યું : ‘હું જ્ઞાન માટે આવ્યો છું.’ ગુરુએ તેને  કહ્યું કે : ‘આ ૪૦૦ ગાયોને ચરાવવાનું કામ કર અને તેની જયારે હજાર ગાય થઈ જાય ત્યારે મારી પાસે જ્ઞાનને માટે આવજે.’ ૪૦૦ ગાયોની હજાર થવામાં બે – ત્રણ વરસ લાગી જાય, એટલે કે તે દસ વરસના છોકરાને બે – ત્રણ વરસની યોજના આપી દીધી. બે – ત્રણ વરસે એ પાછો આવ્યો, ત્યારે ગુરુએ તેની સામે જોયું અને પૂછ્યું : તારો ચહેરો તો તેજથી ચમકી રહ્યો છે. કેમ રે, તને કંઈક જ્ઞાન મળ્યું હોય એમ લાગે છે.’ ત્યારે શિષ્ય બોલ્યો : “જ્ઞાન તો ગુરુ કૃપાથી જ મળે. એ તો મને તમારી પાસેથી જ મળશે.’ ગુરુએ કહ્યું : ‘એ તો ખરું, પણ તારા ચહેરા ઉપર જ્ઞાનની ચમક દેખાય છે, તો શું તને કોઈએ કાંઈ જ્ઞાન આપ્યું ?” શિષ્યે જવાબ આપ્યો : “અન્યે મનુષયેભ્ય: – મને કોઈ માણસે નહીં, કોઈ બીજાઓએ જ્ઞાન આપ્યું.”

તેને  બળદે કંઈક જ્ઞાન આપ્યું, હંસે આપ્યું, અગ્નિએ આપ્યું અને મગદુ નામના પક્ષીએ આપ્યું. આ ચારેય જણે તેને  શું – શું જ્ઞાન આપ્યું, તેનું વર્ણન ઉપનિષદમાં છે. પછી ગુરુએ કહ્યું : ‘તને જે જ્ઞાન મળ્યું છે, તે બહુ સારું છે.’ પછી જે મળ્યું હતું તેની પૂર્તિમાં જે કહેવાનું હતું, તે ગુરુએ તેને કહ્યું.  તાત્પર્ય એ છે કે ઉપનિષદોના ગુરુ વિદ્યાર્થીઓને ઊંચી દીવાલોની અંદર નહોતા રાખતા, એમને તો કુદરત વચ્ચે મૂકી દેતા. ભગવાનના એ ખુલ્લાં દરબારમાં જ્ઞાન દેનારા અસંખ્ય ગુરુઓ હાજરાહજૂર છે..! પહેલાંના જમાનામાં આપણે ત્યાં વિદ્યા શહેરોમાં નહીં ; નદી કાંઠે, જંગલોમાં કે દુર્ગમ સ્થાનોમાં પાંગરી હતી. તેનો સંબંધ રોજબરોજ જીવાતા જીવન સાથે અને કુદરત સાથે રહ્યો હતો.

શિક્ષણનો અભ્યાસક્રમ કેવો હોઈ શકે, તેનો બહુ ઊંડાણથી વિચાર વેદકાળથી થતો આવ્યો છે. ચાર વેદ તથા છ વેદાંગોમાં ઘણી બધી વિદ્યાનો સમાવેશ થઈ જાય છે. શિક્ષણ વિષયક છ અંગો આ રહ્યા : 

(૧) શારીરિક (શિક્ષણ) : રસોઈ કરવી, સફાઈશાસ્ત્ર, દળવું, પાણી ભરવું, અન્ય વ્યાયામ, આરોગ્યશાસ્ત્ર 

(૨) ઔદ્યોગિક (કલ્પ) : વણાટ, ખેતી, સુથારીકામ, લુહારી કામ, સિલાઈ કામ 

(૩) ભાષાકીય (વ્યાકરણ) : સંસ્કૃત, હિન્દુસ્તાની, સ્વભાષા, પરભાષા 

(૪) સામાજિક (નિરુક્ત) : રાજકારણ, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ઈતિહાસ વગેરે… 

(૫) કલાવિષયક (છંદસ) : સંગીત, ચિત્રકળા વગેરે. 

(૬) વ્યવહારિક (જ્યોતિષ) : અંક – બીજ – રેખા ગણિત, જમા – ખર્ચ, ભૂગોળ, આધિભૌતિક વિજ્ઞાન વગેરે. 

શિક્ષણના આ મુખ્ય છ અંગો છે. આ બધી બાબતોમાં ઓછું – વત્તુ ખેડાણ આપણે ત્યાં પહેલેથી થતું આવ્યું છે… પણ આજે આપણે તેના માળખાગત – ચોકઠાબદ્ધ – ક્રેડિટબંધા અભ્યાસક્રમો રચવામાં એવા રત થઈ ગયા છીએ કે ‘તે શા માટે ?’ નું હાર્દ મરી જાય છે અને ‘તે આ જ રીતે..’ ની જડતા ઘર કરી જાય છે. અભ્યાસક્રમમાં છે એટલે ભણાવવાનું છે કે પછી જીવનની કિતાબમાં આનો અનુભવ થવાનો છે એટલે શીખવાનું છે… તેની સ્પષ્ટતા નથી. શિક્ષણની, તેના અભ્યાસક્રમની આદર્શ પદ્ધતિ એ છે કે વિદ્યાર્થીને એમ લાગે જ નહીં કે હું શિક્ષણ મેળવી રહેલ છું અને શિક્ષકને એમ લાગે નહીં કે હું શિક્ષણ આપી રહેલ છું ! શિક્ષણ સહજ પ્રક્રિયા છે. સૂર્ય પ્રકાશ આપતો નથી, તેની પાસેથી સહજ જ પ્રકાશ મળતો રહે છે. શિક્ષણનું ય આવું જ થવું જોઈએ. એકદમ શરૂઆતમાં મા બાપ પાસેથી બાળકને સહજ સંસ્કાર મળવા જોઈએ અને પછીના દરેક તબક્કે અત્યંત સહજપણે તેનું શિક્ષણ ચાલવું જોઈએ.

ઘરમાં મા, ‘વગર અભ્યાસક્રમની’ પહેલી ગુરુ… મા નો અભ્યાસક્રમ એટલે ‘અભી આયા સો ક્રમ..’ તે ત્રણ ઉદાહરણોથી જાણીશું,,, આપણને થશે કે  અભ્યાસક્રમ વગરના ઉદાહરણો જીવન શિક્ષણનાં…? પણ આ રહ્યા…

(૧) એમના ઘરમાં ફણસનું એક ઝાડ. ફણસ મોટું મસ્સ ફળ. ઘણી બધી પેશીઓ  એમાં હોય. બાળકોને ખૂબ ભાવે. ઝાડ ઉપર હજુ પાકતું હોય ત્યાં બાળકોના મ્હોંમાં પાણી લાવે. રાહ જોઈને જ બાળકો દિવસો ગણે. ઝાડ ઉપરથી જેવું ફળ ઊતરે કે તરત બાળકો માને વીંટળાઈ વળે. પણ બાળકોના મોંમાં પેશી જાય તે પહેલાં મા બબ્બે પેશી વાડકીમાં મૂકી વિનીયાને  આપે, દત્તુને આપે ને કહે : ‘બેટા, પડોશમાં દઈ આવ. ફણસ આપણા ઘરમાં ઉગ્યું પણ તેનો પડછાયો તો ત્યાં ય પડેલો ને ?’ બાળકોને પછી પેશી પીરસતાં મા સાદી ભાષામાં સમજાવતી કે, જુઓ બેટા, તમને રાક્ષસ થવું તો ન ગમે તે ? દેવ થવું સૌને ગમે. જે પોતાની પાસે રાખી મૂકે તે ‘રાક્ષસ’ અને બીજાને જે ‘દે’ તે ‘દેવ’.. વિનીયો તે વિનોબાજી ! તેઓ કહેતાં : ‘બીજાને આપવાનો આનંદ, ખવડાવીને ખાવાનો સંસ્કાર મને મા પાસેથી મળ્યો. ભૂદાનનું મૂળ પણ આમાં જ છે.’ 

(૨) મા વિનીયાને રોજ જમતાં પહેલાં પૂછતી – ‘વિન્યા, તુલસીને  પાણી પાયું ? ગાયને રોટલી આપી ? કાગને કંઈ આપ્યું ?’ આટલું રોજ પૂછતી મા એ વિનોબાજીને કહ્યા વગર | ત્યેન ત્યક્તેન ભૂંજી થાઃ | સમજાવી દીધું. 

(૩) પિતાજીની વડોદરામાં નોકરી. વિનાયક દસ વર્ષનો થયો ત્યાં સુધી કુટુંબ ગાગોદરામાં રહેતું. દિવાળીમાં પિતાજી  ઘેર આવે ત્યારે બાળકો મીઠાઈની રાહ જોતાં હોય. એકવાર પિતાએ આણેલું પેકેટ લઈ વિન્યો દોડતો દોડતો મા પાસે પહોંચ્યો. મા એ ખોલીને જોયું તો બે પુસ્તક : રામાયણ અને ભાગવત ! મા કહે – ‘બેટા, તારા બાપુ તો મજાની મીઠાઈ લાવ્યા છે. આનાથી રુડી બીજી કઈ મીઠાઈ હોઈ શકે ?’ મોટાં થયા પછી પણ વિનોબાજીને સુંદર પુસ્તક કરતાં વધારે સારી મીઠાઈ કોઈ લાગતી નહીં…! 

આ ત્રણ ઉદાહરણોમાં મા એક ઉત્તમોત્તમ શિક્ષક નીવડે છે અને અહીં ક્યાં છે અભ્યાસક્રમ, પણ છતાં છે ને શિક્ષણ, જીવનભરનું શિક્ષણ…? એટલે પ્રશ્ન થાય કે જિંદગી અભ્યાસક્રમ મુજબ જીવી શકાય ખરી ?

અભ્યાસક્રમ એટલે શું ? ‘મારે શું શીખવવાનું છે અને મારે આ શા માટે શીખવવાનું છે,’ તેની પૂર્ણ સ્પષ્ટતા…કેવી સ્પષ્ટતા ? એકવાર કોઈએ વિનોબાજીએ પૂછ્યું : ‘શિક્ષણમાં સંગીત અને ચિત્રકળાનો ઉદ્દેશ શો ?’ જવાબ મળ્યો તે વાંચજો એટલે ‘પૂર્ણ સ્પષ્ટતા’ મળી  જશે : ‘આ દુનિયામાં ભગવાનના નામ અને રૂપ, એ જ બે પ્રગટ થયા છે, બાકી ઈશ્વર તો અવ્યક્ત છે. સંગીત દ્વારા ઈશ્વરનું નામ ગવાય અને ચિત્રકળા દ્વારા ઈશ્વરનું સ્વરૂપ ચીતરાય, એટલે શિક્ષણમાં બંનેને મહત્વનું સ્થાન હોય !’ શીખતાં શીખતાં જીવીએ તો અભ્યાસક્ર્મની જરૂર પડે, પણ જીવતાં જીવતાં શીખીએ તો ? તો જિંદગી એક વણલખ્યો અભ્યાસક્રમ બની રહે કે નહિ,,હા કે ના, ?