જયની જાત પ્રત્યેની પોતાની સજગતા વધે અને તે ઉમદા રીતે પોતાનામાં ઊંડો ઉતરતો જાય, તેવી શુભેચ્છાઓ.

ભદ્રાયુ વછરાજાની                         bhadrayu2@gmail.com  

કહેવાય છે કે જેને બહુ નજીકથી ઓળખતા હોઈએ,  જે તમારા આત્મીય હોય,   જે તમારા દિલથી ખુબ નજીક હોય એના વિષે લેખ ન લખવો. કારણ એમાં પક્ષપાત થઈ જવાનો ભય રહે છે. એ લેખ કદાચ એકતરફી લખાય જાય એવું પણ બને,  કારણ કે હૃદયના  એક ખૂણામાં જે વ્યક્તિત્વ બેઠું હોય તેના વિષે આખું હૃદય એક તરફ તમારી કલમને દોરી જાય એવું બને . પણ આજે જરા ધર્મ સંકટ જેવું બન્યું છે.  જયના મામીનો આગ્રહ છે કે જય વિષે તમારે એક લેખ  આપવાનો છે કારણ બહુ સબળ છે. જય ૫૦ માં વર્ષમાં પ્રવેશ કરે છે એટલે કે વન પ્રવેશ તરફ જય આગળ વધે છે. કારણ અને કહેનાર એ બંને એટલા સબળ છે કે ‘ના’ પડી શકાય તેમ નથી અને એટલે હું અષ્ટાવક્રના આદેશ મુજબ દ્રષ્ટા ભાવથી જય વિશેના  ઉમળકાને વહેતો મુકું છું.

ગોંડલ રહેતો એક નાનકડો છોકરો એની મમ્મીની આંગળી પકડીને ઘણીવાર વક્તૃત્વ સ્પર્ધામાં મળતો. અને વક્તૃત્વ સ્પર્ધામાં ઠાવકાઈથી રજુઆત કર્યા પછી એમના મમ્મી નજીક આવીને પૂછતાં કે,  તમને ઘરે ક્યારેક તકલીફ આપું ? હું પૂછતો કે,  શેના માટે ? તો એ કહે કે,  તમે જયની સ્પર્ધાઓના નિર્ણાયક હો છો તો તમે જયને બરાબર ગાઈડ કરો,  કેમ બોલવું જોઈએ, કેમ હાવભાવ કરવા જોઈએ તો એ ભવિષ્યમાં બરાબર આગળ વધે. પછી તો આ પૃચ્છા નિકટના  સંબંધમાં પલટાઈ ગઈ. અને જય પોતાના વિષય અંગેની, વિષય અંગેના પોતાના મુદ્દાઓની ચર્ચા કરવા માટે અથવા પોતે જે વિચારી રાખ્યું હોય એ ટાંકીને મળે અને એની રજુઆત કેમ કરવી એના વિષે ખુબ વાતો થાય. એ નાનકડા જયથી લઈને પચાસ વર્ષના જય સુધીની યાત્રાનો હું સાક્ષી રહ્યો છું. એમના જીવનના બનતા બનાવોનો પણ હું સાક્ષી રહ્યો છું. પ્રેમમંદિરના અમે  ચારેય પુજારીઓ,  એમના ગોંડલના ઘરના તો વારંવારના મુલાકાતીઓ રહ્યા છીએ. ક્યારેક કેરી ખાવાના બહાને પહોંચ્યા છીએ તો ક્યારેક લલિતભાઈને મળવું છે એમ કરીને પણ જય સાથે વાતો થાય એવા ઉદ્દેશથી અમે ઈરોટિકામાં પહોંચી જતા હતા. જૂનાગઢ તરફથી નીકળો તો વચ્ચે ગોંડલ આવે એના કરતાં  વચમાં જય વસાવડાનું ઘર આવે એ એક મહત્વનું  સીમાચિહ્ન અમારા માટે હતું .

અમારી આત્મીય દોસ્તી જયના આખા કુટુંબ સાથે.. આમ જો મને પૂછો તો જયનું બાળપણ અને જયની યુવાની એ લગભગ માતામાં સીમિત થયાં એટલે કે પહેલાં મમ્મીનો સંગાથ અને પછી મમ્મીનો ખાલીપો !! અને મમ્મીની વિદાય પછીના વર્ષો એ પિતાકેન્દ્રી બન્યો. એમાં પણ ઘણો વખત તો એ સ્વૈરવિહારી રહ્યો. એટલે બહાર બહાર બહાર ફરતો રહ્યો પરંતુ માતાના ગયા પછીનો ખાલીપો પિતાએ પૂર્યો.  જો કે,  પિતાની સાથોસાથ મામીએ જયને જે રીતે હથેળીમાં જાળવીને સાચવી લીધો તે ઋણાનુબંધનું જ્વલંત ઉદાહરણ છે.   જયને શું ગમે છે ? જયના મિત્રોને શું ગમે છે ? જયને શું ભાવશે ?  શું કરીએ તો જયને ગમશે આવી અનેક પ્રકારની ચિંતાઓ ભાવનામામીએ કરી. અને પરિણામે ‘મા’ નહીં તો ‘મામી’ એમ જય બરાબર સચવાઈ ગયો. આ ‘સચવાઈ’ શબ્દ હું જાણી જોઈને પ્રયોજું છું, કારણ ઘરમાં કોઈ નારી જ ન હોય તો ઘર ભાગ્યે જ ઘર રહે. જયને મમ્મી પછી એક પીઢ છતાં હસમુખી, સમજુ છતાં શાણી અને બાપ દીકરા બંનેની આત્મીય કાળજી લેનાર મામી મળી એને હું તો  હરિ કૃપા જ ગણું છું.

પિતાશ્રીનો સ્વભાવ અમારા જેવો એટલે કે નાગરજન  જેવો. અલગારી અને લેશમાત્ર  ચિંતા નહીં, વળી  નફકરા ઘણા. અને નિજાનંદમાં  જીવનારા. ટીખળમાં ઘણું કહેનારા પણ લાગણીઓ દર્શાવવામાં કરકસર કરે તેવા. એટલે જયને પિતાશ્રીનો પરિચય સાચા અર્થમાં ઘણો મોડો થયો.  જો કે, જય માટે મમ્મીનાં ગયા પછી  ખુબ ભમીને ઘરે પાછા આવવાનું કારણ હોય તો  તે લલિતભાઈ. પિતા થોડા થોડા બીમાર પડવા લાગ્યા ત્યારથી એને ખ્યાલ આવ્યો કે મમ્મી પછી મારા પિતા પણ મારા જીવનનો એક અદમ્ય હિસ્સો છે. અને ત્યારથી જય પિતાકેન્દ્રી વધુમાં  વધુ બન્યો એવું મારું આકલન છે.

બન્યું એવું કે શરૂઆતમાં મમ્મી  એ જયને સાચવી લીધો અને પિતાશ્રીના છેલ્લા દિવસોમાં પિતાએ જયને એટલો બધો સમય સેવા કરવાની તક આપી કે જેથી  જયનો ખાલી ખૂણો ભરાવા લાગ્યો. આમાં પણ કાળી  રાત્રે કશી જરૂર રહી જાય તો મામા મામી અને તેમનું કુટુંબ એમની સાથે હતા. જયનું ઘર ક્યારેય એકલું પડ્યું  નથી. એના મમ્મી ગયા, કેન્સર જેવી બીમારીમાં ગયા,  તો પપ્પાને માટે  મામી મામા હતા પરિણામે જય ઈરોટિકામાંથી રાજકોટમાં ફ્લેટમાં શિફ્ટ થયો ત્યારે પણ એનું શિફટિંગ બહુ સહજતાથી થયું.

જય સમગ્ર વિશ્વ ઘુમનારો, સ્વૈરવિહાર કરનારો અને ઈચ્છે તેમ રખડનારો એવો જુવાન છે. એમને વક્તવ્ય આપતા તો નાનપણથી મેં જોયો છે. એટલે એમનો વિકાસ કેવી રીતે થયો એના વિષે ઝાઝું  મારે ઉમેરવું નથી. પણ એટલું ચોક્કસ કહું કે નાનપણમાં એના મમ્મીએ આજની મમ્મીઓ જેમ કુરકુરેના પેકેટ હાથમાં મૂકે છે તેને બદલે નાની નાની ચોપડીઓ એના હાથમાં મૂકી અને પરિણામે મા એ વાંચનનો જબરો શોખ જયને લગાડ્યો. પિતા પણ  અધ્યાપક એટલે ઘરમાં પણ વાત અધ્યાપનની થાય, વાંચનની થાય એટલે વાંચન રસ એટલો બધો પ્રબળ થયો કે જય નાનો હતો ત્યારે લગભ એક બે લાઈબ્રેરી જેટલા પુસ્તકો વાંચીને પોતાના મગજને પેક કરીને બેસી ગયો. મોટો થયા પછી પોતાની રીતે ફિલ્મો જોવાનો શોખીન બન્યો. ફિલ્મો જોવાનો શોખીન એટલે એક સાથે બે બે ફિલ્મ જોઈ નાખે. કે ફિલ્મ PVR માં જ જોવા માટે રાજકોટથી અમદાવાદ સુધી દોડી જાય..અરે ક્યારેક તો મુંબઈના PVR માં જ ફિલ્મ જોવી છે તેવું વેણ ઉપાડે તો મુંબઈ સુધી વિમાનમાં ઉડે!! જાત મહેનત તથા ઈશ્વર કૃપાથી જયને એ બધી વરણાગી પોષાય પણ ખરી. વળી ઘણીવાર  મનગમતું પિક્ચર જોવા માટે ફ્લાઇટ એવી રીતે બુક કરાવે કે જેથી કરીને પિક્ચર પૂરું કરીને ફ્લાઈટમાં કાર્યક્રમનાં સ્થળે જતું રહેવાય. આવા અનેક ગતકડાંઓ કરીને એ દેશ વિદેશની ફિલ્મો જુએ છે  અને એ ફિલ્મોના ઊંડાણથી વિશ્લેષણો કરે છે. ધીમે ધીમે છેલ્લા પાંચ દસ વર્ષમાં જય ‘આપવાદી’ પણ બહુ બન્યો. આપવાદી એટલે એ પોતાના અભ્યાસ  અને પોતાના શોખને લીધે confident બન્યો કે જેથી ઓસ્કાર વિષે જયારે આગાહીઓ કરે કે ચૂંટણીના પરિણામો વિષે આગાહીઓ કરે ત્યારે છાતી  ઠોકીને ફેસબુકના લોકોને પડકાર ફેંકે કે,  ‘બોલો,  સીધો ક્યાંય ભાગ ન લેતો હોવા છતાં મારી આગાહી કેટલી પરફેક્ટ હતી !!’

આમ તમે જુઓ તો જીવન યવહારમાં જય એટલો ફ્યૂચરોલોજિસ્ટ રહ્યો નહીં. મને એવું લાગ્યું છે કે જયના  મમ્મી વહેલા જતા રહ્યા ને એટલે  એમને એક સારી એવી કન્યા કોઈ શોધી આપી ન શક્યું. મમ્મીને જય ના ન  હોટ !! જો કે, એમના મમ્મીને હું  ઓળખું છું એટલે એ પણ ઉમેરું કે એમના મમ્મીએ પણ  જયની ઈચ્છાને જ ટેકો આપ્યો હોત  !!  દૂરથી જોતાં જયે ક્યારેય એવું લાગવા દીધું નથી કે  એ ઘરનો ઠરીને ઠામ નથી થયો.  જયને  એનો અફસોસ છે કે નહીં એ બહુ ખબર પડવા દે એવો જય નથી.  એ ચાલાક છે પણ એ પોતે એકલો પડતો હશે  ત્યારે એને એ ખાલીપો ચોક્કસ સાલતો હશે.  આ મારો ખ્યાલ છે. ન સાલતો હોય તો બહુ આનંદનો વિષય છે.

જય વિશેની બીજી ઘણી વાતો થઇ શકે.  શુભેચ્છા તો એ પાઠવીશ કે હવે જય વનપ્રવેશ કરવાનો છે. બે પ્રકારની લતા હોય છે. એક વનલતા અને એક ઉપવનલતા. વનલતા જેમ ફાવે તેમ ઉગી શકે. કોઈનો ટેકો છોડી દઈ શકે, કોઈને ટેકે  ચડી જઈ શકે. નિજ લીલાની ખુમારીથી જે લતા આગળ વધે એને વનલતા કહેવાય એમ જય ખરેખર પહેલાં ૫૦ વર્ષ  વનલતા તરીકે જીવ્યો છે.  પણ જયારે જય વનપ્રવેશ કરી રહ્યો છે ત્યારે હકીકતમાં તેનો  ઉપવન પ્રવેશ થઇ રહ્યો છે. અને એટલે એ વનલતાને બદલે ઉપવનલતા તરીકે વધુને વધુ સઁવર્ધિતરૂપે, સુવ્યવસ્થિતરૂપે તેના લખલૂટ ચાહકો સમક્ષ આવે તેવી આપણા સૌની ઈશ્વરને પ્રાર્થના છે.

જય અસ્ખલિત બોલી શકે છે, જય વિસ્તૃતમાં વિસ્તૃત લખી શકે છે, જય સોશિયલ મીડિયા ઉપર પ્રત્યેક ક્ષણે હાજર રહી શકે છે, જય મોડે સુધી જાગી શકે છે અને મોડે સુધી સુઈ પણ શકે છે, અરે, જય સોશ્યલ મીડિયા ઉપર કોઈ ડફોળ સાથે થાક્યા વગર ઝગડી શકે છે, જય રાતભર પ્રવાસ કરી શકે છે, જય પોતાના મનમાં બેસી ગયેલ વ્યક્તિઓને ફાટફાટ પ્રેમ કરી શકે છે, જય સંતો મહંતોને ઝૂકીને પ્રણામ કરી આદર આપી શકે છે, જય રાજકારણીઓને પણ પોતાના ઘરે આવવા  મજબુર કરી શકે છે, જય ધારે તે શોખ પુરા કરવાની ક્ષમતા ધરાવી જાણે છે  અને જય જે ઈચ્છે તે કરી જ શકે છે. એ રંગોનો શોખીન છે, એ ખાવાનો શોખીન છે,  એ ભાતભાતની જગ્યાએ ફરવાનો શોખીન છે, એ વાતો કરવાનો અનહદ શોખીન છે, એ લોકોને પ્રેમ કરવાનો અનહદ શોખીન છે. એના આ બધા જ શોખ પુરા થાય એવી હું  જરૂર પ્રાર્થના કરું  પણ સાથે સાથે એવી પણ પ્રાર્થના કરું કે જયની જાત પ્રત્યેની પોતાની સજગતા વધે અને તે વધુને વધુ ઉમદા રીતે પોતાનામાં ઊંડો ઉતરતો જાય. વિષ્ણુની વ્યાપકતા અને માધવનું પ્રેમ માધુર્ય જય  પોતાની પાસેથી જ પ્રાપ્ત કરે એવી દિલની  શુભેચ્છાઓ છે.  ભાવનામામીને વિનંતી કરું કે મામી,  તમે જયને સાથે રાખજો. જય વગર તમને નહીં ફાવે,  એમ તમારા વગર જયને પણ નહીં ફાવે…

Jay Vasavada