વો કાગજ કી કશ્તી વો બારીશ કા પાની

હું કોઈ જાતની  સમજ વગરનો ભોળો, ભોટ કે જેને બીજા લોકો નકામો કહી શકે એવો એક કેવળ  ‘ દ્રષ્ટા’  બનીને જીવતો રહું, એવી પ્રાર્થના છે.

ભદ્રાયુ વછરાજાની                                                   bhadrayu2@gmail.com 

ક્યારેક લાગે છે કે કાળચક્ર ચાલતું રહે છે તે ઘણું સારું છે, તો ક્યારેક લાગે છે કે આ કાળચક્ર ઉભું રહી જતું હોય તો કદાચ વધુ સારું રહે. આપણા સ્મરણોની સંદૂક ખુલવાની હોય ત્યારે કાળચક્ર થંભી જવું જોઈએ. અને આપણા સ્મરણોની સંદુકને વિસરી જવાની હોય ત્યારે કાળચક્ર ચાલવા લાગવું જોઈએ. જો કે સ્મરણોની સંદૂક ખોલવી એ એક તરફથી ગમતીલી વાત છે અને એક નજરે જોઈએ તો દુખતી રગ દબાવવાની વાત છે. બધું જ કૈં  શ્રેષ્ઠ સંગ્રહાયું છે એવું બન્યું નથી,  કારણ કે જીવનમાં બધું જ શ્રેષ્ઠ ક્યારેય બનતું જ નથી. થોડું સારું છે તો થોડું નરસું છે. થોડું મીઠું છે તો થોડું કડવું છે. તેમ છતાં સ્મરણ એ સ્મરણ છે અને એ સ્મરણની પ્રક્રિયા જયારે માનસપટલ ઉપરથી રિવાઇન્ડ થઈને પસાર થતી હોય ત્યારે એમાં ડૂબકી મારવાની કે  ડૂબી જવાની મજા હોય છે.

કોઈએ પૂછ્યું  કે ચાલો, એવા સમયમાં જઈએ… મન  મૂંઝાયુ કે કેવો સમય ?  ગઝલના શબ્દો ગુંઝવા લાગ્યા :  મગર મુજકો લૌટા દો બચપન  કા સાવનવો  કાગજ કી કશ્તી વો  બારીશ કા પાની. આપણે આપણું બાળપણ પાછું મળે એવું ઇચ્છતા હોઈએ છીએ. કારણ કે જેટલું જીવ્યા તેમાં ભાર વગરનું, દંભ વગરનું, ગોઠવ્યા વગરનું જીવ્યા હોઈએ એવો એ એક જ તબક્કો છે. જીવનની કશ્તીને ધીમે ધીમે આગળ ધપાવવાની છે અને એમ કરતા કરતા આપણે આપણા સ્મરણોની સંદુકને નિહાળવાની છે.  

ગમી જાય એવો સમય એટલે તો ગઈકાલ. ગઈકાલ ગમે છે કારણ કે આજે  એ ગઈકાલ રહી નથી. વીત્યું તે વીતી ગયું છે એટલે વ્હાલું લાગે છે. જયારે તે વીતતું હોય છે ત્યારે તે કઠિન લાગતું હોય છે. વીતી ગયેલું વ્હાલું લાગે કારણ કે આપણને જે વીતી જાય છે એનું જ મૂલ્ય કરવાની ટેવ હોય છે. આપણા હાથમાં  વર્તમાન હોય  ત્યારે તેને આદર આપીને સંગોપવાનું આપણે ભૂલી જતા હોઈએ છીએ. અને વર્તમાન જયારે ભૂતકાળ બની જાય ત્યારે એના ગુણગાન ગાવા અને આરતી ઉતારવામાં આપણે વ્યસ્ત રહીએ છીએ. નાની નાની વાતોનો જે આનંદ લૂંટવાની મજા હતી એવી કોઈપણ અવસ્થા હોય એ બચપણ હોય, કિશોરાવસ્થા હોય કે  યુવનાવસ્થા હોય એ સ્મરણીય હતી, છે અને રહેશે. બહુ મોટું પ્રાપ્ત કરવામાં આપણે ઘણો બધો પરિશ્રમ કરતા હોઈએ છીએ. પણ નાનું નાનું પ્રાપ્ત  કરવામાં જે લખલૂટ આનંદ મળે છે એ આનંદ આપણા એ સમયગાળાને ચિરંજીવ બનાવે છે. 

(1) નાનું અને દેશી નળિયાંવાળું મકાન હતું જેમાં  અમે ૫ + ૨ એમ ૭ લોકો જીવી રહ્યા હતા. વરસાદ આવે ત્યારે મા બાપ  ઘરમાં ચુવાક  થશે તેની ચિંતામાં રહેતા,  પણ એ સમયે અમે સૌ ટબુડીયા ચુવાકના ટીપાને ઝીલવા રાખેલા વાસણના પેલા ટીપાઓથી થનાર તડ..તડ..તડ…તડ… નું સંગીત માણવા  આતુર રહેતા હતા. ત્યારે મા બાપની ચિંતા એ અમારો આનંદ હતો. આશ્ચર્ય થાય છે આજે કે એ ચિંતા ત્યારે અમને કેમ ન હતી ! પણ પેલા પિત્તળના વાસણોમાં ઉપરથી પડતા ટીપાઓના તડ તડ સંગીતને માણવામાં આનંદ મળતો હતો એટલો ભાગ ગમે છે…. 

(2) યાદ છે બરાબર કે ગાદલા, ગોદડાં અને ઓઢવાનું ગોઠવીને ઘરના એક ખૂણામાં  ડામચિયો બનાવવામાં આવતો. આ ડામચિયો એટલે ગાદલા, ગોદડાં, ઓઢવાનું અને ઓશીકાને થપ્પા બનાવીને ગોઠવીને રાખવાની એક વ્યવસ્થા. અને એ ગોઠવ્યા પછી એની ઉપર એવી રીતે કશુંક ઓઢાડવામાં આવે કે ત્યાં નાનકડો પટારો પડ્યો છે એવું સૌને લાગે. મા ખુબ મહેનત કરીને આ ડામચિયો સવારે ગોઠવતી અને રાત પડે એ ડામચિયાને વીંખીને અમારા સૌની પથારી કરતી. પણ મમ્મી આ ડામચિયો સવારે ગોઠવી લે પછી બિન્દાસ્ત  દૂરથી દોડતા દોડતા આવીને એ ડામચિયા ઉપર ભુસ્કો મારીને ચડી જવાનો આનંદ આજે પણ યાદ છે. આપણને આવી રીતે દોડીને આવતા અને બિન્દાસ્ત ભુસ્કો મારતા જોઈને મા બાપનો જીવ તાળવે ચોંટી જતો અને એ આપણને ખખડાવી નાખતા, ક્યારેક ધોલ ધપાટ પણ કરી લેતા ત્યારે આપણને મનમાં એમ થતું કે આવું કેમ કરે છે ? પણ ફરી એકવાર એ જ વાત હતી કે આપણો જે આનંદ હતો,  એ માતા પિતાની ચિંતા હતી. ત્યારની મસ્તી, મસ્તી હતી કારણ કે એ એ બહુ સસ્તી હતી, પણ આજની મસ્તી એ હવે મસ્તી રહી નથી કારણ કે એ ધસતી ધસતી આવે છે અને ખુબ મોટો ખાડો જીવનમાં પાડીને  જાય છે. 

(3) એક સમય એવો યાદ છે કે જયારે રાજકીય પક્ષો ચૂંટણી સમયે જાહેરસભાઓ યોજતા.  એ જાહેરસભામાં આવવા માટે શેરીએ શેરીએ ઘોડાગાડી ફરતી. ઘોડાગાડીમાં પાછળ એક હુષ્ટપુષ્ટ માણસ બેઠો હોય એની બાજુમાં ચોપાનિયાઓનો ઢગલો હોય, હાથમાં એક માઈક હોય. અને માઈકનું એક ભૂંગળું લાઉડસ્પીકર ઘોડાગાડીના બહારના ભાગમાં લટકતું હોય અને એ માણસ એક વિશિષ્ટ અદાથી જાહેરસભાની જાહેરાત કરતો હોય. એ માણસ વારંવાર બોલતો ‘ જંગી જાહેરસભા, જંગી જાહેરસભા.’   (ત્યારે પ્રશ્ન નહોતો થતો કે હજુ જાહેરસભા થઇ નથી ત્યાં ‘જંગી’  વિશેષણ કેમ લગાડી દીધું, ભાઈ ?) એ કોઈ ઘર પાસે ઉભો રહે અને આજુબાજુના છોકરાઓ ટોળે વળે. છોકરાઓને એ ચોપાનિયાંઓ આપે. એમાં  એક હું પણ હતો. ત્યારે ખબર નહોતી કે એ ચોપનીયા શાના છે અને આપણને  શું કામ આવશે ?  આપણા માટે ઉપયોગી છે કે નથી ?  એવું પણ સૂઝતું ન હતું ત્યારે..   પણ ચોપાનિયા આપે છે, બધા લે છે, અને મારે પણ જોઈએ છે,, એટલો જ એક નાનકડો ભાવ હતો. મને યાદ છે કે ચોપાનિયુ પહેલું મારા હાથમાં આવી જતું તો હું જાણે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવીને બહાર આવ્યો હોઉં એટલા આનંદથી ઉછળી ઉઠતો. પછી વળી મનમાં થતું કે,  મારી નાની બહેન તો અત્યારે નથી આવી એટલે  એના માટે ચોપાનિયુ માંગું,  એટલે ફરી એક વાર ધક્કા મુક્કી કરીને એ ઘોડાગાડી પાસે ઉભેલા છોકરાઓની વચ્ચે ઘૂસતો, ત્યાં  ઘોડાગાડી ચાલતી થઇ જતી. અને એ ચાલતી ઘોડાગાડીમાં પાછળ લટકીને, દોડીને કરગરતો હું કહેતો,  ‘ એ ભાઈ… એક વધુ ચોપાનિયુ આપોને મારી બહેન માટે જોઈએ છે., એ ભાઈ …’  ત્યારે કોઈ મૂલ્ય નહોતું એ ચોપાનિયાનું,  આજે પણ નથી,  પણ ‘ મૂલ્ય નથી’  એ ત્યારે ખબર નહોતી એટલા માટે ન કરવા જેવી વસ્તુનું પણ મૂલ્ય કરીને આનંદ લૂંટતા. . પણ બેન માટે એક ચોપાનિયુ મેળવવામાં જયારે સફળ થતો અને અમારા બંનેની પાસે એક એક ચોપાનિયુ આવી ગયું છે એવો જયારે રાજીપો થતો ત્યારે મારી છાતી ફૂલી સમાતી ન હતી. આજે વિચારું છું તો એમ લાગે છે કે શું ત્યારનો એ સમય એવો હતો કે એમાં પાછું જવું જોઈએ. હું સાચો હતો કે હું ખોટો હતો ? ત્યારે કદાચ સાચો હતો તો આજે શું વિચારું છું. મારી આજ કેવી છે ? 

આજે એ સમયમાં પાછા જવાની ઈચ્છા ખરી કે ??  વિચારવાની ઈચ્છા થાય છે કે જ્યાં દંભ ન હોય, જ્યાં કોઈ પ્રકારનો દેખાડો ન હોય, જ્યાં સમજ ન હોય, જ્યાં આપણે ભોટ હોઈએ, જ્યાં આપણે ભોળા હોઈએ એવો જે જે સમય હોય તે ફરીવાર જીવી જવાની ઈચ્છા છે. ત્યાં સુધી કહું કે સમજ જરાપણ ન હોય અને માત્ર ને માત્ર  આપણે ઓબ્ઝર્વર હોઈએ એવો સમય મને પાછો જોઈએ છે.  અષ્ઠાવક્ર ગીતા વાંચી છે,  અને એના ઉપર ભાષ્યને સાંભળું છું ત્યારે એક વાક્ય વારંવાર બોલાય કે,  દ્રષ્ટા બની રહો… દ્રષ્ટા બની રહો. તમારે દ્રશ્ય કે દર્શક બનવાનું નથી. દ્રષ્ટા બની રહેવાનું છે. હું પ્રાર્થના કરું કે મેં વર્ણવ્યો તેવો સમય મને ફરી એકવાર મળી જાય અને એમાં હું કોઈ જાતની  સમજ વગરનો ભોળો, ભોટ જેને બીજા લોકો નકામો કહી શકે એવો કેવળ  દ્રષ્ટા બનીને જીવતો રહું,  એની મને પ્રતીક્ષા રહેશે.