ભગવાન શ્રીકૃષ્ણએ અહીં અહમભાવ નહીં, પણ આપણા માટે દર્શનભાવ ઉભો કર્યો છે. 

ભદ્રાયુ વછરાજાની                               bhadrayu2@gmail.com 

વિનોબાજી દસમા અધ્યાયને વધુ સ્પષ્ટ કરતા કરતા આપણને કેટલાક પગથિયાં આપે છે. માણસમાં રહેલો પરમેશ્વર કેવો છે અને એને કેમ ઓળખી શકાય ?  તેઓ બહુ જ સુંદર મજાના ઉદાહરણથી આ વાત આપણને સમજાવે છે. મા શબ્દથી  ચડિયાતો બીજો શબ્દ ક્યાં છે ? મા એ સહેજે ઓળખાઈ આવે એવો પહેલો અક્ષર છે. મા, બાપ, ગુરુ અને સંતોમાં પરમેશ્વરને જુઓ. તેવી જ રીતે નાનાં બાળકોમાં પણ પરમેશ્વર જોતાં આવડી જાય તો કેવું મજાનું ! ધ્રુવ, પ્રહલાદ, નચિકેતા, સનક, સનંદન, સનકુમાર, બધાંયે નાનાં નાનાં બાળક હતાં. પણ પુરાણકારોને અને વ્યાસજી વગેરેને એમને ક્યાં મૂકીએ ને ક્યાં ન મૂકીએ એવું થયા કરે છે. શુકદેવ અને શંકરાચાર્ય બાળપણથી વિરક્ત હતા. જ્ઞાનદેવ પણ તેવા જ હતા. એ બધાંયે બાળકો. પણ તેમનામાં જે શુદ્ધ સ્વરૂપે પરમેશ્વરનો અવતાર થયો છે તેવો  શુદ્ધ સ્વરૂપે તે બીજે પ્રગટ થયો નથી.

ઈશુને બાળકોનું ખૂબ ખેંચાણ હતું. એક વખતે તેમના એક શિષ્યે તેમને પૂછ્યું, “તમે હંમેશ ઈશ્વરના રાજ્યની વાતો કરો છો. એ ઈશ્વરના રાજયમાં પ્રવેશ કોને મળશે?” પાસે જ એક છોકરું હતું. ઈશુએ તેને મેજ પર ઊભું રાખીને કહ્યું. “આ બાળકના જેવા જે હશે તેમનો ત્યાં પ્રવેશ થશે.” ઈશુએ જે કહ્યું છે તે સત્ય છે.

રામદાસ સ્વામી એક વખત બાળકો સાથે રમતા હતા. છોકરાંઓની સાથે સમર્થને રમતા જોઈ કેટલાક પીઢ લોકોને નવાઈ લાગી. તેમાંના એકે તેમને પૂછયું, “અરે, આજે આપ આ શું કરો છો ?સમર્થે કહ્યું, “ઉંમરે જે છોકરા જેવા હતા તે મોટા થઈ ગયા અને જે ઉંમરે જે મોટા હતા તે ચોર થઈને રહ્યા.” ઉંમર વધે છે તેની સાથે માણસને શિંગડાં ફૂટે છે, પછી ઇશ્વરનું સ્મરણ સરખું થતું નથી. નાના બાળકના મન પર કોઈ જાતના થર બાઝેલા હોતા નથી. તેની બુદ્ધિ નિર્મળ હોય છે. બાળકને શીખવાય છે કે, “જૂઠું ન બોલવું.” તે સામો પૂછે છે, “જૂઠું બોલવું એટલે શું કહેવું ?” પછી તેને સિદ્ધાંત સમજાવવામાં આવે છે, “જેવું હોય તેવું કહેવું.” તે બાળકને બિચારાને મૂંઝવણ થાય છે. જેવું હોય તેવું કહેવાની રીત કરતા બીજી પણ કોઈ રીત છે કે શું? જેવું ન હોય તેવું કહેવું કેવી રીતે? ચોરસને ચોરસ કહેજે, ગોળ ન કહીશ એવું શીખવવા જેવી એ વાત થઈ. બાળકને નવાઈ થાય છે. બાળકો વિશુદ્ધ પરમેશ્વરની મૂર્તિ છે, મોટાં માણસો તેમને ખોટું શિક્ષણ આપે છે. ટૂંકમાં, મા, બાપ, ગુરુ, સંતો, બાળકો એ બધાંમાં આપણને પરમેશ્વર જોતાં ન આવડ્યું તો પછી તે ક્યા રૂપમાં દેખાશે ? પરમેશ્વરનાં ચડિયાતાં સ્વરૂપો બીજાં નથી. પરમેશ્વરનાં આ સાદા, સૌમ્ય રૂપો પહેલાં શીખવાં. એ બધે ઠેકાણે પરમેશ્વર નજરે તરી આવે એવા મોટા અક્ષરે લખેલો છે.

પછીની વાતમાં કહે છે સૃષ્ટિમાં રહેલો પરમેશ્વર જુઓ. સૃષ્ટિમાં છેક પહેલી ઉષા અને સૂર્યોદયની આગળ પ્રગટ થનારી એ દિવ્ય પ્રભાથી વિનોબાજી સૃષ્ટિમાં પરમેશ્વરને જોવાની શરૂઆત કરે છે. આપણને વૈદિક ઋષિએ કહ્યું હતું કે, પરમેશ્વરનો સંદેશો લઈને આવનારી એવી જે તું, તને જોઈને પરમેશ્વરરૂપ મારે ગળે ન ઉતરે તો તારું રૂપ મને ન સમજાય તો પરમેશ્વરને બીજું કોણ મને સમજાવી શકવાનું હતું ?  આવું સુંદર રૂપ ધારણ કરતી ઉષા ત્યાં ખડી છે પણ આપણી દ્રષ્ટિ ત્યાં જાય તો પરમેશ્વર દેખાય ?!?  ત્યાર પછી સૂર્ય માટેની વાત, ત્યાર પછી પાવની ગંગામાં ઈશ્વરને જોવાની વાત, પેલા વાયરાઓમાં દેખાતો અને સતત હાજર રહેતો ઈશ્વર જોવાની વાત, વેદના અગ્નિની ઉપાસનામાં ઈશ્વરને જોવાની વાત, અગ્નિને નારાયણ તરીકે સ્વીકારવાની વાત.. આમ ધીરે ધીરે કરતા એકોએક સૃષ્ટિના તત્વોમાં આપણને  ઈશ્વર દેખાવો જોઈએ.

વિનોબાજી પછી પ્રાણીઓમાં રહેલા ઈશ્વરની વાત કરે છે. આપણું કામકાજ કરનારા પેલા ઢોર, પેલી ગાય કેટલી બધી વત્સલ, માયાળુ અને પ્રેમાળ છે. પોતાના વાછરડાને સારું બબ્બે બબ્બે ત્રણ ત્રણ માઈલથી સીમમાંથી અને વગડામાંથી તે દોડતી આવે છે. એવી જ નદીઓ ચાલતી જાય છે. ઋષિ નદીને કહે છે, હે દેવી દૂધના જેવું પવિત્ર પાવનને મધુર એવું પાણી લઈને આવનારી તું ધેનુના જેવી છે. ગાયથી જેમ વનમાં રહેવાતું નથી તેમ તમે નદીઓ પણ ડુંગરોમાં રહી શકતી નથી. તમે કુદકા મારતી તરસ્યા બાળકોને મળવા આવો છો. વત્સલ ગાયને રૂપે ભગવાન આપણા આંગણામાં ઉભો છે. પેલો ઘોડો કેટલો ઉમદા, કેટલો પ્રામાણિક અને ધણીને કેટલો વફાદાર. આ ઘોડામાં આપણે ઈશ્વરને જોયો છે ? અને હા સિંહ.,સિંહ એટલે આપણને હજુ પણ આશ્ચર્ય પમાડે એવું એ પ્રાણી છે. સિંહ એ પરમેશ્વરની પાવન વિભૂતિ છે એવું લાગે તેવું પ્રાણી છે. એંડ્રૉક્લિસ અને સિંહની વાત વિનોબાજી કહે છે મેં બચપણમાં વાંચેલી. કેવી મજાની વાર્તા છે. તે ભૂખ્યો સિંહ એંડ્રોકલીસના પહેલાના ઉપકાર યાદ કરીને  તેનો દોસ્ત બની જાય છે અને તેના પગ ચાટવા માંડે છે. આ શું છે ? એંડ્રોકલીસે સિંહમાં પરમેશ્વરને જોયો હતો. શંકરની પાસે સિંહ હંમેશા હોય છે. સિંહ ભગવાનની દિવ્ય વિભૂતિ છે. અને વાઘની શું મજા ઓછી છે ? તેનામાં ઘણું ઈશ્વરી તેજ પ્રગટ થયું છે. આમ કરતા કરતા વિનોબાજી સાપની સાથે આપણી દોસ્તી કરાવે છે અને છેલ્લે તો થાકી હારીને એમ કહે છે કે, આવી કેટલી વાત તમને ગણાવું. રામાયણનો  આખો સાર આવી જાતની રમણીય કલ્પનાઓમાં સમાયેલો છે. રામાયણમાં પિતા પુત્રનો પ્રેમ, મા દીકરાનો પ્રેમ, ભાઈ ભાઈ વચ્ચેનો પ્રેમ, પતિ પત્ની વચ્ચેનો પ્રેમ બધું છે. રામની વાનરો સાથેની દોસ્તી થઇ એટલા ખાતર  આપણે નાના નાના જીવના પરિચયમાં આવ્યા અને આપણને ખ્યાલ આવ્યો કે પ્રત્યેક જીવમાં ભગવાન બેઠા છે.

એક વિચિત્ર શીર્ષક બાંધીને વિનોબાજી કહે છે કે, દુર્જનમાં પણ પરમેશ્વરનું દર્શન કરવું. સૃષ્ટિના વિવિધ રૂપો તો ખરા. પણ સાથે સાથે અર્થ એવો રાખવાનો કે દુર્જન વ્યક્તિ છે,  ડાકુઓની સરદાર છે, ક્રૂર છે, હિંસક લોકો છે, ઠગ છે, દુષ્ટ છે, ચોર છે પણ ના, બધાય બ્રહ્મ છે. વેદમાં કહ્યું કે,

નમો નમઃ સ્તેનાનં પતયે નમો નમઃ 

નમઃ પુંજિષ્ઠયેભ્યો નમો નિષાદેભય

બ્રહ્મ દાશા બ્રહ્મ દાસા બ્રહ્મેમે કિતવા

સૌને નમસ્કાર કરો. એનો અર્થ એટલો કે સહેલા અક્ષરો પચાવ્યા, તેમ અઘરા અક્ષરો પણ પચાવવાના,. સ્થૂળ અને સૂક્ષ્મ, સાદું અને ભેગવાળું, સહેલા અક્ષરો અને જોડાક્ષરો ઓળખતા શીખવાના,.છેવટે પરમેશ્વર વગરનું એક પણ સ્થળ નથી તેની આપણે પાકેપાકી અનુભૂત થાય ત્યાં સુધી બધું આત્મસાત કરતા રહેવાનું. સૌની એક સરખી રીતે સંભાળી રાખનારો  કૃપાળુ, જ્ઞાન વત્સલ, જ્ઞાન મૂર્તિ, સમર્થ, પાવન, સુંદર એવો પરમાત્મા સર્વેની આસપાસ સર્વત્ર ઉભો છે. એવો સાર આ દસમા અધ્યાયમાં આપણી સમક્ષ છે. ભગવાન શ્રીકૃષ્ણએ  અહીં અહમભાવ નહીં, પણ આપણા માટે દર્શનભાવ ઉભો કર્યો છે.  આપણને ઈશ્વર એ કહેવા માંગે છે કે, હું ક્યાં નથી ? તમે શોધ શોધ ન કરો. મોકો કહા ઢૂંઢે રે બંદે, મેં તો તેરે પાસ મેં. ક્યાં છે ઈશ્વર ? બધે જ ઈશ્વર છે.