કંઈક ઉતાર-ચડાવ જોયા છતાં આ તો ગરવી ગુજરાત છે,  જેણે સ્થાપનાના ૫૦ વર્ષ પૂર્ણ કર્યા…
 
50 વર્ષોમાં એક જ્યોત દિન-પ્રતિદિન પ્રચલિત થઈ ગઈ અને તે જ્યોત શિક્ષણ દિપની…  પચાસ વર્ષો અને તેનાથી પણ પહેલાં, શિક્ષણનાં અગ્રીમ ક્ષેત્રે વિરલ પ્રદાન કર્યું અનેક શિક્ષણસંસ્થાઓએ…  1910 થી 2010 સુધીનાં સો વર્ષોમાં કેળવણીનું બુનિયાદી અને આધુનિક વલોણું  ફેરવ્યું  કેટકેટલી સંસ્થાઓએ… યાદી કરીએ અને તેમના પ્રદાનને વર્ણવીએ તો અનેક મહાન નિબંધ તૈયાર થાય.
 
જ્યાં પ્રેમ-જ્ઞાન-બંધુતા ની નદી વહેતી હોય ત્યાં જે સ્થાનક  હોય તેને ‘તીર્થ’ કહેવાય ગુજરાતમાં આવા અસંખ્ય તીર્થો છે. મા સરસ્વતી નદીના કિનારે પાંગરેલાં શિક્ષણતીર્થ ની જાત્રા કરવાના ઉદ્દેશ્યથી તૈયાર થયું છે આ પુસ્તકઃ  ગુજરાતના શિક્ષણતીર્થો.
કોઈ પ્રાચીન છે કોઈ અર્વાચીન છે કોઈ બુનિયાદી શિક્ષણના તીર્થો છે તો કોઈ ટેકનોલોજી ના મંદિરો છે… કોઈ વિદ્યાલય, કોઈ મહાવિદ્યાલય તો કોઈ વિશ્વ વિદ્યાલય… છેક લાંબા ગાળાથી કાર્યરત સંસ્થા હોય કે પછી હમણાં ના દશકામાં શરૂ થયેલી પણ ગુજરાતને રાષ્ટ્રના નકશામાં ગૌરવભેર મૂકી આપતી શિક્ષણ સંસ્થાઓની વિગતોને આ પુસ્તકમાં શબ્દબદ્ધ કરેલ છે.
 
 ‘ગુજરાતના શિક્ષણતીર્થો’ એક પુસ્તક નથી, યાત્રા છે અને આ યાત્રા ગુજરાત તથા ગુજરાતીને બત્રીસે કોઠે દીવા પ્રગટાવે છે એ નક્કી છે.