“નૈરોબીની કથાથી દક્ષિણા લેવાનું બંધ થયું.”

દરિયાપાર પહેલી કથા મેં અહીંયા નૈરોબીમાં કરેલી. અને આપને  બીજી પણ એક ગોપનીય વાત કહી દઉં કે,  મેં કથાના પૈસા લેવાનું બંધ કર્યું એ પણ નૈરોબીથી જ  કર્યું. ત્યાંથી મને ઘણા પૈસા મળવાની તક હતી અને તેની મારે જરૂરતય પણ હતી. કાંઈ આપણી કાંઈ પેઢીઓમાં રૂપિયા નહોતા સાહેબ. પણ છતાંય દક્ષિણા આપે ત્યારે મોઢું થોડુંક મલાન થતું હતું. આંખ ભીની થઈ જતી હતી  કે,  નવ દિવસ પછી મારે આ લેવું પડે !! પણ લેવું પડતું પણ એનો સંકલ્પ જે ભૂમિ પર વધારે પૈસા મળવાના હતા એ જગ્યાએથી જ મેં જઈને  લીધેલો.. મારો કાર્યક્રમ અસ્તિત્વએ નક્કી કરેલો હતો.

મને તો જન્મ્યો ત્યારથી મારું ટાઈમ ટેબલ કોઈકે નક્કી કરેલું છે સાહેબ કે, ક્યાં શું કરવું ને કેવો સંકલ્પ કરવો. આપણે કાઠીયાવાડી ભાષામાં લીંબડજસ  જેવી  જ વાતો કર્યા કરે. ઘણા માણસો એમ કહે કે,  અમારા ગામમાં બાપુએ કથા કરીને પછી બાપુનું ઉપડી ગયું. મારું  એરોપ્લેન રનવે ઉપર જ હતું, સિગ્નલ મળે એટલી જ વાર હતી સાહેબ. મારા ગુરુએ સિગ્નલ આપ્યું પછી આ પોથીના પ્રતાપે ક્યાં ક્યાં પહોંચ્યા સાહેબ અમે…?? આ કેવળ અને કેવળ પોથીનો પ્રતાપ. એનું સ્મરણ હું નિરંતર કરું. હું રાત્રે સૂવું ત્યારે મને યાદ આવે કે,  આ ન હોત તો મોરારી બાપુ ક્યાં હોત સાહેબ ?? આ કોઈ પોતાની વાત કરવાની વાત નથી પણ પોતાના છો એટલે વાત કરવામાં શું વાંધો??  આશિષ મને કહેતો હતો કે બાપુ અઠવાડિયા પહેલા દુબઈની મારી ઓફિસમાં એક ભાઈ આવ્યા અને એણે સીધી રજૂઆત કરી કે,  મોરારીબાપુ કથા કહેને એના 1 કરોડ રૂપિયા લે છે. આ છોકરાની રૂબરૂમાં એણે કીધું. એટલે આ છોકરાએ તો સાંભળ્યા જ કર્યું, સાંભળ્યા જ કર્યું, એટલે પછી આને ધીરે રહીને કહ્યું કે,  પણ તમને આ માહિતી કોણે આપી કે મોરારી બાપુ કરોડ રૂપિયા લે છે?? એટલે એ બીજા વાતું કરે એના કરતા હું સત્ય કહી દઉં એટલે મારે મારી જીભે બોલવું પડે,  નહીંતર આ કાંઈ કહેવાની વાતો નથી. મેં અહીંથી પૈસા છોડેલા. અહીંથી સારી રકમ મળવાની હતી, તો પણ છૂટ્યું એટલે છૂટ્યું…  આ મારા જીવનના અનુભવ… આ નૈરોબી સાથે જોડાયેલી વસ્તુ છે.  જેને દાંત દીધા છે તે ચાવવાનું પામ આપી રહેશે. એ તો આપવાનો જ છે,સાહેબ, એટલે  તો લહેર કરીએ છીએ સાહેબ.. આનંદ આનંદ છે…તો આ કેન્યાની ભૂમિ એમાંય નૈરોબી આ મારા વિશેષ સંકલ્પની પણ એક ભૂમિ ગણાય. મારે કહેવું છે કે સાહેબ ભુખ્યાને ભોજન આપવું, એ કદાચ રામ રામ સતત નહિ રટે તો ચાલશે.  તમે જે કાંઈ દાન કરશો, જે કાંઈ ભુખ્યાને આપશો એની પાછળ એ રામનામનું બળ હશે તો જ ફળશે,  નહીંતર તમને આપ્યાનો અહંકાર આવી જશે. એનાથી બચવા માટે હરિનામ બહુ જરૂરી છે.પણ કદાચ કોઈ ન લઈ શકે તો પણ દો,  ભુખ્યાને ભાખરી પ્રભુને દેજો…

 

બાપુની જીવન વાણી (06)…ને બહાઉદ્દીન કોલેજ, જૂનાગઢે બાપુને એડમિશન આપવાની ‘ના’ પડી દીધી !!

“નરસિંહ મહેતાએ એકોતેર કુળ તાર્યા.. હું કબૂલ કરું કે, મારું  મૂળ તો સાહેબ અહીંયા છે, જૂનાગઢમાં.. એટલે મને લગાવ છે. અમસ્તુ અમસ્તું કાંઈ થતું નથી. જીવણદાસ મહેતા નાગર કૉંજળી  ના નાગર અને  ધ્યાનસ્વામી બાપા  એક અવધૂત અદભુત સંત સૌરાષ્ટ્રમાં આવ્યા અને એમની પાસે જઈને એમણે દીક્ષા લીધી. પણ એમણે કહ્યું કે,  જીવણદાસ મહેતા તમે નાગર છો. એક જ્ઞાતિમાં આબદ્ધ છો. પણ હું તો એ બધાથી ‘જાતિ પાતી નહીં રે હરિ કેરા દેશ’ માં એવો એક સાધુ છું. હું દીક્ષા આપું પણ એક શરતે, તમારે વિરક્ત નથી રહેવાનું, તમારે ગૃહસ્થ થવાનું છે. અને જીવણદાસ મહેતા કોંજળી માં આખો આજે મહેતા પરિવાર છે.  કાલ સુધી યોગેન્દ્રભાઈ મહેતા, યોગિનીબહેન મહેતા જે ફિલોસોફીસ્ટ હતા તે  ભાવનગરમાં રહેતા હતા. સાહેબ,  કોંજળીમાં હજી નાગર પરંપરાના લક્ષણો છે.

હું જાણું ત્યાં સુધી,  હવે ખબર નહિ હવે ભેળાઈ ગયું હોય તો… કોંજળી એટલે તલગાજરડાથી બે  કિલોમીટર દૂર. વચ્ચે વાયા પીઠોરીયા હનુમાન.  ત્યાં કોઈ બીડી નોહ્તું પીતું, ત્યાં નાગર પરિવાર સિવાય કોઈ પાન ન ખાતું. આ લક્ષણો મેં મારી નજરે જોયેલા છે. એવા સમયમાં એ જીવણદાસ મહેતા મૂળ નાગર પુરુષ,  અમારી સાત પેઢી તરી. એકોતેરતો નહિ, ભદ્રાયુભાઈ…પણ સાત તરી,  મારા બાપ. જીવણદાસ મહેતા ગૃહસ્થ થયા અને એના દીકરા પછી ગૃહસ્થને ત્યાં જન્મ્યો એ નારાયણદાસ બાપૂ. નારાયણદાસ બાપૂને ત્યાં જન્મ્યો એ પ્રેમદાસ બાપુ. પ્રેમદાસબાપૂ ને ત્યાં જન્મ્યો એ રઘુરામ બાપૂ, રઘુરામબાપૂ  ને ત્યાં જન્મ્યો એ ત્રિભુવનદાસ દાદા,,, ત્રિભુવનદાસ દાદા ને ત્યાં જન્મ્યા એ પ્રભુદાસ બાપૂ, અને એને ત્યાં જન્મ્યો એ મોરારી બાપુ… અમારા સાતેય કુળ તાર્યા. અમારા તો સાતેય તરી ગયા અને હું તો આ માનસ નાગરમાં નરસિંહ મહેતાનો મોટો ભંડારો કરવા આજે જૂનાગઢ આવ્યો છું.

મારા બાપ નરસિંહ  મહેતાની તો એક જ હૂંડી સ્વીકારી હશે. તલગાજરડાની મારા ઠાકુરે અનેક હૂંડી સ્વીકારી. એનો આ જ 21મી સદીનો અનુભવ તમને કહું છું. એ આ સંતોની કૃપા, મને જૂનાગઢ કોલેજ કરવાની શું કામ ઈચ્છા થઈ ? જૂનાગઢ કરતાં ભાવનગર નજીક હતું. પણ મારા મનમાં ક્યાંક ચેતનામાં કે જો આગળ ભણવું હોય તો જૂનાગઢ ભણવું કારણ કે ત્યાં મારો નાગરો થયો છે. આ મારી ચેતના ઝંખતી હતી. ભલે બહાઉદીન કોલેજે મને એડમિશન ન આપ્યું. કેમ ન આપ્યું ને… મને સાવ આટલા માર્ક્સમાં ?? જાઓ પાછા … આમ સૌ ચોખ્ખી ધડ દઈને ના પાડી . જેમ નરસિંહ  મહેતાના પિતાના શ્રાદ્ધ માટે નરસિંહ મહેતો જૂનાગઢની બજારમાં ઘી લેવા નીકળ્યો અને જયારે ખબર પડી વ્યાપારીઓને કે આના પૈસા તો મહિના દિવસ પછી આવશે એટલે ધડ દઈને ના પાડી દેતા હતા,  એમ બાઉદીન કોલેજના પ્રિન્સિપાલે મને ધડ દઈને ના પાડી. ને સાહેબ મોરારી બાપુએ પછી નક્કી કર્યું કે,  જૂનાગઢની કોલેજ આપણને ન ભણાવે તો કાંઈ નહિ પણ જૂનાગઢ જિલ્લામાં તો ભણવું છે,  જ્યાં મારી નાગરી ચેતના ઘૂમી રહી છે. અને તેથી હું શાહપુર ભણ્યો. જૂનાગઢ જિલ્લાએ મને પી.ટી.સી. બનાવ્યો. પી.ટી.સી. કાંઈ જેવી તેવી … જુનીયર પી.ટી.સી. પછી સિનિયર ઘરે બેસીને… એટલે તમે એમ ના  માનતા કે બાપુ  સાવ ઠોઠ છે.

તમને કહું કે, પહેલો વહેલો મને માસ્તરમાં નોકરીમાં લીધો એ પણ એક નાગર હતો, ઉમા કાન્ત વોરા.. જેમણે મને પહેલી વખત નિમ્યો પ્રાઇમરી ટીચર તરીકે એ નાગર હતો. યાદ છે. એમનો નિમણૂક પત્ર મને મળેલો. એટલે નાગરનું ઋણ છે. ત્યાં કથા કરી, પછી અધ્યાપન મંદિરમાં કરી, આપણે  સોમનાથ નો ફાંટો ફાટે,  એ પછી આમથી વેરાવળ આવીએ ને આમથી આમ આવીએ ત્યાં વચ્ચે અધ્યાપન મંદિર આવે. છાયાસાહેબ પ્રિન્સિપાલ હતા. ત્યાં એક કથા કરી પછી જ શિશુ મંગલ કથા કરી. ભીખુદાનભાઈ મને કહે કે,  મારા બાપુજી તમને સાંભળવા આવતા.

અને પછી તો પુષ્પાબેન,  મારા ઉપર થોડી ગુરુ કૃપા કે હું એમને  થોડોક આમ કબુલ થવા માંડ્યા. નહિતર એના વિચારો એટલે… સ્વાભાવિક છે. તો કહેવાનો મારો અર્થ એ બાપ કે,  ત્રણ ત્રણ કથાઓ મેં એની પાસે કરી.  નહીંતર એનું મને થોડુંક ‘એવું’  હતું. પણ જૂનાગઢમાં તો મંડાણ જ એમને જ  કરાવેલું. એ મારા બૂચસાહેબ..વિક્રમભાઈ બુચ. આ બધા આયોજકો હતા એ મને યાદ છે. આ બધા વિષ્ણુ સહસ્ત્રનામ છે મારા માટે. તો બાપ આખું જગત બ્રહ્મમય લાગે.

અને હું મારા શ્રોતાઓને હૃદયથી કહું સાહેબ. થોડું થોડું સમજાયું છે એ કહું કે તમને ત્યાં સુધી બીજો તમારાથી નાનો દેખાય કે આ મારા માટે ઓછું ભણેલો છે, કે મારા કરતાં એની પદવી નીચી છે, કે આ મારા કરતાં જાતનાતમાં જરાક ઓલો છે, કે મારા કરતાં આમ પેલો છે એવું જ્યાં સુધી તમને બીજું દેખાય ત્યાં સુધી યાદ રાખજો,  તમારું કે મારું મન શુદ્ધ નથી થયું સાહેબ.

જેનું મન શુદ્ધ થશે તેને આખું જગત બ્રહ્મમય ભાસશે. આ જગતમાં આંખ ઉઘડે ને ખબર છે કે બધું શુદ્ધ જ છે,  અશુભ કાંઈ છે જ નહીં સાહેબ. જેને આ સમજાય જાય એને બ્રહ્મમય દ્રષ્ટિ મળી , સમજો.”

બાપુની દિવ્ય વાણી ….(05)……અને બાપુએ ગર્દભ સવારીનો મનોરથ પૂરો કર્યો !!

હું મારા રામજી મંદિરે પગે લાગવા ગયો. રોજ જાઉં તલગાજરડા હોઉં ત્યારે. હું ક્યાંક  કથામાં બોલ્યો હતો કે મારે એક વખત ફરી તલગાજરડામાં લોટ માંગવા નીકળવું છે.  આ હું બોલ્યો.. અને હું બોલું ને એ ભગવાન પળાવે છે મારી પાસે.

અહીં જેમ શોભાયાત્રા નીકળીને એમ કથા પહેલાની પોથીજી સાથેની શોભાયાત્રામાં હું પહેલેથી  જતો. શરુ શરૂમાં  હું જતો. મોરારજીભાઈએ એક વખત મને કીધું, મોરારજી દેસાઈ, દાદાની ભાગવત વિદ્યાપીઠમાં- સોલામાં  સંસ્કૃતના  સર્ટિફિકેટ પ્રદાન માટે હું ગયેલો. લઈ. ત્યારે મોરારજીભાઈ  ગુજરાત વિદ્યાપીઠમાં નવરાત્રીમાં કથા કરતા.

મોરારજીભાઈ એટલે  ભારતનો જબરો પ્રાઈમ મિનિસ્ટર… એ મને કહે,  ‘બાપુ તમારી કથા વિશે ઘણું જાણ્યું, સાંભળ્યું છે, અને બહુ સારું કરો છો તમે’. હવે ક્યાં મોરારજીભાઈ આટલો મોટો માણસ અને આ એની  મોટાઈ !!. આ વર્ષો પહેલાંની વાત છે. એ મોઢા મોઢ જ બધું કહેતા ને..પણ મને કહે,  મને એક નથી ગમતું કે,  આ શોભાયાત્રા ત્યાં નીકળે છે ને એ બંધ કરાવી જોઈએ.  તે દિવસથી શોભાયાત્રામાં જવાનું  બંધ, બસ, નક્કી કે,  આપણે શોભાયાત્રામાં નહીં જવું.

પણ એક  દિવસે આ મંગળદાસ બાપુની જે કથા હતી એમાં મંગળદાસ બાપુ તો એકદમ પ્રજ્ઞાચક્ષુ પણ  અંતર દ્રષ્ટિ  તો એની ખુલેલી જ હોય..મને કહે, શોભાયાત્રામાં હાથી ઉપર  બેસવું જ પડશે. મેં કીધું,  બાપુ મને નહીં ફાવે.  વ્યાસપીઠની ઊંચાઈ ય પણ  ક્યારેક ઉંચી લાગે છે ત્યાં  હું  કેમ ગોઠવાઈ ગયો છું… એનુય ભાન રાખું છું. કે આ ઊંચાઈએ બેસવાની આપણી લાયકાત… પણ ગુરુકૃપા એ નિભાવી જાય છે. બાપ આટલી  આથી ઊંચાઈએ ત્યાં મને ક્યાં ચડાવો છો ?..તો કહે,  ના વ્હાલા  બેસવું જ પડે. આ તો પોથી યાત્રા છે.આ એના શબ્દો હો… કે,  પોથી નહીં હું કોઈ પોથો છું? તે હું બેસું તો તું ય બેસ. મેં કહ્યું ત્યારે હાલો  ચડીએ… બે જણા અમે બેઠા.. હાથી ઉપર…  હાથી નીકળે આમ… કેવા લાગતા હશું  મારો નાથ જાણે.. મારા તરફ બહુ લાગણી રાખતા. મેં કીધું બાપુ, આ આખી દુનિયાની વચ્ચે આપણે હાથી ઉપર ચડયા  પણ આ તો દુનિયા છે એ ક્યારે ગધેડા ઉપર બેસાડે એ કાંઈ નક્કી નહીં. ..

એ તે દિવસે કરેલો મેં મનોરથ.. કે મારી ઈચ્છા એવી છે કે એક વખત દુનિયા બેસાડે એ પહેલાં આપણે  ગધેડે બેસી જવું. અને પૂછો આ છોકરાઓને કચ્છની કથા.. હું વળી ભિક્ષા માટે આપણે ક્યાંક જતો હતો.. હું અને હકો અમે બધા સાથે. અંધારું સાંજનું થયું છે,  એમાં અમે નીકળ્યા. એમાં પ્રજાપતિ નીકળ્યા છે વાહન સાથે. છાલકુ હતું.. મેં કીધું આને વિનંતી કરોને,  ₹500 આપીએ, કોઈ જોનારું નથી,એક વખત ગધેડે બેસી લેવા દ્યો ને તો આપણો મનોરથ પૂરો થાય. અને છોકરાઓને નવાઈ લાગી અને ઓલા ભાઈને તો બહુ નવાઇ લાગી. મોરારીબાપુ તમને  આ શું  સુજ્યુ? મેં કીધું સુજ્યુ છે તો પૂરું કરવા દે… માંડ માંડ 500 રૂપિયા આપ્યા, પછી હું બેઠો આ લોકોએ આસન ઉપર આપ્યું. આમ સફેદ તો એ હતું પણ એની ઉપર  શુભ્રાસન અમે  પાથર્યું. અને આ હકો આમ થોડોક આમ થયો અને એના વાહા ઉપર પગ મૂકીને… એ આ છોકરાએ મને મદદ કરી, એનું શરીર પણ સારું,એટલે આમ પગથિયાની જેમ થઇ ગયો છે. અને પછી મોરારીબાપુએ ધીરે-ધીરે ચાખડી ઉતારી અને પછી જમણો પગ.. પહેલા આ હેઠે.. આના ઉપર.. આ મારા સંગીતના સાથીઓ તો મારા વાહનો જ છે ને સાહેબ.. વર્ષોથી વગાડે છે સાહેબ. ઓલા પ્રજાપતિને કીધું કે, તું પકડી રાખજે,  આ હડીયું ના કાઢે…અને એને કે જે ભુકે તો નહિ જ.. ઓલો કહે,  એ મને શું ખબર પડે એને મોજ આવે તો ભુકેય તે,,, અને બીજા હતા એને કીધું કે પાછળ નહિ હાલતા. દૂર રહેજો..પાંચેક મિનિટ આપણે સવારી કરી.. ન  ફોટા પડ્યા ન  ફેસબુક ઉપર મુખ્ય… પણ તે દિવસ  બેસી લીધું એ  હકીકત છે.

મારો ગિરનારી પુરા  કરે છે  મારા  મનોરથ. એ  હાજરા હજુર હો..

“મારા હાથમાં રહેલો બેરખો ક્યારેય અટક્યો નથી.”

મારી વાત જો તમને સારી લાગતી હોય તો એવી પ્રાર્થના કરો કે ક્યારેય પણ કોઈ મનુષ્યનું અપમાન નહીં કરીએ. માણસનું અપમાન એ ઈશ્વરનું અપમાન છે. એવું કરવું પડે તો ત્યાંથી દૂર થઈ જજો. ક્યારેક છેતરાઈ જવું પડે અથવા દગો સહન કરવો પડે તો કોઈક માટે થઈને સહન કરી લેજો.  એનો થાક મનમાં વ્હોરી  લેજો.

અરે બહુ ખાધા જનમ જનમની યાત્રામાં એક પછી એક દગા. કોઈ શેઠ પોતાના નોકરનો તિરસ્કાર ન કરે. હું તો ત્યાં સુધી કહેવાનું પસંદ કરું છું અને સૌને શીખવું છું કે,  આપણા ઘરમાં કોઈ કામ કરી રહ્યું છે એને નોકર ન કહેતા, એને કામ વાળા ન કહેતા.  કામવાળા શબ્દ મને બહુ સારો નથી લાગતો.  રોવું નથી આવતું તમને કોઈ કામવાળા શબ્દ સાંભળવાથી ?? આપણે એવા કોણ મોટા થઈ ગયા છીએ કે,  આપણા ઘરના સદસ્ય જેવા એ માણસને આપણે નોકર ગણીએ ?? અને ખબર નથી મિત્રો,  એ લાઈનમાં ક્યારેક  આપણો નંબર આવી જાય.

બહુ જ ધીરજ સાથે માણસમાં મનુષ્યતાને જુઓ,  ચતુર્ભુજ પરમેશ્વરને જુઓ. મને કોઈએ કહ્યું કે બાપુ,  તમે સભામાં ધોતી અને કુરતો પહેરીને આવો છો પણ  આ નવું છે કે આ કથામાં નથી સિવડાવ્યા ?? દિવાળીમાં ય હું નવા વસ્ત્રો નથી પહેરતો,  પણ દર  વખતે નવા જ ઈસ્ત્રીવાળા કપડાં તો આપણે પહેરી જ શકીએ છીએ ને ખોટી સરળતા દેખાડવાનું કોઈ કારણ નથી.  બહુ સાદા દેખાવાની પણ જરૂર નથી.

એકવાર  કોઈ કહ્યું છે કે,  બાપુ આપ તો ઇસ્ત્રીવાળા કપડા પહેરો છો એમાંથી ચોળાઈ ગયેલું ? આવો ફેરફાર કેમ થઇ ગયો? મેં કહ્યું,  સવારે હું મારા સંતાનો સાથે રમત રમીને અહીંયા આવું છું.  બાળકો સાથે શા માટે રમું છું,  ખબર છે હું બાળકને આ બાજુ તોડી લઉં છું અને તેના મનને  આગળ કરું છું ને મનુષ્યની મહિમા ગાઉં છું,  એટલા માટે મનુષ્યને પ્યાર કરો એમ કહેવું અને એમ કરવું એ પરમ સાધુતા છે નાનકડા બાળકોને હું એવું થોડું સમજાવી શકું કે,  ભાઈ આ ઈસ્ત્રીવાળા કપડાં બગડે છે !!  મારા દાદા કથા કરવા જતા ત્યારે મારી સમજ થોડી હતી, ત્યારે એક વાત યાદ રહેતી :: જીઓ તો રહેશે જીઓ કે સબ હમારા હૈ ઔર મરો તો એસે મરો કે હમારા કુછ ભી નહી.. એ ય ને  આવજો કહીને અહીંથી નીકળી જવું છે માખણમાંથી વાળ નીકળે ને એ રીતે !!

મારો અભિપ્રાય એટલો છે કે,  વિશ્વની  મનુજતા માં જેને પૂરેપૂરી આસ્થા  છે,  પરમ તત્વમાં જેનું ભીતર રમમાણ છે અને તમામ પદોથી મુક્ત અને પદાધિકારીઓની નિંદાથી મુક્ત છે, કોઈપણ પ્રકારની  શા માટે નિંદા કરવી ?? નિંદાનો અર્થ એ થયો કે,  અંદરનો  એકાદો  ખટકો હજી તમારામાં રહ્યો છે.  જે છે તે જ છે, સ્વીકારી લો તેના સિવાય કોઈ ઉદ્ધાર નથી.

મારી નિષ્ઠા પણ શિવ માં બહુ છે.  હું નાનો હતો તો ઘરમાં તો કંઈ હતું જ નહીં ત્યારે અમારી નદી,  જે અમારી ગંગા કહેવાય,  ભગવાનના શિવલિંગ એની માટીમાંથી બનાવી  અને દિવસભર  પૂજા કરતા કરતા.  કાગભુષંડીજીના ગુરુ શંભુ ઉપાસક છે.  મારો સદગુરુ રામ  ઉપાસક છે, પણ શિવ નિંદક નથી. ક્યાં કરવી મારી વાત, આપ મને પોતાના લાગો  છે એટલે ખાસ કહેવાનું કે,  મારા હાથમાં રહેલો બેરખો ક્યારેય અટક્યો નથી.  મારી આંખો એની સાક્ષી છે આ વાતની..  આપણે ક્યાં જપ કરીએ છીએ બાપ ?? પહેલાના સમયના વૃદ્ધો અને બુજુર્ગ લોકોની શું વાત કરવી ?  તેઓ  આપણને ચૂપચાપ બેઠેલા લાગતા પણ એમને મનમાં સતત જપ કર્યા કરતા હતા.  બસ,  આ શક્તિ આપણને ઈશ્વર આપે તેવી આપણે પ્રાર્થના કરીએ કારણ કે કળિયુગ કેવળ નામ આધારા.

બાપુની દિવ્ય વાણી ….(03) બાપુ અને હિંચકો

નાગરોના ઘરમાં હિંડોળા શું કામ હોય છે તે  ખબર છે ?? એને જડ  ન રખાય, એને હિંચકા ખાતા રહેવું જોઈએ. હવે મને આ બધું યાદ આવે જાણ્યા પછી કે અમારે ત્યાં હીંચકો  પહેલેથી.. અમે  હિંડોળા વાળા હતા. જો કે, નાગર જેવા અમારે કાંઈ સુખ નહોતા. કોઈ નોકરી જ નહોતું કરતું !  તો પછી દસ ગણું પેન્શન લે ક્યાંથી? નોકરું જ નહોતું. પણ ભાંગ્યો તૂટ્યો અમારો  હિંડોળો.. પણ હવે તો એ બધું નીકળી ગયું. રાખ્યો હોત તો એ મારું નજરાણુ ગણાત,  સાહેબ. એ નાની એવી ઓસરીમાં સોફા તો જડ  છે સાહેબ.

આ નાગરો હિંચકા ઉપર બેસે છે એનો અર્થ એમ છે, અમે આગળ પણ જઈએ ને અમે પાછળ પણ જઈએ, અમે સંશોધન કરનારા  ‘અમે’ છીએ. અમે આમ જડ નથી થઈ શકતા. અમને એમ લાગે કે પાછળ જવા જેવું છે તો પાછળ પણ જઈએ. અમને એવું લાગે તો આ બાજુ ઓટ ને  આ બાજુ ભરતી છે, તો સાગર નું લક્ષણ છે આ. એ નાગર છે સાહેબ. જીવનમાં સુખ પણ આવે અને દુઃખ પણ આવે. હિંડોળો એ વાત યાદ અપાવે.

મારું તો તમે જુઓ સ્વભાવમાં બધું ઉતર્યું છે. જેવો મારો નાથ.. હું કાયમ લગભગ   હીંચકા ઉપર… આ તો કથામાં હું થોડો શિષ્ટ થઈ જાઉં છું,  સભ્ય થઈ જાઉં છું. એટલે નીચે બેસીને તોય કાંઈ ઠેકાણું ના હોય મારું… આ જયંતીભાઈ ને બધા જમાડે મને.. એ અત્યારે વળી વળી નીચે બેસે … બાકી હું લગભગ હિંચકા ઉપર જ ખાઉ, હિંચકા ઉપર જ બેઠો હોઉ, સુઈ જઉં  પણ હિંચકા ઉપર. અમારી ટેવ છે બચપણથી. એટલે એક જ્ઞાતિ તરીકે, કુળ તરીકે, એનો મહિમા સ્વાભાવિક છે પણ એને સાંકડું ન થવા દેવાય. એમાં જ્યારે સાધુતા ભળી જાય ત્યારે એ ગોખલું ગગન બની જાય. ત્યારે એની વિશાળતાને કોઈ માપી ના શકે.