
જીવનની અનિત્યતા અને આત્મજાગૃતિના વૈરાગ્યશતકના ઉત્તમ શ્લોકો તેના ભાવાર્થ સહીત…
શ્રી ભર્તૃહરિ રચિત નીતિશતક, શૃંગારશતક અને વૈરાગ્યશતકનું રસપાન આપણે કરી રહ્યા છીએ. રાજા ભરથરી એટલે ભર્તૃહરીના જીવનની કરુણતાથી આપણે વ્યથિત થયા છીએ. તો એમના દ્વારા રચાયેલ ત્રણેય શતકોમાંથી ઉત્તમ દાસ દાસ શ્લોકોને આપણે સમજી રહ્યા છીએ. આવો, આજે વૈરાગ્યશતકનું હાર્દ શ્લોકોથી જાણીએ:
વૈરાગ્યશતક — જીવનની અનિત્યતા અને આત્મજાગૃતિ
૧. અત્યંત પ્રસિદ્ધ શ્લોક
भोगा न भुक्ता वयमेव भुक्ताः, तपो न तप्तं वयमेव तप्ताः।
कालो न यातो वयमेव याताः, तृष्णा न जीर्णा वयमेव जीर्णाः॥
ભાવાર્થ: આપણે માનીએ છીએ કે આપણે ભોગ ભોગવીએ છીએ, પરંતુ ખરેખર ભોગો આપણને ખાઈ જાય છે. સમય જતો નથી—આપણે જતા રહીએ છીએ. તૃષ્ણા વૃદ્ધ થતી નથી; આપણે વૃદ્ધ થઈએ છીએ.
મર્મ : ભોગ પૂરા થઈ શકે, તૃષ્ણા નહીં, જ્યાં સુધી મન બદલાય નહીં.
૨. તૃષ્ણા છોડતી નથી
वलिभिर्मुखमाक्रान्तं पलितेनाङ्कितं शिरः।
गात्राणि शिथिलायन्ते तृष्णैका तरुणायते॥
ભાવાર્થ: ચહેરા પર કરચલીઓ પડી, વાળ સફેદ થયા, શરીર નબળું થયું—પણ તૃષ્ણા તો હજુ યુવાન જ છે.
મર્મ: વૃદ્ધ થવું સ્વાભાવિક છે, પરિપક થવું સાધના છે.
૩. ભોગમાં ભય
भोगे रोगभयं कुले च्युतिभयं वित्ते नृपालाद्भयं, माने दैन्यभयं बले रिपुभयं रूपे जराया भयम्।
शास्त्रे वादिभयं गुणे खलभयं काये कृतान्ताद्भयं, सर्वं वस्तु भयान्वितं भुवि नृणां वैराग्यमेवाभयम्॥
ભાવાર્થ: ભોગમાં રોગનો ભય, ધનમાં ગુમાવવાનો ભય, રૂપમાં વૃદ્ધાવસ્થાનો ભય, શરીરમાં મૃત્યુનો ભય—સંસારમાં લગભગ દરેક વસ્તુ સાથે ભય જોડાયેલો છે. વૈરાગ્ય મનુષ્યને આ બંધનોથી મુક્તિનો અનુભવ કરાવે છે.
મર્મ: જ્યાં આસક્તિ છે ત્યાં ભય છે, જ્યાં અનાસક્તિ છે ત્યાં અભય છે.
૪. તૃષ્ણાનો અંત ક્યાં?
तृष्णे देवि मतिं कुरुष्व विषयेष्वद्यापि किं मज्जसि
स्वान्तः स्वस्थ्यमुपैहि सन्त्यज निजां कल्लोललोलां गतिम्॥
ભાવાર્થ: કવિ પોતાની તૃષ્ણાને સંબોધીને કહે છે—હવે વિષયોની પાછળ દોડવાનું બંધ કર; મનમાં પાછા ફરો અને શાંતિ પ્રાપ્ત કરો.
મર્મ: કૃષ્ણની તૃપ્તિ માં શાંતિ નથી, તૃષ્ણા ની નિવૃત્તિમાં શાંતિ છે
૫. જીવન પાણીના તરંગ જેવું
आयुर्वर्षशतं नृणां परिमितं रात्रौ तदर्धं गतं, तस्यार्धस्य परस्य चार्धमपरं बालत्ववृद्धत्वयोः।
शेषं व्याधिवियोगदुःखसहितं सेवादिभिर्नीयते, जीवे वारितरङ्गचञ्चलतरे सौख्यं कुतः प्राणिनाम्॥
ભાવાર્થ: સો વર્ષનું જીવન માનીએ તો અડધું ઊંઘમાં જાય છે; ઘણો સમય બાળપણ અને વૃદ્ધાવસ્થામાં જાય છે; બાકીનો સમય રોગ, વિયોગ અને જીવનની જવાબદારીઓમાં પસાર થાય છે. પાણીના તરંગ જેવા અસ્થિર જીવનમાં કાયમી સુખ ક્યાંથી મળે?
મર્મ: જીવન કેટલા વર્ષનું છે એ કરતાં, કેટલું જાગૃતિ પૂર્વક જીવાયુ છે, એ મહત્વનું છે
૬. સંપત્તિની મર્યાદા
अर्थानामीशिषे त्वं वयमपि च गिरामीश्महे यावदर्थं
शूरस्त्वं वादिदर्पव्युपशमनविधावक्षयं पाटवं नः॥
ભાવાર્થ: ભૌતિક સંપત્તિ અને જ્ઞાનની સંપત્તિ જુદી છે. રાજા ધનનો સ્વામી હોઈ શકે, પરંતુ જ્ઞાની પોતાના જ્ઞાન અને વાણીના સામર્થ્યનો સ્વામી છે.
મર્મ: સત્તા માણસને અધિકાર આપે છે, જ્ઞાન માણસને આંતરિક ગૌરવ આપે છે.
૭. સંતોષનું સુખ
वयमिह परितुष्टा वल्कलैस्त्वं दुकूलैः, सम इह परितोषो निर्विशेषो विशेषः।
स तु भवति दरिद्रो यस्य तृष्णा विशाला, मनसि च परितुष्टे कोऽर्थवान् को दरिद्रः॥
ભાવાર્થ: અમે વૃક્ષની છાલનાં વસ્ત્રોમાં ખુશ છીએ અને તમે રેશમી વસ્ત્રોમાં. જો બંનેને સંતોષ છે તો તફાવત શું? જેની તૃષ્ણા મોટી છે તે જ સાચો ગરીબ છે. મન સંતોષી હોય તો કોણ ધનિક અને કોણ ગરીબ?
મર્મ: જેની પાસે ઓછું છે તે ગરીબ નથી, જેને હંમેશા ઓછું પડે છે તે ગરીબ છે.
૮. જીવનની અસ્થિરતા
क्षणं बालो भूत्वा क्षणमपि युवा कामरसिकः, क्षणं वित्तैर्हीनः क्षणमपि च सम्पूर्णविभवः।
जराजीर्णैरङ्गैर्नट इव वलीमण्डिततनुः, नरः संसारान्ते विशति यमधानीयवनिकाम्॥
ભાવાર્થ: માણસ ક્યારેક બાળક, પછી યુવાન, ક્યારેક ગરીબ તો ક્યારેક સમૃદ્ધ બને છે. અંતે વૃદ્ધ થઈને જાણે રંગમંચનો અભિનેતા પડદા પાછળ ચાલ્યો જાય તેમ જીવનમાંથી વિદાય લે છે.
મર્મ: જીવનમાં પાત્રો બદલાતા રહે છે, આપણે કોઈ એક પાત્ર નથી.
૯. શિવભક્તિ અને વૈરાગ્ય
कदा वाराणस्याममरतटिनीरोधसि वसन्, वसानः कौपीनं शिरसि निदधानोऽञ्जलिपुटम्।
अये गौरीनाथ त्रिपुरहर शम्भो त्रिनयन, प्रसीदेति क्रोशन्निमिषमिव नेष्यामि दिवसान्॥
ભાવાર્થ: કવિની અભિલાષા છે—ક્યારે હું વારાણસીમાં ગંગાના કિનારે, માત્ર કૌપીન ધારણ કરીને, હાથ જોડી “હે ગૌરીનાથ! હે ત્રિપુરહર! હે શંભુ! હે ત્રિનેત્ર! મારા પર પ્રસન્ન થાઓ” એમ પોકારતો રહીશ અને મારા દિવસો જાણે પળવારમાં પસાર થઈ જશે?
મર્મ: વૈરાગ્ય અહીં નિરાશા નથી; ઈશ્વરમાં પૂર્ણ સમર્પણ અને આંતરિક શાંતિની તીવ્ર ઝંખના છે.
૧૦. “વૈરાગ્યનો અંતિમ સંદેશ” —
તૃષ્ણાની ગુલામીમાંથી મુક્ત થવું અને શાશ્વત તત્ત્વ તરફ મન વાળવું.
આ ભાવને અનુરૂપ વૈરાગ્યશતકનો અત્યંત સુંદર શ્લોક છે:
महेश्वरे वा जगतामधीश्वरे, जनार्दने वा जगदन्तरात्मनि।
न वस्तुभेदप्रतिपत्तिरस्ति मे, तथापि भक्तिस्तरुणेन्दुशेखरे॥
ભાવાર્થ: જગતના સ્વામી મહેશ્વર હોય કે જગતના અંતરાત્મા જનાર્દન—મને બંનેમાં તત્ત્વતઃ કોઈ ભેદ દેખાતો નથી; છતાં ચંદ્રકલાધારી ભગવાન શિવ પ્રત્યે મારા હૃદયમાં વિશેષ ભક્તિ છે.
મર્મ: વૈરાગ્યનો અંત માત્ર સંસારના ત્યાગમાં નથી; તે ભેદબુદ્ધિથી ઉપર ઊઠીને પરમ તત્ત્વમાં મન સ્થિર કરવામાં છે.(ક્રમશ:)
