નીતિશતકના ઉત્તમ દસ શ્લોકો અને તેનું ભાવ દર્શન રસપ્રદ બની રહેશે.

‘રાજા ભરથરી’ એવું  પ્રચલિત સંબોધન  જેમને આપણી ગીત પરંપરામાં મળ્યું તેવા રાજા ભર્તૃહરી ના જીવનનું સાર્થક પાસું એટલે તેઓએ રચેલ ત્રણ શાસ્ત્રીય શતકો. આપણે આ શતકોને નજીકથી ઓળખવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.

નીતિશતક, શ્રુંગારશતક અને વૈરાગ્યશતક નામધારી ત્રણેય  શતકોમાં સો સો શ્લોકો છે. આ વિશાળ  ભંડારને સમજવામાં માટે તો દીર્ઘ સંવાદ સત્રોનાં  આયોજનો કરવા પડે. શાસ્ત્રો કે આ પ્રકારના અષ્ટકો કે સપ્તકો કે શતકો બહુ ગૂઢ અર્થ સાથે સાચવીને બેઠાં હોય છે, ત્યારે આપણે તો કેવળ વિહંગાવલોકન કરી શકીએ.

આજે આપણે નીતિશતકના ઉત્તમોત્તમ ગણાતા દસ શ્લોકોનું આચમન કરીશું. આમાંથી જ રસ જાગે અને કોઈને સો શ્લોકો સુધી પહોંચી જવું હોય તો આનંદ સાથે શુભેચ્છાઓ છે.

નીતિશતક — જીવનનીતિ અને સદાચાર

૧. વિદ્યા સાચું ધન છે, એવું સમજાવતો શ્લોક

विद्या नाम नरस्य रूपमधिकं प्रच्छन्नगुप्तं धनं ,,विद्या भोगकरी यशःसुखकरी विद्या गुरूणां गुरुः।
विद्या बन्धुजनो विदेशगमने विद्या परं दैवतं,,  विद्या राजसु पूज्यते न हि धनं विद्याविहीनः पशुः॥

ભાવાર્થ: વિદ્યા મનુષ્યનું શ્રેષ્ઠ રૂપ અને એવું ગુપ્ત ધન છે જે કોઈ છીનવી શકતું નથી. વિદેશમાં વિદ્યા જ સાચી સાથી બને છે. રાજાઓ પણ વિદ્યાનું સન્માન કરે છે; માત્ર ધનનું નહીં.

૨. સાહિત્ય, સંગીત અને કળા વગરનું જીવન વ્યર્થ છે.

साहित्यसंगीतकलाविहीनः साक्षात्पशुः पुच्छविषाणहीनः।
तृणं न खादन्नपि जीवमानः  तद्भागधेयं परमं पशूनाम्॥

ભાવાર્થ: સાહિત્ય, સંગીત અને કળાથી રહિત માણસ જાણે પૂંછડા અને શિંગડા વિનાનું પશુ છે. મનુષ્યજીવનને સંસ્કારિત અને સમૃદ્ધ બનાવવામાં કળાનું વિશેષ સ્થાન છે.

૩. મૂર્ખને સમજાવવો અત્યંત મુશ્કેલ હોય છે.

अज्ञः सुखमाराध्यः सुखतरमाराध्यते विशेषज्ञः।
ज्ञानलवदुर्विदग्धं ब्रह्मापि नरं न रञ्जयति॥

ભાવાર્થ: અજ્ઞાનીને સમજાવવો સહેલો છે અને સાચા જ્ઞાનીને સમજાવવો તો વધુ સહેલો છે; પરંતુ થોડું જ્ઞાન મેળવીને પોતાને મહાજ્ઞાની માનનારને બ્રહ્મા પણ સમજાવી શકતા નથી.

 ૪. સજ્જનોની સંગતિ નું મહત્વ અહીં સ્પષ્ટ થાય છે.

जाड्यं धियो हरति सिञ्चति वाचि सत्यं, मानोन्नतिं दिशति पापमपाकरोति।
चेतः प्रसादयति दिक्षु तनोति कीर्तिं, सत्सङ्गतिः कथय किं न करोति पुंसाम्॥

ભાવાર્થ: સત્સંગ બુદ્ધિની જડતા દૂર કરે છે, વાણીમાં સત્ય લાવે છે, માન વધારે છે, પાપથી દૂર કરે છે, મન પ્રસન્ન કરે છે અને કીર્તિ ફેલાવે છે. સત્સંગ માણસ માટે શું નથી કરતો?

૫. મહાન વ્યક્તિ વિપત્તિમાં પણ ધીરજ છોડતી નથી

छिन्नोऽपि रोहति तरुः क्षीणोऽप्युपचीयते पुनश्चन्द्रः।
इति विमृशन्तः सन्तः सन्तप्यन्ते न लोकेऽस्मिन्॥

ભાવાર્થ: કપાયેલું વૃક્ષ ફરી ઊગી શકે છે અને ક્ષીણ થયેલો ચંદ્ર ફરી પૂર્ણ થાય છે. આ વાત સમજનારા સજ્જનો મુશ્કેલીમાં પણ નિરાશ થતા નથી.

૬. પરોપકારનું સ્વરૂપ કેવું હોય છે ?

भवन्ति नम्रास्तरवः फलोद्गमैः, नवाम्बुभिर्दूरविलम्बिनो घनाः।
अनुद्धताः सत्पुरुषाः समृद्धिभिः, स्वभाव एवैष परोपकारिणाम्॥

ભાવાર્થ: ફળ આવતાં વૃક્ષ નમે છે અને પાણીથી ભરેલાં વાદળ નીચે ઝૂકે છે; તેવી જ રીતે સાચો સજ્જન સમૃદ્ધિ મળ્યા પછી વધુ વિનમ્ર બને છે.

૭. ધીર પુરુષ ધ્યેય છોડતો નથી.

निन्दन्तु नीतिनिपुणा यदि वा स्तुवन्तु,, लक्ष्मीः समाविशतु गच्छतु वा यथेष्टम्।
अद्यैव वा मरणमस्तु युगान्तरे वा,, न्याय्यात्पथः प्रविचलन्ति पदं न धीराः॥

ભાવાર્થ: લોકો નિંદા કરે કે પ્રશંસા, સંપત્તિ આવે કે જાય, મૃત્યુ આજે આવે કે ઘણાં વર્ષો પછી—ધીર અને સિદ્ધાંતનિષ્ઠ માણસ ન્યાયના માર્ગથી એક પગલું પણ હટતો નથી.

૮. સજ્જનનો સ્વભાવ કેવો હોવો જોઈએ ??

मनसि वचसि काये पुण्यपीयूषपूर्णाः,, त्रिभुवनमुपकारश्रेणिभिः प्रीणयन्तः।
परगुणपरमाणून् पर्वतीकृत्य नित्यं,, निजहृदि विकसन्तः सन्ति सन्तः कियन्तः॥

ભાવાર્થ: મન, વાણી અને કર્મથી પવિત્ર રહીને, બીજાના નાના ગુણને પણ પર્વત જેટલો મોટો માની પ્રશંસા કરનારા સાચા સજ્જનો બહુ વિરલ હોય છે.

૯. મુશ્કેલીમાં પણ સ્વાભિમાન છોડવું નહીં.

क्षुत्क्षामोऽपि जराकृशोऽपि शिथिलप्राणोऽपि कष्टां दशाम्,, आपन्नोऽपि विपन्नदीधितिरपि प्राणेषु नश्यत्स्वपि।
मत्तेभेन्द्रविभिन्नकुम्भपिशितग्रासैकबद्धस्पृहः,, किं जीर्णं तृणमत्ति मानमहतामग्रेसरः केसरी॥

ભાવાર્થ: ભૂખ્યો, વૃદ્ધ અને અશક્ત સિંહ પણ સૂકું ઘાસ ખાતો નથી. મહાન વ્યક્તિ સંકટમાં પણ પોતાનું સ્વમાન અને મૂલ્યો છોડતી નથી.

૧૦. કર્મની શક્તિ કેટલી ?

नमस्यामो देवान् ननु हतविधेस्तेऽपि वशगा,, विधिर्वन्द्यः सोऽपि प्रतिनियतकर्मैकफलदः।
फलं कर्मायत्तं यदि किममरैः किं च विधिना,, नमस्तत्कर्मभ्यो विधिरपि न येभ्यः प्रभवति॥

ભાવાર્થ: પરિણામ કર્મ પર આધારિત છે; તેથી ભર્તૃહરિ કર્મની મહત્તા સ્થાપિત કરે છે. ભાગ્યની રાહ જોવાને બદલે યોગ્ય કર્મને પ્રાધાન્ય આપવું જોઈએ.(ક્રમશ:)