
વિશ્વ સ્તરે વ્યાપક પ્રતિષ્ઠિત ચિંતક આટલી હલાવી વાત પોતાના સેવક સાથે કરી શકે તે સુખદ આશ્ચર્યની વાત છે.
બંને નામ સાહિત્યના શિરમોર વ્યક્તિ વિશેષના.
નોબલ વિજેતા કવિવર રવીન્દ્રનાથ ટાગોર અને સાહિત્ય અકાદમી પુરસ્કૃત લેખિકા મૈત્રેયીદેવી.
ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર (૧૮૬૧–૧૯૪૧) ભારતના મહાન કવિ, લેખક, સંગીતકાર અને શિક્ષણચિંતક હતા. તેમની કાવ્યકૃતિ ‘ગીતાંજલિ’ માટે ૧૯૧૩માં તેમને સાહિત્યનો નોબેલ પુરસ્કાર મળ્યો હતો. આ સન્માન મેળવનાર તેઓ પ્રથમ એશિયાઈ હતા.
ભારતનું રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ અને બાંગ્લાદેશનું રાષ્ટ્રગાન ‘આમાર સોનાર બાંગલા’ તેમની રચનાઓ છે. તેમણે શાંતિનિકેતનમાં વિશ્વભારતીની સ્થાપના કરી હતી. તેમના સર્જનમાં પ્રકૃતિપ્રેમ, માનવતા અને વિશ્વબંધુત્વનો સંદેશ જોવા મળે છે.
મૈત્રેયીદેવી (૧૯૧૪–૧૯૮૯) બંગાળી ભાષાનાં પ્રસિદ્ધ લેખિકા અને કવયિત્રી હતાં. તેઓ રવીન્દ્રનાથ ટાગોરથી પ્રભાવિત હતાં. તેમની જાણીતી આત્મકથાત્મક નવલકથા ‘ન હન્યતે’ માટે તેમને ૧૯૭૬માં સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમના સાહિત્યમાં પ્રેમ, માનવીય સંવેદનાઓ અને જીવનચિંતનનું સુંદર નિરૂપણ જોવા મળે છે.
મૈત્રેયીદેવી અને ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર વચ્ચે ગુરુ–શિષ્યનો સ્નેહભર્યો સંબંધ હતો. ટાગોર તેમના પિતા, તત્ત્વચિંતક સુરેન્દ્રનાથ દાસગુપ્તના મિત્ર હતા. મૈત્રેયીદેવીને નાની ઉંમરથી જ તેમનું માર્ગદર્શન અને સાહિત્યિક પ્રોત્સાહન મળ્યું હતું.
ટાગોર મૈત્રેયીદેવીના મોંગપુ સ્થિત ઘરે અનેક વાર રોકાયા હતા. તેમની સાથેની વાતચીત અને સંસ્મરણોને મૈત્રેયીદેવીએ ‘મોંગપુતે રવીન્દ્રનાથ’ પુસ્તકમાં આલેખ્યાં છે. આપણે એ ગ્રંથને ઉથલાવીને માણવો છે, કારણ એ રસપ્રદ શૈલીમાં કંડારાયેલ છે. પણ હા, આપણે ટિપિકલ પુસ્તક પરિચય નથી મેળવવો.. આપણે તો ગુરુદેવના જીવનના વિશિષ્ટ પાસાંઓને લઈને ગ્રંથ શું કહે છે તે જાણી, મૈત્રેયીદેવીની દ્રષ્ટિએ ગુરૂદેબને નિહાળવા છે.
બંગાળીમાં એ ગ્રંથનું શીર્ષક છે ‘મંગપુતે રવીન્દ્રનાથ.’ મંગપુ હિમાલયની ગોદમાં આવેલું એક નાનકડું ગામ. ૧૯૩૮થી ૧૯૪૦નાં વર્ષો વચ્ચે ચાર વાર ગુરુદેવ રવીન્દ્રનાથ મૈત્રેયીદેવીના મહેમાન બન્યા. પહેલી વખત ૧૯૩૮ના મે-જૂનમાં અઢાર દિવસ. બીજી વખત ૧૯૩૯ના મે-જૂનમાં તેત્રીસ દિવસ, ત્રીજી વખત એ જ વર્ષે સપ્ટેમ્બરથી નવેમ્બર સુધી લગભગ બે માસ અને ચોથી વખત એમના અવસાનના થોડા સમય પહેલાં ૧૯૪૦માં. મૈત્રેયીદેવીને મન ગુરુદેવ સાથેના સહવાસના આ ચાર પ્રસંગો પર્વ રૂપ બની ગયા છે, ને આ ગ્રંથને એ પ્રસંગોને અનુલક્ષી એણે ચાર પર્વોમાં ફાળવ્યો છે. વાંચનાર પર સૌથી પહેલી છાપ જો કોઈ પડતી હોય તો તે મૈત્રેયીદેવીના ઉદાત્ત આભિજાત્યની ને હૃદયંગમ વિનમ્રતાની.
મૂળ ગ્રંથના લેખિકા શ્રી મૈત્રેયીદેવી અને તેના અનુવાદક આપણા શ્રી રમણીક મેઘાણી. એટલે કે મૂળ બંગાળી કૃતિ ‘मंगपु ते रवीन्द्रनाथ’ નો ગુજરાતીમાં અનુવાદ થયો “ગુરુદેવ અમારે આંગણે” શીર્ષકથી. અનુવાદ અને લેખનના ક્ષેત્રે નક્કર પ્રદાન કરનાર શ્રી રમણીક મેઘાણીએ..તેઓએ આપણને નવલકથાઓ, વાર્તા સંગ્રહો, સ્મૃતિ ચિત્રો વગેરે આપેલ છે. અહીં આપણે ગુરુદેવ ટાગોરના જીવનના અનેક અનાવૃત પાસાઓને માણવા છે.
આ ગ્રંથનો પરિચય કરાવતાં મૈત્રેયીદેવીનાં બહેન ચિત્રિતા ગુરુદેવ પાસેથી “સંચયિતા”માંથી કાવ્યો સાંભળવા વાતચીત કરી રહ્યાં હતાં તે વખતે ગુરુદેવે કરેલું એક વિધાન જે મૈત્રેયીદેવીએ શરૂઆતમાં જ નોંધ્યું છે તે આ આખા પુસ્તકને અનુલક્ષીને કરવું હોય તો કરી શકાય એવું છે. એ મુજબ ‘પ્રેમના વિવિધ સ્તર, વિવિધ ઊંડાણની આ કથા છે. જો માત્ર ઉપરથી થોડુંક લઈ લેવું હોય તો તે પણ છે અને જો પૂરો ઘડો ભરી લેવો હોય તો તે પણ છે ને માત્ર જરા જેટલો સ્પર્શ જ જોઈતો હોય યા ઘડો વહાવી પાણીમાં બેસી રહેવા ઈચ્છતા હો તો તે પણ ચાલશે. પ્રેમચાહનાનાં વિવિધ રૂપોની આ વાત છે.’ આ સ્મરણ આપણા સિદ્ધહસ્ત કવિ શ્રી સ્નેહરશ્મિ જી એ કરાવ્યું છે.
સ્નેહરશ્મિ ના મતે , આખા પુસ્તકમાં મેત્રેયીદેવી પોતાની અને ગુરુદેવ વચ્ચેની ઉમરના તફાવતની આપણને કશી ખબર પડવા દેતાં નથી. પરંતુ હકીકતે ૧૯૧૪માં જન્મેલાં મૈત્રેયીદેવી ૧૯૩૮માં ગુરદેવનાં પહેલી વાર યજમાન બન્યાં ત્યારે પૂરાં ચોવીસ વર્ષનાં પણ ન હતાં. લગભગ ઈઠ્ઠોતેર વર્ષ ના વૃદ્ધ અને પૌત્રી જેવી ચોવીસ વર્ષ ની તરુણી વચ્ચેના વાત્સલ્ય, વિનોદ ને સૂક્ષ્મ સંવેદનશીલ સંબંધનું આ આલેખન, કોઈ પણ જાતની વ્યવસ્થિત રોજનીશીની મદદ વિના કેવળ સ્મૃતિને આધારે થયું છે, ને ગુરુદેવ એ જોઈ શક્યા નહીં, પણ એમના પુત્ર રથીન્દ્રનાથ ટાગોરે મૈત્રેયીદેવીને આમાંના એક લખાણને ‘પ્રવાસી’માં વાંચી લખેલું, ‘એ વાંચતાં મને લાગ્યું કે જાણે પિતાજી જ વાત કરતા ન હોય !’ ગુરુદેવનાં પુત્રવધૂએ પણ આવા જ ભાવ વ્યક્ત કરતાં લખ્યું કે, આવી રીતે બાબા મોશાય (ગુરુદેવ)ના વિનોદને કોઈએ અભિવ્યક્તિ નથી આપી.”
અનનુકરણીય હાસ્ય અને ગુરુદેવ:
‘ગુરુદેવ અમારે આંગણે’ માટે મૈત્રેયીદેવીને મળેલાં આવાં અભિનંદનો એ ગ્રંથ વાંચતાં માત્ર યથાર્થ જ નહીં, પણ જાણે એમાં પૂરું કહેવાતું નહીં હોય એવાં આપણને લાગે છે. દાખલા તરીકે એમાં ઠેરઠેર વેરાયેલા પડેલા અનનુકરણીય હાસ્યનું ગમે તેટલું વર્ણન થાય તો પણ એને પૂરો ખ્યાલ ભાગ્યે જ આવે. પ્રથમ મિલન વખતે જ મૈત્રેયીદેવીની સાથે એમની નાની બહેન ચિત્રિતાને જોતાં ગુરુદેવ બોલી ઊઠ્યા, ‘અરે! આ અહીં ક્યાંથી? દાક્તર (મૈત્રેયીદેવીના પતિ), તમે નસીબદાર છો હો, એક હકની ને એક ઉપર લટકાની ! અમારું તો ભાઈ, આવું સદ્ભાગ્ય નહોતું!” અહીં આપણને રસિકતા ભર્યા વ્યંગથી મનની વાત પેશ કરી વિચારતા કરી મુકવામાં ગુરુદેવ સફળ થાય છે,
એમના જન્મદિને ઢગલાબંધ ફૂલો આવ્યાં. ચિત્રિતા ને નંદિનીએ ફૂલોથી એમની પાટને શણગારી, ને ગુરુદેવને કહ્યું, ‘દાદા મોશાય, ચાલો જુઓ તો તમારા ઓરડામાં અમે શું કર્યું છે તે! ત્યાં જતાં ભાવથી ગુરુદેવ બોલી ઊઠ્યા, “અરે, આ શો ગજબ કર્યો! આ બધું જોતા મન ઉદાસ થઈ જાય છે. સંગીનીવિહોણી ફૂલશય્યા ?”
ગુરુદેવને નાના મોટા કે કર્મભેદ જેવું કશું ન હતું. નાનાંમોટાં સૌ સાથે પૂરી આત્મીયતા, મુક્ત વિનોદ ને નિર્દોષ મજાક. નોકર વનમાળી સાથે પણ આ આત્મીયતા. ચિત્રિતાનું ચશ્માંનું ઘરું ખોવાતાં વનમાળીએ સૂચવ્યું. ‘બાબા મોશાયના ગજવામાં જોયું ?’ એ સાંભળતાં ગુરુદેવ બોલી ઊઠ્યા, ‘લો, સાંભળો વાત ! જો કંઈ ઉઠાવવું જ હોય તો સારી ચીજ ન ઉપાડું ?… મારી પસંદગી ઓછી તારા જેવી છે ?’ પણ વનમાળીની વાત ખરી હતી. બીજે દિવસે ગુરુદેવની ચિઠ્ઠી સાથે એ ચશ્માં આવી પહોંચ્યાં. એ એમના ગજવામાં જ હતાં ! એ પછી કોઈનું કાંઈ ખોવાતું તો પ્રથમ યાદ આવતું, ‘બાબા મોશાયના ગજવામાં જોયું ?’
ચાકર વનમાળી સાથેની એમની આત્મીયતામાં વસુધૈવ કુટુમ્બકમની એમનાં લખાણોમાંથી સતત વહેતી સરગમનાં આપણને દર્શન થાય છે. મંગ઼પુના મકાનમાં પ્રવેશતાં વનમાળીને એમણે પૂછ્યું, ‘કેમ વનમાળી, કેવી લાગે છે આ જગ્યા ?’ ‘જી, પેલા મકાન કરતાં તો ઘણી વધુ સારી છે… પેલા મકાનમાં તો જળોના ત્રાસે ચાલવાનીયે તકલીફ હતી…’ ગુરુદેવ બોલ્યા, ‘એટલે જ તો અહીં આવ્યા. તને જ્યાં ગમે ત્યાં મને પણ ગમે જ.’ વનમાળી હસતો હતો.
જમવા બેસે એટલે પૂછે, ‘વનમાળી, ખાવા—પીવાનું કેમ ચાલે છે ?’
“જી, એ તો સારું જ ચાલે છે, મોટીબહેન અમને દૂધ પણ પીવડાવે છે.’
‘દૂધ પીવડાવે છે, શા માટે? એ કરતાં તો શરીરે એનું માલિશ જ ઠીક થાત. દૂધ પીધેય તારો વાન કંઈ ઊઘડ્યો જણાતો નથી.”….વિશ્વ સ્તરે વ્યાપક પ્રતિષ્ઠિત ચિંતક આટલી હલાવી વાત પોતાના સેવક સાથે કરી શકે તે સુખદ આશ્ચર્યની વાત છે.
મૃત્યુ અને ગુરુદેવ:
ભારતીય સાહિત્યમાં જ નહીં પણ વિશ્વસાહિત્યમાં પણ મૃત્યુ અંગેનાં રવીન્દ્ર-કાવ્યો એક શાશ્વત સારસ્વત અર્ધ્ય છે. એ કાવ્યો કેવી વેદનામાંથી નીતરી જીવનનાં સનાતન સત્યોની જગતને ભેટ ધરે છે. એની આ ગ્રંથમાં આપણને કંઈક ઝાંખી થાય છે. પોતાના કુટુંબજીવન અંગે એક વખત ઉલ્લેખ કરતાં “વિધુરો મોટી સંખ્યામાં મરે છે”, એવું વિધાન કરી તેના કારણ તરીકે પત્નીનું આલંબન જ પતિના પ્રાણરૂપ હોય છે, એવું જણાવી પોતે એ હાલતમાં મુકાયા છતાં પોતે આ પરિસ્થિતિનો કેવી રીતે સામનો કર્યો. એનું મર્મભેદી ચિત્ર એમણે દોર્યું છે. પત્ની જતાં ઘરની બધી જ વ્યવસ્થા ‘બાળકોને મોટાં કરવાં, ભણાવવાં, પરણાવવાં-એટલે સુધી કે ત્રણ બાળકોનું મૃત્યુ—દુઃખ પણ મારે એકલા એકલા જ સહન કરવું પડયું હતું.’ એમ જણાવી આ બધી વેદના જીરવી જઈ શાંતિનિકેતન માટે એમણે જે તપ કર્યું, બાળકને મૃત્યુપથારીમાં મૂકી શાંતિનિકેતન માટે એમણે જે જે જહેમતો ઉઠાવી એ બધું અત્યંત હૃદયદ્રાવક છે. છતાં એ વેદનાને કમળપત્ર પરના જળબિંદુની જેમ પોતાને સ્પર્શવા દેતાં ન હોય એવી રીતે તે રહ્યા હતા. મૃત્યુઅંગે મૈત્રેયીદેવી સાથેની વાતમાં એમણે કરેલું વિધાન એમના જીવનદર્શનના એક પ્રાણવાન અંકુર જેવું છે. એમાં ચિંતનની અખૂટસામગ્રી પડેલી છે. વિસ્તારભયને અવગણીને એમાંનો એક ફકરો ઉતારવાનું પ્રલોભન હું રોકી શકતો નથી.
આ રહ્યો એ ફકરો :
મારા જીવનમાં જ્યારે જ્યારે કોઈનું પણ મૃત્યુ નિકટ છે એમ મને જણાયું છે, જ્યારે જ્યારે એના ઊગરવાની હવે કંઈ જ આશા નથી એમ મેં જોયું છે, ત્યારે ત્યારે મારી સમગ્ર શક્તિને એકત્ર કરી મનોમન પ્રાર્થના કરતાં મેં કહ્યું છે કે, ‘જા, તને મુક્તિ આપું છું. જ સુખેથી તારે નિર્દિષ્ટ પંથે પળ. મારાં પોતાનાં સંતાનોને પણ વળગી રહેવા મેં ઈચ્છા રાખી નથી. જવાનું જો નક્કી જ છે તો આપણી આસક્તિ, આપણી વેદના એને આ મર્ત્યલોક સાથે બાંધી ન રાખો, એ બંધનોમાંથી છૂટવા એણે કષ્ટાવું ન પડો, એનો પંથ સુગમ અને સરળ બનો. ત્યાગ જ જ્યારે મૃત્યુ છે ત્યારે નિરાસક્ત થઈ ત્યાગ કરવો એ જ યોગ્ય છે. ભાવિ ઘટનાપ્રવાહ ભલે આપણા કાબૂમાં ન હોય પરંતુ આપણે પોતે તો આપણા કાબૂમાં રહી શકીએ . અવશ્ય ભાવિ સાથે કદી દલીલો કરી નથી. જે જે અવશ્યંભાવિ છે તે ચાહે તેટલું અપ્રિય હોય કે ગમે તેટલું વેદનાદાયિ હોય – તેની સામે ઝઝૂમીને જખ્મી થવામાં કંઈ લાભ નથી. ત્યાં તો નમ્રતાપૂર્વક એનો વિજય જ સ્વીકારવો ઘટે. એમાં જ કલ્યાણ છે. મારા મૃત્યુ સમયે જો તું પાસે હો તો આકુળવ્યાકુળ બની રુદન કરીને મને પોકાર ન પાડતી, પણ અંતરથી મને વિદાય આપજે. મૃત્યુને પંથે પળનાર પ્રત્યેનું આપણું સૌથી મોટું કર્તવ્ય એ જ છે.” (ક્રમશ:)
