નીતિ જીવનને ઘડે છે, પ્રીતિ જીવનને રંગે છે, વૈરાગ્ય જીવનને મુક્ત કરે છે.

આપણે શ્લોકના  ભાષાંતરથી વાતની માંડણી કરી હતી. જરા એ યાદ કરીએ…—

જે પિંગળાનું હું સતત ચિંતન કરું છું, તેને મારા ઉપર પ્રેમ નથી. તે તો વળી બીજા પુરુષને—અશ્વપાલને—ઈચ્છે છે. આ અશ્વપાલ વળી એક નર્તકીમાં આસક્ત છે અને નર્તકી અશ્વપાલને નથી ચાહતી, પરંતુ અમને પ્રેમ કરે છે.

તેથી ધિક્કાર છે તે પિંગળાને, જેણે અમરફળ ખાધું નહીં અને અશ્વપાલને આપ્યું. અશ્વપાલને ધિક્કાર છે કે જેણે નર્તકીને ફળ આપ્યું. નર્તકીને ધિક્કાર છે, જેણે એ ફળ મને આપ્યું અને મને પણ ધિક્કાર છે કે પ્રેમમાં અંધ બની મેં બેવફા પિંગળાને આપ્યું.

આ શ્લોકના ભાવાર્થ પરથી આપણને ખ્યાલ આવ્યો  કે ભર્તૃહરિ કામદેવ સામે બહુ મોટો વિદ્રોહ કરે છે, કારણ કે એમને આવા અનુભવો થયા છે.

આપણે ‘નીતિશતક’, ‘શૃંગારશતક’ અને ‘વૈરાગ્યશતક’ એવા ત્રણ શતકોના રચયિતા રાજા ભર્તૃહરિના જીવન અને તેમના પ્રદાન વિશે વિગતે વાત છે કરી છે.

બહુ ખ્યાલ છે એ પ્રમાણે, રાજા ભર્તૃહરિનાં પત્ની અને રાણીનું નામ પિંગળા. રાજાને એવો વહેમ કે રાણી મને પ્રેમ કરે છે, પણ પિંગળાને રાજાના અશ્વપાલ સાથે પ્રેમ. રાણીને એમ કે અશ્વપાલ મને પ્રેમ કરે છે, પણ અશ્વપાલને તો વળી નર્તકી સાથે પ્રેમ અને નર્તકીને એમ લાગે કે આ મારી સાથે પ્રેમ કરે છે, પણ નર્તકી ખુદને રાજા ભર્તૃહરિ સાથે પ્રેમ.

આ પ્રેમનું એક આખું ચક્ર પૂરું થતું આપણે જોયું છે.

રાજતેજની સામે નર્તકી, અશ્વપાલ અને પિંગળાનું અસત્ય ટકી શક્યું નહીં. સત્યનો એકરાર કરવો પડ્યો.

ભર્તૃહરિએ રચેલી ત્રણ કૃતિઓ—‘નીતિશતક’, ‘શૃંગારશતક’ અને ‘વૈરાગ્યશતક’—ખૂબ પ્રસિદ્ધ છે. અનેક સંતો-મહંતો પોતાના આધ્યાત્મિક પ્રવચનોમાં બહુ સુંદર રીતે આ ત્રણ શતકનો ઉલ્લેખ કરે છે.

ગુજરાતી ભાષામાં એવું લોકગીત પણ પ્રચલિત છે કે, જે રાજા ભર્તૃહરિને બચાવવા માટે નીકળેલી રાણીની લોકવાયકા આપણી સામે રજૂ કરે છે.

કેટલાક વિદ્વાનો એવું માને છે કે ‘નીતિશતક’ પહેલાં રચાયું હશે, પછી ‘શૃંગારશતક’ અને અંતે ‘વૈરાગ્યશતક’ની રચના થઈ હશે. આપણે ત્રણેય શતકોનો સુદીર્ઘ અભ્યાસ કરેલ છે. આવો સમાપનમાં આપણે આ ત્રણેય શતકોનો ઉપસંહાર કરીએ.

શ્રી ભર્તૃહરિના ત્રણેય શતકોનો અભ્યાસ કરતાં  એવું લાગે છે કે, શ્રી ભર્તૃહરિ  જાણે માનવજીવનની ત્રણ અવસ્થાઓ આપણી સામે મૂકે છે:

નીતિશતક:
“જીવન કેવી રીતે જીવવું?”

શૃંગારશતક:
“જીવતાં જીવતાં મન ક્યાં ક્યાં બંધાય છે?”

વૈરાગ્યશતક:
“અને અંતે એ બંધનમાંથી મુક્ત કેવી રીતે થવું?”

એટલે એક સુંદર સૂત્ર બનાવીએ તો….:

નીતિ જીવનને ઘડે છે, પ્રીતિ જીવનને રંગે છે, વૈરાગ્ય જીવનને મુક્ત કરે છે.

ત્રણ શતકોનો સુંદર સાર એટલો જ કે,

નીતિશતક કહે છે — “જીવન સારું કેવી રીતે જીવવું?”
શૃંગારશતક કહે છે — “મનુષ્યનું મન શેમાં આકર્ષાય છે?”
વૈરાગ્યશતક કહે છે — “આકર્ષણ અને તૃષ્ણાથી ઉપર કેવી રીતે ઊઠવું?”

એટલે ભર્તૃહરિના શતકત્રયને  “નીતિ → પ્રીતિ → વિરક્તિ”  અથવા

“વ્યવહાર → અનુભવ → આત્મબોધ”ની યાત્રા તરીકે પણ સમજાવી શકાય છે.

આપણે ત્રણેય ષટકોણ  સાર રૂપે પંદર જીવન સૂત્રો તારવી શકીએ અને તેને જીવન જીવવાના આપણા પ્રયાસથી સ્મરણીય બનાવી શકીએ.

  • “માણસ પાસેનું ધન છીનવાઈ શકે, પદ જઈ શકે; પરંતુ તેણે પ્રાપ્ત કરેલું જ્ઞાન તેની અંદરની એવી સંપત્તિ છે જે તેની સાથે રહે છે.”
  • “સંગ માત્ર સમય પસાર કરાવતો નથી; સંગ ધીમે ધીમે આપણું વ્યક્તિત્વ ઘડે છે.”
  • “અજ્ઞાન કરતાં ક્યારેક અર્ધજ્ઞાન વધારે જોખમી બને છે—કારણ કે અજ્ઞાનીને ખબર હોય છે કે હું નથી જાણતો; અર્ધજ્ઞાનીને એ પણ ખબર નથી હોતી.”
  • “ફળ આવે ત્યારે વૃક્ષ નમે; ગુણ આવે ત્યારે માણસ નમે.”
  • “સાચું છે તે કરવું—લોકોને ગમે કે ન ગમે.”
  • “માનવીય સંબંધો માત્ર શબ્દોથી નથી બનતા; ભાવ, નજર અને મૌન પણ ભાષા છે.”
  • “મનુષ્યનું મન બહારના સૌંદર્યથી બહુ સહેલાઈથી  ખેંચાય છે”
  • “ભર્તૃહરિ સૌંદર્યનો વિરોધ કરતા નથી; તેઓ સૌંદર્યની અનિત્યતા સમજાવે છે.”
  • “સુખ અને દુઃખ ઘણી વખત વસ્તુમાં નથી—મનની સ્થિતિમાં છે.”
  • “જે મન સૌંદર્યથી મોહિત થાય છે, એ જ મન એક દિવસ પૂછે છે—આ બધું કેટલા સમય માટે?”
  • “ઘડિયાળ ચાલતી નથી; જીવન ચાલ્યું જાય છે.”
  • “ઉંમર વધવાથી આપમેળે વૈરાગ્ય આવતું નથી; સમજણ વધે ત્યારે આવે છે.”
  • “વૈરાગ્યનો અર્થ બધું છોડવું એટલો જ નથી; કશાનું ગુલામ ન બનવું એ તેનો ઊંડો અર્થ છે.”
  • “જેની પાસે ઓછું છે તે ગરીબ નથી; જેને ઓછું પડે છે તે ગરીબ છે.”
  • “જીવન લાંબું છે એવી ભ્રાંતિમાં નહીં, પરંતુ જે ક્ષણ મળી છે તેને જાગૃતિથી જીવવી જોઈએ.”