ભારત પણ ઝેન ભૂમિ છે, આપણે ઓળખીએ તો..

“જો મારો આશ્રમ હોય તો તમારે શું? અને જો કોઈકનો આશ્રમ હોય તો મારે શું?”

એક મહાપુરુષને દૂર-દૂર દેખાતા  એવા એક પર્વત ઉપર રોજ જવાનું અને રોજ પાછા આવવાનું.  એક લાકડાની પાટ ઉપર જેણે જિંદગી કાઢી નાખી,  નહીં પ્રવચનો કર્યા, નહીં કથાઓ કરી, કશું જ નહીં કર્યું. કોઈ પૂછે તો  અડધો જવાબ આપે તે શ્રી  રમણ મહર્ષિને કોઈએ પૂછ્યું કે,  “આ પક્ષી, આ નદી, આ પર્વતો, એ ક્યાંથી આવે છે?”,  મહર્ષિએ થોડીવાર પછી જવાબ આપ્યો :: “તમારા પ્રશ્નો ક્યાંથી આવે છે ?” ‘સાક્ષાત્કાર’ નામનું પુસ્તક છે, ક્યારેક વાંચવા જેવું છે. હું માનું છું કે શ્રી રમણ  મહર્ષિને  કદાચ ભારતના ‘ધ બેસ્ટ  ઝેન માસ્ટર’ કહી શકાય.

વિનાયક ભાવે તે આપણા સૂફી ફકીર વિનોબાજી. વિનોબાજી પોતે સંસાર છોડી અને હિમાલય તરફ જવા નીકળી ગયા હતા અને ત્યાં એમણે એક ન્યુઝ પેપરમાં વાંચ્યું કે, ગાંધીજીએ એની બેસન્ટની હાજરી માં બેધડક જાહેરમાં કહ્યું કે, આ મારું  ભારત છે અને જે કાંઈ અહીંયા થશે એ હિન્દીમાં થશે અથવા તો   માતૃભાષામાં થશે. એની બેસન્ટે એમ કીધું કે,  This is international conference, you can’t say  like that.  બાપુએ  કહ્યું કે,  You can maintain your stand,  equally i have a right to maintain my stand. એ વાંચ્યું અને વિનોબાજીને થયું કે, આ કોણ છે? અને એને મળવા માટે ઉપડ્યા. અને વિનોબાજીને લાગ્યું કે, ‘મારે હિમાલય જવાની જરૂર નથી કારણ મને બાપુમાં હિમાલયના દર્શન થાય છે.’

પોતાના પહેલા સત્યાગ્રહી તરીકે ગાંધીજીએ પસંદ કર્યા એ વિનોબા ભાવે.  આ વિનોબા ભાવેના ઘરની અંદર  મોટું ફણસનું ઝાડ, જેના મોટાં ફળ અને એની પેશી મોટી મોટી હોય. એ ફળ જોઇને રોજ બધા બાળકો ચિંતા કરતા હોય કે આ ફળ ક્યારે ખાવા મળે. હવે ફળ પાક્યું છે, રોજ સવારે ઊઠીને જોવે ત્યાં  એક દિવસ જોવે તો પોતાની મા નીચે ફળ લઈને બેઠી છે અને પેશીઓ કાઢે છે. બધા બાળકો માની ફરતે ગોઠવાઈ ગયાં. મા એક વાટકી ની અંદર એક પેશી મૂકીને આપે કે,  ‘બેટા જા, પહેલો ભાગ તો પાડોશીનો હોય ને !!. તું દેતો આવ એને. જા વિનીયા જા.. દેતો આવ બાજુમાં’. બીજીવાર આવ્યા ત્યારે કીધું, “બેટા જમણી બાજુ દેતો આવ. એણે ફળને રોજ જોયું છે. જોયું છે એટલે એનો અધિકાર છે.” વિનોબાજીને કોઈએ ભૂદાન વખતે એવો  પ્રશ્ન પૂછ્યો હતો કે તમને  આ ભૂદાનનો વિચાર આવ્યો ક્યાંથી? એમાં એમણે  આ વાત કરેલી કે, મારી માએ મને ત્યારે શીખવ્યું છે કે, બેટા યાદ રાખજે જે દે તે દેવ, અને રાખે તે રાક્ષસ. વિનોબાજીએ કહ્યું કે ત્યારથી નક્કી કર્યું કે, “મારી પાસે જે કંઈ  છે તેમાંથી  સમાજને અર્પણ કરવું..બસ, એમાંથી મને ભૂદાનનો પહેલો વિચાર આવ્યો.”

આચાર્ય રજનીશ તે ઓશો વહેલા જન્મ્યા એટલે આપણને ઓળખતા બહુ વાર લાગી. હજી ઘણા લોકોને ઓળખાણા નથી. પણ ખરેખર એમ કહેવાય કે,  ઓશો એટલે નિજાનંદમાં જીવનારો ભારતીય ઝેન ફકીર. ઈચ્છા થાય કે રોલ્સ રોય્સ ગાડીનો ખડકલો હોવો જોઈએ તો ખડકલો હોય, એમને ઈચ્છા થાય કે મારે કાંડે વિશ્વની મોંઘામાં મોંઘી બે ઘડીયાલ હોવી જોઈએ તો બે ઘડિયાળ હોય, અને એમને ઈચ્છા થાય કે આ ઘડિયાળનું કાંઈ નથી કરવું તો એ નાખીને ચાલતો પણ થઈ જઈ શકે.. કેવો વિચાર કે જે વિચાર આજે વર્ષો પછી, 1991માં તેઓની વિદાય પછી પણ એટલો જ પ્રભાવક છે. તેઓ પોતાની જાતને ધર્મગુરુ માનતા  ન હતા. કારણ એ પોતે જ બધાને રોબ  પહેરાવે અને માળા પહેરાવે ને પછી અચાનક કહે કે, કાલથી બધા રોબ  કાઢી નાખજો ને માળા કાઢી નાખજો !!!  પોતે પોતાનું નામ પાડે ને પોતે પોતાનું નામ ભૂંસી નાખે. ‘કાલથી હું આચાર્ય રજનીશ ની બદલે ઓશો કહેવાઈશ’ એમ તેઓ કહી દે ! તેમના આશ્રમ વિશે ઘણી બધી વાતો આવે  અને કોઈએ ફરિયાદ કરતાં-કરતાં કીધું કે, “ઓશો, આ બધું શું ચાલે છે આશ્રમમાં? શું ચાલે છે આ બધું?” ઓશો એ જવાબ આપ્યો, “પણ એમાં  મારે શું ?”, તરત જ પેલા એ કહ્યું, ‘આ બધું તમારાં આશ્રમમાં ચાલે છે..’ ઓશોએ તરત  જવાબ આપ્યો, “તો પછી તમારે શું? જો મારો આશ્રમ હોય તો તમારે શું? અને જો કોઈકનો આશ્રમ હોય તો મારે શું?” ઓશો  જેવો  ચિંતક કે  વિચારક કે જેના પ્રભાવમાંથી આજે કોઈ મુક્ત રહી શક્યું નથી.

पंखी पानी पीनेसे घटे न सरिता नीर,  धरम किये धन ना खुटे, सहाय करे रघुवीर. આ નાનકડી પંક્તિમાં મોટો બોધ આપણને આપનાર શ્રી  રણછોડદાસજી બાપા વારંવાર કહેતા : ”સેવા અને સ્મરણ કરવાના છે બે કામ, સેવા તો જનસેવા ને લેવું હરિનું નામ”. આ બે પંક્તિની અંદર બધાં ઝેન સૂત્રો આવી જાય કે નહીં ?.

 

 ….સરદારસાહેબની વિદાયના અમૃત વર્ષે સ્મરણોની અટારીએથી ….


“કેટલાય તો શિખરના ટોચે પહોંચવાને બદલે ગણાધી  સાથે દફનમાં દટાઈ જવાનું પસંદ કરશે.”..જવાહરલાલ નહેરુ 

                     વલ્લભભાઈ પરનો મહાદેવ દેસાઈનો પત્ર (01)

પંડિત મોતીલાલનો સ્વર્ગવાસ

આનંદભવન,

અલ્લાહાબાદ,

તા. ૬-૨-૧૯૩૧

પૂજ્ય વલ્લભભાઈ,

ડોસા (પંડિત મોતીલાલ નેહરુ; તા. ૬-૨-૧૯૩૧ને દિવસે લખનૌમાં અવસાન પામ્યા હતા.)

આખરે ગયા ………. છેલ્લે દિવસે બહુ શુદ્ધિ હતી. ખુબ વાતો કરી હતી એટલે ડોક્ટરને લાગ્યું કે તબિયત સુધરવા લાગી છે. એટલે લખનૌ લઈ જવાનો ઠરાવ કર્યો. બાપુની ઈચ્છા નોહતી પણ ડોક્ટરનો વિરોધ ન કર્યો.  લખનૌમાં જોયું કે ઈલાજ કરી શકાય એવી સ્થિતિ જ નથી. જો કે ત્યાં પણ છેલ્લે દિવસે સાવધાન તો બહું જ હતા. કેવી ચમત્કારની વાત છે કે આખરી રાત્રે ડોસાએ રામનામ લીધું અને ડોસીને ( પંડિત મોતીલાલનાં ધર્મપત્ની સ્વરૂપરાની નેહરુ)  કહ્યું કે ગાયત્રી જિંદગીભર ભૂલી ગયો હતો તે આજે યાદ આવી છે. આ કહ્યા પછી ચાર કલાકે ઊઠી ગયા. લોકમાન્ય અસહકારના આરંભને દિવસે ગયા. ડોસા સપ્રુ (સર તેજબહાદુર સપ્રુ; સુપ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી, બંધારણીય બાબતને લગતી વાતચીતો) સાથેની મહત્વની વાતચીતના આરંભને દિવસે ગયા. બાપુ કહે: “ભગવાન મારી કઠણ કસોટી કરી રહ્યા છે.” રાત્રે ગંગા કિનારે પ્રયાગમાં  હજારો  માણસો ની આગળ બાપુએ સુંદર ભાષણ આપ્યું, જે ટોળાં ઘોંઘાટ કરતાં હતાં તે બાપુ ઊઠવાની સાથે અપાર શાંતિ રાખીને બેઠાં.

જવાહરલાલની હિંમત અને ધીરજનાં વખાણ કરીએ તેટલાં ઓછાં છે. ડોસીને બાપુ સોડમાં લઈ બેઠા હતા. એમને આશ્વાસનની ખાતર થોડા દિવસ માટે બાપુની હાજરી જરૂરની હોય. હાલ તુરત બાપુને ઈરાદે ઓછામાં ઓછા ચારેક દિવસ અહીં રોકાવાનો  છે. ત્યાં સુધી જવાહરલાલ સ્વસ્થ થયા હશે. એટલે એમને પૂછશે કે કેંગ્રેસ કારેબારીની બેઠક ક્યાં રાખવી? તે પ્રમાણે રાખીશું.

સપ્રુ આજે દશ વાગે પહોંચે છે. પછી શું થાય તેની ખબર મને પડશે તે તમને જણાવીશ.

મહાદેવના પ્રણામ

[સરદાર વલ્લભભાઈ પટેલ]

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

વલ્લભભાઈ પરનો મહાદેવ દેસાઈનો પત્ર (02)

જવાહરના કાગળમાંથી

વર્ધા,

તા. ૬-૧૦-૧૯૩૫

પૂજ્ય વલ્લભભાઈ,

જવાહરલાલના સ્વિટ્ઝર્લૅન્ડથી કાગળો આવ્યા કરે છે. તેમાં ઘણુંખરું શ્રી કમલા નેહરુની બીમારી વિષે હોય છે. પણ એક કાગળ બહુ મહત્વનો આવ્યો છે. એગથા હેરિસને એમને વિલાયત જવાનું નોતરું આપેલું અને ત્યાં સંબંધો  વધારવા માટે આગ્રહ કરેલો. તેને એમણે સજજડ જવાબ વાળ્યો છે. એ કાગળ એમને અને મહાસભાને શેભાવે એેવો છે. એ અહીં આવીને જોશો. પણ એમનો થોડો ભાગ આપને માટે ટાંકું છું:

“રાજ્યકર્તાઓમાંથી હું કોને શું કહી શકું? હું કોઈના પ્રતિનિધિ તરીકે આવ્યો નથી અને હાલમાં બનેલી ઘટનાઓ સાથે મારો કશો સંપર્ક રહ્યો નથી. જેને ભારતનો પ્રતિનિધિ કહેવાય અને જેણે કોઈથી પણ વધારે ભારતની સેવા કરી છે અથવા તે કરવા સમર્થ છે એવો માણસ તો એકમાત્ર ગાંધી જ છે. કેટલીય બાબતોમાં હું એમની સાથે સંમત ન થાઉં, પરંતુ તે વાત તો અમારી બંને કે અમારા સાથીઓ વચ્ચેની કહેવાય. મારા પૂરતું કહું તો તેઓ વિશિષ્ટ અર્થમાં ભારત જ છે અને સાચે જ મારા દેશના તેઓ સર્વોપરી આગેવાન છે. ભારત શું ઈચ્છે છે એ વિષે કોઈ જાણવા આતુર હોય તે તેણે ગાંધી પાસે જવું જેઈએ. પરંતુ બ્રિટનની સરકારે તેમને જાણીબૂજીને અવમાનવાના કે અવગણવાના ચાળા કર્યા છે. તેમને કે ભારતને લાગેવળગે છે ત્યાં સુધી આ વાતની અમે દરકાર કરી નથી. તે છતાં અમારા વહાલા નેતા સાથે આવો વ્યવહાર ઘણાય ભૂલશે નહીં. કારણ કે એમનું અપમાન તેઓ ભારતના અપમાન સમું લેખે છે. પરંતુ જો  ગાંધીનું એવું અપમાન થતું હોય તો અમારી સાથે વાત કરવાનો પ્રશ્ન જ ઊઠી શકે નહીં. શું અમને એમનાથી ઉપરવટ થઈને આગળ ધપવું છે? કેટલાય તો શિખરના ટોચે પહોંચવાને બદલે એમની સાથે દફનમાં દટાઈ જવાનું પસંદ કરશે.”

આ બધું વાંચીને અહીંના કહેવાતા “સોસ્યાલિસ્ટો” તો સળગી ઊઠશે. પણ એમને આ કાગળથી ચોખ્ખું દેખાય છે કે,  એ અને આ કહેવાતા “સેશ્યાલિસ્ટો” વચ્ચે આસમાન જમીનનું અંતર છે. એ લોકોનું ભેગું ન ચાલી શકે.

તમારો   પ્રવાસ સફળ થયો  હશે એવી આશા છે. નવમીએ નીકળો  તે પહેલાં આ પહેોંચશે એવી આશા છે.

મહાદેવના  પ્રણામ

સરદાર વલ્લભભાઈ પટેલ, મુંબઈ

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

પુસ્તકનું શીર્ષક છે :: ‘બાપુ, સરદાર અને મહાદેવભાઈ’, જે પુસ્તકના કોપી રાઇટ્સ મણિબેન વલ્લભભાઈ પટેલના છે, તે 1977 માં નવજીવન પ્રેસ, અમદાવાદ માં છપાયેલું પુસ્તક લાંબા સમયથી વંચાતું રહ્યું. આ સમય મળ્યો તે જાણે  સૌભાગ્ય પ્રાપ્ત થયું. સરદાર જન્મશતાબ્દી ગ્રંથમાળાનું સંપાદન શ્રી ગ. મા. નાંદુરકરે કર્યું  છે. આ ચોથો ગ્રંથ છે. આ પુસ્તકમાં પહેલા ભાગમાં મહાદેવભાઈના સરદારશ્રીને લખેલા કુલ એકસો પચાસ પત્રો છે. ભાગ બીજામાં સરદારશ્રીએ મહાદેવભાઇને લખેલા અઠ્યાવીશ પત્રો છે. ભાગ ત્રીજામાં સરદારશ્રીએ પૂજ્ય બાપુને લખેલા ચોસઠ પત્રો છે અને ચોથા ભાગમાં બાપુના દેહોત્સર્ગ પછી લખાયેલા કુલ બાર પત્રો છે. આમ આ ચોથો ગ્રંથ બસો ચોપન પત્રોને  ત્રણસોને પાંસઠ પાનામાં સમાવી લે છે.

આ એક ઐતિહાસિક ગ્રંથ છે અને ઘણા સંશોધકોએ તેનું  ઊંડાણથી અભ્યાસ કાર્ય કર્યાનું મારી જાણમાં છે. આ પેઢીની બહુ મોટી દેણ એ છે કે તેઓનું દસ્તાવેજીકરણ અદભુત છે. તેઓ સૌએ અતિ નિખાલસતાથી પોતાના મનની વાતોને સુસ્પષ્ટ રીતે અન્યોન્યને  પત્રોમાં વ્યક્ત કરી છે. આજના રાજકીય માહોલમાં આ ગ્રંથ બહુ જ ઉપયોગી નીવડે તેમ છે, જો આપણે ઇતિહાસને મારી મચોડીને વ્યક્ત ન કરવો હોય તો.. ગાંધીજી, જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલ વચ્ચેના સંબંધોને આ ગ્રંથમાંથી ચોખી રીતે તારવી શકાય છે.

અહીં તો કેવળ 1931 અને 1935 માં લખાયેલા બે પત્રો જ ઉદાહરણરૂપે જેમ છે તેમ ઉતારેલ છે. એકમાં નહેરુના પિતાના અવસાન સમયે બાપુની ભૂમિકા ઉડીને આંખે વળગે છે, તો બીજા પત્રમાં જવાહરલાલે વિલાયતના નોતરાંને કેવો જવાબ આપ્યો તે રસપ્રદ બની રહે છે. જવાહરલાલ નહેરુ પોતે ગાંધીજીને ભારત માટે શું ગણે છે તેનું નિખાલસતા ભરેલું સ્વરૂપ અહીં સ્પષ્ટ થાય છે. નેહરુના કેટલાક વાક્યો ફરી તારવીએ તો..

“જેને ભારતનો પ્રતિનિધિ કહેવાય અને જેણે કોઈથી પણ વધારે ભારતની સેવા કરી છે અથવા તે કરવા સમર્થ છે એવો માણસ તો એકમાત્ર ગાંધી જ છે. કેટલીય બાબતોમાં હું એમની સાથે સંમત ન થાઉં, પરંતુ તે વાત તો અમારી બંને કે અમારા સાથીઓ વચ્ચેની કહેવાય. મારા પૂરતું કહું તો તેઓ વિશિષ્ટ અર્થમાં ભારત જ છે અને સાચે જ મારા દેશના તેઓ સર્વોપરી આગેવાન છે. ભારત શું ઈચ્છે છે એ વિષે કોઈ જાણવા આતુર હોય તે તેણે ગાંધી પાસે જવું જેઈએ.” 

અને 

“અમારા વહાલા નેતા સાથે આવો વ્યવહાર ઘણાય ભૂલશે નહીં. કારણ કે એમનું અપમાન તેઓ ભારતના અપમાન સમું લેખે છે. પરંતુ જો  ગાંધીનું એવું અપમાન થતું હોય તો અમારી સાથે વાત કરવાનો પ્રશ્ન જ ઊઠી શકે નહીં. શું અમને એમનાથી ઉપરવટ થઈને આગળ ધપવું છે? કેટલાય તો શિખરના ટોચે પહોંચવાને બદલે એમની સાથે દફનમાં દટાઈ જવાનું પસંદ કરશે.”

આ બે પત્રો અને તેમાંથી તારવેલા બે અવતરણો આપીને હું અટકી જવાનું પસંદ કરીશ, કારણ કે હાલ જે વિદ્યમાન નથી તેના વિષે જે ગ્રંથસ્થ  વાતો છે તેને એમ જ મૂકીને ખસી જવું તેમાં સારપ છે. સમજદારકો ઈશારા કાફી હૈ !! 

 

કાયમ પડદા પાછળ રહી અન્યને આગળ કરનાર સ્થપતિ, CEPT ની સંકલ્પનાના સર્જક અને સંવાહક – વકીલ

 

શિક્ષણની અનેકાનેક પ્રવૃત્તિઓને પડદા પાછળથી સઘળો ટેકો કરનાર સહૃદયી સ્વજન

‘૧૯૬૦માં હું જ્યારે અમેરિકાથી અહીં આવ્યો ત્યારે ધર્મ, શ્રદ્ધા અને આધ્યાત્મિકતા વિશે ઝાઝી ખબર ન હતી, પરંતુ Co એકવાર રામકૃષ્ણ પરમહંસનાં પુસ્તકો વાંચ્યા પછી ધર્મ અને આધ્યત્મિકતા પ્રત્યેની મારી રુચિ વધતી ગઈ. સમય જતાં મારી પ્રમા વિચારધારા સંપૂર્ણ બદલાઈ ગઈ. મારી જાતને સુધારવા માટે ધ્યાન અને યોગ શરૂ કર્યાં, પરિણામે મારા જીવનમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું. પછી રમણ મહર્ષિનાં પુસ્તકો વાંચ્યા ને તેમનાં વિચારોથી મારો જીવનપ્રવાહ જ બદલાયો. મારા જીવન ઘડતરમાં તેમના વિચારોથી આમૂલ પરિવર્તન આવ્યું. ભગવાનને હું મારા મિત્ર માનું ૐ નમઃ છું. ભગવાન પ્રત્યે શ્રદ્ધા અપાર છે, પણ હું પૂજાપાઠ કરતો નથી. કર્મકાંડમાં મને શ્રદ્ધા નથી. વહેલી સવારે દોઢ કલાક યોગ, ધ્યાનમાં વિતાવું છું. ભગવાન મારા મિત્ર છે તેથી રોજ મંદિરમાં જવાનો નિયમ મેં બનાવ્યો નથી…’ બહુ ઓછું બોલતા અને સતત પડદા પાછળ રહી પ્રવૃત્તિમય રહેતા એક ચોરાણુ વર્ષના જુવાનના આ શબ્દો છે. એમનું નામ ડૉ. રાસબિહારી એન. વકીલ છે. મૂળ વતની એન. સી. વકીલ અને હીરાગૌરી વકીલના ત્રીજા સુરતના સંતાન. પિતાજી બ્રિટિશ સામ્રાજ્ય હેઠળના રાજ્યના જજ હતા. બદલી થતી રહે તેથી રાસબિહારીજી ધારવાડ, અમદાવાદ, કર્ણાટક, રોહા વગેરે સ્થળે ભણ્યા. પિતા ન્યાયાધીશ એટલે બહુ કોઈને મળે-હળે નહીં. માતા અને ભાંડરુઓના પ્રેમમાં ઉછેર. ડૉ. રાસબિહારી એન. વકીલને સૌ ભાવથી ‘રાસુ’ કહીને બોલાવે. રાસુ વકીલનું જીવન અને જીવકાર્ય વિરલ, પણ પોતે એટલા સીધા- સાદા-સહજ કે કોઈને ખ્યાલ પણ ન આવે કે આ S રાસુ વકીલ કેવડી હસ્તી છે?! બિરલા વિશ્વકર્મા વિદ્યાલયના બીજા જ બૅચમાં સિવિલ ઇજનેરીનું ભણવા દાખલ થયા. કૉલેજની શરૂઆત, સગવડતા ઓછી. રાસુભાઈમાં નેતૃત્વના ગુણો એટલે કૉલેજના જનરલ સૅક્રેટરી બન્યા. કૉલેજ પૂરી કરી ત્યાં પિતાજીએ કહ્યું : ‘મારી પાસે મર્યાદિત બચત છે. કાં તો આ બચતમાંથી નાનો વ્યવસાય શરૂ કર અને કાં એ બચત આગળનું ભણવામાં વાપર. રાસુ તો બૉટમાં બેસી યુ.એસ. ઊપડ્યા. ઘરનાં સૌને ત્રણ મહિને ખબર મળ્યા કે રાસુ સલામત રીતે અમેરિકા પહોંચી ગયો છે! યુનિવર્સિટી ઑફ વિસ્કૉનસીન, યુ.એસ.એ.માંથી માસ્ટર ઑફ સાયન્સ અને પીએચ.ડી. કર્યું. કન્સલ્ટિંગ ઍન્જિનિયરિંગની ન્યૂયોર્ક સ્થિત ફર્મ અમ્મન ઍન્ડ વિટની તથા બર્ન, સ્વિટર્ઝલેન્ડની મૅસર્સ લૉસિન્જર ઍન્ડ કંપનીમાં કામ કર્યું. અમેરિકાનો નિવાસ બાર વર્ષ લંબાયો. ત્યાંથી પરત ભારત આવ્યા ને રાસુભાઈનાં જીવને આધ્યાત્મિક વળાંક લીધો. સ્ટ્રક્ચરલ ઍન્જિનિયરિંગ, ટીચિંગ અને પ્રેક્ટિસ એવા ત્રિવિધ મોરચે કાર્યરત થયા. અમદાવાદમાં સ્થાયી થયા અને કસ્તૂરભાઈ લાલભાઈથી પ્રભાવિત થયા, જેના ફળસ્વરૂપે CEPTની સ્થાપના થઈ. અમદાવાદ સ્થિત ગુજરાતની રાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત ‘સૅન્ટર ફૉર ઍન્વાયરમેન્ટ પ્લાનિંગ ઍન્ડ ટૅક્નોલોજી’ના ડીન- ડાયરૅક્ટર તરીકે ૨૦૧૨ સુધી રાસુભાઈ વકીલ અવિરત રહ્યા. કહોને રાસુભાઈએ CEPTને પોતાની જિંદગી સમર્પિત કરી. આજે CEPT એ યુનિવર્સિટી છે, જે ફૂલ ટાઈમ અન્ડર ગ્રેજ્યુએટ આર્કિટેક્ચર, અને પૉસ્ટ ગ્રેજ્યુએટ ઍકેડેમિક પ્રૉગ્રામ કન્સ્ટ્રક્શન, પ્લાનિંગ, ઇન્ટીરીઅર ડિઝાઇન, લૅન્ડસ્કેપ ડિઝાઇન જેવી શાખાઓમાં ઑફર કરે છે. ૧૯૬૨ થી ૨૦૧૨ સુધી ડૉ. રાસબિહારી એન. વકીલ માત્ર ને માત્ર CEPTમય બનીને જીવંત રહ્યા.

રાસુભાઈ હૉલીસ્ટીક ઍપ્રોચના ભિષ્મપિતામહ પુરવાર થયા. ‘પ્લમ્બિંગ સર્વિસ ડિઝાઇન’ની પરિકલ્પના રાસુભાઈની દેન છે. આઇ.ટી.આઈ.માં પ્લમ્બિંગ સર્વિસને એક વિષય તરીકે દાખલ કરી પ્લમ્બર્સને લાઇસન્સ આપવાની રાસુભાઈની હિમાયત ચોતરફ આવકારપાત્ર બની. માત્ર બાંધકામ જરૂરી નથી, તેનું પ્લમ્બિંગ, તેની વૉટર અને ડ્રેનેજ વ્યવસ્થામાં પણ યુવાનોને તાલીમબદ્ધ કરવા જોઇએ તેવું ઝીણું કાંતનારા રાસુ વકીલ છે. તોંતેર વર્ષની ઉંમરે રાસુભાઈએ આઇ.આઇ.એમ., અમદાવાદના નવા કૅમ્પસની સ્ટ્રક્ચરલ ડિઝાઇન તૈયાર કરેલી! ઘણી વિખ્યાત ઊંચી ઇમારતોની ડિઝાઇન ઉપરાંત અમદાવાદનું મોટેરા સ્ટેડિયમ ઉપરાંત કલકત્તા અને રાજકોટના સ્ટેડિયમની ડિઝાઇન પણ રાસુભાઈએ તૈયાર કરી. તેઓએ એશિયા અને આફ્રિકામાં પણ ડિઝાઇનિંગનું આગવું કામ કર્યું છે! રાસુભાઈ ‘સિમ્પલ લિવિંગ ઍન્ડ હાઇ થિન્કિંગ’ના માનવ છે. ત્રીસ વર્ષો સુધી એક જ બ્રિફકૅસ વાપરનાર આ રાસુભાઈએ પ્રતિજ્ઞા લીધી છે કે કોઇનાં લગ્નપ્રસંગમાં જમીશ નહીં, કારણ? લગ્ન જેવા પ્રસંગે થતો બગાડ એમને ગમતો નથી! પોતાને વારસાગત મળતી મિલકત રાસુભાઈએ ન સ્વીકારી તેને એક ટ્રસ્ટમાં જમા કરાવી. જેમાંથી જનસેવાનાં કાર્યો મૂંગા મોઢે કર્યાં. શંખેશ્વર-સમી વિસ્તારમાં ધરતીકંપથી અસર પામેલા લોકો માટે કાર્ય કર્યું. ૨૦૦૧થી શિક્ષણ માટે અમૂલ્ય પ્રદાન કર્યું. આ અસરગ્રસ્ત વિસ્તારોની માધ્યમિક શાળાઓના ધોરણ-૧૦ના પરિણામ સુધારવા, વિજ્ઞાન શિક્ષણ માટે પ્રયોગશાળાઓ વિકસાવવી, પુસ્તકાલયો સમૃદ્ધ કરવાં, યુવક પ્રવૃત્તિઓ અને વ્યક્તિત્વ વિકાસની શિબિરો કરવી… ૨૦૦૩ થી ૨૦૦૬ દરમ્યાન ‘પિપલ્સ કમિશન ઑન સ્કૂલ ઍજ્યુકેશન’ અંતર્ગત ડૉ. રવીન્દ્રભાઈ દવે, ડૉ. કુલીનચંદ્ર યાજ્ઞિક, ડૉ. પી.જી. પટેલને આગળ કરી રાસુભાઈએ નક્કર પ્રદાન કર્યું. ૨૦૧૨થી માતૃભાષા સંવર્ધન માટે ‘માતૃભાષા અભિયાન’ ટ્રસ્ટની રચના કરી. આટલું બધું કાર્ય કરવા છતાં રાસુભાઈ કદિ મંચ પર ન આવે, કદિ ભાષણ ન કરે, માત્ર સાથીદારોને જ આગળ કરે. કોઇને ભાગ્યે જ ખબર પડે કે આવડા મોટા પ્રકલ્પને પૂરેપૂરો પોતાના ખભ્ભ તો રાસુભાઈએ ઉપાડ્યો છે! અમદાવાદના ગરીબ વિસ્તારના બાળકોનાં શિક્ષણ માટે ખનગી રાહે સહયોગ અવિરત ચાલે.

રાસુભાઈની સહજતા કેટલી? ‘સેપ્ટ’માં સાથીદારોને પૂર્ણ સ્વાયત્તતા. ‘સેપ્ટ’નાં કૅમ્પસમાં રાત્રે અઢી-ત્રણ વાગે યુવાન- યુવતીઓ ડિઝાઇનની ગહન ચર્ચા કરતા જોવા મળે. પોતાની ઑફિસ ચોવીસ કલાક ખુલ્લી. ટૅબલ ઉપર એક પણ ફાઇલ નહીં. બાળકથી લઇને વૃદ્ધ સુધી સૌ સાથે પ્રસન્નતાથી હળતા-મળતા રાસુભાઈની ખેતી, હૉમિયોપેથી, આયુર્વેદની જાણકારી દાદ માંગી લે તેવી. ગાંધીનગર પાસેના રાંધેજામાં મિત્રો સાથે રહી બનાવેલું ‘સુંદરવન’ રાસુભાઈની ભેટ છે! વૈકલ્પિક તબીબી સારવાર આપી પણ જાણે! અમેરિકામાં વસેલા એટલે તેની સારપ જીવનવ્યવહારમાં ઊતરી. પોતાનાં કપડાં, પોતાનાં વાસણ આજે પણ પોતે જ સાફ કરે. આગળનું જ જોવા ટેવાયેલા રાસુભાઈ માનવની ઊજળી બાજુ જ નોંધે અને એટલે સહજ રીતે જીવંત રહી શકે છે. ચોરાણુ વર્ષના રાસુભાઈ વકીલ તમને આજે ચુમ્માલીસના દીસે, કારણ ભગવાનના માનવ સ્વરૂપમાં રાસુભાઈની અપાર શ્રદ્ધા છે.

 

શ્રી રામકૃષ્ણદેવ માથું પછાડીને કાલીની મૂર્તિ પાસે રડ્યા છે..

‘મહર્ષિ ક્યાં રહે છે?’  તે માળી કશું સમજ્યો નહિ પણ એણે આંગળી ચીંધી અને  ધ મધર ગુરુ પાસે  પહોંચ્યા.

પ્રથમ તો  શ્રી રામકૃષ્ણ પરમહંસ. સ્વામી રામકૃષ્ણ પરમહંસની સાથે જોડાયેલા બે શબ્દો ‘સહાનુભૂતિ’ (Sympathy) અને ‘સમાનુભૂતિ’ (Empathy).  એક બહુ જ મોટી  ઝેન પ્રતિભા કે જેણે પોતે કાલી  માતાજીની મૂર્તિ સામે ઊભા રહીને એમ કહ્યું કે,  “આ બધું મને ફાવતું નથી. તારા પૂજા અર્ચન રોજ કર્યા કરવા એ મને બહુ ફાવતું નથી.”  ‘મારા ગુરુદેવ’ નામના પુસ્તકમાં સ્વામી વિવેકાનંદે લખ્યું છે કે,  “પોતે માથું પછાડીને કાલીની મૂર્તિ પાસે રડ્યા છે કે,  આવું કેટલી વખત મારી પાસે કરાવીશ તું? આમાંથી કાંઈ નિચોડ બહાર આવશે કે મારે આ જ કરવાનું છે?”

સહાનુભૂતિ તો સરળ છે. મને તમારા પ્રત્યે લાગણી છે એમ કહીએ એટલે સહાનુભૂતિ દર્શાવી ગણાય.. કોઈકને ઘરે ખરાબ  પ્રસંગ બન્યો ને આપણે હાજરી પુરાવીએ તે સહાનુભૂતિ, પણ  સમાનુભૂતિ એટલે શું? આવો, શ્રી રામકૃષ્ણ દેવના જીવનની એક ઘટના જાણીએ.  શ્રી રામકૃષ્ણદેવ એક  નદીમાંથી હોડીમાં બેસી પસાર થતા હતા  અને હલેસા મારીને એના શિષ્યો લઈ આવતા હતા  ને અચાનક રામકૃષ્ણદેવ રાડો નાખવા લાગ્યા,,  ‘મને બચાવો… મને બચાવો… મને બચાવો’ અને લોકોને એમ થયું  કે, શું થયું છે? ગુરુદેવને શું થયું? કોઈ કળી ન શકે તેવી રીતે  દેવની  આંખમાંથી પાણી ચાલ્યા જાય, એમના પીઠ ઉપરથી લોહી નીકળતું હોય, બધાને આશ્ચર્ય થાય કે, થયું શું? એટલે બધા ગભરાઈને એક કિનારા ઉપર જ્યારે નાવને લઈ જાય છે ત્યારે જુએ છે  કે, નાવ પાસે એક ખલાસી ઉપર એનો મુકાદમ  દોરડા વીંઝતો હતો  અને ખલાસી તરફડતો હતો. એના વાંસામાં જેવી લોહીની ભરોળ ઉઠી છે, એવી જ ભરોળ શ્રી રામકૃષ્ણ પરમહંસના વાંસામાં પણ જોવા મળે છે !! . સ્વામી વિવેકાનંદે લખ્યું છે કે આ છે ‘સમાનુભૂતિ’, ‘What you feel,  i also feel’.  જ્યાં હું અને તમે અલગ થઇ જઈએ છીએ અને જે અનુભૂતિ ચાલે છે એ સહાનુભૂતિ. પણ જ્યાં હું અને તમે બંને ભેગા જ છીએ,  દ્વૈત નથી, ત્યાં સમાનુભૂતિ છે !!  જ્યાં પોલ સાર્ત્ર  નામનો અસ્તિત્વવાદી એમ કહે છે, ‘The other is hell’ તમે એમ કહ્યું કે,  ‘બીજો’, એટલે તમારી હિંસા શરૂ થઈ. કારણ કે તમે એને ‘બીજો’ ગણ્યો એટલે તમે એને તમારાથી નોખો ગણ્યો અને નોખો ગણ્યો એનો અર્થ જ એવો કે,  તમે હિંસા શરુ કરી. 

મહાવીર સ્વામીને કોઈકે પૂછ્યું  કે,  ‘તમે ચાલો ને અમે ચાલીએ તેમાં ફેર શો ? અમે બહુ કાળજી રાખીએ છીએ કે,  અમારા પગ નીચે કોઈ જીવ ન કચરાય, પણ આપ તો સહજ રીતે ચાલો છો અને છતાં ખરેખર કોઈ કચડાતું નથી. અને અમારાથી કાળજી રાખ્યા છતાં ય આવું કેમ થઈ જાય છે??’  મહાવીર સ્વામીએ કહ્યું કે,  ‘તમે યાદ રાખો છો કે, કોઈ જીવ પગ નીચે ન કચડાય. હું યાદ રાખું છું કે,  હું પોતે મારા પગ નીચે ન કચડ઼ાઉ. એ નાનકડા જીવમાં હું મારી જાતને જોઉં છું.’ આ સમાનુભૂતિ છે.

શ્રી રામકૃષ્ણ પરમહંસના શિષ્ય  સ્વામી શ્રી વિવેકાનંદ. વિશ્વનાં બધા જ ધર્મોને એક સૂત્રમાં  બાંધી દેવા હોય તો એ સ્વામી વિવેકાનંદના એક વાક્યમાં બાંધી શકાય :: “ વિધવાના આંસુ  લૂછી ન શકે અને ભૂખ્યા જનોનું પેટ ન ભરી શકે એવા ધર્મને હું ધર્મ કહેવા માટે તૈયાર નથી.”  સ્વામી વિવેકાનંદે યુવાનોને કહ્યું, “તમારે અત્યારે ગીતા  વાંચવાની જરૂર નથી, ઉભા થાઓ અને ફૂટબોલ રમવા જાઓ. ફૂટબોલ નું ગ્રાઉન્ડ ખાલી પડ્યું છે. Go and play there, that is your right religion at this time.”

ભારતીય ઝેન પરંપરાની વાત કરવી હોય તો તે છેક નરસિંહ મહેતાથી શરુ થાય. ભારત આવેલ કોઈપણ વિદેશી એક વખત પોન્ડિચેરીની મુલાકાત લે અને એક નામ ગુંજતું સાંભળે અને તે The Mother.  કોણ છે આ મધર? એક  ફ્રેંચ લેડી જેમણે મહર્ષિ અરવિંદને મળ્યા પછી કાયમ માટે ફ્રાન્સ છોડી દીધું !! અને અહીં આવ્યા પછી પોન્ડિચેરીની બહાર તેણે ચાલીસ-ચાલીસ વર્ષ સુધી પગ ન મુક્યો. શ્રી  મધર પહેલી વખત શ્રી અરવિંદને મળવા આવ્યાં ત્યારે શ્રી અરવિંદનું નિવાસસ્થાન શોધવામાં  તકલીફ પડી. થાકી હારીને શ્રી  મધરે એક માળીને પૂછ્યું કે,  ‘મહર્ષિ ક્યાં રહે છે?’  તે માળી કશું સમજ્યો નહિ પણ એણે આંગળી ચીંધી અને તેઓ ગુરુ પાસે  પહોંચ્યા . શ્રી મધરનું બુદ્ધત્વ જોઈએ તો, તે દિવસની ઘડીથી એ માળી જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી દરેક મહિને છાના હાથો દ્વારા ધ મધરે એ માળીને એનું પોષણ મળતું રહે એવી વ્યવસ્થા ગોઠવી અને જ્યારે જ્યારે દર્શન ડે હોય ત્યારે બધી જ લાઈનને તોડીને એ માળી જેવો અલગારી માણસ બહાર આવે અને એને બધી જ લાઇનમાંથી આગળ લઈ જવામાં આવે અને તેને દર્શનનો પ્રથમ લાભ મળે !! કોઈકે પૂછ્યું કે,  “આ કોણ છે આવો નકામો? (ઘણી વખત આપણે આઉટર સેલ્ફ ઉપરથી માણસનું ઈવેલ્યુએશન કરી લેતા હોઈએ છીએ અને  એમાં બહુ ભૂલ ખાઈ જઈએ છીએ.) કોણ છે આ? અમે અડધી રાતથી લાઈનમાં ઉભા છીએ, અને આ માણસને આવો આવકાર મળે છે !?!”  કોઈકે કહ્યું કે, ‘એ પહેલો માણસ છે જેણે ધ મધરને મહર્ષિનું નિવાસસ્થાન બતાવ્યું.’ શ્રી માતાજીને કોઈએ પૂછ્યું કે, આવું  કેમ ? શ્રી માતાજીએ કહ્યું કે,  હું તો એટલું  યાદ રાખું છું કે,  “મારા ગુરુના ઘર તરફ આંગળી એણે મને ચીંધી છે.” શ્રી માતાજીને  કોઈકે પૂછ્યું  કે, “ધ્યાન ની વ્યાખ્યા શું?” શ્રી  મધરે સરસ જવાબ આપ્યો, “એક ગરીબ માણસના  ઘરનો રૂમ સાફ કરવાનું મને કહેવામાં આવે તો હું એટલી કાળજીથી રૂમ સાફ કરવાનું પસંદ કરું કે,  હું કોઈ મોટી હોસ્પિટલનું એક ઓપરેશન થિયેટર સાફ કરી રહી હોઉં…  આ મારું  ધ્યાન છે.”

સમાનુભૂતિ તો શ્રી રામકૃષ્ણદેવ અને  મહાવીર સ્વામીની, ધ્યાનની એકાગ્રતા તો ધ મધરની…

 

‘વિજય’ની સદભાવના દ્વારા બે ગંગા પૃથ્વી ઉપર ઉતરશે: વૃક્ષ ગંગા અને વૃદ્ધ ગંગા.

“આકાશમાંથી જ્યારે કોઈ પ્લેન નીકળે ત્યારે નીચે જ્યાં લીલી ચાદર ઓઢાડેલો પ્રદેશ દેખાય તે આપણું ભારત છે,  એટલી લીલોતરી આ ધરતી ઉપર આપણે ઉગાડવી છે.”  

કહેવાય છે કે રાજા ભગીરથના પ્રયાસોથી ગંગા મૈયા ધરતી ઉપર ઉતર્યા અને તેને પ્રવાહમાંથી શાંત બનાવવાનું કામ ભગવાન શ્રી શંકરની જટાએ  કર્યું અને એટલા માટે એને ભાગીરથી ગંગા પણ કહેવાય છે.  જે શ્રેય ભગીરથજીને મળ્યું તેવું અને કદાચ તેનાથી બમણું શ્રેય  રાજકોટના વિજય ડોબરીયા નામના એક સહજ યુવાનની સંસ્થા સદભાવના વૃદ્ધાશ્રમ ને ફાળે જાય છે.  કદાચ અતિશયોક્તિ લાગે તો પણ હું કહેવાનું પસંદ કરીશ કે,  વિજય અને સદભાવના દ્વારા  બે ગંગા ને પૃથ્વી ઉપર ઉતારવાની શરૂઆત થઇ ગઈ છે,  પહેલી છે  વૃક્ષ ગંગા અને બીજી છે  વૃદ્ધ ગંગા..!  કદાચ રાજકોટનો આ યુવાન ભારત વર્ષ માટે બે મૂંઝવતી  ભગીરથ સમસ્યાઓના સમાધાન માટે ખરેખર બે ગંગા ને ભારતની ધરતી ઉપર ઉતારવા માટે ભગીરથ બન્યો છે એમ કહેવામાં કોઇ જ નાનપ  અનુભવવાની જરૂર નથી.

એક સમયે સૌરાષ્ટ્ર રાજ્ય હતું અને રાજકોટ તેની રાજધાની..  આજે ભૂગોળની દ્રષ્ટિએ રાજકોટ ગુજરાતનું એક સતત પ્રગતિ કરતું શહેર છે અને આ રાજકોટ ગુજરાતના ચાર મેટ્રો માહીનું  એક મેટ્રો નગર છે.  મેટ્રો નગર નો અર્થ માત્ર તેની ભૌગોલિક વ્યાપકતા અને વસ્તીને ધ્યાનમાં લઈને કરવો એ ખોટનો સોદો  છે.  રાજકોટ ખેતીમાં,  ઉદ્યોગમાં,  સંસ્કૃતિમાં,  સાહિત્યમાં અને સંત દાતારીમાં સમગ્ર ગુજરાતમાં નોખી ભાત પાડનાર એક રંગીલુ નગર રાજકોટ છે, માટે એમ કહેવાય છે કે,  તેમાં એક દિવસમાં બે દિવસ ઉગે છે કારણ કે રાજકોટવાસીઓ બપોરના એક દોઢ વાગ્યાથી ચાર વાગ્યા સુધી ફરી ઊંઘવાનું પસંદ કરે છે અને ચાર વાગ્યાથી રાજકોટ વાસીઓનો બીજો દિવસ શરૂ થાય છે.  આમ ઉત્પાદનની દ્રષ્ટિએ જોઈએ તો,  એક દિવસમાં રાજકોટ બમણું થાય છે,  બમણું ખાય છે અને બમણું ખવડાવે અને બમણી મોજ મજા પણ કરે છે.

જયારે  રાષ્ટ્રને કે રાજ્યને કોઈ પ્રકારની મદદ કરવાની હોય ત્યારે આ શાંતિ પ્રિય નગર પરમ શાંતિથી પોતાના હજારો હાથ લંબાવે છે અને વિપત્તિ કાળમાં સહાયની સરવાણી ગંગા નદીની વિશાળતા થી વહેતી  કરે છે.  આ રાજકોટ છેલ્લા દસેક વર્ષથી એવા પ્રકારનો એક સંકલ્પ લઈ બેઠું છે કે,  11માં વર્ષે તો રાજકોટનું કણ કણ અને જણ જણ એ સંકલ્પને ચરિતાર્થ કરવા માટે જાણે કે રાત દિવસ લાગી પડ્યા છે.  સમજી શકાય એવી વાત છે કે,  નિરાધાર,  નિઃસંતાન,  અસાધ્ય બીમારીમાં પડેલા વૃદ્ધોને કોણ સાચવે એવો રામ પ્રશ્ન છે.. આ પ્રશ્નનો જવાબ રાજકોટમાં શ્રી વિજય ડોબરીયા નામના એક યુવાને આજથી દસ વર્ષ પહેલાં શોધી કાઢીને સદભાવના વૃદ્ધાશ્રમની શરૂઆત કરી અને તેમાં 600 થી વધુ નિરાધાર નિઃસંતાન અસાધ્ય બીમારી વાળા અને જેમની પાછળ વધતી ઉંમરમાં સેવા કરનારું કોઈ નથી એના માટે સદભાવના વૃદ્ધાશ્રમ ઊભું થયું છે. વિજયભાઈએ  તેની 10 વર્ષમાં ત્રણથી ચાર જગ્યાએ મકાનો ભાડે રાખીને 600 થી વધુ વૃદ્ધોને પોતાને આંગણે આધાર આપ્યો છે.  આ 600 વૃદ્ધોમાંથી લગભગ  200 પથારીવશ  છે,  ડાયપરવશ  છે અને કોઈકના ટેકાવશ  છે.  આ બધું જ કામ સદભાવના વૃદ્ધાશ્રમની પરિશ્રમનો પરસેવો પાડતી ટીમ માટે હવે સહજ થઈ ગયું છે.

વૃદ્ધાશ્રમ ચલાવવું એમાં કસોટી તો છે પણ તેમ છતાં ઈશ્વરે જેનું કોઈ રાખ્યું નથી તેવા વૃદ્ધો માટે એક પણ પૈસો લીધા વગર કરુણાભરી સેવા કરવાનો વિચાર પોતે જ ભગીરથ વિચાર છે.  એમાં પણ એવું નક્કી થયું કે ભારત વર્ષ માંથી આવા વૃદ્ધો આપણે આંગણે આવે તો આપણે કોઈને ના ન પાડવી પડે તેથી અંદાજે 5,000 વૃદ્ધો  રહી શકે તેવું 1,400 રૂમ વાળું અને આને માટે આનુસંગિક બધી જ સેવાઓ કરી શકાય તેવી સગવડતા વાળુ ભવ્ય સદભાવના વૃદ્ધાશ્રમ નું નિર્માણ કરવું.  આ સંકલ્પ લઈને વિજયભાઈ ડોબરીયા જેવો યુવાન રાજકોટની ધરતી ઉપર એટલે મક્કમતાથી ચાલી રહ્યો છે કે,  આવનારા વર્ષોમાં સૌરાષ્ટ્ર ગુજરાત નહીં કદાચ ભારત પણ નહીં વિશ્વજન અવશ્ય નોંધ લેશે કે તેવું વૃદ્ધાશ્રમ રાજકોટમાં બનશે,  જે 30 એકર જમીનમાં 300 કરોડના ખર્ચે સમાજના લોકોના દાનથી ઊભું થઈ રહ્યું છે અને તેમાં પોતાના સત્ય, પ્રેમ અને કરુણાને સાથે જોડવા ત્રિભુવનીય  રામકથાના ગાયક સંતવર્ય  શ્રી મોરારીબાપુએ એક રામ કથા ‘માનસ સદભાવના’  રાજકોટની ધરતી ઉપર ગાવા માટે સંકલ્પ કર્યો અને તે સંકલ્પ એકદમ ઉત્સાહ પૂર્વક ભવ્ય રીતે લોકોના ઉછળતા હૃદય સાથે અને દાનની વહેતી ગંગા સાથે પૂર્ણ થયો.  અંદાજે બસો  કરોડ જેવું દાન સદભાવના વૃદ્ધાશ્રમને પ્રાપ્ત થઈ ગયું છે અને હજુ વધુ દાન માટેની પોતાની મનોકામના દાતાઓ વ્યક્ત કરી રહ્યા છે.

વૃદ્ધાશ્રમમાં  વૃદ્ધો પછી બીજું ઉત્તમ કાર્ય સદભાવના હાથમાં લઈને સતત પ્રગતિ કરી રહ્યું છે અને તે કાર્ય છે ધરતીના પટ ઉપર લીલી છમ ચાદર ઓઢાડવા માટે વૃક્ષોનું રોપણ કરવું,  તેને પાણીનું સિંચન કરવું અને ત્રણ વર્ષની અંદર 20 ફૂટ જેટલા વૃક્ષો ઉગાડી આપવાનો સંકલ્પ વિજય ડોબરીયાએ કર્યો છે.  આ જુવાન નો ઉત્સાહ  જોતા એમ લાગે છે કે,  તેમણે સમગ્ર ભારત વર્ષમાં 150 કરોડ વૃક્ષો આ રીતે મોટા કરી આપવાનો જે સંકલ્પ કર્યો છે તેને પાર ઉતરતા પણ ખાસ્સો સમય નહીં લાગે.  વિજયભાઈ તો ઈચ્છે છે કે,  આકાશમાંથી જ્યારે કોઈ પ્લેન નીકળે ત્યારે નીચે જ્યાં લીલી ચાદર ઓઢાડેલો પ્રદેશ દેખાય તે આપણું ભારત છે,  એટલી લીલોતરી આ ધરતી ઉપર આપણે ઉગાડવી છે. આપણે વિચાર કરીએ કે કેટલો મોટો વિચાર છે,  કેવો ભગીરથ વિચાર છે,  આવો વિચાર આ જુવાનને આવ્યો ક્યાંથી?

એવું લાગે છે કે, જ્યાં આપણી  વિચારવાની શક્તિ પૂરી થાય છે ત્યાંથી વિજય ડોબરિયાના બે સંકલ્પો શરૂ થયા છે.  આપણે આપણા ઘરમાં આપણા સગા મા-બાપને પથારીવશ થાય ત્યારે તેમના ડાયપર બદલવા,  તેમને સ્નાન કરાવવા કેર ટેકર રાખતા હોઈએ છીએ,  આપણી પાસે સમય નથી અને કાં  એટલી આપણી તૈયારી નથી. કારણ ગમે તે હોય પણ આપણી સગી  મા માટે પણ માણસ રાખીએ છીએ કે  જે એને બેસાડે,  એને નવરાવે,  જેના ડાયપર બદલી આપે,  જે એને ચમચી ભરીને મોઢામાં આપે. આ બધું આપણે આપણા માવતર માટે જ નથી કરી શકતા તે સદભાવના વૃદ્ધાશ્રમ અન્ય ના માવતરો માટે કરવાની ટહેલ  નાખ્યા કરે છે.  ગુજરાતના બધા શહેરોમાં વીજળીના થાંભલા ઉપર સદભાવનાના નામથી બોર્ડ લટકે છે અને એમાં લખ્યું છે કે,  ‘અમારે માવતર જોઈએ છે’,  હું અને તમે કલ્પના ન કરી શકીએ એવો આ વિચાર છે પણ દસ વર્ષથી આ બંને સંકલ્પોને પાળી પોષીને  તરુણાવસ્થા સુધી પહોંચાડનાર વિજય ડોબરિયાને  પાકો ભરોસો છે કે, આપણે બંને ભાગીરથી ગંગાને ધરતી ઉપર ઉતારીશું.

સદભાવના વૃદ્ધાશ્રમનાનવા ભવન માં લગભગ 700 વૃદ્ધો  માટેની વ્યવસ્થા સાથેનો 11 માળનો એક ટાવર ઉભો થઈ ચૂક્યો છે અને એ ટાવરમાં અતિ આધુનિક ગણી શકાય તેવી સુવિધાઓ છે.  હવા અને ઉજાસ સતત આ વૃદ્ધોને મળતા રહે તેની કાળજી સાથેનું રાજકોટ અને ગુજરાતના વિશ્વકક્ષાએ નામ ધરાવતા સ્થપતિ  શ્રી કિશોરભાઈ ત્રિવેદીએ કર્યું છે.  કિશોરભાઈ આ પ્રકારના યુનિક ભવનો બનાવવા માટે નામાંકિત છે.  આ સદભાવના વૃદ્ધાશ્રમના નવા ભવનનું બાંધકામ રાજકોટ,  સૌરાષ્ટ્ર,  ગુજરાત અને ભારતના  એક સમર્થ કોન્ટ્રાક્ટર માલાણી કન્સ્ટ્રક્શન દ્વારા થઈ રહ્યું છે. વળી આ બધા માટે  ચિંતન અને મનન કરવા માટેની  એક સક્ષમ ટીમ વિજય ડોબરીયા પાસે છે અને એમનો સ્વભાવ એટલો સારો છે કે,  સાચા કામ માટે તે  સાચી વ્યક્તિને શોધી  શકે છે અને પછી તેના ઉપર પૂર્ણપણે વિશ્વાસ મૂકે છે.  રાજકોટમાં પૂર્ણ થવા જઈ રહેલી શ્રી રામ કથા એમનું સાદર ઉદાહરણ છે.  જે માણસના સંકલ્પો ઉપર આવી વિશાળકાય  કથા થતી હોય તે માણસને ઉદ્વેગ ન હોય, ઉત્પાત ન  હોય એવું તો ભાગ્ય જ બને છ..

નવા ભવન ના એક ટાવર ની અંદર નિરાંતે પૂરો સમય આપીને સ્વૈરવિહાર કર્યા પછી અને એટલું કહેવામાં અતિ ગૌરવ છે કે,  આ ભવનમાં જે વૃદ્ધો આવીને વસસે તેઓ  વૃદ્ધાશ્રમમાં નહીં હોય,  પણ એક ફાઈવ સ્ટાર કક્ષાની હોટેલ જેટલી સુંદર અને આધુનિક સુવિધાઓની વચ્ચે પોતાનું બાકીનું જીવન વિતાવશે.  ઝીણી ઝીણી બાબતો અને નાની નાની કાળજી ચિંતા ઉપજાવે તેવા પ્રશ્નોને અગાઉથી વિચારીને  તેને પૂર્ણ કરવાની માવજત અને કોઈ વૃદ્ધ આપણે આંગણે આવ્યો છે તોય આપણું માવતર છે અને એને શું શું જોઈશે એ  ખૂબ લાંબુ વિચાર્યા પછી આખું આયોજન થઈ રહ્યું છે.  તેમાં ભોજનાલય,  બધા જ પ્રકારના મેડિકલ ટેસ્ટ થઈ શકે તેવી હોસ્પિટલ,  રીક્રીએશન માટે પણ સુંદર મજાના વિચારોથી ભરપૂર બહુ પરિમાણીય સંકુલ પણ અહીં છે. હાલ બે થી ત્રણ મકાનો ભાડે અને એક મકાન દાતાશ્રી તરફથી બક્ષીશમાં મળેલું છે, એમાં જે વૃદ્ધો અગવડતા વચ્ચે રહી ગયા છે,  ત્યારે ખરેખર સદભાવના વૃદ્ધાશ્રમના જામનગર રોડ વાળા રામપર ગામમાં ઉભા થઇ રહેલા ભવનમાં જાણે નવી જિંદગીઓનો વિહાર એપ્રિલ 2025થી શરૂ થશે, ત્યારે રાજકોટના કપાળમાં એક કાયમી યશ કલગીનું તિલક થશે.