પ્રાણજીવન વિદ્યાર્થી ભવન ને ૧૦૦ વર્ષ




#પ્રાણજીવન_ભવન_શતાયુ_થયું ! #ગુજરાત_વિદ્યાપીઠે #ગાંધી_વારસાને #વંદન_કર્યાં!




#પ્રાણજીવન_ભવન_શતાયુ_થયું ! #ગુજરાત_વિદ્યાપીઠે #ગાંધી_વારસાને #વંદન_કર્યાં!
. ‘મારી શાળા આચાર અને નવાચાર‘: પ્રવૃત્તિરત કર્મઠ શાળાઓની ભાળ કરી આપતું પુસ્તક
એક વિચાર આવ્યો કે, લાવો ને, ગુજરાતની એવી શાળાઓને શોધીએ કે જ્યાં વિદ્યાર્થી, સમાજ અને સમર્પણ આજે પણ મધ્યમાં હોય !
ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચના કર્મઠ કાર્યકર્તાઓ ખૂબ નક્કર અને પાયાનું કામ ગુજરાતના શિક્ષણ જગતમાં કરી રહ્યા છે. તેથી તે સૌ સાથીઓને આવી શાળાઓ સુધી પહોંચવા આહ્વાન કર્યું અને કચ્છ જેવા સાવ ગુજરાતના પશ્ચિમ બાજુની માલીસરાવવાંઢ પ્રાથમિક શાળા મળી આવી, તો બીજી તરફ સાતપુડાની પર્વતમાળાની મધ્ય શોભાયમાન ગોરા પ્રાથમિક શાળા કે જે નર્મદાના પુનર્વસન નિર્માણથી શરૂ થઈ છે, તે પણ નજર સામે આવી. હા, આવી શાળાઓ ઝાકમઝોળ કે વિદ્યાર્થી આંકડામાં લડખડાતી લાગે પણ તેના એ શિક્ષણસાધકોને સલામ કરવી પડે કે તેઓ આવી અલ્પ સુવિધા કે વિદ્યાર્થીઓની વચ્ચે પણ હતોત્સાહિત થયાં વગર સતત એક પલાંઠી વાળીને ધૂણી ધખાવી છે. તેઓ ગુજરાતની આપણી ૩૨૦૦૦થી વધુ પ્રાથમિક શાળાઓને ‘મારું કામ એ જ મારો સંદેશ”ની પંચ લાઈન આપી રહ્યા છે. આ પુસ્તક દ્વારા શાળાશિક્ષણમાં જીવનના સાર્વત્રિક ક્ષેત્રે પિંડ ઘડતરમાં ચાકડાના ટપલાનું કામ કરતી સંસ્થાઓ પર અજવાળું રેખાંકિત કરી સૌને પથદર્શક બનાવવાનો લ્હાવો સંપાદક અને નિવૃત્તિ પછી પણ સતત પ્રવૃત્ત રહેતા શ્રી તખુભાઇ સાંડસુરે આપણને આપ્યો છે.
શાળાઓ રાષ્ટ્ર નિર્માણના ચેતનાકેન્દ્ર છે તે વાત લગભગ આ તમામ સંસ્થાઓ પ્રતિપાદિત કરે છે. મહેસાણાની બાલસાસણ અને ભાન્ડુપરા અને દૂધાભાઈની અમીરગઢ તથા વિમલભાઈની જિગર ટુકડો એવી ભાડજ સરકારી શાળા શિક્ષણમાં આશાવાદને ઓક્સિજન આપે છે. તેમના પ્રયોગોની એક પછી એક ચર્ચા કરવા બેસીએ તો લેખ જરૂર કરતાં વધુ લંબાઈ જાય, પણ એટલું જરૂર કહીએ કે ત્યાં જે થાય છે તેને ગુજરાત અનુસરે તો જરૂરિયાતમંદ બાળકો માટે શિક્ષકો દેવદૂત છે.
અહીંની અનુક્રમણિકા જ શાળાની વિશેષતાને આગળ ધરે છે.
પુસ્તક મેળવીને પણ રસપૂર્વક વાંચી જવા જેવું છે. આપણે તો તેની કેવળ એક ઝલક મેળવી શકીશું.
ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રીના વરદ હસ્તે સ્થપાયેલ, શ્રી લાલેશ્વર મહાદેવના સાંનિધ્યમાં તેમજ પવિત્ર એવી સરસ્વતી નદીના તીરે વસેલા સાગોડીયા ગામનાં સીમાડે બાવળિયાઓનું રાજ. ખારોપાટ એવી ધરા ઉપર સદ્ગુરુ શ્રી ભાનુવિજયજી મહારાજ સાહેબનાં પાવન ચરણો પડતાની સાથે જ આ છેવાડાની ભૂમિ જાણે નવપલ્લિત થઈ. મહારાજ સાહેબશ્રીએ ઈ.સ.1966 વસંત પંચમીના પવિત્ર દિને આ ધરા ઉપર એક આશ્રમની શરૂઆત કરી. આ આશ્રમ સ્થાપવા પાછળનો એકમાત્ર હેતુ શિક્ષણના પ્રસાદ અને આધ્યાત્મિક ઉન્નતિ દ્વારા છેવાડાના માનવીનો ઉદ્ધાર કરવાની હતી. મહારાજ સાહેબશ્રીના દ્વારા રોપાયેલા આ સંકલ્પ બીજને હજાર જેટલા ગ્રામજન-સેવકોએ સિંચ્યું અને સર્વમંગલમ આશ્રમ નામે તેને વટવૃક્ષ બનાવ્યું. ગ્રામજનોએ ગુરુદેવના પવિત્ર સંકલ્પને સાકાર કરવા માટે માત્ર સમયનું યોગદાન જ નહીં, પરંતુ પોતાની પાસે રહેલી ભૂમિનો પણ મોટો હિસ્સો ગુરુજીનાં ચરણે ધરી આશ્રમને વિકસાવવામાં ફાળો આપ્યો. ઘણી અગવડો નાણાંની અછત, તેમજ વીજળી-પાણીની તંગી જેવાં અનેક વિઘ્નોને પાર કરતાં-કરતાં આશ્રમ વિકસિત થતો ગયો અને સમયાંતરે દાતાશ્રીઓ દ્વારા આશ્રમને મળેલ દાન દ્વારા ગૌશાળા, વૃદ્ધાશ્રમ, ધ્યાનકેન્દ્ર આત્મ આરાધના કેન્દ્ર શાળા તેમજ વિદ્યાર્થીઓને રહેવા માટે સુવિધાજનક હોસ્ટેલનું નિર્માણ થયું. અત્રે ઉલ્લેખનીય છે કે ઈ.સ. ૨૦૦૧માં આવેલા કારમા ભૂકંપ પછી અનાથ બનેલાં કેટલાંય બાળકોને ગુરુજીની સૂચનાથી કચ્છમાંથી સાગોડિયા આશ્રમમાં લાવવામાં આવ્યાં. વિનામૂલ્યે શિક્ષણ, રહેવા-જમવાની સુવિધા તેમજ અન્ય જીવનજરૂરિયાતની ચીજો પૂરી પાડી, ભૂકંપમાં અનાથ થયેલાં બાળકોને માતા-પિતાની છત્રછાયા આશ્રમે જ પૂરી પાડી.
“જીવનજ્યોત જ્ઞાનમંદિર”થી નામાભિધાન થયેલ આ શાળા શ્રીમતી લીલાવતી પોપટલાલ શાહ કૃષિ ઉત્તર બુનિયાદી વિદ્યાલયના સર્વપ્રથમ સંવાહિકા તરીકે શ્રીમતી રમીલાબહેન ગાંધી નિમાયાં અને તેમણે માત્ર શિક્ષણ જ નહીં પરંતુ ધાર્મિક કાર્યો તેમજ છાત્રાલયની પ્રવૃત્તિને એવી તે વેગવંતી બનાવી કે તેમનાં કાર્યોની સુવાસ પાટણ સુધી સીમિત ન રહેતાં સમગ્ર ગુજરાતમાં પહોંચી ગઈ. અત્યંત કોઠાસૂઝથી કામ લઈ તેમણે શાળા જ નહીં પરંતુ સર્વમંગલમ આશ્રમને ગૌરવરૂપ બનાવ્યું. સાવ વાડોલિયું કરેલી ત્રણ ચાર પતરાંવાળી ખીટડીમાં આશ્રમ છાત્રાલય અને શાળાનું કામકાજ ચાલે દુવિધા અને સુવિધા જેવાં શબ્દની મથામણમાં પડવાનું જ નહીં. “આપ મૂઆ વિના સ્વર્ગે ન જવાય’ એવી નેમવાળા તમામ કર્મચારીઓ દ્વારા શાળા ઉત્તરોત્તર પ્રગતિ કરતી જ રહી.
શાળાના શિક્ષિકા શ્રી નયનાબહેન સુથાર દ્વારા “અનુપમ કોર્નર’ નામનો એક નવો જ કૉન્સેપ્ટ રજૂ કરવામાં આવ્યો. જેમાં સાત પ્રકારના અનુપમ નોર્મ્સને “ઑલ ઈન વન” કહી શકાય તેવી રીતે “અનુપમ કોર્નર”માં સમાવિષ્ટ કર્યા છે. આ કોર્નરને ચારેબાજુ નીચે પૈડાં લગાવેલ હોવાથી જ્યાં લઈ જવો હોય ત્યાં સરળતાથી લઈ જઈ શકાય છે. આ રહ્યા એ નોર્મ્સ…
આજનું ગુલાબ ::જે બાળક ચોખ્ખું-સ્વચ્છ થઈને શાળાએ આવે છે તેને ‘આજનું ગુલાબ’ બનાવી, ગીત ગાઈ પ્રોત્સાહિત કરવામાં આવે છે.
આજનો દીપક :: જે બાળકનો જન્મદિવસ હોય તેને ગીત ગાઈને શુભકામના પાઠવવામાં આવે છે.
રામદુકાન :: જેમાં શૈક્ષણિક સાધન-સામગ્રીની કિંમત લખેલી જ હોય છે. બાળક જાતે જ કિંમત વાંચી, વસ્તુ લઈ રામદુકાનમાં પૈસા નાખે છે.
ખોયા–પાયા :: બાળકને કોઈ પણ વસ્તુ જડે કે પછી જે વસ્તુ પોતાની ન હોય તે આમાં નાખે છે અને જો પોતાની વસ્તુ ખોવાઈ હોય તો આમાંથી પાછી મેળવી લે છે.
અક્ષયપાત્ર :: દરેક ધોરણનાં બાળકો દરરોજ વારાફરતી માચીસની પેટીમાં સમાય તેટલા દાણા લાવી આમાં નાખે છે. પછી તે દાણા શાળામાં રહેલ ચબૂતરા પર નાખવામાં આવે છે.
વાર્તાથી વિચાર :: વાર્તાનાં પુસ્તકો મૂકેલાં હોય છે. બાળકને જે પુસ્તક વાંચવું હોય તે પુસ્તક જાતે જ લઈને તેનું વાંચન કરી શકે છે.
અક્ષય પોષણ :: જે બાળકનો જન્મદિવસ હોય છે તે બાળક ચોકલેટના બદલે પોતાની યથાશક્તિ મુજબ મગ લાવીને આ પાત્રમાં નાંખે છે. સમયાંતરે તેમાંથી ‘મગચાટ’ અને ‘મગ—ભાત’ બનાવીને બાળકોને પીરસવામાં આવે છે. બાળકોનો શારીરિક વિકાસ સારો થાય તે હેતુથી શાળામાં આ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. મહિને એકાદ વખત વારાફરતી શિક્ષકો દ્વારા ‘તિથિ ભોજન’ પણ આપવામાં આવે છે.
( શાળાઓના વિકાસમાં પડતી તકલીફો અને તેને એક બાજુ મૂકીને કેમ એક સુંદર જ્ઞાનવર્ધક પરિસર બનાવી શકાય તેનો સર્વાંગી ચિતાર આપતું આ પુસ્તક મેળવવા માટે મોબાઈલ 9427560366 પર સંપર્ક કરી શકાશે .)

મહેન્દ્રભાઈ મેઘાણી આપણી વચ્ચે હવે નથી પણ તેમનું સાહિત્યસર્જન અને પબ્લિકેશન મૅનેજમેન્ટ આજે પણ સ્મરણયાત્રા જેવું છે. મહેન્દ્રભાઈને યુવાનીમાં શ્રમ કરવા માટે રોજ એક કલાક દળવાનો શોખ. ઘરનાં, પાડોશનાં, મિત્રોનાં અનાજને ધંટીમાં દળી દે. શોખ પોષવા દળણાં ઉઘરાવવા પણ જાય ! પ્રસંગે ભેટમાં પોતે દળેલ થૂલી કે લાપસી આપી આવે ! ભાવનગરના જાણીતા કાર્યકર આત્મારામ ભટ્ટની દીકરી કુમુદનાં લગ્નમાં લાપસી ભરડીને પહોંચાડેલી, ત્યારથી કુમુદ તેમના ભાઈ મહેન્દ્ર મેઘાણીને રાખડી બાંધતાં !
આમ તો, મહેન્દ્ર મેઘાણી એટલે સતત સાહિત્યસર્જન અને વાંચનના વ્યાપ માટે વિચારતી કરુણાશીલ વ્યક્તિ.
એક વિચાર આવ્યો. લોકો પુસ્તકો સુધી આવે તેની રાહ જોવાને બદલે લોકો જ્યાં છે ત્યાં પુસ્તકોને લઈ જઈએ તો ? આ વિચારે જન્મ આપ્યો ‘પુસ્તકમેળા’ને. મુંબઈમાં સુંદરબાઈ હૉલમાં પહેલો પુસ્તકમેળો કર્યો. ‘લોકમિલાપ’ના કાર્યકરો અને બાકી સ્થાનિક મદદકર્તાઓ, ઉતારો સ્થાનિક મિત્રોના ઘરે, હોટેલમાં નહીં. ખર્ચ ઘટાડો પણ પુસ્તકો પોષાય તેવી કિંમતમાં વેચો. પૂના, વડોદરા, ભરૂચ, સુરત, રાજકોટ અને ત્યાંથી વિદેશોમાં પણ પુસ્તકમેળાઓ યોજાવા લાગ્યા. ‘લોકભારતી’ના વિદ્યાર્થી અને ‘લોકમિલાપ’ના ચાહક હિરજીભાઈ શાહ આફ્રિકામાં રહે. એમણે કેન્યા, યુગાન્ડા અને ટાંઝાનિયામાં વસતા ગુજરાતીઓ માટે ૧૯૬૭મા પુસ્તકમેળો યોજવા મહેન્દ્ર મેઘાણીને આમંત્ર્યા. પુસ્તકો પહેલાં શિપમાં રવાના કરવાનાં. વેચાણમાંથી વળતર મળે તેમાંથી પ્રવાસખર્ચ નીકળ્યું.
૧૯૬૯માં ગાંધી શતાબ્દી વર્ષ હતું. એક વર્ષ આગોતરું આયોજન શરૂ કર્યું. ગાંધીની ભૂમિનો વ્યાપક પરિચય આપતાં ચારસો ભારતીય પુસ્તકો જે અંગ્રેજીમાં હતાં તેની યાદી બનાવી. સ્પૉન્સરિંગ કમિટી બનાવી, જેમાં જે. પી., નારાયણ દેસાઈ, વી. ડી. કેશકર, ગગનવિહારી મહેતા, મુલ્કરાજ આનંદ… આ નામો વિદેશોમાં પ્રખ્યાત અને આદરપાત્ર. એક હજાર ડૉલરમાં ચારસો પુસ્તકોની યાદી અને કમિટીની યાદી સાથે વિશ્વના દેશોને પત્રો લખ્યા. ન્યૂયૉર્કમાં નૉર્મન કઝીન ‘સેટર ડે રિવ્યૂ ઑફ લિટરેચર’ નામથી અઠવાડિક બહાર પાડે, તેમાં આ પત્ર છપાયો ને કૅનેડા, અમેરિકા, ઇંગ્લૅન્ડથી આમંત્રણો આવ્યાં. વિશ્વના અઢાર દેશોમાં જવાનું હતું, ચારસો ઉત્તમ પુસ્તકો લઈને. વળી, પુસ્તકો તો પહેલાં રવાના કરવાં પડે એટલે ખરીદવાં પડે એટલે નાણાંની જરૂર પડે. એ વખતે એક ડૉલરના ચાર રૂપિયા હતા. ‘લોકમિલાપ’ને એક લાખ રૂપિયાની જરૂર હતી. ‘મિલાપ’ માસિક દ્વારા અપીલ કરી : ‘અમને એક વર્ષ માટે રૂ. ૧૦૦ની વગર વ્યાજની લોન આપો.’ ચપટી વગાડતાં એક લાખ રૂપિયા મળ્યા. ૧૯૬૯નું આખું વર્ષ અઢાર દેશોમાં ફરીને ગાંધીભૂમિના ઉત્તમોત્તમ પુસ્તકોના મેળાનું મહેન્દ્રભાઈએ જબરૂ આયોજન કર્યું અને તે પણ લોકસહયોગથી લોકમિલાપ ટ્રસ્ટના પ્રમુખ હતા.‘લોકમિલાપ’ દ્વારા !
૧૯૭૨માં ઝવેરચંદ મેઘાણીની પંચોતેરમી જન્મજયંતીએ તેમના સાહિત્યનો વ્યાપક ફેલાવો કરવા લોકમિલાપ મેઘાણીનાં કાવ્યો, નવલિકાઓ અને લોકકથાઓનાં અઢીસો પાનાંનાં ત્રણ પુસ્તકોનો સંપુટ ‘કસુંબીનો રંગ’ નામથી બહાર પાડ્યો. સાતસો પચાસ પાનાંનું સુંદર પ્રકાશન. કિંમત રાખી રૂ. વીસ, પણ અગોતરા ગ્રાહક થાવ તો માત્ર રૂપિયા દસ અને દસ સેટ મંગાવો તો માત્ર રૂપિયા પાંચમાં !!! મેઘાણી કુટુંબે પુરસ્કાર જતો કરેલો. ‘અગોતરા ગ્રાહક’ યોજનાની વિશેષતા એ કે જેટલાં વેચવાનાં એટલાં જ છાપવાનાં. કશું પડતર કે વ્યય નહીં. ‘કસુંબીનો રંગ’ના સવા લાખ સેટના ઑર્ડર મળ્યા..
મહેન્દ્રભાઈ કહે છે કે, ‘રસ પડે, સમજાય અને પરવડે તેવું સાહિત્ય આપે તો લોકોને વાંચવું જ છે.’ પછી તો સતત ચાર વર્ષ આ જ યોજના દ્વારા ‘આપણો સાહિત્યવારસો’ શીર્ષકથી જુદા જુદા લેખકોનાં પાંચ પાંચ પુસ્તકો પ્રકાશિત થયાં. ચયનની જવાબદારી ઉમાશંકર જોશીએ વહન કરી, કારણ ઉ. જો.લોકમિલાપ ટ્રસ્ટ ના પ્રમુખ હતા.
‘મિલાપ’ માસિક પચાસ વર્ષ ચાલેલું. તેની ફાઈલોમાં કેટલું સંગ્રહાયેલું ? નવી પેઢી સુધી તેમાંથી શ્રેષ્ઠતમ સાહિત્ય પહોંચાડીએ તો ? તેમાંથી પ્રગટ થઈ ‘અરધી સદીની વાચનયાત્રા’ અને એ તો ગુજરાતમાં અને ગુજરાતીઓના ઘરેઘર પહોંચી ! ‘લોકમિલાપ’ની એક ઓળખ તે ખિસ્સાપોથીની. બત્રીસ પાનાં અને બુશશર્ટના ખિસ્સામાં સમાઈ સમાઈ જાય તેવી નાની પુસ્તિકાઓનાં ત્રીસ શીર્ષક થયાં ને તેની દસ લાખ નકલો છપાણી !
મહેન્દ્રભાઈ લોકો સુધી પહોંચવા હંમેશાં તત્પર. કોઈ કહે, લોકો વાંચતા નથી તો મહેન્દ્રભાઈએ વાચનયાત્રા શરૂ કરી. મેઘાણીભાઈની નેવુંમી જન્મજયંતીએ તેમણે નેવું દિવસની વાચનયાત્રા આરંભી. ઘરે ઘરે જવાનું. ઘરનાંને અડોશપડોશના ચાલીસ પચાસની વચ્ચે અર્ધો પોણો કલાક બેસી શ્રેષ્ઠ કશુંક વાંચી સંભળાવવાનું અને એમ વાચનનો ચેપ લગાડતા જવાનો !!
પ્રેમમંદિર, નર્મદા-૪, અમીન માર્ગ, ટીસીબી બેકરી પછીની શેરી, રાજકોટ

જેમણે પાંચ વર્ષ પહેલા પોતાને પંચોતેર વર્ષ થયા ત્યારે સહયોગ પરિસરની બહાર નહીં નીકળવાનો સંકલ્પ લીધો છે તેવા પ્રાધ્યાપકની નોકરી છોડીને રક્તપિત્તિયાઓની સેવા કરવા ભેખ ધારણ કરનાર શ્રી સુરેશ સોનીના પડછાયા સમાન ધર્મપત્ની ઈન્દિરાબેન વાત માંડે છે ::
“કોઈ ભવમાં બાંધેલા, મારા કર્મો જાગ્યા છે,
કાયાના દર્દ રૂપે, મને પીડવા લાગ્યા છે.“
“રાત્રે બાર વાગે હોસ્પિટલનો કમ્પાઉન્ડર અમને ભર- ઊંઘમાંથી જગાડે છે. સાહેબ પરાગભાઈને બહુ દર્દ થાય છે. એમને ઇંજેકશન-દવા આપી દઉં ?
ભાવનગરની ઝુંપડપટ્ટીમાં રહેતા રક્તપિત્ત રોગને કારણે સમાજે તિરસ્તકૃત કર્યા છે, તે પરાગભાઈ વર્ષોથી એકલા ત્યાં રહેતા હતા. પગમાં ખૂબ મોટો ઝખમ થવાથી તેમાં કીડા પડયા હતા. જેથી દુર્ગંધ મારતી હતી. ત્યાંના એક ભાઈ એક વર્ષ પહેલા સહયોગમાં મૂકી ગયા હતા. બંને પગે ઝખમ, એક પગ તો સડી ગયેલા. ડ્રેસિંગ કરતા, પણ સારું ન થતા ડોક્ટરે પગ કાપી નાંખ્યો,
ધીમે ધીમે તેમની શારીરિક સ્થિતિ બગડવા માંડી. જેથી તેમને હિંમતનગરની હોસ્પિટલમાં મોકલ્યા. તપાસ કરતાં ખબર પડી કે તેમને કેન્સર થયું છે. દવા શરૂ કરી. તેમને નવડાવવા પડે, ડ્રેસિંગ કરવાનું, કાને બિલકુલ સાંભળે નહિ. તેમને પુછું-કશું ખાવું છે ? ઈશારાથી સમજાવું, જવાબ આપે નહિ, સંસ્થા તરફથી લીલા નાળિયેર મંગાવીએ.
મને થાય છે કે,ખરેખર, આપણે બધા કેટલા બધા નસીબદાર છીએ. માંદા પડીએ, હોસપિટલમાં દાખલ થઇએ ત્યારે આપણો સમગ્ર પરિવાર આપણી સેવામાં લાગી જાય છે. રાત-દિવસ એકાદ જણ આપણી પાસે રહે છે. જ્યારે આવા એકલા-અટૂલા પથારીમાં કણસતાં હોય, પાણી પીધું હોય, ટોયલેટ જવું હોય તો તેની મદદ માટે કોઈ ન હોય, વોર્ડબોય હોય તે હાજર ન હોય. એની બાજુના ખાટલામાં એના જેવો જ દર્દી હોય તે શું મદદ કરે. ક્યારેક એવું પણ બન્યું છે ઊંઘમાં દર્દીનું મૃત્યુ થયું હોય અને બાજુવાળાને ખબર પણ ન હોય. એ દર્દીને મરતી વખતે કશી જ વેદના નહીં થઈ હોય ?
શા માટે આ વેદના – આ એકલતા ? આ દર્દી અને આ પીડા ? શા માટે ઇશ્વરનો આવો ભયંકર શાપ ?”
‘અણસાર’માં વર્ષાબેન અડાલજા લખે છે :
“આ વેદના જોઈ લોકોનો અંતરઆત્મા જાગે અને આવા દુ:ખી લોકોને ટેકો કરવા માનવજાત આગળ આવે. વેદનાગ્રસ્ત માનવી હરિ હોવાની એધાણી છે.”
“હજુ તો હું ભગવાનને પ્રાર્થના કરું છું કે, ભગવાન પરાગભાઈને દુઃખમાંથી હવે મુક્તિ આપો. તેમના કર્મોની સજા પૂરી કરો. ત્યાં તો હોસ્પિટલમાંથી વોર્ડ બોય કહેવા આવ્યો. પરાગભાઈ મૃત્યુ પામ્યા છે. ભગવાને મારી પ્રાર્થના સાંભળી કે શું ?
થોડી જ વારમાં તેમની અંતિમ વિધિ માટેની તૈયારી કરાવવા લાગ્યા. તેમના સગાં-વહાલા જે ગણો તે અમારા આશ્રમવાસીઓ, છાત્રાલયના દિકરા-દીકરીઓ, મંદબુદ્ધિવાળા દિકરા-દિકરીઓ. તેમને વિદાય આપવા રામધૂન બોલાવતાં અને જયશ્રીકૃષ્ણ- પ્રણામ કહેતા અંતિમ ધામમાં પ્રયાણ કર્યું. આ લેખ પૂર્ણ કરતાં સ્વપ્ને પણ ખ્યાલ નહોતો પરાગભાઈ દુ:ખમાંથી મુક્તિ પામશે.
તેમની બાજુના ખાટલામાં ચાલીસ વર્ષથી અમારી સાથે રહેતા ફતેસિંહ હાથ-પગના આંગળા વળી ગયેલા, નાક બેસી ગયેલું. પાતળા બાંધાના ગાંધી કુટિરમાં રહેતા હતા. અચાનક કમરમાં અસહ્ય પીડા થતા તેમને હિંમતસર ઓર્થોપેડિક ડોક્ટરને ત્યાં મોકલ્યા. દવા શરૂ કરી. માનસિક-શારીરિક રીતે ભાંગી પડેલા ફતેસિંહ કોઈ દવા ખાવા – કસરત કરવા તૈયાર નથી. કોણી પર મોટો ઝખમ થવાથી ખૂબ ગંધ મારે છે. પીડાને લીધે સ્નાન કરવાની ના પાડે છે. છતાં એ બે ચાર જણાએ પકડી રાખી નવડાવ્યા. કેટલાય દિવસ ન્હાયા ન્હોતા. મેં પુછ્યું, હવે કેવું લાગે છે તો કહે સારુ, પણ મારે જીવવું નથી. કુલા પર પણ મોટો ઝખમ પડયો છે.
આવા ભાઈ-બેનો મૃત્યુની રાહ જોઈ હોસ્પિટલના બિછાને પડેલા છે. કોઈને કીડનીની, કોઈ કેન્સર, તો કોઈ માનસિક તકલીફથી પીડાતા દર્દીઓની વેદના જોઈ મનમાં થાય છે ભગવાન આવું કોઈને પણ ન આપીશ. આ બધાને જોઈએ છીએ ત્યારે સુરેશને હું પૂછું છું કે આપણું મોત કેવું આવશે ? ત્યારે તે જવાબ આપે છે . પૂ. મોટા, પૂ. રામકૃષ્ણ પરમહંસને પણ આ પરિસ્થિતિમાંથી પસાર થવું પડયું છે, તો આપણે કોણ ?”
સહયોગ કુષ્ટ યજ્ઞ ટ્રસ્ટ એટલે ભગવાનની કૃપા.
1988ની ગણેશ ચતુર્થી તા. ચૌદ, સપ્ટેમ્બર ના રોજ વિસ રક્તપીતીઓ અને છ બાળકો સાથે સહયોગ ટ્રસ્ટ શરુ થયું. સર્વોદય આશ્રમ, મઢીના શ્રી રામુભાઇ પટેલે પોતાની બત્રીસ એકર જમીન બિનશરતી દાનમાં આપેલી. સંસ્થામાં 60 સ્ટાફમિત્રો, 44 ગાયો (માંદી, ખોડખાપણ વાળી) વળી અહીં જે આશ્રમવકસીઓ છે તેમાં 285 રક્તપિત્તવાળા લોકો અને તેના કુટુંબીઓ, દિવ્યાંગ 22 લોકો અને તેના કુટુંબીઓ, સામાજિક પ્રશ્નોવાળા 08 લોકો, માનસિક તકલીફવાળા 251 પુરુષો, માનસિક તકલીફવાળા 178 બહેનો અને 283 રક્તપિત્ત બાળકો થઈને કુલ 1027 આશ્રમવાસીઓનું આ સહયોગ નગર છે.
ગુજરાતમાં જ કેવળ નહીં પરંતુ ભારતભરમાં એક સૂત્ર ફરતું થઈ ગયું છે કે, “જેનું કોઈ નથી તેનું સહયોગ છે .”

માણસમાં ઢબૂરાઈ ગયેલી સંવેદનાઓને જગાડવાનું ને ઢંઢોળવાનું કામ “સહયોગ” કરે છે.
ન માની શકાય તેવી આ વાત છે. ગમે તે જાતિ, ધર્મ હોય પણ માણસ આખરે તો માણસ છે. ભગવાને બધાને સરખા જ બનાવ્ય છે, પણ માણસે જ ધર્મ ને જાતિનાં વાડા બનાવ્યા છે.
સાબરકાંઠાનું ઈલોલ ગામ. ત્યાં મુસ્લિમોની વસ્તી વધુ છે. હિન્દુ-મુસલમાન પ્રેમથી હળીમળીને રહે છે. ઈલોલના મુસ્લિમ દંપતી નોખી માટીના છે. શ્રી હલીમાબેન અને શ્રી રહેમતુલા ઘણા વર્ષોથી ઈલોલમાં રહે છે. તેમના પરિવારમાં ત્રણ દિકરી ને એક દિકરો છે.
તેમના ઘરે થોડા ઘણા મંદબુદ્ધિવાળા એક હિન્દુ માનાભાઈ કચરાભાઈ વણકર અવારનવાર આવતો. હલીમાબેન તેને ક્યારેક ચા-નાસ્તો આપતા. માનાભાઈના પરિવારમાં કોઈ હતું નહિ. માતા-પિતા મૃત્યુ પામેલા. એટલે માનાભાઈ હલીમાબેનનો પ્રેમ જોતા ચા માંગે, એમ કરતાં પતિ- પત્નીને તેમના તરફ માયા બંધાઈ. પછી તો તે દરરોજ આવે અને બે ટાઈમ તેમને જમવાનું મળે. આ દંપતીએ વિચાર્યુ કે કાયમ એમને આપણે ત્યાં જ રાખીએ તો કેવું ? અને બાજુના રૂમમાં ખાટલો, ગોદડુ આપી તેમને ત્યાં રહેવાની વ્યવસ્થા કરી અને ધીમે ધીમે તેઓ કુટુંબના સભ્ય બની ગયા. દિકરીઓ પણ તેમને સાચવતી.
થોડી બુદ્ધિ ઓછી અને ગુસ્સો બહુ. એટલે ક્યારેક સમયસર ચા ન મળે તો ગુસ્સે થઈ ગાળો બોલે. રહેમતુલ્લાની ભત્રીજી કે બીજા સગા આવે તો કહે “તમે બધા અહીં કેમ આવ્યા છો ? ખાવા આવો છો ? જતા રહો.
એકવાર હલીમાબેન કામમાં હતા, જમવાનું આપવામાં મોડું થયું તો તેમને સાવરણી મારી. હલીમાબેન એટલા ભલા અને લાગણીશીલ કે ગુસ્સે થવાને બદલે પ્રેમથી ચા પીવડાવીને ઠંડા પાડયા. આજુબાજુ પાડોશીઓ આ જુવે અને રહેમભાઈ – હલીમાબેનને કહે “તમે શું કામ આ માણસને રાખો છો ? તમારા સગા તો છે નહિ”. ત્યારે તેઓ કહે, “એ બિચારાનું કોઈ નથી, આ તો પ્રેમનો સંબંધ છે, મારો દિકરો આવું કરે તો હું એને કાઢી મૂકું, કાંઈ ?”
એકવાર હલીમાબેનની નજર માનાભાઈના હાથ પર પડી. ફોલ્લા પડેલા. દવાખાને લઈ ગયાં. જલ્દી રૂઝાય નહિ. રહેમભાઈ તેમને નવડાવે, કપડા પહેરાવે. તેમણે ચામડીના ડોક્ટરને બતાવ્યું. ખબર પડી કે રક્તપિત્તને કારણે તેમને રૂઝ આવતી નથી. અમદાવાદમાં નારોલમાં રક્તપિત્તની હોસ્પિટલમાં દાખલ કર્યા. દવા શરૂ કરી. થોડા મહિના રહ્યાં. સારૂં થયું. એકલા ઘેર ભાગી આવ્યા. રક્તપિત્ત રોગને કારણે, કુટુંબ-સમાજ, સ્વજનો હડધૂત કરે છે, તિરસ્કૃત કરે છે ત્યારે આ દંપતી તેમને પ્રેમથી રાખે છે. કોઈ પણ જાતના સંબંધ વગર !!
એકવાર પગમાં જખમ થવાથી તેમાં કીડા પડયા. હલીમાબેનની મોટી દિકરીએ દવા નાખી કીડા જાતે કાઢી પાટો બાંધ્યો, અને તે પણ મોઢું બગાડયા વગર, સૂગ ચડાવ્યા વગર. ચાર વર્ષ પહેલા ક્યાંકથી વૃદ્ધાશ્રમ શરૂ કરવા માનાભાઈને લેવા આવ્યા, આ ભાઈ ઘરડા થશે, તમારી પણ ઉંમર થશે, ત્યારે તમને તકલીફ પડશે, માટે અમે શરૂઆત માનાભાઈથી કરવા માંગીએ છીએ.
માનાભાઈને સમજાવી પટાવીને મોકલ્યા. સવારના ચાર વાગે બારણે ટકોરા સંભળાયા. જોયું તો માનાભાઈને મૂકવા આવનાર ભાઈ કહે, “માનાભાઈ તો એવું કહે છે, તમારા કરતા તો હલીમાબેન સારા, મને રાત્રે ૧૨ વાગે ચા માંગુ તો બનાવી આપે છે. મારે અહિં રહેવું નથી.” આવો નિસ્વાર્થ પ્રેમ આ દંપતી જ કરી શકે. આ માનાભાઈ પાસે કોઈ મિલકત નથી, છતાંય આ દંપતી પ્રેમથી તેમને રાખતા.
એકવાર ગામના મોભીઓએ રહેમતુલ્લાભાઈને કહ્યું, “આપણે મુસલમાન અને ભાઈ હિન્દુ છે. ક્યારેક તેમને કશું થશે તો તમે મુશ્કેલીમાં મૂકાઈ જશો. માટે તમે ગમે ત્યાં મૂકી આવો.” આ સાંભળી દંપતી ગભરાઈ ગયું. જે વ્યક્તિને ૨૦ વર્ષથી પોતાના ઘેર પરિવારનો સભ્ય ગણી રાખ્યો, પ્રેમ આપ્યો, તેમને કોઈ ગુના વગર કાઢી મૂકતા જીવ નહોતો ચાલતો.
ન છૂટકે તેઓ સહયોગ કુષ્ઠયજ્ઞ ટ્રસ્ટ, રાજેન્દ્રનગર ચોકડી, હિંમતનગર માં શ્રી સુરેશ સોનીને મળ્યા અને કહ્યું, “માનાભાઈને અમે ૨૦ વર્ષ અમારે ત્યાં રાખ્યા હતા. હવે તમારી સંસ્થામાં કાયમ માટે મૂકવા આવ્યા છીએ. અમે મળવા આવતા રહીશું.” મૂકીને ભારે હૈયે વિદાય થયા. સંસ્થામાં બધાની સાથે રહે છે.
હલીમાબેનની દિકરીને રાજસ્થાન પરણાવી છે, તે રાજસ્થાન જતાં માનાકાકાને મળવા આવી. તેમને માટે નાસ્તો, સ્વેટર વગેરે લાવી, તેણીએ પૂછયું, “કાકા બીજું શું જોઈએ છે ?” તો કહે, મારે પાકિટ જોઈએ છે, “તમારે કેમ જોઈએ છે? તો માનાકાકા કહે, “મને દર મહિને સંસ્થામાંથી ૧૩૦ રૂ. વાપરવા આપે છે. જમવાનું, કપડાં, દવા તો મફત મળે છે. એટલે પૈસા મૂકવા પાકીટ જોઈએ ને ?”
દીકરીએ ફોનથી તેના પપ્પાને જણાવ્યું, “તમે સહયોગમાં જઈ માનાકાકાને પાકીટ આપી આવજો.” હલીમાબેન- રહેમતુલ્લા તેમના મિત્રની ગાડીમાં આવી સુરેશભાઈને મળ્યા અને બધા માનાભાઈને મળવા ગયા. પાકીટ, નાસ્તો, બિસ્કીટ વગેરે આપ્યું.
સુરેશભાઈએ તેમના ધર્મપત્ની ઈન્દિરાબેનને બોલાવીને કહ્યું, “ઇંદિરા, આ કંપનીને મળ. અહિં રહેતા આપણા ઘણાં રક્તપિત્તગ્રસ્તી અને મંદબુદ્ધિવાળાને કોઈ મળવા આવતું નથી, સગા વ્હાલા હોવા છતાં જ્યારે આ દંપતી લોહીનો સંબંધ ન હોવા છતાં માનવતાના સંબંધે લાગણીભર્યા દિલથી મળવા આવ્યા છે.
તેમના મુખે આ વાતો સાંભળી હૈયું ગદ્ગદીત થઈ ગયું. આવી ઘટનાઓ માણસમાં ઢબૂરાઈ ગયેલી સંવેદનાઓને જગાડવાનું, ઢંઢોળવાનું કામ કરે છે. આ દંપતીના હૃદયમાં વસેલા ખુદાને વંદન કરીને એટલું જ કહીએ કે પરવરદિગાર તેમને સુખી કરે અને એંસી વર્ષની કગારે ઉભેલા સન્યાસી સુરેશ સોની દંપતીને અને આખા ‘સહયોગ પરિસર’ ને સેવા કરવાનું બળ આપે.
હિન્દુ યા મુસલમાન, શીખ હૈ ઈસાઈ હૈ, યા પારસી હૈ હમ,
એતબારસે આજસે કહો ઈન્સાન હૈ હમ ઈન્સાન હૈ હમ…