‘મોરારીબાપુની કથા કરાવાય નહીં, પણ સંભળાય.’

 

 

 

બાપુ જરા કોઈ મનોરથ કરે ત્યાં તો અનેક યજમાન પોતાને એ સેવા મળે એના માટે બાપુને વિનંતીઓ કરવા લાગે છે.!!! 

રાજકોટને આંગણે બાર વર્ષ પછી શ્રી રામકથા થઇ રહી છે ત્યારે જિજ્ઞાસાવશ ઘણા ભાવકો પ્રશ્નો પુછાતા હોય છે. પ્રિય બાપુનો અનુગ્રહ છે કે તેઓએ આપણને પોતાની કરુણા સાથે સાંકળ્યા છે એટલે પૂછનારની પણ અપેક્ષાઓ હોય તે સમજી શકાય. સદભાવના સંસ્થા જે રીતે કથા યોજે છે તે તો બરાબર છે પણ બાપુ કેટલીક કથાઓ કોઈ ઉદેશ્યને લાભાર્થે કરતા હોય છે. ઉદાહરણ તરીકે, ગત વર્ષાન્તે બાપુએ લોકભારતી સણોસરા ખાતે જે કથા કરી તે એવી કથા હતી કે જેનો સંપૂર્ણ ખર્ચ ઉપાડી લેનાર કોઈ યજમાન હતા. હવે તે તો અમેરિકા નિવાસી હતા. એમ જ આદિતીર્થવાસીઓ માટે બાપુએ કરુણા સાથે કથા ખાંડા ખાતે યોજવાનો સંકલ્પ કર્યો તે કથાનું ખર્ચ પણ અમેરિકાવાસી યજમાને માંગ્યું  હતું.

પ્રિય બાપુના કિસ્સામાં એમના યજમાનો બેજોડ છે. બાપુનો એક નાનકડો ઈશારો એમના માટે કાફી છે. બાપુ જરા કોઈ મનોરથ કરે ત્યાં તો અનેક યજમાન પોતાને એ સેવા મળે એના માટે બાપુને વિનંતીઓ કરવા લાગે છે. આવું અગાઉ ઘણી વખત બન્યું છે. વ્રજ ચોર્યાસી ની કથા દરમિયાન રોજ વ્યાસપીઠ એક નવા સ્થાન ઉપર હોય  અને નવે-નવ દિવસ સ્થાન બદલીને ચોર્યાસી પૂર્ણ થાય એના માટે બાપુએ સવિનય ના પાડવી પડી એટલા યજમાનોએ પોતાના નામ નોંધાવ્યા અને જિંદગીનો રાજીપો લીધો. આવા જ કિસ્સા અનેક વખત બન્યા છે. બાપુ કોઈ એક કથા માટે મનમાં વિચારે ત્યાં  તો એના માટે અનેક યજમાનો સામે આવીને ઊભા રહી જાય છે.

જાણવા જેવું એ છે કે બાપુના આવા વિશિષ્ટ મનોરથો જેમાં  ગણિકા માટેની  કથા,  કિન્નરો માટે કથાની કથા, વિચરતી જાતિના લોકો માટેની  કથા, સાવરકુંડલાની નિઃશુલ્ક હોસ્પિટલ માટે કથા,  લોકભારતીમાં સહાય થઈ શકે એટલા માટે કથા કે અન્ય કોઈપણ બાપુના મનમાં ઊગેલા મનોરથો માટે યજમાન તૈયાર હોય છે. એનો અર્થ એવો કે એમાં અથઃ થી ઈતિ સુધીનો જે ખર્ચ થાય તે યજમાન જેને બાપુએ ‘મનોરથી’ કહે છે, એ ભોગવે છે. કથાનું સ્થળ જેનું હોય અથવા કથા જ્યાં થવાની હોય એ લોકોએ તો બહુ થોડી લોકલ વ્યવસ્થા કરવાની હોય છે. બાકીનું બધું જ તંત્ર, બધું એટલે બધું જ તંત્ર એ યજમાન મનોરથી અને તેની ટીમ દ્વારા ઉપાડી લેવામાં આવે છે. જેમાં શ્રમ, પરિશ્રમ, અને પૈસો એ દરેક બાબતો  યજમાનોના શિરે હોય છે. સામાન્ય રીતે એક સાદો હિસાબ લગાવીએ તો પચાસ  હજાર  લોકો જેમાં બેસી શકે તેવો બહુ મોટો કથાનો ડોમ, અને તેની આસપાસ વિસ્તરેલા મંડપો, વિશાલ અને મુક્ત  એવી વ્યાસપીઠ, એની આજુબાજુના વિશિષ્ટ ખંડો, વગેરે ઊભા કરવામાં અને તેને દસ દિવસ માટે રાખવા માટે થઈને પ્રતિકરૂપ ગણીએ તો પણ  દોઢ-બે કરોડ રૂપિયાનો ખર્ચ થઈ જતો હશે, એવો અંદાજ છે.

પ્રિય બાપુ કથા સ્થાને પ્રસાદ મળે એવો પ્રેમાગ્રહ રાખે છે. અને ત્યાં બ્રેકફાસ્ટ, લંચ, અને ડિનર આ ત્રણેયની વ્યવસ્થા મનોરથી પરિવાર દ્વારા થાય છે. આપણે એવી કલ્પના કરીએ કે પચાસ હજાર લોકો જે કથામાં શ્રવણ માટે ઉપસ્થિત રહેતા હોય એ સૌ માટે ત્રણેય સમયના ભોજન અથવા પ્રસાદની વ્યવસ્થાની પાછળ લઘુત્તમ બે થી ત્રણ કરોડ રૂપિયાનો ખર્ચ થઈ જતો હશે. કારણ એ છે કે, આ ત્રણેય વખતના પ્રસાદમાં એક માનવને શોભે તેમ  બહુ જ શુદ્ધ રીતે તૈયાર કરેલો પ્રસાદ પીરસવામાં  આવે છે. જેમાં યથાર્થ સાબિત થાય  એ પ્રકારની વાનગીઓ તેમાં મૂકવામાં આવે છે. આ તો થઈ આવશ્યક બાબતોની યાદી, પણ આ કથામાં દૂર-દૂરથી આવીને વસવા માગતા લોકો માટે પણ નિવાસ વ્યવસ્થા થાય છે. કથા સ્થળ માટે થઈને અનેક ગાડીઓની વ્યવસ્થા થાય છે, સંગીતની એક ટીમ છે, એમના ઉતરવાની અને સઘળી વ્યવસ્થા થાય છે, સાઉન્ડ વગેરેને સાચવનાર સંગીતની દુનિયાની એક ટીમ છે, એમના ઉતારા વગેરેની પણ બધી જ વ્યવસ્થા થાય છે.

બાપુ રોજ યજ્ઞ કરે છે, બાપુને હિંડોળો પ્રિય છે, બાપુને ઉતારે પણ એને મળવા બહુ મોટો ધસારો હોય છે, બાપૂ જ્યારે મળવાનું નક્કી કરે ત્યારે જે કોઈ મળવા આવે એના માટે ચા-નાસ્તાની બાપુ સલાહ કરે છે. આ બધી જ નાનામાં નાની વાતોને કથાના આયોજકો દ્વારા પરિપૂર્ણ કરવામાં આવે.

બાપુ પોતે ઘણીવાર કહે છે કે, ‘મોરારીબાપુની કથા કરાવાય નહીં, પણ સંભળાય.’  કેટલું બધું કરવું પડતું હોય છે એવું બાપુ  વારંવાર કહે છે. એ કહે  ત્યારે આપણને વિચાર ન આવે કે,  આ બાપુ શું કહે છે, એટલે અંદાજ પ્રાપ્ત થાય તે માટે થઈને આ બધું  વર્ણન કરવામાં આવ્યું છે. આશ્ચર્યની વાત તો ત્યાં આવે છે કે, બાપુએ જે પરિવારને લોક્ભારતીની કથાના અને ખાંડા ની કથાના યજમાન તરીકેની  જવાબદારી જેમના શિરે મૂકી તેમણે જે તે કથા પૂર્ણ થાય તે પહેલા બીજી કથા બાપુ ક્યારે આપો છો, એવું પૂછીને વિનંતી કરી !! એક ત્રીજા પુરુષ એક વચન તરીકે હું આ વિગત જાણું છું ત્યારે મને ચોક્કસ લાગે છે કે, બાપુને જેવા યજમાન કે મનોરથી મળે છે તેવા અન્ય કથાકારોને ભાગ્યે  જ મળતા  હશે. 

કથાના આયોજનની આટલી વિગ તો કહેવાનો એટલો જ ભાવાર્થ છે કે,  આયોજન કરનાર કે મનોરથ વ્યક્ત કરનાર એ સૌને એક વાતનો ભરોસો હોય છે કે, બાપુની કોઈપણ વાતને આપણે જ્યારે પરીપૂર્ણ કરવા નીકળીએ છીએ ત્યારે અસ્તિત્વનો આપણને ચારે તરફથી ટેકો હોય છે.

બાપુની દિવ્ય વાણી (02)

‘મારો કોઈ મિત્ર નથી અને તેથી કોઈ શત્રુ પણ નથી.’

મને ઘણા લોકો પૂછે છે કે,  બાપુ તમારો કોઈ મિત્ર છે ?? લોકો ઉદારતાથી પૂછતા હશે પણ હું એવો જવાબ આપું છું કે, ના મારે  કોઈ મિત્ર નથી પણ હું આનંદિત છું,  કારણ કે કોઈ મારો મિત્ર નથી અને એટલે મારો કોઈ દુશ્મન પણ નથી !! 

હું તો બસ એ લહેરમાં ફર્યા કરું છું.  કોઈને દુશ્મની કરવી હોય તો કરે,  એ એના સંસ્કાર છે,  એમાં હું શું કરું ? તમારી સમજ માં આવતું હશે કે, ‘ મેં ક્યાં કરું?’  બધાને માલૂમ છે કે હું પીયક્ક્ડ  નથી એ તો આપ જાણો છો ને ? કે બસ ફરી એ બતાવું પડશે ? પરંતુ  તુલસી માનસ રસ પીવડાવે તો પછી હું શું કરું? આ મારા દાદા ની પાઘડી મને પીવડાવે તો હું શું કરું? 

મા જ્યારે દૂધ બાળકને પાતી  હોય છે ને ત્યારે કપડાનો એક છેડો દૂધમાં બોળી અને બાળકના મોઢામાં નીચોવતી હોય છે,  પણ આવી રીતે મને નીચોવી નીચોવીને દૂધ પાયું છે આ પાઘડીએ !! મારા દાદા  મને જો પીવડાવે તો મારાથી કાંઈ થઈ શકે નહીં.  હવે તમે જ સમજો કે આવી રીતે બને તો હું શું કરું?  

અધ્યાત્મમાં મૈત્રી થોડી છે ?? મૈત્રી તો ધરાની વાત છે. પતંજલિએ જરૂર મૈત્રી શબ્દનો ઉપયોગ કર્યો છે અને મારા રામચરિત માનસમાં સંતના એક લક્ષણ તરીકે મૈત્રી ની વાત કરી છે.  આ વાતનો હું સ્વીકાર કરું છું, પણ ઈશ્વર ઈચ્છા હશે કે મારે કોઈ મિત્ર નથી, પણ એનો મોટો ફાયદો છે કે મારે કોઈ દુશ્મન પણ નથી. કોઈ કશું બોલે તો ભલે બોલે, આખરે તો તેઓ પોતાના સંસ્કાર બતાવે છે, બીજું શું ?? એવી ફિકરમાં પડતો જ નથી. 

બાપુ લોટ માંગવા નીકળ્યા !!

મારા મનમાં  એવું તો ખરું કે,  આપણે ભૂલી ન જઈએ એટલે વરસમાં  એક વખત તો લોટ માંગવા નીકળવું. ને મારા ગામમાં કોઈ બ્રાહ્મણ દેવતા હવે લોટ માંગવા નીકળતા નથી. અને મારા સાધુ સમાજમાં પણ હવે કોઈ લોટ લેવા  જતું નથી. એક અતિત  ગોસાઈ અમારા ત્રિલિંગ મહાદેવના પૂજારી મઠના. એમાંથી એક ભાઈ નીકળે છે, એ રોજ નીકળે… સાધુ બ્રાહ્મણ લોટે નીકળે તો લગભગ સવાર નીકળે અને ગોસાઈ નીકળે એ સાંજે નીકળે. ઘણી વખત હું સવારમાં દર્શને જાવ ત્યાં હોય અને હું એને કહું કે,  આ લોટ તો તામડીમાં ભેગો થાય એમાંથી બે રોટલા કરીને મને સાંજે આપી જજો ને તો હું આ ગંગાજળ આપું. એ મને લઈ આવી આપે. હવે તે દિવસે બહુ માણસો નહોતા અને હું દર્શન કરીને આવ્યો અને એ પોતે ઉભા હતા, કહે, બાપુ જય સીયારામ… મેં કીધું,  બાપુ શરૂ કર્યું કે નહીં ? તો કહે, હજી તો નીકળ્યો છું બે મુઠ્ઠી લોટ નાખીને આમાં. ને મેં ચારે બાજુ જોયું કે  કોઈ ફોટા પાડતા નથી ને ?? … મારે લોટે નીકળવું છે. અને મેં તામડી લીધી સાહેબ. 

એકવાર આ બજારમાં નીકળ્યો. અમારે રામજી મંદિરની પહેલી ગલી,  એમાં કણબી પટેલ નું ઘર પછી,  નાની એવી ગલીમાં અમારે કવિરાજ બારોટ પરિવાર રહે. મેં કીધું પાછળ કોઈ આવતા નહીં.. અને લીધી તામડી સાહેબ… હવે કોઈને ભરોસો આવે નહીં. જણ ઘરે નહીં, બેનો દીકરીઓ ઘરે… મેં જઈને અમારો શબ્દ નાખ્યો, ‘ભજલે રામ’… અમારા સાધુ નીકળે ને ત્યારે ‘ભજલે રામ’  કહે. બ્રહ્મદેવતા નીકળે તો ‘દયા પ્રભુની’  આ શબ્દ બોલે. હું ગયો એટલે ઓલી બેન નીકળી તે પહેલા તો લાજ લઈને મને ઓળખી ગઈ કહે,  બાપુ…??  મેં કીધું,  દીકરા,  પહેલા તો આ લાજ કાઢી નાખો… એણે  કીધું પણ બાપુ તમે ? એને ભરોસો નહોતો.. મેં કીધું,  મારા બાપ હવે નીકળ્યો છું તો નાખ ને બે મુઠી… સાહેબ આમ ધ્રુજતી ધ્રુજતી એણે લોટ નાખ્યો. પછી કવિરાજ ની ઘરે ગયો.  કવિરાજને ઘરેથી લીધો,  પછી જોગીનું ઘર એને ઘરે લીધો, પછી બે કોળીના ઘર એના ઘરનો લોટ લીધો. એક કણબી પટેલનું ઘર… આઠ ઘરે  માંગ્યો ત્યાં તો તામડી ભરાઈ ગઈ. મારે દબાવીને દબાવીને અંદર નાખવો પડ્યો. આઠ ઘરે આખી તામડી ભરાણી અને મેં ગોસાઈ બાપુને કીધું, લ્યો બાપુ,  તમારો ફેરો આજનો પૂરો થઈ ગયો. હવે ઘરે વયા જાવ અને આનો એક રોટલો કરીને મને રાત્રે આપી જજો. આવું મને બધું બહુ સુજે છે હમણાં. અને પછી મોકો આવે ત્યારે આપણે કરી લઈએ,,બાપ.

 

અસત્યની કલ્પના હોવા છતાં સત્ય બોલવું એ નૈતિક કર્મ છે.

અઢારમો અને છેલ્લો અધ્યાય શ્રીમદ્ ભગવદ્ ગીતાનો એટલે સમગ્ર ગીતાનો ઉપસંહાર…આપણને જીવનમાં ગીતા બોધનું માર્ગદર્શન આપે છે.

સાચો ભક્ત તો ઈશ્વરને હંમેશાં એમ જ કહેશે કે, આ ભક્તિ મારે માટે પૂરતી છે. પેલો મોક્ષ કે જેને જીવનનું અંતિમ ફળ માનવામાં આવે છે તે મારે નથી જોઈતું. કારણ મુક્તિ એટલે એક જાતની ભક્તિ જ નથી શું ? મોક્ષ એ પણ એક ભોગ છે, ફળ છે. ‘આ મોક્ષરૂપી ફળ ઉપર પણ તારી ફળ ત્યાગની કાતર ચલાવ’, એવું ભગવાન કહે છે.

પ્રેમ કરવાથી મોક્ષ નાસી જવાનો નથી.મોક્ષની આશા છોડશો ત્યારે જ મોક્ષ તરફ ખબર ન પડે એવી રીતે તમે જશો. ‘તારી સાધના જ એવી તન્મયતાથી થવા દે કે મોક્ષની યાદ સરખી ન રહે અને મોક્ષ તને શોધતા-શોધતો તારી સામે આવીને ખડો થાય.’ સાધકે સાધનામાં જ રંગાઈ જવું, માતે સંશોઘ્ન ર્મળિ માહો રાગ ગર્મમા, અકર્મ દશાની મોક્ષની આસક્તિ રાખમાં, એમ ભગવાને પહેલાં જ કહ્યું છે. હવે ફરીથી છેવટે પણ ભગવાન આપણું ધ્યાન દોરે છે. ‘અહં ત્યાં સર્વપાપેખ્યો મોક્ષ કુંષ્યામિ મા સુવ:’હું તને સર્વ પાપોથી છોડાવીશ, તું નાચિંત થઈ જા. મોક્ષ આપવાવાળો હું સમર્થ બેઠો છું. તું મોક્ષની ચિંતા છોડી દે. સાધનાની ફિકર કર, મોક્ષને વિસારે પાડવાથી સાધના સારામાં સારી રીતે થશે અને મોક્ષ જ બિચારી મોહિત થઈને તારી પાસે આવશે.’

નિરપેક્ષ વૃત્તિથી જે કેવળ સાધનામાં તલ્લીન થયેલો છે. તેના ગળામાં મોક્ષ લક્ષ્મી

વરમાળા પહેરાવે છે. ‘સાધનાની પરાકાષ્ઠા એટલે સાધકની સાધનાની સહજાવસ્થા’. હું કંઈક કરું છું એવો ખ્યાલ જ ત્યાં હોતો નથી. નાનો છકરો સાચું બોલે છે, પરંતુ તેની તે ક્રિયા નૈતિક નથી, કારણ કે તેને જૂઠું શું તેનો ખ્યાલ જ નથી. અસત્યની કલ્પના હોવા છતાં સત્ય બોલવું એ નૈતિક કર્મ છે. સિદ્ધાવસ્થામાં જે નિસિદ્ધ છે, તે ત્યાં નામનુંય ફરકતું નથી. જે સાંભળવાનું નથી તે કાનમાં પેસતું નથી, જે જોવાનું નથી તેને આંખો જોતી નથી, જે થવું જોઈએ તે હાથથી કરવું પડતું નથી. જે ટાળવાનું છે તેને ટાળવું નથી પડતું, પણ આપમેળે ટળી જાય છે. આવી એ નીતિશૂન્ય અવસ્થા છે. આ જે સાધનાની પરકાઠા, આ જે સાધનાની સહજાવસ્થા, તે નીતિનો પરમ ઉત્કર્ષ છે.

આ અંતિમ અવસ્થામાં ત્રણ ભાવ હોય છે. એક પેલી વામદેવની દશા, તેનો પહેલો પ્રસિદ્ધ ઉદ્ગાર છે ને ! ‘આ વિશ્વમાં જે – જે કંઈ છે તે હું છું’. જ્ઞાની પુરુષ નિરંકાર હોય છે, તેનું દેહાભિમાન ખરી પડે છે, ક્રિયા બધી ખરી પડે છે. એ જ વખતે તેને ભાવાવસ્થા પ્રાપ્ત થાય છે. એ અવસ્થા એક દેહમાં સમાઈ શકતી નથી. ભાવાવસ્થા એ ક્રિયા અવસ્થા નથી.

આ ભાવાવસ્થાની માફક જ્ઞાનીપુરુષની ક્રિયા અવસ્થા પણ હોય છે. જ્ઞાની પુરુષ સ્વાભાવિક રીતે શું કરશે ? તે જે જે કંઈ કરશે તે બધું સાત્ત્વિક જ હશે. બીજી જો કે તેને માણસના દેહની મર્યાદા છે, તો પણ તેનો આખોય દેહ, એની બધી ઈન્દ્રિયો, એ બધા સાત્ત્વિક થયેલા હોવાથી તેની અંદર તેની દરેક ક્રિયા સાત્ત્વિક જ થશે. ભાવાવસ્થા અનેક ક્રિયા અવસ્થા ઉપરાંત જ્ઞાની પુરુષની ત્રીજી

એક સ્થિતિ છે. જેને જ્ઞાન અવસ્થા કહેવાય છે. આ અવસ્થામાં તે પાપ પણ સહન કરતો નથી. પુણ્ય પણ સહન કરતો નથી. ખંખેરીને બધું ફેંકી દે છે. આ ત્રિભુવનને દીવાસળી ચાંપી તેને સળગાવી દેવા તે તૈયાર થાય છે. પોતાની જાત પર એક પણ કર્મ લેવાને તે તૈયાર થતો નથી, તેનો સ્પર્શ સરખો તે સહી શકતો નથી. આવી આ ત્રણ અવસ્થા જ્ઞાની પુરુષની મોક્ષ દશામાં સાધનાની પરકાષ્ટાની દશામાં સંભવે છે.

આ જે અક્રિયા અવસ્થા છે. છેવટની દશા છે, તેને પોતાની રીતે કેવી રીતે કરવી ? આપણે જે જે કર્મ કરીએ તેનું કર્તૃત્વ આપણે ન સ્વીકારવાનો મહાવરો કરવો પડે. હું કેવળ નિમિત્ત માત્ર છું. કર્મનું કર્તૃત્વ મારી પાસે નથી, એ મનન કરતાં રહેવું. આ અકર્તૃત્વ વાતની ભૂમિકા પહેલાં નમ્રપણે સ્વીકારવી. આમ થતાં દેહ સાથે જાણે કે સંબંધ જનથી એવી જ્ઞાનીની અવસ્થા પ્રાપ્ત થશે.

એ અવસ્થામાં પાછી અગાઉ કહેલી ત્રણ અવસ્થા છે. એક તેની ક્રિયાવસ્થા. બીજી ભાવાવસ્થા. જેમાં ત્રિભુવનમાં થતા પાપ પુણ્ય હું કરું છું એમ તે અનુભવશે. પણ તેમનો તેને લેશમાત્ર સ્પર્શ નહીં થાય અને ત્રીજી તેની જ્ઞાનાવસ્થા, એ અવસ્થામાં લેશમાત્ર કર્મ તે પોતાની પાસે રહેવા દેશે નહીં.

અઢારમાં અધ્યાયના અંતમાં એક સરસ મજાની વાત ભગવાન કરે છે. ભગવાને શરૂઆતમાં અર્જુનને એક વખત કહ્યું કે, ‘હે અર્જુન, આજે મેં બધું તને કહ્યું તે તું બધું બરાબર સમજ્યો હોઈશ. હવે તારો વિચાર કરીને તને જે સુજે તે કર.’ ભગવાને અર્જુનને મનની મોટાઈથી છૂટ આપી છે.

બાપુની દિવ્ય વાણી : (01)

‘મારા માટે મોક્ષનગરી તો મારું તલગાજરડું…’

તલગાજરડા  કરતાં મારા માટે જગતમાં બીજું કોઈ સ્થાન નથી.

મને કલકતામાં પૂછેલું લોકોએ કે,  ‘કલકત્તા એ ધર્મ નગરી છે બાપૂ,’

પછી કહે કે,  ‘મુંબઈ અર્થ નગરી છે. ત્યાં શેઠિયાઓ બેઠા હતા અને મારી કથા હતી ત્યાં અને એ વખતે કલકત્તામાં ઘણી કથાઓ ચાલેલી. છાપામાં રોજ આવે એટલે બે ચાર વેપારીએ કીધું કે,  ‘બાપૂ, અમારી કલકત્તા તો ધર્મનગરી છે. વળી કોઈકે કીધું કે, મુંબઈ અર્થનગરી છે, એ તો હકીકત છે,  અર્થનું પાટનગર મુંબઈ ગણાય, હિન્દુસ્તાનનું. એ પછી મને પૂછ્યું કે બાપૂ કામનગરી કઈ ? તો મેં કહ્યું  દિલ્લી. દિલ્લી કામનગરી, કામનાવાળા જ ત્યાં ભેગા થયા છે બધા. કોને પછાડવો ને કોને બેસી જવું ને… એ કામનગરી. પછી કોઈકે પૂછ્યું કે,  મોક્ષ નગરી કઈ ? મેં કીધું,  ભાઈ મારા માટે કહેતા   હો તો મારા માટે મોક્ષનગરી તલગાજરડું… મારા માટે તો એ ભૂમિ છે. સૌને પોતપોતાની ભૂમિ હોય. ‘ફરક  ઇતના હૈ સૈયાદ કફ્સ ઔર આસિયાનેમેં,  યે તેરા દસ્તુર હૈ ઉસે મૈં ને બનાયા હૈ…’

આપણો કવિ ત્રાપજકરે દોહો લખ્યો કે, ‘કબૂતર ઉડ્યું કચ્છથી અને મુંબઈ આવ્યું જોઈ, આખા  કચ્છને આંટો મારી ઊપડ્યું કબૂતર કે,  લાવ મુંબઈ આંટો મારી આવું… કબૂતર ઉડ્યું કચ્છથી અને મુંબઈ આવ્યું જોઈ પણ એને વ્હાલું ન લાગ્યું કોઈ વાગડ  જેવું વિઠ્ઠલા..‘ એને વાગડ  જેવું કોઈ વ્હાલું ન લાગ્યું એટલે ફરી પાછું ત્યાં ગયું.

‘મેરો મન અનત કહાઁ સુખ પાવે,  જૈસે ઉડી જહાજ કો પંછી ફીર જહાજ પે આવે’…

શું કામ ફરવાનું? હા જરૂર, તમને મળીને આનંદ થાય બાપ ! મારા દેશનાં ભાઈ-બહેનોના સંસ્કાર, એની સમૃદ્ધિ, એની સમજણ જોઈને હું રાજી થાઉં. અપાતું હોય  તો અમે બધુ આપી દઈએ તમને. એટલો મારો ભાવ છે.

મેં કેટલીએ વાર કહ્યું છે અને ફરી એકવાર દોહરાઉ છું, ‘મમતા બંધન છે, છતાંય મારા શ્રોતાઓ તરફ મારી મમતા છે એ બંધન મને મંજુર છે, એ બંધન મને સ્વીકાર્ય છે. હું રાજી થઈશ પણ એનો અર્થ એમ નથી કે,  અમને ઘરે ગમતું નથી. અમે ત્યાં બેઠા હોઈએ તો ય  લહેર છે. પણ આ બહાને  જો બે-ત્રણ દિવા પ્રગટી જતા હોય તો ભલે પ્રગટે..ભલે બે ચાર જ્યોતો પ્રગટી  જાય…  ‘હમ ફકીરો સે જો ચાહે વો દુઆ લે જાયે…’

હું કોઈનું ધર્મ પરિવર્તન કરાવવા બ્રાઝીલ નહોતો આવ્યો….

હું બ્રાઝિલમાં કથા કરીને નીકળ્યો અને અમે બોટમાં જઈ  રહ્યા હતા. આ નવ દિવસમાં આજુબાજુમાં રહેલા બ્રાઝિલવાસીઓ એટલા ભાવમાં આવી ગયા કે એક સજ્જને મને કહ્યું કે, બાપુ મને હિન્દૂ ધર્મની દીક્ષા આપો. એમના આ શબ્દો સાંભળીને મારો જવાબ હતો કે, હું કોઈનું ધર્મ પરિવર્તન કરાવવા બ્રાઝીલ નહોતો આવ્યો. મારું  એ કામ જ નથી. હું એ કામ માટે નીકળ્યો જ નથી. તમે સત્ય, પ્રેમ અને કરુણામાં જીવો એટલો જ મારો સંદેશ બસ. બાકી તમે તમારા ધર્મમાં રહીને  બંદગી કરો. આ બધું છોડવાની શી જરૂર છે ?? મારી પાસે કંઠી જ નથી તો બાંઘું શું ?  હું તો કોઈના ગળામાં ખોટી કંઠી આવી ગઈ હોય તો તેને ઝુંટવી લેવાની કોશીષ માં છું. અને સૂફીઓમાં ફકીરોમાં તો બધું જ છીનવી લેવામાં આવે છે.

આમિર ખુસરો કહે છે કે, જયારે મારા સદ્ગુરુ નિઝામુદ્દીન ઔલિયાને હું મળ્યો અને અમારી આંખ ચાર  થઈ તો એવી ઘટના ઘટી કે હું બીજા દિવસથી દીક્ષિત થઇ ગયો !! ક્યાંકથી વિચાર મળ્યો, ક્યાંકથી સૂત્ર મળ્યું, કોઈ સાધુ સંતના સત્સંગથી થોડો પ્રકાશ મળ્યો ..આ સૌએ તો બધું આપ્યું છે. સાધુને માધુકરીનો અધિકાર છે. માધુકરી ત્યાંથી મળે છે જ્યાંથી એકબીજાનો સુર મળે છે…

છાપ તિલક..એ આમિર ખુસરોના શબ્દો છે જે તેમણે  પોતાના ગુરુની સમક્ષ ગાયા હતા.  ભાઈ, હું તો રામનામનું  ગીત ગાવા નીકળ્યો છું, ધર્મ પરિવર્તન કરાવવા નથી નીકળ્યો. 

 

 

 

 

 

 

 

 

 

 

વૃદ્ધાશ્રમ માટે કથા !?!?

સમાજમાં વૃદ્ધાશ્રમની જરૂર પડે, એ કાંઈ સારું કહેવાય ?? ત્યારે સદભાવના વૃદ્ધાશ્રમ તો કહે છે : ‘અમને માવતર જોઈએ છે.’.!!!!!

વારંવાર પૂછાતો આ પ્રશ્ન છે કે, સમાજમાં વૃદ્ધાશ્રમોનું હોવું એ કાંઈ સારું કહેવાય?? દરેકના મનમાં ઊભી થતી શંકા કઈ સમજતી અને કયા શબ્દોથી સ્પષ્ટ કરવી તે સમજાતું નથી, કારણ એ છે કે, આપણા સમાજે ‘વૃદ્ધાશ્રમ’ શબ્દને એક નજરે અળખામણો  કરી દીધો છે. જો કે,  શંકા સાવ ખોટી પણ નથી, એટલા માટે કે, આપણા દેશમાં અને એમાં પણ ગુજરાતમાં ખાસ કરીને વૃદ્ધાશ્રમની સંખ્યા વધતી જાય છે. સદભાવના વૃદ્ધાશ્રમના ભેખધારી સેવક ધીરુભાઈ કાનાબારના કહ્યા પ્રમાણે,  ગુજરાતની અંદર 163 વૃદ્ધાશ્રમો છે. એનો અર્થ એવો છે કે,  વૃદ્ધોને અમુક ઉંમર પછી સાચવવાનું એના દીકરા દીકરીઓ કે દીકરી અને જમાઈ કરી શકતા નથી એટલે એમની પાછળની અવસ્થાએ એમને આશ્રમમાં સ્થાન આપવામાં આવે છે. વૃદ્ધોને માનભેર જીવવાનું આશ્રમ એટલે વૃદ્ધાશ્રમ છે, એવી વ્યાખ્યા કરી શકાય. 

પ્રશ્ન એ વિચારવા જેવો છે કે, આવું કેમ બને છે ?  સમાજ કેમ આ પ્રકારના ટિપિકલ વૃદ્ધાશ્રમોમાં વધારો કરતો જાય છે ?  આપણને બે બાબતો જવાબમાં મળે છે. એક:  વૃદ્ધો પોતાની અસહાય અવસ્થામાં ક્યાં જઈને રહીશું અથવા કોની સારવાર લઈશું  અથવા તેનો ટેકો કોણ કરશે  એ ચિંતામાં ને ચિંતામાં મોટા થતા હોય છે. એ ભય ધીમે ધીમે એમની ઉંમર સાથે વધતો જતો હોય છે, પરિણામે વૃદ્ધાશ્રમમાં જતા પહેલાંના ચાર પાંચ વર્ષોમાં કુટુંબનું વાતાવરણ એવું તંગ બની જતું હોય છે કે, દીકરો વહુ કે દીકરી જમાઈ અને વડીલો વચ્ચે તનાવ ઉભો થતો રહે છે.

આપણા સમાજમાં એવું પણ કહેવાય છે કે, કોઈપણ વૃદ્ધ  દીકરાને લઈને વૃદ્ધાશ્રમમાં જતા નથી,  પણ તેમણે દીકરાની વહુને લઈને વૃદ્ધાશ્રમમાં જવું પડે છે !!  આ જ વાતને જો જરાક ઉલ્ટી વિચારીએ તો એવું કહી શકાય કે, આપણી દીકરીઓ ભૂલી જાય છે  કે,  હું આ ઘરની વહુ છું એટલે મને કદાચ સાસુ સસરા સાથે ફાવતું ન હોય તેવું બની શકે પણ,,  આવી જ એક વહુ મારા ઘરે પણ છે,  જેને મારો ભાઈ પરણીને લઈ આવ્યો છે, એને પણ જો એના સાસુ સસરા પ્રત્યે ધીમે ધીમે કરતા દ્વેષ થતો જશે તો એવું બનશે કે આ ઘરમાંથી હું બે વડીલોને વૃદ્ધાશ્રમમાં મોકલીશ ત્યારે સામે  મારા ઘરમાંથી પણ બે વડીલોને વૃદ્ધાશ્રમમાં જવાનું થશે. દીકરી દીકરી તરીકે જો વૃદ્ધોને અપાર પ્રેમ કરી શકતી હોય તો, એ બીજા ઘરે ગયા પછી વહુ તરીકે પોતાના બીજા મા-બાપને કેમ એટલો પ્રેમ નહીં કરી શકતી હોય એ સંશોધનનો વિષય છે અને આ સત્ય પણ છે.

આપણે સમાજનું ઘડતર જ એવું  કર્યું છે કે, દીકરી મોટી થાય ત્યારથી આપણે તેને મનમાં સતત સાસરું , સાસુ,  સસરા, નણંદ આ બધા પાત્રો પ્રત્યે ઝીણી શંકા અને એક પ્રકારનો અણગમો ઉત્પન્ન થાય તેવું ઠાલવતા  હોઈએ છીએ અને ફલતઃ જ્યારે ખરેખર દીકરી કોઈના ઘરે જાય છે ત્યારે એને સસરો કોઈ ‘બીજો માણસ’ લાગે છે, સાસુ એને કોઈ બીજું  ‘ટીકાખોર’ પાત્ર લાગે છે. નણંદ પોતાના વ્યવહારોમાં વાંધો ઊભો કરતી સ્ત્રી લાગે છે અને આથી જે એક દિવાલ રચાય છે એ ધીમે ધીમે કરતાં વૃદ્ધાશ્રમ તરફના ડગલા મંડાવા ફરજ પાડે છે.  બીજું એક કારણ એવું પણ છે કે,  વડીલો પોતાની વધતી ઉંમર સાથે પોતાના આગ્રહો, હઠાગ્રહો, ગમા અને અણગમાઓ, કેટલાક પૂર્વગ્રહો એવી રીતે મોટા કરતા જાય છે કે, તેઓ પોતે મોટી ઉંમરના થાય ત્યાં સુધીમાં દીકરા-વહુ  અને સાસુ – સસરાની  વચ્ચે એક ન દેખાય તેવી દિવાલ ઊભી કરી ચૂક્યા હોય છે.  એક સાદું ઉદાહરણ લઈએ કે દીકરા અને વહુ ને ઘરે જ્યારે સંતાન આવે ત્યારે એનું બચપણ સાચવવાનું કામ દાદા દાદી ચોક્કસ કરી શકે. એમને વહાલ કરવાનું, એમને પ્રેમ કરવાનું, એમને સારા મજાના સંસ્કારો પાડવાનું, બાળક સાથે રમતમાં સમય વિતાવવાનું, કેટલાક  સ્તોત્રો કે શ્લોકો બોલાવવાનું, હળવી પ્રવૃત્તિ કરવાનું અને સુટેવો ઘડવામાં દાદા દાદી બહુ મોટો ફાળો આપી શકે.  આથી ઊલટું પણ થાય છે કે, જ્યારે સંતાનને એક સૂચના માતા પિતા આપતા હોય ત્યારે એ સૂચનાને નહીં અનુસરવાનું વલણ વડીલ તરીકે દાદા દાદી અજાણતાં શીખવે છે. વડીલો એવો ભાવ નથી ઉત્પન્ન કરતા કે સંતાને એના મમ્મી પપ્પા કહે તેમ કરવું જોઈએ અથવા તો ‘મમ્મી પપ્પા સાચી સૂચના આપે છે અને એને ગણકારીએ નહીં, તે ન ચાલે’,, આવું કહેવાનું જોખમ કોઈ દાદા દાદી લેતા નથી. એટલે ઘણા ઘરની અંદર આપણે જોયું છે કે, દાદા કે દાદી એ હકીકતમાં દીકરા વહુના સંતાન માટે ઊભી થતી જોખમકારી પ્રવૃત્તિને લઈને વૃદ્ધાશ્રમમાં જતાં હોય છે.

આપણે જો નિષ્પક્ષ બની  વિચારીએ તો એ સાર ઉપર પહોંચી શકીએ કે, આ બાબતમાં બંને પક્ષોએ એકદમ સાવધ રહીને આગળ વધવાનું રહે છે. બહુ ઓછા કિસ્સાઓમાં આર્થિક સંકડામણ કે ભૌતિક સંકડામણ કે અન્ય કોઈ બાબતો વૃદ્ધાશ્રમ તરફ જવાનું કારણ બનતા હોય છે, પરંતુ ઘણા બધા કિસ્સાઓની અંદર જેમની પાસે ભૌતિક સંપત્તિઓ છે,  એ સંપત્તિ તુરંત જ હસ્તગત કરવાની લાલચથી પણ વડીલોને વૃદ્ધાશ્રમ તરફ ધકેલવામાં આવે છે.  જે યોગ્ય છે કે નથી તે તો પ્રત્યેક કિસ્સાને જોઈને નક્કી કરી શકાય. એક વાત એવી છે કે, વડીલોએ પોતાના જીવતે જીવત બધી જ મિલકત કે સંપત્તિઓ પોતાના સંતાનોને અર્પણ ન કરી દેવી જોઈએ, કારણ કે એક સામાન્ય મનોવૈજ્ઞાનિક અસરરૂપે વડીલો પાસે સંપત્તિ છે તે આપણને મળવાની છે એવો એક લોભ, લાલચ અથવા તો ઈચ્છા પણ વડીલોને સાચવવાની પ્રેરણા આપે છે, અલબત્ત આ પ્રેરણા યોગ્ય નથી, પણ આવું બનતું હોય છે એવું આપણે નોંધવું તો પડશે.

આ બધા કિસ્સાઓને જોઈએ તો વૃદ્ધાશ્રમની સંખ્યા વધે તે યોગ્ય ન ગણાવું જોઈએ. વૃદ્ધાશ્રમની સંખ્યા વધી રહી છે, કારણ કે આપણી સામાજિક સમજ ખૂબ ઓછી થતી જાય છે, આપણા કુટુંબો તૂટતા જાય છે, ધીમે ધીમે કરતાં આપણા વિભક્ત કુટુંબો કે જેમાં હવે માત્ર પતિ, પત્ની અને એક સંતાન જ હોય એવા કેન્દ્રીય કુટુંબો બની ગયા છે એટલે ‘હું,ફઈ ને રતનીયો’ એમ ત્રણ જણા નો સંસાર..એમાં કોઈ વધે તે ત્રણમાંથી કોઈ સહન ન કરી શકે એવી આપણી પરિપાટી થઈ ગઈ છે.

સદભાવના વૃદ્ધાશ્રમ ઉપર કહેલી બધી જ બાબતોથી સાવ જ જુદી રીતે વૃદ્ધોનો સ્વીકાર કરે છે. અને એટલા માટે જ રાજકોટમાં જ્યારે પ્રિય મોરારીબાપુની ‘શ્રી રામકથા માનસ સદભાવના‘ નું ગાન થવાનું છે ત્યારે એક પ્રશ્ન સૌના મનમાં રહે છે કે, વૃદ્ધાશ્રમો હોવા જોઈએ કે ન હોવા જોઈએ ?? જ્યારે મારા સોશિયલ મીડિયાના ગ્રુપ ઉપર મેં એ બાપુની કથાનો સંદેશો વહેતો મૂક્યો અને જ્યારે સદભાવના વૃદ્ધાશ્રમ વિશે માહિતી આપતો વીડિયો  મૂક્યો ત્યારે દેશ પરદેશથી એવા પ્રશ્નો આવીને ઊભા રહ્યા કે, આ વૃદ્ધાશ્રમ હોય તે કલંક ન કહેવાય ?? કોઈકે એવું સૂચન પણ કહ્યું કે, તમારે બાપુને સમજાવવા જોઈએ કે, વૃદ્ધાશ્રમો માટે કથા ન કરવી જોઈએ…આ લોકોને સ્પષ્ટતાપૂર્વક જ્યારે જેટલો જવાબ યોગ્ય લાગ્યો તેટલો આપ્યો પણ એમાંથી વિચાર આવ્યો કે લાવ, આપણે સ્પષ્ટ કરીએ કે, ખરેખર સદભાવના વૃદ્ધાશ્રમ એ અન્ય સામાન્ય વૃદ્ધાશ્રમો કરતા પાયાથી અલગ ક્યાં પડે છે ?  સદભાવના વૃદ્ધાશ્રમ બોર્ડ લગાવે છે અમદાવાદ, વડોદરા, સુરત રાજકોટમાં જાહેર રસ્તા ઉપર અને બોર્ડમાં એક ટાઈટલ છે :  ‘અમારે માવતર જોઈએ છે‘ અને એ લખ્યા પછી એની નીચે કેવા પ્રકારના વડીલોને અમે સ્વીકારીએ છીએ કે આવકારીએ છીએ એની બહુ જ સ્પષ્ટ વિશેષણોમાં સૂચના લખેલી હોય છે::

જેને સંતાન ન હોય અથવા જેને દીકરો ન હોય,  જે નિરાધાર હોય, જે પેન્શન ન મેળવતા હોય ને એકલા જ હોય અને સંપત્તિ ન હોય ને એકલા હોય અને જેનું કરનાર કોઈ ન હોય અને જે અસહ્ય બીમારી કે રોગમાં સપડાયા છે એવા વૃદ્ધોને સદભાવના વૃદ્ધાશ્રમ આવકારે છે. હાલ એ સંખ્યા છસોથી વધુ મછે. જેમાંથી  લગભગ એકસો એંસી વૃદ્ધો તો પૂરેપુએ પથારીવશ છે.

સદભાવના વૃદ્ધાશ્રમની ઘણી બાબતો વિગતે કહેતા રહેવાનો મનોરથ છે, પણ અત્યારે આટલું સ્પષ્ટ કરીએ કે, અન્ય વૃદ્ધાશ્રમો કરતા સદભાવનાનું કાર્ય ક્યાંય જુદું પડે છે. એવા વૃદ્ધો છે કે એમની જ વાત સાંભળીએ તો આપણને એમ થાય કે, આનું કોણ કરશે અને આમનું સદભાવના નહીં કરે, તો આનું શું થશે? આ બે પ્રશ્નોના જવાબ આપણે વિગતે મેળવીશું. અત્યારના સદભાવના વૃદ્ધાશ્રમ માટે આટલી સ્પષ્ટતા કાફી છે. હાલ તો સદભાવના શબ્દને ચરિતાર્થ થાય તેવું વિશ્વ શ્રેષ્ઠ કાર્ય કરનાર સદભાવના વૃધ્ધાશ્રમના લાભાર્થે યોજનાર પ્રિય બાપુ મુખેથી  શ્રી રામકથામાં લીન  થઈએ અને આપણી શક્ય કરુણા વહેતી કરીએ.