સહાનુભૂતિ અને સમાનુભૂતિ

ઝેન એક એવો પંથ છે કે જે ઈશ્વર સાથે સીધો સંપર્ક રાખે છે. ઝેન ગુરુઓની અનેક કથાઓ છે અને ઝેન પરંપરા અનેક દ્રષ્ટિએ અદ્વિતીય છે.સરળતાથી સમજવું હોય તો એમ કહી શકાય કે કોઈ પામી ગયેલ બુદ્ધપુરુષોની એક વિશિષ્ટ  જીવન યાત્રા એ ઝેન છે. જાપાનના ક્યોટો નગરને  સૂફીઓના ઉદ્ભવસ્થાન તરીકે સ્વીકારવામાં આવે છે. ભારતની ઝેન પ્રતિભા ગણવી હોય તો કોને ગણવી એવો વિચાર અભ્યાસપૂર્ણ રીતે ખોજીએ તો…??

ઘણા બધા વ્યક્તિત્વ યાદ આવ્યા અને એમાંથી કેટલાકને પસંદ કરીને અહીં  રજૂ કરું. કોઈ ક્રમ નથી જાળવ્યો. સહજતાથી સ્મરણ માત્રેણ જેમ આવ્યું તેમ રાખ્યું છે.

પ્રથમ તો  શ્રી રામકૃષ્ણ પરમહંસ. સ્વામી રામકૃષ્ણ પરમહંસની સાથે જોડાયેલા બે શબ્દો ‘સહાનુભૂતિ’ (Sympathy) અને ‘સમાનુભૂતિ’, (Empathy).  એક  બહુ જ મોટી  ઝેન પ્રતિભા કે જેણે પોતે કાલી  માતાજીની મૂર્તિ સામે ઊભા રહીને એમ કહ્યું કે,  “આ બધું મને ફાવતું નથી. તારા પૂજા અર્ચન રોજ કર્યા કરવા એ મને બહુ ફાવતું નથી.”  ‘મારા ગુરુદેવ’ નામના પુસ્તકમાં સ્વામી વિવેકાનંદે લખ્યું છે કે,  “પોતે માથું પછાડીને કાલીની મૂર્તિ પાસે રડ્યા છે કે આવું કેટલી વખત મારી પાસે કરાવીશ તું? આમાંથી કાંઈ નિચોડ બહાર આવશે કે મારે આ જ કરવાનું છે?”  સહાનુભૂતિ તો સરળ છે. મને તમારા પ્રત્યે લાગણી છે એમ કહીએ એટલે સહાનુભૂતિ દર્શાવી ગણાય.. કોઈકને ઘરે ખરાબ  પ્રસંગ બન્યો ને આપણે હાજરી પુરાવીએ તે સહાનુભૂતિ, પણ  સમાનુભૂતિ એટલે શું? આવો શ્રી રામકૃષ્ણ દેવના જીવનની એક ઘટના જાણીએ.  શ્રી રામકૃષ્ણદેવ એક  નદીમાંથી હોડીમાં બેસી પસાર થતા હતા  અને હલેસા મારીને એના શિષ્યો લઈ આવતા હતા  ને અચાનક રામકૃષ્ણદેવ રાડો નાખવા લાગ્યા,,  ‘મને બચાવો… મને બચાવો… મને બચાવો’ અને લોકોને એમ થયું  કે, શું થયું છે? ગુરુદેવને શું થયું? કોઈ કળી ન શકે તેવી રીતે  દેવની  આંખમાંથી પાણી ચાલ્યા જાય, એમના પીઠ ઉપરથી લોહી નીકળતું હોય, બધાને આશ્ચર્ય થાય કે, થયું શું? એટલે બધા ગભરાઈને એક કિનારા ઉપર જ્યારે નાવને લઈ જાય છે ત્યારે જુએ છે  કે નાવ પાસે એક ખલાસી ઉપર એનો મુકાદમ  દોરડા વીંઝતો હતો  અને ખલાસી તરફડતો હતો. એના વાંસામાં જેવી લોહીની ભરોળ ઉઠી છે, એવી જ ભરોળ શ્રી રામકૃષ્ણ પરમહંસના વાંસામાં પણ જોવા મળે છે !! . સ્વામી વિવેકાનંદે લખ્યું છે કે આ છે ‘સમાનુભૂતિ’, ‘What you feel,  i also feel’  જ્યાં હું અને તમે અલગ થઇ જઈએ છીએ અને જે અનુભૂતિ ચાલે છે એ સહાનુભૂતિ. પણ જ્યાં હું અને તમે બંને ભેગા જ છીએ,  દ્વૈત નથી, ત્યાં સમાનુભૂતિ છે !!  જ્યાં પોલ સાર્ત્ર  નામનો અસ્તિત્વવાદી એમ કહે છે, ‘The other is hell’ તમે એમ કહ્યું કે,  ‘બીજો’, એટલે તમારી હિંસા શરૂ થઈ. કારણ કે તમે એને ‘બીજો’ ગણ્યો એટલે તમે એને તમારાથી નોખો ગણ્યો અને નોખો ગણ્યો એનો અર્થ જ એવો કે,  તમે હિંસા શરુ કરી.

મહાવીર સ્વામીને કોઈકે પૂછ્યું  કે,  તમે ચાલો ને અમે ચાલીએ તેમાં ફેર શો ? અમે બહુ કાળજી રાખીએ છીએ કે,  અમારા પગ નીચે કોઈ જીવ ન કચરાય, પણ આપ તો સહજ રીતે ચાલો છો અને છતાં ખરેખર કોઈ કચડાતું નથી. અને અમારાથી કાળજી રાખ્યા છતાં ય આવું કેમ થઈ જાય છે?? મહાવીર સ્વામીએ કહ્યું કે,  તમે યાદ રાખો છો કે કોઈ જીવ પગ નીચે  ન કચડાય. હું યાદ રાખું છું કે,  હું પોતે મારા પગ નીચે ન કચડ઼ાઉ. એ નાનકડા જીવમાં હું મારી જાતને જોઉં છું. આ સમાનુભૂતિ છે. શ્રી રામકૃષ્ણ પરમહંસના શિષ્ય  સ્વામી શ્રી વિવેકાનંદ. વિશ્વનાં બધા જ ધર્મોને એક સૂત્રમાં  બાંધી દેવા હોય તો એ સ્વામી વિવેકાનંદના એક વાક્યમાં બાંધી શકાય :: “ વિધવાના આંસુ  લૂછી ન શકે અને ભૂખ્યા જનોનું પેટ ન ભરી શકે એવા ધર્મને હું ધર્મ કહેવા માટે તૈયાર નથી.”  સ્વામી વિવેકાનંદે યુવાનોને કહ્યું, “તમારે અત્યારે ગીતા  વાંચવાની જરૂર નથી, ઉભા થાઓ અને ફૂટબોલ રમવા જાઓ. ફૂટબોલ નું ગ્રાઉન્ડ ખાલી પડ્યું છે. Go and play there, that is your right religion at this time.”

આમ જુઓ તો, ભારતીય ઝેન પરંપરાની વાત કરવી હોય તો તે છેક નરસિંહ મહેતાથી શરુ થાય. ભારત આવેલ કોઈપણ વિદેશી એક વખત પોન્ડિચેરીની મુલાકાત લે અને એક નામ ગુંજતું સાંભળે અને તે The Mother.  કોણ છે આ મધર? એક  ફ્રેંચ લેડી જેમણે મહર્ષિ અરવિંદને મળ્યા પછી કાયમ માટે ફ્રાન્સ છોડી દીધું !! અને અહીં આવ્યા પછી પોન્ડિચેરીની બહાર તેણે ચાલીસ-ચાલીસ વર્ષ સુધી પગ ન મુક્યો. શ્રી  મધર પહેલી વખત શ્રી અરવિંદને મળવા આવ્યાં ત્યારે શ્રી અરવિંદનું નિવાસસ્થાન શોધવામાં  તકલીફ પડી. થાકી હારીને શ્રી  મધરે એક માળીને પૂછ્યું કે,  ‘મહર્ષિ ક્યાં રહે છે?’  તે માળી કશું સમજ્યો નહિ પણ એણે આંગળી ચીંધી અને તેઓ ગુરુ પાસે  પહોંચ્યા . શ્રી મધરનું બુદ્ધત્વ જોઈએ તો, તે દિવસની ઘડીથી એ માળી જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી દરેક મહિને છાના હાથો દ્વારા ધ મધરે એ માળીને એનું પોષણ મળતું રહે એવી વ્યવસ્થા ગોઠવી અને જ્યારે જ્યારે દર્શન ડે હોય ત્યારે બધી જ લાઈનને તોડીને એ માળી જેવો અલગારી માણસ બહાર આવે અને એને બધી જ લાઇનમાંથી આગળ લઈ જવામાં આવે અને તેને દર્શનનો પ્રથમ લાભ મળે !! કોઈકે પૂછ્યું કે,  “આ કોણ છે આવો નકામો? (ઘણી વખત આપણે આઉટર સેલ્ફ ઉપરથી માણસનું ઈવેલ્યુએશન કરી લેતા હોઈએ છીએ અને  એમાં બહુ ભૂલ ખાઈ જઈએ છીએ.) કોણ છે આ? અમે અડધી રાતથી લાઈનમાં ઉભા છીએ, અને આ માણસને આવો આવકાર મળે છે !?!”  કોઈકે કહ્યું કે, એ પહેલો માણસ છે જેણે ધ મધરને મહર્ષિનું નિવાસસ્થાન બતાવ્યું. શ્રી માતાજીને કોઈએ પૂછ્યું કે, આવું  કેમ ? શ્રી માતાજીએ કહ્યું કે,  હું તો એટલું  યાદ રાખું છું કે,  “મારા ગુરુના ઘર તરફ આંગળી એણે મને ચીંધી છે.” શ્રી માતાજીને  કોઈકે પૂછ્યું  કે, “ધ્યાન ની વ્યાખ્યા શું?” શ્રી  મધરે સરસ જવાબ આપ્યો, “એક ગરીબ માણસના  ઘરનો રૂમ સાફ કરવાનું મને કહેવામાં આવે તો હું એટલી કાળજીથી રૂમ સાફ કરવાનું પસંદ કરું કે,  હું કોઈ મોટી હોસ્પિટલનું એક ઓપરેશન થિયેટર સાફ કરી રહી હોઉં…  આ મારું  ધ્યાન છે.”

 

કવિતા અને કેન્સર વચ્ચેની મધુર ક્ષણોને જીવંત કરતું નાટક: ‘કોશેટો’

‘આપણા’ કવિવર શ્રી રમેશ પારેખની અદભૂત કવિતાઓ જે નાટકના શ્વાસમાં વણાયેલી છે…..

કોરોના કરતા પણ કોઈ રોગ વધુ દર્દનાક અને જીવલેણ હોય તો તે છે કેન્સર !! વર્ષ 2022માં ભારતમાં કેન્સરના  દર્દીઓની સંખ્યા ચૌદ લાખ, એકસઠ  હઝાર ચારસોને સત્યાવીશ હતી , જેમાં સાત લાખ ઓગણપચાસ હઝાર બસો  એકાવન કેવળ સ્ત્રીઓ હતી !! અરે, 2025માં આ સંખ્યા વધીને પંદર લાખ સિતેર હઝાર થવાની સંભાવના છે. !!

આપણે કેન્સરના દર્દીને મીઠાં વચનો કહીએ, ‘કેન્સર એ કેન્સલ નથી’, તેવી હકારાત્મક વાતો કરીએ પણ વાસ્તવમાં કેન્સરના દર્દીઓ દસ ઘરમાંથી ચાર થી પાંચ ઘરમાં છે, તે હકીકત સ્વીકારવી પડે તેમ છે. તબીબી વિજ્ઞાન અનેક મથામણો કરી રહેલ છે, પરંતુ દિવસનો સુરજ આથમે ત્યારે પ્રત્યેક દર્દીને પોતાનો સુરજ આથમતો દેખાય છે,  એ મનોવ્યથાને કેમ અવગણી શકાય ?? ‘મને કેન્સર છે’, એવું જાણવાથી જ મને આજે નહિ તો કાલે દુઃખદ ટ્રીટમેન્ટનો રાજમાર્ગ દેખાવા લાગે છે અને સતત એક ભયની તલવાર લટકતી હોય છે કે, પ્રયાસ કરીએ પણ અંત તો આ કેન્સર લાવશે.!!

બહુ બધી શોધો થઇ રહી છે, કીમો થેરાપી હવે થોડીક સહ્ય બની છે, પણ સર્જરી-કીમો થેરાપી-એડવાન્સ્ડ થેરાપી-રેડિએશન- એમ એક પછી એક સારવારનો હુમલો તમારા પર તબીબી જગત કરે છે અને તમે તેના મૂક પ્રેક્ષક બની રહો છો..!! મધ્યમ વર્ગના માણસની જિંદગીભરની કમાણી  ધોવાય જાય એટલી મોંઘીદાટ સારવાર ભલભલાના હાંજા ગગડાવી નાખે છે. અરે, સમજદાર વ્યક્તિ તો આ દવાખાનાના વાતાવરણને જોઈને જ હારી  જાય છે.  અને એમાંય કોઈ ભણેલ ગણેલ સંગીત કે સાહિત્ય કે સંસ્કૃતિનો ચાહક કેન્સરના ખાટલે પડે પછી તો તેની દશા અસહ્ય બની જાય છે, અન્ય માટે જ નહિ પણ ખુદને માટે પણ…બસ, આ દશાને તાદ્રશ્ય કરતું  નાટક તે ‘કોશેટો’.

રાજકોટમાં ચાલીશ ટકા ખાલી બેઠકો વચ્ચે ભજવાયું નાટક ‘કોશેટો’. પ્રિતેશ સોઢા દિગ્દર્શિત અને લેખક મંથન જોશીનું અદ્ભુત ગુજરાતી નાટક `કોશેટો` હેમુ ગઢવી થિયેટરમાં ભજવાયું. આવા સંવેદના થી સભર વિષય પર કોઈ નાટક બનાવવાનું  વિચારે તે જ હું વિચારી નથી શકતો. કવિતા અને કેન્સર વચ્ચેની મધુર ક્ષણોને જીવંત કરતું આ નાટક જીવનની છેલ્લી ઘડીને મહેંકાવવાની મથામણ કરે છે. ખાસ તો રમેશ પારેખની અદભૂત કવિતાઓ જે નાટકના શ્વાસમાં વણાયેલી છે તેવા આ નાટકને અભિનેતા દર્શન જરીવાલા અને સેજલ પોન્દા તેમ જ અન્ય કલાકારોનાં આગવા અભિનય સાથે ઉપસ્થિત પ્રેક્ષકોએ માણ્યું અને મનભરીને ઝીલ્યું.

કોઇ એક વ્યક્તિને કેન્સર ડીટેકટ થાય ત્યારથી લઈને એ વ્યક્તિ પોતાને કેન્સર છે એ સિવાયનું બધુ જ ભૂલી જાય પણ એને યાદ રહે, ફક્ત રમેશ પારેખની કવિતાઓ.! નાટકની શરૂઆતથી અંત સુધી જેમણે  રમેશ પારેખ તરીકે મંચ પર જોવા અને સાંભળવા ગમે એવું કાસ્ટીંગ એટલે અત્યંત અનુભવી છતાં ખૂબ સરળ અભિનેતા એવા દર્શન જરીવાલા. પ્રોફેસર પરિમીતી શાસ્ત્રીનું મુખ્ય પાત્ર ભજવતા અભિનેત્રી સેજલ પોંદા પોતાના અભિનયથી પોતાની અને પ્રેક્ષકની આંખોમાં આંસુ અને હ્રદયમાં ભીનાશ મૂકી જાય છે.

રમેશ પારેખ કેવી હસ્તી હશે કે જેની કવિતાઓ કોઈ દર્દીને સધિયારો આપવામાં ઉપયોગ થઇ શકે તે આ નાટકમાં ફળીભૂત થયું. પ્રિય મોરારીબાપુ તો ર.પા.ને ‘કશુંક ભાળી ગયેલો કવિ’ કહેતા. બાપુનું આ કથન શબ્દે શબ્દે અને દ્રષ્યે દ્રષ્યે અનુભવાયું ‘કોશેટો’ નાટકમાં !! ઓપરેશન થિયેટર ના લીલા પડદા પર ર. પા. ના શબ્દો વંચાય અને પડદો ખુલે….

બંધ હોઠમાં સોળ  વરસની કન્યા આળસ મરડે રે, વરસાદ ભીંજવે,

લીલ્લો ધમ્મર નાગ જીવ ને અનરાધાર કરડે  રે, વરસાદ ભીંજવે !!

ગુજરાતી હો અને ગુજરાતી સાહિત્ય સાથે ટીપાં જેટલો નાતો હોય તો આપણને રમેશની કવિતા અચૂક ભીંજવે.  રમેશ પારેખની કવિતાના  શબ્દો દર્શન જરીવાલા કે જેને   છેલ્લે તો કેન્સરની  દર્દી પ્રા. ડો. પરિમિતા શાસ્ત્રીમાં પોતાની કાવ્યરાણી  ‘સોનલ’ દેખાય, ત્યારે હલી જવાય  !! કવિતાના શબ્દો  અને જીવાતું પાત્ર એકમેકમાં ભળી જાય ત્યારે સર્જાય એક એવું આકાશ કે, જેમાં કેન્સરના વિષાણુઓનું નૃત્ય દેખાય !!

કવિતાપ્રેમી  અધ્યાપક પરિમિતા શાસ્ત્રી કેન્સરની પેશન્ટ બને ત્યારે રમેશ પારેખની કવિતાઓ  તેને સતત લડી લેવાના મૂડમાં રાખે છે,,પણ જીવનને  અંતિમ વાસ્તવિકતાથી સહેજ પણ દૂર ખસેડી શકાતું  નથી. અને એ જ સત્ય  છે. “મન પાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે, કોઈ આવ્યા છે સપનું લઈને કોઈ રાત લઈને આવ્યા છે..” આ સર્જનની ફિલસુફી તો કવિ અને કવિની સોનલ  જ  સમજી શકે. અનેક ટ્રિટ્મેન્ટ  અને અનેક ટ્રીટમેન્ટના નામે અખતરાઓથી કંટાળી જનાર દર્દીને જાણે  કંટાળી જવા તબીબી જગત પ્રેરતું હોય તે વાસ્તવિકતાને રંગમંચ પર બહુ જ સૂક્ષ્મતાથી પ્રસ્તુત કરવામાં આવેલ છે. ડોક્ટરને મન તો પરિમિતા એના રિસર્ચનું એક પાત્ર છે અને કવિને મન જીવનનું એક જીવંત સર્જન. બંને વચ્ચેની વણકથી લડાઈ દર્દીને હંફાવી મૂકે છે ત્યારે રમેશ પારેખ પોતાની કવિતા એક અદભુત કંઠથી  બોલે છે…

“આ થાશે, તે થાશે, શું થાશે ?

થવાનું હશે એ તો થાશે ને પછી એનો ભૂખરો લિસોટો રહી જાશે.

આપણા ખભા પરથી શ્વાસોનો બોજ કોઈ લઈ લેશે પોતાની કાંધે

એ જ ક્ષણે કોઈ ચીજ, કોઈ વાત, કોઈનો સંબંધ નહીં આપણને બાંધે

જેટલું હયાતી વિશે સોચશોને તમે, મોત એટલું જ તમને સમજાશે…

…થવાનું હશે એ તો થાશે ને પછી એનો ભૂખરો લિસોટો રહી જાશે…”

કવિશ્રી રમેશ પારેખની લગભગ દસ કવિતાઓનો સહારો લઇ જન્મ-જીવન-વેદના અને વિદાયની કેડી સર્જતું નાટક ‘કોશેટો’ દર્શકોને આંગળી  પકડીને વાસ્તવિકતાની કેડી પર દોરી જાય છે. તખ્તાનાં માહિર બે પાત્રો દર્શન જરીવાલા અને સેંજલ  પોનદા કોશેટોને તોડી બતાવવામાં સફળ રહે છે અને નાટકને મૌનના સાનિધ્યમાં મૂકી આપે છે. કોશેટો બહુ પોતીકું લાગ્યું કારણ કે, સભાખંડની આગલી હરોળમાં જ કવિ રમેશ પારેખના ધર્મપત્ની રસીલા પારેખ અને દીકરો નીરજ પારેખ ઉપસ્થિત હતાં. બોલો, આ ભાવાવરણમાં રમેશના ભણકારા જ વાગે ને !?!

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ઍમિટી એટલે દિવ્ય + પવિત્ર મૈત્રી નવીન્યપૂર્ણ પ્રવૃત્તિઓની પાઠશાળા

કોઈ એવી સ્કૂલ હશે કે જેનું નામ નક્કી કરવા માટે પાંચસોથી વધુ સૂચનો મેળવવામાં આવ્યાં હોય? કોઈ એવી શાળા હોય કે જેની સ્થાપના ચાર શિક્ષક જીવોએ સાથે મળી આજથી ૨૭ વર્ષ પહેલાં કરી હોય? કોઈ એવી શાળા જોઈ છે કે જેનું સંચાલન By the teachers, of the teachers and for the teacher હોય? કોઈ એવું શિક્ષણ સંકુલ ખ્યાલમાં છે કે જ્યાં ૨૬ જાન્યુઆરીની ઉજવણી લાલકિલ્લા પર થતી ધ્વજવંદન પરેડ જેટલી જ આન-બાન-શાનથી થતી હોય? એવી કઈં શિક્ષણ સંસ્થા છે કે જેના દ્વારા સ્થાપનાકાળથી આજ સુધી અભ્યાસ કરી જનાર વિદ્યાર્થીઓ સાથે પોતીકો આત્મીય નાતો બંધાયેલ હોય? કોઈ એવી શિક્ષણ સંસ્થા છે ગુજરાતમાં કે જેના આચાર્ય છાપામાં સરસ લેખ વાંચે કે પોતાના પર સુંદર એસ.એમ.એસ. આવ્યો હોય તો સ્ટાફરૂમમાં દોડી જઈ, વર્ગમાં જતા શિક્ષકોને રોકીને તેની સાથે share કરતા હોય? કઈ એવી શાળા હશે જે પોતાના બધા જ વાલીને સાથે લઈ ખાસ શૉ બુક કરાવી ‘તારે જમીન પર’ ફિલ્મ દર્શાવવાનું વિચારી શકે? કઈ સ્કૂલનું ભાવાવરણ એવું તંદુરસ્ત હશે કે જ્યાં સંચાલક આચાર્યના ખભે હાથ મૂકીને ખડખડાટ હાસ્ય વહેતું મૂકી શકે? કોઈ એવી સ્કૂલ હશે કે જ્યાં સંચાલક, આચાર્ય અને શિક્ષકો પોતાની પ્રામાણિકતાને પ્રયત્ન વગર પુરવાર કરી શકતા હોય? એવી સ્કૂલ ક્યાં જડે કે જ્યાં સંચાલક + સ્થાપક + આચાર્ય તરીકે રહેનાર વ્યક્તિ વિધિવત્ નિવૃત્ત થાય પછી પણ એ સ્કૂલ એવી જ ધબકતી ચાલતી હોય? આવી વિરલ, આવકારદાયક ઘટના જેવું transformation આપણાં પ્રવર્તમાન સંજોગોમાં શક્ય છે ખરું? અને છેલ્લી વાત… આ અને આવા પ્રશ્નોની યાદી ખાસ્સી લાંબી થાય અને છતાં કશુંક રહી ગયું હોય એવો અહેસાસ થાય તેવી કોઈ શાળા હોય તેવું માન્યામાં આવે છે? આ પ્રશ્નોના જવાબો મેળવવા અને નાવીન્યપૂર્ણ પ્રવૃત્તિઓની પાઠશાળાને ‘ફીલ’ કરવા માટે અને તમારે ભરૂચના દહેજ લિંક રોડ પર આવેલ ‘એમિટી સ્કૂલ’ની એક વાર નિરાંતે મુલાકાત લેવી જ પડે.

આ ‘વિશેષ’ કટારમાં આપણે વ્યક્તિવિશેષને મળીએ છીએ ત્યારે હજુ સુધી તો આપણે શાળાના જ ગુણગાન ગાયાં છે! પરંતુ મજા પડે એવી મજબૂરી એ છે કે : રણછોડ શાહની વાત માંડીએ તો ઍમિટી સ્કૂલ વિશે વાત થયા વગર ના રહે અને ઍમિટી સ્કૂલની વિગતો જાણીએ તો રણછોડભાઈ શાહની વાતો આવ્યા વિના ના રહે! એક જ સિક્કાની અભિન્ન બે બાજુઓ એટલે ઍમિટી સ્કૂલ અને રણછોડ શાહ, કારણો સ્પષ્ટ. રણછોડ શાહ અડીંગો જમાવી બેસનાર આચાર્ય ન હતા, એ શાળાનો ચૌટો ના છોડનાર સંચાલક નથી, એ ઘરેડબદ્ધ-ઘુવડગંભીર-ચીલાચાલુ શિક્ષણ નિયામક નથી, એ માત્ર જીવતા નથી, જીવંત પણ છે! હરપળ શિક્ષણ શ્વસે છે તેથી રણછોડ શાહ આજે સિત્તેર વર્ષે વિચારોમાં તાજા અને જીવનમાં ગતિવાન છે. એમણે શરત કરી છે કે મારા વિશે નહીં, ‘ઍમિટી સ્કૂલ’ નામના અમારા શિક્ષણપ્રયોગ વિશે લખો. પણ આ ઍમિટીઅન થૉટ’નાં બીજ ક્યાંથી રોપાયાં એ જાણવા ધરતીને ઓળખવી પડશે ને?

બાવીસ વર્ષની ઉંમરે શિક્ષકત્વના માર્ગે વળનાર રણછોડ શાહ B.Sc., M.Ed. છે, સળંગ સાડત્રીસ વર્ષનો માતબર શિક્ષણ અનુભવ ધરાવે છે. સાત વર્ષ વડોદરાની શાળામાં શિક્ષક રહ્યા. સાડા ચાર વર્ષ ડભોઈ, સુરત અને આણંદની ઍજ્યુકેશન કૉલેજમાં અધ્યાપક રહ્યા. ચાર વર્ષ સુધી ભારત સરકારના ઍજ્યુકેશન ઑફિસર તરીકે દારેસલામ ખાતે ગવર્નમેન્ટ ઑફ ટાન્ઝાનિયા મિનિસ્ટ્રી ઑફ ઍજ્યુકેશન સાથે ડેપ્યુટેશન પર કાર્યરત રહ્યા. ત્યાંથી પાછા આવી ભરૂચની રૂંગટા વિદ્યા ભવનના પ્રિન્સિપાલ તરીકે છ વર્ષ અને અંકલેશ્વરની સ્વામી વિવેકાનંદ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલના પ્રિન્સિપાલ તરીકે બે વર્ષ કાર્ય કર્યું. આ બધું સરસ જ હતું, પણ રણછોડભાઈનો શિક્ષક જીવ મૂંઝાતો હતો. એમને તો શિક્ષકત્વ જીવવું હતું. ૧૯૮૬માં ઍમિટીનું બીજ રોપાયું. રણછોડભાઈ અને તેમનાં શિક્ષક પત્ની સંગીતાબેન, સહકર્મીઓ અને મિત્રો પ્રમેશબેન અને શૈલાબેને શિક્ષણનો સ્વસ્તિક રચ્યો. ઍમિટીમાં પહેલો પ્રવેશ લેનાર ‘ભૂલકાં-૧’નો વિદ્યાર્થી શૈલેષ પટેલ શાળાનો ઉદ્ઘાટક બન્યો! બસ, ત્યારથી આજ સુધી કેળવણીની હરણફાળ ભરવામાં ઍમિટીએ પાછું વાળીને જોયું નથી.

રણછોડ શાહ નાવીન્યના ઉપાસક અને વિચારશૈલી સભર પ્રવૃત્તિના સાધક, એ જાણે કે પ્રવૃત્તિની પાઠશાળા. એમને સૂઝે પણ એવું કે આપણને રણછોડભાઈ ઇનોવેશનના ઇકબાલ દીસે!

* એમિટીના મકાનનું ખાતમુહૂર્ત રક્તપિત્તના દર્દીઓના મસીહા, ગણિતના પ્રાધ્યાપક સુરેશ સોનીના વરહસ્તે થયું. ત્યાર પછી આ કૅમ્પસમાં તૈયાર થયેલ તમામ મકાનોનાં ખાતમુહૂર્ત અને ઉદ્ઘાટન શાળામાં કામ કરતાં શિક્ષકોના હસ્તે જ! * બાળકનાં ભણતરના પહેલાં વર્ષથી જ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં એક-એક પૂરકવાચનનું પુસ્તક દાખલ થયું છે. આ પુસ્તકોની પ્રતિ વર્ષ પસંદગી શ્રી રણછોડ શાહ પોતે કરે છે અને પોતાના દીકરા માટે કન્યા શોધતા હોય એટલી આત્મીયતાથી કરે છે. * ઍમિટીમાં પ્રત્યેક વર્ગને ચાર સામયિક વાચનભેટ રૂપે આપવામાં આવે છે. ઍમિટીમાં પ્રત્યેક શિક્ષકને પ્રતિ વર્ષ ચાર પુસ્તકોની ભેટ મળે છે, પરિણામે ઍમિટીના પ્રત્યેક શિક્ષક પાસે એક નાની નીજી લાઇબ્રેરી બની રહી છે. * કોઈપણ બાળકને સિદ્ધિ-પ્રાપ્તિએ ભેટ એટલે ખાસ ઉંમરને ધ્યાનમાં લઈ પસંદ કરેલું પુસ્તક. * વર્ષ દરમિયાન શાળામાં સો ટકા હાજર રહેનાર વિદ્યાર્થીઓનું ૧૯૮૬ થી સન્માન થાય છે. એક સમારંભ થાય તેનું નામ : નિયમિતતા અભિવાદન સમારંભ’. તેમાં શતશઃ હાજર રહેનાર વિદ્યાર્થીઓ અને સૌથી ઓછી રજા લેનાર કર્મચારીઓનું અભિનંદન થાય. * પ્રતિ વર્ષ ઉત્તમોત્તમ વિદ્યાર્થી શોધી ૨૬મી જાન્યુઆરીના શાનદાર સમારંભમાં Best Amitian Award આપી ગૉલ્ડ મૅડલથી સન્માન થાય. • ઍમિટીમાં સતત પંદર વર્ષ કાર્યરત કર્મચારીને નવાજવામાં આવે અને સન્માન પેટે પંદર હજાર અર્પણ કરવામાં આવે છે. * પ્રતિવર્ષ થીમ બેઇઝ્ડ વાર્ષિક દિન ઉજવાય. જેમાં માનવ સ્વાસ્થ્ય પ્રદર્શન (જીવંત અંગો સહિત), ભૃગુકચ્છથી ભરૂચ, કાવ્યમેળો, ગણિતદર્શન, ભારતની ભાષાઓનો નાટ્યમેળો, પ્રકૃતિ પ્રવૃત્તિનો સમાવેશ થાય. * શાળા-વિદ્યાર્થી-માબાપ અને સમાજને શાળાકાર્યથી પરિચિત કરતું સામયિક મૈત્રીસેતુ’ ઍમિટીનું અદકેરું પ્રદાન છે. સ્થાપનાકાળથી આજ સુધી વિશિષ્ટ મહાનુભાવોની હાજરીમાં લોકાર્પિત થાય. * તમામ કાર્યક્રમોની ઉદ્ઘોષણા અને વ્યવસ્થાપન વિદ્યાર્થીઓ જ કરે અને અનૌપચારિક તાલીમ પામે. * વર્ષમાં ચાર ફૅકલ્ટી ડૅવલપમૅન્ટ ટ્રેનિંગ તો હોય જ.

ગુજરાતના લગભગ બધા જ શિક્ષણવિદો અને સાહિત્યકારો ઍમિટીમાં પદાર્પણ કરી ગયા છે. ભારતના ટોચના તજ્ઞો પણ અહીં આવી ગયા છે. વિદ્યાર્થીઓ વર્ષારંભે વિશેષ મુલાકાતથી કાર્ય શરૂ કરે. દર્દીઓની વચ્ચે કે જેલના કેદીઓ વચ્ચે કે વિકલાંગો વચ્ચે એક દિવસ ગાળે અને કરુણાની અનુભૂતિ કરે. ઍમિટીનો પરિસર-વિસ્તાર પૂરમાં ડૂબે તો તેને બચાવવા વિદ્યાર્થીઓ કેડ સમાયા પાણીમાં ઍમિટી પહોંચી સહાયમાં લાગે. ગુજરાત બોર્ડનાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો તથા CBSEનું અંગ્રેજી માધ્યમ અહીં છે એટલે માહોલ કૉન્વેન્ટ સ્કૂલનો, પણ કલેજું ભારતીય સંસ્કૃતિનું… ૨૦૦૧માં આચાર્ય તરીકે નિવૃત્ત થયા પછી હવે માત્ર સંચાલક’ બનેલા રણછોડ શાહ પૂરો સમય ઍમિટીમાં યાદ રાખીને’ ગાળતા નથી. પોતે જે જે માનવીય કેળવણીના પ્રયોગો કર્યા છે તેને હવે તેઓ પુસ્તક રૂપે સમાજમાં મુકે છે.

શિક્ષણ અંગે દસ પુસ્તકો આપનાર રણછોડ શાહની ત્રણ ખૂબીઓ છે : (૧) તેઓ ટીમ બિલ્ડિંગના માણસ છે. (૨) તેઓ સેકન્ડ લાઇન ઑફ લિડરશિપ સફળતાથી ઘડી શક્યા છે. (૩) તેઓ દિવ્ય મૈત્રીના ઍમિટી” શબ્દને સાર્થક કરી શક્યા છે. પ્રયોગશીલ નથી તે શિક્ષક નથી. પ્રવૃત્તિશીલ નથી તે આચાર્ય નથી. પરિવર્તનશીલ નથી તે સંચાલક નથી. જ્યારે જે હોવું જોઈએ, ત્યારે તે જેમનામાં હતું કે છે, તે રણછોડભાઈ શાહ, મિલો તો જાનો.

જે હારે છે, તે શીખે છે અને જે શીખે છે તે ફરી જીતે છે.

બિલિયર્ડ જુનિયર્સના ચેમ્પિયન અને નેવુંના દશકના વર્લ્ડ ચેમ્પિયન શ્રી ગીત સેઠી . આપણને  સ્પોર્ટ્સ ક્ષેત્રના એક વર્લ્ડ ચેમ્પિયન બની રહેનાર શ્રી ગીત સેઠીના જીવનની કેટલીક કસ્મકસ વાળી ઘટનાઓ જાણવાનું રોમાંચક બની રહેશે.

શ્રી ગીત ઉછર્યા રેલવે કવાટર્સના પરિસરમાં જ્યાં સ્પોર્ટ્સની સુંદર સગવડો હોય. તેઓએ ઇન્ડોર ગેમ્સ ના બંધ ઓરડાઓમાં દૂરથી ઘણું દૂરનું જોયા કર્યું અને વિચાર્યા કર્યું, તેમાં તેઓને બિલયાર્ડનો ખંડ અને તેની નાની કાચની બારી ખુબ આકર્ષી ગઈ.   એ સમયે અઢાર વર્ષથી નીચેની ઉંમરના વ્યક્તિને એ ખંડમાં પ્રવેશ પર પ્રતિબંધ હતો. ગીતજી દૂરથી એ રમતને કાચની આરપાર નિહાળતા હતા અને પોતાની આરપાર ઉતારતા હતા. તેઓને ઈચ્છા તો બહુ થતી કે બિલીયર્ડની દાંડી પકડીને રંગરંગના દડાઓને હળવો  ધક્કો લગાવું,, પણ એ શક્ય ન હતું.

ભાગ્યએ અચાનક કરવટ  બદલી અને સરકારે પરિપત્ર બહાર પાડીને રાજ્યોને અને બધી ક્લબ્સને કહ્યું કે,  તરુણોને પણ બિલિયર્ડ શીખવો કે જેથી કરીને તેઓ યુવાન થાય ત્યારે વિશ્વ સાથે રમી શકે અને આપણો  દેશ તેમાં નામ રોશન કરી શકે. ગીત સેઠી  નામધારી છોકરાને તો દોડવું હતું અને ઢાળ મળ્યો… હવે તે વિધિવત બિલિયર્ડ ખંડમાં પ્રવેશ્યો અને રમવા લાગ્યો. દૂરથી નિહાળેલી રમત તેનું કૌશલ્ય બની ગયું અને  તે  ઉમરે  તો એ જુનિયર્સનો બે વખત નેશનલ ચેમ્પિયન બની ગયો.!! પિતાશ્રીએ ભણવા માટે આગ્રહ તો કરેલો જ અને એસએસસી વખતે તો ત્રણ મહિના બિલીયર્ડને વીંટો વાળી એક બાજુ મુકાવીને પરીક્ષાની તૈયારીએ વાળી દીધેલ. ધોરણ અગિયાર અને બારમા પિતાશ્રીએ સાયન્સ લેવાનો જ આગ્રહ કર્યો તો ગીતે તેમ કર્યું અને સાથે સાથે રમત પણ આગળ વધારી. પણ આ બે વર્ષમાં ગીતની એકાગ્રતા રમતમાં વધારે જ છે તેવું પામી જનાર પિતાશ્રીએ એકદમ સહજતાથી કહ્યું કે, ‘હવે આર્ટ્સ રાખીને ડિગ્રી મેળવી લેવી પણ રમતમાં આગળ વધવું.’ પિતાશ્રીના આ હૃદય પરિવર્તનને ગીત સેઠી બહુ જ આદરપૂર્વક પ્રણમે  છે. 1973-74 થી શરુ થયેલ આ રમતે  મક્કમ ગતિથી ગીતને સફળતા અપાવી  પણ  1989-90 માં તેમને સેડબેક લાગ્યો અને ગીત રમતમાંથી બહાર ફેંકાય જાય એટલી હદે પાછળ પડી ગયા..!!

અહીં નોંધવા જેવી ઘટના બને છે અને શ્રી ગીત સેઠી પોતાના કોચ કે ગુરુને શોધીને પોતાની પાયાની ભૂલ તરફ આંગળી ચીંધવાનું કામ કરે છે. શ્રી ગીત સેઠી કહે છે કે, મને પહેલીવાર ખબર પડી કે, મારી રમવાની ટેક્નિક સાવ ખોટી જ  હતી, પણ મારા આત્મવિશ્વાસથી રમતો ને જીતતો હતો અને તેનો અહમ મને ટેક્નિકને સાચા માર્ગે

વાળવા દેતો ન હતો. કોચે ધ્યાન દોર્યું ને સાચી ટેક્નિક શીખવી પછી શ્રી ગીત સેઠીએ પોતાની જાતને ત્રણ વર્ષો માટે સ્પોર્ટ્સ ક્લબના ખંડમાં બંધ કરી દીધી  અને સતત મહેનત કરી સાચી ટેક્નિક પ્રાપ્ત કર્યા  પછી જ બહાર નીકળી કોઈ ટુર્નામેન્ટ રમે છે. અને આ ઉગ્ર સાધનાનું ફળ પણ ઉત્તમ મળે છે. ત્રણ વર્ષ પછી ફરી તેઓ ટુર્નામેન્ટ

રમે છે અને છેલ્લા ત્રણ વર્ષથી વર્લ્ડ  ચેમ્પિયન બની રહેલ માઈકલ ફરેરાને નેશનલ ચેમ્પિયનશીપમાં હરાવે છે અને રેકોર્ડ બ્રેક સ્કોર કરે છે, જે આજે છેલ્લા પચાસ વર્ષનો ઉચ્ચતમ સ્કોર રહેલ છે.

પરંતુ જયારે અચાનક રમતમાં શિકસ્ત ઉપર શિકસ્ત મળવા લાગે છે ત્યારે ગીત સેઠી હચમચી ઉઠે છે .. જો કે, આ વખતે પણ નાસીપાસ થવાને બદલે કે ડિપ્રેશનમાં  આવી જવાને બદલે  ગીત તેનો  પડકાર રૂપ સામનો કરે છે, અને ગીત ફરી સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરે છે. શ્રી ગીત સેઠીના જીવનની આ ઘટનાઓ આપણને શીખવે છે કે, જે હારે તે શીખે છે તો ફરી જીતે છે.

“મારા ગુરુના ઘર તરફ આંગળી એણે મને ચીંધી છે !!”

સમાનુભૂતિ તો શ્રી રામકૃષ્ણદેવ અને  મહાવીર સ્વામીની, ધ્યાનની એકાગ્રતા તો ધ મધરની

ભારત વર્ષ માટે સંવત 2081 નો આરંભ થઇ રહ્યો છે ત્યારે પરમ પિતા પરમેશ્વરને પ્રાર્થના કરીએ કે, સમગ્ર વિશ્વ શાંતિ માર્ગે વળે અને સર્વે જીવોનું કલ્યાણ થાય.

નવલ વર્ષનો પ્રથમ લેખ આપણને  ભારત વર્ષના બુદ્ધ પુરુષો તરફ ખેંચી જાય છે. પ્રથમ પ્રભાત તો બુદ્ધ પુરુષના સાનિધ્યમાં જ વિતાવીએ ને !!

પ્રથમ તો  શ્રી રામકૃષ્ણ પરમહંસ. સ્વામી રામકૃષ્ણ પરમહંસની સાથે જોડાયેલા બે શબ્દો ‘સહાનુભૂતિ’ (Sympathy) અને ‘સમાનુભૂતિ’ (Empathy).  એક બહુ જ મોટી  ઝેન પ્રતિભા કે જેણે પોતે કાલી  માતાજીની મૂર્તિ સામે ઊભા રહીને એમ કહ્યું કે,  “આ બધું મને ફાવતું નથી. તારા પૂજા અર્ચન રોજ કર્યા કરવા એ મને બહુ ફાવતું નથી.”  ‘મારા ગુરુદેવ’ નામના પુસ્તકમાં સ્વામી વિવેકાનંદે લખ્યું છે કે,  “પોતે માથું પછાડીને કાલીની મૂર્તિ પાસે રડ્યા છે કે,  આવું કેટલી વખત મારી પાસે કરાવીશ તું? આમાંથી કાંઈ નિચોડ બહાર આવશે કે મારે આ જ કરવાનું છે?”

સહાનુભૂતિ તો સરળ છે. મને તમારા પ્રત્યે લાગણી છે એમ કહીએ એટલે સહાનુભૂતિ દર્શાવી ગણાય.. કોઈકને ઘરે ખરાબ  પ્રસંગ બન્યો ને આપણે હાજરી પુરાવીએ તે સહાનુભૂતિ, પણ  સમાનુભૂતિ એટલે શું? આવો, શ્રી રામકૃષ્ણ દેવના જીવનની એક ઘટના જાણીએ.  શ્રી રામકૃષ્ણદેવ એક  નદીમાંથી હોડીમાં બેસી પસાર થતા હતા  અને હલેસા મારીને એના શિષ્યો લઈ આવતા હતા  ને અચાનક રામકૃષ્ણદેવ રાડો નાખવા લાગ્યા,,  ‘મને બચાવો… મને બચાવો… મને બચાવો’ અને લોકોને એમ થયું  કે, શું થયું છે? ગુરુદેવને શું થયું? કોઈ કળી ન શકે તેવી રીતે  દેવની  આંખમાંથી પાણી ચાલ્યા જાય, એમના પીઠ ઉપરથી લોહી નીકળતું હોય, બધાને આશ્ચર્ય થાય કે, થયું શું? એટલે બધા ગભરાઈને એક કિનારા ઉપર જ્યારે નાવને લઈ જાય છે ત્યારે જુએ છે  કે, નાવ પાસે એક ખલાસી ઉપર એનો મુકાદમ  દોરડા વીંઝતો હતો  અને ખલાસી તરફડતો હતો. એના વાંસામાં જેવી લોહીની ભરોળ ઉઠી છે, એવી જ ભરોળ શ્રી રામકૃષ્ણ પરમહંસના વાંસામાં પણ જોવા મળે છે !! . સ્વામી વિવેકાનંદે લખ્યું છે કે આ છે ‘સમાનુભૂતિ’, ‘What you feel,  i also feel’.  જ્યાં હું અને તમે અલગ થઇ જઈએ છીએ અને જે અનુભૂતિ ચાલે છે એ સહાનુભૂતિ. પણ જ્યાં હું અને તમે બંને ભેગા જ છીએ,  દ્વૈત નથી, ત્યાં સમાનુભૂતિ છે !!  જ્યાં પોલ સાર્ત્ર  નામનો અસ્તિત્વવાદી એમ કહે છે, ‘The other is hell’ તમે એમ કહ્યું કે,  ‘બીજો’, એટલે તમારી હિંસા શરૂ થઈ. કારણ કે તમે એને ‘બીજો’ ગણ્યો એટલે તમે એને તમારાથી નોખો ગણ્યો અને નોખો ગણ્યો એનો અર્થ જ એવો કે,  તમે હિંસા શરુ કરી. 

મહાવીર સ્વામીને કોઈકે પૂછ્યું  કે,  ‘તમે ચાલો ને અમે ચાલીએ તેમાં ફેર શો ? અમે બહુ કાળજી રાખીએ છીએ કે,  અમારા પગ નીચે કોઈ જીવ ન કચરાય, પણ આપ તો સહજ રીતે ચાલો છો અને છતાં ખરેખર કોઈ કચડાતું નથી. અને અમારાથી કાળજી રાખ્યા છતાં ય આવું કેમ થઈ જાય છે??’  મહાવીર સ્વામીએ કહ્યું કે,  ‘તમે યાદ રાખો છો કે, કોઈ જીવ પગ નીચે ન કચડાય. હું યાદ રાખું છું કે,  હું પોતે મારા પગ નીચે ન કચડ઼ાઉ. એ નાનકડા જીવમાં હું મારી જાતને જોઉં છું.’ આ સમાનુભૂતિ છે.

શ્રી રામકૃષ્ણ પરમહંસના શિષ્ય  સ્વામી શ્રી વિવેકાનંદ. વિશ્વનાં બધા જ ધર્મોને એક સૂત્રમાં  બાંધી દેવા હોય તો એ સ્વામી વિવેકાનંદના એક વાક્યમાં બાંધી શકાય :: “ વિધવાના આંસુ  લૂછી ન શકે અને ભૂખ્યા જનોનું પેટ ન ભરી શકે એવા ધર્મને હું ધર્મ કહેવા માટે તૈયાર નથી.”  સ્વામી વિવેકાનંદે યુવાનોને કહ્યું, “તમારે અત્યારે ગીતા  વાંચવાની જરૂર નથી, ઉભા થાઓ અને ફૂટબોલ રમવા જાઓ. ફૂટબોલ નું ગ્રાઉન્ડ ખાલી પડ્યું છે. Go and play there, that is your right religion at this time.”

ભારતીય ઝેન પરંપરાની વાત કરવી હોય તો તે છેક નરસિંહ મહેતાથી શરુ થાય. ભારત આવેલ કોઈપણ વિદેશી એક વખત પોન્ડિચેરીની મુલાકાત લે અને એક નામ ગુંજતું સાંભળે અને તે The Mother.  કોણ છે આ મધર? એક  ફ્રેંચ લેડી જેમણે મહર્ષિ અરવિંદને મળ્યા પછી કાયમ માટે ફ્રાન્સ છોડી દીધું !! અને અહીં આવ્યા પછી પોન્ડિચેરીની બહાર તેણે ચાલીસ-ચાલીસ વર્ષ સુધી પગ ન મુક્યો. શ્રી  મધર પહેલી વખત શ્રી અરવિંદને મળવા આવ્યાં ત્યારે શ્રી અરવિંદનું નિવાસસ્થાન શોધવામાં  તકલીફ પડી. થાકી હારીને શ્રી  મધરે એક માળીને પૂછ્યું કે,  ‘મહર્ષિ ક્યાં રહે છે?’  તે માળી કશું સમજ્યો નહિ પણ એણે આંગળી ચીંધી અને તેઓ ગુરુ પાસે  પહોંચ્યા . શ્રી મધરનું બુદ્ધત્વ જોઈએ તો, તે દિવસની ઘડીથી એ માળી જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી દરેક મહિને છાના હાથો દ્વારા ધ મધરે એ માળીને એનું પોષણ મળતું રહે એવી વ્યવસ્થા ગોઠવી અને જ્યારે જ્યારે દર્શન ડે હોય ત્યારે બધી જ લાઈનને તોડીને એ માળી જેવો અલગારી માણસ બહાર આવે અને એને બધી જ લાઇનમાંથી આગળ લઈ જવામાં આવે અને તેને દર્શનનો પ્રથમ લાભ મળે !! કોઈકે પૂછ્યું કે,  “આ કોણ છે આવો નકામો? (ઘણી વખત આપણે આઉટર સેલ્ફ ઉપરથી માણસનું ઈવેલ્યુએશન કરી લેતા હોઈએ છીએ અને  એમાં બહુ ભૂલ ખાઈ જઈએ છીએ.) કોણ છે આ? અમે અડધી રાતથી લાઈનમાં ઉભા છીએ, અને આ માણસને આવો આવકાર મળે છે !?!”  કોઈકે કહ્યું કે, ‘એ પહેલો માણસ છે જેણે ધ મધરને મહર્ષિનું નિવાસસ્થાન બતાવ્યું.’ શ્રી માતાજીને કોઈએ પૂછ્યું કે, આવું  કેમ ? શ્રી માતાજીએ કહ્યું કે,  હું તો એટલું  યાદ રાખું છું કે,  “મારા ગુરુના ઘર તરફ આંગળી એણે મને ચીંધી છે.” શ્રી માતાજીને  કોઈકે પૂછ્યું  કે, “ધ્યાન ની વ્યાખ્યા શું?” શ્રી  મધરે સરસ જવાબ આપ્યો, “એક ગરીબ માણસના  ઘરનો રૂમ સાફ કરવાનું મને કહેવામાં આવે તો હું એટલી કાળજીથી રૂમ સાફ કરવાનું પસંદ કરું કે,  હું કોઈ મોટી હોસ્પિટલનું એક ઓપરેશન થિયેટર સાફ કરી રહી હોઉં…  આ મારું  ધ્યાન છે.”

આજથી સમાનુભૂતિ અને ધ્યાન સહજતાથી પામીએ તેવી શુભકામના.