ગાંધીનગરના ‘વિશિષ્ટ આદિ-વાસી’ અરુણભાઈ બુચ !!

મૂળ રાજકોટના પણ  ગાંધીનગરનો પહેલો પથ્થર મુકાયો તેના સાક્ષી સેવાકર્મી અરુણભાઈ બુચની વિદાય..

એક નાનકડી ઘટના છે.

એક નાની ટેકરી પર એક શ્રીમંત માણસ રહેતો હતો. એનો બંગલો અતિ સુંદર હતો. બગીચો પણ ખૂબ સરસ હતો. પણ એક વાતની કઠણાઈ હતી. ટેકરી પર પાણીનો કોઈ સ્ત્રોત જ નહોતો. પાણી છેક તળેટીમાં આવેલ કૂવામાંથી લાવવું પડતું. એ કામ એનો નોકર કરતો. ખભે કાવડ નાંખી એ બંને તરફ એક એક ઘડો  રાખતો. તળેટીમાંથી પાણી ભરીને કાવડ દ્વારા એ ઉપર પહોંચાડતો. રોજ કંઈકેટલાયે ફેરા ફરે ત્યારે એનું કામ પૂરું થતું. રોજ વહેલી સવારથી એ કામ શરૂ કરતો ત્યારે છેક બપોર સુધીમાં એ પાણી ભરી લેતો. એનો એક તરફનો ઘડો ફૂટેલો હતો. તળેટીમાંથી પાણી ભરીને એ ઉપર સુધી પહોંચે ત્યાં સુધીમાં એ ઘડામાં ભરેલું પાણી અર્ધું થઈ જતું. એના કારણે એને થોડાક ફેરા વધારે કરવા પડતા.

બીજા એક નોકરે આ જોઈને એને એક દિવસ કહ્યું કે, ‘ભાઈ! તું આટલા બધા વધારાના ફેરા કરીને હેરાન થાય છે, એના કરતાં ફૂટેલો ઘડો જ બદલી નાંખને ! આવું ફૂટેલું ઠોબરું શું કામનું ? એના લીધે જ તારે વધારે મહેનત કરવી પડે છે. તું આ સમજવા છતાં શું કામ એને ફેંકી નથી દેતો એ જ મને તો સમજાતું નથી.’

કાવડવાળો નોકર કંઈ ન બોલ્યો. એણે પેલા નોકરને આ વખતના ફેરા વખતે પોતાની જોડે આવવાનું કહ્યું. બંને ઢાળ ઊતરતા હતા ત્યારે પેલા બીજા નોકરે જોયું તો રસ્તાની એક તરફ ખૂબ જ સુંદર ફૂલો ઊગી નીકળ્યાં હતાં. એના કારણે દૂરથી પણ રસ્તો ખૂબ જ રળિયામણો લાગતો હતો. કાવડવાળા નોકરે કહ્યું: ‘ભાઈ! મને ખબર જ હતી કે ઘડો ફૂટેલો છે. પણ એમાંથી ઢોળાતા પાણીનો ઉપયોગ કરવા માટે રસ્તાની એક તરફ મેં તળેટીથી છેક ઉપર સુધી ફૂલછોડ વાવી દીધા હતા. ફૂટેલો ઘડો એની મેળે જ પાણી પિવડાવવાનું કામ કરી દેતો હતો. ટેકરી પરના રસ્તા પર ખાસ પાણી પિવડાવવા માટે આવવાની આળસ આવે. એના કરતાં ફૂટેલા ઘડાની ખામીનો ઉપયોગ થઈ શકે તેવો ઉપાય કર્યો. તું જ જો ! કેવાં સરસ ફૂલો ઊગી નીકળ્યાં છે ને? આ ફૂલોથી હું આપણા માલિકનું ટેબલ રોજ સવારમાં શણગારૂ છું. એમને ફૂલો ખૂબ જ ગમે છે. માલિક ખુશ રહે એનાથી વધારે આપણે શું જોઈએ ?

… આટલું કહી એણે પોતાના ફૂટેલા ઘડા તરફ મીઠી નજર નાખી. એ ઘડો ત્યારે પણ ફૂલોને પાણી પાઈ રહ્યો હતો. બીજો નોકર આશ્ચર્ય સાથે આ જોઈ રહ્યો.

અરુણભાઈ બુચ ટેકરી પર સવાર-સાંજ ખભે કાવડ લઈને ચડ ઊત્તર કરનાર આશાવાદી નોકર છે. જેના માલિક શ્રી ભુવનેશ્વરી છે. એમણે જિંદગી કાઢી આ પાણી સીંચવામાં, ભાર ઉલેચવામાં, સેવા અને કરુણાની ખેતી કરવામાં. એમના ખભે એક ઘડો ફૂટેલો હતો અને એની એમને ખબર હતી. અરુણભાઈએ સેવાના એ ઘડાના નાનાં છિદ્રમાંથી કરુણાને ટપકવા દીધી અવિરત, સતત. પરિણામે અરુણભાઈની જીવનયાત્રાના માર્ગ પર સુગંધીદાર અને રૂપકડાં ફૂલો સહજતાથી ઊગી નીકળ્યાં…. એમને તો  ‘માલિક’ને ખુશ કરવાના ઉપક્રમ હતો. ‘માલિક’ની ખુશીમાં ખુશ રહેવા ટેવાયેલા અરૂણભાઈ બુચ ફૂટેલો ઘડો બદલવા તૈયાર ન હતા  અને કાવડ ઊંચકી પાણી ‘માલિક’ સુધી પહોંચાડવા સિવાયનું કોઈ કામ કરવા ઉત્સુક નથી.

ગાંધીનગરના ‘વિશિષ્ટ આદિ-વાસી’ એટલે કે ગાંધીનગરનો પહેલો પથ્થર મુકાયો ત્યારથી એના પૂર્વજ અને અરુણોદય થાય ત્યારથી સતત સમાજ અને સંસ્કૃતિની સેવામાં પોતાનું જીવન વિતાવનાર  સાચા સેવક શ્રી અરુણભાઈ બુચે  90 વર્ષની ઉંમરે પોતાનો દેહ છોડ્યા ના સમાચારથી જુના સેવાદળ વખતના અને ગાંધીનગરના નગરજનોમાં ગ્લાનિ વ્યાપી છે.

અરુણભાઈ બુચ એટલે ગાંધીનગર શહેર વસાહત મંડળના પ્રમુખ. ગાંધીનગરની આ એકમાત્ર એવી સંસ્થા કે જેની સ્થાપના થઈ ત્યારથી પોતાના જીવનના અંત સુધી શ્રી અરૂણભાઇ બુચ તેના પ્રમુખ રહ્યા. તેમણે ગાંધીનગરના નાગરિકોના પ્રશ્નોને અને સમસ્યાઓને પત્રો અને પ્રેસ નોટના માધ્યમથી વાચા આપવાનું કાર્ય કર્યું. ગાંધીનગર વાસીઓની કેટલીય તકલીફોનું ન કેવળ હંગામી નિવારણ પણ  પાછળ પડી જઈને તેનું કાયમી નિરાકરણ લાવવાનું કામ એમણે  કર્યું છે.

ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે શહેરી બસની ફ્રિકવન્સી વધારવાની વાત હોય કે પછી શાક માર્કેટમાં સ્વચ્છતા ની વાત હોય કે ગાંધીનગરના રેલવે સ્ટેશન ને જીવતું કરવા માટે અને નવી ટ્રેનો ફાળવવા માટેની વાત હોય કે અંતિમધામમાં સુવિધા માટેની વાત હોય ગાંધીનગરનો એક પણ પ્રશ્ન એવો નહોતો કે જેમાં અરુણભાઈનો પત્ર અથવા રજૂઆત પહેલી ન રહી હોય. તેઓએ પોતાના જીવનના બધા જ વર્ષો સચિવાલયમાં જ વિતાવ્યા.  તેઓને લિમ્કા બુક્સ રેકોર્ડ્સમાં  સ્થાન મળ્યું હતું,  કારણ કે તેઓ લગભગ 36 વર્ષ સુધી જુદા જુદા મંત્રીઓના પર્સનલ આસિસ્ટન્ટ તરીકે રહ્યા અને તેના ફળ રૂપે ગાંધીનગરને પાયાની સુવિધાઓથી ભરચક કર્યું.

અરૂણભાઇ ગાંધીનગર અને તેની આસપાસના વિસ્તારોમાં ઉઘાડા પગ વાળા લોકોને સ્લીપર અને ચપ્પલ પહેરાવતા પણ મળે અને ગરીબ અથવા તવંગરના સ્વજનોના દેહવિલય પછી તેના અસ્થિઓને હરિદ્વાર મોકલી પાવનવિધિ કરાવીને તેનું વિસર્જન કરતા પણ મળે.  એમ કહેવાય કે શ્રી અરુણભાઈ બુચ એ હાલતી ચાલતી એવી વસાહત હતા કે જેને કોઈ પણ વ્યક્તિ પોતાનું કામ સોંપી શકે.  એક ઐતિહાસિક બાબત એ છે કે,  એમની પાસેથી ગાંધીનગરના વિકાસ માટે એટલે કે 1965 થી જે કંઈ વિકાસ થયો એ બધા જ તબક્કાઓની ફાઈલો ઉપલબ્ધ રહેતી. પોતે એટલી બધી નોંધ કરે, પોતે સ્ટેનો ટાઈપિસ્ટ તરીકે નોકરીની શરૂઆત કરેલી ત્યારથી  ગાંધીનગર વિશેની ઝીણામાં ઝીણી માહિતી અરુણભાઈના આંગળીના ટેરવા ઉપર હોય. ગાંધીનગર અને પેથાપુર ની વચ્ચે આવેલી જીઈબી કોલોનીના ગેસ્ટ હાઉસની ઈમારત એ ગાંધીનગરની સૌથી પહેલી ઈમારત છે એવું તેમના સાથી હિરેન ભટ્ટ નોંધે છે. તેના પરથી ગાંધીનગરનો  સ્થાપના દિવસ ઉજવવાની વાત ગાંધીનગર સમક્ષ સૌપ્રથમ શ્રી અરુણભાઈએ  મૂકી હતી.

તેઓ વર્ષો સુધી એટલે કે લગભગ લગભગ પોતાના જીવનના ચાલીસેક  વર્ષો સેક્ટર 16 માં રહ્યા,  પરંતુ પોતાના નિવાસ્થાનમાં ખસેડાયા પછી પણ વર્ષો સુધી અરૂણભાઇની રાત્રી બેઠક બરાબર 9:30 વાગે સેક્ટર 16 માં મળે,  મળે અને મળે,  ત્યાં રજૂઆત કરનારા પણ હોય અને હળવાશ કરનારા પણ હાજર હોય. ગાંધીનગરના ઇતિહાસના પાનાઓ પરથી ધૂળ ખંખેરનાર એક ધૂળ ધોયા વ્યક્તિની વિદાયથી ગુજરાતને ભારે  ખોટ પડી છે.  ગાંધીનગર નો ઇતિહાસ ભલે 58 થી 60 વર્ષ જૂનો છે, પણ આજે કંઈ પણ લખવું હોય તોય આવનારી પેઢી માટે અરુણભાઈ પોતાની ફાઇલોમાં લખીને ગયા છે. કોઈપણ રાજ્યપાલશ્રી હોય કે કોઈપણ મુખ્યમંત્રી હોય કે કેબિનેટના જુદા જુદા પ્રધાનો હોય એમની સાથે છેલ્લા લગભગ 60 વર્ષથી એક હૃદયનો નાતો.

આપણે બધા ફૂટેલા ઘડા જ છીએ. જો ભગવાનને આપણી જાતનો એની ઈચ્છા મુજબ ઉપયોગ કરવા દઈએ તો  એ એવો માસ્ટર છે કે, આપણા અસ્તિત્વમાં રહેલી ખામીઓની મદદથી પણ સુંદર ફૂલો ભરેલો બગીચો બનાવી જ દેશે ! અરુણભાઈએ પોતાની જાતનો યથાર્થ ઉપયોગ કરવાની છૂટ  ભગવાનને આપી તેથી તેઓ સહજ આનંદમાં મસ્ત અને વ્યસ્ત એ જીવનભર રહ્યા !! ગાંધીનગરના આ આદિ-વાસી અરુણભાઈ બુચને કર્મ-અંજલિ અર્પણ કરાવી રહે.

 

 

 

ગાંધીજીની ગૂજરાત વિદ્યાપીઠ પહોંચી હઝારો ગામડાઓમાં !!

 ‘ગાંધી ગ્રામજીવન પદયાત્રા’ એટલે… વિદ્યાપીઠના અધ્યાપકો+સેવકો+છાત્ર છાત્રાઓ:: 1843 પદયાત્રીઓની  151 ટુકડીઓ,  રાજ્યના 33 જિલ્લાઓના 251 તાલુકાઓના 18000 ગામડાઓ !!!

મહાત્મા ગાંધી દ્વારા 1920માં સ્થપાયેલ રાષ્ટ્રીય શાળા તે અમદાવાદ સ્થિત ગૂજરાત વિદ્યાપીઠ. ખુદ ગાંધીજી ગુજરાત વિદ્યાપીઠના ચાન્સેલર પદ પર જીવનના અંતિમ દિન સુધી એટલે કે સત્યાવીશ વર્ષ રહ્યા. ત્યારબાદ સરદાર પટેલ પોણા  ત્રણ વર્ષ અને ડો. રાજેન્દ્રપ્રસાદજી પોણા  બાર વર્ષ ચાન્સેલર રહ્યા…એ વિદ્યાપીઠ પોતાની સ્થાપનાના એકસો પાંચમા વર્ષમાં પ્રવેશી છે ત્યારે ફરી એકવાર વિદ્યાપીઠે સર્વાંગ રૂપે નવા અને રચનાત્મક કલેવર ધારણ કરી રહેલ  છે, તેનો આનંદ સૌએ લેવા જેવો છે.

જેમ માણસને ઉમર લાગે તેમ સંસ્થાને પણ વૃદ્ધાવસ્થા આવતી હોય છે અને સંસ્થા પોતાના ભારથી જ બંધ થવાની અણી  પર હોય છે અથવા મરવા વાંકે જીવતી હોય તેવો સમય આવે છે. વિદ્યાપીઠ આ બાબતમાં બાકાત ન રહી શકી. ગાંધી અને ગાંધીના મૂલ્યોની વારંવાર દુહાઈ દેનારા શાસકો જ પઠાર (stagnation)નો ભોગ બન્યા અને પોતાની કુંઠિત સત્તા માટે ચોટડુક બની રહ્યા ત્યારે ઈશ્વરે વિદ્યાપીઠનો કાયાકલપ કરવાનું નક્કી કર્યું. જેઓ ગાંધીથી દૂર સુદૂર છે તેવો જેના પર આક્ષેપ કરવામાં આવતો હતો તે સરકારી શાસકોના હાથમાં વિદ્યાપીઠનું સુકાન સોંપાયું. દલીલ એવી થઈ  કે, વિદ્યાપીઠ આંચકી લેવામાં આવી, પણ હકીકત તો સદંતર ઉલ્ટી હતી. ગાંધીના લૂગડાં પહેરી ગાંધીજન કહેવડાવતા હતા તેઓ જ ચાંદીના થાળમાં મૂકીને વિદ્યાપીઠનું નાળિયેર હાલના રાજ્યપાલશ્રીને અર્પણ કરતા આવ્યા !!

જે થાય તે સારા માટે કે, વ્યક્તિગત રીતે હાલના રાજ્યપાલશ્રી પ્રાકૃતિક ખેતી, ગામડા, ગાય, ગામ પોશાક વ્યવસાય અને પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિના પ્રખર હિમાયતી છે. એટલે ગુજરાત વિદ્યાપીઠના બારમા કુલાધિપતિ તરીકે આચાર્ય દેવવ્રતજીએ સુકાન સંભાળ્યું . ગાંધીજીને ગમી જાય  તેવા આચાર્યજી ગુરુકુળ સ્થાપના અને સંચાલનમાં માહિર છે. હા, તેઓ ગઈકાલના ગાંધીજનોની જેમ કેવળ ‘ગાંધી ગાંધી’ માળા  જપી પોતાનો રસ્તો સુંવાળો કરનાર નથી, પણ પાયાના કર્યો  કરીને ગાંધીજીના આત્માને શાતા આપનાર છે.

સોનામાં સુગંધ ભળે  તેમ વિદ્યાપીઠના સત્તરમાં કુલપતિ તરીકે  જેનું લોહી કશુંક દોડતું કરવા થનગને છે તેવા  યુવા શિક્ષક ડો. હર્ષદ પટેલની પસંદગી થઈ. ગુજરાત વિદ્યાપીઠ એ રાષ્ટ્રીય સંસ્થા હોવાથી ઉપરના લોકોએ સીધો હસ્તક્ષેપ કર્યો હોવાથી આ બધું ‘ગોઠવી શકાયું’. ‘દોડવું હતું ને ઢાળ મળ્યો’, જેવો સુમેળ સધાયો અને  કેવળ આઠ જ મહિનાના કાર્યકાળમાં ગુજરાત વિદ્યાપીઠે સંપૂર્ણપણે નવાં ને રૂપકડા અને છતાંય પાયાના ગાંધી મૂલ્યોનો માર્ગ પકડ્યો. અગાઉ વિદ્યાપીઠ કાર્યાલયમાંથી વડીલો ચલાવતા  એટલે કોઈના સુઝાવને સ્થાન ન હતું, હવે તો કુલાધીપતિથી લઈને નાનામાં નાનો વિદ્યાર્થી પણ કાર્યરત બનેલ છે અને વિદ્યાપીઠનું કણેકણ ધબકતું બનેલ છે. હૃદય રોગના દર્દીને બાયપાસ કરાવીએ અને પછી જે સ્ફૂર્તિથી એ જીવવાનું શરુ કરે છે, બસ એવું જ વિદ્યાપીઠના કિસ્સામાં બન્યું છે. સંસ્થાની પણ સમય આવે બાયપાસ સર્જરી કરતા રહેવું પડે. ગુજરાતમાં ઘણી બધી સંસ્થાઓ બાયપાસ પછી પુર્જીવિત થયાના ઉદાહરણો આજે પણ છે. અને જે અંગત રીતે ‘જીવી જવાશે ને હું એકલો સંસ્થાને જીવાડી શકીશ’ એવા ભ્રમમાં જે રહે છે તેની પાસે  તો ભગવાન પણ લાચાર  !!!

ગુજરાત વિદ્યાપીઠના એકસોને પાંચમાં  સ્થાપના દિવસે વિદ્યાપીઠના પ્રાણ સમાન શ્રી પ્રાણજીવન છાત્રાલયના  ધ્વજદંડ પરથી ધ્વજ લહેરાયો અને વિદ્યાપિઠીય પ્રતિજ્ઞા સૌએ ખુલ્લા અવાજે લીધી ત્યારે પિસ્તાળીશ વર્ષ પછી આ કાર્યક્રમ ફરી થઈ  રહ્યાનો આનંદ સૌના ચહેરા ઉપર છલકતો હતો. વિદ્યાપીઠ પરિસરમાં  હકીકતે  હેરિટેજ વોક કરવા જેવું છું, એવો અછડતો ઉલ્લેખ અગાઉ કુલપતિ પાસે થયેલો અને સ્થાપના દિને એક ઈલેકટ્રીક   ઓપન કારમાં  બેસીને વિદ્યાપીઠના ત્રેવીસ પવિત્ર સ્થળોની વોક ગોઠવાઈ ગયાનું જાણ્યું. હા, આ કાર  અને બીજી બે કાર પણ વિદ્યાપીઠમાં જ એસેમ્બલ થશે.!!

વિદ્યાપીઠ જીવનનો એક ઉમદા અનુભવ તે ગાંધી ગ્રામજીવન પદયાત્રા. 2007માં પૂર્વ કુલાધિપતિ અને ગાંધીના ખોળે  મોટા થનાર શ્રી નારાયણભાઈ દેસાઈ દ્વારા આનો આરંભ થયો. છાત્રોનું પાયાનું ઘડતર આ  એક સપ્તાહમાં  થાય છે. પૂર્વ વિદ્યાર્થીઓ પણ જયારે એકબીજાને મળે ત્યારે પદયાત્રાને વાગોળે છે. શ્રી આચાર્ય દેવવ્રતજીએ અંગત રસ લઈને વિદ્યાપીઠના ધ્યેયો અને ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને ગામે  ગામ પ્રાકૃતિક ખેતીની  વાતને પહોંચતી કરવાનું આયોજન કર્યું. તા. 21 થી 26 ઓક્ટોબર દરમ્યાન ગુજરાત વિદ્યાપીઠના અધ્યાપકો, સેવકો  અને છાત્રો મળીને 1843 પદયાત્રીઓની 151 ટુકડીઓ ગુજરાત રાજ્યના 33 જિલ્લાઓના 251 તાલુકાઓના 18000 ગામડાઓમાં ગ્રામ સંપર્ક કરી પ્રાકૃતિક ખેતી-તેના ફાયદાઓ-તેની યોગ્ય પદ્ધતિઓ અને તેમાં ગાય અને સૂક્ષ્મ જીવાણુનું મહત્વ વિષે નિદર્શન કરી સમજાવે, એવું સુંદર આયોજન થયું. વિજ્ઞાનીઓ અને અધ્યાપકોએ સાથે મળી તૈયાર કરેલ ‘અન્નધેનુ કીટ’ નું વિતરણ પણ કરી રહ્યા છે.

કેન્સરના દર્દી હવે દર ત્રણ ઘરે એક છે, તેવું તબીબી જગત કહે છે ત્યારે, કેમિકલયુક્ત કશું પણ આપણા શરીરમાં ન જાય તેની કાળજી તરફ આપણે સૌએ વળવું પડશે અને વિદ્યાપીઠની પદયાત્રા તે માટેની જાગૃતિ લાવવા માટેનું અભિયાન છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

‘મારો ભાઈ કશું નથી કરતો, બસ આવું જ કરે છે.’

વિશિષ્ટ કલા-સમીક્ષક અને ચિત્રો-ગ્રાફિક્સના ખજાનાને સાચવીને બેસેલ એક વ્યક્તિ વિશેષ કે જેનો અતૂટ નાતો  વિશ્વના ખ્યાતિ પ્રાપ્ત અને ફકીરીમાં જીવેલા ચિત્રકાર શ્રી એમ. એફ. હુસેન સાથે રહ્યો, તો ભારતના ટોચના ગ્રાફિક આર્ટિસ્ટ્સ સાથે તેઓ આજે પણ કાર્ય કરી રહેલ છે. અમદાવાદના એક આધુનિક ખૂણામાં પોતાની સમૃદ્ધ આર્ટ ગેલેરી સાથે નિજાનંદમાં રહેતા એ કલાકાર છે શ્રી અનિલ રેલીયા.

“મારા પાડોશીઓમાં કાપડના હોલસેલ વેપારીઓ હતા, જે લોકોને ત્યાં બહારગામથી પાર્સલ આવે તે  ગાંસડીઓ ઉપર લેબલ હોય. મને એ લેબલ બહુ આકર્ષિત કરતા. એકાદ વખત મેં એ લેબલ કાઢી લીધા તો વઢ પણ પડી હતી કે,  “આમાં કયો માલ છે એના માટે લેબલ હોય છે,  તારે લેબલ કાઢવા હોય તો બધો માલ ખાલી થઈ  જાય પછી કંતાન પડ્યા હોય એના પરથી લઇ લેવાના પણ પહેલાં કાઢવા નહીં.” પછી તો મને મજા પડી ગઈ એ લોકો જ્યારે બધો માલ રાત્રે કાઢી લે પછી  દુકાન આઠ સાડા આઠે બંધ થઇ જાય પછી એ લોકો દુકાનના માણસો હોય એ સ્ટોક બધો રેક માં ગોઠવી દે. પછી હું સવારે ભીના કપડાં લઈને જઉં અને  એના ઉપર મુકું ને ઉખાડું અને પછી સ્કૂલ નોટબુકમાં રાખતો.  એવા લેબલો મેં ભેગા કર્યા.”

“બીજી વાત કે  એ સમયમાં ટિકિટો ભેગા કરવાનો શોખ હતો. એ રીતે મને મેચબોક્સના ઉપરના રેપરો ભેગા કરવાનો શોખ, કારણ કે એમાં જુદી જુદી છાપો આવે ! સામાન્ય રીતે અમુક જ બ્રાન્ડ વેચાતી હોય એ મળે પણ મારું ઘર રેલવે લાઈનની બાજુમાં. તો ફરવા માટે અમે રેલવે લાઈન પર જતા તો જુદી જુદી ન સાંભળેલી એવી પરી છાપ હોય કે રોકેટ છાપ હોય કે એવા જુદા પ્રકારની બધી છાપો મળે અને એ છાપો લઈને સ્કૂલે જતો અને બતાવતો એટલે મારો એમાં વટ પડતો. લોકો ખુશ થતા કે, તું તો જુદું જ લઈને આવ્યો. સામાન્ય સુરતમાં વપરાતી માચિસ બોક્સ કરતા જુદા જ પ્રકારનું હોય. તો એ મારા વખાણ થાય એ મને આનંદ થાય. textile ના લેબલની વાત કરું તો આજે પણ મારા સંગ્રહમાં એ સ્કૂલના દિવસોમાં ભેગા કરેલા લેબલ છે. અને એ સહજતાથી સાચવી શકાયા છે. એ સ્કૂલની બૂકમાં હતા.”

હું બરોડા ફાઈન આર્ટ્સમાં માં ભણવા ગયો.  પણ એ પણ આકસ્મિક જ રીતે જ થયું   હું જયારે દસમા ધોરણમાં હતો ત્યાં સુધી તો મને પણ નહોતી ખબર કે મને એવા શિક્ષક પણ ના મળ્યા કે જે મને ગાઈડ કરે કે આવી ફાઈન આર્ટને લગતી કોઈ કોલેજો હોય કે જેમાં કલા શીખી શકો. મને પણ એવી ખબર ન હતી કે આ જે સરકસના કે ફિલ્મોના ચિત્રો દોરનાર કે જેને હું જોયા કરતો તે  કોઈ ભણેલા નહોતા. એ બધા પોતે પોતાની રીતે પીંછીથી બોર્ડ પર પોસ્ટર દોરતા.…. પણ પિતાજીની એવી ઈચ્છા કે ડિગ્રી તો જોઈએ જ.  પણ મારા માટે એ અશક્ય હતું. મારા માટે ફાઈન આર્ટ્સની વાત કરી હતી પણ હજુ તો હું દસમામાં હતો એટલે કશો નિર્ણય લેવાયો ન હતો. અને એમ હતું કે જેમ આગળ જશું એમ બધું થશે.

પણ દસમાંના વેકેશનમાં પ્રસંગ એવો બન્યો કે મારા ભાઈ જે ડોક્ટર બન્યા હતા એમને મળવા માટે એક મિત્ર કે જે  અત્યારે ઓસ્ટ્રેલિયા રહે છે એ વખતે એ આફ્રિકા રહેતા હતા એમને મળવા એ મિત્ર અને તેમની સાથે વડોદરાના એક ભાઈ આવ્યા, જે વડોદરામાં આર્કીટેક હતો. તો એણે મારા ઘરની દીવાલો ઉપર લાગેલા ચિત્ર અને ફ્રેમમાં મુકેલા  મારા ડ્રોઈંગ હોય એ જોયા. એણે બહુ સહજતાથી ભાઈને પૂછ્યું,  ‘આ બધું કોનું છે ?’ તો કહે, ‘મારો ભાઈ કશું નથી કરતો, બસ આવું જ કરે છે.’ એમણે આવી રીતે મારો પરિચય કરાવ્યો, તો કહે,  ‘એને  ફાઈન આર્ટમાં મુકો ને,’  તો ભાઈ કહે, ‘એ શું છે ?’ તો એ કહે, ‘આવી કોલેજ  વડોદરામાં છે.’  મારા સુધી વાત આવી એટલે મેં કીધું, મારે જાણવું પડશે  એટલે પ્રોસ્પેક્ટ્સ મંગાવ્યું અને એ આવ્યું ને મારા જીવનનો રાહ બદલાઈ ગયો. મેં જયારે જોયું ત્યારે એમાં ક્લે મોડલિંગ, વુડ કાર્ટ, પ્રિન્ટ મેકિંગ, ડ્રોઈંગ ડિઝાઇન આવા જ વિષયો. આપણા સાયન્સ, જિયોગ્રાફી એવા એક પણ વિષય નહીં. મને થયું આવી પણ કોલેજ હોય છે ખરી !!! મારા માટે આશ્ચર્યની વાત હતી.  મેં કહ્યું કે,  મારે  આમાં જ ભણવું છે,  બસ ત્યાંથી મારી વાત શરૂ થઇ. એમાં એમ કહેવાયું હતું કે,  તમારે એમાં ભણવું હોય તો તમારી પાસે SSC માં (અગિયારમા ધોરણમાં)  તમારે ડ્રોઈંગ વિષય તરીકે લેવો પડે. તો મેં એ પણ લીધો.  આનંદની વાત એ હતી કે એમાં એડમિશન લેવા માટે તમારે માર્ક્સથી કોઈ મતલબ નહોતો. કેટલા ટકા છે એનાથી મતલબ નહોતો પણ ત્યાં લેવાતી પાંચ વિષયોની એપ્ટિટ્યુડ ટેસ્ટ લેવામાં આવે એમાં ક્લે મોડલિંગ, ડ્રોઈંગ અને ડિઝાઇન એ રીતની પ્રેક્ટિકલ પરીક્ષાઓ લેવાતી એનાથી તમારી આંગળીઓની, તમારી દ્રષ્ટિની ચપળતા  શું છે, એનો ખ્યાલ આવે. અને એક લેખિત પરીક્ષા કે જેને ડિગ્રી લેવી છે એના માટે. મારે ડિગ્રી જ લેવાની હતી એટલે મેં ડિગ્રીમાં જ ફોર્મ ભર્યું હતું, અને જયારે એપ્ટિટ્યુડ ટેસ્ટમાં હું ગયો તો પેલા ચાર પેપર તો સરસ રીતે મેં આપ્યા પણ જયારે ડિગ્રી માટેનું લેખિત પેપર આપવાની વાત આવી તો મેં સવાલો વાંચ્યા અને સમજ પણ પડી  પણ હું ઇંગલિશ માં લખી શકું એમ ન હતો, કારણ કે ઇંગલિશ મારું બહુ જ કાચું  હતું. તો મેં પહેલાં તો ગુજરાતીમાં લખવાનું શરુ કર્યું પણ તરત મને કહેવામાં આવ્યું કે, આવું તો નહીં ચાલે.  મેં કહ્યું, મને આવડે છે, પણ હું લખી નથી શકતો. તરત જવાબ  મળ્યો કે, હિન્દી આવડે તો હિન્દીમાં  લખો. એટલે મેં હિન્દીમાં લખ્યું. પછી જયારે ઇન્ટરવ્યૂ લેવાયો  ત્યારે મારી આગળ આ જ પ્રશ્ન આવ્યો કે, તમારે ડિગ્રી લેવી છે તો તમને ઇંગલિશ આવડવું જોઈએ. તો મેં કહ્યું, મને જેટલું આર્ટ માટેનું જરૂરી હશે  એટલું તો હું પીકઅપ કરી લઈશ, પણ મને ચોક્કસ આમાં રહેવું છે અને મને એડમિશન મળી ગયું. જેવું એડમિશન મળ્યું એવી મારી આખી નવી દુનિયા ખુલી ગઈ…”

થિયેટર ઈન એજ્યુકેશનના અધ્યાપક અભિનેતા ડો. વિજય સેવક

 

શિક્ષક થવું હોય તો બી.એડ્. થવું પડે. એન. એચ. પટેલ કૉલેજ ઑફ ઍજ્યુકેશન, આણંદમાં પ્રવેશ માટે ફૉર્મ ભર્યું. ઍડમિશન માટે પ્રિન્સિપાલ પટિયાલસાહેબે ઇન્ટરવ્યૂ લીધો, પિસ્તાલીશ મિનિટ લાંબો. મિત્રની અદાથી પ્રશ્નો પૂછ્યા. શોખ ગાવાનો છે એવું જાણ્યું તો વિજયને કહ્યું : કશુંક ગાઓ ને! હરિવંશરાય બચ્ચનની રચના ‘દિન જલ્દી જલ્દી ઢલતા હૈ’ સૂરબદ્ધ રીતે રજૂ કરી. પૂછ્યું : સ્વ૨૨ચના કોની છે? વિજ્યે નીચું જોઈ હસતાં હસતાં જવાબ આપ્યો : “ખુદકા કૉમ્પોઝિશન હૈ!’ હિન્દીમાં જવાબ સાંભળીને તેની વાતો શરૂ થઈ. છઠ્ઠા-સાતમા ધોરણમાં વિજયે હિન્દી દૂસરી-તિસરી પરીક્ષા પાસ કરેલી. પ્રેમચંદજીની ગોદાન’ અને ‘ગબન’ તો નાનપણમાં વાંચેલ. સિયારામશરણ ગુપ્તની નવલકથા ‘નારી’, ફણીશ્વરનાથ રેણુની ‘વહ ફિર નહીં આઈ’ અને મોહન રાકેશની ‘આષાઢકા એક દિન’ વાંચીને વિજય નામધારી યુવાન કેટલીયવાર રહ્યો છે. પ્રવેશ આપતા પહેલાં જ પટિયાલસાહેબને સમજાયું કે આ ભાવિ શિક્ષકે બે કામ કર્યાં છે : વાંચવાનું અને ટેબલ ટેનિસ રમવાનું… બી.એ.માં અંગ્રેજીના મૅથડ માસ્ટર મળ્યા પ્રા. હરેન્દ્રભાઈ પટેલ. એમણે વિજયને ઉઘાડ્યો, જબરું તાદાત્મ્ય સર્જ્યું. વિજયે અંગ્રેજી કંઈ બહુ શોખથી નહીં રાખેલું… અને આમ પણ સાયન્સમાં ભણવા બેઠેલા વિજયભાઈ હારીને આર્ટ્સમાં આવેલા. હિન્દી ફેવરીટ સબ્જેક્ટ પણ મોટાભાઈ ૨મેશભાઈ સેવકે અંગ્રેજી રખાવ્યું.

નવનિર્માણ આંદોલનને કારણે વગર પરીક્ષાએ આગળ વધેલા વિજયે એસ.વાય. અને ટી.વાય. આણંદ આર્ટ્સ કૉલેજમાં કર્યું. અહીં મળ્યા સ્કૉલર અને સાહિત્યકાર એસ. વી. નાડકર્ણીસાહેબ. તેમણે વિજયને બોલતો કર્યો. જબરું ટ્યુનિંગ. વિક્ટોરિયન ઍઇજ પરનું સાહિત્ય અસાઇન્મેન્ટમાં સોંપ્યું. તેમાં ખૂબ મહેનત કરીને વિજય સેવકે જ્યારે તેની પ્રસ્તુતિ કરી ત્યારે નાડકર્ણીસાહેબને એ થયું ‘ક્લિક લાઇક ઍનિથિંગ… અહીંથી વિજય ઊંચકાયો. ગિરીશ કર્નાડના શિક્ષક અને હયવદન’ની પ્રસ્તાવના લખનાર પ્રો. કુટંકોટીસાહેબ બે દિવસ અહીં આવ્યા અને એમનામાં વિજ્યને રંગદેવતાનાં દર્શન થયાં… આટલો ઍક્ટિવ વિજય પરીક્ષાના પરિણામમાં પાછળ. ગોખવાનું ગમે જ નહીં. મમ્મીએ નાનપણમાં જાતે મૌલિક જવાબ લખવાનું શીખવેલું. સ્નાતકનાં છેલ્લાં વર્ષમાં માર્ક્સ લાવવા માટે વિજયે જરૂરી બાર પ્રશ્નો ગોખ્યા. પછી પરીક્ષામાં ઑક્યા અને ત્યારે પચાસ ટકા પહોંચાયું. પણ ભણવાથી કંટાળેલ એટલે એમ.એ. ન કર્યું. વાંચવાનો શોખ એટલે વડોદરામાં લાઇબ્રેરી સાયન્સ શરૂ કર્યું. ડાકોરથી અપડાઉન અને શારીરિક તકલીફને લીધે તે કોર્સ પૂરો ના કર્યો. ઘરનાં નારાજ અને વિજ્ય હતાશ. ઘરમાંથી જૂનાં જૂનાં પુસ્તકો કાઢી વાંચ્યાં. એમાં ભાઈએ એસ.ટી.સી. કરેલું તેનાં પુસ્તકો હાથ લાગ્યાં ને તે વાંચતા જ વિજયમાં સૂતેલો શિક્ષક જાગ્યો અને તેમાં મળ્યા પ્રિ. પટિયાલસાહેબ અને પ્રા. હરેન્દ્ર પટેલ. એકદમ અંતર્મુખી, એકલો અને કશું જ ન બોલતો વિજય બહાર નીકળ્યો હરેન્દ્રભાઈને કારણે. પોતાનાં પુસ્તકો અને પોતાનું મટીરિયલ આપીને કહે : આનાં પરથી તારું ખુદનું મટીરિયલ બનાવ…’ અને ગાડી પાટા પર ચડી ગઈ. ઍક્શન રિસર્ચ, લર્નિંગ ટુ બી અને બ્લૂમ્સ ટેક્સૉનોમીનું ટુ પહેલું વૉલ્યુમ તો વિજય સેવકે બી.એડ્. કરતાં કરતાં વાંચી નાખ્યાં. વર્ષના પહેલા જ દિવસે બી.એ.ના ભરચક્ક ક્લાસમાં પોતાની ઓળખ અંગ્રેજીમાં અને ઘેઘુર અવાજમાં આપી સૌનું ધ્યાન ખેંચનાર વિજય સેવક બી.એડ્.માં ગોલ્ડ મૅડાલિસ્ટ થયા! આ સમાચાર ફોઈને ઘરે ગયેલા વિજયને મોટાભાઈએ આપ્યા ત્યારે વિજયને થયેલું કે અત્યારે જ હરેન્દ્રભાઈ પાસે જઉં ને તેમને છાતીએ વળગાડીને રડી પડું. જો કે, આજે પ્રા. હરેન્દ્ર પટેલ નથી તેની વાત કરતાં વિજ્ય સેવક લિટરરી રડી પડે છે! What a great contribution of a teacher in one’s Life!

સુવર્ણચન્દ્રક વિજેતા બી.એ., બી.એડ્. વિજય સેવકને નોકરી ન મળી. ત્રણ જગ્યાએ કોઈક છેલ્લી ઘડીએ વચ્ચે ઘૂસી જાય. પટિયાલસાહેબે કહ્યું : ‘સુરત જા, એમ.એડ્. કર. ગુણવંત શાહ પાસે ભણ.’ ચિઠ્ઠી લખી આપી. મોડું થયું હતું. પોતાના રૂમમાં બેસાડી ગુણવંત શાહે રજિસ્ટ્રારને ફોન કરી પ્રવેશ અપાવ્યો. ટિમલિયાવાડથી પોતાની ફિયાટ કારમાં ગુણવંત શાહ આવે અને રસ્તામાં વિજયને ઊભો ભાળે કે તરત ગાડી થોભાવી બેસાડે. વિજય સેવકની નજર આગળ પડેલ આર. કે. નારાયણની નૉવેલ પર પડી. તેણે એ નૉવેલ વાંચેલી એટલે એની વાત માંડી. બહુ આત્મીયતા થઈ ગુરુ શિષ્ય વચ્ચે. વિજયને ટી-શર્ટ પહેરવાની અને તેનું ઉપરનું બટન ખુલ્લું રાખવાની ટેવ. ગુણવંત શાહે પોતાની ચૅમ્બરમાં બોલાવી કહ્યું : બટન બંધ કર…’ પછી પ્રત્યાયનની ઊંચાઈ ત્યારે પકડાય જ્યારે એક કલાક પછી ગુણવંત શાહ ફરી વિજય સેવકને પોતાની પાસે બોલાવે છે, સમજાવે છે કે તને નહીં ગમે, દોસ્ત, પણ આ બધી મેનર્સ છે, એટિકેટ છે! વિજય સેવક કહે છે કે, ‘અમારા વચ્ચે બંધાયેલો રૅપો જાણે ગુણવંતભાઈ ખોરવવા માંગતા ન હતા. એક ટીચર ઍજ્યુકેટરની આ ઊંચાઈ મારા દિલમાં આજે ય સંગ્રહાયેલી છે.’ જો કે, વિજય સેવકની પહેલી નોકરી પણ ગુણવંતભાઈના બાપ્રેમીબહેનની શાળા લોકમાન્ય વિદ્યાલય, રાંદેરમાં. એ ગૉલ્ડન પિરિયડ. વિજયસરનો દબદબો કારણ ગુણવંતભાઈએ મોકલેલો છોકરો! અહીંથી પ્રયોગશીલ શિક્ષકનો જન્મ થયો. એચ. એમ. પટેલ ઇન્સ્ટિટ્યૂટ, વલ્લભ વિદ્યાનગરના ડૉ. સુભાષ જૈન ટીચ ઇંગ્લિશ, લર્ન ઇંગ્લિશ’ સિરિઝ ચલાવતા. તેમાં વિજ્યની પસંદગી થઈ. વર્ષમાં ચારેક લેસનનું રેકોર્ડિંગ કરાવવા અમદાવાદ સ્ટુડિયોમાં વિદ્યાર્થીઓ સાથે જવાનું થયું. અહીં ડૉ. સુલભા દેશપાંડે અને ડૉ. રાજેન્દ્રસિંહ જાડેજાનો પરિચય થયો અને બન્ને પાસેથી આજે પણ ‘પામવાનું’ સદ્ભાગ્ય વિજય માણે છે. શિક્ષણ ધૂરંધર ડૉ. દાઉદભાઈ ઘાંચીનું નામ બહુ સાંભળેલું. વિજય સેવકના પ્રિય પ્રા. હરેન્દ્રભાઈ પટેલના એ ગુરુ, બી.એડ્. કરતી વખતે દાઉદભાઈ ઘાંચીનું પુસ્તક વિજયને હરેન્દ્રભાઈએ ભેટ આપેલું, ઘાંચીસાહેબ સુરત આવ્યા ને વિજયે તેની સાથે ગોષ્ઠિ કરી અને તેનો લેખ પોતાની ‘ગુજરાત મિત્ર’ની કટારમાં લખ્યો ત્યારથી બન્ને વચ્ચે ગાઢ નાતો… આમ, ઠેરઠેરથી સારપ અને ઉત્કૃષ્ટતા ગજવે બાંધવાની ટેવ વિજય સેવકને.

લોકમાન્ય વિદ્યાલયની પહેલી નોકરીમાં જ વિજયે નાટકના નાના-મોટા પ્રયોગો કર્યા. એરિયા થિયેટર અને બેર સ્ટેજના પ્રયોગમાં સિંહાસન ખાલી છે’ નાટકનું દિગ્દર્શન કર્યું. શ્રેષ્ઠ અભિનેતાનો ઍવૉર્ડ મળ્યો. સિમલા નૅશનલ ડ્રામા કૉમ્પીટીશનમાં જ્યોતિ વૈદ્યનું ‘બંધ દરવાજા’ અનુવાદ કરીને રજૂ કર્યું અને નૅશનલ ઍવૉર્ડ જીત્યો. ચિનુ મોદી, નિમેષ દેસાઈ, ઇન્દુ પુવારની શિબિરોમાં અભિનયને લઢવાની તક મળી. આ વાતાવરણથી પ્રેરાયને ગુજરાત સરકારનાં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગમાં સહાયક નિયામકની ક્લાસ ટુ ગૅઝેટેડ પોસ્ટ પર જવાનું થયું. GPSC પસાર કરી. ઇન્ટરવ્યૂમાં માર્કન્ડ ભટ્ટ અને વનલતા મહેતાએ વિજયને પસંદ કરી વડોદરા વર્તુળનો હવાલો સોંપ્યો. સાડા ત્રણ વર્ષ ધ્રુવકુમાર શાસ્ત્રીની નિશ્રામાં વિયે કામ કર્યું. ધ્રુવભાઈ શાસ્ત્રીનાં સૂચનથી થીમ એક, એકાંકી અનેક’ની યોજના વિજ્યે અમલમાં મૂકી. જે આજે પણ એકાંકી રાજ્ય સ્પર્ધા તરીકે અમલમાં છે. પણ વહીવટ ઝાઝો ને સર્જનાત્મકતા ઓછી હતી એટલે વિજયનો જીવ રૂંધાયો. સાડા ત્રણ વર્ષમાં બે જ પુસ્તકો વાંચી શકનાર વિજયે રાજીનામું આપ્યું. બહુ સમજાવ્યો સૌએ કે ક્લાસ વનનું પ્રમોશન હમણાં જ મળી જશે. પણ ના, વિજય સેવકની અંદર ઊછળતો નાટકિયો શિક્ષક ન માન્યો ને એ આર. ડી. કોન્ટ્રાક્ટર હાઈસ્કૂલ, સુરતમાં શિક્ષક થયા. અહીં રહીને ખૂબ લેખન કર્યું, ડૉક્ટરેટ કર્યું અને શિક્ષણ પ્રયોગો કર્યાં. ‘ગુજરાત મિત્ર’ દૈનિકમાં ટ્રાન્સલેટર તરીકે કામ કર્યું. બે વર્ષ ‘ન્યૂફાઇન્ડર” નામની કટાર લખી, ‘એક હાદસા’ કૉલમ લખી બાર વર્ષ. પંજાબ કેસરી – પ્રતિનિધિપત્ર – દિવ્યભાસ્કરમાં પણ લખતા રહીને પોતાની આગવી ઓળખ ડૉ. વિજય સેવકે ઊભી કરી. ભગવતીકુમાર શર્માએ દર સોમવા૨ના અને પોતે વિદેશ હોય ત્યારના અગ્રલેખો / તંત્રીલેખો વિજય સેવક પાસે લખાવી કલમની ધાર કાઢી આપી.

રાજા રણછોડરાયના ધામ ડાકોરમાં લક્ષ્મીજીના મંદિર પાસે બોડાણાના ઘરની શેરીનું છેલ્લું મકાન પૂજાલાલ ચુનીલાલ સેવક(પાર્શદ)નું. ત્યાં ૧૯૫૭માં જન્મેલ વિજય કેશવલાલ સેવક ભક્તિભાવનાચગાન-સંગીત નૃત્ય-ભજન કીર્તન વચ્ચે ઉછરેલા દાદા પગથી હારમોનિયમ વગાડતા. પિતા સુંદર અભિનેતા. બુલંદ અવાજ. પિતા અને કાનાં નાટકોનાં હર્સલમાં જઈ વિજ્ય બેસે. ક્યારેક નાનો રોલ પણ કર્યું. ઘઉં સાનો આઠસો ઑપેરા આજે પણ છે. નાટકના આ સંસ્કારો સાથે ડૉ વિજ્ય સેવક ૧૯૯૬થી સુરતની વી ટી. ચોક્સી સાર્વજનિક બી.એડ્. કૉલેજમાં અધ્યાપક તરીકે બરાબર ખીલ્યા છે. વર્ગખંડને રંગમંચમાં ફેરવ્યો છે. અંગ્રેજી અધ્યાપનને એણે અભિનય અને અભિવ્યક્તિના માર્ગે વાળેલ છે. વિવેટર ઇન એજ્યુકેશન’ની અતિ સફળ પ્રયોગ અમલમાં મૂક્યો છે. અનેક નાટ્યગ્રહીઓ સાથે મળી કેટકેટલાં નાટકો લખ્યાં – દિગ્દર્શિત કર્યાં – અભિનિત કર્યાં. રેડી, સ્ટેડી ઍન્ડ ગૉ’ અને ફન વીથ ઇંગ્લિશ’ પુસ્તકો લખ્યાં અને તેને વર્ગખંડમાં ભજવીને ભણાવ્યાં. ઍક્સેરિમેન્ટ તેનો સ્વભાવ છે. રૂઢિગત રિંગ અને ગમતું નથી. સેલ્ફ લર્નિંગની જબરી હિમાયત વિથ કરે છે. ગિજુભાઈ બધેકાની જેમ વિજ્ય સેવકનો વર્ગ મિિમડિયા હોય છે. વિયનું કેનવાસ વિશાળ છે. ટિચીંગ નહીં, એક્સપ્લેનેશન નહીં, પણ ઑરેશન, જૉયલ લર્નિંગ છાપાનાં કટિંગ, ડી, કાર્ટૂન, ચિત્રો ભાવિ શિક્ષકોને આપવાનાં અને તેના પરથી વિચારે ચડાવી તેનાં ઇમ્પ્રોવાઇડ્રેશન રજૂ કરાવવાનાં! સેલ્ફ લર્નિંગ ઇગ્લિશના ડૉ. વિજ્ય સેવકના પ્રથીગી આખા ગુજરાતમાં ફેલાવા, એટલું જ નહીં રાષ્ટ્રીય નાટ્ય સંસ્થા NSD દ્વારા તેની નોંધ લેવામાં આવી અને થિયેટર ઇન ઍજ્યુકેશન’નો પ્રોજેક્ટ વિજ્ય સેવકને નૅશનલ રિસોર્સ પર્સન બનાવી સોંપવામાં આવ્યો હમણાં જ આ પ્રયોગમાં સુરતની ચાલીસેક સ્કૂલ્સના ચાલીસ શિક્ષકો, ચારસો વિદ્યાર્થીઓ અને હજાર જેટલાં માતાપિતા આ થિયેટરમાં તાલીમ પામ્યાં, રમતાં રમતાં ભણી શકાય તેવું સ્વીકારી શક્યા. NSDના રાષ્ટ્રીય તજ્ઞ તરીકેનું બહુમાન ગુજરાતને પ્રથમવાર મળે છે, કારણ ડૉ. વિજ્ય સેવક જેટલો ક્રિએટીવ ટાસ્ક બૅઇઝ લર્નિંગ કે પ્રોસેસ સેન્ટર્સ ડ્રામાનો ટીચર ઍજ્યુકેટર ગુજરાતમાં એક માત્ર છે, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ પ્રકાશિત ડૉ. વિજય સેવકનું પુસ્તક તમસો મા જ્યોર્તિગમય’ પુરસ્કૃત થવું છે, બાળનાટકો પર કામ કરી સિદ્ધાંતો – પ્રક્રિયા સ્થાપિત કરી થેરાપ્યુટિક યુઝ ઑફ ડ્રામા ઇન ઍજ્યુકેશન વિકસાવવાના અને તેનાં દ્વારા જ શિક્ષણ આપવાનાં સ્વપ્નાં વિજય સેવે છે, I dont teach. I make them learn’ કહેનાર ડૉ. વિજ્ય સેવક માને છે કે, “શિક્ષકનું કંદ શ્રીકૃષ્ણના વિરાટ સ્વરૂપ જેવું હોવું અનિવાર્ય છે, જે શિષ્યને નિશામાંથી બેઠો કરી શકે!’

ગુજરાતી સાહિત્યની દુનિયામાં પણ કચ્છડો બારે માસ !!

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ધૂમકેતુ નવલિકા પુરસ્કાર પ્રાપ્ત કરનાર સાતમાંથી ત્રણ સર્જકો કચ્છના !! અરે, પુરસ્કૃત  બે યુવાનો તો સોનીકામ કરે છે ને ઉત્તમ સર્જક છે !!

તાજેતરમાં અમદાવાદ ખાતે એક વિશિષ્ટ સન્માન સમારોહમાં સાક્ષીભાવે જવાનું થયું. પ્રસંગ હતો ધૂમકેતુ નવલિકા-પુરસ્કાર પ્રદાન કરવાનો. જ્ઞાનપીઠ સર્જક શ્રી રઘુવીર ચૌધરીની વરિષ્ટ નિશ્રામાં આ કાર્યક્રમનું આયોજન ધૂમકેતુ  પરિવાર અને ગુર્જર પરિવાર દ્વારા થયું. 2016 થી 2023 સુધીના સાત વર્ષો દરમ્યાન ગુજરાતી સાહિત્યને મળેલ નવલિકાઓમાંથી વર્ષવાર ઉત્તમ નવલિકાઓને પુરસ્કૃત કરવામાં આવી. ધૂમકેતુ જી ના પુત્રી અને પૌત્રીની હાજરી સ્મરણ માર્ગે દોરી ગઈ. પ્રત્યેક સર્જકનો અને તેમની પુરસ્કૃત નવલિકાનો પરિચય પ્રખર વાર્તાકાર શ્રી કિરીટ દુધાતે આપેલ.

નોંધવા જેવી ત્રણ  બાબતો અંગે ખાસ ધ્યાન દોરવું છે :

આ કાર્યક્રમના આયોજક ગુર્જર પરિવાર છે એટલે ખાસ સ્પષ્ટતા કરવામાં આવી કે, આજે સન્માન પ્રાપ્ત નવલિકાઓના પ્રકાશકોમાં એક પણ પુસ્તક ગુર્જર  પ્રકાશનનું નથી, તે સાદર નોંધવું રહે. સાહિત્યના ક્ષેત્રમાં પારદર્શકતા ગુર્જરે આચરી બતાવી, કારણ ગુર્જર સાહિત્ય પ્રકાશન ક્ષેત્રમાં શતાબ્દી વટાવી  ગયેલ છે.

પુરસ્કૃત સાત સર્જકોમાંથી ત્રણ કચ્છના સર્જકો હતા. અંજારના અજય સોની (તેંત્રીસ વર્ષ), અંજારના જ જયંત રાઠોડ ( અઠઠાવન વર્ષ) અને ભુજ કચ્છના રાજેશ અંતાણી (પંચયોતેર વર્ષ). કચ્છમાંથી યુવાન, પ્રૌઢ અને વૃદ્ધ એમ માનવજીવનની ત્રણેય અવસ્થાઓ ધૂમકેતુ પુરસ્કારથી નવાજવામાં આવી તે દર્શાવે છે કે સાહિત્ય સર્જનને ઉંમરનો કોઈ બાદ નથી.

સાતમાંથી બે સર્જકો વ્યવસાયે સોની કામ કરે છે અને તેઓ ઉત્તમ સર્જક તરીકે પુરસ્કૃત થયા છે. મૂળ અંજારના અજય સોની અર્થશાસ્ત્રના સ્નાતક છે. તેમણે વાર્તા, નિબંધ, કોલમ, નવલકથા અને સંપાદનો પણ કર્યાં  છે. અમદાવાદના વિજય સોની ઇન્સ્ટ્રુમેન્ટશન એન્ડ કંટ્રોલમાં ઇજનેરીનો ડિપ્લો મેળવીને સોનાના  દાગીના બનાવવાનો કૌટુંબિક વ્યવસાય કરે છે. સોનીકામ કરતાં કરતાં વિજયે વાર્તાઓ અને નવલિકાઓમાં અનેક પુરસ્કૃત પ્રદાન કરેલ છે. શ્રી રમણલાલ સોની ગુજરાતી સાહિત્યનું ગુરુવર્ય નામ પણ તેઓ વ્યવસાયે સોની ન હતા. સાહિત્ય સર્જનને વ્યવસાયના બંધનો રોકી શકતા નથી, તે આનું નામ.

સામાન્ય રીતે કચ્છ રણપ્રદેશ તરીકે ઓળખાતો રહ્યો છે. કોઈ સમયે કચ્છના સાહિત્ય રણપ્રદેશનું  સાહિત્ય કહેવામાં આવતું. જેમ કચ્છ પાસે રણ છે એમ દરિયો પણ છે. દરિયા સાથે જીવતી પ્રજાનો લાંબો ઇતિહાસ છે.

ગુજરાતી સાહિત્યમાં કચ્છનું પહેલું પ્રદાન દરિયાઈ સાહિત્ય છે. ગુજરાતી ભાષામાં દરિયાઈ પરિવેશનું સાહિત્ય સૌ પ્રથમ કચ્છમાંથી આવ્યું. ગુણવંતરાય આચાર્ય દરિયાઈ કથાઓને કારણે જાણીતા બન્યા. ગુજરાતને ૧૬૦૦ કિલોમીટર જેટલો દરિયો હોવા છતાં જે પ્રમાણમાં કચ્છમાંથી દરિયાઈ સાહિત્ય આવ્યું એટલું ગુજરાતના અન્ય સાગરકાંઠેથી નથી આવ્યું. જેમ દરિયાઈ પરિવેશનું સાહિત્ય કચ્છમાંથી આવ્યું એમ રણનું સાહિત્ય પણ કચ્છની જ ભેટ છે. આમ દરિયાઈ અને રણ પરિવેશ ધરાવતું ગુજરાતી સાહિત્ય કચ્છ પ્રદેશની ઓળખ છે. અને આથી ઉપર ઉઠીને, વૈશ્વિક માનવીય સંકુલતાઓ અને મૂલ્યો ધરાવતું સાહિત્ય પણ આ પ્રદેશે આપ્યું છે. ડૉ. ધીરેન્દ્ર મહેતા  અને વીનેશ અંતાણીએ માનવમનના તળિયે પડેલાં પડોને ફંફોસ્યાં છે. તો ડૉ. જયંત ખત્રીએ ટૂંકી વાર્તા દ્વારા કચ્છના રણપ્રદેશને ઉજાગર કર્યો.

આજની પેઢીને કદાચ ખબર ન પણ હોય કે ગુજરાતી ભાષામાં સૌથી વધુ રહસ્યકથાઓ કચ્છમાંથી આવી છે. કચ્છના ગૌતમ શર્માએ ૧૦૦ જેટલી રહસ્યકથાઓ લખી છે. રહસ્યકથા જેવો જ લોકપ્રિય સાહિત્ય પ્રકાર પ્રણય કથાનો છે. પોતાના સમયમાં કચ્છના રસિક મહેતા ગુજરાતના સૌથી લોકપ્રિય નવલકથાકાર હતા. રસિક મહેતાની સંસ્કૃત પ્રચૂર શૃંગારિક ભાષા અને રતિરાગનાં અલંકારિક વર્ણનો એ સમયે ચર્ચાનો વિષય બન્યાં હતાં. કચ્છ દ્વિભાષી વિસ્તાર છે. એક આશ્ચર્ય જગાવે એવી બાબત એ છે કે મોટા ભાગના ગુજરાતી સાહિત્યકારો કચ્છી ભાષી પશ્ચિમ કચ્છમાંથી આવ્યા છે. કચ્છના ગુજરાતી સાહિત્યકારને ઘડતાં તત્વોમાં કચ્છી ભાષાનોય ફાળો છે. કચ્છના ગુજરાતી સાહિત્યકારો બહુધા ટૂંકી વાર્તા અને નવલકથા દ્વારા વ્યક્ત થયા છે.

કચ્છના લેખક ડૉ. જયંત ખત્રી ટૂંકી વાર્તાની નવી દિશા ચીંધનાર સર્જક ગણાય છે. ટૂંકી વાર્તામાં ડૉ. જયંત ખત્રીનું એક જુદી જાતનું પ્રદાન પણ છે જેના તરફ હજી કોઈનું ધ્યાન ગયું નથી. ગુજરાતી સાહિત્યને પહેલી પ્રાણીકથા આપવાનું શ્રેય કચ્છને જાય છે. ડૉ. જયંત ખત્રીની ‘હીરોખૂટ’નો નાયક પશુ છે અને સહનાયક પણ પશુ છે. કથાનો નાયક વિકલાંગ હોય એવી પ્રથમ નવલકથા પણ કચ્છમાંથી આવી. ડૉ. ધીરેન્દ્ર મહેતાની ‘ચિહ્ન’ નવલકથાનો નાયક વિકલાંગ છે. આજે આખું વિશ્વ આતંકવાદથી થરથરે છે, પરંતુ આ વિષયની પહેલી નવલકથા કચ્છના લેખકે લખી છે. વીનેશ અંતાણીની ‘ધૂંધભરી ખીણ’ આતંકવાદના વિષયવસ્તુ પર આધારિત ગુજરાતી ભાષાની પહેલી નવલકથા છે.

૨૦૦૧ માં થયેલા ભૂકંપ વિષયક સાહિત્ય પણ કચ્છના સર્જકે પહેલ કરી છે. ભૂકંપનું કથાવસ્તુ ધરાવતી ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા ‘છાવણી’ ડૉ. ધીરેન્દ્ર મહેતાએ આપી. અહીંનો એકેય સર્જક એવો નથી જેણે એકાધિક વખત વરસાદની કે પાણીની કે અન્ય સમસ્યાની વાત ન કરી હોય. કચ્છના સર્જકે કથા દ્વારા વ્યક્ત થવાનું પસંદ કર્યું છે. અત્યાર સુધીમાં કચ્છમાં રસિકલાલ જોશી, રસિક મહેતા, ગૌતમ શર્મા, ડૉ. ધીરેન્દ્ર મહેતા, નિરંજન અંતાણી, વીનેશ અંતાણી, રાજેશ અંતાણી, મૂળરાજ રુપારેલ, વનુ પાંધી, વીનુ કેશવાણી, રજનીકાન્ત સોની, જટુભાઈ પનિયા, નારાણ દામજી ખારવા, નલીન ઉપાધ્યાય, નારાયણ વસનજી ઠક્કુર, પ્રિતમલાલ કવિ, ઉમિયાશંકર અજાણી, પુષ્પદંત ભટ્ટ, હરેશ ધોળકિયા, આનંદ શર્મા, વ્રજલાલ અબોટી, માવજી સાવલા, અરુણા ઠક્કર તથા ઉત્તમ ગડા અને અજય સોનીએ ગુજરાતી નવલકથા લખી છે.

કચ્છમાં ટૂંકી વાર્તાનું સર્જન આઝાદી પૂર્વેનું છે. તત્કાલીન ટૂંકી વાર્તાઓ અને તેના લેખકો લોકપ્રિય રહ્યા છે. એવા લેખકોમાં ચંદ્રશંકર બુચ ‘સુકાની’ અને બકુલેશ પછી  ડૉ. જયંત ખત્રી અને નાનાલાલ જોશી. એ પછીના ગાળામાં ડૉ. મનુભાઈ પાંધીથી અજય સોની સુધી ઘણા લેખકોએ ટૂંકી વાર્તા લખી છે, પરંતુ ગુજરાતી સાહિત્યમાં ડૉ. ધીરેન્દ્ર મહેતા, વીનેશ અંતાણી, વનુ પાંધી, ડૉ. મનુભાઈ પાંધી, રાજેશ અંતાણી અને અજય સોનીની વાર્તાઓની વિશેષ નોંધ લેવાઈ છે.  ડૉ. ધીરેન્દ્ર મહેતાથી કચ્છની વાર્તામાં આધુનિકતાનો સ્પર્શ આવ્યો એવું જણાય છે.

બાલવાર્તા લેખનમાં તો મૂળ કચ્છના આજીવન શિક્ષક ઈશ્વર  પરમારનું પ્રદાન દિલ્હી સાહિત્ય  અકાદમી દ્વારા પણ પોંખાયું છે અને હજુ પણ એ દ્વારિકાવાસી ઈશ્વર ઝીણું ઝીણું કાંત્યા જ કરે છે. ૧૯૮૦ પછી સાગરકથાઓનાં વળતાં પાણી થયાં. લખાવાની જ બંધ થઈ ગઈ એમ કહીએ તોય ચાલે. સાગર સાહિત્યને પુનર્જીવિત કરવાનું કામ હસમુખ અબોટી ‘ચંદને’ કર્યું. તેમણે સાગરખેડૂઓની સફરોનું ઊંડાણપૂર્વક સંશોધન કરીને સત્યઘટનાઓ લખી છે.

સાતમાંથી ત્રણ કચ્છી સર્જકો સનમાન પામ્યા તે જાણી ઉમળકો આવ્યો એટલે સાહિત્ય વિહાર કર્યો તો જાણવા મળ્યું કે, સાહિત્યમાં પણ કચ્છડો બારે માસ  છે !!